આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2022

ઉમરેઠ – વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપને વિજય બનાવવા યોગીનું આહ્વાન.


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને હિંદુ હ્દય સમ્રાટ યોગી આદિત્યનાથે ઉમરેઠ ખાતે વિજય સંકલ્પ સંમેલન સભા સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતુ કે ઉમરેઠની ભૂમિ ધન્ય છે બાજુમાં ડાકોર મંદિર અને ઉમરેઠમાં સંતરામ મહારાજ તેમજ સ્વામિનારાયણ ભગવાનના આશિર્વાદ છે. વિજય સંકલ્પ સંમેલન માં તેઓએ કોગ્રેસને આડે આથે લીધી હતી અને જણાવ્યું હતુ કે કોંગ્રેસ ના રાજમાં વારંવાર તોફાનો થતા હત આને કરફ્યુ લાગી જતા હતા જ્યાર થી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું નેતૄત્વ સંભાળ્યું ત્યાર થી ગુજરાતમાં કરફ્યુ શબ્દ બોલાયો પણ નથી. ગલીએ ગલીએ ગુંડા તત્વો અને દાદા ફરતા હતા હવે હનુમાનદાદા સિવાય કોઈ દાદા રહ્યું નથી. કોરોના સમયને યાદ કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે, કોરોના ના કપરા સમયમાં ભાજપ સરકારે તમામ નાગરીકોને મફત કોરોના ની રસી સહીત સ્વાસ્થય સેવા ઉપલબ્ધ કરાવી હતી. ભાજપ સરકારના કાર્યકાળમાં જ જમ્મુ કશ્મીર મઆંથી ૩૭૦ ની કલમ હટાવવાનું ભગીરથ કાર્ય સહીત, રામ મંદિરનો વર્ષો જૂના વિવાદનો અંત આવ્યો હતો.  ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ આપ ને પણ આડે હાથ લેતા જણાવ્યું હતુ કે ઝાડું વાળા ઝાળું વાળવા જ આવ્યા છે તેમના થી ચેતીને રહેવું જરૂરી છે, ઉમરેઠ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને બહૂમતી થી જીત આપવા માટે તેઓએ ઉપસ્થિત મતદારોને અપીલ કરી હતી. વિજય સંકલ્પ સંમેલન સભામાં આણંદ જિલ્લા ભાજપ , ઉમરેઠ શહેર તેમજ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહીત આણંદ જિલ્લા સાંસદ મિતેષભાઈ પટેલ, પૂર્વ સાંસદ લાલસિંહભાઈ વડોદિયા તેમજ વૈષ્ણવાચાર્ય પંચમપૂઠાધેશ્વર શ્રી વલ્લભ લાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશિર્વચન પાઠવ્યા હતા.

ઉમરેઠ – કાછીયાવાડમાં ભાજપની જાહેરસભા યોજાઈ


ઉમરેઠના કાછીયાવાડ વિસ્તારમાં ભાજપ ની જાહેર સભા ગુરુપ્રસાદ પાસવાન રાષ્ટ્રીય પ્રવક્તાની વિશેષ ઉપસ્થીતીમાં  યોજાઈ હતી જેમાં ઉમરેઠ શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહીત સ્થાનિકો ઉપસ્થીત રહ્યા હતા.  ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે જણાવ્યું હતુ કે ઉમરેઠ મત વિસ્તારમાં તેઓએ અનેક વિકાસના કાર્યો મંજૂર કરાવ્યા છે તેમજ ભાજપ સરકારની અનેક યોજનાઓને લીધી સામાન્ય લોકોને રાહત મળી છે તેઓએ ભાજપને જંગી બહૂમતિથી જીતાડવા મતદારોને જણાવ્યું હતું.

ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભૄગુરાજસિંહ ચૌહાણ અને બળવંતસિંહ પરમાર અપક્ષ ઉમેદવારી નોંધાવી


ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપ અને એન.સી.પીના ઉમેદવાર જાહેર થયા બાદ બંન્ને પક્ષ તરફ છુપો  આંતરીક અસંતોષ દેખાતો હતો જે આજે સપાટી પર આવી ગયો છે. ઉમરેઠ બેઠક પર ભાજપ દ્વારા ગોવિંદભાઈ પરમાર ને ઉમેદવાર જાહેર કરાયા અન્ય ટીકીટના દાવેદાર બળવંતસિંહ પરમાર આજે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે આવી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બીજી બાજુ એન.સી.પી અને કોગ્રેસ ગઠબંધન થયા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠક પર જયંત પટેલ (બોસ્કી) ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ, ઉમરેઠના કોગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો નારાજ થયા હતા જેને પગલે આજે ભૄગરાજસિહ ચૌહાણએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે આ બંન્ને અપક્ષ ઉમેદવારો ભાજપ કે એન.સી.પી નું ગણીત ન બગાડે માટે તેઓ તેમને મનાવા કેવા પગલા લેશે તે જોવું રહ્યું.

ઉમરેઠ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને માયનોર એટેક આવ્યો – ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ.


ઉમરેઠ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરીષ પટેલને આજે માઇનોર એટેક આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, હાલમા તેઓ ની તબીયત સ્થીર હોવાનું  જાણવા મળી રહ્યુ છે અને ઉમરેઠ ની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ અમરીષભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ અને પ્રચાર ના શ્રી ગણેશ કર્યા હતા. તેઓની નાદુરસ્ત તબિયત ની જાણ થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમની મુલાકાત લીધી હતી. તેઓના કાર્યકરોએ જણાવ્યુ હતુ કે હાલ તેઓની તબીયત સારી છે અને ટુંક સમયમાં તેઓ પ્રચાર અભિયાનમાં લાગી જશે.

ઉમરેઠ – કાલ ભૈરવ જયંતિ ની ધામધૂમથી ઉજવણી


છોટા કાશી તરીકે પ્રચલિત  ઉમરેઠ નગરના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ કાલ ભૈરવ મંદિર ખાતે કાલ ભૈરવ જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉજ્જૈનમાં બિરાજમાન કાલ ભૈરવ દાદા મુખારવિંદ સ્વરૂપે છે, ત્યારે ઉમરેઠમાં બિરાજમાન કાલ ભૈરવ દાદા ઉભા પૂર્ણ સ્વરૂપે બીરાજમાન છે.  ઉમરેઠમાં આવેલ કાલ ભૈરવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે, આ અંગે ભક્ત આશીષ શેઠે જણાવ્યું હતુ કે મંદિરમાં  બિરાજમાન કાલ ભૈરવ દાદા હાજરા હજુર છે, માન્યતા મુજબ આ મંદિરમાં રવિવાર અને મંગળવાર ભરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને આ દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારે છે. કાલ ભૈરવ શિવજી નો અંશ માનવામાં આવે છે ત્યારે ઉમરેઠના આ કાલ ભૈરવ મંદિરમાં શિવજીનું મહાદેવ પણ આવેલ છે, આમ એક જ પરીસરમાં કાલ ભૈરવ અને શીવજીના દર્શનનો ભક્તોને લાહ્વો મળે છે.  આજે કાલ ભૈરવ જયંતિ હોવાને કારણે અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ, આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.


			

ઉમરેઠ વિધાનસભા – ભાજપના ગોવિંદભાઈ પરમાર અને એન.સી.પી ના જયંત પટેલ (બોસ્કી)એ ઉમેદવારી નોંધાવી.


આણંદ જિલ્લામાં ૫મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે, ત્યારે આજે વિધાનસભાની ચુંટણી માટે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે એન.સી.પી ના જયંત પટેલ અને ભાજપના ગોવિંદભાઈ પરમાર ઉમેદવારી પત્ર ભર્યું હતું.  જયંત પટેલ (બોસ્કી)એ ઉમરેઠ એસ.એન.ડી.ટી મેદાન સામે એન.સી.પી ના કાઉન્સિલર લાલભાઈ વ્યાસ ના કાર્યાલય ખાતે થી પોતાના સમર્થકો સાથે નિકળી ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતુ સાથે પોતાના જીત નો દાવો કરી ઉમરેઠ વિધાનસભાના પડતર પ્રશ્નો દુર કરવા ખાતરી આપી હતી.

બીજી બાજુ ભાજપના ગોવિંદભાઈ પરમાર પણ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતુ જેને ઉમરેઠના સિકોતર માતાના મંદિરે દર્શન કરી પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને જ્યાં ઉમેદવારી પત્ર ભર્યું હતુ. તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં તેઓએ ઉમરેઠ વિધાનસભા માં અનેક વિકાસ કાર્યો કર્યા છે મતદારો તેઓને પૂનઃ વિજેયતા બનાવશે તેવી આશા તેમને વ્યક્ત કરી હતી. 

ઉમરેઠ વિધાનસભા – આમ આદમી પાર્ટીના અમરીષ પટેલે ઉમેદવારી નોંધાવી


ઉમરેઠ વિધાનસભા બેઠક પર વિવિધ રાજકિય પક્ષો દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે તેમજ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે ઉમરેઠ વિધાનસભા બેઠક પર થી આમ આદમી પાર્ટીના અમરીષ પટેલ દ્વારા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને આમ આદમી પાર્ટીના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ વિધાનસભા – એન.સી.પી સાથે “ગાંઠ”બંધન થી કોગ્રેસના હોદ્દેદારો સહીત કાર્યકરો નારાજ…!


ઉમરેઠ વિધાનસભા બેઠક પર કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠ બંધન ની બે દિવસ પહેલા જ કોગ્રેસ કાર્યાલય ખાતે થી એન.સી.પી અને કોગ્રેસ ની સંયુક્ત બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. ઉમરેઠ તાલુકા કોગ્રેસ અને શહેર કોગ્રેસ સંગઠન દ્વારા સદર ગઠબંધન ને લઈ પોતાની નારાજગી આજે અમદાવાદ ખાતે કોગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી,  ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિ પ્રમુખ અમર જોશી, શહેર પ્રમુખ ગોવિંદભાઈ પટેલ સહીત ગોપાલસિંહ ચાવડા, ભૄગુરાજસિંહ ચૌહાણ, યુનુસભાઈ મુખી સહીત કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં કોગ્રેસ ભવન ખાતે જઈ ઉગ્ર રજૂઆત કરી એન.સી.પી સાથે ગઠબંધન અંગે પૂનઃ વિચાર કરવા જણાવ્યું હતું. ભૄગુરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષ થી કોગ્રેસ કાર્યકરો પ્રજા વચ્ચે રહ્યા છે , સરકાર ની વિવિધ નીતી સામે આંદોલન થી માંડી અનેક કાર્યક્રમો કોગ્રેસ જ કરે છે ત્યારે ચુંટણી લડવાનો સમય આવે ત્યારે એન.સી.પી ને ઉમરેઠ બેઠક આપી કોગ્રેસ પોતાના પગ પર કુહાડી મારવાનું વલન દાખવી રહી છે. 

હવે ઉમરેઠ તાલુકા કોગ્રેસ દ્વારા ગઠબંધન ને લઈ પોતાનો વિરોધ દર્શાવતા કોગેસનું મોવડી મંડળ ઉમરેઠના કાર્યકરો અને હોદ્દેદારોને કેવી રીતે વિશ્વાસમાં લેશે તે જોવું રહ્યું. કોગ્રેસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતુ કે મોવડી મંડળ દ્વારા સંતોષકારક નિવોડો નહી લાવવામાં આવે તો કદાચ અપક્ષ ઉમેદવારી કરવાનું અને રાજીનામા આપવાનું પણ વિચારવામાં આવશે. 

ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ પરમાર ઉમેદવારી નોંધાવશે.


ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ પરમાર પોતાના સમર્થક સાથે તા.૧૫.૧૧.૨૦૨૨ ને મંગળવાર ના રોજ ઉમેદવારી પત્ર ભરશે. ઉમરેઠના સિકોતર માતા ના મંદિર ખાતે માતાજીના દર્શન કરી સવારે ૧૦ કલાકે ઉમેદવારી પત્ર ભરવા મામલતદાર કચેરી રવાના થશે.

ઉમરેઠના આમલી ફળીયાના મકાનમાં આગ – ઘરવખરી બળી ને રાખ


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ આમલી ફળીયા ના એક મકાન માં આજે સવારે અચાનક આગ લાગી હતી જેને કારણે અફળા તફળીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આગમાં કોઇ વ્યક્તિ ને ઇજા કે હાની થઇ ન હતી પરંતુ ઘર નો સામાન બળી ને રાખ થઇ જતા ભારે નુકશાન થવા પામ્યું હતુ. વધુમાં મળતી માહીતી અનુસાર રાવજીભાઇ તળપદાના ઘરે અચાનક આગ લાગી હતી. આ આગ શોર્ટ શર્કીટ ને કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘરમાં રહેલ તિજોરી, ટી.વી, રોકડ સહીત અગત્યના દસ્તાવેજ આગમાં બળીને રાખ થઇ ગયા હતા જેને પગલે મોટુ નુકશાન થયુ હતુ. પાલીકા ના અગ્નીશામક વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.

જયંત પટેલ (બોસ્કી)  ઉમેદવારી પત્ર ભરશે


ઉમરેઠ બેઠક પર કોગ્રેસ એન.સી.પીના ગઠબંધન બાદ એન.સી.પી ના જયંત પટેલ (બોસ્કી) ઉમરેઠ વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર થયા હતા. આજે ઉમરેઠના એન.સી.પીના સૂત્રોએ જણાવ્યું હતુ કે , તા.૧૫.૧૧.૨૦૨૨ના રોજ ઉમરેઠ બેઠક પર થી જયંત પટેલ (બોસ્કી) મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. સવારે ૯.૩૦ કલાકે સમર્થકો અને કાર્યકરો સહીત સાથે શુભેચ્છા મુલાકાત બાદ લાલાભાઈ વ્યાસ ની ઓફીસ એસ.એન.ડી.ટી મેદાન સામે થી ફોર્મ ભરવા નિકળશે. 

ઉમરેઠ બેઠક પર કોગ્રેસ-એન.સી.પી ગઠબંધન – ભાજપ અને એન.સી.પી વચ્ચે જામશે ખરાખરીનો જંગ..!


ઉમરેઠ બેઠક પર કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન થશે કે નહીં તેને લઈને છેલ્લા કેટલાક વખતથી અટકળો ચાલતી હતી જેનો આજે અંત આવ્યો છે. અમદાવાદ કોગ્રેસ કાર્યાલય ખાતે કોગ્રેસ અને એન.સી.પી ની સંયુક્ત પ્રેસ મીટ દરમ્યાન કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન થયું હોવાનું જાહેર કર્યું હતું. ઉમરેઠ સહીત અમદાવાદ નરોડા તેમજ દેવગઢ બારીયા બેઠક પર પણ કોગ્રેસ એન.સી.પી ગઠબંધન થયું છે.

એન.સી.પી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતભાઈ પટેલ (બોસ્કી) ઉમરેઠ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે તેમ જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા બેથક નું સીમાંકન ૨૦૧૨માં બદલાયું ત્યારે પ્રથમ વખત જયંત પટેલ ઉમરેઠ બેઠક પરથી કોગ્રેસ સાથે ગઠબંધન કરી ચુંટણી લડ્યા હતા જેમાં તેઓનો ૧૩૯૪ મત ની રસસાઈ સાથે ભાજપના ગોવિંદભાઈ પરમાર સામે વિજય થયો હતો. ત્યાર બાદ ૨૦૧૭માં કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન ન થતા કોંગ્રેસના ઉમેદવાર કપીલાબેન ચાવડા ભાજપના ગોવિંદભાઈ પરમાર સામે ચુંટણી લડ્યા હતા જેમાં ગોવિંદભાઈ પરમાર નો ૧૮૮૩ મત થી વિજય થયો હતો. હવે ૨૦૨૨ માં પૂનઃ કોગ્રેસ અને એન.સી.પી ધ્વારા ગઠબંધન ની નિતિ અપનાવવામાં આવી છે ત્યારે ઉમરેઠ બેઠક પર ભારે રસાકસી સર્જાશે તેમ લોક ચર્ચા થઈ રહી છે. 

વધુમાં સ્થાનિક ઉમરેઠમાં ટીકીટ મળે તે માટે કોગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું હતુ પરંતુ ૨૦૧૨માં જે ઘાટ ઘડાયો હતો તેજ ઘાટ ૨૦૨૨માં દશ વર્ષ બાદ પૂર્નાવર્તન પામ્યો છે, કોગ્રેસમાં કપીલાબેન ચાવડા સહિત ગોપાલ ચાવડા અને અમર જોશી જેવા ઉમરેઠ તાલુકાના કોંગ્રેસ નેતા દ્વારા ટિકિટ માગવામાં આવી હતી અને ગઠબંધન ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. 

ઉમરેઠ વિધાનસભા – ગોવિંદભાઈ પરમાર ને રીપીટ કરાયા


ઉમરેઠ બેઠક પર પૂનઃ ભાજપ દ્વારા ગોવિંદભાઈ પરમારને રીપીટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા તેઓને ૨૦૧૨માં ઉમરેઠ બેઠક પરથી એન.સી.પીના જયંતભાઈ પટેલ સામે ઉભા રાખવામાં આવ્યા હતા ત્યારે તેઓનો નજીવા માર્જીન થી પરાજય થયો હતો ત્યાર બાદ ૨૦૧૭માં કોગ્રેસના કપીલાબેન ચાવડાને જોરદાર ટક્કર આપી ઉમરેઠ બેઠક તેઓએ ભાજપને અપાવી હતી જેને પગલે પૂનઃ ભાજપ દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી હતી. તેઓ ઉમેદવાર તરીકે જાહેર થતા ની સાથે કાર્યકરો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ ભાજપ કાર્યલય પર આવી કાર્યકરો અને હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ઉમરેઠ બેઠક નું કમળ ગાધીનગર મોકલવા માટે કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું. ઉમરેઠના ઓડ ખાતે પણ ગોવિંદભાઈ પરમારે કાર્યકરો અને હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સમયે ઓડ નગરપાલીકાના પ્રમુખ ગોપાલ રાઉલજીએ જણાવ્યું હતુ કે લોક લાડીલા ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પૂનઃ ધારાસભ્ય બને તે માટે ઓડ ના કાર્યકરો રાત દિવસ મહેનત કરશે અને ભાજપ ને વિજય બનાવશે. 

…છેલ્લી ત્રણ ટર્મ થી ઉમરેઠ બેઠક પર કોઈ ઉમેદવાર ૪૧૧૪ થી વધુ નો લીડ મેળવી નથી શક્યો…!


ઉમરેઠ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મ થી કોઈ પણ ઉમેદવાર ૪૧૧૪ થી વધુ સરસાઈ મેળવી શક્યો નથી અને તેમા પણ છેલ્લી બે ટર્મ ની વાત કરીએ તો જીતેલા ઉમેદવાર ને બે હજાર થી પણ ઓછા મતોની સરસાઈ મેળવી હતી જેને પગલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ કે એન.સી.પી ઉમરેઠ બેઠક પર જીત મેળવવા માટે  ઉમેદવાર સહિત કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવું પડશે. 

એક સમયે કોગ્રેસ નો ગઢ કહેવાતી ઉમરેઠ બેઠક પર ૨૦૦૨ માં વિષ્ણુભાઈ પટેલે જીત મેળવી હતી અને ભાજપ એ ઉમરેઠ બેઠક પર ખાતું ખોલાવ્યું હતુ આ વખતે ભાજપ ને ૧૫૩૭૦ ની સરસાઈ મળી હતી. ત્યાર બાદ ૨૦૦૭, ૨૦૧૨,૨૦૧૭ ત્રણેય ટર્મ માં કોઈ ઉમેદવાર ૪૧૧૪ થી વધુ સરસાઈ મેળવી શક્યો નથી. ૨૦૦૭ માં ભાજપે ૨૦૦૨માં ૧૫૩૭૦ ની સરસાઈ મેળવી જીતનાર વિષ્ણુભાઈ પટેલ ને પુનઃ ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસ તે વખતે લાલસિંહ ઉદેસિંહ વડોદીયા મેદાનમાં ઉતાર્યા હતા અને કોગ્રેસનો તે વખતે ૪૧૧૪ મત થી વિજય થયો હતો.

૨૦૧૨માં વિધાનસભાનું સિમાંકન બદલાતા સારસા વિધાનસભાના ૧૪ જેટલા ગામોનો ઉમરેઠ વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે ભાજપે ગોવિંદભાઈ પરમાર ટિકિટ આપી હતી જ્યારે સામેની બાજુ કોગ્રેસ અને એન.સી.પી ગઠ બંધન કરતા એન.સી.પીના જયંતભાઈ પટેલ મેદાને હતા અને તે વખતે એન.સી.પી નો ૧૩૯૪ મત થી વિજય થયો હતો. આ વખતે કોગ્રેસ અને એન.સી.પી ગઠબંધન હોવા છતાં આટલી પાતળા માર્જીન થી ભાજપ નો પરાજય થયો તે પણ ભાજપ માટે એક રીતે પોઝિટીવ નિશાની હતી. 

૨૦૧૭માં પૂનઃ ભાજપે ગોવિંદભાઈ પરમાર ને રીપીટ કર્યા હતા જ્યારે કોગ્રેસ-એન.સી.પી ગઠબંધન તૂટી ગયું હતુ જેને કારણે ઉમરેઠ બેઠક પર હવે ભાજપ કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ત્રિકોણીયો જંગ હતો. કોગ્રેસ માંથી કપિલા બેન ચાવડા અને એન.સી.પી માંથી જયંત પટેલ મેદાનમાં હતા. આ સમયે કોગ્રેસના વોટોનું વિભાજન થતા ઉમરેઠ બેઠક ૨૦૦૨ બાદ ફરી ભાજપના ખાતામાં આવી હતી. આ સામે ઉમરેઠ બેઠક જીતવા માટેનું સમીકરણ પણ ભાજપને મળી ગયું હતુ. આ સમયે ભાજપ ના ગોવિંદભાઈ પરમાર ૧૮૮૩ મત થી વિજેયતા થયા હતા. હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પુનઃ ઉમરેઠ બેઠક જીતવા સક્ષમ બનશે કે પછી પુનઃ કોગ્રેસ જીત મેળવી ઉમરેઠ કોંગ્રેસનો ગઢ કહેવાય તેવી વાયકા સાચી સાબિત કરે તે આવનારો સમય જ બતાવશે. 

એન.સી.પી ની પરંપરાગત કુતિયાણા બેઠક પર કોગ્રેસે ઉમેદવાર જાહેર કરતા, ઉમરેઠ બેઠક પર કોગ્રેસના સંભવીત ઉમેદવારો માટે આશાનું કિરણ – કોગ્રેસ એન.સી.પી ગઠબંધન ને લઈ હજુ અસમંજસ


વિધાનસભા ની ચુંટણી માટે કોગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દેવામાં આવી છે, જેમાં એન.સી.પી ની પરંપરાગત સીટ કહેવાતી કુતિયાણા બેઠક પર થી કોગ્રેસે પોતાના ઉમેદવાર ને જાહેર કરી દીધા છે જેને પગલે કોગ્રેસ અને એન.સી.પી ગઠબંધન સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે એન.સી.પી અને કોગ્રેસ ગઠબંધન થાય ત્યારે કુતિયાણા સહીત ઉમરેઠ બેઠક પણ એન.સી.પી પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) માટે ફાળવવામાં આવતી હતી ત્યારે કુતિયાણા બેઠક પર કોગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરવામાં આવતા હવે ઉમરેઠ બેઠક પર કોગ્રેસના ઉમેદવારો કે જેઓએ કોગ્રેસ ની ટીકીટ માગી છે તેઓને આશાવાદ જાગ્યો છે. 

૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ પરમાર કોગ્રેસના કપીલાબેન ચાવડા સામે લગભગ બે હજાર થી પણ ઓછા માર્જીન થી જીત્યા હતા જેને પગલે કોગ્રેસ પૂનઃ કપીલાબેન ચાવડાને ટીકીટ ફાળવણી કરે તો નવાઈ નહિ, બીજી બાજુ ભાજપ પણ પોતાના જીતેલા ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર ને રીપીટ કરી કોગ્રેસ ને ટક્કર આપે તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે, હવે એન.સી.પી ના જયંત પટેલ ઉમરેઠ બેઠક પર કોગ્રેસ સાથે ગઠબંધન કરવામાં સફળ થાય છે કે નહી તે જોવું રહ્યું અને જો ગઠબંધન ન થાય તો ૨૦૧૭ ની જેમ ભાજપ ને આકડે મધ જેવી સ્થીતી નો લાભ મળે તો નવાઈ નહી.

“વિરાટ વૈષ્ણવ મહાસંમેલન” પૂજ્યશ્રીવ્રજરાજકુમારજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં યોજાશે – પરમ ધામ “શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ” નું ખાત મુહૂર્ત આ મંગલમય પ્રસંગે સંપન્ન થશે.


સમગ્ર વિશ્વમાં “We Serve Happiness”ના સૂત્ર સાથે યુવા જાગૃતિનો લક્ષ્ય સેવીને ધર્મ સેવા સાથે સમાજ સેવા, માનવ સેવા,રાષ્ટ્ર સેવાને વરેલી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીની પ્રેરણાથી અને સાનિધ્યમાં વિશ્વના 15 દેશોમાં અને ભારતના 46થી પણ વધુ શહેરોમાં સેવાની સુવાસ પ્રસરાવી રહી છે.

વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી મહારાજશ્રીનું એ દિવ્ય સૂત્ર ; “શ્રીકૃષ્ણ પ્રભુમાં આસ્થા ધરાવનાર અને ધર્મ સેવા સાથે સમાજ સેવા અને માનવ સેવા અર્થે તતપર પ્રત્યેક વ્યક્તિ વૈષ્ણવ” આ સૂત્રને આત્મસાત કરીને VYOના તત્વાવધાનમાં વિશ્વબેન 5 કરોડથી પણ વધુ વૈષ્ણવોને સંગઠિત કરવાનું દિવ્ય અભિયાન કાર્યરત છે.

ત્યારે આ સંગઠન ભાવનાને પ્રબળતાથી ઉજાગર કરવાના સત્પ્રયાસ સ્વરૂપે આવનાર તા. 6 નવેમ્બર,2022ના રોજ ગુજરાતની સોરઠ ભૂમિના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી મુકામે VYO – વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં “વિરાટ વૈષ્ણવ મહાસંમેલન” પૂજ્યશ્રીવ્રજરાજકુમારજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં સંપન્ન થવા જઈ રહ્યું છે.

સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાંથી 75,000થી પણ વધુ વૈષ્ણવ ભાવિક્જનો આ પ્રેરણાદાયી આયોજનમાં સંમલિત થવા ચોરડી ખાતે ઉમટી પડશે. 6 નવેમ્બર,2022ના રોજ બપોરના 1:30કલાકથી આ વૈષ્ણવ મહાસંમેલન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સંપન્ન થનાર છે. આ પ્રસંગે પૂજ્યમહારાજશ્રીના દિવ્ય પ્રેરણા મંથનનું સાકાર મૂર્ત સ્વરૂપ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું વિશાળ,ઐતિહાસિક, દિવ્ય અને ભવ્ય સંકુલ;શ્રી કૃષ્ણનગરી જ્યાં સંસ્કાર, પ્રેમ, આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે,એવું પરમ ધામ “શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ” નું ખાત મુહૂર્ત આ મંગલમય પ્રસંગે સંપન્ન થનાર છે.

શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રથમ તબક્કામાં ગોંડલના ચોરડી મુકામે લગભગ 65 વીઘાના વિશાલ પરિસરમાં શ્રીવલ્લભાચાર્યજી સ્કૂલ-કોલેજ, શ્રીઇન્દિરાબેટીજી ગુરુકુળ, શ્રીમથુરેશ્વરજી મહારાજશ્રી વૈષ્ણવ સાધક આશ્રમ,સર્વોત્તમ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ,ખેલ પ્રાંગણ,શ્રીગિરિરાજ્જી પ્રભુની વિશાલ ઝાન્ખી અને 84 કૉસ વ્રજદર્શન, અત્યાધુનિક ઑડિટોરિયમ,ભોજનાલય, અતિથિ ભવન,લેસર ફાઉનટેઈન તથા ગૌશાળા જેવું દિવ્ય ભવ્ય અને ઐતિહાસિક પ્રકલ્પો સામાન્ય જન સમુદાયના લાભાર્થે સાકાર થશે.આ દિવ્ય પ્રોજેક્ટના બીજા તબલામાં રાજકોટ સ્થિત વિશાલ પરિસરમાં વિશ્વનું સૌપ્રથમ “મોરપીંછ ટેમ્પલ”નિર્માણ કરવામાં આવશે. VYO – વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્વ પરિવારના તત્વાવધાનમાં પુષ્ટિમાર્ગના 500 વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આવું ભવ્ય સંકુલ જ્યાં એક સાથે જન સમાજના તમામ વયના લોકોને લાભાન્વિત કરતુ અતિદીવ્ય સંકુલ સાકાર થવા જઈ રહ્યું છે.

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનના ભવ્ય આયોજનમાં 6 નવેમ્બર,2022ના રોજ વિવિધ સંકસ્કૃતિક કાર્યક્રમ સાથે વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના મંગલમય આશીર્વચનથી હજારો ભાવિકજનો કૃતાર્થ બનશે. આ સંમલેનના મુખ્ય અતિથિ રૂપે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંમેલનના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્ય ભા.જ.પા અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.આ સાથે જ કેન્દ્રીય મંત્રી શ્રીમનસુખ મંડાવિયાજી, શ્રીપરસોત્તમ રૂપાલાજી, શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ પૈકી શ્રી હર્ષ સંઘવી, શ્રીજિતુભાઇ વાઘાણી,શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રીરાઘવજીભાઈ પટેલ,શ્રીકિરીટસિંહ રાણા,શ્રીરૂષિકેશભાઈ પટેલ,શ્રીઅરવિંદભાઈ રૈયાણી,શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રીદેવભાઈ માલમ,શ્રીં બ્રિજેશભાઈ મેરજા, શ્રી આર સી મકવાણા સહિત ગુજરાતના શૈક્ષણિક,ઔદ્યોગિક,સામાજિક ક્ષેત્રના શ્રેષ્ઠિજનો મોટી સંખ્યામાં આ અવસરને શોભાવશે.

આ સંમેલનમાં જોડાવા VYOની વિવિધ શાખાઓ દ્વારા ભાવિકજનોની સુવિધા અર્થે બસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભર 500થી પણ વધુ બસો ભાવિકજનોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. ચોરડી મુકામે VYOવિશ્વ પરિવારના હજારો કાર્યકરો આ ભવ્ય આયોજનની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભાવિકજનોની સુવિધા અર્થે ભવ્યાતિભવ્ય મંડપ ઉભો કરવામાં આવ્યો છે જેમાં એક સાથે હજારો ભાવિકજનો આ અતિઅલૌકિક અવસરના સાક્ષી બનશે.અત્રે ઉલ્લેખનીય છે કે VYOના તત્વાવધાનમાં સેવા સંકલ્પ,પંચામૃત યોજના,Being Blind Being Stronger,વ્રુક્શોત્સવ,જળસંરક્ષણ અભિયાન, ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાન જેવા સેવા પ્રકલ્પો પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણા સ્વરૂપે કાર્યરત છે.

આ પ્રકલ્પોના ભાગરૂપે અન્ન સેવા, મેડિકલ સેવાઓ,ગંગાસ્વરૂપ બહેનોને આર્થિક સહાય તથા અન્ન સહાય, શિક્ષણ સહાય, નિરાધાર તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન, એક લાખથી પણ વધુ પ્રજ્ઞાચક્ષુજનોને આધુનિક સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટ સ્ટિક વિતરણ,ગુજરાતને 11 લાખ વૃક્ષોથી હરિત શૃંગાર કરવાનું લક્ષ્ય સાકાર થઇ રહ્યું છે. આ સાથે જ જળ સંરક્ષણ અભિયાન થકી ગુજરાતના 50,000 ઘરોમાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનો અભિગમ સાકાર થઇ રહ્યો છે આ સાથે જ 75 ગામોમાં ગામ તલાવડી તથા રિચાર્જ બોરવેલ થકી વરસાદી પાણીનો મહત્તમ ભાગ સુરક્ષિત કરવાનું કાર્ય સાકાર થઇ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાન થકી જન્મ દિવસે કેક પર કેન્ડલ પ્રગટાવીને ફૂંક મારીને બુઝાવાની પ્રથાને બંધ કરીને જન્મ દિવસે સંસ્કૃતિના સંસ્કારોને જીવંત રાખીને સ્વસ્તિક કરીને દીપ પ્રગટાવાનો સંદેશ આજે વિશ્વના ઘર ઘર સુધી પ્રસારિત થયો છે. ત્યારે VYOના તત્વાવધાનમાં આયોજિત વિરાટ વૈષ્ણવ મહાસંમેલનના આયોજન થકી વિશ્વના 5 કરોડથી પણ વધુ વૈષ્ણવોને સંગઠિત કરવાના પ્રયાસમાં અવિરત બળ પ્રદાન થશે.

ભાજપ અને કોગ્રેસ માંથી ટિકિટ મેળવવા ઉમેદવારોનું લોબિંગ – કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન નહીં થાય તો ચતુષ્કોણીય જંગ ની સંભાવના..!  


ઉમરેઠ વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકીય પક્ષો દ્વારા ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે. હાલમાં ઉમરેઠ બેઠક ભાજપ હસ્તગત છે, પરંતુ ખૂબ જ નજીવા માર્જીન થી ગત ટર્મ માં ભાજપ કોગ્રેસ સામે જીત્યું હોવા ને કારણે કોગ્રેસ માંથી પણ ટિકિટ મેળવી પોતાની જીતની આશા સાથે કોગ્રેસ માંથી પણ કેટલાક ઉમેદવારો દ્વારા ટિકિટ માટે દાવેદારી નોંધાવી હોવાનું કોંગ્રેસના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પરંતુ મોવડી મંડળ સાથે વાત થયા મુજબ  એન.સી.પી અને કોંગ્રેસનું ગઠબંધન થયું હોવાનું પણ એન.સી.પી ના સૂત્રો કહી રહ્યા છે.  જેથી ઉમરેઠ બેઠક પર ભાજપ ને ટક્કર આપવા માટે એન.સી.પી કે કોગ્રેસ કોણ મેદાનમાં ઉતરશે તેને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ છે, અને જો કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન નહીં થાય અને બંને પક્ષ ચૂંટણીમાં ઝંપલાવશે તો ભાજપ માટે આકડે મધ જેવી સ્થિતિ થાય તેમાં કોઈ બે મત નથી.

વધુમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત ઉમરેઠ પંથકમાં આપ પણ સક્રિય બન્યું છે, અને ઉમરેઠ બેઠક પર થી આપ નો ઉમેદવાર અમરીશ પટેલ ની જાહેરાત કરી દેવાઇ છે. જેને પગલે , ઉમરેઠ વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ થાય તેવા સમીકરણો પણ સર્જાઈ શકે છે. પરંતુ તે પણ હકીકત છે કે ઉમરેઠ બેઠક પર અત્યાર સુધી ત્રીજો મોરચો કે અપક્ષ ક્યારેય સફળ થયા નથી પરંતુ હાર જીતમાં અપક્ષ અને ત્રીજા મોરચાની મુખ્ય ભૂમિકા રહેતા હોવાનું ભૂતકાળ ચાડી ખાય છે. જેને પગલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ કે અપક્ષ ના કોઈ સક્ષમ ઉમેદવાર રાજકીય પક્ષો નું ગણિત બગાડે તો નવાઈ નહીં. 

તાજેતરમાં ભાજપ દ્વારા આણંદ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં સીટીંગ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સિવાય અન્ય ૧૮  ઉમેદવારો દ્વારા પણ ટીકીટ માગવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, ઓડ નગરપાલિકાના પ્રમુખ ગોપાલભાઈ રાઉલજી તેમજ પૂર્વ ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઇ ચૌહાણ દ્વારા પણ ટીકીટ માગવામાં આવી છે,  આ સિવાય બળવંતસિંહ પરમાર, સંદીપ પરમાર, બી. યુ પરમાર, લાલાભાઇ ઝાલા, દિનેશ સોલંકી, વિનુભાઇ ઠાકોર, સુનિલ સોલંકી, તેમજ ઉમરેઠ બજાર સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પટેલ (પકાભાઇ) દ્વારા પણ ટિકિટ માટે પ્રબળ દાવેદાર કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે સ્થાનિક ઉમરેઠ ના ઉમેદવાર ને છેલ્લે ૨૦૦૨માં ભાજપ દ્વારા ટીકીટ ફાળવવામાં આવી હતી ત્યાર બાદ ઉમરેઠ વિધાનસભા માં સ્થાનિક ઉમરેઠના કોઈ ઉમેદવાર ને ટિકિટ ન મળી હોવાના કારણે પકાભાઈ પટેલ ટીકીટ મેળવવા માટે ભારે લોબીંગ કરી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આ ઉપરાંત ઉમરેઠ ની પ્રજા પણ સ્થાનિક ઉમરેઠમાં ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ તો ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ દ્વારા નો-રીપીટ થીયરી અપનાવવામાં આવે અને યુવા ચહેરા ને પ્રાધાન્ય આપવામાં આવશે પણ હંમેશાની જેમ ભાજપ દ્વારા છેલ્લે અણધાર્યા ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં પણ આવે છે.

ઉમરેઠના પ્રવર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર છેલ્લે મંત્રી પદ સહિત અમુલની ચુંટણી સમયે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી પછી ઘી ના ઠામમાં ઘી પડ્યું હોવાનો ઘાટ ઘડાયો હતો આ મુદ્દે પક્ષ દ્વારા તેમને રીપીટ ન કરવાનું જોખમ લેવું પ્રવર્તમાન સમયમાં સાહસ ભર્યું સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામડા ની જૂની સારસા બેઠક ના હાલમાં ઉમરેઠ વિધાનસભા માં સમાવેશ થયેલ ગામમાં પણ ગોવિંદભાઈ પરમાર ની સારી પક્કડ છે જેને પગલે પક્ષ દ્વારા તેઓની પુનઃ પસંદગી થાય તો નવાઈ નહીં,

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આ વખતે ઉમરેઠ બેઠક પર ભાજપ ઉમેદવાર ને લઈ લોકોને અચંબીત કરે તેવી શક્યતાઓ પણ હોવાનું કેટલાક રાજકીય વિશેષજ્ઞો ચર્ચા કરી રહ્યા છે. ઉમરેઠ બેઠક પર હજુ સુધી ભાજપ દ્વારા મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી નથી તેથી આ વખતે કોઈ મહિલા ઉમેદવારને પણ ટિકિટ આપવામાં આવે તેમ ચર્ચા થઈ રહી છે. બીજુ બાજુ યુવા મતદારોને આકર્ષવા માટે સ્વચ્છ છબી ધરાવતા કોઈ યુવા નેતાઓને ટિકિટ ફાળવવામાં આવે તેવી અટકળો પણ આકાર લઈ રહી છે, ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠ પાલિકાના કોંગ્રેસનાં કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા ત્યારે ઉમરેઠમાં ભૂતકાળમાં રાજકીય રીતે સક્રિય યુવાનો પણ ભાજપમાં જોડાયા હતા તે પૈકી કોઈને ટીકીટ ફાળવવામાં આવે અને ઉમરેઠ બેઠક પર થી યુવા નેતા પોતાની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરે તો નવાઈ નહીં..! સેન્સ પ્રક્રિયા દરમ્યાન ઉમરેઠ શહેર અને તાલુકા સંગઠન ના કાર્યકરો દ્વારા નિરીક્ષકોને કેટલાક નામ આપવામાં આવ્યા હતા જેઓએ ટીકીટ ની માગણી કરી નથી છતા તેઓને ટીકીટ ફાળવવામાં આવે તો ભાજપ આસાની થી ઉમરેઠ વિધાનસભા માં જીત મેળવી શકે

તાજેતરમાં એન.સી.પી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી દ્વારા કોગ્રેસ સાથે ગઠબંધન થઈ ગયું હોવાની ટિપ્પણી કરી હતી.તાજેતરમાં ઉમરેઠ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ ના પ્રતિનિધિ મંડળ કોગ્રેસ ભવન ખાતે મોવડી મંડળ ને ઉમરેઠ બેઠક એન.સી.પી માટે ન ફાળવવા માટે રજૂઆત કરવા ગયુ હતુ. એક તરફ એન.સી.પી દ્વારા ઉમરેઠ બેઠક માટે પ્રબળ દાવેદારી કરવામાં આવી રહી છે ત્યારે કોગ્રેસ દ્વારા પણ છેલ્લી ઘડીએ પોતાનું જોર લગાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ અમર જોશીએ જણાવ્યું હતુ કે,  પક્ષ દ્વારા વિધાનસભા માટે દાવેદારો ના આવેદન મંગાવવામાં આવ્યા હતા જેમાં ઉમરેઠ બેઠક પર કોંગ્રેસની ટિકિટ માટે કુલ ૮ ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ અમર જોષીએ જણાવ્યું હતુ કે ઉમરેઠ બેઠક પરથી કોગ્રેસ ની ટિકિટ માટે પૂર્વ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ કપિલા બેન ચાવડા, ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ અમર જોષી, ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૄગુરાજસિંહ ચૌહાણ,  ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચાવડા તેમજ જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ યુનુસભાઈ મુખી, રજનીકુમાર ભૄગુરાજસિંહ ચૌહાણ, ઉમરેઠ શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ ,તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નટવર સિંહ ચૌહાણ ટીકીટ ની માગણી કરી છે.

તાજેતરમાં કોગ્રેસ ભવન ખાતે મોવડી મંડળ સમક્ષ એન.સી.પી સાથે ગઠબંધન ન કરવા તેમજ ઉમરેઠ બેઠક પર થી કોગ્રેસ ના ઉમેદવાર ને મેદાનમાં ઉતારવા ઉમરેઠ શહેર અને તાલુકા કોગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરોએ ધારદાર રજૂઆત કરી હતી. બીજી બાજુ એન.સી.પી ના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન થવાનું છે, આ અંગે ગુજરાત પ્રદેશ એન.સી.પી અધ્યક્ષ જયંત પટેલ દ્વારા પણ મીડિયામાં ટિપ્પણી કરી હતી કે, ચાર થી પાંચ બેઠક પર ગઠબંધન થશે અને જો આમ થાય તો ઉમરેઠ બેઠક પર જયંતભાઈ પટેલ (બોસ્કી) એન.સી.પી ઉમેદવાર તરીકે ચુંટણી લડે તો નવાઈ નહીં. ૨૦૧૭માં કોગ્રેસ અને એન.સી.પી નું ગઠ બંધન ન થતા કોગ્રેસ માંથી કપિલાબેન ચાવડા અને એન.સી.પી માંથી જયંત પટેલ અને ચુંટણી લડ્યા હતા અને ભાજપ માંથી ગોવિંદભાઈ પરમાર મેદાનમાં હતા. આ સમયે ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારને ૬૮૩૨૬ જ્યારે કોગ્રેસના કપીલાબેન ચાવડાને ૬૬૪૪૩ મત મળતા ભાજપનો ૧૮૮૩મત થી વિજય થયો હતો.  

ઉમરેઠ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરીશ પટેલ જાહેર કરાયા ઉમરેઠ બેઠક પરથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલને  ટિકિટ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અમરીશ પટેલ ઉમરેઠ તાલુકાના થામણા ગામના વતની છે અને  અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે. તેઓ પહેલા ઉમરેઠ તાલુકાના આપ ના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છે, પરંતુ પરિવર્તન યાત્રા દરમ્યાન નવેસરથી સંગઠન માળખાની રચના લીધી હતી. અને તેમની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા તેમને ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ જેવા કોગ્રેસ દ્વારા પૂર્વ શાસિત રાજ્યોમાં સફળ થઈ છે, પરંતુ ભાજપ શાસિત કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી સફળ થઈ નથી જેને પગલે આમ આદમી પાર્ટીએ ઉમરેઠ સહીત ગુજરાતમાં વિજય રથ પર સવાર થવા માટે કપરા ચઢાણ છે, પરંતુ તે પણ હકીકત છે કે ભાજપ અને કોગ્રેસ બંને પક્ષ માટે આમ આદમી પાર્ટી નિર્ણાયક સાબિત થાય અને કોઈનું ગણિત બગાડે તો નવાઈ નહી.

ભાજપ ટિકિટ ન માગી હોય તેવા યુવા ઉમેદવારને પણ ટીકીટ આપે તો નવાઈ નહી..!

ભાજપમાં ઉમેદવારો દ્વારા દાવેદારી તો કરવામાં આવે છે અને આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવે છે પરંતુ કેટલીક વખત તેમ પણ બને છે કે દાવેદારી ન કરી હોય તેવા કોઈ ઉમેદવાર ને પણ પક્ષ દ્વારા ચૂંટણીમાં ઉતારવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિરીક્ષકો સમક્ષ ઉમરેઠ વિધાનસભાના કેટલાક કાર્યકરો દ્વારા ટિકિટ ન માગી હોય તેવા કેટલાક ઉમેદવાર ને પણ ટિકિટ આપવા રજૂઆત કરાઈ હતી.

ભાજપ દ્વારા હજૂ સુધી ઉમરેઠ બેઠક પર કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નહીં જેને પગલે આ વખતે કાર્યકરો દ્વારા મહિલાને ટિકિટ  આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચા થઈ રહી છે, ઉલ્લેખનીય છે કે કોગ્રેસ દ્વારા ૧૯૮૫માં કુસુમબેન ખંભોળજા તેમજ ૨૦૧૭માં કપીલાબેન ચાવડાને ટીકીટ આપવામાં આવી હતી જે પૈકી ૧૯૮૫ મામ કુસુમબેન ખંભોળજા વિજેયતા બન્યા હતા અને ૨૦૧૭માં કપીલાબેન ચાવડાનો નવીવા માર્જીન થી પરાજય થયો હતો.

ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઉમરેઠ બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારોનો દબદબો..!


૬ વખત બ્રાહ્મણ ઉમેદવાર, ૫ વખત ક્ષત્રિય ઉમેદવાર અને ૨ વખત પટેલ ઉમેદવાર ઉમરેઠ બેઠક પરથી વિજેતા થયા હતા.

આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં ઉમરેઠ બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે જેને પગલે અનુક્રમે ૧૯૬૨,૧૯૬૭,અને ૧૯૭૨માં ક્ષત્રિય ઉમેદવાર અને  આણંદ જિલ્લાના પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ ઉદેસિંહ પિતાજી ઉદેસિંહ વીરસિંહ વડોદિયા વિજેતા થયા હતા.

૧૯૭૫માં હરીહર ખંભોળજાની જીત થયા બાદ ૧૯૮૦માં પણ તેઓનો વિજય થયો હતો અને ૧૯૮૫માં હરીહરભાઈ ખંભોળજાના પત્નિ કુસુમબેન ખંભોળજા વિજેતા થયા હતા. ત્યારબાદ ૧૯૯૦,૧૯૯૫ અને ૧૯૯૮ની ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં સતત ત્રણ વખત જનતા દળ અને કોગ્રેસ પક્ષ માંથી સુભાષભાઈ શેલત વિજેતા થયા હતા. એટલે કે ૧૯૭૫ થી ૧૯૯૮ સુધી ઉમરેઠ વિધાનસભા બેઠક પર બ્રાહ્મણ ઉમેદવાર હરીહર ખંભોળજા, કુસુમબેન ખંભોળજા અને સુભાષભાઈ શેલતનો દબદબો રહ્યો હતો.

બીજી બાજૂ ઉમરેઠ બેઠક પર ક્ષત્રિય મતદારો અને બ્રાહ્મણ ઉમેદવારોનું વર્ચસ્વ હોવા છતા ૨૦૦૨માં ભાજપે ઉમરેઠના સ્થાનિક વિષ્ણુભાઈ પટેલ ને ટિકિટ આપી હતી અને તેમનો વિજય થયો હતો. આ સમયે પ્રથમ વખત ઉમરેઠ બેઠક ભાજપને મળી હતી જેમાં તેઓએ બ્રાહ્મણ ઉમેદવાર ને પરાજય આપ્યો હતો.

૨૦૦૭ની વિધાનસભા ચુંટણીમાં લાલસિંહ વડોદીયા કોગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ભાજપે ૨૦૦૨માં વિજેયતા થયેલા વિષ્ણુભાઈ પટેલને રીપીટ કર્યા હતા આ સમયે લાલસિંહભાઈ વડોદિયા નો વિજય થયો હતો, છેક ૧૯૭૨ બાદ ૨૦૦૭માં ક્ષત્રિય ઉમેદવાર અને તે પણ વડોદીયા પરિવારના સભ્યોનો ઉમરેઠ બેઠક પર વિજય થયો હતો.

૨૦૧૨માં ઉમરેઠ વિધાનસભા બેઠકનું સિમાંકન બદલાઈ ગયું હતું, સારસા વિધાનસભા બેઠકના લગભગ ૧૪ જેટલા ગામ ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ઉમેરાઈ ગયા હતા આ સમયે કોગ્રેસ અને એન.સી.પી દ્વારા ગઠબંધન થતા ઉમરેઠ બેઠક પર ભાજપ અને એન.સી.પી વચ્ચે જંગ થયો હતો.

ભાજપે ક્ષત્રિય મતદારોને ધ્યાનમાં રાખી સારસા વિધાનસભા બેઠક પર એક વખત ચુંટણી જીતેલા ગોવિંદભાઈ પરમાર એન.સી.પીના જયંત પટેલ સામે ઉભા રાખ્યા હતા, આ વખતે પણ જ્ઞાતિનું સમીકરણ ખોટું પડ્યું હતુ અને એન.સી.પીના પટેલ ઉમેદવાર જ વિજેતા થયા હતા. જો કે ૨૦૧૭માં ગોવિંદભાઈ પરમાર નો વિજય થયો હતો અને ક્ષત્રિય ઉમેદવારે પોતાનું વરચસ્વ ઉમરેઠ બેઠક પર સાબીત કર્યું હતું. આમ ઉમરેઠ વિધાનસભા ના મતદારો સૂઝ બુઝ થી તેઓને યોગ્ય લાગે તેવા જ ઉમેદવાર તરફેણમાં મતદાન કરે છે. ઉમરેઠ બેઠક પર જ્ઞાતિ સમીકરણો નો છેદ ઊડી જાય છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પાછલી ચુંટણી ની આંકડાકીય માહિતી જોઈ કદાચ આગામી ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો જ્ઞાતિના સમીકરણ માળીયે મુકી યોગ્ય ઉમેદવારને ટિકિટ આપે તો નવાઈ નહીં. ક્ષત્રિય મતદારો વધારે હોવા છતા પણ ઉમરેઠ બેઠક પર પટેલ અને બ્રાહ્મણ ઉમેદવારોની જીત ને લઈ રાજકીય પક્ષો દ્વારા મનોમંથન કરી ને યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવે તો નવાઈ નહીં. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે ઉમરેઠ બેઠક પર બ્રાહ્મણ સહીત  પટેલ આગેવાનો ટીકીટ માટે ભારે લોબીંગ કરી રહ્યા છે, સાથે દરેક વિધાનસભા ની ચુંટણી વખતે અલગ અલગ સમીકરણો કામ કરતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જ્યારે ૨૦૧૭ માં ગોવિંદભાઈ પરમાર નો વિજય થયો હતો અને ક્ષત્રિય ઉમેદવારે પોતાનું વરચસ્વ ઉમરેઠ બેઠક પર સાબીત કર્યું હતું.