આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2012

ઉમરેઠ અર્બન બેંકના ચેરમેનની વરણી કરાઈ.


ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના અગ્રણી રશ્મીભાઈ જશવંતલાલ વકીલની ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. આ પહેલા તેઓ અર્બન બેંકમાં પ્રમુખ તેમજ મે.ડીરેક્ટર પદે પણ પોતાની સેવા આપી ચુકેલ છે. ઉમરેઠ બાર એશોસિયેશનના પ્રમુખ તેમજ રોટરી કલબના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપે છે. અર્બન બેંકના ચેરમેન પદે તેઓની નિમણુક થતા બેંકના ડીરેક્ટરો તેમજ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી.

ગૌરીવ્રતના જવારા તૈયાર લાવવાનો ટ્રેન્ડ..!


 

ગૌરીવ્રતમાં પુજા કરવા માટે યુવતિઓ હવે જવારાની તૈયાર ટોપલીઓ બજાર માંથી ખરીદ કરતી થઈ ગઈ છે, જ્યારે પહેલા પરંપરાગત રીતે ગૌરીવ્રતના આઠ દશ દિવસ પહેલા યુવતિઓ વાંસની નાની ટોપલી ખરીદી તેમા છાણીયું ખાતર નાખી જવારા જાતેજ ઉછેરતી હતી તેઓના આ કાર્યમાં ઘરની અન્ય મોટી મહિલાઓ પણ સાથ સહકાર આપતી હતી. પરંતુ હાલમાં ફાસ્ટ યુગમાં છાણીયું ખાતર કે ટોપલી શોધવા જવાનો સમય કોઈ પાસે નથી જેથી બહારમાં તૈયાર ઉછેરેલા જવારા મળતા થઈ ગયા છે. યુવતિઓ પણ આ જવારા ખરીદ કરી પોતાના વ્રત માટે પુજા કરતી થઈ ગઈ છે. બદલાતા જતા ટ્રેન્ડને લઈ નાની બાળકી રીમાએ કહ્યું હતું કે, જાતે જવારા ઉછેરવામાં આવે અને ગૌરી વ્રતસુધી સંતોષકારક ઉછેર ન થાય તો યુવતિઓનો મૂળ ઓફ થઈ જાય છે અને જે ઉત્સાહ પુજામાં હોવો જોઈયે તે ઉત્સાહ પણ રહેતો નથી જેથી ઉછેર થયેલા જ જવારા ખરીદ કરવામાં આવે તેવી યુવતિઓ આગ્રહ રાખતી હોય છે. ખેર ઉછેરા હોય કે ખેરીદ કરેલા જવારાની પુજા કરી જિલ્લામાં ગૌરીવ્રતની ઉજવણી કરવા યુવતિઓ થનગનાટ કરી રહી છે. (ફોટો અને અહેવાલ – પંકજ શાહ,વડોદરા)

લીંગડા પાસે કેમિકલ ભરેલી ટેન્કર પલ્ટી ગઈ – ડ્રાઈવર ઈજાગ્રસ્ત


ઉમરેઠ પાસેના લીંગડા ગામે ચોકડી નજીક કેમિકલ ભરેલી ટેન્કર પલ્ટી મારતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા પોલીસ તાબડતોબ લીંગડા પહોંચી ગઈ હતી અને ટેન્કરમાં જ્વલનશીલ પ્રદાર્થ હોવાને કારને ચુસ્ત બંધોબસ્ત ગોઠવી લોકોને ટેન્કરથી દૂર કરી દીધા હતા. સંભવિત હોનહારતને ધ્યાનમાં રાખી આણંદ ફાયર બ્રિગેડ લીંગડા આવી પહોંચી હતી અને આગોતરા આયોજન કર્યા હતા. ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત હોવાથી ૧૦૮માં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે આ ટેન્કર ક્યાં થી આવી હતી અને ક્યાં જતી હતી તેની તપાસ ઉમરેઠ પોલીસે હાથ ધરી છે. લીંગડા ચોકડી ઉપર ઉમરેઠ પોલીસ અને ફાયર બ્રીગેડે મોરચો શંભાળી લેતા લીંગડાના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. (ફોટો – પંકજ શ્રીધપ)

ઉમરેઠ એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની અનોખી પહેલ..!


જિલ્લામાં ઉમરેઠ અને આંકલાવ એમ.જી.વી.સી.એલ કચેરી સૌર ઉર્જાથી ચાલે છે.

હાલમાં વીજ વપરાશ કુદકેને ભુસકે વધી રહ્યો છે. અઠવાડીયામાં એક દિવસ કેટલાય ગામોમાં વીજ કાપનો પણ લોકો સામનો કરી રહ્યા છે. સરકારની જ્યોતિર્ગ્રામની વાતો માત્ર મૃગજળ જેવી સાબિત થઈ રહી છે. નાના ગામડાના લોકો તો કેટલીક વાર આખો દિવસ વીજળી વગર વિતાવવા મજબૂર થઈ ગયા છે. દિવસે દિવસે લોકોનું જીવન ધોરન ફાસ્ટ થતુ જાય છે, અને આવી પરિસ્થિતીમાં આધુનિક ઉપકરણો વગર આપનું જીવન શક્ય નથી. આવા ઉપકરણો મોટા ભાગે વીજળીથી ચાલતા હોવાને કારણે સ્વભાવિક રીતે વીજ વપરાશ વધી જાય છે અને વીજળીના માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે.

જો તમે ઉમરેઠ કે આંકલાવની એમ.જી.વી.સી.એલ કચેરીમાં જાવ અને પંખા અને લાઈટો બેફામ ચાલુ જોવા મળે તો ઉંધુ ન વિચારશો કારણ કે, આણંદ જિલ્લાના ઉમરેઠ અને આંકલાવની વીજ કંપણીઓ સૌર ઉર્જા દ્વારા ચાલે છે. જાતે જ વીજ કંપની સૌર ઉર્જાનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ સૌર ઉર્જા વાપરવા માટે પ્રેરીત કરે છે તે ખરેખર સરાહનીય પગલું છે. વીજળીના વિકલ્પ તરીકે હવે, સૌર ઉર્જા શ્રેષ્ઠ સાબીત થઈ શકે છે. વીજ કંપનીઓ દ્વારા વીજ વપરાશમાં કરકસર અને બચત કરવા માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવે છે સાથે સાથે કેટલીક વીજ કંપનીઓ દ્વારા વીજ બચત કરવા સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ તેમજ આંકલાવની એમ.જી.વી.સી.એલ વીજ કંપની દ્વારા સૌર ઉર્જાથી પોતાના કાર્યલયમાં વીજ પૂરવઠો મેળવવાની પહેલ કરવામાં આવી છે.. સૌર ઉર્જા હાલમાં ખુબજ ઓછા લોકો વાપરી રહ્યા છે, પરંતુ જો વિજળીના વિકલ્પ તરીકે લોકો સૌર ઉર્જાનિ ઉપયોગ કરે તો આર્થિક રીતે પણ લોકોને સૌર ઉર્જા સસ્તી પડે છે. વીજળીના બિલ હાલમાં લોકોને ઝટકા આપી રહ્યા છે ત્યારે એક વાર ઈન્વેસ્ટમેન્ટ કરી જો ઘરમાં સૌર ઉર્જાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તો સરવાળે બચત જ થાય છે.

સૌર ઉર્જા સસ્તી છે, પરંતુ તેના ઉપકરણો મોંધા અને મોટા હોવાથી મધ્યમ વર્ગ હજૂ સૌર ઉર્જા અપનાવી શકે તેટલો સક્ષમ નથી. પરંતુ જો મોટા કારખાના અને ઉદ્યોગો જો સૌર ઉર્જા તરફ વળે તો ખાસ્સી વિજળી બચી શકે તેમ છે. અને આ બચેલી વીજળીનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને આપી શકાય તેમ છે.અત્યારે પણ ચરોતરના ધનાઢ્ય પરિવારના સમજૂ લોકોએ સૌર ઉર્જાને અપનાવી છે. સૌર ઉર્જા માટે ઉપકરણો મોંધા આવે છે પણ એક વખત સૌર ઉર્જાના સાધનો ઈન્સ્ટોલેશન કરવાથી કાયમ માટે વીજ બચત થાય છે. ખાસ કરીને ચરોતરમાં વાતાવરણને ધ્યાનમાં રાખીયે તો લગભગ બાર મહિનામાં ૮ થી ૧૦ મહિના સૂર્ય પ્રકાશ મળતો જ રહે છે, બાકીના દિવસો માટે સૌર ઉર્જાના ઉપકરણો સ્ટોરેજ કરવા સક્ષમ હોય છે. વીજળીના વિકલ્પ તરીકે ખરેખર સૌર ઉર્જા જ કારગત સાબિત થઈ શકે તેમ છે કારણ કે પરમાનું ઉર્જા આપણે પરવડે તેમ પણ નથી.ઉમરેઠ અને આંકલાવની વીજ કચેરી દ્વારા સૌર ઉર્જા અપનાવઈ ખરેખર સારૂં પગલું ભર્યું છે.

ઉમરેઠ એમ.જી.વી.સી.એલના ઈજનેર જે.જે.પટેલે જણાવ્યુ હતુ કે, સૌર ઉર્જાના ઉપકરણો હાલમાં ઉમરેઠ અને આંકલાવમાં છે અને જિલ્લામાં બંન્ને વીજ કંપનીની કચેરી સૌર ઉર્જાથી ચાલે છે. ગુજરાતમાં કેટલાય સૌર ઉર્જાના ઉપકરણો પૂરા પાડતા એકમો છે તમામના ભાવ તાલ જોઈ ગ્રાહકે સૌર ઉર્જાના એકમો વસાવવા જોઈયે, તેઓએ ઉમેર્યું હતુ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે કેટલાક જરૂરી ટેક્નિકલ ફેરફાર કરવા પડે છે જે સૌર ઉર્જાના ઉપકરણો પ્રસ્થાપીત કંપણી કરી આપે છે.

સ્કૂલના જૂના મિત્રો ભેગા કરવાનો ટ્રેન્ડ.


ફેશબુક થી ફેશ ટુ ફેશ સુધીની સફર..!

રીસોર્ટ અને હોટલ એકઠા થવા માટે લોકપ્રિય સ્થળ – જૂના મિત્રોને મળવા માટે મોટા ભાગે રીસોર્ટ અને હોટલ લોકપ્રિય સ્થળ છે. આખો દિવસ જૂના મિત્રો સાથે વિતાવે છે. સ પરિવાર બાળકો અને પોતાના મિત્રો સાથે કુદરતના સાનિધ્યમાં દિવસ પસાર કરવા વિવિધ રમતો, અને ક્વિઝનું પણ આયોજન થાય છે જેમાં મિત્રો એકબીજાને વધુ સારી રીતે જાણી શકે તેવા આયોજન કરવામાં આવે છે.

દરેક વ્યક્તિઓના જીવનમાં મિત્રોનું ખાસ મહત્વ હોય છે, સ્કૂલ કોલેજથી માંડી નોકરી ધંધાના વિવિધ તબક્કામાં આપણે કેટલાય લોકોના સંપર્કમાં આવીયે છે અને તેઓ સાથે મિત્રતા બંધાઈ જાય છે, પરંતુ તમામ મિત્રોમાં સ્કૂલના મિત્રોનું બધા માટે ખાસ મહત્વ હોય છે. સ્કૂલના મિત્રો ક્યારે પણ ભુલાતા નથી. સમય અને સંજોગોને કારણે સ્કૂલના મિત્રોથી દૂર થવાનો પણ વારો આવે છે. સ્કૂલમાં જે મિત્રો સાથે મોજ મસ્તી કરી હોય તે મિત્રોને મળવાનું બધાને મન થાય તે સ્વભાવિક છે.

પરંતુ સ્કૂલના સમયમાં છુટા પડેલા મિત્રો હાલમાં ક્યાં છે..? કેવી રીતે તેમને શોધીશું…? તેમનો સંપર્ક કેવી રીતે કરીશું..? જેવા વિવિધ સવાલો થાય તે પણ સ્વભાવિક છે. પણ..હવે, ફેશબુકના આગમનથી સ્કૂલના મિત્રોને શોધવાનું કામ અઘરૂં રહ્યું નથી. લગભગ મોટાભાગના લોકો ફેશબુક ઉપરથી મળી જાય છે. અને બાકીના લોકોને શોધવાનું કામ સ્કૂલના રજિસ્ટર માંથી તેઓના જૂના એડ્રેસ ઉપરથી થઈ જાય છે. હાલમાં ચરોતરમાં જૂના મિત્રો એકઠા કરવાનો ખાસ ટ્રેન્ડ્ર ચાલી રહ્યો છે. લગભગ ૩૫ થી ૪૦ વર્ષના યુવાનોમાં આ ટ્રેન્ડ ખાસ જોવા મળે છે. તેમા પણ વિદેશમાં રહેતા લોકો માટે મિત્રોને ભેગા કરવાની ખાસ તલપ હોય છે. તેઓમાં જૂના મિત્રોને શોધવા તેટલા તલપાપડ હોય છે કે, તેઓ કાંઈ પણ કરી છુટવા તૈયાર થઈ જાય છે,સ્કૂલમાં જઈ જૂના રજિસ્ટરો પણ ફંફોસે છે અને ફેશબુક ઉપર કલાકો વિતાવી પોતાના મિત્રોને શોધી કાઢે છે પછી એક ગેટ ટુ ગેધરનું આયોજન થાય છે. વર્ષો પછી મિત્રોને મળવાની મજા ખૂબજ અનેરી હોય છે. બાળપણમાં છૂટા પડેલા મિત્રોને પણ બાળકો હોય અને આ બાળકો પણ પોતાના માતા-પિતાના સ્કૂલના મિત્રોને મળે તે ઘડી ખરેખર રોમાંચીંત કરી દે તેવી હોય છે.

ચરોતરની સ્કૂલોમાં પણ સંચાલકો આવા યુવાનોને પોતાના મિત્રોને ભેગા કરવામાં ખુબજ સકારાત્મક અભિગમ દાખવે છે. જૂના રજિસ્ટર માંથી જેતે વર્ષના વિદ્યાર્થીઓના નાન-સરનામા સ્કૂલના સંચાલકો ઉપલબ્ધ કરાવે છે અને પોતાના જૂના મિત્રોને મળવા ઉત્સુખ યુવાનોને મદદ કરી સ્કૂલ સકારાત્મક અભિગક દાખવે છે. જ્યારે સ્કૂલના શિક્ષકોનું ઋણ અદા કરવા માટે આવા યુવાનો પોતાના શિક્ષકોને પણ આવા ગેટ ટુ ગેધરમાં આમંત્રિત કરી તેઓને સન્માનીત કરે છે. અને પોતાના જીવનમાં તેઓના અમુલ્ય ફાળાની સરાહના કરે છે. કેટલીક વખત સ્કૂલો જ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓને એકઠા કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં અલગ અલગ બેચના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં સ્કૂલના મિત્રોને મળવાની લાલચથી અચુક તમામ વિદ્યાર્થીઓ અચુક હાજર થઈ જતા હોય છે.

હાલમાં મોટાભાગે ચરોતરમાં આણંદ, વિદ્યાનગર સહીત ઉમરેઠ તેમજ ખેડા જિલ્લાના નડિયાદ જેવા વિસ્તારોમાં આ ટ્રેન્ડ ખાસ જોવા મળી રહ્યો છે. જૂના મિત્રોને મળતા જ યુવાનો અને યુવતિઓમાં અનેરો ઉત્સાહ આવી જાય છે અને એકબીજાના મિત્રો હાલમાં શું કરે છે..? કયા હોદ્દા ઉપર છે..? કે કયા ધંધા રોજગાર કરે છે જેવી ઉપયોગી માહિતી એકઠી કરી એકબીજાને મદદરૂપ પણ થાય છે. સ્કૂલમાં સાઈકલ ઉપર આવતા મિત્રો આવા ગેટ ટુ ગેધરમાં મોંધી દાટ ગાડીયો લઈ આવે ત્યારે તેમના શિક્ષકની છાતી ફુલી જાય તેમાં પણ કોઈ બે મત નથી.

સ્કૂલની પરિક્ષાઓ પછી જિંદગીની પરિક્ષાઓ શરૂ થાય છે ત્યારે આ પરિક્ષા પાસ કરવા કોઈને સાત સમુંદર પાર જવું પડે છે તો કોઈને પોતાના વતનથી દૂર બીજા રાજ્ય કે ગામમાં જવું પડે છે. અને પોતાના વહેપાર ધંધા કે નોકરીમાં નવા મિત્રો મળે એટલે સ્કૂલના મિત્રો નજરોથી અને દિમાગથી દૂર થઈ જાય છે. પણ લંગોટીયા મિત્રો કેટલા સમય સુધી ભુલાય..? છેલ્લે પોતાના બાળકોને સ્કૂલમાં મુકવા જઈયે એટલે આપણા સ્કૂલના દિવસો યાદ આવે અને સ્કૂલના દિવસો યાદ આવે એટલે સ્કૂલના મિત્રો પણ યાદ આવે તે સ્વભાવિક છે. મિત્રોની યાદ આવા યુવાનોને પોતાના વતન સુધી લઈ જાય છે અને જૂના મિત્રોને મળવા કસરત શરૂ કરાવે છે.

તાજેતરમાં ઉમરેઠ-ડાકોરના જૂના મિત્રો એકઠા થયા હતા અને પોતાના સ્કૂલના સમયની વાતો તાજી કરી હતી. અમેરીકાથી આવેલ એક યુવાનને પોતાના મિત્રોને મળવાનો વિચાર આવતા અન્ય લોકલ મિત્રો અને સ્કૂલ સહીત ફેશબુકની મદદથી પોતાના સ્કૂલના મિત્રો હાલમાં ક્યાં છે તે શોધી કાઢ્યું હતુ અને તેઓને ડાકોર ખાતે એકઠા કર્યા હતા. આ સમયે જૂના મિત્રોને મળી તમામ લોકોએ રોમાંચતાનો અનુભવ કર્યો હતો. હાલમાં તમામ મિત્રો શું કરે છે સહીત તેઓના પરિવારની માહીતી એકઠી કરી હતી અને જીવનના વળાંક ઉપર હવે, હંમેશા સંપર્કમાં રહેવા કસરત કરી હતી. હાલમાં કેટલાક મિત્રો ઉચ્ચ સરકારી હોદ્દા ઉપર હતા તો કેટલાક પોતાના વહેપાર ધંધામાં સફળતા મેળવી સમાજમાં અગ્રણી બની ગયા હતા, તો કેટલાક પોતાની નોકરીમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થઈ ગયા હતા. આવા તમામ મિત્રોએ પોતાના અનુભવોની એકબીજા સાથે ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

ફેશબુકથી મોટાભાગના મિત્રો મળી ગયા – મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટાભાગના મિત્રો ફેશબુકથી મળી ગયા હતા. ફેશબુકની મદદથી સ્કૂલના મિત્રોને પંદર વીશ વર્ષે ફેશ ટુ ફેશ મળવાનો લાહ્વો મળ્યો. જે મિત્રો ફેશબુકમાં ન હતા તેઓને શોધવા માટે સ્કૂલના વહિવટી તંત્રએ મદદ કરી.

ઉમરેઠના ડોક્ટરો બંધમાં જોડાયા


કેન્દ્ર સરકારના નેશનલ કમિશન ફોર હ્યુમન રિસોર્સ ફોર હેલ્થ બીલનો વિરોધ.

નેશનલ કમિશન ફોર હ્યુમન રિસોર્સ ફોર હેલ્થ બીલ આગામી ચોમાસા સત્રમાં સંસદમાં રજૂ થવાનું છે. જેના વિરોધમાં સમગ્ર ચરોતરના ર્ડોક્ટરોએ આજે એક દિવસનો બંધ પાડ્યો હતો, આ વિરોધમાં ઉમરેઠના ર્ડોક્ટરો પણ જોડાયા હતા અને પોતાનો વિરોધ નોધાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે,નેશનલ કમિશન ફોર હ્યુમન રિસોર્સ ફોર હેલ્થ બીલ પાસ થાય તો ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટીસ કરવા માત્ર ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ કરી કોઈ પણ વ્યક્તિ ર્ડોક્ટર બની શકે આવા અધકચરી આવડતથી ગ્રામ્ય વિસ્તારની જનતાની દૂર્ગતિ થાય તેવી પરિસ્થિત સર્જાય તેમાં કોઈ બે મત નથી. આ ઉપરાંત જો ઉપરોક્ત બીલ પાસ થાય તો, મેડીકલ કાઉન્સીલોની વિવિધ શાખા રદ થઈ શકે છે. એક રીતે સમગ્ર તબીબો ઉપર કેન્દ્ર સરકારનું પ્રભુત્વ વધી જશે. આવા કેટલાક કાળા કાયદાના વિરોધમાં સમગ્ર ચરોતરના ર્ડોક્ટરો હળતાલમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, રવીવારે પણ રાબેતા મુજબ દવાખાના બંધ હોય છે ત્યારે હળતાલને કારણે સોમવારે પણ દવાખાના બંધ રહેતા દદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉમરેઠમાં ક્લિનિકો સાથે સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલના ર્ડોક્ટરોએ પણ બંધને સમર્થન આપી કેન્દ્ર સરકારના કાળા કાયદા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ નગરપાલિકાના સભ્યો વચ્ચે તૂ..તૂ..મૈં..મૈં..


બ્લોગ નાખવાની બાબતે સત્તાધારી પક્ષના સભ્યો  વચ્ચે તકરાર

એક તરફ ચરોતરમાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર વિરૂધ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે બીજી બાજુ ઉમરેઠ નગરપાલિકામાં ભાજપના સભ્યો અંદરો અંદર બાખડી પડ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી ઉમરેઠ ભાજપમાં આંતરીક વિગ્રહ હોવાની ચર્ચાઓ થઈ રહી હતી જે આજે સપાટી પર આવી ગઈ હતી.

વધુમાં ઉમરેઠના વાંટા વિસ્તારમાં પત્થર ઉખાડી બ્લોગ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના અંતર્ગત વાંટા અને માતાની લીમડી વિસ્તારમાં પત્થરો નિકાળી દેવામાં આવ્યા હોવા છતા છેલ્લા પંદર દિવસથી બ્લોગ નાખવાનું કામ શરૂ ન થતા સ્થાનિકો દ્વારા તે વિસ્તારના પાલિકા સભ્યોને ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે આ સભ્યો આજે સ્થાનિક લોકોને લઈ પાલિકામાં પહોંચી ગયા હતા અને પોતાના વિસ્તારમાં શા માટે બ્લોગ નાખવાનું કામ લંબાઈ રહ્યું છે તેવા પ્રશ્નો ઉપસ્થિત શાશક પક્ષના સભ્યને કર્યા હતા. આ સમયે પાલિકાના સભ્યો ઉશ્કેરાઈ જતા સત્તાધીશ પક્ષના જ બે સભ્યો વચ્ચે તૂ..તૂ..મૈ..મૈ..થઈ હતી અને મામલો વધુ બિચકે તે પહેલા અન્ય લોકોએ બીચ બચાવ કરી મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે બ્લોગ નાખવાની કામગીરીમાં પહેલેથી ભ્રષ્ટાચાર થયો હોવાની વિપક્ષ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. ત્યારે ગોકળગાય ગતિથી થતી કામગીરીથી સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે.

ઉમરૅઠ પાલીકામાં હાલમાં ભાજપનું શાશન છે અને છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદર સભ્યો વચ્ચે દખા થઈ રહ્યા છે. ભાજપમાં બે જૂથ પણ હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે સત્તાધીશોના અંદર અંદર લડાઈ ઝગડાને કારણે નગરના વિકાસને સાઈડ ઈફેક્ટ થતી હોવાનું પણ સજ્જનો ચર્ચા કરી રહ્યા છે. પાલિકાના સભ્યો અને કોન્ટ્રાકટરના વિવાદમાં સ્થાનિકો હાલમાં પીસાઈ રહ્યા છે.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો.


ઉમરેઠના વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો હાજર રહ્યા હતા અને રથ ખેંચી ધન્યતા અનુભવી હતી. વર્ષોથી મંદિરમાં પરંપરા છે કે, રથયાત્રાના દિવસે શ્રીજીને રથમાં બેસાડી મંદિરની પરિક્રમા કરાવવામાં આવે છે.  (ફોટો-નિમેષ ગોસ્વામી)

 

 

ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં હલકી કક્ષાના આર.સી.સી રોડ બનતા હોવાની ચર્ચા.


  • વિપક્ષ દ્વારા પત્રિકાઓ ફરતી કરી લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
ઉમરેઠમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે કેટલાક વિસ્તારમાં આર.સી.સી રસ્તા તેમજ પોળો અને ફળિયાઓમાં બ્લોગ નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષ દ્વારા આ કાર્યોમાં મોટા પાયે સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ માટે જનતામાં જાગૃતિ આવે તે હેતુંથી વિપક્ષ દ્વારા સદર રસ્તા બનાવવામાં થતો ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે નગરમાં પત્રિકા ફરતી કરી છે. આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાલમાં ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં બનતા આર.સી.સી રોડ બનાવવામાં કોન્ટ્રાકટર દ્વારા લાલિયાવાડી કરવામાં આવી રહી છે, જે અંગે સત્તાધીશો માહિતગાર હોવા છતા આંખ આડા કાન કરી રહ્યા છે. ખરેખર આ રસ્તા બનાવવા માટે નક્કી થયા મુબજ બે સળીયા વચ્ચે ૯ ઈંચનું અંતર હોવું જોઈયે તેના બદલે આ રસ્તામાં ૧૭ ઈંચનું અંતર જોવા મળી રહ્યું છે. આ અંગે વિપક્ષ દ્વારા સત્તાધીશો સહીત ચીફ ઓફિસરનું ધ્યાન દોર્યું હોવા છતા પણ કોન્ટ્રાકટર પોતાની મનમાની થી સદર કામને અંતીમ ઓપ આપવાની દીશામાં આગળ ધપી રહ્યા છે. હાલમાં રસ્તાની એક બાજૂનું કામ પૂર્ણ થયું છે જ્યારે ટૂકાગાળામાં બીજી બાજૂનું પણ કામ શરૂ થશે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ ચિફ ઓફિસર સહીત સત્તાધીશો આંખે બાંધેલા પાટા ખોલેતે સમયની માંગ છે. આ રસ્તામાં થયેલ કથિત ભષ્ટાચારને બહાર લાવવા વિપક્ષ દ્વારા પત્રિકાનો સહારો લેવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે આવનારા દિવસોમાં વધુ હંગામો થાય તેમાં કોઈ બે મત નથી. વધુમાં ઉમરેઠની મંદિરવાળી પોળ પત્થરવાળી પોળ સહીત લાલ દરવાજા વિસ્તારમામ પણ બ્લોગ અને આર.સી.સી રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પત્રિકા દ્વારા આક્ષેપ થયો છે. તેમજ વિપક્ષ દ્વારા આ અંગે યોગ્ય સ્તરે રજૂઆતો કરઆની પણ તૈયારીઓ થઈ રહી હોવાનું જાણવા મળે છે.

આ અંગે ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેઓએ સમગ્ર પ્રકરણ અંગે કાઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. સમગ્ર બહુચર્ચીત પ્રકરણમાં ચીફ ઓફિસરનું મૌન શું કહેવા માગે છે તે પણ હવે યક્ષ પ્રશ્ન છે.

ઉમરેઠ પંચાલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.


  • શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું, પંચાલ જ્ઞાતિની પરિચય પુસ્તિકાનું વિમોચન કરાયું.

ઉમરેઠ પંચાલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ગાયત્રી હોલ ખાતે ખાડીયાના ધારાસભ્ય ભૂષણ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉમરેઠ તાલુકા મામલતદાર દિપીકાબેન પંચાલ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તેમજ માજીધારાસભ્ય સુભાષભાઈ શેલત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પંચાલ સમાજના તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા અને ઈનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે જ્ઞાતિના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાલ સમાજની પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે હિતેશભાઈ પંચાલ સહીત જ્ઞાતિના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેઠમાં “સ્ટ્રોંગ મેન શો” યોજાયો.


આણંદ દિલ્લા પોલીસ તેમજ ઓલ ઈન્ડિયા પતાંજલિ યોગા એશોશિયેશનના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠની પટેલ વાડી ખાતે “સ્ટ્રોગ મેન શો”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઓલ ઈન્ડિયા પતાંજલિ યોગા એશોશિયેશનના સભ્યોએ વિવિધ કરતબો બતાવી હતી અને આવી કરતબો કરવા માટે ધ્યાન અને યોગનું કેટલું મહત્વ છે તેની સમજ આપી હતી. આ સાથે પોલીસ મિત્રો ઉપર સતત વધતાજતા કામના ભારને કારણે રહેતા તણાવને પણ દૂર કરવા વિવિધ યોગનો સહારો લેવા માર્ગદર્શન આપ્યું હતું. યુવાનો દ્વારા કરવામાં આવેલ કરતબો તેમજ બોડી બોલ્ડીંગ પ્રદર્શન જોવા માટે નગરના યુવાનો સહીત પોલીસ મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોડીયા તેમજ ડી.વાય.એસ.પી શ્રી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

ઉમરેઠમાં કોગ્રેસની બેઠક યોજાઈ.


ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં કોગ્રેસ પક્ષનું સંગઠન વધારે મજબુત બને તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્ર્મ અને વિકાસના કાર્યો સબંધી માર્ગદર્શન આપવા માટે કોગ્રેસના કાર્યકરો અને નેતાઓની બેઠક ઉમરેઠના ગાયત્રી હોલ ખાતે રેલ રાજ્ય મંત્રી ભરતભાઈ સોલંકીના અદ્યક્ષ સ્થાને મળી હતી. ઉમરેઠ કોગ્રેસના આગેવાન સુભાષભાઈ શેલતે સ્વાગત પ્રવચણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ બેઠકમાં રેલ રાજ્ય મંત્રી ભરતભાઈ સોલંકીએ કાર્યકરોને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં રસ દાખવી તેની સમીક્ષા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત હાલના કોગ્રેસી ધારાસભ્યોને પણ પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યોને વેગ આપવા આહ્વાન કરી જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે સંસદ સભ્યની ગ્રાન્ટ માંથી ઉમરેઠ તાલુકાના વિકાસ માટે જે પણ કોઈ સહયોગની જરૂર હોય તેમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, ભાદરણના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા અને આણંદ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ રતનસિંહ પઢિયાર, અને ગણપતસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

થામણા ડે-નાઈટ ટુર્નામેન્ટમાં સુરેલીની ટીમ ચેમ્પિયન


  •  વિજેયતાઓને ભારતની અન્ડર ૧૯ ટીમના ઋષ કાલારીયા અને સ્મીથ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ.

થામણા ડે-નાઈટ ક્રિકેટની ફાઈનલ મેચનો આરંભ ભારતની અન્ડર ૧૯ ટીમના કેપ્ટન ઋષ કાલારીયાએ ફટકો મારી કર્યો હતો. આ સમયે અન્ડર ૧૯ ટીમના અન્ય ગુજરાતી સભ્ય સ્મીથ પટેલ અને ખાડીયા અમદાવાદના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ખાસ હાજર રહ્યા હતા.

ઉમરેઠના થામણા ખાતે છેલ્લા પચ્ચીસ દિવસથી ચાલતી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ ગતરોજ રમાઈ હતી. જેમાં સુરેલી અને ચુણેલની ટીમ વચ્ચે ખરાખરીના જંગમાં સુરેલીની ટીમનો વિજય થયો હતો. આ સમયે ઈનામ વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન પદે મૂળ ઉમરેઠના ખાડીયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ તેમજ ભારતીય અન્ડર ૧૯ ટીમના કેપ્ટન ઋષ કાલારીયા અને સ્મીથ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેયતા ટીમના ખેલાડીઓને અભિનંદન સાથે ટ્રોફિ એનાયત કરી હતી.

થામણા જેવા નાના ગામમાં યોજાયેલ ડે-નાઈટ ક્રિકેટના આયોજનથી પ્રભાવિત થઈ ભૂષન ભટ્ટે જણાવ્યું હતુ કે, ગ્રામ્ય વિસ્તારોમાં શહેરથી પણ સુંદર રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે જે આનંદની વાત છે. આવા ગામોને આવનાર સમયમાં વધુ સુવિધા મળે તે માટે પ્રયત્નો કરવા તેઓએ તૈયારી બતાવી હતી. ભારતીય અન્ડર ૧૯ ટીમના કેપ્ટન ઋષ પટેલે જણાવ્યું હતુ કે, થામણા જેવા ગામડામાં ડે-નાઈ ટુર્નામેન્ટનું આટલા મોટા પાયે આયોજન ખરેખર પ્રશંશાને પાત્ર છે. ઉમરેઠ તાલુકા સહીત અન્ય જિલ્લાની ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે જે દર્શાવે છે અહિયા ખરેખર સુંદર આયોજન થાય છે. જ્યારે સ્મીથ પટેલે પણ ઉમેર્યું હતી કે આવા ગામમાં રમવા આવતી ટીમોના ખેલાડી સાથે વાતચીત કરી ખરેખર આનંદ થયો, પ્રતિભાશાળી ખેલાડીઓને આવી ટુર્નામેન્ટના માધ્યમથી પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળે છે. દર્શકો પણ મોટી સંખ્યામાં આવી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે તે ખૂબ જ સારી વાત છે. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે થામણાના યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ સરપંચ ચંન્દ્રકાન્તભાઈ મુખીએ જણાવ્યું હતું.

૧૧ વર્ષના ટેનીયાએ કોમેન્ટ્રીનો ભાર ઉપાડ્યો..!

થામણા ખાતે યોજાયેલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૧ વર્ષના જીલ પટેલે કોમેન્ટ્રી આપવાનો ભાર ઉપાડ્યો હતો. એક તરફ નાના ટાબેરિયાઓને ક્રિકેટ રમવાનો શોખ હોય છે ત્યારે આ ટેનિયાને કોમેન્ટ્રી આપવાનો શોખ પાલવ્યો છે..! એકદમ પ્રોફેશનલ રીતે આ ટેનિયાને કોમેન્ટ્રી આપતા જોઈ ઉપસ્થિત મહેમાનો ભૂષણ ભટ્ટ, ઋષ કાલેરીયા અને સ્મિથ પટેલ પણ પ્રભાવિત થઈ ગયા હતા. અને તેઓએ જણાવ્યું હતુ કે, ક્રિકેટ રમવા કરતા પણ કોમેન્ટ્રી આપવાનું કામ અઘરૂં છે. વધુમાં જીલ પટેલે જણાવ્યું હતુ કે જ્યારે મેચ ટીવી પર આવતી હોય છે ત્યારે પણ તે કોમેન્ટ્રી આપવાની પ્રેક્ટીસ કરે છે તેઓને કોમેન્ટ્રી આપવાનો ખૂબજ શોખ છે અને ભવિષ્મા તક મળે તો આજ ક્ષેત્રે કાર્કિદી બનાવવા તેઓ વ્યાકુળ છે

ઉમરેઠમાં પ્રી-મોન્સુન કામગીરીનો આરંભ – નગરપાલિકાની પ્રશંશનિય કામગીરી


  • નગરમાં ગટરો અને કાંસની સફાઈ કરવાનું શરૂ

ઉમરેઠ નગરમાં આવનારા ચોમાસા દરમ્યાન પાણીના ભરાવાની સમસ્યા કદાચ નગરજનોને સહન ન કરવી પડે. ઉમરેઠ નગર પાલિકા દ્વારા પી-મોન્સુન કામગીરીની નગરમાં શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે નગરના વિવિધ વિસ્તારોમાં ગટરો સાફ કરવામાં આવી રહી છે તેમજ જરૂરિયાત મુજબ રસ્તાઓ ઉપરના ગટરના ઢાકણા વ્યવસ્થિત બંધ કરી મોટા પણ કરવામાં આવી રહ્યા છે. વધુમાં ઉમરેઠના છેવાડાના વિસ્તારોમાં પણ આવનાર ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરા આયોજનના ભાગ રૂપે કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ચોમાસા દરમ્યાન ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર, ખારવાવાડી, વડાબજાર જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી પાણી ભરાઈ જાય છે અને અવર-જવર કરવામાં પણ લોકોને મુશ્કેલીઓ થાય છે. જેથી આ વિસ્તારમાં પાલિકા તંત્ર આગોતરા આયોજનમાં વધુ ચોકસાઈ રાખી તે જરૂરિ છે.

બીજી બાજૂ ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર કાંસ ખાતાની બેદરકારી હજૂ પણ દેખાઈ રહી છે. ઉમરેઠથી લીંગડા તરફ જતા માર્ગ ઉપર કાંસમાં જંગલી વનસ્પતિનું વરચસ્વ દેખાઈ રહ્યું છે. કેટલાક કાંસમાં ભૂંગળા નાખવાનું કામચાલી રહ્યું છે તે ખુબજ ગોકળગાયની ગતીએ થઈ રહ્યું છે. એક તરફ ઉમરેઠ નગરપાલિકા ગામ માંથી પાણીનો નિકાલ સરળતાથી બહાર થઈ શકે તે માટે કસરત કરી રહ્યું છે. પરંતુ ગામ બહારના કાસની હાલત નહી સુધરે ત્યાં સુધી ઉમરેઠ નગરપાલિકાની મહેનત કારગત સાબિત થશે નહી જેથી ઉમરેઠ બહાર જતા પાણીના માર્ગને ચોખ્ખા કરવા પણ કાંસખાતું સતર્કતા દાખવે તે ખૂબ જ જરૂરી છે.

વિકાસ અને ભ્રષ્ટાચારનો હિસાબ બતાવતી સાપસીડી મુખ્યમંત્રીને અર્પણ કરી.


મૂળ ઉમરેઠના અને હાલમાં ખાડીયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે મનોમંથન કરી છેલ્લા દશ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસ અને ભ્રષ્ટાચારની અનોખી સાપસીડી બનાવી હતી. આ સાપ સીડીમાં ગુજરાતમાં થયેલ વિકાસને સી.ડી તરીકે બતાવ્યા હતા જ્યારે અન્ય લોકો દ્વારા થયેલ ભ્રષ્ટાચારને સાપ તરીકે દર્શાવ્યા હતા. સ્વ.અશોકભાઈ ભટ્ટના પૂત્ર ભૂષણભાઈ ભટ્ટે બનાવેલ આ સાપ-સીડી તાજેતરમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવામાં આવી હતી. આ સમયે મ્યુ.કાઊન્સિલર મયુરભાઈ દવે તેમજ નીકીબેન પણ હાજર રહ્યા હતા.

ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયનું ૧૦૦% પરિણામ


ઉમરેઠ પટેલ વાડી સામે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયનું એસ.એસ.સીનું પરિણામ ૧૦૦% આવેલ છે. પ્રથમ નંબરે ઋષભ રૂપેશભાઈ શાહ ૯૩.૦૫% (PR 99.68%) તેમજ એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં ૮૨% સાથે શાહ પાર્થ શૈલેષભાઈ અને પટેલ દિવ્યા શાંતિલાલ પ્રથમ નંબરે આવેલ છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ વર્ષથી શાળાનું એચ.એસ.સીનુ પરિણામ ૧૦૦% આવે છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ધો.૧૨ સામાન્ય પ્રવાણનું પરિણામ પણ ૧૦૦% આવે છે. સર્વે સફળ વિદ્યાર્થીને શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો તેમજ ચેરમેનશ્રી ર્ડો.એમ.બી.ભગતે અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠ જડબેસલાક બંધ , શ્રી ગણેશદાસજી મહારાજે સ્વાસ્થય સહિતની સેવા પૂનઃ શરૂ કરવા ખાતરી આપી.


મુસ્લિમો સહીત મોટી સંખ્યામાં ભક્તો રેલીમાં જોડાયા,અસામાજિક તત્વો સામે જનતાનો રોષ.

 

ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઉપર આક્ષેપબાજી કરનાર અસામાજિક તત્વો સામે વિરોધ દર્શાવવા માટે આજે ઉમરેઠ સ્વયં-ભૂ બંધ રહેવા પામ્યું હતું. સવારથી ઉમરેથના ચોકસી બજાર, કાપડ બજાર , ઓડબજાર તેમજ સુંદલ બજારમાં વહેપારીઓએ સજ્જળ બંધ પાડ્યો હતો. ઉમરેઠમાં આજે શ્રી ગણેશદાસજી મહારાજના સમર્થનમાં આત્મમંથન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી નગરના સજ્જનો અને શ્રી સંતરામ મંદિરના ભક્તોએ શ્રી ગણેશદાસજી મહારાજને સંતરામ મંદિર દ્વારા કરવામાં આવતી સેવાઓ પૂનઃ કાર્યરત કરવા વિનંતી કરી હતી.

મોટી સંખ્યામાં સંતરામ મંદિર ખાતે ઉમટી પડેલા ભક્તોની લોકલાગણીને માન આપી શ્રી ગણેશદાસજી મહારાજે સંતરામ મંદિર દ્વારા ચલાવવામાં આવતી તમામ સેવાકિય પ્રવૃત્તિઓ પૂનઃ પૂનમના દિવસથી કાર્યરત કરવા ખાતરી આપતા આખરે ભક્તોએ મહારાજશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સંતરામ મંદિર દ્વારા ઉમરેઠમાં છેલા કેટલાક દિવસથી દાંતનું દવાખાનું, જિમ્નેશિયમ તેમજ બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલની સેવા બંધ કરવામાં આવી હતી જેના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગ પ્રભાવિત હતો. કહેવાય છે શ્રી ગણેશદાસજી નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ કરતા હોવા છતા તેઓના સેવા યજ્ઞમાં કેટલાક ઈર્ષાળું અને સ્વાર્થિ લોકો હાડકા નાખતા હતા જેથી નાસીપાસ થઈ શ્રી ગણેશદાસજી મહારાજે શ્રી સંતરામ મંદિર દ્વારા કાર્યરત સેવાઓ બંધ કરી હતી.

રેલીનો વિડીયો જોવા માટે ફેશબુક પેજની મુલાકાત કરો.

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને મનાવવા ભક્તો દ્વારા ૨.૬.૨૦૧૨ના રોજ આત્મમંથન મહારેલીનું આયોજન.


  • આક્ષેપથી નાસીપાસ થઈ મહારાજે નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ બંધ કરી છે.

ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામડાની સેવાકાજે નગરમાં કેટલીય સંસ્થાઓ કાર્યરત કરી છે. સંતરામ મંદિર દ્વારા બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ અને સંતરામ દાંતનું દવાખાનું અને જીમ્નેશિયમના માધ્યમથી ઉમરેઠ તાલુકાના દર્દીઓને સ્વાસ્થય સેવા રાહતદરે પુરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત ઉમરેઠ રતનપુરા માર્ગ ઉપર વર્ષોથી બિસ્માર પડેલ સ્મશાનભૂમિને પણ સંતરામ મંદિરના વહિવટી તંત્રએ સુંદર બનાવી આજે ઉપવન જેવું સ્મશાન નગરજનોને સુવિધા સાથે અર્પણ કર્યું છે. અવાર નવાર સંતરામ મંદિર દ્વારા ઉમરેઠના નગરજનો માટે લોક ઉપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે છતા પણ સમાજમાં રહેતા કેટલાક ઈર્ષાળુંઓ દ્વારા શ્રી ગણેશદાસજીને બદનામ કરવા માટે અવાર નવાર પ્લાનો ઘડાય છે, જેના ભાગરૂપે તાજેતરમાં શ્રી ગણેશદાસજી મહારાજને નિશાન બનાવી તેઓ ઉપર આ ઈર્ષાળું લોકોએ કાદવ ઉછાળવાનો હિન્ન પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આવા અસામાજિક તત્વો શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર હાવી થઈ જતા શ્રી ગણેસદાસજી મહારાજ નાસીપાસ થઈ નગરમાં તેઓ દ્વારા ચલાવવામાં આવતિ આરોગ્ય લક્ષી સેવા બંધ કરી દીધી હતી. લગભગ છેલ્લા પચ્ચીસ દિવસથી ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા સંચાલિત દાંતનું દવાખાનું અને જીમ્નેશિયમ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ટુંક સમયમાં સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ નો વહિવટ પણ શ્રી ગણેશદાસજી મહારાજ છોડી દેનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે રાજીનામા પણ શ્રી ગણેસદાશજી મહારાજે ધરી દીધા છે. જો આવી સંસ્થાઓ માંથી શ્રી ગણેશદાસજી હાથ પાછા ખેંચશે તો આ સંસ્થાઓમાં થતી સેવાકિય પ્રવૃત્તિઓનું વ્યપારીકરણ થવાનું નક્કી છે. જેથી શ્રી ગણેશદાસજી અસામાજિક તત્વોથી નાસીપાસ થયા વગર આ સંસ્થા પૂનઃ તેઓનાજ હસ્તક રાખી નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ ચાલુ રાખે તેવી આજીજી કરવા માટે સંતરામ યુવા શક્તિ ઉમરેઠ અને આજૂબાજૂના ગામના ભક્તો તા.૨.૬.૨૦૧૨ના રોજ ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર પાસેથી સવારે નવ કલાકે રેલી કાઢી નગરમાં ફરશે અને મોટી સંખ્યામાં ભક્તો શ્રી ગણેશદાસજી મહરાજને મનાવવા પ્રયાસ કરશે.

બાગની જગ્યાએ શોપિંગ સેન્ટર ચાલે,તો શૈક્ષણિક સંસ્થાની જગ્યાએ પાર્ટી પ્લોટ કેમ નહી..?

ઉમરેઠ ઓડ ચોકડી ઉપર શ્રી સંતરામ મંદિર સંચાલિત વ્રજભૂમિ પાર્ટી પ્લોટનો દૂર ઉપયોગ થયો હોવાનું કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે. કહેવાય છે મંદિરને શૈક્ષણિક હેતુસર વપરાશ માટે તે જગ્યા ફાળવવામાં આવી હતી અને તેનો ઉપયોગ પાર્ટી પ્લોટ તરીકે કરવામાં આવે છે. કહેવાય છે લાગતા વળગતા તંત્ર દ્વારા આ જગ્યા શ્રી સંતરામ મંદિર પાસેથી પરત મેળવવા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. પરંતું નગરની જનતા લાગતા વળગતા તંત્રને પુછવા માગે છે કે, જો ઉમરેઠના ઓડ બજારમાં શ્રીજીબાગની જગ્યા ઉપર ખૂદ નગરપાલિકા તંત્ર જાતે જ શોપિંગ સેન્ટર બનાવી રોકડી કરતું હોય ત્યારે બીજા ઉપર આંગળી ચીંધવાનો તેમને શો હક્ક છે..? આ શોપિંગ સેન્ટર બન્યું ત્યારે સત્તાધીશો કે વિપક્ષો દ્વારા કેમ અવિરોધ ન થયો..? જો સંતરામ મંદિરને આપેલ જગ્યા ઉપર પાર્ટી પ્લોટ અયોગ્ય કહેવાય તો શ્રીજીબાગની જગ્યા ઉપર શોપિંગ સેન્ટર કેટલું યોગ્ય કહેવાય..? અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં વ્રજભૂમિ પાર્ટી પ્લોટનું બુકિંગ પણ સંતરામ મંદિરના વહિવટી તંત્ર દ્વારા સ્થગીત કરી દેવામાં આવ્યું છે..!

 ૨.૬.૨૦૧૨ના રોજ ઉમરેઠ સ્વયંભૂ બંધ શ્રી ગણેશદાસજીના સમર્થનમાં અને નગરમાં શ્રી ગણેશદાસજી મહારાજ સ્વાસ્થય અને અન્ય સેવા કાર્યરત રાખે તે માટે ઉમરેઠના વહેપારી મહાજનો એક દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહાજનો બંધ રાખી નગરના વિકાસમાં રોડા નાખનાર અસામાજિક તત્વોને જબાબ આપવા માગે છે.