આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2016

ઉમરેઠમાં ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


ઉમરેઠ શીલીવગા-પીપળીમાતા યુવક મંડળ દ્વારા ડાકોર જતા પદયાત્રિકોની સેવાના લાભાર્થ નગરના એસ.એન.ડી.ટી. મેદાન ખાતે ડે-નાઇટ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦ ફેબ્રુઆરીથી પ્રથમ મેચ સાંજે પ-૩૦ કલાકથી રમાશે. ટુર્નામેન્ટની ઓપનીંગ સેરીમનીમાં ઉદ્દઘાટક તરીકે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, તેમજ અતિથિ વિશેષ પદે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઇ પટેલ (બોસ્કી), ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઇ પટેલ અને ઇમ્તીયાઝભાઇ (ઉ.ન.પાલિકા -રમતગમત વિભાગ) ખાસ ઉપસ્થિત રહેશે. ઉમરેઠની ક્રિકેટ પ્રેમી જનતાને સદર ટુર્નામેન્ટનો આનંદ લેવા શીલીવગા-પીપળીમાતાના આયોજકોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટમાં દરરોજ બે મેચો રમાશે. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે સ્માર્ટકાર્ડ સ્વરૂપે ચુંટણીકાર્ડનું વિતરણ શરૂ કરાયું.


ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ના.મામલતદાર મનીષભાઈ ભોઈના હસ્તે મતદાર વિરલ મિસ્ત્રીને નવું ચુંટણીકાર્ડ સ્માર્ટકાર્ડ સ્વરૂપે સુપ્રત કરવામાં આવ્યું હતું

ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ના.મામલતદાર મનીષભાઈ ભોઈના હસ્તે મતદાર વિરલ મિસ્ત્રીને નવું ચુંટણીકાર્ડ સ્માર્ટકાર્ડ સ્વરૂપે સુપ્રત કરવામાં આવ્યું હતું

  • જૂના ચુંટણીકાર્ડના બદલે નવું સ્માર્ટકાર્ડ સ્વરૂપે ચુંટણીકાર્ડ મેળવવા મતદારે રૂ.૩૦ ચુકવવા પડશે.

ચુંટણી પંચ દ્વારા જૂના ચુંટંણીકાર્ડ ના બદલામાં નવા આધુનિક ચુંટણીકાર્ડ તરીકે સ્માર્ટકાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી,ત્યારે ઉમરેઠ તાલુકા મામલતદાર સી.વી.પટેલના માર્ગદર્શન અને સુચના હેઠળ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આજ થી ચુંટણીકાર્ડના બદલામાં નવું સ્માર્ટકાર્ડ આપવાની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જૂના ચુંટણીકાર્ડના બદલામાં નવું આધુનિક ચુંટણીકાર્ડ સ્માર્ટકાર્ડ સ્વરૂપે મળશે,જે જૂના ચુંટણીકાર્ડની સરખામણીમાં આકર્ષક હશે અને મતદારનો ફોટો સહીતની અન્ય વિગતો વ્યવસ્થીત રીતે દેખાશે. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે વિરલ મિસ્ત્રી નામના મતદારને નવું આધુનિક ચુંટણીકાર્ડના બદલે પહેલું “સ્માર્ટકાર્ડ” ઓપરેટર ચિરાગ કટારીયા દ્વારા ઈશ્યું કરવામાં આવ્યું હતું,જે નાયબ મામલતદાર મનીષભાઈ ભોઈના હસ્તે તેઓને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે રજાના દિવસ સિવાય મામલતદાર કચેરીના કામકાજના સમયમાં મતદારો પોતાના સ્માર્ટકાર્ડ મેળવી શકશે. ઉમરેઠ તાલુકામાં ચુંટણીકાર્ડના બદલામાં નવા સ્માર્ટકાર્ડના વિતરણ માટે કેન્દ્ર ખુલતા મતદારોમાં આનંદની લાગણી વ્યાપી છે.

નવું સ્માર્ટકાર્ડ કેવી રીતે મળશે..?

ચુંટણીકાર્ડના બદલે નવું સ્માર્ટકાર્ડ મેળવવા માટે મતદારે પોતાનું ઓરીજીનલ ચુંટણીકાર્ડ મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે, જેના બદલામાં રૂ.૩૦ ચુકવીની નવું આધુનીક ચુંટણી કાર્ડ “સ્માર્ટકાર્ડ” સ્વરૂપે મતદારને તુરંત મળી જશે.

ચુંટણીકાર્ડમાં સુધારા પણ થઈ શકશે.

ના.મામલતદાર મનીષભાઈ ભોઈએ જણાવ્યું હતુ કે, જૂના ચુંટણીકાર્ડમાં ભૂલ હશે તે સ્થિતિમાં મતદારે નિયત ફી ભરી ૮-ક નું ફોર્મ અને જૂનું ચુંટણીકાર્ડ મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે, ત્યાર બાદ લગભગ પાંચ-સાત દિવસમાં મતદારને નવું ચુંટણીકાર્ડ “સ્માર્ટકાર્ડ” સ્વરૂપે મળશે.

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના હોદ્દેદારોની વરણી.


kiritઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના હોદ્દેદારોની વરણી તાજેતરમાં સિનિયર સિટીઝન હોલ ખાતે કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે કિરીટકુમાર શાન્તિલાલ શા.પટેલ(એસ.ટી),ઉપ-પ્રમુખ તરીકે બિપીનભાઈ ચિમનલાલ શાહ, મંત્રી તરીકે રમેશભાઈ મંગળદાસ કાછીયા, સહ-મંત્રી તરીકે ગોપાલભાઈ રમણલાલ શા.પટેલ,તેમજ ખજાનચીતરીકે લાલજીભાઈ નાથાભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે પ્રમુખ પદે વરાણી પામેલ કિરીટભાઈ શાન્તિલાલ શા.પટેલ ઉમરેઠ ખડાયતા બાલમંદિર, શા.પટેલ પરિવારમાં પણ કારોબારી સભ્ય તરીકે પોતાની સેવા આપે છે. કિરીટભાઈ શાહ.પટેલની પ્રમુખ પદે વરણી થતા તેઓને ખડાયતા અગ્રણીઓએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠમાં શ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતિની ઉજવણી.


KHODIYAR

ઉમરેઠમાં શ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતિની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરના જાગનાથ દરવાજા પાસે આવેલ શ્રી ખોડીયાર માતાજીના મંદિર થી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી ખોડીયાર માતાજીને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. સવારે ૧.૩૦ કલાકે શ્રી ખોડીયાર માતાજીના મંદિર થી શોભાયાત્રા નિકળી હતી જે ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી. સાંજે ખોડીયાર માતાજીને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ માઈ ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો. રાત્રીના ૯ કલાકે માતાજીના મંદિર પરિસરમાં હરિ રસ હેલી – ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગીતમય માતાજીની આરાધના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાવળીયા ચકલા, વાંટા સહીત વડોદીયા અને રાઉલજી સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સદર મહોત્સવની ઉજવણીમાં ઉમરેઠ નગરપાલિકાના સભ્ય જયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થીત રહ્યા હતા

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગર રેલી યોજાઈ.


નગરપાલિકા સ્કૂલ, એચ.એમ.દવે સ્કૂલ સહીતની સ્કૂલના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉમરેઠ નગરમાં આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરેઠ નગરપાલિકા સ્કૂલ સહીત એચ.એમ.દવે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો,ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ, નગરપાલિકાના કર્મચારીઓ અને સભ્યો સહીત નગરજનો જોડાયા હતા ઉમરેઠ પંચવટી વિસ્ત્તાર થી રેલી રામ તળાવ ખાતે પહોંચી હતી રામ તળાવની આજૂબાજૂના વિસ્તાર સહીત રેલીના માર્ગ પર આવતા તમામ રસ્તા પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેલીની શરૂઆતમાં ઉમરેટ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ અને તેઓની ટીમ દ્વારા પંચવટી વિસ્તારમાં સફાઈ કરી રેલીની શરૂઆત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રેલી દરમ્યાન સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્લે-બોર્ડ નિદર્શન તેમજ વિવિધ સુત્રોચ્ચાર કર્યા હતા. રેલીને સફળ બનાવવા માટે શાળા પરિવાર તેમજ પાલિકા તંત્રએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ અંબિકા નગર સોસાયટીમાં પાર્ક કરેલી કારના ટાયરની ચોરી.


CAR01ગતરોજ રાત્રીના સમયે ઉમરેઠ ડાકોર રોડ પર આવેલ અંબિકા નગર સોસાયટીમાં ઘર બહાર પાર્ક કરેલ કાર ના આગલા બે ટાયરોની કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉમરેઠ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠની અંબિકા નગર સોસાયટીમાં રહેતા અશ્વીનભાઈ પટેલએ રાબેતા મુજબ પોતાની કાર ઘર બહાર પાર્ક કરી હતી. જ્યારે સવારના સમયે તેઓની નજર કાર પર પડતા આગલા ભાગના બંન્ને ટાયર કાર માંથી ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે સોસાયટીના રહીશોને જાણ થતા આજૂબાજૂ ટાયર ની શોધ કરવા પ્રયન્તો કર્યા હતા. જ્યારે ટાયરો ક્યાંય ન મળતા કારના ટાયરો ચોરી થયાનો અહેસાસ સોસાયટીના રહીશોને થયો હતો. આ અંગે કાર માલીક અશ્વીન પટેલે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ કરતા ઉમરેઠ પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

ઉમરેઠમાં વૃધ્ધ મહિલાને માર મારી લુંટારાઓ સોનાની બંગડીઓ લઈને ફરાર.


  • છેલ્લા મહીનામાં ઉમરેઠમાં ચોરી-લુંટના વધતા બનાવો થી સોસાયટીના રહીશો ભયભીત.

1છેલ્લા કેટલાક સમય થી ઉમરેઠ પંથકમાં ચોરી અને લુંટના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં ઉમરેઠની એક સોસાયટીમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જ્યારે બે દિવસ પહેલા જ ઉમરેઠના ભરોડામાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. ચોરીના બનાવને રોકવા માટે ઉમરેઠ પોલીસ દ્વારા પ્રજાજનોને માર્ગદર્શન આપવા તાજેતરમાં એક બેઠક પણ યોજાઈ હતી. પરંતુ હજૂ પણ ઉમરેઠ પંથકમાં ચોર-લુંટારા સક્રીય હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આજે ઉમરેઠના જૂના પોલીસ સ્ટેશન પાસે આવેલ કોર્ટ રોડ વિસ્તારમાં જ એક વૃધ્ધ મહિલાના ઘરમાં જઈ કોઈ અજાણ્યા તત્વોએ મહિલાએ પહેરેલી બંગડીઓ લુંટી ફરાર થઈ ગયા હોવાની ઘટના બહાર આવતા ઉમરેઠમાં ચકચાર મચી ગઈ હતી.

bhogbannarmahilaવધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠના કોર્ટ રોડ વિસ્તારમાં કૂઈવાળા ખાંચામાં ચંદનબેન મફતલાલ તલાટી નામની વૃધ્ધ મહીલા એકલી રહે છે. સુખી ઘરના હોવાને કારણે તેઓ હંમેશા પોતાના હાથ પર ચાર સોનાની બંગડીઓ પહેરતા હતા અને ઘરમાં એકલા રહેતા હોવાને કારણે તકનો લાભ લઈ કોઈ અજાણ્યા લોકોએ તેઓના ઘરમાં સવારના અરસામાં પ્રવેશીને તેઓને માર મારી વૃધ્ધ મહિલાએ પહેરેલી ચાર સોનાની બંગડી લઈ ભાગી ગયા હતા. આ અંગે સ્થાનિકોને જાણ થતા તેઓના ઘરે લોકો એકત્ર થઈ લુંટારાઓને પકડવા દોડા-દોડી કરી હતી પરંતુ લુંટારા પલભરમાં અલોપ થઈ ગયા હતા. આ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને વૃધ્ધ મહિલા પાસે સમગ્ર ઘટનાની વિગત જાણવા પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લુંટારા જાણભેદુ હોઈ શકે તેવી પુરે પુરી શક્યતા છે. મહીલા કયા સમયે ઘરમાં એકલી હશે તે અંગે લુંટારાઓએ પહેલેથી રેકી પણ કરી હોઈ શકે છે. હાલમાં તો વૃધ્ધ મહીલા પર કોણે હુમલો કરી સદર ઘટનાને અંજામ આપ્યો હશે તે અંગે પોલીસને કોઈ કડી મળી નથી પરંતુ ઉમરેઠમાં ઉપરા છાપરી બનેલા ચોરી-લુંટના બનાવોને ધ્યાનમાં લઈ ઉમરેઠ પોલીસ લુંટારાને પકડી પોતાની પ્રતિષ્ઠા જાળવવા આકાશ-પાતાળ એક કરે તેમાં કોઈ બે મત નથી.

લુંટારાઓએ સોમવાર જ પસંદ કેમ કર્યો..?  

ઉમરેઠમાં સોમવારના દિવસે બજારો બંધ હોય છે. અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછ હોય છે જેથી લુંટારાઓને ઘટનાને અંજામ આપી ભાગવાનું સરળ બને તે માટે તેઓએ ઘટનાને અંજામ આપવા સોમવારની પસંદગી કરી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ રોડ પર રેદીમેડ કપડાનું મોટું બજાર હોવાને કારને સોમવાર સિવાયના દિવસોમાં આ વિસ્તારમાં ભારે ગીરદી રહેતી હોય છે. 

બે વર્ષ પહેલા રેટિયા પોળમાં વૃધ્ધ મહિલાને લુંટારાઓએ નિશાન બનાવી હતી.

એકલી રહેતી વૃધ્ધ મહીલાને માર મારી લુંટવાનો ઉમરેઠના રેટીયા પોળમાં બે વર્ષ પહેલા પણ બનાવ બન્યો હતો. રેટીયા પોળમાં રહેતી વૃધ્ધ મહીલાના પરિવારજનો મુંબઈ રહેતા હતા અને જેથી તેની એકાલતાનો લાભ લઈ લુંટારાઓએ મહીલાને બાંધીને માર માર્યો હતો અને રોકડ સહીત દાગીણા ની લુંટ કરી હતી.

વૃધ્ધ મહીલાના દિકરા વિદેશ રહે છે.

લુંટારાઓનો ભોગ બનવાર મહીલાના બે દિકરાઓ વિદેશમાં રહે છે, જેથી આ વૃધ્ધ મહીલા ઉમરેઠના કોર્ટરોડ વિસ્તારમાં આવેલ રૂપમંગલમ્ ના ખાચામાં એકલી રહે છે. એકલી રહેતી વૃધ્ધ મહીલાઓની સુરક્ષા માટે તંત્ર સહીતે તેઓના પરિવારજનોએ વિશેષ વ્યવસ્થા કરવાની હવે જરૂર પડી છે.

પોલીસ સ્ટેશન ગામ બહાર ગયું અને ગામ અસુરક્ષિત થયું. – નગરજનો

ઉમરેઠ પોલીસ સ્ટેશન ગામ બહાર લઈ ગયાને ગણતરીના દિવસો જ થયા છે અને જૂના પોલીસ સ્ટેશન પાસે બનેલા લુંટના બનાવને લઈ સ્થાનિકો ચર્ચા કરી રહ્યા હતા કે પોલીસ સ્ટેશન ગામ બહાર લઈ જવાનો તંત્રનો નિર્ણય ભૂલ ભરેલો છે.

લુંટારુંઓએ મોઢું દબાવી દીધુ હતુ જેથી બુમ પણ ના પડાઈ. – ભોગ બનનાર મહીલા

લુંટારુંઓનો ભોગ બનનાર મહીલાએ જણાવ્યું હતું કે તે પલંગ પર સુઈ ગયા હતા ત્યારે અચાનક કોઈએ પાછળ થી આવી તેનું મોઢું દબાવી દીધુ હતુ અને મોઢા પર માર માર્યો હતો જેથી તેઓ બૂમ પણ પાડી શક્યા ન હતા.

ઉમરેઠ પ્રગતિ સ્કૂલમાં વાર્ષિક દિવસની ઉજવણી.


વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન કાર્યક્રમો રજૂ કરાયા.

04b7a82c.jpgઉમરેઠની પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશિર્વચનદાતા પદે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ મુખ્ય મહેમાન પદે રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં શાળાના આચાર્ય વજેસિંહ અલગોતરએ આવકાર પ્રવચન કરી ઉપસ્થીત મહેમાનો તેમજ વાલીગણને શાબ્દીક આવકાર આપ્યો હતો. 01123.jpgઆચાર્યશ્રીએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ સહીત ઈતર પ્રવૃત્તિઓ અંગે ઉપસ્થીત લોકોને સવિસ્તાર માહીતી પૂરી પાડી હતી. આશિર્વચન દાતાશ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે બાળકોને ઈન્ટરનેશનલ સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે બહાર ગામ જવું પડતું હતુ, ત્યારે ઉમરેઠના આગને તમામ સુવિધાથી સજ્જ શિક્ષણ સંકુલ પ્રસ્થાપીત કરવા બદલ શાળાના સંચાલકો સહીત ટ્રસ્ટીઓને 03.jpgઅભિનંદન પાઠવ્યા હતા તેઓએ શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું. વાર્ષિક દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા વિવિધ મનોરંજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એકપાત્ર અભિનય, ડાન્સ, ગરબા સહીતના કાર્યક્રમો વિદ્યાર્થીઓએ સુંદર રીતે રજૂ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીગણ સહીત આમંત્રીતો ઉપસ્થીત રહ્યા હતા અને શાળાની પ્રવૃત્તિઓની પ્રશંશા કરી હતી. પ્રગતિ સ્કૂલના સંચાલકો અને આચાર્યશ્રી વજેસિંહ અલગોતર દ્વારા આવનારા દિવસોમાં શાળાને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા સકારાત્મક અભિગમ દાખવવા જણાવ્યું હતુ અને શાળાનો વાર્ષિકોત્સવ સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર સર્વેનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advt : –

ગાંધી ધીરુભાઈ જીતેન્દ્રકુમાર
કાપડના વહેપારી
ખરાદીની કોઢ, બેંક ઓફ બરોડા પાસે – ઉમરેઠ

અમારે ત્યાં શુટ-શેરવાનીના કાપડ, શુટીંગ-શર્ટીંગ,કુર્તા-પાયજામાં,ફેન્સ કાપડ,ચણિયા ચોલી,સાડી તેમજ વેસ્ટર્ન કૂર્તા અને લેન્ગીસ મળશે.

3020

આવા લોકો પણ હોય છે…!


ghanshyam.jpgગઈ કાલે એક કાકાને સાયકલ પર બિસ્કીટ ભરેલું બોક્સ લઈ જતા જોયા. આ કાકા સ્લમ વિસ્તારમાં ગરીબ બાળકોને ઘરે ઘરે ફરી બિસ્કીટના પેકેટ આપતા હતા. કાકા જેવા તે વિસ્તારમાં સાયકલ લઈને ગયા તેવામાં બાળકોનું ટોળું તેમને ફરી વળ્યું બધા બાળકોને તેમને બિસ્કીટના પેકેટ આપ્યા બાળકો ખુશખુશાલ થઈ જતા રહ્યા અને તે કાકા પોતાની સાયકલ પર આગળ જતા થયા.

બિસ્કીટ વિતરણ કરી આગળ ધપતા આ સાયકલ સવાર કાકાને અચરજતા થી મેં પુછ્યું કેમ કાકા આજે કશું છે..? આમ બિસ્કીટ વિતરણ કર્યું..? તે કાકાએ જવાબ આપ્યો..
“ના ભાઈ, કાંઈ નથી, હું તો દર અઠવાડીયે ગરીબ બાળકોને બિસ્કીટ કે મિઠાઈ આપું છું. ગયા અઠવાડીયે કચરિયું બનાવડાવ્યું હતુ, અને બાળકોને ખવડાવ્યું હતું.

મે તે કાકાને કહ્યું,” સારું કહેવાય તમે સાયકલ પર ફરી-ફરીને આ બાળકોને ઘરે બેઠા બિસ્કિટ અને મિઠાઈ આપો છો, પણ બહું ખર્ચો થતો હશે નઈ..?

તે કાકાએ કહ્યું,”હું મારા પેન્સન માંથી વર્ષે પંદર-સત્તર હજાર રૂપિયા આવી જ રીતે ખર્ચું છું, આવા લોકોને બિસ્કિટ, ચોકલેટ કે મિઠાઈ આપી મને આનંદ મળે છે. એક બિસ્કીટનું પેકેટ મળે ત્યારે ગરીબ બાળકોના મોઢે જે ખુશીની લાગણી જોવા મળે તે કાંઈક અલગ જ અહેસાસ કરાવે છે.”

મેં તે કાકા ને કહ્યું,” વર્ષે પંદર-સત્તર હજાર આ રીતે ખર્ચી નાખો તો ઘરના બજેટમાં અસર થતી હશે ને..?

કાકાએ હસતા-હસ્તા કહ્યું, “ભાઈ,મારા બે છોકરા છે,બે’વ પોત-પોતાના કામમાં ઠરી ઠામ છે,એટલે ભગવાનની મહેરબાની થી આવા સેવાકીય કામમાં આર્થીક મુશ્કેલી નથી પડતી, તેમને કહ્યું કે ગરીબ બાળકોને ચોકલેટ બિસ્કીટ વિતરણ સહીત સરકારી સ્કૂલમાં તિથિ ભોજન, ધાર્મિક સંસ્થાઓમાં પ્રસાદી સહીત યેનકેન પ્રકારે ગરીબોને વિવિધ રીતે ફુલ નહી તો ફુલની પાંખડી આપું છું.”

આટલી વાત કરતા જતા હતાને તેમને એક ગલીમાં બે બાળકો નજરે પડ્યા,ને સાયકલ ઉભી રાખી ને બે બિસ્કીટના પેકેટ લઈ તેમની તરફ ગયા, ને બસ આ ફોટો ક્લિક કર્યો.

આ ભાઈ હતા, ઉમરેઠના ઓડ બજારમાં રહેતા ઘનશ્યામભાઈ પરમાર, ઘનશ્યામભાઈ પરમાર હાલ રીટાયર્ડ લાઈફ ભોગવી રહ્યા છે, અને આવી સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. કોઈ-પણ જાતના શોર-બકોર કર્યા વગર, પોતાની જાતે એકલા હાથે સાયકલ પર ફરીને સેવાકિય પ્રવૃત્તિ કરનાર ઘનશ્યામભાઈ જેવા લોકો આજે પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે તે ખરેખર પ્રશંશાને પાત્ર છે. હજુ પણ સમાજમાં આવા લોકો ની હાજરી છે તે ખરેખર સારી વાત છે.

ghanshyam.jpg

%d bloggers like this: