આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2021

થામણા / સુંદલપુરા – સાંજે ૫ થી સવારના ૬ સુધી સ્વૈછિક લોકડાઉન


ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાય દિવસ થી કોરોના સંક્રમનમાં વધારો થઈ રહ્યો છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામમાં પણ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે સાવચેતીના પગલા રૂપે ઉમરેઠ તાલુકાના થામણા ગામે આગેવાનો અને પ્રજાજનોની રજૂઆતના પગલે સમરસ ગ્રામપંચાયત થામણા દ્વારા સાંજે ૫ થી સવારે ૬ કલાક સુધી ગામમાં સ્વૈછિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સદર લોકડાઉન નો અમલ  નવો આદેશ ન થાય ત્યાં સુધી પાલન કરવાનું રહેશે.  બીજી બાજૂ ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ પંચાયત દ્વારા પણ કોરોના સંક્રમન ને વધતુ અટકાવવા માટે સાંજે ૫ થી સવારે ૬ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ દરમ્યાન ગ્રામ્યજનોને ઘરની બહાર ન નિકળવા તેમજ દૂકાનો બંધ રાખવા માટે પંચાયત દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના સુંદલપુરા ગામમાં પણ છેલ્લા અમુક દિવસ થી કોરોના કેસ આવ્યા હતા.

લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા આયુર્વેદિક પોટલી તેમજ બિસ્કીટ નું વિતરણ કરાયું.


ઉમરેઠ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં ક્લબના સભ્ય સુનિલભાઈ પટેલ દ્વારા બાળકોને બિસ્કીટ તેમજ કોરોના સામે રક્ષણ મેળવવા ઉપયોગી તેવી આરોગ્ય પોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ પાલીકાના વોર્ડ નં.૪ના સભ્ય લવભાઈ દોશી તેમજ નીરજભાઈ ગજ્જર વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠ : પાલિકાને ભાડુ કે ડિપોઝીટ વિના જ ઘરેલુ ગેસ પાઇપલાઇનની કામગીરી શરુ થયાનો હોબાળો


ઉમરેઠ નગરપાલિકામાં ઘરેલુ રાંઘણગેસ પાઇપલાઇનથી પૂરો પાડવા માટેની કામગીરીને મંજૂરી આપવા મામલે સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયાની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ સત્તા પક્ષ દ્વારા સર્વાનુમતે ઠરાવ થયાનું જણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ દાવો કરી રહ્યો છે કે કોઇ મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, પાલિકા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન નાંખવા માટે એજન્સી સાથે નિયમો નકકી કરીને કામ અપાતું હોય છે. જેમાં ગેસ પાઇપ લાઇન નાંખવા સમયે તોડવામાં આવતા રોડના માટી પુરાણ સહિત રોડ બનાવી આપવાની જવાબદારી તથા જો પાલિકા ભાડુ નકકી કરે તો તે ભાડાની ચૂકવણી, ડિપોઝીટ સહિતના નિયમો બનાવીનં સમજૂતિ કરાર કરવામાં આવે છે. જેથી એજન્સીની જવાબદારી નકકી થાય. પરંતુ ઉમરેઠ પાલિકા દ્વારા ફકત ગેસ પાઇપલાઇન નાંખવાની મંજૂરીનો ઠરાવ બહુમતિથી કરવામાં આવતા વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. ઉમરેઠના નગરજનોને ઘરેલુ ગેસ પાઇપલાઇનથી ઉપલબ્ધ થશેની સત્તા પક્ષની વાતો વચ્ચે પાઇપલાઇનના ખોદકામ સમયે રસ્તાઓ તોડવા સહિતનો ખર્ચ અને જમીન સંપાદન અંગે પાઇપલાઇન કંપની દ્વારા પાલિકાને કેટલા નાણાં ચૂકવાશે તે અંગે કોઇ સ્પષ્ટતા જ કરવામાં ન આવ્યાનું વિપક્ષ જણાવી રહ્યો છે. જાણવા મળ્યાનુસાર થોડા સમય અગાઉ ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખની સત્તા પૂર્ણ થયા બાદ વહીવટદારના શાસન દરમ્યાન ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં ગેસ પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરુ થઇ હતી. ઉમરેઠ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ ગત તા. ૩૧ માર્ચ,ર૦ર૧ના રોજ યોજાયેલ બેઠકમાં નગરમાં ઘરેલુ ગેસ પાઇપલાઇન નાંખવવા માટે કંપનીને એનઓસી આપવાની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિપક્ષ દ્વારા પાઇપલાઇનની કામગીરીના વિવિધ પાસાં અંગે વિસ્તૃત ચર્ચા કરવા જણાવાયું હતું. પરંતુ સત્તાપક્ષે બહુમતિથી ઠરાવ પાસ કરી રહ્યાના આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. બીજી તરફ પાઇપલાઇનનો ઠરાવ સર્વાનુમતે જનરલ સભામાં પાસ થઇ ગયાનો પાલિકા દ્વારા ગેસ કંપનીને પત્ર પાઠવાયા હોવાની જાણ થતા વિપક્ષના સભ્યો રોષે ભરાયા છે. તેઓએ આ અંગે પોતાનું સમર્થન હોવાની વાતનું ખંડન કરી રહ્યા છે. જાણવા મળ્યાનુસાર ઉમરેઠ પાલિકાની સભામાં નગરમાં ઘરેલુ ગેસ પાઇપલાઇન અંગેનું એજન્ડામાં કામ રજૂ કરાયું ત્યારે વિપક્ષના સંજયભાઇ પટેલ, ભદ્રેશભાઇ વ્યાસ, લવભાઇ દોશી અને પૂનમબેન કાછીયા દ્વારા આ અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. જે સૂચનો પર પાલિકા દ્વારા અમલવારી બાદ પાઇપલાઇન પ્રોજેકટને લીલી ઝંડી આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ સૂચનોની અમલવારી વિના જ સર્વાનુમતે ઠરાવ પસાર થયાનો પાલિકાએ ગેસકંપનીને પત્ર પાઠવી દીધાના મામલે વિપક્ષ આકરાં પાણીએ છે.

અન્ય પાલિકાઓની જેમ ઉમરેઠ પાલિકાને પણ ગેસ કંપની નિયત ભાડુ આપશે : ઇશ્વરભાઇ કોન્ટ્રાકટર, કારોબારી ચેરમેન

ઉમરેઠ નગરપાલિકાના કારોબારી ચેરમેન ઇશ્વરભાઇ કોન્ટ્રાકટર સાથે ઘરેલુ રાંધણગેસના પાઇપલાઇન પ્રોજેકટ અંગે પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે પાલિકાની બેઠકમાં ચર્ચા થઇ હતી. જેમાં રાજય સરકાર દ્વારા નિદિૃષ્ટ કરાયેલ ભાવ મુજબ જમીન સંપાદન, ભાડુ, રસ્તાઓની મરામત વગેરે ગેસ કંપની દ્વારા ઉમરેઠ પાલિકાને ચૂકવાશે. આ તમામ બાબતો લેખિતમાં મળ્યા બાદ તેની નકલ પણ વિપક્ષના સભ્યોને આપવામાં આવશે. જો કે વિરોધ પક્ષ હોય એટલે વિરોધ તો કરે જ તેમ જણાવતા તેઓએ ઉમેર્યુ હતું કે, પાઇપલાઇન અંગેનો ઠરાવ બહુમતિએ મંજૂર કરાયો હતો.

એગ્રીમેન્ટ થયું ન હોવા છતાંયે ગ્રાહકોના ફોર્મ ભરાવવાનું શરુ કરાયું : સંજયભાઇ પટેલ, વિપક્ષ નેતા

ઉમરેઠ નગરપાલિકાના વિપક્ષના નેતા સંજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉમરેઠમાં ઘરેલુ ગેસ પાઇપલાઇનના પ્રોજેકટ અંતર્ગત પાલિકાને કેટલી ડિપોઝીટ અપાશે, એગ્રીમેન્ટની શરતો સહિતની બાબતો સ્પષ્ટ થવા સહિતના અમે સૂચનો કર્યા હતા. પરંતુ અમારા સૂચનોને અવગણીને, ગેસ કંપની સાથે લેખિત કરાર થયા વિના જ નગરમાં ગ્રાહકોના પાઇપલાઇન જોડાણ મેળવવા અંગેના ફોર્મ ભરાવવાના શરુ થઇ ગયા છે.

ઉમરેઠ – હવે નગર પાલીકામાં ચુંટાયેલા સભ્યો નું જ ચાલશે…?


ઉમરેઠ – તાજેતરમાં ઉમરેઠ નગર પાલિકામાં વોર્ડ નં.૧ ના સભ્ય અને સેનેટરી કમીટીના ચેરમેન હિમાક્ષીબેન બારોટ ના પિતા દ્વારા શૈલેષભાઇ બારોટ દ્વારા વોર્ડ નં.૪ ના સભ્ય અને વિપક્ષના નેતા લવભાઇ દોશી સાથે કરેલ ગેરવર્તન ને લઇ ને તેઓએ નગર પાલીકા ચીફ ઓફિસર તેમજ ઉચ્ચ કક્ષાએ ચુંટાયેલ સભ્યો ના પિતા-પતિ દ્વારા થતા વિવિધ ખાતાના વહિવટ કરવામાં આવતા હોવાની લેખિત રજૂઆત કરી સદર મુદ્દે ઘટતુ કરવા રજૂઆત કરી હતી. ત્યારે અચાનક આજે ઉમરેઠ પાલીકા ના ચીફ ઓફિસર દ્વારા એક કચેરી હૂકમ બહાર પાડવામા આવ્યો હતો. જેમા પાલીકાના કર્મચારીઓ તેમજ જેતે શાખાના અધ્યક્ષ ને ઉલ્લેખી લખવામાં આવ્યુ હતુ કે, પાલીકામાં ફાઇલો કે દસ્તાવેજો ચુંટાયેલા સભ્ય સીવાય અન્ય વ્યક્તિ ને બતાવી નહિ તેમજ કામ સીવાય અન્ય લોકો ને કચેરીમાં બેસવાદેવા નહી આમ કરવામાં શરત ચુક થશે તો જેતે કર્મચારી કે શાખા અદ્યક્ષ ની જવાબદારી રહેશે. ઉમરેઠમાં સદર કચેરી હૂકમ શોશીયલ મીડીયામા વાઇરલ થયો હતો જેને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે તેમજ નગરજનો ચર્ચા કરી રહ્યા છે કે, સદર હૂકમ નું ખરેખર પાલન થશે કે પછી શેઠ ની શિખામણ ઝાપા સુધી જેવો ઘાટ ઘડાશે..? તે જોવુ રહ્યુ.

ઉમરેઠ ની નવા જૂની…


  • સૌથી પહેલા સરસ વાત, ઉમરેઠમાં ટાઉન હોલ ખાતે કોવીડ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે, ગઈકાલ થી આ અંગે ની નોટીફીકેશન શોશિયલ મીડીયામાં વાઈરલ થઈ રહી છે.
  • ઉમરેઠમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી (બંધ) કર્ફ્યુ નો અમલ સારી રીતે થઈ રહ્યો છે, રાત્રીના ૮ પછી દૂકાનો બંધ થઈ જાય છે અને માર્ગો પર એક્કલ દુક્કલ લોકો જ ફરતા દેખાય છે. પણ સવાર થાય છે ને બધુ તેમ નું તેમ, હાલમાં સ્થીતી ખરેખર વણસી ગઈ છે, હોસ્પિટલોમાં એડમીટ થવા માટે બેડ પણ ઓછા પડે છે, હવે વેક્સીન અને માસ્ક તેમજ શોશિયલ ડીસ્ટન્સ માત્ર બચવા માટે ઉત્તમ ઉપાય છે માટે સૌ નગરજનો ને પ્રાર્થના માસ્ક અવશ્ય પહેરો તેમજ ૪૫ વર્ષ થી વધુ ઉંમર હોય તો વેક્સીન જરૂર થી મુકાવો.
  • ૪૫ વર્ષ થી વધુ વયના જે લોકોએ વેક્સીન નો પહેલો ડોઝ લીધો હોય અને બીજા ડોઝ નો સમય થઈ ગયો હોય તો સરકારી દવાખાનામાં બીજો દોઝ મુકવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત બીઝા ડોઝ માટે ઓનલાઈન રજીસ્ટેશન https://selfregistration.cowin.gov.in/ આ લીંક થી થઈ શકશે.
  • ઉમરેઠમાં કોરોના કેસ હજુ પણ આવી રહ્યા છે, ગામના લોકો ચર્ચા કરી રહ્યા છે કે સરકારી દવાખાનામાં માત્ર ૨૫ ની આસપાસ દૈનિક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે વધારવામાં આવે તો કોરોના ના કેસનો આંકડો વધારે આવે તેમાં બે મત નથી. આ ઉપરાંત ટેસ્ટ કરવા માટે સવારે સમય મર્યાદીત કરવામાં આવ્યો છે જે ની બદલે આખો દિવસ ટેસ્ટ કરવાની કાર્યવાહી ચાલવી જોઈયે તેવો નગરજનોનો મત છે.
  • હાલમાં રસી મુકવાનું કામ ઉમરેઠમાં પુર જોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ૪૫ વર્ષ નીચેના લોકો હજૂ રસી માટે રાહ જોઈ રહ્યા છે. હવે ૧૮ થી ૪૫ વર્ષ સુધીના લોકો ને પણ રસી મુકવાની સરકારે તુરંત વ્યવસ્થા કરવી જોઈયે કેમ કે યુવાનો જ દેશ નું ભવિષ્ય છે અને તેઓને જ રસી મુકવામાં અગ્રીમતા ન આપવામાં આવે તે કેટલું યોગ્ય છે..? હાલના તબક્કામાં કેટલાક પ્રેસ રીપોર્ટ અનુસાર યુવા વર્ગ જ કોરોના સંક્રમીત વધારે થઈ રહ્યો છે અને દેખીતી વાત છે, કેમ કે યુવા વર્ગ ને જ નોકરી-ધંધા અને અભ્યાસ માટે વધારે બહાર જવાનું હોય છે , અને હા ખાસ વાત તે છે કે કેટલાય ૧૮ થી ૪૫ વર્ષના યુવાનોએ રસી મુકાવી પણ દીધી છે. (લાગવગવાળા)

મહીલા સભ્યના પિતા ધ્વારા સફાઈ અંગે રજૂઆત કરવા ગયેલા વિપક્ષના સભ્ય સાથે ગેરવર્તન કર્યું.


ઉમરેઠ પાલીકાના સેનેટરી વિભાગના ચેરમેનના પિતાએ કાઉન્સિલર પર ખૂરશી ઉગામી..!

ઉમરેઠ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા સભ્યના પતિ કે પિતા વહિવટ કરવા આવે છે, ઉપર થી રજૂઆત કરવા આવતા લોકો સાથે ગેરવર્તન કરતા હોવાનું બહાર આવ્યું છે, આજે ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નં. ૪  ના કાઉન્સિલર લવભાઈ દોશી પોતાના વોર્ડ સહીત નગરના અન્ય વિસ્તારના સાફ સફાઈ અને સેનેટાઈઝ ના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ગયા હતા જ્યાં સેનેટરી ઓફિસમાં વોર્ડ નં.૧ના કાઉન્સિલર હેમાક્ષીબેન બારોટ (ચેરમેન, સેનેટરી વિભાગ) ના પિતા હાજર હતા જેઓને લવભાઈ દોશીએ સફાઈના પ્રશ્નોની રજૂઆત કરી પ્રવર્તમાન સ્થિતિ માં સફાઈ કામગીરી તેઓના વોર્ડમાં વ્યવસ્થિત ન થતી હોવાનું જણાવ્યું હતુ , અને જો તેમના વિસ્તારમાં સફાઈ સેનેટાઈઝ નહિ થાય તો તેઓના વિસ્તારના લોકો સાથે રજૂઆત કરવા આવશે જેથી સદર મુદ્દો ઉગ્ર બનતા લવભાઈ દોશીના જણાવ્યા મુજબ વોર્ડ નં.૧ના કાઉન્સિલર હીમાક્ષીબેન બારોટના પિતાએ સેનેટરી કચેરીમાં પડેલી ખુરશી તેઓ સામે ઉગામી હતી. એક તરફ ચૂંટાયેલા મહિલા સભ્ય ની જગ્યાએ સેનેટરી વિભાગ માં શૈલેષભાઈ બારોટ વહીવટ કરતા હતા ઉપર થી ચૂંટાયેલા સભ્ય સાથે આવું બેહૂદુ વર્તન કરતા કાઉન્સીલર લવભાઈ દોશી અચંબામાં મુકાઈ ગયા હતા અને ઓફિસમાં તેમજ ઓફિસ બહાર બેઠેલા લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. લવભાઈ દોશીએ જણાવ્યું હતુ કે હું ચુંટાયેલો સભ્ય હોવા છતા મારી સાથે આવું વર્તન થાય છે તો સામાન્ય પ્રજાજનો સેનેટરી વિભાગમાં આવે તો તેઓ પાસે કેવું વર્તન થતુ હશે તે વિચારવું રહ્યું. લવભાઈ દોશીએ સદર મુદ્દે  ચીફ ઓફિસર સહિત નગરપાલિકા નિયામક, કલેક્ટરશ્રી આણંદ તેમજ મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું.

લવભાઈ દોશી ની રજૂઆત બાદ વોર્ડમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ.

ઉમરેઠ પાલીકામાં વોર્ડ નં.૪માં સફાઈ અંગે રજૂઆત કરવા ગયેલ લવભાઈ દોશી સાથે સેનેટરી વિભાગના ચેરમેન હેમાક્ષી બેન બારોટ ના પિતાએ ગેરવર્તન કરતા મામલો બિચક્યો હતો અને આ અંગે લવભાઈ દોશીએ ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરવાની તૈયારી બતાવી હતી જો કે આ બનાવબાદ પાલીકા તંત્ર દ્વારા વોર્ડ નં.૪માં ગણતરીના સમય માં સફાઈ કામદારો મોકલ્યા હતા અને સાફ સફાઈ કરાવી હતી.

ઉમરેઠ – કોરોના વાયર્સનું સંક્રમણ વધતારાત્રી કરફ્યુ.


આજ થી રાત્રે ૮ થી સવારે ૬ કલાક સુધી ઉમરેઠની તમામ દૂકાનો બંધ કરવા તંત્રએ અપીલ કરી છે, છેલ્લા દશ દિવસ થી ઉમરેઠમાં કોરોના કેસ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાલીકા તંત્ર દ્વારા નગરના વહેપારીઓ સાથે બેઠક કરી નગરમાં આશંકીક લોકડાઉન કરવા મનોમંથન કર્યુ હતુ પરંતુ આ અંગે વહેપારીઓ દ્વારા વિરોધ્ધ કરવામાં આવ્યો હતો. આજે બંધ રાત્રી ના ૮ થી સવાર ના ૬ સુધીના બંધની વ્યાપક અસર દેખાઇ રહી છે, સામાન્ય પરીસ્થીતી માં ધમધમતો પંચવટી સહીત ના મુખ્ય બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે

અવસાન નોંધ


આજે ઉમરેઠ ચોકસી બજાર બંધ પાડશે.!

ર્ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી


ઉમરેઠ – ર્ડો. બાબા સાહેબ આંબેડકરના ૧૩૦મા જન્મ દિવસ નિમિત્તે ઉમરેઠના ભગવાનવગા વિસ્તારમાં ર્ડો.બાબા સાહેબ  આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ઉમરેઠના યુવાક્રાંતિ મંચના મિલનભાઈ વ્યાસ, શહેર કોગ્રેસ પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ ન.પા.કારોબારી ચેરમેન ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા જ્યારે ઉમરેઠ  આપ દ્વારા પણ ર્ડો.બાબા સાહેબ  આંબેડકરની જન્મ જયંતિ નિમિતે તેઓની પ્રતિમાને ફુલહાર ચઢાવવામાં આવ્યા હતા. કોવીડ ના સમય ને કારણે આપના શહેર પ્રમુખ  રાજુભાઈ પટેલ તેમજ જૂજ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા અને દેશના બંધારનના ઘડવૈયા ર્ડો.બાબા સાહેબ  આંબેડકરને શ્રધ્ધાંજલિ વ્યક્ત કરી હતી.

ઉમરેઠ નગરપાલિકામાં કમિટી ફાળવણી મુદ્દે ડખો સત્તાપક્ષના બે સભ્યો દ્વારા ફાળવેલ કમિટીનો અસ્વીકાર – ૪૭.૪ર લાખની પુરાંતવાળુ બજેટ બહુમતીથી મંજૂર


ઉમરેઠ પાલિકાના પ્રમુખ રમીલાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉમરેઠ પાલિકાનું બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૮,૨૦,૩૬,૭૮૬ની સંભવિત આવક સામે કુલ સંભવીત ખર્ચ ૩૭,૭૨,૯૪,૬૦૨દર્શાવવામાં આવ્યો હતો. જેથી ૪૭,૪૨,૧૮૪ પુરાંતવાળું બજેટ બહુમતીથી મંજૂર થયું હતું. ઉમરેઠ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ રમીલાબzેન પટેલની અધ્યક્ષતામાં ઉમરેઠ નગરપાલિકાના ચૂંટાઈ આવેલા સભ્યોની બેઠકમાં પાલિકાની વિવિધ કમિટીના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે પાલિકાની પ્રથમ બેઠક જ સત્તાપક્ષને પહેલા કોળીયે માંખ આવી હોવાનો અહેસાસ થયો હતો. ખાતા ફાળવણી અંગે અસંતોષ વ્યક્ત કરતા સિનિયર નેતા કનુભાઈ બેગ્લોરી અને ઝરીનાબેન ચૌહાણે પોતાના ફાળવવામાં આવેલ ખાતાનો અસ્વીકાર કરી ખાતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું હતું. જેને પગલે સત્તા પક્ષમાં સોપો પડી ગયો હતો અને તેઓને મનાવવા સંગઠનના સભ્યોએ કવાયત હાથ ધરી હતી. બીજી બાજુ નગરપાલિકાની પહેલી બેઠકમાં વિપક્ષે આક્રમક વલણ અખ્યાર કરીને વેધક સવાલો કર્યા હતા. જેના જવાબ આપવામાં સત્તાધીશોએ મૌન ધારણ કરી દીધુ હતું અને સભા ગણતરીની મિનિટોમાં જ આટોપી દેવામાં આવી હતી. વર્ષોથી વિપક્ષની ભૂમિકા ઉમરેઠ પાલીકામાં નિર્જીવ અવસ્થામાં હતી તે સજીવ થતા નગરજનોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આજની બેઠકમાં કમિટીઓની કરાયેલ રચનામાં કારોબારી કમિટીના ચેરમેનપદે ઈશ્વરભાઈ પટેલ, પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ શાહ, સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનાના ચેરમેન હેમાલીબેન શુક્લ, કેન્દ્ર સરકારના નાણા પંચ યોજનાના ચેરમેન રાકેશભાઈ પટેલ, ડ્રેનેજ કમિટીના ચેરમેન નીલાબેન સુરેશભાઈ જોશી, સેનેટરી કમિટીના ચેરમેન હેમાંશી બારોટ, ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન રમીલાબેન પટેલ, દીવાબત્તી કમિટીના ચેરમેન આવૃત પટેલ, કાંસ અને પુર નિયંત્રણ કમિટીના ચેરમેન કમલેશ બી.પટેલ, બીપીએલ કમિટીના ચેરમેન મનીષાબેન તળપદા, નગર નંદનવન/ રમત ગમત કમિટીના ચેરમેન કમલેશભાઈ આર. પટેલ, શિક્ષણ કમિટીના ચેરમેન આનંદબેન વડોદિયા, ફાયર કમિટીના ચેરમેન કોમલબેન ભીલ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન રમેશભાઈ તળપદા તેમજ ફાયનાન્સ કમિટીના ચેરમેનપદે પ્રણય બાવાવાળાની નિયુક્તિ કરાઈ હતી.

વિપક્ષને ઠરાવની નકલ પણ આપવામાં નથી આવી- લવભાઈ દોશી

લવભાઈ દોશી

પાલીકાની આજની બેઠકમાં સત્તાપક્ષ દ્વારા વિરોધ પક્ષના કોઈ પ્રશ્નો જવાબ આપવામાં આવ્યો નહી તેમજ ચીફ ઓફિસર પણ મૂક પ્રેક્ષક બની રહ્યા હોવાનો વિપક્ષે ધારદાર વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના લવભાઈ દોશીએ જણાવ્યું હતું કે સત્તા પક્ષ દ્વારા બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું બેઠકમાં વંચાણે લીધેલા વિવિધ ઠરાવ સહિતની વિગતો સત્તાપક્ષ દ્વારા પુરી પાડવામાં આવી ન હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. તેઓએ ઉમેર્યુ હતું કે ચીફ ઓફિસરની હાજરીમાં બહુમતીના જોરે સત્તાપક્ષ પોતાની મન મરજીની પંદર મિનિટમાં સભા આટોપી લીધી હતી અને વિપક્ષની કોઈ વાત ધ્યાનમાં લીધી ન હતી જે લોકશાહી વિરૂધ્ધ છે.આ અંગે વિપક્ષ રાજ્ય કક્ષાએ રજૂઆત પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વિપક્ષ દ્વારા જૂના કામો સહિત નગરમાં આવનાર ગેસ પાઈપ લાઈન અંગે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

કનુભાઈ બેંગ્લોરી અને ઝરીનાબેન ચૌહાણે ફાળવેલ કમિટીનો અસ્વીકાર કર્યો

ઉમરેઠ પાલીકામાં કમિટીના ચેરમેનની નિયુક્તિમાં સભ્યોનો અસંતોષ સપાટી પર આવ્યો હતો અને વોર્ડ નં. ૬ ના કનુભાઈ બેંગ્લોરી અને વોર્ડ નં. ૭ ના ઝરીનાબેન ચૌહાણે પોતાને ફાળવેલ કમિટીના ચેરમેન પદનો અસ્વીકાર કરી રાજીનામું આપી લીધુ હતું. સાથે સાથે પક્ષને વફાદાર રહેવાનું તેઓએ જણાવ્યું હતું. ઝરીનાબેન ચૌહાણે જણાવ્યું હતું કે તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ અંગત અને કૌટુંબિક કારણથી તેઓ આ પદ માટે સમય ન ફાળવી શકતા હોવાથી જાહેર હિત ધ્યાનમાં રાખી રાજીનામું આપું છું, બીજી બાજુ કનુભાઈ બેંગ્લોરીએ જણાવ્યું હતું કે, તેઓને વોટર વર્કસ ખાતુ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ આ ખાતાનો અસ્વીકાર કરી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કનુભાઈ બેંગ્લોરી અને ઝરીનાબેન ચૌહાણ બંન્ને ઉમરેઠ પાલીકામાં ગત ટર્મમાં ઉપ-પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે, હવે પક્ષ આ બંન્ને દિગ્ગજોને રીઝવવા કયા પગલા ભરે છે. તે જોવું રહ્યું.

 

%d bloggers like this: