આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2019

બેચરી પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયું


ઉમરેઠ તાલુકાના બેચરી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૫૪૨ વિદ્યાર્થીઓને ગામના કાન્તીભાઈ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું, તેઓએ જણાવ્યું હતુ કે શાળાના બાળકો શિયાળામાં તંદુરસ્ત રહી શકે અને સવારે ઠંડીમાં સ્કૂલે શરળતા થી આવી શકે તે માટે સ્વેટર વિતરણ કર્યું હતુ આ પહેલા તેઓ દ્વારા શાળામાં નોટબુક, વોટર કુલર પણ સુપ્રત કર્યું હતુ જ્યારે આગામી દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપવાનું પણ આયોજન છે. કાન્તીભાઈના સદર કાર્યને બિરદાવતા શાળા પરીવારએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ – સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને “સફાઈ કામદાર” ના પાઠ ભણાવાય છે.


 

ઉમરેઠ તાલુકામાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાસે અવાર નવાર સાફ સફાઈ કરાવવાના કિસ્સા વધી રહ્યા છે. વાલીઓ વિદ્યાર્થીઓને શાળામાં ભણવા માટે મોકલે છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે શાળાના સંચાલકો દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાની બુમો પડી રહી છે ત્યારે આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સફાઈ કામદાર બનતા અટકાવવામાં આવે તેવી માંગ પ્રવર્તમાન બની છે.ઉમરેઠ નગરની સરકારી સ્કૂલોમાં તાજેતરમાં જ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાના સમાચાર ઉજાગર થયા હતા ત્યારે હવે ઉમરેઠ તાલુકાના દાગજીપુરાની સરકારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે, ઉલ્લેખનીય છે કે સાફસફાઈ કરતા સમયે વિદ્યાર્થીઓનું સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવતુ નથી વિદ્યાર્થીઓ માટે હેન્ડ ગ્લોઝ કે અન્ય સુરક્ષા સાધનો પણ નદારત હોય છે, બીજી બાજૂ વિદ્યાર્થીઓને “સ્વચ્છતા” ના પાઠનો ઓવર ડોઝ આપવામાં આવતો હોવાનું જાણ થતા વાલીઓમાં વ્યાપક રોષની લાગણી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે સૂત્રોના જણાવ્યા મુજબ શાળામાં સાફ સફાઈ માટે અલગ થી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતા પણ વિદ્યાર્થીઓ પાસે શા માટે સાફ સફાઈ કરાવવામાં આવે છે તે વાલીઓ આક્રોશ સાથે પુછી રહ્યા છે.

ઉમરેઠ – ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર લોકો સામે પોલીસમાં અરજી


પોલીસે કાર્યવાહી કરતા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારમાં ફફડાટ

ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમય થી યુવાધન મોજશોખ સહીત ધંધા માટે ઉંચા વ્યાજે પૈસા લઈ રહ્યા હતા. આખરે મુડી થી પણ વધુ વ્યાજ ચુકવીને પણ દેવા નીચે રહેતા એક વ્યક્તિએ આખરે વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ઉમરેઠ પોલીસ હરકતમાં આવી હતી અને વ્યાજખોરોને પુછપરછ કરવાની શરૂઆત કરતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, નગરના બે યુવાનો ધ્વારા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરૂધ્ધ અરજી થઈ હતી જેમાં કેટલાક નામોના ઉલ્લેખ પણ હતા બંન્ને યુવાનો ની અરજીમાં કોમન નિકળતા નામો વાળા વ્યક્તિને ઉમરેઠ પોલીસે પુછ પરછ કરી હતી.

નંદાલય હવેલી ખાતે શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપામૃતનો વૈષ્ણવોએ લાભ લીધો.


nandalay.jpgજગદગુરૂ પંચમપીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજની આજ્ઞાથી તથા આહિતાગ્રી ગો. શ્રીદેવકીનંદજી મહોદયના સાનિધ્યમાં પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાંઈજીનો ૫૦૫માં પ્રાગટ્ય મહોત્સવના ભાગરૂપે શ્રી નંદાલય હવેલી વિદ્યાનગર ખાતે પુષ્ટી માર્ગીય મર્મજ્ઞ શ્રી કૃષ્ણદત્તભાઈ શાસ્ત્રીજીના વક્તા પદે શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપામૃત રસપાનનું આયોજન તા.૧૭ ડીસેમ્બર થી ૧૯ ડીસેમ્બર સુધી બપોરે ૩.૩૦ થી ૬.૩૦ કલાકે કરવામાં આવેલ છે. સદર આયોજનનો વૈષ્ણવોને લાભ લેવા જણાવેલ છે. બીજી બાજૂ ઉમરેઠમાં પણ શ્રી ગુંસાઈજીના ૫૦૫માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી યોજાનાર છે જેમાં તા.૧૯.૧૨.૨૦૧૯ના રોજ ભજન સંધ્યા, તેમજ તા.૨૦.૧૨.૨૦૧૯ના રોજ શોભાયાત્રા યજમાન ગો.વા.મનહરલાલ બાપુજી શા.પટેલના નિવાસ્થાન થી નિકળશે.

ઉમરેઠ સંતરામ મંદિરની ૧૬૦માં વાર્ષિકોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે.


પ.પૂ.શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશિર્વાદ તેમજ મહંત શ્રી રામદાસ મહારાજશ્રીની આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ના ૧૬૦ મા વાર્ષિકોત્સવ નિમિત્તે પ.પુ.કનકેશ્વરીજી મા ના કંઠે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું તા.૨/૧/૨૦ થી તા.૯/૧/૨૦ સુધી બપોરે ૩ થી ૬.૩૦ કલાકે શ્રી સંતરામ ધામ,વ્રજ વિહાર પાર્ટી પ્લોટ ખાતે આયોજન આવેલ છે. આ ધાર્મીક પ્રસંગને અનુલક્ષીને આજે મુખ્ય યજમાન દેવાંગભાઇ પટેલ (ઇપ્કોવાળા) તેમજ શ્રી સંતરામ મંદિરની વિવિધ શાખાના મહંતશ્રી અને ઉમરેઠ નગર પાલિકાના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રી મધુસુદનભાઈએ મંડપ મહૂર્ત વિધિ કરાવી હતી .આ પ્રસંગે શ્રી સંતરામ પરિવાર દ્વારા પ.પુ.શ્રી ઉત્તમાનંદજી સરસ્વતીના મુખે શ્રી વિષ્ણુસહસ્ત્ર પાઠ યોજાયા હતા જેની આજે પૂર્ણાહૂતિ પણ યોજાઇ હતી.

ઉમરેઠમાં રક્તદાન શીબીર યોજાયો.



ઉમરેઠના કાદરી હોલ કસ્બા ખાતે પાવર ઓફ યુનિટી ગૄપ દ્વારા ઉમ્મીદ ગ્રૂપ આણંદ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, સરપંજશ્રી થામણા, ચિરાગ તલાટી (HDFC બેન્કવાળા), નિરવભાઇ પટેલ (ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી), ઉમ્મીદ ગ્રૂપના સભ્યો અને ઉમરેઠનગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કેમ્પમાં ૧૦૫ રક્તદાતોઓએ રક્તદાન કર્યુ હતુ જેમાં ૧૭ મહિલાઓએ પણ રક્તદાન કરી સમાજમાં ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ પાવર ઓફ યુનિટી , ઉમ્મીદ ગૄપ ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી રક્તદાન કરનાર સૌ ભાઇ બહેન નો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ કોર્ટ – ચેક રીટર્નના જૂદા જૂદા પંદર કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી.



ઉમરેઠ પંથકમાં ચેક આપીને પૈસા ન આપવાની દાનત રાખનારા તત્વો સામે ઉમરેઠ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા ચેક સામે પૈસા ન આપનાર તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે, ગતરોજ ઉમરેઠ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ આઈ.આઈ.પઠાણે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક બાઉન્સ) થવાના જૂદા જૂદા પંદર કેસમાં આરોપીઓને દશ-દશ માસની સાદી કેદ સહીત નિયત કરેલા સમયે સજા ફટકારી હતી જેને પગલે કલમ-૧૩૮ ના કેસમાં કાયદાની છટક બારીનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપીંડી કરતા તત્વોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાય સમય થી કેટલીક ફાયનાન્સ કંપની સહીત વહેપારીઓ દ્વારા લોકો પાસે લેવાના રૂપિયા સામે ચેક લીધા હતા આ ચેક બાઉન્સ થતા ૧૩૮ની ફરિયાદ કરતા ઉમરેઠ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ આઈ.આઈ.પઠાણની કોર્ટમાં ગતરોજ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલેકે કલમ ૧૩૮ના જૂદા જૂદા ૧૫ કેસમાં આરોપીઓને દશ માસની સાદી સજા સહીત નિયત સમયે પૈસા ચુકવવાનો હૂકમ કરવામાં આવ્યો હતો જેને પગલે છેતરપીંડીનો ભોગ બનેલા વહેપારીઓ સહીત ફાઈનાન્સ કંપનીના સંચાલકોમાં પોતાના પૈસા પરત આવવાની આશા જન્મી હતી જ્યારે લોકોના પૈસા ચાઉં કરી જવાની દાનત રાખનાર તત્વોમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી.

નાગજીપુરા પ્રાથમિક શાળામાં ગણવેશ વિતરણ કરાયું.


school.jpg

ઉમરેઠ તાલુકાના શીલી તાબે આવેલ નાગજીપુરા પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતા ૧૪૦ વિદ્યાર્થીઓને શ્રી સિધ્ધનાથ મહાદેવ ટ્રસ્ટ ભરોડાના માધ્યમ થી દાતા રાજેન્દ્રસિંહ દિપસિંહ રઉલજી તરફ થી વિનામુલ્યે ગણવેશ વિતરણ સહીત શાળાને આર્થિક સહાય કરવામાં આવી હતી. આ સમયે શાળાના આચાર્ય ધુળાભાઈ વેગડા સહીત શાળા પરિવારે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રેપ થાય તેના કરતા ભૃણ હત્યા થાય તે સારું – હૈદરાબાદની રેપ વીથ મર્ડર ઘટના અંગે ઉમરેઠની યુવતિઓમાં આક્રોશ


પ્રેસક્લબ ઓફ ઉમરેઠ અને શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય અને જ્યુબિલિ સ્કૂલની વિધાર્થીનીઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું.

1p.jpg

2p5p6p7p

ઉમરેઠ પ્રેસ ક્લબ દ્વારા શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય તેમજ ધી જ્યુબિલિ સ્કૂલના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે હૈદરાબાદમાં બનેલ ગેંગ રેપ વીથ મર્ડરની ઘટનાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી, રેલીમાં બેટી બચાવો , બેટી પઢાવો તેમજ વી વોન્ટ જસ્ટીસ જેવા સુચક સુત્રો સાથે મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ જોડાઈ હતી. તેમજ રેલીના અંતે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ના.મામલતદાર જે.પી. સોલંકી તેમજ ના.મા દિશાંત ગર્ગને આવેદન પત્ર સુપ્રત કરી આરોપીઓને મોતની સજા થાય તેવી સરકાર પાસે માંગ કરી હતી. વધુમાં રેલી દરમ્યાન ઉમરેઠના પંચવટી વિસ્તારમાં સભા યોજાઈ હતી જેમાં શ્રી સરસ્વતી સ્કૂલ તેમજ જ્યુબિલિ સ્કૂલની વિદ્યાર્થીની  દેવાંશી જોષી તેમજ આરતી સેનવાએ આક્રોશ સાથે  જણાવ્યું હતુ કે જો દિકરીઓને રેપ જેવી ઘટના થી રૂબરૂ થવાનું હોય તો તેના કરતા દિકરીઓની ભૃણ હત્યા થાય તે જ યોગ્ય છે, સમાજમાં અમુક તત્વો દિકરીઓને હિનતાના ભાવથી જોઈ રહ્યા છે તેઓને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે. જો સમાજ દિકરીઓની કદર ના કરી શકે તો દિકરીઓનું જીવવું સજા સમાન છે. આ ઉપરાંત નગરના વરીષ્ઠ વકીલ રશ્મીભાઈ શાહ અને સામાજિક સેવક સંજયભાઈ શહેરાવાળાએ જણાવ્યું હતુ કે, દેશમાં રેપ ની ઘટના વધી રહી છે, ત્યારે વકીલો દ્વારા રેપના આરોપીઓના કેસ હાથમાં ન લઈ તેઓને સત્વરે સજા થાય તે દિશામાં વધવા જણાવ્યું હતુ સાથે ઉમેર્યુ હતુ કે પ્રવર્તમાન સમયમાં દિકરીઓએ સેલ્ફ ડીફેન્સના ક્લાસ કરવા પણ જરૂરી બની ગયા છે. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલીકાના પ્રમુખ સંગીતાબેન પટેલ હાજર રહ્યા હતા. મામતલદાર કચેરી ખાતે ઉમરેઠ પ્રેસક્લબના પ્રમુખ નિમેષભાઈ ગોસ્વામી તેમજ ઉપ-પ્રમુખ કૌશલ પંડ્યા અને તેઓની ટીમ દ્વારા ના.મામલતદારશ્રીને આવેદન પત્ર સુપ્રત કરી હૈદરાબાદ ની ઘટનાના આરોપીઓને મોતની સજા થાય તેવી માંગ કરી હતી. આ સમયે ના.મા. દિશાંત ગર્ગએ વિદ્યાર્થીનીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, એન્ડ્રોઈડ મોબાઈલમાં યુવતિઓની સેફ્ટી માટે એપ્લીકેશન કાર્યરત છે જેના એક બટન દબાવી પોતે અનસેફ હોવાનો મેસેજ સગા સબંધીને મોકલી શકાય છે, આવી એપ ખાસ યુવતિઓ અને યુવકોએ પણ પોતાના મોબાઈલમાં રાખવા તેઓએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રેસ  ક્લબ ઓફ ઉમરેઠ સહીત શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય અને જ્યુબિલી સ્કૂલના શિક્ષકો, દિનેશભાઈ પટેલ (ઓડ)એ જહેમત ઉઠાવી હતી અને તેઓનો પ્રમુખ નિમેષભાઈ ગોસ્વામીએ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠમાં રક્તદાન કેમ્પનું આયોજન


bd.jpg

ઉમરેઠના કસ્બા વિસ્તારના યુવાનો દ્વારા પાવર ઓફ યુનિટી સંગઠનના માધ્યમ થી આગામી તા.૮.૧૨.૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ થી ૨.૩૦ કલાકે કસ્બા વિસ્તારના કડરી હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ ૨૦૦ જેટલા યુનિટ એકઠા કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામના રક્તદાતાઓને સદર કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, કેમ્પ અંગે વધુ માહીતી માટે શાહરુખ કાજી 9624937956,એઝાઝ મલેક 8460126592,આર.વી.સરકાર 7201019777 તેમજ સાજીદ આર્મી 9565096690 સંપર્ક કરવા જણાવ્યું છે.