આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2014

ઉમરેઠમાં શાંતિપૂર્ણ મતદાન – યુવા,વડીલ તેમજ વૃધ્ધોએ મતદાન કરવામાં ઉત્સાહ દાખવ્યો.


ઉમરેઠમાં ૯૮ વર્ષની વૃધ્ધ મહિલાએ મતદાન કર્યું..!

ઉમરેઠ નગરપાલિકાના પરીસરમાં આવેલ મતદાન મથક ઉપરથી ઉમરેઠના રાવળ જડાવબેન નામની ૯૮ વર્ષની વૃધ્ધ મહીલાએ મતદાન કરી લોકસાહીના સૌથી મોટા મહોત્સવની ઉજવણી કરી હતી. આ સમયે તેઓના પરિવારજનો પણ તેઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.સામાન્ય રીતે આંખે ઓછું દેખાતુ હોવાની ઘર બહાર જવાનું ટાળતા જડાવબેન રાવળે જણાવ્યું હતુ કે ૯૮ વર્ષ થયા હોવા છતા તેઓ મતદાન અચુક કરે છે. તેઓ મતદાન કરવા માટે પોતાના પૂત્ર અને પૂત્ર વધુ સાથે સવારના સમયે જ મતદાન મથકે આવી પહોંચ્યા હતા અને મતદાનની ફરજ બજાવી હતી.

ઉમરેઠમાં વિકલાંગ રમેશભાઈએ કર્યું મતદાન..!

ઉમરેઠમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. ઉમરેઠના વિકલાંક રમેશભાઈ ચાલી શકતા ન હોવા છતા મતદાન કરવા હાજર રહ્યા હતા. તેઓને તેઓના પરિવારજનો ઉચકીને મતદાન મથકમાં લઈ ગયા હતા. જ્યાં મતદાન મથકના વિવિધ અધિકારીઓ દ્વારા તેમને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. તેઓ ઉભા ન રહી શકતા હોવાને કારણે પ્રિસાઈન્ડીંગ ઓફિસર સહીત અન્ય ઓફિસરો તેઓને મતદાન કરાવવા તેઓની આંગળી પર ટપકું લગાવવા તેમજ તેઓની સાઈન લેવા ખુદ તેમની પાસે જમીન પર બેસી ગયા હતા. આ દ્રશ્ય જોઈ અન્ય મતદારો પણ વિચારમય બની ગયા હતા અને રમેશભાઈની પ્રશંશા કરી હતી.

વોર્ડ નં.૮ના મતદારો ભીના પગ કરી મતદાન કરવા ગયા..!

6

ઉમરેઠના વોર્ડ નં.૮ના મતદારો માટે ગુજરાતી સ્કૂલ ઓડ બજાર ખાતે મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતુ. આ સ્કૂલ બહારનો રસ્તો તાજેતરમાં આર.સી.સી થયો હોવાને કારણે આજે વહેલી સવારે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ભીના કોથળા નાખવામાં આવ્યા હતા જેથી વહેલી સવારે મતદાન કરવા આવેલા મતદારોએ ભીના પગ કરી મતદાન કરવા જવાની ફરજ પડી હતી આ સમયે વૃધ્ધ તેમજ મહીલા મતદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.બપોર બાદ પાણી સુકાઈ જતા પરિસ્થિતી સામાન્ય થઈ હતી.

ઉમરેઠના ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી)એ મતદાન કર્યું.

7

 

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલે ચિખોદરા ગામમાં પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો.તેઓએ  ભરતસિંહ સોલંકી જંગી મતો થી આણંદ લોકસભા બેઠક જીતશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને  પ્રજાજનોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. જયંતભાઈ પટેલે સવારથી પોતાના મત વિસ્તારના વિવિધ  ગામડાનો પ્રવાસ શરૂ કર્યો હતો અને કાર્યકરોને મળ્યા હતા. 

ઉમરેઠમાં રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદિયાએ મતદાન કર્યું.

8

ઉમરેઠના વાંટા વિસ્તારમાં આવેલ મતદાન મથક પર રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયાએ મતદાન કર્યું હતું. પોતાના પત્નિ સાથે મતદાન કરવા આવેલ લાલસિંહ વડોદિયાએ જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં મોદીની લહેર છે અને ભાજપને ૩૦૦થી પણ વધુ બેઠક મળશે. તેઓએ આણંદ લોકસભા બેઠક પણ જંગી મતથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

યુવા મતદારો- અમેં જ હૂકમના એક્કા

10

ઉમરેઠ પંથકમાં સવારથી યુવા મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. કેટલાક યુવાનોએ તો જણાવ્યું હતુ કે પ્રથમ વખત મતદાન કરવાનો અવસર તેમના માટે ખુબજ મહત્વનો છે. આવનારા દિવસોમાં યુવાનો જ હુકમના એક્કા સાબીત થવાના છે. ઉમરેઠના કેટલાક યુવાનો નોકરી ધંધા અર્થે અમદાવાદ,વડોદરા, સુરત જેવા શહેરોમાં હોવા છતા મતદાન કરવા માટે ઉમરેઠ આવી પહોંચ્યા હતા અને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભરતસિંહ સોલંકી બિમાર હોવાની અફવા આખરે ખોટી પડી..!

ઉમરેઠમાં મતદાનના આગલા દિવસે ભરતસિંહ સોલંકી બિમાર છે, અને તેઓ હોસ્પીટલમાં દાખલ કરાયા છે તેમજ તેઓ જીતશે તોય બિમારીને કારણે રાજીનામુ આપશે અને ફરી ચુંટણી આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. દિવસભર કોગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોના ફોન રણક્યા કરતા હતા અને ભરતસિંહ સોલંકીના ખબર અંતર પુછતા હતા. મતદાનના દિવસે વહેલી સવારે જ ભરતસિંહ સોલકીએ મતદાન કર્યું હોવાની જાણ થતા જ કોગ્રેસના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોગ્રેસ અને એન.સી.પીના અગ્રણી નેતાઓએ આવી ખબરનું ખંડન કરી મતદારોને અફવાથી દૂર રહેવા વિનંતી કરી હતી.ભરતસિંહ સોલંકીએ ઉમરેઠ સહીત વિધાનસભા મતવિસ્તારના કેટલાક ગામની મુલાકાત પણ લીધી હતી.

એન.આર.આઈ માટે ખાસ મતદાનની વ્યવસ્થા હોવી જરૂરી – કોકીલાબેન દોશી

ઉમરેઠના ૭૫ વર્ષના કોકીલાબેન દોશીએ જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં તેઓ માત્ર એક જ વખત કેનેડા ગયા હોવાથી મતદાન કરવાનું ચુક્યા છે. તેઓએ ઉમેર્યું હતુ કે દેશ બહાર થોડા સમય માટે ગયેલા લોકો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચુંટણી પંચ ધ્વારા વિશેષ વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી લોકતંત્રના મહોત્સવમાં તમામ મતદારો ભાગલઈ શકે. આજે ઉમરેઠ ખાતે જ્યુબિલી સ્કૂલ ખાતેના મતદાન મથકે તેઓએ મતદાન કરી પોતાની જવાબદારી નીભાવી હતી.

ઉમરેઠ જી.આઈ.ડી.સી ઓવર બ્રીજ ઉપર આર.સી.સીના સળિયા ઉપસી આવ્યા..!


  • ભ્રષ્ટાચારના ડોકાચીયા વચ્ચે અકસ્માનો ભય

ઉમરેઠ ઓડ માર્ગ પર જી.આઈ.ડી.સી પાસે બનાવેલ ઓવર બ્રીજ પર વચ્ચેના ભાગમાં પૂલનો આર.સી.સી માર્ગ બિસ્માર થઈ ગયો છે. રસ્તા પર સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા છે જેને કારણે આ માર્ગ પરથી અવર જવર કરનાર વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવ્યા કરે છે. ઓવર બ્રીજ બન્યાને માત્ર બે વર્ષ જેટલો સમય જ થયો છે ત્યાં ભ્રષ્ટાચાર રૂપી સ્લેપના સળિયા બહાર દેખાતા પૂલના કામમાં નિમ્ન કક્ષાનો સામાન વપરાયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ ઓડ માર્ગ ઉપર આવેલ જી.આઈ.ડી.સી પાસે રેલ્વે ફાટક પર લગભગ બે વર્ષ પહેલા ઓવર બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પૂલ બનતા લગભગ પાંચ થી છ વર્ષ લાગ્યા હોવા છતા પણ આ પૂલની ક્વોલેટીમાં કસ ન હોવાની રાહદારીઓ જણાવી રહ્યા છે. હાલમાં આ ઓવર બ્રીજમાં રીતસર સળિયા બહાર આવી ગયા હોવાને કારણે કાર તેમજ બાઈક સળિયામાં ફસાઈ જવાને કારણે અકસ્માતને ભેટે તેમાં કોઈ બે મત નથી. સદર માર્ગ ઉપર કોઈ અકસ્માત થાય તે પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા આ રસ્તાને રીપેર કરવામાં આવે તેમ ઉમરેઠના સ્થાનિકો સહીત આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો માગણી કરી રહ્યા છે.

ઉમરેઠમાં ધારાસભ્યશ્રીના કાર્યાલયનો આરંભ


ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના ધારાસ્ભ્યશ્રી જયંતભાઈ પટેલ (બોસ્કી)નું ઉમરેઠ ખાતે કાર્યાલત તાજેતરમાં અમિતભાઈ ચાવડાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ અંગે જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે ઉમરેઠ મત વિસ્તાર માંથી ચુંટાયા બાદ ઉમરેઠના મતદારોને રજૂઆતો કરવા માટે છેક ચિખોદરા સુધી ન જવું પડે તે હેતું થી ઉમરેઠ ખાતે એફ.આર.ની ખરી પાસે, જલારામ સોસાયટી માર્ગ પર કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે જે સવારે ૯ થી ૫ કલાક સુધી ખુલ્લુ રહેશે તેઓએ પ્રજાજનોને પોતાના પ્રશ્નો કાર્યલય ખાતે રજૂઆત કરવા જણાવેલ છે. ધારાસભ્યનું કાર્યાલય ઉમરેઠ ખાતે શરૂ થતા નગરજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી

ઉમરેઠ શહેર ભાજપ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરાયો.


આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દિલીપભાઈ પટેલને વિજેયતા બનાવવા માટે ઉમરેઠ શહેર ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે ઉમરેઠના વોર્ડ નં.૯માં ભાજપના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો હતો અને ભાજપના ઉમેદવાર દિલીપભાઈ પટેલને વિજેયતા બનાવવા મતદારોને અપીલ કરી હતી. આ સમયે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ, નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલ ભાજપ અગ્રણી વિષ્ણુભાઈ પટેલ સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠમાં ભાજપના કાર્યકરો છાગટા બન્યા – કોગ્રેસ કાર્યલાય બહાર પ્રચાર સાધનો સહીત બેનરોની તોડફોડ કરી.


ઉમરેઠના પીપળીમાતા વિસ્તારમાં આવેલ કોગ્રેસ કાર્યલય બહાર ઉભેલા પ્રચાર વાહનો અને કોગ્રેસના બેનરોને ભાજપના કાર્યકરો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવતા મામલો બિચક્યો હતો આ અંગે કોગ્રેસના કાર્યકરો સહીત નેતાઓ કાર્યલય ખાતે આવી સદર બનાવની સમીક્ષા કરી હતી અને ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ કૃત્યને વખોડી કાઢ્યો હતો. સમગ્ર ઘટના અંગે ઉમરેઠ શહેર કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલે ઉમરેઠ પોલીસ સ્ટેશને બાઈક રેલીના સંચાલક સહીત બાઈક નંબર જી.જે.૨૩-૨૧૪૩ અને જી.જે.૨૩એ.સી.સી ૧૧૧૫ના ચાકલ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠના શીલીવગા પાસે આવેલ પીપળીમાતા વિસ્તારમાં તાજેતરમાં અમીતભાઈ ચાવડાના હસ્તે કાર્યલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ આજે બપોરે ભાજપની રેલી આ વિસ્તાર માંથી પસાર થઈ હતી ત્યારે કેટલાક અસામાજિક કાર્યકરો દ્વારા કોગ્રેસ કાર્યાલય બહાર પડેલા પ્રચાર સાધન સહીત બેનરો અને તોરણો તોડી પાડવામાં આવ્યા હતા અને વિવિધ પ્રચાર સાધનોને નુકશાન કરવામાં આવ્યું હતું. ઉમરેઠમાં બનેલ સદર બનાવને લઈ કોઈ બનાવ ન ઘટે તે માટે ઉમરેઠ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર આવી બનાવની સમીક્ષા કરી હતી. અને સદર કૃત્ય કરનાર બાઈક ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ સદર કૃત્યની નગરમાં ટીકા થઈ રહી છે.

આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ


IMG-20140424-WA0038

ઉમરેઠની દશા ખડાયતાની વાડી ખાતે આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા આજે બપોરે ૨.૩૦ કલાકે કિર્તન બાદ શોભાયાત્રા નિકળશે જેમાં સર્વે વૈષ્ણવો ને જાહેર આમંત્રણ છે.

ઉમરેઠની આજ-કાલ


  • ઉમરેઠમાં ગઈકાલે સાંજે એસ.એન.ડી.ટી મેદાન ખાતે નરેન્દ્ર મોદીની થ્રી-ડી સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં કાર્યકરોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
  • ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ સહીત તેમજના સમર્થકો ભાજપમાં જોડાઈ ગયા છે, અને પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. વોર્ડ નં.૨માં ગઈ કાલે પ્રચાર અર્થે ભાજપના કાર્યકરો નિકળ્યા હતા, આજે પણ નગરના વિવિધ વોર્ડમાં ભાજપ ડોર ટુ ડોર પ્રચાર કરશે.
  • કોગ્રેસનું કાર્યાલય ઓડ ચોકડી પાસે ખોલવામાં આવ્યું છે, કાર્યલય તો ખુલ્યું પણ ઉમરેઠમાં કોગ્રેસના કાર્યકરો શોધ્યા જળતા નથી. લાગે છે, બેઠ્ઠું કામ કરે છે. કહેનારા તો તેમ પ કહે છે કોગ્રેસ ગ્રામ્ય વિસ્તારના વોટ ઉપર નિર્ભર છે.
  • ઉનાળાની શરૂઆત સાથે ઉમરેઠમાં દર રવીવારે વીજકાપ શરૂ થઈ ગયો છે. ગયા રવીવારે પંચવટીની પેલી બાજૂ એટલે કે ખરાદી ની કોઢ સટાક પોળ તરફ લાઈટો બંધ હતી, કદાચ આ રવીવારે આ બાજૂ એટલે કે ચોકસી બજાર ઓડ બજાર વિસ્તારનો વારો નક્ક્કી જ હશે..!
  • ઉમરેઠના ઓડ બજારમાં આર.સી.સી રોડ બની રહ્યા છે, દૂધ ની ડેરી પાસે બાકી રહેલ અધુરા આર.સી.સીનું કામ શરૂ થઈ ગયું છે. તેમજ ઓડ બજાર ગુજરાતી સ્કૂલ દત્તાત્રેય મંદિર તરફનો રોડ પણ આર.સી.સી બનાવી દેવામાં આવ્યો છે. આવનારા દિવસમાં કોર્ટ રોડ પણ નવો બનવાનો છે તેમ ગુસપુસ શંભળાય છે.
  • પંચવટી સંતરામની આઈસ ડિશ, બસ સ્ટેશન શેરઢીનો રસ, દેવનારાયનનો આઈસ્ક્રીમ બપોરે અમુલની છાસ, સાલું ઉનાળામાં ઉમરેઠના લોકોનું બજેટ ખોરવાઈ જતું હશે તેમ કહીયે તો ખોટું નહી, બરાબર ને…?
  • સમર કેમ્પની ઉમરેઠમાં હવે, બોલબાલા વધી ગઈ છે. ગયા વર્ષે એક સમર કેમ્પનું આયોજન સફળ રહ્યું હતુ જેથી આ વર્ષે ત્રણ થી ચાર આયોજકો દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નાના છોકરાઓ ને હવે જલસા થઈ જવાના…!
  • મંદી..મંદી..ને મંદીની વાતો સાવ પોકળ લાગે છે, ઉમરેઠના ચોકસી બજાર, કંસારા બજાર અને કાપડ બજાર દીન દુગની રાત ચોગની પ્રગતિ કરતું હોય તેમ લાગે છે.

છેલ્લી વાત…

સાલુ ઉમરેઠમાં નરેન્દ્ર મોદીની થ્રી-ડી સભા થ’ઈ, આણંદમાં ૨૮મીએ મોદીની સાચ્ચકડી સભા છે,

ભરતસિંહને આ વર્ષે જોખમ ખરું નઈ..?

” અરે શું જોખમ, આ વર્ષે ૬૭ હજારની જગ્યાએ ૪૦ હજાર મતોથી જીતશે…!”

નડિયાદ બેઠક પરથી ચુંટણી લડતા રોશન શાહ કેનેડાના નાગરિક..!


ચુંટણી પંચને ઈ-મેલ કરી જાણ કરી હોવા છતા તેઓનું ઉમેદવાર તરીકે બરકરાર

ભારત દેશમાં મત આપવાનો અધિકાર અને ચુંટણીમાં ઉભા રહેવાનો અધિકાર માત્ર ભારતના નાગરિકોનો જ હોય છે. બીજા દેશના નાગરિકો વોટ આપી શકતા નથી કે પછી ચુંટણીમાં ઉભા રહી શકતા પણ નથી. પરંતું સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં કોઈ ઉમેદવાર કયા દેશનો નાગરિક છે તે ચકાસવા માટે કોઈ નક્કર સાધન નથી. જી, હા બિલકુલ સાચી વાત છે નડિયાદ લોકસભા બેઠક પરથી કેનેડાના નાગરિક રોશન શાહ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે. માત્ર નડિયાદ જ નહી અમદાવાદ (પૂર્વ) બેઠક પરથી પણ તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. નડિયાદમાં તો તેમને ચુંટની ચિન્હ “કેલ્ક્યુલેટર” અન.નં.૧૫ સાથે ફાળવવામાં આવ્યું છે.

આ અંગે રોશન શાહએ જણાવ્યું હતુ કે હાલમાં ભારતમાં ચુંટણી પ્રક્રીયામાં ખુબજ છટક બારીઓ છે, ઉમેદવાર ક્યા દેશનો નાગરિક છે તે ચકાસવા માટે ચુંટણી પંચ પાસે કોઈ અસરકારક સાધનો જ નથી જેના કારણે તેઓ વિદેશી નાગરીક હોવા છતા ભારતમાં એક નહી બલકી બે બેઠક ઉપરથી લોકસભાની ચુંટણીમાં ઝંપલાવી રહ્યા છે. રોશન શાહએ ઉમેર્યું હતુ કે તેઓ ૨૦૦૪-૦૫માં ધંધા-રોજગા અર્થે કેનેડામાં સ્થાહી થયા હતા અને સમયાંતરે તેઓએ કેનેડાનું સિટીઝન મેળવ્યું હતું હાલમાં તેઓ કેનેડીયન પાસપોર્ટ ધરાવે છે. પરંતું ૨૦૦૪ પહેલાના ચુંટણી કાર્ડ સહીતના ઓળખના પુરાવા સાથે તેઓએ લોકસભાની ચુંટણીમાં ઉમેદવારી સફળતાથી નોંધાવી દીધી છે. આ અંગે તેઓએ ચુંટણી પંચને ઈ-મેલ દ્વારા જાણ કરી હોવા છતા ચુંટણી પંચ આજ દીન સુધી કુંભકર્ણની નિદ્રામાં છે અને તેઓની ઉમેદવારીને લઈ હજૂ સુધી કોઈ ટિપ્પણી સુધ્ધા ચુંટણી પંચ ઉચ્ચારતા નથી. વધુમાં રોશન શાહએ જણાવ્યું હતુ કે ચુંટનીમાં ઉભા રહેવાનો તેઓનો હેતું માત્ર ચુંટની પ્રક્રિયાની ખામી ઉજાગર કરવાનો નહી પરંતુ તક મળે તો નડિયાદ અને અમદાવાદના પોતાના ક્ષેત્રમાં વિકાસ કરવાનો છે. તેઓએ ઉમેર્યું હતુ કે આજે દેશને ભણેલા ગણેલા લોકો ચુંટણીમાં ઝંપલાવવાથી દૂર થઈ રહ્યા છે માત્ર વોટ આપી દેશની તસ્વીર બદલી શકાતી નથી, યુવાનોએ ચુંટણીમાં ઝંપલાવી સિસ્ટમમાં રહી સિસ્ટમ બદલવાની દેશને ખરી જરૂરીયાત છે.

ફોર્મ-૨૬માં સુધારા કરવાની જરૂર.

પોતે વિદેશી નાગરીક હોવા છતા ભારતની સૌથી મોટી કહેવાતી લોકસભાની ચુંટણીમાં સફળતાથી ઉમેદવાર તરીકે ઉભા રહેલા રોશન શાહએ જણાવ્યું હતુ કે, ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવનાર વ્યક્તિ કયા દેશનો નાગરીક છે, તે પાસપોર્ટ ધરાવે છે કે નહી, જો પાસપોર્ટ ધરાવતો હોય તો પાસપોર્ટ નંબર સહીતના વિદેશ મુલાકાત અંગે ફોર્મ -.૨૬માં ઉલ્લેખ કરાવી શકાય છે અને આ વિગતોની એફીડેવીટ પણ ચુંટણી પંચ કરાવે તો ઉમેદવારનું નાગરિત્વ કયા દેશનું છે તે જાણી શકાય છે.

નડિયાદમાં રોજગારી તેમજ સ્વાસ્થય અને શિક્ષણ સુધારવા પર ભાર રહેશે.

રોશન શાહએ જણાવ્યું હતુ કે મોટા ભાગે અપક્ષ ઉમેદવારોને સાઈડ લાઈન કરી મતદારો મતદાન કરતા હોય છે. પરંતુ અપવાદ કિસ્સામાં કેટલીક વખત સારા ઉમેદવારો પણ અપક્ષ તરીકે ચુંટની મેદાનમાં હોય છે અને તેઓને પ્રજાનો સાથ ન મળે એટલે દેશ વધુને વધુ ગરીબાઈ અને બેરોજગારી તરફ ધકેલાય છે. તેઓએ નડિયાદના વિકાસ સાથે નડિયાદમાં રોજગારી વધે તે માટે કાર્યો કરવા માટે તૈયારી બતાવી હતી અને કહ્યું હતુ કે નડિયાદને ગ્રીન સિટી બનાવવી તેમજ સરકારી ટેન્ડરના ૧૫% જેટલા કામ નવા સાહસીકોને આપવા,તાલુકા કક્ષાએ વન સ્ટોપ બિઝનેસ સુવિધા કેન્દ્રો ખોલવા, મોબાઈલ/કોમ્યુટર ઉત્પાદન તેમજ સોફ્ટવેર/હાર્ડવેર ક્ષેત્રે રોજગારીન તકો સહીત,ધો.૮ સુધી મફત શિક્ષણ અને કિડ્સ વલ્ડ જેવા પ્રોજેક્ટો કરવાની વાત કરી હતી.

અત્યારે પણ ધારાસભ્યો કે સંસદ સભ્યો વિદેશી નાગરિક હોઈ શકે .

રોશન શાહએ જણાવ્યું હતુ કે અત્યારે પણ ગુજરાતના કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યો અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા હોઈ શકે છે. જેમ હું વિદેશી નાગરીક હોવા છતા ચુંટણીમાં ઝંપલાવી રહ્યો છે તેમ ભૂતકાળમાં અન્ય નેતા પણ આમ કરવામાં સફળ રહ્યા હોઈ શકે છે. તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો કયા દેશના નાગરિક છે તે અંગે ચુંટણી પંચ ખુલાસો માગે તો ચોકાવનારા પરિનામો બહાર આવે તો નવાઈ નહી..! પાકિસ્તાન કે પછી બાંગ્લાદેશના નાગરિકો પણ પ્રવર્તમાન ચુંટની પ્રક્રિયામાં ચુંટાઈ જાય તો દેશનું શું થશે તે વિચાર માત્ર ધ્રુજાવી મુકે તેમ છે.

ઉમરેઠમાં શિક્ષણ,આરોગ્ય સહીત માળખાગત સુવિધાને લગતા પ્રશ્નો યથાવત્…!


સાંસદ સભ્ય પાસે મતદારોની અઢળક અપેક્ષા..!

ઉમરેઠને તાલુકો બન્યો છતા પણ તાલુકાને છાજે તેવી સુવિધાઓ લાવવામાં ઉમરેઠના સ્થાનિક નેતાઓ સહીત સરકારી તંત્ર તદ્દન નિષ્ફળ નિવળ્યું હોવાનું નગરજનો મત પ્રગટ કરી રહ્યા છે.ઉમરેઠમાં હાલમાં શિક્ષણ,આરોગ્ય સહીત માળખાગત સુવિધાના અભાવને કારણે આજે પણ ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો જિલ્લા મથક આણંદ કે પછી વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. ઉમરેઠમાં આજ દિન સુધી જી.આઈ.ડી.સીમાં કોઈ ઉદ્યોગ શરૂ નથી થયા ઉપરથી ગ્લાસ લાઈન કંપની જે ઉમરેઠ પંથકના લોકોને રોજગારી આપતી હતી તે પણ વર્ષોથી બંધ થઈ ગઈ છે. ઉમરેઠમાં સ્વાસ્થય,શિક્ષણ સહીત માળખાગત સુવિધાને લગતા પ્રશ્નો ક્યારે દૂર થશે તે ઉમરેઠના નાગરીકો માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે,યુધિષ્ઠીર રૂપી કોઈ રાજકિય નેતા આવે અને આ યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવે તેની પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે ઉમરેઠનો નહિવત્ વિકાસ થયો છે,આણંદ – ખેડા જિલ્લામાં સૌથી જૂની જ્યુબિલિ સ્કૂલ ઉમરેઠ ખાતે છે પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે આજ દીન સુધી ઉમરેઠમાં કોઈ કોલેજ બની નથી. કોલેજની વાત તો દૂર જુનિયર કે.જી કે સિનીયર કે.જીના વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ મેળવવા માટે આણંદ કે નડિયાદની વાટ પકડવી પડે છે. હાલમાં પોતાના બાળકોને ભણાવવા માટે આણંદ સ્થાહી થયેલા વાલીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ઉમરેઠના કોઈ નેતા આગળ આવી નગરમાં શિક્ષણ વ્યવસ્થા સમયની માંગ મુજબ શરૂ થાય તેવા નિર્ણાયક પગલા ભરે તેમ નગરજનો માંગ કરી રહ્યા છે.

એક તરફ શિક્ષણનો સળગતો પ્રશ્ન પ્રજાજનોને નડી રહ્યો છે ત્યારે બીજી બાજૂ સ્વાસ્થયને લગતી સેવામાં પણ ઉમરેઠનો જોઈયે તેવો વિકાસ થયો નથી. ઉમરેઠમાં આવેલ આરોગ્ય કેન્દ્ર વર્ષો જૈસેથે ની પરિસ્થિતીમાં છે. ઈન્સેન્ટીવ કેર યુનીટ કે પછી અન્ય ઉચ્ચ મેડીકલ ટ્રીટમેન્ટની ઉમરેઠના આરોગ્ય કેન્દ્રમાં સુવિધા નથી જેથી આરોગ્યની સેવા માટે પણ ઉમરેઠના પ્રજાજનોને આણંદ,નડિયાદ કે પછી કરમસદની હોસ્પિટલ ઉપર નિર્ભર રહેવું પડે છે. જેથી આવનારા સમયમાં નેતાઓ પાસે પ્રજાજનો નગરમાં આરોગ્યલક્ષી સેવા સુધરે તેવી અપેક્ષા સેવી રહ્યા છે.

ઉમરેઠમાં આરોગ્ય તેમજ શિક્ષણ સહીત માળખાગત સુવિધાઓ પણ ઉંધા મોઢે પડી છે. નગરના મુખ્ય માર્ગો હાલમાં ખુજબ ખરાબ સ્થિતિમાં છે. ખાસ કરીને ઉમરેઠના વડા બજાર વિસ્તાર તેમજ પંચવટી થી ઓડ બજાર માર્ગની પણ અત્યંત ખરાબ હાલત છે. અવાર નવાર નગરના રસ્તા ઉપર થિંગડા મારવામાં આવે છે, પરંતુ તેનાથી પ્રજાજનોને રાહત મળતી નથી જેથી નગરમાં વ્યવસ્થિત સારી ક્વોલીટીના રસ્તા બને તેમ પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત ઉમરેઠ નગરમાં બાગ-બગીચાની સુચક ગેરહાજરી પણ નગરજનોને ખટકી રહી છે. વર્ષોથી ઉમરેઠમાં કોઈ બાગ બગીચો ન બન્યો હોવાનો નગરજનો ખેદ અનુભવી રહ્યા છે. સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય તમામ નેતાઓની ગ્રાન્ટો વપરાયા વગરની રહી જાય છે, છતે પૈસે પોતાના વિસ્તારમાં વિકાસ કરવામાં આળશું અભિગમ દાખવતા નેતાઓ ઉપર જનઆક્રોશ ચરમસીમાએ છે.

ઉમરેઠના યુવાનો નેતાઓ પાસે શું અપેક્ષા રાખે છે..?

ઉમરેઠમાં ચાલુ વર્ષે નવા મતદારો મોટી સંખ્યામાં નોંધાયા છે. યુવા મતદારો મતદાન કરવા માટે થનગનાટ કરી રહ્યા છે. સાથે સાથે પોતાના વિસ્તારમાં તેઓને પડતી સમસ્યાને લઈને પણ તેઓ જાગૃત છે. ઉમરેઠના વિવિધ પ્રશ્નો અંગે નગરના યુવાનોએ પ્રતિભાવો આપ્યા હતા જેને અનિલક્ષી રાજકિયનેતાઓ આવનારા વર્ષોમાં સકારાત્મક તેમજ નિર્ણાયાત્મક પગલા ભરે તે જરૂરી છે.

૧૦૮ ઈમરજન્સી વાનની જરૂર – રીતેષ પટેલ

ઉમરેઠના રીતેષભાઈ પટેલે જણાવ્યું હતુ કે લગભગ ૪૨ ગામડા ઉમરેઠ સાથે સીધા જોડાયેલા છે છતા પણ ૧૦૮ ઈમરજન્સી વાનને ઉમરેઠમાં પાર્કીંગ મળ્યું નથી હાલમાં ઉમરેઠમાં કોઈ અકસ્માત કે મેડીકલ ઈમરજન્સી ઉભી થાય તો ડાકોર, પણસોરા અથવા ઓડ થી ૧૦૮ ઈમરજન્સી વાન આવે છે, જેથી ઉમરેઠ ખાતે અલાયદી ૧૦૮ વાન ફાળવણી થાય તે જરૂરી છે.

શિક્ષણ ક્ષેત્રે ઉમરેઠમાં વિકાસ જરૂરી – મનસુખ પ્રજાપતિ

ઉમરેઠના મનસુખ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે ઉમરેઠમાં ઉચ્ચ શિક્ષક મળે તે માટે શૈક્ષણિક સંસ્થોનો અભાવ છે. બી.એસ.સી, બી.કોમ અથવા તો ડીપ્લોમાં ડીગ્રી કોર્ષ કરવા માટે પણ ઉમરેઠના યુવાનોએ મોટા શહેરોની વાટ પકડવી પડે છે.

માળખાગત સુવિધાને ઉમરેઠનો વિકાસ રૂંધાય છે. – મયંક પટેલ

માળખાગત સુવિધાનો અભાવ તેજ ઉમરેઠના વિકાસના માર્ગ ઉપર રોડા સમાન છે. ઉમરેઠમાં રસ્તા ખરાબ છે અને વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. જેથી બહારગામ થી ઉમરેઠમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો પરેશાન થઈ જાય છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે.

રમત ગમતના મેદાન માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવો જરૂરી – ભૂષણ શાહ

ઉમરેઠના ભૂષન શાહએ જણાવ્યું હતુ કે ધારાસભ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટ માંથી નગરના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડનો વિકાસ કરવો જરૂરી છે. ગ્રાઊન્ડનો યોગ્ય રખરખાવ થાય તેમજ ત્યાં પીવાના પાણીની સમસ્યા સહીત કીડ્સ ઝોન બનાવવામાં આવે તે સમયની માંગ છે. જો નગરમાં પ્લેગ્રાઊન્ડનો વિકાસ થાય તો ભવિષ્યમાં રમતવીરોને પ્રોત્સાહન મળશે

ઉમરેઠમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.


ઉમરેઠમાં આચાર્યશ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી તા.૨૩.૪.૨૦૧૪ થી ૨૫.૪.૨૦૧૪ સુધી દશા ખડાયતાની વાડી ચોકસી બજાર ખાતેથી ઉત્સાહભેર કરવામાં આવશે. આ પ્રસંગે તા.૨૩/૪/૨૦૧૪ના રોજ બપોરે ૨ કલાકે પાઠ તા.૨૪.૪.૨૦૧૪ના રોજ રાત્રે ૯ કલાકે કિર્તન,તા.૨૫.૪.૨૦૧૪ના રોજ સવારે ૫.૩૦ કલાકે પ્રભાતફેરી તેમજ બપોરે ૨.૩૦ કિર્તન બાદ ૪ કલાકે શોભાયાત્રા નિકળશે. તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ઉમરેઠ ખડયતા મિત્ર મંડળ દ્વારા વૈષ્ણવોને જણાવવામાં આવેલ છે.

ઉમરેઠ ભાજપમાં વફાદાર નેતાઓ સાઈડ લાઈન – બળવાખોરોનો દબદબો..!?


ભાજપ સામે બળવો કરનાર લાલસિંહ વડોદિયા રાજ્યસભાના સાંસદ છે અને સંજય પટેલ નગરપાલિકાના પ્રમુખ છે.

ઉમરેઠનું રાજકારણ જે સમજી જાય તે દિલ્હી સુધી પહોંચી જાય..! ખરેખર આ ઉક્તિ ઉમરેઠના પ્રવર્તમાન રાજકારણ ઉપર બંધ બેસતી હોય તેમ લાગે છે. મૂળ ભાજપના અને કોગ્રેસના મેન્ડેટથી પાંચ વર્ષ ધારાસભ્ય પદે ઉમરેઠની સેવા કર્યા બાદ આજે તેઓ ભાજપ પક્ષ તરફથી રાજ્ય સભાના સાંસદ તરીકે કાર્યરત છે.

વધુમાં ઉમરેઠ પાલીકાના પ્રમુખ સંજય પટેલ પણ ભાજપ સામે બળવો કરી પાલિકામાં અપક્ષની મદદથી પ્રમુખ પદ મેળવ્યું હતું. નગરપાલીકાના માજી પ્રમુખ વિષ્ણુભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા અરવિંદ પટેલની પસંદગી કરવામાં આવી હતી અને તમામ સભ્યોને તેઓની તરફેનમાં મતદાન કરવા જણાવવામાં આવ્યું હતુ પરંતુ તે સમયે પાલિકાના ઉપ- પ્રમુખ સંજય પટેલ દ્વારા પ્રમુખ પદ મેળવવા માટે પક્ષમાં રજૂઆતો કરી હોવા છતા પક્ષે પોતાનો નિર્ણય યથાવત્ રાખી અરવિંદભાઈ પટેલને જ પ્રમુખ તરીકે પ્રોજેક્ટ કર્યા હતા આ સમયે ભાજપ નાજ સંજય પટેલે ભાજપના આઠ સભ્યો સહીત અપક્ષના સભ્યોના ટેકાથી ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખનું પદ આંચકી લીધુ હતું અને ભાજપને નગરમાં શરમજનક પરિસ્થિતી માંથી પસાર થવાનો વારો આવ્યો હતો. છતા પણ કડવા ઘુંટળા પી જઈ ને હાલમાં લોકસભાની ચુંટણી ટાણે સંજયભાઈ પટેલ અને તેઓના સાથીદારોને બળવો કર્યો હોવા છતા પણ ભાજપમાં સમાવવાની નિતિ અંગે નગરમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. ઉમરેઠમાં હાલમાં તમામ સત્તાના કેન્દ્રો ભાજપના બળવાખોર નેતાઓના હાથમાં આવી ગયા છે અને મૂળ ભાજપના વર્ષોથી વફાદાર નેતાઓ મુઝવનમાં મુકાઈ ગયા છે,અને લાફોખાઈ ગાલ લાલ રાખવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉમરેઠની પ્રજા છેલ્લા દશ વર્ષથી ભાજપ તરફ નમેલી છે. નગરપાલિકા થી માંડી લોકસભાની ચુંટણીમાં સ્થાનિક ઉમરેઠના વોટ ભાજપ તરફી જ હોય છે અને પ્રવર્તમાન સમયમાં પણ ઉમરેઠ શહેરમાં ભાજપ તરફી વાતાવરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે ભાજપ સંગઠન દ્વારા શા માટે બળવાખોર સામે નબળું વલણ અખત્યાર કરવામાં આવે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

સંજય પટેલને ભાજપમાં લઈ ભાજપને શું મળ્યું..?

સંજય પટેલ ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ છે,હાલમાં તેઓને ભાજપમાં પૂનઃ પ્રવેશ આપવામાં આવ્યો છે,પરંતુ તે ભાજપમાં ન પણ હોત તો ભાજપને શું ફેર પડત..? ઉમરેઠની પ્રજા પહેલે થી ભાજપ તરફી છે જેથી સંજય પટેલને ભાજપમાં લેવાથી ભાજપને કોઈ ફેર નહી પડે તેમ રાજકીય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે.

લાલસિંહ વડોદિયા ભાજપનો માસ્ટર સ્ટ્રોક..!

લાલસિંહ વડોદીયાને રાજ્યસભાના સાંસદ બનાવી ભાજપ દ્વારા માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે. ઉમરેઠ વિધાનસભામાં ક્ષત્રિય મતદારોનું વરચસ્વ છે, લાલસિંહ વડોદિયા પણ ક્ષત્રિય ઉમેદવાર તરીકે ઉમરેઠ વિધાનસભામાં સારો દબદબો ધરાવે છે જેથી તેઓને રાજ્યસભા માંથી સાંસદ બનાવી લોકસભામાં પટેલ ઉમેદવાર સામે ક્ષત્રિયોના વોટનું વિભાજન થતું અટકાવવા ભાજપ દ્વારા જોઈ વિચારી સદર પગલું ભરવામાં આવ્યું છે તેમ રાજકિય તજજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે.

હું પદને નહી પક્ષને પ્રેમ કરું છું – વિષ્ણુભાઈ પટેલ (માજી ધારાસભ્ય)

ઉમરેઠ ભાજપમાં હાલમાં બળવાખોરોનો દબદબો છે તે અંગે વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતુ કે, હું પદને નહી પક્ષને પ્રેમ કરું છું. પક્ષ મને જે પણ પદ આપે તે પદ ઉપરથી પક્ષની તરફેણમાં કાર્ય કરતો રહીશ, લાલસિંહ વડોદીયા અમારા ભાઈ જેવા જ છે. તેઓએ ઉમેર્યું હતુ કે છેલ્લા બાર વર્ષથી તેઓ ભાજપ પક્ષ તરફથી પાલિકાના સભ્ય થી લઈ ધારાસભ્યનું પદ મેળવી ચુંક્યા છે, આજે અને ભવિષ્યમાં પણ ભાજપ દ્વારા તેઓને જે કાર્ય સોપવામાં આવશે તે કાર્ય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાની દીશામાં અગ્રેસર જ રહેશે.

અવસાન નોંધ / બેસણું


પ્રેમીલાબેન કનૈયાલાલ શાહનું તા.૧૪.૪.૨૦૧૪ના રોજ અવસાન થયું છે.

P.K

સદગતનું બેસણું ઉમરેઠ તેમજ અમદાવાદ મુકામે રાખેલ છે.

ઉમરેઠ બેસણું

તા.૨૨.૪.૨૦૧૪ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે

સ્થળ – દશા ખડાયતાની વાડી, ચોકસી બજાર – ઉમરેઠ

અમદાવાદ બેસણું

તા.૨૬.૪.૨૦૧૪ના રોજ સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે

સ્થળ –

બારગામ દશાનાગર હોલ,
પ્રકાશનગર બસ સ્ટોપ સામે,
જવાહર ચોક
મણીનગર
અમદાવાદ

સંપર્ક સૂત્ર – ૦૭૯ – ૨૫૪૪૦૦૪૯  –    ઉમેશ પરીખ – ૯૯૨૫૦ ૦૭૧૬૬

યતીન શાહ – ૮૨૧૧૦ ૩૯૮૫૫

ઉમરેઠની દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડાના એ.ટી.એમ શોભાના ગાઠીયા સમાન..!


પંચવટી વિસ્તારમાં આવેલ દેના બેન્ક તેમજ ખરાદી કોઢ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા એ.ટી.એમ નિયમિત ચાલુ ન હોવાને કારણે એ.ટી.એમ ધારકો પરેશાન થઈ ગયા છે. સદર બેંકોના એ.ટી.એમ બંધ હોવાને કારણે બધો જ લોડ નગરના એસ.બી.આઈના એ.ટી.એમ ઉપર આવી જાય છે અને જ્યારે એસ.બી.આઈના એ.ટી.એમમાં ટેક્નીકલ ખામી આવે છે ત્યારે લોકો વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

પંચવટી વિસ્તારમાં આવેલ દેના બેન્ક તેમજ ખરાદી કોઢ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા એ.ટી.એમ નિયમિત ચાલુ ન હોવાને કારણે એ.ટી.એમ ધારકો પરેશાન થઈ ગયા છે. સદર બેંકોના એ.ટી.એમ બંધ હોવાને કારણે બધો જ લોડ નગરના એસ.બી.આઈના એ.ટી.એમ ઉપર આવી જાય છે અને જ્યારે એસ.બી.આઈના એ.ટી.એમમાં ટેક્નીકલ ખામી આવે છે ત્યારે લોકો વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

ઉમરેઠમાં દિવસે દિવસે વહેપાર ધંધા વધી રહ્યા છે. ખાસ કરીને સિલ્ક સિટી ઉમરેઠમાં સાડી બજાર સહીત ચોકસી બજાર તેમજ કંસારા બજારમાં આજકાલ ભારે ગ્રાહકીનો માહોલ દેખાઈ રહ્યો છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો પણ ઉમરેઠમાં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આવા સમયે નાણાની જરૂર પડે ત્યારે લોકો એ.ટી.એમનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં ઉમરેઠમાં છ એ.ટી.એમ કાર્યરત છે જે પૈકી ત્રણ એસ.બી.આઈના તેમજ એક દેના બેન્ક અને એક બેંક ઓફ બરોડાના એ.ટી.એમ સહીત એક કોર્પોરેશન બેંકના એ.ટી.એમનો સમાવેશ થાય છે.

દેના બેંક ઉમરેઠના પંચવટી વિસ્તારમાં આવેલ છે, આ વિસ્તારમાં દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે. પંચવટી વિસ્તાર નગરના તમામ બજારોથી નજીકમાં આવેલ છે જેથી લોકોને પૈસાની જરૂર પડે ત્યારે પંચવટી વિસ્તારમાં આવેલા દેના બેન્કના એ.ટી.એમ ઉપર પહેલી નજર કરે છે, પરંતુ દેના બેન્કનું એ.ટી.એમ કાયમી ચાલુ ન રહેતુ હોવાને કારણે લોકોએ એસ.બી.આઈના એ.ટી.એમમાં છેક બસ સ્ટેશન કે ભાટપીપળી વિસ્તારમાં જવું પડે છે. આવા સમયે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વધુમાં બેન્ક ઓફ બરોડા નગરના ખરાદીની કોઢ વિસ્તારમાં આવેલ છે જેનું એ.ટી.એમ પણ બેન્ક ચાલું હોય ત્યારે જ કાર્યરત હોય છે,બેન્ક ની અંદર એ.ટી.એમ આવેલું હોવાને કારણે બેંક બંધ થાય ત્યારે એ.ટી.એમનો ઉપયોગ કરી શકાતો નથી જેથી સદર એ.ટી.એમનો પણ લોકોને લાભ મળતો નથી અને દેના બેંક અને બેંક ઓફ બરોડાના એ.ટી.એમ લોકો માટે શોભાના ગાઠિયા સમાન બની જાય છે.

વધુમાં ઉમરેઠમાં કોર્પોરેશન બેંકનું પણ એ.ટી.એમ આવેલ છે જે ઓડ ચોકડી થી આગળના માર્ગે આવેલ છે. જે સ્થાનિક ઉમરેઠના લોકોને દૂર પડે છે જેથી ગામમાં એસ.બી.આઈના કાર્યરત ત્રણ એ.ટી.એમ ઉપર તમામ ભાર આવી જાય છે જેના કારણે એસ.બી.આઈના એ.ટી.એમમાં ભીડ થઈ જાય છે કોઈક સમયે એસ.બી.આઈના એ.ટી.એમમાં ટેક્નિકલ ખામી સર્જાય છે ત્યારે લોકો અન્ય એ.ટી.એમની નિષ્ક્રીયતાને કારણે હેરાન પરેશાન થઈ જાય છે, હાલમાં સમગ્ર ઉમરેઠ નગરના એસ.બી.આઈ એ.ટી.એમ ઉપર નિર્ભર થઈ ગયા છે.

..છતે પૈસે નાણા ઉછીના લેવા પડ્યા – મિહિર લાધાવાળા

ઉમરેઠના મિહિરભાઈ લાધાવાળાએ જણાવ્યું હતુ કે બહાર ગામથી ઉમરેઠ ખરીદી કરવા આવેલ એક યુવાનને પૈસાની વધારે જરૂર પડતા નાણા એ.ટી.એમ માંથી ઉપાડવા માટે પંચવટી વિસ્તારમાં આવેલ એ.ટી.એમ સહીત અન્ય એ.ટી.એમ તરફ મીટ માડી હતી પરંતું દેના બેંક અને બરોડા બેંકનું એ.ટી.એમ બંધ હોવાને કારણે એસ.બી.આઈના એ.ટી.એમનો રૂખ કર્યો હતો પરંતુ તેમાં પણ કોઈ કારણથી એ.ટી.એમ બંધ હોવાને કારણે તેઓએ છતા પૈસે નાણા ઉછીના લેવાની ફરજ પડી હતી જ્યારે થોડા જ કલાકમાં એસ.બી.આઈનું એ.ટી.એમ કાર્યરત થઈ જતા આખરે તેઓએ એસ.બી.આઈના એ.ટી.એમનો ઉપયોગ કર્યો હતો.

ઉમરેઠ પાલિકાના પ્રમુખ સહીત તેમના ટેકેદારો ભાજપમાં લીલા તોરણે પાછા લેવાયા..!


  • સંજય પટેલે પોતાના ટેકેદારો સાથે મળી અપક્ષના સહકારથી પ્રમુખ પદ મેળવ્યું હતું,ત્યારે ભાજપે નીચું જોવાનો વારો આવ્યો હતો.

કહેવાય છે રાજકારણમાં કશું ક્યારે પણ કાયમ માટે નથી હોતું,આજે કટ્ટર દુશ્મન ગણાતા લોકો આવતી કાલે ખાસ મિત્રો પણ બની જાય છે અને આજે ખાસ મિત્રો કહેવાતા લોકો કાલે કટ્ટર દુશ્મન પણ બની જતા હોય છે. તેમા પણ ચુંટણીના સમયે રાજકારણમાં પલ્ટી મારવાના કિસ્સા વધી જતા હોય છે. ઉમરેઠ નગરમાં પણ લોકસભાની ચુંટણીને અનુલક્ષી ભાજપે કડવો ઘુંટળો પી જઈ ભૂતકાળમાં પક્ષ ઉપર થઈ નગરપાલિકાનું પ્રમુખ પદ આંચકીલેનાર સંજયભાઈ પટેલ સહીત તેમના આઠ જેટલા ટેકેદારો અને કાર્યકરો સાથે ભાજપમાં પૂનઃપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. રમણલાલ વોરા, લાલસિંહ વડોદિયા સહીતના ભાજપના અગ્રણીઓએ સંજયભાઈ પટેલ સહીત તેઓના ટેકેદારોને ભાજપનો કેસરીયો પહેરાવી પક્ષમાં તેઓને આવકાર આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નગરપાલિકામાં વિષ્ણુભાઈ પટેલની પ્રમુખ પદ માટેની ટર્મ પૂર્ણ થતા ભાજપ દ્વારા પ્રમુખ માટે અરવિંદભાઈ પટેલનું નામ મુકવામાં આવ્યું હતુ ત્યારે સંજપ પટેલ દ્વારા પોતાના ભાજપના ટેકેદારો અને અપક્ષના ટેકાથી પ્રમુખ પદ આંચકી લીધુ હતુ, આ સમયે ઉમરેઠ શહેર ભાજપ દ્વારા તેઓ વિરૂધ્ધ કાર્યવાહી પણ શરૂ કરી પક્ષ માંથી બરતરફ કરવા સુધીના પગલા પણ લેવામાં આવ્યા હતા આ અંગે હજૂ નક્કર ચુકાદો પણ આવ્યો નથી ત્યારે લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ઉમરેઠ શહેરમાં ભાજપના વોટ ન બગડે તે માટે સંજય પટેલ (પ્રમુખ ઉ.ન.પાલીકા) સહીત તેઓના ટેકેદારોને ભાજપમાં પૂનઃ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉમરેઠમાં ચર્ચાઈ રહ્યું છે કે, આમ તો ભાજપમાં બળવો કરનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને પક્ષ દ્વારા કોઈ દાદ આપવામાં આવતી નથી અને આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ઉમરેઠ નગરમાં વાજતે ગાજતે પા.પ્રમુખ સંજયભાઈ પટેલને ભાજપમાં પૂનઃ પ્રવેશ આપવામાં આવતા પક્ષની નબળી કાર્યવાહી તેમજ તકવાદી નિર્ણયને લઈ નગરમાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે. આખરે ઉમરેઠ પાલિકાના પ્રમુખનો એક્કો જ સાજો ઠર્યો તેમ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના અગ્રણી નેતાઓએ તેમ પણ કહ્યું હતુ કે પ્રમુખ સંજય પટેલ વિરૂધ્ધ થયેલ કાર્યવાહીનો સકારાત્મક ઉકેલ પણ લાવવામાં આવશે.

રાજકિય સમિકરણો બદલાશે..!

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલને જ્યારે ભાજપ માંથી દુર કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે પ્રમુખ સંજય પટેલનો ઝુકાવ એન.સી.પી તરફ થઈ ગયો હતો. કહેનારા તો તેમ પણ કહેતા હતા જતા દિવસે પાલિકાને એન.સી.પી પણ ઓવર ટેક કરી દેશે. પરંતુ અચાનક ભાજપના મોવડી મંડળ દ્વારા માસ્ટર સ્ટ્રોક મારતા આખરે હવે ઉમરેઠ શહેરમાં ભાજપનું વરચસ્વ જ રહેશે તેમ રાજકિય તજજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે.

ઓલ ઈઝ વેલ – સુજલ શાહ – શહેર ભાજપ પ્રમુખ

ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહએ જણાવ્યું હતું કે, ઉમરેઠ શહેર ભાજપ હવે મજબુત થઈ ગયું છે અને શહેર ભાજપમાં બધુ જ ઓલ ઈઝ વેલ છે. તમામ નેતા અને કાર્યકરો આણંદ લોકસભા બેઠક જીતવા મહેનત કરી રહ્યા છે, લોકસભાની બેઠક જીતવાનો તેમનો પ્રાથમિક ધ્યેય છે.

શોશિયલ વેબસાઈટ પર નગરજનોના પ્રતિભાવ

  •  ઉમરેઠનું રાજકારણ સેલ્ફીશ થઈ ગયું છે. – પ્રદિપ પટેલ
  •  ઉમરેઠના તકવાદી રાજકારણને કારણે વિકાસ થતો નથી – હેમંત પટેલ
  •  પાલ્ટી બદલું પોલીટીક્સ ઉમરેઠમાં સામાન્ય થઈ ગયું છે. – કલ્પીન વ્યાસ
  •  નગર પાલિકાના સભ્યો પક્ષ પલ્ટુ છે – મિતેષ શાહ

સંક્ષિપ્ત સમાચાર


ઉમરેઠ તાલુકા પેન્સનર્સ મંડળનો પંચ દશાબ્દી મહોત્સવ ઉજવાયો

ઉમરેઠ તાલુકા પેન્સનર્સ મંડળનો પંચ દશાબ્દી મહોત્સવ ગુરુદત્તાત્રેય હોલ ખાતે ભગવતભાઈ એમ.શાહના પ્રમુખ પદે યોજાયો હતો. દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સમારોહમાં મુખ્ય મહેમાન પદે કમલભાઈ પેઈન્ટર (પત્રકાર), બિપીનભાઈ શાહ, રશ્મીકાન્ત શાહ (ચેરમેન- અર્બન બેન્ક),વયસ્ક નાગરિક સંગઠનના પ્રમુખ રમેશભાઈ પટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દશાબ્દી મહોત્સવ નિમિતે ઉપસ્થિત મુખ્ય વક્તા દિક્ષીતભાઈ ઠાકોરે વયસ્ક નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અંગે વિગતવાર છનાવટ કરી હતી અને વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી વયસ્ક નાગરિકોએ કઈ રીતે મુશ્કેલીઓ માંથી બહાર આવવું તે અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. પેન્સનર્સ મંડળને યોગ્ દીશા બતાવવા માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ પત્રકાર કમલભાઈ પેઈન્ટરનો સૌ કોઈએ આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહના પ્રમુખ બિપીનભાઈ શાહએ વયસ્ક નાગરીકોને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, તમામ પેન્સનરોએ પોતાની મિલકતોનું વીલ બનાવી રાખવું જોઈયે તેમજ પોતાની હયાતી ન હોય તેવા સમયે પત્નિને પેન્સન મેળવવામાં તકલીફ ન પડે તે માટે જરૂરી પેપર્સ તૈયાર રાખવા તેઓએ સલાહ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સિનિયર સિટીઝન ફેડરેશનના મંત્રી અશોકભાઈ શાહએ કર્યું હતુ અને આભાર વિધિ સુબોધભાઈ શાહએ કરી હતી.

ઉમરેઠ કા.પટેલ કેળવણી મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

ઉમરેઠ કા.પટેલ કેળવની મંડળની વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં જ્ઞાતિની વાડીમાં યોજાઈ હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ સ્થાને નલીનીબેન કાછીયા (વડોદરા),ભાવનાબેન કાછીયા (મહૂધા) તેમજ ઉદ્ગાટક નયનાબેન કાછીયા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં વિવિધ ખાલી પડેલ હોદ્દાઓ માટે ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તેમજ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહીત કરવા તેઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર સભાનું સફળ સંચાલન બિન્દુબેન કાછીયાએ કર્યું હતું.

ઉમરેઠના મેલડી માતાજીનો ૨૧મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.

ઉમરેઠના માડી ભક્તોના આસ્થાના પ્રતિક સમાન શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનો ૨૧મો પ્રાગટ્ય મહોત્સવ તા.૧.૪.૨૦૧૪ થી તા.૯.૪.૨૦૧૪ સુધી મેલડી માતાજીના ચોકમાં ભક્તિભેર ઉજવવામાં આવશે. આ પ્રસંગે તા.૧.૪.૨૦૧૪ના રોજ સવારે ૯.૩૩ કલાકે જવારાની સ્થાપના તા.૩.૪.૨૦૧૪ના રોજ રાત્રે ભજન કાર્યક્રમ તેમજ તા.૭.૪.૨૦૧૪ને રાત્રે ૧૦ કલાકે ગરબા અને તા.૮.૪.૨૦૧૪ને રાત્રે ૮ કલાકે સંતો ઉપાસકોની અમૃતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. તા.૮.૪.૨૦૧૪ સવારે ૯ કલાકે નવચંડી મહાયજ્ઞ અને બપોરે ૩ કલાકે અન્નકૂટ દર્શનનો લાભ લેવા ભક્તોને અનુરોધ છે. તા.૯.૪.૨૦૧૪ સવારે માતાજીના ચોક માંથી શોભાયાત્રા નિકળશે અને નગર વિહાર કરશે ત્યાર બાદ સાંજે સમગ્ર મહોત્સવની પૂર્ણાહૂતિ થશે. આ સમગ્ર ધાર્મિક આયોજનનો લાભ લેવા માડી ભક્તોને ઉમરેઠ જય માડી પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

AFD


April Fool Day