આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2012

ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન


 •  છેલ્લા ૧૧ દિવસથી ચોકસી બજાર સજ્જડ બંધ

એક્સાઈઝ ડ્યુટી અને ટી.ડી.એસના કાયદા વિરૂધ્ધ છેલ્લા ૧૧ દિવસથી જ્વેલર્સ એશોસિયેશનની હડતાલના પગલે આજે સતત અગિયારમાં દિવસે ચોકસી બજાર બંધ રહેવા પામ્યું હતું. ચોકસી મહાજનના પ્રમુખ અલ્પેશભાઈ તેમજ ઉપ પ્રમુખ રાકેશભાઈ ચોકસી સહીત ચોકસી મહાજનના સભ્યો ઉમરેઠના પંચવટી ખાતે સવારે ૧૧ થી ૫ પ્રતિક ઉપવાસ ઉપર બેસી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી અને બજેટમાં જ્વેલર્સના વહેપારીઓ ઉપર નાખેલા આકરા કરવેરા પાછા ખેંચવા હાકાલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ૧૧ દિવસથી બંધ થયેલા ચોકસી બજારને કારણે કરોડોનું ટર્ન ઓવર ખોટકાઈ ગયું છે. આ ઉપરાંત આગામી લગ્નની સિઝનને કારણે સામાન્ય માણસો સોના-ચાંદીની ખરીદી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે સરકાર અને સોના-ચાંદીના વહેપારીઓ વચ્ચે સમાધાનનો માર્ગ નિકળે અને બજારો પૂર્વવત બને તેમ સામાન્ય ગ્રાહકો પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ આણંદ-ખેડા જિલ્લાના સોના-ચાંદીના વહેપારીઓ દ્વારા સંસદ સભ્ય ભરતસિંહ સોલંકીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ અને આણંદ ખાતે વિશાળ રેલી કાઢી સરકારનો વિરોધ્ધ કરવામાં આવ્યો હતો. ઉમરેઠમાં આજે યોજાયેલ પ્રતિક ઉપવાસમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના સોના-ચાંદીના વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની માંગનો સકારાત્મક નિકાલ ન આવે ત્યાંસુધી વિવિધ આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.

ઉમરેઠની નવા-જૂની


 • સૌથી પહેલા ઉમરેઠના શહીદ સ્વ.સુરેશ ભટ્ટને શહિદ દિવસ નિમિત્તે હાર્દિક શ્રધ્ધાંજલિ, બધાની જેમ આપણે પણ શહિદોને વર્ષમાં એક વાર યાદ કરવા પડે ને..! આ પહેલા હું રોટરી ક્લબનું બચ્ચું કહેવાતી ઈન્ટરેક્ટ ક્લબમાં સભ્ય હતો ત્યારે અચુક અમે શહિદ દિવસે ભાટવાડામાં શહીદ સ્વ.સુરેશ ભટ્ટને શ્રધ્ધંજલિ આપતો કાર્યક્રમ રાખતા અત્યારે આ પ્રથા ચાલે છે કે નહી ખ્યાલ નથી..!
 • ઉમરેઠના લોકો માટે એક આનંદની વાત છે, એસ.એન.ડી.ટી મેદાનમાં બે-ત્રણ દિવસમાં આનંદ મેળો શરૂ થાય છે, તો તૈયાર રહેજો તમારા છૈયા છોકરાને લઈ ત્યાં પહોચી જજો..!
 • ઉમરેઠની કેટલીક સોસાયટીઓમાં સિમેન્ટના બ્લોગ બેસાડવાનું કામ શરૂ થઈ ગયું છે. નગરપાલિકા નગર ઉપર ખૂબ મહેરબાન થઈ ગઈ છે, કેટલીક સોસાયટીમાં તો આર.સી.સી રોડ હતા તે પણ હટાવી બ્લોગ નાખવાની કામગીરી કરવામાં આવી છે. લાગે છે નગરપાલિકાને લોટરી લાગી છે.
 • હજૂ પણ છેલ્લા બે-ત્રણ મહિનાથી ઉમરેઠ નગરપાલિકામાં કાયમી ચીફ-ઓફિસર દેખાતા નથી..! અત્યારે નગરપાલિકા નધણિયાતી છે તેમ કહીયે તો ખોટું નથી. લગભગ ૧૭ વર્ષ સુધી ઉમરેઠમાં એક ચીફ-ઓફિસર મહેન્દ્રભાઈ શાહ રહ્યા હતા તેમના ગયા બાદ બીજા ૧૭ ચીફ ઓફિસરો બદલાઈ ગયા હશે તેમ કહીયે તો નવાઈ નથી. શાલું કોઈ ચીફ ઓફિસર ઉમરેઠમાં ટકતા કેમ નથી..? કે પછી ટકવા દેવામાં આવતા નથી..?
 • ..અરે હા બીજી એસ સરસ વાત, ગરમીની શરૂઆત સાથે બસ સ્ટેશન વિસ્તારમાં બાદશાહનો રસ શરૂ થઈ ગયો છે, હજૂ આ સિઝનમાં એક જ વખત રસ પીધો છે.
 • ચોકસી મહાજન દ્વારા પાંચ દિવસથી દૂકાનો બંધ રાખવામાં આવી છે, ચોકસીના વહેપારીઓ બજેટમાં જ્વેલર્સના ધંધાને લગતા નિયમોથી ખફા છે.
 • હવે દર રવીવારે લાઈટની રામાયણ શરૂ થઈ ગઈ છે, પણ રાહતની વાત તે છે કે, આખા ઉમરેઠ ની જગ્યાએ અડધા ઉમરેઠ માંજ લાઈટો બંધ રહે છે, એટલે એક રવીવારે પંચવટીની પેલી બાજૂ અને બીજા રવીવારે પંચવટીની આ બાજૂ. આ રવીવારે આ બાજુ એટલે અમારી બાજૂ લાઈટો જવાની છે. (હોશિયાર લોકોને આબાજૂ અને પેલી બાજૂ એટલે શું સમજાઈ ગયું હશે.)
 • ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉમરેઠના વારાહિ માતાજીના મંદિર તેમજ મેલડીમાતાજીના મંદિરે વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧.૪.૨૦૧૨ના રોજ વારાહી માતાજીના મંદિરે ભવ્ય હવન યોજાશે.
 • બીજી એપ્રિલે ઉમરેઠમાં થયેલ કોમી રમખાણોને દશ વર્ષ પૂરા થશે. કેટલા ખરાબ હતા તે દિવસો..! લગભગ દશ દિવસ સુધી ઘરમાં કેદ થઈ ગયા હતા. કોમી રમખાણો વીશે વિશેષ અનાપ શનાપ વાંચવું હોય તો બીજી એપ્રિલે બ્લોગ ઉપર પધારવા આમંત્રણ છે.
 • ચાલો બહૂ થઈ પારકી પંચાત, તમે તમારું કામ કરો હું મારું કામ કરું… આમ પણ ગરમીમાં વધારે લખવાનો કંટાળો આવે છે.

એક્સાઈઝ અને ટી.ડી.એસના કાયદા વિરૂધ્ધ ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા રેલી કાઢી વિરોધ નોધાવ્યો..!


 બે લાખથી વધુની ખરીદી ઉપર ટી.ડી.એસ અને પાનકાર્ડના કાયદો ગ્રાહક અને વહેપારી વિરૂધ્ધ છે. કેટલાય ગ્રાહકો પાસે પાન કાર્ડ નથી હોતા અને લગ્ન પ્રસંગે હોય એટલે બે લાખથી ઉપર સ્વભાવિક રીતે ખરીદી થઈ જાય છે. ખેડૂતો અને એન.આર.આઈ ગ્રાહકો પણ પાન કાર્ડ આપવામાં નિષ્ફળ નિવળે તે પણ વ્યાજબિ છે ત્યારે આવી પરિસ્થિતીમાં ગ્રાહક અને વહેપારી બંન્ને દ્રિગામાં મુકાઈ જાય તેવી પરિસ્થિતી પેદા થશે. પરાગ ચોકસી, વહેપારી- ઉમરેઠ

એક્સાઈઝ અને ટી.ડી.એસ સહીતના કાયદા વિરૂધ્ધમાં સમગ્ર જ્વેલર્સ એશોશિયેશનના દેશ વ્યાપી બંધના પગલે ઉમરેઠ ચોકસી બજાર છેલ્લા પાંચ દિવસથી સજ્જડ બંધ પાડ્યો છે. આજે સવારે ૧૦ કલાકે ઉમરેઠ ચોકસી બજારના વહેપારીઓ દ્વારા ચોકસી બજાર ખાતેથી રેલ કાઢવામાં આવી હતી અને સરકારના કાળા કાયદા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે સાથે સરકારને આવા કાયદા પરત ખેંચવા આહ્વાન કર્યું હતું.

વધુમાં ચોકસી મહાજનની રેલી શાંતિપૂર્ણ ચોકસી બજારથી નિકળી હતી અને નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે બજેટમાં સોનાની આયાત જકાતમાં બે ટકાનો વધારો અને નોન બ્રાન્ડેડ દાગીના પર એક ટકાની એક્સાઈઝ ડ્યૂટી લાદવાની કરેલી દરખાસ્તના પગલે સોના-ચાંદીના વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશન ઓફ ઈન્ડિયા તથા ગુજરાત જવેલર્સ એસોસિયેશને આપેલા ત્રણ દિવસના બંધના એલાન બાદ પણ કોઈ સકારાત્મક નિવોળો ન આવતા હજૂ પણ હળતાલ જરૂર પડે ચાલુ રાખવા ચોકસી મહાજનના વહેપારીઓએ ચિમકી ઉચ્ચારી છે.આ રેલીમાં આણંદ તેમજ ઠાસરા સહીત આજૂબાજૂના ગામના ચોકસીના વહેપારીઓ પણ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ નોધાવ્યો હતો. રેલી નગરમાં ફરી મામલતદાર કચેરીએ પહોંચી હતી જ્યાં ના.મામલતદાર એમ.બી.ભોઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરાયું.


બજેટમાં જવેલરી ટ્રેડમાં લાદવામાં આવેલ એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી તથા અન્ય વેરાના વધારાના વિરોધમાં ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા ત્રણ દિવસ સજ્જડ બંધ રાખ્યા બાદ આજે ઉમરેઠ તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવી કેન્દ્ર સરકારે બજેટ દરમ્યાન લાદેલી વધારાની ડ્યુટી પરત ખેંચવા આવેદન કર્યું હતું સાથે ચોકસી બજારના અગ્રની વહેપારીએ જણાવ્યુ હતુ કે જો રેલ્વેના ભાડા વધારાના પગલે મંત્રીએ રાજીનામું આપવાની પરિસ્થિતી સર્જાય, તો જવેલરી ટ્રેડમાં લાદવામાં આવેલ એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટીના પગલે નાંણા મંત્રીએ પણ રાજીનામું આપવૂં જોઈયે. પ્રમુખ અલ્પેશભાઈએ જણાવ્યું હતુ કે,સોના ચાંદીના વહેપારીઓ અને ગ્રાહકો પ્રત્યે કેન્દ્રએ પોતાનું નકારાત્મક વલણ બદલવાની ખૂબ જરૂર છે.મામલતદારશ્રીને આવેદન સુપ્રત કરવા ચોકસી મહાજનના પ્રમુખ અલ્પેશભાઈ ચોકસી, મંત્રી દિપકભાઈ ચોકસી ઉપ-પ્રમુખ રાકેશભાઈ ચોકસી સહીત ચોકસી મહાજનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એક્સાઈઝના વિરોધમાં ઉમરેઠ ચોકસી બજાર સજજડ બંધ..!


કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી સોનાની આયાત જકાત અને એક્સાઈઝ ડ્યૂટીને કારણે અમારા વેપાર ધંધાને નકારાત્મક અસર પડશે. પહેલેથી સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે,ત્યારે વધુ વેરા ભાવને વધારી દેશે અને સોનું કદાચ આવનારા દિવસોમાં સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ જશે – રાકેશ ચોકસી ,વહેપારી ઉમરેઠ

સોનાની આયાત જકાતમાં વધારો અને એક્સાઈઝ ડ્યૂટી લાદવાના વિરોધમાં ભારતભરના ચોકસીઓએ આપેલા ત્રણ દિવસના બંધના એલાનના પગલે શનિવાર બાદ આજે રવીવારે પણ ઉમરેઠનું ચોકસી બજાર સજ્જડ બંધ રહ્યું હતું અને સોમવારે પણ બજાર બંધ રહેશેજ તેમ ચોકસી બજારના વહેપારીઓએ ચિમકી ઉચ્ચારી હતી.આમ તો ઉમરેઠમાં દર સોમવારે વિકલી ઓફ હોવાને કારણે બજારો બંધ જ રહેતા હોય છે પરંતું શનિવાર અને રવિવારે સજ્જડ બંધ રહેલા ચોકસી બજારને જોઈ કહી શકાય કે કેન્દ્ર સરકારના નકારાત્મજ વલણને કારણે બંધ સફળ રહ્યું છે. બે દિવસથી ચોકસી બજાર બંધ રહ્યું હોવાથી લાખ્ખોનું ટર્ન ઓવર ખાડે ગયું હોવાની ધારણા છે.

કેન્દ્ર સરકારે બજેટમાં સોનાની આયાત જકાતમાં બે ટકાનો વધારો અને નોન બ્રાન્ડેડ દાગીના પર એક ટકાની એક્સાઈઝ ડ્યૂટી લાદવાની કરેલી દરખાસ્તના પગલે સોના-ચાંદીના વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશન ઓફ ઈન્ડિયા તથા ગુજરાત જવેલર્સ એસોસિયેશને આપેલા ત્રણ દિવસના બંધના એલાનને સમર્થન આપતાં ઉમરેઠ ચોકસી બજારના વહેપારીઓને સંપૂર્ણ ટેકો મળ્યો છે.

ગણેશદાજી મહારાજના જન્મ દિવસની ઉજવણી કરાઈ


 • ગણેશદાસજી મહારાજએ ૫૦ વર્ષ પૂર્ણ કર્યા

આજે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજના ૫૦માં જન્મ દિવસની ઉજવણી સંતરામ મંદિરમાં ભક્તિભેર કરવામાં આવી હતી. સવારથી મંદિરમાં ભક્તો શ્રી ગણેશદાસજી મહારાજને શુભેચ્છા આપવા આવી પહોંચ્યા હતા. શ્રી ગણેશદાસજી મહારાજના જન્મ દિવસન અનુલક્ષી મંદિરમાં ધાર્મિક આયોજનના ભાગરૂપે આજે સાંજે ૭ કલાકે સંતરામ મંદિરમાં પૂ.અશ્વિન પાઠકના સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ છે.

વિવેક વાણી


આપણે જાણીયે છે કે, આપણો દરેક જન્મ દિવસ, આપણે આપણા મૃત્યુ તરફ એક ડગલું આગળ વધારે છે. છતા પણ આપણે આપણા દરેક જન્મ દિવસ આનંદ, ઉત્સાહ અને હર્ષ સાથે ઉજવીએ છે. કદાચ આજ આપણામાં સૌથી મોટી સકારાત્મક બાબત છે..!

ઉમરેઠ સિનિયર સિટીઝનનો વાર્ષિકો ઉત્સવ ઉજવાયો


ઉમરેઠના ઓડ બાજાર ખાતે આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન ફોરમના વાર્ષિકોત્સવની ઉજવણી નગરપાલિકાના ઉપ-પ્રમુખ સંજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ૭૦ વર્ષની ઉંમર વટાવી હોય તેવા સભ્યોનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.સમારોહમાં અતિથિ વિશેષ પદે કીરીટભાઈ ચોકસી, બી.એસ.પટેલ, નરેન્દ્રભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં સ્વાગત પ્રવચન સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠના પ્રમુખ સુરેશભાઈ શાહએ કર્યું હતું જ્યારે મંત્રી ગોપાલભાઈ શાહએ ફોરમની વિવિધ પ્રવૃત્તિઓનો ટુંકો અહેવાલ કહ્યો હતો.

ઉમરેઠમાં અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પરંપરાગત રીતે હોળી પર્વ ઉજવાયો.


 • પંચવટી વિસ્તારમાંવર્ષોથી ચાલતી આ પરંપરાને આજે પણ યુવાનો મહિલાઓ દ્વારા નિભાવવામાં આવે છે.

ઉમરેઠમાં હોળી પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. ઉમરેઠ પંચવટી વિસ્તારમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી મહિલાઓ બાળકો સહિત ભક્તો હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કરે છે. ત્યાર બાદ હોળીના અંગારા રસ્તા ઉપર પાથરીને કેટલાક ભક્તો આ ધગધકતા અંગારા ઉપર શ્રધ્ધાભેર દોડે છે. વર્ષોથી ચાલતી આ પરંપરાને આજે પણ યુવાનો મહિલાઓ દ્વારા નિભાવવામાં આવે છે.

ડાકોર રણછોડજી મંદિર – હોળી દર્શન-૨૦૧૨


ડાકોરના ઠાકોરના દર્શન વિદેશના ભક્તો ઈન્ટરનેટથી કરી શકશે.


ડાકોર રણછોડરાયજી મંદિરની વેબ સાઈટ http://www.ranchhodraiji.org ઉપર ક્લિક કરવાથી ભીડ-ભાડથી દૂર રહી શ્રી રણછોડરાયજીના સન્મુખ દર્શનનો લાહ્વો મળશે. છેલ્લા કેટલાય સમયથી ડાકોર મંદિર દ્વારા વિદેશના અને મંદિરમાં આવી ન શકે તેવા ભક્તોને ધ્યાનમાં રાખી મંદિરની વેબ સાઈટ ઉપર લાઈવ દર્શનની સુવિધા મુકવામાં આવી છે.ડાકોર મંદિરની વેબ સાઈટ હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ હોવાથી નાના-મોટા સૌ કોઈ પોતાની અનુકુળતા મુબજ આ સાઈટનો લુપ્ત ઉઠાવી રહ્યા છે.

હોળી અને ધૂળેટીને ધ્યાનમાં રાખી વિદેશના ભક્તો મોટી સંખ્યામાં આ સુવિધાથી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે, જ્યારે દેશના ભક્તો જેઓ ડાકોરધામ ન આવી શક્યા હોય તેઓ પણ એક ક્લિક કરી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકશે. ડાકોર મંદિરની વેબ સાઈટ ઉપર મંદિરમાં દર્શનનો સમય સહીત અન્ય જરૂરી માહિતી મુકવામાં આવી છે તેમજ વિવિધ ઉત્સવોના ફોટા અને મંદિરનો ઈતિહાસ પણ આ વેબ સાઈટના માધ્યમથી જાણી શકયાત છે. ત્યારે ઈ-યુગમાં રણછોડજીના દર્શન પણ વેબસાઈટના માધ્યમથી થતા ભક્તો રોમાંચીત છે.

વિવેક વાણી


તમે તમારા સંતાનો પાસે જે અપેક્ષા રાખો છો તેજ અપેક્ષા તમારા માતા-પિતા તમારી પાસે રાખતા જ હોય છે.

ઉમરેઠ વિઝોલ માર્ગની બિસ્માર હાલતથી રાહદારીઓ પરેશાન


 • ઠાસરા તેમજ ઉમરેઠના નાગરિકોને હાલાકી

ઉમરેઠના બસ સ્ટેશન પાસેથી ઠાસરા તાલુકાના વિંઝોલ ગામ તરફ જતા રસ્તાની હાલત બિસ્માર હોવાને કારણે ઉમરેઠ પંથકના ખેડુતો સહીત વિંઝોલ ગામના રાહદારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉમરેઠથી વિઝોલ જતા માર્ગ ઉપર ઉમરેઠના કેટલાય ખેડુતોના ખેતર તેમજ લગુમતિ તેમજ પછાત વર્ગના લોકોના મકાનો આવેલા છે. આ માર્ગની બિસ્માર હાલત હોવાના કારણે રોજબરોજની અવર જવર કરવામાં સદર નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ઠાસરા તાલુકાનું વિંઝોલ ગામ ઉમરેઠથી નજીક આવેલ હોવાને કારને આ ગામના લોકો પણ પોતાના રોજબરોજના વહેવારો માટે ઉમરેઠ અવર જવર કરતા હોય છે. જેથી વિંઝોલના નાગરિકોને પણ આ બિસ્માર રસ્તાને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. વિંઝોલના નાગરિકો દ્વારા ઠાસરા તાલુકાના વહિવટી તંત્રને આ અંગે વારંવાર રજૂઆતો કરી ચુક્યા છે તેમજ ઉમરેઠના નાગરિકો દ્વારા પણ ઉમરેઠના વહિવટી તંત્રને આ અંગે ભૂતકાળમાં રજૂઆતો કરેલ છે છતા પણ બંન્ને તાલુકાના વહિવટી તંત્ર દ્વારા કોઈ વ્યાજબી જવાબ મળતો નથી.

ઉમરેઠ અને વિંઝોલની જનતા હવે, આ માર્ગને સત્વરે રીપેર કરી નવો બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે, નહીતો ગાંધી માર્ગે જલદ આંદોલનનો માર્ગ અપનાવવામાં ઉમરેઠ અને વિંઝોલની જનતા પાછી પડશે નહી, ત્યારે ઠાસરા તેમજ ઉમરેઠના રાજકિય નેતા અને સરકારી બાબુ આ અંગે ઘટતું કરે તે આવકાર દાયક કહેવાશે.

૧૯૯૭માં આ રસ્તો થયો હતો – મુકેશ પટેલ (પ્રમુખ, બી.એસ.પી)

ઉમરેઠ વિંઝોલ માર્ગની બિસ્માર હાલતને તંદુરસ્ત કરવા માટે બી.એસ.પી પ્રમુખ મુકેશભાઈ પટેલે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી તેઓએ જણાવ્યુ હતુ કે ૧૯૯૭માં આ માર્ગ બન્યો હતો ત્યાર બાદ આ માર્ગ ઉપર ક્યારે પણ સમારકામ સુધ્ધા થયુ નથી. ઉમરેઠના ખેડૂતોના ખેતરો તેમજ રહેણાંક વિસ્તાર પણ આ માર્ગ ઉપર આવેલ છે જેથી આ માર્ગ સત્વરે તંદુરસ્ત કરવો જરૂરી છે.

%d bloggers like this: