આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: umreth election loksabha 2014

ઉમરેઠમાં શાંતિપૂર્ણ મતદાન – યુવા,વડીલ તેમજ વૃધ્ધોએ મતદાન કરવામાં ઉત્સાહ દાખવ્યો.


ઉમરેઠમાં ૯૮ વર્ષની વૃધ્ધ મહિલાએ મતદાન કર્યું..!

ઉમરેઠ નગરપાલિકાના પરીસરમાં આવેલ મતદાન મથક ઉપરથી ઉમરેઠના રાવળ જડાવબેન નામની ૯૮ વર્ષની વૃધ્ધ મહીલાએ મતદાન કરી લોકસાહીના સૌથી મોટા મહોત્સવની ઉજવણી કરી હતી. આ સમયે તેઓના પરિવારજનો પણ તેઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.સામાન્ય રીતે આંખે ઓછું દેખાતુ હોવાની ઘર બહાર જવાનું ટાળતા જડાવબેન રાવળે જણાવ્યું હતુ કે ૯૮ વર્ષ થયા હોવા છતા તેઓ મતદાન અચુક કરે છે. તેઓ મતદાન કરવા માટે પોતાના પૂત્ર અને પૂત્ર વધુ સાથે સવારના સમયે જ મતદાન મથકે આવી પહોંચ્યા હતા અને મતદાનની ફરજ બજાવી હતી.

ઉમરેઠમાં વિકલાંગ રમેશભાઈએ કર્યું મતદાન..!

ઉમરેઠમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. ઉમરેઠના વિકલાંક રમેશભાઈ ચાલી શકતા ન હોવા છતા મતદાન કરવા હાજર રહ્યા હતા. તેઓને તેઓના પરિવારજનો ઉચકીને મતદાન મથકમાં લઈ ગયા હતા. જ્યાં મતદાન મથકના વિવિધ અધિકારીઓ દ્વારા તેમને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. તેઓ ઉભા ન રહી શકતા હોવાને કારણે પ્રિસાઈન્ડીંગ ઓફિસર સહીત અન્ય ઓફિસરો તેઓને મતદાન કરાવવા તેઓની આંગળી પર ટપકું લગાવવા તેમજ તેઓની સાઈન લેવા ખુદ તેમની પાસે જમીન પર બેસી ગયા હતા. આ દ્રશ્ય જોઈ અન્ય મતદારો પણ વિચારમય બની ગયા હતા અને રમેશભાઈની પ્રશંશા કરી હતી.

વોર્ડ નં.૮ના મતદારો ભીના પગ કરી મતદાન કરવા ગયા..!

6

ઉમરેઠના વોર્ડ નં.૮ના મતદારો માટે ગુજરાતી સ્કૂલ ઓડ બજાર ખાતે મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતુ. આ સ્કૂલ બહારનો રસ્તો તાજેતરમાં આર.સી.સી થયો હોવાને કારણે આજે વહેલી સવારે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ભીના કોથળા નાખવામાં આવ્યા હતા જેથી વહેલી સવારે મતદાન કરવા આવેલા મતદારોએ ભીના પગ કરી મતદાન કરવા જવાની ફરજ પડી હતી આ સમયે વૃધ્ધ તેમજ મહીલા મતદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.બપોર બાદ પાણી સુકાઈ જતા પરિસ્થિતી સામાન્ય થઈ હતી.

ઉમરેઠના ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી)એ મતદાન કર્યું.

7

 

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલે ચિખોદરા ગામમાં પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો.તેઓએ  ભરતસિંહ સોલંકી જંગી મતો થી આણંદ લોકસભા બેઠક જીતશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને  પ્રજાજનોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. જયંતભાઈ પટેલે સવારથી પોતાના મત વિસ્તારના વિવિધ  ગામડાનો પ્રવાસ શરૂ કર્યો હતો અને કાર્યકરોને મળ્યા હતા. 

ઉમરેઠમાં રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદિયાએ મતદાન કર્યું.

8

ઉમરેઠના વાંટા વિસ્તારમાં આવેલ મતદાન મથક પર રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયાએ મતદાન કર્યું હતું. પોતાના પત્નિ સાથે મતદાન કરવા આવેલ લાલસિંહ વડોદિયાએ જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં મોદીની લહેર છે અને ભાજપને ૩૦૦થી પણ વધુ બેઠક મળશે. તેઓએ આણંદ લોકસભા બેઠક પણ જંગી મતથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

યુવા મતદારો- અમેં જ હૂકમના એક્કા

10

ઉમરેઠ પંથકમાં સવારથી યુવા મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. કેટલાક યુવાનોએ તો જણાવ્યું હતુ કે પ્રથમ વખત મતદાન કરવાનો અવસર તેમના માટે ખુબજ મહત્વનો છે. આવનારા દિવસોમાં યુવાનો જ હુકમના એક્કા સાબીત થવાના છે. ઉમરેઠના કેટલાક યુવાનો નોકરી ધંધા અર્થે અમદાવાદ,વડોદરા, સુરત જેવા શહેરોમાં હોવા છતા મતદાન કરવા માટે ઉમરેઠ આવી પહોંચ્યા હતા અને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભરતસિંહ સોલંકી બિમાર હોવાની અફવા આખરે ખોટી પડી..!

ઉમરેઠમાં મતદાનના આગલા દિવસે ભરતસિંહ સોલંકી બિમાર છે, અને તેઓ હોસ્પીટલમાં દાખલ કરાયા છે તેમજ તેઓ જીતશે તોય બિમારીને કારણે રાજીનામુ આપશે અને ફરી ચુંટણી આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. દિવસભર કોગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોના ફોન રણક્યા કરતા હતા અને ભરતસિંહ સોલંકીના ખબર અંતર પુછતા હતા. મતદાનના દિવસે વહેલી સવારે જ ભરતસિંહ સોલકીએ મતદાન કર્યું હોવાની જાણ થતા જ કોગ્રેસના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોગ્રેસ અને એન.સી.પીના અગ્રણી નેતાઓએ આવી ખબરનું ખંડન કરી મતદારોને અફવાથી દૂર રહેવા વિનંતી કરી હતી.ભરતસિંહ સોલંકીએ ઉમરેઠ સહીત વિધાનસભા મતવિસ્તારના કેટલાક ગામની મુલાકાત પણ લીધી હતી.

એન.આર.આઈ માટે ખાસ મતદાનની વ્યવસ્થા હોવી જરૂરી – કોકીલાબેન દોશી

ઉમરેઠના ૭૫ વર્ષના કોકીલાબેન દોશીએ જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં તેઓ માત્ર એક જ વખત કેનેડા ગયા હોવાથી મતદાન કરવાનું ચુક્યા છે. તેઓએ ઉમેર્યું હતુ કે દેશ બહાર થોડા સમય માટે ગયેલા લોકો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચુંટણી પંચ ધ્વારા વિશેષ વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી લોકતંત્રના મહોત્સવમાં તમામ મતદારો ભાગલઈ શકે. આજે ઉમરેઠ ખાતે જ્યુબિલી સ્કૂલ ખાતેના મતદાન મથકે તેઓએ મતદાન કરી પોતાની જવાબદારી નીભાવી હતી.

%d bloggers like this: