આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2013

જસ્ટીસ જે.એમ.શેલત – વ્યક્તિ વિશેષ


J M SHELAT

J M SHELAT

ઉમરેઠની ધરતી ઉપર કેટલાય ખ્યાતમાન લોકોએ જન્મ લીધો છે. કેટલાય લોકો વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થઈ ગામનું અને દેશનું નામ રોશન કર્યું છે. આજે તેવાજ એક મૂળ ઉમરેઠના એક પ્રતિભાશાળી વ્યક્તિને આપણે યાદ કરીશું, જેઓએ ન્યાય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું પદ મેળવી સમગ્ર ઉમરેઠનું નામ ભારતમાં ગુંજતું કર્યું હતું. જસ્ટીસ જે.એમ.શેલત કે જેઓ દેશની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પોતાની સેવા આપેલ હતી. ૧૯૬૬માં તેઓની સુપ્રીમ કોર્ટના જજ પદે વરની થઈ હતી,તેઓ લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટમાં જજ પદે સેવા આપી મહત્વના ચુકાદા પણ આપ્યા હતા. તેઓ ૧૯૭૩માં આ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા તેઓએ ઉમરેઠની જ્યુબિલી સ્કૂલ માંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ, તેઓએ ઉચ્ચ અભ્યાસ મુંબઈ અને લંડન ખાતેથી વિવિધ લો ફેકલ્ટી માંથી લીધો હતો. લગભગ ૧૯૩૩માં તેઓને કનૈયાલાલ મુન્સીના સહાયક તરીકે વકીલાતની શરૂઆત કરી હતી, તેઓએ મુંબઈ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ જજ તરીકે પણ સેવા આપી હતી.તેઓએ સુપ્રીમ કોર્ટના જજ પદે રહ્યા ત્યારે ઈન્દિરા ગાંધી સામે પણ પોતાનો અવાજ ઉઠાવી પોતાની કાર્યક્ષમતાનો પરચો બતાવ્યો હતો. આવા ઉમરેઠના સપુત પ્રત્યે આપણું ઉમરેઠ ગૌરવની લાગણી અનુભવે છે.

વાંચક મિત્રો…


આપણા ઉમરેઠમાં ભૂતકાળમાં કેટલાય વ્યક્તિઓ એવા થઈ ગયા જેમને ઉમરેઠનું નામ સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ગુંજતુ કર્યું. પોતાના કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટોચના સ્થાને પહોંચી પોતાનું ,પોતાની જ્ઞાતિ-પરિવાર સહીત ઉમરેઠનું ગૌરવ વધાર્યું, સરકારી ઉચ્ચ હોદ્દા થી માંડી નાની મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજવાનો શ્રેય કેટલાય ઉમરેઠના નાગરિકોને પ્રાપ્ત થયો છે. આવા લોકોની અનન્ય સિધ્ધિને બિરદાવવા માટે “આપણું ઉમરેઠ” બ્લોગ દ્વારા ઉમરેઠના પ્રતિભાશાળી લોકોની એક યાદી બ્લોગમાં મુકવાનું આવનારા થોડા દિવસોમાં આયોજન છે. બ્લોગના એક વાંચક એન.બી.ભટ્ટ દ્વારા સદર સુચન સહીત ઉમરેઠના પ્રતિભાશાળી લોકોની એક યાદી પ્રાપ્ત થયેલ છે, જે બદલ તેઓનો ખુબ ખુબ આભાર. આ સાથે અન્ય વાંચકોને જણાવવાનું કે તમારા ધ્યાનમાં પણ ઉમરેઠની કોઈ પણ તેવી વ્યક્તિ હોય કે જેને ઉમરેઠ માટે કાંઈ કર્યું છે અને ઉમરેઠ માટે ગૌરવ લેવા જેવું કાંઈ છે તો તમે નીચેનું ફોર્મ ભરી અમને મોકલી શકો છો.

એક્રીલીક મારું ધબકતું હ્ર્દય છે,તો સાહિત્યસર્જનએ મારો પ્રાણવાયું છે – જયંતિ દલાલ


પૂત્ર અમિત અને પત્નિ વસુબેન સાથે જયંતિ દલાલ

સાહીત્ય જગતમાં જેમનું આગવું સ્થાન છે, તેવા જયંતિ એમ.દલાલ મૂળ ઉમરેઠના છે,તેઓનો જન્મ કપડવંજ મુકામે થયો હતો. તેઓએ તેઓનું બાળપણ ઉમરેઠ માંજ વિતાવ્યું હતુ અને પ્રાથમિક શિક્ષણ પણ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ માંથી મેળવ્યું હતુ. તેઓએ ટુંકી વાર્તા, નવલકથા સહીત અનેક સાહીત્યો લખી સમગ્ર વિશ્વમાં માત્ર ભારતનું જ નામ નથી ઉમરેઠ જેવા નાના ગામને પણ વિશ્વના ફલક ઉપર લઈ જવામાં અનન્ય ફાળો આપ્યો છે. જયંતિ એમ દલાલ વીશે આ પહેલા હું ખુબજ ઓછું જાણતો હતો, તેઓ માત્ર સારા લેખક છ અને તેઓ ઉમરેઠના છે તેટલું જ મને ખબર હતી પણ અચાનક ઈન્ટરનેટ ઉપર તેઓની સાથે વાતચીત થઈ અને તેઓની અદ્રિતિય સિધ્ધિઓ ઉપર પ્રકાશ પડ્યો, દર વર્ષે અચુક નવરાત્રિ દરમ્યાન ઉમરેઠ આવતા જયંતિ એમ દલાલને રૂબરૂ મળવાનો અવસર મળ્યો,આ દરમ્યાન તેઓ સાથે કરેલ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

પ્ર. ઉમરેઠ થી મુંબઈ કઈ રીતે પહોંચ્યા

જ. પેટ કરાવે વેઠ,ધંધા રોજગાર માટે હું મુંબઈ તરફ વળ્યો અને વર્ષોથી ત્યાંજ સ્થાહી થઈ ગયો છું, આ દરમ્યાન મેં મારા એક્રિલિકના ધંધા અને સાહિત્ય ગોઠડી અને ગુજરાતી ભાષાના પ્રચાર અર્થે અનેક દેશના પ્રવાસ કર્યા છે. મારા કુંટંબના અન્ય લોકો પણ મુંબઈમાં જ વસે છે. છતા પણ અમે સૌ નવરાત્રિ દરમ્યાન ઉમરેઠ અચુક આવી જ જઈયે છે. દલાલ પોળ પાસે આવેલ મહાલક્ષ્મી માતાજી અમારા કુળ દેવી છે. હું મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ટ્રસ્ટી પણ છું.

પ્ર. ઉમરેઠની કઈ સ્કૂલમાં તમે શિક્ષણ મેળવ્યું.

જ. ઉમરેઠની સૌથી જૂની જ્યુબિલિ સ્કૂલમાં મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યુબિલિ સ્કૂલે મને ઘણું બધું આપ્યું છે, આજે હું જે પણ કાંઈ છું તેમા જ્યુબિલિ સ્કૂલનો અમુલ્ય ફાળો છે. મને યાદ છે કેખું સ્કૂલમાં હતો ત્યારે વકૃત્વ સ્પર્ધામાં જ્યારે પણ ભાગ લવું ત્યારે શેલત સાહેબ મને માર્ગ દર્શન આપતા હતા. મારા ઘડતરમાં મારા શિક્ષકોનો અગત્યનો ભાગ છે. આ વર્ષે મેં જ્યુબિલિ સ્કૂલની મુલાકાત પણ કરી અને ત્યાં બધા શિક્ષકોને મળ્યો અને વિચારોનું આદાન પ્રદાન કર્યું હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાતો વર્તમાન શિક્ષકો પાસે આપ-લે કરી, સ્કૂલ હવે ખુબ બદલાઈ ગઈ છે, સ્કૂલનું નવું રૂપ રંગ જોઈ ખરેખર આનંદ થયો. છેલ્લા કેટલાય સમયથી સ્કૂલની મુલાકાત લેવાનું સપનું હતુ જે આ વર્ષે સાકાર થયું, શિક્ષકો દ્વારા અદ્ભુત આવકાર પણ મળ્યો.

પ્ર. તમે બિઝનેસમેન છો કે સાહિત્યકાર..?

જ. હસતા..હસતા..હું બિઝનેસ મેન અને સાહિત્યકાર બે ભૂમિકામાં છું, સવારના સમયે બિઝનેસમેન અને રાત્રી પછી સાહિત્યકાર બની જવ છું. લેખન કાર્ય હું મોટાભાગે મોડી રાત્રીએ જ કરું છું. હવે ઉંમરને કારણે વાંચન ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પ્ર એક્રિલિકના ધંધામાં તમે કઈ રીતે શિખર ઉપર પહોંચ્યા

જ. કોઈ પણ ક્ષેત્રે તમારે શિખર સર કરવું હોય તો તમારામાં જે તે કાર્ય કરવાની ધગશ હોવી જોઈયે અને સૌથી મહત્વનું કે, તે કામ કરવા માટે તમને વાતાવરણ મળવું જોઈયે, મારામાં ધગશ હતી અને પરિવારનો સાથ સહકાર મળતા મને મારા પ્રિય ક્ષેત્રમાં આગળ જવા તક મળી જે મેં તુરંત ઝડપી લીધી. ધંધામાં કેટલાક પગથિયા તેવા પણ આવ્યું હતા જ્યાં મને ખોટના ખાટલે બેસવું પડ્યું હતું. પણ મહેનતથી હું આગળ ને આગળ વધતો ગયો પરિનામે એક્રિલિકની દૂનિયામાં મને આગવું સ્થાન મળી ગયું. એક્રિલિકના ધંધાને ભારતમાં શરૂકરવાનો શ્રેય કદાચ મને જ મળે તેમ કહું તો અતિરેક નથી, ફિલ્મ સ્ટાર દિલિપ કુમાર થી માંડી આગલી હરોળના લાલકૃષ્ણ અડવાની જેવા રાજકારણીઓ પણ મારા સ્ટોરમાં પધારી ચુક્યા છે. એક્રિલિકનું ફર્નિચર દેશમાં મેં બહાર પાડ્યું હતુ, અને મુંબઈમાં ભવ્ય શો-રૂમ ખોલ્યો હતો, જોતા જોતા.. મેન્યુફેક્ચરીંગ થી સુપર ઈન્ડ્રસ્ટીઝ શરૂ થઈ અને ધંધામાં સફળતાના શિખરો પ્રાપ્ત થતા ગયા, વિદેશમાં પણ એક્રિલિકનું ફર્નિચર નિકાસ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે ગવર્મેન્ટે સબસીડી પણ આપી હતી.

પ્ર. લખવાની શરૂઆત કઈ રીતે થઈ..?

જ. સૌ પ્રથમ લખવાની શરૂઆત નાના આંદોલન દરમ્યાન થઈ હતી, ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં હું અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે, એક સમયે ફી વધારવામાં આવી હતી. ભગવાનની દયાથી હું ફી ભરવા સક્ષમ હતો પણ મારા સહપાઠીઓની ચિંતા થવાથી અમે બધા મિત્રોએ ફી વધારાનો સ્કૂલ પ્રસાસન સામે વિરોધ કર્યો આ માટે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં હાલમાં જે અર્બન બેંક છે તે જગ્યાએ ખુલ્લી જગ્યા હતી ત્યાં બેસી અમે સ્કૂલના ફી વધારાના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ઉમરેઠમાં “ચિરાગ” નામનું એક મેગેઝિન પ્રસિધ્ધ થતું હતુ, આ મેગેઝિનમાં સ્કૂલમાં થયેલ ફી વધારા અંગે મે એક લેખ લખ્યો હતો અને મેગેઝિનમાં પ્રસિધ્ધ થઈ ગયો હતો, ત્યારથી મારા મિત્ર વર્તુળમાં મને લેખક તરીકે બધા મને સંબોધવા લાગ્યા અને ત્યાર થીજ લેખન ક્ષેત્રે મે શરૂઆત કરી સતત ચિંતન અને જે તે વિષય ઉપર ઉંડાણ પૂર્વક ઉતરવાની મારી આદત મને લેખન કાર્યમાં ખુબ જ કામમાં લાગી.

પ્ર.તમારું પ્રથમ પુસ્તક કયું પ્રસિધ્ધ થયું હતું.

જ. “તરસી આંખો, સુકા હોઠ” મારું પ્રથમ પુસ્તક હતુ. પુસ્તક લખવાની શરૂઆત થઈ પછી મેં ક્યારે પાછળ નથી જોયું, આ પુસ્તક પ્રસિધ્ધ કરવામાં મને અન્ય લોકોનો ખુબજ સાથ સહકાર મળ્યો હતો અને મને પ્રોત્સાહન પણ મળ્યું હતુ, જેઓએ મને લેખક સાહિત્યકાર તરીકે પ્રસ્થાપીત કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો હતો જેઓનો હું સદાય આભારી રહીશ, “તરસી આંખો,સુકા હોઠ” બાદ મેં “શૂન્યના સરવાળા (અન્ય સાથે),”જેકપોટ”,આંખને સગપણ આસુંના”,”કારગિલના મોરચે”, જેવા પુસ્તકો લખ્યા હતા જે ખુબજ લોકપ્રિય થયા હતા. જેમાંથી કેટલાક પુસ્તકો તો, અન્ય ભાષામાં પણ પ્રકાશીત થયા હતા.

પ્ર. તમારા પુસ્તક માંથી કયું પુસ્તક તમારી સૌથી નજદીક છે.

જ. ..આ’તો તમારી બે આંખ માંથી તમારી પ્રિય આંખ કઈ…? તેવી વાત કરી..! મારા માટે મારા બધા પુસ્તકો મારી નજદીક છે, મારા તમામ પુસ્તક લખવા માટે મારા વિચારોનો બરોબર નિચોડ કરેલ છે, હું જે વિષય ઉપર કે જે મુદ્દા ઉપર લખુ છું તે અંગે ઉંડાણ પૂર્વક વિચાર કરું છું, લખવા માટે હું વધારે સમય લઈ હું છનાવટ સાથે લખવાનો હંમેશા પ્રયત્ન કરું છું. મારા બધાજ પુસ્તકો પોતપોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ રહે તેવા મારા પ્રયત્નો છે, તમામ પુસ્તકો મારા માટે મહત્વના જ છે.

પ્ર.તમારા પરિવારમાં કોણ કોણ છે, અને તમારી સફળતામાં પરિવારનો કેટલો ફાળો છે.

જ. મારી સફળતા પાછળ મારા પરિવારનો અમુલ્ય ફાળો છે, હું બિઝનેસમેન તરીકે, સાહિત્યકાર તરીકે કે પછી અન્ય સામાજીક જવાબદારીને કારણે પરિવારથી દૂર હોવ તો પણ પરિવારના સભ્યો મને ક્યારે પણ ટોકતા ન હતા, ઉલ્ટું મને મારા કામમાં આગળ વધવા માટે પત્નિ વસુ દ્વારા હિંમત અને પ્રોત્સાહન મળતું, મારી ગેર હાજરીમાં મારા પરિવારને મારી પત્નિ વસુ સુંદર રીતે સંભાળતી જેથી હું ચિંતા વગર અન્ય ક્ષેત્રે મારું સો ટકા યોગદાન આપવા સક્ષમ બન્યો. મારા ત્રણ પૂત્રો છે જેમાં અમિત સેરિબ્રલ પોલ્ઝી નામના રોગથી પીડાય છે, તે ચાલી પણ સકતો જેથી અમો તેની વિશેષ કાળજી રાખીયે છે અમે ક્યારે પણ બહાર ફરવા જઈયે ત્યારે પણ તેને વ્હિલચેરમાં બેસાડી લઈ જઈયે છે, તે પોતાના રોગને કારણે બહારની દૂનિયાથી વંચિત રહે તેવું અને કદી નથી ઈચ્છતા, આવી પરિસ્થિતિમાં પણ અમિતને અમે ભારત ભ્રમણ તો કરાવી જ દીધુ છે. મારા અન્ય બે પૂત્રો અને પૂત્રવધુ અને દિકરી પણ મારી સફળતામાં ફાળો આપ્યો છે, મારો પ્રેમાળ પરિવાર મારા માટે સર્વસ્વ છે, પૂત્ર અમિત માટે હું ક્યારે પણ કચાશ રાખતો નથી તમામ કામ છોડી હું અમિત માટે જ્યારે પણ તેને મારી જરૂર પડે ત્યારે તેની પાસે હાજર થઈ જવું છેં. આજે હું જે કઈ છુ તે અમિતના કારણે છું, તેના જન્મ પછીજ મારા જીવનમાં મેં સફળતાના શિખરો સર કર્યા છે.

પ્ર. શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક વીશે કાંઈ વિશેષ જણાવો

જ. શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક લખવા માટે મેં ખૂબજ ચિંતત અને મનન કર્યું હતું. આ પુસ્તક લખવામાં લગભગ દશ થી બાર વર્ષમેં લીધા ત્યારે આ પુસ્તક આજે તમારી સમક્ષ છે. મારા મૂળ વતન ઉમરેઠને પણ મેં આ પુસ્તકમાં આવરી લીધુ છે, અને વિશ્વના ફલક ઉપર ઉમરેઠનું નામ આ પુસ્તક દ્વારા ગુંજતું કર્યું છે. આ પુસ્તકમાં મેં યુધ્ધ,પર્યાવરણ,અંગત જીવન સાથે અણુવિજ્ઞાન સહીતના મુદ્દાને આવરી લીધા છે. આ પુસ્તક અંગે મને ખુબજ ગૌરવ છે. મારા અન્ય પુસ્તક જિંદગીનો દસ્તાવેજમાં પણ મારા સ્નેહીજનો દ્વારા મારા પુસ્તક શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક વીશે ખુબજ સુંદર અભિપ્રાયો આપ્યા છે. આ ઉપરાંત આ પુસ્તક અંગે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ છણાવટથી પુસ્તકની પ્રશંશા કરવામાં આવી હતી, અને મને ગુજરાતના ગૌરવ તરીકે સંબોધન કર્યું હતું. આ પુસ્તકના વિવિધ ભાગમાં ઉમરેઠની વિવિધ શેરી,સ્કૂલ અને મંદિરનો પણ મેં ઉલ્લેખ કર્યો છે.

પ્ર. ધર્મ પ્રત્યેનું તમે કયું વલણ ધરાવો છો.

જ. હું કોઈ પણ ધર્મમાં ભેદભાવ રાખતો નથી, મારી નવલકથા શૂયાવકાશમાં પડઘાંમાં પણ મેં આ અંગે સંકેત આપ્યા છે. મંદિર,મસ્જિદ કે ચર્ચ તમામ ભક્તિ સ્થાન છે,અને બધા પ્રભુના ધામ છે.

પ્ર. તમારા માટે સાહિત્ય ક્ષેત્રે સૌથી યાદગાર ક્ષણ કઈ છે.

જ. મારી ગુજરાતી નવલકથા “આંખને સગપણ આંસુનાં”નો અંગ્રેજી અનુવાદ Ordeal Of Innocence પ્રથમ વખત અમેરિકાની પ્રતિષ્ઠિત પબ્લીશીંગ કંપની IVY HOUSE PUBLISHING તરફથી ફેબ્રુઆરી ૨૦૦૫માં પ્રગટ થઈ હતી તે ક્ષણ મારા માટે ખુબજ યાદગાર રહી છે.

ઉમરેઠ રોટરી ક્લબનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.


ઉમરેઠ નગરમાં સેવાકિય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર તેવી રોટરી ક્લબ ઓફ ઉમરેઠને ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ રોટરી કલબના ભૂ.પૂ.પ્રમુખશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પ્રમુખ સંજયભાઈ રાણાએ ઉપસ્થિત રોટેરીયન તેમજ આમંત્રિત મહેમાનોને આવકારતા જણાવ્યું હતુ કે, રોટરી કબલ ઓફ ઉમરેઠ દ્વારા નગરમાં અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ તે અવિરત ચાલું જ રહેશે. મંત્રીશ્રી વિનોદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, રોટરી કલબ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર તમામ લોકોને રોટરી ક્લબ આભારી છે. રોટરી કલબ ઓફ ઉમરેઠના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટી.વી કલાકાર પ્રફુલ હીંગુંના હાસ્તનો દરબાર કાર્યક્રમ યોજાયો હતો.જેનો સૌ કોઈ રોટરી પરીવારના સભ્યોએ આનંદ લીધો હતો. સમગ્ર સુવર્ણ જયંતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્ર્.ચેરમેન સંદીપભાઈ શાહ તેમજ રોટરી કલબ ઓફ ઉમરેઠના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં રસ્તાનું કામ ગોકળગાય ગતિએ થતા રાહદારીઓ પરેશાન


IMG_20131019_104603

ઉમરેઠના ઓડ બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે તેમજ દૂધની ડેરી પાસે રસ્તાનું કામ મહીના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ અડધો કીમી થી પણ નાનો માર્ગ હોવા છતા આ માર્ગના લેવલીંગ કરવાના કામને એક માસ જેટલો સમય થઈ ગયો છે. તેવીજ રીતે નગરના વ્હોરવાડ વિસ્તારમાં પણ નવા માર્ગ બનાવવાનું કામ શરૂ થઈ ચુક્યું છે પરંતુ રસ્તો ખોદી નાખી મેટલ પણ રસ્તા ઉપર પથરાઈ ગયા હોવા છતા આગળનું કામ છેલ્લા કેટલાક દિવસથી મંથર ગતિએ થઈ રહ્યું છે. એક તરફ તહેવારની સિઝન આવી રહી છે અને બજારમાં લોકોની અવર જવર વધી રહી છે, ત્યારે મેટલ નાખેલા રસ્તા ઉપર લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. જેથી આ માર્ગને સત્વરે બનાવવામાં આવે તેમ લોક માંગ ઉઠી છે.

ઉમરેઠ ખાતે આગવી ૧૦૮ વાન મુકવા ધારાસભ્યએ રજૂઆત કરી


ઓડ,પણસોરા અને ડાકોરની ૧૦૮ વાન ઉપર ઉમરેઠના લોકોને નિર્ભર રહેવું પડે છે.

ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી ૧૦૮ વા ન ઉભી રહેતી હોવાને કારણે ઈમરજન્સીના સમયમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ગંભીર અકસ્માતના સમયે જ્યારે એક-એક મિનિટ મહત્વની હોય ત્યારે ઉમરેઠ વિસ્તારમાં ૧૦૮ વાન ન ઉભી રહેતી હોવાને કારણે ઓડ,પણસોરા કે પછી ડાકોરથી ૧૦૮ વાન મોકલવામાં આવે છે, આવા સમયે ૧૫ થી ૨૦ મિનિટ જેટલો સમય થઈ જાય છે, જો આજ ૧૦૮ વાન ઉમરેઠમાં જ ઉપલબ્ધ હોય તો તે માત્ર ૫ મિનિટ થી પણ ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી જાય છે. જો ઉમરેઠ ખાતે અલગથી ૧૦૮ ઈમરજ્ન્સી વાન મુકવામાં આવે તો ઉમરેઠના ૪૨ ગામડાને પણ તેનોપ લાભ મળી શકે તેમ છે. આ અંગે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલને નગરના કેટલાક સજ્જનો દ્વારા રજૂઆત કરતા તેઓએ તુરંત મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના સ્વાસ્થય મંત્રી નિતિન પટેલને લેખિત રજૂઆત કરી ઉમરેઠમાં આગવી ૧૦૮ ઈમરન્સીવાન ઉપલબ્ધ કરવા ચક્રોગતિમાન કર્યા છે,જેથી આવનારા સમયમાં ઉમરેઠના લોકો પોતાને ઝડપી ૧૦૮ ઈમરજન્સીવાનનો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ રજૂ કરનાર શ્રી રતિલાલ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકાનું અવસાન


ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :

 • 1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
 • 1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
 • 1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
 • ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
 • ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
 • 1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
 • ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
 • એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
 • ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
 • ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
 • ‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
 • ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
 • ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
 • પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
 • જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી

ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે. તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

ગુજરાતીલેક્સિકોન માંથી આભાર સહ…

ઉમરેઠમાં સાચીમાતાજીનો હવન યોજાયો.


ઉમરેઠના ચોકસીબજાર ખાતે આવેલ ત્રણપોળના સાચીમાતાજીનો હવન દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભક્તિભેર યોજાયો હતો. હાજરા હજૂર ત્રણપોળના સાચીમાતા ઉમરેઠમાં અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે,વારાહી માતાજીના પ્રખ્યાત હવન સાથે ઉમરેઠમાં સાચીમાતાના હવનનું પણ ધાર્મિક મહત્વ છે, આ હવન વૈષ્ણવ સંપ્રદાય માટે મહત્વનો ગણાય છે, મોડી રાત્રે શરૂ થયેલ હવન સવાર સુધી ચાલે છે, જેમાં વિધિવત કવચ હોમવામાં આવે છે. આ વર્ષે હવન વિધિ ધર્મેશ શાત્રીજીએ કરાવી હતી સાથે અન્ય બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહ્યા હતા. હવનના દર્શન કરવા નગરના વિવિધ વિસ્તારના લોકો આવી પહોંચ્યા હતા અને સાચીમાતાજીના હવનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. હવનને સુંદર રીતે પાર પાડવા માટે ત્રણપોળ યુવક મંળડ સહીત લાખિયાપોળ યુવક મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (Photo – Arpan Doshi)

ઉમરેઠમાં દશેરા પર્વની ઉજવણી


ઉમરેઠમાં દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં પોળો અને ફળીયામાં રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. નગરના ચોકસી બજારમાં આવેલ લાખિયાપોળમાં આસારામ રૂપી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને અસત્ય ઉપર સત્યના વિજયના પર્વને ઉજવવામાં આવ્યો હતો. દશેરા પર્વ નિમિત્તે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પોળના સૌ કોઈ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છ કે ઉમરેઠમાં સૌ પ્રથમ રાવણ દહન કરવાની શરૂઆત લાખિયા પોળ ખાતેથી કરવામાં આવી હતી આજે નગરના વિવિધ વિસ્તારમાં રાવણના નાના પુતળાનું દહન કરવામાં આવે છે અને વિવિધ પોળ અને ફળીયામાં સંયુક્ત રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે.

ઉમરેઠમાં વારાહીમાતાજીનો ઐતિહાસિક હવન યોજાયો.


ઉમરેઠમાં વારાહીચોકમાં વારાહીમાતાજીનો ૨૫૬મો હવન ભક્તિભેર યોજાયો હતો. હવનના દિવ્ય દર્શન કરવા માટે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અમદાવાદ ખાડીયા મત વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ પણ હવનના દર્શન કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ બ્રાહ્મણમાં આ હવનનું અનેરૂ ધાર્મિક મહત્વ છે, કેટલાક વિદેશમાં વસતા બ્રહ્મણો તો ખાસ હવનના દર્શન કરવા આવે છે. આ હવનમાં ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી, ૩૦ કિલો તલ, ૭૫ મણ કાષ્ટ તથા અનેક શ્રીફળ હોમવામાં આવ્યા હતા. ચંન્દ્રકાન્તભા ગોરે પરંપરાગત રીતે હવન કરાવ્યો હતો. આ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મુંબઈના જયંતિભાઈ દલવાડી,ભરતભાઈ દલવાડી, અને અરવીંદભાઈ દલવાડી બિરાજ્યા હતા. ( Photo – Pinak Art – Umreth)

ઉમરેઠમાં વારાહી માતાજીનો ઐતીહાસિક હવન હોજાશે.


હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી, ૩૦ કિલો તલ, ૭૫ મણ કાષ્ટ તથા અનેક શ્રીફળ હોમાશે..

વારાહી માતાજીનું મંદિર

વારાહી માતાજીનું મંદિર

ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિમાતાનો “સર્વજન કલ્યાણ હવન” આસો સુદ-૯ને તા.૧૩.૧૦.૨૦૧૩ને રવીવારના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહિમાતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે. ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે આ હવણ દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે.

આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ

શ્રી વારાહીમાતાજી

શ્રી વારાહીમાતાજી

લખાવવામાં આવે તો લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે. ઉમરેઠના શ્રી વારાહીમાતાજીના ૨૫૬ વર્ષ નિમિત્તે યોજાનાર આ હવનમાં યજમાન પદે મુંબઈના જયંતિભાઈ દલવાડી,ભરતભાઈ દલવાડી, અને અરવીંદભાઈ દલવાડી બિરાજશે.

અંગ્રેજો પણ માતાજીમાં શ્રધ્ધા રાખતા…!

ઉમરેઠ- અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો.અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરીકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.

..અને ચોર આંધળા થઈ ગયા..!

કહેવાય છે અંગ્રેજોના સમયમાં મંદિરમાં ચોરી કરવાના ઈરાદાથી કેટલાક ઈસમો પ્રવેશ્યા હતા, આ સમયે મંદિરની કેટલીક ચીજો તેઓ એ ખરાબ ઈરાદા સાથે લેતા તેઓ તુરંત આંધળા થઈ ગયા હતા અને ચોરી કરી મંદિરની બહાર પણ નિકળી શક્યા ન હતા , જ્યારે આ સમયે મંદિરના પૂજારી આવી પહોંચતા તેઓને પરિસ્થિતીનો તાગ મળી ગયો અને પૂજારીએ ચોરોને માતાજી સમક્ષ પોતાની ભૂલ કબુલી માફી માગવા જણાવ્યુ, ચોરોએ સાચા દિલથી માફી માગતા તેઓને આખે દેખાવવાનું શરુ થઈ ગયુ હતુ,અને આ રીતે વારાહી માતાજીએ પોતે હાજરા હજુર હોવાની ખાતરી આપી હતી.

કાળા દોરાને ગાંઠ બાંધી પહેરવાનો મહીમા.

વારાહી માતાજીના હવનમાં હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળ દોરાને ગાંઠ મારવાનો મહીમા છે. આ ઓગણીશ ગાંઠ વાળો દોરો શરીર ઉપર ધારન કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમ્યાન આરોગ્ય સારું રહે છે, તેવી ઉમરેઠના લોકોમાં માન્યતા છે, આ ઓગણીશ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારવા માટે લોકો સમગ્ર હવનમાં બેસી રહેતા હોય છે. હવન બાદ વારાહી માતાજીના મંદિર બહાર ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.

ઘૂમે તેનો ગરબો… ને ઝૂમે તેનો ગરબો….


ધૂમે તેનો ગરબો..અને ઝુમે તેનો ગરબો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રચીત ઉપરોક્ત ગરબાની લાઈનો ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં ગરબા મહોત્સવ-૨૦૧૩ દરમ્યાન સાર્થક બની હતી. ગતરોજ થામણા ગામે યોજાયેલ ગરબામાં યુવાધન સહીત ગામના સિનિયર સિટીઝન ફોરમના સભ્યો પણ ભારે ઉત્સાહથી જોડાયા હતા. આ અંગે ગરબે ઝૂમતા કેટલાક સિનિયર સિટીઝન ફોરમના સભ્યોએ જણાવ્યું હતુ કે, ગરબા ઉપર માત્ર યુવાધનનો જ ઈજારો નથી અમે પણ ઉત્સાહ અને ઉમંગભેર માતાજીના પર્વ નિમિતે ગરબે ઘૂમવાનો દિવ્ય આનંદ લઈયે છે. થામણામાં સિનિયર સિટીઝનને ગરબે ઝૂમતા જોઈ યુવાનો અને યુવતિઓમાં પણ અનેરો જોશ આવી ગયો હતો, અને ગરબામાં માતાજીની આરાધના સાથે સૌ કોઈ સાથે મળી ગરબે ગુમ્યા હતા…! અત્રે ઉલ્લેખનીય છે કે, થામણા સિનિયર સિટીઝન ફોરમ દ્વારા દર વર્ષે ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને તેઓના આયોજનમાં માત્ર સિનિયર સિટીઝન ફોરમના સભ્યો જ નથી પણ સમગ્ર થામણાના લોકો ઉત્સાહભેર જોડાય છે. ((ફોટો – પિનાક સ્ટુડિયો, ઉમરેઠ))

ઉમરેઠમાં ફાયર સ્ટેશનનું લોકાર્પણ


 • એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાઈટર મુકવા માટે ફાયર સ્ટેશનનું નિર્માણ

ઉમરેઠની રજનીનગર સોસાયટી સામે ફાયર સ્ટેશનનું આજે ઉમરેઠ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ આ સમયે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક સહીત નગરપાલિકાના કર્મચારીઓ સભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક સંબોધન કરતા વોર્ડ નં.૮ના સભ્ય સુભાષભાઈ શેલતે જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રાખવામાં આવેલ બેદરકારીને કારણે વિવિધ ગ્રાન્ટો વણવપરાયેલ પડી રહી હતી અને ઉમરેઠ નગર માળખાગત સુવિધાથી વંચિત રહી ગયું હતું, તેઓએ વોર્ડ નં.૮માં રજનીનગર સોસાયટી સામે બનાવેલ ફાયર સ્ટેશન અંગે જણાવ્યું હતુ કે, આ ફાયર સ્ટેશનના નિર્માણથી નગરપાલિકાના ફાયર ફાઈટરને સુગમતાથી મુકવા માટે સવલત મળશે આ ઉપરાંત તેનો રખરખાવ પણ સારી રીતે થઈ જશે, આ ફાયર સ્ટેશનમાં કાયમ માટે એક વ્યવસ્થાપક રહેશે જે આ ફાયર સ્ટેશનની કાળજી રાખશે આ ઉપરાંત ફાયર ફાઈટરના ડ્રાઈવર માટે પણ એક ઓરડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમરેઠના વોર્ડ નં.૮માં આકાર પામેલ ફાયર સ્ટેશનમાં એબ્યુલન્સ અને ફાયર ફાઈટર સહીત ઈમરજન્સીમાં ઉપયોગમાં આવનાર ઉપકરો મુકવામાં આવશે આ વિસ્તારથી ગામના તમામ વિસ્તારોમાં સહેલાઈથી પહોંચી શકાતું હોવાથી નગરજનોને આ ફાયર સ્ટેશનથી સુગમતા રહેશે જેથી ઉમરેઠના નગરજનોએ પાલિકાનાપ્રમુખ સંજયભાઈ પટેલના સદર કાર્યની પ્રશંશા કરી હતી.

ઉમરેઠના સતીષભાઈ ગાભાવાળાને અમેરિકા ખાતે હ્યુમૅનિટેઅરિઅન સર્વીસ એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.


માનવહિતનો સમર્થક અને સેવાકીય પ્રવૃત્તો માટે એશિયાના વ્યક્તિને આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે.

મૂળ ઉમરેઠના અને વર્ષોથી અમેરીકા ખાતે રહેતા સતીષભાઈ ગાભાવાળાને તાજેતરમાં અમેરીકા દ્વારા મૂળ એશિયાઈ દેશોના વ્યક્તિઓને તેઓની અમેરીકામાં માનવતાવાદી સેવા માટે હ્યુમૅનિટેઅરિઅન સર્વીસ એવોર્ડ આપવામાં આવે છે. સેક્રેટરી ઓફ સ્ટેટના હસ્તે આ વર્ષે સદર એવોર્ડ ઉમરેઠના સ્વ.અરવીંદલાલ ગાભાવાળાના પૂત્ર સતીષભાઈ ગાભાવાળાને એનાયત કરવામાં આવ્યો હતો. અમેરીકન રાજ્યમાં દર વર્ષે એક મહીનો એશિયન મહીના તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે સદર એવોર્ડ એશીયાના લોકોને પ્રોત્સાહીત કરવા માટે અને તેઓની માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવવા માટે આપવામાં આવે છે, આ એવોર્ડ માટે એશીયાના વિવિધ દેશ જેવાકે પાકીસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકા,ચીન સહીતના દેશના નાગરિકો પાસેથી નોમીનેશન મંગાવવામાં આવે છે, અને તેઓની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી સારી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ કે સંસ્થાને આ એવોર્ડ એનાયત થાય છે. અત્ર ખાસ ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના સતીષભાઈ ગાભાવાળા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, આ ઉપરાંત તેઓ એશીયન અમેરીકન હોટલ એશોશિયેશનની સંસ્થા AAHOAમાં ૨૦૦૫-૨૦૧૩ સુધી ડીરેક્ટર પદે ચુંટાઈ આવે છે, તાજેતરમાં જ તેઓએ સતત ત્રણ ટ્રમ સુધી આ સંસ્થાનું સફળ સંચાલન કરી નિવૃત્તિ લીધી છે. તેઓ ઈન્ડિયન એશિશિયેશન ઓફ શિકાગોના ટ્રસ્ટી પદે હાલ કાર્યરત છે, અને ગત વર્ષે સદર સંસ્થાના પ્રમુખ પદે પણ સેવા આપી હતી.સતીષભાઈ ગાભાવાળા ફેડરેશન ઓફ ઈન્ડિયા એશોશિયેશન ઓફ શીકાગોના આજીવન ટ્રસ્ટી સહીત વૈષ્ણવ સમાજ મંદિર અને અન્ય ચેરીટેબલ ટ્રસ્ટમાં સલાહકાર તરીકે પણ સક્રીય છે. તેઓએ પોતાના સમગ્ર એશિઓયા સહીત દેશના લોકો માટે કરેલા કાર્યોને બિરદાવી સ્ટેટ સેક્રેટર દ્વારા પ્રતિષ્ઠીત હ્યુમૅનિટેઅરિઅન સર્વીસ એવોર્ડ-૨૦૧૩ આપવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓની સિધ્ધી બદલ ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળના આગેવાનોએ શુભેચ્છા વ્યક્ત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી

દૂબઈમાં નવરાત્રિની ધૂમ..!


ચરોતરમાં મેઘરાજા ભલે ગરબામાં વિલન બનતા હોય પણ વિદેશમાં વસતા ચરોતરવાસીઓ નવરાત્રિનો ભરપુર આનંદ લઈ રહ્યા છે. દૂબઈ સ્થિત ચરોતરના જીજ્ઞેશભાઈ દોશીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, દૂબઈમાં અમે ઓપન પાર્ટી પ્લોટમાં ગુજરાતીઓ એકઠા થઈ ધામધૂમથી નવરાત્રો મહોત્સવ ઉજવીએ છે, આ વર્ષે પણ અહીયા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જ્યા બધા ચરોતરવાસીઓ એકઠા થઈ ગરબા કરીએ છે. એક તરફ ગુજરાતમાં ગરબા વરગ ગુજરાતીઓ નિરાશ થઈ ગયા છે ત્યારે વિદેશમાં વસ્તા ગુજરાતી બંધુઓ ઉત્સાહભેર ગરબા કરી નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતમાં વસતા ગુજરાતી બંધુઓને ચોક્ક્સ ઈર્ષા આવતી જ હશે..!

ઉમરેઠમાં વરસાદથી ગરબા રસીકોના જીવ અધ્ધર..!


આજે સવારથી ઉમરેઠમાં વરસાદી ઝાપટા પડતા આજે નવરાત્રિનો ચોથો દિવસ પણ પાણીમાં જાય તેવો ભય ગરબા રસીકો વ્યાપી રહ્યા છે. સવારે લગભવ નવ કલાક થી શરૂ થયેલ વરસાદ ૧૨ વાગ્યા સુધી અવિરત રહેતા ગરબા ગ્રાઊન્ડમાં પાણીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ગરબા ગ્રાઊન્ડ તંદુરસ્ત કરવા ચક્રોગતિમાન કરી સાંજે ગરબા થાય તેવી તમામ કોશીશ કરવામાં આવી રહી છે, છતા પણ હજૂ ઉમરેઠમાં કાળા વાદળો દેખાઈ રહ્યા હોવાને કારણે ગરબા રસીકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. એક તરફ આયોજકો ગરબા સાંજે થાય તેવા તમામ પ્રયત્નોને ઓપ આપી રહ્યા છે, ત્યારે મેઘરાજા હવે મહેરબાની કરે અને નવરાત્રિના બાકીના દિવસો કોરા નિકળે તેમ ઉમરેઠવાસીઓ ચોક્કસ પ્રાર્થના કરતા હશે, તેમા બે મત નથી..!

સનેડો..સનેડો..મેઘરાજાનો..સનેડો


ઉમરેઠમાં મેઘરાજાએ નોંરતાનો બીજો દિવસ બગાડ્યો..!

ઉમરેઠના નાસિકવાળા હોલ ખાતે શ્રી ગૃપદ્વારા આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૩ અનેરું આકર્ષનનું કેન્દ્ર છે. નગરના સઓ કોઈ અહીયા ગરબા રમવા આવતા હોય છે, ત્યારે નોંરતાના બીજા દિવસે રાત્રીના ગરબા શરૂ થતાની સાથે મેઘરાજા પણ જાણે ગરબા રમવા આવ્યા હોય તેમ વરસી પડ્યા હતા, શરૂઆતમાં વરસાદનું જોર ઓછું હોવાથી ખેલૈયાઓએ વરસાદની પરવા કર્યા વગર ગરબા ચાલું રાખ્યા હતા, પરંતુ જાણે મેઘરાજાને ઈર્ષા આવી હોય તેમ વરસાદનું જોર વધતા આખરે આયોજકો દ્વારા ગરબા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ખૈલૈયાઓ સહીત આયોજકોમાં નિરાશા વ્યાપી હતી. આવનારા બાકીના દિવસોમાં મેઘરાજા મહેરબાની કરે તેમ ખેલૈયાઓ આશા વ્યક્ત કરી રહ્યા છે.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ૨૦મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો


વડીલોનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ૨૦મો ઈનામ વિતરણ સમારોહ અત્રે શ્રી દશા ખડાયતાની વાડી ખાતે ઉત્સાહભેર નીરાલીબેન ધ્રુવેનકુમાર શાહ(અમદાવાદ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે પ્રિતીબેન પ્રકાશભાઈ શાહ(ઉમરેઠ), તેમજ પ્રિયંકાબેન પલકભાઈ શાહ(આણંદ) ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં જ્ઞાતિના ચેરમેન જગદીશભાઈ શ્રોફ,મંત્રી રાજેશભાઈ શાહ તેમજ ઉપ-પ્રમુખ નવનીતભાઈ રમણલાલ શા અને મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારે બાદ જ્ઞાતિની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી હતી. આવકાર પ્રવચન કરતા જ્ઞાતિના ચેરમેન જગદીશભાઈ શ્રોફે સર્વે જ્ઞાતિજનોને આવકારતા જણાવ્યું હતુ કે જીવનમાં શિક્ષણ સાથે સકારાત્મક અભિગમ તેમજ કામ કરવાની ધગશ પણ મહત્વની છે. તેઓએ શિક્ષણ સાથે પરિશ્રમના મહત્વને પોતાની અદામાં સમજાવ્યું હતું. જ્ઞાતિના ધો.૧ થી ધો.૧૦ તેમજ ધો.૧૧ થી ઉચ્ચ શિક્ષણમાં સારા ગુણથી પાસ થયેલા વિદ્યાર્થીઓને રોકડ ઈનામ સહીત શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. વિવિધ ફેકલ્ટીમાં સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતુ કે, જ્ઞાતિ દ્વારા યોજવામાં આવતા આવા ઈનામ વિતરણ કાર્યક્રમને કારણે તેઓને પ્રોત્સાહન મળે છે, સાથે સાથે પોતે મેળવેલી સફળતા અન્ય વિદ્યાર્થીઓને મળે તે માટે તેઓએ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સમારોહના અદ્યક્ષ નીરાલીબેન શાહએ પ્રાસંગિક પ્રવચનમાં તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવા માટે વિદ્યાર્થીઓને કેટલાક સુચણો કર્યા હતા. અતિથિ વિશેષ પ્રિતિબેન શાહએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે,જ્ઞાતિજનો આજે નોકરી ધંધામાં ઉચ્ચ સ્થાને છે, તેઓના કાર્યક્ષેત્રમાં પડતી વિવિધ વેકેનસીમાં જ્ઞાતિજનોને લાભ આપવાની તેઓએ ભલામન કરી હતી અને જ્ઞાતિમાં એકતા વધે અને લોકો એક બીજાને વધુને વધુ મળતા થાય તે માટે જ્ઞાતિના વહીવટકર્તાઓને કાર્યક્રમો કરવા સુચણ કર્યું હતું. પ્રિયંકાબેન શાહએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા તેઓની આંતરીક શક્તિ ઓળખી અથાગ પરિશ્રમ કરવા સલાહ આપી હતી, ડૂંગર અને દરિયાના દ્રષ્ટાંટ સાથે તેઓએ ઉમેર્યું હતુ કે ડુંગર પાસે ઉચાઈ છે પણ ઉંડાઈ નથી અને દરિયા પાસે ઉંડાઈ છે પણ ઉંચાઈ નથી પણ આપણી પાસે ઉંડાઈ અને ઉંચાઈ બન્ને છે જેથી આપણે ધારીયે તે કરી શકીયે છે, તેઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા પાઠવી હતી. રશ્મિભાઈ શાહએ પોતાના પ્રાસંગિક પ્રવચણમાં પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા અને બાળકોને ધ્યેય રાખી આગળ વધવા સલાહ આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ધ્રુવેનભાઈ શાહએ કર્યું હતું અને આભાર વિધિ બાલકૃષ્ણભાઈ દોશીએ કરી હતી. સમારોહને સફળ બનાવવા માટે પ્રકાશભાઈ શાહ(કલ્લુ), ભાવેશભાઈ શાહ, રાજેશભાઈ શાહ તેમજ નિકુંજભાઈ શાહ અને રોહીતભાઈ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ડાન્સ અને ગરબાના કાર્યક્રમનો લાભ જ્ઞાતિજનોએ લઈ આનંદ કર્યો હતો.

પાવાગઢ


..વડોદરા પાસે આવેલા પાવાગઢની વાત નથી કરતો, પહેલા સ્કૂલના સમયમાં અમે પોળમાં માટીનો પાવાગઢ બનાવતા હતા અને માતાજીની સ્થાપણા કરી દરોજ્જ આરતી કરતા હતા. નવરાત્રિના ચાર-પાંચ દિવસ પહેલ થીજ પાવાગઢ બનાવવાની તૈયારી થઈ જતી હતી. બધા મિત્રો સાઈકલ ઉપર ગામના પાદરેથી કોઈ ખૂણે થી માટીના ઢગલા લઈ આવતા હતા અને પોળમાં એક ખૂણે પાવાગઢ બનાવતા હતા. હવે આ પ્રથા બંધ થઈ ગઈ લાગે છે, માત્ર અમારી પોળમાં જ નહી પણ અન્ય જગ્યાએ પણ આ પ્રથા બંધ થઈ ગઈ હશે..! પહેલા કરતા પાવાગઢ બનાવવાનું પ્રમાણ ઘટી ગયું છે, અત્યારે બાળકોને કદાચ આ પ્રથા વીશે ખબર પણ નહી હોય. પાવગઢ ઉપર અવનવા રમકડા અને નાનકડા તગાળામાં પાણી ભરી તેમા બોટ ચાલે તેવી વ્યવસ્થા પણ કરતા, તે સમયનો આનંદ કાંઈ અનેરો જ હતો..!

..ખેર આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, ઉમરેઠમાં ભદ્રકાળી માતાજીના મંદિર, કાલીકા માતાજીના મંદિર તેમજ મહાલક્ષ્મીજીનું મંદીર અને ત્રણ પોળ પાસે સાચી માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. આ ઉપરાંત જગ વિખ્યાત શ્રી વારાહી માતાજીના દર્શન સહીત નોમના હવનમાં પણ ભાગ લઈ ભક્તો ધન્યતાનો અનુભવ કરશે.

ઉમરેઠના સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ગાંધી સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરાઈ


ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સામે આવેલ ગાંધીજીના સ્મારકની વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવતી હતી. આખરે આ અંગે ઉમરેઠના સિનિયર સિટીઝન ફોરમનું ધ્યાન જતા ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ ચીમનભાઈ કાછીયાની આગેવાની દ્વારા સિનિયર સિટીઝન ફોરમના સભ્યો દ્વારા આ ગાંધી સ્મારક ઉપર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ઉમરેઠના ગાંધીવાદી વિચારધારા ધરાવતા નાગરિકો દ્વારા ગાંધીજીના અસ્થીના ફુલ લાવી આ જગ્યાએ ગાંધીજીનું સ્મરાક બનાવવામાં આવ્યું હતુ અને આ સ્મારક ઉપર ગાંધીજીના વિચારો અંકિત કરવામાં આવ્યા હતા. આજદીન સુધી આ સ્મારાકની ઉપેક્ષા થઈ રહી હતી નગરના નેતા કે સ્વૈછીક સંસ્થા દ્વારા આ સ્મારકની ક્યારે પણ દરકાર લેવાઈ ન હતી. આખરે આજે ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના સભ્યો દ્વારા પહેલ કરતા ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોને હાશકારો થયો હતો. ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખે જણાવ્યું હતુ કે આ સ્મારકની ભવિષ્યમાં ઉપેક્ષા ન થાય તે માટે યોગ્ય સ્તર ઉપર રજૂઆત પણ કરવામાં આવશે.

%d bloggers like this: