આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2023

ઉમરેઠ – કાંસકી કોલોની વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓનો પાલિકા પર હલ્લાબોલ..!


ઉમરેઠમાં ઉનાળાનો પગરવ થતા ની સાથે પાણીના પોકારો પડવા લાગ્યા છે. ઉમરેઠમાં છેલ્લા કેટલાય દિવસથી એમ.જી.વી.સી.એલ કચેરી સામે ની બાજુમાં આવેલા કાંસકી કોલોની વિસ્તારમાં  પાણીની સમસ્યા વિકટ બની છે. આજે આ વિસ્તારની મહિલાઓ દ્વારા  પાણી આપો… પાણી આપો ની નારા સાથે નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો હતો અને તેઓના વિસ્તારમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં પુરો પાડવા માટે માંગ કરી હતી. આ વિસ્તારની મહિલાઓ જણાવ્યું હતુ કે, પાણીની સમસ્યા તેઓના વિસ્તારમાં વિકટ બની છે પાણી વગર ઘરમાં રાંધવા થી માંડી સાફ સફાઈ જેવા કામો પણ અટવાઈ જાય છે અમુક વખત પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે. પીવાના પાણી માટે સાયકલ પર દૂર દૂર સુધી જ્યાં જાહેર નળ મળે ત્યાં સુધી જવું પડે છે. વધુમાં આ વિસ્તારની મહિલાઓ ઉમેર્યું હતુ કે તેઓના વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન આવી ગઈ છે છતાં પાણીના નળ હજુ કોરા છે ત્યારે તેઓના નળમાં જળ ક્યારે આવશે તે યક્ષ પ્રશ્ન છે. તેઓએ જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં તેઓના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર નહી થાય તો આંદોલન કરતા પણ તેઓ ખચકાશે નહીં. 

પાણીની સમસ્યા બે-ત્રણ દિવસમાં દુર થઈ જશે – ઈશ્વરભાઈ પટેલ ( સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેન) 

આ અંગે ઉમરેઠ નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતુ કે કાંસકી કોલોની વિસ્તારમાં પાણીની પાઇપ નાંખવા નું કામ પૂર્ણ થઈ ગયું છે માત્ર જોઈન્ટ નાખવાનું કામ બાકી છે,હાલમાં ખાટકીવાડ વિસ્તારમાં પડેલા ભૂવાનું કામ કરવામાં કારીગરો વ્યસ્ત છે જેઓને પાણીની પાઈપ લાઈન જોઈંટ આપવાના કામ ને પ્રાધાન્ય આપવા જણાવી દીધું છે જે બે-ત્રણ દિવસમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે. 

ઉમરેઠમાં વેપારી પાસે હોસ્પિટલમાં પૈસાની જરૂર છે કહી પૈસા પડાવવા નું ષડયંત્ર


– આખરે ચોરે શાહૂકાર બની વહેપારી ને પૈસા પરત કર્યા 

ઉમરેઠ માર્કેટ યાર્ડ ના વેપારી ને ફોન કરી હું તમારો ગ્રાહક છું, મારા પપ્પા જનરલ હોસ્પિટલમાં દાખલ છે અને મારા ભાઈને ત્યાં તાત્કાલીક પૈસાની જરૂર છે તેમ કહી વિશ્વાસમાં લઈ અલગ અલગ વેપારી પાસે ત્રણ થી ચાર હજાર ની માગણી કરી હતી જ્યારે કેટલાક વેપારીઓ રૂબરૂ આવો  અને ઓળખાણ ના પડી તેમ કહી પૈસા આપવાનું ટાળ્યું હતુ જ્યારે અન્ય વેપારીઓએ લાગણીવશ થઈ દવાખાનામાં પૈસા ની જરૂર હોવાથી માનવતા દાખવી પૈસા આપી દીધા હતા પરંતુ તે વ્યક્તિ દ્વારા જણાવેલ સમયે પૈસા પરત ન મળતા આખરે વેપારીઓએ છેતરાયા હોવાનો અનુભવ કર્યો હતો.  બીજી બાજુ પોતાના સાથે થયેલ બનાવ અંગે અન્ય વેપારી સાથે પણ છેતરાયેલા વેપારીઓએ વાત કરતા અન્ય વેપારી પર પણ આવા ફોન આવ્યા હોવાનું બહાર આવ્યું હતુ અને તમામ વહેપારીઓ પાસે એક જ નંબર થી ફોન આવ્યો હોવાનું ફલિત થયું હતુ જેને પગલે છેતરાયેલા વેપારીએ પુનઃ તે નંબર પર ફોન કરીને વ્યક્તિ પાસે પોતાના પૈસા પરત માગ્યા હતા અને તેમને પૈસા પરત નહીં મળે તો પોલીસ ની મદદ પણ લેતા તેઓ ખચકાશે નહીં તેવું ભાર પૂર્વક જણાવતા વેપારીએ આપેલા ચાર હજાર પૈકી ત્રણ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા જ્યારે બાકીના એક હજાર બીજા દિવસે પરત કરી દીધા હતા. આ અગાઉ અન્ય એક વેપારીને પણ આવીજ રીતે પૈસા પરત કરી દીધા હતા જ્યારે હજૂ પણ એક વહેપારીના પૈસા બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ વહેપારી પણ પોતાના પૈસા વાયદા પ્રમાણે પરત નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાના મૂડમાં છે. 

ઉમરેઠ લાયન્સ ક્લબ અને કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.


AapnuUmreth – Vivek Doshi

લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ ના સહયોગ થી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉમરેઠ નગરપાલિકા સ્કૂલ ખાતે સર્વ રોગ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડાયાબિટીસ, હૃદય તાવ સહિત હાડકા, હરસ, મસા, આંખ, કાન,નાક,ગળા અને સ્ત્રી તેમજ બાળકોના અને ચામડીના ર્ડો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં લગભગ ૨૦૦ જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેને જૂદા જૂદા વિભાગના ર્ડૉક્ટરશ્રીઓએ તપાસી વિના મુલ્યે દવાનું વિતરણ કર્યુ હતુ આ ઉપરાંત જરૂરિયાતવાળા દર્દી ને ફરી ચેકઅપ માટે સાવલી હોસ્પિટલ ખાતે લઇ જવાની પણ વ્યવસ્થા બસ દ્વારા કરી આપવા જણાવ્યું હતું. આ કેમ્પમાં ર્ડો.અપર્ણા, ર્ડો.ક્રિષ્ના, ર્ડો.સ્વાતી,ર્ડૉ.શિવ પ્રસાદ, તેમજ ઉમરેઠના લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા વ્રજ શેઠ, તેમજ મેડીકલ ઓફિસર ર્ડો.રોનક, ર્ડો.પીંકલ, ર્ડો.રોશન, ર્ડો.અમી, ર્ડો.પાયલ,ર્ડો.ધ્રુવ એ પોતાની સેવા આપી હતી કેમ્પ ને સફળ બનાવવા માટે ઉમરેઠ લાયન્સ ક્લબ પરિવાર અને કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ ની યુક્તિ, ભાવના, રીધ્ધી,રીયા,ભાવિકા અને સુહાનીએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં લા.પ્રમુખ બીજલબેન ગાભાવાળા, મંત્રી દિપિકાબેન શાહ, ઝોન ચેરમેન લા.ઘનશ્યામભાઈ પ્રો.ચેરમેન દિપક ભાઈ શેઠ વગેરે એ સૌનું સ્વાગત કર્યું હતું. થામણા સિનિયર સિટીઝન ના પ્રમુખ જગદિશ ભાઈ પત્રકાર ગનીભાઇ વ્હોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં કિરીટભાઈ ગાભાવાળા જે.પી શાહ જગદીશભાઈ અગ્રવાલ વિજયભાઇ ભટ્ટ પત્રકાર રમેશભાઈ રાણા મનિષાબેન ગજ્જર વગેરે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઉમરેઠમાં શિવરાત્રી પર્વની ભક્તિભેર ઉજવણી


ઉમરેઠમાં શિવરાત્રી પર્વ ને અનુલક્ષી સવાર થી જ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો નો ઘસારો થયો હતો. ઉમરેઠ જાગનાથ મહાદેવ માં શિવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવ માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્ર મુળેશ્વર મહાદેવ માં પણ બીલીપત્ર અને દૂધ ચઢાવવા માટે ભક્તોની લાઈન લાગી હતી. નગરના કુબેર ભંડારી મહાદેવ માં પણ શિવરાત્રીને અનુલક્ષીને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ગીરીશભાઈ ચંદ્રશંકર દવેના યજમાન પદે ચંદ્ર મુળેશ્વર મહાદેવ માં શિવજીની મહાપુજા કરવામાં આવી હતી અને ભવ્ય નગરયાત્રા નીકળી હતી. સંધ્યા આરતી માં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાશી અને ઉમરેઠમાં એકસરખી રીતે થતી આરતીનો સવિશેષ લાભ લીધો હતો. ઉમરેઠમાં પંચમુખી મહાદેવ માં પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નગરના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે મહાશિવરાત્રી પર્વ ને અનુલક્ષીને દર્શન-પ્રદર્શન યોજાયું હતુ જે નો લોકોએ લાભ લીધો હતો જેમાં ખાસ આકર્ષણ રૂપે મુવિંગ કુંભકર્ણ અને બાર જ્યોતિર્લીંગના દર્શન નો ભક્તોએ લાભ લીધો હતો. બ્ર.કું નીતાબેને જણાવ્યું હતુ કે આ વર્ષે મહાશિવરાત્રી પર્વ વિશેષ ઉજવણીના ભાગરૂપે ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવદર્શન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શિવ પ્રદર્શન અને દર્શન અંતર્ગત બાર જ્યોતિર્લિંગ ની ઝાંખી સહિત વિશેષ આકર્ષણ રૂપે કુંભકર્ણ નું આબેહુબ પુતળું મુકવામાં આવ્યું હતુ ,જેના દ્વારા હવે પરમાત્મા નું અવતરણ પુથ્વી પર થયું છે અને હવે સૌ શિવના બાળકો જાગવાનો સમય થયો છે તેવો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉમરેઠ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો છેલ્લા સાત દિવસથી કરવામાં આવી રહ્યા હતા જેમાં શિવ ધ્વજારોહણ, કિસાન સંમેલન, વરિષ્ઠ નાગરિક સ્નેહ મિલન, મહિલા સંમેલન શોભાયાત્રા નું આયોજન તા. ૧૨ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યુ હતું. આજે તા.૧૮ ફેબ્રુઆરીના રોજ બાર જ્યોતિર્લિંગમ તેમજ મુવિંગ કુંભકર્ણ વિશેષ દર્શન – પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

ઉમરેઠના જાગનાથ મહાદેવમાં પણ ભક્તોએ શિવલીંગ પર બીલીપત્ર ચઢાવ્યા હતા અને મહાદેવજીની આરાધના કરી હતી.

ઉમરેઠના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે બાર જ્યોતિર્લીંગમ ના દર્શન તેમજ મુવિંગ કુંભકર્ણ અનોખુ આકર્ષન રહ્યું હતુ.