આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2014

ઉમરેઠમાં શ્રીનાથજીના સાક્ષાત સ્વરૂપ શ્રી ધ્વજાજીની અલૌકીક પધરામણી થશે.


૨૯.૧૧.૨૦૧૪ થી ૩૦.૧૧.૨૦૧૪ સુધી ધ્વજાજીના ઉમરેઠમાં દર્શનનો લાહ્વો.

પ્રધાન પીઠાધીશ્વર પૂ.પા.ગો.તિલકાયત શ્રી ઈન્દ્રદમનજી મહારાજશ્રી(નાથદ્વાર)ની આજ્ઞાથી એવં જગદ્ગુરુ પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી.વલ્લભાચાર્યજી મહારાજશ્રી કામવનનાં મનોરથ સ્વરૂપે શ્રીનાથજીના સાક્ષાત સ્વરૂપ શ્રી ધ્વજાજીની અલૌકીક પધરામની તા.૨૯.૧૧.૨૦૧૪ને શનિવારના રોજ ઉમરેઠ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે તા.૨૯.૧૧.૨૦૧૪ના રોજ ઉથાપણના દર્શન ગીરીરાજધામ ખાતે તેમજ શયનના દર્શનનો લાભ રશ્મીભાઈ શ્રોફના નિવાસ સ્થાને યોજાશે.તા.૩૦.૧૧.૨૦૧૪ના રોજ શ્રી ધ્વજાજીના મંગળા દર્શન રશ્મીભાઈ શ્રોફના નિવાસ સ્થાન પાનેતર પાર્ક ખાતે સવારે ૮.૩૦ કલાકે, ગ્વાલના દર્શન સંદીપભાઈ શાહ(ચાંગ)ના નિવાસ સ્થાન ગીરીરાજ પાર્ક ખાતે તેમજ રાજભોગ અને ઉથાપણ દર્શન ગુણવંતભાઈ શહેરાવાળાના નિવાસ સ્થાન યમુના પાર્ક ખાતે યોજાશે.સંધ્યા દર્શનનું આયોજન ધીરૂભાઈ ગાંધીના નિવાસ સ્થાને રેટિયા પોળ ખાતે યોજાશે, ત્યાર બાદ શયન દર્શનનો લાભ પ્રફુલભાઈ ગાંધી રેટિયાપોળના નિવાસ્થાને લઈ શકાશે જ્યારે તા.૧.૧૨.૨૦૧૪ના રોજ મંગળા દર્શન સવારે ૮.૩૦ કલાકે પ્રફુલભાઈ ગાંધીના નિવાસ્થાન રેટિયાપોળ ખાતેજ લેવામાં આવશે તેમ એક યાદીમાં સંજયભાઈ શહેરાવાળાએ જણાવ્યું હતું.

પૂષ્ટી પ્રભુધામ ગળતેશ્વર ખાતે અન્નકુટ યોજાશે.


પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી ધ્રુમિલકુમાર મહોદયશ્રીની આજ્ઞાથી તા.૩૦.૧૧.૨૦૧૪ને રવીવારના રોજ પૂષ્ટી પ્રભુધામ ગળતેશ્વર ખાતે સવારે ૯.૩૦ કલાકે ગોવર્ધનપૂજા તેમજ બપોરે ૧.૦૦ કલાકે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવ્ય અવસરનો લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સમાજને પૂષ્ટી પ્રભુધામ ગળતેશ્વરના કાર્યકરોએ જણાવેલ છે. આ દિવ્ય અવસરે પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી ધ્રુમિલકુમાર મહોદયશ્રી ખાસ ઉપસ્થિત રહેશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોદીયા દ્વારા ઉમરેઠ તાલુકાનું બેચરી ગામ દત્તક લેવાયું.


બેચરી ગામમાં ઈન્દીરા નગરીમાં પીવાના પાણીની સમસ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ સાંસદોને એક ગામ દત્તક લઈ તેનો વિકાસ કરવા સુચન કરવામાં આવતા સમગ્ર દેશમાં સાંસદ સભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં એક ગામ દત્તક લેવાની પ્રથા શરૂ થઈ ગઈ છે. આણંદ જિલ્લામાં રાજ્ય સભા સાંસદ લાલસિંહ વડોદીયા દ્વારા ઉમરેઠ તાલુકાના બેચરી ગામને દત્તક લેવાની જાહેરાત થતા બેચરીના ગ્રામ્યજનો આશાવાદી બન્યા છે.

વધુમાં બેચરી ગ્રામ પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ બેચરી ગામમાં પહેલા થી જ પાયાની સુવિધાઓ હાજર જ છે. ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર સહીત પાણીની ટાંકી આર.સી.સી તેમજ પાકા રસ્તા સહીત દૂધ મંડળી અને પાકું પંચાયત ઘર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. બેચરીથી તાલુકા મથક ઉમરેઠ જવા માટે પૂરતી બસ સેવા પણ હાજર છે, હાલમાં બેચરી ખાતે ઈન્દિરા નગરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ખુબજ છે બેચરી ગામથી ઈન્દીરા નગરી વિસ્તાર દૂર હોવાથી ત્યાં પીવાનું પાણી પહોંચતુ નથી જે સમસ્યા સાંસદ સભ્ય દૂર કરશે તેમ બેચરીના રહીશો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

ઉમરેઠ આણંદની બસ વધારવા માટે વિદ્યાર્થીઓની માંગ.


ઉમરેઠ-આણંદ અપ ડાઉન કરતા લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે બીજી બાજૂ ઉમરેઠ આણંદ વચ્ચે બસ સેવા અપુરતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આણંદ વિદ્યાનગર મોટી સંખ્યામાં લોકો સવારના સમયે નોકરી ધંધા અર્થે જતા હોય છે તેવામાં વિદ્યાનગર આણંદ સ્થીત કોલેજ તેમજ ક્લાસિસમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓનો પણ ઘસારો હોય છે જેથી સવારે ૭ થી ૧૦ કલાક સુધી ઉમરેઠ થી આણંદ જતી વધારે બસ મુકવામાં આવે તેમ લોક લાગણી પ્રવર્તમાન બની છે.

હાલમાં સવારે દશ કલાક સુધી આણંદ તરફ જતી બસ ડાકોર થી આવે છે જે આગળથી જ ભરાઈને આવતી હોવાથી ઉમરેઠના વિદ્યાર્થીઓ સહીત અન્ય મુસાફરોને માસિક પાસ લીધેલો હોવા છતા ઉભા ઉભા ગીરદીમાં જવાનો વારો આવે છે. વધુમાં કેટલાક સમયે ગીરદીનો લાભ લઈ કેટલાક છેલબટાવ યુવાનો અશોભનીય વર્તન કરતા હોય છે જેને કારણે યુવતિઓ મુશ્કેલીમાં મુકાય છે. ભૂતકાળમા ઉમરેઠના વિધાર્થીઓ દ્વારા આણંદ તરફ જતી બસ સેવા વધારવા ઉગ્ર રજૂઆતો પણ કરી હતી પરંતુ સકારાત્મક પરિનામ મળ્યું ન હતુ, આવનારા સમયમાં જો આણંદ તરફ જતી બસ વધારવામાં નહી આવે તો કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આંદોલન કરવાના મૂડમાં હોય તેમ જાણવા મળી રહ્યું છે. એક તરફ આણંદ તરફ જતી ઓછી બસને કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે ત્યારે બીજી બાજૂ વહેપારી તેમજ નોકરીયાત વર્ગના લોકોને પણ આણંદ તરફની અપુરતી બસ સેવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાસ હોવા છતા છકડામાં મુસાફરી કરવી પડે છે.

ઉમરેઠથી આણંદ વિદ્યાનગર અપ ડાઊન કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે માસિક પાસ હોવા છતા કેટલાય દિવસ બસમાં ગીરદી હોવાને કારણે અથવા સમય સાચવા માટે તેઓએ છકડા કે ખાનગી વાહનો દ્વારા આણંદ જવું પડે છે. મોટાભાગની બસ ડાકોર થી જ ભરાઈ જતી હોય છે જેથી તેઓને પૈસા ખર્ચીને ગીરદીમાં ઉભા ઉભા જવુ પડે છે.

આણંદની ટ્રેનનો સમય પ્રતિકૂળ

ઉમરેઠથી આણંદ તરફ જતી ટ્રેનના સમય પણ પ્રતિકૂળ હોવાને કારણે ઉમરેઠના વહેપારીઓ અને વિદ્યાર્થીઓ ટ્રેનનો લાભ લઈ શકતા નથી. આણંદ તરફ જતી ટ્રેન અન્ય મુંબઈ કે વડોદરા તરફ જતી ટ્રેનના સમયને ધ્યાનમાં રાખી મુકવામાં આવે છે જેથી તેનો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ કે વહેપારીઓ ઉઠાવી શકતા નથી. આણદ જવા માટે ૭ થી ૧૦ના ગાળામાં નોન સ્ટોપ ટ્રેન મુકવામાં આવે તો પણ બસ સેવા પર ભારણ ઓછું થઈ શકે તેમ છે.

ઉમરેઠ દશ ખડાયતા જ્ઞાતિનો ૨૧મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.


  • જ્ઞાતિના વડીલોનું સન્માન કરાયું.

k1

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ઈનામ વિતરણ સમારોહ અત્રે દશા ખડાયતાની વાડી ખાતે કનુભાઈ રમણલાલ દોશી(ડાકોર)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ર્ડો.અશોકભાઈ ગોવિંદલાલ દેસાઈ(વડોદરા),સુરેશભાઈ કાન્તિલાલ દોશી (વડોદરા) તેમજ નવિનચંન્દ્ર નટવરલાલ શાહ(આગરવાવાળા) ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન કરતા જ્ઞાતિના પ્રમુખ રશ્મિભાઈ શાહએ સૌ મહેમાનોને આવકાર આપી જ્ઞાતિમાં યુવાનોમાં રહેલી સુસુપ્ત પ્રતિભાને આગળ લાવવા માટે આહ્વાન કર્યું હતુ તેઓએ ઉમેર્યુ હતુ કે જ્ઞાતિમાં અનેક પ્રતિભાશાળી લોકો છે, જેઓનો લાભ જ્ઞાતિજનોને મળતો રહે તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. જ્ઞાતિના બાળકોએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલ સિધ્ધિને તેઓએ બિરદાવી હતી.

અતિથિ વિશેષ ર્ડો. અશોકભાઈ દેસાઈએ પ્રવર્તમાન ઈન્ટરનેટના યુગમાં જ્ઞાતિ દ્વારા વેબસાઈટ અને શોશિયલ મિડીયાનો સકારાત્મક ઉપયોગ થાય તે મુદ્દા પર ભાર મુકતા જ્ઞાતિની વેબસાઈટ પર વાર્ષિક હીસાબો સહી જ્ઞાતિના અન્ય કાર્યક્રમોનો સમાવેશ કરવા સુચણ કર્યું હતું. સુરેશભાઈ કાન્તિલાલ દોશીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે ઈ-યુગમાં મોબાઈલ અને અન્ય ટેક્નોલોજીના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈયે તેઓએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ટેક્નોલોજીના સાધનો નો દૂર ઉપયોગ થશે તો તેઓના ઘડતર પર તેની નકારાત્મક અસર થશે. નવીનભાઈ નટવરલાલ શાહ (આગરવાવાળા)એ ખુબજ ટુંકમાં પોતાનું વકતવ્ય રજૂ કરતા જણાવ્યું હતુ કે જ્ઞાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ આવે તે જરૂરી છે અને વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પ્રોત્સાહન રૂપે ઈનામો પણ આપવાની જાહેરાત કરી હતી. સમારોહના અધ્યક્ષ કનુભાઈ દોશીએ જણાવ્યું હતુ કે તેઓ દશા ખડાયતા જ્ઞાતિ સહીત અન્ય અઠ્ઠાર સંસ્થાનો સાથે સંકળાયેલા છે તેઓની વિવિધ સંસ્થાનો દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓનો ચિત્તાર આપી સંસ્થાનો જ્ઞાતિના લોકોને લાભ લેવા જણાવ્યું હતુ સાથે સાથે જ્ઞાતિને તેઓની જરૂર પડે ત્યારે હર હંમેશ હાજરા હજૂર રહેવા તેઓએ કટીબધ્ધતા દર્શાવી હતી.

સમારોહમાં હાજર ન રહી શકેલા કેટલાક જ્ઞાતિજનો દ્વારા પાઠવવામાં આવેલ શુભેચ્છા સંદેશનું વાંચન ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્ઞાતિમાં છેલ્લા દશ વર્ષથી સતત સેવા આપનાર નવનીતભાઈ રમણલાલ શાહ્ રોહીતભાઈ દોશી, તેમજ રાજેશભાઈ શાહનું જ્ઞાતિજનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત ટેક્ષ કન્સલટન્ટ એશોશિયેશનના ઉપ-પ્રમુખ ધ્રુવેનભાઈ શાહ અને ભાવેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે જ્ઞાતિના કાર્યકરો અને હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠની સરકારી બેન્કો હળતાળમાં જોડાઈ.


વેતન વધારો સહીત પડતર માગનીઓ સાથે બેન્ક કર્મચારીઓની બે દિવસની હળતાલના પગલે લાખ્ખોના બેન્ક વ્યવહારો અટવાયા.

bank

બેન્ક કર્મચારીઓ યૂનિયન યૂએફબીયૂ દ્વારા બે દિવસની હળતાલની જાહેરાત કરી દેવામાં આવતા ઉમરેઠની સરકારી બેન્કોમાં આજે કામકાજ બંધ રહ્યું હતું. નગરની સ્ટેટબેંક તેમજ દેના બેંક સહીતની સરકારી બેન્કો હળતાલમાં જોડાઈ હતી. ઉલ્લેખનિય છે કે સરકારી બેંકના કર્મચારીઓ દ્વારા વેતનમાં વધારો સહીતની અન્ય પડતર માગણીઓનો ઉકેલ લાવવા માટે બે દિવસ હળતાલનું એલાન કર્યું છે. બેન્ક બંધ રહેતા સામાન્ય માણસોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બેન્ક સાથે કેટલાક એ.ટી.એમ પણ બંધ રાખવામાં આવતા લોકોની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જો હળતાલ બીજા દિવસે પણ ચાલું રહેશે તો કેટલક એ.ટી.એમ માંથી પૈસા પણ ખતમ થઈ જાય તેમાં બે મત નથી. હળતાલને કારણે કરોડોના ટ્રાન્જેક્શનને અસર પહોંચી છે જેંમાં ખાસ કરીને વહેપારી વર્ગ ભારે પ્રભાવિત થયો છે.

ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી)દ્વારા ઉમરેઠના વોર્ડનં.૩ના હરિનગરના રહીશોને નિયમ મુજબ પ્લોટ ફાળવવા રજૂઆત કરાઈ.


Harinagar

ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) અને મામલતદાર જી.આર.વસાવાએ

હરિનગરના ઉપવાસ પર બેઠેલા રહીશોની મુલાકાત કરી

– સકારાત્મક નિર્ણય લાવવા ચક્રોગતિમાન

ઉમરેઠના વોર્ડ નં.૩માં આવેલ હરિનગરના રહીશોને ૨૦૦૮માં મકાનની સનદો આપવામાં આવ્યા બાદ આજ દીન સુધી તેઓને પ્લોટ નંબરની ફાળવણી ન કરવામાં આવતા આખરે સરકારી કચેરીઓના ચક્કર કાપી થાકેલા હરિનગરના રહિશો દ્વારા છેલ્લા સાત દિવસથી ઉપવાસ આંદોલન થઈ રહ્યું છે જેના પગલે આજે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) મામલતદાર જી.આર.વસાવા સાથે હરિનગરના રહીશોની રજૂઆત જાણવા માટે સ્થળ પર હાજર રહ્યા હતા અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લીધી હતી.

હરિનગરના સ્થાનિકોની રજૂઆતો જાણ્યા બાદ ધારાસભ્ય જયંતભાઈ પટેલે(બોસ્કી) મામલતદારશ્રીને નિયમ મુજબ સદર મુદ્દે સકારાત્મક પગલા ભરવા રજૂઆત કરી હતી. આ મુદ્દે પાલિકા તંત્ર દ્વારા પૂન મામલતદાર કચેરીમાં હરિનગરમાં પ્લોટ નંબર ફાળવવ માટે દરખાસ્ત કરવા માટે રજૂઆત સહીત મામલતદાર કચેરી દ્વારા પ્રાંત અધિકારીને દરખાસ્તની કાર્યવાહી અંગે સકારાત્મક પ્રયાસો કરવા કટીબધ્ધતા દર્શાવી હતી.

સદર મામલે ધારાસભ્ય જયંતભાઈ પટેલે દખલગીરી કરતા હવે આ મુદ્દે ચહેલ પહેલ વધી ગઈ છે, સૂત્રો ધ્વારા ચર્ચાઈ રહ્યું છે કે પાલિકા દ્વારા પૂન મામલતદારને સદર વિસ્તારમાં પ્લોટોની ફાળવણી કરવા માટે દરખાસ્ત કરવાની કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે, જો આમ થશે તો મામલતદાર દ્વારા પાલિકાની દરખાસ્તને આગળ પ્રાંન્ત કચેરીમાં મોકલી તેનો સકારાત્મક નિર્ણય આવે તે દીશામાં પગલા ભરવામાં આવશે. છેલ્લા સાત દિવસથી ઉપવાસ પર બેઠેલા હરિનગરના રહીશોને જ્યાં સુધી પ્લોટ નંબરની ફાળવણી ન કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલું રાખવાની ચિમકી ઉચ્ચારાઈ હતી. ત્યારે હવે તંત્ર સદર મુદ્દે કેવો અભિગમ દાખવે છે તે આવનારો સમય જ બતાવશે.

 પ્લોટ નંબર ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલું રાખવાના મૂળમાં હરિનગરના રહીશો.

ઉમરેઠના કુંજ કીશોરી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી


annkut

ઉમરેઠના કુંજ કીશોરી મંદિર ત્રણપોળ ખાતે સ્વ.પૂ.સવિતામાસીના લાલાનો તુલસી વિવાહ ભારે ભક્તિભેર પ્રકાશભાઈ શાહના યજમાન પદે ભક્તિભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાલાનો વરઘોડો ત્રણપોળ ખાતેથી નિકળ્યો હતો અને નગર વિહાર કરી મંદિર ખાતે પરત ફર્યો હતો જ્યાં તુલસી વિવાહ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. માન્યતા છે કે, પૂ.સવિતામાસીના મંદિરમાં લાલો હાજરા હજૂર છે, તેમજ ભક્તો માની રહ્યા છે કે સ્વ.સવિતામાસી જ્યારે જીવિત હતા ત્યારે તેઓ સ્વયંમ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાલા સાથે વ્રજભાષામાં વાતો પણ કરતા હતા. સ્વ.પૂ સવિતામાસીની જૂની વાતો ધ્યાનમાં લઈએ તો શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ દેવ દિવાળીના દિવસે શોભાયાત્રામાં સ્વયંમ લીલા કરે છે અને ભક્તોને દર્શન આપવા વર્ષમાં માત્ર આજ દિવસે મંદિર બહાર આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરૅઠમાં પૂ.સ્વ.સવિતા માસીને ત્યાંથી તુલસી વિવાહ વરઘોડો કાઢવાની પ્રથા ચાલી આવી રહી છે. પૂ.સવિતામાસીના દેહાંત પછી પણ હાલમાં મંદિરમાં મુખ્યાજી રાખી સવિતામાસીની ઈચ્છા મુજબ હાલમાં પણ વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો પહેલાની જેમ ઉજવવામાં આવે છે.તુલસી વિવાહ બીજા દિવસે અન્નકુટના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. તુલસી વિવાહ વિધિને સફળ રીતે સપન્ન કરવા માટે મંદિરના કાર્યકરો સહીત ત્રણ પોળના યુવાનો અને યજમાન પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઉમરેઠ ગિરિરાજધામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય દિપમાળાના દર્શન યોજાયા


તા.૧૦.૧૧.૨૦૧૪ના રોજ અન્નકુટ અને ગોવર્ધન પુજાનું આયોજન

ગિરિરાજધામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય દિપમાળા

ગિરિરાજધામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય દિપમાળા

ઉમરેઠમાં નિર્માણ પામેલ ગિરિરાજધામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય દિપમાળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગિરિ પર્વત પર દિપમાળા ધરાવવામાં આવી હતી જેને કારણે ગિરિરાજજી દિવ્ય પ્રકાશની જ્યોતથી જળહળી ઉઠ્યા હતા આ દિવ્ય દર્શનનો લાભ લેવા ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગિરિરાજધામને દિપમાળાથી સજાવવા માટે વૈષ્ણવ સમાજના યુવાપાંખના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. વૈષ્ણવ યુવાપાંખના કાર્યકર હાર્દિક શાહ તેમજ હર્ષ શહેરાવાળાએ જણાવ્યું હતું કે, તા.૧૦.૧૧.૨૦૧૪ના રોજ ગિરિરાજધામ ખાતે બપોરે ૪.૩૦ કલાકે ગોવર્ધન પૂજા તેમજ સાંજે ૭.૩૦ કલાકે અન્નકુટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા સમગ્ર વૈષ્ણવોને જાહેર આમંત્રણ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) દ્વારા ગિરિરાજજીની પરિક્રમા ફરવા માટે પરિક્રમા પથ માટે ગ્રાન્ટ ફાળવી હતી અને આ પરિક્રમા પથનું કામ ગણતરીના દિવસો માંજ પૂર્ણ કરવામાં આવતા ગિરિરાજધામના કાર્યકરો સહીત સમગ્ર વૈષ્ણવ સમાજે ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પરિક્રમા પથ બનતા હવે વૃધ્ધોને પરિક્રમા કરવામાં સુગમતા રહેશે.

મકાનની સનોદોના મુદ્દે સતત છઠ્ઠા દિવસે-ઉમરેઠના વોર્ડ નં.૩માં હરિનગરના રહીશોનું ઉપવાસ આંદોલન.


 ૨૫ ચો.મી કરતા વધુ દબાણ કરેલ છે. – અલ્તાફ મલેક (ઉપ-પ્રમુખ)

હરિનગરના મ્યુ.કાઊન્સિલર અને ઉમરેઠ નગરપાલિકાના ઉપ પ્રમુખ અલ્તાફભાઈ મલેકે જણાવ્યું હતુ કે ૨૦૦૮માં સદર વિસ્તારના લોકોને ૨૫.ચો.મીના પ્લોટની સનદ અંગેનો ઠરાવ જેતે સમયના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો. તે સમયે જે વ્યક્તિઓને સનદ આપવામાં આવી હતી તે જ વ્યક્તિઓ હાલમાં ત્યાં રહે છે કે બીજા લોકો ત્યાં રહેવા આવ્યા છે તેની સમીક્ષા કરવી જરૂરી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં જેતે વિસ્તારના રહીશો દ્વારા ૨૫.ચો.મી થી પણ વધુ જગ્યા કવર કરવામાં આવી છે જેથી જો તે દીશામાં આગળ વધવામાં આવે તો પણ ભવિષ્યમાં વિવાદ થઈ શકે તેમ છે. જેથી આ અંગે નિષ્ણાંતોની સલાહ લઈ આગળ કાર્યવાહી કરવા તેઓએ ખાતરી આપી હતી અને વધુમાં ઉમેર્યું હતુ કે હાલમાં આ મુદ્દો ઉમરેઠ નગરપાલિકાના હાથ બહારની વાત છે જેથી મામલતદાર અને કલેક્ટરશ્રીને આ અંગે જરૂરી રજૂઆત કરી સકારાત્મક નિર્ણય લેવા તેઓ કટીબધ્ધ છે.

 

સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલું રાખવાની ચિમકી

ઉમરેઠના વોર્ડ નં.૩માં આવેલા હરીનગરના રહીશોને ૨૦૦૮માં ઉમરેઠ નગર પાલિકા દ્વારા જનરલ બોર્ડમાં ઠારવ નં.૭ થી તા.૩૦.૪.૨૦૦૮ના રોજ ૨૫ ચો.મીના પ્લોટોની ફાળવણી કરવા ઠરાવ કરવામાં આવ્યો હોવા છતા આજદીન સુધી તેઓને પ્લોટની ફાળવની ન કરવામાં આવતા આખરે સ્થાનિકોએ ઉપવાસ આંદોલનનું ઓજાર ઉઠાવવાનો વારો આવ્યો છે.

વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ પાલિકા દ્વારા સદર વિસ્તારમાં પાણી પૂરવઠો સહીતની સેવા પૂરી પાડવામાં આવે છે, સદર વિસ્તારના લોકો પાસે ચુંટની કાર્ડ પણ છે અને નગરના વોર્ડ નં.૩ માંથી તેઓ મતાધીકારનો પણ ઉપયોગ કરે છે છતા સરકારી ચોપડે આ વિસ્તારનું કોઈ અસ્તીત્વ દેખાતું નથી. ચર્ચાઈ રહ્યું છે કે મામલતદાર કચેરી સહીત નગરપાલિકાના ચોપડે આ વિસ્તારનો કોઈ ઉલ્લેખ પણ નથી જો આ વાત સાચી હોય તો તેઓને પાણી પૂરવઠો કેમ પૂરો પાડવામાં આવે છે..? તેમજ તેઓ પાસે ચુંટણી કાર્ડ ક્યાંથી આવ્યા તે પણ એક સવાલ છે.

સદર વિસ્તારના અશોકભાઈએ જણાવ્યું હતુ કે ચુંટનીના સમયે વોર્ડ નં.૩ના મેમ્બરો સહીત નેતાઓ મોટી મોટી વાતો કરી પ્લોટોની ફાળવણીના ઠાલા વચનો આપે છે પરંતું ચુંટણી પત્યા પછી નેતાઓ હું કોણ ને તું કોણની વાતો કરતા થઈ જાય છે જેથી નાછુંટકે તેઓને ઉપવાસ ઉપર ઉતરવાનો નિર્ણય લેવો પડ્યો છે વધુમાં તેઓએ ઉમેર્યુ હતુ કે આ મુદ્દે મામલતદાર,પાલિકા પ્રમુખ સહીત કલેક્ટર સુધી તેમજ જિલ્લા ફરિયાદ નિવારણમાં પણ રજૂઆતો કરી હોવા છતા કોઈ પરિણાત્મક પગલા ભરવામાં આવતા નથી. છ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હોવા છતા તેઓની ભાળ લેવા કોઈ નેતા ફરક્યા પણ નથી.

સદર વિસ્તારના રહીશોની ઉગ્ર માગણી છે કે તેઓને સત્વરે પ્લોટોની ફાળવણી કરવામાં આવે અને તેઓ પોતાના ઘરના ઘરમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે નહીતો ઉપવાસ આંદોલન આગળ ચાલતું જ રહેશે. સદર વિસ્તારના રહીશો દ્વારા આક્ષેપ કરવમાં આવ્યો હતો કે, અમોને તંત્ર માત્ર વોટ તરીકે જ દેખે છે અને પણ માણસ છે અને અમને અમારા હક્ક મળવા જ જોઈયે.

ટેક્ષ વગર પાણી પૂરવઠો અપાય છે..!

ઉમરેઠના વોર્ડ નં.૩માં આવેલા હરિનગરમાં પાલિકા તંત્ર દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ સદર વિસ્તારના મકાનો અંગે પાલિકાના ચોપડામાં કોઈ ઉલ્લેખ ન હોવાને કારણે આ રહીશો પાસેથી કોઈ પણ જાતનો ટેક્ષ વસુલ કરવામાં આવતો નથી જો આ વિસ્તારના રહીશો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તો તેઓને પાણી પુરવઠો આપવામાં શા માટે પાલિકા તંત્ર ધ્વારા જે તે સમયે ઉદારતા દાખવી તે પણ મોટો પ્રશ્ન છે.

ઉમરેઠ હરિનગરના ૧૨૦ પરિવારોને મકાનની સનદો ના આપતાં ઉપવાસ આંદોલન


સનદ આપવા અંગે ઉમરેઠ પાલિકા દ્વારા છ વર્ષ પહેલા જ ઠરાવ કર્યો હતો, છતા પણ આ પરિવારજનોને ઘરની સનદ ન મળતા આખરે ઉપવાસ પર બેસવું પડ્યું.

ઉમરેઠ નગરપાલિકાના હરિનગરના ૧૨૦ જેટલા પરિવારોને છેલ્લાં ૬-૬ વર્ષથી પાલિકા દ્વારા ઠરાવ કરીને મકાન નંબર આપી સનદો આપવાનો ઠરાવ કર્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતાં નાછુટકે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ નગરપાલિકાથી ૩ કીમી દુર કોઈપણ જાતના અડચણ વગર સરકારી જમીન પર છેલ્લાં ૫૦ વર્ષથી બક્ષીપંચ વર્ગના ખેતમજુરો વસવાટ કરે છે. ઉમરેઠ હરિનગર જ્યારે ઉમરેઠ પાલિકા ન હતી અને ગ્રામપંચાયત અસ્તિત્વમાં હતી તે સમયથી આ ૧૨૦ પરિવારો વસવાટ કરી રહ્યા છે.તેઓને કાયદેસરની સનદ મળે અને મકાન નંબર પાડી સીટી સર્વેમાં તેની એન્ટ્રી પડે તે માટે તેઓએ પાલિકામાં રજુઆત કરી હતી અને પાલિકાએ ૩૦-૪-૦૮ના રોજ ઠરાવ નંબર ૭થી હાલ હરિનગરમાં રહેતા ૧૨૦ મકાન ધારકો જે જગ્યા ઉપર રહે છે તે જગ્યા ફાળવવી અને ૨૫ ચોમી કરતાં જો તે વધારે જગ્યા હશે તો સરકારશ્રીના નિયમ પ્રમાણે નાણાં ભરવાનું જણાવ્યું હતુ. તેઓને ઘર નંબરો આપી સીટી સર્વેમાં એન્ટ્રી કરી સનદ આપવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ હજી સુધી તેમને મકાનની સનદ ના મળતાં તેઓએ અગાઉ ૧૫મી ઓગષ્ઠથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો હતો અને જે તે સમયે લાગતા વળગતા તંત્રને તેની જાણ પણ કરી હતી. જેથી ઉમરેઠના મામલતદારે ખાતરી આપતાં તેઓએ આ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. પરંતુ આજદિન સુધી તેઓને સનદ ના મળતાં તેઓએ મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ કરીને ૧લી નવેમ્બર એટલે કે ગઈકાલથી હરિનગર ખાતે આવેલા તોતર માતાના મંદિર આગળ રહીશોએ આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ કરી દીધું છે.

ઓડના યુવાનની હત્યા જમીન તકરારને કારણે કાકાએ જ કરી હતી હોવાનું બહાર આવ્યું..!


છોકરીની લાલચ આપીને અનિકેતને ખેતરના બોરકુવા પર લઈ જઈ ગળામાં રસી નાંખી નીચે પાડી દઈને મોઢાના ભાગે ઓશીકું મુકી દઈ ગુંગળાવીને મારી નાંખ્યો હતો.
ઓડના ૧૭ વર્ષીય યુવાન અનિકેતના રહસ્યમય મોત પરથી આખરે પડદો ઉંચકાઈ જવા પામ્યો છે. પિતરાઈ કાકાએ જ પોતાના એક મળતિયાની મદદથી અનિકેતનું અપહરણ કરીને ખેતરના બોરકુવા પર લઈ જઈને ગળુ દબાવીને હત્યા કરી નાંખી હોવાનું ખુલવા પામતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને બન્ને શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૫મી તારીખના રોજ રાસનોલ ગામની ગણેશપુરા સીમમાંથી પસાર થતી મોટી નહેરના ગરનાળામાં ઓડની સોના ટેકરી ખાતે રહેતા ૧૭ વર્ષીય યુવાન અનિકેત ચન્દ્રકાન્તભાઈ પટેલની લાશ મળી આવી હતી. અનિકેતના શરીર પર પહેરેલા દોઢેક લાખ રૂપિયાના સોનાના દાગીના તથા મોબાઈલ ફોન અને રોકડ રકમ ગૂમ હોય પ્રથમ દ્રષ્ટિએ લૂંટના ઈરાદે ઠંડા કલેજે હત્યા કરાઈ હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ પીએમ રીપોર્ટમાં પણ પાણીમાં ડુબી જવાને કારણે મોત થયાનું ખુલવા પામતાં સમગ્ર મામલો વધુ રહસ્યમય બની જવા પામ્યો હતો જેને લઈને આણંદ એલસીબી સહિત પોલીસ ટીમો તપાસમાં જોતરાઈ હતી. દરમ્યાન ચન્દ્રકાન્તભાઈ તથા ઘરના સભ્યોની પુછપરછ કરતાં શંકમંદ તરીકે તેમના પિતરાઈ હિતેનભાઈ ભાઈલાલભાઈ પટેલનું નામ આપવામાં આવતા પોલીસે તેમની ઉલટતપાસ કરી હતી જેમાં તેઓ પડી ભાંગ્યા હતા અને તેઓએ જ પોતાના સાગરિત સાથે મળીને અનિકેતની હત્યા કરી નાંખી હોવાની કબુલાત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બનાવના દિવસે એટલે કે ૨૪મી તારીખના રોજ રાત્રીના સુમારે બેસતુ વર્ષ હોય યુવાનો ગામની ભાગોળે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે હિતેનભાઈ પટેલ બાઈક લઈને આવ્યો હતો અને અનિકેતને કુવા પર સરસ છોકરી બોલાવી છે તેમ જણાવીને લલચાવ્યો હતો જેથી લાલચમાં આવી ગયેલો અનિકેત તેમના બાઈક પર બેસી ગયો હતો. હિતેન બાઈક સીધુ જ ખેતરના બોરકુવા પર લઈ આવ્યો હતો જ્યાં અગાઉથી જ પ્લાન મુજબ રાજેશ ઉર્ફે કાળીયો ભલાભાઈ પરમાર હાજર હતો. અનિકેતને એક ખુરશીમાં બેસાડીને છોકરી અંગેની વાતો કરવા લાગ્યા હતા. દરમ્યાન તેના ગળામાં એકાએક રસ્સી નાંખીને નીચે પાડી દેવામાં આવ્યો હતો ત્યારબાદ મોઢાના ભાગે ઓશીકું મુકી દઈને અનિકેત પર બેસી ગયા હતા અને ગુંગળાવીને મારી નાંખ્યો હતો. ત્યારબાદ લાશને બાઈક પર બેસાડીને ગણેશપુરા સીમમાં આવ્યા હતા અને ત્યાં નાંખી દઈને ફરાર થઈ ગયા હતા.

હત્યા કરવા પાછળના કારણ અંગે પોલીસે જણાવ્યું હતુ કે છેલ્લાં કેટલાક સમયથી તેમના વચ્ચે જમીન વહેંચણીનો વિવાદ ચાલતો હતો જેને લઈને હિતેનભાઈ પટેલ સમસમી ઉઠ્યા હતા. વળી થોડા સમય પહેલાં તેમના પિતાને માર મારવામાં આવ્યા હતા. અનિકેત ચન્દ્રકાન્તભાઈનો એકનો એક દિકરો હતો જેથી જો તેનો કાંટો કાઢી નાંખવામાં આવે તો ભવિષ્યમાં ચન્દ્રકાન્તભાઈના ભાગની જમીન તેમના હિસ્સે આવી જાય તવી ગણત્રી માંડીને હિતેને અનિકેતની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને બેસતા વર્ષના દિવસે તેને અંજામ આપ્યો હતો.

જમીનની અદાવત શું હતી?
અનિકેતની હત્યા કરનાર હિતેન પટેલ અને ચન્દ્રકાન્તભાઈ પટેલ પિતરાઈ ભાઈ થાય છે. જમીનની વહેંચણીમાં પાંચ ભાઈઓ વચ્ચે ચાર-ચાર વીઘા જમીન આવી હતી. બધા ભાઈઓના નામે આ જમીન થઈ જવા પામી હતી જ્યારે હિતેનભાઈના પિતા ભાઈલાલભાઈના નામે આ જમીન થવા દેતા નહોતા જેને લઈને છેલ્લાં કેટલાય સમયથી તકરાર ચાલતી હતી થોડા સમય પહેલાં તો આ મુદ્દે વિખવાદ થતાં ભાઈલાલભાઈને માર પણ માર્યા હતા. આ બધી રીસ તેમજ અનિકેત ચન્દ્રકાન્તભાઈ પટેલનો એકનો દિકરો હતો જેથી જો તેને રસ્તામાં દુર કરી દેવામાં આવે તો ચન્દ્રકાન્તભાઈના ભાગની ૪ વીઘા જમીન પણ તેમના ભાગે આવી જશે તેમ માનીને અનિકેતની ઠંડા કલેજે હત્યા કરી નાંખવામાં આવી હતી.
%d bloggers like this: