આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2013

ઉમરેઠ ડે-નાઈટ ટુર્નામેન્ટમાં વૈભવ ટોબેકો ઈલેવન ચેમ્પિયન


વૈભવ ટોબેકો ઈલેવનના ખેલાડીઓએ વિજયોત્સવ મનાવ્યો.

વૈભવ ટોબેકો ઈલેવનના ખેલાડીઓએ વિજયોત્સવ મનાવ્યો.

ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન ઉપર યુવા શક્તિ ગૃપ દ્વારા આયોજીત ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં સુંદલપુરા ઈલેવન અને વૈભવ ટોબેકો ઈલેવન ઉમરેઠ વચ્ચે ફાઈન મુકાબલો રમાયો હતો. અત્યંત રોમાંચક મેચમાં આખરે વૈભવ ટોબેકો ઈલેવનનો વિજય થયો હતો. લગભગ પાંચ હજારથી પણ વધુ પ્રેક્ષકોથી ખચોખચ ભરેલા ગ્રાઊન્ડમાં દીલધડક મેચમાં વૈભવ ટોબેકો ઈલેવન વિજય થતા તેઓના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે મૂળ ઉમરેઠના હાલ ખાડીયાના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, લાલસિંહ વડોદિયા, અર્બન બેંકના ચેરમેન રશ્મિભાઈ શાહ તેમજ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સંદિપ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠમાં દાઊદી વ્હોરા સમાજ દ્વારા ધર્મગુરુ ર્ડો.સૈયદના મોહમંદ બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિવસની ઉજવણી.


 • ભવ્ય શોભાયાત્રામાં ઉમરેઠ સહીત ઠાસરા અને કપડવંજના વ્હોરા સમાજના લોકો જોડાયા.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ર્ડો.સૈયદના સાહેબના ૧૦૨માં જન્મ દિવસથી ઉજવણી ઉમરેઠમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરની વ્હોરવાડને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવી હતી. ધર્મગુરુ ર્ડો.સૈયદના સાહેબની જન્મ જયંતિના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે સ્પોર્ટ-ડે સહીત ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા.ભવ્ય શોભાયાત્રામાં વ્હોરા સમાજના યુવાનો તેમજ બાળકો દ્વારા વિવિધ વેશભૂષા કરવામાં આવી હતી,શોભાયાત્રામાં ઉમરેઠ સહીત કપડવંજ ઠાસરાના વ્હોરા સમાજના લોકો જોડાયા હતા. વ્હોરા સમાજના.ધર્મગુરૂ ર્ડો.સૈયદનાસાહેબની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીમાં સાથ સહકાર આપનાર તમામ સમાજના લોકોનો જનાબ શેખ કુરબાનહૂસેને આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં સમગ્ર દેશમાં શાંતિના સંદેશ સાથે વ્હોરા સમાજ રેલી નિકાળવાના આયોજન કરી રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દાઊદી વ્હોરા સમાજના અગ્રણી અબ્બાસીભાઈ વ્હોરા, મહંમદભાઈ વહોરા સહીત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં અનોખો રાજકિય ત્રિવેણી સંગમ..!


રાજકીય વર્તુંળમાં ઉમરેઠનું મહત્વ ત્રિવેણી સંગમ જેવું કહેવાય કારણ કે, હાલમાં ઉમરેઠમાં મુખ્ય ત્રણ હોદ્દા ઉપર વિવિધ ત્રણ રાજકીય પક્ષોનું શાશન છે. ઉમરેઠની બાહોશ પ્રજાએ પોતાના મતો તેવી રીતે આપ્યા છે કે, ઉમરેઠના વહીવટી તંત્રમાં હાલમાં અલગ અગલ ત્રણ રાજકિય પક્ષોના હાથમાં શાશન આવી ગયું છે. ત્યારે વહીવટી તંત્રના આ ત્રણેય પડાવ ઉપર જે તે રાજકિય પક્ષ કેટલો કારગર સાબિત થયો છે તે અંગે ખુબજ ટુંકી ચર્ચા કરીયે.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ છે, જેઓ ભાજપના છે.

ઉમરેઠ નગરપાલિકામાં ભાજપનું છેલ્લી કેટલાય વર્ષોથી એક હથ્થું શાશન છે. હાલમાં ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહૂમતી ધરાવે છે અને પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. કેટલાક અપવાદો બાદ કરીયે તો એકંદરે ઉમરેઠ નગરપાલિકાની કામગીરી સંતોષકારક કહેવાય. મુખ્યત્વે નગરપાલિકા પાસેથી પ્રજા પાણી,ગટર અને રસ્તા સહીત સ્ટ્રીટ લાઈટની અપેક્ષા રાખે છે. ઉપરોક્ત ચાર સેવા જો નગરપાલિકા દ્વારા સુંદર રીતે બહાલ કરવામાં આવે તો નગરપાલિકામાં સત્તા ટકાવી રાખવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ઉપરોક્ત ચાર પરિબળો જ ઉમરેઠમાં ભાજપને સત્તામાં રાખવામાં કારગત સાબિત થઈ રહી છે.

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) છે, જેઓ એન.સી.પીના છે.

તાજેતરમાં ઉમરેઠ વિધાનસભામાં નવું સિમાંકન લાગ્યુ, જેથી સારસા મત વિસ્તારના કેટલાક ગામો ઉમરેઠમાં આવી ગયા જેથી ઉમરેઠ બેઠક ઉપરથી ચિખોદરાના જયંતભાઈ પટેલ (બોસ્કી) એન.સી.પી માંથી અને ગોવિંદભાઈ પરમાર (ચિખોદરા) ભાજપ માંથી ઉભા રહ્યા હતા અને જયંતભાઈ બોસ્કીનો લગભગ ૧૩૦૦ વોટથી વિજય થયો હતો. ધારાસભ્ય બને બે મહિનામાં ઉમરેઠ બસ સ્ટેશનનો મુદ્દો ઉઠાવી જયંતભાઈ નગરના વિકાસ માટે કટીબધ્ધતા દર્શાવી રહ્યા છે, પરંતુ હજૂ ઉમરેઠમાં તેઓએ પોતાની કાબેલીયત બતાવવા માટે ખૂબ કામ કરવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક ઉમરેઠના તેઓનો ખૂબ ઓછા મત મળ્યા હતા.

ઉમરેઠના સંસદ સભ્ય ભરતસિંહ સોલંકી છે, જેઓ કોગ્રેસના છે.

ઉમરેઠના સંસદ સભ્ય તરીકે ભરતભાઈ સોલંકીની કામગીરી ઠીક કહેવાય. પાંચ વર્ષમાં પાંચ વખત પણ ઉમરેઠમાં તેઓ દેખાયા નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીયે તો ઉમરેઠ પ્રત્યે થોડી તેમને ઠીલાશ રાખી છે, પરંતુ તે પણ હકીકત છે કે ઉમરેઠ થી અમદાવાદ જવા માટે ટ્રેન સેવા શરૂકરવા તેમનો અથાગ પ્રયત્ન છે. પરંતું પાંચ વર્ષમાં એક જ સારું કામ..? યે દિલ માંગે મોર…!

મુખ્ય ત્રણ પક્ષો નગર,તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉમરેઠમાં શાશન ધરાવે છે, ત્યારે ઉમરેઠ તેમજ ઉમરેઠ તાલુકાની ખમીરવંતી જનતાનો તમામ રાજકીય અવસરે કેવો મૂળ રહે છે તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ છે. જેઓ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ત્રણ ટર્મથી સતત પ્રમુખ પદે ચુંટાઈ આવે છે. પહેલા ભૃગુરાજસિંહ ચૌહાણ કોગ્રેસમાં હતા, પરંતુ ૨૦૦૭માં તેઓની અવગણના કરવામાં આવતા તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા જે આજ દીન સુધી કાયમ છે. કહેનારાતો તેમ પણ કહે છે કે, ભૃગુરાજસિંહ ચૌહાણ ધારે તો અપક્ષ ઉભા રહીને પણ તાલુકા પંચાયત પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. આમ ઉમરેઠ અને ઉમરેઠ તાલુકાની પ્રજાએ તમામ રાજકિય પક્ષોને સરખા ભાગે સત્તા આપી છે તેમ કહીયે તો ખોટું નથી.

ઉમરેઠના જયંતિલાલ દલાલનું સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન


 • પ્લાસ્ટીક ઈન્ડ્રસ્ટ્રીઝમાં પણ તેઓનું મહત્વનું યોગદાન

ચરોતરનો ઉંબરો કહેવાતા ઉમરેઠના કેટલાય લોકોએ પોતાની આવડત અને કૂનેહથી ઉમરેઠનું નામ રોશન કર્યું છે. મૂળ ઉમરેઠના સ્વ.દેવાંગ મહેતાએ’તો દેશનું નામ વિશ્વના ફલક ઉપર ફરતું કરી દીધુ હતુ, સોફ્ટવેર ક્ષેત્રે તેઓએ પોતાની આગવી સુઝબુઝને કારણે દેશ વિદેશમાં મોટું નામ કમાઈ લીધુ હતુ. બીજી બાજી ઉમરેઠના કેટલાય એવા લોકો છે જે આજે પણ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે કાં’તો વહેપાર ધંધામાં ખૂબ આગળ નિકળી ગયા છે. આવી જ રીતે ગુજરાતી સાહીત્ય ક્ષેત્રે પણ ઉમરેઠનું નામ જયંતિલાલ એમ દલાલે રોશન કર્યું છે. જયંતિલાલ દલાલે અત્યાર સુધી લગભગ ૧૪ નોવેલ, ૫ ટુંકીવાર્તાના સંગ્રહ તેમજ અન્ય વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરતી બુકો લખી છે, જે પૈકીની મોટાભાગની બુકો ઉમરેઠના પુસ્તકાલયમાં આજે પણ લોકો વાંચી ગૌરવનો અનુભવ કરે છે.

વધુમાં ઉમરેઠની જ્યુબિલી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા સમયે જ તેઓને વાંચનનો શોખ હતો અને તે શોખ સમયાંતરે લેખનના શોખમાં તબદીલ થયો ત્યાર બાદ તેઓએ લેખન કાર્ય શરૂ કર્યુ જે આજ દીન સુધી કાર્યરત છે. તેઓની નોવેલ ” આંખને સગપણ આંસુનાં”ના ૨૦૦૫માં અંગ્રેજીમાં અનુવાદ થઈ અમેરિકામાં પ્રસિધ્ધ થઈ હતી આ સમયે તેઓએ અમેરીકા અને કેનેડાનો પ્રવાસ કરી પોતાની નોવેલની અંગ્રેજી આવૃત્તિને પ્રમોટ પણ કરી હતી.  અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જયંતિલાલ એમ દલાલ પ્રથમ ગુજરાતી લેખક છે જેઓની નોવેલ અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રસિધ્ધ થઈ હતી.આ સમયે જયંતિલાલ દલાલની આ સિધ્ધિ બદલ ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેઓની પ્રશંશા કરી હતી અને તેઓને પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ગુજરાતી સાહિત્યને તમે જે રીતે વિશ્વના ફલક ઉપર મુખ્યુ તે ખરેખર પ્રશંશાની વાત છે અને તમે ગુજરાતનું ગૌરવ છો. આ ઉપરાંત તેઓએ જયંતિભાઈ દલાલ લિખીત અન્ય નોવેલની પણ પ્રશંશા કરી હતી.

વધુમાં સાહીત્ય ક્ષેત્ર સહીત પ્લાસ્ટીક ઈન્ડ્રસ્ટ્રીઝમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. એક્રેલીકના ફર્નિચરના આવિષ્કારમાં તેઓનો ફાળો અનન્ય છે. ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીક મેન્યુફેક્ચ એશોશિયેશનના ઉપ-પ્રમુખ પદે પણ તેઓએ સેવા આપી હતી. આ સમય દરમ્યાન પ્લાસસ્ટીક ફર્નિચર અંગે સમજ આપતી એક બુક લખવામાં પણ તેઓએ ફાળો આપ્યો હતો. આ ઉપરાંત જયંતિભાઈ દલાલ કપડવંજ પોરવાડ જ્ઞાતિના મેગેઝીન પોરવાડ બંધુ, કલા ગુર્જરી અને એક્રેલીક ન્યુઝ જેવા મેગેઝીનમાં એડીટર તરીકે પણ પોતાની સેવા આપી હતી.હાલમાં પણ જયંતિભાઈ દલાલ પોતાની લેખન પ્રવૃતિ ઉત્સાહ સાથે કરી રહ્યા છે. ઉમરેઠના મહાલક્ષી માતાજીના મંદિરમાં તેઓ ટ્રસ્ટી પદે પણ સેવા આપી રહ્યા છે.

જયંતીભાઈ દલાલને મળેલ એવોર્ડ અને સન્માનની વિગત

– A. R. Bhat Entrepreneurship award – 1984
– United Writer’s Association Fellowship, Chennai – 1996
– World Lifetime Achievement Award from American Biographical Institute, USA -1997
Gurjar Gaurav Award from Kala Gurjari, Mumbai – 1998
Bharat Mata Award from Astrological Research Project & Vishwa Jyotish Vidyapith, Calcutta – 2001
– Kanaiyalal Munshi Award from Human Society of IndiaNadiad – 2004
– Appointed as Life time Secretary General from India for United Cultural Convention organized by American Biographical Institute, USA for the benefit of mankind by bringing cultures and nations together under one umbrella.

વધુ માહિતી માટે તેઓની વેબ સાઈટ – www.jayantimdalal.com/Home.htm ની મુલાકાત કરો.

સંક્ષિપ્ત સમાચાર


ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમ ખાતે આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો

ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃધ્ધા અવસ્થામાં તંદુરસ્ત રહેવા માટે યોગના ફાયદા અંગે પ્રવિણભાઈ સોનીએ સમજ આપી હતી. આ સમયે તેઓ ઓમ શબ્દનો ઉચ્ચાર અને તેની અસર સહીત બી.પીથી રાહત મેળવવા કસરત બતાવી હતી. આ ઉપરાંત યોગથી થતા ફાયદા અંગેની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને નિયમિત યોગ કરવા માટે સિનિયર સીટીઝનના સભ્યોએ ઉત્કૃષ્ઠતા બતાવી હતી. સદર કાર્યક્રમના અંતે ધાર્મિક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિજેયતા સભ્યોને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ સુરેશભાઈ શાહ તેમજ મંત્રી ગોપાલભાઈ શાહએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ શાંતિભાઈ પંડ્યાએ કરી હતી.

ઉમરેઠ બ્ર.કુમારિ ઈશ્વરિય વિદ્યાલયમાં યુવા સ્નેહ મિલન યોજાયું

ઉમરેઠ બ્ર.કુ.ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય ખાતે તાજેતરમાં યુવા પ્રભાગના સમાજ નવનિર્માણના કાર્યને આપણા હાથ સુધી પહોંચાડવા માટે યુવા સ્નેહ મિલન કાર્યક્ર્મ “આઓ હમ ઈતિહાસ બનએં” યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા પદે બ્ર.કુ. પ્રાધ્યાપક ઈ.વી.સ્વામિનાથન્ – મુંબઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાની આગવી શૈલીમાં યુવાનોનું પ્રવર્તમાન સમયમાં દેશ અને સમાજ પ્રત્યે શું કર્તવ્ય છે તેની છણાવટ સાથે રજૂઆત કરી હતી. સદર સ્નેહ મિલન સમારોહમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બ્ર.કુ.નીતાબેને જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉજવણી


 • ગોપાળનંદ સ્વામિનો જન્મોત્સવ પણ ઉજવાયો.

sakotsav_umrethnઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલા વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની પરંપરાગત રીતે ઉજવની કરવામાં આવી હતી. શાકોત્સવના મહત્વને સમજાવતા ભક્ત કીરીટભાઈ ચોકસીએ જણાવ્યુ હતુ કે,સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના સુપ્રસિદ્ધ એવા લોયા ગામમાં અઢાર મણ ઘીનાં વઘાર કરી સ્વયં રીંગણનું શાક બનાવ્યું હતું, ત્યારથી હરભિકતો શ્રદ્ધાપૂર્વક શાકોત્સવની કરે છે જે પરંપરા અનુસાર ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તો દ્વારા શાકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંપ્રદાયની મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા ઉપર શાક અને રોટલા બનાવવામાં આવ્યા હતા અને તે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાઈ સૌ ભક્તોએ સમૂહમાં આ પ્રસાદ લીધો હતો. વર્ષો પહેલા લોયા ગામમાં સ્વયંમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરી સંતોને પ્રસાદ આપ્યો હતો અને આ પરંપરા આજે પણ ચાલતી આવી છે. આ પ્રસંગે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી સહીત અન્ય મંદિરોના સંત મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશિર્વચન આપ્યા હતા.

વધુમાં ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ગોપાળનંદ સ્વામિના જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપાળનંદ સ્વામિના મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં હાજરાહજૂર ગોપાળનંદ સ્વામિ સમક્ષ ગોળની બાધા રાખવાની મહત્વ છે. ભક્તો પોતાની માનતા પૂરી થાય તે માટે ગોપાળનંદ સ્વામિ સમક્ષ ગોળ ધરાવવાની બાધા રાખે છે, કેટલાય ભક્તો પોતાની માનતા પૂરી થતી હોવાનું પણ માની રહ્યા છે જેથી ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં ગોપાળનંદ સ્વામિનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.

ઉમરેઠ જ્યુબિલી સ્કૂલમાં સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહ યોજાયો


ઉમરેઠની ધી જ્યુબિલી સ્કૂલ ખાતે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરિક્ષામાં સફળતા મળે તે માટે શુભેચ્છા આપવા તેમજ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો હતો. આ સમયે પ્રમુખ સ્થાને ખાડીયાના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તેમજ અતિથિ વિશેષ પદે બ્ર.કુ.જાગૃતિબેન તેમજ બ્ર.કુ.નીતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાસંગિક પ્રવચન કરતા ખાડીયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે શાળાના વિદ્યાર્થીઓને આગામી પરિક્ષામાં સફળ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, હાલમાં જ્યુબિલી સ્કૂલમાં શિક્ષણ લઈ ચુકેલા કેટલાય વિદ્યાર્થીઓ ઉંચા હોદ્દા ઉપર બિરાજમાન થયા છે, ત્યારે આ શીલશીલો વર્તમાન પેઢી પણ જાળવી રાખે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતુ કે, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ આવનારા દિવસમાં શાળા અને ગામનું નામ રોશન કરે તે જરૂરી છે. બ્ર.કુ બહેનો ધ્વારા બાળકોને શિક્ષણમાં આગળવધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શાળા દ્વારા કરવામાં આવેલ તેઓના સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતુ કે, ભણતરમાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ શાળા દ્વારા તેઓને સન્માનીત કરવામાં આવ્યા જેને કારણે ભવિષ્યમાં તેઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે શાળા દ્વારા મૂળ ઉમરેઠના હાલ ખાડીયાના ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના કારોબારી અદ્યક્ષ વિમલભાઈ પટેલ, શાળાના ટ્રસ્ટીઓ સહીત શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠમાં ખોડીયાર માતાજીની જન્મ જયંતિ ઉજવાઈ.


ઉમરેઠના જાગનાથ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં ખોડીયાર માતાજીની જન્મ જયંતિ ભક્તિભેર ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ખોડીયાર શક્તિ મંડળ દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે યોજાયેલ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો. સવારે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરેઠના જાગનાથ દરવાજા વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજી હાજરા હજૂર છે. આ વિસ્તારના ભક્તો સહીત બહાર ગામ વસતા લોકો પણ મંદિરમાં બાધા રાખતા હોય છે. (ફોટો – સંજય પટેલ)

વાતોના વડા..


 • આજે ઉમરેઠનું વાતાવરણ ખુશનુમા છે, વરસાદ ડોકાચિયા કરતો હોય તેમ લાગે છે, આજે છાપામાં પણ ક્યાંક વાંચ્યું હતુ કે ગુજરાતમાં છુટા છવાયા વરસાદની સંભાવણા છે, સાલું કેવું પડે, હવે આપણું હવામાન ખાતુ આગાહી (સાચી) કરતું થઈ ગયું ખરું…!
 • આખરે ઉમરેઠમાં ડે-નાઈટ મેચ રમાઈ ખરી, એસ.એન.ડી.ટી મેદાનમાં ડે-નાઈટ મેચ જોવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડે છે. ઉમરેઠમાં છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટનો માહોલ મસ્ત જામ્યો છે.
 • એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં ક્રિકેટ અને નીચલા ગ્રાઊન્ડમાં ફન-ફેર, ઉમરેઠમાં નાના-મોટા સૌ કોઈને જલસા પડી ગયા છે. મોટા થોડી ક્રિકેટની મજા લઈ તેમની જોડે આવેલા નાના ટાંબરીયાને ફન-ફેરમાં લઈ જઈ ફન કરે છે, ફનફેરમાં નાના ટાંબરીયા સાથે ઉમરેઠના શકુનીઓને પણ જલસા પડી ગયા છે.
 • ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને સન્માન સમારોહ આવતી કાલે તા.૧૬.૨.૨૦૧૩ના રોજ યોજાશે. આ પ્રસંગે ખાડીયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
 • ઉમરેઠ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા યુવા સ્નેહ મિલન સમારોહ “આઓ હમ ઈતિહાસ બનએ”નું આયોજન તા.૧૮.૨.૨૦૧૩ને સોમવારના રોજ સાંજે.૭ થી ૮ કલાકે કરવામાં આવ્યું છે. આ સમયે મુખ્ય વક્તા પદે બ્ર.કુ. પ્રાધ્યાપક ઈ.વી .સ્વામીનાથન્- પ્રખર પ્રેરક યુવા વક્તા- મુંબઈ ઉપસ્થિત રહેશે. સ્થળ – બ્ર.કુ.ઈશ્વરિય વિદ્યાલય , એસ.એન.ડી.ટી મેદાન પાસે – ઉમરેઠ.
 • ઉમરેઠના સિનિયર સિટીઝન હોલ ખાતે આંકડાની માયાજાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંકડાની માયાજાળ અંતર્ગત શિક્ષણ વિભાગના નિવૃત ક્લાસવન ઓફિસર એમ.સી.શાહએ આંકડાનું મનુષ્ય સાથેનું સાતત્ય અને તેનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમના અંતે સિનિયર સિટીઝન સભ્યોને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન મંત્રીશ્રી ગોપાલભાઈએ કર્યું હતું અને શાંતિભાઈ પંડ્યાએ આભારવિધિ કરી હતી. પ્રમુખ સુરેશભાઈ શાહએ પણ ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
 • ઉમરેઠ લાયન્સ ક્લબના ૨૦૧૧-૧૨ના પ્રમુખ રમેશભાઈ કાછીયાને તાજેતરમાં નડિયાદ ખાતે મળેલ રીજનલ કોન્ફરન્સમાં લા.ડી.ગવર્નર શશીકાન્તભાઈ પટેલના હસ્તે ઈન્ટરનેશનલ એક્સલન્સ ક્લબ પ્રેસીડન્ટ અને મેમ્બરશીપ ગ્રોથનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડી.ગવર્નરશ્રીએ રમેશભાઈ કાછીયાની સેવાકીય પ્રવૃત્તિઓ સહીત ઉમરેઠ લાયન્સ કલબમાં તેઓની સક્રીયતાને બિરદાવી હતી.

ઉમરેઠ ખડાયતા વિદ્યોતેજક મંડળનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો.


ઉમરેઠ ખડાયતા વિદ્યોતેજક મંળડનો સુવર્ન જયંતિ મહોત્સવ નાસિકવાળા હોલ ખાતે ઉજવાયો હતો. આ પ્રસંગે સમારંભના પ્રમુખ પદે નવનીતભાઈ ચીમનલાલ સુતરીયા (મુંબઈ), ઉદ્ગાટક પ્રફુલભાઈ નટવરલાલ તલાટી (યુ.એસ.એ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દિપ-પ્રાગ્યટય કરી સમારોહ ખુલ્લો મુક્યો હતો. ખડાયતા વિદ્યોતેજક મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રસિધ્ધ ગ્રંથનું વિમોચન દિલીપભાઈ સુતરીયા(વડોદરા)ના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ દ્વારા થતા અનેક સેવાકીય કાર્યોની માહિતી ઉપસ્થિત જ્ઞાતિજનોને પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે૩ જ્ઞાતિના ભૂ.પૂ પ્રમુખો, ચેરમેનશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તેમજ મંત્રીશ્રી અને રૂપિયા પચ્ચીસ હજારથી વધુ રકમનું દાન આપનાર જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે અરવિંદભાઈ સુતરીયા તેમજ રાકેશભાઈ ગાંધી સહીત જ્ઞાતિના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરેઠ ખડાયતા વિદ્યોતેજક મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મફત પુસ્તકો આપવામાં આવે છે. ખડાયતા જ્ઞાતિ દ્વારા પુસ્તક સહાય સહીત, વિદ્યાર્થીઓને દત્તક લેવા તેમજ શિષ્યવૃત્તિ, શૈક્ષણિક રાહત જેવી વિવિધ યોજના કાર્યરત છે જેનો લાભ જ્ઞાતિજનો લઈ રહ્યા છે, આવી યોજનાઓ માટે વધુ માહિતી મેળવવા જ્ઞાતિના કાર્યકરો અથવા હોદ્દેદારોનો સંપર્ક કરવા જણાવવમાં આવેલ છે. આ ઉપરાંત જ્ઞાતિમાં વિવિધ સેવાકીય કાર્યો માટે જ્ઞાતિના સુખી સંપન્ન્ન પરિવારો સહીત વિદેશમાં સ્થાહી થયેલા જ્ઞાતિજનો ઉદાર હાથે દાન આપી જ્ઞાતિના વિકાસ માટે કાર્યરત થાય તેમ પણ જ્ઞાતિના હોદ્દેદારોએ અપીલ કરી છે.

ઓપેરા બ્રાઊઝરથી એન્ડ્રોઈડ ડિવાઈસમાં પણ ગુજરાતી વાંચો..!


સ્માર્ટ ફોન બાદ હવે, એન્ડ્રોઈડ ફોન હાલમાં યુવા વર્ગમાં ખસ્સો લોકપ્રિય બન્યો છે. સ્માર્ટ ફોન તેમજ એન્ડ્રોઈડ ફોનમાં ગુજરાતી સહીતની કેટલીક પ્રાદેશીક ભાષા વંચાતી નથી. કેટલીક જૂજ મોબાઈલ ફોન કંપનીના ડીવાઈસમાં ગુજરાતી ભાષા વંચાય છે પણ મોટાભાગની કંપનીના મોબાઈલ ફોનમાં ગુજરાતી વાંચવામાં મુશ્કેલી થતી હોય છે. ઓપેરા મીની મોબાઈલ બ્રાઊઝરમાં હવે ગુજરાતી સહીત અન્ય પ્રાદેશીક ભાષા વાંચી શકાય તેવું શક્ય બન્યું છે. જો તમારા મોબાઈલમાં ફેશબુક સહીત અન્ય ગુજરાતી વેબ સાઈટ ગુજરાતીમાં ન વંચાતી હોય તો તમારા મોબાઈલમાં ઓપેરા મીની વેબ બ્રાઊઝર ડાઊનલોડ કરો અને નીચેના સ્ટેપ અનુસરો..!

 • સૌ પ્રથમ તમારા મોબાઈલ ડીવાઈસમાં ઓપેરા મીની વેબ બ્રાઊઝર ડાઊનલોડ કરો

 • ત્યાર બાદ એક વિન્ડો ઓપેરા મીની બ્રાઊઝરમાં ઓપન કરો, પછી એડ્રેસ બારમાં www લખેલું હોય છે ત્યાં opera:config લખો અને ok કરો.

 • ત્યાર પછી એક મેનું ઓપન થશે, તેમાં છેક નીચે use bitmap fonts for complex scripts લખેલું આવશે જેમાં NO ની જગ્યાએ YES કરો અને SAVE કરી બહાર નિકળી જાવ.

હવે, તમારા મોબાઈલમાં તમે ઓપેરા મીની વેબ બ્રાઊઝરનો ઉપયોગ કરી આપણી મનપસંદ ગુજરાતી વેબ સાઈટની મજા લઈ  શકો છો.

અવસાન નોંધ / બેસણું


ઉમરેઠ(હાલ યુ.એસ.એ) નિવાસી નવનીતલાલ ચંદુલાલ શાહના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે, મારા ધર્મ પત્નિ સુધાબેન નવનીતલાલ શાહનું તા.૩૦.૧.૨૦૧૩ના રોજ દુખદ અવસાન થયેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરું. બેસણું તા. ૯.૨.૨૦૧૩ના રોજ રાખેલ છે.

સ્વ.સુધાબેન નવનીતલાલ શાહ

સ્વ.સુધાબેન નવનીતલાલ શાહ

સ્થળ : નાસિકવાળા હોલ, ઉમરેઠ

સમય : બપોરે ૩-૩૦ થી ૫-૦૦.

લી.

નવનીતલાલ ચંદુલાલ શાહ – પરિવાર

ઉમરેઠ – હાલ યુ.એસ.એ

%d bloggers like this: