આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2015

ઉમરેઠમાં યજ્ઞોપવીત સંસ્ક્રાર કાર્યક્રમ યોજાયો


શ્રાવણ માસમાં રક્ષા બંધનના દિવસે શ્રવણ નક્ષત્રમાં બ્રાહ્મણો યજ્ઞોપવિત્રી બદલે છે. યજ્ઞોપવિત્રીનો અર્થ – જે બીજા માટે કર્મ કરી પોતાના જ્ઞાનની શક્તિ વડે ત્યાગ અર્પણ કરી બીજાને જ્ઞાન સ્વરૃપ કર્મ કરી ત્યાગ અને બલીદાન આપે તેમને યજ્ઞોપવિત્રી કહે છે. યજ્ઞોપવિત્રીમાં ૩ તાર ના ધાગા હોય છે. તે દરેક તારમાં ત્રણ ત્રણ ધાગા હોય છે.  એટલે કુલ નવ તંતુ હોય છે. યજ્ઞોપવિત્રીમાં દરેક તંતુના દેવતા પ્રણવ, અગ્નિ, સર્પ, સોમ,તૃ, પ્રજાપતિ,અનીલ(વાયુ),યમ,વિશ્વદેવા.યજ્ઞોપવિત્રીમાં જે બ્રહ્મગાંઠ હોય છે તેના દેવતા – બ્રહમા , વિષ્ણુ, મહેશ છે. ઉમરેઠમાં બાજ ખેડાવાડ ઉત્સવ મંડળ દ્વારા સમાજ માટે નવીન યજ્ઞોપવિત્રી ધારણ કરવાનો ઋષી તર્પણ કાર્યક્રમ ગાયત્રી મંદિર ખાતે ભીખુભાઈ જોષી તેમજ અલ્પેશભાઈ દવેના ગુરુપદે યોજાયો હતો. સદર કાર્યક્રમમાં ૧૨ વર્ થી ૮૨ વર્ષના ૭૫ બટુકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના કન્વીનર તેમજ મંડળના કાર્યકારી પ્રમુખ યોગેશભાઈ શેલત દ્વારા સતત ત્રણ વર્ષ સુધી સમૂહ ભોજનના દાતા તરીકે સેવા આપનાર અશ્વિનભાઈ શેલતનું સન્માન કર્યું હતું. અને સમગ્ર બી.જે.શેલત પરિવારને સન્માનીત કર્યા હતા. સવારની ફરાળ માટેના દાતા અરૂણભાઈ દવેનું સન્માન સુરેશભાઈ જોષીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી મંદિર ટ્રસ્ટ,હિમાંશુભાઈ ભટ્ટ, બાજખેડાવાડ યુવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠના પીઢ પત્રકારને સન્માનિત કરાયા


kpતાજેતરમાં આણંદ જિલ્લા તંત્રી સંધ તરફથી જિલ્લાના પીઢ પત્રકારોનો સન્માન સમારોહ આણંદ લાયન્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે ઉમરેઠના પીઢ પત્રકાર અને મનોનિત સાપ્તાહિકના તંત્રી કમલકુમાર શાન્તુકુમાર વ્યાસ(પત્રકાર)ને પત્રકાર ક્ષેત્રે ૪૨ વર્ષ સુધી સેવા આપવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમરેઠના પીઢ પત્રકાર પિલુનભાઈ ગોસ્વામીને સન્માનીત કરવામાં આવ્યા હતા. પત્રકકારત્વ ક્ષેત્રે મદનલાલ દોશી(પેઈન્ટર)ને પોતાની સેવાઓ બદલ મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતુ તેઓનું સન્માન તેઓના પૂત્ર પરેશભાઈ દોશીએ સ્વીકારી તંત્રી સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠમાં મફત સર્વરોગ સારવાર કેમ્પ યોજાશે


ઉમરેઠમાં તા.૬.૯.૨૦૧૫ના રોજ બપોરે ૨ થી ૬ કલાકે એકડીયાની વાડી, ઓડ બજાર ઉમરેઠ ખાતે ર્ડોક્ટર સેલ ભાજપ આણંદ જિલ્લા તેમજ શ્રી સંતરામ વડીલોના વૃંદાવન દ્વારા લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને સદભાવના સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠના સહયોગથી મફત સર્વરોગ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં કાન,નાક-ગળાના ર્ડો.ધર્મેન્દ્ર પટેલ, જનરલ ફીજીશીયન ર્ડો.રાજેશ પટેલ,એક્યુપંક્ચર નિષ્ણાંત ર્ડો.જયદત્ત વ્યાસ, આયુર્વેદ આચાર્ય ર્ડો.એસ.બી.પઠાણ, દાંતના ર્ડો.પ્રવિણકુમાર તેમજ સ્ત્રીરોગ,બાળરોગ નિષ્ણાંત હોમીયોપેથી ર્ડો.હિતેશ પટેલ પોતાની સેવા આપશે.સદર કેમ્પનો લાભ લેવા ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામના લોકોને જણાવેલ છે.

એસ.એમ.એસ સેવા બ્લોક કરાતા નેટ બેંકિંગના વ્યવહારો અટવાયા.


otpનેટ બેકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોએ બેંકોના ધરમ ધક્કા ખાવાની ફરજ અમદાવાદમાં પાટીદાર સમાજની રેલી બાદ થયેલ તોફાનો બાદ અફવાઓ ન ફેલાય તે હેતુ થી સરકાર દ્વારા શોશિયલ સાઈટ્સ સહીત વોટ્સએપ તેમજ એસ.એમ.એસ સેવા બ્લોક કરી દેવામાં આવતા નેટ બેંકિંગ નો ઉપયોગ કરનાર વહેપારીઓ સહીત રીચાર્જના ધંધા સાથે સંકળાયેલ વહેપારીઓ ખાસ્સા પરેશાન થયા હતા. નેટ બેંકિંગમાં કોઈ ટ્રાનજેક્શન કરવામાં આવે તો ખાતાધારકના મોબાઈલ નંબર પર જે તે બેન્ક દ્વારા ઓ.ટી.પી (વન ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવે છે જે પાસવર્ડ કોમ્યુટરમાં નાખવામાં આવે ત્યારેજ ટ્રાન્જેક્શન પૂર્ણ થાય છે. આર.ટી.જી.એસ, એન.ઈ.એફ.ટી સહીત મોબાઈલ રી-ચાર્જ કરવા માટે પણ ઓ.ટી.પીની જરૂર પડે છે. પરંતુ સરકાર દ્વારા એસ.એમ.એસ સેવા બંધ કરવામાં આવતા લાખ્ખોના ટ્રાન્જેક્શનને અસર પડી રહી છે. નેટ બેકિંગની સુવિધા હોવા છતા વહેપારીઓએ બેંકના ધરમધક્કા ખાવાની ફરજ પડી રહી છે. બેંક પણ બંધના એલાન દરમ્યાન બંધ રહી હોવાને કારણે બેંકોના કામકાજ પર પણ ભારણ વધી ગયું છે જેથી બેંકમાં ગીરદી હોવાને કારણે વહેપારીઓ સહીત ખાતેદારોએ કલાકો સુધી બેંકમાં બેસી રહેવાની ફરજ પડે છે. ખાસ કરીને સદર પરિસ્થિતિ સરકારી બેંકમાં ઉભી થઈ છે. હાલમાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં શાંતિ પૂનઃ સ્થાપીત થઈ રહી છે, ત્યારે કમસેકમ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવે તો વહેપારીઓને રાહ્ત થઈ શકે છે અને બેંકના કર્મચારીઓને પણ કામનું ભારણ ઓછું થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠ યુથ કોગ્રેસ દ્વારા પાટીદાર સમાજના યુવાનો પર થયેલા દમણના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ જેમાં પણ યુથ કોગ્રેસ પ્રમુખ રવી પટેલે એસ.એમ.એસ સેવા ચાલુ કરવા માટે સરકારશ્રીને વિનંતી કરી હતી.આગામી દિવસમાં જો એસ.એમ.એસ સેવા ચાલુ નહી થાય તો વહેપારીઓ ખાસ્સા પરેશાન થશે તે નક્કી છે, ત્યારે સરકાર બેંકો સહીત કોમર્શિયલ સંસ્થા દ્વારા મોકલવામાં આવતા ઓ.ટી.પી ના એસ.એમ.એસ પણ છેવટે ચાલુ કરે તેવી લોક માંગ છે.

પાટીદાર સમાજના યુવાનો પર થયેલ લાઠીચાર્જ અને ફાયરીંગના વિરોધમાં.. ઉમરેઠ યુથ કોગ્રેસના ડેલીગેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું.


પાટીદારોએ સરકારને સરદારની પ્રતિમા બનાવવા લોખંડ આપ્યું હતુ, કારતુસ બનાવવા નહી – રવી પટેલ (પ્રમુખ – યુથ કોગ્રેસ,ઉમરેઠ વિધાનસભા)

Jpeg

ઉમરેઠ યુથ કોગ્રેસના ડેલીગેશન દ્વારા ઉમરેઠ તાલુકા મામલતદાર કચેરી ખાતે ના.મામલતદાર દિપકભાઈ પટેલને પાટીદાર સમાજના યુવાનો પર પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં થયેલ અત્યાચાર સામે વિરોધ દર્શાવવા માટે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદન પત્ર આપતા સમયે યુથ કોગ્રેસના પ્રમુખ રવીભાઈ પટેલે ના.મામલતદારને જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા તાજેતરમાં સરદાર પટેલની પ્રતિમાં બનાવવા પાટીદારો પાસેથી લોખંદા ઉઘરાવ્યું હતુ તે લોખંડની સરકારે કારતુસ બનાવી પાટીદારો વિરૂધ્ધ જ તેને ઉપયોગ કરી પાટીદાર સમાજ સાથે સરકારે વિશ્વાસઘાત કર્યો છે. તેઓએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ સહીત ગુજરાતભરમાં પાટીદાર યુવાનો પર પોલીસે આડેધડ લાઠીચાર્જ કરી અમાનવીય કૃત્ય આચર્યું છે. સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવેલ પાટીદાર સમાજ પર અત્યાચાર દેશની લોકશાહીની હત્યા સમાન છે, સરકારે લોકશાહીની હત્યા કરી જ દીધી છે ત્યારે લોકશાહીની અસ્તી યુથ કોગ્રેસને પરત કરે જેથી તેને ગંગામાં પધરાવી દેવાય તેવી કટાક્ષપૂર્ણ માગણી કરી હતી. આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતુ કે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ રહી છે. ગુજરાતભરમાં ૮ જેટલા પાટીદારોને પોલીસ દ્વારા લાઠીચાર્જ કે ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આવેદન પત્ર સ્વીકારી ના.મામલતદાર દિપકભાઈ પટેલે સરકારશ્રી સુધી તેઓનું આવેદનપત્ર પહોંચાડવાની ખાત્રી આપી હતી. આવેદનપત્ર સુપ્રત કરવા યુથ કોગ્રેસ ડેલીગેશનમાં ચિરાગ પટેલ (થામણા), રોહીત પટેલ (વિરોધપક્ષ-નેતા-તા.પં.ઉમરેઠ), ભોલાભાઈ,ગીરીશભાઈ પટેલ,પ્રજ્ઞેશભાઈ પટેલ,આશીષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠમાં રાબેતા મુજબ બજારો ખુલ્યા.


ગઈકાલે ગુજરાત બંધના પગલે સમગ્ર ઉમરેઠ સજ્જડ બંધ રહ્યું હતું. આજે સવારથી નિયમિત રીતે ઉમરેઠમાં બજારો ખુલવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજૂ પણ એસ.ટી સેવા સંપૂર્ણ રીતે બહાલ કરવામાં ન આવી હોવાને કારણે નોકરી ધંધા અર્થે બહારગામ જતા લોકોએ ખાનગી રીક્ષા કે છકડાનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે આણંદ તેમજ ગોધરા લાઈન પર ટ્રેન દ્વારા લોકોએ મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું.આજે ઉમરેઠમાં બજારો અને બેંકો રાબેતા મુજબ કાર્યરત થતા જનજીવન સામાન્ય થયું હતું.

અમદાવાદમાં થયેલ તોફાનના પગલે… ખડાયતા સમાજની રેલી-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રદ્દ કરાયો.


પાટીદાર સાથે અન્ય સમાજના લોકો પણ અનામતની માગણી કરી રહ્યા છે,ત્યારે ખડાયતા સમાજ દ્વારા પણ અનામતની માગણી કરેલ છે, જેના અનુસંધાનમાં સમગ્ર ગુજરાતના ખડાયતા જ્ઞાતિના લોકો તા.૩૦.૮.૨૦૧૫ના રોજ અમદાવાદ સી.કે.ખડાયતા છાત્રાલય ખાતે એકઠા થઈ રેલી નિકાળી આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કરવાના હતા. પરંતુ ગઈકાલે અમદાવાદમાં પાટીદાર સમાજની રેલી બાદ અમદાવાદ સહીત ગુજરાતના મોટાભાગના શહેરોમાં તોફાનો ફાટી નિકળ્યા હોવાને કારણે અમદાવાદ ખાતે યોજાનાર રેલી તેમજ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રદ્દ રાખ્યો હોવાનું અમદાવાદ ખડાયતા સમાજના અગ્રણીઓ દક્ષેસભાઈ શાહ, જયેશભાઈ શાહ, અતુલભાઈ શાહ તેમજ કિરીટભાઈ શાહએ જણાવ્યું હતું.

પાટીદાર અનામત મુદ્દે – ઉમરેઠના બજારો બંધ રહ્યા.


 સરકારી, સહકારી તેમજ ખાનગી બેંકો પણ બંધ રહી

ગઈકાલે અમદાવાદમાં પાટીદાર આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં આજે સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવતા ઉમરેઠમાં પણ બજારો સજ્જડ બંધ રહ્યા હતા.

bas stand

સવારે ૧૦ કલાકે ઉમરેઠ બસ સ્ટેશન પાસે ડાકોર રોડ પર મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા જેના કારણે ઉમરેઠ ડાકોર રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો.

વહેલી સવાર થી જ પાટીદાર સમાજના યુવાનોના ટોળા ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં આવી પહોચ્યા હતા અને ઉમરેઠ ડાકોર માર્ગ પર વચ્ચે બેસી ગયા હતા જેના પગલે થોડા સમય માટે ઉમરેઠ ડાકોર માર્ગ પર વાહન વ્યવહાર અટવાયો હતો. ત્યાર બાદ પાટીદાર સમાજના યુવાનો નગરમાં બજારો બંધ કરવા નિકળ્યા હતા જેથી ટ્રાફીક પૂનઃ કાર્યરત થઈ ગયો હતો.

નગરમાં બજારો ખુલવા ના સમયેજ પાટીદાર સમાજના લોકો બજારમાં આવી વહેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરી હતી જેથી બજારો બંધ રહેવા પામ્યા હતા. નગરના વડાબજાર, કોર્ટ રોડ, ખરાદીની કોઢ સહીત પંચવટી ચોકસી બજાર અને ઓડ બજાર તેમજ માર્કેટયાર્ડ પણ બંધ રહેવા પામ્યું હતું. સવારે લગભગ ૧૧ કલાક સુધી પાટીદારના ટોળે ટોળા નગરમાં બજારો બંધ કરાવવા દોડધામ કરતા નજરે પડ્યા હતા.

સમગ્ર ઉમરેઠના બજારો બંધ રહેતા નગરની ખાનગી, સહકારી તેમજ સરકારી બેંકો પણ બંધ રહી છે. નગરની અર્બન કો.ઓ.બેન્ક, દેના બેંક સહીત બેંકો બંધમાં જોડાઈ હતી. નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉમરેઠ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઠેર ઠેર પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યા હતા. પોલીસ પોઈન્ટ પર સામાન્ય લાકડી લઈ બેઠેલા હોમગાર્ડને જોઈ નગરજનો તેઓની મશ્કરી કરતા પણ નજરે પડ્યા હતા.

ઉમરેઠમાં પાટીદાર પાવર દેખાયો – હજ્જારોની સંખ્યામાં પાટીદારો રેલીમાં જોડાયા.


ધારાસભ્ય જયંતભાઈ પટેલે મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું.

સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માગણી સાથે આવેદન પત્ર આપવાના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આજે ઉમરેઠમાં પણ પાટીદાર સમાજ દ્વારા નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા હજ્જારોની સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. રેલીને સંબોધતા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ આક્રમક મૂળમાં દેખાયા હતા તેઓએ જણાવ્યું હતુ કે પાટીદારો તેઓનો હક્ક માગે છે ભીખ નથી માગતા, તેઓએ ઉમેર્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં આંદોલન ખુબ જ શાંતિ પૂર્વક થઈ રહ્યું છે તેને દબાવી દેવા સરકાર પોલીસના જોરે પાટીદારોના અવાજને દબાવવા માગે છે તે કદાપી ચલાવી નહી લેવાય. પાટીદારો વિવેકપૂર્ણ તેઓની માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર પણ સંયમથી પાટીદારોના આંદોલનને માન આપે નહીતો પાટીદાર આક્રમક બનતા ખચકાશે નહી. એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં સભા બાદ હજ્જારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. રેલી ઓડ બજાર થી ચોકસી બજાર, પંચવટી થી ભાટપીપળી બરેલી પોળ, થઈ વારાહી દરવાજાએ થી મામલતદાર કચેરીએ પહોંચી હતી જ્યાં ના.મામલતદાર મનીષભાઈ ભોઈને ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે પાટીદાર સમાજને અનામત આપવા માગણી કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ઉમરેઠ સીનીયર સીટીઝન ફોરમ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.


ઉમરેઠ સીનીયર સીટીઝન ફોરમ દ્વારા ફોરમના સભ્યોના પૌત્રો,પૌત્રીઓ સહીતના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા માટે ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ,દ્રિતિય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરના અગ્રણી ચોકસીના વહેપારી હિમાંશુભાઈ ચોકસીના અદ્યક્ષ પદે સમારોહ યોજાયો હતો. જેમાં આશીર્વચનદાતા બ્ર.કુ. નિતાબેન (બ્ર.કુ.કેન્દ્ર ઉમરેઠ), મુખ્ય મહેમાન લાલસિંહભાઈ વડોદીયા(સાંદસશ્રી- રાજ્યસભા),અતિથિ વિશેષ સોમાભાઈ પટેલ, બીપીનભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્ર.કુ.નિતાબેન અને રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોદિયાએ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહીત કરવા સારી વાત છે પરંતુ આ ઈનામો લેવા વિદ્યાર્થીઓ જાતે આવે તેવો આગ્રહ રાખવો જરૂરી છે મોટાભાગના ઈનામ વિતરણ સમારોહમાં વાલીઓ જ પોતાના પૂત્ર કે પૂત્રીઓનું ઈનામ લેવા ઉપસ્થિત રહેતા હોય છે જે પ્રથા બંધ કરવી જરૂરી છે. સદર ઈનામ વિતરણ સમારોહમાં જાતે વિદ્યાર્થીઓ ઈનામો લેવા ઉપસ્થિત રહ્યા હતા તે અંગે તેઓએ પ્રશંશા કરી હતી. સમારોહને સફળ બનાવવા માટે સીનીયર સીટીઝન ફોરમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર તમામનો સીનીયર સીટીઝન ફોરમના પ્રમુખ ચીમનલાલ ડી.કાછીયા અને મંત્રી રમેશભાઈ કાછીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

ચરોતરમાં ૪૦૦ બી.પી.એલ પરિવારને ડીપોઝીટ વગર રાંધણ ગેસ જોડાણની ફાળવણી કરાઈ.


બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને એક સિલેન્ડરનું રાંધણ ગેસ કનેકશન વગર ડીપોઝીટ થી આપવાની યોજના અમલી.

કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીનનો વપરાશ કરતા બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને એક સિલેન્ડરનું રાંધણ ગેસ જોડાણ વગર ડીપોઝીટ થી ફાળવવાની યોજના અમલી કરી દેવામાં આવતાની સાથે જૂન-૨૦૧૫ થી ઓગષ્ટ-૨૦૧૫ સુધીમાં ચરોતરમાં લગભગ ૪૦૦ જેટલા બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વગર ડીપોઝીટથી રાંધણ ગેસ જોડાણ આપવામાં આવ્યું છે,જે પૈકી મોટા ભાગે આણંદ જિલ્લાના ઉમરેઠ અને બોરસદ તાલુકાના લાભાથીઓનો સમાવેશ થાય છે. હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમેટેડની બોરસદની કે.સી.શાહ અને ઉમરેઠની એમ.જીતેન્દ્ર.શાહ ગેસ એજન્સી પર થીજ લગભગ ૩૫૦ જેટલા બી.પી.એલ રેશનકાર્ડ ધારકોએ વગર ડીપોઝીટ થી ગેસ કનેક્શન મેળવી લીધા છે. હાલમાં લગભગ ૪૦૦ બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને રાંધણ ગેસ સિલેન્ડરનું જોડાણ મળી જતા તેઓને હવે કેરોસીનનો ચૂલો ફુંકવાની ઝંઝટ માંથી છુટકારો મળી ગયો છે. સરકારશ્રીની સદર યોજનાનો લાભ લેવા માટે હાલમાં બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુ આણંદ જિલ્લાના તમામ ગેસ વિતરકો તેમજ મામલતદારોને જરૂરી સુચના આપવામાં આવી છે તેમ જણાવતા જિલ્લા પૂરવઠા અધિકારી આર.ટી.ઝાલાએ જણાવ્યું હતુ કે બી.પી.એલ રેશનકાર્ડની ખરાઈ કરી તેઓને વગર ડીપોઝીટથી ગેસ જોડાણ આપવાનું હોય છે જેથી ગેસ વિતરકને બી.પી.એલ રેશનકાર્ડ ધારક તરફ થી મળેલ ગેસ જોડાણ અંગેની અરજીના ફોર્મ માં રેશનકાર્ડની નકલ પણ સામેલ કરવાની હોય છે. સદર રેશનકાર્ડની વિગતો નિયત ફોર્મમાં ભરી વિતરક મામલતદારને સુપ્રત કરશે ત્યાર બાદ મામલતદાર જેતે રેશનકાર્ડની વિગતોની ખરાઈ કરી વિતરકને ગેસ જોડાણ જેતે રેશનકાર્ડ ધારકને આપવા માટે મજૂરી આપશે. વધુમાં ડીપોઝીટ વગર ગેસ કનેક્શન મેળવવા માટે હજૂ આણંદ જિલ્લામાં માત્ર ઉમરેઠ અને બોરસદના રેશનકાર્ડ ધારકો માંજ ઉત્સાહ દેખાઈ રહ્યો છે,અન્ય તાલુકાની સરખામણીમાં ઉમરેઠ તેમજ બોરસદમાં વધુ બી.પી.એલ રેશનકાર્ડ ધારકોએ ડીપોઝીટ વગર રાંધણ ગેસ જોડાણ મેળવી લીધુ છે.

એક સિલેન્ડનું રાંધણ ગેસ જોડાણ મળશે – મુકેશ દોશી (ગેસ વિતરક – ઉમરેઠ) બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને એક સિલેન્ડરનું રાંધણ ગેસ જોડાણ વગર ડીપોઝીટ થી મળશે તેમ જણાવતા ઉમરેઠ એચ.પી.ગેસના વિતરક મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતુ કે, એક સિલેન્ડરની ડીપોઝીટ રૂ.૧૪૫૦ અને રેગ્યુલેટરની ડીપોઝીટ રૂ.૧૫૦ ગ્રાહક સાથે વસુલ કરવામાં નહી આવે જેથી ગ્રાહકને સીધો રૂ.૧૬૦૦નો ફાયદો થશે. કોઈ ગ્રાહક બીજો સિલેન્ડર મેળવવા ઈચ્છે તો તેઓ ડીપોઝીટ ભરી બીજો સિલેન્ડર પણ મેળવી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

કેરોસીનના ચુલા ફુંકવાની ઝંઝટ પુરી થઈ – રમીલાબેન રાવલ

ઉમરેઠના બી.પી.એલ રેશનકાર્ડ ધારક રમીલાબેન રાવલ બધાના ઘરોમાં વાસણ-કપડા ધોઈ પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓએ જણાવ્યું હતુ કે,તેઓના પતિ પણ છુટક કામ-ધંધો કરતા હોઈ ડીપોઝીટ થી રાંધણ ગેસ મેળવવું તેઓ માટે સ્વપ્ન સમાન હતું પરંતુ તાજેતરમાં શરૂ થયેલ યોજનામાં તેઓએ ડીપોઝીટ વગર રાંધણ ગેસ જોડાણ મેળવી કેરોસીનના ચુલા ફુંકવાની કાયમની ઝંઝટ માંથી છુટકારો મેળવી લીધો છે.

કેવી રીતે બી.પી.એલ કનેક્શન મેળવવું..?

(૧) એલ.પી.જી વિતરક પાસેથી બી.પી.એલ રાંધણ ગેસ કનેક્શન માટે ફોર્મ મેળવવું. (૨) ફોર્મ ભરી સાથે વિતરકના જણાવ્યા અનુસાર દસ્તાવેજોની કોપી સાથે ફોર્મ વિતરકને પરત કરવું. (૩) એલ.પી.જી વિતરક તેઓને પ્રાપ્ત થયેલ બી.પી.એલ ગેસ કનેક્શનના ફોર્મ મામલતદારને મોકલશે. (૪) વિતરક દ્વારા પ્રાપ્ત થયેલ ફોર્મમાં દર્શાવેલ બી.પી.એલ કાર્ડ નંબરની મામલતદાર ચકાસણી કરી વિતરકને પરત મોકલશે. (૫) મામલતદાર દ્વારા મંજૂર થયેલ બી.પી.એલ રેશનકાર્ડ ધારકને વિતરક વગર ડીપોઝીટથી ગેસ કનેક્શન આપશે.

ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરાંણે “સ્વચ્છતા અભિયાન” કરવાની ફરજ…!


ઉમરેઠની ધી જ્યુબિલિ સ્કૂલમાં મોડા આવનાર વિદ્યાર્થીઓને પરાણે “સ્વચ્છતા અભિયાન” કરવાની ફરજ પાડવામાં આવે છે. તાજેતરમાં સ્કૂલ બહાર પાલિકા ની કચરા પેટીમાં સ્કૂલનો કચરો ઠાલવવા આવેલા વિદ્યાર્થીઓને જોઈ આજૂબાજૂ થી પસાર થતા લોકો એક વાર તો સ્કૂલમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હશે તેમ માની આગળ ચાલતા બન્યા પણ વિદ્યાર્થીઓના હાવભાવને જોઈ એક આગંતુકે કૂતુહલવશ એક વિદ્યાર્થીઓને તેઓની પ્રવૃત્તિ વીશે પુછ્યું તો વિદ્યાર્થીનો જવાબ શાંભળી આગંતુક દંગ રહી ગયા. વિદ્યાર્થીએ કહ્યું “અમે સ્કૂલમાં મોડા આવ્યા એટલે સાહેબે અમને કહ્યું,જાવ ગ્રાઉન્ડ સાફ કરી દો” વાલીઓ સમજતા હોય છે કે તઊનો પૂત્ર શાળામાં જઈ અભ્યાસ કરતો હશે, પણ સ્કૂલના શિક્ષકો તેઓને પરાંણે સ્વચ્છતા અભિયાનમાં જોડી દેતા હોય છે જે પૂત્રને પાણી માગે તો દૂધ આપી લાડકોડથ ઘરે ઉછેરવામાં આવે છે તે જ પૂત્રો સ્કૂલમાં ગ્રાઉન્ડ સાફ-સફાઈ કરે છે તે જાણી તેઓના વાલીની હાલત શું થશે..? શું શિક્ષકો ને ખબર નહી કે સાફ સફાઈ કરવા માટે ગ્લોઝ,માસ્ક સહીત સુરક્ષા સાધનો પણ જરૂરી છે..? આમ ખુલ્લા હાથે, ખુલ્લા મોઢે વિદ્યાર્થીઓ ને માત્ર સ્કૂલમાં મોડા આવવા બદલ સજા રૂપે સ્કૂલનું ગ્રાઉન્ડ સાફ કરાવવું કેટલું યોગ્ય છે.? આવી બેદરકારી માત્ર વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે જ નહી પરંતુ સ્વાસ્થય સાથે પણ ચેડા સમાન છે તેમ કહીયે તો અતિરેક નથી. આવા ક્રુર શિક્ષકો સામે શાળાના સંચાલકો જેવા સાથે તેવાના નિયમથી આકરા પગલા ભરશે કે નહી તે આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠમાં મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી


kanuni

જિલ્લા સરકારી વકીલ આણંદ દ્વારા આયોજીત મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિધાલય ખાતે મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી ઉમરેઠ બાર એશોશિયેશન અને લાયન્સ તેમજ લાયોનેશ ક્લબના સંયુક્ત ઉપક્રમે શ્રી સરસ્વતી સ્કૂલના સહયોગથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિશેષ રૂપે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવી, બાર એશોશીયેશનના રશ્મિભાઈ શાહ, લાયન્સ ક્લબના પ્રમુખ કિરીટભાઈ ગાભાવાળા, લાયોનેસ ક્લબના પ્રમુખ બિજલબેન ગાભાવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોને શ્રી સરસ્વતી શીશુ વિય્દાલયના ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે આવકાર આપ્યો હતો. બાર એશોશિયેશનના રશ્મિભાઈ શાહએ ઉપસ્થિત મહીલાઓને મળતી કાનુની સેવાઓ અને તેઓના હક્ક થી અવગત કર્યા હતા અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ સમયે બાર એશોશિયેશનના પ્રતિનિધિ તરીકે નોટરી વકીલ પ્રફુલભાઈ સુત્તરીયા, જીતુભાઈ (ઓડ), અરવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સફળ બનાવવ માટે શ્રી સરસ્વતિ સ્કૂલના શિક્ષક મિત્રો અને પ્રિન્સિપાલે ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુદન ભગતે અંતે આભાર વિધિ કરી હતી.

માત્ર એક ક્લિક કરી , શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રીજીના હિંળોડાના દર્શન કરો.


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંળોડાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. ગતરોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિદેશી ચલણી નોટોના હિંળોડા ધરાવવામાં આવ્યા હતા. જ્યારે આજે દિવેટોના હિંળોડા શ્રીજીને ધરાવવામાં આવ્યા છે આ દિવ્ય દર્શનનો ઉમરેઠની ધર્મપ્રેમિ જનતા ભક્તિભેર લાભ લઈ રહી છે. 

swami02 swami01

ઉમરેઠ શ્રી બાજખેડાવાડ યુવા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.


ખેડાવાડ જ્ઞાતિના ૧૩ યજમાનોએ યજ્ઞનો લાભ લીધો.

YAGN

ઉમરેઠ શ્રી બાજ ખેડાવાડ યુવા સમિતિ દ્વારા ચોથા હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં જ્ઞાતિના ૧૩ યજમાનોએ ભાગ લીધો હતો. યજ્ઞ પૂર્ણાહૂતિ સમયે ઉમરેઠ સંતરામ મંદિરના સંતશ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ હોમ્યું હતુ તેમજ આશિર્વચન પાઠવ્યા હતા. શ્રી બાજખેડાવાડ યુવા સમિતિના ચેરમેન સમીર ત્રીવેદીએ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞને સફળ બનાવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ આપનાર દિલિપભાઈ દવે, ચંન્દ્રમૂળેશ્વર મહાદેવના ટ્રસ્ટી તેમજ પુજારી પરિવાર, પંકજભાઈ ત્રિવેદી, દેવનંદ શેલત સહીત કાર્યકરો અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞને સફળ બનાવવા માટે બાજખેડાવાડ યુવા સમિતિના સભ્યો હર્ષ શેલત, પાર્ય ઠાકર, વિનય ભટ્ટએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં પાટીદાર સમાજની બેઠક મળી.


૨૪/૦૮/૨૦૧૫ના રોજ રેલીમાં જોડાવવા સમાજના તમામ લોકોને અનુરોધ

patidar

ઉમરેઠ બારગામ પટેલ સમાજની વાડી ખાતે આજે બપોરે પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓમાં જ્ઞાતિજનોને અનામતના કારણે થતા અન્યાય અંગે ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં તા.૨૪./૮/૨૦૧૫ના રોજ અનામતની માગણી અંગે મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા રેલી એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડ ખાતે થી સવારે ૧૧ કલાકે નિકળી વિવિધ વિસ્તારોમાં ફરી મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવા અંગે સર્વસંમતિ થી નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે સદર રેલીમાં ઉમરેઠના કેટલાક સ્થાનિક આગેવાનો ગેર હાજર રહ્યા હતા જ્યારે અન્ય યુવા આગેવાનોની સુચક હાજરીથી પાટીદાર સમાજમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વધુમાં ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)એ પણ ઉમરેઠ પાટીદાર સમાજને ટેકો જાહેર કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ અને તા.૨૪.૮.૨૦૧૫ના રોજ તેઓ રેલી સહીત આવેદન પત્ર આપવા માટે હાજરી આપશે તેમ પણ ચર્ચાઓ થઈ રહી છે.

ઉમરેઠની સરકારી કચેરીઓ સહીત સ્કૂલ અને સોસાયટી-મહોલ્લામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું.


ઉમરેઠમાં ઠેર ઠેર સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નગરની વિવિધ સ્કૂલ અને સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન કાર્યક્રમો સહીત સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ યોજાયા હતા.

શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય

1

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે સ્વતંત્ર દિવસ નિમિત્તે ઉમરેઠ લાયોનેસ ક્લબના પ્રમુખ બિજલબેન કિરીટકુમાર ગાભાવાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન ર્ડો.મધુસુધનભાઈ ભગત, આચાર્ચ અને શિક્ષક સહીત વિદ્યાર્થીઓએ ઝંડાને સલામી આપી દેશ પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી હતી. તેજસ્વી તારલાઓનો આ પ્રસંગે સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આગમ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ

ઉમરેઠની આગમ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ ખાતે ધ્વજ વંદન કરી ઝંડાને સલામી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ આ પ્રસંગે વિવિધ વેશભૂષા કરી શાળામાં આવ્યા હતા. શાળા દ્વારા સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને વિધાર્થીઓ રેલીમાં વિવિધ વેશભૂષા સાથે આવ્યા હતા અને દેશ ભક્તિના નારા લગાવ્યા હતા. અંતે શાળાના વિધાર્થીઓને ઓડ બજાર સ્થીત શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. શાળના શિક્ષકો દ્વારા બાળકોને આઝાદીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. 

તાલુકા પંચાયત કચેરી

5

ઉમરેઠ તાલુકા પંચાયત કચેરી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ,સભ્યો,અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાંટા સ્ટ્રીટ 

7

ઉમરેઠની વાંટા સ્ટ્રીટ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. પરંપરા મુજબ વાંટા સ્ટ્રીટના રહીશો દ્વારા ધ્વજ વંદન કરી ઝંડાને સલામી આપવામાં આવી હતી. વાંટા સ્ટ્રીટના યુવાનો સહીત મહીલાઓ અને બાળકોએ પણ ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લઈ પોતાની દેશ પ્રત્યે ભાવના પ્રગટ કરી હતી. 

વલ્લભ પાર્ક સોસાયટી

8

ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વલ્લભ પાર્ક સોસાયટીમાં ઉત્સાહભેર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સોસાયટીના વડીલ મહિલા શારદાબેન દરજીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહીશો તેમજ આજૂબાજૂની સોસાયટીના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

એચ.એમ.દવે સ્કૂલ

ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એચ.એમ દવે સ્કૂલમાં ધ્વજ વંદન નગરના અગ્રણી ચોકસીના વહેપારી અર્પિતભાઈ ગાભાવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝંડાને સલામી આપવા માટે શાળાના શિક્ષકો, આમંત્રીતો સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન કરવા માટે તક આપવા બદલ અર્પિતભાઈ ગાભાવાળાએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ઉમરેઠ

9

ઉમરેઠની ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ઉમરેઠ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કરવા માટે નગરના અગ્રણી વહેપારી નિલેશભાઈ પોલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજ વંદન કરી ઝંડાને સલામી આપી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા કાછીયાવાડમાં ધ્વજવંદન કરાયું.

11

દોરડૂં ખેચતા ધ્વજ ન ફરક્યો,આખરે ફાયર બ્રિગેડની સીડી થી ધ્વજની ગાંઠ ઢીલી કર્યા બાદ ધ્વજ વંદન કરાયું.

10ઉમરેઠ નગરપાલિકા દ્વારા દર વર્ષે નગરપાલિકા કંપાઊન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે નગરપાલિકાનો ધ્વજ વંદન કાર્યક્રમ નગરના કાછીયાવાડ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો જેને લઈ નગરના કેટલાક લોકોએ છુપો આક્રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં ધ્વજ વંદન સમયે દોરડું ખેચતા ધ્વજ ન ફરકતા લોકો ક્ષોભમાં મુકાઈ ગયા હતા. ધ્વજને ફીટ ગાંઠ મારી દેવામાં આવી હોવાને કારણે ધ્વજ ન ફરકતા આખરે ફાયર બ્રિગેડની સીડી થી ધ્વજની ગાંઠ ઢીલી કરવામાં આવ હતી. આખરે નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે ધ્વજ વંદન કરી ઝંડાને સલામી આપી હતી. આ પ્રસંગે નગરના અગ્રણીઓ સહીત પાલિકાના અધિકારીઓ, સભ્યો અને કર્મચારી સહીત ભૂ.પૂ.ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહ્ય હતા.

અજરપુરા પ્રાથમિક શાળા

12

ઉમરેઠ તાલુકાના અજરપુરા પ્રાથમિક શાળમાં ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય સહીત શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ ખડાયતા બાલ મંદિર

13

 ઉમરેઠની પાટ પોળમાં આવેલ ખડાયતા બાલમંદિરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન નિશિથ અને.ચોકસીના વરસ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. બાળકોને દૂધ-બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન નિશિથ ચોકસીએ જણાવ્યું હતુ જે બાલ મંદિરમાં અભ્યાસ કર્યો હોત તે જ બાલ મંદિરમાં મુખ્ય મહેમાન બની ધ્વજ વંદન કરવાનો અવસર મળે તે તેઓ માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે બાલમંદિરના પ્રમુખ નિતિનભાઈ ચોકસી, અનિલભાઈ ગાંધી, શંજય શહેરાવાળા, દિવ્યાંગ શાહ, યોગેશભાઈ શહેરાવાળા,ચંન્દ્રેશભાઈ શાહ,જૈમિનભાઈ શાહ, કિરીટભાઈ શા.પટેલ તથા શિક્ષિકા કૃષ્ણાબેન ઉપસ્થિત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી.

ઉમરેઠ જાગનાથ મહાદેવ

14

 ૧૫મી ઓગષ્ટ અને શ્રાવણ માસનો પહેલો દિવસ એક જ દિવસે આવતો હોવાને કારણે જાગનાથ મહાદેવમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિવલીંગની આસપાસ ત્રિરંગી ફુલવાડી સજાવવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મહાદેવમાં મહાદેવમાં શીવજીની ભક્તિ સાથે દેશ ભક્તિનો અનોખો સમનવય જોવા મળ્યો હતો.

અનામત મુદ્દે ચર્ચા કરવા.. ઉમરેઠ તાલુકાના પાટીદાર અગ્રણીઓની બેઠક મળી.


૨૪.૮.૨૦૧૫ના રોજ રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરાશે.

pati1dar
સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ અનામત મુદ્દે આંદોલન કરી રહ્યો છે ત્યાર ઉમરેઠ પંથકમાં પણ પાટીદાર સમાજ દ્વારા આંદોલનને આગળ વધારવા માટે ચર્ચા વિચારણા કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ માહીતી આપતા ઓમ ગૃપના ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે, શિક્ષણ સંસ્થામાં પ્રવેશ સહીત નોકરી માટે અનામત પ્રથાને કારણે સમાજના લોકો પાછળ રહી જાય છે,માર્ક વધુ હોવા છતા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ થી વંચિત રહેવું પડે છે અથવા મોટી રકમ ચુકવી પેમેન્ટ સીટ પર પ્રવેશ મેળવવો પડે છે. સારું શિક્ષણ મેળવ્યા પછી પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોકરી મેળવતા સમયે પણ અનામત પ્રથા નડે છે, જેને કારણે યુવાનો નાસીપાસ થાય છે,આજ દીન સુધી સમાજના કેટલાય યુવાનોની જિંદગી અનામત પ્રથાને કારાણે બરબાદ થઈ ગઈ છે. ત્યારે હવે સમાજની આવનારી પેઢીને પણ આવી સમસ્યાઓથી અવગત ન થવું પડે તે માટે હવે અનામતની માગણી કરવી અનિવાર્ય થઈ ગઈ છે. તેઓએ ઉમેર્યુ હતુ કે, સદર બેઠકમાં ઉમરેઠ શહેર કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના સભ્ય જયેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ સહીતના અગ્રણીઓ સહીત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સદર બેઠકમાં તા.૨૪.૮.૨૦૧૫ના રોજ એસ.એન.ટી. ગ્રાઉન્ડ થી રેલી કાઢી મામલતદારશ્રીને આવેદન પત્ર સુપ્રત કરવા અંગે સર્વસંમતિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે પહેલા પાટીદાર આંદોલન અંગે સકારાત્મક નિવેદન આપનાર ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ આંદોલન અંગે મળેલ બેઠકમાં ગેર હાજર રહ્યા હતા. ત્યારે શું હવે તેઓનો આંદોલન મુદ્દે અભિગમ બદલાઈ ગયો હશે તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. બીજૂ બાજૂ સમાજના યુવાનોએ તેમ પણ જણાવ્યું હતુ કે રાજકિય કારણોથી પાલિકા પ્રમુખ પાટીદાર સમાજની બેઠકથી અગળા રહ્યા હશે પણ તેઓએ સમગ્ર આંદોલનને ટેકો જાહેર કર્યો છે. ઓમ ગૃપના ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં આંદોલનમાં ઉમરેઠના ધારાસભ્યશ્રી જયંતભાઈ પટેલને પણ સામેલ કરવાના પ્રયાસો હાથ ધરાશે.

..મારી આદત છે.


મને કાંઈ ખાસ લખતા નથી આવડતું
અમૂક લોકો મારી કવિતાને અવગણે છે.
પરંતુ તોય લખવું મારી આદત છે.

તુરંત જ સફળતા મળી જાય તેનો શું અર્થ
સંઘર્ષ કરવાનું હું પણ જાણુ છું.
કેમ કે શીખવું મારી આદત છે.

ઝગડો જ ન થાય તે જીવન શું કામનું!!..
એજ ઝગડા ભૂતકાળ બને તો મીંઠા લાગે છે.
કેમ કે, માણસોને ઓળખવા..
એ મારી આદત છે.

અહી ભૂલો કરવાનો સમય ઘણો જ છે.
પરંતું સુધારવાનો સમય જ ક્યાં છે.!!
પરંતુ તોય સુધરવાની મારી આદત છે.

અહીં મિત્રોના નામે શત્રુઓ ઘણા છે.
જાણું જ છું પરંતુ અવગણું છું.
કેમ કે, સંબંધ મારી આદત છે.

દૂનિયામાં અનેક રંગો છે.
લોકો પણ સમય જતા રંગ બદલે છે.
પરંતું હું નહી, સાદગી મારી આદત છે.

– બીજલ શાહ (ઉમરેઠ)

ઉમરેઠ વિશા ખડાયતા બેસણું


ઉમરેઠ વિશા ખડાયતા બેસણું

JAMNADAS

સખેદ જણાવવાનું કે અમારા પિતાશ્રી જમનાદાસ મુળજીભાઈ શેઠનું તા.૨.૮.૨૦૧૫ને રવીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું:તા.૧૫.૮.૨૦૧૫ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે રાખેલ છે.

સ્થળ – નાશિકવાળા ભુવન, ખ.વે.સંઘ સામે, ઉમરેઠ

લી.

ગં.સ્વ. કોકીલાબેન જમનાદાસ                        શેઠ સંજય જમનાદાસ શેઠ

જયેશ જમનાદાસ શેઠ                              શેઠ અજય જમનાદાસ શેઠ

ફર્મ – ડાયલ ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લી અને આર્ષ રેમીડીઝ પ્રા.લી (અમદાવાદ)

%d bloggers like this: