આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2014

ઉમરેઠમાં શિવરાત્રી પર્વની ભક્તિભેર ઉજવણી.


ઉમરેઠમાં શિવરાત્રી પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી નિમિત્તે ઉમરેઠના વિવિધ મહાદેવમાં વિશેષ પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગનાથ મહાદેવ ખાતે થી શિવરાત્રી નિમિતે પરંપરાગત રીતે શોભાયાત્રા તેમજ પાલખીયાત્રા નિકળી હતી. જેમાં યુવાનો દ્વારા શીવજી તેમજ નંદી અને શીવજીના ભક્તોનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા વાંટા તેમજ જાગનાથ મહાદેવ વિસ્તારમાં ફરી હતી અને આકર્ષનનું કેન્દ્ર બની હતી વધુમાં નગરના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે તેમજ પંચવટી વિસ્તારના કામનાથ મહાદેવ અને બદ્રીનાથ મહાદેવ સહીત જાગનાથ મહાદેવમાં સવાર થીજ મોટી સંખ્યામાં ભક્તો દૂધ અને બિલીપત્રોનો અભિષેક કરવા આવી પહોંચ્યા હતા.

IMG-20140227-WA0003

ઉમરેઠના બ્રહ્મકુમારીસ ઈશ્વરીય વિદ્યાલય ખાતેથી દ્રાદાશ જ્યોતિર્લીંગમ યાત્રા નિકાળવામાં આવી હતી જે અંતર્ગત ૧૨ જ્યોતિર્લીંગની ઝાંખીનું પ્રદર્શન સાથે યાત્રા નિકાળવામાં આવી હતી જેમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિવરાત્રિ નિમિતે નગના વાંટા વિસ્તારમાં આવેલ ગૌતમેશ્વર મહાદેવ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાંટા વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો અને શિવજીની આરાધના કરી હતી. (photo – Ritesh Patel)

ઉમરેઠ પોલીસ દ્વારા લોક જાગૃતિ સુરક્ષા રથને આવકાર


મતદાન કરવા પ્રજાને જાગૃત કરવામાં આવ્યા.

આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે લોક જાગૃતિ સુરક્ષા રથ જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહ્યો છે. આજે લોક જાગૃતિ સુરક્ષા રથ આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવી પહોંચતા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ આર.કે.મોડીયાએ આવકાર આપ્યો હતો. આ સમયે એમ.બી.ભગોરાએ ઉપસ્થિત લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી દરેક નાગરિકનો મત કેટલો નિર્ણાયક છે તે અંગે સમજ આપી મતદાન કરવા લોકોને જાગૃત કર્યા હતા. આ ઉપરાંત ઉમરેઠ પોલીસ દ્વારા વિવિધ ગુન્હાઓને લઈ પ્રજાએ તકેદારી રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ, ચોરી,લુંટ-ફાટ સહીત ઉઠાંતરીની ઘટનાથી બચવા માટે જરૂરી માર્ગદર્શન સાથે તકેદારી રાખવાના વિવિધ મુદ્દા સાથે એક પત્રિકા પણ પોલીસ તંત્રએ લોકોને આપી હતી. પોલીસ તંત્રના સદર સમાજલક્ષી અભિગમની લોકોએ પ્રશંશા કરી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ ખરા અર્થમાં મહેસુસ કર્ય હતું.

ઉમરેઠમાં બાબા રામદેવની યોગદીક્ષા સભા યોજાઈ


ઉમરેઠના નાસિકવાળા હોલ સામે બાબા રામદેવની યોગદીક્ષા સભા યોજાઈ હતી. આ સમયે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ, ઉમરૅઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, આણંદના ધારાસભ્ય દિલીપભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ લાલસિંહભાઈ વડોદીયા ઉપસ્થિત રહ્યા હતા. આશિર્વચનદાતા પૂ.ગણેશદાસજી મહારાજે બાબારામદેવને આવકાર આપતા તેઓ સાથે પસાર કરેલ સમયના સંસ્મરણોનો યાદ કર્યા હતા. બાબા રામદેવે ઉપસ્થીત મેદનીને યોગના ફાયદા સમજાવ્યા હતા સાથે સાથે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ સાથે બાબા રામદેવે પોતાની અદામાં રાજકિય ટીકા-ટીપ્પણીઓ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ લોકસભા બેઠકની અલગ અલગ વિધાનસભા બેઠક ઉપર બાબા રામદેવ પોતાની યોગ સભા કરી આડકતરી રીતે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. ઉમરેઠમાં આયોજીત બાબા રામદેવની યોગ સભાને સફળ બનાવવા માટે ઉમરેઠ શહેર ભાજપના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. બાબા રામદેવને ખુશ કરવા માટે ઉમરૅઠના આર્ટીસ્ટ જયંત પેઈન્ટર દ્વારા બાબા રામદેવનું રંગોળીથી ચિત્ર બનાવવામાં આવ્યું હતું તે જોઈ બાબા રામદેવ પ્રભાવિત થયા હતા અને જયંત પેઈન્ટરને મળેલ કલાની સરાહના કરી હતી.

ઉમરેઠ પટેલ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો.


ઉમરેઠ પટેલ સેવા સમાજ દ્વારા આજે ઉમરેઠ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં જ્ઞાતિના સાત યુગલોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નવદંપતિને આશિર્વાદ પાઠવવા માટે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સભ્ય લાલસિંહ ઉદેસિહ વડોદિયા ઉપસ્થિત રહ્યા હતા. સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, હાલમાં પ્રવર્તમાન રીત રીવાજો ખુબજ ખર્ચાળ હોય છે જેથી સમાજ દ્વારા નિયમિત દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય છે તે સરાહનાને પાત્ર છે. તેઓએ પટેલ સેવા સમાજના હોદ્દેદારોની પ્રશંશા કરી હતી. સદર સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ઉમરેઠ પટેલ સેવાસમાજના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

એબ્યુલન્સ માટે પણ સરહદો..?


કોલ નંબર – ૧

હેલ્લો… “ઉમરેઠ સરકારી હોસ્પિટલ…?”

“…હા..બોલો”

“એબ્યુલન્સની જરૂર છે, એક દર્દીને અમદાવાદ સાલ હોસ્પિટલમાં લઈ જવા છે.”

“..અમદાવાદ…?”

“હા.. અમદાવાદ…સાલ હોસ્પિટલમાં…”

“હમ્મ..એક મિનિટ મેડમ સાથે વાત કરો…”

“હલ્લો…”

“હા…મેડમ હું ઉમરેઠ થી બોલું છું, અત્યારે એક દર્દીને લઈ ડાકોર હોસ્પિટલમાં આવ્યો છું, અહીયા ડોક્ટરે દર્દીને અમદાવાદ લઈ જવાની સલાહ આપી છે, અમારે સાલ હોસ્પિટલમાં તેમની દવા ચાલે છે ત્યાં પેશન્ટને લઈ જવા એમ્બ્યુલન્સની તાત્કાલીક જરૂર છે. તમે મોકલી આપો છો..?”

“..હમ્મ …છેક અમદાવાદ એમ્યુલન્સ ના મોકલાય આણંદ, નડિયાદ જવું હોય તો કહો..”

“..પણ અમારે તો અમદાવાદ જ દાવા ચાલે છે સાલ હોસ્પિટલમાં..”

“..હા, પણ અમદાવાદ એમ્બ્યુલન્સ ન જાય જિલ્લા બહાર અમારા થી ન મોકલાય, અહીયા કોઈ ઈમરજન્સી આવે તો…?

“ઓકે”

કોલ નંબર – ૨

“હેલ્લો.. ડાકોર નગરપાલિકા…?”

“..હા”

“હું ઉમરેઠથી વાત કરું છું અમારા એક પેશન્ટ રાધે હોસ્પિટલમાં છે તેઓને અમદાવાદ સાલ હોસ્પિટલમાં ખસેડવા છે, તાત્કાલીક એમ્બ્યુલન્સ જોઈયે છે.”

“હા..બિલકુંલ મળી જશે, ક્યાં મોકલું એમ્બ્યુલન્સ…?

“રાધે હોસ્પિટલ, પાછલા ગેટ ઉપર..”

“તમે રેડી થઈ જાવ થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી જશે..”

ઉમરેઠ સરસ્વતી વિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.


ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે તા. ૨૮.૨.૨૦૧૪ને શુક્રવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમ્મીદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કર્યક્રમો યોજાશે અને બાળકોમાં રહેલી આંતરીક શક્તિ અને કૂનેહને બહાર લાવવા માટે શાળા દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો યોજાય છે તેમ ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે જણાવ્યું હતું.

ઉમરેઠ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક તેમજ સંતરામ માધ્યમિકશાળાનો સાંસ્કૃતિકોત્સવ ઉજવાશે.


ઉમરેઠ નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળા તેમજ શ્રી સંતરામ માધ્યમિક શાળાના ૧૬ વર્ષ પૂર્ણ થતા શાળાના બાળકોમાં રહેલ આંતરીક કૂનેહ બહાર લાવવા માટે સાસ્કૃતિક કાર્યક્રમનું શૈલેષભાઈ જોષી(સીવીલ જજ, ભદ્ર- અમદાવાદ)ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજેલ સમારોહમાં આશિર્વચનદાતા શ્રી ગણેશદાસજી મહારાજ (સંતરામ મંદિર, ઉમરેઠ), મુખ્ય મહેમાન પદે મૌલીકભાઈ દવે(ઉદ્યોગપતિ),ભૂષણભાઈ ભટ્ટ(ધારાસભ્ય-ખાડીયા), લાલસિંહ વડોદીયા(સંસદ-રાજ્યસભા)જયંતભાઈ પટેલ બોસ્કી (ધારાસભ્યશ્રી ઉમરેઠ),સંજયભાઈ પટેલ (પ્રમુખ ઉ.ન.પાલિકા), તેમજ અતિથિ વિશેષ પદે આર.જે.શાહ (ગુ.હા.કોર્ટ) અને મિલનભાઈ વ્યાસ અને ઘનશ્યામભાઈ પરમાર ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૬ વર્ષથી ઉમરેઠ નગરપાલિકા દ્વારા પ્રાથમિકશાળાનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે, આ શાળામાં નગરના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી રહ્યા છે, સદર શાળાના માધ્યમિક વિભાગને અદ્યતન બનાવવા ભુતકાળમાં શ્રી સંતરમ મંદિર ઉમરેઠ ધ્વારા સાથ સહકાર મળ્યો હતો જે આજે પણ અવિરત ચાલું જ છે.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉજવણી


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલા વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની પરંપરાગત રીતે ઉજવની કરવામાં આવી હતી. શાકોત્સવના મહત્વને સમજાવતા ભક્ત જયંતભાઈ ચોકસીએ જણાવ્યુ હતુ કે,સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના સુપ્રસિદ્ધ એવા લોયા ગામમાં અઢાર મણ ઘીનાં વઘાર કરી સ્વયં રીંગણનું શાક બનાવ્યું હતું, ત્યારથી હરભિકતો શ્રદ્ધાપૂર્વક શાકોત્સવની કરે છે જે પરંપરા અનુસાર ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તો દ્વારા શાકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંપ્રદાયની મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા ઉપર શાક અને રોટલા બનાવવામાં આવ્યા હતા અને તે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાઈ સૌ ભક્તોએ સમૂહમાં આ પ્રસાદ લીધો હતો. વર્ષો પહેલા લોયા ગામમાં સ્વયંમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરી સંતોને પ્રસાદ આપ્યો હતો અને આ પરંપરા આજે પણ ચાલતી આવી છે. આ પ્રસંગે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી રઘુવીરચરણદાસજી, પાર્ષદ કાન્તી ભગત, તેમજ ડાકોર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી વિજયપ્રસાદજી અને શ્રી હરિજીવનદાસજી ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા. શાકોત્સવને સફળ બનાવવા માટે મંદિરના ટ્રસ્ટીઓ જયંતભાઈ ચોકસી, પદ્યુમનભાઈ શુક્લ, અને સત્સંગ મંડળના યુવામિત્રો દ્વારા જહેમત ઉઠાવી હતી.

અવસાન નોંધ


મનુભાઈ ભોગીલાલ શાહ (હાલ,અમદાવાદ)નું તા.૧૮.૨.૨૦૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ઉમરેઠ – તા.૨૬.૨૨૦૧૪ના રોજ નાસીકવાળા હોલ, સાંજે ૪ થી ૫.૩૦ કલાકે તેમજ અમદાવાદ -બેસણું તા.૨૦.૨.૨૦૧૪ના રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ કલાકે સી.કે.ખડાયતા હોલ, ગુલબાઈ ટેકરા ખાતે રાખેલ છે.

અવસાનનોંધ


ઉમરેઠના હાલ વડોદરા ખાતે રહેતા રસીકભાઈ ડાહ્યાભાઈ શેઠ (આર.ડી.શેઠ)નું તા.૧૪.૨.૨૦૧૪ના રોજ અવસાન થયેલ છે. ઉમરેઠમાં લોકસેવામાં અગ્રેસર રોટરી ક્લબના તેઓ ફાઊન્ડર મેમ્બર હતા તેઓએ સ્વાસ્થય સેવાને લગતા અનેક પ્રોજેક્ટો કર્યા હતા.

ઉમરેઠ-સારસા-વાસદ માર્ગનું ખાતમહૂર્ત કરાયું.


 ઉમરેઠ તાલુકામાં માર્ગ બનાવવા માટે વલ્ડ બેન્કની સહાય મળી હોવાનો પ્રથમ ઐતિહાસીક કિસ્સો – જયંતભાઈ પટેલ (બોસ્કી)

વિશ્વના દેશોમાં રસ્તા,પાણી સહીત સ્વાસ્થય સેવાઓ સારીરીતે ઉપલબ્ધ બને તે માટે વલ્ડબેન્ક દ્વારા ફંડ વાપરવામાં આવે છે, આ અંગે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) દ્વારા ઉમરેઠ થી વાસદ વાયા સારસા માર્ગને નવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે વલ્ડબેન્કના મી.થોમસ દ્વારા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)ની રજૂઆતની સમીક્ષા કરી સદર માર્ગને બનાવવા માટે રૂ.૧૧૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી, સદર માર્ગના કામને શરૂ કરવા માટે જયંતભાઈ પટેલ(બોસ્કી) દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેથી હવે આ માર્ગનું કામ ટુંક સમયમાં શરૂ થયે. આજે ઉમરેઠ ઓડ ચોકડી પાસે ઉમરેઠ ગણેશદાસજી મહારાજના હસ્તે ઉમરેઠ વાસદ વાયા સારસા માર્ગનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલ ઉપ પ્રમુખ અલ્તાફભાઈ મલેક પણ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતભાઈ પટેલ (બોસ્કી)એ જણાવ્યું હતુ કે, ઉમરેઠ તાલુકામાં સૌ પ્રથમ વખત રસ્તા માટે વલ્ડ બેન્ક દ્વારા ગ્રાન્ટ પાસ કરાવી હોવાનો આ પ્રથમ કિસ્સો છે, તેઓએ ઉમેર્યું હતુ કે મારા શાસનના પાંચ વર્ષ દરમ્યાન હું ઉમરેઠ તાલુકામાં રસ્તા સહીત માળખાગત સુવિધાને લગતા કાર્યોને અગ્રીમતાઆપી કામ કરી રહ્યો છું, તેઓના ધારાસભ્ય બન્યા બાદ લગભગ ૧૫ મહીનાના સમયગાળામાં જ તેઓ દ્વારા લગભગ ૨૧૦ કરોડની રસ્તા બનાવવા માટેની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. આગામી સમયમાં ઉમરેઠ તાલુકામાં વિકાસ કાર્યોના આયોજનની રૂપરેખા અંગે ધારાસભ્ય જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગામડામાં ઈન્દીરા નગરીનો વિકાસ કરવાનું તેઓનું આયોજન છે ગરીબ અને પછાત વર્ગના લોકો જેઓ ઈન્દીરા નગરીમાં રહેતા હોય છે તેઓને માળખાગત સુવિધા મળે તે માટે રસ્તા,પાણી અને સ્વાસ્થય સેવા માટે આગામી સમયમાં આયોજન કરવામાં આવશે.

સંક્ષિપ્ત સમાચાર


છપ્પનભોગ મહોત્સવ

ઉમરેઠમાં તાજેતરમાં આકાર પામેલ ગીરીરાજધામની તળેટીમાં છપ્પનભઓગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.આ પ્રસંગે તા.૧૫/૨/૨૦૧૪ના રોજ શોભાયાત્રા અને છપ્પનભોગ દર્શનનો લાભ લેવા ભક્તોને અનુરોધ છે.

બેટી બચાવો અભિયાન

તાજેતરમાં ઉમરેઠ બ્રહ્મકુમારીઝ ધ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ અને પૂ.ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ કારોબારીની બેઠક

ઉમરેઠ લોકસભા બેઠકના ઓડ ગામે તાજેતરમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી ચુંટણીમાં મતદારોને આકર્ષવા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. સદર બેઠકમાં રાજ્યસભ સાંસદ લાલસિંહ વડોદિયા સહીત આણંદ જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

નવા રસ્તા નહી, તો થિંગડા પણ ચાલશે..!

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ખરાબ થયેલ રસ્તાને છેવટે રીપેર કરવાનું શરુ કરવામાં આવ્યું છે. હાલામાં નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોની યાદી સાથે એક પત્રિકા બહાર પડી હતી.

પશુઓની પણ ચોરી…

ઉમરેઠ પંથકમાં હાલમાં પશ ચોરી જતી ટોળકી સક્રીય બની છે. સીમ વિસ્તારમાં ઘર બહાર બાંધી રાખેલા મુગા પશુઓને ઉઠાવી જતા તસ્કરોને લઈ લોકો પરેશાન છે. તાજેતરમાં એક શંકાસ્પદ કારનો ઉમરેઠ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન પીછો કર્યો હતો જે કાર જાગનાથ ભાગોળે દરવાજામાં અથડાતા કાર ચાલક ભાગી ગયા હતા અને પોલીસે કારની તપાસ કરતા અંદરથી બકરા મળી આવ્યા હતા.

તકલીફ તો રહેવાની જ..!

નાના-મોટા, પૈસાદાર કે ગરીબ સૌ કોઈને કોઈ ને કોઈ તકલીફ તો હોય છે. દરેકને વધતા ઓછા પ્રમાણમાં કોઈને કોઈ મુશ્કેલીતો રહેતી જ હોય છે. “તકલીફ તો રહેવાની જ..” આ નાનું વાક્ય તમામ લોકોને બંધ બેસતું હોય તેમ લાગે છે. હાલમાં ઉમરેઠમાં આ વાક્ય ભારે પ્રચલિત થયું છે અને સૌ કોઈના મોઢેં આવી જાય છે…

અવસાન નોંધ

– રાજેશભાઈ નવનીતલાલ ચોકસી(ચોકસીની પોળ)નું અવસાન થયેલ છે.
– બિપીનભાઈ મોહનલાલ શાહ(વકીલ)(દેના બેન્ક પાસે,પંચવટી)નું અવસાન થયેલ છે.
– રમેશભાઈ વકીલ (ત્રણ પોળ)નું અવસાન થયેલ છે.

અવસાન નોંધ / બેસણું


રાજેશભાઈ નવનીતલાલ ચોકસી (શ્રીજીબાવા જ્વેલર્સવાળા)
નું તા.૯/૦૨/૨૦૧૩ને રવીવારના રોજ અવસાન થયેલ છે.

સ્વ.રાજેશકુમાર નવનીતલાલ ચોકસી

સ્વ.રાજેશકુમાર નવનીતલાલ ચોકસી

સદગતનું બેસણું તા.૨૧/૦૨/૨૦૧૪ને શુક્રવારના રોજ રાખેલ છે.

સ્થળ – દશા ખડાયતાની વાડી, ચોકસી બજાર ઉમરેઠ
સમય – સવારે ૯ થી ૧૦

લી.

મીનાબેન રાજેશકુમાર ચોકસી – વ્રજેશભાઈ નવનીતલાલ ચોકસી
રૂપેન રાજેશકુમાર ચોકસી – મેહૂલ રાજેશકુમાર ચોકસી
દિપેન દિનેશભાઈ ચોકસી – મૌનીષ અશોકભાઈ ચોકસી

સાધના વિકલી – ચરોતર વિશેષાંક


હાલમાં “આપણું ઉમરેઠ” બ્લોગના વાંચક પરેશભાઈ શાહ તરફથી સાધના વિકલીનો મેગેઝીનનો ચરોતર વિશેષાંક મળ્યો. આ અંકમાં ઉમરેઠ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંકમાં ઉમરેઠના ધાર્મિક સ્થળોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ અંક તૈયાર કરવા માટે ઉમરેઠના આર.એસ.એસના કાર્યકર પરેશભાઈ શાહ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી, સુંદર અંક બદલ તેઓનો આભાર તેમજ અભિનંદન આ સાથે “આપણું ઉમરેઠ” બ્લોગના વાંચકો માટે સાધના વિકલીના ચરોતર વિશેષાંકની લીન્ક અત્રે ઉપસ્થિત છે.સદર અંક વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરો.

Sadhana Weekly Andnd

Sadhana Weekly Andnd

 

%d bloggers like this: