આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2010

*એક્સલુઝીવ* વિડીયો ડાકોર ફાગણી પૂનમ મંગળા આરતી (હોળી)


ડાકોરના ઠાકોરની ફાગણી પૂનમે મંગળા આરતી કરી લાખ્ખો ભક્તો ધન્ય થયા

 સમગ્ર ડાકોર પંથક ભક્તિભાવમાં તરબોળ  
 
 
ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની મંગળા આરતી કરવાનો લાહ્વો ખરેખર દિવ્ય હોય છે આ આરતી કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. ત્યારે ફાગણી પૂનમ હોળીના દિવસે સવારે ડાકોર ના રણછોડરાયજી મંદિર ખાતે મંગળા આરતી કરવા ભક્તોનું રીતસરનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જ્યારે મંદિરમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

જ્યારે કોઈ પણ વિકટ પરિસ્થીતીને પહોંચી વળવા માટે જિલ્લા પોલિસ તંત્ર ડાકોરમાં ધામા નાખી બેસી ગયું હતું અને ડાકોરમાં ખૂણે ખાચરે તેમજ મંદિર પરિસરમાં સી.સી.ટી.વી કેમારાથી સતત મોનીટરીંગ થતું હતુ. ખેડા જિલ્લા કલેક્ટર તેમજ પોલિસ વડા દ્વારા ડાકોરના ઠાકોરના રણછોડરાયજી મંદિરમાં ધજાપુજન કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસરમાં એક સાથે મોટી સંખ્યામાં ભક્તો પ્રવેશ ના કરે અને સંભવિત ધક્કાધુક્કીની પરિસ્થીતીને પહોંચીવળવા માટે પ્રસાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેના અંતર્ગત એક સાથે નક્કી કરેલ ભક્તોની સંખ્યાના ટોળાને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. એકંદરે શાંતિપૂર્ણ અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ ભક્તોએ રાજા રણછોડના દર્શન કરી ધન્યુઅતા અનુભવી હતી.

 

રાંધણ ગેસની એક્સપાયરી ડેટ…!


આપણે જ્યારે બજારમાં કોઈ ખાદ્ય ચીજ વસ્તુ ખરીદ કરીયે છે ત્યારે અચુક મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયર ડેટ ખાસ ચકાસીયે છે. પરંતું જ્યારે તમે ગેસ સિલેન્ડરની ઘરે ડિલીવરી મેળવો છે ત્યારે તેની એક્સપાયર ડેટ ચકાશો છો…? મોટા ભાગના લોકોનો જવાબ “ના” હશે…? મોટા ભાગના લોકો ગેસ સિલેન્ડરની એક્સપાયર ડેટ હોય છે તે જાણતા પણ નથી.

ગેસ સિલેન્ડરની પણ એક્સપાયર ડેટ હોય છે અને ગેસ સિલેન્ડરની એક્સપાયર ડેટ પૂર્ણ થઈ ગઈ હોય અને તેનો વપરાશ કરવામાં આવે તો અકસ્માત થવાનો પણ સંભવ હોય છે. મોટા ભાગે કોઈ ગેસ ડિલરને ત્યાંથી આવો ગેસ સિલેન્ડર ગ્રાહકને ત્યાં જતો નથી પરંતુ જો આપણે સિલેન્ડરની ડિલીવરી લીધી હોય અને પછી વર્ષો સુધી કોઈ કારણસર તેનો ઉપયોગ કરતા નથી ત્યારે આ પરિસ્થિતીથી અવગત થવું પડે છે. ખાસ કરીને એન.આર.આઈ વ્યક્તિઓ કે જે ભારતમાં માત્ર વાર તહેવારે આવે છે અને ઘરે ગેસ સિલેન્ડરનો ઉપયોગ કરે છે તેઓએ આ વાત ખુબ ધ્યાનમાં રાખવી જોઈયે.

આ સિલેન્ડર ડિસેમ્બર - ૨૦૧૩ સુધી વાપરી શકાય.

A

જાનુઆરી થી માર્ચ

B

અપ્રિલ થી જૂન

C

જુલાઈ થી સપ્ટેમ્બર

D ઓક્ટોબર થી ડીસેમ્બર

ગેસ સિલેન્ડરની એક્સપાયર ડેટ કેવી રીતે નક્કી થાય તે વીશે વિગતવાર સમજીયે..! ગેસ સીલીન્ડરની ઉપરની જુ આવેલા સર્કલની નીચે આવેલા ચાર ઉભા સપોર્ટ માંથી કોઈ પણ એક ની અંદરની બાજુએ હોયછે.ત્યાં A B C D અક્ષર પછી કોઈ આકડો લખેલો હોય છે. તેના ઉપરથી આપણે ગેસ સિલેન્ડર ક્યાં સુધી ઉપયોગ કરી શકીયે તે નક્કી કરી શકીયે છે. ગેસ સિલેન્ડર ની ટોપ રીંગ સાથે ત્રણ ઉભા સપોર્ટ હોય છે તેના ઉપર A-૧૦,B-૧૧,C-૧૨,D-૧૩ લખેલ હોય છે. તેનો મતલબ કે A-૧૦ લખેલ હોય તો સિલેન્ડર માર્ચ-૨૦૧૦ સુધી વાપરી શકાય, B-૧૧ લખેલ હોય તો જૂન-૨૦૧૧ સુધી તે સિલેન્ડર વાપરી શકાય તેવીજ રીતે C-૧૨ લખેલ હોય તો તે સિલેન્ડર સપ્ટેમ્બર-૨૦૧૨ સુધી જ વાપરી શકાય જ્યારે ચિત્રમાં D-૧૩ લખેલ સિલેન્ડર છે જેનો અર્થ એ કે તે સિલેન્ડર ડિસેમ્બર-૨૦૧૩ સુધી જ વાપરી શકાય.

..તો બસ હવે તમારા રસોઈ ગેસમાં પડેલ સિલેન્ડરની એક્સપાયર ડેટ કઈ છે તે જોઈ લો, અને હવે સિલેન્ડરની ડિલીવરી લેતા સમયે પણ સિલેન્ડરની એક્સપાયરી ડેટ તપાસવાનું ભુલશો નહી..!

– આ પોસ્ટ કરવામાં સહાય કરવા માટે શ્રી પંકજભાઈ શાહ (વડોદરા)નો આભાર

આણંદ જિલ્લાના દૈનિક સરદાર ગુર્જરીમાં ઉપરોક્ત મેટર જોવા અહિયા ક્લિક કરો

ફેબ્રિકેટેડ ન્યુઝ…


કેટલીયવાર સમાચાર પત્રો કે ન્યુઝ ચેનલમાં એવા સમાચાર દેખાઈ આવે છે કે તે જોઈને કે વાંચીને તરત ખબર પડી જાય કે આ ન્યુઝ મારી મચેડીને બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં અને ભૂતકાળમાં આવા કેટલાક સમાચાર ધ્યાને ચઢ્યા હતા.

સનસની અને એક્લુઝીવ સમાચારની આડમાં ન્યુઝ ચેનલો કેટલીકવાર હદ વટાવી દેતા હોય છેઆ ને બકવાસ સમાચારને એક્લુઝીવ સમાચાર તરીકે પીરસી દેતા એક-બે વાર વિચાર પણ કરતા નથી લગભગ ગયા વર્ષની વાત છે.અમારા ઉમરેઠ થી ૨૦ કી.મી દૂર ભાલેજ ગામમાં એક વિચીત્ર બનાવ બન્યો હતો (હકિકતમાં બનાવ ન હતો મિડિયા દ્વારા અને ગામના કેટલાક તત્વોએ ઉપજાવેલી વાત હતી).

બન્યુ એવું કે હિમેશ રેશમીયાનું “ઝલક દિખલાજા, એકબાર આજા.આજા..” ગીત આ ભાલેજ ગામામાં મોટેથી ગાવામાં આવે તો ભૂતપ્રેત નું વળગન ચઢે છે તેવી વાયકા કોઈ લોકોએ ફેલાવી…! ..બસ થોડી વાત થઈને ન્યુઝ પેપર વાળા અને એક મોટી ન્યુઝ ચેનલવાળા ત્યાં આવી પહોચ્યા ને પોતાની ચેનલમાં * એક્સલુઝિવ * ન્યુઝના મથાળા થી સમાચાર ચલાવ્યા..! બીજા દિવસે ન્યુઝ પેપરો માં પણ આ સમાચાર મોટા મથાડાથી ટંકાયા જેના કારને અન્ય ન્યુઝ ચેનલો વાળા પણ ભાલેજમાં ધામો નાખી બેઠા. હિમેશ રેશમીયાને “મફત”માં પબ્લીસીટી મળી અને ચેનલો વાળાને એક દિવસનો મસાલો…!

તાજેતરમાં પણ આવા કેટલાક ન્યુઝ ધ્યાનમાં આવ્યા , જ્યારે સચીન ટેન્ડુલકરે બેવડી સદી ફટકારી ત્યારે કેટલાક શહેરોમાં ખુશી થી લોકો ફટાકડા ફોડવા લાગ્યા અને ખુશીના મારે રસ્તાઓ ઉપર નાચવા લાગ્યા..! અરે ભાઈ આવું થોડૂં હોય ..માન્યું સચીવે ખુશ થવા જેવું કામ કર્યુ છે, પણ લોકો ખુશ થઈને રસ્તે નાચવા માડે અને તે પણ મોટા શહેરના પોષ વિસ્તારમાં રહેતા લોકો માનવામાં નથી આવતું, આ પણ ન્યુઝ મેકિંક આર્ટ(?) ઓફ રીપોર્ટર નું કારણ હોય તેમ લાગે છે.

પેલી મુનાફ પટેલન (ક્રીકેટર) વાળી વાત ખબર છે..? જ્યારે મુનાફ પટેલે વનડેમાં એન્ટ્રી મારી સુંદર પ્રદર્શન કર્યુ હતુ ત્યારે તેના ઘરે ટીવી ચેનલોના રીપોર્ટરો પહોંચી ગયા હતા. ત્યાં કોઈ ચકલું ફરકતું ન હતું ત્યારે પેલા રીપોર્ટરે પોતાના પૈસાથી મિઠાઈ મંગાવી ત્યાં લોકોમાં વહેંચાવા માડી ને ચેનલ ઉપર લાઈવ કવરેજ શરુ કર્યું ” મુનાફ પટેલ કે ઘર ખુશીકા માહોલ ”

પરચુરણ


હાલમાં ઉમરેઠમાં પરચુરણની ખાસ્સી તંગી ચાલી રહી છે. કેટલાય લોકો પાંચ થી સાટ ટકાના વટાવથી પરચુરન લેતા હોય છે. પરચુરણની તંગીને કારને વહેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. કેટલીક વખત ગ્રાહકો સાથે જીભાજોડી પણ થઈ જાય છે.

ગઈ કાલે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું..! એક બેકરીમાં કોઈ ગ્રાહકે ૧૩ રૂપિયાની વસ્તુ  ખરીદી  અને દશ દશની બે નોટો આપી પેલા બેકરીવાળા વહેપારીએ ત્રણ રૂપીયા છુંટાની માગણી કરી પણ ગ્રાહક પાસે છુટા ન હોવાને કારણે પેલા બેકરીવાળએ વચ્ચેનો રસ્તો કાઢી પાંચ રૂપિયા છુટા અને બે રૂપીયાની ચોકલેટ આપી દીધી. પેલા ગ્રાહકએ ચોકલેટ લેવાની ના પાડી ત્યારે બેકરીવાળાએ વિનમ્રતાથી કહ્યું સાહેબ છુટા નથી એટલે બિસ્કીટ આપું છું. પેલો ગ્રાહક ગીન્નાયો ને કહ્યું ધંધો લઈને બેઠા છો ને છુટા નથી રાખતા..? ત્યારે બેકરીવાળા વહેપારીએ તેમને ખરીદેલ સામાન પાછો આપવા જણાવ્યું અને ગ્રાહકને પૈસા પરત આપવાની પણ ઓફર કરી છેવટે ગ્રાહકે બિસ્કઈટ લઈ ચાલતી પકડી.

પરચૂરન ન હોવાને કારણે હાલમાં વહેપારીઓએ ગ્રાહકો જવા દેવા પડે છે. જ્યારે ગ્રાહકોએ પણ ન ગમતી ચોકલેટ અને બિસ્કીટ જોરબેરે લેવા પડે છે. વાંક કોઈનો નથી પરચુરન ન હોવાને કારણે ગ્રાહકો ને બે – પાંચ રૂપિયાની વસ્તુ પધરાવતા વહેપારીઓ પણ મજબુર થઈ જતા હોય છે. અને કેટલીકવાર ભગવાન સમાન ગ્રાહકો ખોવાનો વારો પ આવે છે.

… આ બાબતે અમદાવાદના વહેપારો  ખુબ હોશિયાર છે, તેઓ રીતસર પોતાની દૂકાનની બે અને પાંચ રૂપીયાની કૂપન બનાવી ગ્રાહકોને પધરાવી દે છે આ રીતે ગ્રાહકો પણ ખુશ થાય છે ને દૂકાનદારને પણ ઘી કેળાં થઈ જાય છે કારણ કે તે પાંચ રૂપિયાની કે બે રૂપિયાની કૂપન વટાવવા માટે જે તે ગ્રાહકોએ ફરી તે દૂકાને ખરીદી કરવા આવું જ પડે છે..!

પરચૂરન ની તંગીનું મોટું કારણ ” ગલ્લા બેન્ક ” છે. હાલમાં કેટલાય લોકો બચત ના બહાને “ગલ્લા બેન્ક”માં પૈસા જમા કરતા હોય છે. જેથી મોટી રકમનું પરચુરણ બજારમાં આવતું બંધ થઈ જાય છે. જ્યારે બીજુ કારણ સ્થાનીક બેંકો છે જે વ્યવસ્થીત રીતે પરચુરણનું વિતરણ કરતી નથી પરચુરનની તંગી નિવારવા રીઝર્વ બેન્કે ખરેખર પગલા ભરવાની જરૂર છે. બાકી દૂકાનો ઉપર છૂટા પૈસાને કારણે ગ્રાહક અને વહેપારીઓ વચ્ચે ચકમક ઝરતી રહે તેમા નવાઈ નહી.

હોળીનું નામ અને વૃક્ષ છેદનનું કામ-૨


ગઈ કાલે ” હોળીનું નામ અને વૃક્ષ છેદનનું કામ” પોસ્ટ કરી હતી જેમાં હોળીના દિવસે રાત્રીના સમયે હોળી પ્રગટાવવા માટે જરૂરી લાકડા માટે બેફામ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અંગે વાત કરી હતી. જેના સમાધાન માટે “આપણું ઉમરેઠ” ના એવ વાંચક અલ્પેશભાઈ પટેલે રસપ્રદ ટિપ્પણી કરી હતી. તેઓએ આ વૃક્ષ છેદનની પ્રવૃત્તિને રોકવા માટે ગામે ગામ વોર્ડ દિઠ હોળી પ્રગટાવવાનું સુચણ કર્યું જે ખરેખર આવકાર દાયક છે.

..જો હોળીના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ રોકવા માટે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તો વૃક્ષો બચાવી શકાય છે. જેમ વરઘોડો , સરગસ અને અન્ય જાહેર કાર્યક્રમ માટે પોલીસ તંત્રની પરવાનગી લેવી પડે છે તેમ હોળી પ્રગટાવવા માટે પણ કોઈ વહિવટી તંત્ર (મામલતદાર/પંચાયત/પોલીસ..વિગેરે માંથી કોઈ) ની પરવાનગી લેવી પડે તેવો નિયમ બનાવનો જોઈયે અને વોર્ડ દીઠ એક જ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈયે સાથે સાથે હોળી પ્રગટાવવા ઉપયોગમાં લેવાયેલ લાકડા ક્યાંથી અને કેટલા જથ્થામાં લાવવાના છે તેની પણ માહિતી તંત્રએ માગવી જોઈયે તો વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચોક્ક્સ રોકી શકાય તેમ છે. હાલમાં અમારા ઉમરેઠમાં નવ વોર્ડ છે પરંતુ લગભગ ૧૫ થી ૨૦ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે. હાલમાં તો આ નિયમનો અમલ કરાવવો શક્ય નથી પરંતું આવતા વર્ષ સુધી આ નિયમ અમલમાં મુકવામાં આવે તો ખરેખર વૃક્ષો પણ બચી શકે છે, અને લોકોની ધાર્મિક લાગણી પણ જળવાઈ રહે છે.

.. આપણો તો આ એક નાનો પ્રયાસ છે,બાકી એતો હકિકત જ છે,”વૃક્ષો બચશે તો જ આપણે બચીશું”

સચીન ટેન્ડુલકર વીશે એક લીટી


આપણે બધા ઘણું બધુ લખીયે છે પણ જ્યારે આજે સચીન ટેન્ડુલકરે સાઊથ આફ્રીકા સામે વન-ડે મેચ માં ૨૦૦ રન ફટકાર્યા છે ત્યારે તેના વીશે એક લીટી  લખી તેને અભિનંદન પાઠવ્યે.

સચીન ટેન્ડુલકર રન નો બેરર ચેક છે, જેટલા રન ભરો તેટલા સ્વીકરાઈ જાય છે…!

હોળીનું નામ અને વૃક્ષ છેદનનું કામ…!


હોળીના દિવસે રાત્રીના સમયે ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવશે. પરંતુ હોળીના બહાને વૃક્ષ છેદનની પ્રવૃત્તિને જોર મળશે. એક તરફ ધાર્મિક મહત્વને કારણે હોળી પ્રગટાવવી જરૂરી છે ત્યારે બીજી બાજુ સંભવિત ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નિવારવા વૃક્ષો પણ જરૂરી છે. ત્યારે હોળી પ્રગટાવાય અને સાથે વૃક્ષો પણ સલામત રહે તે હેતુથી હોળી દહન માટે ઓછામાં ઓછા લાકડા વાપરવામાં આવે તો સારું…!

પાણી બચાવવા માટે દિવ્ય ભાસ્કર દૈનિક ધ્વારા ” તીલક હોલી ” અભિયાન ગત વર્ષ ચાલુ કરવામાં આવેલ. સાથે સાથે વૃક્ષો બચાવવા માટે પણ જાગૃતિ ફેલાવવા કોઈ અભિયાન ચલાવી હોળીને અનુલક્ષી બેફામ  થતી વૃક્ષ છેદનની પ્રવૃત્તિને રોકવાના પ્રયત્નો કરવામાં આવે તો આવકાર દાયક રહેશે.

ગોધરા કાંડનો પડઘો ઉમરેઠમાં બે મહિના પછી પડ્યો-(ભાગ-૨)


ગોધરા કાંડને લગભગ બે મહિના થી પણ વધુ સમય થઈ ગયો હતો. આ બે મહિનામાં ગોધરાકાંડને લઈ ઉમરેઠ તેમજ ઉમરેઠની આજુબાજુના ગામમાં કોમી રમખાણો ફારી નિકળ્યા હતા.ઉમરેઠની બાજૂના થામણા ગામના એક આધેડ વયના પુરુષનું પોલીસ ફાયરીંગમાં મૃત્યુ થયુ હતુ અને જન આક્રોસ ચરમસીમએ હતો. તેમજ ઓડના એક યુવાનનું પણ પોલીસ ફાયરીંગમાં મૃત્યુ થયુ હતુ ત્યાં પણ જન આક્રોશ ચરમ સીમએ હતો. થામણા ગામમાં તો જેમતેમ કરી પોલીસ અને બી.એસ.એફ.ના જવાનોએ મોરચો સંભાળી પરિસ્થીતી કાબૂમાં કરી પરંતુ ઓડમાં લોકોના ટોળએ લઘુમતિ કોમના કેટલાય ઘરો સળગાવી દીધા અને તેઓનું નામોનિશાન મિટાવી દીધું પરિસ્થીતી ખુબ જ ગંભીર થઈ ગઈ હતી અને તેમાં પણ ન્યુઝ ચેનલો દ્વારા સળગતામાં ઘી નાખવાનું કામ કર્યું. એક બાજૂ ઉમરેઠની આજુ બાજુના થામણા અને ઓડ ગામમાં ભારેલો અગ્ની હતો ત્યાં ઉમરેઠમાં પણ લગભગ ફેબ્રુઆરી થી એપ્રીલ સુધી છુટાછવાયા છમકલા થતા રહ્યા પોળે પોળે ને ફળિયે ફળિયે અફવાનું બજાર જામવા લાગ્યું સાંજ પડે ને દૂકાનો વહેલી બંધ થવા લાગી, દરેક પોળોમાં લગભગ રાત્રિ ઉજાગરા થવા લાગ્યા પરિસ્થિતી વધુને વધુ ગંભીર થતી હતી , જોત જોતામાં માર્ચ મહિનો પણ પુરો થઈ ગયો.લગભગ ૨જી એપ્રિલનો તે દિવસ હતો , તે દિવસે ઉમરેઠમાં ગોધરાકાંડનો બરાબરનો પડઘો પડ્યો. ૨જી એપ્રિલને સવારના લગભગ ૧૧.૦૦ કલાકનો સમય હતો. ઉમરેઠના ગાંધીશેરી વિસ્તારમાં કેટલાક લઘુમતિ કોમના અસામાજિક તત્વોએ દૂકાનો સળગાવી હોવાની અફવાએ જોર પકડ્યુ સવારના ૧૧.૦૦ કલાકે નગરના વિવિધ વિસ્તારોમાં આ વાત વાયુ વેગે પ્રસરી જતા નગરના બજારો ટપો ટપ બંધ થવા લાગ્યા. ખરેખર કોઈ અસામાજિક તત્વ ધ્વારા કાંકરીચાળો કરવામાં આવ્યો હતો જેના જવાબમાં બંન્ને કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને પત્થરમારો ચાલુ કરી દીધો . નગરના રાવળીયા ચકલા વિસ્તારમાં ગરીબોના ઝુપડા સળગાવવામાં આવ્યા જેથી વાંટા, રાવળીયા ચકલા સહિત જાગનાથ ભાગોળ વિસ્તારમાં ભારેલો અગ્નિ થઈ ગયો હતો . હિન્દુ લોકોના ઘર અને દૂકાનોને આ વિસ્તારમાં ખુબ નુકશાન થયું હતુ. લગભગ બપોરના ૧૨.૩૦ ની આસપાસ નગરની ખરાદીની કોઢ વિસ્તારમાં એક મુસ્લીમની દૂકાન તેમજ સટાકપોળ પાસે અન્ય એક મુસ્લીમનું ઘર સળગાવી દેવામાં આવ્યું આ સમયે પરિસ્થીથીનો તાગ મેળવી આ ઘરમાં રહેતા લોકો સુરક્ષીત જગ્યાએ પહેલેથી પહોંચી ગયા હતા પરંતુ તેઓની દૂકાન અને ઘર બિન્દાસ લોકોએ સળગાવી દીધુ હતુ. આ સમયે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં ભારે અફળાતફળીનો માહોલ હતો આ સમયે પોલિસ તંત્રની એક અંદરની વાત ખબર પડી પોલીસના ખભે લટકતી બંદૂકો કેટલી કારગર હોય છે તે મેં ત્યાં જોયું…

” ખરાદીની કોઢ અને સટાક પોળ પાસે દૂકાન અને ઘર સળગાવવામાં આવતા પોલીસે ગંભીર પરિસ્થીતીને કારણે હવામાં ફાયરિંગ કરવાનું નક્કી કર્યું જ્યાં એક પોલિસ જવાને પોતાની બંદૂક હવામાં તાકી અને ટ્રીગર દબાવ્યું પણ ફાયરિંગ ન થઈ શક્યું પોલિસે ફરી પ્રયત્ન કર્યો પરંતુ ફાયરિંગ ન થયું બંદૂક બગડી ગઈ હોય તેમ લાગરા પંચવટી વિસ્તારમાં ફરજ બજાવતો આ પોલિસ જવાન ત્યાં થી ઓડ બજાર વિસ્તારમાં ફરજ બજાવતા પોલિસ જવાન પાસે ગયો અને પોતાની બંદૂક બદલી લાવ્યો પછી તેને પંચવતી વિસ્તારમાં હવામાં ફાયરિંગ કર્યું અને કારતુસનું ખોખું ખાસ મળી જાય તે રીતે તેને ફાયરિંગ કર્યું હતુ કારતુસનું ખોખુ શોધી તેને પોતાના ખિસ્સામાં મુકી દીધુ”

પોલીસ જવાન પાસે રહેલી બંદૂકથી ફાયરિંગ થવાની વાતતો દૂર પણ સુરસુરિયું પણ ન થયું. બપોરનો લગભગ ૧.૦૦ કલાક થયો હતો, ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો હતો પરંતુ નગરના પંચવટી થી ઓડ બજાર વિસ્તારમાં ખૂબ ચહેલ પહેલ થતી હતી બપોરે દોઢ વાગ્યાની આસ પાસ ખબર મળી કે ઓડ બજારમાં લગભગ ૧૦ થી ૧૫ દૂકાનો ને આગ ચાંપવામાં આવી છે.

 

કોમી રમખાનનો ભોગ બનેલ દૂકાનો – ઓડ બજાર, ઉમરેઠ

શાંભળી જાણે કાન બહેર મારી ગયા હોય તેમ લાગ્યું કારણ કે ઓડ બજારમાં જે દૂકાનો બાળવામાં આવી હતી તે દૂકાનો ની લાઈનમાં મારી પણ દૂકાન હતી. ભય એ વાતનો હતો કે, જે દૂકાનો બાળવામાં આવી તે દૂકાનોમાં ગેરકાયદેસર કેરોસીન અને દારૂખાનું પણ વેંચવામાં આવતુ હતુ. ઓડ બજારમાં જે દશ બાર દૂકાનો સળગાવવામાં આવી હતી તે દાઊદી વ્હોરા કોમના લોકોની દૂકાનો હતી તેઓની લાઈનમાં એક માત્ર મારી દૂકાન હતી તેમજ મારી દૂકાનની સામે પણ અને ત્રણ હિન્દુની દૂકાનો હતી આ ઓડબજારની દૂકાનો સળગાવનારા ઉમરેઠના કહેવાતા સારા ઘરના લોકો જ હતા કેટલાક લોકો તો એટલા બધા સારા હતા કે આ દૂકાનો બાળી જ્યારે અમારી દૂકાન પણ આગમાં લપેટાઈ ત્યારે અમારે ઘરે આવ્યા ને કહેવા લાગ્યા ચાલો તમારી દૂકાનની ચાવી લઈ લ્યો બધો માલ કાઢી આપીયે પણ એ સમયે બહૂ મોડૂં થઈ ગયું હતું અને માલ બચાવવા કોઈનો જીવ જોખમમાં મુકવો તે પણ યોગ્ય ન હતુ જેથી મારા પપ્પએ તેમ કરવાની ના પાડી..! છેવટે સાંજે ૫ કલાકની આસ પાસ અમારી અને અન્ય લોકોની દૂકાનો સાથે લગભગ ૧૦ થી ૧૫ જેટલી દૂકાનો બળીને રાખ થઈ ગઈ હતી.

 રોજીરોટીનું એક માત્ર સાધન મારી દૂકાન સંપૂર્ણ આગમાં રાખ થઈ ગઈ હતી આ સમય જાણે આભ ફાટ્યું હોય તેવો અહેસાસ થયો હતો તે સમયે હું એમ.કોમ-૧ માં અભ્યાસ કરતો હતો તે સમયે અભ્યાસ છોડી નોકરીએ લાગી ગયો જ્યારે ઉમરેઠના ચોકસી બજારમાં મારા કાકા પાસે અન્ય એક ખાલી દૂકાન હતી થોડા સમય માટે તેઓએ નવી દૂકાન ન થાય ત્યાં સુધી તેમની દૂકાનમાં બેસવાની સઘવડ કરી આપી જ્યારે લગભગ ૧૦/૧૫ મહિના પછી પૂનઃ ઓડ બજાર ખાતે અમોએ દૂકાન શરૂ કરી ત્યારે રાજ્ય સરકારે દશ હજારની તત્કાલ આર્થીક સહાય કરી હતી.  ખેર..આવે તો વેલ કમ બાકી હાથ પગ હજુ સલામત છે જેથી ભગવાનનો ખુબ આભાર..!

ઓડ બજારની વ્હોરા કોમની દૂકાનો જે હતી તેના થી પણ સરસ તેઓના ગુરૂજીની સહાયથી બે મજલાની બની ગઈ છે. એકંદરે હિસાબ કરીયે તો જે અસામાજીક તત્વોએ ઓડ બજારની દૂકાનો બાળવાનું કાર્ય કર્યું છે તેઓ ધ્વારા કંસાર કરવા જતા થુલી બની ગઈ છે. વ્હોરા કોમના લોકોને તો દૂકાન અને માલ બંન્ને માટે તેઓના ધર્મગૂરૂ ધ્વારા માતબર સહાય મળી તેઓને નુકશાન ની વાતતો દૂર ફાયદો થયો અને અમો અન્ય પાંચ દૂકાનદારોએ નુકશાનના સાક્ષાત્કાર કરવા લાગ્યા.  જ્યારે ઓડ બજાર વિસ્તારની દૂકાનો સળગાવવામાં આવી હતી ત્યારે મારી દૂકાનની બરાબર બાજૂમાં આવેલ ચબૂતરી પણ સળગી ગઈ હતી જેના અવશેશો આજે પણ હયાત છે

ગોધરાકાંડનો પડઘો ઉમરેઠમાં બે મહિના પછી પડ્યો…! (ભાગ-૧)


મને બરાબર યાદ છે કે , ૨૮મી ફેબ્રુઆરી-૨૦૦૨ના દિવસે હું મારી દૂકાને બેઠો હતો. લગભગ સવારના ૧૧.૩૦ ની આસપાસનો સમય હશે ત્યારે એક ગ્રાહક આવીને કહ્યું ” શાંભળ્યું, ગોધરામાં ટ્રેનમાં આગ લાગી” આ સમયે તેમ લાગ્યું હતુ કે કોઈ દુર્ગટના થઈ હશે ને ટ્રેનમાં આગ લાગી હશે. પરંતુ આ અનુમાન તદ્દન ખોટુ પડ્યું જ્યારે હું લઘભગ ૧૨.૦૦ વાગ્યાની આસપાસ ઘરે જમવા ગયો ત્યારે ટી.વી ઉપર સમાચાર જોયા અને પરિસ્થીતી ખ્યાલ આવી છતા પણ ગોધરા કાંડને લઈ પછીના દિવસો વધુ બિહામણા થશે તેવો ખ્યાલ મગજમાં ફરકતો પણ ન હતો.
જોત જોતામાં ટી.વી ચેનલોના ધાડા ગોધરા ઉપડી ગયા અને ગોધરાકાંડની શીલબંધ વિગતો ટી.વી ઉપર આવવા લાગી. અમદાવાદ સહિત ગુજરાતનાં સંવેદનશીલ શહેરોમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા…!  આ દિવસે મારા પપ્પા ઈંદોરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. જ્યારે ગોધરાકાંડ ના બીજા દિવસે ટ્રેન દ્વારા તેઓને પરત ફરવાનું હતું. પરાંતુ આ સમયે ટ્રેનમાં પરત ફરવું મુર્ખામી ભર્યું કહેવાય જેથી અમારા એક સબંધીની કારમાં તેઓએ ઉમરેઠ પરત આવવાનું નક્કી કર્યું , ગોધરાકાંડનો બીજો દિવસ હતો ત્યારે ગોધરા, પંચમહાલ જેવા જિલ્લામાં ભારેલો અગ્નિ હતો . ઈંદોરથી ક્લોવીસ કારમાં જાબુઆ થી પણ આગળ વિના કોઈ મુશ્કેલીથી ગાડી આગળ આવી ગઈ હતી. ઈંદોરથી ઉમરેઠ આવવા માટે આ સમયે લગભગ ત્રણ કાર હતી જે જોડે ઈંદોરથી ઉમરેઠ આવવા નિકળી હતી જ્યારે જાબુઆ થી આગળ આવતા થોડા જ કી.મી દૂર આદિવાસીઓનું ટોળું સામે થી આવતું દેખાયું જે તેઓની કાર થી માંડ ૨૦૦ થી ૩૦૦ ફુટ દૂર હતુ તેઓની કાર આગળ એક લગઝરી બસ હતી જે ને આ ટોળાનો ઈરાદો સમજી તરત યુ ટર્ન માર્યો જેથી લગઝરી વાળાના આવા તાબળતોળ નિર્ણય જોઈ મારા પપ્પા જે કારમાં હતા તે કારના ડ્રાઈવરે અને અન્ય બીજી કારના ડ્રાઈવરોએ પણ ત્યાંથી પરત ફરવાનું નક્કી કર્યું આટલામાં ટોળું ખુબ નજીક આવી ગયું હતુ અને લગઝરી બસ ઉપર પત્થરમારો કરવનું શરું કરી દીધું જ્યારે કાર અને લગઝરી બસના ચાલકોની કૂશળતાના કારણે આ ટોળું બસ અને લગઝરી બસ ઉપર હાવી થાય તે પહેલા તમામ વાહનો જાબુંઆ તરફ પરત ફરી ગયા લગઝરી બસ ને કારણે પાછળ ચાલતી ઉમરેઠની ત્રણેય કાર હેમખેમ પાછી જાબુઆ પરત ફરી.
જાબુંઆ મા હવે ક્યાં રોકાવું તે સવાલ હતો સાંજનો સમય હતો એટલે ઈંદોર પરત ફરવાનો પણ ઈરાદો ન હતો. ઉમરેઠના એક સરકારી ઓફિસર જાબુંઆમાં સદભાગ્યે મળી ગયા જાબુઆ ઓ.એન.જી.સી ના ગેસ્ટ હાઊસમાં ઓફિસર તરિકે ફરજ બજાવતા ઉમરેઠના પદ્યુમન શુક્લએ તેઓને જાંબુઆમાં રાત્રી રોકાની સરકારી ગેસ્ટ હાઊસમાં વ્યવસ્થા કરી આપી. જાબુંઆમાં પરિસ્થીતી સંપૂર્ણ શાંત હતી, જેથી બીજા દિવસે મારા પપ્પા અને અન્ય સંબંધિઓ જાબુંઆ ના બજારમાં ફરવ નિકળ્યા સાથે સાથે બીજા દિવસે કાર દ્વારા ગુજરાત જવાશે કે નહિ તેની જાબુંઆના પોલીસ સ્ટેશનમાં તપાસ પણ કરી. જ્યાં પોલિસ અધિકારીએ ઓછામાં ઓછા બે દિવસ સુધી કાર દ્વારા ગુજરાતમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી. જેથ બે દિવસ જાબુંઆના સરકારી ગેસ્ટ હાઊસમાં રોકાણ કર્યા પછી ફરી ગુજરાત જવશે કે નહિ તેની સમિક્ષા કરતા પરિસ્થીતી હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું જેથી હવે ઉમરેઠની આ તમામ કાર પરત ઈંદોર પરત ફરી.
આ બાજુ ગુજરાતમાં ગોધરાકાંડના પડઘા ચારે બાજુ પડવા લાગ્યા હતા. ઈંદોર જે સ્વજનને ત્યાં લગ્નપ્રસંગમાં પપ્પા અને અન્ય ઉમરેઠના લોકો ગયા હતા તેમની ત્યાં જાબુઆમાં બે દિવસ રોકાયા પછી પરત ફર્યા. જ્યારે આમને આમ લગભગ એક અઠવાડિયા સુધી ત્યાં જ રોકાવું પડ્યું..!
બીજી બાજૂ ઉમરેઠમાં પણ ગોધરાકાંડને અનુલક્ષી એક્કલ દૂક્કલ છમકલા થયા જેમાં, ઉમરેઠમાં સુંદલબજારમાં આવેલ એક લગુમતી કોમના વ્યક્તિનું ટાઈપ રાઈટીંગ શિખવવાનો ક્લાસિસ હતો ત્યાં અમાર નગરના કેટલાક લોકોએ હલ્લાબોલ કર્યો અને ટાઈપ રાઈટીંગ શિખવતા આ ક્લાસિસને સળગાવી દીધો સાથે સાથે ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ એક લઘુમતી કોમના શક્શની બેકરી ને પણ સળગાવી દેવામાં આવી. ગામમાં પરિસ્થીતી વધુ તંગ બને તે પહેલા પોલિસ તંત્ર હરકતમાં આવ્યું અને ઉમરેઠમાં પરિસ્થીતી સંભાળી લીધી , પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ઉમરેઠમાં ટાઈપ રાઈટીગ ક્લાસીસ અને બેકરી ને સળગાવી દેતા ઉમરેઠમાં બે કોમ વચ્ચે દિવાલ ઉભી થઈ ગઈ હતી. ગોધરા કાંડને લઘભગ ૭ દિવસ થઈ ગયા હતા અને મધ્યપ્રદેશ – ગુજરાત નો રસ્તો સુરક્ષીત છે તેવું જાણ થતા મારા પપ્પા અને અન્ય સબંધિઓ ઉમરેઠ આવવા નિકળી પડ્યા અને સુરક્ષિત ઉમરેઠ આવી ગયા જ્યારે પપ્પએ ઉમરેઠ આવી ઉપરોક્ત આપવીતી સંભળાવી જે શાંભળી રૂવાટા ઉભા થઈ ગયા હતા. ગોધરાકાંડને લઈ અમારા પરિવાર ઉપર આવેલ મુશ્કેલી હાથતાળી આપી જતી રહી હોય તેવો અહેસાસ થયો પપ્પએ કહ્યું “લગભગ ૧૦૦ થી દોઢસો આદિવાસીનું ટોળું સામે આવતું જોઈ બે મિનિટ માટે શું થશે તે સમજાતું ન હતું, ગોધરાકાંડને લઈ આવી આફત પપ્પા ઉપર આવશે અને ઘરથી ૭/૮ દિવસ દૂર રહેવું પડશે તેવું ક્યારે વિચાર્યું ન હતુ. હવે ગોધરાકાંડને લઈ કોમી ઉપાદી નહિ આવે તેવ મન કહેવતું હતુ. પરંતુ ગોધરાકાંડને લઈ મોટી મુશ્કેલી તો હજુ આવવાની બાકી હતી કદાચ આ સમયે ભગવાન બોલ્યા હશે , ” યે તો અભી ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત “

ગોધરાકાંડનો પડઘો ઉમરેઠમાં બે મહિના પછી પડ્યો…! (ભાગ-૨) ટૂક સમયમાં…!

ઉમરેઠમાં કોમી એકતાના અનોખા દર્શન – મુસ્લીમ પરિવારે હિન્દુ સ્વજનના અંતિમ સંસ્કાર કર્યા..!


મૃતક જગદીશભાઈ

મજહબ નહી શીખાતા આપસમેં બેર રખના..! કહેવાય છે કોઈ પણ ધર્મ બીજા ધર્મના લોકો પાસે વેર ઝેર રાખવાનું નથી શિખવાળતો છતા પણ કેટલાય અસામાજિક લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે એક બીજા ધર્મના લોકો સાથે વેર ઝેર કાયમ રહે તેવા પ્રયત્નો કરતા હોય છે. પરંતું આવાલોકોને જડબાતોડ લપડાક આપતો એક કિસ્સો ઉમરેઠમાં ઉપાગર થયો હતો.
ઉમરેઠના રજની નગર સોસાયટીથી જી.આઈ.ડી.સી માર્ગ ઉપર એક મુસ્લીમ પરિવાર રહે છે. આ મુસ્લીમ પરિવારના મુખીયા ગનીભાઈ અને તેમના જીગરી દોસ્ત જગદીશ ભટ્ટ નાનપણથી મિત્રો હતા જ્યારે જગદીશ ભટ્ટના પરિવારમાં કોઈ ન હોવાથી નાનપણથી જગદીશ ભટ્ટ પોતાના જીગરી મિત્ર ગનીભાઈ પઠાણ સાથે તેમના ઘરે જ રહેતા હતા જે અંગે ગનીભાઈ પઠાણના

સ્મશાન યાત્રા

પરિવારના અન્ય સભ્યોને પણ વાંધો ન હતો. જ્યારે જગદીશભાઈ ભટ્ટ ડ્રાઈવિંગ કરવામા નિપૂણ હતા જેથી તેઓએ ગનીભાઈને ડ્રીવીંગ કરતા શીખવ્યું હતુ જે યાદ કરતા ગનીભાઈએ જણાવ્યું હતુ કે , જદદીશ ભટ્ટાએ તેઓને ડ્રાઈવીંગ શીખવ્યું હોવાને કારણે આજે તે પગભર થયા છે અને તેમના કુંટુંબનું ભરણ પોષન કરવા સક્ષમ છે..!
વધુમાં ગનીભાઈના લગ્ન થયા પછી તેમના પત્નિ સાયરાબીબીએ જગદીશભાઈ ભટ્ટ ને પોતાના ધર્મના ભાઈ બનાવ્યા હતા તેમજ આ મુસ્લીમ પરિવારમાં હિન્દુના તહેવાર રક્ષાદ્બંધનની પણ ઉત્સાહભેર ઉજવની દર વર્ષે કરવામાં આવતી હતી.
ગનીભાઈ પઠાણના છોકરાને પણ જગદીશભાઈ ભટ્ટે ડ્રાઈવીંગ કરતા શિખવ્યું હતું અને તેઓને પગભેર કર્યા હતા. જ્યારે જગદીશભાઈનું બિમારીની અવસ્થામાં મૃત્યુ થતા તેઓની તમામ અંતિમ ક્રીયા આ મુસ્લીમ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેઓની સ્મશાન યાત્રામાં નગરના મુસ્લીમ પરિવારના લોકો તેમજ હિંદુ પરિવારના લોકો પણ જોડાયા હતા. જ્યારે આ પઠાણ મુસ્લીમ પરિવારે જણાવ્યું હતુ કે હિન્દુ વિધિ પ્રમાને નવમું અને તેરમું જેવી વિધી પણ તેઓ દ્વારા કરવામાં આવશે અને જગદીશભાઈ ભટ્ટની ખોટ કાયમ તેમના પરિવારને પડશે.

કોર્ટયક ખડાયતા સમિતિની ચુંટણીમાં જયંતિલાલ શાહની પેનલનો વિજય


– ઉમરેઠના જગદીશભાઈ શ્રોફને સૌથી વધુ ૧૩૬૦ મત મળ્યા.

Jagdishbhai Shroff

કોર્ટયક ખડાયતા સમિતિની રસાકસી ભરી ચૂટણી તાજેતરમાં કોટાર્જી મુકામે યોજાઈ હતી જેમાં જયંતિલાલ કાચવાળાની પેનલનો વિજય થતા કોર્ટયક મંદિરના વહિવટનો દારોમદાર જયંતિલાલ કાચવાળાની ટીમના હાથમાં રહ્યો હતો.

વધુમાં કોર્ટયક સમિતિના પ્રમુખ પદે અમદાવદના જયંતિલલ છોટાલાલ શાહ તેમજ નડિયાદના પ્રફુલચંન્દ્ર વ્રજલાલ શાહએ ઉમેદવારી કરી હતી આ સાથે વિવિધ કારોબારી તેમજ અન્ય સમિતિના સભ્યો માટે પણ પોતાની પેનલમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા.આત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, આ પહેલા કોર્ટયક સમિતિની ચુંટણીમાં સર્વાનુંમતે પ્રમુખ તેમજ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવતી હતી જ્યારે ચાલુ વર્ષે આંતરિક વિખવાદ અને એકડાવાદને કારણે ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પૂર્વવત વહિવટકારોની પેનલનો ઝળહળતો વિજય થયો હતો.

પ્રમુખ સહિત અન્ય ૨૬ પદ માટે યોજાયેલ આ ચુંટણીમાં કૂલ ૫૨ સભ્યોએ ઝંપલાવ્યું હતું જેમાં ઉમરેઠના જગદીશભાઈ નવનીતલાલ શ્રોફને સૌથી વધુ ૧૩૬૦ મત મળ્યા હતા. જ્યારે પ્રમુખ પદના ઉમએદવાર જયંતિલલ કાચવાળાને ૧૦૪૦ તેમજ વિરોધ પક્ષના પ્રમુખ પદના ઉમેદવાર પ્રફુલભાઈ શાહને ૪૨૫ મત મળ્યા હતા.

જ્યારે જયંતિલાલ કાચવાળાની પેનલનો વિજય થતા , તેઓએ મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, આવનારા સમયમાં કોર્ટયક નો વહિવટ વધુને વધુ સારી રીતે અને પાર્દર્શક કરવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમજ ભક્તોને વધુને વધુ સુવિધા મળે તે દિશામાં પગલા ભરવા આહવાન કર્યું હતુ.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠના જમનાદાસ મૂળજીભાઈ શેઠ, મુંકુદભાઈ ચંદુલાલ શાહ પણ આ પેનલમાં વિજેયતા થયા હતા.

માય નેમી ઈઝ “ખાંડ”


ભારતમાં વસ્તી વધારો, ભાવ વધારો, બેરોજગારી થી માંડી કેટલાય એવા મુદ્દા છે જેને લઈ કોઈ પણ પક્ષ ગંભીર હોય તેમ લાગતું નથી જ્યારે શીવસેના જેવા પક્ષો તો રીતસર નાટકો કરતા રહે છે. હાલમાં “માય નેમ ઈઝ ખાન” મુવી નો વિરોધ કરી શીવસેના દ્વારા તેમની માનસીકતા છતી કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે કટાક્ષ કરતું એક સરસ કાર્ટૂન અમારા આણંદ જિલ્લાના પ્રસિધ્ધ દૈનિક સરદાર ગુર્જરીમાં આજે પ્રસિધ્ધ થયેલ કાર્ટૂન ખરેખર સરસ છે.  આ કાર્ટૂન જોવા અહિયા ક્લિક કરો.

” आपणुं उमरेठ ” हिन्दी भाषामें भी आप पढ सकते है.


..अब ” आपणुं उमरेठ ” हिन्दी भाषामें भी आप पढ सकते है.  ” आपणुं उमरेठ ” हिन्दीमें पढने के लिये कृपा करके यहां क्लिक करे.

यह सुझाव देने के लिये विनयभाई खत्री का धन्यवाद.

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવની આરતી


ઉમરેઠના ઐતિહાસીક ચંન્દ્રમુળેશ્વર મહાદેવની સંધ્યા આરતી. આ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવા બદલ એચ.એસ.શેલતનો આભાર.

શીવસેના કે વાનરસેના…?


થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી ” હેપ્પી ફ્રેન્ડશીપ-ડે ટુ શીવસેના” પણ અત્યાર ની પરિસ્થીતી જોતા લાગે છે હું તે સમયે ખોટો હતો. ભલા કુત્તે કી દૂમ કભી સીધી હો સકતી હૈ…?
.હા હાલમાં શાહરૂખખાનની નાની અમથી વાતને લઈ બાલ ઠાકરે મહારાષ્ટ્રમાં મોટો હંગામો કરી રહ્યા છે ત્યારે મિડિયા પણ તેને વધારે ચકાવવાની કોશીશ કરી રહ્યું છે. એક વાત તો ચોક્કસ છે કે બધા પોતાના સ્વાર્થ ને લઈ આ મુદ્દે પોતાની રાજકિય કે ધંધાકિય પૂરી તળી રહ્યા છે.તો આવો જોઈએ કોણે આ મુદ્દામાં કેવો સ્વાર્થ છે.

શાહરુખખાન

– ફિલ્મને મફતમાં પબ્લીસીટી મળશે અને ફિલ્મ ખુબ વધારે ધંધો કરશે મહારાષ્ટ્રમાં ફિલ્મ ન ચાલે તો નહિ પણ વિદેશમાં આ ફિલ્મ જોવા લોકો દોડતા આવશે સાથે સાથે ભારતમાં પણ મહારાષ્ટ્રને બાદ કરતા ભારતના અન્ય રાજ્યોમાં તેને સારો પ્રચાર મળશે.

શીવસેના

મહારાષ્ટ્રમાં વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં શીવસેનાનો ભૂંડો પરાજય થતા તેઓનું રાજકિય અસ્તીત્વ જોખમમાં આવી ગયું છે જેથી પોતે દેશ ભક્ત છે અને મરાઠી માણસોના રખેવાળ છે તેમ સાબિત કરવા શીવસેના આવા ગતકડા કરી રહ્યું છે. પરંતું હવે પબ્લીક તમારા જેવાને ઓળખી ગઈ છે.

મિડિયા

મિડિયા પણ આગમાં ધી હોમવાનું કામ કરે છે. શાહરૂખખાન જ્યાં જાય ત્યાં તેની પાછળ જાય છે. તેના મોં માં આગળા નાખી તેને ના બોલવું હોય તે બોલાવવા પ્રયત્ન કરે છે. ચાર પાંચ શીવ સૈનિકો થોડા પોસ્ટર બાળે તેમાં ” બ્રેકિંગ ન્યુઝ” તરીકે તેમને પ્રમોટ કરવામાં આવે છે જેના કારને આવા અસામાજિક તત્વોને વધારે ને વધારે જુસ્સો મળે છે.

 ” મારી ટીમમાં એક ફાસ્ટ બોલરની જગ્યા હતી જે માટે સેન બોન્ડને મેં કરીદ્યો જો વધુ જગ્યા હોત તો હું પાકીસ્તાનના ખેલાડીને પણ અમારી ટીમમાં સ્થાન આપત.”    – શાહરૂખખાન

 

આ વાક્ય બોલી જાણે શાહરૂખખાનએ કોઈ  દેશદ્રોહનું કામ કર્યું હોય તેમ સમજી શીવસેનાના બાલઠાકરે શાહરૂખખાનને માફી માગવા મજબુર કરી રહ્યા છે. અને આ સામાન્યવાતને મુદ્દો બનાવી આખા મુંબઈને માથે લઈ લીધું છે. દાઊદ ઈબ્રાહીમ કે જે દૂનિયાનો સૌથી મોટૉ આતંકવાદી છે અને મુંબઈમાં કેટલીય લોહીયાળ હોળી કરવામાં જેનો હાથ છે તેના વેવાઈ અને પાકિસ્તાનના ભૂ.પૂ ક્રિકેટર મીંયાદાદને ઘરે બોલાવી તેને મહેમાન બનાવ્યો હતો, ( તે સમયનો ફોટો જોવા અહિયા ક્લિક કરો ) ત્યારે તમારા આદર્શો અને દેશ ભક્તિ ક્યાં હતી…?
 
શાહરૂખખાન તો ખાલી જો અને તો ના સમિકરણથી ફક્ત વાત કરી રહ્યો છે. પરંતુ તમે તો અંધારી આલમના ડોનના વેવાઈને ઘરે બોલાવી આગતા સ્વાગતા કરી હતી તેનું શું …? જો થોડી શરમ જેવું બાકી રહ્યું હોય તો કાલે શાંતિથી ફિલ્મ રીલીઝ થવા દે જો અને તમારી શીવસેના (વાનર સેના) ને કે જો હખણી રહે. નહિતો આવનારા દિવસોમાં કોઈ મુંબઈકર પણ તમોનેં સુંઘવા નહ આવે આખા દેશની ચીંન્તા કર્યા વગર “માતૃશ્રી”ની ચીંન્તા કરો. છેલ્લા કેટલાક મહિનામાં તમે કેટલા સ્વજનો ગુમાવ્યા યાદ છે..? ના હોય તો હું કરાવું. એક તો તમારો ભત્રીજો રાજ ઠાકરે ને બીજી ઘરની લક્ષ્મી સ્મિતા ઠાકરે. પહેલા તમારા પરિવારના લોકોને ભેંગા કરો પછી દેશની વાત કરજો…આવજો…

ઉમરેઠ પાસે સુરેલી ગામમાં અજાણ્યો યુવાન પેરાશુટ સાથે ઉતરાણ કરતા કૂતૂહલ…!

પોસ્ટકાર્ડ


તમોને યાદ છે તમે કોઈને ક્યારે પોસ્ટ કાર્ડ લખ્યો હતો..? ચાલો જવા દો તમને તે પણ યાદ છે તમોને કોઈએ ક્યારે પોસ્ટ કાર્ડ લખ્યો હતો. થોડા દિવસ પહેલા એક સ્વજનને ત્યાં લગ્ન પ્રસંગની કંકોત્રી લખવાનો કાર્યક્રમ હતો જેનું આમંત્રણ પાઠવવા પોસ્ટકાર્ડ દ્વારા તેઓએ જાણ કરી હતી. કેટલાય વર્ષે આ પોસ્ટકાર્ડ કોઈએ અમોને લખ્યો હતો. માહિતી આદાન પ્રદાન કરવા માટે પહેલા ના સમયમાં પોસ્ટકાર્ડ અનિવાર્ય હતો. મને યાદ છે કેટલાય દિવસો તેવા પણ હતા કે જે તે સમયે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કાર્ડ નથી ના પાડીયા પણ લગાવવા પડતા હતા. તેનાથી ઉલટું હવે પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ લેવા માંડ કોઈ આવતું હશે.

પોસ્ટકાર્ડની લોકપ્રિયતા ઘટવા પાછળ કેટલાય પરિબળો કામ કરે છે. જેમ કે હાલમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો હોવાથી પોસ્ટકાર્ડનો ઉપયોગ ઘટી રહ્યો છે. ફોન,એસ.એમ.એસ, ઈ-મેલના વધતા વપરાશને કારણે હવે પોસ્ટ કાર્ડનું ચલણ ઘટી રહ્યું છે. ત્યારે પોસ્ટકાર્ડની લોકપ્રિયતા વધારવા માટે તંત્રએ કેટલાક ફેરફાર કરવા જરુરી બની ગયા છે.

જો પોસ્ટકાર્ડની સાઈઝ વધારવામાં આવે તો પોસ્ટકાર્ડનું ચલન વધે તેમ છે. સરનામું લખવાની જગ્યા પણ વધારવામાં આવે અને પોસ્ટકાર્ડ ડિલીવરી કરવામાં ઝડપતા રાખવામાં આવે તો પણ લોકો પોસ્ટકાર્ડનો ઉપયોગ કરી શકે છે.