આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2011

ઉમરેઠ મત વિસ્તારના સંસદ સભ્ય ભરતસિંહ સોલંકીનું પણ કાંઈ ઉપજતું નથી..!


ઉમરેઠ ઓડ જી.આઈ.ડી.સી માર્ગ ઉપર છેલ્લા સાત વર્ષથી ઓવર બ્રીજનું કામ પૂર્ણ ન થયું હોવા સહીત ઉમરેઠ થી વડોદરા અને અમદાવાદ સીધી રેલ્વે સુવિધા ઉમરેઠના નગરજનો માટે ઉપલબ્ધ કરવા નગરના જાગૃત નાગરિક દ્વારા ૨૦૦૯માં સંસદ સભ્ય ભરતસિંહ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી. ભરતસિંહ સોલંકી દ્વારા પણ આ અંગે જે તે સમયે રેલ્વે મંત્રી મમતા બેનરજીને રજૂઆત કરવામા આવી હતી પરંતું આ દિન સુધી આ બંન્ને પ્રશ્નો ઠેરના ઠેર હોવાને કારણે સંસદ સભ્ય ભરતસિંહ સોલંકીના કેન્દ્રમાં કદને લઈ લોકો અનેક શંકા વ્યક્ત કરી રહ્યા છે. ભરતભાઈ સોલંકી રાજ્ય કક્ષાના રેલ્વે પ્રધાન પદ પર બેઠા હોવા છતા તેમના મત વિસ્તાર માંજ રેલ્વેની સુવિધા ન હોવી તે જ મોટી શરમની વાત કહેવાય..! જાગો ભરતભાઈ સોલંકી જાગો…! (વિવેક દોશી- ઉમરેઠ)

કોમી એકતા…


કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ ખીમા ની લારી ઉપર જોવા મળે.

Happy Diwali & Happy New Year


નવાં વર્ષે સમગ્ર વિશ્વભરમાં શાંતિ રહે..

ક્યાંય ભૂકંપ ના થાય

ક્યાંય રોગ ચાળો ના ફાટે

ક્યાંય પણ આંતંકવાદી હુમલા ન થાય

ભારતમાં મોંધવારી ઓછી થાય

ભ્રષ્ટાચારનું નામોનીશાન ન રહે

બ્લોગમાં “ઉઠાંતરી” કરનારને ભગવાન બુધ્ધી આપે..

તેવી પ્રાર્થના સહ…દિવાળીની હાર્દિક શુભેચ્છા

અને

નૂતન વર્ષા અભિનંદન

ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સસ્પેન્ડ કરાયા


ઉમરેઠમાં સંતરામ મંદિર દ્વારા પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન.


ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા નગરના વ્રજધામ ખાતે પૂ.મોરારી બાપુની રામ કથાનું આયોજન તા.૩૧.૧૨.૨૦૧૧ થી તા.૮.૧.૨૦૧૨ સુધી રાખવામાં આવેલ છે. ઉમરેઠ સહીત આજૂ બાજૂના ગામની ધર્મપ્રિય જનતા સહીત અન્ય લોકોને પણ પૂ.મોરારીબાપૂની રામકથાનું રસપાન કરવા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે એક યાદીમાં જણાવેલ છે. તા.૮.૧.૨૦૧૨ના રોજ કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે જ્યારે તા. ૯.૧.૨૦૧૨ના રોજ પોષી પૂનમની સંતરામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ઉમરેઠમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવનાને જોઈ સમગ્ર સંતરામ મંદિરના કાર્યકરો અને ભક્તો કથાના આયોજનને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે પૂ.મોરારી બાપૂની કથાને લઈ ઉમરૅથની ધર્મપ્રેમિ જનતા ઉત્સુક છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા ગત વર્ષે પણ પૂ.મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતું પૂ.મોરારીબાપુની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ગત વર્ષે કથાનું આયોજન બંધ રહ્યું હતું.

દશા ખડાયતા કેળવણી મંડળના પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો.


ઉમરૅઠ દશા ખડાયતા કેળવની મંડળની તમામ કમિટીના કારોબારી સભ્યોની બેઠક તાજેતરમાં લોનાવલા ખાતે મળી હતી.જ્ઞાતિના કારોબારી સભ્યો દ્વારા દશા ખડાયતા કેળવની મંડળના પ્રમુખ ન.કે.પરીખનું તેઓના કાર્યો બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિલભાઈ પરીખ તેમજ જયાબેન પરીખ મુખ્ય મહેમાન પદે ખાસ હાજરી આપી હતી. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પ્રમુખશ્રીએ જણાવ્યું હતુ કે   જ્ઞાતિજનોના લાભાર્થે કાર્યો કરવા સદાય તેઓ તત્પર રહેશે. તેઓએ જ્ઞાતિના બાળકો તેમજ મહિલાઓ માટે વિવિધ વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ કરવા જણાવ્યું હતું.

આ સમયે જ્ઞાતિની કારોબારીની બેઠકમાં વાડીના રીનોવેશન સહીત જ્ઞાતિ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોને ભવિષ્યમાં કેવી રીતે આગળ ધપાવવા જેવા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્ઞાતિની વાડીના રીનોવેશન માટે જ્ઞાતિના આર્થિક રીતે સદ્ધર લોકો ઉદાર હાથે આગળ આવે તેવી કારોબારી સભ્યોએ વિનંતી કરી હતી. બેઠકમાં ભાગ લેવા ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંળડના હોદ્દેદારો મોટી સંખ્યામાં અમદાવાદ,વડોદરા,મુંબઈ તેમજ ઉમરેઠ ખાતેથી આવ્યા હતા. સમારોહને સફળ બનાવવા સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

જવાબ – “ક્વિઝ-૨,ઉમરેઠવાસીઓ ઓળખીબતાવે તો ખરાં..”


રવીવાર ગયો અને આળશ ખંખેરી બધા કામે વળગી ગયા હશો..? બરાબર ને..? ..અરે શું હા.. બ્લોગ ઉપર ખાંખાખોળા કરો છો ને પાછા હા પણ કહો છે.

આપ ભી કમાલ કરતે હૈ પાંડેજી…ચાલો હવે, મુદ્દાની વાત..

આજે સોમવાર ને વાયદા મુજબ “ક્વિઝ-૨,ઉમરેઠવાસીઓ ઓળખી બતાવે તો ખરાં..” નો જવાબ આપવાનો દિવસ. ક્વિઝ-૧ માં અધ.ધ..ધ.. વાંચકોએ સાચો જવાબ આપ્યો પણ ક્વિઝ-૨માં લોકો પાણીમાં બેસી ગયા હોય તેમ લાગે છે. સાચો જવાબ નીચે મુજબ છે.

ક્વિઝ-૨માં બતાવેલ ફોટો ઉમરેઠના ભગવાન વગા વિસ્તારનો હતો અને તે જગ્યાએ પહેલા ફુંવારો હતો.

( ફોટો અહીયા તમોને યાદ કરાવવા મુક્યો છે.)

સાચા જવાબ આપનાર વાંચકોના નામ નીચે મુજબ છે.

(૧) કિંજલ શાહ, વડોદરા
(૨) કૃષિલ પટેલ , અમેરીકા
(૩) પરાગ ચોકસી , ઉમરેઠ
(૪) વિકી પટેલ , લંડન
(૫) દિક્ષીત કાછીયા , લંડન
(૬) નમ્રતા ગાંધી , ઉમરેઠ
(૭) અક્ષય ગાંધી , ઉમરેઠ
(૮) રાજૂભાઈ , અમેરીકા

કેટલાક વાંચકોએ અધૂરા જબાબ આપ્યા હતા , તેઓ દ્વારા જવાબમાં માત્ર વિસ્તારનું નામ કે આ જગ્યાએ ફુંવારો હતો તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી અધુરા જવાબ સાચા જવાબ કહેવાય નહી ઉપરોક્ત વાંચકોએ વિસ્તારનું નામ અને ફુંવારો બંન્ને સાચા જવાબ લખેલા હોવાથી તેઓના નામ પ્રસિધ્ધ કરેલ છે જેની નોંધ લેવી.

ઉમરેઠ તાલુકા પંચાયતનો ક્લાર્ક લાંચ લેતા પકડાયો.


ઈન્દિરા આવાસ દરમ્યાન ગરીબોની લોન મંજૂર થયેલ છે , ત્યારે એક જરૂરિયાતમંદ નાગરિકના ઈન્દિરા આવાસ યોજનાની લોનનો હપ્તો ભરવા માટે તાલુકા પંચાયતના ક્લાર્ક દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરતા આ નાગરિક દ્વારા એલ.સી.બીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે આજે બપોરે એલ.સી.બીના અધિકારીઓ દ્વારા છટકું ગોઠવી ઉમરેઠ તાલુકા પંચાયતના ક્લાર્કને રૂ.૮૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. હાલમાં અન્ના ફિવર ચાલી રહ્યો છે ત્યારે નાગરિકો પોતાના કામ કઢાવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવાના બદલે તેની વિરૂધ્ધ અવાજ ઉઠાવી આવા લાંચીયા કર્મચારીઓને કાયદાનુંભાન કરાવે છે ત્યારે આવા કર્મચારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

ઉમરૅઠ ઓડ માર્ગ ઉપર તૈયાર ઓવરબ્રીજ ખુલ્લો મુકવા મહૂર્ત નથી મળતું..!


 •  સાત આઠ વર્ષે તૈયાર થયેલ ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં તંત્રને હજૂ આળશ આવે છે.

ઉમરેઠ ઓડ માર્ગ ઉપર જી.આઈ.ડી.સી પાસે રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવામાં સાથ થી આઠ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતા હવે તૈયાર થયેલ બ્રીજને ખુલ્લો મુકવામાં તંત્ર આળશ રાખી રહ્યું હોવાની ઉમરૅઠ સહીત આ માર્ગ ઉપર નિયમિત અવર જવર કરતા લોકો ફરિયાદ કરી રહ્યા છે.

ઉમરેઠ ઓડ માર્ગ ઉપર નિયત કરેલ કરતા વધુ સમય બાદ ઓવર બ્રીજ તો બની ગયો પણ હવે આ બ્રીજને ખુલ્લો મુકવામાં તંત્ર આળશું નિતિ રાખી રહી છે, કહેવાય છે કોઈ રાજકિય નેતા નવરો પડે અને પુલનું ઉદ્ઘાટન કરવા પધારે તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે. હાલમાં ઉમરેઠ ઓડ માર્ગ ઉપર બનેલા ઓવરબ્રીજનો વાહન ચાલકો ઉપયોગ ન કરી શકતા હોવાને કારણે વાહનો ઉમરેઠના સોસાયટી વિસ્તાર માંથી અવર જવર કરી રહ્યા છે ત્યારે કેટલાક મોટા વાહનો રતનપુરા માર્ગનો પણ ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોનો સમય અને ઈંધન બંન્નેનો વ્યય થાય છે.

ઓવર બ્રીજ બનતો હતો ત્યારે સર્વીસ રોડ પણ શોભાના ગાંઠિયા સમાન ન બરાબર આપવામાં આવ્યો હતો. જેથી સાત થી આઠ વર્ષ સુધી વાહન ચાલકો આ માર્ગ ઉપર પરેશાન થઈ ગયા હતા જ્યારે હવે ઓવર બ્રીજ બનીને તૈયાર થયો છે ત્યારે રાહરાજી કરી તંત્ર લોકોને મુશ્કેલીમાં મુકી રહ્યું હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. જો આ ઓવર બ્રીજ શરૂ થઈ જાય તો ઉમરૅઠના સોસાયટી વિસ્તાર અને રતનપુરા માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા આપોઆપ દૂર થઈ જશે તેમજ લોકોનો સમય અને ઈંધન બંન્નેનો બચાવ પણ થશે. નજીકના ભવિષ્યમાં જો આ બ્રીજને ખુલ્લો નહી મુકવામાં આવે તો ઉમરેઠના લોકો સ્વયંમ ઓવર બ્રીજનું ઉદ્ધાટન કરી દેશે તેમ ચર્ચાઓ થઈ રહી છે.

ઉમરેઠના ભગવાનવગા પાછળ બનાવેલ નવો રસ્તો ઉકરડાંમાં ફેરવાયો..!


 • લાખ્ખોના ખર્ચે બનેલા રસ્તા ઉપર ઉકરડાં અને કચરાના ઢગલા

ઉમરેઠના વિકાસ માટે રસ્તા સહીત અન્ય સુવિધાઓ કરવામાં આવી છે પણ આ રસ્તા બન્યા પછી તેનો ઉપયોગ નગરજનો સારી રીતે કરી શકે તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા હોવાનું ભગવાનવગા પાછળ બનાવવામા આવેલા રસ્તાની હાલત જોઈને સ્પષ્ટ થાય છે.

વર્ષો પહેલા ઉમરેઠના ભગવાનવગા વિસ્તાર પાછળ દબાણો દુર કરી આર.સી.સી રોડ બનાવવામાં આવ્યા હતા. આ રોડ ઉપર સુંદર ફુંવારો પણ મુકવામાં આવ્યો હતો તેમજ ડીવાઈડરથી સજ્જ આ રોડ જાણે ઉમરેઠનો બીજો પ્રવેશ દ્વાર બની રહેશે તેવી ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું. પરંતું આજે કાંઈક અલગજ ચિત્ર બહાર આવી રહ્યું છે ભગવાન વગા વિસ્તાર પાછળ બનાવવામાં આવેલ રોડ ઉપર અત્યારે ઉકરડાંના ઢગલા થઈ ગયા છે તેમજ ઠેર ઠેર ગંદકી પણ દેખાઈ રહી છે. નગરપાલિકા દ્વારા અહીયા કચરા પેટી મુકવામાં તો આવી છે, પરંતું કચરા પેટી કચરો ઓકતો હોવા છતા પણ આ કચરો દૂર કરવાની જહેમત પાલિકા તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. વધારે દૂવિધાની વાતતો તે છે કે આ વિસ્તારથી ગણતરીના ડગલે દૂર ઉમરેઠ પાલિકાના સફાઈકામદારો મોટી સંખ્યામાં રહેતા હોવા છતા આ વિસ્તારમાં ગંદકી ચરમસીમાએ છે.

વધુમાં નગરના વડાબજાર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર પાછળ થી આ રસ્તો બસ સ્ટેશન તરફ જાય છે. પરંતું અસહ્ય ગંદકીને કારણે આ રસ્તાનો કોઈ ઉપયોગ કરતું નથી વધુમાં આ રસ્તા ઉપર લાઈટ વ્યવસ્થા પણ પ્રમાણમાં અપુરતી છે. રસ્તાની બહાર મુખ્ય રસ્તા ઉપર નિકળતા માર્ગ ઉપર આડેધડ મોટા વાહનો આખ્ખો દિવસ પાર્ક કરેલા હોય છે. જેથી અજાણ્યા માણસો માટે તો આ રસ્તો હંમેશા સંતાયેલો જ રહે છે. આ રસ્તાની આજુબાજૂ રહેણાંક વિસ્તાર સહીત મમરા-પૌંવાની ફેક્ટરી અને પ્રખ્યાત હનુમાન મંદિર આવેલ છે અને સરકારી સ્કૂલનું મકાન આવેલ છે ત્યારે આ વિસ્તારની ગરીમાં સમજી આ રસ્તો તંદુરસ્ત કરી ગંદકી દૂર કરવામાં આવે તેવી આ વિસ્તારના નાગરિકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

ક્વિઝ-(૨)-ઉમરેઠવાસીઓ ઓળખી બતાવે તો ખરાં..!


કેમ છો ઉમરેઠવાસીઓ…? ફરી “આપણું ઉમરેઠ” બ્લોગમાં ક્વિઝ ક્વિઝ રમવાનો સમય થઈ ગયો છે. આ પહેલા ક્વિઝ વિભાગમાં જૂના બસ સ્ટેશનનો ફોટો મુકવામાં આવ્યો હતો જેનો બધાજ વાંચકોએ સાચ જવાબ આપ્યો હતો. પણ તે ક્વિઝમાં બીજાના જવાબ કોમેન્ટમાં બધાને દેખાતા હતા એટલે કેટલાય લોકો કોપી કરી સાચા જવાબ આપવામાં સફળ રહ્યા પણ હવે તેવું નથી.આ સાથે નીચે બતાવેલ ઉમરેઠની એક તસ્વીર છે તમારે તે અંગે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. બસ તો વિચારો અને કહો…..આ ફોટો કયા વિસ્તારનો છે અને આ ફોટામાં દેખાતા સર્કલમાં પહેલા શું હતું..? આ વખતે પણ ઈનામમાં પોત પોતાના પરિવારજનો સાથે પોતપોતાની ઘરે લંચ કે ડિનર બિલકૂલ મફત….!

આવતા સોમવારે સાચો જવાબ અને પહેલા સર્કલમાં શું હતું તે દર્શાવતો ફોટો બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. આ સિવાય સાચા જવાબ આપનાર વાંચકોના જવાબો કોમેન્ટ બોક્ષમાં મુકવામાં આવશે.

જવાબ જાણવા અહિયા ક્લિક કરો. (quize closed)

ઉમરેઠની નવા-જૂની. – બ્લોગ અપડેટ્સ


 • ઉમરેઠમાં અત્યારે all iz well… છે, તેમ કહીયે તો ખોટું નથી. બધુ શાંતિથી ચાલી રહ્યું છે, કેટલીક માળખાગત સુવિધાઓને લઈ નગરજનો પરેશાન છે પણ હવે આ બધુ જિંદગીનો એક ભાગ થઈ ગયું છે.
 • ઉમરેઠના માજી ધારાસભ્ય અને ગુજરાતના માજી આરોગ્ય પ્રધાન તેવા સુભાષભાઈ શેલત હવે ફેશબુકમાં આવી ગયા છે, તેમનું ફેશબુક એકાઊન્ટ જોવા તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લીક કરો.
 • નવરાત્રિ , દશેરા આવ્યા ને ગયા પણ ખરા, હવે દિવાળી બાજૂ ડોકાચિયા શરૂ થઈ ગયા છે, ખરેખર દિવસો મેટ્રો ટ્રેનની જેમ જ જોરદાર સ્પીડ થી પસાર થઈ જાય છે, તેમા પણ રવીવાર તો જાણે ૧૨ કલાક માંજ પુરો થઈ જતો હોય તેમ લાગે છે.
 • કેટલાય મૂળ ઉમરૅઠના લોકો જ્યારે વર્ષો પછી ઉમરેઠમાં આવી તેમ કહે છે કે,” ઉમરૅઠ ત્યાંનું ત્યાં રહ્યું કોઈ વિકાસ નહી.. ત્યારે ખુબ દુઃખ થાય છે. ખરેખર ઉમરૅઠ ત્યાં નું ત્યાં હોય તો ઉમરૅઠ બહાર જઈ વિકાસ પામેલા નાગરિકો ઉમરૅઠના વિકાસ માટે તેઓએ શું કર્યું..? પોતાના વતનનું ઋણ તેઓએ ચુકવ્યું છે કે નહી..? તે અંગે મનોમંથન કરવાની જરૂર છે.
 • તાજેતરમાં “ડીવાઈન વિઝન ગૃપ” – ગાંધીનગર ધ્યાનમાં આવ્યું, ગાંધીનગરના આ ગૃપ દ્વારા નિયમિત સમયાંતરે જરૂરિયાતમંદ લોકો માટે સેવાયજ્ઞ ઉમરેઠમાં કરવામાં આવે છે. તેઓ ગરીબોને કપડા-પગરખાં અને ભોજન આપી અનોખી રીતે સેવા કરે છે. કદાચ આ ગૃપમાં મૂળ ઉમરૅઠના કાર્યકરો પણ હોવાનું કહેવાઈ રહ્યું છે.
 • “આપણું ઉમરૅઠ” ઉમરૅઠ બ્લોગના વાંચક કૃષિલ પટેલ દ્વારા સુચન મળ્યું કે, બ્લોગમાં એક નોંધ બનાવવામાં આવે અને મૂળ ઉમરેઠના લોકો અત્યારે કયા દેશમાં કયા શહેરમાં છે તેનો ઉલ્લેખ કરે. આ સિવાય અન્ય એક વાંચક દ્વારા બ્લોગમાં મેટ્રીમોનીયલ વિભાગ પણ ઉમેરવામાં આવે તેવું સુચણ મળેલ છે. ભવિષ્યમાં આ બંન્ને સુચણોનો અમલ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય આ સુચણ અંગે અન્ય લોકો પોતાના વિચાર રજૂ કરી શકે છે.
 • તમોને જણાવતા આનંદ થાય છે કે, “આપણું ઉમરૅઠ” બ્લોગમાં 75 followers થઈ ગયા છે. છેલ્લા પંદર દિવસથી followersની સંખ્યા સારી વધી છે. “આપણું ઉમરેઠ” બ્લોગમાં કોમેન્ટો પણ ૭૦૦ના આંકડાને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ કોમેન્ટ પંકજભાઈ શાહ, વડોદરા ત્યાર બાદ અનુક્રમે હાર્દિકભાઈ ગજ્જર , દિલીપભાઈ સુત્તરીયા અને હિમાશુંભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

..બસ ત્યારે અત્યારે આટલુંજ ફરી મળીશું..વાંચતા રહો , “આપણું ઉમરૅઠ”

ઉમરેઠમાં વારાહિ માતાનો હવન યોજાયો.


ઉમરૅઠમાં વારાહિ માતાજીનો જગ વિખ્યાત હવન નોમના દિવસે યોજાયો હતો. આ હવનમાં મૂળ ઉમરેઠના હાલ મુંબઈ ખાતે રહેતા ચીમનભાઈ મંગળભાઈ દલવાડી યજમાન પદે બિરાજ્યા હતા. હવન પરંપરાગત રીતે મંત્રોચ્ચાર સાથે યોજાયો હતો. આ સમયે અનેરૂં ધાર્મિક વાતાવરણ દેખાતું હતું. હવનના દર્શનનો લાભ લેવા ઉમરૅઠ સહીત આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા (ફોટો – રવી પટેલ)

નાસિકવાળા ગરબા ગ્રાઊન્ડ – એક્સલુઝીવ વિડીયો – ઉમરેઠ


શ્રી ગૃપ ઉમરેઠ આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૧

ઉમરેઠ બસ સ્ટેશનમાં સંધ્યાકાળે અંધારપટ – અસામાજિક તત્વોને જલસા..!


 • આખા બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઈટ નથી ઝબકતી..!

ઉમરેઠમાં જર્જરીત બસ સ્ટેશનથી ત્રસ્ત મુસાફરોની સુવિધા અર્થે થામણાના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ મુખીએ ઉમરૅઠ બસ સ્ટેશનને લોક ભાગીદારીથી નવો રૂપરંગ આપી મુસાફરોની અગવડતા દૂરકરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે આ લોક ભાગીદારીથી આકાર પામેલ બસ સ્ટેશનમાં અન્ય સુવિધા આપવામાં તંત્રની નિષ્ક્રીયતાના પગલે મુસાફરો છતા બસ સ્ટેશને હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં સંધ્યાકાળ થતાની સાથે અંધારપટ થઈ જાય છે. બસ સ્ટેશનમાં કોઈ બસ આવે તો તેનું બોર્ડ પણ જોવામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બસ સ્ટેશનમાં અપુરતી લાઈટ હોવાને કારણે બસ સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ ઉપર કેટલાક અસામાજિક તત્વો અડ્ડો જમાવી દેતા હોય છે, જેથી મુસાફરોએ બસની રાહ જોવા માટે બસ સ્ટેશન બહાર ઉભા રહેવું પડે છે અને બસ આવે ત્યારે બસની પાછળ દોડા દોડ કરવાનો વારો આવે છે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં ધરખમ એડવર્ટાઈઝમેન્ટ કરી મોટી મોટી કંપણીઓ પાસેથી તગડી આવક કરતું તંત્ર કેમ બસ સ્ટેશનમાં માળખાગત સુવિધા આપવામાં ગલ્લા તલ્લા કરે છે..? ઉમરેઠ બસ સ્ટેશનમાં અપુરતી લાઈટ સુવિધા સહીત કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જે તે ગામના નામ પણ લખવામાં આવ્યા નથી. જેથી બસ ડ્રાઈવરો મનફાવે ત્યાં બસ ઉભી રાખે છે અને મુસાફરોને બસ પાછળ દોડા દોડ કરવી પડે છે. એક તરફ અપુરતી બસ સેવા થી પીડાતા ઉમરૅઠના મુસાફરોને બસ સ્ટેશનમાં બસ ઉભી રાખવાની પધ્ધતિથી તેમજ સાંજના સમયે અપુરતી લાઈટને કારને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે એસ.ટી તંત્ર મુસાફરોની મુશ્કેલીઓને દૂર કરવા પગલા ભરે તે આવકારદાયક રહેશે.

ઉમરેઠમાં વારાહી માતાજીનો ૨૫૪મો “સર્વજન કલ્યાણ હવન” યોજાશે.


 • બાજખેડાવાળ બ્રાહ્મણોમાં વારાહી માતાજીના હવનનું અનોખું મહત્વ..!

 •  બીજી કે ત્રીજી પેઢીને હવનમાં યજમાન થવાનો લાભ મળે છે.

ઉમરેઠમાં વારાહી માતાનો “સર્વજન કલ્યાણ હવન” સંવત ૨૦૬૭ને આસો સુદ-૯ ને બુધવારના રોજ શ્રી વારાહી માતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે. તાજેતરમાં સંસદ સભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી હવન ચોકને નવા રૂપરંગમાં સજાવવામાં આવ્યો છે.

ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહી માતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહી માતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે.આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહી માતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે. હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.

ઉમરેઠના વારાહિમાતાજી હાજરા હુજૂર છે તેનો પરચો અંગ્રેજોના સમયમાં પણ જોવા મળ્યો હતો. મંદિરની જાહોજલાલી જોઈ કેટલાક ચોરો મંદિરમાં બદ ઈરાદાથી આવી મંદિરમાં ચોરી કરી પલાયન થતા હતા ત્યાં મંદિર માંજ તેઓ આંધળા થઈ ગયા હતા. મંદિરમાં પુજારી આવ્યા ત્યારે ચોરોએ પોતાની આપવીતી મંદિરના પુજારીને શંભળાવી ત્યારે મંદિરના પુજારીએ ચોરોન સાચા દિલથી માતાજીની માફી માગવા જણાવ્યું અને ચોરોએ તેમ કરતા તેઓની આંખો પાછી આવી ગઈ આમ માતાજી કેટલા ઉદાર અને હાજરા હજૂર એ તેનો સાક્ષાત્કાર થયો હતો. અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો. અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરિકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.

ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષી સહિત કાર્યકરો ખડે પગે કામે લાગી ગયા છે. ઉમરેઠના વારાહી ચકલા વિસ્તારમાં આવેલ મંદિરને સજાવવામાં આવ્યું છે. તેમજ હવન બાદ પરંપરાગત ગરબાનું પણ આ વારાહી ચોકમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમરૅઠનું પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર પણ આ હવનને લઈ પોતાની તૈયારીને આખરી ઓપ આપી હવન શ્રધ્ધાભેર યોજાય તેની તૈયારીમાં લાગી ગયું છે.

હવન દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારવાનું મહત્વ

હવણ દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે.

આયુર્વેદીક કેમ્પ યોજાશે.


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી દેવનારાયણ આયુર્વેદ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું રવીવારે સવારે ૯ થી ૫ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ર્ડો સિધ્ધરાજસિંહ રેવર તેમજ ર્ડો શીલા માલીવાડ પોતાની સેવા આપશે. સર્વે જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા સ્વામિનારાયણ મંદિરના તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.

%d bloggers like this: