આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2013

ઉમરેઠમાં ગીરી ગોવર્ધન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.


શ્રી ગીરીરાજધામ

શ્રી ગીરીરાજધામ

જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના કરકમલોથી ગીરી ગોવર્ધન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉમરેઠ ખાતે તા.૫.૧.૨૦૧૪ થી ૬.૧.૨૦૧૪ સુધી કરવામાં આવશે. આ પ્રસંગે તા. ૫.૧.૨૦૧૪ને સવારે ૯ કલાકે શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપની શોભાયાત્રા નગરના લાલ દરવાજા વિસ્તારથી શરૂ થશે જે નગરના વિવિધ વિસ્તારમાં ફરશે જેમાં વૈષ્ણવોને ચરણ સ્પર્શનો લાભ મળશે. સાંજે ૭ કલાકે આચાર્ય વચનામૃત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ગીરીરાજધામ પાસે શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયના પટાંગણમાં યોજાશે. જ્યારે તા.૬.૧.૨૦૧૪ને સવારે ૮ કલાકે શ્રી ગોવર્ધનનાથજી તથા ગીરીરાજજીની પ્રતિષ્ઠાવિધિ અને પ્રથમ દુગ્ધાભિષેક સહીત પંચામૃત વિધિ શ્રી ગીરીરાજધામ ઉમરેઠ ખાતે યોજાશે. સાંજે ૭ કલાકે પ્રથમ કુનવારોનું આયોજન પણ શ્રી ગીરીરાજધામ ખાતે કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગીરીરાજધામ મહોત્સવ સમિતિ સહીત દેવકીનંદનાચાર્ય સ્મારકનિધિ ટ્રસ્ટના કાર્યકરો સહીત વૈષ્ણવજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ અંગે વધારે માહીતી તેમજ સહયોગ માટે ઉમરેઠ ખાતે સંજયભાઈ શહેરાવાળા, રાકેશભાઈ ગાંધી, એન.ડી.શાહ, સંદીપભાઈ શાહ, પરાગભાઈ ચોકસી સહીતના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરવા અનુરોધ છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં ગીરીરાજધામના નિર્માણ બાદ હવે ઉમરેઠનું ધાર્મિક મહત્વ વધી ગયુ છે હવે ખરા અર્થમાં ઉમરેઠ છોટા કાશીની ઉપાધી ઉપર ખરુ ઉતરશે તેમ ધાર્મિકજનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ઉમરેઠના આંગણે ઉજવવામાં આવનાર સદર ધાર્મિક મહોત્સવને લઈ વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

નિર્ણય…


સ્વભાવિક છે તમામ રાજકીય પક્ષો અલગ અલગ વિચારધારા ધરાવતા હોય છે.ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાના સ્વભાવ અને તેઓની છબીને ધ્યાનમાં લઈએ તો આ ત્રણેય નેતાઓ સામે એક જ મુદ્દો હોય તો તેઓની પ્રતિક્રિયા શું હશે તે કાલ્પનીક રીતે રજૂ કરવાનો વ્યંગ પ્રયાસ કરૂ છું.

પક્ષ માટે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે…

રાહુલ ગાંધી (કોગ્રેસ)

હું મારી મમ્મીને પુછીને નિર્ણય લઈશ.

ભા’ઈ..લા રાહૂલ બધુ મમ્મીને પુછીને ન થાય હવે વડાપ્રધાન બનવાની ઈચ્છા હોય તો પોતાની બહાદૂરી બતાવી પડે..બાપ દાદાના નામે બહુ ચરી ખાધુ હવે જાત મહેનત કરી પોતાની કાયક્ષમતા બતાવો તો દેશ તમારી સરાહના કરશે.

અરવીંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટી)

હું જનતા સમક્ષ જઈશ અને જનતા જેવું કહેશે તેમ કરીશ..!

અરવીંદ સાહેબ વાત..વાત..માં જનતાને હેરાન ન કરાય, જનતાને તે પાંચ વર્ષે એકજ વાર હેરાન કરવાની..વારંવાર પોલ અને સર્વે કરાવશો તો એક દીવસ જનતા તમને રાજકારણ માંથી એક્સીટ કરી દે તો નવઈ નહી. સવારે પાછા નાસ્તામાં શું કરું..? કપડા કયાં પહેરું…? તે માટે પણ સર્વે ન કરાવો તો સારું…!

નરેન્દ્ર મોદી (ભાજપ)

મારામાં નિર્ણય લેવાની શક્તિ છે, હું બધા નિર્ણય જાતે કરી શકું છું.

ભાઈ મોદી સાહેબ…! તમારી વાત ન થાય તમારી નિર્ણય શક્તિ ગજબની છે, પણ તેનું ગુમાન ન રાખશો..સૌનો સાથ અને સૌનો વિકાસ યાદ રાખજો, પોતાની નિર્ણય શક્તિના અહંમમાં બીજાની અવગણના કરશો તો દિલ્હી દૂર છે,વાક્ય તમારા માટે ફીટ થઈ જશે.

ઉમરેઠ બાજખેડાવાડ યુવા સમિતિના ફાઊન્ડર ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો.


બાજખેડાવાડ યુવા સમિતિ ઉમરેઠની તાજેતરમાં મળેલ કારોબારીની બેઠકમાં ફાઊન્ડર ચેરમેન અનુપ મહેતાનું બાજખેડાવાડ જ્ઞાતિમાં તેઓના નેતૃત્વમાં કરેલ સામાજિક કાર્યો બદલ તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે બાજખેડાવાડ જ્ઞાતિની યુવા સમિતિના ચેરમેન આગામી સમયમાં કારકીદી લક્ષી કાર્યો માટે વિદેશગમન કરતા હોવાને કારણે તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ચેરમેનશ્રી સમીરભાઈ ત્રિવેદીએ અનુપભાઈ મહેતાને સન્માનપત્ર એનાયત કર્યું હતું , અને તેઓએ જણાવ્યું હતુ કે, બાજખેડાવાડ જ્ઞાતિના ફાઊન્ડર ચેરમેન તરીકે જ્ઞાતિના ઉત્થાન માટે કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમ સહીત તેઓના માર્ગદર્શન પ્રશંશાને પાત્ર છે અને જ્ઞાતિજનો તેઓ પ્રત્યે સદાય આભારી રહેશે. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં અનુપ મહેતાએ જણાવ્યું હતુ કે, બાજખેડાવાડ યુવા સમિતિના ફાઊન્ડર ચેરમેન તરીકે જ્ઞાતિ સમાજમાં તેઓને વિશેષ ઓળખ મળી, જ્ઞાતિના યુવા કાર્યકરો દ્વારા તેઓને મળેલ સાથ સહકાર બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં જ્ઞાતિના અગ્રણીઓ સહીત યુવા સમિતિના માજી મંત્રી હર્ષ શેલત, માજી ચેરમેન હર્ષ ખંભોળજા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Appericiation certi from BKYS to Anup Mehta (Founder Chairman-BKYS)

Appericiation certi from BKYS to Anup Mehta (Founder Chairman-BKYS)

ગુજરાતી પરિષદ દ્વારા ગિરનાર એવોર્ડ એનાયત કરાયા.


 ઉમરેઠના જયંતિ એમ દલાલને સાહિત્ય ક્ષેત્રે ગિરનાર એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.
 
ગુજરાતી પરિષદ બૃહદ મુંબઈ દ્વારા દર વર્ષે મુંબઈમા વસતા ગુજરાતી લોકોને પ્રોત્સાહીત કરવા માટે વિવિધ ક્ષેત્રમાં અનન્ય સિધ્ધિ હાસલ કરવા બદલ ગિરનાર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ ક્ષેત્રમાં સુંદર કામગીરી કરનાર ગુજરાતીઓને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સાહીત્ય ક્ષેત્રે મૂળ ઉમરેઠના સાહીત્યકાર અને લેખક જયંતિ એમ દલાલને સાહીત્ય ક્ષેત્રે તેઓના અનન્ય પ્રદાન બદલ ગિરનાર એવોર્ડ ૨૦૧૩ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ ગુજરાતી પરિષદ બૃહદ મુંબઈના પ્રમુખ હેમરાજભાઈ શાહ, ઉપ-પ્રમુખ સુરેન્દ્રભાઈ પરીખ તેમજ મહામંત્રી રાજેશભાઈ દોશીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠની નવા જૂની


  • ઉમરેઠના માજી ધારાસભ્ય અને માજી આરોગ્ય મંત્રી સુભાષભાઈ શેલતના માતૃશ્રીનું તાજેતરમાં નિધન થયું છે. તેઓની ઉમર ૧૦૦ વર્ષથી પણ વધુ હતી. દિવંગતના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના..
  • આખરે ગઈકાલે એટલેકે રવીવારે સવારે ૯ થી સાંજે ૪ સુધી લાઈટો બંધ રહી,આશા છે આ પરિસ્થિતી આવતા રવીવારે નહી સર્જાય. ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા દર રવીવારે આપણા ઉમરેઠમાં આવીજ રીતે ચાર-પાંચ કલાક સુધી લાઈટો બંધ રહેતી હતી જો તાલુકા મથકે આવી પરિસ્થિતી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિર્ગ્રામ યોજના મૃગજળ સમાન હશે તેમાં બે મત નથી.
  • હવે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ઉમરેઠમાં સવારે જીમ અને મોર્નીંગ વોક માટે લોકોની અવર જવર વધી ગઈ છે. ઉમરેઠમાં હવે સવારે બ્રહ્માકુમારી સંસ્થાના પીસપાર્કમાં મોર્નીંગ વોક માટે લોકો મોટી સંખ્યામાં આવે છે. આ પહેલા લોકો ઉમરેઠ બેચરી માર્ગ ઉપર મોર્નીંગ વોક માટે જતા હતા.
  • શિયાળો આવ્યો એટલે હવે શિંગોળા,જામફળ અને બોર ખાવાની મઝા આવશે. શિંગોળા અને જામફળના દર્શન થઈ ગયા અને આરોગ્યા પણ ખરા પણ બોર હજૂ થોડો ઈન્તઝાર કરાવશે તેમ લાગે છે.
  • ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ સંજયભાઈ પટેલ બરકરાર છે. લાગે છે અઢી વર્ષની ટર્મ તેઓ પુરી કરીને જ ઝંપશે. ભાજપ પક્ષ દ્વારા પક્ષપલ્ટા ધારા હેઠળ તેઓને દૂર કરવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને આ અંગે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાય મહીનાથી આ અંગે તારીખ પે તારીખ…તારીખ..પે..તારીખ પડતી હતી પણ તાજેતરમાં સદર કાર્યવાહી ઉપર “સ્ટે” લાવી દેવામાં પ્રમુખ સંજયભાઈ પટેલ એન્ડ કંપણીના વકીલ સફળ થયા છે તેવી માહીતી મળી છે. ઉલ્લેખનીય છે કે ભાજપમાં હોવા છતા પ્રમુખ સંજયભાઈ પટેલ બળવો કરી પ્રમુખ સ્થાન મેળવી ગયા હતા પણ તે પણ હકીકત છે તેઓને પ્રમુખ બનાવવા માટે પાલિકાના મોટા ભાગના સભ્યો ઈચ્છતા હતા (વિરોધ પક્ષ સહીત…) ઢેન..ટેને.ન..ન…!
  • હજૂ ઉમરેઠને ફાળે આગવી પોતીકી ૧૦૮ ઈમરજન્સી વાન આવી નથી. ઉમરેઠને આગવી પોતીકી ૧૦૮ ઈમરજન્સી વાનનો લાભ મળે તે માટે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી), કોગ્રેસ યુવા મોરચા પ્રમુખ રવીભાઈ પટેલ,અમદાવાદ (ખાડીયા)ના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહીત સામાન્ય નાગરીકો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે. પણ તંત્રના પેટનું પાણી હજૂ હાલતુ નથી.
  • ઉમરેઠના વહોરવાડમાં આર.સી.સી રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ કોઈ કારણસર હજૂ ઓડ બજારમાં આર.સી.સી રોડનું કામ બંધ છે. સાંજના સમયે આ વિસ્તારમાં ડેરીમાં આવતા લોકોને ખુબ મુશ્કેલીઓ વેઠવી પડે છે.
%d bloggers like this: