આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2014

ઉમરેઠ ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું


ઉમરેઠમાં કોગ્રેસ પક્ષના સંગઠનને વેગવંતુ બનાવી આણંદ લોકસભા ચુંટણીમાં કોગ્રેસ પક્ષના ભવ્ય વિજયની નેમ સાથે માન.શ્રી ભરતભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમરેઠ નગરના ગુરૂદત્તાત્રેય હોલ ઓડ બજાર ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતુ. આ સમયે ધારાસભ્ય પેટલાદ-નિરંજનભાઈ પટેલ, ધારાસભ્ય ઉમરેઠ – જયંતભાઈ પટેલ (બોસ્કી),ધારાસભ્ય આંકલાવ અમિતભાઈ ચાવડા, તેમજ સોજિત્રાના ધારાસભ્ય પુનમભાઈ પરમાર સહીત ગુ.પ્ર.કો.સમિતિના ઉપ-પ્રમુખ નટવરસિંહ મહીડા ઉપસ્થિત રહ્યા હતા તેમ એક યાદીમાં આણંદ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ કાન્તિભાઈ સોઢાપરમારે જણાવ્યું હતુ. વિજય સંકલ્પ સંમેલનને સફળ બનાવવા માટે શૈલેષભાઈ પટેલ ઉમરેઠ શહેર કોગ્રેસ પ્રમુખ જહેમત ઉઠાવી હતી આ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની સુવર્ણ તુલા


ઉમરેઠના વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના પંચદશાબ્દિ મહોત્સવ નિમિત્તે યોજાયેલ ધાર્મિક પ્રસંગોના ભાગરૂપે ગતરોજ શ્રીજીને સુવર્ણથી તોલવામાં આવ્યા હતા. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો સહીત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ વધારવાની માંગ


ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી સોસાયટી વિસ્તારમાં વધતા જતા ચોરીના બનાવોના પગલે ઉમરેઠના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજૂ ઉમરેઠ પોલીસ દ્વારા અપુરતુ રાત્રી પેટ્રોલીંગ કરવામાં આવતું હોવાની બૂમો લોકો પાડી રહ્યા છે, કેટલીક સોસાયટીના રહીશો તો ઉજાગરા કરવા પણ મજબુર થઈ ગયા છે. તાજેતર માંજ ઉમરેઠની વૈકુંઠધામ સોસાયટીમાં થયેલી ચોરીના પગલે આ વિસ્તારની સોસાયટીના રહીશોમાં ફફડાય વ્યાપી ગયો છે. હજૂ આ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે આ સોસાયટી વિસ્તાર માંજ આવેલ અન્ય રજનીનગર સોસાયટીમાં એકલી રહેતી એક મહીલાના ઘરમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત કેટલાય કેસમાં ચોરીનો ભોગ બનનાર લોકો પોલીસ ફરિયાદ પણ કરતા ખચકાય છે.

વધુમાં ઉમરેઠની સોસાયટી વિસ્તારોના રહીશોના જણાવ્યા પ્રમાણે પોલીસ તંત્ર સોસાયટીમાં ગુરખા રાખવા સહીતના વિવિધ સુચનો લખેલા બોર્ડ સોસાયતી બહાર ચિપકાવી જતા રહે છે, અને પોતાની જબાબદારીમાં થી હાથ ઉંચા કરી કરે છે તે કેટલું વ્યાજબી છે. ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરી સહીત ઉઠાંતરીના બનાવો પણ બની રહ્યા છે, ચોર અને અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યો હોવાનું સ્થાનિકો રોષ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે ચોરની સક્રીયતાને અટકાવવા માટે ઉમરેઠનું પોલીસ તંત્ર સાબદૂ બને તે ખૂબ જરૂરી છે.

એકલી રહેતી મહીલાઓના ઘરમાં ચોરી…!

ચર્ચાઈ રહ્યું છે કે ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં બંધ ઘર ઉપરાંત ઘરમાં મહીલા એકલી રહેતી હોય તેવા ઉપરા છાપરી બે બનાવો પ્રકાશમાં આવતા ચોરો દ્વારા પધ્ધ્તિસર રેકી કરી પોતાના નાપાક ઈરાદાને અંજામ આપવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. વૈકુંઠધામમાં જે ઘરમાં ચોરી થઈ હતી તે ઘરમાં શિક્ષિકા મહીલા રહેતી હતી જે દિવસે ચોરી થઈ તે દિવસે ઘરે કોઈ ન હતુ. આ ઉપરાંત આજ અરસામાં રજનીનગર સોસાયટીમાં પણ એક મકાનમાં ચોરો હાથ સાફ કરવા આવ્યા હતા, આ મકાનમાં પણ એક મહિલા જ એકલી રહેતી હતી, પરંત ચોરોની ગતિવિધિથી મહીલા ઉઠી ગઈ હતી અને ઘરની તમામ લાઈટો ચાલું કરી દીધી હતી અને આસપાસના લોકોને ઉઠાડતા ચોરો ભાગી ગયા હતા. આમ ચોર દ્વારા એકલી રહેતી મહીલાઓ અને બંધ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં અપૂરતો સ્ટાફ

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ અપુરતો હોવાનું પોલીસ સૂત્રો ચર્ચા કરી રહ્યા છે. કેટલીક વખત તો કેટલાક પોલીસ અધિકારીઓએ સતત ૨૪ થી ૪૮ કલક ફરજ પર રહેવું પડે છે. રાત્રીના સમગ્ર ઉમરેઠ પંથકમાં પેટ્રોલીંગ કરવા માટે પણ ઉમરેઠ પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથી આ ઉપરાંત ઉમરેઠ ઓડ ચોકડી તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં તૈયાર થઈ ગયેલ પોલીસ ચોકીમાં બેસવા માટે પણ પોલીસ અધિકારીઓની ઘટ હોવાનું સૂત્રો ચર્ચા કરી રહ્યા છે, એક તરફ પ્રજા ચોર ઉઠાવગીરોથી પરેશાન છે ત્યારે બીજી બાજૂ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સ્ટાફનો અભાવ છે ત્યારે ઉમરૅઠના રહીશોએ ઉજાગરા કરી દિવસો પસાર કર્યા વગર છુટકો જ નથી.

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પંચદશાબ્દિ મહોત્સવનો આરંભ


This slideshow requires JavaScript.

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પંચદશાબ્દિ મહોત્સવ પ.પુ.સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજીના અદ્યક્ષ સ્થાને તેમજ ગુરૂકૃપાકાંક્ષી જ્ઞાનવૃધ્ધ પાર્ષદવર્ય શ્રી કાન્તિભગતજીની પ્રેરણાથી, અ.નિ.પ.ભ. શ્રી શાંતિલાલ નારણજી મહેતા પરિવારના યજમાન પદે આજે નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે સ્વામી શ્રી દિવ્યપ્રકાશજી તથા શા.સ્વામી શ્રી હરિગુણદાસજીના વક્તા પદે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનો આરંભ થયો હતો. આ પ્રંસંગે પોથીયાત્રા પ.ભ.શ્રી વિક્રમપ્રસાદ ઘનશ્યામપ્રસાદ શુક્લના નિવાસસ્થાનેથી નિકળી હતી અને સ્વામિનારાયણ ભગવાનની ધુન સાથે કથા મંડપ સ્થળે પહોંચી હતી. પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કથા મંડપમાં સંત મહંતોના આગમણ ટાણે વેદોક્તોવિધિથી સંતોને ઉમરેઠના જ્યોતિષાચાર્ય શ્રી જગદીશભાઈ શુક્લએ આવકાર્યા હતા અને પોતાની મધુરવાણીમાં સ્વામી શ્રી દિવ્યપ્રકાશજી તથા શા.સ્વામી શ્રી હરિગુણદાસજી પહેલા દિવસે ભક્તોને ભાગવત્ સપ્તાનો લાભ આપ્યો હતો.

દિલીપભાઈ પટેલે ઉમરેઠ સંતરામ મંદિરની મુલાકાત કરી.


ગણેશદાસજી મહારાજના આશિર્વાદ લીધા

આણંદ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પદે દિલીપભાઈ પટેલનું નામ જાહેર થતા તેઓએ જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકોની મુલાકાત શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આજે સવારે આણંદના ધારાસભ્ય દિલીપભાઈ પટેલે ઉમરેઠ સંતરામ મંદિરની શુભેચ્છા મુલાકાત કરી હતી અને સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં ભાજપની સારી પક્કડ છે જેથી દીલીપભાઈ પટેલને ઉમરેઠ વિધાનસભા માંથી સારા વોટ મળી શકે તેમ છે, તાજેતરમાં વિધાનસભાની ચુંટણીમાં હાર મળી હોવા છતા એન.સી.પીની સરખામણીમાં ભાજપના વોટ વધુ હતા પરંતું બીજી બાજૂ ઉમરેઠ સ્થાનિક સિવાય ઉમરેઠ ગ્રામ્યમાં ભાજપનો દબદબો જોઈયે તેવો ન હોવાથી ઉમરેઠના ગામડાઓમાં ભાજપે વધુ મહેનત કરવાની જરૂર છે. દીલીપભાઈ પટેલે ઉમરેઠના સ્થાનિક ભાજપના સભ્યો સાથે પણ વિચાર વિમર્શ કર્યા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉમરેઠમાં હોળી-ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી.


પંચવટી વિસ્તારમાં હોળીના ધગધગતા અંગારા ઉપર શ્રધ્ધાળુંઓ ચાલ્યા..!

ઉમરેઠમાં હોળી-ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળીના દિવસે પંચવટી વિસ્તારમાં સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધગધગતા અંગારા ઉપર શ્રધ્ધાળુંઓ ખુલ્લા પગે ચાલ્યા હતા.ઉમરેઠના અન્ય વિસ્તારોમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી અને જે તે વિસ્તારના લોકોએ પરંપરાગર રીતે હોળી દહન ના દર્શન કર્યા હતા.

બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણીથી ઉમરેઠ રંગીન બની ગયું હતુ. ઉમરેઠના મોટાભાગના વિસ્તારોમાં અબીલ ગુલાલ અને કલરથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં સવારથી નાના મોટા સૌકોઈ રંગ અને ગુલાલ સાથે પોતાના મિત્રો સ્વજનો સાથે ધુળેટી રમ્યા હતા. નગરના વાંટા વિસ્તારમાં કલર કે પાણી વગર ટામેટાથી ધુળેટી રમવામાં આવી હતી લોકો વાટામાં ભેગા થયા હતા અને એકબીજા ઉપર ટામેટાનો વરસાદ કરી દીધો હતો. બપોરે લોકો ગળતેશ્વર, લાલપુરા તેમજ અન્ય જગ્યાએ સ્નાન કરવા ગયા હતા અને સાંજના સમયે નગરના વિવિધ વિસ્તારોમાં મીજબાનીનો દોર શરૂ થયો હતો. એકંદરે ઉમરેઠમાં હર્ષોલ્લાસ સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પંચદશાબ્દિ મહોત્સવ ઉજવાશે.


તા.૨૦/૩/૨૦૧૪ થી તા.૨૬/૩/૨૦૧૪ સુધી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પંચદશાબ્દિ મહોત્સવ પ.પુ.સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજીના અદ્યક્ષ સ્થાને તેમજ ગુરૂકૃપાકાંક્ષી જ્ઞાનવૃધ્ધ પાર્ષદવર્ય શ્રી કાન્તિભગતજીની પ્રેરણાથી, અ.નિ.પ.ભ. શ્રી શાંતિલાલ નારણજી મહેતા પરિવારના યજમાન પદે તા.૨૦ માર્ચ થી તા.૨૬ માર્ચ સુધી યોજાશે. આ પ્રસંગે વેદ વ્યાસજી વિરચીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તા પદે સ.ગુ.સ્વામી શ્રી રઘુવીરચરણદાસજીના શિષ્ય પુજારી સ્વામી શ્રી દિવ્યપ્રકાશજી તથા શા.સ્વામી શ્રી હરિગુણદાસજી બિરાજી ગીત સંગીતના સુર સાથે કથાનું રસપાન કરાવશે. સમગ્ર મહોત્સવની વેદોક્તવિધિ ઉમરેઠ નિવાસી શ્રીહરિ સમકાલીન વેદ પુરુષ શ્રીહરિશરર્માના વંશજ ગુજરાત સરકાર સન્માનીત જ્યોતિષાચાર્ય શ્રી જગદીશભાઈ શુક્લ કરાવશે તેમ શ્રી સાધુ રામાનુજદાસએ ટાંક્યુ હતું.

આ દિવ્ય પ્રસંગે પોથીયાત્રા તા.૨૦.૩.૨૦૧૪ને ગુરૂવારના રોજ પ.ભ.શ્રી વિક્રમપ્રસાદ ઘનશ્યામપ્રસાદ શુક્લના નિવાસસ્થાને થી નિકળશે અને કથા સ્થળ એસ.એન.ડી.ડી મેદાન ખાતે પહોંચશે. આ ઉપરાંત તા.૨૧ માર્ચે સવારે ૬ થી સાંજના ૯ કલાલ સુધી અખંડધુન, તા.૨૨ માર્ચે સવારે ૮ કલાકે યજ્ઞ. તા.૨૩ માર્યે સવારે ૧૧.૩૦ કલાકે રામ જન્મોત્સ તથા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે. તા.૨૪ માર્ચે સાંજે ૫.૩૦ કલાકે ઠાકોરજીને સુવર્ણથી તોલવામાં આવેશે તેમજ સાંજે ૮ કલાકે સ.ગુ.ગોપાળાનંદ સ્વામી તથા નંદ સંતોનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨ માર્ચ સવારે ૮ કલાકે મહાપુજા,બપોરે ૩.૩૦ કલાકે શોભાયાત્રા અને તા.૨૬ માર્ચે સવારે ૬ કલાકે અભિષેક દર્શન બપોરે ૧૨ કલાકે અન્નકુટ દર્શનનો ભક્તોને લાભ મળશે. તા.૨૬ માર્ચે સવારે ૧૦.૩૦ કલાકે કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિર્તન આરાધના, રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સત્સંગ હાસ્યરસનું આયોજન કરવામાં આવ્યું છે.

સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

પંચદશાબ્દિ મહોત્સવ નિમિત્તે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા.૨૩.૩.૨૦૧૪ને રવીવારના રોજ સવારે ૯ કલાકે કરવામાં આવ્યેલ છે. આ સમયે તમામ રોગને લગતા વિવિધ નિષ્ણાંત ર્ડોક્ટરો પોતાની સેવા આપશે જેનો લાભ લેવા લાગતા વળગતા ભક્તોને એક યાદીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના કાર્યકરોએ જણાવેલ છે.

વેબ સાઈટ દ્વારા સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ

પંચદશાબ્દિ મહોત્સવનો દિવ્ય નજારો ઉમરેઠ સહીત દેશ-વિદેશમાં વસતા ભક્તો સરળતાથી લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રશાશન દ્વારા વેબ સાઈટના માધ્યમથી કથા સહીત પંચદશાબ્દિ મહોત્સવ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ વેબસાઈટ www.sntemoleumreth.com ઉપર કરવામાં આવશે. જે ભક્તો રૂબરૂ મહોત્સવનો લાભ ન લઈ શકે તેઓને સદર વેબસાઈટથી દર્શન સહીતના ધાર્મિક કાર્યક્રમનો લાભ મળી શકશે.

ઉમરેઠ રોટરી ક્લબએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી


rotary

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે ત્યારે રોટરી કલબ ઓફ ઉમરેઠ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ અંગે રોટરી કલબના પ્રમુખ સંજયભાઈ રાણાએ જણાવ્યું હતુ કે દર વર્ષે ઉમરેઠની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે સદર પ્રોજેક્ટ હાથ ધરાય છે. આ વર્ષે રોટરી ક્લબના પ્રતિનિધિ તરીકે સેજલભાઈ ચોકસી અને સંદીપભાઈ શાહએ નગરની જ્યુબિલી સ્કૂલમાં પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આવકાર આપી તેઓને ચોકલેટ તેમજ પુષ્પગુછ આપી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠના મુસ્લીમ કાઉન્સીલર મહાદેવનો સ્વખર્ચે જીર્ણોધ્ધાર કરાવશે…!


  • કોમી એકતાની અનોખી મીશાલ

મજહબ નહી સીખાતા આપસમેં બૈર રખના , જી હા કોઈ પણ ધર્મ બીજા ધર્મ સાથે વેર ઝેર રાખવાનું શિખવતો નથી, છતા પણ કેટલાક રાજકીય લોકો પોતાની રાજકીય રોટલી શેકવા માટે હિન્દુ અને મુસ્લીમ લોકો વચ્ચે વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક તટસ્થ અને ધર્મથી ઉપર રહી બિન સાપ્રદાયીક વલણ ધરાવતા નેતાઓ ધર્મ કે જ્ઞાતિવાદથી દૂર થઈ પોતાના કાર્યો કરતા રહે છે, આવીજ રીતે ઉમરેઠના વોર્ડ નં.૩ના કાઉન્સીલર અલ્તાફ મલેકે ધર્મના ભેદભાવને ભુલી વર્ષોથી ખંડેર હાલતમાં પડેલા વડાબજારના મલાવ તળાવના કિનારે આવેલા પંચમુખેશ્વર મહાદેવના જીર્ણોધ્ધારની જવાબદારી સ્વખર્ચે ઉપાડી લીધી છે, જેના ભાગરૂપે તાજેતરમાં શ્રીફળ વધેરી આ મહાદેવના રીનોવેશનું કાર્ય શરૂં કરવામાં આવ્યું હતું. આ મહાદેવ મુખ્ય રસ્તાની અંદરની બાજૂએ આવેલ હોવાથી આ મહાદેવના રખરખાવમાં કાળજી રાખવામાં આવતી ન હતી. હિન્દુ સમાજન કેટલીક જ્ઞાતિમાં મરણ થયું હોય ત્યારે આ મહાદેવની બાજૂમાં આવેલ ઓરા ઉપર સરાવવાની ક્રિયા પણ થાય છે છતા પણ આ મહાદેવની સતત ઉપેક્ષા થઈ રહી છે, ત્યારે આવા સમયે ઉમરેઠના વોર્ડનં.૩ના કાઉન્સીલર અલ્તાફ મલેકે મહાદેવના જીર્ણોધ્ધારની જવાબદારી લઈ લેતા સમગ્ર ઉમરેઠ પંથકમાં તેઓની પ્રશંશા થઈ રહી છે. એક તરફ માત્ર વોટબેંક તરીકે હિન્દુ મુસ્લીમ કોમનો ઉપયોગ કરતા નેતાઓ પણ આવીજ રીતે બિનસાંપ્રદાયીક વલણ દાખવતા થશે ત્યારે જ ખરા અર્થમાં હિન્દુ મુસ્લીમ ભાઈ-ભાઈનો નારો સાર્થક થશે.

ઉમરેઠમાં એમ્બ્યુલન્સ સેવા શોભાના ગાઠીયા સમાન.


  • નગરપાલિકાની એમ્બ્યુલન્સ ધુળ ખાય છે.

  • આરોગ્ય કેન્દ્રની એમ્યુલન્સ સરહદોના નિયમોને કારણે બિન-ઉપયોગી.

ઉમરેઠ નગરમાં ઈમરજન્સીના સમયમાં કોઈ દર્દીને એમ્બ્યુલન્સની જરૂર પડે તો ઉમરેઠ નગરપાલિકા અથવા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તેઓ માટે શોભાના ગાઠીયા સમાન સાબીત થાય છે અને આખરે દર્દીને હોસ્પિટલ સુધી ખસેડવા માટે ખાનગી વાહન કે પછી ખાનગી એમ્બ્યુલન્સ સેવાનો તેઓને સહારો લેવો પડે છે. ઉમરેઠ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી એમ્બ્યુલન્સ હોવા છતા યોગ્ય રખરખાવ કરવામાં સત્તાધીશોની ઉદાસીનતાને કારણે નગરપાલિકાની એમ્યુલન્સ હાલમાં પાલિકા દ્વારા બનાવેલ પાર્કિંગ શેઢમાં ધુળ ખાઈ રહી છે. આ બિસ્માર એમ્યુલન્સને જોઈ નગરજનો મુઝવનમાં મુકાઈ ગયા છે. તાજેતરમાં ઉમરેઠમાં ભાજપના જ કેટલાક સભ્યો દ્વારા ભાજપની જ બોડીને ઓવર ટેક કરી વિપક્ષ સાથે મળી સત્તા મેળવી હતી જેના ગણતરીના સમય માંજ તાબળ તોળ પાલિકા તંત્ર દ્વારા નગરના જીવન આધાર સેવા સંકૂલને ફાળવેલ જમીન ઉપર ટેક્નીકલ ખામી કાઢી આ જગ્યા ઉપર એમ્યુલન્સ અને ફાયર ફાઈટર ઉભું રાખવા પાર્કીંગ શેઢ બનાવવામાં આવ્યો હતો. આ શેઢ બન્યા બાદ ફાયર ફાયટર તેમજ એમ્યુલન્સનો સત્તાધીશો દ્વારા યોગ્ય રખરખાવ કરવામાં આવશ તેવી નગરજનોને આશા બંધાઈ હતી પરંતુ હાલમાં પણ નગરપાલિકાની એમ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે અને નગરજનોને આ સેવાનો લાભ મળતો નથી.

બીજી બાજૂ ઉમરેઠના આરોગ્ય કેન્દ્રમાં બે એમ્યુલન્સ વાન હોવા છતા ઈમરજન્સીના સમયમાં સ્થાનિકોએ ખાનગી એમ્યુલન્સ સેવા કે પછી સંતરામ મંદિર સંચાલિત જનરલ હોસ્પિટલની એમ્યુલન્સ ઉપર નિર્ભર રહેવું પડે છે. આરોગ્ય કેન્દ્રના અધિકારોના જણાવ્યા મુજબ તેઓ એમ્યુલન્સ ઉમરૅઠ થી આણંદ કે કરમસદની હોસ્પિટલો સુધી જ મોકલી શકે છે. અન્ય જગ્યાએ જવા આવવામાં વાર લાગે અને અન્ય ઈમરજન્સી આવી પહોંચે તેવા સમયને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રની એમ્યુલન્સ અમદાવાદ કે વડોદરા સુધી મોકલવામાં આવતી નથી. કેટલાક દર્દીઓ તેવા હોય છે કે જેઓની દવા અમદાવાદ કે વડોદરા જેવા મોટા શહેરની હોસ્પિટલમાં ચાલતી હોય છે અને તેઓ બિમાર પડે ત્યારે તેઓના પરિવાર જનો જે તે હોસ્પિટલ માંજ જવાનો આગ્રહ રાખતા હોય છે છતા પણ આવા સમયે આરોગ્ય કેન્દ્ર કે પછી નગરપાલિકાની એમ્બ્યુલન્સ વાન પોતે આણંદ કે કરમસદ સુધી જ એમ્યુલન્સ મોકલી શકે છે તેવા નિયમો બતાવે છે, ત્યારે ખરેખર પ્રજાને ઉપયોગી સાબીત ન થાય તેવા નિયમો શું કામના…? આ અંગે તંત્ર દ્વારા પૂનઃ વિચાર કરવો જરૂરી છે અને એમ્બ્યુલન્સને સરહદોના નિયમથી મુક્ત કરવામાં આવે તે દીશામાં પગલા ભરવા અનિવાર્ય બની ગયા છે.

૧૦૮ની સેવા પણ સરહદો મુક્ત કરવાની માંગ..!

૧૦૮ની સેવા પણ હાલમાં ઉમરેઠમાં ઉપલબ્ધ નથી પરંતુ ઈમરજન્સીના સમયમાં ૧૦૮ વાન પણસોરા,ઓડ કે ડાકોર થી ઉમરેઠમાં આવી જાય છે.૧૦૮ની સેવા પણ આણંદ કે કરમસદ સુધી જ જાય છે ત્યારે બહારના શહેરોમાં દવા ચાલતી હોય તેવા દર્દીને જેતે હોસ્પિટલ માંજ જવું હોય ત્યારે તે દ્રીગામાં મુકાઈ જાય છે.

  •  સરકારી એમ્બ્યુલન્સ માત્ર આણંદ કે કરમસદ સુધી જ જઈ શકે..?
  •  અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં દવા ચાલતી હોય તેવા દર્દીઓને જરૂરીયાતના સમયે ખાનગી એમ્બ્યુલન્સ સેવા કે પછી ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડે છે.
  •  પ્રજાને ઉપયોગી અને લાભદાયક ન હોય તેવા નિયમોને શું કરવાના…?
  •  ઉમરેઠના નેતાઓ ક્યારે જાગશે…? ૧૦૮ની સેવા પણ હજૂ ઉમરેઠને મળી નથી, પણસોરા,ઓડ કે ડાકોરની ૧૦૮ ઉપર ઉમરૅઠના દર્દીઓ નિરભર છે.
  •  કેટલાય દિગ્ગજ નેતાઓની રજૂઆત તંત્રએ કચરા પેટીમાં નાખી દીધી હશે કે શું…? ઉમરેઠના કહેવાતા નેતાઓનું ઉપજતું કેમ નથી…?
  •  હવે બે મહીના આચાર સહીતાને કારણે કોઈ પણ પ્રજાલક્ષી કાર્યો નહી થાય..!

વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જી-સ્લેટ નામની એજ્યુકેશનલ એપ્લીકેશન તૈયાર કરાઈ.


  • વિદેશમાં વસતા ગુજરાતીઓ સહીત સ્થાનીકો માટે પણ બેઝીક ગુજરાતી શીખવા માટે ઉપયોગી એપ્લીકેશન

પ્રવર્તમાન યુગમાં વધતા જતા અંગ્રેજીભાષાના પ્રભુત્વને કારણે આજના બાળકો માતૃભાષામાં કેટલીકવાર પાંગળા સાબિત થાય છે. હાલમાં તમામ માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલ માંજ મુકવાનો આગ્રહ રાખતા હોય છે. આવા સમયે બાળકો પોતાની માતૃભાષાથી વિશેષ રીતે અવગત ન થાય તે સ્વભાવીક છે અને ખાસ કરીને આ જ કારણથી આજે કડકળાટ અંગ્રેજી બોલતો વિદ્યાર્થી જ્યારે ગુજરાતીની વાત નિકળે ત્યારે ઢ સાબિત થાય છે. પહેલાના સમયમાં શાળામાં જતા પહેલા બાળકો માટે વાલી સારી સ્લેટ લાવતા હતા હાલમાં આ સ્લેટનું સ્થાન ટેબલેટે લઈ લીધું છે કેટલીક સ્કૂલોમાં ઈ-ક્લાસની પણ સુવિધા ઉપલબ્ધ બની છે અને બાળકોના હાથમાં સ્લેટ કે નોટબુકની જગ્યાએ ટેલલેટ આવી ગયા છે.

હાલમાં ઈ-યુગમાં પણ બાળકો પોતાની માતૃભાષા પ્રવર્તમાન યુગને અનુરૂપ શીખી શકે તે માટે હાલમાં એન્ટ્રોઈડ ડીવાઈઝ માટે જી-સ્લેટ નામની એપ્લીકેશન બહાર પડી છે. વિદ્યાનગરની જી-સેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ સદર એપ્લીકેશનથી નાના-બાળકો કક્કો,બારાખડી તેમજ ગુજરાતીમાં સ્વર તેમજ વ્યંજનોનું જ્ઞાન મેળવી શકે છે. જી-સ્લેટ નામની Android એપ્લીકેશનમાં ગુજરાતી પરિવારના બાળકો માટે ગુજરાતીનું બેઝીક જ્ઞાન મેળવી શકાશે. આ એપ્લીકેશનથી ગુજરાતીમાં સ્વર વ્યંજન સહીત સંખ્યા પણ શીખવા મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત હાલમાં નામશેષ થઈ ગયેલ સ્લેટની યાદો પણ આ એપ્લીકેશન દ્વારા તાજી થશે, સ્લેટમાં લખતા હોય તેવી જ રીતે આ એપ્લીકેશનમાં લખવાની સુવિધા છે, તેમજ લખેલું ઈરેઝ પણ થઈ શકે છે. જી-સ્લેટ એપ્લીકેશન ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.અક્ષરો અને સંખ્યાનો અભ્યાસ, ઉચ્ચાર અને સ્લેટ પર લેખન – આ વિવિધ વિભાગમાં અક્ષરો અને સંખ્યાને સરળતાથી રજૂ કરવામાં આવી છે જેથી નાના બાળકોને તુરંત સમજમાં આવે. આ ઉપરાંત જે તે સંખ્યા જેટલી વસ્તુઓ પણ મુકવામાં આવી છે જેથી બાળક ગણતરી કરતા પણ શીખી શકે તેમજ અક્ષર સાથે તે અક્ષરથી શરૂ થતી કોઈ વસ્તુ પણ ચિત્રમાં દર્શાવવામાં આવી છે જેથી દેશીહિસાબ જાણે એન્ડ્રોઈડ ડીવાઈઝ ઉપર જોતા હોય તેમ લાગે. એપ્લીકેશનની સૌથી સરસ મજાનો વિભાગ સ્લેટ લેખન છે, આ વિભાગમાં જેમ આપણે સ્લેટમાં લખતા હતા તેમ લખવાની સુવિધા આપવામાં આવી છે અને લખેલુ ભૂંસવા માટે ઈરેઝર ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ એપ્લીકેશનના ઉદ્દેશ અંગે વાત કરતા ડેવલોપર ટીમના ભાવિક ટૂકુડીયાએ કહે છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓના બાળકોના અભ્યાસક્રમમાં ગુજરાતી શીખવા માટે આવા બેઝીક કાર્યક્રમો હોતા નથી જેથી તેઓને આ એપ્લીકેશન ખુબજ ઉપયોગી સાબીત થશે આ સાથે સ્થાનિક ગુજરાતીઓને પણ પોતાના બાળકોને ગુજરાતી શીખવવા આ એપ્લીકેશન આશિર્વાદ સમાન બનશે.

 જી.એચ.પટેલ ઈન્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થી ભાવિક ટીકુડીયા (પોરબંદર) અને તેઓની ટીમ દ્વારા જી-સ્લેટ નામનો સદર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેઓના આ પ્રોજેક્ટને દેવાંગ મહેતા આઈ.ટી.એવોર્ડ -૨૦૧૩ પ્રાપ્ત થયો હતો. પ્રોજેક્ટ ડેવલોપર ભાવિક ટીકુડીયાએ જણાવ્યું હતુ કે, જણાવ્યું હતુ કે ગુજરાતીનું બેઝીક જ્ઞાન એન્ડ્રોઈડ ડીવાઈઝ પર ઉપલબ્ધ બને અને વિદેશમાં વસતા ગુજરાતી પરીવારના લોકો પોતાના બાળકોને ગુજરાતીનું જ્ઞાન આપી શકે તે આ એપ્લીકેશનનો મૂળ હેતુ છે,જેથી દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ મળ્યા બાત તેઓએ એપ્લીકેશન તૈયાર કરી પ્લેસ્ટોરમાં મફત ઉપલબ્ધ બનાવી છે. 

અવસાન નોંધ / બેસણું


લક્ષ્મણભાઈ શાન્તિલાલ શાહ – હરીશભાઈ શાન્તિલાલ શાહના પિતાજી

શાન્તિલાલ મનસુખલાલ શાહ (લીંગડાવાળા)નું અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.૧૪.૩.૨૦૧૪ના રોજ

સવારે ૯ થી ૧૧ કલાકે

સ્થળ – નાસિકવાળા હોલ- ઉમરેઠ

ઉમરેઠ સિનિયર સિટીઝનનો સ્થાપના દિવસ ઉજવાયો


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમનો સ્થાપના દિવસ સંતરામ મંદિરના સંતશ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ તેમજ બ્રહ્મકુમારી જાગૃતિબેનના સાંનિધ્યમાં ઉજવાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે દેવેન્દ્રભાઈ પંડ્યા (એલ.આઈ.સી)ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપ-પ્રમુખ એન.આર.શાહએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ અને સૌ કોઈને આવકાર્યા હતા. પરંપરા મુજબ ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના જે સભ્યોએ ૭૦ વર્ષ પુરા કર્યા હોય તેઓનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વમંત્રી ગોપાલભાઈ શાહએ સંસ્થાના છેલ્લા ચાર વર્ષના કાર્યની રૂપરેખા રજૂ કરી હતી અને સમારોહના અંતે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સુરેશભાઈ શાહએ કર્યું હતું. સંસ્થાના પ્રમુખ સી.ડી.કાછીયાએ સંસ્થાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર સૌકોઈનો આભાર માન્યો હતો.

ઉમરેઠની વિવિધ સ્કૂલોમાં વાર્ષિકોત્સવની ઉજવણી


  • જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન સંચાલિત શાળા

jubli

ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ધી જ્યુબિલી ઈન્સ્ટિયુશનની વિવિધ શાળાનોનો વાર્ષિકોત્સવ તેમજ ઈનામ વિતરક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપના દિપકભાઈ પટેલ(સાથી), રાજ્યસભા સભ્ય લાલસિંહ વડોદિયા, માજી ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયતના અધ્યક્ષ વિમલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાથર્ના દ્વારા કરી હતી. વાર્ષિકોત્સવ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનોરંજન કાર્યક્રમ તેમજ વેશભૂષા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પ્રોતસાહીત કરવા માટે તેઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ સુરેન્દ્રભાઈ પટેલની રૂ.૪ લાખની ગ્રાન્ટ માંથી નિર્માણ પામેલ શાળાની સંરક્ષણ દિવાલનું દિપકભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં વાલીગણ સહીત વિદ્યાર્થીઓ તેમજ આમંત્રીતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય

sarasvati

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયનો વાર્ષિક કાર્યક્રમ ઉમ્મીદ તાજેતરમાં ઉદ્યોગપતિશ્રી જયંતિલાલ કાચવાળાના અદ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક,ગરબા,લોક સાહિત્યના ગીતો સહીતના સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સાથે સાથે વિવિધ વેશભૂષા કરી વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ન કરી દીધા હતા. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોદિયાએ જણાવ્યું હતુ કે શ્રી સરસ્વતી સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરુપ અપાતી શિક્ષણ પધ્ધતિ પ્રસંશાને પાત્ર છે તેઓએ શાળામાં આર્થિક સહયોગ આપવાની ખાત્રી આપી હતી.સદર કાર્યક્રમમાં અતિથિ વિશેસ પદે અમદાવાદ ખાડીયા વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ,ડાહ્યાભાઈ પટેલ,જેઠાભાઈ પટેલ, મુકેશભાઈ દોશી,ર્ડો,નિરવ શાહ તેમજ નવીનભાઈ સુત્તરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમ સંસ્થાના ચેરમેન ર્ડો મધુસુધન ભગતે જણાવ્યું હતું.

  • નગરપાલિકા સ્કૂલ 

ઉમરેઠની નગરપાલિકા સ્કૂલનો વાર્ષિકોત્સવ તાજેતરમાં શાળાના પટાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક તેમજ અતિથિ વિશેષ રાજ્યસભાના સાંસદ લાલસિંહભાઈ વડોદીયા, અમદાવાદ ખાડીયા મત વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા લોક-ગીત, ડાન્સ સહીત વિવિધ મનોરંજન કાયક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા સ્કૂલ દ્વારા માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગ કાર્યરત છે જેમાં મોટી સંખ્યામાં નગરના બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. શાળાની વિવિધ પ્રવૃતિ અંગે ઉપસ્થિત મહેમાનો સહીત વાલીગણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

%d bloggers like this: