આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2011

ઉમરેઠના વૈષ્ણવ મંદિર પાસેથી શાકમાર્કેટનું સરનામું ક્યારે બદલાશે..?


 • સવારના સમયે શાકમાર્કેટને કારણે ઈમરજન્સી સેવા પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી.

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરના મંદિરવાળી પોળ વિસ્તારમાં આવેલા બે વૈષ્ણવ મંદિરો પાસે છેલ્લા કેટલાય સમયથી પાથરણા શાકમાર્કેટ ચાલી રહ્યુ છે જે સદર વિસ્તારના નાગરીકો માટે માથાના દુખાવા સમાન બની ગયુ છે.આ અંગે કેટલીય વખત સદર વિસ્તારના નાગરીકોએ અણગમો વ્યક્ત કર્યો હોવા છતા પણ તંત્ર ઘ્વારા આ શાકમાર્કેટનું સરનામું બદલવામાં આળશ દાખવવામાં આવી રહી છે.ત્યારે સદર વિસ્તારના નાગરીકો માટે સમસ્યા રુપ બની ગયેલ આ શાકમાર્કેટ ક્યારે પોતાની જગ્યા બદલશે તેમ વિચારી નગરજનો સાથે આ વિસ્તારના નાગરીકો વિચારમય બની જાય છે.

વઘુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની મંદિરવાળી પોળ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી શાકમાર્કેટ કાર્યરત બન્યુ છે.જેના કારણે સદર વિસ્તારના નાગરીકો તેમજ મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો સાથે આ વિસ્તારમાં થી અવર જવર કરતા નાગરીકોને ભારે અડચણ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ વિસ્તારમાં મંદિરવાળી પોળ સહિત,ભુદરજીની ખડકી,રેંટીયા પોળ,વોહરવાડ,ઢાકપાલ,કંસારા બજાર જેવા વિસ્તારો આવેલા છે જેમાં રહેતા અને દરોજ વાહન લઈ અવર જવર કરનારા વ્યકિતઓતો આ શાકમાર્કેટને કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે.પહેલાથી મંદિર હોવાને કારણે સવારના સમયે ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો થતો હોય છે,તેમાં પણ શાકમાર્કેટને કારણે સદર વિસ્તારમાં મહિલાઓની ચહેલ પહેલ સવારના નવ કલાક થી બપોરના બાર કલાક સુધી ચરમસીમાએ પહોંચી જાય છે.

આ વિસ્તારના રહીશો સાથે વાહન ચાલકો અને મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને પણ મોટી મુશ્કેલી પડતી હોય છે. કેટલાક સમયે ગીરદીનો લાભ લઈ ઉઠાવગીરો અને અસામાજીક તત્વો પણ તેનો લાભ લઈ લેતા હોય છે. સવારના સમયે શાકમાર્કેટને કારણે ઈમરજન્સી સેવા પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી. એમ્બ્યુલન્સ કે અન્ય ઈમરજન્સી માટે પણ આ વિસ્તારના લોકોએ પાથરણાં શાકમાર્કેટને કારણે અગવડતાનો સામનો કરવો પડે છે. ક્યારેક આ કારણે ગંભીર પરિસ્થીતી પેદા થશે તો જવાબદાર કોણ..?  ત્યારે સદર વિસ્તારના નગરજનોની મુશ્કેલીને માન આપી તંત્ર ઘ્વારા આ બાબતે ઘટતુ કરવામાં આવે અને સદર વિસ્તારના નેતા પણ આ અંગે રજુઆતો કરે તેમ લોક લાગણી અને માગણી પ્રવર્તમાન બની છે.

ઉમરેઠની નવા-જૂની સાથે મારી બકબક ફ્રી…ફ્રી…ફ્રી…!


 • ઉમરેઠના મેલડી માતાના મંદિરે રવીવારે બધા હાથથી પુરી તળીને તાવળીની બહાર કાઢે છે તેવું શાંભળ્યું હતું , પણ ગયા રવિવારે જોયું પણ ખરું મેં પણ તેવું કરવા હિંમત ભેગી કરી પણ…ફાટી… ખરેખર નજરે જોયું પણ હજૂ પણ વિશ્વાસ નથી આવતો આ રવિવારે ફરી જોવા જવું પડશે.
 • નગરપાલિકાની બોર્ડની બેઠકમાં ભાજપના અસંતુષ્ટ સભ્યો અને મોવડી મંડળ સાથે કાંઈ ફિક્સ થયું લાગે છે , કારણ કે અસંતુષ્ટ સભ્યોને પણ વિવિધ કમીટીમાં સ્થાન મળ્યું છે.
 • અસંતુષ્ટ સભ્યોના નેતાને કોઈ પણ કમિટિમાં સ્થાન ન મળતા અસમંજસ ભરી સ્થિતી પેદા થઈ છે, કારણે કે કેપ્ટન બહાર અને ખેલાડીઓ અંદર થઈ ગયા છે.
 • ઓડ માર્ગ ઉપર ઓવર બ્રીજનું કામ શરૂ થઈ ગયું છે, જે અંતિમ તબક્કામાં છે. ગણતરીના દિવસોમાં ઓવર બ્રીજ ખુલ્લે મુકાય તો નવાઈ નહી.
 • થોડા દિવસ પહેલા ઉમરેઠ મત વિસ્તારના સંસદ સભ્ય ભરતસિંહ સોલંકી ઉમરેઠની મુલાકાતે આવ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ તેમને મેં વડોદરા અને અમદાવાદ સુધી ઉમરેઠથી ટ્રેન શરૂ કરવા આવેદન કરતો પત્ર પાઠવ્યો.
 • “આપણું ઉમરૅઠ” બ્લોગના તમામ વાંચકોને વિનંતી કે ફેબ્રુઆરી માસ પહેલા આપણા સંસદ સભ્યને તેમના બોરસદના નિવાસ સ્થાને પત્ર લખી મોકલો અને તેમા ઉમરેઠ થી અમદાવાદ અને વડોદરા સુધી રેલ્વે સેવા શરૂ કરવા આવેદન કરો. તેમનું સરનામું ગુગલ પરથી સર્ચ કરી મેળવી લો…

થોડી બકબક..

 • ફરી એવો સમય આવી ગય છે કે જ્યારે ઘર કરતા વાડીમાં વધારે ખાવાનો વારો આવે છે. આમ પણ આપણા ઉમરેઠમાં વાડીમાં ખાવાનું તો ચાલુ ને ચાલું જ… કાલે તો ડાકોરના ઠાકોરનો પ્રસાદ “રાજભોગ” ખાવાનો લાહ્વો મળશે.
 • ગરમીને બાય અને ઠંડીને હાય..હવે પંખાને આરામ આપવાનો વિચાર છે, ગરમ કપડા હવે માળીયેથી ઉતારવા પડશે તેવું લાગે છે.
 • ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જીમમાં એક બે મહીના આટો મારવાનો વિચાર છે, પણ દિલ હૈ કી માનતા હી નહી…!
 • જામફળ, શિંગોડા ખાવાની મઝા આવે આવે છે. રાત્રે ખાધા પછી જામફળ ખાવાની મઝા જ કાંઈ ઓર છે.

ઉમરેઠના માર્કેટયાર્ડની દૂકાન માંથી પોણા બે લાખની ચીલ ઝડપ


ભર બપોરે ચીલ ઝડપનો બનાવ બનતા ચકચાર

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ માર્કેટ યાર્ડમાં લક્ષ્મી ટ્રેડીંગ નામની દૂકાન માંથી ભર બપોરે પોણા બે લાખની ચીલ ઝડપ થતા ચકચાર મચી ગઈ હતી. દૂકાણના વહેપારીએ બેન્ક માંથી પોણા બે લાખ રૂપિયા ઉપાડી દૂકાનના ગલ્લામાં મુક્યા હતા. ત્યારે બાદ વહેપારી પેશાબ કરવા દૂકાનના કાચ બંધ કરી બહાર ગયા તે સમયમાં કોઈ ગઠીયો દૂકાનના ગલ્લામાં પડેલા પોણા બે લાખ ઉઠાવી ગયો હતો. આ અંગે દૂકાનમાં પરત ફરેલા વહેપારીને જાણ થતા આજુ બાજૂના વહેપારીઓને ભેગા કરી અજાણ્યા ગઠીયાની શોધ કરી હતી પરંતું કોઈ ભાળ ન મળતા ઉમરેઠ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ઉમરૅઠ પોલીસ તાબળતોપ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.

50,000 Hits


http://www.aapnuumreth.wordpress.com blog completed 50,000 hits Today…

 

 

 

 

 

 

 

Thanks to all readers

ઉમરેઠમાં ભાજપનો ગરીબ કલ્યાન મેળો તેમજ કોગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.


ઉમરેઠમાં ભાજપ અને કોગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયા જેના પગલે ઉમરૅઠનું સરકારી તંત્ર બે દિવસ ખડે પગે થઈ ગયું હતું. ભાજપનો ગરીબ કલ્યાન મેળો ઉમરેઠના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ખાતે તેમજ કોગ્રેસનું સ્નેહ મિલન સમારોહ ગાયત્રી હોલ ખાતે મળ્યું હતું. ભાજપના મંત્રી અને કોગ્રેસના મંત્રી નગરમાં આ કાર્યક્રમમાં હાજરી આપી હોવાને કારણે સમારોહ પહેલા ઉમરૅઠના આ વિસ્તારો ચોખ્ખા ચટ કરી દેવામાં આવ્યા હતા, અને આ વિસ્તારમાં શોધો તોય કચરો ન મળે તેવી પરિસ્થીતી દેખાતી હતી.

વધુમાં એક તરફ ગરીબ મેળામાં ગરીબોને વિવિધ સહાય અને યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના ગરીબોને લ્હાની કરવામાં આવી હતી ત્યારે કોગ્રેસના સ્નેહ મિલન સમારોહમાં ઉમરેઠ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા પત્રકારો અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા કાર્યક્ર્મ દરમ્યાન પત્રકારો જતા રહ્યા હતા અને વિરોધ પક્ષના નેતાના વિવાદાસ્પદ નિવેદનને લઈ જાહેર માંજ હળહળતો જબાબ આપી દીધો હતો.

વધુમાં આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ કોગ્રેસના સ્નેહ મિલન સમારોહમાં ઉમરૅઠ પાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા પોતાના ઉદ્બોધન દરમ્યાન કહેવામાં આવ્યું હતું કે, ઉમરેઠ પાલિકાના સત્તાધીશો દ્વારા આચારવામાં આવતા ભ્રષ્ટાચારને પત્રકારો બહાર લાવતા નથી અને માત્ર વર્તમાન પત્રોની જાહેરાતો લઈ બેસી રહે છે. તેઓની આ ટીપ્પણી અંગે ચાલુ વકતવ્ય દરમ્યાન જ એક પત્રકારે મોટે થી કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા તરીકે તમે કેટલા સક્રીય છો તમારા નાક નીચે ભ્રષ્ટાચાર થતો હોઇ તો તમે કેમ ક્શું નથી બોલતા..? વિરોધ પક્ષના સભ્યો મહત્વની બેઠકમાં કેમ ગેર હાજર રહે છે..? આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા અને સભા છોડી તમામ પત્રકારો જતા રહ્યા હતા. તાજેતરમાં જ ભાજપ દ્વારા પાલિકામાં થતા ભ્રષ્ટાચારને લઈ ભાજપના જ સભ્યો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપના શહેર પ્રમુખ પદે થી આજ કારણે એક સભ્યએ દૂર થવું પડ્યું હતું ત્યારે આવા સમયે પાલિકામાં વિરોધ પક્ષ શું કરતો હતો તેમના સભ્યો ગેર હાજર રહી શું સાબિત કરવા માગતા હતા તેવા વેધક પ્રશ્નો કરી પત્રકારોએ વિરોધ પક્ષના નેતાને અરીસો બતાવી દીધો હતો.

ઉમરેઠમાં દર રવીવારે વીજ પુરવઠો ખોરવાતા વહેપારીઓ પરેશાન


 • લગ્નની સિઝનને કારણે સ્થાનિકો પણ પરેશાન

ઉમરેઠમાં દર રવીવારે વીજ પૂરવઠો ચાર થી પાંચ કલાક સુધી ખોરવાઈ જતા  પ્રજાજનો સહીત વહેપારીઓ ભારે પરેશાન થઈ ગયા છે. અવાર નવાર દર રવીવારે કોઈના કોઈ બહાના કાઢી એમ.જી.વી.સી એલ દ્વારા વીજ પૂરવઠો ચાર થી પાંચ કલાક સુધી બંધ કરી દેવામાં આવતા હાલમાં લગ્ન પ્રસંગની સિઝન હોવાને કારણે ઉમરૅઠના લોકોને ત્યાં પ્રસંગોમાં ભારે મુશ્કેલીઓ અને મુસીબતોનો સામનો કરવો પડે છે.  ઉમરેઠ એમ.જી.વી.સી.એલમાં ભૂતકાળમાં આ અંગે નગરજનોએ રજૂઆતો કરી હોવા છતા અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.

એક તરફ ગુજરાત સરકાર જ્યોતિર્ગ્રામ વીજ યોજનાના બમણા ફુંકે છે અને ગામડાઓમાં પણ વીજળી ૨૪ કલાલ પુરી પાડવાની ડંફાશો મારે છે પરંતુ તાલુકા કક્ષાએ જ વીજ ધાંધિયા જોતા જ્યોતીર્ગ્રામ યોજના માત્ર કાગળ ઉપર હોય તેમ ઉમરેઠના રહીશો મત પ્રગટ કરી રહ્યા છે. મોટા ભાગે દર રવીવારે લોકોને ત્યાં અવર જવર વધારે હોય છે, અને દૂકાનોમાં પણ ખરીદી કરવા ગ્રાહકો મોટી સંખ્યામાં આવતા હોય છે આ સમયે વીજ પુરવઠો ન હોવાને કારણે વહેપારીઓ સહિત ગૃહિણીઓને ભારે અગવડનો સામનો કરવો પડે છે. ઉમરેઠની આજૂ બાજૂના લગભગ ૪૨ ગામડાના લોકો મોટા ભાગે રવીવારે ઉમરેઠમાં ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને ઉમરૅઠના ચોકસી બજાર , પંચવટી તેમજ વડા બજારમાં દૂકાનોમાં ખુબજ ગીરદી હોય છે. આવા સમયે લાઈટો બંધ થઈ જતા વહેપારીઓના ધંધાને અસર થાય છે અને બહારથી આવેલા ગ્રાહકો પણ પરેશાન થઈ જાય છે.

હાલમાં ઉમરૅઠમાં સાડી તેમજ કાપડ બજાર સહીત કંસારા બજાર તેમજ ચોકસી બજારમાં ધૂમ ગ્રાહાકીનો માહોલ છે, વળી લગ્ન ની સિઝનને કારણે આ બજારોમાં ભારે ભીડ હોય ત્યારે જ રવીવારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને લોકો મહામુશ્કેલીમાં મુકાઈ જતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉમરેઠની એમ.જી.વી.સી એલ કચેરી જિલ્લામાં મોડલ સ્વરૂપ છે અને પ્રી-પેઈડ સર્વીસ સહીત એટીપી મશીન થી વીજ બીલ ભરવાની સુવિધા પણ આપે છે ત્યારે વીજ પુરવઠામાં ધાંધિયા કરી એમ.જી.વી.સી.એલ જાતે પોતાની બનેલી શાખ ઉપર સવાલ ઉભા કરે છે.

અમારો પ્રસંગ બગડ્યો – કિરીટભાઈ

અમદાવાદથી ઉમરેઠ સ્પેશીયલ પોતાના ઘરના ધાર્મિક પ્રસંગન્ની ઉજવની કરવા ઉમરૅઠ આવેલા કિરીટભાઈએ જણાવ્યું હતું કે, રવીવારે અમારે ત્યાં ધાર્મિક પ્રસંગ હતો, સવારે ૮ કલાકે લાઈટો બંધ થઈ ગઈ હતી જે સાંજે છેક ૫ કલાકે પૂર્વવત થઈ હતી ત્યાં સુધી અમારા પ્રસંગમાં લાઈટો વગર ખુબ અગવડતા પડી.

ગ્રાહકો બીજા ગામ તરફ વળી જાય છે. – કમલેશભાઈ

કાપડના વહેપારી કમલેશભાઈ જણાવે છે માંડ માંડ ઉમરેઠમાં બજારો વેગ પકડવા લાગ્યા છે, ત્યારે દર રવીવારે વીજ પુરવઠો બંધ કરવાના ફતવાને કારણે ગ્રાહકો હવે સમજીને ઉમરેઠ ખરીદી કરવા આવવાનું ટાળે છે પરિનામે ગ્રાહક આણંદ,નડિયાદ,સાવલી કે પણસોરા ખરીદી કરવા ઉપડી જાય છે.

પ્રિ-પેઈડ વીજ કનેક્શન કેન્સલ કરવામાં વિલંબ

ઉમરેઠ – ઉમરેઠ એમ.જી.વી.સી.એલ દ્વારા ગામામાં લગભગ ૧૦૦ થી પણ વધુ પ્રિ-પેઈડ વીજ મિટરો બેસાડવામાં આવ્યા છે. કેટલાક ગ્રાહકો પ્રિ-પેઈડ વીજ મિટરની સુવિધાથી કંટાડી જતા તેઓ દ્વારા એમ.જી.વી.સી.એલમાં આ મિટરો દૂર કરી સાદા મિટરો બેસાડવા અરજી કરી હોવા છતા, એમ.જી.વી.સી.એલ દ્વારા તેઓને સાદા મિટર ફાળવવામાં વિલંબ કરવામાં આવે છે. કહેવાય છે પ્રિ-પેઈડ વીજ મિટરમાં રી-ચાર્જ કરાવવા માટે કૂપન મેળવવા માટે ગ્રાહકોએ એમ.જી.વી.સી.એલની કચેરી સુધી લાંબા થવું પડે છે તેના કારણે લોકો પ્રિ-પેઈડ વીજ મિટર કઢાવી નાખવાના મુડમાં છે. જ્યારે ગામામાં ક્યાંક પ્રિ-પેઈડ મિટરની રી-ચાર્જ કૂપનો મળે તો પ્રિ-પેઈડ વીજ મિટરની લોક પ્રિયતામાં વધારો થાય તે ચોક્કસ છે.

રવીવાર


છેલ્લા કેટલાય રવીવાર સારા નથી જતા, એટલે મનમુકીને સુઈ જવા નથી મળતું, ક્યાંક જવાનું થાય છે તો કો’ક આવાનું હોય છે, અને તે જો ક્યાંક જવાનું ન હોય કે કો’ક આવાનું ન હોય તો લાઈટો જતી રહે છે. ગઈકાલે પણ કાંઈ એવું જ થયું રવીવારે સવારે વહેલા ઉઠી જવું પડ્યું કારણ કે લાઈટો જતી રહી હતી. હવે ઉમરૅઠમાં એમ.જી.વી.સી.એલ વાળા પાછા વાંકા થઈ ગયા છે, તેમની ઓફિસમાં રવીવારે રજા એટલે લાઈટો પણ બંધ કરી દે છે. ચાર પાંચ કલાક વગર લાઈટે રહેતા શીખવું હોય તો ઉમરૅઠમાં આવી જવાનું…!

આ રવીવારે તો થોડા બહાર ગામના મિત્રો ગામમાં આવ્યા હતા તેમની સાથે ગપ્પા-સપ્પા મારી પસાર થયો. સવારે ટીવી-૯ના રીપોર્ટર ઉમરેઠમાં ઓવર બ્રીજની સ્ટોરી કવર કરવા આવ્યા, પહેલી વાર ઈલેક્ટ્રોનિક મિડીયાની આઊટ ડોર કામગીરી રૂબરુ જોવા મળી. ભવિષ્યમાં સ્ટૂડિયો જોવા મળે તેવી પ્રબળ ઈચ્છા છે. આજે કદાચ ટીવી-૯ ઉપર ઉમરૅઠની સ્ટોરી પ્રસારીત થઈ હશે, તક મળે તો ટીવી-૯ ઓન કરી લેજો..

બપોરે મિત્ર ભાવિકને ત્યાં પ્રસંગ હોવાથી બંગડી લાડું અને બટાકાનું શાક, ફુલવડી અને દાળ-ભાત ખાવાની મઝા આવી, અને સાંજે પાણીપુરી અને પ્યારેલાલ ની કચોરી (મેડ બાય માય મમ્મી) છેલ્લા કેટલાય રવીવાર ખાવાની બાબતે જોરદાર જાય છે..હોપ કીપ ઈટ અપ. બપોરે ઊંઘવાની મઝા જ કાંઈ ઓર હોય છે,આ રવીવારે સંતોષકારક ઊંઘ ન મળી કાંઈ ને કાંઈ ફતકડા આવી જ ગયા. બસ સાંજે તો રાબેતા મુજબ મિત્ર દર્શન અને મિતેષ પાસે કીટલી પાર્ટી… ચા ની ચુસ્કી અને દેશ વિદેશની વાતો સાથે સન્ડે પુરો….

ઉમરેઠના કુંજ કીશોરી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી


 •  ગોવર્ધનપૂજા અને અન્નકુટના દર્શન કરી ભક્તો ધન્ય થયા.

ફાઈલ તસ્વીર

ઉમરેઠના કુંજ કીશોરી મંદિર ત્રણપોળ ખાતે સ્વ.પૂ.સવિતામાસીના લાલાનો તુલસી વિવાહ ભારે ભક્તિભેર નિમેષ શાહ(ઝવેરી)ના યજમાન પદે ભક્તિભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાલાનો વરઘોડો ત્રણપોળ ખાતેથી નિકળ્યો હતો અને નગર વિહાર કરી મંદિર ખાતે પરત ફર્યો હતો જ્યાં તુલસી વિવાહ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

માન્યતા છે કે, પૂ.સવિતામાસીના મંદિરમાં લાલો હાજરા હજૂર છે, તેમજ ભક્તો માની રહ્યા છે કે સ્વ.સવિતામાસી જ્યારે જીવિત હતા ત્યારે તેઓ સ્વયંમ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાલા સાથે વ્રજભાષામાં વાતો પણ કરતા હતા. સ્વ.પૂ સવિતામાસીની જૂની વાતો ધ્યાનમાં લઈએ તો શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ દેવ દિવાળીના દિવસે શોભાયાત્રામાં સ્વયંમ લીલા કરે છે અને ભક્તોને દર્શન આપવા વર્ષમાં માત્ર આજ દિવસે મંદિર બહાર આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરૅઠમાં પૂ.સ્વ.સવિતા માસીને ત્યાંથી તુલસી વિવાહ વરઘોડો કાઢવાની પ્રથા ચાલી આવી રહી છે. ત્યારે પૂ.સવિતામાસીના દેહાંત પછી પણ હાલમાં મંદિરમાં મુખ્યાજી રાખી સવિતામાસીની ઈચ્છા મુજબ હાલમાં પણ વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો પહેલાની જેમ ઉજવવામાં આવે છે.

તુલસી વિવાહ બીજા દિવસે ગોવર્ધન પુજા તેમજ અન્નકુટના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. તુલસી વિવાહ વિધિને સફળ રીતે સપન્ન કરવા માટે મંદિરના કાર્યકરો સહીત ત્રણ પોળના યુવાનો અને યજમાન પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી.


દિપમાળા દર્શન - સંતરામ મંદિર - ઉમરૅઠ

અન્નકુટ દર્શન - સંતરામ મંદિર - ઉમરેઠ

સંધ્યા આરતી - દેવ દિવાળી સંતરામ મંદિર - ઉમરેઠ

ઉમરેઠ સંતરામ મંદિરમાં ભક્તિભેર દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે સંતરામ મંદિરમાં દિપમાળાના દર્શન કરવા ઉમરેઠ સહીતઆજૂ બાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાંજના સમયે સંતરામ મંદિરના હજ્જારો દિવડાઓથી ઝગમગ થયું હતું. સંતરામ મંદિરની દિવ્ય ઝાંખી જોવા લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચ્યા હતા જ્યારે સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે સંધ્યા આરતી કરી હતી. (તસ્વીર – પિનાક આર્ટ – ઉમરેઠ)

(TO VIEW MORE PHOTOS  OF SANTRAM TEMPLE  PLEASE OPEN YOUR FACEBOOK ACCOUNT AND CLICK HEAR)

વિવેક વાણી


દૂકાનની વાત ઘરમાં ના લઈ જાવ કે ઘરની વાત દૂકાનમાં ન લાવો, નહીતો ઘર તુટશે કે દૂકાન ડુબશે..!

ઉમરેઠમાં તુલસી વિવાહ યોજાશે.


કુંજ કિશોરીનું મંદિર (રસકુંજ) સ્વ. ભગવતીય ગોકુલવાસી સવિતામાસીના લાલાનો તુલસી વિવાહ ત્રણપોળ ચોકસી બજાર ખાતે તા.૧૦.૧૧.૧૧ને ગૂરુવારના રોજ ભક્તિભેર ઉજવાશે. આ પ્રસંગે રાત્રે ૮.૦૦ કલાકે શોભાયાત્રા , તેમજ ૧૦.૦૦ કલાકે તુલસી વિવાહની વિધિ યોજાશે. તા.૧૧.૧૧.૧૧ને શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ગોવર્ધન પુજા, બપોરે ૨.૦૦ થી ૬.૦૦ કલાકે અન્નકુટ દર્શનનો ભક્તો લાભ લઈ શકશે. આ વર્ષે યોજાનાર તુલસી વિવાહના યજમાન પદે નિમેષ ભૂપેન્દ્રભાઈ શાહ બિરાજશે.

ઉમરેઠની નવા જૂની


 • દિવાળી અને નવા વર્ષ પછી રજાઓના મુળ પછી લોકો કામ ધંધે લાગી ગયા છે. ઉમરૅઠમાં બજારો હવે રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. સોમવારે લાભ પાંચમ હોવાને કારણે બપોર સુધી બજારો ખુલ્યા હતા.
 • આ વર્ષે દિવાળીમાં પ્રમાણમાં દારૂખાનું ઓછું ફુટ્યું. લાગે છે કે, લોકોને મોઘવારી નડી અથવા તો પર્યાવરણને લઈ લોકો જાગૃત થઈ ગયા છે. છતા પણ બજારમાં ચાયનીઝ દારૂખાનાની ભારે બોલબાલા રહી.
 • બેસતા વર્ષના દિવસે પરોઢીયે પહેલા “સબરસ” કરવા કેટલાય બાળકો આવતા હતા. હવે ધીમે ધીમે “સબરસ” પ્રથા નામશેષ થવા લાગી છે. આ વર્ષે માત્ર એક જ “સબરસ”ની બૂમ શાંભળવા મળી. (સવારે પાંચ વાગે જાગી ગયો હતો છતા પણ….) (સબરસ એટલે શું વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો.)
 • નવા વર્ષમાં ઉમરેઠ પોલીસ ફોર્મ માં આવી ગઈ છે. બજારમાં પેસેન્જર રીક્ષા ચાલકો સામે વાઘ બની જાય છે, બજારમાં કોઈ રીક્ષા રસ્તા વચ્ચે કારણસર ઉભી યોય તો રૂ.૨૦૦નો દંડ ફટકારી દે છે.. પણ બસ સ્ટેશન સામે હજ્જારોની સંખ્યામાં છકડા મનમાની કરે તો પોલીસ દાદા બકરી બની જાય છે ત્યાં ટેટી પણ ફુટતી નથી…! ભાઈ હપ્તા રાજ નો કમાલ છે.
 • નવા વર્ષમાં મૂળ ઉમરેઠના હાલમાં બહાર રહેતા કેટલાક લોકો મળ્યા ” આપણું ઉમરેઠ બ્લોગ અંગે તેઓના પ્રતિભાવ મૈખિક આપ્યા, જાણી આનંદ થયો લોકોને બ્લોગમાં રસ છે અને તેઓ નિયમિત વાંચે છે.
 • ઉમરેઠ નગરપાલિકામાં આંતરીક વિગ્રહ ચરમ સીમાએ પહોંચી ગયો છે. ઉમરૅઠ શહેર ભાજપ પ્રમુખ પદેથી પાલિકાના એક સભ્યને દૂર કર્યા પછી હવે પાલિકામાં વિકાસના કામોમાં હાડકા નાખનાર સભ્ય સામે ગેર શિસ્તના પગલા સહીત પક્ષમાં થી પણ આવા સભ્યોને દૂર કરવામાં ભાજપનું મોવડી મંડળ ખચકાશે નહી તેવી ચર્ચા થઈ રહી છે.
 • સત્તાપક્ષ કહે છે કેટલાક સત્તાપક્ષના સભ્યો જ વિકાસના કામમાં હાડકા નાખે છે..! પણ આ વિકાસના કામો સભ્યો પોતાના વિકાસ માટે કરે છે કે ગામના વિકાસ માટે તે ચિત્ર હજૂ નગરજનો માટે સારી રીતે સ્પષ્ટ કરવું જરૂરી હોય તેમ લાગે છે. પ્રજાતો તેવું જ સમજે છે બધા “ખાવા” માટૅ ઝગડે છે..!
 • …અને હા એક છેલ્લે ખાનગી વાત તા.૩૧.૧૨.૨૦૧૧ થી ૮.૧.૨૦૧૧ સુધી મોરારી બાપુની કથામા મોદીજી… અરે..હા  આપણા નરેન્દ્રભાઈ મોદીજી ઉમરેઠમાં આંટો મારે તો અચંબામાં ન મુકાશો જો આપણું નસિબ સારું હશે તો તે વખતે ઉમરેઠ ઓડ માર્ગ ઉપરનો સાત વર્ષથી બનતો ઓવર બ્રીજ પણ ખુલ્લે મુકાઈ જશે.. પણ હજૂ આ શેખચલ્લી જેવો જ વિચાર છે, તે પણ ના ભુલતા..!
 • ચાલો ત્યારે અત્યારે બસ આટલું જ બાકી ની પટલાઈ ફરી ક્યારેક..

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ મહોત્સવ ઉજવાયો


ઉમરૅઠના ઓડ બજાર વિસ્તાર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી દરમ્યાન અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રીજીને વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી. દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત ઉમરેઠના વૈષ્ણવ મહાજન મંદિર, સાત સ્વરૂપની હવેલી અને મગનલાલજી મંદિર સહીત લાલ દરવાજા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકુટ દર્શનનો ભક્તોએ લાહ્વો લીધો હતો.

(તસ્વીર – મયંક પટેલ – ઉમરેઠ)

%d bloggers like this: