આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2015

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે અષાઢી જોખાશે.


– પંચની હાજરીમાં ધાન્યો જોખી મહાદેવના ચમત્કારી ગોખમાં મુકાયા.

– તા.૧/૮/૨૦૧૫ના રોજ સવારે ૯ કલાકે અષાઢી જોખાશે.

a03

મંદિરના પુજારી ગીરીશભાઈ દવેએ ધાન્યો ભરોલો ઘડો મંદિરના ચમત્કારી ગોખમાં મુક્યો હતો.

a04

અષાઢીમાં જોખવામાં આવતા ધાન્યો

ઉમરેઠના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે આજે સાંજે પંચની હાજરીમાં ધાન્ય ભરેલી કોરી પોટલીયો એક ઘડામાં મુકવામાં આવી હતી જે મહાદેવના ગર્ભગૃહમાં આવેલ એક ચમત્કારી ગોખમાં પંચ રૂબરૂ મુકી આ ચમત્કરી ગોખને શીલ બંધ કરી દેવામાં આવ્યું હતું. ઉમરેઠમાં છેલ્લા કેટલાય વર્ષેથી અષાઢી તોલવાની પરંપરા ચાલી રહી છે જે મુજબ વિવિધ ધાન્યોનું પંચ સમક્ષ રતીભાર વજન કરી કોરા કટકામાં મુકી પોટલીઓ બનાવવામાં આવે છે પછી આ તમામ ધાન્યોની પોટલીઓને મંદિરના એક ગોખમાં શીલ કરી દેવામાં આવે છે બીજા દિવસે પૂનઃ પંચ સમક્ષ આ ગોખને ખોલી ફરીથી આ ધાન્યોનું વજન કરવામાં આવે છે, અને તેમાં જે ફેરફાર થાય તેને અષાઢી કહેવાય છે. જો કોઈ ધાન્યનું વજન વધે તો તે ધાન્યનો પાક સારો થશે તેમ માનવામાં આવે છે,અને તેજ પાકનું વાવેતર ઉમરેઠ પંથકના ખેડૂતો કરતા હોય છે. છેલ્લા કેટલાય વર્ષથી અષાઢીમાં અચુક હાજર રહેતા ઉમરેઠના નરેન્દ્રભાઈ ગાભાવાળાએ જણાવ્યું હતુ કે,ખાસ કરીને ઉમરેઠ પંથક સહીત સૌરાષ્ટના વિસ્તારોમાં અષાઢીનું આગવું મહત્વ છે. આ ઉપરાંત વિવિધ ગંજ બજારના વહેપારીઓ પણ અષાઢી ઉપર પોતાની નજર રાખતા હોય છે. અષાઢીના વર્તારા મુજબ વહેપાર ધંધો કરે છે. અષાઢીમાં ચમત્કારી ગોખમાં જોખીને મુકવામાં આવતા ધાન્યોમાં મગ,જુવાર,ઘઊં,ડાંગર જેવા ધાન્યોનો સમાવેશ થાય છે.ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રમાં ઉમરેઠની અષાઢીનું ખુબ જ મહત્વ છે.સૌરાષ્ટ્ર ના ખેડૂતો અષાઢીના વરતારા અંગે મહાદેવમાં પત્ર-વ્યવહાર કરી પુછતા હોય છે જેનો જવાબ પત્ર દ્વારા આપવામાં આવે છે.આજે અષાઢી જોખાઈ ત્યારે પંચના સભ્યો તરીકે ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના ટ્રસ્ટી ભીખુભાઈ દવે, નોટરી વકીલ પ્રફુલભાઈ સુત્તરીયા, ચોકસીના વહેપારી શૈલેષભા દોશી, નરેન્દ્રભાઈ ગાભાવાળા અને દિલીપભાઈ સોની, ધાન્યના વહેપારી ધરમેન્દ્રભાઈ શાહ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થીત રહ્યા હતા. સૌ કોઈની હાજરીમાં મંદિરના ગર્ભ ગૃહમાં આવેલ ગોખમાં મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ ધાન્યનો ઘડો મુક્યો હતો જે હવે આવતી કાલે પંચ રૂબરૂ બહાર નિકાળી પૂનઃ જોખવામાં આવશે અને જે વધઘટ થશે તે અષાઢી કહેવાશે.

વરસાદના વરતારા માટે માટીનો ઉપયોગ – વરસાદનો વરતારો જાણવા માટે ધાન્યોની જગ્યાએ પોટલીમાં માટી મુકવામાં આવે છે. બીજે દિવસે આ માટી જે પ્રમાણે ભીનાશ પકડે તે મુજબ વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગતવર્ષ જેટલો જ વરસાદ મધ્યમ રહેશે તેવું અનુમાન છે.

ત્રણ પેઢીથી સોની પરિવાર અષાઢી જોખે છે.

a02

ઉમરેઠમાં ઐતિહાસિક અષાઢી તોલવાનું ગૌરવ છેલ્લી ત્રણ પેઢીથી સોની પરિવારને મળે છે. હાલમાં દિલીપભાઈ સોની અષાઢી તોલે છે, આ પહેલા તે પિતા બંસીલાલ સોની તેમજ તેઓના દાદા જેઠાલાલ સોનીએ અષાઢી તોલી હતી. દિલીપભાઈ સોનીએ જણાવ્યું હતુ કે,ત્રણ પેઢી થી અષાઢી તોલવાનો અમોને લાભ મળે એ તે અમારા માટે ગૌરવની વાત છે. 

a01

વરસાદ ગયો ને કાદવ રહ્યો..!


step0001

ઉમરેઠમાં છેલ્લા બે દિવસ થી વરસામે વિરામ લેતા લોકોને હાશકારો થયો છે. પરંતું સતત ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદની સાઈડ ઈફેક્ટો હજૂ પણ અકબંધ રહેતા કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ઉમરેઠની થામણા ચોકડી પાસે આવેલ કુબેર ભંડારી મહાદેવ જવાના રસ્તા પર વરસાદ બાદ કાદવ કીચ્ચડ થઈ જતા રોજબરોજ આ માર્ગ થી અવર જવર કરનાર રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. કુબેર ભંડારી મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જાય છે ત્યારે કાદવ કીચ્ચડ થી લથબથ રસ્તા પર અવર જવર કરવામાં તેઓને મુશ્કેલીઓ સામનો કરવો પડે છે, સ્થાનિક તંત્ર દ્વારા સત્વરે સદર રસ્તાને ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી


/ जय महाराज /

/ जय महाराज /

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ પોતાના ગુરુજી શ્રી ગણેશદાસજી મહારાજ પ્રત્યે પોતાની શ્રધ્ધા દર્શાવી હતી. શ્રી ગણેશદાસજી મહારાજએ આશિર્વચન આપતા ગૂરૂ અને શિષ્યના સબંધનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર ઉમરેઠ સહીત થામણા,ઓડ,લીંગડા,સુંદલપૂરા અને કાલસરના ભક્તો પણ શ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ મેળવવા આવી પહોંચ્યા હતા. ભક્તો માટે શ્રી સંતરામ મંદિર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં પ્રસાદી લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠ સ્ટેશન રોડ વિસ્તારના રસ્તા પર કાદવ-કીચ્ચડનું સામ્રાજ્ય..!


– ગઈકાલે રાત્રે એમ્બ્યુલન્સ ફસાઈ હતી – પાલીકા તંત્રએ રસ્તો સાફ કરવા સાધનો કામે લગાવ્યા પણ પરિનામ શૂન્ય..!

ગઈકાલે પડેલ ધોધમાર વરસાદ ધરતીપૂત્રો માટે આશિર્વાદ સમાન સાબીત થયો હતો પરંતુ ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા લોકો માટે વરસાદ આફતરૂપ સાબીત થયો હતો. ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાંનવા માર્ગ બનવાનું કામ અધુરું હતુ તેવામાં ગઈકાલે રાત્રે પડેલા મુશળધાર રસ્તાને કારણે આ માર્ગ પર અત્યંત કાદવ કિચ્ચડ થઈ ગયો હતો. સ્ટેશન રોડ વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલ સહીત સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલ છે જેથી સદર વિસ્તાર માંથી અવર જવર કરવામાં દર્દીઓ સહીત તેઓના સ્વજનોને ખાસ્સી મુશ્કેલીઓ વેઠવી પડે છે. વધુમાં સદર વિસ્તારમાં રહેતા અમીતભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગઈકાલે પડેલા વરસાદને કારણે સ્ટેશન રોડ વિસ્તારની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, ખરાબ રસ્તા અને કાદવ કીચ્ચડને કારણે ગત રાત્રીના એમ્યુલન્સ પણ ફસાઈ હતી જે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમતબાદ બહાર નિકાળી હતી. વરસાબ બંધ થયા બાદ પાલિકા દ્વારા રસ્તા પરથી કાદવ કિચ્ચડ હટાવવા સાધનો કામે લગવ્યા હતા પરંતુ હજૂ પણ પરિસ્થીતી તેની તેજ રહી છે. આ વિસ્તાર માંથી કાદવ કિચ્ચડ દૂર કરી રસ્તો વ્યવસ્થીત બનાવવામાં નહી આવે તો રોગચાળો ફાટવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઉમરેઠ નગરપાલીકા દ્વારા નગરમાં ફ્રી વાઈ-ફાઈ સેવા શરૂ કરવામાં આવશે.


 નિયમિત ટેક્ષ ભરતા હોય તેવા નાગરિકો ને જ વાઈ-ફાઈ સેવાનો લાભ મળશે.

wifi

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડીઝીટલ ઈન્ડિયાનો કોન્સેપ્ટ રજૂ કરાયા બાદ સમગ્ર દેશમાં ઈન્ટરનેટનો વ્યાપ વધારવામા આવી રહ્યો છે. છેવાડાના ગામડા સુધી ઈન્ટરનેટ સેવા પહોંચાડવા માટે સરકાર કટીબધ્ધ બની છે ત્યારે ઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરમા ફ્રી વાઈ-ફાઈ સેવા આપવાની પહેલ કરવામાં આવશે. આ અંગે જાણકારી આપતા ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે હાલમાં ઈન્ટરનેટનો યુગ ચાલી રહ્યો છે. ઈન્ટરનેટ હવે માત્ર મોજશોખ માટે નહી પણ જીવન જરૂરિયાત ની વસ્તુ બની ગઈ છે, વહેપારીઓ, નોકરીયાત વર્ગ સહીત વિદ્યાર્થીઓ પણ પોતાના રોજિંદા કામમાં ઈન્ટરનેટનો વપરાશ કરવા લાગ્યા છે જેથી ઉમરેઠમાં તમામ લોકોને ફ્રી વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે બી.એસ.એન.એલના અધિકારીઓ સાથે ચર્ચા વિચારના પણ શરૂ થઈ ગઈ છે, આવનારા લગભગ એક માસ માં જ ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટ સેવા શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાથે તેઓએ ઉમેર્યુ હતુ કે હાલમાં ઉમરેઠમાં ટેક્ષ બાકીદારોની સંખ્યા વધારે છે જેથી જેઓનો ટેક્ષ નિયમિત ભરતા હશે તેવા નાગરીકો નેજ ફ્રી વાઈ-ફાઈ સેવા આપવામાં આવશે. આ ઉપરાંત ટેક્ષ નિયમિત ન ભરનાર નાગરિકોને જરૂરી નોટીશ પાઠવી તેઓને મળતી ફ્રી-વાઈ ફાઈ સેવા બંધ પણ કરવાની જોગવાઈ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. જો ખરેખર યુવા પ્રમુખ સંજયભાઈ પટેલના કહ્યા મુજબ ઉમરેઠમાં ફ્રી વાઈ-ફાઈ સેવા શરૂ થઈ જશે તો નગરપાલિકામાં ટેક્ષ ભરવા લોકો લાઈન લગાવે તો નવાઈ નહી.હાલમાં તો ઉમરેઠના યુવાનો ફ્રી વાઈ-ફાઈની જાહેરાત થયા બાદ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

ઉમરેઠનું એસ.એન.ડી.ટી તળાવ ..!


sndt

ગઈકાલે રાત્રે ઉમરેઠમાં મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પગલે એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં પાણી ભરાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં આજે પણ કાળા વાદળો દેખાઈ રહ્યા છે અને આજે ભારે વરસાદ પડી શકે તેવું વાતાવરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક તરફ મોડે મોડે પણ પડેલા વરસાદને કારને ખેડૂતોમાં ખુશીની લાગણી દેખાઈ રહી છે ત્યારે બીજી બાજૂ નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકો માટે ભારે વરસાદ આફત બનીને આવે તો નવાઈ નહી. એકંદરે ઉમરેઠમાં વરસાદથી લોકો ખુશખુશાલ છે, સીઝન નો પહેલો વ્યવસ્થીત કહેવાય તેવો વરસાદ ગઈકાલે રાત્રે વરસતા નગરના તળાવો પણ ભરાઈ ગયા છે.

સંતરામ વડીલોના વૃંદાવન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.


e_nam01 E_NAM03

ઉમરેઠ સંતરામ વડીલોના વૃંદ દ્વારા નગરના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમયે સંસ્થાના વડીલોના પૂત્ર પૌત્રીઓ કે જેઓ શાળા-કોલેજ કે ઉચ્ચ અભ્યાસમાં સારા માર્ક સાથે ઉત્તર્ણીય થયા હોય તેઓનો સન્માનીત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહક ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, કમલભાઈ પેઈન્ટર, સહીત અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠ – અપૂરતી રેલ્વે સેવાથી નગરજનો પરેશાન


– અમદાવાદ જવા માટે સીધી એક ટ્રેન શરૂ થઈ પણ નોકરીયાત કે વહેપારી વર્ગ માટે સમય અનુકૂળ નથી.

– વડોદરા જવા સીધી રેલ્વે સેવા શરૂ કરવા માંગ – હાલમાં આણંદ થી ટ્રેન બદલી વડોદરા જવું પડે છે..!

આણંદ-ખેડા જિલ્લાના અનેક રેલ્વે સ્ટેશનો વર્ષોથી મુસાફરલ-ાી સુવિધા, સ્ટેશનોનો વિકાસ ઝંખી રહ્યા છે. જેમાં અંગ્રેજોના જમાનામાં આકાર પામેલ ઉમરેઠનું રેલવે સ્ટેશન ગોધરા-આણંદ રેલવે લાઈન પર અટવાયેલું છે. ઉમરેઠથી આણંદ અને ગોધરા જવા માટે જ સીધી રેલ્વે સેવા ઉપલબ્ધ છે. તેમાં પણ ગોધરાથી આણંદ જતી મેમુ સહિત અન્ય ટ્રેનમાં અગાઉથી જ ખીચોખીચ મુસાફરો ભરેલા હોવાથી ડાકોર, ઉમરેઠ, ઓડના મુસાફરોને ટ્રેનમાં ઊભા-ઊભા મુસાફરી કરવાનો વારો આવે છે. તેમાંયે પૂનમ સહિત વાર-તહેવારે મુસાફરોની હાલત કફોડી બની જાય છે. મુસાફરોના જણાવ્યાનુસાર હાલમાં ઉમરેઠથી આણંદ જવા માટે દિવસમાં ચાર ટ્રેનો છે. જેમાં આગળના સ્ટેશનોએથી પેસેન્જરો મોટી સંખ્યામાં હોય છે. જેથી ડાકોર, ઉમરેઠના મુસાફરોને ભીડભાડમાં ઊભા ઊભા મુસાફરી કરવાની ફરજ પડે છે. આથી હાલમાં દોડતી ટ્રેનોના ડબ્બા વધારવા અથવા વધુ ટ્રેન દોડાવવાની લાંબા સમયની રજૂઆતો વણઉકલી છે. ડાકોર, ઉમરેઠથી આણંદ નિયમિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ધંધાર્થીઓ આવે છે. પરંતુ ભીડભાડના કારણે ટ્રેનના બદલે છકડો, બસ કે ખાનગી વાહનોમાં વધુ નાણાં ખર્ચીને મુસાફરી કરી રહ્યાનું જોવા મળે છે. તેમાંયે રાત્રિના સાડા સાત, આઠ વાગ્યા બાદ આણંદથી ઉમરેઠ તરફની બસ સેવા ન હોવાના કારણે ન છૂટકે જોખમી ખાનગી વાહનોમાં મુસાફરીની મુસાફરોને ફરજ પડે છે. આવી રાત્રિના સમયે ઉમરેઠ તરફની ટ્રેન શરૂ કરવા મુસાફરોની માંગ ઉઠવા પામી છે. બીજી તરફ ઉમરેઠથી અમદાવાદની શરૂ કરાયેલ ટ્રેનનો સમય અનુકૂળ ન હોવાથી ફરિયાદનો સૂર વધી રહ્યો છે. જેમાં ઉમરેઠથી અમદાવાદ તરફ સવારે ૫:૩૦ અને સાંજે ૪:૩૦ની આસપાસ ટ્રેન દોડે છે. પણ આ સમય ઉમરેઠના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ધંધાર્થીઓને અનુકૂળ નથી. આથી આ ટ્રેનનો સમય બદલવાની માંગ મુસાફરો કરી રહ્યા છે.

Advt.


guddi

NEW Arrival Party Designers Gowns @ Gandhi Dhirubhai Jitendrakumar Nr Bank Of Baroda Kharadi Ni Kodh #umreth

ઉમરેઠમાં આમ આદમી પાર્ટીના ડોકાચિયા..!


નગરના અગ્રણી રાજકીય દિગ્ગજ આમ આદમી પાર્ટી માંથી નગરપાલીકાની ચુંટણી લડે તેવી શક્યતા..!

ઉમરેઠ નગરમાં હાલમાં ભાજપનું એક હથ્થુ શાશન છે. વિધાનસભાને બાદ કરતા લોકસભા,નગરપાલિકા સહીત તાલુકા પંચાયતમાં પણ ભાજપનું રાજ છે. પરંતુ ઉમરેઠ નગરપાલિકાના રાજકારણમાં ભાજપમાં અંદરખાને બે જૂથો પડી ગયા હોવાને કારણે સદર પરિસ્થિતીનો લાભ લઈ અન્ય રાજકીય પાર્ટીઓ ઉમરેઠ નગરપાલિકાના સત્તાના સમીકરનો સર કરવા પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. મોટાભાગે ઉમરેઠમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ જામતો હોય છે. પરંતુ નવા સિમાંકન બાદ આવનારી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ અને અપક્ષો સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ઝંપલાવે તો નવાઈ નહી. નગરના રાજકીય દિગ્ગજો તેમ પણ કહી રહ્યા છે કે જો ભાજપ સંગઠન દ્વારા આમ આદમી પાર્ટીને હલકામાં લેવામાં આવશે તો પાલિકાની ચુંટનીમાં ભાજપે માઠા પરિનામોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આમ આદમી પાર્ટીના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહીતી પ્રમાણે તાજેતરમાં ઉમરેઠ ખાતે આમ આદમી પાર્ટીના સંગઠનના કેટલાક હોદ્દેદારોએ નગરના અગ્રણી રાજકીય દિગ્ગજ સહીત નગરના અન્ય આમ આદમી વિચારધારા ધરાવતા અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિઓ સાથે બેઠક કરી હતી અને આવનારી નગરપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના રોલને લઈ ચર્ચાઓ કરી હતી. હાલમાં ઉમરેઠમાં પ્રજાજનો પાસે માત્ર ભાજપ જ સર્વસ્વ છે, અપક્ષો માત્ર કહેવાપૂરતા ના બરાબર છે જેથી પ્રજાજનોને કોઈ મજબૂત વિકલ્પ મળે તે હેતું થી ઉમરેઠમાં આમ આદમી પાર્ટીનું નેટવર્ક મજબુત બને અને સંગઠન વ્યવસ્થીત રીતે ઉભું થાય તે માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે,આવનારા દિવસોમાં ઉમરેઠમાં આમ આદમી પાર્ટીમાં કાર્યકરોની ભરતી કરવા માટે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે તેવી ચર્ચાઓ હાલમાં નગરમાં વહેતી થઈ છે. એક તરફ સમગ્ર ઉમરેઠ પંથકમાં ભાજપની મજબુત પક્કડ છે ત્યારે આમ આદમી પોતાનું અસ્તીત્વ શોધવા માટેનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, ઉપરથી ઉમરેઠના અગ્રણી રાજકિય દિગ્ગજએ આમ આદમી સાથે હાથ મિલાવ્યો હોવાની અટકળો છે ત્યારે આવનારા સમયમાં પાલીકાની ચુંટણીમાં રાજકિય સમીકરનો બદલાય અને મોટી રાજકીય વ્યક્તિ પોતાના પક્ષ છોડી અન્ય પક્ષ સાથે છેડો બાંધે તો નવાઈ નહી.

એન.સી.પી પણ પાલીકાની ચુંટણીમાં ઝંપલાવી શકે છે..!

ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પાતળી સરસાઈ થી એન.સી.પીના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) વિજય થયા હતા, તે સમયે સ્થાનિક ઉમરેઠમાં એન.સી.પીનું સંગઠન ના બરાબર હતુ ગણ્યા ગાઠ્યા પણ એન.સી.પીના કાર્યકરો ન હતા છતા પણ ઉમરેઠ માંથી એન.સી.પીને લગભગ તેત્રીસો જેટલા મત મળ્યા હતા ત્યારે હવે વિધાનસભાની ચુંટણીને દોઢ વર્ષ વિત્યા બાદ નગરમાં ૧૦૮ એબ્યુલસવાન સહીતના પ્રશ્નો હલ કર્યા હોવાને કારણે એન.સી.પીની વોટ બેન્ક વધશે તેમ રાજકિય દિગ્ગજો મત પ્રગટ કરી રહ્યા છે જેને કારને ઉમરેઠ નગરપાલિકામાં સત્તાના સમીકરણો સર કરવા એન.સી.પી પણ મેદાનમાં ઉતરે તો નવાઈ નહી.

ઉમરેઠમાં અગિયારસ પર્વની ઉજવણી


10k

પવિત્ર અધિકમાસ નિમિત્તે ઉમરેઠ દશા ખડાયતા પંચની વાડી ખાતે જ્ઞાતિજનો દ્વારા સમૂહમાં એકાદશી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૮૧ જ્ઞાતિજનોએ સમૂહ અગિયારસ નિમિત્તે યોજાયેલ પૂજામાં ભાગ લીધો હતો. સદર મહાપૂજાની પૂર્ણાહૂતિ પ્રસંગે જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો

અવસાન નોંધ


ઉમરેઠ જાગનાથવાળા પરિવારના

ચંન્દ્રકાન્તાબેન જયંતિલાલ શેઠનું દૂઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણુ

તા.૧૭.૭.૨૦૧૫ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે રાખેલ છે.
સ્થળ – દશા ખડાયતા પંચની વાડી, ચોકસી બજાર ઉમરેઠ

લી.

જાગનાથવાળા પરિવાર – ઉમરેઠ

ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા રેઈનકોટ વિતરણ કરાયું.


ROTARY

ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા દત્તક લેવામાં આવેલ રતનપૂરા ગામના દેવરામપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ રોટરી ક્લબના પ્રમુખ ધનંજય શુક્લ, નિમેષભાઈ સોની, સેજલભાઈ શાહ તેમજ સંજયભાઈ શહેરાવાળા અને વિશાલ સોની ઉપસ્થીત રહ્યા હતા. શાળાના આચાર્યએ રોટરી ક્લબની સદર પ્રવૃત્તિની સરાહના કરી હતી અને જણાવ્યું હતુ કે શાળાના બાળકોને આવનારા ચોમાસામાં રેઈનકોટની ખાસ જરૂર પડશે ત્યારે ઉમરેઠ રોટરી કલબ દ્વારા બાળકોને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું જે પ્રશંશનિય છે, વિદ્યાર્થીઓને રંગબેરંગી રેઈનકોઈ પ્રાપ્ત થતા તેઓમાં હર્ષની લાગણી વ્યાપી હતી.

ઉમરેઠની નવાજૂની


થોડા દિવસથી બ્લોગ અપડેટ કરવાનો મેળ પડતો નથી, કેટલાક લોકો વોટ્સએપ પર કે ફેશબુક પર વારંવાર ઉમરેઠની નવાજૂની અંગે પુચ્છા કરતા રહે છે તેવા લોકો માટે ખાસ આજે ઉમરેઠની કેટલીક તાજેતરની નવાજૂની પ્રસ્તુત છે.

  • અધીક માસને ધ્યાનમાં રાખી ઉમરેઠના વિવિધ મંદિરોમાં ભક્તોનો અવિરત ઘસારો થઈ રહ્યો છે. ખાસ કરીને નગરના સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણવ સપ્રદાયના શ્રી ગિરિરાજ્ધામ ખાતે ભક્તોનો ખાસ્સો ઘસારો થઈ રહ્યો છે. મંદિરમાં વિવિધ મનોરથો અને ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. એકંદરે ઉમરેઠમાં ધાર્મિક માહોલ જામ્યો છે.
  • ઉમરેઠમાં નવા રસ્તા બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે, ગણ્યા ગાઠ્યા કેટલાક વિસ્તારમાં જ હવે રસ્તા બનાવવાના બાકી રહ્યા છે. આ વખતે બનેલા રસ્તા લા….બો સમય સુધી ચાલશે તેમ લાગે છે.
  • રસ્તા નવા બન્યા પછી ઉમરેઠમાં બધા ટુ-વ્હિલર ચાલકો ધૂમ સ્ટાઈલમાં બાઈક – એક્ટીવા ચલાવતા થઈ ગયા છે, પણ હવે તેઓએ ડગલે ને પગલે બ્રેક મારવાનો વારો આવશે. ઉમરેઠના મુખ્ય વિસ્તારોમાં તમામ વળાંક પર સ્પીડ બ્રેકર મુકવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેથી ધૂમ સ્ટાઈલ થી વાહનો હાંકનાર સજ્જનો હવે ધીમા પડે તો નવાઈ નથી.
  • ઉમરેઠમાં મીની કાંકારીયા કહેવાતા રામ તળાવના પ્રોજેક્ટને પૂર્ણ થતા હજૂ થોડો સમય લાગશે, પણ નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કોશીશ કરવામાં આવશે. હાલમાં રામ તળાવ ફરતે રેલીંગ મારવામાં આવી છે અને તળાવની ફરતે મરક્યુરી લાઈટો પણ લગાવવામાં આવી છે, ટેસ્ટીંગ માટે એક દિવસ તળાવ ફરતે લાઈટો ચાલુ પણ કરી હતી ત્યારે દૂર થી તળાવનો નજારો અદ્ભત લાગતો હતો જો બધુ બરાબર રહેશે તો ઉમરેઠના રામ તળાવને મીની કાંકરીયાનો દરજ્જો મળે તો નવાઈ નહી.
  • ઉમરેઠના બેચરી ફાટક પાસેથી ગેરકાયદેસર રીતે સસ્તા અનાજની દૂકાનનું અનાજ સગેવગે કરતા એક ટ્રક અને ટેમ્પો ઝડપાયો હતો. આણંદ જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી આર.ટી.ઝાલા અને તેઓની ટીમને બાતમી મળતા સમગ્ર કૌભાંડને ઝડપી પાડ્યું હતુ, સસ્તા અનાજની દૂકાનનું અનાજ પકડી હવે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પૂરવઠા તંત્રની સદર કાર્યવાહીના પગલે ઉમરેઠ પંથકમાં ગેરકાયદેસર રીતે સસ્તા અનાજની હેરાફેરી કરતા તત્વોમાં ભયનો માહોલ છે.
  • ઉમરેઠ પાસે સુંદલપુરા નહેરમાં બાઈક સવાર પડ્યા હતા, નહેર પાસેથી બાઈક પર ત્રણ યુવાનો પસાર થઈ રહ્યા હતા તેવામાં સામે અચાનક કૂતરું આવતા કૂતરાને બચાવવા જતા બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સાથે ત્રયેણ યુવાનો નહેરમા ખાબક્યા હતા, સદર ઘટનામાં બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક યુવાન લાપતા છે.
  • ઉમરેઠના કેટલાક વિસ્તારમાં ડફેરો (લુંટારા) આવવાના હોવાની અફવા ફેલાઈ છે જેના પગલે કેટલાક ચોક્કસ વિસ્તારમાં રાત્રીના સમયે લોકો ઉજાગરા કરી પહેરો ભરવા મજબુર થઈ ગયા છે, આ અંગે પોલીસ તંત્રએ જણાવ્યું હતુ કે, ડફેરો આવવાના હોવાની માત્ર અફવા જ છે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ પાસે ભાલેજ ગામમાં બહુરીપીને ડફેર સમજી ગામના લોકોએ પકડી ઢોર માર માર્યો હતો. આખરે પોલીસે તે વ્યક્તિની પુછપરછ કરતા તે વ્યક્તિ ડફેર નહી પણ માત્ર બહુરૂપી જ હતો. હવે ડફેરની અફવા ફેલાવનાર લોકો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને વોટ્સએપમાં પણ ડફેરની અફવા ફેલાવનાર સામે પગલા ભરાશે ખાસ કરીને જો કોઈ ગૃપમાં ડફેર ને લગતા ફેક મેસેજો કરશે તો તે ગૃપના એડમીન સામે પણ પગલા ભરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
  • ઉમરેઠ પંથકમાં હંમેશાની જેમ આ વર્ષે પણ મેઘરાજા રીસાયા હોય તેમ લાગે છે. દર વર્ષે સમગ્ર જિલ્લામાં ઉમરેઠ પંથકમાં મોડો વરસાદ આવે છે આ વર્ષે પણ તેવું જ છે, વરસાદનો એક રાઊન્ડ પત્યા બાદ બીજો રાઊન્ડ ક્યારે શરૂ થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા રાઊન્ડ માં પણ ગાજ્યા મેઘ વરસ્યા ન હતા.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસની ઉજવણી.


ચલણી સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું.

sbi02 sbi01

ઉમરેઠ તા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉમરેઠ શાખા દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ૬૬માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ તાલુકાના ગ્રાહકોનો મિલન સમારોહ યોજાયો હતો જેમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના વહેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ સમારોહમાં બેન્ક મેનેજર બી.ડી.ગાંધીએ આવકાર પ્રવચન કર્યું હતુ અને બેંકની ઉપલબ્ધીઓ અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. આ ઉપરાંત બેંકમાં ગ્રાહક લક્ષી સેવા વધારવા માટે ઉપસ્થિત વહેપારી ગણ પાસેથી સલાહ સુચન લીધા હતા. બેંકના સ્થાપના દિવસ નિમિત્તે ચલણી સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે બેંકના કર્મચારીઓ અને અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

%d bloggers like this: