આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2010

આજ કાલ ઉમરેઠના હાલ..


  • આજ કાલ ઉમરેઠમાં શાંતિનો માહોલ છે, ગઈકાલે રવીવાર હતો છતા લાઈટો બંધ નતી થઈ તે ખાસ આનંદની વાત છે.
  • ખેલમહાકુંભ અંતર્ગત ઉમરેઠના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં આજે વિવિધ રમતો રમાઈ હતી અને કલેક્ટરશ્રીના હસ્તે બાળકોને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.
  • ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આજથી સબ રજિસ્ટારની કચેરી કાર્યરત કરવામાં આવી છે, હવે આ કચેરીને લગતા કામો માટે આણંદ સુધી લાંબા થવાની જરૂર નથી
  • ખેલ મહાકુંભ પૂર્વે મેદાન સાફ કરાવવાની બાબતે ઉમરેઠ મામલતદાર અને ચીફ ઓફિસર વચ્ચે ચકમક ઝરી હતી તેવી લોકો ગુસપુસ કરી રહ્યા છે.
  • ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી છકડા રીક્ષાઓ ઉભી રહેતી હતી તે હાલમાં કેટલાક દિવસથી પોલીસે બંધ કરાવી દીધી છે, પણ હપ્તા ખાવાનું હજૂ ચાલુ જ છે તેમ રીક્ષાવાળા ગુસપુસ કરે છે.
  • ઉમરેઠના ધારાસભ્ય અને સંસદ સભ્ય ઉંઘની ગોળીઓ ખાઈ સુઈ ગયા લાગે છે, ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઓવરબ્રીજનું કામ પાંચ છ વર્ષથી પૂરૂ થયું નથી માત્ર રજૂઆત કરી તેઓ સંતોષ માની બેસી રહ્યા છે.
  • ઉમરેઠના ગુરૂદત્તાત્રેય મંદિરમાં ગતરાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા, જનતા તો ભગવાન ભરોસે છે જ પણ ભગવાન કોણા ભરોસે છે..? ઉમરેઠ પોલીસે રાત્રી પેટ્રોલીંગ સધન કરવાની જરૂર છે બાકી આખો શિયાળો બાકી છે.

..ખેર અત્યારે આટલું જ પછી મળીશું..આવતા રહેજો વાંચતા રહેજો…

£950,000,00નું દાન કરી દીધું..!


..જી હા, મેં £950,000,00નું દાન કરી દીધું ચોકી ગયાને…? વાત એમ હતી કે થોડા સમય પહેલા ઈ-મેલ આવ્યો, અને તેમાં જણાવ્યું હતુ કે તમારું (એટલે મારું) ઈ-મેલ આઈ.ડી £950,000,00ના ઈનામ જીત્યુ છે, તમારી ઈનામની રકમ માટે ક્લેમ કરવા નીચેની વિગરો મોકલો..

નીચેની વિગતો એટલે મારું નામ, સરનામું બધુજ.. આવા ઈ-મેલ જૂદી જૂદી રીતે કેટલાય દિવસથી આવે છે. નેટ પર ધૂતારાનો રાફળો ફાટ્યો છે તો મને પણ નવરાં બેઠા વિચાર આવ્યો લાવો તેમને જબાબ આપી વાત પૂરી કરું.. મેં નીચે મુજબ જવાબ આપી દીધો..

i dnt need this amount b’coz already i am reach person so pls i request you to donate this amount to your Nearest NGO…please

Vivek Doshi (India)

ભા’ઈ તમને પણ આવો મેલ આવે અને આવી માતબર રકમ ઈનામમાં મળે તો દાન કરી દે જો , કારણ કે જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા પેટ ભરીનેજ ખાય છે…!

ઉમરેઠ નગરપાલિકામાં કમીટીના ચેરમેન અને સભ્યોની નિમણુંક કરવામાં આવી


  • પહેલીજ સભા તોફાની બની, વિપક્ષના સભ્યો ચાલુ સભા છોડી ચાલ્યા ગયા..!

ઉમરૅઠમાં ભાજપે સત્તાના સમીકરણો સંભાળતાની સાથે આજે નગરપાલિકાના સભા ખંડમાં મળેલ સભામાં વિવિધ કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણુક કરવામાં આવી હતી આ સમયે ઉમરૅઠના વોર્ડ નં.૯ માંથી ભારે બહૂમતિથી જીતેલા ઉમેદવાર અરવિંદભાઈ પટેલને તેઓની પસંદગીનું ખાતું ફાળવવામાં ન આવતા તેઓએ લેખિતમાં પાલિકાના સુકાનીને કોઈ પણ ખાતું તેઓને ફાળવવામાં ન આવે તેવી લેખિત રજૂઆત કરી હતી જ્યારે આ રીતે રીસાયેલ સભ્યને મનાવવા માટે ભાજપના સત્તાધીશોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બીજી બાજૂ પહેલીજ સભામાં એજન્ડા સિવાયના કામમો મુકવામાં આવતા વિરોધ પક્ષ પણ નારાજ થયો હતો. ત્યારે એજન્ડા સિવાયના કાર્યો હાથ ઉપર લેવામાં આવતા સાથે જ વિરોધ પક્ષના નેતા સુભાષભાઈ શેલત અને તેઓની ટીમ સભા છોડી ચાલી ગઈ હતી.

ઉમરૅઠ પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની નિમણુંક પાલિકાના સુકાની વિષ્ણુભાઈએ કરી નગરના વિકાસને વેગ મળે તે માટે જે તે કમિટિના ચેરમેન અને સભ્યોને સલાહ સુચન આપી ગામમાં વિકાસ કાર્યોને શરૂ કરવા આહ્વાન કર્યુ હતું. નગર પાલિકાના વિવિધ સભ્યોને એક વર્ષની મુદ્દત માટે નીચે મુજબ ખાતાની ફાળવણી કરી ચેરમેન નિયુક્ત કરાયા હતા.

નામ ચેરમેન
શાહ શિતલબેન બાલમુકુંદભાઈ કારોબારી કમીટી
પટેલ અશોકકુમાર અંબાલાલ ચેરમેન, વોટર વર્કસ કમીટી અને યુ.આઈ.ડી.એસ.એમ.ટી
મલેક અલ્તાફભાઈ ઐયુબભાઈ ડ્રેનેજ કમીટી
ભુપેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ પી.ડબલ્યુ.ડી
મુકેશ અશોકભાઈ કાછીયા આઈ.એચ.એસ.ડી.પી કમીટી
વિષ્ણુભાઈ મકવાણા દિવાબત્તી કમીટી
સેનેટરી કમીટી જરીનાબેન મૈયુદ્દીન ચૌહાણ
છાયાબેન ભટ્ટ શિક્ષણ અને બી.પી.એલ કમીટી
વાઘરી ચીમનભાઈ કાભઈભાઈ બાગ બગીચા કમીટી
ગીતાબેન રાણા સ્વર્ણિમ જયંતી કમીટી
શારદાબેન રમેશભાઈ પટેલ રમત ગમત, કાંસ,પુર નિયંત્રણ અને ફાયર કમીટી

I Miss My Umreth b’coz


માદરે વતન ઉમરેઠ થી દૂર હોય તેવા લોકો પોતાના વતન ને કેમ યાદ કરે છે..? તેમના જૂના સંસ્મરણો, યાદો પોતાના અને તેમના મિત્રો વીશે આ વિભાગમાં લખી શકે છે. આ વિભાગમાં લખવા માટે અહિયા ક્લિક કરો.

ઉમરેઠના મનોનીત સાપ્તાહિકનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો


ઉમરેઠના પીઢ પત્રકાર કમલભાઈ વ્યાસના “મનોનીત” સાપ્તાહિકને ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નગરના ગાયત્રી હોલ ખાતે ઉજવાયો હતો આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રી આર.એન.જોશી સહીત ધારાસભ્ય લાલસિંહ વડોદિયા, મામલતદાર અનસુયાબેન ઝા સ્વામિનારાયણ મંદિરના મહંત તેમજ માહિતીખાતાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં મનોનીત સાપ્તાહિકને ૨૫ વર્ષ પૂર્ણ થતા શુભેચ્છા પાઠવી હતી. જ્યારે પ્રત્યુત્તરમાં કમલભાઈ વ્યાસે પણ પોતાના વાંચકોનો આભાર વ્યક્ત કરી પોતાની પત્રકારની આ લાંબી યાત્રામાં સહાય સહયોગ કરનાર તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહ પછી સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેનો આનંદ સૌ કોઈએ માણ્યો હતો

સંતરામ મંદિરમાં દિપમાળાના ભવ્ય દર્શન, સવિતામાસીને ત્યાં તુલસી વિવાહ યોજાયો.


  • ઉમરેઠમાં દેવ દિવાળીની ભક્તિભેર ઉજવણી

ઉમરેઠમાં દેવ દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે અગિયાર હજાર દિપમાળાના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ અન્નકુટ દર્શન પણ યોજાયા હતા જેનો લાભ લેવા માટે ઉમરેઠ સહીત આજૂ બાજૂના ગામડાના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દિપમાળા અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઉમરેઠમાં ત્રણપોળ ખાતે પણ સવિતામાસીને ત્યાં લાલાના તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે યજમાન પદે પ્રકાશભાઈ શાહ પરિવારને લાહ્વો મળ્ય હતો. તુલસી વિવાહ નિમિત્તે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શોભાયાત્રા બાદ ત્રણપોળ ખાતે વિધિવધ તુલસી વિવાહ સંપન્ન થયો હતો.

ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ-દિવાળી નિમિત્તે ૧૧ હજાર દિપ ઝળહળશે.


પ.પૂ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદક તથા પ.પૂ. મહંતી ગણેશદાસ મહારાજની આજ્ઞાથી સતત ૧૦માં વર્ષે સંતરામ મંદિર ઉમરેઠમાં ૧૧૦૦૦ દીવાની દીપમાળા રોશની કરવામાં આવશે. સમસ્ત મંદિરની જગ્યામાં ૧-૧ ફૂટનાં અંતરે દીપમાળા કરવામાં આવે છે. પુનમને દિવસે બપોરે ૧૨-૦૦ કલાકેથી આમલી ચકલા-શીલીવગા-લાલદરવાજા-સંતરામ વિસ્તાર- આજુબાજુના ગામોના યુવાન ભાઈ-બહેનો દીવા ગોઠવવાની સેવા આપતા હોય છે.દીવા ગોઠવાઈ જાય ત્યાર બાદ સાંજે ૬-૦૦ કલાકેથી દીપમાળા પ્રગટાવવામાં આવે છે.મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે અને વાતાવરણ દિવ્ય-ભવ્ય બની જાય છે.

આ દીપમાળા રોશનીમાં દર્શન કરવા માટે ૧૫૦૦૦થી ૨૫૦૦૦ ભકતો પધારીધન્યતા અનુભવશે.આ દિવસે શ્રી સંતરામ મહારાજને અન્નકુટ ધરાવવામાં આવશે અન્નુકટ દર્શન બપોરે ૪-૩૦થી રાત્રે ૮-૩૦ સુધી થાય છે. પૂ. મહારાજશ્રી તથા ભકતો અન્નકુટની આરતી ઉતારે છે. અન્નકુટની વિશેષતાએ છેકે, ઉમરેઠ, લીંગડા, પણસોરા, થામણા, રતનપુરા નવાપુરા, કુંજરાવ, ખંભોળજ, ઓડ, હમીદપુરા, ધોરા, હરીપુરા વિગેરે ગામોના ભક્તો અન્નકુટ પ્રસાદ ઘરે બનાવીને લઈ આવતા હોયછે.પ્રસાદ દેવ-દિવાળીએ બપોરે ૧૨-૦૦ કલાક સુધીમાં ભક્તોએ શ્રી સંતરામ મંદિર કાર્યાલયમાં જમા પ્રસાદ દેવ દિવાળીએ બપોરે ૧૨-૦૦ કલાક સુધીમાં ભક્તોએ શ્રી સંતરામ મંદિર કાર્યાલયમાં જમા કરાવવા પ.પૂ. મહારાજની આ દિવ્ય અને ભવ્ય ઉત્સવમાં સૌને પધારવા નિમંત્રણ પ્રમાણે આપય છે.

આ દેવ-દિવાળીનાં દિવસે સાંજે ૫ઃ૩૦ થી ૮-૦૦ સુધીઓડ ભજન મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ સાથે કારતક સુદ-૧૫નાં દિવસે થામણાંનાં ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવશે. આ મંદિરે ૧૨ મહિનાની ૧૨ પૂનમે પદયાત્રા દ્વારા થામણા-ઉમરેઠ-કુંજરાવ-ખંભોળજ-લીંગડા-ધોરા-હરીપુરા-રતનપુરા-પણસોરા-અરડી-નેસ વિગેરે અલગ-અલગ ગામોનાં ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવે છે તથા પ્રસાદ ભોજન કરાવવામાં આવે છે.આ સાથે સાથે દર પુનમે શ્રી સંતરામ મહારાજની ગાદી સન્મુખ સત્યનારાયણ ભગવાનની કથા અલગ-અલગ યજમાન દ્વારા થાય છે. – સ્ત્રોત – સરદાર ગુર્જરી

કોહિનુર બેન્ડ


બોલો ડાન્સ કરવાનો મુળ આવી ગયો ને..? કાનમાં સળવડાટ થવાલાગીને…? મન સંગીતમય થઈ ગયું ને…? જો તમે ઉમરૅઠના હશો કે પછી કોહિનુર બેન્ડને ક્યારેક માણ્યું હશે તો ચોક્કસ ઉપરોક્ત બધા સવાલનો જવાબ તમે “હા” માં આપશો. ઉમરેઠનું કોહિનુર બેન્ડ પરફોમન્સ કરતું હોય કોઈ સ્વજન કે મિત્રનો વરઘોડો હોય તો લંગડા,લુલા,નાના મોટા સૌ કોઈ નાચવાના મૂળમાં આવીજ જાય છે. બચ્ચનના ધમાલીંયા ગીતો હોય કે રાજકપુરના શાંત ગીતો કોહિનુર બેન્ડ ધ્વારા આ ગીતો ગાવામાં આવે તે શાંભળનારા મંત્રમુગ્ન થઈ જાય તેમાં કોઈ શંકા નથી.

છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામ સહિત જ્યાં જ્યાં ઉમરેઠના લોકો રહે છે ત્યાં કોહિનુર બેન્ડે તેઓનો દબદબો કાયમ રાખ્યો છે.પહેલાના સમયમાં ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો પરિવારના ગોર મહારાજ જે તે તારીખે નવરાં છે કે નહિ તેની ચોકસાઈ કરવામાં આવતી હતી પરંતુ હવે ઉમરેઠમાં કોઈના પૂત્રનું લગ્ન હોય તો કોહિનુર બેન્ડ જે તે તારીખે હાજર છે કે નહિ તેની ચોકસાઈ કરે છે.ઉમરેઠના લોકોનો આજ અભિગમ કોહિનુર બેન્ડની લોકપ્રિયતાની ચાડી ખાય છે. કોહિનુર બેન્ડના મૂળ માલિક મંગુભાઈ દવે હતા અને પહેલાના સમયમાં માસ્ટર ઈબ્રાહિમ અને માસ્ટર કરીમ બેન્ડનું સંચાલન કરતા હતા. તેઓના મધુર સંગીતના તાલ ઉપર યુવાધન વરઘોડામાં મન મુકીને નાચતું હતું હાલમાં કોહીનુર બેન્ડનું સંચાલન માસ્ટર ઈબ્રાહિમ અને માસ્ટર કરીમના પૂત્ર-પૌત્રો કરી રહ્યા છે. હાલમાં કોહિનુર બેન્ડના ગાયક રફીકભાઈની એક ખાસિયત છે, તેઓ પુરૂષ અને સ્ત્રી બંન્નેના અવાજમાં ગીત ગાઈ શકે છે અને સાથે સાથે કી-બોર્ડ તેમજ પીપુડી પણ સાથે સાથે વગાડી શકે છે.

કેટલાક પીઢ નાગરિકોના કહેવા મુજબ પહેલાના જમાનામાં કોહિનુર બેન્ડમાં એકોડીયન હતું,એકોડીયનથી સુમધુર સંગીત એટલું બધુ સરસ નિકળતું હતુ કે બે ઘડી લોકો તેને શાંભળવા થંભી પણ જતા હતા. કહેવાય છે, કોહિનુર બેન્ડના માસ્ટરને પહેલાના જમાનામાં લોકો સિગારેટ ઉપર ગીતની ફરમાઈશ લખી ને આપતા હતા. કોહિનુર બેન્ડ શીવરાત્રીના દિવસે અસ્તીત્વમાં આવ્યું હતુ, જેથી વર્ષોથી પરંપરા છે કે કોહિનુર બેન્ડ શીવરાત્રીના દિવસે પંચવટી વિસ્તારમાં ઉમરેઠની સંગીત પ્રેમી જનતા માટે લગભગ એક કલાક સુધી પરફોમન્સ આપે છે અને લોકોની ફરમાઈશ કરેલ ગીતો ગાય છે. આ પરંપરા આજે પણ યથાવત્ છે.

Spacial thanks To Navin Sutaria for suggest this post &  Pankaj Shah for Share some historical information about khohinoor Band

મદનલાલ પેઈન્ટર, પિલુનભાઈ અને જયંત પેઈન્ટર, ઉમરેઠની આર્ટીસ્ટ ત્રિપુટી


હાલમાં તો દૂકાનો અને ઓફિસોના પડદા કોમ્યુટરની મદદથી કેન્વાસ ઉપર પ્રીન્ટ કરી બનાવવાની પ્રથા અમલમાં આવી ગઈ છે, પણ આ પહેલા દૂકાનોની જાહેરાતોના પડદા બનાવવાના હોય કે કોઈ સાઈન બોર્ડ બધાના મોં માં જયંત પેઈન્ટરનું નામ આવે. ખેર તમને થશે કે આવા આર્ટીસ્ટો કે જે સાઈન બોર્ડ બનાવે કે પડદા બનાવે તેવા તો કેટલાય કારીગરો ઠેર ઠેર હશે તેમાં નવાઈ શું…?

તો અહિયા તમોને જણાવતા આનંદ થાય છે કે, જયંત પેઈન્ટર માત્ર પડદા કે સાઈન બોર્ડ બનાવવા પુરતાજ આર્ટીસ્ટ નથી તેઓ પાણીમાં રંગોળી બનાવી શકે છે અને રંગીન પાઊડરથી જમીન કે પ્લાઈવુડની સીટ ઉપર કોઈ પણ વ્યક્તિનું આબેહુ ચિત્ર પણ બનાવી શકે છે. જયંત પેઈન્ટરે ઉમરેઠમાં કેટલાય પ્રસંગમાં “શ્રીજીબાવા”,”મહાપ્રભુજી”,તેમજ કોઈ વ્યક્તિના ચીત્રો રંગોળી થી બનાવી ચુકેલ છે. વર્ષો પહેલા ઉમરેઠના સંતરામધામ ખાતે પૂ.રમેશભાઈ ઓઝ સહીત કેટલીય મહત્વની વ્યક્તિઓના આબેહૂ ચિત્ર તેઓએ બનાવી લોકોની શાબાશી મેળવી છે. ઉમરેઠના જયંતભાઈ પેન્ટર કોઈ પણ વ્યક્તિન ફોટો જોઈ તેનું આબેહૂ ચિત્ર રંગોળીથી બનાવી શકે છે.  ખરેખર જયંત પેઈન્ટર ઉમરેઠ માટે પ્રતિભાશાળી વ્યક્તિ છે.

આ ઉપરાંત ઉમરેઠના મદનભાઈ પેન્ટર પણ પ્રતિભાશાળી આર્ટીસ્ટ હતા તે પણ કલરની મદદથી કોઈ પણ વ્યક્તિનું ચિત્ર પેઈન્ટ કરી શકતા હતા. ફિલ્મોના સાઈનબોર્ડ સહિત રણછોડરાયજી મંદિર ડાકોરમાં પણ તેઓએ ફોટા બનાવ્યા હતા.વધુમાં મદનલાલ પેઈન્ટરે ઈનામી સ્પર્ધાઓ પણ મોટી સંખ્યામાં જીતી હતી લગભગ જે પણ કોઈ સ્પર્ધામાં ભાગ લેતા હતા તે બધી જ સ્પર્ધામાં તેઓ નાના મોટા ઈનામો જીતતા હતા.તેઓની ઈનામી યાત્રા અંગે જાણવા અહિયા ક્લિક કરો.

વધુમાં ઉમરેઠના પીલુનભાઈ ગોસ્વામી પણ એક સરસ આર્ટીસ્ટ છે. તેઓ પણ પોતાની કારીગરીથી ચિત્રો અને દૂકાનોના સાઈન બોર્ડ બનાવવામાં માહિર છે. તેઓના હાથ આમ તેમ ફરે એટલે ચિત્ર આપોઆપ આકાર પામતા હોય છે. તેઓનો ફોટો સ્ટુડિયો હાલમાં પણ ઉમરૅઠમાં કાર્યરત છે. ઉમરેઠના આ ત્રણ આર્ટીસ્ટોને લીધે પણ ઉમરેઠને ઓળખનાર વર્ગ અલગ છે.

Spacial thanks To Mr.Manoj shah (Ghabhawala) for suggest Some Point for this Post 

ઉમરેઠ નગર પાલિકાની વેબ સાઈટ ઉપર હારેલા ઉમેદવાર “સરોજબેન રાણા” નું રાજ


  • ઉમરેઠ નગરપાલિકાની વેબ સાઈટ શોભાના ગાઠિયા સમાન

ઉમરેઠ નગરપાલિકા વેબસાઈટ

એક તરફ ગુજરાતમાં રાજ્યના મુખ્ય મંત્રી ટેક્નોલોજીનો સદઉપયોગ કરી ગુજરાતને વિશ્વના ફલક ઉપર ઓળખાન આપી ગુજરાતની વિશ્વસમુદાય વચ્ચે જગ્યા સ્પષ્ટ કરી રહ્યા છે. સાથે સાથે “સ્વાગત” કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના છેવાડે બેસેલા નાગરિકની ઓનલાઈન ફરિયાદ શાંભળી તેઓની ફરિયાદનું નિરાકરણ ગણતરીની મિનિટોમાં લાવવા મુખ્યમંત્રી સજ્જ છે ત્યારે બીજી બાજૂ ઉમરેઠ નગરપાલિકા ધ્વારા છતી વેબ સાઈટે તેનો સદઉપયોગ ન થઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

ઉમરેઠ નગર પાલિકાની ચુંટણી બાદ પરિનામો આવે ખાસ્સો સમય વીતી ગયો છે, આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખની પણ વરણી થયે આજે લગભગ દશ થી પંદર જેટલા દિવસ થઈ ગયા હોવા છતા ઉમરેઠ નગરપાલિકાની વેબ સાઈટ ઉપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તાજેતરની ચુંટણીમાં હારેલા સરોજબેન રાણા જ પ્રમુખ પદે બતાવવામાં આવેલ છે તેમજ ઉપ-પ્રમુખ પદે પણ તાજેતરની ચુંટણીમાં હારેલા ઉમેદવાર સુધાબેન શાહ જ બતાવવામાં આવ્યા છે.

વધુમાં આ સિવાય પણ ઉમરેઠ નગરપાલિકાની વેબ સાઈટ ઉપર કેટલાય હારેલા ઉમેદવારો હજૂ પણ અડિંગો જમાવી બેસી રહ્યા છે. એક તરફ ટેક્નોલોજી હરનફાળ ભરી રહી છે ત્યારે હાલમાં ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો માટે વેબ સાઈટ અને ઈન્ટરનેટ કાળા અક્ષર ભેંસ બરાબર હોય તેમ લાગી રહ્યું છે. પરંતું જો નગરપાલિકાના સત્તાધીશો માત્ર એક ફોન કરી જે તે વેબ સાઈટના સંચાલકને નિર્દેશ કરે તો વેબ સાઈટ પૂનઃ અપડેટ થઈ શકે છે. અને નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખ વેબસાઈટ ઉપર પણ સત્તાના સુકાન હાથમાં લઈ શકે છે બાકી નગરપાલિકાની વેબસાઈટ અપડેટ નહી થાય તો વિદેશમાં વસતા ઉમરેઠના લોકો હજૂ પણ “સરોજબેન રાણા”નું જ રાજ ચાલે છે તેવા ભ્રમમાં રહે તેમાં કોઈ બે મત નથી.

ઉમરેઠમાં બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી


ઈદગાહ-ઉમરેઠ

ઉમરેઠમાં બકરી ઈદની મુસલીમ બિરાદરોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉમરેઠ પાડવણીયા રોડ ખાતે આવેલ ઈદગાહ ખાતે નગરના મુસ્લીમ બિરાદરોએ સવારના સમયે બકરી ઈદ નિમિત્તે નમાઝ અદા કરી એક બીજાને ઈદ મુબારખ પાઠવ્યા હતા.

ત્રણપોળ ખાતે સવિતામાસીને ત્યાં તુલસી વિવાહ અને અન્નકુટ દર્શન યોજાશે.


ઉમરેઠની ત્રણપોળ ખાતે આવેલ પૂ.સવિતામાસીને ત્યાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ તુલસી વિવાહ તેમજ અન્નકુટ દર્શનનું આયોજન તા.૨૧.૧૧.૨૦૧૦ અને ૨૨.૧૧.૨૦૧૦ના રોજ કરવામાં આવેલ છે. તુલસી વિવાહમાં યજમાન પદે પ્રકાશભાઈ શાહ (લાખિયા પોળ) પરિવાર લાભ લેશે. તુલસી વિવાહ શોભાયાત્રા તા.૨૧.૧૧.૨૦૧૦ના રોજ ત્રણપોળ ખાતેથી નિકળશે અને નગરવિહાર કરશે.જ્યારે તા.૨૨.૧૧.૨૦૧૦ના રોજ બપોરે અન્નકુટ દર્શન તેમજ ગોવર્ધન પુજાના દર્શનનો લાભ ઉમરેઠની ધર્મપ્રેમિ જનતા લઈ શકે છે.

રવીવાર


બે-ત્રણ દિવસ પહેલા મોદી સાહેબે તામિલનાડુંના ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું હતું કે, અમારા ગુજરાતમાં ક્યાંય પાવર કટ નથી પણ મોદીજી કો’ક વાર રવીવારે ઉમરેઠની સર્પ્રાઈઝ મુલાકાત કરજો,તમારા બધા દાવા પોકળ સાબિત થશે. પણ હા એક વાત ચોક્ક્સ છે કે પહેલા કરતા પ્રમાણમાં પાવર કટનો પ્રોબ્લેમ ઓછો થયો છે, પણ પાવર કટનો પ્રોબ્લેમ નથી તેવું તો છાતી ઠોકીને ના કહી શકાય. ..ખેર જવાદો.

રવીવારે સવારથી જ પાવર કટ હતો જેથી પોળના ઓટલે પારકી પંચાત કરી બપોરે ભોજન કરી પથારી ભેગા થયા સાંજે મિત્ર જોડે ચા ની ચુસ્કી ને રાત્રે “પા” અને “તારે જમીન પર” મુવી જોઈ..

ફોન્ટ રૂપાંતર


ઈન્ટરનેટ ઉપર આપણી ભાષામાં આપણી વાતો રજૂ કરવાની અને આપણી ભાષામાં આપણે ગમતું સાહિત્ય વાંચવાની મજા કાંઈ ઓર જ છે પરંતું કેટલાક સમયે ફોન્ટને કારણે મજા બગડી જતી હોય છે. આપણી પાસે કોઈ લખાણ અન્ય ફોન્ટમાં હોય કે જે આપણે આપણા બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરવા માગતા હોય અને અન્ય લોકો સુધી પહોંચાડવા માગતા હોય તો તેમ આપણે કરી શકતા નથી કારણ કે આપણી પાસે ઉપલબ્ધ લખાણ યુનિકોડ નથી હોતું જેથી અન્યના કોમ્યુટરમાં જે તે લખાણ વંચાતું નથી.

..પણ હવે http://gurjardesh.com/ ધ્વારા આ સમસ્યાને દૂર કરતી એક સેવા શરૂ કરવામાં આવી છે. (આમ તો આ સેવ ચાલુ જ હતી મારા ધ્યાનમાં હમના હમના આવી છે.) http://gurjardesh.com/ વેબ સાઈટ ઉપરથી તમે લગભગ ૧૩ જેટલા ફોન્ટ Non-Unicode to Unicode માં રૂપાંતરીત કરી શકો છો.

આ ઉપરાંત આ વેબ સાઈટ ઉપર ઈ-મેલ સહાયક સેવા પણ ઉપલબ્ધ છે. કેટલીક વખત આપણે ઈ-મેલમાં ગેડીયા મેડીયા અક્ષરો જેવા કે,#2750;&#2690#2717;ર&#2 જોવા મળે છે. અને તે વાંચવા માં મુશ્કેલી પડતી હોય છે આવા ઈ-મેલના ફોન્ટ પણ આ વેબ સાઈટ ઉપરથી રૂપાંતરીત કરવાની સવલત છે.

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભૃગુરાજસિંહ ચૌહાણ અને ઉપ-પ્રમુખ પદે ફરિદખાન પઠાણની વરણી


ભૃગુરાજસિંહ ચૌહાણ અને ફરિદખાન પઠાણ

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની જાહેરાત આજે ઉમરેઠના તાલુકા પંચાયત ભવન ખાતે કરવામાં આવી હતી તાલુકા પંચાયતમાં ભાજપને બહૂમતી મળતા પ્રમુખ પદે ભૃગુરાજસિંહ ચૌહાણ અને ઉપ પ્રમુખ પદે ફરિદખાન પઠાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે પ્રમુખ ભૃગરાજસિંહ ચૌહાણ અને ઉપ-પ્રમુખ ફરિદખાન પઠાણ સતત ત્રીજી ટર્મમાં આ પદ શંભાળશે જ્યારે આ પહેલા આ બંન્ને કોગ્રેસ માંથી ભાજપમાં જોડાયા હતા ત્યારે દશ વર્ષ બાદ ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપનું રાજ આવતા કાર્યકરોમાં આનંદ અવાઈ ગયો હતો. આ સમયે પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ ધ્વારા પક્ષના કાર્યકરો અને ટેકેદારોનો આભાર માન્યો હતો અને હંમેશની જેમ ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા તત્પરતા બતાવી હતી.

ઉમરેઠની ક્લબ ધ્વારા ડાકોરના અનાથ આશ્રમમાં સેવાયજ્ઞ


આશ્રમમાં સેવાયજ્ઞ

ઉમરેઠની ઈન્હર વ્હિલ ક્લબ ધ્વારા ડાકોરના અનાથ-વૃધ્ધાશ્રમમાં જરૂરીયાર મંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સમયે ઈન્હર વ્હિલ ક્લબના પ્રમુખ નીતાબેન વ્યાસ સહિત સામાજિક કાર્યકર કમલભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રવીવાર


રવીવાર,બેસતુ વર્ષ અને ભાઈબીજ બધુજ એક જ દિવસે જાણે ૨૪ કલાકનો દિવસ પણ નાનો લાગ્યો, આમ જોવા જઈયે તો નવાવર્ષની શરૂઆત સારી થઈ સવારે ઓફિસમાં મહૂર્ત કરવા ગયા ને ગ્રાહકો અમારી રાહ જોઈને જ બેઠા હતા, જૂના ગ્રાહકોતો ઠીક મહૂર્તમાં એક નવો ગ્રાહક પણ મળ્યો એટલે જાણે સોનામાં સુગંધ ભળી હોય તેમ લાગ્યું

ઓફિસનું મહૂર્ત તો પૂરુ થયું પછી મિત્રોને મળવાનો સીલસીલો શરૂ થયો, જે છેક સાંજે ચાર સાડા ચાર સુધી ચાલ્યો બધાજ મિત્રોને ત્યાં વારાફરથી ગયા વચ્ચે એક મિત્રને ત્યાં ઘાપચી મારી અને ભાઈબીજ કરવા બહેનને ત્યાં ઉપડી ગયો. ગઈકાલે કેટલાય એવા સ્વજનો અને મિત્રો મળ્યા કે જે ઉમરેઠ બહાર રહેતા હતા તેઓ ધ્વારા “આપણું ઉમરેઠ બ્લોગ વાંચવામાં આવે છે તેવું જાણી આનંદ થયો.તેમજ બ્લોગ અંગે તેઓની પ્રત્યક્ષ અને મૌખિક ટિપ્પણીઓ પણ અદભૂત હતી.બસ પછી સાંજે રાબેતા મુજબ બધા મિત્રો સાથે બસ સ્ટેશન પાસે ચા ની મજા લીધી.સાંજે ડિનર ઉમરેઠમાં નવી બનેલ અતિથિ હોટલમાં લીધુ પ્રસંગ હતો ભાઈબીજ અને પિતરાઈ બહેનના જન્મદિવસનો, ભોજન તો સરસ હતુ.અને આજે સાંજે ફુવાના હાથની સ્પેશિયલ ચટણીપૂરી

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે વિષ્ણુભાઈ પટેલ અને ઉપ પ્રમુખ પદે સંજય પટેલની વરણી


વિષ્ણુભાઈ પટેલ અન સંજયભાઈ પટેલ

ઉમરેઠ નગરપાલિનાની તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળતા આજે સવારે ૧૨ કલાકે નગર પાલિકાના સભાખંડમાં સત્તાધારી તેમજ વિપક્ષના તમામ સભ્યોની ઉપસ્થિતીમાં નગરપાલિનાના પ્રમુખ પદે વોર્ડ નં.૮માંથી ચુંટાયેલ વિષ્ણુભાઈ પટેલ અને વોર્ડ નં.૬ માંથી ચુંટાયેલ સંજયભાઈ પટેલને ઉપ પ્રમુખ પદે સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા હતા. આ પહેલા નગરમાં ભાજપને બહૂમતિ મળતાની સાથે પાલિકાના પ્રમુખ પદને લઈને અનેક અટકળો થતી હતી જેનો આજે અંત આવ્યો હતો.

આ સમયે વિષ્ણુભાઈ પટેલનું તેઓના સમર્થકો તેમજ કાર્યકરો ધ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન કરવામાં આવ્યું હતુ જ્યારે પોતાના પ્રમુખ પદને લઈ વિણુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદી જેમ ગુજરાતનો વિકાસ કરે છે તેમ અમે પણ ઉમરેટનો વિકાસ કરૂશું અને જનતાએ અમારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તેને સાર્થક કરી બતાવીશું, અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, સત્તાધારી પક્ષે હવે ઉમરેઠમાં પાણી અને ગટર સમસ્યા દૂર કરવા કમર કસવી પડશે ત્યારે નગરમાં ખરાબ રસ્તાનો પણ પેચીદો પ્રશ્ન દૂર કરવા સત્તાધીશોએ નક્કર પગલા લેવાની ખાસ જરૂર છે.

ઉમરેઠમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી, સ્વામિનારાયણ મંદિરમાં દિપોત્સવ ઉજવાયો


This slideshow requires JavaScript.

ઉમરેઠમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં તમામ ધાર્મિક સ્થાનોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે ઉમરેઠના ઓડબજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દિપોત્સવ કરવામાં આવ્યો હતો ત્યારે મંદિર દીપથી ઝળહળી ઉઠ્યું હતુ.
(તસ્વીર – મયંક પટેલ – ઉમરેઠ)

આવા લોકો પણ હોય છે…!


“ચા” સરસ છે, પણ એક વાત કહૂ ખોટૂં ના લગાડાશો મઠીયામાં મઝા નથી, બહૂ દિવસે ઘરે આવેલા એક સ્વજને મમ્મીને કહ્યું, મમ્મી પણ બિચાર શું કરે લોટ બરાબર નહી કચરાયો હોય તેમ કહી વાત બદલી.

બીજી બાજૂ પેલા સજ્જન પોતાની ડીશમાં પડેલા ચારેય મઠીયા ટપોટપ પેટમાં ઠાલવતા હતા અને ચા પણ બચ્ચન સ્ટાઈલથી લબાલબ પીતા હતા પછી થોડીવાર ઈધર સુધરની વાતો કરી અને પછી મે તેમને કહ્યું, જોવો હું પણ તમને એક વાત કહું ખોટું ના લગાડશો, તે મહાશય બોલ્યા કહે બેટા, મેં કહ્યું ” જો મઠીયામાં મઝા ના હોત તો ચોક્ક્સ ચાર માંથી ત્રણ મઠીયાતો કમસે કમ ડીશમાં રહ્યા હોત પણ ચારેય મઠીયા તમારા પેટમાં પડ્યા એટલે ચોક્કસ મઠીયા મજેદાર લાગે છે..

આટલું સાંભળી અમે સૌ હસી પડ્યા ને પેલા મહાશય બોલ્યા,ચાલો ત્યારે નવા વર્ષમાં મળીશું જય શ્રી કૃષ્ણ કહી ચાલતા થયા.

%d bloggers like this: