આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2013

ઉમરેઠ નગરપાલિકા દ્વારા લોકદરબારનું આયોજન


–  ૩જી જૂન થી ૩૦ જૂન સુધીમાં તમામ ૯ વોર્ડમાં તબક્કાવાર લોક દરબાર યોજાશે.

કહેવાય છે સત્તા મળ્યા પછી નેતાજી પાંચ વર્ષ પછી જ પ્રજાને દર્શન આપે છે. જો આ પહેલા પ્રજાએ નેતાજીના દર્શન કરવા હોય તો, કેટલીય બાધાઓ અને વ્રત કરવા પડે અને તે પણ નસિબ હોય તો જ નેતાજી મળે..! પણ હવે ઉમરેઠમાં નગરપાલિકાના નેતાઓ દ્વારા આ પરિભાષાને બદલવાની અનોખી પહેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉમરેઠના તમામ ૯ વોર્ડના લોકોની સમસ્યાને શાંભળવા માટે ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો જાતે પોતાના વોર્ડમાં જઈ પ્રજાના પાલિકાને લગતા પ્રશ્નો શાંભળશે અને વહેલી તકે તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરશે. આ અંગે વધુ માહિતી આપતા ઉમરેઠ પાલિકાના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતુ કે, નગરના વિવિધ વોર્ડમાં પ્રજાજનોને પડતી પાણી,ગટર, સ્ટ્રીટલીટ સહીતની મુશ્કેલીઓ દૂર કરવા માટે નગરના તમામ વોર્ડમાં લોક દરબાર યોજાશે. આ લોક દરબાર તમામ વોર્ડમાં બે જગ્યાએ યોજવામાં આવશે જેમાં વોર્ડના સભ્યો સહીત પાલિકાના પ્રમુખ ઉપ-પ્રમુખ તેમજ પાણી,ગટર તેમજ પી.ડબ્લ્યુ.ડી કમિટીના ચેરમેન અને ચીફ ઓફિસર પણ હાજર રહેશે જેથી જે તે કમિટીને લગતી ફરિયાદનો શક્ય હોય તેટલો ઝડપી નિકાલ થઈ શકે.

પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉમરેઠના વિવિધ વોર્ડમાં યોજાનાર લોક દરબાર અંતર્ગત વોર્ડ નં.૯માં તા.૩.૬.૨૦૧૩ના રોજ સવારે ૯ થી ૧૧ સુધી ખારવાવાડી, ભાથીજી મંદિર પાસે તેમજ બપોરે ૪ થી ૬ ભટ્ટવાડી પોળ,વોર્ડ નં.૮માં તા.૪.૬.૨૦૧૩ના રોજ સવારે ૯ થી ૧૧ રજનીનગર સોસાયટી તેમજ બપોરે ૪ થી ૬ અંબામાતાની પોળ પાસે,તા.૫.૬.૨૦૧૩ના રોજ વોર્ડ નં.૭માં સવારે ૯ થી ૧૧ ગુરુદત્તાત્રેય મંદિર તેમજ સાંજે ૪ થી ૬ વ્યાસ ચોરા,તા.૧૧.૬.૨૦૧૩ના રોજ વોર્ડ નં.૬માં સવારે ૯ થી ૧૧ શીલીવગા તેમજ ૪ થી ૬ બોરડી ફળીયા,તા.૧૨.૬.૨૦૧૩ના રોજ વોર્ડનં.૫માં સવારે ૯ થી ૧૧ શ્રીમાળીવગાના ટેકરા તેમજ ૪ થી ૬ ચોરાવગા,તા.૧૩.૬.૨૦૧૩ના રોજ વોર્ડનં.૪માં સવારે ૯ થી ૧૧ સીમરોજાના પરાં તેમજ સાંજે ૪ થી ૬ કસ્બામાં લીમડા પાસે,તા.૨૫.૬.૨૦૧૩ના રોજ વોર્ડનં.૩માં ૯ થી ૧૧ જૂની સ્ટારબેકરીના ખાંચામાં અને સાંજે ૪ થી ૬ સર્વોદય સોસાયટી,તા.૨૬.૬.૨૦૧૩ના રોજ વોર્ડ નં.૨માં ૯ થી ૧૧ ભગવાનવગા અને સાંજે ૪ થી ૬ રાણાવાસ,તા.૨૭.૬.૨૦૧૩ના રોજ વોર્ડ નં.૧માં ૯ થી ૧૧ માખણવાડા અને સાંજે ૪ થી ૬ ગજાનંદ સોસાયટીમાં લોક દરબાર યોજાશે આ સમયે નગરપાલિકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ સહીત ગટર,પાણી અને સ્ટ્રીટલાઈટ કમિટીના ચેરમેન અને ચીફ ઓફિસર પ્રજાજનોના પ્રશ્નો શાંભળશે.

ઉમરેઠ નગરપાલિકાના પ્રજાલક્ષી આ સકારાત્મક અભિગમની નગરમાં પ્રશંશા થઈ રહી છે. જે રીતે પ્રમુખ પદ મળ્યાના ગણતરીના દિવસોમાં પ્રમુખ સંજયભાઈ પટેલે પ્રજા સમક્ષ જવની ઝડપથી પહેલ કરવામાં આવી છે તેવીજ રીતે પ્રજાના પ્રશ્નોનું પણ નિરાકરણ તેટલી ઝડપથી જ જાય તેવી નગરજનો અપેક્ષા રાખી રહ્યા છે. ઉમરેઠમાં લોકદરબાર કાર્યક્રમ કેટલા અંશે પ્રજા માટે કારગત સાભિત થાય છે એતો આવનારો સમય જ બતાવશે.

લોક દરબારમાં સત્તાધીશોએ પડકારરૂપ પ્રશ્નોનો સામનો કરવો પડશે..!

ઉમરેઠમાં કેટલાક પડકારરૂપ પ્રશ્નોનું કોઈ પક્ષના નેતા સમાધાન નથી કરી શક્યા, ચર્ચાઈ રહ્યું છે કે આ માટે વોટબેંક મહત્વનો ભાગ ભજવી જાય છે. ખાસ કરીને દબાણને લગતા પ્રશ્નો સહીત બાકી વેરા સહીતની કાર્યવાહી ઉપર સત્તાધીશો વોટબેંકને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરે છે, જેને કારણે સામાન્ય માણસોને સહન કરવાનો વારો આવે છે.હાલમાં નવા વરાયેલા પ્રમુખ સંજય પટેલ આવા પ્રશ્નો અંગે કેવી અભિગમ દાખવશે તે જોવાનું રહેશે.

 • ટ્રાફિક સમસ્યા – ઉમરેઠમાં હાલમાં ટ્રાફિક સમસ્યા માથાના દૂઃખાવા સમાન છે. નગરના મુખ્ય બજારોમાં દૂકાનદારો દૂકાનની બહાર માલસામાન રાખતા હોય છે અને દબાણ કરતા હોય છે. ખાસ કરીને નગરના વડા બજાર અને ઓડ બજારમાં આવી સ્થિતિ વધારે પેદા થાય છે. જેટલો સામાન દૂકાનમાં હોય છે તેટલો સામન દૂકાન બહાર પણ રસ્તા ઉપર મુકવામાં આવે છે, ઉપરથી ગ્રાહકો અને દૂકાનદારોના સ્કૂટરો પણ બેફામ પાર્કિંગ થાય છે અને ટ્રાફિક સમસ્યા પેદા થાય છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા નગરના વિવિધ બજારોમાં આડેધડ કરવામાં આવતા દબાણને દૂર કરવા પડકાર જનક સાબિત થશે કેમ કે, દરેક દૂકાનદાર કોઈને કોઈ પાલિકાના સભ્ય માટે વોટબેંક સમાન હોય તેમાં બે મત નથી. લોકદરબારમાં કેટલાક જાગૃતજનો આ અંગે પાલિકાના નવા સત્તાધીશોનું ધ્યાન દોરે તો નવાઈ નહી. આ માટે પાલિકાતંત્રએ આગોતરા આયોજન કરી જનતાને વિશ્વાસમાં લઈ યોગ્ય પગલા ભરવા ખુબજ જરૂરી છે.
 • પાણીની સમસ્યા – ઉમરેઠ નગરંમાં હાલમાં પાણીની સમસ્યા ચરમસીમાએ છે. પ્રવર્તમાન સમયમાં પાણીની જે સમસ્યા સર્જાઈ છે, તેવી પરિસ્થિતી આજ દીન સુધી આવી નથી. હાલમાં પાલિકા તંત્ર દ્વારા ઓતરે દિવસે પાણી પૂરવઠો આપવામાં આવે છે, જે અંગે પાલિકા તંત્રએ સત્તાવાર પાણીના સ્તર નીચા ગયા હોવાનું કારણ પણ આગળ કરી દીધું છે, પણ નગરની ગૃહિણીઓ લોકદરબારમાં આ અંગે પાલિકાના સત્તાધીશોને ઘેરવાનો પ્રયત્ન કરે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. પાણીની સમસ્યા દૂર કરવા માટે આવનારા દિવસમાં પાલિકાનો શું અભિગમ હશે તેનો સકારાત્મક અને નિર્ણાયક જવાબ તૈયાર રાખવો પડશે.
 • રસ્તાની બિસ્માર હાલત – ઉમરેઠ નગરના મોટાભાગના વિસ્તારમાં રસ્તા ખરાબ થઈ ગયા છે.ઉમરેઠ પાલિકામાં ચીલો પડી ગયો છે કે, જ્યારે ચુંટણી આવવાની હોય ત્યારે જ આચાર સહીતા શરૂ થાય તેના ગણતરીના દીવસો પહેલા જ રસ્તા બનાવવાનું તંત્રને યાદ આવે છે. રસ્તા પણ તદ્દન હલકી કક્ષાના બનાવવામાં આવે છે, જે પાંચ વર્ષ પણ ટકતા નથી. હાલમાં નગરજનો લોક દરબારમાં નગરના ખરાબ રસ્તા અંગે સવાલો કરે તો નવાઈ નહી. પ્રવર્તમાન સત્તાધીશોને ચુંટણીની રાહ જોયા વગર રસ્તા બનાવવા માટે પ્રજાજનો માંગ કરે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

“આપણું ઉમરેઠ” બ્લોગને આજે ચાર વર્ષ પૂર્ણ થયા.


 

સર્વે વાંચકોનો આભાર

ઉમરેઠના રાવળીયા ચકલામાં દેશી બોમ્બ ફુટ્યો – કાવતરૂં કે ટીખળ..!


ઘટના સ્થળ - રાવળીયા ચકલા વિસ્તારના પટેલ પરિવારના ઘર બહાર કોઈ ઈસમે દેશી બનાવટનો બોમ્બ ફેંક્યો હતો. ઉપરોક્ત તસ્વીરમાં તે ઘર નજરે પડે છે.

ઘટના સ્થળ – રાવળીયા ચકલા વિસ્તારના ઘર બહાર કોઈ ઈસમે દેશી બનાવટનો બોમ્બ ફેંક્યો હતો. ઉપરોક્ત તસ્વીરમાં તે ઘર નજરે પડે છે.

ઉમરેઠના રાવળીયા ચકલા વિસ્તારમાં આજે સવારે ૮ કલાકે પ્લાસ્ટીક દડીમાં દારૂગોળ અને ખીલ્લી સહીત છરાના ઉપયોગથી દેશી બનાવટનો બોમ્બ ફુટતા સ્થાનિકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. સવારના સમયે મોટો ધડાકો થતા પહેલાતો લોકોએ કોઈના ઘરે ગેસ સિલેન્ડર ફુટ્યો હોવાની દહેશતે એકબીજાને પુચ્છા કરી હતી પરંતુ રાવળીયા ચકલામાં એક પટેલ પરિવારના ઘર બહાર પ્લાસ્ટીકના બોલ પડવાથી બ્લાસ્ટ થયો હોવાનું ફલિત થતા સ્થાનિકોએ આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. ઉમરેઠ પોલીસ તાબળતોડ ઘટના સ્થળે પહોંચી કયા કારણે ધડાકો થયો હોવાની તપાસ હાથ ધરી હતી જેમાં પટેલ પરિવારના ઘર બહાર પડેલા પ્લાસ્ટીકના બોલમાં દારૂગોળો ભરી કોઈ અસામાજિક તત્વએ કાવતરૂ કર્યું હોવાની શંકા સેવાઈ રહી છે.

ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો - સ્થાનિકોના જણાવ્યા મુજબ દેશી બોમ્બ બ્લાસ્ટનો અવાજ રાવળીયા ચકલા સહીત માતાની લીમડી અને ધર્મશાળાના ફળીયા વિસ્તાર સુધી શંભળાયો હતો. આ સમયે લોકોનું ટોળું એકઠું થઈ રાવળીયા ચકલા સ્થિત ઘટના સ્થળે એકઠા થઈ ગય હતા.

ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો – સ્થાનિકોના જણાવ્યા મુજબ દેશી બોમ્બ બ્લાસ્ટનો અવાજ રાવળીયા ચકલા સહીત માતાની લીમડી અને ધર્મશાળાના ફળીયા વિસ્તાર સુધી શંભળાયો હતો. આ સમયે લોકોનું ટોળું એકઠું થઈ રાવળીયા ચકલા સ્થિત ઘટના સ્થળે એકઠા થઈ ગય હતા.

વધુમાં રાવળીયા ચકલામાં થયેલ બ્લાસ્ટને કારણે સદર વિસ્તારના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસે એફ.એસ.એલ તેમજ ડોગ સ્કોડની મદદથી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં એફ.એસ.એલના અધિકારીઓના જણાવ્યા મુજબ પ્લાસ્ટીકના બોલમાં દારૂખાનું બનાવવા વપરાતા દારૂગોળાનો ઉપયોગ કરી સદર બોમ્બ બનાવવામાં આવ્યો હતો. હવે આ બોમ્બ રાવળીયા ચકલા માંજ કેમ નાખવામાં આવ્યો..? શું આ ભવિષ્યમાં થનાર કોઈ મોટા બોમ્બ ધડાકાનું ટેસ્ટીંગ હતુ કે પછી કોઈ ટીખળખોર દ્વારા નગરની શાંતિ ડહોળવા માટે કરાયેલ હિન કૃત્ય હતુ જેવા અનેક સવાલો શોધવા માટે ઉમરૅઠ પોલીસે કમર કસવી પડશે.અત્રે ઉલ્લેખનિય છે કે, સદર વિસ્તાર પહેલાથી જ ખુબજ સંવેદનશીલ માનવામાં આવે છે.

DSCN2166

આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ પરિવારો રહે છે, જેને કારણે આ વિસ્તાર હંમેશા માટે ચર્ચાસ્પદ અને સંવેદનશીલ ગણવામાં આવે છે. કેટલીક વખત ભૂતકાળમાં આ વિસ્તારમાં ભેદી પ્રવૃત્તિઓ પણ થતી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, ગોધરાકાંડ દરમ્યાન થયેલા કોમી રમખાન સમયે પણ આ વિસ્તારમાં અનેક કોમી છમકલા થયા હતા અને કોમ્બિંગ દરમ્યાન કેટલાક વાંધાજનક પદાર્થ પણ મળ્યા હતા. જેથી સ્થાનિકો માંગ કરી રહ્યા એ કે પૂનઃ આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે તો વધુ વાંધાજનક પ્રદાર્થો મળી શકે તેમ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લાનું પોલીસ તંત્ર કામે લાગી ગયું હતુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઉમરેઠ આવી પહોંચ્યો હતો. ઘટનાને લઈ નગરમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે ઉમરેઠ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

બ્રેકીંગ ન્યુઝ


 • ઉમરેઠના રાવળીયા ચકલા પાસે દેશી બોમ્બ ફુટ્યો.

 •  પોલીસે તપાસ શરૂ કરી, એફ.એસ.એલની મદદ લેવાશે.

 •  કોઈ જાનહાની ન થતા સ્થાનિકોમાં રાહત

 •  બોમ્બમાં છરા ખીલ્લી જેવી ધારદાર વસ્તુઓ હોવાનું અનુમાન.

ઉમરેઠ ખાતે બાજખેડાવાડ જ્ઞાતિનું ચતુર્થ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું


અખિલભારતિય બાજખેડાવાડ હિતવર્ધક સભા સંચાલિત બાજખેડાવાડ યુવા સંગઠન દ્વારા ઉમરેઠ ખાતે નગરના ટાઊનહોલમાં ચતુર્થ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ, અમદાવાદ ખાડીયા મત વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ, ઉમરેઠ બાજ ખેડાવાડ જ્ઞાતિના અગ્રણી વિરેન્દ્રભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશિર્વચન આપતા શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, ઉમરેઠના વિકાસ સહીત ઉમરેઠનું નામ રોશન કરવા માટે ઉમરેઠના બાજખેડાવાડ જ્ઞાતિના લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. બાજખેડાવાડ જ્ઞાતિના કેટલાય યુવાનો આજે દેશ-વિદેશમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે અને ગામનું નામ રોશન કરી રહ્યા છે. ભૂષણભાઈ ભટ્ટે પણ ઉમરેઠમાં ભૂતકાળથી લઈ અત્યાર સુધી બાજખેડાવાડ જ્ઞાતિના લોકોના યોગદાનની પ્રશંશા કરી હતી સાથે સાથે નગરના ધાર્મિક મહત્વનો પણ ઉલ્લેખ ક્ર્યો હતો. સમારોહને સફળ બનાવવા માટે ઉમરેઠ બાજખેડાવાડ જ્ઞાતિના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ચરોતરના યુવાનોમાં ટેટુ બનાવવાનો ક્રેઝ..!


 • ટેટું બનાવવા ૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા ખર્ચ કરતા યુવાધન ખચકાતું નથી.

ચરોતરમાં આજકાલ યુવાનોમાં ટેટુ બનાવવાનો ખાસ્સો ક્રેઝ પ્રચલીત બન્યો છે. ખાસ કરીને આણંદ – વિદ્યાનગરમાં કોલેજીયન યુવાનો કોલેજના અન્ય યુવાનોની ભીડ માંથી અલગ દેખાવવા માટે શરીર ઉપર ટેટુ બનાવતા હોય છે. માત્ર યુવાનો જ નહી ટેટુની ફેશન યુવતિઓમાં પણ પ્રચલિત થઈ છે. કોલેજીયન યુવતિઓ પણ ટેટુ બનાવવા પાછળ રૂ.૫૦૦ થી રૂ.૫૦૦૦ સુધીનો ખર્ચ કરતા વિચારતી નથી.

વિદેશોમાં ટેટું પ્રથા વર્ષોથી પ્રચલીત છે, ત્યાં મોટાભાગના લોકો શરીર ઉપર ટેટુ લગાવતા જ હોય છે. હવે આ ફેશન ચરોતરમાં પણ લોકપ્રિય બની છે. હાલમાં આણંદ – વિદ્યાનગરમાં પણ ટેટુ આર્ટીસ્ટો ધામા નાખી બેસી ગયા છે, યુવાનોની ચર્ચાને ધ્યાનમાં લઈએ તો, પરમેનેન્ટ ટેટુ બનાવવા માટે શ્રીમંત કુંટુંબના નબિરાઓ રૂ.૫૦૦૦ ખર્ચ કરતા પણ બે ઘડી વિચાર કરતા નથી. યુવાધનનું માનવું છે કે, ટેટુ લગાવવાથી તેઓ સામાન્ય યુવાનોની અલગ દેખાઈ આવે છે. ખાસ કરીને યુવાનોમાં હાથ ઉપર તેમજ પગ ઉપર અને યુવતોમાં મોં તેમજ હાથ ઉપર વધારે ટેટુ ચિતરવામાં આવે છે. યુવતઊ પણ ટેટુ લગાવવા માટે યુવાનો જેટલીજ ઉત્સાહીત હોય છે. આણંદ વિદ્યાનગરમાં શ્રીમંત પરિવારની યુવતિઓ પણ આર્ટીસ્ટો પાસે અવનવા ટેટું ચિતરાવતી હોય છે.

ટેટુ કેટલીક વખત ફેશનની જગ્યાએ ટેન્શનરૂપ સાબીત થાય છે.

ટેટુ કેટલીક વખત ફેશનની જગ્યાએ ટેન્શનરૂપ સાબીત થાય છે.

નિષ્ણાંતોની વાતને માનીયે તો ટેટુ હાલમાં ફેશન છ પણ સાથે સાથે ટેન્શન પણ છે કેમ કે, ટેટું બનાવતા આર્ટીસ્ટો એકદમ પાતળી સોયથી શરીરના જે તે ભાગમાં કાના પાડી ટેટુ બનાવતા હોય છે. કેટલાક કીસ્સામાં ટેટુ લગાવનાર વ્યક્તિની ત્વચા સહન ન કરી શકે તો એલર્જી થવાની પણ શક્યતા રહે છે અને આ છીદ્રો પાડતા સમયે કેટલીક વખત લોહી પણ બંધ કરવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે. યુવાધન ટેટુંના સાઈડ ઈફેક્ટની પરવા કર્યા વિગર બિન્દાસ ટેટું લગાવતા હોય છે. ભરોડાના મોન્ટુ પટેલે જણાવ્યું હતુ કે, તેઓને વર્ષોથી ટેટું લગાડવાનો શોખ હતો છેવટે ગોવા પ્રવાસમાં તેમને યોગ્ય ટેટુ આર્ટીસ્ટ મળ્યા બાદ હાથમાં પરમેનેન્ટ ટેટુ ચિતરવ્યું છે. ટેટું લગાવતા સમયે થોડી વેદના થાય છે. પણ ત્યાર બાદ ભીડથી અલગ દેખાવવાનો અહેસાસ કાંઈ અલગ જ હોય છે. તેઓએ ઉમેર્યું હતુ કે ટેટુનો ભાવ સેન્ટીમીટર ઉપર આર્ટીસ્ટો વસુલ કરે છે. તેઓ બારીકાઈથી ટેટુ બનાવે છે અને વેદના પણ ઓછી થાય છે.

ઉમરેઠના ધો.૫ થી ધો.૧૨ના વિદ્યાર્થીઓને ટોકન લઈ મફત પુસ્તકોનું વિતરણ.


સામાજિક જવાબદારી-એન્જિનિયરીંગના વિદ્યાર્થી દ્વારા પુસ્તક સહાય યોજના

હવે યુવાનોની પરિભાષા મુવી,મસ્તી,મેજીક સુધી સિમિત નથી રહી, યુવાનો દિવસે દિવસે પરિપકવ થવા લાગ્યા છે. સમય જતા જતા યુવાનો પોતાની સામાજિક જવાબદારીઓ પણ નિભાવા લાગ્યા છે,હાલમાં ડગલેને પગલે મોંધવારી વધી રહી છે. મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ કેટલીક વખત પૈસાના અભાવે પ્રાથમિક શિક્ષણ મેળવવામાં પણ પાછા પડે છે. પુસ્તકોની વધતી જતી કિંમતને કારણે ભણતર માટેના પુસ્તકો સામાન્ય વિદ્યાર્થીઓની પહોંચથી દૂર થઈ રહ્યા છે,આ ઉપરાંત કેટલીક વખતતો તેવી પરિસ્થિતી પેદા થાય છે કે, પૈસા ખર્ચ કરતા પણ પુસ્તકો મળતા નથી. ત્યારે આવા કપરા સમયે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી પુસ્તકના અભાવે ભણતરથી દૂર ન રહે તે માટે સામાજિક જવાબદારી ઉમરેઠના એન્જિન્યરીંગ અને કોમર્સના વિદ્યાર્થીઓએ ઉપાડી લીધી છે. ઉમરેઠના લગભગ પંદર જેટલા યુવાનોએ એકઠા થઈ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અનોખી પુસ્તક સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત માત્ર ટોકન લઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર વિદ્યાર્થીઓને માત્ર ટોકન દરે ધો.૫ થી ધો.૧૦ સુધીના પુસ્તકો વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે.

વધુમાં આ પુસ્તક સહાય યોજનાનો લાભ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી વૃંદ ગૃપ દ્વારા સભ્ય ફી તેમજ ડીપોઝીટ મળીને કુલ રૂ.પાંચસો વસુલ કરવામાં આવે છે જેના બદલામાં જે તે વિદ્યાર્થીને ધો.૫ થી ધો.૧૨ સુધીના પુસ્તકો મફત આપવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનો જે તે ધોરણનો અભ્યાસ પૂર્ણ કરે એટલે તેના પુસ્તકો વૃંદ ગુપ દ્વારા પરત મેળવવામાં આવે છે અને આગલા ધોરણના પુસ્તકો તેઓને આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીઓને મોંધાભાવે બજાર માંથી પુસ્તકો ખરીદવા નથી પડતા.વૃંદગૃપ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પુસ્તક યોજનાની નગરજનો પ્રશંશા કરી રહ્યા છે, સાથે સાથે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની તગડી કિંમત ચુકવવાથી બચી ગયા છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે વૃંદગૃપના તમામ સભ્યો પણ હજૂ કોલેજ માંજ અભ્યાસ કરે છે, હરવા ફર અને મસ્તી કરવાના દિવસોમાં પણ આ યુવાનોએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી અનોખી પહેલ કરી છે. યુવાનોના કાર્યને જોઈ તેઓના માતા-પિતા પણ ગર્વની લાગની અનુભવતા હશે તેમાં કોઈ બે મત નથી. ઉમરેઠમાં અનોખી પુસ્તક સહાય યોજના અમલમાં લાવનાર આ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે નગરના દાનવીરો આગળ આવે તે ખૂબ જરૂરી છે જેથી તેઓ વધુને વધુ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપી શકે.

બધા મિત્રો એકઠા થયા હતા અને પ્રવર્તમાન સમયમાં શિક્ષણ કેટલું મોંધું બન્યું છે તે અંગે ચર્ચા કરતા હતા અને વાતવાતમાં બધા મિત્રોએ નગરના મધ્યમવર્ગના તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પુસ્તક સહાય કરવા અંગે સર્વ સંમતિથી આ પુસ્તક સહાય યોજના અમે અમલમાં મુકી. અમારો મુખ્ય ધ્યેય તેજ છે કે કોઈ વિદ્યાર્થી પુસ્તકના અભાવે ભણતરથી વંચિત ન રહે.

પ્રેરક કા.પટેલ – એન્જિનયરીંગ વિદ્યાર્થી, ઉમરેઠ

અમે મિત્રો ફુરસદના સમયમાં મળીએ ત્યારે બધા પુસ્તકોને વ્યવસ્થિત પુઠા ચઢાવી તે વધારે સમય ટકે તેવો પ્રયત્ન કરીએ છે સાથે સાથે જ્યારે પુસ્તકો વિદ્યાર્થીઓને આપીયે ત્યારે પણ તેઓને પુસ્તકની સાચવણી વ્યવસ્થિત રીતે કરવા આગ્રહ કરીયે છે જેથી ભવિષ્યમાં તેજ પુસ્તકો અન્ય વિદ્યાર્થીઓને કામમાં આવી શકે. અમારા આ કાર્યમાં અમારા પરિવાર તેમજ શુભેચ્છકો દ્વારા અમોને સહયોગ મળ્યો છે.

– સપન શેઠ , એન્જિનિયરીંગ વિદ્યાર્થી, ઉમરેઠ

ખડાયતા સમાજ દ્વારા પણ પુસ્તક સહાય યોજના –

ઉમરેઠમાં ખડાયતા વિદ્યોતેજક મંડળ દ્વારા પણ આવીજ યોજના વર્ષોથી ચાલતી આવી છે. ખડાયતા વિધોતેજક મંડળ દ્વારા પણ સમાજના વિદ્યાર્થીઓને તમામ અભ્યાસ ક્રમ માટેના પુસ્તકો માત્ર ટોકન ફી ડીપોઝીટ લઈ વિનામુલ્યે આપવામાં આવે છે. સંસ્થામાં જો કોઈ અભ્યાસ ક્રમના પુસ્તક ન હોય તો તે પુસ્તક વિદ્યાર્થીને બજાર માંથી ખરીદવા જણાવાય છે અને બદલામાં તે પુસ્તકની કિંમત રોકડમાં વિદ્યાર્થીઓને ચુકવવામાં આવે છે.

ઉમરેઠ કા.પટેલ સમાજનું ગૌરવ


ઉમરેઠ કાછીયા પટેલ સમાજના અગ્રણી સ્વ.બાબુબાઈ નરોત્તમદાસ કાછીયાના પૌત્ર ધ્રુવ રાજેન્દ્રભાઈ કા.પટેલ માર્ચ-૨૦૧૩માં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૦૪ પરસન્ટાઈલ સાથે ઉત્તરણીય થઈ સમસ્ત કા.પટેલ જ્ઞાતિનું ગૌરવ વધારે છે. તેઓની આ સિધ્ધી બદલ સમાજના અગ્રણી રમેશભાઈ કાછીયા તેમજ કાછીયા પટેલ વડીલ વૃંદના સભ્યો સહીત કેળવણી મંડળ દ્વારા તેઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા અને તેઓ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

શ્રીજીને ચંદનના વાઘા….


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીજીને અખાત ત્રીજ નિમિત્તે ચંદનના કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઉનાળામાં ગરમીને કારાને વર્ષોથી અખાતત્રીજના દિવસે શ્રીજીને ચંદનના વાઘા પહેરાવવાની પરંપરા છે. (તસ્વીર - કીરીટભાઈ ચોકસી, ઉમરેઠ)

ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીજીને અખાત ત્રીજ નિમિત્તે ચંદનના કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઉનાળામાં ગરમીને કારાને વર્ષોથી અખાતત્રીજના દિવસે શ્રીજીને ચંદનના વાઘા પહેરાવવાની પરંપરા છે. (તસ્વીર – કીરીટભાઈ ચોકસી, ઉમરેઠ)

 

ઉમરેઠની ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુસન સ્કૂલનું ૧૦૦ ટકા પરિનામ


ગુ.શૈ.બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિનામ જાહેર કરવામાં આવ્યું હતુ, જેમાં ઉમરેઠની ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુસન સ્કૂલનું ૧૦૦ ટકા પરિનામ આવતા સ્કૂલના આચાર્ય સહીત શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે વલ્કેશભાઈ શેઠે જણાવ્યું હતુ કે ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુસનના કુલ ૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં થી બી-૧ ગૃપમાં ૧૦ વિદ્યાર્થી, બી-૨ ગૃપમાં ૪૮ વિદ્યાર્થી, સી-૧ ગૃપમાં ૩૬ વિદ્યાર્થી તેમજ સી-૨ ગૃપમાં ૨ વિદ્યાર્થી મળી તમામ ૯૬ વિદ્યાર્થી પાસ થયા હતા. ઉમરેઠની ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુસન સ્કૂલમાં પ્રથમ નંબરે ૮૧.૬૯ ટકા સાથે વ્હોરા નસીમ, ૭૯.૦૭ ટકા સાથે દ્રિતિય ક્રમે મહેતા રોનક તેમજ ૭૮.૬૧ ટકા સાથે ત્રીજા નંબરે ખ્રિસ્તી નિર્મલ ઉત્તરણીય થયા હતા. આ ત્રયેણ તેજસ્વી તારલાઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવામાં આવ્યા હતા. અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કમાં કોર બેન્કીંગનો આરંભ


 • આણંદ – ખેડા જિલ્લામાં કોર બેન્કીંગ સેવા આપનાર પ્રથમ  કો.ઓ.બેન્ક બેન્ક.

એક તરફ સહકારી માળખું કડળભૂસ થઈ રહ્યું છે, ત્યારે ઉમરેઠની ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક ગ્રાહકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરી દિવસે-દિવસે ગ્રાહકલક્ષી સેવામાં વધારો કરી રહી છે.ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના ચેરમેન રશ્મિકાન્ત.જે.શાહ(વકીલ),કૌશિકભાઈ શાહ(ચાંગ) તેમજ ઉમરેઠ અર્બન બેન્કના ડીરેક્ટરશ્રીઓ અને વિવિધ કમીટીના ચેરમેન અને સભ્યોની હાજરીમાં કોર બેન્કીંગ સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો.આ અંગે વધુ જાણકારી આપતા કૌશિકભાઈ શાહએ જણાવ્યું હતુ કે,રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ ૩૧.૧૨.૨૦૧૩ પહેલા તમામ કો ઓપરેટીવ બેન્કોએ કોર બેન્કીંગ સેવાની શરૂઆત કરવાની છે, જે અંતર્ગત ઉમરેઠ અર્બન બેન્ક ધ્વારા કોર બેન્કીંગની સુવિધા શરૂ કરી છે. હાલમાં ઉમરેઠ અને ડાકોર બ્રાન્ચને કોર બેન્કીંગ સેવાથી જોડવામાં આવી છે અને આવનારા સમયમાં અન્ય બેંન્કો સાથે પણ જોડાન થઈ જશે, આ માટે જરૂરિ કાર્યવાહીને અંતિમ ઓપ પણ આપવામાં આવ્યો છે. તેઓએ ઉમેર્યુ હતુ કે, હાલમાં બેંક દ્વારા આર.ટી.જી.એસ સુવિધા આપવામાં આવે છે, આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી દ્વારા ઈન અને આઊટ ટ્રાન્જેક્શન પણ બેન્કમાં હવે અમલી બન્યું છે.ઉમરેઠ અર્બન બેંક દ્વારા આપવામાં આવતી સેવાને કારણે આજે પણ ગ્રાહકો બેંક ઉપર વિશ્વાસ રાખવામાં ખચકાતા નથી, હાલમાં ઉમરેઠ અર્બન બેંક ઉમરેઠ તેમજ ડાકોર ખાતે કાર્યરત છે. જ્યારે આવનારા સમયમાં બેંન્ક દ્વારા સાવલી ખાતે પણ બ્રાન્ચ શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેમ જણાવતા બેંકના મેનેજર ગીરીશભાઈ શાહએ જણાવ્યું હતુ. તેઓએ ઉમેર્યુ હતુ કે,  ઉમરેઠ અર્બન બેંકમાં હાલમાં ૪૧ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને બેન્ક સાથે ઉમરેઠનો બહોળો વહેપારી વર્ગ બેન્કીંગ સેવાનો લાભ ઉઠાવી રહ્યો છે, પંચવટી વિસ્તારમાં બેંક દ્વારા લોકોને અડચન ન પડે તે માટે પાર્કિંગનો પ્રશ્ન પણ દૂર કરવામાં આવ્યો છે હવે ઉમરેઠ અર્બન બેંકમાં આવતા ગ્રાહકો માટે પાર્કિંગ સુવિધા પણ બેંક દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બેંકના ગ્રાહકો પ્રત્યે સકારાત્મક અભિગમની લોકો પ્રશંશા કરી રહ્યા છે, અને ભવિષ્યમાં બેંક વધુને વધુ પ્રગતિ કરે તેવી ગ્રાહકો અપેક્ષા સાથે શુભેચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

રવીવાર / ખેતર (ફાર્મ)ની મુલાકાત…


આમ તો રવીવાર એટલે મારા માટે માત્રને માત્ર આરામનો દિવસ,પણ આ રવીવારે મિત્રની બહેનના લગ્ન હોવાથી બધા મિત્રો સાથે સરસ મજાનો દિવસ પસાર થયો..મિત્ર જય ગાંધીની બહેનના લગ્ન પ્રસંગે બધા મિત્રો ભેગા થયા હતા. બપોરે નવરાશના સમયે એક મિત્રએ ઉમરેઠ નજીક લીંગડા ગામે અન્ય એક મિત્ર હેમલ પટેલના ખેતર(ફાર્મ)ની મુલાકાત કરવા સુચન કર્યું. બધા જ મિત્રોએ ખેતર(ફાર્મ)ની મુલાકાત કરવાનો મિત્ર જય ભટ્ટનો પડતો બોલ ઝીલી લીધો અને સૌ મિત્રો ભેગા મળી ફાર્મ તરફ રવાના થયા. ઉમરેઠ થી માત્ર ૧૦ મિનિટના અંતરે આવેલ લીંગડાના મહાદેવ માર્ગ ઉપર મિત્ર હેમલ પટેલનું ખેતર છે ત્યાં પગદંડી થી આગળ વધ્યા, બપોરનો સમય હતો અને ગરમી ચરમસીમાએ હતી. જેવા અમે પગદંડી વટાવી હેમલના ખેતર સુધી પહોંચ્યા ત્યા, કેરીના વૃક્ષો(આંબો),ચીકુનું વૃક્ષ, અને કેળાનું ખેતર પણ હતું. વૃક્ષોથી ભરચક ખેતરના આ વિસ્તારમાં આવતા જ જાણે ગરમી ગાયબ થઈ ગઈ અને અનેરી ઠંડકતાનો અહેસાસ થયો. ભર બપોરે પણ ખેતરમાં જાણે સુરજદાદાની દાદાગીરી આ વૃક્ષો સામે ન ચાલતી હોય તેમ લાગ્યું.

(R TO L) હેમલ પટેલ , હિરેન શાહ, જય ભટ્ટ, હિરેન શાહ, દર્શન શાહ, પીન્ટુ પટેલ -

(R TO L) હેમલ પટેલ , હિરેન શાહ, જય ભટ્ટ, હિરેન શાહ, દર્શન શાહ, પીન્ટુ પટેલ -બે પટેલ વચ્ચે ચાર વાણિયા

કેળાના છોડ

કેળાના છોડ

ખેતરમાં ફરતા ફરતા કેળનું વાવેતર જોવા મળ્યું, કેળમાં ખુબજ નાના-નાના કેળા જોવા મળ્યા. નાના કેળા આકાર પામે તે પહેલા કેળ ઉપર એક ફુલ થાય છે, આ ફુલ મોટું થાય એટલે ફાટી જાય છે અને તેમાથી નાના કેળાની લુમ દેખાય છે જે સમય જતા જતા મોટ થઈ જાય છે. મિત્ર હેમલ પટેલે કેળાની ખેતિ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, કેળા ખેતિમાં સૌથી વધારે પાણી જોઈયે, દરેક કેળાનો કાંસકો (કાંસકો એટલે આપણે લુમ કહીયે છે તે) એક-બે મણનો હોય છે. સંપૂર્ણ રીતે કેળાનો પાક ઉતારવા માટે એક થી દોઢ વર્ષનો સમય થાય છે. મોટા ભાગે કેળાની ખેતિ ફાયદાકારક હોય છે, જવલ્લે જ કેળાના પાકમાં નુકશાન થાય છે.

કેળાના પાનની આપણા જેવા માણસોને સત્યનારાયણ દેવની કથાના સમયે વર્ષના વચલે દહાડે જરૂર પડે છે. હેમલ પટેલે જણાવ્યું હતુ કે અમે જ્યારે ખેતરમાં કેળાની ખેતી કરીયે છે, ત્યારે કેટલાય લોકો સત્યનારાયણ દેવની કથા માટે કેળાના પાના લેવા આવે છે, તેઓને અમે પાના તોડી આપીયે છે, આ પાના તોડતા સમયે ચિકનું પ્રવાહી પણ નિકળે છે આ પ્રવાહી કપડાને અડી ના જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે, તે ડાઘ નિકળતા બહૂ વાર પણ લાગે..! સાઊથ ઈન્ડિયામાં લોકો કેળાના પાનનો ઉપયોગ ડીશ તરીકે પણ કરે છે. આપણે જેમ સ્ટીલની ડીશમાં ભોજન લઈએ છે તેમ ત્યાં કેળાના પાન ઉપર ભોજન કરવાની પ્રથા છે. કો’ક વાર આ પ્રથા અપનાવવાનો મારો વિચાર છે..!

મિત્ર હેમલ પટેલના ખેતરમાં એક ચિકુનું વૃક્ષ પણ હતું, બદનસીબે વૃક્ષ ઉપર હજૂ ચિકુ આવ્યા ન હતા, મિત્ર હેમલ પટેલે જણાવ્યું કે, ચિકૂ થોડા સમય પહેલાજ ઉતારી લીધા હતા. ખેર બેટર લક નેક્સ્ટ ટાઈમ..! ખેતી વીશે વધુને વધુ જાણવાની ઈચ્છા થઈ એટલે મિત્ર હેમલને મેં પુછ્યું બધા વર્ષે ખેતીમાં સારો નફો જ મળે કે કો’ક વાર ઉંધા માથે પડાય..? ત્યારે તેને જણાવ્યું બધા વર્ષ સરખા નથી હોતા કોઈ વાર ખેતીમાં પાક માટે જેટલો ખર્ચો કર્યો હોય તેટલી પણ ઉપજ નથી મળતી. તમાકુંની ખેતિ પહેલા સારી હતી મોટા ભાગે નફો જ થત હતો પણ હવે તમાકુની ખેતી ઓછી કરી છે, જરૂરિયાત મુજબ થોડા પ્રમાણમાં જ તમાકુની ખેતિ કરીયે છે. તમાકુનો પાક સારો થાય પણ જો વહેપારી ઉચ્છેદીયો મળી જાય તો બધી મહેનત પાણીમાં જાય..! પણ પ્રમાણમાં એક-બે વર્ષ

હિરેન પી શાહ અને હિરેન કે.શાહ અમારા ઉત્સાહી મિત્રો

હિરેન પી શાહ અને હિરેન કે.શાહ અમારા ઉત્સાહી મિત્રો

સારા નિકળે એટલે રેશીયો બેસી જાય. કેળાના છોડ જોયા પછી આગળ ગયા ત્યા મોટા-મોટા વિશાળ આંબા હતા. આંબા.એટલે કેરીના વૃક્ષો, ઉભા ઉભા હાથ થી તોડી શકાય તેટલી નીચી શાખાઓ હતી અને અઢળક કેરીઓ ત્યાં લટકતી હતી. અમારા મિત્રોમાં સૌથી વધારે ઉત્સાહી બંન્ને હિરેન એક કેરીના વૃક્ષ ઉપર ચઢી ગયા અને સ્વભાવિક રીતે તેમને મેં કેમેરામાં કેદ પણ કરી દીધા. જોડે હેમલ પટેલ ઉભો હતો, એટલે કેરી તોડવાનું દુ-સહાસ ન કર્યું, આમ પણ જમી પરવારીને ગયા હતા એટલે ખાવાની કોઈની ઈચ્છા ન હતી. પણ આજે હેમલ પટેલનું ફાર્મ જોઈ ભવિષ્યમાં ફાર્મમાં સૌ મિત્રો ભેગા થઈ પરિવાર સાથે અડધો દિવસ વિતાવવાનું આયોજન કરીયે છે, જોઈયે હવે ક્યારે ફરી બધા મિત્રોને સાથે જ સમય ક્યારે મળે છે. એકંદરે ખેતરમાં રવીવારે પસાર કરેલા બે-ત્રણ કલાલ અવિસ્મરણીય હતા. જગતનો તાત “ખેડૂત” કેવી પરિસ્થિતીમાં ખેતી કરે છે, તેઓની આવક જાવક સંપૂર્ણ રીતે કૂદરત ઉપર નિર્ભર રહે છે, છતા પણ તેઓ સકારાત્મક અભિગમ રાખી ખેતિ કરતાજ રહે છે. હેમલ પટેલ ભણેલો ગણેલો હોવા છતા ખેતીમાં રચ્યો પચ્યો રહે છે તેથી કહી શકાય કે ખેતી મોટા ભાગે ખોટનો ધંધો તો નહી જ હોય…!

ખેતરમાં હરી-ફરી અંતે લીંગડામાં પંચમ વાટીકા નામની જગ્યા ઉપર ગયા. આ જગ્યા પણ સુંદર હતી ત્યાં પણ સરસ ગાર્ડનીંગ કરી એક મોટો શેઢ બાંધ્યો હતો, પાંચ-છ હિંચકા પણ ઠંડા પવનમાં હિચકે ઝુલવાની મઝા પડી. આ પંચમ વાટીકા માટે મિત્ર કલ્પેશ પાઠકે કહ્યું કે, અમારા લીંગડાના એક કાકાની આ જગ્યા છે, બધા માટે આ જગ્યા ખુલ્લી છે. લીંગડા ગામના લોકો નાના-મોટા પ્રસંગો પણ આ જગ્યાએ કરે છે, અને આ જગ્યાના માલિક તેઓ પાસે કોઈ ચાર્જ પણ વસુલ કરતા નથી. ખેરેખર ગામડામાં લોકોનું દિલ ખુબ જ મોટું હોય છે. ફરી ક્યારે ફાર્મની મુલાકાત કરવાનો મુડ છે જોઈયે ક્યારે ફરી મોકો મળે છે.

આધાર કાર્ડ અંગે તમને થતા પ્રશ્નો અને નિરાકરણ


 • આધાર કાર્ડ શા માટે જરૂરી છે..?

સરકાર જે તે સેવા કે વસ્તુ ઉપર સબસીડી આપે છે તે હવે આધાર કાર્ડના માધ્યમથી મળશે, જેથી સરકાર દ્વારા મળવાપાત્ર સબસીડીનો લાભ લેવા માટે તે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત ફોટો ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે પણ વિવિધ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે.

 • ઉમરેઠમાં આધાર કાર્ડ ક્યાં નિકાળવામાં આવે છે.

 ઉમરેઠમાં આધાર કાર્ડ જૂની પંચાયત કચેરી, જલારામ મંદિર પાસે નિકાળવામાં આવે છે.

 •  આધાર કાર્ડ નિકાળવા માટે શું પુરાવા જોઈયે.

આધાર કાર્ડ નિકાળવા માટે લાઈટબીલની ઝેરોક્ષ (બે કોપી), ચુંટણી કાર્ડની ઝેરોક્ષ (બે કોપી) રેશનકાર્ડ ઝેરેક્ષ (બે કોપી) અને ગેસ રીફીલ કરાવવા માટેની પાસબુકની ઝેરોક્ષ એક કોપી, (ગેસ રીફીલ પાસબુકની ઝેરોક્ષ સાથે હોય તો આધાર કાર્ડ નિકાળવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.)

 • આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેનો પુરાવો શું..?

જવાબ – તમે આધાર કાર્ડ નિકાળવા માટે રજિસ્ટ્રેશન કરાવો એટલે તમને એક પાવતી આપે છે તેમાં તમે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન ક્યારે કેટલાવાગે કરાવ્યું છે તેની વિગતો દર્શાવેલ હોય છે. આ રજિસ્ટ્રેશનની પાવતી ખુબજ અગત્યની છે. આધાર કાર્ડ મળ્યા પછી ગુમ થઈ જાય ત્યારે આધાર કાર્ડની ડુપ્લીકેટ કોપી મેળવવા માટે તે જરૂરી છે.

 • આધાર કાર્ડ રજીસ્ટ્રેશન કર્યા પછી ક્યારે મળે…?

જવાબ – આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કર્યા પછી લગભગ ત્રણ-ચાર મહિનામાં મળી જાય છે.

 • આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવે ચાર મહિના થયા પણ આધાર કાર્ડ મળ્યું નથી તો મારે શું કરવું..?

જવાબ – આધાર કાર્ડ પોસ્ટમાં આવે જેથી કદાચ તમોને ડીલીવરી મળવામાં મોડું પણ થાય અથવા પોસ્ટમાં આડું અવડું ડીલીવર પણ થાય આ પરિસ્થિતિમાં તમારે http://eaadhaar.uidai.gov.in/eDetails.aspx લીન્ક ઉપર જઈ જરૂરી વિગતો ભરી આધાર કાર્ડ સોફ્ટ કોમી મેળવી શકો છો અને તેની પ્રિન્ટ નિકાળી આધાર કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો.

 • આધાર કાર્ડ મળ્યા પછી ખોવાઈ જાય તો ડુપ્લીકેટ આધાર કાર્ડ કેવી રીતે મેળવું..?

જવાબ – આધાર કાર્ડ ગુમ થઈ જાય તો , આધાર કાર્ડ રજિસ્ટ્રેશનની પાવતીથી આધારની વેબ સાઈટ http://eaadhaar.uidai.gov.in/eDetails.aspx ઉપરથી જરૂરી વિગતો ભરી સોફ્ટ કોપી રૂપે મળી જાય છે. જેની પ્રિન્ટ નિકાળી તમે લેમિનેશન કરાવી સાચવી શકો છો. આધાર કાર્ડ સોફ્ટ કોપી મેળવવા માટે તમારી પાસે રજિસ્ટ્રેશન કોપી હોવી જરૂરી છે.

 • ગેસ એજન્સીમાં અને બેંકમાં આધાર કાર્ડ કેવી રીતે સબમીટ કરાવવું..?

જબાબ – આધાર કાર્ડ અને ગેસ રીફીલ કરાવવા માટેની પાસબુકની ઝેરોક્ષ ગેસ એજન્સીમાં જમા કરાવવી, ગેસ એજન્સી દ્વારા તમારા ખાતામાં તમારો આધાર નંબર સબમીટ કરી દેવાશે. તેજ રીતે એક આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તમારી બેન્કમાં તમારા ખાતા નંબર સાથે આપવી જેથી બેન્કમાં પણ તમારા ખાતામાં આધાર નંબર સબમીટ કરી શકાય.

 • શું ગેસ એજન્સીમાં ઓનલાઈન આધાર કાર્ડ જમા કરાવી શકાય..?

જબાબ – જી, હા બિલકુલ તમે ગેસ એજન્સીમાં ગયા વગર તમે ઓનલાઈન તમારું આધાર કાર્ડ ગેસ એજન્સીમાં જમા કરાવી શકો છો, આ માટે તમારે નીચેની લીન્ક ઉપર ક્લીક કરી એક ફોર્મ ઓપન થાય તે ભરવું પડશે, આ માટે તમારો ગ્રાહક નંબર , ગેસ એજન્સીનું નામ અને આધાર કાર્ડનો નંબર તૈયાર રાખો…

https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeeding.aspx

ઉપરની લીન્ક ઓપન કર્યા પછી, ત્રણ સ્ટેપમાં તમે તમારું આધાર કાર્ડ ગેસ એજન્સીમાં ગયા વગર જમા કરાવી શકો છો. આ ઉપરાંત તમે એસ.એમ.એસ દ્વારા પણ આધાર કાર્ડ નંબર ગેસ એજન્સીમાં જમા કરાવી શકો છો જે માટે વધુ માહિતી મેળવવા નીચેની લીન્ક ક્લિક કરો.

https://rasf.uidai.gov.in/seeding/User/sms.htm

ઉમરેઠના મેડીકલ સ્ટોર બંધમાં જોડાયા.


 • કેન્દ્ર સરકારની નવી ડ્રગ પોલીસીનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા નવી ડ્રગ પોલીસી અને અન્ય માંગણીઓ સાથે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમસ્ટિ એન્ડ ડ્રગિસ્ટનાં અપાયેલા બંધનાં એલાનને પગલે આજે ઉમરેઠના મેડીકલ સ્ટોર્સ એશોશિયેશન દ્વારા બંધ રાખી કેન્દ્ર સરકારની નવી નીતીનો વિરોધ કર્યો છે. ઉમરેઠમાં લગભગ ૬ જેટલા મોટા મેડીકલ સ્ટોર્સ આવેલા છે, જેઓ બંધમાં જોડાયા હતા અને કેન્દ્રની નવી ડ્રગ પોલીસીની ટીકા કરી હતી.આજ સવારથી જ શહેરની તમામ મેડિકલ સ્ટોરનાં વેપારીઓ તેમના કામકાજથી અળગા રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દવાના ભાવના માર્જિનમાં ચાર ટકાનો ઘટાડો અને નવી ડ્રગ પોલીસીને કારણે દેશભરના કેમિસ્ટમાં રોષની લાગણી વ્યાપી છે. સ્નેહલભાઈ શાહએ જણાવ્યું હતુ કે, સરકારની નવી ડ્રગ નિતિ અંગે અમોએ વિરોધ કરી યોગ્ય રજૂઆતો કરી હોવા છતા કેન્દ્ર સરકારે કોઈ ઘટતું ન કરતા આખરે હળતાલનું પગલું ભરવું પડ્યું છે.

ઉમરેઠના વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૮માં પાણીની વિકટ સમસ્યા – ગૃહિણીઓ પરેશાન..!


 • વોર્ડ નં.૭માં ગ્રાઊન્ડ ફ્લોર પર પણ પાણી નથી આવતું,ઘર બહાર રસ્તા ઉપર નળ માંથી પાણી ભરવા મહિલાઓ મજબુર.
 •  નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ સામે પાણીની સમસ્યા દૂર કરવાનો પડકાર

ઉમરેઠનગરમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા વિકટ બની છે. ઉપરથી નગરપાલિકા પાણીના સ્તર નીચા ગયા હોવાનું જણાવી ઓતરે દિવસે બે ટાઈમ પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હાથ ઉંચા કરી દીધા છે, ત્યારે ભર ઉનાળે મહિલાઓની પાણી વગર ઘરમાં રોજ બરોજના કાર્યો કેવી રીતે કરવા તે વિચારી પરેશાન થઈ ગઈ છે. વધુમાં ઉમરેઠમાં છેલ્લા દોઢ બે મહિનાથી પાણી પૂરવઠો પુરો પાડવામાં પાલિકા તંત્ર ગલ્લા તલ્લા કરી રહ્યું છે, કેટલાક વોર્ડમાં પાણી જોઈયે તેટલું મળે છે તો કેટલાક વોર્ડમાં એક ટીપા પાણી માટે પણ મહિલાઓએ ઘરની બહાર જાહેર રસ્તા કે ફળીયામાં બેસી પાણી આવે તેની રાહ જોવાનો વારો આવે છે, જે સ્પષ્ટ કરે છે કે, પાણી પુરવઠો પુરો પાડવામાં પાલિકા તંત્રની દેખીતી લાલીયાવાડી અને ગેરવહીવટ છે.વધુમાં ઉમરેઠમાં પહેલા દિવસમાં બે વાર પુરત ફોર્સ સાથે પાણી આવતું હતું. પરંતુ એપ્રિલ માસની શરૂઆતથી જ ઉમરેઠ પાલિકા તંત્ર પાણી પૂરવઠો પુરો પાડવામાં પાણીમાં બેસી ગયું છે. હાલમાં ઉમરેઠમાં બે દિવસે એક વખત બે ટાઈમ પાણી આપવામાં આવે છે જ્યારે અન્ય દિવસમાં સવારે જ પાણી પુરવઠો આપવામાં આવે છે. એક તરફ ઉનાળો છે ત્યારે દેખીતી રીતે પાણીનો વપરાશ વધારે હોય છે ત્યારે આવા સમયે જ પાલીકા તંત્ર દ્વારા પાણી પુરવઠા ઉપર કાપ મુકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલમાં જે પાણી આવે છે તે પૂરવઠામાં પણ ફોર્સ ન આવતો હોવાની મહિલાઓ ફરિયાદ કરી રહી છે. ખાસ કરીને વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૮ના કેટલાક વિસ્તારોમાં ગંભીર પરિસ્થીતી છે. ઓડ બજાર બાપુના તકીયાથી વાઘરીવાસ થઈ વ્યાસચોરા જવાના માર્ગ ઉપર તેમજ મોટા ફળીયા અને ગંધર્પના ટેકરા જેવા વિસ્તારમાં પાની ઘરના ગ્રાઊન્ડ ફ્લોરમાં પણ પુરતા ફોર્સથી આવતું નથી. આ વિસ્તારમાં મોટા ભાગના લોકોએ પાલીકા દ્વારા મળતા પાણી પુરવઠા માટેના નળ ઘરની બહાર મુખ્ય રસ્તા ઉપર બેસાડ્યા છે.પાણી આવે ત્યારે મહીલાઓએ વાસણો લઈ ઘર બહાર પાણી ભરવા આવું પડે છે.અને ઘર બહારથી પાણીની ડોલ ઉચકીને લોકોને ઘરમાં લઈ જવી પડે છે. આવા સમયે જે ઘરમાં વૃધ્ધ મહિલાઓ અને બાળકો એકલા જ હોય છે તેઓને ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતર માંજ ઉમરેઠ પાલિકામાં પ્રમુખ બદલાયા છે, હવે નવા પ્રમુખ સામે નગરના વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૭માં પાણીનો પ્રશ્ન દૂર કરવાનો પળકાર છે. હવે પાણીના મુદ્દે ઉમરેઠમાં મહિલાઓની પરિસ્થિતી સુધરશે કે પછી જૈસેથેની સ્થિતિ પ્રવર્માન રહેશે એતો આવનારો સમય જ બતાવશે.

નવા બોર ધ્વારા પાણી પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન – સંજય પટેલ (પ્રમુખ- ઉમરેઠ, નગરપાલિકા)
 
ઉમરેઠ નગરપાલિકાના નવા પ્રમુખ સંજયભાઈ પટેલ(લુલી)એ ઉમરેઠના પાણીની વિકટ સમસ્યા અંગે જણાવ્યું હતુ કે,હાલમાં નવા બોર દ્વારા નગરમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે આયોજન થઈ રહ્યા છે.ટુંક સમયમાં નવા બોરથી પાણી પુરવઠો પુરો પણ પાડવામાં આવશે આ માટે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. નવા બોરનું કામ સત્વરે પૂર્ણ કરવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આવનારા દિવસોમાં ઉમરેઠની મહિલાઓને પુરતો પાણી પૂરવઠો મળતો થઈ જશે.

ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળ દ્વારા વસ્તીપત્રક પુસ્તકનું વિમોચન કરાયું.


ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળ અમદાવાદ દ્વારા મહાપ્રમુજી પ્રાગટ્ય મહોત્સવ તેમજ વસ્તીપત્રક પુસ્તકનું વિમોચન સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારોહ ર્ડો.ભાવીનભાઈ સી.પટેલે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. મુખ્ય મહેમાન પદે જ્ઞાતિરત્ન જયંતિલાલ કાચવાળા, આશિર્વચન દાતા ચુનીભાઈ પટેલ તેમજ ગ્રંથ વિમોચન કરવા માટે ર્ડો.પરિમલભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિના અમદાવાદ ખાતે રહેતા તમામ સભ્યોની માહીતી એકજ પુસ્તકમાં સમાવિષ્ઠ કરી જ્ઞાતિજનોને ભેટ આપવા બદલ જ્ઞાતિજનોએ વસ્તીપત્રક તૈયાર કરવાર કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળ છેલ્લા ૭૫ વર્ષથી અમદાવાદમાં કાર્યરત છે. સામાજીક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રોમાં વિવિધ અમુલ્ય સેવા પ્રદાન કર્યા ખડાયતા જ્ઞાતિમાં અનોખી ઓળખ ઉભી કરી છે,તેમ મંત્રી ગુરૂશરણભાઈ શાહએ જણાવ્યું હતું.

ઉમરેઠનું રાજકાર…


ઉમરેઠનું રાજકારન જોઈ નરેન્દ્રભાઈ મોદી પણ માથું ખંજવાળતા હશે..!

ઉમરેઠ નગરપાલિકાના ભાજપના બળવાખોર સભ્યો પક્ષ માંથી સસ્પેન્ડ કરાયા


 • વ્હીપનો અનાદર કરનાર સભ્યો સસ્પેન્ડ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ચુંટણી ગઈકાલે પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. આ સમયે ભાજપ દ્વારા પ્રમુખ પદે અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ(વકીલ) તેમજ ઉપ પ્રમુખ પદે જરીનાબેન ચૌહાનના નામ મુકવામાં આવ્યા હતા. આ અંગે પક્ષના જ સંજયભાઈ પટેલ અને અલ્તાફભાઈ મલેક દ્વારા અનુક્રમે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે ઝંપલાવ્યું હતુ અને તેઓને ભાજપના અન્ય ચાર સભ્યો સાથે વિપક્ષના તમામ સભ્યોનો ટેકો મળ્યો હતો અને તેઓ પાલીકાના પ્રમુખની ચુંટણી જીતી ગયા હતા.ભાજપના સભ્યો દ્વારા જ ભાજપના પ્રમુખ પદ માટેના જાહેર કરવામાં આવેલ સભ્યને ટેકો ન આપી વ્હીપનો અનાદર કરવા બદલ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહએ પ્રદેશ પ્રમુખને જાણ કરતા પ્રદેશ પ્રમુખ ફળદુએ તાત્કાલીક અસરથી પાલિકા પ્રમુખની ચુંટણી સમયે ગેર હાજર રહેનાર વિષ્ણુભાઈ મકવાણા, ચીમનભાઈ તળપદા અને મુકેશ કાછીયા સહીત પક્ષના આદેશનો અનાદર કરી નેગેટીવ મતદાન કરનાર છાયાબેન ભટ્ટ, ભુપેન્દ્રભાઈ પટેલ,શારદાબેન પટેલ, જયેશ પટેલને પક્ષ માંથી સસ્પેન્ડ કર્યા હતા.

અપક્ષના ટેકાથી પ્રમુખ સંજય પટેલ(લુલી)એ નગરપાલિકા ઓવર ટેક કરી – ઉપ-પ્રમુખ પદે અલ્તાબ મલેક..!


 • ભાજપની નેતાગીરી નબળી પડી..! ભાજપના બળવાખોર સભ્યો  (૧) છાયાબેન ભટ્ટ (૨) જયેશભાઈ પટેલ (૩) શારદાબેન પટેલ (૪) અલ્તાફ મલેક (૫) સંજય પટેલ (લુલી)

ભાજપના પ્રમુખના ઉમેદવાર અરવીંદભાઈ પટેલ અને ઉપ-પ્રમુખના ઉમેદવાર જરીનાબેન ચૌહાણની હાર  

 ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને ઉપ પ્રમુખ સંજય પટેલ(લુલી)ની અઢીવર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે સવારે ઉમરેઠ નગરપાલિકાના સભા ખંડમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવા બેઠક મળી હતી. ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ ૧૮ સભ્યો સાથે સત્તામાં હતુ જ્યારે અપક્ષના ૮ સભ્યો હતા. દેખીતી રીતે ભાજપ પૂનઃ સત્તા ઉપર આવશે તેવા સ્પષ્ટ સંકેતો હતા પરંતું પ્રમુખની વરણીના આખરી દિવસે ભાજપનો આંતરિક વિગ્રહ સપાટી પર આવી ગયો હતો પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણીમાં ટિવ્સ્ટ આવી ગયો હતો.
 
ભાજપમાં જિલ્લામાંથી પ્રમુખ પદ માટે અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ તેમજ ઉપ પ્રમુખ માટે જરીનાબેન ચૌહાણનું નામ પસંદ પામ્યું હતું. પરંતુ ઉમરેઠ નગરપાલિકાના ભાજપ નાજ ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલે પ્રમુખ પદ માટે તેમજ અલ્તાફ મલેકે ઉપ પ્રમુખ પદ માટે દાવેદારી કરતા ભાજપનો આંતરીક વિગ્રહ દેખાઈ ગયો હતો. ભાજપના આંતરીક વિવાદનો લાભ લઈ ઉમરેઠ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ લાભ લઈ ભાજપમાં બળવો કરનાર સંજયભાઈ પટેલને ટેકો આપ્યો હતો અને તેઓની તરફેનમાં મતદાન કર્યું હતું. પરિનામે પ્રમુખ પદ માટે ભાજપના અરવિંદભાઈ પટેલ(વકીલ)ને ૮ મત જ્યારે સંજય પટેલ (લુલી)ને ૧૪ મત મળ્યા હતા, અને સંજયભાઈ પટેલને પ્રમુખ પદે જાહેર કરવામાં આવ્યા હતા. બીજી બાજૂ ઉપ પ્રમુખ પદે પણ ભાજપના જરીનાબેન ચૌહાન સામે ભાજપ નાજ અલ્તાફ મલેકે ઝંપલાવ્યું હતુ જેમાં જરીનાબેનને ૮ અને અલ્તાફભાઈ મલેકને ૧૪ મત મળતા અલ્તાફભાઈ મલેકને વિજેયતા જાહેર કરવામાં આવ્યા હતા.
 
ભાજપ નાજ સભ્યો દ્વારા બળવો કરી પ્રમુખ અને ઉપ-પ્રમુખ પદ ભાજપ પાસેથી ઝુંટવી અપક્ષના સહયોગથી સંજય પટેલ અને અલ્તાફ મલેકે સત્તા મેળવતા ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ઉમરેઠમાં રાજકારણ ઓવર ટેકનો ટ્રેન્ડ ચાલે છે. આ પહેલા વિષ્ણુભાઈ પટેલે સુભાષભાઈ શેલતને ઓવરટેક કર્યા હતા. ત્યાર બાદ પ્રકાશભાઈ પટેલે વિષ્ણુભાઈ પટેલને ઓવર ટેક કર્યા હતા ત્યાર બાદ પૂનઃ સત્તા વિષ્ણુભાઈ પટેલના હાથમાં આવી હતી અને હવે, વિષ્ણુભાઈના નિકટના કહેવાતા સંજય પટેલે વિષ્ણુભાઈ પટેલ અને ભાજપને ઓવર ટેક કરી સત્તા મેળવી છે.પ્રમુખ પદે જીત્યા બાદ સંજય પટેલ (લુલી)એ અને અલ્તાફભાઈ મલેકે નગરમાં પાણી અને રસ્તાની સમસ્યાને દૂર કરવા સાથે વિકાસ કરવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી.

ગેર હાજર સભ્યો 

 
(૧) ચીમનભાઈ વાધરી(ભાજપ)  (૨) મુકેશભાઈ કાછીયા(ભાજપ)  (૩) વિષ્ણુભાઈ મકવાના(ભાજપ)  (૪) જયંતિભાઈ વાઘરી(અપક્ષ)

ઉમરેઠ અને આણંદમાં મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો.


ઉમરેઠ અને આણંદમાં મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠની સટાક પોળના યુવાનોએ આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, શોભાયાત્રા નગરના મોટા મંદિરથી નિકળી હતી અને નગર વિહાર કર્યો હતો. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ અને ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવને સુંદર રીતે પાર પાડવા માટે રશ્મિભા શ્રોફ, ચંદુભાઈ શાહ, સહીત સટાકપોળ યુવક મંડળના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આગામી ૧૨/૫/૨૦૧૩ને રવીવારના રોજ ઉમરેઠના મોટા મંદિરમાં બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું જે આ પ્રસંગે દર્શનનો લાભ લેવા ઉમરેઠની ધર્મ પ્રેમિ જનતાને જણાવવામાં આવ્યું છે. આણંદમાં પણ મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બેઠક મંદીરથી ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

%d bloggers like this: