આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2015

ઉમરેઠની વિવિધ પોળ અને મહોલ્લામાં નવા બનેલા રસ્તાની ઉંચાઈને કારણે પાણીના નિકાલની સમસ્યા સર્જાશે…!


પાલિકા તંત્રને લેખિત રજૂઆત છતા, પોળ અને ફળિયામાંથી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા થતી નથી.

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાને કારણે પ્રજાજનો પરેશાન થઈ ગયા હતા, ત્યારે પાલિકા તંત્ર દ્વારા ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવાનું શરુ કરવામાં આવ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં નવા રસ્તા બનીને તૈયાર પણ થઈ ગયા છે પણ રસ્તાની ઉંચાઈ વધારે હોવાને કારણે નગરની વિવિધ પોળ અને ફળીયા માંથી પાણીના નિકાલની સમસ્યા પેદા થઈ છે જેને કારને નગરજનો ચિંતામાં મુકાઈ ગયા છે. નગરની વિવિધ પોળ અને ફળીયામાં પાણીના નિકાલ માટેનો રસ્તો નવા બનેલા રસ્તાની ઉંચાઈને કારણે બંધ થઈ ગયા છે જેથી પોળ અને ફળીયામાં પાણીનો ભરાવો થવાની સમસ્યા ચોમાસામાં સર્જાશે જેથી પાલિકા તંત્ર ચોમાસા પહેલા નગરની વિવિધ પોળ અને ફળીયા માંથી પાણીના નિકાલ અંગે સમિક્ષા કરી જે તે પોળમાં સદર સમસ્યા હોય તે દૂર કરવા સકારાત્મક અભિગમ દાખવે તે સમયની માંગ છે.

તાજેતરમાં કમોસમી વરસાદ થયો હતો તે સમયે નગરની લાખિયાપોળ, ગલાગોઠડીયાની પોળ,ભાઈની પોળ સહીત ત્રણપોળમાં પાણીના નિકાલની સમસ્યા થઈ હતી આ સમયે કેટલીક પોળના લોકોએ જાતે પાણીને જવા માટે માર્ગની વ્યવસ્થા કરી હતી, સદર વિસ્તારના નાગરીકોએ જણાવ્યું હતુ કે પાલીકા તંત્રને પોળ મહોલ્લા માંથી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હોવા છતા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી, નગરમાં કરોડોના ખર્ચે રસ્તા બનાવવાનું કાર્ય જ પૂર જોશમાં થાય છે, જ્યારે રસ્તા બન્યા બાદ પાછળ નગરજનોને પડતી મુશ્કેલી અંગે પાલિકા તંત્ર રતીભાર વિચાર કરતી નથી.

ચર્ચાઈ રહ્યું છે કે પાલિકાના સત્તાધીશોને માત્ર મલાઈદાર કરોડોના પ્રોજેક્ટ માંજ રસ છે નાના-મોટા પ્રજાજનોના પ્રશ્નોને ઉકેલવામાં પાલીકા તંત્ર આળશું અભિગમ દાખવી રહી છે,ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા જે વિસ્તારમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે તે વિસ્તારોના પોળ મહોલ્લામાં પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા પગલા ભરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે. જો આમ નહી થાય તો આવનારા ચોમાસામાં ઉમરેઠના પ્રજાજનો નર્કાગાર પરિસ્થિતીમાં મુકાઈ જાય તો નવાઈ નહી.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા મોક્ષરથનું લોકાર્પણ


નગરપાલિકા દ્વારા પાર્થિવ શરીરને સ્મશાન સુધી લઈ જવા મોક્ષરથની સુવિધા ઉપલબ્ધ કરાઈ.

moxrath

ઉમરેઠ નગરમાં હવે કોઈના મૃત્યુબાદ પાર્થિવ શરીરને સ્મશાને લઈ જવા માટે મોક્ષ રથની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સદર મોક્ષરથની સેવા વિનામુલ્યે નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે તેમ પાલિકાના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. પ્રવર્માન ઝડપી યુગમાં હવે સ્મશાનયાત્રામાં લોકો પદયાત્રા કરી સ્મશાને પહોંચવાની જગ્યાએ પોતાના ટુ-વ્હીલર લઈ સ્મશાને પહોંચી જતા હોય છે જેથી સ્મશાનયાત્રામાં પાર્થિવ શરીરને ઉંચકવા માટે ગણ્યા ગાઠ્યા લોકો જ હોય છે. જેથી સમયને અનુરૂપ સુવિધા ગામના લોકોને પ્રદાન કરવા માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા “મોક્ષરથ”ની વિનામુલ્યે સુવિધા આપવામાં આવતા પાલિકાના સત્તાધીશોના સદર અભિગમની પ્રશંશા સમગ્ર નગરમાં થઈ રહી છે. આ અંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, નગરના મુખ્ય વિસ્તારોથી બંન્ને સ્મશાનો દૂર છે જેથી પાર્થિવ શરીર નનામી પર ઉચકીને લઈ જવામાં ડાઘુઓને મુશ્કેલી પડે છે, કેટલાક લોકોના પાર્થિવ શરીર ભારે હોય ત્યારે મોક્ષરથ ન હોવાને કારણે લોકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી આવી વિવિધ સમસ્યાને ધ્યાનમાં રાખી પ્રજાજનોને આવી મુશ્કેલીઓ ભવિષ્યમાં ન વેઠવી પડે તે હેતુંથી “મોક્ષરથ” પાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તેઓએ ઉમેર્યું હતુ કે નગરપાલિકાની ગ્રાન્ટ માંથી આ મોક્ષરથ નગરજનો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, ઉમરેઠના નગરજનોને આ મોક્ષરથની સેવા વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈપણ જ્ઞાતિના ઉમરેઠના નાગરીકો આ સેવાનો લાભ લઈ શકશે.

moxrath0

મોક્ષ રથ સેવા કેવી રીતે મળશે..?

કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મોક્ષરથની સેવા મેળવવા માટે નગરપાલિકાના ફોન નંબર – ૨૭૬૦૧૧ પર ફોન કરી સ્મશાનયાત્રાનો સમય સહીત સ્મશાનયાત્રા ક્યાથી નિકળી કયા સ્મશાને જવાની છે તે જણાવવાનું રહેશે. જે તે વ્યક્તિ દ્વારા જે સમય બતાવવામાં આવ્યો હશે તે સમયે મોક્ષરથ જે તે સરનામે પહોંચી જશે.

 મોક્ષરથ માટે મફત ડીઝલ આપવાની જાહેરાત

મોક્ષરથ સેવા ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિનામુલ્યે આપવામાં આવી રહી છે, ત્યારે આ સેવા અવિરત ચાલુ રહે અને પાલિકા પર આર્થિકબોજો ન પડે તે માટે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે મોક્ષરથ સેવા જ્યાં સુધી પાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવશે ત્યાં સુધી તેઓ દ્વારા વિના મુલ્યે ડીઝલ પૂરુ પાડવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. 

ઉમરેઠ જીઈબી પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતાં ૧નું મોત, ૧ ગંભીર


01

ઉમરેઠ-ડાકોર રોડ ઉપર આવેલી જીઈબી પાસે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટ્રકે બાઈકને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ જ્યારે બીજાને ઈજાઓ થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ઉમરેઠ પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ઠાસરા તાલુકાના વણોતી ગામે રહેતા લાલાભાઈ સરદારભાઈ પરમાર ડાકોર ખાતે રહેતા પોતાના મિત્ર દિપકભાઈ પંચાલ સાથે બાઈક નંબર જીજે-૭, ડીએફ-૬૨૫૫ ઉપર સવાર થઈને ઉમરેઠ આવ્યા હતા અને ત્યાંથી પરત જતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર આરજે-૨૭, જીબી-૨૪૨૧એ ટક્કર મારતાં બન્નેને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં લાલાભાઈનું અવસાન થયું હતુ.

ભરોડાના ૧૨૩ સિનિયર સિટીઝનને મફત ચારધામની યાત્રાએ લઈ જતો એન.આર.આઈ શ્રવણ..!


૨૦૧૧માં પણ ૧૧૨ સિનિયર સિટીઝનોને ચારધામ યાત્રા કરાવી હતી, ૨૦૧૫માં ૧૨૩ સિનિયર સિટીઝનને લઈ એન.આર.આઈ શ્રવણ ચાર ધામયાત્રા કરાવવા નિકળી પડ્યો.

BHARODA01

શ્રવણે પોતાના આંધળા મા-બાપને જાત્રા કરાવવા માટે પાલખીમાં બેસાડી કેટલીય મુશ્કેલીઓનો સામનો કરી જાત્રા કરાવી હતી અને ઈતિહાસમાં તેનું નામ અમર થઈ ગયું હતું. આજે પણ દરેક મા-બાપ પોતાનો પૂત્ર શ્રવણ જેવો પેદા થાય તેવી પ્રાર્થના કરતા હોવ છે. બીજી બાજૂ કેટલાય કપૂતો આજના કળયુગમાં પોતાના મા-બાપને ઘરડા ઘરના હવાલે કરી દેતા હોય છે, અને પોતાના મા-બાપને એકલવાયું જીવન જીવવા મજબુર કરી દેતા હોય છે. પરંતુ આજના કળયુગમાં વડીલો પ્રત્યે પ્રેમ-ભાવ અને સન્માન રાખતા યુવાનો પણ ખુણે ખાંચરે મળી જતા હોય છે, વડીલો પ્રત્યે અનોખો પ્રેમ-ભાવ ધરાવતા આવાજ એક યુવાન દ્વારા ગતરોજ પોતાના માદરે વતન ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના એકસો ત્રેવીસ સિનિયર સિટીઝન વડીલોને પોતાના પિતાની યાદમાં મફત ચારધામ યાત્રા કરાવી પોતાની વડીલો પ્રત્યે શ્રધ્ધા પ્રગટ કરી હતી. આ પહેલા ૨૦૧૧માં પણ સદર યુવાને ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના એકસો બાર સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવી પોતાનું માદરે વતન પ્રત્યે ઋણ અદા કર્યું હતું.

BHARODA02

રવીવારે સાંજના સમયે ભરોડા મંદિર ખાતે બંન્ને બસનું ભરોડા મંદિરના મહંતો દ્વારા પુજન કરવામાં આવ્યું હતુ અને બસ રવાના કરવામાં આવી હતી. ગામના તમામ વડીલોને ચારધામ યાત્રા સફળ નિવળે તે માટે શુભેચ્છા આપવા માટે ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ભરોડાના યુવાકાર્ય પ્રદિપભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભરોડાના મહેન્દ્રસિંહ ગુલાબસિંહ રાઊલજીએ રૂ.૧૬ લાખના ખર્ચે ગામના ૧૨૩ સિનિયર સિટીઝન નાગરિકોને ચારધામ યાત્રા કરાવવાની અનોખી પહેલ કરી છે, જેને સમગ્ર ગામના લોકોએ આવકારી હતી રવીવારે સાંજે ભરોડા મંદિરથી બે બસો દ્વારા પ્રવાસ શરૂ થયો હતો જે ૧૩ થી ૧૪ દિવસ સુધી ચાલશે. તેઓએ ઉમેર્યું હતુ કે સમગ્ર યાત્રામાં મુસાફરી સહીત રહેવા ખાવાનો ખર્ચ ગામના યુવાન મહેન્દ્રસિંહ રાઊલજીએ ઉપાડ્યો છે, સદર યાત્રામાં તેઓ સાથે સિનિયર સિટીઝન નાગરિકોની સહાય માટે ગામના યુવાકાર્યકરોને પણ યાત્રામાં સામેલ કર્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે મહેન્દ્રસિંહ રાઊલજીએ પોતાના પિતા ગુલાબસિંહ ભગવાનસિંહ રાઊલજીની યાદમાં સદર ચારધામ યાત્રાનું આયોજન કર્યું છે, વૃધ્ધોને સુવિધા મળી રહે તે માટે રાત્રી રોકાણ દરમ્યાન એ.સી.હોટલો પણ અગાઊથી બુક કરાવી દેવામાં આવી છે અને તેઓના જમવા સહીત ચા-નાસ્તાની પણ વ્યવસ્થા પહેલીથી કરી દેવામાં આવી છે. સમગ્ર યાત્રાનું સંચાલન ભરોડાના રવીન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ તા.૨૪/૫/૨૦૧૫ થી તા.૫/૬/૨૦૧૫ સુધી આ યાત્રામાં ફોટોગ્રાફી અને વીડીયોગ્રાફી પ્રદીપ રમેશભાઈ પટેલ તરફથી તમામ યાત્રીઓની મફત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સદર ચારધામ યાત્રાના આયોજન માટે સિનિયર સિટીઝન ભરોડા દ્વારા સ્વ.ગુલાબસિંહ રાઊલજી, ચંપકસિંહ ગોહેલ,મહેન્દ્રસિંહ રાઊલજી, મહેશસિંહ રાઊલજી સહીત સમગ્ર રાઊલજી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠમાં ખેડા જિલ્લા સદભાવના ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટીઝન ફોરમની સ્થાપના


સિનિયર સિટીઝન ફોરમના હોદ્દેદારો વરાયા – ૫/૬/૨૦૧૫ના રોજ ઉદ્ગાટન સમારોહ યોજાશે. ખેડા આણંદ જિલ્લામાં સેવાકિય પ્રવૃત્તિઓ કરી છેલ્લા ત્રણ ખુબ નામના પ્રાપ્ત કરી સરકારશ્રી દ્વારા વિવિધ એવોર્ડ તેમજ સન્માન પત્રો મેળવનાર માનવતાવાદી મિત્રતા સંસ્થા ખેડા આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ હવે, વડીલો માટે એક આગવી સંસ્થાની સ્થાપના તા.૧.૫.૧૫ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે કરી છે જે અંતર્ગત ઉમરેઠ ખાતે ખેડા જિલા સદભાવના ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન ફોરમની શરૂઆત કરી છે, લગભગ એંશી સભ્યો સાથે શરૂ થયેલ સદર સંસ્થાનું વિધિવત શરૂતાત તા.૫.૬.૨૦૧૫ને શુક્રવારના રોજ ભવ્ય સમારોહ સાથે નગરના ગુરુદ્દત્તાત્રેય હોલ ખાતે સાંજે ૪ કલાકે કરવામાં આવશે. સદર સંસ્થાની પ્રથમ કારોબારીમાં પ્રમુખ પદે આણંદ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર કમલભાઈ એસ.વ્યાસ(પેઈન્ટર),ઉપ-પ્રમુખ પદે સુબોધભાઈ શાહ(ચાંગ), મંત્રી પદે પુનમભાઈ પ્રજાપતિ અને સહ મંત્રી પદે દિપકભાઈ શેઠ, તેમજ ખજાનતી પદે જયપ્રકાશ કે.શાહ(જે.પી)ની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી સભ્યો તરિકે અશોકભાઈ શાહ, અમૃતભાઈ પરમાર, ભગવતલાલ શાહ, રશ્મિકાન્ત શાહ, ઈન્દ્રવદનભાઈ શાહ, તેમજ કિરીટભાઈ ચોકસીને સ્થાન આપવામાં આવ્યું છે. વધુમાં સંસ્થાના પ્રમુખ કમલભાઈ વ્યાસે જણાવ્યું હતુ કે, સદર સંસ્થામાં કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર તમામ જ્ઞાતિના વડીલોને સભ્યપદ મળી શકશે પરંતુ પ્રથમ વર્ષે મર્યાદામાં માત્ર એંશી સભ્યોને વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તા.૫.૬.૨૦૧૫ના રોજ યોજાનાર ઉદગાટન સમારોહમાં આશિર્વચનદાતા તરીકે ઉમરેઠ તારૂણીમાતા મંદિરના મહંતશ્રી પ.પૂ.દેવીરામ મહારાજશ્રી, ઉદઘાટક પદે સિનિયર સિટીઝન ફેડરેશનના ભીષ્મપિતા કહેવાતા વીપીનભાઈ પંડ્યા(આણંદ),સમારોહના પ્રમુખ પદે રમેશભાઈ પટેલ, તેમજ અતિથિ વિશેષ પદે ઉમરેઠ તા.પં.પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ જે.એન.ગઢવી, દેવેન્દ્રભાઈ પંડ્યા અને પ્રકાશચંન્દ્ર શાસ્ત્રી, પિયુષભાઈ શાહ ખાસ ઉપસ્થીત રહેશે તેમ એક યાદીમાં મંત્રી પુનમચંદ પ્રજાપતિએ જણાવ્યું હતું.

ઉમરેઠ ન્યાય સંકુલના સર્વરરૂમમાં આગથી સામાન્ય નુકશાન.


આગનું કારણ જાણવા એફ.એસ.એલની ટીમ કામે લાગી. ઉમરેઠના ન્યાય સંકુંલમાં અચાનક સર્વર રૂમમાં આગ લાગતા કૂતૂહલ ફેલાયું હતુ, આગ સામાન્ય હોવાને કારણે કોઈ માલહાની કે જાનહાની ન થઈ હતી પણ આગ કયા કારણોથી લાગી તે જાણવા માટે એફ.એસ.એલની ટીમની મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ ગત શુક્રવારના રોજ નિત્યક્રમ મુજબ ન્યાય સંકુલનું કામકાજ રાબેતા મુજબ ચાલ્યું હતુ અને સાંજના સમયે ન્યાય સંકુંલ બંધ થયું હતુ, ત્યાર બાદ શનીવાર અને રવીવાર રજા બાદ સોમવારે ન્યાય સંકુલના સફાઈ કામદાર દ્વારા સફાઈ કરવા માટે સર્વર રૂમનો દરવાજો ખોલવામાં આવતા અચાનક કાળા ધુમાળા દેખાયા હતા જેથી તેઓએ તુરંત કોર્ટના અન્ય કર્મચારીઓને જાણ કરી હતી.

ગરમીમાં પ્રાણી પણ લાચાર…!


dog02

છેલ્લા કેટલાય સમય થી ચરોતરમાં અગન વર્ષા થઈ રહી છે. ચરોતરવાસીઓ સહીત મૂગા પશુ પંખી પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આણંદના રેલ્વે સ્ટેશનમાં પરબ પર ગરમીથી રાહત મેળવવા માટે એક શ્વાને અડ્ડો જમાવ્યો હતો, કદાચ ભારે ગરમીમાં આ શ્વાનને બે ઘડી ઠંડક લેવા દેવા માનસોએ મોટું દિલ રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ રીતે પાણીની પરબ પર શ્વાનને આરામની મુદ્રામાં જોઈ સદર પ્લેટફોર્મ પર થી પસાર થતા લોકોમાં બે ઘડી કૂતૂહલ વ્યાપી ગયું હતુ મુસાફરો પણ ધમધોખતા તાપમાં આ શ્વાનને ઠંડકનો આનંદ લેવા દેવાના મુડમાં દેખાતા હતા.

dog01

ઉમરેઠ રેલ્વે સ્ટેશન પર થી હવે, રીઝર્વેશન થઈ શકશે.


– ઉમરેઠ તાલુકાના મુસાફરોએ હવે રીઝર્વેશન કરાવવા આણંદ, ડાકોર સુધી લાંબા નથી થવું પડે.

station

ઉમરેઠ રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા ઉમરેઠ સહીત આજૂબાજૂના ૪૨ ગામડાના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ પંથકના નાગરિગો સ્થાનિક રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશન સુવિધા ન હોવાને કારણે રીઝર્વેશન કરાવવા માટે આણંદ કે ડાકોરના રેલ્વે સ્ટેશન સુધી લાંબા થતા હતા જ્યારે કેટલાક લોકો એજન્ટો મારફતે ઓનલાઈન ટીકીટ બુકિંગ કરાવતા હતા જે માટે તેઓને ઓવર ચાર્જ ચુકવવો પડતો હતો. હવે ઉમરેઠ રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશન સુવિધા શરૂ કરવામાં આવતા ઉમરેઠ સહીત ઉમરેઠની આસ પાસના ગામડાના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે ઉલ્લેખનીય છે કે હવે ઓનલાઈન રેલ્વે ટીકીટ બુક કરાવતા સમયે એક લોગ ઈન દ્વારા એક જ રેલ્વે ટીકીટ બુક કરી શકાય છે જેથી સ્થાનિક રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશન સુવિધા શરૂ થતા હવે મુસાફરો ઓનલાઈન ટીકીટની ઝંઝટ માંથી છુટકારો પામશે અને તુરંત ટીકીટ મેળવી શકશે. 

નવું સીમાંકન – ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ રચના જાહેર કરાઈ.


કુલ ૭ વોર્ડ અને ૨૮ સભ્યોથી બનશે નગરપાલિકાનું બોર્ડ,તમામ વોર્ડમાં બે બેઠક મહિલા સભ્યો માટે અનામત.

ઉમરેઠ નગરપાલિકાની સને ૨૦૧૧ની કુલ ૩૩,૭૬૨ વસ્તી અને વોર્ડ દીઠ સરેરાશ ૪૮૨૩ વસ્તીને ધ્યાનમાં રાખી નવા સીમાંકન મુજબ નગરપાલિકાની વોર્ડ રચના કરવામાં આવી હતી, જેમાં ૭ વોર્ડ અને ૨૮ બેઠકો પૈકી ૧૪ બેઠકો સ્ત્રી ઉમેદવાર માટે,૧ બેઠક અનુસુચિત જાતી માટે,૧ બેઠક અનુસુચીત આદિજાતી સહીત ૩ બેઠકો પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે પછાત વર્ગની અનામત રાખવામાં આવેલ કુલ ૩ બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વધુમાં આવનાર નવેમ્બર-ડીસેમ્બર માસમાં નગરપાલિકાઓની ચુંટની યોજાવવાની સંભવતા છે, ત્યારે તાજેતરમાં ઉમરેઠ નગરપાલિકાના વોર્ડની રચના જાહેર કરવામાં આવતાની સાથે નગરના રાજકીય અગ્રણીઓમાં કૂતૂહલ ફેલાયુ હતુ અને સૌ કોઈ નવા સીમાંકન મુજબ થયેલ વોર્ડ રચનાની વિગતો મેળવી પોતાની બેઠક ને લઈ કેવા સમિકરનો રચાશે તેની સમિક્ષા કરવા લાગ્યા હતા. નવી વોર્ડ રચના ને કારને કેટલાય મોટા રાજકિય માથાઓના પોકેટ એરીયા વેરવેખેર થઈ જતા આવનારા દિવસોમાં જે તે રાજકિય દિગ્ગજો નવા સમિકરનો પર કામ કરવાનું શરૂ કરે તો નવાઈ નહી. નગરમાં બે વોર્ડ ઓછા થયા છે પરંતુ એક સભ્યનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે પહેલા ઉમરેઠ નગરપાલિકામાં ૯ વોર્ડ અને ૨૭ સભ્યોના બદલે નવા સીમાંકન વોર્ડ રચના બાદ ૭ વોર્ડ અને ૨૮ બેઠકોથી ઉમરેઠ પાલિકાનું બોર્ડ બનશે. નવી વોર્ડ રચના બાદ વસ્તી મુજબ વોર્ડ નં.૩ સૌથી મોટો વોર્ડ બન્યો છે જેમાં કુલ વસ્તી ૫૧૩૫ છે, જ્યારે વસ્તી મુજબ સૌથી નાનો વોર્ડ નં.૪ બન્યો છે જેમાં કુલ વસ્તી ૪૫૧૧ છે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૪ની તમામ ૪ બેઠકો સામાન્ય છે જેમાં બે બેઠકો મહીલાઓ માટે અનામત છે. આ ઉપરાંત વોર્ડનં.૩ અને વોર્ડનં.૬ની પણ તમામ ૪ બેઠકો સામાન્ય રહેલ છે.ઉલ્લેખનીય છે કે નવી વોર્ડ રચના બાદ હાર-જીતના સમીકરનો અંગે સમીક્ષા કરવા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે કેટલાય રાજકિય દિગ્ગજો હવે નવી વોર્ડ રચના મુજબ કેળલું કાઠું કાઢશે એ’તો આવનારો સમય જ બતાવશે, પરંતુ તે વાત તો નક્કી જ છે કે આવનારી નગરપાલિકાની ચુંટણી તમામ રાજકીય પક્ષ અને રાજકિય દિગ્ગજો માટે કસોટીરૂપ સાબીત થશે, કેટ્લાય નવા ચહેરા સામે આવશે તો કેટલાય જૂના ચહેરાઓ નવી વોર્ડ રચના બાદ પોતાનો રાજકીય સફર આટોપી લે તો નવાઈ નહી..!

કેટલાય રાજકિય દિગ્ગજોના પોકેટ એરીયા વેર-વિખેર થયા

ઉમરેઠમાં મધર્સ ડે નિમિત્તે વંદના કાર્યક્રમ યોજાયો


ઉમરેઠમાં મેલોડી ગૃપ દ્વારા અનોખી રીતે મધર્સડેની ઉજવણી કરવામાં આવી હતી. મેલોડી ગૃપના તમામ સભ્યોએ પોતાની માતાને યાદ કરી સંસ્મરણ વાગોળ્યા હતા અને વિશ્વની તમામ માતાને સમર્પિત જલસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં મેલડી ગૃપના સભ્યો હરીશભાઇ લીગડાવાલા, નિતીનભાઇ,કલ્પેશભાઇ (પપ્પુભાઇ), ડો. નિરવભાઇ , સંતોષભાઇ, ડો. ગિરિશભાઇ ઠાસરાવાળા, દર્શક ચોકસી, ધવલ લીગડાવાલા, નિશીત ચોકસી, પ્રણવભાઇ બાવાવાળા, જૈમીનભાઇ, જીગ્નેશભાઇ, તથા નીશી અને પલકબેને વિવિધ ફિલ્મી ગીતો રજૂ કર્યા અને માતૃવંદના કરી હતી. મેલડી ગૃપની સૌથી નાની કલાકાર નીશીએ સુંદર પ્રાર્થના કરી હતી. કાર્યક્રમનુ સંચાલન પેન્શનર મંડળના પ્રમુખ દિપકભાઇ શેઠે કર્યું હતું. અલકાબેન ચોકસી, વૈશાલીબેન તથા મીનલબેનને સુંદર યુગલ ગીતો રજૂ કર્યા હતા.

ઉમરેઠના શ્રી ગિરિરાજધામ ખાતે બડો મનોરથ ઉજવાશે.


શોભાયાત્રા, બડો મનોરથ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન

શ્રી પ્રભુચરણ પંચશતાબ્દી પ્રાગટ્યોત્સવ તથા દેવકીનંદનાચાર્યજી(ચંદબાવા) મંદીર ઉમરેઠના દશાબ્દી વર્ષ તથા નિ.લી.પં.પી.પુ.પા ગોસ્વામીશ્રી ૧૦૮ શ્રી ગીરધરલાલજી મહારાજશ્રીના ઉત્સવ નિમિત્તે જગદ્ ગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પિઠાધીશ્વર પૂ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્ય મહારાજશ્રી(કામવન)ની આજ્ઞાથી તથા શ્રી દેવકીનંદબાવાશ્રી અને શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનિધ્યમાં ડાકોરના કનુભાઈ આર.દોશી (કરોડપતિ)ના યજમાન પદે તા.૬.૬.૨૦૧૫ને શનિવારના રોજ શ્રી ગિરિરાજજીનો બડો મનોરથ ભક્તિભેર ઉજવાશે. આ પ્રસંગે તા.૬.૬.૨૦૧૫ને શનિવારના રોજ સાંજે ૪ કલાકે શ્રી દેવકીનંદજી મંદિર ગાંધીશેરી ખાતે થી શોભાયાત્રા નિકળશે. તેમજ સાંજે ૭ કલાકે બડા મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગ નિમિતે સમસ્ત મહાજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા ઉમરેઠની ધર્મપ્રેમિ જનતાને શ્રી ગિરિરાજધામ ઉત્સવ સમિતિના કાર્યકરો અને હોદ્દેદારોએ જણાવ્યું છે.

આણંદ અને ખેડા જિલ્લાના વાહન ચાલકો ગોધરા પાસે વાવડી ટોલ પ્લાઝા પર ૨૦ કી.મી રસ્તાના ઉપયોગ માટે રૂ.૧૪૦ ખર્ચવા મજબુર…!


tolltax

વાવડી ટોલ પ્લાઝા પર અમદાવાદ થી આવતા વાહનો માટે ૫૧ કી.મીના રસ્તાના ઉપયોગ માટે રીટર્ન પાસ સહીત રૂ.૧૪૦ વસુલ કરવામાં આવે છે, આજ માર્ગ પર નર્મદા કેનાલ થી વાવડી ટોલ સુધી માત્ર ૨૦ કી.મી ના રસ્તાનો ઉપયોગ કરવા બદલ ખેડા-આણંદ જિલ્લાના વાહન ચાલક પાસે પણ પૂરે પૂરો એટલે કે રીટર્ન ટીકીટ સાથે રૂ.૧૪૦ ટોલ વસુલ કરાય છે.

અમદાવાદ ગોધરા હાઈ-વે પર નવા બનેલા રસ્તા બદલ ગોધરા પાસે વાવડી (ખુર્દ) ટોલ નાકા પર ટોલ ટેક્ષ વસુલ કરવામાં આવે છે. વિવિધ વાહન ચાલકો પાસે નિયત કરેલા દર થી ટોલ ટેક્ષ વસુલ કરવાની પ્રક્રિયા છેલ્લા કેટલાય વર્ષથી ચાલી રહી છે, થોડા સમય અગાઉ સદર ટોલ ટેક્ષની કિંમતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો. સદર ટોલ નાકા પર એક જ લાકડીએ બધા જ વાહન ચાલકોને હાંકવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

સંપૂર્ણ નવા બનેલા લગભગ ૫૧. કી.મીના માર્ગનો ઉપયોગ કરવા બદલ અમદાવાદથી ગોધરા જતા વાહન નો પાસે જે કિંમત થી ટોલ ટેક્ષ વસુલ કરવામાં આવે છે તે જ કિંમતથી આણંદ અને ખેડા જિલ્લા તરફથી ગોધરા તરફ જતા વાહન ચાલકો પાસે માત્ર ૨૦ કી.મીના નવા માર્ગના વપરાશ માટે વસુલ કરવામાં આવે છે, જેને કારણે આણંદ અને ખેડા જિલ્લા માંથી વાયા ઠાસરા ગોધરા જતા વાહન ચાલકો ગુસ્સે ભરાયા છે.

વધુમાં આણંદ જિલ્લાના એક કાર માલિક હરીશભાઈ શાહએ જણાવ્યું હતુ કે ગોધરા જવા માટે વાયા ઠાસરા માર્ગ પર થી જતા નર્મદા કેનાલ થી ગોધરા જતા વાવડી ટોલ નાકુ આવે છે, નર્મદા કેનાલ થી વાવડી ટોલ પ્લાઝા સુધી માત્ર ૨૦ કી.મી નું જ અંતર છે જે માટે વન-વે રૂ.૯૫ અને રીટર્ન ટીકીટ સાથે રૂ.૧૪૦ વસુલ કરવામાં આવે છે તે કેટલું વ્યાજબી છે…? વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે અમદાવાદ થી ગોધરા તરફ જતા વાહનો આ નવો માર્ગ લગભગ ૫૧.કી.મી સુધી વપરાશ કરે છે તેમની પાસે પણ આજ રીતે ટોલ ટેક્ષ વસુલ કરવામાં આવે છે.

વધુમાં આણંદ અને ખેડા જિલ્લાના વાહન ચાલકો તર્ક આપી રહ્યા છે કે અમદાવાદ વડોદરા એસ્ક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ થી વડોદરા જવા માટે , અમદાવાદ થી આણંદ કે નડિયાદ જવા માટે અલગ અલગ રકમ વસુલ કરાય છે, એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરાનો હોવા છતા આણંદ અને નડિયાદ જિલ્લાના વાહન ચાલકો ને સુગમતા રહે તે માટે આણંદ અને નડિયાદ એક્ઝીટ અને એન્ટર પોઈન્ટ મુકવામાં આવ્યા છે અને તે જ રીતે અલગ અલગ જગ્યાએ ઈન-એક્ઝીટ થવાના દર પણ અલગ અલગ રાખવામાં આવ્યા છે તે જ રીતે વાવડી ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા નર્મદા કેનાલ પાસે આણંદ ખેડા જિલ્લાના વાહન ચાલકો માટે ઈન-એક્ઝીટ પોઈન્ટ બનાવી તેઓ પાસે ઓછો ટોલ ટેક્ષ વસુલ કરવામાં આવે તેમ લોક માંગ પ્રવર્તમાન બની છે.

%d bloggers like this: