આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2010

હું મિત્રોના મામલે માલદાર છું..!


મિત્રનો સબંધ જે એક માત્ર તેવો સબંધ છે, જેની પસંદગી કરવાનો હક્ક ભગવાન આપણે આપ્યો છે.પરિવાર પણ આપણે ભગવાન ની મરજીથી મળે છે. શેરી,મહોલ્લા અને ગામ મા આપણે કેટલાય મિત્રો મળે છે કેટલાય હાય હેલ્લો કરી આગળ જાય ,કેટલાય કામપુરતી વાતમા આપણી સાથે રહે છે તો કેટલાક સુખ દુઃખમા હંમેશા આપણી સાથે રહે છે. આવા મિત્રો નસિબદાર લોકોને મળે છે.મારી પાસે આવા એક બે નહી પણ આઠ મિત્રો છે એટલેજ હુ કહુ છું…….

હું અને મારા મિત્રો- (ઉભેલા- ડાબે થી જમને) અંકિત શાહ, હિરેન શાહ, મિતેષ ભાવસાર વિવેક દોશી (બેઠેલા ડાબે થી જમને) રવિશ ભાવસાર, બ્રીજેશ શાહ, નિશાંત શાહ, હિરેન (ટીકુ)શાહ,દર્શન શાહ.

હુ મિત્રોના મામલે માલદાર છું.
મારા તમામ મિત્રો ને ફેન્ડશીપ દિવસની હાર્દિક શુભેચ્છા..

ઉમરેઠમાં મહિલાઓની છેડતી કરતા શાકના ફેરિયાને મહિલાઓ ફરી વળી..!


લોકોના ટોળા એકઠા થયા

ફેરિયાએ માફી માગી

ઉમરેઠના વૈષ્ણવ મહાજન મોટા મંદિર પાસે આવેલ ઢાકપાલ વિસ્તારમાં છેલ્લા કેટાલય વર્ષોથી શાકમાર્કેટ બેસે છે. જ્યાં મંદિરમાં દર્શને આવતી મહિલાઓ પોતાની જરૂરિયાતના શાકભાજી પણ ખરીદી કરી દેતી હોય છે.

શાક માર્કેટમાં ગીરદીનો લાભ લઈ કેટલાક પોકેટમાર અને ઊઠાવગીરો પણ સક્રીય રહેતા હોય છે. આ શાક માર્કેટમાં મહિલાઓના સોનાના દોરા અને પાકીટ પણ ગાયબ થઈ જવાની કેટલીય બૂમો સંભળાઈ ગઈ છે. પરંતું હવે આ શાકમાર્કેટમાં અસામાજિક તત્વો છાગટા બની ગયા હોય તેમ લાગે છે. ત્યારે આજે એક શાકભાજીં વેંચનારા ફેરિયએ અજીબો ગરીબ રીતે શાક ખરીદવા આવેલ એક મહિલાનો ફોટો ક્લિક કરતા મહિલાની નજરે ચઢ્યો હતો ત્યારે ચુપ રહેવાને બદલે આ હિંમતવાન મહિલાએ અન્ય મહિલાને આ શેતાન શાકના ફેરિયાની હરકત અંગે જણાવતા મહિલાઓ રીતસર આ શાકના ફેરિયાને મેથીપાક ચખાડ્યો હતો અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. શાક માર્કેટથી માંડ સો ફુટ દૂર આવેલ પોલિસ સ્ટેશનમાં પણ આ વાત પહોંચી જતા કેટલાક પોલિસ કર્મીઓ પણ શાક માર્કેટમાં પહોંચી ગયા હતા પરંતું તે પહેલા મહિલાઓએ આ શાકના ફેરિયા ઉપર હાથ સાફ કરી દીધો હતો.

આ શાકના ફેરિયાએ મહિલાઓની માફી માગતા મામલો થાળે પડ્યો હતો અને પોલિસ કર્મીઓએ આ શેતાન શાકના ફેરિયાનો મોબાઈલ તપાસ અર્થે લીધો હતો. ત્યારે આ ઉમરૅઠની મહિલાએ હિંમત દાખવી આ ફેરિયાની કરતુતો નો પર્દાફાશ કરતા અન્ય મહિલાઓએ આ મહિલાની હિંમતને દાદ આપી હતી. વધુમાં અન્ય મહિલાઓએ જણાવ્યું હતુ કે આ ફેરિયા દ્વારા ભૂતકાળમાં પણ આવી હરકત કરવામાં આવતી હતી મોબાઈલમાં મહિલાઓના ફોટા લેવાની વૃત્તિ ઓછી હોય તેમ આ શેતાન ફેરિયો ફોટા પાડી મહિલાઓને તેમના ફોન નંબર પણ પુછતો હતો..! ત્યારે આજે આ શેતાન શાકવાળાનો પાલો હિઓંમતવાન મહિલા સાથે પડતા તેની પોલ ખુલવા પામી હતી અને તેની જાહેરમાં ફજેતી થઈ હતી.

વિમાન આવે છે એટલે ફાટક બંધ છે…!


વિમાન આવે છે એટલે ફાટક બંધ છે…! કોઈ આવું બોલે તો તેને તમે શું કહો …? મૂર્ખો…? ..અરે ભાઈ તેને મૂર્ખો કહેતા પહેલા નીચેનો ફોટો જરા જોઈ લ્યો તો સારું…!

અજબ એરપોર્ટ, ગજબ રન-વે...

ઉમરેઠ નગરપાલિકાનું અવનવું ઘરવેરાની નકલ મેળવવા રૂ. ૨૧નો ચાંલ્લો!


રાજય સરકારે નગરપાલિકાઓના સર્વાગી વિકાસ અર્થે અનેક પાસાંઓને કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ અનેક વિવાદોથી ઘેરાયેલ ઉમરેઠ નગર પાલિકામાંથી વિવાદ જાણે કે હટવાનું નામ જ લેતો નથી. તાજેતરમાં ઘરવેરાની ડુપ્લીકેટ પહોંચ લેવા માટે નગરના રહિશોને રૂ.૨૧ ખર્ચવા પડતા હોવાની બાબત શહેરમાં ચર્ચાનું કારણ બની છે.

ઉમરેઠ નગર પાલિકા હદમાં વસવાટ કરતા લોકો વર્ષ દરમ્યાન પાલિકા દ્વારા વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે પેટેનો રહિશોને વેરો ભરવો પડે છે. આ સેવા અંતર્ગત એકત્રિત વેરો શિક્ષણ ઉપકર, પાણી વેરો, ગટર વેરો, દિવાબત્તી વેરો સહિત શહેરના વિકાસ માટે વાપરવામાં આવે છે. પરંતુ ટેકસની ખોવાઈ ગયેલ પાવતી માટે શહેરના નાગરિકોને બીજી નકલ મેળવવા રૂ. ૨૧ ચૂકવવા પડે છે.

જો કે સદર રકમ કયા કારણોસર વસૂલવામાં આવે છે તેની જાણ ખુદ પાલિકાના કર્મચારીઓને ન હોવાની બાબત ખરેખર ગંભીર છે.
સરકારી કામે ઘરવેરાની પહોંચની જરૂર પડે છે. ત્યારે પ્રથમ પંદર રૂપિયા ભરીને સામાન્ય પહોંચ લેવી પડે છે. ત્યારબાદ પાલિકાના રેકર્ડમાં રહેલ ઓરીજીનલ પહોંચની નકલ(ઝેરોક્ષ) મેળવવા રૂ. ૩ની બે-બે વખત સ્ટેમ્પ ટિકીટ વસૂલ કરવામાં આવે છે. આમ ૧ નકલ મેળવવા નાગરિકોને રૂ. ૨૧નો ખર્ચ કરવા મજબૂર બનવું પડે છે.

આ અંગે ઉમરેઠ પાલિકાના ટેકસ વિભાગના ભરતભાઈ દવેના જણાવ્યા મુજબ આ ડુપ્લીકેટ ટેકસ પાવતી મેળવવા માટે વર્ષોથી જ આ રીતે ફી વસૂલવામાં આવે છે.

ઉમરેઠમાં આ બાબતે ભારે વિવાદ થવા પામ્યો છે. જિલ્લાની અન્ય પાલિકાઓમાં આ રીતે ડુપ્લીકેટ પહોંચ મેળવવા આવી રકમ નાગરિકો પાસેથી વસૂલવામાં આવતી નથી. સદર વિસંગતતા અંગે ઉચ્ચ તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.

સમાચાર સૌજન્ય – સરદાર ગુર્જરી

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે ઐતિહાસીક અષાઢી તોલાઈ, સારા પાકની આશા.


ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે સિવીલ જજ, પી.એસ.આઈ તેમજ નગરના વહેપારીઓની રૂબરૂ અષાઢી તોલાઈ હતી.

અષાઢીમાં તોલવામાં આવતા ધાન્યો

આણંદ જીલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ચંદ્રમુળેશ્વર મહાદેવમાં સરકારી અધિકારીઓ,નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ અને મહાદેવના પુજારીની હાજરીમાં ઐતિહાસીક અષાઢી તોલાઈ હતી.આ ઐતિહાસીક અષાઢી મુજબ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સારા પાકની આશાના ચીન્હો દેખાઈ આવતા સમગ્ર પંથકમાં ખેડૂતોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અષાઢી એટલે અંગ્રેજોના સમયના એરવર્ડ સિક્કાના વજન જેટલા ધાન્યો મગ,જુવાર, ડાંગર, ઘઉં, તલ, અળદ,કપાસ, ચણા,બાજરી અને માટી તોલીને મહાદેવના શિવલીંગ ઉપરના એક ચમત્કારી ગોખમાં સરકારી અધિકારીઓ, ચોકસી, અનાજના વહેપારીઓ અને પંચની હાજરીમાં મુકવામાં આવે છે અને ત્યાર બાદ આ ચમત્કારી ગોખને સીલ મારી દેવામાં આવે છે. બીજે દિવસે સૌ કોઈની હાજરીમાં આ સીલ દુર કરી મુકેલા ધાન્યોને ફરી તોલવામાં આવે છે.જ્યારે વજનમાં થતા ફેરફારને અષાઢી કહેવામાં આવે છે.આ અષાઢી ઉપરથી ખેડૂતો પોતે કયો પાક કરવો તેનો નિર્ણય કરે છે.

આ ઐતિહાસીક અષાઢી સમગ્ર ભારતમાં આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે તોલાય છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમા પણ ખેડૂતો માટે અષાઢીનું મહત્વ ખુબજ હોય છે. કેટલાય ખેડુતો અને ગંજના વહેપારીઓ અષાઢીની વિગત જાણવા ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પત્રો લખતા હોય છે જેનો જવાબ પણ મંદિરના પુજારી ઘ્વારા આપવાની પરંપરા આજે પણ યથાવત્ છે.સૌ પ્રથમ મંદિરના પુજારી ગિરિશભાઈ દવેએ મંદિરના ચમત્કારી ગોખ માંથી પંચની સમક્ષ મુકેલો ઘડો બહાર કાઢી તોલવા માટે લાવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે તોલવામાં આવેલ અષાઢી મુજબ ડાંગર,જુવાર,ઘઊં,તલ, અળદ, જેવા ધાન્યનો પાક પ્રમાણમાં સારો રહેશે. જ્યારે અષાઢી દરમ્યાન માટી ને તોલાતા સવા રતી માટી ઓછી થઈ હતી.

ધાન્ય નું નામ સંવત-૨૦૬૫ સંવત-૨૦૬૬
મગ ૩ વધારે ૨ વધારે
ડાંગર ૨ વધારે ૪ વધારે
જુવાર ૨ વધારે ૨ વધારે
ઘઊં ૨ વધારે ૬ વધારે
તલ ૫૭ વધારે ૬૮ વધારે
અડદ ૪ ઓછા ૧ વધારે
કપાસ ૦II વધારે ૨ વધારે
ચણા ૦II વધારે ૧ વધારે
મલેખું સમધારણ ૧ વધારે
માટી ૦I ઓછી સવા રતી ઓછી

ઉમરેઠમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો.


ઉમરેઠ તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો નગરના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ખાતે બપોરે એક કલાકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમયે અન્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તેમજ આણંદ જિલ્લાના ધારા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિપપ્રગટાવી ગરીબમેળાનું ઉદ્ઘાટન કરાયું.

જનમેદની

ઉમરેઠ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણમેળામાં જયનારાયણ વ્યાસએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગરીબોના કલ્યાન અર્થે વિવિધ યોજનાઓ લઈ તેનોઆ ધ્વાર ઉપર આવી છે ત્યારે ગરીબો આગળ આવે અને તેઓનો વિકાસ થાય તે જ તેમનો ધ્યેય છે ગરીબો પગભર થાય તે માટે વિવિધ વ્યવસાય લક્ષી યોજનાઓ તેમજ આવાસ યોજના, સામાજિક સુરક્ષા યોજના, માતૃ બાળ કલ્યાન યોજના, સ્વરોજગાર યોજના અને બેન્કેબલ યોજના સહિત કૃષી અને પશુપાલન યોજનાની ગરીબ કલ્યાન મેળામાં લોકોને માહિતી આપવામાં આવી હતી અને તેનો ગરીબો વધુને વધુ લાભ લે તેવું મંત્રીશ્રીએ સુચન કર્યુ હતું.

ગરીબ કલ્યાણ મેળામાં માલદારોનું પણ કલ્યાણ …?!

ઉમરેઠ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાન મેળામાં ગરીબો માટે વિવિધ નાણાકિય યોજનામાં મંજૂર થયેલ રોકડ નાણાકિય સહાયની યાદીમાં નગરના કેટલાક ગર્ભ શ્રીમંત લોકોના નામ હોવાની ચર્ચા થઈ રહી હતી. કહેવાય છે ગરીબ કલ્યાન મેળામાં લાભાર્થીઓની યાદીમાં ઉમરેઠના કેટલાક શ્રીમંત અને સારા વહેપાર ધંધા ધરાવતા લોકોને અગ્રીમક્ષેત્રે ધિરાણ યોજના અને કિશાન ક્રેડીટ કાર્ડ યોજના સહિત બેન્કેબલ યોજના અંતર્ગત રોકડ સહાય ફાળવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઉમરેઠમાં પૂ.મોરારીબાપુની કથાનું આયોજન થશે.


ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા આગામી ૨૩/૧૦/૨૦૧૦ થી ૩૧/૧૦/૨૦૧૦ સુધી પૂ.મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ કથામાં કોઈ પણ રીતે સેવા આપવા શ્રી સંતરામ મંદિરનો સંપર્ક કરવો.

પૂ. મોરારીબાપુ

કથા સ્થળ – સંતરામ મંદિર ગ્રાઊન્ડ,વ્રજભીમિ પાર્ટી પ્લોટ પાસે- ઉમરેઠ

મોદી વગર મેળો..!


હમના જાણવા મળ્યું કદાચ ઉમરેઠમાં ગરીબ કલ્યાણ મેળામાં મોદી હાજર નહી રહે ….

ઉમરેઠમાં ગરીબ કલ્યાણ મેળો..!


ઉમરેઠમાં અઠવાડિયા પછી ગરીબ કલ્યાણ મેળો યોજાવવાનો છે સ્વાભાવિક રીતે મુખ્ય મંત્રી નરેન્દ્રમોદી આવશે જ. સત્તાવાર રીતે તારીખ ખબર નથી પણ ૨૪ કે ૨૫ તારીખે મુ.મંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. પણ જે જગ્યાએ ગરીબ કલ્યાન મેળો યોજાવવાનો છે તે જગ્યાના જીલ્લા કક્ષાના અધિકારીઓ અત્યારથી આંટા મારવાના શરૂ કરી દીધા છે ને એક આનંદની વાત ગરીબ કલ્યાણ મેળાને અનુલક્ષી ગામમાં જે રૂટ ઉપરથી મોદી સાહેબ આવવાના છે તે રૂટની સાફ સફાઈ પણ આજથી જ ચાલુ થઈ ગઈ છે. મોદી આખા ગામ માં લટાર મારે તો આખું ગામ ચોખ્ખું થઈ જાય હેં ને…?

જય હો મોદી સાહેબ ની….

ઉમરેઠવાળા આનંદપ્રસાદ જોષીને સંસ્કૃતની સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ


ગુજરાત રાજય સાંસ્કૃતિક વિભાગ અન્વયે ગુ. સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા હાલ વડોદરા સ્થિત આનંદપ્રસાદ પુરુષોતમ જોષી, ઉમરેઠવાળાનું સંસ્કૃતની સેવા બદલ અન્ય પંડિતો સાથે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. ૫૦ હજારનો ભાવભૂષિતમ પુરસ્કાર, શાલ અને તામ્રપત્રથી સન્માન કરવામાં આવ્યું છે. આવું માન મેળવનાર આનંદપ્રસાદ જોષી તેમની જ્ઞાતિ શ્રીગૌડ ગૃહસ્થ પક્ષ નાના તડમાં તેઓ સૌપ્રથમ છે.

આ અગાઉ તેઓએ જયોતિષ દેવર્ષિ, વાચસ્પતિ એવોર્ડ, જયોતિષ રત્ન, જયોતિષ ભાસ્કર, જયોતિષ સાગર, જયોતિષ માર્તડ, જયોતિષ ભૂષણ અને પથદર્શક જેવી પદવીઓ મુંબઈ અને ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવી છે. જે બદલ તેઓને ઉમરેઠ રત્ન તરીકે બિરદાવવામાં આવ્યા હતા. આનંદપ્રસાદ જોષીએ જયોતિષ વિષયે ૧૬ પુસ્તકો અને નવલકથા પ્રગટ કરી છે.

સમાચાર સ્ત્રોત – સરદાર ગુર્જરી

ઉમરેઠના મોઢવાળા વિસ્તારના વયસ્ક નાગરિકો પાલિકા કચેરીએ ઉપવાસ ઉપર ઉતર્યા..!


મોઢવાળાના નાગરિકોના ધરણાં

ઉમરેઠના મોઢવાળા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી માળખાગત સુવિધાના વિવિધ પ્રશ્નોને લઈને સદર વિસ્તારના સિનિયર સીટીઝન નાગરિકો પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા. નગરના આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો જે અંગે નાગરિકોએ પાલિકાના સત્તાધીશો તેમજ અધિકારોને રજૂઆતો કરી હતી પરંતુ પથ્થર ઉપર પાણીની નિતિથી પાલિકા તંત્ર ધ્વારા તેઓની સમસ્યા ધ્યાનમાં લેવામાં આવી ન હતી તેમજ આ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન બદલવા માટે છેલ્લા કેટલાય સમયથ ખાડા કરવામાં આવ્યા છે જે ખાડા પણ પુરવાની પાલિકા તંત્ર તસ્દી લેતું નથી જેથી કરીને આખરે કંટાળી મોઢવાળા વિસ્તારના રહીશો આખરે આજે પાલિકા કચેરીએ ધરણાં કાર્યક્રમ કર્યો હતો.

મોઢવાળામાં ખાડા

છેલ્લા કેટલાય સમયથી મોઢવાળામાં પાણીનો પ્રશ્ન હલ કરવા નવી પાઈપ લાઈન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે જે પુરવા માટેનું કામ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે ત્યારે પાણીનો પ્રશ્ન તો ઠેર નો ઠેર છે જ ઉપરથી આ ખાડાને કારણે આ વિસ્તારના રહિશોને અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે મોઢવાળાના રહિશો ઉંટ કાઢતા બકરૂં ગુસ્યુંનો અનુભવ કરી રહ્યા છે. પાલિકાના ચીફ ઓફિસરે પાણીનો પ્રશ્ન બે-ત્રણ દિવસમાં તેમજ ખાડા પુરવાની કામગીરી પણ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.

ઉમરેઠની સરકારી સ્કૂલના પરિસરમાં મોબાઈલ ટાવર…!


ઉમરેઠ નગરના ભગવાનવગા વિસ્તારમાં આવેલ એક સરકારી શાળાના પરિસરમાં મોબાઈલ ટાવર ઉભું કરી દેવાતા લાગતા વળગરા તંત્રના આ નિર્ણય ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ઉમરેઠની કૃષ્ણ ટોકિઝ થી આગળ જતા રસ્તા ઉપર આવેલ સરકારી શાળાના પરિસરમાં મોબાઈલ કંપનીનું ટાવર નાખવામાં આવ્યું છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોના સ્વાથય ને લઈ લોકો સવાલ કરી રહ્યા છે. જ્યારે થોડા રૂપિયાની રોકડી કરવા માટે બાળકોના સ્વાસ્થયની પણ તકેદારી સરકારી સ્કૂલમાં ન દાખવવામાં આવતી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે.

નાના છોકરા પણ જાણે છે કે, મોબાઈલ ટાવર માંથી નિકળતા તરંગો/કિરણો સ્વાસ્થય માટે હાનિકારક હોય છે. જેના કારણે મોટા શહેરોમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરો ઉભા કરવાની પરવાનગી પણ આપવામાં આવતી નથી કહેવાય છે જે વિસ્તારમાં મોબાઈલ ટાવરો હોય છે તે વિસ્તારમાં રેડિયેશનનું પ્રમાણ પણ વધારે હોય છે જેના કારણે લોકોના સ્વાસ્થય ઉપર ખરાબ અસર પડે છે.

ઉમરેઠની સરકાર સ્કૂલના પરિસરમાં તો એક ટાવર છે જ સાથે સાથે આ સ્કૂલ ની સામેના એક ખુલ્લા પ્લોટમાં પણ એક મોબાઈલ ટાવર ઉભું કરવામાં આવ્યું છે. જેથી બાળકોના સ્વાસ્થય ઉપર બેવડો ખતરો મંળડાઈ રહ્યો છે.

ત્યારે અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં આ શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના અધિકારીઓ સહિત મંત્રીશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શું તેઓની પણ શાળાના પરિસરમાં ઉભા કરાયેલ મોબાઈલ ટાવર ઉપર નહિ પડી હોય..? કે પછી આંખ આડા કાન કરી ચલતા હૈ , હોતા હૈ..ની નિતિ તંત્રના ઠેકેદારોએ અખત્યાર કરી છે..? તેવો સવાલ ઉમરેઠના નગરજનો સહિત સદર શાળામાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યા છે. જો ખુદ સરકારી તંત્ર જ નિયમો પાડવામાં ઉણું ઉતરતું હોય તો નિયમો બનાવા ની શું જરૂર છે…?

ઉમરેઠ બસ સ્ટેશનમાં ગીરદીનો લાભ ઉઠાવતા છેલબટાઊ યુવાનો.


યુવતિઓની શારિરીક છેડતી કરતા યુવાનોને કોણ રોકશે..?

ઉમરેઠ આણંદ વચ્ચે અપૂરતી બસ સેવાથી યુવતિઓ ખાસ્સી પરેશાન..!

બસમાં ગીરદી

ઉમરેઠ આણંદ વચ્ચે અપૂરતી બસ સેવા હોવાને કારણે સવારના સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ ગયા છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓ વધારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ઉમરેઠ તેમજ ડાકોર થી આણંદ તેમજ વિદ્યાનગર અભ્યાસ અર્થે તેમજ નોકરી અર્થે અનેક યુવતિઓ અપ ડાઊન કરતી હોય છે. ત્યારે આ સમયે બસ સ્ટેશનથી બસમાં ચઢતા સમયે કેટલાય છેલબટાઊ યુવાનો યુવતિઓની રીતસર સારિરીક છેડતી કરતા હોવાની લોક ચર્ચા થઈ રહી છે ત્યારે ના છુટકે સમસમીને કેટલીય યુવતિઓ આવા છેલબાટાઊ યુવાનોની છેડતી સહન કરવા મજબૂર થઈ ગઈ છે.

ત્યારે એસ.ટી તંત્રના વાંકે ઉમરેઠની યુવતિઓ ને આવી શારિરીક છેડતીનો ભોગ બનવું પડે તે કેટલું વ્યાજબી છે..? વધુમાં કહેવાય છે બસ માં ખુબજ ગીરદી હોવાને કારણે કેટલીય યુવતિઓ પોતાની પાસે માસિક પાસ હોવા છતા પણ છકડો રીક્ષામાં પોતાના જીવના જોખમે આણંદ વિદ્યાનગર જવા મજબુર થઈ જતી હોય છે. ત્યારે આ સમયે તેઓ ઉપર બેવડો આર્થિક બોજો પડે છે.

જો આણંદ ઉમરેઠ વચ્ચે સવારના સમયે વધુ બસ સેવા બહાલ કરવામાં આવે તો યુવતિઓ સાથે આણંદ વિદ્યાનગર અભ્યાસ અર્થે જતા મુસાફરોને પણ રાહત થાય તેમ છે. અન્ય કેટાલય રૂટો ઉપર ખાલી બસ દોડાવવામાં આવે છે ત્યારે નફો કરતા આણંદ ઉમરેઠના રૂટ પર બસ દોડાવવામાં એસ.ટી તંત્રને શું પેટમાં દૂઃખે છે તે યક્ષ પ્રશ્ન ઉમરેઠના મુસાફરો કરી રહ્યા છે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં પોલિસ પોઈન્ટ મુકવાની જરૂર..!

ઉમરેઠ- ઉમરેઠ બસ સ્ટેશનમાં બસમાં ચઢતા સમયે ગીરદીનો લાભ લઈ કેટલાય યુવાનો યુવતિઓની રીતસર શારિરીક છેડતી કરે છે. ત્યારે આવા સમયે યુવતિઓએ નાછુટકે યુવાનોની આવી હરકતોનો સામનો કરવો પડે છે ત્યારે ઉમરેઠ બસ સ્ટેશનમાં પોલિસ પોઈન્ટ મુકવામાં આવે તો છગટા બનેલા યુવાનોની લગામ ખેંચી શકાય તેમ લોકમત મળી રહ્યો છે.

ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.

છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે.આ વિસ્તારમાં ગઠિયા, ઊઠાંવગીર તેમજ પોકેટમાર સક્રીય થઈ ગયા છે. છતા પણ ઉમરેઠ પોલિસ હાથ ઉપર હાથ રાખી બેબસ હોય તેમ બેસી રહી છે. ઉમરેઠ બસ સ્ટેશન સામે આવેલ એક શોપિંગ સેન્ટરમાં આવેલ એક દૂકાન માંથી રૂ.૨૮,૫૦૦ ભરેલી થેલી પણ દૂકાણદારની નજર સરકાવી કોઈ ગઢિયો ઉપાડી ગયો હોવાની બસ સ્ટેશન વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. જ્યારે અસામાજિક તત્વો બસ સ્ટેશન વિસ્તારને પોતાનું ગઢ બનાવે તે પહેલા ઉમરેઠ પોલિસ સક્રીય થાય તેવી લોક લાગણી સાથે માગણી પ્રવર્તમાન બની છે.

ઉમરેઠ અને લીંગડા બસ સ્ટેશન ઉપર વિદ્યાર્થીઓએ બે-ત્રણ કલાક બસો રોકી રાખી..!


ઉમરેઠમાં અપુરતી બસ સેવા તેમજ લીંગડામાં બસ સ્ટોપેજનો પ્રશ્ન હલ કરવા વિદ્યાર્થીઓની માંગ

બસના પૈડા થંભી ગયા..!

વિદ્યાર્થીઓમાં રોષ

ઉમરેઠ બસ સ્ટેશનથી થોડા દૂર અંતરે આવેલ લાલ દરવાજા પીક- અપ બસ સ્ટેશન ઉપર આજે વહેલી સવારે વિદ્યાર્થી તેમજ નોકરીયાત વર્ગના લોકોએ બસ રોકી ઉમરેઠમાં અપુરતી બસ સેવા વિરુધ્ધ પોતાનો રોષ દાખવ્યો હતો ઉમરેઠ તાલુકામાં અપુરતી બસ સેવાને કારણે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગ હેરાન પરેશાન થઈ ગયો હતો જે અંગે લાગતા વળગતા તંત્રને વિદ્યાર્થીઓ ધ્વારા લેખિત તથા મૌખિક ફરિયાદ તેમજ રજૂઆતો ભૂતકાળમાં કરવામાં આવી હતી જેનો તંત્રએ યોગ્ય જબાબ ન આવતા ત્રણ-ચાર મહિનાઓ ઉપર ઉમરેઠ બસ સ્ટેશન ઉપર બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું જે સમયે ઉમરેઠ મામલતદાર તેમજ એસ.ટી તંત્રએ તાબળતોળ વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી ઉમરેઠ થી આણંદ વધારાની બસ મુકી હંગામી રીતે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ આંદોલન સમેટવા મનાવી લેવામાં આવ્યા હતા અને તે સમયે ઉમરેઠ તાલુકામાં પુરતી બસ સેવા બહાલ કરવા માટે તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી.

ડ્રાઈવર અને કંડક્ટરો બસ છોડી ઉતરી પડ્યા

જ્યારે તંત્રના વાર વાયદાની નિતિથી કંટાળી આખરે પૂનઃ ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ પીક- અપ બસ સ્ટેશન પાસે આજે સવારથી ઉમરેઠના વિદ્યાર્થીઓએ બસો રોકી રાખી હતી અને ઉમરેઠમાં પૂરતી બસ સેવા બહાલ કરવા માગની કરી હતી જ્યારે મોટી સંખ્યામાં લાલ દરવાજા વિસ્તાર્માં બસો રોકાઈ જત્તા ઉમરેઠના આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જ્યારે ઉમરેઠ પોલિસે આ મામલે દખલગીરી કરી હતી અને ડાકોર ડેપોના મેનેજરે ટૂકા ગાળામાં ઉમરેઠમાં બસ સેવા પુરતા પ્રમાણમાં બહાલ કરવા આશ્વાસન આપ્યું હતુ ત્યારે ઉમરેઠ બસ સ્ટેશન થી બસો આગળ જવા દેવામાં આવી હતી. જ્યારે થોડા કલ્લાકો સુધી ઉમરેઠથી આગળ જતી તમામ બસોના પૈડા ઉમરેથ બસ સ્ટેશન ઉપર થંભી ગયા હતા જેથી બસ કંદાક્ટર અને ડ્રાઈવરો પણ બસ માંથી ઉતરી બાજુમાં બેસી ગયા હતા.

જ્યારે ઉમરેઠથી મામલો શાંત પડ્યો અને બસો આગળ ગઈ ત્યારે લીંગડા ગામના વિદ્યાર્થીઓએ ત્યાં બસો રોકી હતી જ્યારે લોક ચર્ચા થઈ રહી હતી કે લીંગડા ગામના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ બસના કંડક્ટર અને ડ્રાઈવરને બોલાચાલી થઈ હતી જ્યારે એક તરફ બસ મનસ્વી રીતે લીંગડા બસ સ્ટેશન ઉપર ઉભી રાખવામાં આવે છે અને ઉપરથી બસ કંડક્ટર અને ડ્રાઈવરોનું વિદ્યારથી મુસાફરો સાથે તુમાખી ભર્યું વર્તન કરવામાં આવતું હોવાને કારણે સદર ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરો પણ ગુસ્સામાં હતા જેથી તેઓએ પણ બસો રોકી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો ત્યારે અહિયા પણ ઉમરેઠ પોલિસે મામલો કાબુમાં લીધો હતો અને વિદ્યાર્થીઓને સમજાવી બસ સેવા પૂનઃ બહાલ કરાવી હતી.

જ્યારે ઉમરેઠ અને લીંગડાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે, આવનારા સમયમાં ઉમરેઠ માં પુરતા પ્રમાણમાં બસ સેવા બહાલ નહિ કરવામાં આવે તો આથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ડેપો મેનેજર શું કહે છે…?

આ અંગે ડાકોર એસ.ટી બસ ડેપોના મેનેજરે જણાવ્યું હતુ કે, ખુબજ ટુંકા ગાળામાં ઉમરેઠ થી અન્ય શહેરોમાં જવા માટે પુરતા પ્રમાણમાં એસ.ટી બસ સેવા બહાલ કરવામાં આવશે.

વિદ્યાર્થી મુસાફરો શું કહે છે…?

ટુંકા ગાળામાં બસ સેવા પુરતા પ્રમાણમાં આવશે તેવા એસ.ટી તંત્રના આશ્વાશનના ખોખલા જવાબ થી વિદ્યાર્થી મુસાફરો ચર્ચા કરતા હતા કે, આવા વચનો તો કેટલાય સમયથી આપવામાં આવે છે, જેને પાળવામાં આવતા નથી. એસ.ટી તંત્ર ઉમરેઠ પ્રત્યે ઉદાસીન અને ઓરમાયું વર્તન કરે છે જે અંગે નગરના નેતાઓ ને પણ અમોએ જાણ કરી છે પણ નગરના કહેવાતા નેતાઓ પણ બંગડીઓ પહેરી બેઠા છે જેઓ ગામનો વિકાસ કરવામાં કોઈ રસ દાખવતા નથી.

ઉમરેઠના ૧૦૦વર્ષ જૂના પુસ્તકાલય માંથી આજે પણ જ્ઞાનની ગંગા વહે છે..!


ઉમરેઠ નગરમાં લગભગ ૧૦૦ વર્ષ પહેલા પુસ્તકાલય બનાવવામાં આવ્યું હતું જે આજે પણ અડીખમ ઉભું રહી ગુજરાતીના ૪૦૦૦, હિન્દીના પ૦ અને ઈતરભાષાના ૧૦ પુસ્તકો સહિત અન્ય પુસ્તકો સાથે નગરના પુસ્તક પ્રેમીઓને જ્ઞાન પિરસવાનું કામ કરી રહ્યું છે. હાલમાં પુસ્તકાલયમાં ૧૬૪૨૫થી પણ વધુ પુસ્તક અને વર્તમાન પત્રોની જ્ઞાનગંગા વહે છે.

ઉમરેઠના ભાટવાડા ખાતે આવેલ સદર સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દિ સમારોહ તાજેતર માંજ યોજાયો હતો. આ પુસ્તકાલય હાલમાં ઉમરેઠના નાના-મોટા સૌ કોઈ વાંચન પ્રેમીઓ માટે આશિર્વાદ સમાન છે.

વધુમાં રા.સા.મા.જો.ઠાકર સાવૅજનિક પુસ્તકાલયની સ્થાપણા-૧૯૦૯માં કરવામાં આવી હતી.ત્યાર બાદ સુંદર અને ચોખ્ખા વહિવટને કારણે આજે પણ ઉમરેઠના વાંચક વગૅ માટે રા.સા.મા.જો.ઠાકર સાવૅજનીક પુસ્તકાલાય આશીર્વાદ સમાન બની ગયું છે.કહેવાય છે આજના કોમ્યુટર યુગમાં ઈન્ટરનેટ ,ટેલિફોન, ટેલિવીઝન જેવા આધુનિક સ્થાને પોતાની લોકપ્રીયતા આસમાને પહોંચાડી છે, છતા જ્ઞાન અને ગમ્મતના સમનવય થી ઉમરેઠનું સાવૅજનીક પુસ્તકાલયની ખુરશીઓ આજે પણ ખાલી જોવા મળતી નથી.

ખાસ કરીને દિવાળી વેકેશન અને ઉનાળાના વેકેશનમાં બાળકો માટે પુસ્તકાલય ખુબ ઉપયોગી થઈ બને છે.ઉમરેઠના બાળકો સાથે કેટલાય યુવાનો અને સિનયર સિટીઝનો પુસ્તકાલયમાં નિયમિત વાંચન માટે આવતા હોય છે. કેટલાય પુસ્તકો મોંઘી કિંમતના હોવાથી ,સામાન્ય માનસ આવા પુસ્તકો થી અળગો રહે છે પરંતુ ઉમરેઠના ભાટવાડા વિસ્તારમાં આવેલા આ પુસ્તકાલયને કારણે આજે ઉમરેઠના કેટલાય લોકો પોતાના જ્ઞાનમાં વઘારો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

હાલમાં ગ્રંથપાલ તરિકે ફરજ બજાવતા બિપીનભાઈ શાહના મુજબ હાલમાં દૂર્લભ પુસ્તકો પણ પુસ્તકાલયમાં મળી રહે છે જે પુસ્તકાલય માટે ગૌરવની વાત છે.સાથે નિયમિત પુસ્તકાલયમાં જુદા-જુદા સામાયીકો,તેમજ દૈનિક પેપર અને કોમીક્સ સાથે કારકીદી માગૅદશન,જનરલ નોલેઝ જેવા કેટલાય પુસ્તકો રા.સા.મા.જો પુસ્તકાલયમાં મળી રહે છે. હાલમાં સરાશ દિવસમાં ૫૫ થી ૬૦ જેટલા વ્યક્તિ નિયમિત પુસ્તકાલયની મુલાકાત લઈ પોતાના જ્ઞાનમાં વઘારો કરી રહ્યા છે.સફળતાના અનેક શિખરો અને પુસ્તકોની સ્વચ્છ અને સુંદર જાળવણી સાથે ઉમરેઠનું રાવ સાહેબ માયારામ જોઈતારામ સાવૅજનિક પુસ્તકાલય ૧૦૦ વટાવી ગયું છે. ત્યારે પુસ્તકાલયને વધુ સુંદર બનાવા ઉમરેઠ પંથકના કોઈ દાનવીર આગળ આવી તેને અધ્યતન અને આધુનિક બનાવા ફાળો આપી ઉમરેઠના બાળકો ,સાથે યુવાનો અને વૃધ્ઘોના જ્ઞાનમાં વઘારો કરવા પુસ્તકાલયને દાન કરે તેવી લાગણી વાંચક વગૅની થતી હોવાનું જાણવા મળે છે.પુસ્તકાલયના વિશાળ સંગ્રહને કારને પુસ્તકાલયના સભ્યો પણ વઘે તેમ ગ્રંથપાલ બિપિનભાઈ શાહ કહી રહ્યા છે. ત્યારે હાલમાં કોમ્યુટરના ફાસ્ટ જમાનામાં પણ ઉમરેઠના પુસ્તકાલયમાં ચહેલ પહેલ થતી રહે છે.

ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર કાંસ બહાર કઢાયેલ કચરો કોણ ઉઠાવશે…?


ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર આવેલ ઓડ ચોકડી પાસે થોડા સમય ઉપર કાંસ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને આજે ખાસ્સો સમય વિતિ ગયો હોવા છતા આ કાંસ માંથી કાઢવામાં આવેલ કચરો આજે પણ રસ્તા ઉપર તેમનો તેમ પડેલ છે. જ્યારે કાંસ સાફ કરી બહાર કાઢવામાં આવેલ કચરો કોણ ઉઠાવશે તે હવે આ વિસ્તારમાં રહેતા લોકો માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે.

વધુમાં ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર આવેલ ઓડ ચોકડી પાસે મામલતદાર ઓફિસથી ઓડ ચોકડી થી લીંગડા તરફ જતા રસ્તા ઉપર ડાબી બાજુ આવેલ કાંસની સફાઈ લાગતા વળગતા તંત્ર ધ્વારા કરવામાં આવી હતી જ્યારે આ કાંસ માંથી કાદવ – કીચ્ચડ સહિત જંગલી વનસ્પતી બહાર કાઢી રસ્તા ઉપર બહાર કાઢવામાં આવી હતી, જે ને આજે લગભગ બે થી ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતા કાંસ વિભાગ કે રસ્તા વિભાગ ધ્વારા આ કચરો ઉઠાવવામાં આવ્યો નથી જેના કારણે આ રસ્તે થી પસાર થતા વાહનો સહિત અન્ય રાહદારીઓ ખાસ્સી પરેશાની નો સામનો કરી રહ્યા છે અને દુર્ગંધને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ વિસ્તારમાં કાંસ ની આજુ બાજુ ખાણી પીણીની લારીઓ સહિત પેટ્રોલ પંપ, સરકારી ગેસ્ટ હાઊસ પણ આવેલ છે જેથી અવાર નવાર આ વિસ્તારમાં લોકોની અવર જવર વધારે હોય છે. આ કાંસ માંથી કાઢવામાં આવેલ કચરો સુકાઈ ગયો હોવા છતા અને સદર વિસ્તારની ગરીમાને ધ્યાનમાં રાખી કચરા ને દૂર કરવામાં લાગતા વળગતા તંત્ર ધ્વારા કોઈ જહેમત ઉઠાવવામાં આવે તે આવકાર દાયક રહેશે.

ઉમરેઠ અને આણંદમાં ધરતી ગરમ થવાની ઘટના અંગે ભૂસ્તર શાસ્ત્રી શું કહે છે..?


ઉમરેઠ અને આણંદ પાસેના મોગરમાં ધરતી ગરમ થવાની ઘટના અંગે આણંદ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી કે.બી.પંડયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈને સરદાર ગુર્જરી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના સામાન્ય છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. વરસાદની સીઝનમાં જમીનમાં થતા રાસાયણિક ફેરફારોથી આ પ્રકારની ઘટના સર્જાય છે. થોડા સમય અગાઉ બોરસદમાં આવો કિસ્સો બનવા પામ્યો હતો. જે વિસ્તારમાં જલ સ્તર નીચા હોય તે વિસ્તારમાં મોટા ભાગે આવી ઘટના બને તે સામાન્ય છે.

જો કે આ ઘટના ધરતીના પેટાળમાં થતી કોઈક પ્રકિયાનો ભાગ હોઈ શકે પરંતુ એકાએક બનેલ ઘટનાથી પરિવારો ઉપરાંત આજુબાજુના લોકોમાં પણ કૂતુહલની સાથે ભીતિ પણ ફેલાઈ જવા પામી હતી તે પણ હકિકત છે.

પૂરક માહિતી – સરદાર ગુર્જરી, આણંદ

ઉમરેઠ બાદ આણંદના મોગરી ગામમાં પણ ધરતી ગરમ થઈ…!


ઉમરેઠ પાસે આવેલ લાલપૂરા ગામમાં ગઈકાલે બપોરે એક મકાનમાં નિસરણીના બે પગથિયા ગરમ થઈ જતા હોવાની વાતે કૂતુહલ ફેલાવ્યું હતુ ત્યારે આજ સંદેશ પેપરમાં આણંદ પાસેના મોગર ગામમાં પણ આવોજ એક બનાવ બન્યો હોવાની ખબર છપાઈ છે ત્યારે આણંદ જિલ્લામાં બે જગ્યાએ ધરતીના પેટાળમાં કાંઈ રંધાઈ રહ્યું હોય તેવી આશંકા છે ત્યારે આ અંગે ભૂસ્તર ખાતું ચોક્કસ તપાસ કરી યોગ્ય તારણ કાઢે તો આ વિસ્તારના રહિશો ભય મુક્ત રહે..

સંદેશમાં મોગર ગામ અંગેની ખબર વાંચવા અહિયા ક્લિક કરો…

ઉમરેઠ પાસે ધરતી ગરમ થતા કૂતુહલ…!


પગથિયા અચાનક ગરમ થઈ ગયા હતા.

ઉમરેઠ પાસેના લાલપુરા ગામમાં ગોતાભાઈ ભોઈના ઘરમાં ઉપલા માળે ચઢવાની નિસરણીના બે પગથિયા ગરમ થતા સમગ્ર ઉમરેઠ પંથકમાં કૂતુહલ વ્યાપી ગયું હતું. ગોતાભાઈ નિત્ય નિયમ મુજબ સવારના પાંચના અરસામાં ઘરના નીચેના ભાગમાં આવ્યા હતા જ્યાં દાદરમાં બે પગથિયા ગરમ જણાયા હતા પરંતુ તેઓએ તેની અનદેખી કરી હતી જ્યારે સવારના સુમારે તેમના પરિવારના અન્ય લોકોને પણ આ બે પગથિયા ગરમ જણાતા તેઓએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગામના સરપંચને આ અંગે જાણ કરી હતી.

જ્યારે ગામના સરપંચ અને અન્ય ગામના લોકો ગોતાભાઈના ઘરે આવી પહોંચ્યા હતા અને દાદરના પગથિયા ગરમ થતા હોવાની સમગ્ર ઘટનાની પુષ્ટી કરી હતી. જ્યારે આ મુદ્દો ગંભીર જણાતા ગામના સરપંચ અરવિંદભાઈ ઝાલાએ ઉમરેઠ પોલિસ સ્ટેશન અને મામલતદાર કચેરીએ આ અંગે જાણ કરી હતી જ્યારે ગામના લોકોએ આ દાદર ઉપર ઈંડું ફોડી આમલેટ પણ થતા જોઈ હોવાને કારણે તેઓ વિચારમય બની ગયા હતા.

ઈંડાની આમલેટ બની...

ઉમરેઠ પોલિસે સમગ્ર મામલાની સમિક્ષા કરી હતી ,મામલતદાર અનસુયાબેન ઝા એ મામલાની ગંભીરતા થી લઈ ભીસ્તર શસ્ત્રીની મદદ લેવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.આ સમગ્ર ઘટનાના પગલે ઉમરેઠ તાલુકાના લાલપુરા પંથકમાં અનેક જાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ ચમત્કાર હશે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ એતો ભૂસ્તર શસ્ત્રીઓ આવે પછી જ ખબર પડશે..! ત્યારે કેટલાક લોકો આ ચમત્કાર ગણે છે તો કેટલાક લોકો જમીનની નીચે કાંઈ રંધાઈ રહ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

ઉમરેઠના ઓડ બજારમાં શોટ સર્કીટથી ત્રણ દૂકાનોમાં આગ લાખ્ખોનું નુકશાન


દૂકાનમાં આગ

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ ત્રણ દૂકાનોમાં બપોરના ૨.૩૦ કલાકની આસપાસ આગ લાગતા આ ત્રણેય દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી જ્યારે આગ શોટ સર્કીટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ નિકળ્યું હતું. જ્યારે ત્રણેય દૂકાનો આગમાં સંપૂર્ણ રીતે બળી જતા લાખ્ખોના નુકશાન થયું હતું.

આગ ઓલવવાની કામગીરી

ઓડ બજારમાં આગ લાગી હોવાની વાત નગરમાં ફેલાતા લોકટોળા એકત્ર થયા હતા અને યુવાનોએ આગ ઓલવવા કામે લાગી ગયા હતા જ્યારે થોડા સમય પછી ફાયર બ્રીગેડ આવી હતી પરંતું ત્યાં સુધી આગએ સંપૂર્ણ રીતે ત્રણેય દૂકાનો રાખમાં ફેરવી દીધી હતી. જ્યારે સોમવાર અને બંધનું એલાન હોવાને કારણે બજારો સુમસામ હતા અને દૂકાનો પણ બંધ હોવાને કારણે કોઈ વ્યક્તિને આ આગમાં નુકશાન ન થયું હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ચાલુ દિવસે આ આગ લાગી હોત તો આ આગ વધુ પ્રસરતી અટકાવી શકાઈ હોત તેમ પણ લોકો ચર્ચા કરતા હતા.

%d bloggers like this: