આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2023

ઉમરેઠ – ચંંદ્રમૌલેશ્વર મહાદેવમાં અષાઢી જોખાઈ – શિયાળું પાક સારો થવાનો વર્તારો


ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંંદ્રમૌલેશ્વર મહાદેવ ખાતે આજે પંચ ની હાજરીમાં અષાઢી જોખાઈ હતી જેમાં શિયાળું પાક સહીત તમામ પાક સારો રહેવાનો વર્તારો જોવા મળ્યો હતો જેને પગલે ખેડૂત તેમજ અનાજ તેલીબીંયાના વહેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. મહાદેવમાં પૂનમના દિવસે સાંજના સમયે જૂદા જૂદા ધાન્યોને જોખી એક કોરા કટકાની પોટલીમાં મુકી તમામ ધાન્યો એક કુંભમાં મુકીને મહાદેવના ગર્ભગૃહમાં આવેલ એક ચમત્કારી ગોખમાં મુકી સદર ગોખને પંચો સમક્ષ શીલ કરી દેવામાં આવ્યું હતુ જે આજે પૂનઃ પંચો સમક્ષ ખોલીને તમામ ધાન્યોને પૂનઃ જોખવામાં આવ્યા હતા. ધાન્યોના વજનમાં થયેલા ફેરફાર ને અષાઢી કહેવાય છે અને તેમાં થયેલ વધઘટને આધારે ખેડૂતો અને વહેપારીઓ જેતે પાક કેવો થશે તેનું અનુમાન લગાવે છે. આજે દીલીપભાઈ સોનીએ પરંપરાગત રીતે અષાઢી જોખી હતી જે મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ સૌ સમક્ષ જાહેર કરી હતી જેમાં  ગત વર્ષ ની સરખામણીમાં ઘઉં – ૮ વધારે તલ – ૫૦ વધારે, અડદ – ૫ વધારે, મગ – ૧૭૩ વધારે,કપાસ – ૩ વધારે,બાજરી – ૫ ઓછી, માટી – ૦૧ ( પા રતી ) ઓછી, ડાંગર – ૪ વધારે, જુવાર – ૧૦ વધારે તેમજ ચણા – અડધો વધારે રહેવાનો વર્તારો આવ્યો હતો. આજે અષાઢી જોખાતા સમયે આણંદ જિલ્લાના DYSP (HQ) જે જે ચૌધરી,  કેતન ભાઈ પટેલ (વકીલ), સુરેશ મહેતા,  ઉમરેઠના ખેડૂત મિત્રો સહીત વહેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને શ્રી ચંંદ્રમૌલેશ્વર મહાદેવમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.