આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2019

જાણો ઉમરેઠ વિધાનસભા બેઠક પર કયા બુથમાં કેટલું મતદાન થયું..?


તમામ બુથ ના મતદાન ની વિગત જાણવા અહીયા ક્લિક કરો.

ઉમરેઠમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાયો


ઉમરેઠમાં ઈવીએમ મશીન ખોટકાયું 
evm_khotkayu.jpg
ઉમરેઠમાં મહીકેનાલ ખાતે આવેલા મતદાન બુથ ૪૫/૨૯૪ ખાતે ઈવીએમ મશીન ખોટકાયું હતુ જેને પગલે મતદારોએ લગભગ સવા કલાક સુધી મતદાન કરવા માટે રાહ જોવી પડી હતી. ભારે જહેમત બાદ ઈવીએમ મશીન સવા કલાક પછી શરૂ થતા રાબેતા મુજબ મતદાન શરૂ થયું હતું.
 
રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાએ મતદાન કયું
photo01.jpg
 – સવારે ઘરે પુજા અર્ચના કર્યા બાદ ઉમરેઠ ખાતે પ્રાથમિક શાળાના મતદાન મથક ઉપર રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાએ મતદાન કર્યું હતું. 
 
ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે મતદાન કર્યું.
photo2.jpg
 
વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ચિખોદરા ખાતે મતદાન કર્યું હતુ અને ભાજપ જંગી બહુમતી થી આણંદ બેઠક જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 
 
સુરત થી ઉમરેઠ માત્ર મતદાન કરવા આવ્યો – મીહીર પટેલ
photo3.jpg
 
ઉમરેઠ મતદાન કરવા માટે યુવાનોમાં ખાસ્સો ઉત્સાહ દેખાયો હતો. સુરત નોકરી કરતા ઉમરેઠના મીહીર પટેલે મતદાન કર્યું હતુ. તેઓએ ઉમેર્યું હતુ કે છેક સુરત થી માત્ર વોટ આપવા ઉમરેઠ આવ્યો છું, મતદાન ની ફરજ બજાવી તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. 
 
૯૮ વર્ષના ત્રિભોવનભાઈ અને ૯૫ વર્ષના ડાહીબેને ખાનકુવામાં મતદાન કર્યું.
photo4.jpg
 
ઉમરેઠ પંથકમાં માત્ર યુવા મતદારોમાં જ નહી સિનિયર સીટીઝન મતદારોમાં પણ મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાયો હતો. ઉમરેઠ વિધાનસભા અંતર્ગત આવતા ખાનકુવા ગામે ૯૮ વર્ષના ત્રિભોવનભાઈ તેમજ ૯૫ વર્ષના ડાહીબેને મતદાન કર્યું હતું. તેઓએ ઉમેર્યુ હતુ કે માત્ર આજ ચુંટણીમાં નહી તમામ ચુંટણીમાં તેઓ અચુક મતદાન કરે છે. 

સંતરામ વડીલોના વૃંદાવન દ્વારા મગજના રોગોનો મફત કેમ્પ યોજાશે.


camp

ઉમરેઠ સંતરામ મંદિર સંચાલીત વડીલોના વૃંદાવન દ્વારા આગામી ૨૯.૪.૨૦૧૯ને સોમવારના રોજ સવારે ૧૧ થી ૫ કલાક સુધી મગજના રોગોના દર્દીઓ માટે મફત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નડીયાદની પાર્થ મગજની હોસ્પિટલની ટીમ દ્વારા સેવા આપવામાં આવશે કેમ્પમાં દર્દીઓને પાંચ દિવસની દવા પણ મફત આપવામાં આવશે. કેમ્પમાં અગાઉથી નામ નોંધાવવા માટે દિપકભાઈ ચોકસી, મહેશભાઈ (શંભુભાઈ),નવનીતભાઈ સોની,બીપીનભાઈ ચોકસીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે માત્ર ૫૦ દર્દીઓને લાભ આપવામાં આવશે જેથી અગાથી સંતરામ વડીલોના વૃંદાવનના ઉપરોક્ત સભ્યોનો ઉમરેઠ તેમજ આજુબાજુના ગામના લાભાર્થીઓને નામ નોંધાવવા જણાવ્યું છે.

ઉમરેઠ કોર્ટે ત્રણોલના વહેપારીને ચેક પરતના ગુન્હામાં ૧૦ માસની સજા ફટકારી.


1484299353_Cheque Bounce Case.jpg

ઉમરેઠના મે.જ્યુડીશલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ત્રણોલના વહેપારીને થામણાના વહેપારીને લખી આપેલ રૂ.એક લાખનો ચેક પરત ફરતા દશ માસની સાદી કેદની સજા ફટકારી ફરીયાદીને એક લાખ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો જેને પગલે ચે ને કાગળ સમજી હળવાશ થી લેતા લે-ભાગુ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ત્રણોલના કિરીટભાઈ મગનભાઈ ભટ્ટએ થામણાના રશ્મીકાંત મંગળભાઈ પટેલ પાસે તમાકુના ધંધામાં લેવડ-દેવડ પૈકી આપવાના એક લાખ પેટે ચેક લખી આપ્યો હતો જે ચેક રશ્મીકાંતભાઈએ બેન્કમાં ભરતા ઈન સફીસીયન્ટ બેલેન્સના રીમાર્ક સાથે પરત ફર્યો હતો જેને પગલે કીરીટભાઈએ સદર મુદ્દે ફરિયાદ લખાવી હતી જે કેસ ઉમરેઠ કોર્ટમાં ચાલ્યો હતો. તાજેતરમાં બંન્ને પક્ષના વકીલોની દલીલ શાંભળી ઉમરેઠ કોર્ટે  આરોપી કીરીટભાઈ ભટ્ટ રહે,ત્રણોલ નાઓને ક્રિ.પ્રો.કોડ ૨૫૫(૨) અન્વયે નેગો.ઈન્સ્ટુ એક્ટ મુજબ કલમ ૧૩૮ મુજબ ગુન્હામાં તકસીરવાર ઠેરવી દશ માસની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂ.એક લાખ ફરિયાદીને ચુકવવા હુકમ કર્યો હતો. ઉમરેઠ કોર્ટમાં છેલ્લા કેટલાક સમય થી ૧૩૮ના ગુન્હામાં ફટાફટ હુકમો થતા લે-ભાગુ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

ઉમરેઠમાં મધરાતે ગોડાઉનના તાળા તોડીને લાખોની મત્તાની કરાયેલી ચોરી


૧૧.૩૦ કલાકે જ ગોડાઉનમાં પાન-ગુટખા, સોપારી, સિગરેટનો માલ ઉતાર્યો હતો અને રાત્રીના ૧૨ થી ૨ની વચ્ચે થયેલી ચોરી : લાખોની મત્તાની થયેલી ચોરી જો કે હજી પોલીસ ફરિયાદ નહીં, માલ-સ્ટોકની ગણતરી બાદ ફરિયાદ દાખલ કરાશે

ઉમરેઠ શહેરના બસસ્ટેન્ડ પાસે આવેલા એક ગોડાઉનમાં ગઈકાલે મધરાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ તાળા તોડીને અંદરથી લાખોની મત્તાની ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે હજી સુધી કોઈ ફરિયાદ થવા પામી નથી પરંતુ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટીનુભાઈ ગાંધી ગુટખા, બીડી-સિગરેટ, સોપારી વગેરેનો હોલસેલ ધંધો કરે છે. બસસ્ટેન્ડ નજીક આવેલા પોલીસ સ્ટેશનની પાછળના શુભલ-મી શોપીંગ સેન્ટરમાં તેમનું ગોડાઉન આવેલુ છે. જેમાં ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓએ મંગાવેલો માલ આવી જતાં ગોડાઉનમાં ઉતારીને ઘરે ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને વિમલ, રજનીગંધા સહિત ગુટખા, સોપારી, સિગરેટો સહિતનો જથ્થો ચોરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે માલિક ગોડાઉન પર આવ્યા અને તપાસ કરી તો ચોરી થયાનુ માલુમ પડ્યુ હતુ. જેથી તેઓએ તુરંત જ ઉમરેઠ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ધરી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના ૧૧.૩૦ની આસપાસ ગોડાઉનમાં માલ ઉતાર્યા બાદ ૧૨ થી ૨ની વચ્ચે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જેથી આ ચોરીમાં કોઈ જાણભેદુનો જ હાથ હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

માલસ્ટોકની ગણતરી કર્યા બાદ કેટલાની ચોરી થઈ તે ખબર પડે

ચોરીની ઘટના સંદર્ભે ઉમરેઠ પોલીસનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે, કેટલાની મત્તાની ચોરી થવા પામી છે તે વેપારી દ્વારા ફરિયાદ આપવામાં આવે ત્યારબાદ જ ખબર પડે તેમ છે. વેપારી દ્વારા માલસ્ટોકની ગણતરી કર્યા બાદ ફરિયાદ આપવાનું જણાવ્યું છે. જો કે લાખો રૂપિયાની મત્તા ચોરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટી ખુલવા પામ્યું છે.

તસ્કરો આઈશર ટેમ્પો લઈને આવ્યા હતા

ઉમરેઠના ગોડાઉનમાંથી થયેલી લાખોની મત્તાની ચોરી સંદર્ભે પોલીસે હાથ ધરેલી તપાસમાં ગોડાઉનથી ત્રીજી દુકાને લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતાં તેમાં એક આઈશર ટેમ્પો ચોરી કરીને જતો દેખાય છે જેથી તસ્કરો આઈશર ટેમ્પામાં ગુટખા, સોપારી, સિગરેટોના થેલાઓ ભરીને ફરાર થઈ ગયા હતા.

 

એક તક ભાજપ ને…..


એક સમય હતો જ્યારે ભાજપ દેશમાં લોકસભાની માત્ર બે સીટ પર સીમીત હતુ અને સત્તા પર આવવા માટે “એક તક ભાજપને” સુત્ર સાથે મેદાનમાં હતુ. તે સમયે રામ મંદિર મુખ્ય મુદ્દો હતો, અત્યારે ભાજપને સત્તાનું સુકાન તો મળી ગયુ છે પણ રામ મંદિરનો મુદ્દાએ હજૂ પણ ભાજપના સંકલ્પ પત્રમાં પોતાનું સ્થાન મજબુત રીતે સ્થાપીત કર્યું છે, આશા તેવી પણ છે કે ૨૦૨૪ના લોકસભા ઈલેક્શનમાં આ મુદ્દો ભાજપના સંકલ્પ પત્રમાં નહી જ હોય. કોગ્રેસ પાસે થી સત્તાનું સુકાન મેળવવામાં ભાજપ ને ખુબ પરિશ્રમ કરવો પડ્યો જેને પગલે આજે એવો સમય આવી ગયો છે કે દેશમાં મોટા ભાગના રાજ્યો માં ભાજપ ની સરકાર છે અને કોગ્રેસ હવે લોકસભામાં ત્રણ આંકડામાં પણ પહોંચતુ નથી. અટલ બિહારી બાજપાઈ, મુરલી મનોહર જોશી તેમજ લાલ કૃષ્ણ અડવાની જેવા ભાજપના પાયાના નેતાઓ દ્વારા ભાજપનું વરચસ્વ સાબીત કરવા માટે રાત દિવસ એક પણ કર્યા, બાજપાઇ-અડવાની યુગમાં શાઇનીંગ ઇંન્ડીયા અને ફીલગુડ જેવા સુત્રો થી રાજનીતી ચમકાવવા અટલ બીહારી બાજપાઈના પ્રયાસો પણ સરહાનીય હતા. હવે અટલબીહારી બાજપાઇનો સ્વર્ગવાસ થઈ ગયો છે, અને લાલકૃષ્ણ અડવાની અને મુરલી મનોહર જોશી ૨૦૧૯ની ચુંટણીમાં કોઈ પણ જગ્યાએ ચર્ચામાં કે મેદાનમાં નથી, ઉમેદવાર તરીકે તો ઠીક પરંતુ પ્રચારક તરીકે પણ તે પોતાનું સ્થાન ગુમાવી બેઠા છે, ટુક મા હવે મોદી-શાહ યુગમાં ભાજપ સત્તાની ઉપલી હરોળ માં સ્થાન બનાવી પક્ષ ને મજબુત કરી દીધો છે. નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાશનમાં રાષ્ટ્રભાવના, હિંદુત્વ, સહીત સબ કા સાથ સબકા વિકાસ ના મુદ્દે પૂન: “ફીર એક બાર મોદી સરકાર” અને “નમો અગેઈન” જેવા સુત્રો સાથે નરેન્દ્ર મોદી અને અમીત શાહના યુગમાં ભાજપ ફરી સત્તાના સુકાન પ્રાપ્ત કરવા મેદાનમાં છે. ગાંધીનગર સીટ પર અમીત શાહ ની ઉમેદવારી તેઓને ભાજપમાં મોદીના અનુગામી તરીકે પ્રસ્થાપીત કરી દીધા છે, મોદી બાદ પણ જો ભાજપ સત્તા માં રહેશે તો પણ પ્રધાનમંત્રી ગુજરાતી જ હશે તેમા નવાઇ નથી. હાલમાં ભાજપનો સમય બળવાન છે પણ ઉમરેઠની ચોકસીની પોળ માં હજૂ પણ દેખાતુ ” એક તક ભાજપને” સુત્ર ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષને પોતાનો જૂનો સમય ચોક્ક્સ યાદ કરાવશે. #VivekDoshi #Umreth

૬૦ વર્ષની મહીલાના પેટ માંથી ૭ કીલોની ગાંઠ નિકળી..!


ઉમરેઠની બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરી ગાંઠ દૂર કરાઈ.

1111.jpg

ઉમરેઠની સંતરામ મંદિર સંચાલીત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલમાં આજે ૬૦ વર્ષની એક વૃધ્ધ મહીલાના પેટ માંથી લગભગ ૭ કિલોની ગાંઠ દૂર કરી તબીબોએ સદર વૃધ્ધ મહિલાને રાહત બક્ષી હતી. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ રાસનોલના કાશીબેન પરમારને છેલ્લા કેટલાય સમયથી પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ હતી જેના નિદાન માટે તેઓ ખાનગી હોસ્પિટલમાં દવા કરાવતા હતા આખરે તેઓ ઉમરેઠની સંતરામ મંદિર સંચાલીત જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા બાદ તબીબોએ તેઓના પેટમાં કેન્સર જેવી ગાંઠ હોવાનું જણાવી તેઓને ઓપરેશન કરાવી ગાંઠ બહાર કઢાવવા સલાહ આપી હતી જેને પગલે વૃધ્ધ મહીલાએ ઓપરેશન કરાવતા તબીબો દ્વારા સફળ રીતે સદર જટીલ ઓપરેશન પૂર્ણ કરી મહીલાને રાહત આપી હતી. આ અંગે ર્ડો.દર્શક પ્રજાપતિએ જણાવ્યું હતુ કે,સદર અંડાસયની ગાંઠ હતી જેનું વજન લગભર સાત કીલો હતુ હાલમાં દર્દીની તબીયત સુધારા પર હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

ઉમરેઠમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોગ્રેસને આડે હાથે લીધી – ૨૫૦ કોગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયા


– ચોકીદાર ચોર નથી , ચોકીદાર પ્યોર છે – વિજય રૂપાણી
– નરેન્દ્રભાઇ ના આવ્યા પછી વચેટીયા સાફ થઇ ગયા છે, દલાલ અને બેઇમાન લોકો ની દૂકાન બંધ થઇ ગઇ છે.
– આ વખત ની ચુંટણી માં એક તરફ રાષ્ટ્રવાદ અને એક તરફ પરિવારવાદ છે.
– શોશિયલ મિડીયા મા રાહૂલ મજાક બની ગયો છે.
– કોગ્રેસ આવશે તો ૩૭૦ ની કલમ દૂર નહી થાય
– કોગ્રેસ મા માત્ર ગાંધી પરિવાર ના જ વ્યક્તિ ઉચ્ચ હોદ્દે બિરાજે છે, ભાજપ મા ચા વાળો પણ પ્રધાન મંત્રી બને છે, અડવાની ને હાસિયા મા ધકેલ્યા તે નિવેદન અંગે રૂપાની એ જણાવ્યુ કે પહેલા કોગ્રેસ પોતાના પક્ષ નું જોવે ગાંધી પરિવાર વગર કોઇ ને પદ આપે….
– કોગ્રેસ ના ૨૫૦ કાર્યકરો ભાજપ માં જોડાયા

આણંદ લોકસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સોશિયલ મીડિયામાં સક્રિય


યુવા મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા રાજકીય પક્ષો માટે સોશિયલ મીડિયા મહત્વનું પરિબળ

લોકસભાની ચૂંટણીના પડઘમ ગાજયા બાદ રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકરો સોશિયલ મીડિયા પર સક્રિય બન્યા છે. પ્રવર્તમાન સમયમાં સોશિયલ વેબસાઇટના માધ્યમથી જન-જન સુધી પહોંચવાનું સરળ બન્યું છે. તેમાંયે ખાસ કરીને યુવા વર્ગને આર્કષવા માટે સોશિયલ સાઇટ મહત્વનું પરિબળ છે. ભાજપ દ્વારા સોશિયલ સાઇટનો ભરપૂર અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે બદલાતા સમયની સાથે તમામ પક્ષો સહિત અપક્ષો પણ સોશિયલ સાઇટની ઉપયોગીતા પર સક્રિયપણે ભાર મૂકી રહ્યા છે. તેમાંયે ચૂંટણી આડે હવે ૧૮ દિવસ બાકી રહ્યા હોવાથી તમામ મતદારોને રુબરુ મળવું શકય ન હોય ત્યારે સોશિયલ મીડિયા રાજકીય નેતાઓ માટે આર્શીવાદ સમાન છે તેમ કહી શકાય. તાજેતરમાં ફેસબુક દ્વારા કોંગ્રેસ અને ભાજપના ફેક એકાઉન્ટ ફેસબુક પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ફેક એકાઉન્ટની સંખ્યા વધુ હોવાનું દર્શાવે છે કે રાજકીય પક્ષો દ્વારા સોશિયલ સાઇટસને કેટલું વેઇટેજ આપવામાં આવે છે. 

આણંદ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ સોશિયલ સાઇટસ પર છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બન્યા છે અને મતદારોને રીઝવવા એડીચોટીનું જોર અપનાવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ (બકાભાઇ) ફેસબુક સહિત ઇન્સ્ટાગ્રામ પર પણ ખાસ્સા સક્રિય છે. તેઓ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદથી ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું, હાલમાં વિવિધ ગામોમાં રોડ શો સહિત ચૂંટણી પ્રચારની રજેરજની માહિતી સોશિયલ મીડિયામાં અપડેટ કરી રહ્યા છે. બીજી તરફ યુવા મતદારોને આર્કષવા ભાજપનું આઇ.ટી.સેલ સક્રિય છે. જેમાં ભાજપ દ્વારા કરાયેલ કામો અને વિવિધ યોજનાઓની માહિતી જન,જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આણંદ બેઠક પર યુવા મતદારોની સંખ્યા વધુ પ્રમાણમાં હોવાથી સોશિયલ મીડિયાથી આ મતદારોને સતત સંપર્ક જાળવવા સાથે તેઓને આકર્ષી શકાતા હોવાની બાબત પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મિતેષભાઇ પટેલ અને આણંદ લોકસભા નામથી ફેસબુક એકાઉન્ટ સહિત ફેશબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ પર પણ તેઓનું એકાઉન્ટ છે. તમામ સોશિયલ મીડિયાના તેઓના એકાઉન્ટ પેજ સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. એક તરફ ભાજપ સોશિયલ મીડિયા પર અગ્રેસીવ છે ત્યારે કોંગ્રેસ પણ સમયની માંગને અનુસરીને સોશિયલ મીડિયામાં સક્રિયતા દર્શાવી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસના આણંદ લોકસભાના ઉમેદવાર ભરતભાઇ સોલંંકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત ટવીટર પર પણ સક્રિય છે. તેઓ નિયમિત રીતે પોતાના પક્ષની, લોકસંપર્કની વિગતો ફેસબુક અને ટવીટર પર અપડેટ કરી રહ્યા છે. ગત લોકસભાની તુલનામાં કોંગ્રેસ સોશિયલ મીડિયામાં ખાસ્સી સક્રિયતા દાખવી રહ્યું છે અને યુવા મતદારોને આર્કષવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં હરીફ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે રસાકસી પણ જોવા મળે છે. એક પક્ષ દ્વારા મૂકાતી નકારાત્મક પાસાં સામે સોશિયલ મીડિયામાં વળતા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જશે તેમ તેમ ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવામાં કોઇ કસર દાખવવામાં નહીં આવે તે સ્વાભાવિક છે.

ફેસબુક કવર ફોટોમાં બંને ઉમેદવારો દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વને સ્થાન

bjpcongress

આણંદ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટના કવર ફોટોમાં નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહના ફોટાને સ્થાન અપાયું છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ પણ પોતાના ફેસબુક પર કવર ફોટોમાં ાહુલ ગાંધીના ફોટા સાથેની પોતાની તસ્વીર મૂકી છે. જેથી કહી શકાય કે બંને પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય નેતૃત્વને આગળ કરીને પણ યુવા મતદારોને આર્કષવાના પ્રયાસો થઇ રહ્યા છે.

ઉમરેઠ – સર્વોદય સોસાયટી બહાર ભંગાર ભરેલો ટેમ્પો પલ્ટી માર્યો – ડ્રાઈવરનો બચાવ


tempo01tempo2

ગત મોડી રાત્રીના ઉમરેઠની સર્વોદય સોસાયટી બહાર ભંગાર ભરેલો આઈશર ટેમ્પો પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે સદર અકસ્માતમાં ડ્રાઈવરનો અદભુત બચાવ થયો હતો. ટેમ્પો ઉમરેઠ થી ડાકોર તરફ જઈ રહ્યો હતો તેવામા પલ્ટી મારતા આજૂબાજૂ ઉભેલા લોકો આવીને ડ્રાઈવરને ટેમ્પાની બહાર નિકાળ્યો હતો.

ઉમરેઠ પાસે રઘાપુરામાં ખેતરમાં મગર દેખાયો..!


magar.jpg

ઉમરેઠ તાલુકાના શીલી તાબે આવેલા રઘાપુરામાં એક ખેતરમાં મગર દેખાતા સ્થાનીકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગ તેમજ દયા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા સંયુક્ત રીતે મગરને પકડીને સલામત રીતે મલાતજ ગામના તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે ઉનાળામાં તળાવમાં પાણી ઓછુ થતા મગર ખેતર તરફ પાણીની શોધમાં સ્થળાંતરીત થયો હશે, દયા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા આવા કોઈ જીવ દેખાય તો તેઓની ટીમને મો.9824194196 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

ઉમરેઠ – શ્રી વારાહી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજનો.


VARAHI MATA.jpg

ઉમરેઠના ઐતિહાસીક વારાહી માતાજીના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રી વારાહી માતાજીનો ૨૬૧મો પ્રાગટ્ય પર્વ હોવાની કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, દરોજ્જે રાત્રે ૭ થી ૮ કલાકે ચંડીપાઠ રાખવામાં આવ્યા છે તેમજ તા.૧૩.૪.૨૦૧૯ને શનિવારના રોજ સન્માન કાર્યક્રમ યોજાશે ઉપરાંત નિત્ય ધાર્મિક કાર્યક્રમ દરોજ્જે રાત્રે ૯ કલાકે યોજાશે જેમાં ૬.૪.૨૦૧૯ના રોજ સુંદરકાંડ પાઠ, તા.૭.૪.૨૦૧૯ના રોજ શ્રી હરિ ભજન મંડળનું ભજન, તા.૮.૪.૨૦૧૯ના રોજ ગંગાપુરા ભજન મંડળ દ્વારા ભજન, તા.૯.૪.૨૦૧૯ના રોજ આનંદ નો ગરબો, તા.૧૦.૪.૨૦૧૯ના રોજ જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર,તા.૧૧.૪.૨૦૧૯ના રોજ પ્રફુલભાઈ હિંગુનો લોક ડાયરો,તા.૧૨.૪.૨૦૧૯ના રોજ સિરાજ રંગવાળાનો હાસ્ય દરબાર, તા.૮.૪.૨૦૧૯ ના રોજ સાંજે ૫ કલાકે સત્યનારાયણ ની પુજા રાખવામાં આવી છે. આ તમામ ધાર્મિક આયોજન નો લાભ લેવા પ્રમુખ સુરેશભાઈ જોષીએ જણાવ્યું હતુ.

ઉમરેઠ – ભાજપના ઉમેદવાર મિતેષ પટેલનો લોકસંપર્ક કાર્યક્રમ


BJP01BJP02

આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ (બકાભાઈ) દ્વારા આજે ઉમરેઠ તાલુકામાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો સવારે ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીજીના દર્શન કરી તેઓએ લોક સંપર્કની શરૂઆત કરી હતી જેમાં ઉમરેઠ વિધાનસભાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં તેઓએ લોક સંપર્ક કર્યો હતો જ્યારે બપોરે અઢી કલાકે ઉમરેઠ ખાતે રોડ શો યોજાયો હતો નગરના વિવિધ વિસ્તારમાં તેઓ પોતાના કાર્યકરો સાથે ફર્યા હતા આ સમયે જિલ્લા ભાજપના પદાધીકારીઓ સહીત ઉમરેઠ શહેર અને તાલુકા ભાજપના પદાધીકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા તેઓનું ઠેર ઠેર નગરજનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.