આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2018

ઉમરેઠ સ્ટેટબેંક પાસે દિવાલ ધરાશય – સાત મજૂરોનો આબાદ બચાવ


dival_n.jpg

ઉમરેઠ નગરની સ્ટેટ બેંક પાસે એક ઘરની દિવાલ ધરાશય થઈ જતા આ મકાનનું કામ કરતા સાત મજૂરોનો આબાદ બચાવ થયો હતો જેને કારણે મજૂરો સહીત સ્થાનિકોએ રાહતનો સ્વાસ લીધો હતો. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ નગરના ભાટપીપડી વિસ્તારમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતુ જ્યાં નિત્ય નિયમ મુજબ સાત મજૂરો પોતાના કામમાં વ્યસ્ત હતા તેવામાં એકા એક મકાનની એક દિવાલ પડુ પડુ થતા મજૂરો ત્યાં થી દૂર થઈ ગયા હતા એને ગણતરીની મિનિટ માંજ દિવાલ ધરાશય થઈ હતી. સદનસીબે સદર બનાવમાં કોઈ મજૂર કે રાહદારીને કોઈ ઈજાઓ પહોંચી ન હતી જેને પગલે મજૂરો સહીત અન્ય રાહદારીઓએ રાહતનો સ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સદર મકાન ની બાજૂ માંજ સ્ટેટ બેંક આવેલી છે અને બેંક ટાઈમ માંજ દિવાલ ધરાસય થઈ હતી.

ઉમરેઠ – વૃધ્ધ મહીલાને બેભાન કરી ગઠીયો બંગડી અને મંગળસુત્ર સેરવી ગયો..!


આ પહેલા ઉમરેઠમાં રેટીયાપોળ,કોર્ટ રોડ અને શશાંક પાર્કમાં રહેતી વૃધ્ધ મહીલાના પણ સોનાના ઘરેણા લુંટાયા હતા..!

mahila02n.jpgઉમરેઠના સ્ટેટ બેંક વિસ્તારમાં આવેલ તુળજા માતાના મંદિરમાં સવારે રંજનબેન ભટ્ટ નામના વૃધ્ધ મહીલા દર્શન કરવા ગયા હતા આ સમયે બે અજાણ્યા વ્યક્તિઓ આવી તેમની સાથે વાત કરી અચાનક તેમના પર મેલું નાખી તેઓને બેભાન કરી દીધા હતા અને તેઓની બંગડી અને મંગલસુત્ર લઈ ફરાર થઈ ગયા હતા. થોડીવારમાં સદર મહીલાને ભાન આવતા પોતાની સોનાની બંગડી અને મંગલસુત્ર ન દેખાતા તેઓ પોતે લુંટાયા હોવાનું પ્રતિત થતા તેઓએ પોતાના છોકરી અને જમાઈને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સ્ટેટ બેંક આવેલી છે, દરોજ્જ આ માર્ગ પર થી કેટલાય લોકો લાખ્ખો રૂપિયા સાથે અવર-જવર કરે છે, ત્યારે આવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં જ વૃધ્ધ મહીલાને ધોળે દિવસે લુંટી ગઠીયાઓ આબાદ છટકી જતા સદર વિસ્તારની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વૃધ્ધ મહીલા દ્વારા સદર બનાવ અંગે પોતાન છોકરી અને જમાઈ ને જાણ કરતા તેઓ આ અંગે પોલીસ ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાના મુડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

 ઉમરેઠમાં વૃધ્ધ મહિલાઓ અસુરક્ષીત…!?

 ઉમરેઠમાં આજે વૃધ્ધ મહીલા ની સોનાની બંગડી અને મંગળસુત્ર લુંટી ગઠીયા ફરાર થઈ ગયાનો પૂનઃ બનાવ બનતા હવે નગરમાં વૃધ્ધ મહીલાઓ અસુરક્ષીત હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા નાશિકવાળા હોલ પાસે થી પસાર થતી એક વૃધ્ધ મહીલાના ગળા માંથી સોનાનો દોરો ખેંચી બે ગઠીયા બાઈક પર પલાયન થઈ ગયા હતા જે પૈકી એક ગઠીયાને લોકોએ સમય સુચકતા દાખવી પકડી પાડ્યો હતો. આ પહેલા નગરના કોર્ટ રોડ વિસ્તાર તેમજ રેટિયા પોળ વિસ્તારમાં પણ વૃધ્ધ મહીલાને બેભાણ કરી તેના સોનાના દાગીણા લુંટી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી હજૂ આ કેસ વણ ઉકેલ્યા છે ત્યારે વૃધ્ધ મહીલાના સોનાના દાગીણા લુંટાવવાનો નવો કેસ ઉમેરાતા હવે મહિલાઓ ની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે..!

ઉમરેઠના પૂર્વ નગરપાલિકા પ્રમુખનો ઝટ ઉપવાસ પટ પારણા..!


palika01.jpgઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પાલિકાના વોર્ડ નં.૧ના સભ્યના પતિ રજનીભાઈ પટેલ લોક પ્રશ્નોના નિકાલ માટે ચીફ ઓફિસરની ઢીલી નીતીને કારણે આજે સવારે નગરપાલિકા કંપાઉન્ડમાં ઉપવાસ પર ઉતર્યા હતા, ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ નીજ સત્તા હોઈ ભાજપના જ સભ્યો લોકપ્રશ્નોનો ઉકેલ નહી આવતો હોવાની ફરિયાદ સાથે ઉપવાસ પર ઉતરતા સ્થાનિક ભાજપના અગ્રણીઓ સહીત રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયાએ રજનીભાઈ પટેલને મનાવી લઈ ગણતરીના કલાકોમાં તેઓને પારણાં કરાવી દઈને બાજી સંભાળી લીધી હતી. વધુમાં આ અંગે પૂર્વ પાલીકા પ્રમુખ રજનીભાઈ પટેલે ઉપવાસ પર ઉતરવા માટે મંજૂરી માગતો પત્ર પાલીકા તંત્રને પાઠવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે તેઓના વોર્ડ નં.૧માં તેઓના પત્નિ પ્રવર્તમાન કાઉન્સિલર છે તેઓ દ્વારા પોતાના વોર્ડની સમસ્યાઓ અંગે અનેક રજૂઆતો કરી હોવા છતા કોઈ સંતોષ કારક ઉકેલ આવ્યો નથી આ ઉપરાંત તેઓએ સદર પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ચીફ ઓફિસર દ્વારા ચીફ ઓફિસર દ્વારા કાયદાના અનુનિયમોનું ખોટુ અર્થઘટન કરવામાં આવે છે જેને કારણે સામાન્ય પ્રજાને પોતાના કાર્યો પૂર્ણ કરવામાં વિલંબ થાય છે જેને પગલે તેઓએ નારાજગી વ્યક્ત કરી આખરે ઉપવાસનું પગલું ભરવું પડ્યું હતું.એક તરફ આગામી માસ માંજ પાલીકા પ્રમુખની ચુટણી આવી રહી છે ત્યારે પક્ષના જ પૂર્વ ન.પા પ્રમુખ ઉપવાસ પર ઉતરતા ભાજપના અગ્રણીઓ હરકતમાં આવ્યા હતા અને રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલે રજનીભાઈ પટેલને સમજાવી તેઓને પારણાં કરાવ્યા હતા.

મેં નિયમ મુજબ જ કામ કર્યા છે – ચીફ ઓફિસર
ઉમરેઠ પાલિકા કંપાઉન્ડમાં પૂર્વ ન.પા પ્રમુખ ઉપવાસ પર ઉતર્યા હોવા અંગે ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીએ જણાવ્યું હતુ કે મેં તમામ કાર્યો નિયમ મુજબ કર્યા છે. મારો કોઈ વાંક નથી અને આ અંગે મેં મારા ઉપરી અધિકારીઓને જાણ કરી દીધી છે

ધુળેટા-સુંદલપુરા માર્ગ પર ડાયવર્ઝન આપ્યા વગર નાળું રીપેરીંગ શર કરવામાં આવતા વાહન વહેવાર સંપૂર્ણ બંધ..!


પગપાળા પણ ધુળેટા સુંદલપુરા માર્ગ સદંતર બંધ, કેનાલ માંથી રસ્તો ક્રોસ કરવા મજબુર પ્રજાજનો.

6umt 03 nimesh goswami.jpg

ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે સુંદલપુરા-સાવલી ગામને જોડતું ગરનાળું છેલ્લા કેટલાય સમય થી બિસ્માર બનતા સદર ગરનાળા ઉપર થી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. પરંતુ આ સમયે પગપાળા લોકોની અવર જવર સદર ગરનાળા પર ચાલુ રહેતી હતી પરંતુ લાંબા સમય ની રાહ જોયા બાદ ગરનાળું રીપેર કરવાની કામગીરી શરૂ થયે પંદર દિવસ જેટલો સમય થયો હોવા છતા પણ ધુળેટા થી સુંદલપુરા જવા માટે કોઈ ડાયવર્ઝન ન આપવામાં આવતા સ્થાનીકો માટે બકરું કાઢતા ઉંટ પેઠું ની સ્થિતિ સર્જાઈ છે. પહેલા બિસ્માર ગરનાળા પર થી પગપાળા પણ અવર -જવર શક્ય હતી તે પણ હવે બંધ થઈ ગઈ છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ધુળેટા થી સુંદલપુરા-સાવલી ગામને જોડતું ગરનાળું છેલ્લા પંદર દિવસ થી રીપેર થઈ રહ્યું છે. આ કામ શરૂ થયે લગભગ પંદર દિવસ જેટલો સમય વહી ગયો હોવા છતા પણ કોઈ સર્વીસ રોડ કે ડાયવર્ઝન ની વ્યવસ્થા ન આપવામાં આવતા બંન્ને ગામ એક બીજા થી સંપર્ક વિહોણા થઈ ગયા છે જેને કારણે લોકોને ફરજિયાત લાંબા રસ્તાનું અંતર કાપી અન્ય ગામો માંથી ફરી ફરીને પોતાના ગામમાં જવું પડે છે. સૌથી વધુ મુશ્કેલીની વાત તો તે છે કે ઉમરેઠ થી સુંદલપુરા સહીત સાવલીની બસ પણ આજ રસ્તે પસાર થાય છે, તે બસ પણ સદર ગરનાળાનું રેપેરીંગ થતુ હોવાને કારણે બંધ થઈ ગઈ છે. જેને કારણે આ બસમાં નિયમિત અપડાઉન કરતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગરનાળાનું કામ ખુબજ મંથર ગતીએ થઈ રહ્યું છે જેને પગલે હજૂ ગરનાળું રીપેર થવામાં ખાસ્સો સમય નિકળી જશે, ત્યાં સુધી બસ સેવા પણ બંધ રહેશે જેને પગલે લોકોની મુશ્કેલી વધી જશે જેથી સ્થાનિકો વૈકલ્પીક રસ્તાની માંગ કરી રહ્યા છે જો તંત્ર દ્વારા તેઓને સત્વરે વૈકલ્પીક વ્યવસ્થા નહી કરવામાં આવે તો તેઓ આવનારા દિવસોમાં આંદોલનની પણ ચિમકી ઉચ્ચાર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સદર ગરનાળું રીપેર થઈ રહ્યું હોવાને કારણે પગપાડા સામેના રસ્તા પર જવા માટે પ્રજાજનો કેનાલનો ઉપયોગ કરી રહ્યા છે. કેનાલનો રસ્તો જોખમી છે અને આ રસ્તાનો ઉપયોગ કરી કોઈને જાનનું જોખમ પણ થઈ શકે છે આવી પરિસ્થિતીમાં લોકોને પડતી મુશ્કેલીઓનો જવાબદાર કોણ..? તે યક્ષ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.

ઉમરેઠ શ્રી સંતરામ વડીલોનું વૃંદાવન દ્વારા મફત મેડીકલ કેમ્પ યોજાયો.


10n.jpg

શ્રી સંતરામ વડીલોનું વૃંદાવન ઉમરેઠ દ્વારા શ્રી કૃષ્ણ હોસ્પિટલના સહયોગ થી આણંદ જિલ્લા સિનીયર સીટીઝન ફોરમ ફેડરેશન પ્રેરીત મફત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ તેમજ સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ નવનીતભાઈ અને હોદ્દેદારો તેમજ ર્ડોક્ટર્શ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લુ મુકવામાં આવ્યો હતો. સદર કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાંત ર્ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં બાળરોગના ર્ડો.મહીપાલ, ચામડીના રોગોના નિષ્ણાંત ર્ડો.નમ્રતાબેન, ફીજીશિયન ર્ડો.ઉત્કર્ષ તથા ર્ડો.શ્રવણભાઈ અને હાડકાના રોગના નિષ્ણાંત ર્ડો.ધ્રુવ તેમજ ઈ.એન.ટી ર્ડો. દેવાંશીબેન દ્વારા કેમ્પમાં ઉપસ્થીત દર્દીઓને સારવાર તેમજ માર્ગદર્શન વિનામુલ્યે પુરુ પાડ્યું હતું. આ ઉપરાંત કેમ્પમાં બી.પી, ડાયાબીટીસના દર્દીઓની પણ સારવાર કરવામાં આવી હતી અને સાત દિવસની દવા પણ મફત આપવામાં આવી હતી જ્યારે જરૂરિયાતમંદ વાળા દર્દીઓ ને કરમસદ ખાતે કૃષ્ણ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ઉમરેઠ સંતરામ વડીલોના વૃંદ દ્વારા આયોજીત આ કેમ્પમાં ગં.સ્વ કુસુમબેન પંડ્યા, શ્રી ગણેશદાસજી મહારાજ, જિલ્લા ફેડરેશનના પ્રમુખ સી.એલ.પટેલ તેમજ સેવા આપનાર તમામ ર્ડોક્ટરશ્રીઓ નું સંસ્થા તરફ થી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ નવનીતભાઈ સોની, મંત્રીશ્રી બિપીનભાઈ ચોકસી,વિનુભાઈ પટેલ,મનહરભાઈ રાણા, સુરેશ પંચાર, રમેશભાઈ રાણા,વિનુભાઈ પટેલ,મનુભાઈ દરજી,કાળીદાસ રાણા, રોહીતભાઈ ગજ્જર,ગોપાલભાઈ શાહ, સુરેશભાઈ શાહ તેમજ બિપીનભાઈ શાહએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો.

ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે શ્રીનાથજી મહાત્મ્ય લીલાનું ભવ્ય આયોજન


ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમાં શ્રી કૃષ્ણસંસ્થાન (વ્રજ)ના ૨૦ કલાકારો અલૌકિક વેશભુષા ધારણ કરી શ્રીનાથજીથાત્મ્ય લીલાની રજૂઆત કરશે.
31211464_10212958668347082_228426923127321152_o.jpg
ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન(UKYS) દ્વારા જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પિઠાધિશ્વર ગો.૧૦૮ વલ્લભલાલજી મહારાજની આજ્ઞા થી ચિ.ગો.શ્રી દેવકીનંદજી બાવાશ્રી (દેવેશબાવા) તથા ચિ.ગો.શ્રી.વિઠ્ઠલનાથજીબાવાશ્રી (વ્રજાંગબાવા)ના સાનિધ્યમાં ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ની તળેટીમાં શ્રી વિઠ્ઠલેશ (ગુંસાઈજી) જીવન ચરિત્ર લીલાનું તા.૩.૫.૨૦૧૮ થી તા.૭.૫.૨૦૧૮ સુધી રાત્ર્રે ૮.૩૦ થી ૧૧.૩૦ કલાકે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં આ અંગે ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યોએ જણાવ્યુ હતુ કે, વૃન્દાવનની સુપ્રસિધ્ધ પુષ્ટીમાર્ગીય શ્રી કૃષ્ણલીલા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત શ્રીનાથજીની લીલાઓ ઉપર આધારીત “શ્રીનાથજી મહાત્મ્ય લીલા” નાટકની ભવ્ય રજૂઆત ઉમરેઠમાં પ્રથમ વખત શ્રી ગીરીરાજધામની તળેટીમાં ભજવવામાં આવશે. આ નાટક માટે ખાસ વૃંદાવનથી ૨૦ કલાકારોની ટીમ ઉમરેઠ આવશે અને સતત પાંચ દિવસ સુધી રાત્રીના ૮.૩૦ કલાક થી ૧૧.૩૦ કલાક સુધી શ્રીનાથજી ની વિવિધ લીલાનું નાટકના માધ્યમની રજૂઆત કરશે. શ્રી કૃષ્ણસંસ્થાનના સંચાલક શ્રી ઘનશ્યામજીએ જણાવ્યું હતુ કે તેઓની ટીમના વિવિધ સભ્યો વેશભૂષા ધારણ કરી શ્રીનાથજી સહીત વિવિધ પાત્રોની ભૂમિકા ભજવશે. પાંચ દિવસ દરમ્યાન શ્રીનાથજીના પાગટ્ય થી શ્રીનાથજી નાથદ્વાર કઈ રીતે અને કેમ પહોંચ્યા તે અંગે નાટક દ્વારા જ્ઞાનસભર રજૂઆત કરવામાં આવશે. આ દરમ્યાન શ્રીનાથજીના વિવિધ ઉત્સવની પણ ઉજવણી કરવમાં આવશે. તા.૩.૫.૨૦૧૮ થી ૭.૫.૨૦૧૮ સુધી ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે ભક્તિસભર વાતાવરણમાં શ્રીનાથજી મહાત્મ્ય લીલાનો લાભ લેવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યોએ ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોની ધર્મપ્રિય જનતા અને વૈષ્ણવોને આગ્રહ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ સાથે ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યો ભારેજહેમત ઉઠાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રી ગુસાંઈજી જીવન ચરિત્ર લીલાની પણ સદર સંસ્થા દ્વારા સફળ રીતે રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે સમગ્ર ઉમરેઠ પંથકમાં શ્રીનાથજી મહાત્મ્ય લીલાને લઈ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.