આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ઉમરેઠના પ્રતિભાશાળી લોકો..

ઉમરેઠમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેયતા ર્ડો.પરિમલ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો.


– લેસીક અને રીફેક્ટીવ સર્જરીમાં વિશેષ યોગદાન બદલ તાજેતરમાં ર્ડો.પરિમલ દેસાઈને મેડીકલ ક્ષેત્રનો સર્વોચ્ચ ર્ડો.બી.સી.રાય એવોર્ડ પ્રાપ્ત થયો.
DK01_n

ર્ડો.પરિમલ દેસાઈનું જ્ઞાતિના શુભેચ્છકો દ્વારા સન્માન

DK023_n

ઉપસ્થિત જ્ઞાતિજનો

મુળ ઉમરેઠના અને ગુજરાતના સુપ્રસિધ્ધ આઈ સર્જન ર્ડો.પરિમલ દેસાઈનું મેડીલક ક્ષેત્રે પ્રતિષ્ઠીત તેમજ સર્વોચ્ચ કહેવાતા ર્ડો.બી.સી.રોય એવોર્ડ તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે પ્રાપ્ત થતા દશા ખડાયતા જ્ઞાતિના શુભેચ્છકો દ્વારા તેઓનો સન્માન સમારોહ દશા ખડાયતાની વાડી ખાતે ચીમનભાઈ ચોકસીના અધ્યક્ષ અને ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વચનદાતા પદે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે કેળવણી મંડળના પ્રમુખ નિતિનભાઈ દોશી(ડાકોર) અને વાડી પ્રમુખ ઘનશ્યામભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં આવકાર પ્રવચન નિતિનભાઈ દોશીએ કર્યું હતુ, તેમજ સન્માનિય ર્ડો.પરિમલભાઈ દેસાઈનો પરિચય ચોકસી અવનીએ આપ્યો હતો. તેઓએ ર્ડો. પરિમલ દેસાઈને સૌ જ્ઞાતિજનો વતી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આશિર્વચનદાતા શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે આઈ સર્જન તરીકે ર્ડો.પરિમલ દેસાઈનું નામ સમગ્ર ગુજરાત સહીત દેશમાં ગુંજતુ થયું છે. તેઓએ ઉમેર્યું હતુ કે મેડીકલ કાઉન્સિલના સર્વોચ્ચ તેવા ર્ડો. બી.સી.રોય એવોર્ડ તેઓને રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત થતા માત્ર તેમના સમાજ જ નહી પરંતુ સમગ્ર ઉમરેઠ નગર માટે ગૌરવની વાત છે. તેઓએ કહ્યું હતુ કે ર્ડો. પરિમલ દેસાઈ પોતાની કાર્ય કુશળતાનો ગરીબો અને જરૂરિયાતમંદોને પણ લાભ આપે છે, નડિયાદ સંતરામ મંદિર દ્વારા આઈ કેમ્પમાં હજ્જારો યુવતિઓને આંખના નંબર ઉતારવાના કેમ્પમાં તેઓએ પોતાની સેવા ભુતકાળમાં આપી છે. આ ઉપરાંત ઉમરેઠમાં શ્રી નારાયણ આઈ કેર સેન્ટરની સ્થાપના માટે પણ તેઓનું માર્ગદર્શન તેમજ સહયોગ મળ્યો હતો. સમારોહમાં વિશેષ ઉપસ્થીત ર્ડો.મોનાબેન દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ તેમજ ર્ડો.પરિમલ દેસાઈના સન્માન બદલ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉમેયું હતુ કે જ્ઞાતિમાં માત્ર પુરુષો જ ઉચ્ચ હોદ્દા પર છે, ભવિષ્યમાં જ્ઞાતિના વિવિધ આયોજનો તેમજ સંચાલન માટે સ્ત્રીઓને પણ સુકાન આપવું જોઈયે. ર્ડો.પરિમલભાઈ દેસાઈએ પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં સૌ જ્ઞાતિજનો સાથે તેઓના પરિવારના સભ્યો અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે,૧૯૯૫માં જ્યારે લેસીક પધ્ધતિ થી સમગ્ર દેશ અજાણ હતો ત્યારે તેઓ દેશમાં પ્રથમ વખત લેસીક પધ્ધતિ થી ઓપરેશન કરવા માટેના મશીન લાવ્યા હતા જેને પગલે આજે તેઓ સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થયા છે, તેઓએ સમય અને સંજોગ બદલ વહેપાર ધંધામાં જરૂરિ પરિવર્તન લાવવા સલાહ આપી હત અને જણાવ્યું હતુ જી જીવનમાં સફળ થવું હોય તો સહાસ કરવોજ પડે છે, જોખમ ખેડનાર નેજ સફળતા રૂપી ફળ ચાખવાની તક મળે છે. તેઓએ ઉમેર્યું હતુ કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા બાદ અનેક જગ્યાએ તેઓના સન્માન થયા પણા જ્ઞાતિજન દ્વારા મળેલ સન્માન અવિસ્મરણીય રહ્યું. સમારોહને અનુલક્ષી જ્ઞાતિજનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને ર્ડો.પરિમલ દેસાઈ સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અવની ચોકસી અને ભાવેશ શાહએ કર્યું હતું. આભાર વિધિ મુકુંદભાઈ દોશીએ કરી હતી.

એક્રીલીક મારું ધબકતું હ્ર્દય છે,તો સાહિત્યસર્જનએ મારો પ્રાણવાયું છે – જયંતિ દલાલ


પૂત્ર અમિત અને પત્નિ વસુબેન સાથે જયંતિ દલાલ

સાહીત્ય જગતમાં જેમનું આગવું સ્થાન છે, તેવા જયંતિ એમ.દલાલ મૂળ ઉમરેઠના છે,તેઓનો જન્મ કપડવંજ મુકામે થયો હતો. તેઓએ તેઓનું બાળપણ ઉમરેઠ માંજ વિતાવ્યું હતુ અને પ્રાથમિક શિક્ષણ પણ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ માંથી મેળવ્યું હતુ. તેઓએ ટુંકી વાર્તા, નવલકથા સહીત અનેક સાહીત્યો લખી સમગ્ર વિશ્વમાં માત્ર ભારતનું જ નામ નથી ઉમરેઠ જેવા નાના ગામને પણ વિશ્વના ફલક ઉપર લઈ જવામાં અનન્ય ફાળો આપ્યો છે. જયંતિ એમ દલાલ વીશે આ પહેલા હું ખુબજ ઓછું જાણતો હતો, તેઓ માત્ર સારા લેખક છ અને તેઓ ઉમરેઠના છે તેટલું જ મને ખબર હતી પણ અચાનક ઈન્ટરનેટ ઉપર તેઓની સાથે વાતચીત થઈ અને તેઓની અદ્રિતિય સિધ્ધિઓ ઉપર પ્રકાશ પડ્યો, દર વર્ષે અચુક નવરાત્રિ દરમ્યાન ઉમરેઠ આવતા જયંતિ એમ દલાલને રૂબરૂ મળવાનો અવસર મળ્યો,આ દરમ્યાન તેઓ સાથે કરેલ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

પ્ર. ઉમરેઠ થી મુંબઈ કઈ રીતે પહોંચ્યા

જ. પેટ કરાવે વેઠ,ધંધા રોજગાર માટે હું મુંબઈ તરફ વળ્યો અને વર્ષોથી ત્યાંજ સ્થાહી થઈ ગયો છું, આ દરમ્યાન મેં મારા એક્રિલિકના ધંધા અને સાહિત્ય ગોઠડી અને ગુજરાતી ભાષાના પ્રચાર અર્થે અનેક દેશના પ્રવાસ કર્યા છે. મારા કુંટંબના અન્ય લોકો પણ મુંબઈમાં જ વસે છે. છતા પણ અમે સૌ નવરાત્રિ દરમ્યાન ઉમરેઠ અચુક આવી જ જઈયે છે. દલાલ પોળ પાસે આવેલ મહાલક્ષ્મી માતાજી અમારા કુળ દેવી છે. હું મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ટ્રસ્ટી પણ છું.

પ્ર. ઉમરેઠની કઈ સ્કૂલમાં તમે શિક્ષણ મેળવ્યું.

જ. ઉમરેઠની સૌથી જૂની જ્યુબિલિ સ્કૂલમાં મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યુબિલિ સ્કૂલે મને ઘણું બધું આપ્યું છે, આજે હું જે પણ કાંઈ છું તેમા જ્યુબિલિ સ્કૂલનો અમુલ્ય ફાળો છે. મને યાદ છે કેખું સ્કૂલમાં હતો ત્યારે વકૃત્વ સ્પર્ધામાં જ્યારે પણ ભાગ લવું ત્યારે શેલત સાહેબ મને માર્ગ દર્શન આપતા હતા. મારા ઘડતરમાં મારા શિક્ષકોનો અગત્યનો ભાગ છે. આ વર્ષે મેં જ્યુબિલિ સ્કૂલની મુલાકાત પણ કરી અને ત્યાં બધા શિક્ષકોને મળ્યો અને વિચારોનું આદાન પ્રદાન કર્યું હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાતો વર્તમાન શિક્ષકો પાસે આપ-લે કરી, સ્કૂલ હવે ખુબ બદલાઈ ગઈ છે, સ્કૂલનું નવું રૂપ રંગ જોઈ ખરેખર આનંદ થયો. છેલ્લા કેટલાય સમયથી સ્કૂલની મુલાકાત લેવાનું સપનું હતુ જે આ વર્ષે સાકાર થયું, શિક્ષકો દ્વારા અદ્ભુત આવકાર પણ મળ્યો.

પ્ર. તમે બિઝનેસમેન છો કે સાહિત્યકાર..?

જ. હસતા..હસતા..હું બિઝનેસ મેન અને સાહિત્યકાર બે ભૂમિકામાં છું, સવારના સમયે બિઝનેસમેન અને રાત્રી પછી સાહિત્યકાર બની જવ છું. લેખન કાર્ય હું મોટાભાગે મોડી રાત્રીએ જ કરું છું. હવે ઉંમરને કારણે વાંચન ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પ્ર એક્રિલિકના ધંધામાં તમે કઈ રીતે શિખર ઉપર પહોંચ્યા

જ. કોઈ પણ ક્ષેત્રે તમારે શિખર સર કરવું હોય તો તમારામાં જે તે કાર્ય કરવાની ધગશ હોવી જોઈયે અને સૌથી મહત્વનું કે, તે કામ કરવા માટે તમને વાતાવરણ મળવું જોઈયે, મારામાં ધગશ હતી અને પરિવારનો સાથ સહકાર મળતા મને મારા પ્રિય ક્ષેત્રમાં આગળ જવા તક મળી જે મેં તુરંત ઝડપી લીધી. ધંધામાં કેટલાક પગથિયા તેવા પણ આવ્યું હતા જ્યાં મને ખોટના ખાટલે બેસવું પડ્યું હતું. પણ મહેનતથી હું આગળ ને આગળ વધતો ગયો પરિનામે એક્રિલિકની દૂનિયામાં મને આગવું સ્થાન મળી ગયું. એક્રિલિકના ધંધાને ભારતમાં શરૂકરવાનો શ્રેય કદાચ મને જ મળે તેમ કહું તો અતિરેક નથી, ફિલ્મ સ્ટાર દિલિપ કુમાર થી માંડી આગલી હરોળના લાલકૃષ્ણ અડવાની જેવા રાજકારણીઓ પણ મારા સ્ટોરમાં પધારી ચુક્યા છે. એક્રિલિકનું ફર્નિચર દેશમાં મેં બહાર પાડ્યું હતુ, અને મુંબઈમાં ભવ્ય શો-રૂમ ખોલ્યો હતો, જોતા જોતા.. મેન્યુફેક્ચરીંગ થી સુપર ઈન્ડ્રસ્ટીઝ શરૂ થઈ અને ધંધામાં સફળતાના શિખરો પ્રાપ્ત થતા ગયા, વિદેશમાં પણ એક્રિલિકનું ફર્નિચર નિકાસ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે ગવર્મેન્ટે સબસીડી પણ આપી હતી.

પ્ર. લખવાની શરૂઆત કઈ રીતે થઈ..?

જ. સૌ પ્રથમ લખવાની શરૂઆત નાના આંદોલન દરમ્યાન થઈ હતી, ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં હું અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે, એક સમયે ફી વધારવામાં આવી હતી. ભગવાનની દયાથી હું ફી ભરવા સક્ષમ હતો પણ મારા સહપાઠીઓની ચિંતા થવાથી અમે બધા મિત્રોએ ફી વધારાનો સ્કૂલ પ્રસાસન સામે વિરોધ કર્યો આ માટે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં હાલમાં જે અર્બન બેંક છે તે જગ્યાએ ખુલ્લી જગ્યા હતી ત્યાં બેસી અમે સ્કૂલના ફી વધારાના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ઉમરેઠમાં “ચિરાગ” નામનું એક મેગેઝિન પ્રસિધ્ધ થતું હતુ, આ મેગેઝિનમાં સ્કૂલમાં થયેલ ફી વધારા અંગે મે એક લેખ લખ્યો હતો અને મેગેઝિનમાં પ્રસિધ્ધ થઈ ગયો હતો, ત્યારથી મારા મિત્ર વર્તુળમાં મને લેખક તરીકે બધા મને સંબોધવા લાગ્યા અને ત્યાર થીજ લેખન ક્ષેત્રે મે શરૂઆત કરી સતત ચિંતન અને જે તે વિષય ઉપર ઉંડાણ પૂર્વક ઉતરવાની મારી આદત મને લેખન કાર્યમાં ખુબ જ કામમાં લાગી.

પ્ર.તમારું પ્રથમ પુસ્તક કયું પ્રસિધ્ધ થયું હતું.

જ. “તરસી આંખો, સુકા હોઠ” મારું પ્રથમ પુસ્તક હતુ. પુસ્તક લખવાની શરૂઆત થઈ પછી મેં ક્યારે પાછળ નથી જોયું, આ પુસ્તક પ્રસિધ્ધ કરવામાં મને અન્ય લોકોનો ખુબજ સાથ સહકાર મળ્યો હતો અને મને પ્રોત્સાહન પણ મળ્યું હતુ, જેઓએ મને લેખક સાહિત્યકાર તરીકે પ્રસ્થાપીત કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો હતો જેઓનો હું સદાય આભારી રહીશ, “તરસી આંખો,સુકા હોઠ” બાદ મેં “શૂન્યના સરવાળા (અન્ય સાથે),”જેકપોટ”,આંખને સગપણ આસુંના”,”કારગિલના મોરચે”, જેવા પુસ્તકો લખ્યા હતા જે ખુબજ લોકપ્રિય થયા હતા. જેમાંથી કેટલાક પુસ્તકો તો, અન્ય ભાષામાં પણ પ્રકાશીત થયા હતા.

પ્ર. તમારા પુસ્તક માંથી કયું પુસ્તક તમારી સૌથી નજદીક છે.

જ. ..આ’તો તમારી બે આંખ માંથી તમારી પ્રિય આંખ કઈ…? તેવી વાત કરી..! મારા માટે મારા બધા પુસ્તકો મારી નજદીક છે, મારા તમામ પુસ્તક લખવા માટે મારા વિચારોનો બરોબર નિચોડ કરેલ છે, હું જે વિષય ઉપર કે જે મુદ્દા ઉપર લખુ છું તે અંગે ઉંડાણ પૂર્વક વિચાર કરું છું, લખવા માટે હું વધારે સમય લઈ હું છનાવટ સાથે લખવાનો હંમેશા પ્રયત્ન કરું છું. મારા બધાજ પુસ્તકો પોતપોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ રહે તેવા મારા પ્રયત્નો છે, તમામ પુસ્તકો મારા માટે મહત્વના જ છે.

પ્ર.તમારા પરિવારમાં કોણ કોણ છે, અને તમારી સફળતામાં પરિવારનો કેટલો ફાળો છે.

જ. મારી સફળતા પાછળ મારા પરિવારનો અમુલ્ય ફાળો છે, હું બિઝનેસમેન તરીકે, સાહિત્યકાર તરીકે કે પછી અન્ય સામાજીક જવાબદારીને કારણે પરિવારથી દૂર હોવ તો પણ પરિવારના સભ્યો મને ક્યારે પણ ટોકતા ન હતા, ઉલ્ટું મને મારા કામમાં આગળ વધવા માટે પત્નિ વસુ દ્વારા હિંમત અને પ્રોત્સાહન મળતું, મારી ગેર હાજરીમાં મારા પરિવારને મારી પત્નિ વસુ સુંદર રીતે સંભાળતી જેથી હું ચિંતા વગર અન્ય ક્ષેત્રે મારું સો ટકા યોગદાન આપવા સક્ષમ બન્યો. મારા ત્રણ પૂત્રો છે જેમાં અમિત સેરિબ્રલ પોલ્ઝી નામના રોગથી પીડાય છે, તે ચાલી પણ સકતો જેથી અમો તેની વિશેષ કાળજી રાખીયે છે અમે ક્યારે પણ બહાર ફરવા જઈયે ત્યારે પણ તેને વ્હિલચેરમાં બેસાડી લઈ જઈયે છે, તે પોતાના રોગને કારણે બહારની દૂનિયાથી વંચિત રહે તેવું અને કદી નથી ઈચ્છતા, આવી પરિસ્થિતિમાં પણ અમિતને અમે ભારત ભ્રમણ તો કરાવી જ દીધુ છે. મારા અન્ય બે પૂત્રો અને પૂત્રવધુ અને દિકરી પણ મારી સફળતામાં ફાળો આપ્યો છે, મારો પ્રેમાળ પરિવાર મારા માટે સર્વસ્વ છે, પૂત્ર અમિત માટે હું ક્યારે પણ કચાશ રાખતો નથી તમામ કામ છોડી હું અમિત માટે જ્યારે પણ તેને મારી જરૂર પડે ત્યારે તેની પાસે હાજર થઈ જવું છેં. આજે હું જે કઈ છુ તે અમિતના કારણે છું, તેના જન્મ પછીજ મારા જીવનમાં મેં સફળતાના શિખરો સર કર્યા છે.

પ્ર. શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક વીશે કાંઈ વિશેષ જણાવો

જ. શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક લખવા માટે મેં ખૂબજ ચિંતત અને મનન કર્યું હતું. આ પુસ્તક લખવામાં લગભગ દશ થી બાર વર્ષમેં લીધા ત્યારે આ પુસ્તક આજે તમારી સમક્ષ છે. મારા મૂળ વતન ઉમરેઠને પણ મેં આ પુસ્તકમાં આવરી લીધુ છે, અને વિશ્વના ફલક ઉપર ઉમરેઠનું નામ આ પુસ્તક દ્વારા ગુંજતું કર્યું છે. આ પુસ્તકમાં મેં યુધ્ધ,પર્યાવરણ,અંગત જીવન સાથે અણુવિજ્ઞાન સહીતના મુદ્દાને આવરી લીધા છે. આ પુસ્તક અંગે મને ખુબજ ગૌરવ છે. મારા અન્ય પુસ્તક જિંદગીનો દસ્તાવેજમાં પણ મારા સ્નેહીજનો દ્વારા મારા પુસ્તક શૂન્યાવકાશમાં પડઘા પુસ્તક વીશે ખુબજ સુંદર અભિપ્રાયો આપ્યા છે. આ ઉપરાંત આ પુસ્તક અંગે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ છણાવટથી પુસ્તકની પ્રશંશા કરવામાં આવી હતી, અને મને ગુજરાતના ગૌરવ તરીકે સંબોધન કર્યું હતું. આ પુસ્તકના વિવિધ ભાગમાં ઉમરેઠની વિવિધ શેરી,સ્કૂલ અને મંદિરનો પણ મેં ઉલ્લેખ કર્યો છે.

પ્ર. ધર્મ પ્રત્યેનું તમે કયું વલણ ધરાવો છો.

જ. હું કોઈ પણ ધર્મમાં ભેદભાવ રાખતો નથી, મારી નવલકથા શૂયાવકાશમાં પડઘાંમાં પણ મેં આ અંગે સંકેત આપ્યા છે. મંદિર,મસ્જિદ કે ચર્ચ તમામ ભક્તિ સ્થાન છે,અને બધા પ્રભુના ધામ છે.

પ્ર. તમારા માટે સાહિત્ય ક્ષેત્રે સૌથી યાદગાર ક્ષણ કઈ છે.

જ. મારી ગુજરાતી નવલકથા “આંખને સગપણ આંસુનાં”નો અંગ્રેજી અનુવાદ Ordeal Of Innocence પ્રથમ વખત અમેરિકાની પ્રતિષ્ઠિત પબ્લીશીંગ કંપની IVY HOUSE PUBLISHING તરફથી ફેબ્રુઆરી ૨૦૦૫માં પ્રગટ થઈ હતી તે ક્ષણ મારા માટે ખુબજ યાદગાર રહી છે.

ઉમરેઠના સતીષભાઈ ગાભાવાળાને અમેરિકા ખાતે હ્યુમૅનિટેઅરિઅન સર્વીસ એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.


માનવહિતનો સમર્થક અને સેવાકીય પ્રવૃત્તો માટે એશિયાના વ્યક્તિને આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે.

મૂળ ઉમરેઠના અને વર્ષોથી અમેરીકા ખાતે રહેતા સતીષભાઈ ગાભાવાળાને તાજેતરમાં અમેરીકા દ્વારા મૂળ એશિયાઈ દેશોના વ્યક્તિઓને તેઓની અમેરીકામાં માનવતાવાદી સેવા માટે હ્યુમૅનિટેઅરિઅન સર્વીસ એવોર્ડ આપવામાં આવે છે. સેક્રેટરી ઓફ સ્ટેટના હસ્તે આ વર્ષે સદર એવોર્ડ ઉમરેઠના સ્વ.અરવીંદલાલ ગાભાવાળાના પૂત્ર સતીષભાઈ ગાભાવાળાને એનાયત કરવામાં આવ્યો હતો. અમેરીકન રાજ્યમાં દર વર્ષે એક મહીનો એશિયન મહીના તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે સદર એવોર્ડ એશીયાના લોકોને પ્રોત્સાહીત કરવા માટે અને તેઓની માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવવા માટે આપવામાં આવે છે, આ એવોર્ડ માટે એશીયાના વિવિધ દેશ જેવાકે પાકીસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકા,ચીન સહીતના દેશના નાગરિકો પાસેથી નોમીનેશન મંગાવવામાં આવે છે, અને તેઓની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી સારી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ કે સંસ્થાને આ એવોર્ડ એનાયત થાય છે. અત્ર ખાસ ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના સતીષભાઈ ગાભાવાળા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, આ ઉપરાંત તેઓ એશીયન અમેરીકન હોટલ એશોશિયેશનની સંસ્થા AAHOAમાં ૨૦૦૫-૨૦૧૩ સુધી ડીરેક્ટર પદે ચુંટાઈ આવે છે, તાજેતરમાં જ તેઓએ સતત ત્રણ ટ્રમ સુધી આ સંસ્થાનું સફળ સંચાલન કરી નિવૃત્તિ લીધી છે. તેઓ ઈન્ડિયન એશિશિયેશન ઓફ શિકાગોના ટ્રસ્ટી પદે હાલ કાર્યરત છે, અને ગત વર્ષે સદર સંસ્થાના પ્રમુખ પદે પણ સેવા આપી હતી.સતીષભાઈ ગાભાવાળા ફેડરેશન ઓફ ઈન્ડિયા એશોશિયેશન ઓફ શીકાગોના આજીવન ટ્રસ્ટી સહીત વૈષ્ણવ સમાજ મંદિર અને અન્ય ચેરીટેબલ ટ્રસ્ટમાં સલાહકાર તરીકે પણ સક્રીય છે. તેઓએ પોતાના સમગ્ર એશિઓયા સહીત દેશના લોકો માટે કરેલા કાર્યોને બિરદાવી સ્ટેટ સેક્રેટર દ્વારા પ્રતિષ્ઠીત હ્યુમૅનિટેઅરિઅન સર્વીસ એવોર્ડ-૨૦૧૩ આપવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓની સિધ્ધી બદલ ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળના આગેવાનોએ શુભેચ્છા વ્યક્ત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી

સાહિત્યકાર જયંતિ એમ દલાલના પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ”નું લોકાર્પણ


સાહિત્ય ક્ષેત્રે અગ્રેસર એવા મૂળ ઉમરેઠના જયંતિ એમ દલાલના પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ” પુસ્તકનું લોકાર્પણ કલાગુર્જરીના ઉપક્રમે સાહિત્યકાર અને એક્રેલિક ઉદ્યોગના પ્રણેતા જયંતિ એમ દલાલના અમૃત મહોત્સવ પ્રસંગે મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશિર્વચનદાતા પૂ.ભુપેન્દ્રભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ર્ડો.મોહનભાઈ પટેલ અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ પટેલ સંપાદિત પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ”, બ્લીડિંગ હાઈટ્સ ઓફ કારગિલ (અંગ્રેજી), જેકપોટ (અંગ્રેજી) , શૂન્યાવકાશાતીલ પ્રતિધ્વની (મરાઠી),શૂન્યાવકાશમેં પ્રતિઘોષ(હિન્દી),અને કારગિલના મોરચે પુસ્તકોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે જન્મભૂમિના તંત્રી કુન્દન વ્યાસ, સંસ્કૃતવિદ ર્ડો ગૌતમ પટેલ, ઉદ્યોગપતિ અને મુંબઈના ભૂતપૂર્વ શેરીફ ર્ડો.મોહનભાઈ પટેલ, કલાગુર્જરીના પ્રમુખ અક્ષય મહેતા, ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ જોશીએ કર્યું હતું. આભાર વિધિ કલાગુર્જરીના માનદમંત્રી ઈલાબેન શાહએ કરી હતી.

 (તસ્વીરો – એન.સી.શાહ)

ઉમરેઠના જયંતિલાલ દલાલનું સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન


  • પ્લાસ્ટીક ઈન્ડ્રસ્ટ્રીઝમાં પણ તેઓનું મહત્વનું યોગદાન

ચરોતરનો ઉંબરો કહેવાતા ઉમરેઠના કેટલાય લોકોએ પોતાની આવડત અને કૂનેહથી ઉમરેઠનું નામ રોશન કર્યું છે. મૂળ ઉમરેઠના સ્વ.દેવાંગ મહેતાએ’તો દેશનું નામ વિશ્વના ફલક ઉપર ફરતું કરી દીધુ હતુ, સોફ્ટવેર ક્ષેત્રે તેઓએ પોતાની આગવી સુઝબુઝને કારણે દેશ વિદેશમાં મોટું નામ કમાઈ લીધુ હતુ. બીજી બાજી ઉમરેઠના કેટલાય એવા લોકો છે જે આજે પણ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે કાં’તો વહેપાર ધંધામાં ખૂબ આગળ નિકળી ગયા છે. આવી જ રીતે ગુજરાતી સાહીત્ય ક્ષેત્રે પણ ઉમરેઠનું નામ જયંતિલાલ એમ દલાલે રોશન કર્યું છે. જયંતિલાલ દલાલે અત્યાર સુધી લગભગ ૧૪ નોવેલ, ૫ ટુંકીવાર્તાના સંગ્રહ તેમજ અન્ય વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરતી બુકો લખી છે, જે પૈકીની મોટાભાગની બુકો ઉમરેઠના પુસ્તકાલયમાં આજે પણ લોકો વાંચી ગૌરવનો અનુભવ કરે છે.

વધુમાં ઉમરેઠની જ્યુબિલી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા સમયે જ તેઓને વાંચનનો શોખ હતો અને તે શોખ સમયાંતરે લેખનના શોખમાં તબદીલ થયો ત્યાર બાદ તેઓએ લેખન કાર્ય શરૂ કર્યુ જે આજ દીન સુધી કાર્યરત છે. તેઓની નોવેલ ” આંખને સગપણ આંસુનાં”ના ૨૦૦૫માં અંગ્રેજીમાં અનુવાદ થઈ અમેરિકામાં પ્રસિધ્ધ થઈ હતી આ સમયે તેઓએ અમેરીકા અને કેનેડાનો પ્રવાસ કરી પોતાની નોવેલની અંગ્રેજી આવૃત્તિને પ્રમોટ પણ કરી હતી.  અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જયંતિલાલ એમ દલાલ પ્રથમ ગુજરાતી લેખક છે જેઓની નોવેલ અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રસિધ્ધ થઈ હતી.આ સમયે જયંતિલાલ દલાલની આ સિધ્ધિ બદલ ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેઓની પ્રશંશા કરી હતી અને તેઓને પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ગુજરાતી સાહિત્યને તમે જે રીતે વિશ્વના ફલક ઉપર મુખ્યુ તે ખરેખર પ્રશંશાની વાત છે અને તમે ગુજરાતનું ગૌરવ છો. આ ઉપરાંત તેઓએ જયંતિભાઈ દલાલ લિખીત અન્ય નોવેલની પણ પ્રશંશા કરી હતી.

વધુમાં સાહીત્ય ક્ષેત્ર સહીત પ્લાસ્ટીક ઈન્ડ્રસ્ટ્રીઝમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. એક્રેલીકના ફર્નિચરના આવિષ્કારમાં તેઓનો ફાળો અનન્ય છે. ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીક મેન્યુફેક્ચ એશોશિયેશનના ઉપ-પ્રમુખ પદે પણ તેઓએ સેવા આપી હતી. આ સમય દરમ્યાન પ્લાસસ્ટીક ફર્નિચર અંગે સમજ આપતી એક બુક લખવામાં પણ તેઓએ ફાળો આપ્યો હતો. આ ઉપરાંત જયંતિભાઈ દલાલ કપડવંજ પોરવાડ જ્ઞાતિના મેગેઝીન પોરવાડ બંધુ, કલા ગુર્જરી અને એક્રેલીક ન્યુઝ જેવા મેગેઝીનમાં એડીટર તરીકે પણ પોતાની સેવા આપી હતી.હાલમાં પણ જયંતિભાઈ દલાલ પોતાની લેખન પ્રવૃતિ ઉત્સાહ સાથે કરી રહ્યા છે. ઉમરેઠના મહાલક્ષી માતાજીના મંદિરમાં તેઓ ટ્રસ્ટી પદે પણ સેવા આપી રહ્યા છે.

જયંતીભાઈ દલાલને મળેલ એવોર્ડ અને સન્માનની વિગત

– A. R. Bhat Entrepreneurship award – 1984
– United Writer’s Association Fellowship, Chennai – 1996
– World Lifetime Achievement Award from American Biographical Institute, USA -1997
Gurjar Gaurav Award from Kala Gurjari, Mumbai – 1998
Bharat Mata Award from Astrological Research Project & Vishwa Jyotish Vidyapith, Calcutta – 2001
– Kanaiyalal Munshi Award from Human Society of IndiaNadiad – 2004
– Appointed as Life time Secretary General from India for United Cultural Convention organized by American Biographical Institute, USA for the benefit of mankind by bringing cultures and nations together under one umbrella.

વધુ માહિતી માટે તેઓની વેબ સાઈટ – www.jayantimdalal.com/Home.htm ની મુલાકાત કરો.

ઉમરેઠમાં ૧૦૪ વર્ષના આદીબેન રાવળે મતદાન કર્યું


પી.એસ.આઈ કે.આર.મોઢીયાએ ૧૦૪ વર્ષના મતદારનું પુષ્પ ગુચ્છથી સ્વાગર કર્યું

ઉમરેઠ નગરમાં લોકશાહીના પર્વમાં એક તરફ યુવાવર્ગે સહીત મહીલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો ત્યારે નગરના જાગનાથ ચકલામાં રહેતા ૧૦૪ વર્ષના આદીબેન રાવળે પણ મતદાન કરી લોકશાહીની ગરીમા જાળવી હતી સાથે સાથે પોતાની ફરજ પણ અદા કરી હતી.ઉમરેઠના કોર્ટ કંપાઊન્ડ ખાતે આવેલ સીટી સર્વે કચેરીના મતદાન કેન્દ્ર ઉપર પોતાના પરિવાર સાથે આદીબેન રાવળ મત નાખવા આવી પહોંચતા તેઓનીં ઉંમર અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોડીયાને જાણ થતા સદી વટાવી ચુકેલા મતદારને આવકારવા ખુદ પી.એસ.આઈ પોતાના સ્ટાફ સાથે આદીબેન રાવળ સુધી પહોચી ગયા હતા અને મતદાન કરવા તેઓને નંબર આવે ત્યાં સુધી તેઓને બેસવાની વ્યવસ્થા કરી આપી હતી અને તેઓનો ઉત્સાહ વધારવા માટે તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગર કર્યું હતું.

આ સમયે ભાવવિભોર બની ગયેલા આદીબેન રાવળે અશ્રુભીની આંખે જણાવ્યું હતુ કે અમે ગરીબ મધ્યમ વર્ગના છે, વાડીમાં અને ઘરકામ કરીને અમે ગુજારો ચલાવીએ છે, છતા પણ અમારી પાસે બી.પી.એલ કાર્ડ નથી કે અમોને કી સરકારી સહાય પણ મળતી નથી છતા અમે ક્યારેય નાસીપાસ થતા નથી અને જ્યારે પણ લોકશાહીના પર્વમાં મતદાનની ફરજ અદા કરવાનો સમય આવે ત્યારે અમે અચુક મતદાન કરીયે છે. તેઓએ ઉમેર્યું હતુ કે, મેં કેટલીય સરકાર આવતા ને જતા જોઈ છે, પહેલાના જમાનામાં અને આજના જમાનામાં બધુ બહૂ બદલાઈ ગયું છે અને અત્યારે મોંધવારીએ અમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી છે.

છોટા ભીમ – રંગોલી


image

દિવાળી અને નવા વર્ષમાં લોકો પોતાના ઘરે રંગોળી બનાવતા હોય છે. ઉમરેઠની લાખિયા પોળમાં પ્રિયલ મિતેષકુમાર શાહ(૧૫) એ  પોતાના ઘરના આંગણામાં બાળકોના પ્રિય પાત્ર “છોટા ભીમ”ની ખૂબજ આકર્ષક રંગોળી બનાવી હતી જેને જોઈ બાળકો સહીત મોટા લોકો પણ વિચારમય બની ગયા હતા.

ઉમરેઠના જ્યોતિષનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું.


સંહિતા અને જ્યોતિષ વિષયનું ઊંડું અધ્યન કરી જ્યોતિષ રત્નની પદવી પ્રાપ્ત કરી ઉમરેઠનું નામ રોશન કરનાર ઋગ્વેદીય પંડીત જગદીશભાઈ બી.શુક્લનું જ્યોતિષ ક્ષેત્રે પોતાના અનન્ય જ્ઞાન બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતૂ. ઉમરેઠના બાહોશ જ્યોતિષ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા વડતાલની શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પુરોહિત જગદીશચંન્દ્ર બી શુક્લએ પરંપરાગત રીતે અન્ય ૨૦ જેટલા વિદ્યાર્થીઓને જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન આપવામાં આવેલ છે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે પણ કોઈ મંદિર બનાવવામાં આવે છે ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા સહિત જિર્ણોદ્ધાર વિધિ પણ જગદીશભાઈની દીશા દોરવણી હેઠળ જ કરવામાં આવે છે.

તેઓ જ્યોતિષ સહીત શાસ્ત્રોમાં પણ અનેરૂં જ્ઞાન ધરાવે છે અને તેનો દેશ વિદેશમાં બહોળો પ્રચાર થાય તેવા હંમેશા કાર્યો કરતા રહે છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, જગદીશભાઈ શુક્લને વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા જ્યોતિષરત્ન, જ્યોતિષમણી,જ્યોતિષ સરસ્વતી, જ્યોતિષ રક્ષક, જ્યોતિષ રસીક, દૈવજ્ઞ દિવાકર, જ્યોતિષ સમ્રાટ, અને ઉમરેઠ રત્ન જેવા એવોર્ડ અને સન્માન પણ પ્રાપ્ત થયેલ છે. મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માનીત થયા બાદ જગદીશભાઈ શુક્લએ સમગ્ર ઉમરૅઠ પંથકનું ગૌરવ વધારેલ છે.

કોહિનુર બેન્ડ


બોલો ડાન્સ કરવાનો મુળ આવી ગયો ને..? કાનમાં સળવડાટ થવાલાગીને…? મન સંગીતમય થઈ ગયું ને…? જો તમે ઉમરૅઠના હશો કે પછી કોહિનુર બેન્ડને ક્યારેક માણ્યું હશે તો ચોક્કસ ઉપરોક્ત બધા સવાલનો જવાબ તમે “હા” માં આપશો. ઉમરેઠનું કોહિનુર બેન્ડ પરફોમન્સ કરતું હોય કોઈ સ્વજન કે મિત્રનો વરઘોડો હોય તો લંગડા,લુલા,નાના મોટા સૌ કોઈ નાચવાના મૂળમાં આવીજ જાય છે. બચ્ચનના ધમાલીંયા ગીતો હોય કે રાજકપુરના શાંત ગીતો કોહિનુર બેન્ડ ધ્વારા આ ગીતો ગાવામાં આવે તે શાંભળનારા મંત્રમુગ્ન થઈ જાય તેમાં કોઈ શંકા નથી.

છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામ સહિત જ્યાં જ્યાં ઉમરેઠના લોકો રહે છે ત્યાં કોહિનુર બેન્ડે તેઓનો દબદબો કાયમ રાખ્યો છે.પહેલાના સમયમાં ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો પરિવારના ગોર મહારાજ જે તે તારીખે નવરાં છે કે નહિ તેની ચોકસાઈ કરવામાં આવતી હતી પરંતુ હવે ઉમરેઠમાં કોઈના પૂત્રનું લગ્ન હોય તો કોહિનુર બેન્ડ જે તે તારીખે હાજર છે કે નહિ તેની ચોકસાઈ કરે છે.ઉમરેઠના લોકોનો આજ અભિગમ કોહિનુર બેન્ડની લોકપ્રિયતાની ચાડી ખાય છે. કોહિનુર બેન્ડના મૂળ માલિક મંગુભાઈ દવે હતા અને પહેલાના સમયમાં માસ્ટર ઈબ્રાહિમ અને માસ્ટર કરીમ બેન્ડનું સંચાલન કરતા હતા. તેઓના મધુર સંગીતના તાલ ઉપર યુવાધન વરઘોડામાં મન મુકીને નાચતું હતું હાલમાં કોહીનુર બેન્ડનું સંચાલન માસ્ટર ઈબ્રાહિમ અને માસ્ટર કરીમના પૂત્ર-પૌત્રો કરી રહ્યા છે. હાલમાં કોહિનુર બેન્ડના ગાયક રફીકભાઈની એક ખાસિયત છે, તેઓ પુરૂષ અને સ્ત્રી બંન્નેના અવાજમાં ગીત ગાઈ શકે છે અને સાથે સાથે કી-બોર્ડ તેમજ પીપુડી પણ સાથે સાથે વગાડી શકે છે.

કેટલાક પીઢ નાગરિકોના કહેવા મુજબ પહેલાના જમાનામાં કોહિનુર બેન્ડમાં એકોડીયન હતું,એકોડીયનથી સુમધુર સંગીત એટલું બધુ સરસ નિકળતું હતુ કે બે ઘડી લોકો તેને શાંભળવા થંભી પણ જતા હતા. કહેવાય છે, કોહિનુર બેન્ડના માસ્ટરને પહેલાના જમાનામાં લોકો સિગારેટ ઉપર ગીતની ફરમાઈશ લખી ને આપતા હતા. કોહિનુર બેન્ડ શીવરાત્રીના દિવસે અસ્તીત્વમાં આવ્યું હતુ, જેથી વર્ષોથી પરંપરા છે કે કોહિનુર બેન્ડ શીવરાત્રીના દિવસે પંચવટી વિસ્તારમાં ઉમરેઠની સંગીત પ્રેમી જનતા માટે લગભગ એક કલાક સુધી પરફોમન્સ આપે છે અને લોકોની ફરમાઈશ કરેલ ગીતો ગાય છે. આ પરંપરા આજે પણ યથાવત્ છે.

Spacial thanks To Navin Sutaria for suggest this post &  Pankaj Shah for Share some historical information about khohinoor Band

મદનલાલ પેઈન્ટર, પિલુનભાઈ અને જયંત પેઈન્ટર, ઉમરેઠની આર્ટીસ્ટ ત્રિપુટી


હાલમાં તો દૂકાનો અને ઓફિસોના પડદા કોમ્યુટરની મદદથી કેન્વાસ ઉપર પ્રીન્ટ કરી બનાવવાની પ્રથા અમલમાં આવી ગઈ છે, પણ આ પહેલા દૂકાનોની જાહેરાતોના પડદા બનાવવાના હોય કે કોઈ સાઈન બોર્ડ બધાના મોં માં જયંત પેઈન્ટરનું નામ આવે. ખેર તમને થશે કે આવા આર્ટીસ્ટો કે જે સાઈન બોર્ડ બનાવે કે પડદા બનાવે તેવા તો કેટલાય કારીગરો ઠેર ઠેર હશે તેમાં નવાઈ શું…?

તો અહિયા તમોને જણાવતા આનંદ થાય છે કે, જયંત પેઈન્ટર માત્ર પડદા કે સાઈન બોર્ડ બનાવવા પુરતાજ આર્ટીસ્ટ નથી તેઓ પાણીમાં રંગોળી બનાવી શકે છે અને રંગીન પાઊડરથી જમીન કે પ્લાઈવુડની સીટ ઉપર કોઈ પણ વ્યક્તિનું આબેહુ ચિત્ર પણ બનાવી શકે છે. જયંત પેઈન્ટરે ઉમરેઠમાં કેટલાય પ્રસંગમાં “શ્રીજીબાવા”,”મહાપ્રભુજી”,તેમજ કોઈ વ્યક્તિના ચીત્રો રંગોળી થી બનાવી ચુકેલ છે. વર્ષો પહેલા ઉમરેઠના સંતરામધામ ખાતે પૂ.રમેશભાઈ ઓઝ સહીત કેટલીય મહત્વની વ્યક્તિઓના આબેહૂ ચિત્ર તેઓએ બનાવી લોકોની શાબાશી મેળવી છે. ઉમરેઠના જયંતભાઈ પેન્ટર કોઈ પણ વ્યક્તિન ફોટો જોઈ તેનું આબેહૂ ચિત્ર રંગોળીથી બનાવી શકે છે.  ખરેખર જયંત પેઈન્ટર ઉમરેઠ માટે પ્રતિભાશાળી વ્યક્તિ છે.

આ ઉપરાંત ઉમરેઠના મદનભાઈ પેન્ટર પણ પ્રતિભાશાળી આર્ટીસ્ટ હતા તે પણ કલરની મદદથી કોઈ પણ વ્યક્તિનું ચિત્ર પેઈન્ટ કરી શકતા હતા. ફિલ્મોના સાઈનબોર્ડ સહિત રણછોડરાયજી મંદિર ડાકોરમાં પણ તેઓએ ફોટા બનાવ્યા હતા.વધુમાં મદનલાલ પેઈન્ટરે ઈનામી સ્પર્ધાઓ પણ મોટી સંખ્યામાં જીતી હતી લગભગ જે પણ કોઈ સ્પર્ધામાં ભાગ લેતા હતા તે બધી જ સ્પર્ધામાં તેઓ નાના મોટા ઈનામો જીતતા હતા.તેઓની ઈનામી યાત્રા અંગે જાણવા અહિયા ક્લિક કરો.

વધુમાં ઉમરેઠના પીલુનભાઈ ગોસ્વામી પણ એક સરસ આર્ટીસ્ટ છે. તેઓ પણ પોતાની કારીગરીથી ચિત્રો અને દૂકાનોના સાઈન બોર્ડ બનાવવામાં માહિર છે. તેઓના હાથ આમ તેમ ફરે એટલે ચિત્ર આપોઆપ આકાર પામતા હોય છે. તેઓનો ફોટો સ્ટુડિયો હાલમાં પણ ઉમરૅઠમાં કાર્યરત છે. ઉમરેઠના આ ત્રણ આર્ટીસ્ટોને લીધે પણ ઉમરેઠને ઓળખનાર વર્ગ અલગ છે.

Spacial thanks To Mr.Manoj shah (Ghabhawala) for suggest Some Point for this Post 

ઉમરેઠવાળા આનંદપ્રસાદ જોષીને સંસ્કૃતની સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ


ગુજરાત રાજય સાંસ્કૃતિક વિભાગ અન્વયે ગુ. સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા હાલ વડોદરા સ્થિત આનંદપ્રસાદ પુરુષોતમ જોષી, ઉમરેઠવાળાનું સંસ્કૃતની સેવા બદલ અન્ય પંડિતો સાથે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. ૫૦ હજારનો ભાવભૂષિતમ પુરસ્કાર, શાલ અને તામ્રપત્રથી સન્માન કરવામાં આવ્યું છે. આવું માન મેળવનાર આનંદપ્રસાદ જોષી તેમની જ્ઞાતિ શ્રીગૌડ ગૃહસ્થ પક્ષ નાના તડમાં તેઓ સૌપ્રથમ છે.

આ અગાઉ તેઓએ જયોતિષ દેવર્ષિ, વાચસ્પતિ એવોર્ડ, જયોતિષ રત્ન, જયોતિષ ભાસ્કર, જયોતિષ સાગર, જયોતિષ માર્તડ, જયોતિષ ભૂષણ અને પથદર્શક જેવી પદવીઓ મુંબઈ અને ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવી છે. જે બદલ તેઓને ઉમરેઠ રત્ન તરીકે બિરદાવવામાં આવ્યા હતા. આનંદપ્રસાદ જોષીએ જયોતિષ વિષયે ૧૬ પુસ્તકો અને નવલકથા પ્રગટ કરી છે.

સમાચાર સ્ત્રોત – સરદાર ગુર્જરી

દેવાંગ મહેતા (૧૯૬૨-૨૦૦૧)


દેવાંગ મહેતા (૧૯૬૨-૨૦૦૧)

સમગ્ર વિશ્વમાં ભારતની કોમ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે ઓળખ ઉભી કરનાર દેવાંગ મહેતાનો જન્મ ગુજરાતના એક નાના ગામ ઉમરેઠમાં ૧૦ ઓગષ્ટ ૧૯૬૨માં થયો હતો.દેવાંગ મહેતાએ પોતાની જિંદગીના પ્રથમ છ વર્ષ ઉમરેઠમાં પસાર કર્યા હતા.ત્યાર બાદ તેમના માતા-પિતાએ અચાનક દિલ્હી જવાનો નિર્ણય કર્યો જ્યાં દેવાંગ મહેતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીની ભારતીય વિધા ભવન સ્કૂલ ખાતે શરૂ કરવામાં આવ્યું.જ્યારે ભણવામાં અવલ્લ રહેતા દેવાંગ મહેતાને બાળપણથી ડોક્ટર બનવાની ઈચ્છા હતી.ડોક્ટર બનવાના લક્ષ સાથે પોતાના અભ્યાસને આગળ વધારતા ૧૯૭૯માં દેવાંગ મહેતાએ દિલ્હી ખાતે મેડિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠાવંત એવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિયુટ ઓફ મેડીકલ સાયન્સ નામની સંસ્થામાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેમનું ભાગ્ય તેમને બીજા ક્ષેત્રમાં દોરી જવા માંગતુ હતુ જેથી થોડા જરૂરી નિયમોને અનુરૂપ ન થતા દેવાંગ મહેતાએ મેડીકલ લાઈન છોડી દીધી.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિયુટ ઓફ મેડીકલ સાયન્સમાં અભ્યાસ છોડ્યા પછી દેવાંગ મહેતાએ મુંબઈની સેન્ટ ઝેવિર્યસ કોલેજમાં રાજકિય વિજ્ઞાન,હિસ્ટ્રી અને ફેન્ચ શિખવાનો નિર્ણય કર્યો પરંતું તેઓના આ નિર્ણય સામે તેમના માતા પિતા સાથે મતભેદ થતા તેઓએ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માટે અથાગ પરિશ્રમ શરૂ કર્યો જેના કારણે ૧૯૮૪માં તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ બન્યા.આ સાથે તેઓએ પત્રકાર,અને રાજકારણમાં પણ રસ દાખવ્યો હતો.ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ તેઓએ પોતાના આર્ટીકલો લખ્યા હતા.આ સાથે આ સમયે મેનકા ગાંધી સૂર્યા નામના મેગેઝીનની એડીટર હતી તેઓએ તેમને સૂર્યા માટે આર્ટીકલ લખવા જણાવ્યુ આ દરમ્યાન તેઓએ ભારતના પ્રવાસો ઉપર એક આર્ટીકલ પણ લખ્યો હતો.પત્રકાર તરીકે દેવાંગ મહેતાએ પોતાની છાપ છોડી હતી.

દેવાંગ મહેતાને ફિલ્મી દુનિયા પ્રત્યે ખુબજ આકર્ષણ હતુ તેઓ હંમેશા ફિલ્મ બનાવવા માટે થનગનાટ કરતા હતા ત્યારે ૧૯૭૭માં વેકેશન દરમ્યાન વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલ પોતાની એક ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેઓનો સંપર્ક દેવાંગ મહેતા સાથે થયો ત્યારે દેવાંગ મહેતાએ પોતાનો ફિલ્મો પ્રત્યેનો લગાવ તેઓને બતાવી શ્યામ બેનેગલને પ્રભાવિત કરી દીધા જેથી દેવાંગ મહેતાને શ્યામ બેનેગલે પોતાની ફિલ્માં સ્પોટ બોય તરીકે કામ આપ્યુ આ સમય દરમ્યાન દેવાંગ મહેતાએ પોતાની અંદર રહેલી ફિલ્મો બનાવાની આવડત અને સમજને વઘુ મજબુત બનાવી આ એક એવો સમય હતો કે જ્યારે તેઓ કેમેરાની ખુબ નજીક હતા આ સમયે તેમને પોતાની ફિલ્મ બનાવાની શક્તિનો વઘુ વિકાસ કર્યો ત્યાર બાદ તેઓએ ભારતીય પ્રવાસ વિષય ઉપક ગ્લીમપસીસ ઓફ ઈન્ડિયા નામની વીશ મિનિટની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી જેને ૧૯૮૩માં કોમનવેલ્થ ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ પણ મળ્યો હતો.

પત્રકાર,ફિલ્મ,રાજકારણ અને બીજા અનેક ક્ષેત્રે નસીબ અજમાવ્યા બાદ દેવાંગ મહેતાના જીવનમાં એક વળાંક આવ્યો જે તેમના માટે તેમજ સમગ્ર ભારત દેશ માટે લાભદાયી રહ્યો.તેઓએ લંડનની ઈમ્પીરીયલ કોલેજ માંથી કોમ્યુટર ગ્રાફિક્સનું જ્ઞાન મેળવ્યુ જે તેમના માટે ખુબ ઉપયોગી સાબિત થયુ આ દરમ્યાન તેઓએ કોમ્યુટર ક્ષેત્રમાં અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા.ઓક્ટોબર ૧૯૮૮માં દેવાંગ મહેતા ઓરિસ્સા સિમેન્ટમાં જનરલ મેનેજર હતા ત્યાર બાદ ૧૯૯૧માં જ્યારે નાસ્કોમના પ્રમુખ અને દેવાંગ મહેતાના જુના મિત્ર હસિત મહેતાએ તેઓને આ સમયે નાસ્કોમના સેક્રેટરી પદે રહેવા જણાવ્યુ ત્યારે દેવાંગ મહેતાને મળેલી આ તકને તેઓએ તુરંત ઝડપી લીધી ત્યારે બાદ ભારતને ઈન્ફરમેશન ટેકનોલોજી ક્ષેત્રે દેવાંગ મહેતાએ આગવ ઓવખ અપાવી જ્યારે ૧૯૯૧ બાદ જ્યારે દેવાંગ મહેતા નાસ્કોમમાં જોડાયા તે સમય માત્ર દેવાંગ મહેતા માટે નહી પરંતુ નાસ્કોમ માટે પણ સુવર્ણ સમય બની ગયો.જ્યારે સોફ્ટવેર ક્ષેત્રમાં દેવાંગ મહેતાના પ્રયત્નથી નાસ્કોમ સમગ્ર વિશ્વમાં ચાવીરૂપ ભૂમિકામાં મુકાઈ ગયુ.

દેવાંગ મહેતાની વાત કરવાની આવડતન અને મિલનસાર સ્વભાવએ તેમનું મુખ્ય જમા પાસુ હતુ.દેવાંગ મહેતા માટે એ ગૌરવની વાત હતી કે ભારત દેશ ઉપર ગમે તે રાજકિય પક્ષ રાજ કરતો હોય પરંતુ સોફ્ટવેર ક્ષેત્રના વિકાસ માટે તમામ રાજકિય પક્ષોને તેઓ એકમત કરી દેતા હતા અને તમામ રાજકિય પક્ષ તરફથી સોફ્ટવેર ક્ષેત્રની હંમેશા તરફેણ થતી હતી.દેવાંગ મહેતા રાજકિય પ્રક્ષોના યોગ્ય માણસો સાથે ધનિષ્ઠ સબંધો ધરાવતા હતા જેને કારણે સોફ્ટવેરની આયાત ઉપર શૂન્ય ડ્યુટી,સોફ્ટવેર આયાત નિકાસ કરમાં રાહત,કોપીરાઈટનો કાયદો,અને આઈ.ટી ના કાયદા વિગેરે દેવાંગ મહેતાને આભારી છે.જેને કારણે આજે ભારત ૨૦૦૮ સુધીમાં લગભગ પચ્ચાસ બિલિયન ડોલરના સોફ્ટવેર નિકાસનો લક્ષાંક ધરાવે છે.

ભારતમાં લગભગ ઓગણીસ જેટલા રાજ્યોને સાયબર કાયદા બનાવવા માટે દેવાંગ મહેતાએ મદદ કરી હતી.આ દરમ્યાન દેવાંગ મહેતાએ દેશ વિદેશમાં એકસો ઉપરાંત આંતરાષ્ટ્રીય પરિષદો યોજી હતી.દેવાંગને કામ કરવાનું એક અનોખુ વ્યસન હતુ.ખુબજ ટુંકા સમય ગાળામાં દેવાંગ મહેતાએ દેશને આગવી ઓળખ અપાવી ભારે નામણા મેળવી હતી.સતત પરિશ્રમ અને પ્રયત્નશીલ રહેતા દેવાંગ મહેતાને કોમર્શીયલ પાયલોટ અને ફિલ્મો બનાવાનુ સપનુ અધુરૂ રહ્યુ .દેવાંગ મહેતાનું મૃત્યુ ૧૨ એપ્રીલ ૨૦૦૧ના રોજ થયુ હતુ દેવાંગ મહેતાના મૃત્યુ બાદ ભારતના સુચના અને માહિતી પ્રધાન પ્રમોદમહાજન,રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ,તેમજ સમગ્ર દેસવાસીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે દેવાંગ મહેતાના મૂળ વતન ઉમરેઠમાં પણ આ સમયે લોકોએ તેઓને શ્રઘ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે તેઓની અંતિમયાત્રામાં ઉમરેઠના જનપ્રતિનિધિ અને ભૂ.પૂ ધારાસભ્ય સુભાષભાઈ શેલત હાજર રહ્યા હતા.

(પૂરક માહિતી સૌજન્ય .નાસ્કોમ, ભાષાંતર- વિવેક દોશી-ઉમરેઠ)

ઉમરેઠના આ નસિબદાર વ્યક્તિ પાસે સામે દોડીને ઈનામો આવતા હતા…


madanbhaiDoshiઈનામ મળે તો કોણે સારૂં ના લાગે સૌ કોઈને ઈનામ મેળવવાની લાલશા તો હોય છે જ પરંતુ ઈનામ મેળવવા માટે મજબુત ભાગ્ય તેમજ આવડત પણ ખુબજ મહત્વનો ભાગ ભજવતી હોય છે,તેવીજ રીતે ઉમરેઠના મદનલાલ દોશીએ પોતાના ભાગ્ય અને આવડતના સમનવયથી આજે પોતાની લગભગ બોત્તેર વર્ષની ઊંમરે કેટલાય ઈનામો મેળવી એક અનોખી સિઘ્ધી પ્રાપ્ત કરી હતી. તેઓએ પોતાના જીવન દરમ્યાન જુદી જુદી પ્રતિષ્ઠીત કંપનીઓની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના અને પોતાના પરિવારના વિવિધ સભ્યોના નામે અઢળક ઈનામો પ્રાપ્ત કરી દીધા છે.

વધુમાં ઉમરેઠમાં મદનલાલ પેઈન્ટરના હુલામણા નામથી ઓળખાતા પ્રભાવશાળી વ્યક્તિએ યુવાન વય માંજ ગુજરાતી ભાષા ઉપર ખુબજ સારૂં એવું પ્રભુત્વ મેળવી લીઘુ હતુ પરિણામે નગરના તેમજ તેઓની પહેચાન વાળા વ્યક્તિઓ પોતાને ત્યાં આવતા લગ્ન પ્રસંગમાં લગ્ન કંકોત્રી થી માંડી વિવિધ કાર્ડ તેમજ પોતાના બાળકોના નામ પાડવા તેઓ પાસે આવતા હતા હાલમાં પણ નગરના કેટલાક ઘરના નામકરણ પણ તેઓએ કર્યા છે.ગુજરાતી ભાષા ઉપર ખાસ્સુ એવુ પ્રભૂત્વ તેઓની સફળ ઈનામી યાત્રામાં ડ્રાઈવરની ભૂમિકા ભજવી ગયુ હોય તેમાં પણ કોઈ બે મત નથી,ભાષા ઉપર પ્રભુત્વ કારણે તેઓએ પોતાના જીવનના મઘ્યાનમાં ગુજરાતના એક અગ્રણી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર તરીકે પણ ફરજ બજાવી સમાજમાં થતા વિવિધ બનાવો અને ઘટનાઓને પોતાની કલમની નજરથી જનતા સમક્ષ રજુ કર્યા હતા.

તેઓને ઈનામ મળવાની શરૂઆત એક ફિલ્મી મેગેઝીની શબ્દ સ્પર્ધાથી થઈ હતી જેમાં તેઓની પ્રથમ વખત ઈનામના રોક્કડ રૂપિયા ૧૭ મળ્યા હતા.ત્યાર બાદ તેઓની ઈનામી યાત્રા જાણે શરૂ થઈ ગઈ,એક તબક્કો એવો આવ્યો હતો કે મદનભાઈ જે ઈનામી સ્પર્ધામાં ભાગ લેતા હતા ત્યાં ઈનામ જાતે તેઓને શોધતુ આવતુ હોય તેમ લાગતુ હતુ.ફિલ્મી શબ્દોની આ સ્પર્ધામાં તેઓની ઈનામ રૂપે ૧૭ રૂપિયા મળ્યા ત્યાર પછી તેઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનું ચાલુ રાખ્યુ હતુ. પહેલાના સમયમાં દુરદર્શન ઉપર પ્રસારીત થતા હવામાન સમાચારમાં એક ઘરડો ડોસો આંખો ઉપર હાથ રાખી એક લાકડીના ટેકે ઉભો હોય તેવું દશ્ય દેખાડવામાં આવતુ હતુ,આ ડોસાનું નામ દુરદર્શનના લોકોને સુઝતુ ન હતુ તેથી તેનું નામ શું રાખવું તે અંગે તેઓએ એક સ્પર્ધા રાખી જેમાં આ ડોસાનું નામ શું રાખવું તે પુછવામાં આવ્યુ આ સમયે મદનભાઈ દોશીએ પોતાની અંદર રહેલી શબ્દોની તિજોરી ફંફોસવાનું ચાલુ કર્યુ અને છેલ્લે પોતે નક્કી કરેલ નામ વાવડિયો દુરદર્શનમાં સબમીટ કરાવી દીઘુ થોડા દિવસ થતા તેઓની ઉપર એક ટપાલ આવી જેમાં દુરદર્શનની ટીમ ઘ્વારા તેઓને અભિનંદન આપતો પત્ર આવ્યો હતો તેમજ તેઓ ધ્વારા મુકવામાં આવેલ વાવડિયા નામને પસંદ કરવામાં આવ્યો હતો જે કેટલાય સમય સુધી દુરદર્શન ઉપર હવામાન સમાચાર વખતે તે ડોસા સાથે લખવામાં આવતો હતો આ સમયે તેઓની અંદર આ શબ્દ ક્યાંથી જાગ્યો તે અંગે વઘુ જાણકારી મેળવવા માટે દુરદર્શન સમાચારમાં પણ તેઓનો એક ઈન્ટરવ્યુ આવ્યો હતો.આ સમયે તેઓના વાવડિયા શબ્દની પસંદગી થતા તેઓને દુરદર્શન ઘ્વારા પ૦૦ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત મેગી બે મિનિટ કોન્ટેસ્ટમાં તેઓને સ્પીકકિંગ સાયકલ ઈનામમાં લાગી હતી તેમજ ફિલિફસ બેટરી કોન્ટેસ્ટમાં તેઓને આશ્વાસન ઈનામમાં રેડિયો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો,જ્યારે ઈમાની ક્રીમ ઘ્વારા યોજાવમાં આવાલી એક સ્પર્ધામાં તેઓને કુલ બે હજાર રૂપિયાના ગીફ્ટ વાઉચર મળ્યા હતા,એક તરફ મોટા ઈનામો તેઓના ભાગ્યના સથવારે તેમના કદમોમાં ઝુકી જતા હતા ત્યારે નાના ઈનામો પણ તેઓની આગળ પાછળ ફર્યા કરતા હતા તેઓને લાઈફબોય સાબુની એક સ્પર્ધામાં ટી-શર્ટ પણ ઈનામમાં લાગ્યુ હતુ. આ સાથે મેક.ડોનાલ્ડ એન્ડ લીમીટેડ કંપનીની સ્પર્ધામાં તેઓને એક હજાર રૂપિયા તેમજ કિરણ તેલની સિઝન હરિફાઈમાં ૫૭૫૦ અને મૈસુર લેમ્પ વર્કસની સ્પર્ધામાં અર્લી બર્ડ પ્રાઈઝ તરીકે ૧૦૦ રૂપિયાનું ઈનામ મળ્યુ હતુ.વઘુમાં નાના મોટા રોક્કડ ઈનામો સાથે જુદી જુદી ઈનામમની વસ્તુઓએ પણ તેઓના ઘરની શોભા વધારી હતી જેમાં ૧૯૮૦માં ઉષા સેલ્સ લિમિટેડની નેમ ધ ઉષા બ્યુટી કોન્ટેસ્ટમાં તેઓને કલર ટી.વી સેટ,બોમ્બે ડાઇંગ ની સ્પર્ધામાં અવન્તી સ્કૂટર,તેમજ ગુજરાત સમાચાર દૈનિકમાં સી.ડી પ્લેયર પણ ઈનામમાં લાગ્યુ હતુ.

તેઓના જીવનમાં સૌથી મોટુ ઈનામ ૧૯૮૩માં નેસ કોફીની સ્પર્ધામાં લાગ્યુ હતુ,આ સ્પર્ધામાં નેસ કોફીના સ્લોગન સ્વરૂપે એક શબ્દ શોધવાનો હતો જેમાં મદનલાલ દોશીએ સીલેક્ટ શબ્દ પસંદ કરી કંપનીમાં મોકલી આપ્યો હતો જેને નેસ કોફી એ સીલેક્ટ કરી તેઓને ઈનામ સ્વરૂપે પ્રિમિયમ પદ્મીણી ફીયાટ કાર(એ.સી) ઈનામમાં આપી હતી.

મદનભાઈ પત્રકાર,ફોટોગ્રાફર અને પેઈન્ટર તરીકે પણ સફળ થયા હતા..