આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2013

ઉમરેઠ નગરપાલિકાના નવા પ્રમુખને લઈ અસમંજસ..!


  • સંજય પટેલ (લુલી), નીતાબેન પટેલ, દેવેન્દ્રભાઈ પટેલના નામની ચર્ચા..!

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદ માટેની પહેલી ટર્મની મુદત પૂરી થતા હવે નવા પ્રમુખની વરણી માટે ઉમરેઠ નગરપાલિકામાં સત્તાધીશો મથામન કરી રહ્યા છે. પહેલી ટર્મમાં ઉમરેઠના માજી ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલે અઢી વર્ષ સુધી પ્રમુખ પદ શંભાળ્યા બાદ હવે નવા પ્રમુખને લઈ નગરમાં વિવિધ અટકળો થઈ રહી છે. હાલમાં ભાજપના સંજયભાઈ પટેલ (લુલી)નું નવા પ્રમુખ પદેને લઈ નામ વધુ ચર્ચાઈ રહ્યું છે. સંજયભાઈ પટેલ(લુલી) હાલમાં નગરપાલિકાના ઉપ પ્રમુખ છે અને પ્રવર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના ખુબજ વિશ્વાસું અને નિકટના સભ્ય પણ છે, જેથી તેઓને આગામી ટર્મ માટે પ્રમુખ પદની જવાબદારી સોપવામાં આવે તેમા કોઈ બે મત નથી.

બીજી બાજૂ ઉમરેઠના વોર્ડ નં.૧ના નીતાબેન પટેલનું નામ પણ પ્રમુખ પદને લઈ ચર્ચાઈ રહ્યું છે, નીતાબેન પટેલ મહિલા સભ્ય છે અને આ પહેલા પણ તેઓ પાલિકામાં સભ્ય પદે રહી ચુક્યા છે. ભાજપ દ્વારા હાલ માંજ મહિલાઓને આગળ કરવાની વાતો પણ થઈ રહી છે. અમદાવાદ જેવા શહેરમાં પણ મેયર પદે મહિલાને જ આગળ કરવામાં આવી છે જેથી જો પક્ષ પોતાની મહિલાઓને આગળ કરવાન વિચારધારા જાળવી રાખશે તો નીતાબેન પટેલ પણ પ્રમુખ પદે બિરાજે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આ ઉપરાંત ઉમરેઠમાં દેવેન્દ્રભાઈ પટેલ પણ પ્રમુખ પદના દાવેદાર હોવાની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી દેવેન્દ્રભાઈ પટેલ ચોખ્ખી છબીના નેતા તરીકે વોર્ડ નં.૧માં લોકપ્રિય બન્યા છે તેઓ ભૂતકાળમાં એન.સી.પીના મેન્ડેટ ઉપર પણ પોતાના વોર્ડમાં વિજેયતા બની ચુક્યા છે ત્યાર બાદ પૂનઃ તેઓ ભાજપમાં જોડાઈ હાલમાં પોતાના ગામ અને વોર્ડમાં વિકાસ કાર્યો કરી રહ્યા છે. અંદરખાને ચર્ચાતી વાતોને ધ્યાનમાં લઈએ તો દેવેન્દ્રભાઈ પટેલ પોતાની સાથે અન્ય સભ્યોનું પીઠબળ ધરાવે છે તેથી તેઓની અનદેખી ન કરી પક્ષ દ્વારા તેઓને પણ પ્રમુખ પદ શોપવામાં આવે તો નવાઈ નહી.

આ અંગે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહને પુછતા તેઓએ જણાવ્યું હતુ કે, પક્ષ દ્વારા જે પણ કોઈ ઉમેદવારને પ્રમુખ પદે મુકવામાં આવશે તેનો ઉમરેઠ શહેર ભાજપ તેમજ ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો સ્વીકાર કરશે અને પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા ઉમેદવારની સાથે જ રહી નગરમાં વિકાસ કાર્ય કરવામાં આવશે. આજ સુધીમાં હજૂ પક્ષ દ્વારા કોઈ ઉમેદવારનું નામ જાહેર થયું નથી.

ઉમરેઠ નગર પાલિકાના આગામી પ્રમુખની પસંદગીને લઈ ઉમરેઠ શહેર ભાજપને લોઢાના ચણા ચાવવાની સ્થિતિ પેદા થઈ છે, પ્રમુખ પદ માટે ત્રણ થી ચાર સભ્યો થનગન કરતા હોવાથી પસંદગીનો કળશ કોણા ઉપર ઢોળવો તેને લઈને પ્રવર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ સહીત ભાજપના ઉચ્ચ હોદ્દેદારો અસમંજસમાં આવી ગયા છે, ત્યારે બધાને સાથે લઈ આગળ વધનાર વિષ્ણુભાઈ પટેલ જાગામી ટર્મ માટે પણ પ્રમુખ પદ પોતાની પાસેજ રાખે તેવી શક્યતા પણ હોવાનું રાજકિય પંડીતો ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા ઉમરેઠમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ પટેલનું નામ પણ ઉડ્યું હત પરંતું તાજેતરમાં ઉમરેઠ ઓડ ચોકડી ઉપર આકાર પામેલ વ્રજ-મીરા કોમ્પ્લેક્ષના વિવાદને લઈ તેઓએ રાજીનામું ધરી દેતા તેઓના પ્રમુખ પદને છેદ ઉડી ગયો છે ત્યારે હવે વિષ્ણુભાઈ પટેલ પ્રમુખ પદ પોતાની સાથે જ રાખી તમામ અટલળોને ઉડાવી દેશે કે પછી નવા પ્રમુખની નિમણુક કરી ભાજપમાં આંતરીક દખ્ખાને આમંત્રણ આપશે એતો આવનારો સમય જ બતાવશે.

..અને જ્યુબિલિ સ્કૂલમાં અનોખી હળતાલ થઈ.


અમે જ્યારે જ્યુબિલિ સ્કૂલમાં ભણતા હતા ત્યારની વાત છે, ત્યારે અચાનક સ્કૂલમાં ફી વધી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ સૌ કોઈ નારાજ હતા. સ્કૂલ તંત્ર સામે સૌ કોઈ ખફા હતું. સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચવા અમે રજૂઆત કરી પણ સ્કૂલ તંત્ર એકનું બે ન થયું. આખરે અમે સૌ કોઈ વિદ્યાર્થીઓએ હળતાલ ઉપર ઉતરવાનું નક્કી કર્યું. હળતાલ ઉપર ઉતરવાનો નિર્ણય તો અમે વિદ્યાર્થીઓએ કરી દીધો પણ સાથે સાથે અમારા સાથી વિદ્યાર્થીઓનું આ હળતાલથી ભણતર બગળશે તેવો પણ દિલના એક ખૂણામાં વસવસો હતો.

હવે અમારી સમક્ષ તે પ્રશ્ન હતો કે, અમારા સાથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને અમારો ફી વધારા સામેનો વિરોધ પણ સ્કૂલ તંત્ર સમક્ષ રજૂ કરી શકીયે તે રીતે હળતાલ પાડવી…! બહૂ વિચાર્યા પછી આખરે અમે નક્કી કર્યું કે, જ્યાં સુધી હળતાલ રહે ત્યાં સુધી હોંશિયાર વિદ્યાર્થી સ્કૂલ સામે જ બીજા અન્ય વિદ્યાર્થીઓને ભણાવશે. છેલ્લે અમે હળતાલ શરૂ કરી અને સ્કૂલ સમયમાં અમારાથી નાના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને સ્કૂલ તંત્રના વિરોધ માટે નગરના પંચવટી વિસ્તારમાં નાટક ભજવી સ્કૂલના ફી વધારવાના નિર્ણય સામે વિરોધ પ્રગટ કર્યો જે તે સમયે અમારા હળતાલના આ અભિગમની ભારે ચર્ચા થઈ હતી અને ઉમરેઠથી પ્રસિધ્ધ થતા “ચિરાગ” મેગિઝિને પણ આ અંગે નોંધ લીધી હતી.    ( ઉમરેઠના લેખક શ્રી જયંતિ એમ દલાલ (હાલ મુંબઈ) સાથે વાતચીતના આધારે)

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં હરિ જયંતિની ઉજવણી


ઉમરેઠ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના બાલ પ્રવૃતિ અને યુવા પ્રવૃતિ વિભાગ દ્વારા તાજેતરમાં હરિ જયંતિ મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને બી.એ.પી.એસ. બાળ પ્રવૃત્તિ અંતર્ગત બાળકોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર વિવિધ નાટક ભજવ્ય હતા. બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરના યુવા ગૃપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, બાળકોના જ્ઞાનમાં વધારો થાય અને તેઓ વાંચન કરવ માટે પ્રેરાય તે હેતુંથી સેવા,સંપ,સમર્પણ,સંયમ અને સત્સંગ સહીત પ્રાર્થનાના સહીતના મુદ્દાને આવરી લેતા યુવા અને બાળકોને ઉપયોગી પુસ્તકોનું વિમોચન ઉમરેઠ સરસ્વતી સ્કૂલના રાકેશભાઈ ગુરુજી,પ્રકાશભાઈ ગોહીલ, વિપુલભાઈ,સુર્યકાન્તભાઈના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી હરિ જયંતિ નિમિત્તે મહા આરતીમા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થીત રહ્યા હતા તેમ નિર્દેશક ઉત્કર્ષભાઈ સુથારે જણાવ્યું હતુ. બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ દ્વારા યુવા અને બાળકોનું જ્ઞાન વધે અને તેઓ વાંચન અને લેખન પ્રવૃત્તિ સાથે સંકળાય તેવા કાર્યો અવિરત કરવામાં આવે છે. (ફોટો – ઉત્કર્ષ સુથાર)

ઉમરેઠ પોલીસનો ફતવો – સ્ટાફ ઓછો છે, સાચવજો…!


  • સોસાયટીના રહીશોને વોચમેન અને સિક્યુરીટીની વ્યવસ્થા કરવા જણાવ્યું.

ઉમરેઠ નગરમાં ચોરીના વધતા જતા બનાવના પગલે નગરજનો ચિંતામાં છે ત્યારે ઉમરેઠ પોલીસે નગરની સોસાયટી વિસ્તારના લોકોને પત્ર પાઠવી પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઓછો છે તેમ જણાવી પોતાની સોસાયટીની સિક્યુરીટી માટે વોચમેનની વ્યવસ્થા કરી સચેત રહેવા જાણ કરવામાં આવી છે,અચાનક ઉમરેઠ પોલીસ દ્વારા મળેલા સદર પત્રને લઈ ઉમરેઠની સોસાયટીના રહીશો ચિંતામાં છે.

તાજેતરમાં ઉમરેઠની પટેલવાડી સામે આવેલ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો આજ સોસાયટી પાસે આ પહેલા બાઈકોની પણ ચોરી થઈ હતી જ્યારે તાજેતરમાંજ ગણતરીના દિવસો પહેલા ઉમરેઠની એક મહિલાનો અછોડો તોડી કોઈ અજાણ્યા વ્યક્તિ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા, ઉપરા ઉપરી ચોરી, બાઈક ઉઠાંતરી અને ચેઈન સ્નેચીંગના બનાવોના પગલે પહેલેથી ઉમરેઠની પ્રજા ચિંતામાં છે ત્યારે પ્રજાને સુરક્ષા આપવાની બદલે પોતે પોતાની સુરક્ષાની સંભાળ લેવા ઉમરેઠ પોલીસે ફતવો જારી કરી દીધો છે અને પોતાની પાસે અપુરતુ સ્ટાફ હોવાનું જણાવ્યું છે. વધુમાં ઉમરેઠ પોલીસે નગરની સોસાયટીઓમાં લેખિત પત્ર કરી જાણ કરી છે કે, ચોરીનું પ્રમાન દીન-પ્રતિદિન વધી રહ્યું છે અને પોલીસ સ્ટાફ ઓછો હોવાને કારણે સોસાયટીના રહીશોને પોતાની જાનમાલના રક્ષણ માટે વોચમેન અને સિક્યુરીટીની વ્યવસ્થા કરવી તેમજ પોતાના બાઈક યોગ્ય રીતે લોક કરી સુરક્ષીત જગ્યાએ રાખવા, આ ઉપરાંત પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીમાં શંકાસ્પદ વ્યક્તિ કે વાહનો દેખાય તો તેની જાણ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કરવી તેમજ સોસાયટીમાં આવતા ફેરીયાઓના સરનામા અને ટેલિફોનની નોંધ પણ કરવી. ઉમરેઠ પોલીસના સદર પત્રથી સોસાયટીના રહીશોમાં વધારે ભય પેદા થયો છે.સોસાયટીના રહીશોનું કહેવું છે કે, ઉમરેઠ તાલુકો છે અને તાલુકાની વસ્તી મુજબ જે તે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ મુકવાની જવાબદારી તંત્રની છે. જો પોલીસ જ અપુરતા સ્ટાફનું બહાનું કાઢી હાથ ઉંચા કરે તે કેટલું વ્યાજબી છે..?

ઉમરેઠ બસ સ્ટેશનને ડેપોનો દરજ્જો આપી પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રાખવા રજૂઆત.


  • ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી) દ્વારા વાહન વ્યવહાર મંત્રી નિતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરી.

ઉમરેઠ બસ સ્ટેશનનું નવિનિકરણ કર્યા બાદ “સી” આકારના બનેલ બસ સ્ટેશનમાં નિયત કરેલ પ્લેટફોર્મ ઉપર બસ ન ઉભી રહેતી હોવાને કારણે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉમરેઠ બસ સ્ટેશનમાં બસ નિયત કરેલ પ્લેટફોર્મ નંબર ઉપર ઉભી ન રહેતી હોવાને કારણે સ્થાનિકોએ ભૂતકાડમાં ડાકોર ડેપો સહીત નગરના નેતાઓને પણ રજૂઆત કરી હતી પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો અને પરિસ્થિતી જેમની તેમ રહી હતી. હાલમાં ઉમરેઠ નગરમાં નવા ધારાસભ્ય જયંતભાઈ પટેલ દ્વારા પણ એસ.ટી.તંત્રને અમદાવાદ કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતા ઉમરેઠ બસ સ્ટેશન ઉપર બસ ઉભી રાખવાની પધ્ધતિ બદલવામાં ન આવતા આખરે ધારાસભ્યશ્રીએ પૂનઃ આ પ્રશ્ન વાહન વ્યવહાર મંત્રી નિતિનભાઈ પટેલ સમક્ષ ઉઠાવ્યો છે અને તેઓને ઉમરેઠ તાલુકા મથક હોવાથી ઉમરેઠ બસ સ્ટેશનને ડેપોનો દરજ્જો મળે અને બસ ડ્રાઈવરો જેતે પ્લેટફોર્મ ઉપર જ બસ ઉભી રાખ તેવી રજૂઆત કરી છે. વધુમાં બસના કંટકટરે તો તેમ મણાવ્યું હતુ કે ઉમરેઠ બસ સ્ટેશન ડેપો નથી અમારે તો અહીથી મુસાફરો ભરવાના અને ઉતારવાના પ્લેટફોર્મ ઉપર બસ લઈ જવી જરૂરી નથી. વધુમાં ઉમરેઠ બસ સ્ટેશનમાં હાલમાં એક પણ પ્લેટફોર્મ ઉપર પંખા પણ નથી જેથી બસની રાહ જોતા મુસાફરોને ગરમીમાં શેકાવાનો વારો આવે છે. ઉમરેઠ બસ સ્ટેશન નવું બનાવવા માટે પણ સરકારી તંત્ર કરતા વધુ ભૂમિકા લોકભાગીદારીની રહી હતી ત્યારે લોકો એક ડગલું વધુ બસ સ્ટેશનને નવું બનાવે તો તંત્ર માળખાગત સુવિધા આપવામાં લાલઈયાવાડી કરે તે કેટલું વ્યાજબી છે…?

બસ સ્ટેશનની જૂની ડિઝાઈન સારી હતી – બસ ડ્રાઈવર

ઉમરેઠ બસ સ્ટેશન ઉપર આવતી બસના એક ડ્રાઈવરે જણાવ્યું હતુ કે હાલમાં ઉમરેઠ બસ સ્ટેશન ઉપર બસ પ્લેટફોર્મ ઉપર ઉભી રાખવામાં અગવડતા પડે તેમ છે. જેથી ડ્રાઈવરો દ્વારા બસ ગમે ત્યાં ઉભી રાખવામાં આવે છે. બસ સ્ટેશનની ડિઝાઈન તેવી છે કે અમોને બસ રીવર્સ કરી પ્લેટફોર્મ ઉપર લાવવી પડે છે અને જેમાં ટાઈમનો બગાડ થાય છે અને અકસ્માતનો પણ ભય રહે છે. બસ સ્ટેશનની પહેલા મુજબની ડીઝાઈન હોય તો મુસાફરો અને ડ્રાઈવરો સહીત તમામને રાહત થાય.

ડ્રાઈવરો જ મનમાની કરે છે. – મુસાફરો

આણંદ થી ઉમરેઠ આવતી બપોરની એક બસના કંડક્ટરે ઉમરેઠ બસ સ્ટેશન ડેપો ન થી અને બસ સ્ટેશનની ડીઝાઈન બરાબર નથી તેમ જણાવી પોતે બસ પ્લેટફોર્મ ઉપર ન લઈ જતા હોવાનું જણાવતા મુસાફરોએ જણાવ્યું હતુ કે, ડ્રાઈવરો મનમાની કરે છે, માત્ર ઉમરેઠ બસ સ્ટેશન “સી” આકારનું નથી આણંદ બસ સ્ટેશન પણ “સી” આકારનું જ છે છતા પણ ત્યાં પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રહે છે તો ઉમરેઠમાં કેમ નહી, અને જો ઉમરેઠ બસ સ્ટેશન ડેપો ન હોવાથી બસ પ્લેટફોર્મ ઉપર ન ઉભી રહેતી હોય તો ઉમરેઠ બસ સ્ટેશનને ડેપોનો દરજ્જો કેમ નથી મળતો..?

તમામ ડેપો મેનેજરને સુચણા આપી છે – એસ.ટી તંત્ર

ઉમરેઠ બસ સ્ટેશનમાં નિયત પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રાખવા અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને વેબ સાઈટથી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તરમાં એસ.ટી તંત્રએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ બસ સ્ટેશનમાં નિયત પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રાખવા તમામ ડેપો મેનેજરને સુચના આપેલ છે અને તેનું પાલન કરવા જણાવ્યું છે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનની જગ્યા બદલવાની હિલચાલ..!


ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી)ની મુખ્યમંત્રીને રજૂઆત – નગરપાલિકાએ પોલીસ સ્ટેશન માટે ૮ માસ પૂર્વે બસ સ્ટેશન પાછળ જગ્યા ફાળવી હતી..!

ઉમરેઠ નગરમાં આવેલ પોલીસ સ્ટેશન નગરની બહાર કોઈ અન્ય સ્થળ ઉપર ખસેડવા માટે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે લેખિત રજૂઆતની એક નકલ ડી.એસ.પી આણંદ તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીને પણ સુપ્રત કરવામાં આવી છે. વધુમાં ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)એ રજૂઆતમાં જણાવ્યું છે કે, ઉમરેઠ પોલીસ સ્ટેશન નગરમાં ગીચ વિસ્તારમાં આવેલ છે જેથી લોકોને મુશ્કેલી પડે છે, જ્યારે ઉમરેઠ પોલીસ સ્ટેશન માટે નગર બહાર જ્ગ્યા ફાળવી પોલીસ સ્ટેશન નગર બહાર કાર્યરત કરવામાં આવે અને પ્રજાજનો ને રાહત થાય તે દીશામાં પગલા ભરવા ભલામણ કરવામાં આવી છે.

વધુમાં ધારાસભ્યની સદર રજૂઆતના પગલે નગરમાં મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. ખાસકરીને વધારે લોકો ધારાસભ્યની આ રજૂઆતને લઈ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન નગરપાલિકા કંપાઊન્ડમાં આવેલ છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનનું મકાન પણ હાલના જમાનાને અનુરૂપ તાલુકા કક્ષાના પોલીસ સ્ટેશનને છાજે તેવી તમામ વ્યવસ્થાથી સજ્જ છે, તાજેતરમાં નગરના સામાજિક સેવક દ્વારા પોલીસ સ્ટેશનના દ્વારનું રીનોવેશ પણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરી એકજ કંપાઊન્ડમાં હોવાથી પોલીસ કર્મીઓને ગુન્હેગારોને કોર્ટમાં હાજર કરવામાં પણ સુગમતા રહે છે ઉપરાંત પૈસા અને સમયનો પણ બચાવ થાય છે. જે કંપાઊન્ડમાં પોલીસ સ્ટેશન છે તે જ કંપાઊન્ડમાં નગરપાલિકા, ટ્રેઝરી ઓફિસ, તલાટીની કચેરી તેમજ કોર્ટ આવેલ છે જેથી અન્ય સરકારી કચેરીઓ પણ પોલીસ સ્ટેશન પાસે હોવાને કારણે લોકોને સુગમતા પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં કેટલાય વહેપારીઓના ધંધા રોજગાર પણ આ સરકારી કચેરીઓમાં અવર જવર કરતા લોકો ઉપર ચાલે છે જેથી જો પોલીસ સ્ટેશન હાલની જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તો પોલીસ કર્મીઓ સહીત આજૂ બાજૂ દુકાન ધરાવતા વહેપારીઓ માટે પણ મુશ્કેલીરૂપ સાબિત થાય તો નવાઈ નહી. જેથી ઉમરેઠના ધારાસભ્ય પોતાની રજૂઆતને લઈ પૂનઃ વિચાર કરે તે ખૂબ જરૂરી છે.

પોલીસ સ્ટેશન બદલવાની નહિ , વધારવાની જરૂર..!

ઉમરેઠ પોલીસ સ્ટેશનની હાલની જગ્યા બદલવાની જગ્યાએ ઉમરેઠમાં એક પોલીસ ચોકી વધારવાની જરૂર નગરજનોને લાગી રહી છે. ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો હંમેશા સક્રીય રહે છે. ભૂતકાળમાં બસ સ્ટેશન વિસ્તારમાં ઉઠાંતરી સહીત ચીઝઝડપના કિસ્સા સાથે બેફામ પાર્કિંગની સમસ્યા છે જેથી ઉમરેઠના બસ સ્ટેશન પાસે તેમજ ઓડ ચોકડી પાસે પોલીસ ચોકી બનાવી નગરમાં લોકોને રાહત આપવાની દીશામાં ખરેખર પગલા ભરવાની વધારે જરૂર છે.

સુજલ શાહ – ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ

ઉમરેઠમાં સતીમાં સખરબાઈની દેરીએ નવચંડી યજ્ઞ યોજાશે


સુપ્રસિધ્ધ ભજનિક ફરીદા મીરની ભજન સંધ્યા પણ યોજાશે.

દેરી

દેરી

ઉમરેઠમાં સાંઈ મંદિર પાસે આવેલ સતીમાની દેરીએ તા.૨૭.૪.૨૦૧૩ને શનિવારના રોજ અમદાવાદ ખાડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પરિવાર દ્વારા પૂ.શારદાબાની પુણ્યતિથિ નિમેત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. એક દંત કથા અનુસાર સ્વ અશોક ભટ્ટ પરિવારના મોભી એવા શારદાબા ના પરિવારમાં પાંચમી પેઢીએ એક સખરબાઈ નામની મહિલાના પતિ કામ અર્થે ઉમરેઠ થી બહાર ગયા હતા, આ સમયે તેઓનું અકાળે મોત નિપજ્યું હતું. આ અમંગળ સમાચારની જાણ થતા આ મહિલાએ પોતાના અંગૂંઠામાં અગ્નિ પ્રગટ કરી સતી થયા હતા. આ ઘટના બાદ જે તે સમયે ગામના લોકો અને ભટ્ટ પરિવારના લોકોએ મળી સતીમાતાની દેરી બનાવી હતી અને સતીમાને કાયમ માટે પોતાની યાદમાં સમાવી લીધા હતા. સને ૧૯૭૮માં શારદાબાએ પોતના વંશજની યાદમાં ઉમરેઠની સદર સતીમાની દેરીનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો ત્યારે શારદાબાની પુણ્યતિથિ નિમિત્તે સતીમાની દેરી ખાતે નવચંડી યજ્ઞ અને ભજન સંધ્યાનું આયોજન સ્વ.અશોક ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં જ આ ડેરીનું પૂનઃ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને નગરમાં ખાસ કરીને બ્રાહ્મણોમાં આ સતીની દેરીનું આગવું મહત્વ છે, ઉમરેઠ થામણા માર્ગ ઉપર પણ આજ પ્રકારનો કિસ્સો વર્ષો પહેલા થયો હતો જ્યાં પણ સતીઓની દેરી આજે હયાત છે. વાર તહેવારે ઉમરેઠ પંથકની મહિલાઓ સતીની દેરી ખાતે રોટલા ખાવાની પ્રથા પણ આજે પ્રચલિત છે.

૧૯૭૯માં શારદાબાએ પણ સતીની ડેરી ખાતે હવન કરાવ્યો હતો ,ત્યાર બાદ ૨૦૧૦માં અશોક ભટ્ટ દ્વારા પણ આજ દેરીએ હવન કરાવ્યો હતો, હાલમાં તેઓની ત્રીજી પેઢીએ ભૂષણ ભટ્ટ દ્વારા હવન કરાવવામાં આવશે.

૧૯૭૯માં શારદાબાએ પણ સતીની ડેરી ખાતે હવન કરાવ્યો હતો ,ત્યાર બાદ ૨૦૧૦માં અશોક ભટ્ટ દ્વારા પણ આજ દેરીએ હવન કરાવ્યો હતો, હાલમાં તેઓની ત્રીજી પેઢીએ ભૂષણ ભટ્ટ દ્વારા હવન કરાવવામાં આવશે.

વાતોના વડા અને સંક્ષિપ્ત સમાચાર


  • ઉમરેઠમાં પાણીની સમસ્યા બરકરાર છે, છતા પણ અહી ચોક્કસ કહેવાનું નહી ચુકુ કે અન્ય વિસ્તાર કરતા આપણા ઉમરેઠમાં સ્થિતિ સારી છે. બે દિવસે તો , બે દિવસે પણ પાણી આવે છે તો ખરું , સૌરાષ્ટ અને કચ્છના કેટલાક વિસ્તારમાં પરિસ્થિતી આથી પણ વધારે ખરાબ છે.
  • ભીની માટીની સુંગંદ અને તે પણ ઉનાળામાં, હા..ભાઈ..હા..તમે સાચું વાચ્યું,વરસાદે સરપ્રાઈઝ આપી, બે દિવસથી ગરમીથી લોકોને રાહત મળી છે, પણ વરસાદની સરપ્રાઈઝથી જગતના તાત ચિંતામાં છે. આ વરસાદથી પાણીની સમસ્યા હળવી નહી થાય પણ ર્ડોક્ટરોના જણાવ્યા મુજબ લોકોના સ્વાસ્થય ઉપર ખરાબ અસર થશે, વાઈરલ ઈન્ફેક્શન..બીજૂ શું..જરાં સંભાળજો..
  • ઉમરેઠમાં ડે-નાઈટ ક્રિકેટનો ફ્લોપ શો – પ્રેક્ષકો કરતા ખેલાડીઓ વધારે હોય છે, ઓલ ક્રેડીટ ટુ આઈ.પી.એલ , અને વરસાદે પડતા ઉપર પાટું માર્યું તે જૂદુ..! ખેર બેટર લક નેક્સટ ટાઈમ..!
ઉમરેઠમાં ચૈત્રી નવરાત્રીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નગરના મેલડીમાતાજીના મંદિર, સિકોતેર માતાજીના મંદિર તેમજ જાગનાથ ભાગોળમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમેત્તે અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમરેઠના રાવડીયા ચકલા અને જાગનાથ ભાગોળ વિસ્તાર માંથી પદયાત્રા કરી સંઘ પાવગઢ રવાના થયો હતો. (ફોટો - સંદીપ પંચાલ)

ઉમરેઠમાં ચૈત્રી નવરાત્રીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મેલડીમાતાજીના મંદિર, સિકોતેર માતાજીના મંદિર તેમજ જાગનાથ ભાગોળમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમેત્તે અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમરેઠના રાવડીયા ચકલા અને જાગનાથ ભાગોળ વિસ્તાર માંથી પદયાત્રા કરી સંઘ પાવગઢ રવાના થયો હતો.  (ફોટો – સંદીપ પંચાલ)

  • હજૂ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખને લઈ અસમંજસ બરકરાર છે. બધાને પ્રમુખ થવું છે પણ બધાની લડાઈમાં પ્રવર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ જાતે જ પ્રમુખ પદ પોતાની સાથે રાખે તો નવાઈ નહી.

નગર પાલિકાના પ્રમુખને લઈને ભલે અસમંજસ હોય પણ, આણંદ વેટબાર એશોશિયેશનના પ્રમુખ પદે આ વર્ષે ઉમરેઠના કેતનભાઈ ત્રિવેદી(કે.ટી)ની વરણી કરવામાં આવી છે. ઉમરેઠના લોકો માટે ગૌરવની વાત જ કહેવાય , ખરું ને…? કેતનભાઈ ત્રિવેદી હાલમાં ઉમરેઠના મોટાભાગના વહેપારીનોના ટેક્ષ સલાહકાર તરીકે કાર્યરત છે. કેતનભાઈ ત્રિવેદીને “આપણું ઉમરેઠ” બ્લોગ તરફથી અભિનંદન સાથે ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરી તેવી શુભેચ્છા….

  • અરે હા… ઉમરેઠના પ્રખ્યાત કોહીનુર બેન્ડના સ્ટેજ પરફોમન્સ દરમ્યાન કોઈએ રેકોર્ડ કરેલ ગીત “મેઘા..રે..મેઘા..રે..” હાથમાં લાગ્યું છે. જો તમને ગમતું હોય તો શાંભળો… નીચેની લીન્ક આપેલ છે.

  • અને છેલ્લે..

આવતી કાલે રવીવાર, લાઈટો જશે કે નહી..? કોઈને ખ્યાલ છે..? ચાલો થઈ જાય દશ..દશ..ની…?

ઉમરેઠમાં આધાર કાર્ડ માટે કેન્દ્ર શરૂ


જો તમારું આધાર કાર્ડ નિકાળવાનું બાકી હોય તો હવે, ઉમરેઠમાં આધાર કાર્ડ નિકાળવા માટે કેન્દ્ર  જૂની તાલુકા પંચાયત કચેરી, જલારામ મંદિર પાસે, લાલ દરવાજા પિક-અપ બસ સ્ટેશન સામે શરૂ થઈ ગયું છે. જો તમારા નામે ગેસ કનેકશન હોય અને તમે હજૂ આધાર કાર્ડ ન કઢાવ્યું હોત તો સત્વરે આધાર કાર્ડ કઢાવી લેવુ હિતાવત છે.આવનારા થોડા મહીનામાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ અમલમાં મુકાવવાની સંભાવના છે. આ સ્કીમ થી સરકાર દ્વારા કોઈ પણ સેવા કે વસ્તુમાં સબસીડી આપવા પાત્ર થાય તો જે તે લાભાર્થીને સીધી તેના બેંક ખાતામાં મળશે, ગ્રાહકે વસ્તુ કે સેવા બજાર ભાવેજ ખરીદવાની રહેશે

ઉમરેઠ રણછોડરાય શોપિંગ સેન્ટર પાસે જોખમી ખાડા..!


  • રજૂઆતો છતા ખાડો પુરવામાં પાલીકાના અખાડા

ઉમરેઠ નગરના વડા બજાર વિસ્તારમાં આવેલ રણછોડરાય શોપિંગ સેન્ટર બહાર છેલ્લા કેટલાય સમય થી જોખમી ખાડા પડ્યા હોવાને કારણે રાહદારીઓ સહીત દૂકાનદારો મુસીબતમાં મુકાયા છે. પગલા મંદિર પાસેના રણછોડરાય શોપિંગ સેન્ટરમાં જવાના રસ્તા ઉપર ફુટપાટ આવેલ છે. આ ફુટપાટ ઉપર છેલ્લા કેટલાય સમયથી મોટા ખાડા પડી ગયા હોવા છતા તંત્ર આ ખાડા પુરવામાં અખાડા કરી રહ્યું છે. આ દૂકાનદારોના જણાવ્યા મુજબ દૂકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો આ ખાડામાં પડી જવાના પણ બનાવો બન્યા છે. એક તરફ આ ફુટપાટ આગળ લારી પાથરણાવાળા ઉભા રહે છે જેથી રસ્તા ઉપર ચાલવામાં રાહદારીઓને મુશ્કેલી અનુભવે છે,પરિનામે રાહદારીઓ ફુટપાટ ઉપરથી અવર જવર કરે ત્યારે તેઓ ખાડામાં પડી જાય છે. વધુમાં આ ફુટપાટ ઉપર લગભગ બે થી ત્રણ જગ્યાએ ખાડા છે જેમાંથી વહેપારીઓએ જાતે એક ખાડો પુરવા મોટો પથ્થર મુકી દીધો છે. સાંજના સમયે વૃધ્ધો અને મહિલાઓ આ રસ્તે પસાર થાય ત્યારે વધારે મુશ્કેલી પડે છે. ઉમરેઠમાં પ્રવેશતા સાથે રણછોડરાય શોપિંગ પહેલા જ આવે છે જેથી ઉમરેઠની બહારથી આવતા ગ્રાહકો આજ શોપિંગ સેન્ટર માંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે આ ઉપરાંત વડા બજારમાં મોટી સંખ્યામાં લારી અને પાથરણાંવાળા બેસતા હોવાને કારણે સાંજના સમયે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પણ વધારે આવે છે. સદર શોપિંગ સેન્ટર પાસે નગરનું પ્રસિધ્ધ પગલા મંદિર પણ આવેલ છે જેથી આ માર્ગનો મંદિરમાં જતી મહિલાઓ પણ ઉપયોગ કરે છે જેથી આ માર્ગની ગરીમાને ધ્યાનમાં રાખી પાલિકાતંત્ર આ ખાડા પુરી ધટતું કરે તે જરૂરી છે.

ઉમરેઠના બાલ મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


ઉમરેઠ વિશા ખડાયતા વણિક મંડળ દ્વારા સંચાલિત બાલ મંદિરમાં તાજેતરમાં સાંસ્કૃતિક કાર્યક્ર્મ યોજાયો હતો. આ પ્રસંગે નિલેશભાઈ શાહ (પોલા), સંજયભાઈ શહેરાવાળા, ભુપેન્દ્રભાઈ શાહ તેમજ નિતિનભાઈ ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્ર્મનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું બાલ મંદિરના નાના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી અને નાટક સહીત સમુહ ડાન્સ અને એક પાત્ર અભિનય કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ન કરી દીધા હતા. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠ વિશા ખડાયતા વણિક મંડળ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે બાળકોના સર્વાંગીક વિકાસ માટે આવો સુંદર કાર્યક્ર્મ યોજ્યો હતો. વાલી ગણ અને બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાલ મંદિરના વહીવટ કર્તાઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉમરેઠના ખડાયતા મિત્રોના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે વિદ્યોતેજક મંડળ પણ ચલાવવામાં આવે છે, જેમાં તમામ ધોરણ સહીત કોલેજ અને એન્જિનિયરીંગ , મેડીકલ વિષયના અભ્યાસક્રમોના પુસ્તકો મફત પુરા પાડવામાં આવે છે, તાજેતરમાં વિદ્યોતેજક મંડળમાં ઉમરેઠના પ્રફુલભાઈ તલાટીએ માતબર રકમનો ફાળો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

વાતોના વડા…


  • જોરદાર ગરમી શરૂ થઈ ગઈ છે, ઉપરથી હવે પહેલાની જેમ દર રવીવારે વીજકાપની પ્રથા આપણા ઉમરેઠમાં ચાલું થઈ ગઈ છે. આ રવીવારે પણ સવાર થી બપોર સુધી વીજકાપ રહ્યો હતો. હવે દર રવીવારે ઉમરેઠમાં લાઈટ બંધ થશે જ, પણ હજૂ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે રવીવારે ઉમરેઠમાં પગ મુકતા ૧૦૦વાર વિચારજો…!
  • ઉમરેઠમાં ખેલયુવા મહોત્સવ અંતર્ગત ડે-નાઈટ ક્રિકેટ મેચનું આયોજન થયું છે. હાલ માંજ એક ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખતમ થઈ જેથી લોકોને આ ડે-નાઈટ મેચમાં ઓછો રસ હોય તેમ લાગે છે ઉપરથી આઈ.પી.એલની મેચને કારણે પણ લોકો ગ્રાઊન્ડમાં ઓછા આવે છે.
  • ઉમરેઠના કસ્બા વિસ્તારમાં ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં મીક્ષ થઈ જતા આ વિસ્તારના પાંચ છ વ્યક્તિઓને ઝાડા ઉલ્ટી થઈ ગયા હતા. વધુ જાણકારી માટે તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લિક કરો.
  • ઉમરેઠમાં પાણીના સ્તર નીચા ગયા છે જેથી હવે પાણી પુરવઠો ઓતરે દિવસે જ બે ટાઈમ મળશે. હવે પાણીની બચત કરવા સિવાય છુટકો નથી , કુદરત આગળ સૌ કોઈ નિસહાય છે. ઉમરેઠ નગરપાલિકા દ્વારા આ અંગે નગરના કેટલાક વિસ્તારમાં જાહેરાત ચિપકાવી દીધી છે, આ અંગે વધુ જાણવા તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લીક કરો.
  • ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા)નો પાટોત્સવ તાજેતરમાં ઉજવાયો હતો. આ પ્રસંગે બિપીનભાઈ મહીજીભાઈ પટેલ તેમજ જગદીશભાઈ મહીજીભાઈ પટેલ પરિવારના નિવાસ્થાને થી પોથીયાત્રા નિકળી હતી, ત્યાર બાદ લગભગ પાંચ થી છ દિવસ ચાલેલા આ કાર્યક્ર્મમાં શોભાયાત્રા અને અન્ન્કુટ દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

ઉમરેઠમાં કોમી રમખાણોને ૧૧ વર્ષ પૂર્ણ.


  •  ઓડ બજાર, પિપળીયા ભાગોળ, કસ્બા, રાવળીયા ચકલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંગ ચાપી મિલકતોને નુકશાન કર્યું હતું.

ફેબ્રુઆરી-૨૦૦૨ ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચમાં થયેલ અગ્નિકાંડના પગલે ગુજરાતમાં પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા હતા.ગુજરાતના કેટલાય શહેરો અને નાના ગામોમાં પણ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.એક તરફ ગુજરાતના કેટલાક ગામો ભળકે બળતા હતા ત્યારે આવા સમયે ચરોતરના ઉંબરા તરીકે ખ્યાતમાન ઉમરેઠ નગરમાં અંજાપા ભરી શાંતિનો માહોલ દેખાતો હતો.એક્કલ દોક્કલ છમકલાને બાદ કરતા સમગ્ર ઉમરેઠ નગરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ અકબંધ હતો. પરંતુ આ અરસામાં કેટલાક અસામાજિક તત્વોએ સુંદલબજારમાં આવેલ લઘુમતિકોમના એક વ્યક્તિનો ટાઈપ ક્લાસ તેમજ ઓડબજાર વિસ્તારમાં આવેલ એક બેકરીને નુકશાન પહોંચાડતા વાતાવરન તંગ થયું હતું. બીજૂ બાજૂ કસ્બા તેમજ પીપળીયા વિસ્તારમાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આજ અરસામાં છમકલા કરી વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૮મી ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનો છુટાછવાયા છમકલા અને અફવાઓ વચ્ચે શાંતિ પૂર્ણ પસાર થઈ ગયો હતો. પરંતુ એપ્રિલ માસમાં ઉમરેઠ નગરના સજ્જનોની ધીરજ જવાબ આપી ગઈ અને ૨જી એપ્રિલના રોજ ઉમરેઠમાં કોમી તોફાનો થયા જેના પગલે નગરમાં લગભગ ૧૨ થી પણ વધુ દિવસ કર્ફ્યું નાખવામાં આવ્યો.અંજાપા ભરી શાંતિ વચ્ચે ઉમરેઠમાં ૨જી એપ્રિલના રોજ સવારે ૯ કલાકની આસપાસ બજારો નિયમિત ખુલવા લાગ્યા. આ દરમ્યાન છેલ્લા કેટલાય સમયથી તંગ વાતાવરણને ધ્યાનમાં રાખી નગરજનો સંયમ રાખી પોતાના રોજબરોજના કામ પતાવતા હતા. લગભગ ૧૦.૩૦ કલાકની આસ-પાસ નગરમાં વાતાવરણ તંગ બન્યું વાંટા, કસ્બા અને પીપળીયા ભાગોળમાં બે જૂથો વચ્ચે તકરારની અફવાથી સમગ્ર ઉમરેઠનું વાતાવરણ તંગ થયું, નગરના વિવિધ બજારો ટપોટપ બંધ થયા અને નગરમાં તોફાનો ફાટી નિકળ્યા હતા. પંચવટી વિસ્તારમાં ૧૧ કલાકની આસ પાસ ટોળા એકઠા થવા લાગ્યા જેના પગલે પોલીસને હવામાં ફાયરીંગ કરવાનો હૂકમ મળ્યો પંચવટી વિસ્તારમાં ટોળું હતું ત્યારેજ એક પોલીસ કર્મીએ પોતાની બંદૂક દ્વારા હવામાં ગોળીબાર પણ કર્યો. ગાંધીશેરી વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયું, હાથમાં જે આવે તે એક-બીજા ઉપર ફેંકવાનો દોર શરૂ થઈ ગયો હતો. ગાંધીશેરીમાં ભારે પથ્થરમારાની વાત વાયુવેગે બજારમાં ફેલાઈ ગઈને નગરના રહ્યા સહ્યા બજારો પણ ટપો ટપ બંધ થવા લાગ્યા. ગાંધીશેરીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દૂકાનો સળગાવવાના પ્રયાસની અફવાના પગલે બીજી બાજૂ સવારે ૧૧.૧૫ કલાકની આસપાસ નગરના ઓડ બજાર વિસ્તારમાં અન્ય અસામાજિક તત્વો દ્વારા ઉત્તપાત મચાવવાનું શરૂ કર્યું. પોલીસ નિસહાય દેખાતી હતી અથવા નગરમાં ફાટી નિકળેલા તોફાનોને પહોંચી વળવા પોલીસ અક્ષસમ અને અપુરતી હતી.એક તરફ ગાંધીશેરીમાં તોફાની ટોળુંવેર વિખેર થઈ ગયું હતું અને ગાંધીશેરીમાં કોઈ પણ દુકાનને દુરગતિનો સામનો ન કરવો પડ્યો હતો, આ સમયે ગાંધીશેરીમાં ભયંકર પત્થરમારો થયો હતો. પરંતું હકિકતથી અજાણ ઓડ બજારના તોફાની ટોળા દ્વારા લગભગ ૧૧.૩૦ કલાકની આસ પાસ ઓડ બજારમાં આવેલ દૂકાનોને આગ લગાડી દેવામાં આવી હતી. નગરમાં વાતાવરન તંગ પરિસ્થિતીની ચરમસીમા વટાવી ગયું હતું. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા ઉમરેઠમાં કર્ફ્યું નાખી દીધો હતો. બપોરના ૧૨.૦૦ કલાકની આસ પાસ સમગ્ર ઉમરેઠ સુમસામ થઈ ગયુ હતું અને ઓડ બજારમાં દૂકાનો ભળકે બળતી હતી. ઓડ બજારમાં દૂકાનોમાં લાગેલી આગનો ગરમાવો છેક નાથાભટ્ટની પોળ સુધી મહેસુસ થતો હતો જેથી આગ કેટલી ભયંકર હશે તે વિચાર માત્ર કંપારી છુટાળી દેતો હતો.  ઉમરેઠમાં થયેલ કોમી તોફાનોમાં ઓડબજાર અગ્નિકાંડ સૌથી ભયાનક પુરવાર થયો આ વિસ્તારમાં લગભગ દશ થી બાર જેટલી દૂકાનો બળીને રાખ થઈ ગઈ હતી. સાથે સાથે ઓડ બજારની આ દૂકાનો પાસે આવેલ એક ખડકીમાં કેટલાક મકાનો પણ પ્રભાવિત થયા હતા. આગ લગાળનાર તોફાની તત્વોને પણ નહી ખબર હોય કે આગ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેશે, જે દૂકાનોમાં આગ લગાડવામાં આવી તે દૂકાનોમાં કેરોસીન અને દારૂખાનું હોવાને કારણે આગનું સ્વરૂપ ભયાનક થયું હતું. બપોરના ૨.૩૦ કલાકની આસપાસ ઓડ બજારની તમામ લગભગ ૧૨ જેટલી દૂકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. ફાયર સર્વીસ શોભાના ગાઠિયા સમાન સાબિત થઈ રહી હતી. આ સમયે નગરમાં સંપૂર્ણ કર્ફ્યુંની સ્થિતી હતી. તમામ પોળ અને ફળિયામાં લોકો એકઠા થઈ ગયા હતા અને હવે શું થશે..? તે સવાલ લોકો એક બીજાને કર્યા કરતા હતા..! ઉમરેઠમાં કાબુ બહાર ગયેલી પરિસ્થીતી ઉપર કાબુ મેળવવા માટે હવે, પોલીસ તંત્ર વામણું પૂરવાર થતું હતું. એપ્રિલ-૨૦૦૨ના રોજ થયેલ તોફાનના પગલે સમગ્ર ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં છમકલાનો દોર શરૂ ચાલતો હતો, ક્યાંક પત્થરમારો તો ક્યાંક દૂકાન -મકાનોને બાળવાની સતત ઘટનાને લઈ ઉમરેઠમાં આખરે બી.એસ.એફ અને એસ.આર.પીના જવાનોએ મોરચો શંભાળી લીધો હતો. બી.એસ.એફ દ્વારા ફ્લેગ માર્ગ થયું તેમજ ઉમરેઠ પોલીસ અને બી.એસ.એફના જવાનો દ્વારા શંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

..અને વહેપાર ધંધા સાવલી-પણસોરા તરફ સરક્યા..!

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઉમરેઠમાં થયેલા કોમી રમખાનોબાદ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા લગભગ ૧૦ થી ૧૨ દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો ત્યારે બાદ તબક્કાવાર દિવસમાં બે-ત્રણ કલાક માતે કર્ફ્યુમાં છુટ આપવામાં આવી પરંતુ નગરના કેટલાક વહેપારીઓના મત મુજબ કરફ્યુની પરિસ્થિતી દશ દિવસ સુધી રહેતા ઉમરેઠના વહેપાર ધંધાને મોટું નુકશાન થયું છે જે આજ દીન સુધી ચાલુ છે. દશ દિવસના કર્ફ્યુને કારણે ઉમરેઠની આસ પાસના લગભગ ૪૨ ગામડાના ગ્રાહકોએ પોતાની રોજબરોજની વસ્તુઓની ખરીદી કરવા સાવલી અને પણસોરાનો રુખ કર્યો. આજે પણસોરા ચોકડી ઉપર બજાર ધમધમતું થયું છે અને ઉમરેઠના બજારને દેખીતી રીતે ખુચે તે વ્યાજબી છે. આજે દશ વર્ષ બાદ ઉમરૅઠના ઓડ બજારમાં દૂકાનો ફરી નવી બની ગઈ છે. કોમી રમખાણમાં ભોગ બનનાર તમામને સરકાર દ્વારા ૮ વર્ષ પછી રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ કોમી રમખાણ બાદ સાવલી અને પણસોરા તરફ વળેલા ગ્રાહકોની આજે પણ ઉમરેઠના વહેપારીઓ રાહ જોઈ રહ્યા છે.

હિંદું મુસ્લિમ એકતા આજે પણ કાયમ..!

૨૦૦૨ના કોમી રમખાણોના દશ-બાર દિવસોને બાદ કરતા, આજે પણ હિંદું મુસ્લિમ એકતાના કેટલાય દાખલા જોવા મળે છે. તેવા કેટલાય મુસ્લિમ પરિવારો છે કે જેઓ હિંદું વહેપારીઓ દ્વારા મળતી રોજગારી ઉપર નિર્ભર કરે છે, બીજી બાજી આજે કેટલાક હિંદું પરિવારો તેવા પણ છે કે જેઓ મુસ્લિમ વહેપારીનોના ધંધા રોજગાર ઉપર નિર્ભર છે. કહેનારા તો તેમ પણ કહે છે કે કોમી તોફાન દરમ્યાન પણ કેટલાક મુસ્લીમોએ હિંદુ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતુ અને કેટલાક હિદું વહેપારીઓએ પોતાના ધંધા રોજગાર ઉપર નિરભર મુસ્લિમ બંધુંઓને આર્થિક મદદ કરી હતી. આજે પણ ગણેશ મહોત્સવ કે ઈદ દરમ્યાન હિંદું – મુસ્લિમ એકતાના દાખલા બરકરાર છે. કેટલાય મુસ્લિમો જયશ્રી કૃષ્ણ કહેતા ખચકાતા નથી તો કેટલાક હિંદુઓ સવારે પોતાના મુસ્લીમ મિત્રને સલામ માલેકૂમ કહેતા કચવાટ નથી અનુભવતા, કદાચ આજ ભાવનાને કારણે આજે ઉમરેઠ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.

ચમત્કાર ને નમસ્કાર..!

કોમી રમખાણમાં ઉમરેઠના ઓડ બજારની લગભગ ૧૦ થી ૧૨ દૂકાનો બળીને રાખ થઈ ગઈ હતી ત્યારે માત્ર ચબુતરી નીચે માતાજીનું ડેલું જે તે હાલતમાં અડીખમ રહ્યું હતુ. બધી દૂકાનો બળીને રાખ થઈ પણ માતાજીના ડેલાને કાઈ પણ ન થતા લોકો આ ચમત્કારને નમસ્કાર કરતા થઈ ગયા હતા. જ્યારે હાલમાં આ ચબુતરીનું કેટલાક પક્ષી પ્રેમિઓ દ્વારા નવ નિર્માણ કરવામાં આવ્યું છે અને પહેલાની જેમ સવારે પારેવા દાણા ચણવા આ ચબુતરી ઉપર નિયમિત આવી જાણે શાંતિનો સંદેશો ફેલાવતા હોય તેમ લાગે છે…!

સન્માન સમારોહ યોજાયો


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા તાજેતરમાં નિયુક્ત થયેલ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ મુકુંદભાઈ શાહ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સામાજિક કાર્યકર લવભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, પ્રમુખ સુરેશભાઈ શાહએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ અને સૌ મહેમાનોને આવકાર્યા હતા. મંત્રી ગોપાલભાઈ શાહએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. સુજલભાઈ શાહ તેમજ વિપુલભાઈ પટેલને પુષ્યગુચ્છ આપી સિનિયર સિટીઝને તેઓના પ્રમુખ પદને આવકાર્યો હતો. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં સુજલ શાહ તેમજ વિપૂલ પટેલે સિનિયર સિટીઝન ફોરમને જ્યારે પણ તેઓની જરૂર પડે ત્યારે તેઓની પડખે રહેવાનું જણાવ્યું હતું.

અવસાન નોંધ


ઉમરેઠ – ઉમરેઠ નગરના સામાજિક કાર્યકર અને પૂર્વ નગરપાલિકા કાઊન્સિલર શાન્તિલાલ ભીખાભાઈ પટેલનું તા.૧.૪.૨૦૧૩ના રોજ અવસાન થયેલ છે. સ્વા.શાંન્તિલાલ પટેલનો ઉમરેઠ દૂધ ઉત્પાદન સહકારી મંડલીની સ્થાપણામાં મહત્વનો ફાળો હતો. સ્વ.શાન્તિલાલ પટેલ ઉમરેઠના વોર્ડ નં.૮ માંથી અવિરત ચુંટાઈ આવતા હતા અને નગરમાં ખેડૂત આગેવાન તરીકે તેઓ લોકપ્રિય હતા.

ડાકોર – ડાકોરના જિતેન્દ્રભાઈ વ્રજલાલ શાહ (શ્રીજી મિઠાઈવાળા)નું તા.૧.૪.૨૦૧૩ના રોજ અવસાન થયેલ છે. સ્વ.જિતેન્દ્રભાઈ વ્રજલાલ શાહ ડાકોરમાં અગ્રણી વહેપારી હતા.

નવા નાણાકિય વર્ષની હાર્દિક શુભેચ્છા


તમામ મિત્રો અને સ્વજનોને નવા નાણાકિય વર્ષની હાર્દિક શુભેચ્છા..

આ નવા નાણાકિય વર્ષમાં તમારી જૂની ઉઘરાણી પાછી મળે.

તમારી પાસે કોઊ ઉધાર માગે નહી (મારા સિવાય).

તમારા શેઠ તમારો પગાર વધારે, જો તમે શેઠ હોવ તો તમારા કર્મચારીઓ તમારી પાસે પગાર વધારાની માગણી ન કરે..!

તમારે લોન લેવાની જરૂર ન પડે અને પડે તો જલ્દી એપ્રુવ થઈ જાય.

તમારા બેંક ખાતાની જમા બાજૂ ઝગમગતી રહે.

તમારી આવક વધે ને ખર્ચા ઘટે.

 હું ક્યારે પણ ઉધાર માગું તો તમારું દિલ ક્યારે ન ખચકાય.

 તેવી દીલના છેક તળીયેથી શુભેચ્છા…