આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2010

ઉમરેઠમાં ડે-નાઈટ ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાશે.


થોડા જ વર્ષો પહેલા ઉમરેઠમાં ડે-નાઈટ ક્રીકેટનું ભવ્ય આયોજન થતું હતુ, સમગ્ર ચરોતર વિસ્તાર સહિત મોટા શહેરોની ટીમ ઉમરેઠમાં ડે-નાઈટ ક્રીકેટ રમવા આતુર રહેતી હતી અતુલ બેદાડે જેવો આંતરાષ્ટ્રીય ખેલાડી પણ ઉમરેઠની લોકપ્રીય ડે-નાઈટ ક્રીકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચુક્યા છે. થોડા વર્ષોથી આ ડે-નાઈટ ક્રીકેટ ટુર્નામેન રમવાનું બંધ થઈ ગયું હતુ અને ઉમરેઠની બાજૂના થામણા ગામમાં ડે-નાઈટ ક્રીકેટ રમવાનું શરૂ થયું હતું, પણ હવે ઉમરેઠમાં ફરી ક્રીકેટ રસીયાઓ ડે-નાઈટ ક્રીકેટની મજા લઈ શકશે.

તા.૧૬.૧.૨૦૧૦ થી ઉમરૅઠના એસ.એન.ડી.ટી મેદાન ખાતે ડે-નાઈટ ક્રીકેટ ટુર્નામેન્ટનો આરંભ થઈ થશે. આ ટુર્નામેન્ટનું આયોજન યુવા-યુથ ગૃપ ધ્વારા કરવામાં આવી રહ્યું છે. ફોર્મ ભરવાની પ્રક્રીયા પણ ચાલું જ છે. ત્યારે ઉમરેઠમાં ડે-નાઈટ ક્રીકેટ ટુર્નામેન્ટ જીતવા લોકલ ટીમો સવારના પહોરમાં એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ઉપર અભ્યાસ મેચ રમવા આવી જાય છે.

આજ-કાલ ઉમરેઠના હાલ..


 • ..બસ ઉમરેઠમાં બધુ રૂટીનચાલે છે, ધનારક હોવાથી બજારો થોડા ઠંડા છે આમ પણ ઠંડી વધારે છે, બે ત્રણ દિવસ પહેલા ૧૦ ડીગ્રી થી પણ નીચે તાપમન પહોંચી ગયું હતું.
 • ઉમરેઠ નગર પાલીકાની બોર્ડની બેઠકમાં ઉમરેઠના વિકાસ કાર્યો વિરોધીયોના વાધા વચકા સુધારા વધારા સાથે મંજૂર થઈ ગયા છે, પણ હવે કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણએતો રામ જાણે..!
 • ઉમરેઠ પાલિકાના સત્તાધીશો અને વિરોધીયો વચ્ચે બોર્ડની બેઠક પહેલા વિરોધ પાર્ટીના નેતાના ઘરે બેઠક મળી હોવાની રૂમર ચાલી રહી છે, કહેવાય છે સત્તાધીશના નેતા વિરોધ પાર્ટીના નેતાને વિશ્વાસમાં લઈ ગામનો વિકાસ કરવા આવા ગતકડાં કરે છે.
 • નગરમાં ઉત્તરાયણનો માહોલ જામવા માળ્યો છે, પતંગ અને દોરાની દૂકાનો હવે સજ્જ થવા લાગી છે ત્યારે ગામના કેટલાક વિસ્તારોમાં માંજો પિવડાવનારા પણ સક્રીય થઈ ગયા છે.
 • ઉમરેઠ ઓડ માર્ગ ઉપર જી.આઈ.ડી.સી પાસે ઓવર બ્રીજનું કામ છેલ્લા પાંચ વર્ષથી આજ દીન સુધી ચાલુ જ છે ક્યારે પતશે તે પુલ બનાવનાર કે પછી તંત્રના અધિકારીઓને પણ ખબર નથી, પણ ગમે ત્યારે પુલ બનાવી લોકોને તંત્ર સપ્રાઈજ આપવાના મૂળમાં છે, પણ પુલ બની ધડામ કરતા તુટશે ત્યારે લોકોને ખરી સપ્રાઈજ મળશે..!

અવસાન નોંધ


ઉમરેઠના ઈન્દ્રવદન રમણલાલ શાહ રહે, લાખિયા પોળ ઉમરેઠના ધર્મ પત્નિ ઉર્મિલાબેન ઈન્દ્રવદનભાઈ શાહનું તા.૨૫.૧૨.૨૦૧૦ના રોજ દૂ:ખદ અવસાન થયેલ છે.

રાજ્ય ઉર્જા મંત્રીના સંસદ વિસ્તાર ઉમરેઠમાં દર રવીવારે વીજકાપથી નગરજનો ત્રસ્ત..!


..આવો અમારા ગુજરાતમાં અહિયા વહેપાર ઉધોગ માટે રોકાણકારોને મોકળું મેદાન છે, અહિયા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ વીજકાપ નથી..! આ વાક્ય તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રમોદી તામિલનાડુંમાં ઉધોગપતિઓની એક સભાને સંબોધતા બોલ્યા હતા. પણ મોદીજી જો ઉમરેઠમાં રવીવારે આવે તો મોં માં આંગળા નાખી પોતાનું બોલેલું વાક્ય પાછું ખેંચી લે તેમાં કોઈ બે મત નથી. આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં દર રવીવારે જાણે એમ.જી.વી.સી.એલ રજા પાડતું હોય તેમ લાગી રહ્યું છે. ઉમરેઠમાં રવીવારે સવાર થી લાઈટો બંધ થઈ જાય છે અને તે બપોરે આવે છે જેના કારણે મહિલાઓ, બાળકો સહિત દૂકાનદારો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે.

એક બાજૂ તંત્રએ ઉમરેઠ નગરને એમ.જી.વી.સી.એલ ની મોડેલ કચેરીની ભેટ ધરી ઉમરેઠ પ્રત્યે પોતીકું વર્તન કર્યું છે, ત્યારે બીજૂ બાજૂ દર રવીવારે લાઈટો બંધ કરી એમ.જી.વી.સી.એલના અધિકારીઓ ઉમરેઠ પ્રત્યે ઓર્માયું વર્તન કરી રહ્યા છે. ઉમરેઠની મોડેલ એમ.જી.વી.સી.એલ ની કચેરીમાં પ્રી-પેઈડ વીજ મિટર સહિત એ.ટી.પી મશીનથી લાઈટ બીલ ભરવાની સુવિધા છે ત્યારે આવી આધુનિક સુવિધા પુરી પાડતા વીજ તંત્ર ધ્વારા વીજપુરવઠો પુરો પાડવામાં શા માટે ગલ્લા તલ્લા કરવામાં આવે છે, જે નગરજનો માટે મોટો સવાલ બની ગયો છે. રવીવારે બાળકો સ્કૂલ નિશાળની રૂટીન જીંદગી માંથી અલગ થઈ ઘરે આનંદ કરતા હોય છે ત્યારે તેઓના આનંદમાં ભંગ પાડવા માટે એમ.જી.વી.સી.એલ વાળા મીટ માંડીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ઉમરેઠમાં પહેલેથી દર સોમવારે બજારો બંધ હોય છે જેના કારણે રવીવારે સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે ભીડ હોય છે જેથી રવીવારે જ લાઈટો બંધ થઈ જતી હોવાને કારણે વહેપારી વર્ગ પણ ખાસ્સો પરેશાન થઈ ગયો છે.

રાજ્ય ઉર્જા મંત્રી ભરતભાઈ સોલંકી ઉમરેઠના સંસદ સભ્ય હોવા છતા પણ, ઉમરેઠમાં વીજ ધાંધિયા થઈ રહ્યા છે ત્યારે ઉમરેઠમાં દિવાનીચે અંધારું જેવી પરિસ્થીતી પેદા થઈ છે તેમાં કોઈ બે મત નથી થોડા મહિના અગાઊ ઉમરેઠના કેટલાક વહેપારી મંળડો ધ્વારા લાગતા વળગતા અધિકારીઓ ને આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતું ઘરે રવીવારની આનંદ માનતા આ અધિકારીઓ ઉમરેઠના લોકોની રવીવારની મજા બગાડવા જ આવ્યા હોય તેમ લાગે છે.

ઉમરેઠ પાલિકાની આગામી બોર્ડ બેઠકમાં ત્રણ વર્ષથી ખોરંભે પડેલ કેન્દ્રની રૂ. ૮ કરોડની યુ.આઈ.ડી.એસ.એમ.ટી યોજના સમાવિષ્ટ


ઉમરેઠ નગરપાલિકાને ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા મળેલી યુઆઈડીએસએમટી યોજના હેઠળ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ વિકાસ અને વિરોધની વાતો વચ્ચે આ યોજના ખોરંભે પડી જવા પામી છે. જો કે સાડા ત્રણ વર્ષ વીતી ગયા બાદ પુનઃ સદર યોજના પાલિકાની આગામી બોર્ડ બેઠકમાં સમાવિષ્ટ થવા સાથે તેને સત્વરે અમલી બનાવવાની દિશામાં પણ સકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સદર યોજના અંગેની જાણવા મળતી વિગતોમાં વર્ષ ૨૦૦૯માં યુઆઈડી એસએમટી યોજના હેઠળ ઉમરેઠ નગરપાલિકાને ગ્રાન્ટ મળતા પાણી યોજનાને કાર્યરત કરવાની દિશામાં પગલાં ભરવામાં આવ્યા હતા. જેમાં નહેરોમાં આવતા પાણી તળાવોમાં ઠાલવીને ગામમાં પીવાના પાણી પહોંચાડવાની યોજના અમલી કરવા પાલિકા કાર્યરત થઈ હતી. પરંતુ આ સમય દરમયાન પાલિકાના અધિકારીઓએ બોર્ડને અંધારામાં રાખીને બાલાજી રેઈનફોર્સ કંપનીને સરકારી ભાવ કરતા ઉંચા ભાવ તેમજ ઈએમડી અને. એસ.ડી. લીધા વગર ટેન્ડર મંજૂર કરી દીધું હતું. ઉપરાંત ટેન્ડરમાં કાસ્ટીંગ આર્યન (સીટી)ની પાઈપો નાંખવાની બાબત હતી. જયારે ખુલેલા ટેન્ડરમાં પ્લાસ્ટીકની પાઈપો નાંખવાની બાબત બહાર આવતા જિલ્લા કલેકટરની અદાલતમાં મ્યુનિસિપલ એકટ ૨૫૮ મુજબ આ કામગીરી પર સ્ટે માંગવામાં આવ્યો હતો.

જેમાં કલેકટરે તમામ પાસાંઓ પરના અભ્યાસ બાદ અરજદારને સ્ટે આપ્યો હતો. પરંતુ જિલ્લા કલેકટરનો હાલ સ્ટે યથાવત હોવા છતાંયે અગાઉ પાલિકાના શાસકો આ યોજનાને પુનઃ બોર્ડ બેઠકમાં મંજૂરી માટે લાવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બાદમાં યોજનાનો અમલ પડતો મૂકાયો હતો.

પરંતુ હવે લગભગ સાડાત્રણ વર્ષ બાદ સદર યોજના અંગે આગામી ર૪મી ડિસે.ના રોજ ઉમરેઠ નગરપાલિકાની યોજાનાર બોર્ડ બેઠકમાં આ યોજનાને કેવી રીતે અમલી બનાવવી, તેના ખર્ચને કેવી રીતે પહોંચી વળવું સહિત યોજનાના વિવિધ પાસાંઓનું સાથે બેસીને ચર્ચા વિચારણા કરવાનું આયોજન ઉભું કરાયું છે. આથી પુનઃ આ યોજના નગરજનોમાં પણ ચર્ચાનું કારણ બનવા પામી છે.

નગરજનોની સુખાકારી માટેની યોજનાના અમલ માટે સૌએ સાથે બેસીને અભ્યાસ કરવો જરૂરી – પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ

આ સમગ્ર મામલે ઉમરેઠ પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, રૂ. ૮ કરોડ ઉપરાંતની યોજના અંગે પાલિકાના તમામ કાઉન્સિલરો અને અધિકારીઓએ સાથે બેસીને ચર્ચા કરવી વધુ યોગ્ય છે. કારણ કે આ યોજના અંગે અગાઉ અનેક વિવાદો ઉભા થયા હતા. ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા સ્ટે ઓર્ડર પણ અપાયા હતા. વધુમાં ત્રણ વર્ષ અગાઉ રૂ. ૮ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ થાય તેમ હતી. હવે આ પ્રોજેકટની કિંમતમાં પણ મોંઘવારીના કારણે વધારો થયો હશે. જેના કારણે તમામ પાસાંઓનો અભ્યાસ સૌને સાથે રાખીને કરવામાં આવશે. જેથી કોઈપણ વાદ-વિવાદ વિના નગરજનોની સુખાકારી માટેની આ યોજનાને આખરી ઓપ આપવામાં આવશે.

જયાં પાણીની સમસ્યા નથી ત્યાં કરોડોનો ખર્ચકરવો ઉચિત નથી – પૂર્વ કાઉન્સિલર શેલત

આ અંગે પાલિકાના પૂર્વ કાઉન્સિલર રુદ્રદત્ત શેલતે જણાવ્યું હતું કે, અગાઉ થયેલ શહેરના સર્વેમાં ઉમરેઠની ભૌગોલિક રચના ઊંધી રકાબી જેવી છે. હાલ ઉમરેઠમાં પાંચ પાણીની ટાંકીમાંથી ત્રણ ટાંકી બંધ છે. બે જ ટાંકીઓ કાર્યરત છે. જયારે બદ્રીનાથ વિસ્તારમાં માત્ર એક ટાંકી બનાવવાની જરૂર છે. ત્યારે જે સમસ્યા નથી ત્યાં કરોડોનો ખર્ચ કરવો તે કેટલો યોગ્ય છે. આ રકમ શહેરના અન્ય વિકાસમાં ઉપયોગમાં લેવાવી જોઈએ. આ યોજના કાર્યરત થશે તો રૂ. ૧૨ લાખનું લાઈટબીલ નગરપાલિકાને ભરવું પડશે. હાલમાં વિજ બીલો ભરવામાં પાલિકાને ફાંફા પડે છે ત્યારે યોજના શરૂ થશે તો માઠી દશા થશે તેવી સ્થિતિના પગલે અમો વિરોધ કરી રહ્યા છીએ તેમ તેઓએ જણાવ્યું હતું. (સમાચાર સ્ત્રોત – સરદાર ગુર્જરી )

 

ઉમરેઠ પાલિકા દ્વારા વોર્ડ નં.૮ સાથે ઓરમાયું વર્તન થયાનો આક્ષેપ


 • વોર્ડ નં.૮ માંથી પા.પ્રમુખ અને વિપક્ષના નેતા ચુંટાઈ આવ્યા છે..!

સત્તાધીશો અને વિપક્ષના નેતાઓની ટાંટીયા ખેંચવાની હરકતને કારણે વગર વાંકે વોર્ડ નં.૮ ના રહિશો આવી ગયા છે. ત્યારે તા.૨૨મીના રોજ નગરપાલિકામાં મળનાર બોર્ડની બેઠકમાં મંજૂર કરવાના કામો પૈકી વોર્ડ નં.૮ના કામોને બાકાત રાખવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકામાં પ્રમુખ અને વિપક્ષના નેતાનો હોદ્દો ધરાવતા ઉમેદવારોની રાજકિય ઈજ્જત આ વોર્ડ નં.૮ નાજ મતદારોએ રાખી હોવા છતા વોર્ડ નં.૮ સામે જોવાનો પણ આ નેતાઓ પાસે સમય નથી જ્યારે બીજી બાજૂ પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે ક્રમબધ્ધ સમગ્ર નગરના વિકાસ કાર્યોને વેગ આપવા પણ જણાવ્યું હતું.

ઉમરેઠ નગરપાલિકામાં તાજેતરની ચૂંટણીઓમાં ભારતીયજનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે. જેના કારણે પાલિકા હદના નાગરિકોને શહેરના વિકાસ માટે હવે નવી આશાઓ બંધાઈ છે. પાલિકાની ગતવોર્ડમાં વિવિધ કમિટીઓની નિમણૂઁકો સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી ૨૨મીએ યોજાનારી બોર્ડની બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે. પરંતુ આ બેઠકના કામોમાં વોર્ડ-૮ના કામો નહીં લેવાતાં શહેરમાં અનેક તર્કવિતર્ક ઉભા થવા પામ્યાં છે.

ઉમરેઠ નગરપાલિકાની ૨૨મી ડીસે. પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનારી બોર્ડની બેઠકમાં વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે છેલ્લા કેટલાય સમયથી શહેરના જજર્રિત બનેલા માર્ગો માટે રૂ.૧ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે. પરંતુ ઉમરેઠના વોર્ડ-૮ના રસ્તા એજન્ડામાં નહીં લેવામાં આવતાં ભારે તર્કવિતર્ક ઉભા થવા પામ્યાં છે. આ વોર્ડકાઉન્સીલર અને વિરોધપક્ષના નેતા સુભાષભાઈ સેલતનો વોર્ડ હોવાના કારણે તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો હોય તેવી બાબત પ્રજાજનોમાં ચર્ચાઈ રહી છે.

આ બાબતે વોર્ડ-૮ના કાઉન્સીલર સુભાષભાઈ સેલતે જણાવ્યું હતું કે, વિકાસના કામોના પ્રથમ બોર્ડની બેઠકમાં જ મારા મત વિસ્તારમાં બાયસ રાખીને રોડના કામો લેવામાં આવ્યાં નથી. તે દુઃખદ બાબત છે. આ ઉપરાંત વિસ્તારના તમામ માર્ગોનું જો નવીનીકરણ કરવામાં આવતું હોય તો પાટપોળ વિસ્તારના રસ્તાઓને કેમ બાકાત રાખવામાં આવ્યાં તે યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે. જ્યારે આ અંગે પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમરેઠ શહેરના વિકાસ માટે કોઈ પણ ભેદભાવ અમે રાખતા નથી. પણ કેટલીક બાબતોના કારણે કેટલાક માર્ગોના કામ આગામી સમયમાં અમે હાથ પર લેનાર છીએ. જો કે માત્ર એક વર્ષના ગાળામાં જ ઉમરેઠના તમામ માર્ગો નવા જોવા મળશે તેમ સ્પષ્ટ કર્યું હતુ

(સમાચાર સ્ત્રોત- સરદાર ગુર્જરી)

ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસરને કર્મચારીએ લાફો ઝીંકી દીધાની ચકચાર


ઉમરેઠ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કર્મચારી વચ્ચેનો ઉકળતો ચરૂ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. ગતરાત્રિના અંગત ફોન નહીં કરવા અંગેની ચડસાચડસીમાં ચીફ ઓફિસરને કર્મચારીએ લાફો ઝીંકી દેતાની ઘટનાએ પાલિકા વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા હતા.પાલિકા સૂત્રો દ્વારા મળતી વિગતોનુસાર ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોષી આજે દિવસ દરમ્યાન આણંદ નગર પાલિકા ખાતે ચાલી રહેલ વસતિ ગણતરી અંગેની ખાસ ટ્રેનિંગ માટે આવ્યા હતા. સાંજના સમયે તેઓ ઉમરેઠ પાલિકા ભવન પરત પહોંચ્યા હતા. જયાં તેઓએ વસતિ ગણતરી અંગેની કર્મચારીઓ સાથે બેઠક યોજવાનું આયોજન કર્યુ હતું.

દરમ્યાન પાલિકાના સેનેટરી વિભાગના કર્મચારી વિજયભાઈ ઉપાધ્યાય નગરપાલિકાના ફોન પરથી અંગત વાત કરી રહ્યા હોવાનું માલુમ પડતા ચીફ ઓફિસર જોષીએ તેમને રોકયા હતા. જેના કારણે બન્ને વચ્ચે તૂ તૂ મૈં મૈં થવા પામી હતી અને ઝઘડો ચરમસીમાએ પહોંચતા ચીફ ઓફિસર જોષીને વિજય ઉપાધ્યાયે લાફો ઝીંકી દીધો હતો. જેના કારણે પાલિકામાં ઉપસ્થિત કર્મચારીઓ, નાગરિકોમાં સોપો પડી જવા પામ્યો હતો. પાલિકાના વહીવટીય ઉચ્ચ અધિકારી સાથે કર્મચારીએ કરેલ વર્તનની બાબત સમગ્ર નગરમાં ફેલાઈ જવા પામી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

અગાઉ મને મારી નાંખવાની ધમકી આપી હતી – ચીફ ઓફિસર

ઘટના અંગે ચીફ ઓફિસર મયુરભાઈ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વિજયભાઈ ઉપાધ્યાય મારી પાછળ પડી ગયા છે. અગાઉ પણ મને મારી નાંખવાની ધમકી આપતા મેં ઉમરેઠ પોલીસમાં જાણ કરી હતી. આજે સામાન્ય બાબતમાં મારી સાથે અશોભનીય વર્તન કર્યુ છે તે દુઃખદ છે.

મેં લાફો માર્યો નથી-કર્મચારી વિજયભાઈ

આજે ઉમરેઠમાં ટોક ઓફ ધી ટાઉન બનેલ કિસ્સામાં સેનેટરી વિભાગના કર્મચારી વિજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મેં ચીફ ઓફિસરને લાફો માર્યો નથી. તેઓની પાલિકામાં નિમણૂંક થયા સમયે તેમને મકાન ભાડે અપાવવાથી માંડીને પાલિકાની વિવિધ કામગીરીમાં હું મદદરૂપ બન્યો હતો. પરંતુ આજે તેઓએ કયા કારણોસર મારી સામે લાફો માર્યાનો આક્ષેપ કર્યો છે તે અંગે હું પણ અવઢવમાં મૂકાયો છું.

બન્ને પક્ષે સમાધાનના અમારા પ્રયાસ રહેશે-પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ

જો કે સમગ્ર મામલે ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે મને બિલકુલ જાણ નથી. પરંતુ સામાન્ય બાબત હશે તો બન્ને પક્ષોને સાથે રાખીને સમાધાન કરાવવાના અમારા પ્રયાસો રહેશે. જો કે ઉમરેઠ પાલિકા સહિત શહેરમાં શાંતિનો માહોલ સર્જાય તે દિશામાં અમે અભિયાન હાથ ધર્યુ છે ત્યારે આવી ઘટનાને ઉગતી ડામવા અમે કાર્યરત રહીશું

( સમાચાર સ્ત્રોત – સરદાર ગુર્જરી )

ઉમરેઠ ઓડ ચોકડી પાસે વ્રજ વિહાર પાર્ટી પ્લોટ બહાર અકસ્માત..!


 • વાહનો અને લારી ગલ્લાને નુકશાન, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

ઉમરેઠ ઓડ ચોકડી પાસે મોદી રાત્રે અકસ્માત થયો હતો, પરંતું નસીબે આ સમયે કોઈ વ્યક્તિ અહિયા હાજર ન હોવાથી કોઈ વ્યક્તિને નુકશાન થયું ન હતું, જ્યારે ટ્રકમાં સવાર એક વ્યક્તિ અને ડ્રાઈવરને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.

ઉમરેઠ ઓડ ચોકડી પાસે અસહ્ય દબાણો હોવાને કારણે અહિયા વારંવાર અકસ્માત થાય છે. છતા પણ તંત્ર અહિયા દબાણો હટાવતું નથી ઉપરથી અહિયા પડતા ત્રણ રસ્તા ઉપર કોઈ ટ્રાફિક સર્કલ પણ નથી જેના કારણે વાહન ચાલકો ગુંચવાઈ જાય છે ને ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત કરી બેસે છે. ઓડ ચોકડી પાસે પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે પરંતું અપુરતા પોલીસ સ્ટાફને કારણે આ ચોકી કાર્યરત થતી નથી તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ઓડ ચોકડી પાસે આ ટ્રક જે ગલ્લા અને વાહનોને ટકરાઈ હતી તે સંતરામ વ્રજ વિહાર પાર્ટી પ્લોટ બહાર હતા જો આ અકસ્માત મોદી રાત્રીની જગ્યાએ વહેલો થયો હોત તો આ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને લોકોના વાહનો આજ જગ્યાએ પાર્ક કર્યા હતા જેથી નુકશાન વધુ પ્રમાણમાં થાત.

 

રવીવાર


ઓર ભી દીન હૈ કેલેન્ડ મેં..ઓર ભી દીન હૈ કેલેન્ડ મેં…

કમ્બકત રવીવાર હી ક્યું, પાવર કટ કરને કે લીયે..!

કહેવાય છે, આણંદ જિલ્લા માંજ નહિ સમગ્ર ગુજરાતમાં એમ.જી.વી.સી.એલ ની ઓફિસ ઉમરેઠમાં સરસ છે, સરસ એટલે દેખાવ માંજ નહિ કસ્ટમર સર્વીસની બાબતે પણ, પણ રવીવારે શું થઈ જાય છે કાંઈ ખબર નથી પડતી. અમારા ઉમરેઠની વીજ કંપનીની ઓફિસમાં એ.ટી.પી મશીન થી વીજ બીલ ભરવાની સુવિધા છે. (એ.ટી.પી. મશીન એટલે જેમ એ.ટી.એમ માંથી ગમે ત્યારે પૈસા ઉપાડાય તેમ એ.ટી.પી. મશીનમાં ગમે ત્યારે પૈસા ભરાય), પણ હમના ગામના લોકો ટેવાયા નથી એટલે ત્યાં મશીન પાસે એક માણસ ઉભો રહે છે તે મશીન ધ્વારા બધાના લાઈટ બીલ ભરી આપે , જાતે ભરવાનો મેં એક વાર પ્રયાસ કર્યો હતો પણ હું ઠોઠ સાબિત થયો (સાદી ભાષામાં ન આવડ્યું) સાથે સાથે પ્રી-પેડ વીજ બીલની પણ સુવિધા જેટલી લાઈટ જોઈયે તેટલી રીચાર્જ કૂપન લઈ લેવાની, રીચાર્જ ખતમ એટલે ઘરમાં અંધારૂં..

… ખેર સવારે મિત્ર સાથે બસ સ્ટેન્ડ ગરમા ગરમ ભજીયા ખાધાને ઓફિસ ભેગો થયો.. પણ લાઈટો ન હોવાથી ધાર્યુ કામ થયુ નહિ એટલે આવતા રવીવારે પણ ..

નેટ ઉપર ભટકતા ભટકતા અમારી જ્ઞાતિના પ્રમુખ નવનીતભાઈ પરીખ ની ની વેબ સાઈટ http://www.parikhparivar.com/ જોઈ, જે લોકો ધાર્મિક વૃત્તિ ધરાવતા હશે તેમને તો જરૂર મજા આવશે. ખાસ કરીને વૈષ્ણવોને ગમે તેમા ગીતો,ભજનો વિગેરે તેઓની સાઈટ ઉપર ઉપલબ્ધ છે. જો યાદ હોય તો પેલી સ્મરણાંજલિકા કેસેટો આવતી હતી તે તેઓ એજ બહાર પાડી હતી.

બસ હવે, હળવે પંખે આરામ અને સાંજે મિત્રો સાથે ચા ની ચુસ્કી..

કોમેન્ટ(સ)


..આખરે પાંચસો કોમેન્ટ બ્લોગ ઉપર મળી, હા થોડી લગભગ ૨૫ થી ૩૦ મારી રીપ્લાય કોમેન્ટ હશે, છતા પણ બ્લોગમાં પાંચ સો કોમેન્ટ મળશે તેવી આશા લગભગ ન હતી. અને ૫૦૦ કોમેન્ટ માટે ૧૫૦૦ પોસ્ટ લખવી પડશે તેમ પણ વિચાર્યું હતુ..!

હમનાજ “કનકવો” બ્લોગના સંચાલક જયભાઈની કોમેન્ટ આવી ત્યારે બ્લોગ ઉપર ૫૦૦ કોમેન્ટનો જાદૂઈ આંકડો જોવા મળ્યો બ્લોગ ઉપર પહેલી કોમેન્ટ વિનયભાઈ ખત્રીની આવી હતી.

ઉમરેઠની નવા જૂની


 • હજૂ ગયા રવીવારેજ અમારા સંસદ સભ્ય અને તમારા ઉર્જા મંત્રી (રાજ્યકક્ષા)ના વખાણ કર્યા હતા અને કહ્યું હતુ કે, હવે ઉમરેઠમાં લાઈટોનો પ્રોબ્લેમ પતી ગયો છે. પણ આ રવીવારે લાઈટો ગઈ હતી તે પણ ગામના મોટાભાગના તમામ વિસ્તારમાં..! ચાલશે હવે શિયાળો છે, એટલે કોઈ ફેર નથી પડતો. પણ બજારોમાં દૂકાનદારોને જરૂર ફેર પડે છે.
 • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં રવીવારે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો જેમાં શાળાના ભૂ.પૂ વિદ્યાર્થી જનકભાઈ શાહ મુખ્ય અતિથિ પદે હાજર રહ્યા હતા. વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અન્ય મનોરંજન કાર્યક્રમો યોજાયા હતા.
 • ચુંટણી પૂર્ણ થયે ખાસ્સો સમય વિતી ગયો હોવા છતા ઉમરેઠમાં રસ્તા બનાવવા માટે કોઈ સરસ મહૂર્ત જોવાઈ રહ્યું હોય તેમ લાગે છે.રસ્તા બનાવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષ રાગ રસ્તાતો નથી કરતું ને..?
 • ગામમાં તેવી પણ ગુસપુસ થઈ રહી છે કે, રસ્તા બનાવવાના મામલે સત્તાપક્ષ અને વિપક્ષમાં તાલમેલનો અભાવ છે,અને ટેન્ડરને લઈ કોઈ માથાકૂટ ઉભી થઈ છે.
 • ઉમરેઠ થી આણંદ જવા માટે સવારે પુરતી બસ સેવા બહાલ થઈ ગઈ છે, ઉલ્લેખનિય છે કે, થોડા મહિના અગાઊ વિદ્યાર્થીઓએ ઉમરેઠ આણંદ બસ સેવા વધારવા આંદોલન કર્યું હતું. પરંતુ હજૂ આણંદથી ઉમરેઠ આવા માટે સાંજે મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે.
 • ઉમરેઠમાં ખ્રિસ્તી ભાઈ-બહેનો ધ્વારા નાતાલ પર્વની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, અલ્બત આ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ઉમરેઠમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર ચર્ચમાં નાતાલ પર્વ ઉત્સાહભેર ઉજવાશે.હાલમાં મુસ્લીમ બિરાદરો મોહરમ પર્વની ઉજવનીમાં વ્યસ્ત છે. રાત્રીના સમયે વડાબજાર સહિત અન્ય મુસ્લીમ વિસ્તારમાં તાજીયા રમવામાં આવે છે.

આવજો ત્યારે ફરી મળીશું..વાંચતા રહેજો…

વિવેક વાણી


Ladies first સ્લોગનનો ઉપયોગ છોકરીઓ બેઈમાનીથી કરે છે.  બધી વાતમાં Ladies first વાક્યનો ઉપયોગ બિન્દાસ કરે છે,પણ જ્યારે પ્રપોઝ કરવાનો વારો આવે ત્યારે Gents first સ્લોગન રટ્યા કરે છે..!

વિવેક વાણી


જો તમારી x-girlfriend તમારી Present girlfriend ની દોસ્ત બની જાય તો તમારે next girlfriend વીશે ગંભીરતાથી વિચારવું જોઈયે…!

ઉમરેઠ બસ સ્ટેશન સામેથી છકડા-રીક્ષા સ્ટેન્ડનું સરનામું બદલાતા વહેપારીઓમાં આનંદની લાગણી.


 • હપ્તાનાભાર નીચે દબાયેલ પોલીસે આખરે છકડા-રીક્ષા ચાલકોને તગેડાવા પડ્યા..!

બસ સ્ટેશન વિસ્તાર, ઉમરેઠ

છેલ્લા કેટલાય સમયથી ઉમરૅઠના બસ સ્ટેશનની આસપાસ ખાનગી વાહનો તેમજ છકડા રીક્ષાન ઉભા ન રહે તે માટે કલેક્ટરે હુકમ કર્યો હોવા છતા પણ છકડા અને રીક્ષાવાળા ઉમરેઠ બસ સ્ટેશનની સામે બિન્દાસ છકડા રીક્ષાઓ ઉભી કરી ઘેરકાયદેસર રીતે ગીચોગીચ મુસાફરો ભરી ઉમરેઠ-આણંદ અને ઉમરેઠ-ડાકોર સહિત અન્ય રૂટ ઉપર પણ મોતની મુસાફરી કરતા હતા કેટલીય વાર આ રૂટો ઉપર છકડા રીક્ષા પલ્ટી મારી હોવાના પણ બનાવો બન્યા છે અને મુસાફરો ઘાયલ પણ થયા છે. છતા પણ હપ્તાના પહાડ નીચે દબાયેલ પોલિસ તંત્ર હંમેશા ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકામાં દેખાતું હતું પરંતું લગભગ પંદર વીશ દિવસ પહેલા ગાંધીનગરના કોઈ ઉચ્ચ અધિકારી કે પત્રકાર ઉમરેઠ બસ સ્ટેશન પાસેથી પસાર થતા તેઓની કાર સામે એક છકડો આવી ગયો હતો જ્યારે છકડો રસ્તાની વચ્ચે હોવાથી કારમાં બેઠેલા આ સરકારી અધિકારી કે પત્રકારે છકડા ચાલકને પોતાનો છકડો બાજૂમાં લેવા જણાવ્યું હતું, પરંતુ હપ્તા આપી પોતાની મનમાની કરતા આ છકડા ચાલકે ઉપરથી કાર ચાલકને ગમે તેમ વાત કરી હતી.

જ્યારે બધુ નાટક જોઈ કારમાં બેઠેલા તે અધિકારી કે પત્રકારે ત્યાંથીજ કોઈ વ્યક્તિને ફોન કરી ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તાર માંથી બધા છકડા હટાવવા નિર્દેશ કર્યો હતો અને તેઓએ જે કોઈ વ્યક્તિને ફોન કર્યો હતો તેને રીતસર ખખડાવી ઉમરૅઠ બસ સ્ટેશન વિસ્તારમાંથી તાબળતોળ છકડા રીક્ષા દૂર કરવા મોટા અવાજે કહ્યું હતું, જેના ગણતરીના કલાકોમાં હાંફતા હાંફતા આવી ચડેલ પોલીસ કર્મીઓએ તાબળતોળ ઉમરેઠ બસ સ્ટેશન સામેથી છકડા રીક્ષાઓ તગેડી મુકી હતી.

જ્યારે આમ તુરંત પોલીસ હરકતમાં આવતા પેલો કાર ચાલક કોણ હતો..? જેના એકજ ફોનથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું. તે કોઈ સરકારી અધિકારી હતો..? કે પછી કોઈ મોટો પત્રકાર..? જે આજે પણ બસ સ્ટેશન વિસ્તારના લોકો માટે યક્ષ પ્રશ્ન છે. પરંતુ એક વાત તો ચોક્ક્સ છે કે ઉમરેઠ બસ સ્ટેશન સામેથી છકડા રીક્ષાઓનું સરનામું બદલાતા હવે બસ સ્ટેશન સામે શિપીંગ સેન્ટરમાં દૂકાનો ધરાવતા વહેપારીઓમાં આનંદની લાગણી દેખાઈ રહી છે. આ પહેલા પણ ઉમરેઠ પોલીસ ધ્વારા બસ સ્ટેશન વિસ્તાર માંથી અવાર નવાર છકડા રીક્ષા ચાલકોને હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ તે નાટક વહેલું પૂર્ણ થતું હતુ અને છકડા રીક્ષા પૂનઃ શરૂ થઈ જતા હતા જ્યારે આજે છકડા રીક્ષા ચાલકોને બસ સ્ટેશન સામેથી તગેડી મુકે પંદર દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા પૂનઃ છકડા રીક્ષા ચાલુ ન થતા છેક ઉપરથી દબાણ આવ્યું હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે.

છકડા-રીક્ષા વાળાની સુડી વચ્ચે સોપારી જેવી હાલત..

છકડા રીક્ષાવાળાની સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે.એકતો પહેલેથી હપ્તા આપી ધંધો કરે છે ઉપરથી હવે બસ સ્ટેશન સામેથી છકડા રીક્ષા તગેડી દેવાતા તેઓનો ધંધો મંદ થઈ ગયો છે, કેટલાક રીક્ષા ચાલકો ચર્ચા કરી રહ્યા છે કે હજૂ પણ પોલીસના ભાડુતી માણસો તેઓ પાસેથી હસ્પ્તા લઈ જાય છે..! ત્યારે છકડા રીક્ષા ચાલકોને આવી રીતે હેરાન કરી પોલીસ શું સાબિત કરવા માગે છે..?

છકડા-રીક્ષા ચાલકો પાસે હપ્તો ઉઘરાવનાર વ્યક્તિ કોણ…?

ઉમરેઠ બસ સ્ટેશન સામેથી છકડા રીક્ષાને તગેડી મુક્યા હોવા છતાપણ કેટલાક છકડાવાળાઓ ચર્ચા કરી રહ્યા છે કે, તેઓ પાસેથી કેટલાક પોલીસના દલાલો હપ્તા ઉઘરાવી જાય છે ત્યારે આ હપ્તા પોલીસ સુધી ખરેખર પહોંચે છે કે, પછી પોલીસના નામે કોઈ ચરી ખાય છે તે તપાસ નો વિષય છે. અવાર નવાર બાઈક ઉપર છકડા રીક્ષા ચાલકો પાસે ગુફતેગુ કરનાર આ શંકાસ્પદ વ્યક્તિ કોણ છે..? તેની પણ ચોફેર ચર્ચાઓ થઈ રહી છે.

વિવેક વાણી


દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.

પણ દરેક અસફળ પુરુષની પાછળ બે સ્ત્રીઓનો હાથ હોય છે…!

જોક્સ


ચીત્રગુપ્તજી – યમરાજ, આપણો ટારગેટ ગુજરાતમાં કેમ પુરો થતો નથી..?

યમરાજ – શું કરું મહારાજ, હું પાડો લઈને જવું, તે પહેલા મોદીની ૧૦૮ આવી જાય છે. (SMS)

રવીવાર


..ફરી એક વખત આરામદાયક રવીવાર, હવે લાઈટોનું રામાયણ પૂરૂ થઈ ગયું હોય તેમ લાગે છે, આ રવીવારે ઉમરેઠમાં આ બાજૂ કે પેલી બાજૂ લાઈટો ગઈ જ ન હતી હવે લાગ્ય કે, અમારા સંસદ સભ્ય રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી જ છે.

..બસ રવીવારે બપોરે સવાર થઈ સત્તર અટ્ઠાર મિનિટમાં રેડી થઈ પોળ માંજ એક મિત્રને ત્યાં બાફેલો લોટ (કેટલાક લોકો ખીચું કહે છે) ખાધો.. પહેલાતો ફોરમાલીટી કરવામાં ના ના કરી પણ જોરદાર સ્વાદીષ્ટ હતો એટલે બીજીવાર પણ આલાટી પાડ્યો..! પછી શું થોડીવાર બજારમાં ટહેલવા નિકળ્યો અને ઘરે આવી ટી.વી જોઈ ફરી પથારી ભેગો… સાંજે મિત્રો જોડે ગામની ભાગોળે ચા ની કીટલી ઉપર દેશ-વિદેશ ની ચર્ચા કરી..

સાજે ડિનરમાં એક વર્ષ પછી બાજરીની ખિચડી ખાધી, મારી મમ્મીની બાજરીની ખિચડી જોરદાર બને છે, પણ બનાવવામાં બહૂ કૂથો છે, એટલે વર્ષમાં બે-ત્રણ વખત જ બને છે. અને આમ પણ બાજરી ની ખિચડી ખાવાની મજા શિયાળા માંજ આવે. આ વર્ષે બે-ત્રણ વારની જગ્યાએ પાંચ-છ વાર બાજરીની ખિચડી બનાવવા મમ્મી સાથે માંગ કરી છે, આશા છે, પૂર્ણ થઈ જ જશે (પણ મારે કદાચ તેની મોટીં કિંમત પણ ચુકવવીજ પડશે.) મારી મમ્મી ની અને અમારી પોળમાં પણ બાજરીની ખિચડી સરસ જ થાય છે, પણ આ વર્ષે પોળમાં કસ્ટ્રકશનનું કામ ચાલે છે એટલે પોળની ભૌગોલિક પરિસ્થિતી જોઈ બાજરીની ખિચડીની ફિસ્ટ થાય તેવા એંધાન દેખાતા નથી..

જીમ


બે દિવસ ઉપર ચાર વર્ષ જૂના ફોટા જોયા લાગ્યું મારે જીમ જોઈન કરવું જ જોઈયે, આપણે સારા વિચારોનો અમલ પણ તરતજ કરી દઈયે છે એટલે આજ થી જીમ જવાનું શરૂ કરી દીધુ છે. આજે જીમમાં પહેલો દિવસ સારો રહ્યો. થોડા સમય પછી મારા સીક્સપેક્સ એબ્સ બ્લોગ ઉપર જોવા મળે તો નવાઈના પામશો.. અરે હા, કહેવાનું તો રહીજ ગયું કે, ઉમરેઠમાં સંતરામ મંદિર સંચાલિત જીમ પણ છે. અને તે પણ આધુનિક સાધનોથી સજ્જ..

…ખેર હમના તો હાથ પગ ખુબ દૂઃખે છે,એટલે વધારે નહી લખું. ચાલો ત્યારે ફરી મળીશું. આવતા રહેજો વાંચતા રહેજો.

“સંદેશ” ની બેવડી નિતી


સવારના પહોરમાં જ્યારે સંદેશ હાથમાં આવ્યું તો પહેલા પાન ઉપર આ જાહેરાત અને પછી પાંચમાં જ પાને આ સમાચાર વાંચ્યા “સંદેશ” જેવું ન્યુઝ પેપર પહેલા પાનથી પાંચમાં પાન સુધીમાં પોતાની બેવડી નિતી કેવી રીતે બતાવે છે તેનું ચોખ્ખું ચટ ઉદાહરણ છે.

ઉમરેઠમાં ચોરીનો વધુ એક બનાવ, ચોરો સક્રીય, પોલીસ નિક્રીય…!


ઉમરેઠમાં ધાર્મિક વૃત્તિ ધરાવતા ચોરોને જલસા પડી ગયા છે. ધાર્મિક વૃત્તિવાળા એટલા માટે કારણ કે, ઉમરેઠમાં આ સીઝનમાં ચોરી કરવાની શરૂઆત ચોરોએ ગુરૂદત્તાત્રેય મંદિર થી કરી હતી હમના જ દશ દિવસ પહેલા જ ઉમરેઠના ગુરૂદત્તાત્રેય મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને પાછળ થી પોલીસે ડોગ સ્કોડની મદદ થી તપાસ શરૂ કરી હતી જે આજે પણ ચાલુ……..જ છે.

..ખેર હજૂ આ ચોરીને લઈ ચોરોનો કોઈ અત્તોપતો નથી જડ્યો ત્યારે ફરી ગતરાત્રિના ચોરોએ નગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ચોરી કરી પોલીસને ઠીંગો બતાવ્યો હતો. (..અરે ચોરો જોડે પોલીસ હપ્તાનું સેટીંગ નહી હોય આવું ગંદુ-ગંદુ ના વિચારશો.) સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પણ રાબેતા મુજબ પોલીસ ડોગ સ્કોડથી તપાસ શરૂ કરી દીધી છે તપાસ ક્યારે પતશે એતો પોલીસ ને પણ ખબર નહી હોય..!

દશ જ દિવસમાં બે વાર ચોરી થઈ એટલે એક વાત ચોક્કસ છે કે, ઉમરેઠમાં ચોરો સક્રીય અને પોલીસ નિષ્ક્રીય થઈ ગઈ છે. પણ ઉમરેઠના છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકો અને સોસાયટીઓના લોકોને વણમાગી સલાહ છે કે ચાર પાંચ મહિના માંટે મૂર્ખાઓ ઉપર વિશ્વાસ કર્યા વગર ગુરખાઓ રાખી લેવા સારા..! આમ પણ ઉમરેઠ પોલીસ બીચારી શું કરે સ્ટાફ ઓછો છે કેટલી બાજૂ નજર રાખે..! ઉમરેઠ તાલુકો છે છતા પણ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ પણ નથી. પણ છતા પણ ઉમરેઠ બસ સ્ટેશન પાસે ટુંક સમયમાં પોલીસ ચોકી કાર્યરત થવાના એંધાન છે.

અને છેલ્લે ઉમરેઠની જનતાને ખાસ કહેવાનું ” જાગતે રહો..”

%d bloggers like this: