આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2011

ઉમરેઠમાં ચોરીના બનાવોને રોકવા પોલીસ એલર્ટ,પેટ્રોલીંગ સધન કરાયું – બે પોલીસ કર્મી સસપેન્ડ..!


 ચોકસી બજારના વહેપારીઓ દ્વારા રાત્રી દરમ્યાન ચોકી પહેરો યથાવત્

ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી નગરના વિવિધ ભાગમાં તેમજ ખાસ કરીને ચોકસી અને સોનીની દૂકાનોમાં રીતસર ઉપરા છાપરી ચોરીના બનાવો વધવા લાગતા આખરે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉમરેઠના ચોકસી બજાર સહીત અન્ય વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે, જ્યારે ઉપરા છાપરી બનેલા ચોરીના બનાવોના પગલે બે પોલીસ કર્મીને તત્કાલ સસપેન્ડ કરી દેવામાં આવતા પોલીસ તંત્ર આવાક બની ગયું છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવો વધવા પામ્યા હતા. તાજેતરમાં સુંદલ બજારમાં મોટી મતાની ચોરી થતા સમગ્ર ચોકસી મહાજન સહીત ઉમરૅઠના રાજકિય નેતાઓ દ્વારા પોલીસ ઉપર દબાણ કરતા આખરે પોલીસ તંત્ર એલર્ટ થઈ રાત્રી પેટ્રોલીંગ સધન કરવામાં આવ્યું છે. આ પહેલા પોલીસ તંત્રને ચોકસી બજાર સહીતના વહેપારીઓએ સદર વિસ્તારમાં પેટ્રોલીંગ અને પોઈન્ટ મુકવાની માગણી કરી હતી પરંતું અપૂરતા સ્ટાફનો હવાલો આપી પોલીસ તંત્રએ હાથ ઉંચા કરી દીધા હતા.

ઉમરેઠમાં ચોરીના બનાવોની વિગત

 • અંબિકા જવેલર્સ, પણસોરા ચોકડી
 • નવીનભાઈ સોની, ચોકસી બજાર
 • ભરતભાઈ સોની , ચોકસી બજાર
 • નાથાકાળીદાસ શ્રોફની પેઢી, ચોકસી બજાર
 • બશેરી ઘી વાળા, સ્ટેશન રોડ
 • વિમલ પ્રોવિઝન, નાશિકવાળા વાડી સામે
 • ગાયત્રી જવેલર્સ, સુંદરબજાર

ઉપરોક્ત ચોરીના બનાવો માંથી કેટલાક લોકોની ઓછા પ્રમાણમાં માલ મત્તા ગઈ હોવાથી પોલીસ ફરિયાદ પણ થઈ ન હતી. પરંતું તાજેતરમાં ગાયત્રી જ્વેલર્સમાં થયેલી ચોરીના પગલે ચોકસી બજારના વહેપારીઓ ચિંતાતુર થઈ ગયા છે.

ઉમરેઠમાં અર્જુન મોઢવાડિયાની બડાશ – લોકપાલ બીલ ઓગષ્ટ-૨૦૧૧માં અમે લાવવાના જ હતા…!


સંસદ સભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ઉમરૅઠના વારાહિ માતાજીના હવન સ્થાનનું નવિણીકરણ કરવામાં આવ્યુ હતું આ નવા બનેલા ચોકનું લોકાર્પણ કરવા ઉમરેઠ ખાતે કોગ્રેસના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી જેમાં અર્જુન મોઢવાડિયા પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉદબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, લોકપાલ બીલનો મુદ્દ અમારો છે અને બીજા લોકો જશ ખાટવાનો પ્રયાસ કરી ગયા છે. તેઓએ ઉમેર્યું હતું કે દિલ્હી ખાતે જાન્યુઆરી-૨૦૧૧માં મળેલા કોગ્રેસના અધિવેશનમાં સોનીયાજીએ પાંચ કાર્યક્ર્મ રજૂ કર્યા હતા જેમાં લોકપાલ બીલ પણ ઓગષ્ટ-૨૦૧૧માં લાવવા માટે તેઓએ ખાતરી આપી હતી.

જો કોગ્રેસ દ્વારા લોકપાલ બીલ ઓગષ્ટ-૨૦૧૧માં લાવવાનું જ હોત તો પછી, બાબા રામદેવ અને અન્ના હજારેના આંદોલનને આટલું બધુ કેમ ચાલવા દીધું. અન્ના હજારેના આંદોલનમાં નવ દિવસ સુધી સરકારે કોઈ પ્રતિક્રીયા કેમ ન આપી..? લોકપાલ બીલના મુદ્દે સરકારની સમગ્ર દેશમાં ટીકા થઈ હોવાને કારણે હવે કોગ્રેસ બેકફુટ પર આવી ગયું છે. અને કોગ્રેસના નેતા આવા ગતકડા ભર્યા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે ત્યારે કોગ્રેસ લોકપાલ બીલના મુદ્દે કેવું બગવાઈ ગયું છે તેનું આ ઉદાહરન છે.

ચોર જાગે છે,પોલીસ ઉંઘે છે..! ઉમરેઠના સુંદલબજારમાં ચોકસીની દૂકાન માંથી ચોરો તિજોરી ઉઠાવી ગયા…!


છ મહિનામાં ચોકસીની દૂકાનમાં ચોરીનો ચોથો બનાવ,વહેપારીઓમાં ચિંતા..

 

ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થા જાળાવવામાં પોલીસ નિષ્ફળ રહી છે સાથે સાથે ચોરીના બનાવો રોકવામાં પણ પોલીસ તદ્દન નિસહાય દેખાઈ રહી છે જેને પરિનામે છેલ્લા છ માસમાં ઉમરેઠના ચોકસી બજારમાં અને સુંદલબજારમાં થઈ કુલ ચાર ચોરીના બનાવ બન્યા છે. ચોરના હોસલા બુલંદ છે અને પોલીસ આળશું અભિગમ દાખવી રહી હોવાનું ચોકસી બજારના વહેપારીઓ આરોપ લગાવી રહ્યા છે.

તાજેતરમા ચોકસી બજારમાં એક સોનીની દૂકાનમાં તાળાં તોળી આખીને આખી તિજોરી ઉઠાવી જવાનો બનાવ બન્યો હતો તેવીજ રીતે સુંદલબજારમાં આવેલ એક ચોકસીની દૂકાનમાં પણ તાળાં તોળી ગતરાત્રીના ચોરો તિજોરી ઉઠાવી ગયા હતા, જેના પગલે સમગ્ર ચોકસી બજારના વહેપારીઓમાં ચિંતા અને ભયનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. વધુમાં ચોકસી બજારના વહેપારીઓએ પોતાની સુરક્ષા માટે ખાનગી સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરી હતી પરંતું ગણતરીના દિવસોમાં આ ખાનગી સિક્યુરીટીવાળા પણ આ મોતી જવાબદારી માંથી છટકી ગયા હતા. જેથી ચોકસી બજારના વહેપારીઓએ પોતાના નજીકના માણસોને રાત્રે બજારમાં ચોકી કરવાની જવાબદારી સોપી હતી. હાલમાં ચોકસી બજારમાં ચોકસી બજાર નીજ દૂકાનોના માણસો વારાફરથી રાત્રીના ઉજાગરા કરી પોતાની દુકાણો સાચવી રહ્યા હતા પરંતું
સુંદર બજારમાં આવેલ માત્ર એક ચોકસીની દૂકાણને ગતરાત્રીએ નિશાન બનાવી હતી અને તિજોરી સહીત રોકડ રકમની ચોરી કરી હતી.

આ બનાવના પગલે સમગ્ર ચોકસી બજારના વહેપારીઓ સહીત અન્ય વિસ્તારોમાં એક્કલ દુક્કલ ચોકસીની દૂકાણ ધરાવતા દૂકાણ માલિકો ભયભીત થઈ રહ્યા છે અને હવે,કોણો વારો હશે તેવી પણ ચર્ચા કરી રહ્યા છે..? દુકાન માંથી આખે આખી તિજોરી ઉઠાવવાની મોડસ ઓપરેન્ડીથી આ બીજો બનાવ હોવાને કારણે હવે ચોકસી બજારની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા પરિણાત્મક પગલા ભરવા જરૂરી બની ગયા છે નહિતો આવનારા સમયમાં ચોરો વધુ આગટા બને તેમાં કોઈ બે મત નથી.

ચોકસી બજાર બચી ગયું..!

ચોકસી બજારના વહેપારીઓ દ્વારા પોતાની દૂકાનના ગુમાસ્તાઓને રાત્રી દરમ્યાન દૂકાણો સોપવાની જવાબદારી સોપવામાં આવતા ચોકસી બજારમાં ગુમાસ્તા રાત્રિના સમયે પહેરો રાખે છે, જેથી આ સમયે ચોર ચોકસી બજારની દૂકાણને નિશાન બનાવવાની જગ્યાએ સુંદર બજારમાં આવેલ એક્કલ દુકાનને ચોરોએ નિશાન બનાવી હતી.

નંબર પ્લેટ વગરની કાર કોણી..?

ચોકસી બજારના વહેપારીઓમાં ચર્ચા થઈ રહી છે કે, રાત્રીના ચોકી માટે તેઓ દ્વારા ગુરખો રાખવામાં આવ્યો હતો જે બે દિવસમાં પોતાની જવાબદારી માંથી છટકી ગયો હતો અને આ ગુરખાના કહેવા મુજબ મોદી રાત્રે ચોકસી બજારમાં નંબર પ્લેટ વગરની કાર અને બાઈક ચક્કર લગાવતા હતા અને તેમાં કેટલાક શંકાસ્પદ લોકો પણ હતા તો આ નંબર પ્લેટ વગરની કાર કોણી હશે..? તેમાં કોણ લોકો હશે …? તેઓ શા માટે ચોકસી બજારમાં જ આટા મારતા હશે..? તેવા અનેક સવાલો ચોકસી બજારના વહેપારીઓ ઉઠાવી રહ્યા છે. આ અંગે પોલીસ તપાસ કરે તે ખુબ જરૂરી છે.

ખાલી તિજોરી ઉમરેઠ થામણા માર્ગ ઉપરથી મળી..!

ઉમરેઠના સુંદલ બજારમાં ચોકસીની દૂકાણ માંથી ચોરી થયેલ તિજોરી ઉમરેઠ થામણા માર્ગ ઉપરથી મળી હતી. આ અંગે કોઈ રાહદારીએ ઉમરેઠ પોલીસને માહીતી આપી હતી અને તુરંત પોલીસ તંત્રએ ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી ચોરોનું પગેરું મેળવવા આગળ કાર્યવાહિ કરી હતી.

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં અપુરતા સ્ટાફને કારણે ઉમરેઠની સુરક્ષા રામ ભરોશે..!


 • પોલીસ સ્ટેશન વિસ્તાર માંજ પોલીસને પહોંચતા ૨૦ મિનિટ થાય છે..!

ઉમરેઠ નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઉમરેઠ પોલીસ તદ્દન નિસહાય સાબિત થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ઉમરેઠમાં જાહેર માર્ગ ઉપર બે જૂથ વચ્ચે ઝગડો ચાલતો હોવા છતા પોલીસ કાઈ કરી શકતી નથી પરિનામે ઉમરૅઠના કોર્ટરોડ થી બસ સ્ટેશન સુધીના વહેપારીઓમાં દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. બે-ત્રણ દિવસ પહેલા ઉમરેઠના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક દૂકાન પાસે સ્કૂટર હટાવવાની બાબતે બે વ્યક્તિ વચ્ચે ઘર્ષન થતા મામલો બિચક્યો હતો અને દશ જ મિનિટમાં નગરના પોલીસ સ્ટેશન વિસ્તાર માંજ લાકડીઓ સાથે કેટલાક અસામાજિક તત્વો આવી ચઢ્યા હતા. આ સમયે આજ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હોવા છતા પોતાનાજ વિસ્તારમાં આવતા પોલીસને ૨૦ મિનિટ જેટલો સમય થયો હતો જ્યાં સુધી પોલીસના આવી ત્યાં સુધી આ વિસ્તારમાં બેફામ શબ્દો બોલી સમગ્ર વિસ્તારને કેટલાક તત્વોએ માથે ચઢાવ્યો હતો..!

જો આ સમયે માત્ર પોલીસ સ્ટેશન માંથી પોલીસ કર્મીઓ ખાલી બહાર પણ આવ્યા હોત તો આપોઆપ ઘટના સ્થળે પહોંચી ગયા હોત, ચાલીને પણા ઘટના સ્થળે પહોંચા માત્ર દશ ડગલા માડવાના હોવા છતા પણ પોલીસ ૨૦ મિનિટે પહોંચે એટલે સ્વભાવિક રીતે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળે..! સામાન્ય દિવસોમાં કોર્ટ રોડથી બસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂટરો હટાવવા અને પોચકનીયા લોકોને ધમકાવવામાં પોલીસ કર્મીઓ પી.એસ.આઈ કરતા પણ વધારે ચઢી જાય છે અને જ્યારે ખરા સમયે રોફ બતાવવાનો વારો આવે છે ત્યારે પોલીસ કર્મીઓ ક્યાં લપ્પાઈ જાય છે તે રામ જાણે..?

કહેવાય છે બે જૂથ વચ્ચે થયેલ ઝગડો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવા છતા પણ બે જૂથ વચ્ચે પોલીસ સ્ટેશનમાં ઝપાઝપી થઈ હતી છતા પણ ઉમરૅઠ પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ હતી. ઉમરૅઠમાં ગઈકાલે થયેલ ઝગડા દરમ્યાન મોટી સંખ્યામાં બે જૂથના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જો ગઈ કાલે ઉમરૅઠમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે યોગ્ય સમયે ન આવ્યા હોત તો શું થાત તે વિચાર જ કંપારી છુટાવે તેમ છે.

વધુમાં છેલ્લા છ-સાત મહિનામાં ઉમરૅઠના ચોકસી બજાર વિસ્તારમાં ત્રણ સોનીની દૂકાનોના તાળા તુટ્યા હોવા છતા પણ પોલીસ દ્વારા આ વિસ્તારની સુરક્ષા માટે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ચોકસી બજારમાં થયેલ ત્રણ ચોરીઓમાં સોનીની દૂકાણો ચોરો દ્વારા તોળવામાં આવી હોવાથી મામુલી માલમત્તાની ચોરી થઈ હતી પરંતું આ ચોરની હિંમત આવીજ રીતે વધતી જશે તો ભવિષ્યમાં ચોકસીની દૂકાનો પણ તુટે તો નવાઈ નહી ત્યારે ઉમરેઠના ચોકસી બજાર સહીત સોસાયટી વિસ્તારમાં રાત્રીના એક થી ચાર સુધીમાં પેટ્રોલીંગ વધારવામાં આવે તે ખુબ જ જરૂરી છે.

પોલીસ સ્ટેશનમાં અપૂરતો સ્ટાફ..!

ઉમરેઠ – ઉમરૅઠમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય પ્રમાણમાં ન જળવાવાનું મુખ્ય કારણ અપુરતો પોલીસ સ્ટાફ છે. ઉમરેઠ તેમજ તેની આજૂબાજૂના ૪૨ ગામડા ઉપર ચાંપતી નજર રાખવા પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ચોર અને અસામાજિક તત્વોને લીલા લ્હેર થઈ ગઈ છે. ઉમરૅઠના ઓડ ચોકડી વિસ્તારમાં પોલીસ ચોકી બનાવી તૈયાર છે છતા પણ અપુરતા પોલીસ સ્ટાફને કારણે પોલીસ ચોકી ધૂળ ખાઈ રહી છે.

અમારી સુરક્ષા અમે જાતે જ કરીયે છે..!

ઉમરેઠ – ઉમરૅઠના ચોકસી બજાર વિસ્તારના વહેપારીઓ હવે પોલીસ ભરોશે રહેવા કરતા રાત્રીના ઉજાગરા કરી જાતે પોતાની દૂકાણો સાચવતા થઈ ગયા છે. વહેપારીઓના જણાવ્યા મુજબ ચોકસી બજારમાં વ્યવસ્થિત પેટ્રોલીંગ કે પોઈન્ટ મુકવામાં નહી આવે ત્યાં સુધી અમારો જીવ અધ્ધર રહેશે

ઉમરેઠમાં એકજ કોમના બે જૂથ વચ્ચે અથડામણ – પોલીસની જીપ ઉપર પત્થર ફેંકાયા..!


બે દિવસ પહેલા ઉમરેઠના કોર્ટ રોડ વિસ્તારમાં સ્કૂટર હટાવવાની બાબત એકજ કોમના બે ઈસમો વચ્ચે બોલા-ચાલી થતા મામલો બિચક્યો હતો અને વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. ત્યાર બાબ એક જૂથે ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તાર માંથી અસામાજિક તત્વોનો હવાલો આપી દબાણા હટાવવા ઉમરૅઠ પાલિકામાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આ બનાવને ધ્યાનમાં રાખી ફરી આ બે જૂથ ગઈકાલે આમને સામને આવી જતા ઉમરેઠના કોર્ટ રોડ થી બસ સ્ટેશન વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યારે પોલીસે મામલામાં દખલગીરી કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જીપ ઉપર પણ પત્થરો ફેંક્યા હતા. ઉમરેઠમાં આજે “ચલો તાલુકે” કાર્યક્ર્મ હોવાને કારણે તાબળતોળ ઉમરૅઠ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગઈકાલે રાત્રીના તંગ બનેલ વાતાવરણબાદ આજે સદર વિસ્તારોમાં નિયમિત બજારોમાં ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી.

કેનેડામાં જન્માષ્ટમીની ઉજવણી.


કેનેડામાં પણ ચરોતરવાસીઓ દ્વારા જન્માષ્ટમીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ટોરોન્ટો ખાતે મૂળ ગુજરાતી લોકો દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે નાના બાળકો દ્વારા કૃષ્ણલીલા તેમજ મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો સૌ કોઈએ ઉત્સાહભેર આનંદ માન્યો હતો. અંતે બધા પ્રસાદી લઈ છુટા પડ્યા હતા. કેનેડામાં પણ જન્માષ્ટમીની ભક્તિભેર ઉજવણી કરતા ભારતમાં વસતા આ ગુજરાતીઓના પરિવારજનોએ હર્ષની લાગણી અનુભવી હતી અને જણાવ્યું હતું કે, તેઓના પરિવારજનો સાત સમુદર પાર પણ પોતાની પરંપરા હજૂ ભૂલ્યા નથી. 

(ફોટો – નિતલ શાહ)

બનાવટી પોલીસ કરી ગઈ તોડ-પાણી..!


ભરાવદાર શરીર, આંખ પર ગોગલ્સ અને કમર પર લાલ પટ્ટા સાથે રમકડાની બંદૂક લટકાવી થોડા દિવસ પહેલા દબંગ સ્ટાઈલમાં સાદા ડ્રેસમાં બનાવટી પોલીસે પાંચ છ દિવસ પહેલા ઉમરૅઠના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક શોપિંગ સેન્ટરની મોબાઈલની દૂકાનમાં એન્ટ્રી પાડી અને રૂઆબથી કહેવા લાગ્યા ” કેમ..? ભા’ઈ ડોક્યુમેન્ટ વગર સીમ કાર્ડ વેંચી દો છે..? ખબર છે કેટલો મોટો ગુન્હો છે..?  લાવે બધા સીમ કાર્ડની ડીટેઈલ ને વેચેલા સીમકાર્ડના જમા કરેલ ડોક્યુમેન્ટ..છેક ગાંધીનગરથી તપાસ છે…!

બનાવટી પોલીસની ધારદાર એક્ટીંગથી મોહીત થયેલ બિચારા મોબાઈલ વેચનાર દુકાણદાર કાંઈ સમજી પણ ન શક્યાને ધડાઘડ બનાવટી પોલીસ ડોક્યુમેન્ટમાં ફલાની અને ઢીકની ભૂલો છે તેમ કહી કાર્યવાહિ કરવાનું કહ્યું, સ્વાભાવિક રીતે મોબાઈલ દૂકાનધારકે પોલીસની જાતની ગરીમાને ધ્યાનમાં રાખી તોડ-પાણી કરવાની ઓફર કરી અને બનાવટી પોલીને તો જોઈતું તું ને વૈદ્યે કહ્યું તેવો જ ઘાટ ઘડાયો..!

પણ આટલા સમયમાં વાત શોપિંગ સેન્ટરના અન્ય દૂકાણદારોના કાન સુધી પહોંચી ગઈ અને આ મોબાઈલની દુકાનની આસપાસ કેટલાક લોકો શું થઈ રહ્યું છે દુકાણમાં જાણવા આટા મારવા લાગ્યા..! ત્યાં પરિસ્થિતી પારખી ગયેલા બનાવટી પોલીસે પેલા દૂકાન માલિકને દૂકાનથી બીજે ક્યાંક લઈ ગયો ને તોડ-પાણી કરી દીધા પછી અને રફુચક્કર થઈ ગયો પછી દૂકાન માલિકે પોતાની સાથે થયેલ આપવીતી અન્ય દૂકાણદારોને જણાવી અને પછી તેને ખ્યાલ આવ્યો કે એ’તો બનાવટી પોલીસ હતો. બસ સ્ટેશન વિસ્તારમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ પણ બિચારો દૂકાનદાર નિર્દોષ હોવા છતા કાંઈ કરી શકે તેમ ન હતું. બનાવટી પોલીસની ફરિયાદ લઈને તે સાચકડી પોલીસ પાસે જાય તો ખાતર પાછાળ દિવેલ જેવો ઘાટ ન ઘડાય…? એક વાત તો ચોક્કસ છે, બનાવટી પોલીસ ગામમાં આવી પોલીસના નામે તોડ-પાણી કરે તે સાચકડી પોલીસ માટે શરમજનક કહેવાય..

ઉમરેઠના ચોકસીઓ થઈ ગયા સાવધાન – પોલીસ ભરોસે રહેવા કરતા ખાનગી સિક્યુરીટીના સહારે…!


 • ટુંકાગાળામાં ચોકસી બજારની બે સોનીની દૂકાનોમાં ચોરી થતા ચોકસીઓમાં ચિંતા.
 •  કેટલીક દૂકાનોમાં સી.સી.ટી.વી કેમેરા પણ લગાવાયા..!

ઉમરેઠના ચોકસી બજારમાં બે-ત્રણ દિવસ પહેલા દશા ખડાયતાની વાડી પાસે એક સોનીની દૂકાનના તાળા તોળી ચોર આખી ને આખી તિજોરી ઉઠાવી ગયા, જોયું ને ચોર પણ કેટલા આળશું થઈ ગયા છે..? તિજોરી તોળવાની પણ તસ્દી નથી લેતા..! ઉમરેઠના ચોકસી બજારમાં ચોરીનો આ બીજો બનાવ બન્યો છે આ પહેલા પણ લગભગ ચાર-પાંચ મહિના પહેલા મોચીવાડમાં એક સોનીની દૂકાનમાં ચોરી થઈ હતી. ચોરોની નજર હવે સોનીઓ ઉપર છે તેમ કહીયે તો ખોટું નથી પણ તેનો અર્થ તેમ પણ નથી કે ચોકસીઓએ ચિંતા કરવા જેવું નથી કદાચ આ ચોર પ્રેક્ટીસ સોનીની દૂકાનમાં કરેને ખરી ધાડ ચોકસીની દૂકાનમાં પાડે તો…?

ચર્ચાઈ રહ્યું છે કે, ખુબ જ ટુંકા ગાળામાં ઉમરૅઠના ચોકસી બજારના બે સોનીની દૂકાનોના તાળા તુટ્યા હોવા છતા ઉમરૅઠ પોલીસ હજૂ પણ બગાસા ખાઈ રહી છે. એક સોનીની દૂકાનમાં થી વધુ માલ ચોરાયો હોવાથી તેને પોલીસ ફરિયાદ પણ કરી હતી જ્યારે તાજેતરમાં ચોકસી બજારના જે સોની ને ત્યાં ચોરી થઈ હતી તેને કાંઈ ખાસ નુકશાન ન હોવાથી તેને ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું શંભળાઈ રહ્યું છે. પરંતું એક વાત ચોક્કસ છે કે ઉમરૅઠના હાર્દસમા ચોકસી બજારમાં ચોરો પોતાની ચાલાકી બતાવે તેના થી શરમની વાત ઉમરેઠ પોલીસ માટે બીજી કોઈ નથી.

ચોકસી બજારના વહેપારીઓ પોતાની દૂકાન સાથે કોઈ આવો બનાવ ન બને તે માટે અગમચેતી દાખવી રહ્યા છે,કેટલાક ચોકસી બજારના દૂકાનદારોએ સી.સી.ટી.વી કેમેરાથી પણ પોતાની દુકાનને સુરક્ષીત કરી દીધી છે. ચોકસી બજારની સુરક્ષા માટે હવે પ્રાઈવેટ સિક્યુરીટીનો સહારો લેવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમરૅઠ પોલીસની કાર્યક્ષમતા ઉપર આ તમાચો હોય તેમાં કોઈ બે મત નથી. છેલ્લા કેટલાય સમયથી ઉમરૅઠમાં ચોરીના બનાવો બની રહ્યા છે પરંતું પોલીસ હાથ ઉપર હાથ રાખી બેસી જ રહે છે, લાગે છે ઉમરેઠ પોલીસને ઓડ ચોકડી ઉપર વાહન ચાલકોના મેમા ફાટવા માંજ રસ છે.

ઉમરેઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન


પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ નહી થાય તો ભવિષ્યમાં અચોક્કસ મુદતના ઉપવાસની ચીમકી

ઉમરૅઠ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના વિરોધમાં ઉમરૅઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના સભ્યોએ પાલિકા કંપાઊન્ડમાં ધરણા – ઉપવાસ આંદોલન છેડ્યું હતું. આ સમયે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના મુકેશભઈ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે જેથી ભ્રષ્ટાચારી શાશકોની આંખો ખુલે તે માટે તેઓ દ્વારા પ્રતિક ઉપવાસનું આંદોલન પાલિકા સામેજ કરવામાં આવ્ય્ં હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કેટલીય વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતા પરિનામ ન મળ્યુ હોવાને કારણે આ પગલું ભરવાનો વારો આવ્યો છે જ્યારે આવનારા સમયમાં પણ પાલિકા માંથી ભ્રષ્ટાચાર જળમૂળમાંથી નહી ઉખડે તો અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન કરવામાં પણ ઉમરૅઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ ખચકાશે નહી. સદર ઉપવાસ આંદોલનમાં ઉમરેઠના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ ગાભાવાળા સહીતના નગરજનો અને વકીલો પણ જોડાયા હતા અને પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કડવું પ્રવચન


જ્યાં સુધી દેશમાં ચુંટણી પ્રક્રીયામાં ધરખમ ફેરફાર નહી થાય. પ્રજા પૈસા લીધા વગર યોગ્ય ઉમેદવારને મત નહી આપે ત્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી નથી ને નથી…! જનલોકપાલ બીલ આવશે કે નહી આવે પેટ્રોલના ભાવ ૭૦ જ રહેવાના છે. ગેસનો બાટલો ૪૧૩ માંજ મળવાનો છે. રોજગારી ની તકો વધવાની નથી. હાલમાં દેશમાં પ્રાથમિક જરૂરિયાતો ઉભી કરવાનો સમય છે. રસ્તા,પાણી,વિજળી જેવા પ્રશ્નોની ભરમાર છે.

ભ્રષ્ટાચારી નેતાઓને ભ્રષ્ટાચાર કરવા લાયક કોણ બનાવે છે…? શીલા દિક્ષીત ગમે તેમ કરી દિલ્હી માંથી… સોનીયા અમેઠી માંથી કેમ જીતી ને જ બહાર આવે છે…? જ્યાં સુધી પ્રજા ચુંટણીના સમયે પરિપક્વતા નથી બતાતે ત્યાં સુધી દેશ નું ભલું થવાનું નથી. બધાને ખબર છે. દેશમાં ગરીબો વધારે છે અને ગરીબોને આ ભ્રષ્ટનેતા રૂપિયાથી ખરીદી વોટ બેન્ક બનાવે છે અને બનાવતા રહેવાના જ અત્યારે જેમ આપણે અન્નાની પડખે છે તેમ ચુંટણીના સમયે પણ અન્નાજીના ખાતીર યોગ્ય ઉમેદવારને મત આપીશું તો અન્નાજી જેવા લોકોને આ ઉંમરે દેશ માટે આટલી મુશ્કેલી સહન કરવાનો વારો નહી આવો….

…બસ તમારા મતની કિંમત સમજો અને બીજાને તેમના મતની કિંમત સમજાવો , લાંચ આપશો નહી અને લાંચ લેશો નહી…! બસ આપો આપ બધુ સારૂં થઈ જશે , નથી આંદોલન ની જરૂર કે નથી રેલી કે દેખાવ કરવાની જરૂર…! જય હિંદ

ઉમરેઠમાં અન્ના હજારેના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજાઈ (EXLUSIVE VIDEO)


સમગ્ર દેશમાં અન્નાના સમર્થનમાં દેખાવ અને આંદોલન થઈ રહ્યા છે,ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ અન્ના હજારે અને જન-લોકપાલ બીલના સમર્થનમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના પંચવટી વિસ્તારમાં યુવા એકત્ર થઈ કેન્ડલ માર્ચ કરી નગરમાં ફર્યા હતા અને જન-લોકપાલ બીલની સરકાર દ્વારા મંજૂરી મળે તેવી માંગ કરી હતી.યુવાનોએ અન્નાની ધરપકડ કરનાર સરકારની આલોચના કરી સરકાર જન લોકપાલ બીલ મુદ્દે સકારાત્મક અભિગમ દાખતે તેવું આહ્વાન કર્યું હતું. ઉમરેઠમાં શાંતિપૂર્ણ નિકળેલ કેન્ડલ માર્ચમાં સ્વયંમ લોકો જોડાયા હતા અને અન્નાજીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે આવનારા દિવસોમાં સરકારનું વલણ કેવું રહેશે તે જોવાનું રહ્યું.

વધુમાં ઉમરેઠમાં અન્નાના સમર્થનમાં નિકળે રેલીમાં ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશ પક્ષના આગલી હરોળના કેટલાક નેતાઓએ ભાગ લીધો હતો અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા જ્યારે આજ રેલીમાં ઉમરેઠ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારોની વિગતો સાથે એક નનામી પત્રિકા ફરતી કરવામાં આવી હતી જેને લઈ મોટી અસમંજસની સ્થિતી પેદા થઈ હતી. એક તરફ પાલિકાના સત્તા પક્ષના સભ્યો રેલીમાં હતા અને તેજ રેલીમાં પાલિકા વિરૂધ્ધ ની પત્રિકાઓ ફરતી થતા પ્રજા અનેક ચર્ચાઓ કરી રહી છે. ત્યારે અન્નાના મુદ્દે કેન્દ્રમાં રાજકારણ રમાતું હોય કે ન હોય પણ ઉમરેઠમાં તો અન્નાના નામે રાજકારણ રમવામાં આવતું હોય તેમા કોઈ બે મત નથી તેમ પ્રજાજનો ચર્ચા કરી રહ્યા છે.

ઉમરેઠમાં અન્નાના સમર્થનમાં નિકળેલ રેલી ગામના વિવિધ ભાગોમાં ફરી હતી ત્યારે તેનું સમાપન પંચવટી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ સમયે રામધૂન કરી સૌ કોઈએ સરકારને સદબુધ્ધિ આવે અને જનલોકપાલ બીલની બહાલી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉમરેઠની નવા-જૂની


 • ઉમરેઠમાં આજે અન્નાના સમર્થનમાં કેન્ડલ માર્ચનું આયોજન પંચવટીથી કરવામાં આવ્યું છે. કેન્ડલમાર્ચ નગરના વિવિધ વિસ્તારમાં ફરશે.
 • UIDAI યોજના અંતર્ગત “આધાર” પ્રોજેક્ટના આઈ.ડી.કાર્ડની કામગીરી ઉમરૅઠમાં શરૂ થઈ ગઈ છે. તમારૂં આઈ.ડી.કાર્ડ કઢાવવા માટે ચુંટણી કાર્ડની ઝેરોક્ષ, રેશનકાર્ડની ઝેરોક્ષ સાથે બજાર સમિતિના મેડા ઉપર પહોંચી જાવ. ક્યાં સુધી આ કામગીરી ચાલશે તે ખ્યાલ નથી, રવીવારે પણ આ કામગીરી ચાલું જ હોય છે.
 • ઉમરેઠમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજાની અવર-જવર ચાલુ જ છે. મેઘરાજાએ ઉમરેઠમાં તાજેતરમાં નવા બનેલા રસ્તાની પોલ ખોલી નાખી છે. નગરના વાંટા-કસ્બા વિસ્તારમાં રસ્તા બહાર સળીયા આવી ગયા હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે.

ઉમરેઠમાં સ્વતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી


ઉમરેઠમાં સ્વતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરની સરકારી કચેરીઓ અને સ્કૂલોમાં ધ્વજવદન કરવામાં આવ્યું હતુ જેમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નગરની તાલુકા પંચાયત સ્કૂલ ખાતે પ્રમુખ ભૃગુરાસિંહ ચૌહાણના હસ્તે, મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રી દિપીકાબેન પંચાલના હસ્તે તેમજ નગરપાલિકામાં ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે ન્યાયસંકુલમાં સિવિલ જજશ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટૅશનના સ્ટાફ સહીત વકીલ મંળડના સભ્યો પણ ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠની વિવિધ સ્કૂલોમાં પણ ઉત્સાહભેર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એચ.એમ.દવે સ્કૂલમાં નગરના અગ્રની રસીકભાઈ બાવાવાળાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઉમરેઠની શ્રી સરસ્વતિ શીશુ વિદ્યાલય, જ્યુબિલિ સ્કૂલ, નગરપાલિકા સ્કૂલમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને દેશ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

બાગની જગ્યાએ શોપિંગ સેન્ટર – સરદાર ગુર્જરી ૧૨.૮.૨૦૧૧


યમુનાજી ક્વિઝ – પ્રશ્નપત્ર – YAMUNAJI QUAZ – UMRETH


યમુનાજી ક્વિઝના પ્રશ્નો જોવા માટે અહિયા ક્લિક કરો.   

YAMUNAJI QUAZ – UMRETH

ઉમરેઠ નગરપાલિકા દ્વારા વોર્ડનં.૮ના રહીશો માટે મફત મેડીકલ કેમ્પ યોજાયો.


ઉમરેઠ નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૮ના રહીશો માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વોર્ડ નં.૮ના રહીશોના સ્વાસ્થયની તપાસ કરવામાં આવી હતી. કેમ્પનો લાભ લેનાર તમામ લોકોના એક્સ-રે પાડવામાં આવ્યા હતા તેમજ લોહીના નમુના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે આ મેડીકલ ટેસ્ટના રીપોર્ટ જે તે વ્યક્તિને ઘરે બેઠા મફત પહોંચાડવામાં પણ આવનાર છે. ઉપરોક્ત કેમ્પનો લાભ માત્ર વોર્ડ નં.૮ના રહીશોને મળતો હોવાને કારણે અન્ય વોર્ડના લોકોમાં રોષ છે ત્યારે આ અંગે નગરપાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ ઉપરથી જેમ આદેશ આવે તેમ આ મેડીકલ કેમ્પ યોજવાના હોય છે, આવનારા દિવસમાં આ મફત મેડીકલ કેમ્પનો લાભ નગરના અન્ય વોર્ડના રહીશો ને પણ મળશે.

ઉમરૅઠ ઉપર મેઘરાજા મહેરબાન – બે દિવસથી સતત વરસાદ


 • ખેડૂતોમાં ખુશીની લહેર , વાતાવરણમાં ઠંડકતાથી પ્રજાએ લીધો રાહતનો શ્વાસ..!

ઉમરેઠ નગરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મહેરબાની કરતા ખેડૂતો સહીત નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. સીઝનનો સૌથી સારો આ બે દિવસમાં પડ્યો હોવાનું જણાઈ રહ્યું છે. વધુમાં સારા વરસાદની રાહ જોતા ખેડૂતો પણ પોતાના ખેતરોમાં ધામા નાખી વાવણી કરી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલ ઉમરૅઠના નગરજનોને વરસાદને કારણે ઠંડકતાનો અહેસાસ થયો છે.

ઉમરેઠમાં બે દિવસથી થતા વરસાદને કારણે પ્રજા ખુશ તો છે જ પરંતું રસ્તા ઉપર કેટલાક વિસ્તારોમાં પાણીના ભરાવાને કારણે રાહદારીઓ ત્રસ્ત પણ થઈ ગયા હતા. ખાસ કરીને ઉમરૅઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે દૂધની ડેરી વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો તેમજ વડાબજાર ભદ્રકાળી મંદિર અને અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે મોસમનો સૌથી સરસ વરસાદ થતાની સાથે છત્રી, રેઈનકોટ અને પ્લાસ્ટીકની ચાદરો વેચનારાઓને પણ લાંબાગાળા પછી ગ્રાહાકીનો સ્વાદ માણવા મળ્યો હતો.

એકંદરે ઉમરેઠમાં ઈચ્છનિય વરસાદનું આગમણ થતા લોકો ખુશ ખુશાલ થઈ ગયા હતા તેમાં પણ ખાસ કરીને ધરતીપૂત્રોમાં અનેરી આનંદની લાગણી જોવા મળી હતી. જ્યારે વરસાદની સાઈડ ઈફેક્ટથી બચવા સંભવીત રોગચાળાને નાથવા પાલિકા તંત્ર કસરત કરે તે જરૂરી છે અને નગરમાં ફોગિંગ મશીન થી દવાનો છંટકાવ કરે તે પણ ખુબ જરૂરી હોય તેમ લાગી રહ્યું છે.

With Friends @ જાબુંઘોડા રીસોર્ટ – HAPPY FRIENDSHIP DAY…


મિત્ર દર્શનને ત્યાં થોડા દિવસ પહેલા પ્રસંગમાં બધાજ મિત્રો ભેંગા થયા,  અને બધા એક દિવસ ક્યાંક પીકનીક માટે જવાનું નક્કી કર્યું. આમતો બધાજ દિવસ આપણા માટે તો, ફ્રેન્ડશીપ-ડે જેવા જ છે, છતા પણ આજે ફ્રેન્ડશીપ-ડે ની ગરીમાને ધ્યાનમાં રાખી ૧૫મી ઓગષ્ટના દિવસે જાબુંઘોડા રીસોર્ટમાં પીકનીક યોજવાની જગ્યાએ આજે ૭મી ઓગષ્ટને ફેન્ડશીપ-ડેના દિવસે નક્કી કરી દીધી. છેવટે મિત્ર ટીકું હિરેન અને જયના આયોજન પાર પડ્યું ખરૂં..! થોડા મિત્રોને તેમના અંગત આયોજનોમાં ફેરફાર કરવા પડ્યા પણ બધુજ સરસ રીતે ગોઠાવાઈ ગયું ખરૂં તેનો આનંદ છે. જોઈયે હવે શું થાય છે. જાબુંઘોડા રીસોર્ટમાં…!

આમ તો છેલ્લા કેટલાય સમયથી હું અને મિત્ર મિતેષ જ ઉમરેઠમાં રહ્યા છે. અને અમે બંન્ને તો લગભગ દિવસમાં એક વારતો મળીયે છે જ પણ બાકી બધા પોતાના નોકરી ધંધા અર્થે અમદાવાદ,આણંદ,વડોદરા જેવા શહેરોમાં ચાલ્યા ગયા છે. સારા નરસા પ્રસંગે બધા મિત્રો મળીયે છે, નાની મુલાકાતો, ટુંકી વાતો બસ પછી પોતપોતાના કામ ધંધે છતા પણ કામના સમયે અચુક બધા પોતપોતાના કામ ધંધા છોડી મિત્રો પાસે આવી જાય છે તેમ કહીયે તો અતિરેક નહી હોય નઈ..!?

(standing Left To Right) Ankit shah, Hiren Shah, Mitesh Bhavsar,Vivek Doshi (seating left to right) Ravish Bhavsar, Brijesh Shah,Nishant Shah,Hiren Shah(TIKU),DArshan Shah

મિત્રનો સબંધ જે એક માત્ર તેવો સબંધ છે, જેની પસંદગી કરવાનો હક્ક ભગવાન આપણે આપ્યો છે.પરિવાર પણ આપણે ભગવાન ની મરજીથી મળે છે. શેરી,મહોલ્લા અને ગામ મા આપણે કેટલાય મિત્રો મળે છે કેટલાય હાય હેલ્લો કરી આગળ જાય ,કેટલાય કામપુરતી વાતમા આપણી સાથે રહે છે તો કેટલાક સુખ દુઃખમા હંમેશા આપણી સાથે રહે છે. આવા મિત્રો નસિબદાર લોકોને મળે છે.મારી પાસે આવા એક બે નહી પણ આઠ મિત્રો છે એટલેજ હુ કહુ છું…….હું મિત્રોના મામલે માલદાર છું.

ચાલો ત્યારે ફરી મળીશું , વાંચતા રહો “આપણું ઉમરેઠ” બધા જ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશીપ ડે.

તાઢીશેર..


તાઢીશેર…શબ્દ પણ જોરદાર છે. આજે વડા,પૂરી અને બાસુંદી ખાવાનો મહીમા પણ ઠંડા અને વાસી…! આજે ખાવા માટે ગઈકાલે હોંશે હોશેં વડા,પૂરી અને શાક લગભગ બધાની ઘરે એક જ તળેલા ઘીલોડાનું શાક બની ગયા હતા…! તહેવારો અને માન્યતાઓ પણ જબરી હોય છે, કાંઈ વાસી ખાવા માટે પણ કોઈ તહેવાર હોય …? પણ વર્ષોથી આજ પ્રથા ચાલું છે એટલે આપણે અનુસરવી જ પડે છુટકો જ નથી..!આજે બધુ જ ઠંડુ ખાવા-પીવાનું..અરે નાહ્વાનું પ ઠંડા પાણીએ..!

..બસ ત્યારે વડા,પુરી બાસુંદી ખાધા પછી સ્વભાવિક રીતે આળાશ ચઢે,એટલે બહું નથી લખવું..તમે વળગો તમારા કામે હું વળગું મારા કામે..

હેપ્પી તાઢીશેર

ઉમરેઠમાં શ્રાવણમાસ દરમ્યાન શિવાલયોમાં ભક્તોનો ધસારો.


કહેવાય છે શ્રાવણ માસ એટલે શિવ પાર્વતીની આરાધનાનો માસ. આ સમય દરમ્યાન શિવ પાર્વતીની ભક્તીનું અનેરુ મહત્વ હોય છે. ઉમરેઠ ખાતે આવેલા વિવિધ શિવાલયોમાં છેલ્લા કેટલાય દિવસ થી શ્રાવણમાસ દરમ્યાન ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે.સવારથી નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા મૂળેશ્વર મહાદેવમાં સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રઘ્ધા સાથે ભોળા શંભૂના દર્શને આવી જાય છે.બિલી પત્રો સાથે મહિલાઓ શંકર-પાર્વતીની આરાધના કરતા જોવા મળે છે.સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.ઉમરેઠના મુળેશ્વર મહાદેવનગરમાં ભક્તિનું કેન્દ્ર સ્થાન છે અહી દર વર્ષે અષાઢ સુદ-૨ના દિવસે ઐતિહાસિક અષાઢી તોલવામાં આવે છે.મહાદેવમાં આવેલા એક ચમત્કારી ગોખમાં ધાન્યો મુકી ફરી બીજા દિવસે તેને તોલવામાં આવે અને તેમા થતા ફેરફારને અષાઢી કહે છે.

વઘુમાં ઉમરેઠનગરના પંચવટી વિસ્તારમાં આવેલ મહાદેવ પણ લોકો મોટી સંખ્યામાં સવારથી ઉમટી પડે છે. મહાદેવમાં હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ શંભૂમય બની જાય છે.નગરના જાગનાથ ભાગોળ વિસ્તારમાં વાણીયાઓએ બનાવેલ ઐતિહાસિક જાગનાથ મહાદેવમાં પણ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે.આ વિસ્તારમાં કેટલીક સમયે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.એકંદરે શ્રાવણમાસ દરમ્યાન ઉમરેઠના વિવિધ મહાદેવમાં શંકર-પાર્વતીની આરાધના સાથે નગરના વૈષ્ણવ મંદિરો , સ્વામિનારાયણ મંદિર તેમજ પગલા મંદિરમાં પણ વિવિધ મનોરથ અને હિંળોડા ઉત્સવ ઉજવામાં આવી રહ્યા છે. સમગ્ર ઉમરેઠ જાણે ભક્તિના વાતાવરણમાં તરબોતરબ થઈ ગયુ હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

%d bloggers like this: