આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2012

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભાજપ સહીત બે અપક્ષોએ ઉમેદવારી નોંધાવી


ભાજપના ગોવિંદભાઈ પરમાર, કોગ્રેસ અગ્રણી ગણપતસિંહ ચૌહાણ તેમજ સમાજવાદી પક્ષના ઉમેદવારે અલીમુદ્દીન કાઝીએ ફોર્મ ભર્યા.

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે પોતાના સમર્થક વિષ્ણુભાઈ પટેલ, ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ લાલસિંહ વડોદીયા અને કાર્યકરો સાથે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા નગરના અમરેશ્વર મહાદેવ ખાતે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને પદયાત્રા કરી મામલતદાર ખાતે આવી પહોંચ્યા હતા. ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના ઉમેદવારને લઈ અટકટો થઈ રહી હતી પરંતુ છેલ્લી ઘડીએ ભાજપમાં સારસા મત વિસ્તારના ગોવિંદભાઈ પરમારને ટીકીટ આપતા ઉમરેઠના સ્થાનિક નેતા સહીત કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી છતા પણ ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ કોગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા લાલસિંહભાઈ વડોદીયા ગોવિંદભાઈ પરમાર સાથે હાજર રહ્યા હતા.

બીજી બાજૂ ઉમરેઠ કોગ્રેસના અગ્રણી ગણપતસિંહ ચૌહાણે પણ ઉમેદવારી પત્રક ભરતા રાજકિય સમિકરણો બદલાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગણપતસિંહ ચૌહાણ કોગ્રેસમાં છેલ્લા કેટલાય વર્ષથી સક્રીય સભ્ય છે આ ઉપરાંત ૨૦૦૨માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ચુંટણી લડ્યા છે અને લગભગ ૧૮૦૦૦ જેટલા મત મેળવેલા છે, અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ગણપતસિંહ ચૌહાણે કોગ્રેસના મેન્ડેટ વગર અને અપક્ષ તેમ બે ફોર્મ ભર્યા છે જો કોગ્રેસ મેન્ડેટની ફાળવણી કરશે તો કોગ્રેસના ઉમેદવાર તરીકે તે મેદાનમાં આવી જશે અને ઉમરેઠ બેઠક ઉપર મોટી ઉથલ પાથલ કરશે તેવું રાજકિય નિષ્ણાંતો ચર્ચા કરી રહ્યા છે. વધુમાં સમાજવાદી પક્ષ તરફથી ઉમરેઠના અલીમુદ્દીન કાઝીએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાના સમર્થક સાથે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા આવેલ અલીમુદ્દીન કાઝીએ જણાવ્યું હતુ કે, હું નગરમાં યુવા કાર્યકર હોવાને કારણે નગરની જનતા મને સાથ આપશે અને ઉમરેઠના વિકાસ માટે આગળ આવશે. ઉમરેઠ વિધાનસભા બેઠકને લઈ ભારે ઉત્સુકતા સાથે રાજકારણ ગરમાયું છે. એન.સી.પી ,બીજેપી સહીત કોગ્રેસના અગ્રણી સુભાષ શેલત અને ખોરવાડના ગણપતસિંહ ચૌહાણ પણ મેદાનમાં આવી જતા અનેક અટકળો થઈ રહી છે. હવે ફોર્મ ખેંચવાની તારીખ ન જાય ત્યાં સુધી ચિત્ર અસ્પષ્ટ જ રહેશે તેમાં કોઈ બે મત નથી. કહેવાય છે કે સુભાષભાઈ શેલત અને ગણપતસિંહ ચૌહાણને અપક્ષ માંથી ઉમેદવારી પાછી ખેંચી લેવવા માટે મોટા રાજકિય પક્ષો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વિષ્ણુભાઈ પટેલની ભાજપ માંથી બાદબાકીને લઈ ઉમરેઠના મતદારો ખફા..!

ઉમરેઠ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પદે વિષ્ણુભાઈ પટેલ પ્રબળ દાવેદાર તરીકે આગળ આવ્યા હતા. આ પહેલા ૨૦૦૨માં તેઓ ભાજપને જીતાડી પણ લાવ્યા હતા. હાલમાં તેઓ નગર પાલિકાના પ્રમુખ પણ હોવાને કારણે તેઓને ભાજપ તરફથી ટીકીટ મળવાની પુરેપુરી શક્યતાઓ હતી પરંતું ઉપરકક્ષાએ થી મોટું રાજકારણ રમાઈ જતા તેઓની ટીકીટ છેલ્લી ઘડીએ કપાઈ ગઈ હોવાનું કાર્યકરોમાં ચર્ચા થઈ રહી છે. ભાજપે વિષ્ણુભાઈની બાદબાકી કરી હોવા છતા તેઓએ સકારાત્મક અભિગમ દાખવી આજે ગોવિંદભાઈ પરમાર સાથે ફોર્મ ભરતા સમયે હાજરી આપી હતી. છતા પણ ભાજપના કેટલાક યુવા કાર્યકરોમાં વિષ્ણુભાઈને ટીકીટ ન મળી હોવાનો છુપો રોષ દેખાઈ રહ્યો છે અને જેને કારણે ઉમરેઠ બેઠક ઉપર ભાજપને સંભવીત ખોટ થઈ શકે તેમાં નવાઈ નથી. ભાજપના ઉમેદવારને લઈ ઉમરેઠના સ્થાનિક કાર્યકરો સહીત નેતાઓનો સકારાત્મક અભિગમ કેટલો આગળ ધપશે તે આવનારો સમય જ બતાવશે

ઉમરેઠ બેઠક ઉપર ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અશ્વિન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું.


કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ ભર્યું હતું                           (તસ્વીર – પિનાક આર્ટ)

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે બપોરે કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અશ્વિન પટેલ ઉમરેઠ પાસેના બેચરી ગામના હોવાથી તેઓએ ઉમરેઠ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે તેઓએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીના રાજકિય નેતાઓએ ઉમરેઠ પંથકનો જોઈએ તેવો વિકાસ કર્યો નથી ઉમરેઠના ગામડાઓમાં હજૂ પણ માળખાગત સુવિધા માટે ગરીબો વલખાં મારે છે જેથી ઉમરેઠ સહીત ગ્રામ્ય વિસ્તારની પ્રજા પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાથી પોતાના કાર્યકરોના સમર્થનથી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ઉમરેઠની પ્રજા સમક્ષ આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા ઉમરૅઠ બેઠક માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી), અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલત અને સુંદલપુરાના શંભુભાઈ રાવણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આવનારા દિવસમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર તેમજ બી.એસ.પીના ઉમેદવાર મુકેશ પટેલ (લારા) પણ કોઈ પણ સમયે ઉમેદવારી પત્ર ભરે તેવી શક્યતાઓ છે.

ઉમરેઠ સંતરામ મંદિર દેવ દિવાળીએ ૨૫૦૦૦ દીપથી ઝળહળી ઉઠ્યું..!


ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે દીપમાળાના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં લગભગ પચ્ચીસ હજાર જેટલા દીપ પ્રગટાવવામાં આવ્યા હતા જેથી મંદિર દિવ્ય પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું હતું. આ અલૈકિક દર્શનનો લાભ લેવા ઉમરેઠ સહીત ઓડ,બેચરી,નવાપૂરા,લીંગડા,થામણા સહીતના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં અન્નકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે ગાદી સમક્ષ જૂદી જૂદી લગભગ ૭૫૧ જેટલી વાનગીઓ ધરાવવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો પણ ભક્તોએ મોટી સંખ્યામાં લાહ્વો લીધો હતો. દેવ દિવાળીના દીપમાળાના દર્શન અને ભવ્ય અન્નકૂટ મહોત્સવને સુંદર રીતે પાર પાડવા માટે શ્રી હરિકૃષ્ણદાસજી, ભરતભાઈ અને ભુપેન્દ્રભાઈ સહીત મંદીરના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.  (તસ્વીર – પિનાક આર્ટ)

ઉમરેઠના કોગ્રેસી ધારાસભ્ય લાલસિંહ વડોદીયા ભાજપમાં જોડાયા – કોગ્રેસ જમીન દોસ્ત


  • માજી કોગ્રેસી ધારાસભ્ય સુભાષભાઈ શેલતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ઉમરેઠ વિધાનસભા ચુંટનીમાં ૨૦૦૭માં ભાજપના વિષ્ણુભાઈ પટેલને ૪૦૦૦ જેટલા મતથી માત આપનાર કોગ્રેસના ધારાસભ્ય એકા એક આજે બપોરે ભાજપમાં જોડાઈ જતા, કોગ્રેસના કાર્યકરો સહીત મતદારો પણ અચંબામાં પડી ગયા છે. ૨૦૦૭માં ભાજપે લાલસિંહ વડોદીયાની અવગણના કરી વિષ્ણુભાઈ પટેલને ટીકીટ આપી હતી જેથી રીસાયેલા લાલસિંહ વડોદીયા કોગ્રેસમાં જોડાયા હતા જ્યારે ૨૦૧૨માં કોગ્રેસ અને એન.સી.પીનું ગઠબંધન થતા ઉમરેઠ બેઠક એન.સી.પીના ફાળે ગઈ છે. ત્યારે કોગ્રેસના કાર્યકરો અને નેતાઓ નવરા પડી ગયાનો અહેસાસ કરી રહ્ય અછે.

કોગ્રેસના અગ્રણી નેતા અને હાલના ધારાસભ્ય લાલસિંહ વડોદીયાએ આજે બપોરે કોગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે ભાજપમાં તેઓનો પ્રવેશ બિન શરતી છે. છતા પણ કોગ્રેસ સહીત ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર લાલસિંહ વડોદીયા ટીકીટની આશાએ ભાજપમાં જોડાયા છે. પરંતુ આ વાતને લાલસિંહ વડોદિયાએ સમર્થન ન આપ્યું હતુ અને ભાજપમાં એક કાર્યકર તરીકે જ કામ કરવાની તૈયારી બતાવી હતી. હાલમાં ભાજપના સંભવિત ઉમેદવાર પદે ઉમરેઠના વિષ્ણુભાઈ પટેલ , ભુષણ ભટ્ટ સહીત ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ગોવિંદ પરમાર ના નામ ઉપર વિશેષ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે હવે લાલસિંહ વડોદીયા પણ ભાજપમાં જોડાતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જો ભાજપ લાલસિંહ વડોદીયાને ટીકીટ આપે તો ભાજપના કાર્યકરો કેવો અભિગમ દાખવશે તે જોવાનું રહ્યું.

લાલસિંહ વડોદીયાની ભાજપ તરફ દોટ અંગે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ બોસ્કીએ જણાવ્યું હતુ કે, પોતાના લાભ માટે વારંવાર પક્ષ પલટો કરનારને જનતા સમય આવે યોગ્ય જવાબ આપશે.

ઉમરેઠ બેઠક ઉપર વધુ બે અપક્ષોએ ઉમેદવારી નોંધાવી.


  • આણંદ જિલ્લા પંચાયતના માજી સભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે ખાનકૂવાના કોગ્રેસી અગ્રણી અને આણંદ જિલ્લા કોગ્રેસના માજી સભ્ય પ્રવિંણસિંહ ઠાકોરએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકિય ચહેલ પહેલ વધી ગઈ છે. કોગ્રેસ અને એન.સી.પીના ગઠબંધન ને કારણે ઉમરેઠ બેઠક એન.સી.પીના ફાળે આવતા કોગ્રેસના કેટલાક અગ્રણીઓમાં અસંતોષ વ્યાપ્યો હતો. શનિવારે ઉમરૅઠના માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત બાદ આજે સોમવારે જિલ્લા પંચાયતના માજી સભ્ય પ્રવિણસિંહ ઠાકોરે પણ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ ઉપરાંત ઉમરેઠના સુંદલપૂરાના યુવા સામાજિક કાર્યકર શંભુભાઈ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કાઠાગાળાના ગામમાં નવા રાજકિય સમીકરણો જોડાવવાની ચર્ચા થઈ રહી છે. સુંદલપૂરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક કાર્ય તરીકે સક્રીય તેવા શંભુભાઈ કોઈ પક્ષ સાથે શંકળાયેલ નથી પરંતુ પોતાના વિસ્તારના વિકાસ માટે તેઓએ ઉમેદવારી નોંધાવી હોવાનું તેઓએ જણાવ્યું હતું અને પ્રજા તેમને સહકાર આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં કોગ્રેસના સીટીંગ ધારાસભ્ય લાલસિંહ વડોદિયા એન.સી.પીના ઉમેદવાર સાથે ઉમેદવારી પત્ર ભરતા સમયે હાજર રહેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આવનારા સમયમાં લાલસિંહ વડોદીયા કેવો અભિગમ દાખવશે તેને લઈને પણ નગરમાં અનેક ચર્ચા થઈ રહી છે.

ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ(બોસ્કી)એ જણાવ્યું હતું કે, સુભાષભાઈ શેલતની ઉમેદવારી અમારા માટે અચરજ ભરી છે. તેઓ અમારા વડીલ છે અને તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી અમોને અપેક્ષા ન હતી. લોકશાહીમાં તમામને ચુંટણી લડવાનો હક્ક છે. હવે પ્રજા નક્કી કરશે તે ખરૂં…!

ઉમરેઠમાં ક્રિકેટ બેટ બનાવવાના ઉદ્યોગને સરકારી સહાયની જરૂર..!


ડાકોર સહીત મહારાષ્ટ્ર સુધી બેટ જાય છે.

ઉમરેઠ નગરમાં પડીયા પતરાંડા સહીત માટીના વાસનો અને સાવરણી બનાવવાના ગૃહ ઉધોગો ચાલી રહ્યા છે. આવા ગૃહ ઉધોગોને કારણે કેટલાક પરિવારોને રોજી રોટી મળે છે અને કેટલીક નોકરીઓ પણ ઉભી થાય છે. પરંતું પ્રવર્તમાન ફાસ્ટ યુગમાં આવા ઉદ્યોગો હરિફાઈમાં ટકી ન શકતા ટપોટપ તેઓના કામધંધા બંધ થઈ જવાને આરે છે. જો આવા સમયે સરકાર તેઓની વહારે આવે અને આર્થિક મદદ સહીત માળખાગર સુવિધાઓ પૂરી પાડે તો આવા ઉદ્યોગોને ઓક્સિજન મળે તેમ છે, અને ભવિષ્યમાં પણ આવા નાના ગૃહ ઉદ્યોગોને કારણે સમાજના કેટલાલક લોકો રોજીરોટી રડી શકે તેમ છે.

આવીજ રીતે ઉમરેઠમાં હાલમાં ક્રિકેટ બેટ બનાવવાનો લગુઉદ્યોગ પણ ચાલે છે. ક્રિકેટ બેટ બનાવવામાં મહારથ હાસીલ કરનાર ઉમરેઠના થોરી સમાજના લોકો દ્વારા બનાવેલ બેટ ઉમરેઠ,ડાકોર સહીત મહારાષ્ટ્ર સહીત કલકત્તા સુધી વેચાણ થાય છે. હાલમાં લાકડાના વધતા જતા ભાવને કારણે આ નાના ઉદ્યોગકારોને ખરીદી ઉંચા ભાવે કરવી પડે છે અને હરિફાઈના યુગમાં બજારમાં તેઓ ટકી સકતા નથી આ નાના ઉદ્યોગકારો પાસે માળખાગર સુવિધાનો પણ અભાવ હોવાને કારણે તેઓ લાકડાની નાની – મોટી વસ્તુઓ બનાવી તેનો યોગ્ય સંગ્રહ કરી સકતા નથી જેથી જરૂરિયાત મુજબ તેઓના માલ સામાનાની શંભાળ રહેતી નથી. આ ઉપરાંત આ લગુઉદ્યોગ ચલાવનાર થોરી સમાજના લોકોને બજાર માંથી વ્યાજે પૈસા લાવી ધંધો કરવો પડે છે અને સરવાળે કેટલીય મહેનત કરે હાથમાં બે ટંક રોટલીથી વિશેષ લાભ થતો નથી. આવા સમયે આવા નાના ઉદ્યોગોને સરકારી સહાય મળે અને પ્રવર્તમાન સરકારી યોજનાઓથી તેઓને વાકેફ કરવામાં આવે તેની ખસ્સી જરૂરિયાત દેખાઈ રહી છે. વર્ષોથી ઉમરેઠમાં થોરી સમાજ દ્વારા આ ક્રિકેટ બેટ બનાવવાનો ઉદ્યોગ ચલાવવામાં આવે છે, પરંતુ નિરક્ષરતાને કારણે પ્રવર્તમાન સરકારી યોજનાઓનો લાભ લેવા તેઓ નિષ્ફળ નિવળી રહ્યા છે ત્યારે સ્વૈછીક સંસ્થા કે સરકારી સંસ્થા તેઓને માર્ગદર્શન આપી, પોતાના ઉદ્યોગને આગળ વધારવા અને તેઓનું જીવન ધોરણ ઉંચું લાવવા મદદ કરે તે સમયની માંગ છે.

વેસ્ટ માંથી બેસ્ટ – ક્રિકેટ બેટ બનાવવાના કામમાં છેલ્લા દશ વર્ષથી પોતાનો પરિવાર રચ્યો પચ્યો છે તેમ જણાવતા થોરીભાઈએ જણાવ્યું હતુ કે, ક્રિકેટ બેટ બનાવ્યા પછી જે લાકડાના ટુકડા બચે છે તેનો પણ અમે ઉપયોગ કરીએ છે અને પાટલી, પાટલા સહીત લાકડાની નાની નાની વસ્તુઓ બનાવીએ છે. જેથી લાકડાનો વ્યય ન થાય આ ઉપરાંત બેટને લીસ્સુ બનાવતા સમયે જે લાકડાનું છીણ નિકળે છે તેનો અમે બળતણ તરીકે ઉપયોગ કરીયે છે

ઉમરેઠના માજી.ધારાસભ્ય સુભાષભાઈ શેલતે અપક્ષ ઉમેદવારી નોંધાવી.


ઉમરેઠના માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલતે આજે સવારે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરતા રાજકિય વાતાવરણ ગરમાયું છે. કહેવાય છે સુભાષભાઈ શેલતને કોગ્રેસ દ્વારા ટીકીટ ન ફાળવવામાં આવતા તેઓએ કોગ્રેસ સાથે છેડો ફાળ્યો હોવાનું કહી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી સુભાષભાઈ શેલત કોગ્રેસ સાથે સક્રીય રીતે જોડાયા હતા જ્યારે કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન થતા સુભાષ શેલતે કોગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમરેઠ વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતુ કે, ઉમરેઠનો વિકાસ છેલ્લા દશ વર્ષથી થંભી ગયો છે, આ ઉપરાંત ઉમરેઠ વિધાનસભામાં ઉમેરાયેલા સારસા મત વિસ્તારમાં પણ માળખાગર સુવિધાઓનો અભાવ છે જેથી આ વર્ષે પોતાના વિસ્તારમાં વિકાસ માટે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રજા સમક્ષ આવ્યા છે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ પ્રજા તેમને આવકારશે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ બેઠક માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ(બોસ્કી)એ ફોર્મ ભર્યું.


ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર કોગ્રેસ અને એન.સી.પીનું ગઠબંધન થતા એન.સી.પીના ઉમેદવાર પદે પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો હાજર રહ્યા હતા અને તેઓના નેતા જયંતભાઈ પટેલને જીતાડવા તૈયારી બતાવી હતી. આ સમયે જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરૅઠ મત વિસ્તારમાં પ્રજાનો અમોને અદ્ભુત આવકાર મળેલ છે જેથી એન.સી.પી આ વર્ષે ઉમરેઠ બેઠક ઉપરથી કોગ્રેસ ગઠબંધન સાથે ચુંટની લડશે તેઓએ ઉમેર્યું હતુ કે ઉમરેઠની પ્રજાના સુખકારી માટે નગર સહીત ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે તેઓ હંમેશા તત્પર રહેશે અને પ્રજા તેમને મોકો આપે તેવી તેઓએ કટિબધ્ધત દર્શાવી હતી.

પાકીસ્તાનનો ઉમેદવાર હોય તો પણ ચિંતા નથી – જયંતભાઈ પટેલ

ભાજપ એન.સી.પી સામે ઉમરેઠ બેઠક ઉપર અમદાવાદના ઉમેદવારને ઉભો કરશે તો..? તેવા સવાલના જવાબમાં જયંતભાઈ બોસ્કીએ જણાવ્યું હતુ કે, અમદાવાદતો શું પાકીસ્તાનનો ઉમેદવાર આવે તો પણ ચિંતા નથી તેઓ પ્રજાના કામ માટે આવ્યા છે અને પ્રજા તેમને જીતાડશે

ઉમરેઠ બેઠક ઉપર થી એન.સી.પીના ઉમેદવાર પદે જયંતભાઈ પટેલ (બોસ્કી)જાહેરાત.


ઉમરેઠ ૧૧૧ વિધાનસભા બેઠક ઉપરથી એન.સી.પીના ઉમેદવાર પદે જયંતભાઈ બોસ્કીની જાહેરાત કરવામાં આવી છે. કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે કેટલીક બેઠકો ઉપર સમજૂતિ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેમાં ઉમરેઠ બેઠક એન.સી.પીના ફાળે ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપ દ્વારા હજૂ ઉમરેઠ બેઠક માટે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યો નથી. પરંતું એન.સી.પીના પટેલ ઉમેદવાર સામે ભાજપ પટેલ ઉમેદવાર મુકે તો વિષ્ણુભાઈ પટેલના ચાન્સ વધારે છે, આ ઉપરાંત ક્ષત્રિય મતદારોનું આ બેઠક ઉપર વરચસ્વ હોવાને કારણે કદાચ ભૂગુરાજસિંહ ચૌહાણ અથવા ગુજરાત ભાજપમાં મોટું માથું ગણાતા ભૂષણ ભટ્ટને પણ ભાજપ દિગ્ગજ જયંત બોસ્કી સામે ઉતારે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હવે ભાજપ એન.સી.પી સામે કયો ઉમેદવાર મુકે છે તે આવનારો સમય જ બતાવશે.બીજી બાજુ ઉમરૅઠના માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત પણ અપક્ષ ચુટણી લડે તેવી ચર્ચાઓ નગરમાં થઈ રહી છે. જો આમ થશે તો ભાજપના ઉમેદવારને સીધો લાભ મળશે તેમ પણ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે. પરંતું સુભાષભાઈ શેલત અપક્ષ ચુંટણી લડે તેવી નહિવત શક્યતા છે. હવે કોગ્રેસના સીટીંગ ધારાસભ્ય લાલસિંહ વડોદિયા અને કોગ્રેસ અગ્રણી ગણપતસિંહ ચૌહાણ કેવો અભિગમ દાખવે છે તે આવનારો સમય બતાવશે. આ બંન્ને કોગ્રેસી દિગ્ગજો સકારાત્મક અભિગમ સાથે એન.સી.પી સાથે આગળ વધશે તો ભાજપના કોઈ પણ ઉમેદવાર માટે ઉમરેઠ બેઠક મેળવવી લોઢાના ચણાચાવવા જેવી સાબિત થશે.

ઉમરેઠ ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો


  • બોરીયાવીના એન.સી.પી.ના બે સભ્યો ભાજપમાં જોડાયા 
  • આણંદ જિલ્લા કોગ્રેસ મહામંત્રી પણ ભાજપમાં જોડાયા

ઉમરેઠ – ઉમરેઠના નાસિકવાળા હોલ ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ખાડિયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહીત ભાજપના અગ્રણી રાજેશભાઈ પટેલ અને ગોવિંદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાજપના અગ્રણીઓએ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી, અને ભાજપના કાર્યકરોને સંબોધન કરતા આગેવાનોએ આગામી વિધાનસભાની ચુંટણી માટે સજ્જ થવા આહ્વાન કર્યું હતું. આ સમારોહ દરમ્યાન બોરીયાવી એન.સી.પીના બે સભ્યોકનુભાઈ શંકરભાઈ વાઘેલા અને મંજૂલાબેન કનુભાઈ રાઠોડ સહીત આણંદ જિલ્લા કોગ્રેસના મહામંત્રી અને ઝાલાબોરડીના પૂર્વ સરપંચ રમેશભાઈ સોઢા પરમાર પોતાના પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ તમામ કાર્યકરોને ભૃગુરાજસિંહ ચૌહાણે કેસરીય પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો.

છોટા ભીમ – રંગોલી


image

દિવાળી અને નવા વર્ષમાં લોકો પોતાના ઘરે રંગોળી બનાવતા હોય છે. ઉમરેઠની લાખિયા પોળમાં પ્રિયલ મિતેષકુમાર શાહ(૧૫) એ  પોતાના ઘરના આંગણામાં બાળકોના પ્રિય પાત્ર “છોટા ભીમ”ની ખૂબજ આકર્ષક રંગોળી બનાવી હતી જેને જોઈ બાળકો સહીત મોટા લોકો પણ વિચારમય બની ગયા હતા.

ચોપડા પુજન


image

  • ચોપડા પુજનકોમ્પ્યુટરના યુગમાં આજે પણ ચોપડા પુજનની પરંપરા યથાવત રહેવા પામી છે. દિવાળીના દિવસે વહેપારીઓ પોતાના હિસાબી ચોપડાનુ પુજન કરે છે.

ઉમરેઠમાં ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ શરૂ..!


  • ડેન્ગ્યુના કારણે એક બાળકના મોત પછી તંત્ર જાગ્યું.

ઉમરેઠમાં તાજેતરમાં ડેન્ગ્યુંના કેસ બહાર આવ્યા હતા, જ્યારે એક બાળકનું ડેન્ગ્યુંને કારણે સારવાર બાદ મોત નિપજ્યું હતું ત્યારે આખતે તંત્ર સફાળું જાગતા નગરના વિવિધ વિસ્તારમાં ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉમરેઠ સહીત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજ રીતે દવાનો છંટકાવ કરવાની ખૂબ જરૂરિયાત દેખાઈ રહી છે. ડેન્ગ્યુના ઉપરા છાપરી કેસ ઉમરેઠ સહીટ ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયા હતા જ્યારે કેટલાક દર્દીઓ સારવાર બાદ તંદુરસ્ત પણ થઈ ગયા હતા. પરંતું નગરના ગોલવાડ વિસ્તારમાં કમનસિબે એક બાળકનું ડેન્ગ્યુના કારણે તાજેતરમાં મોત નિપજ્યું હતું. તંત્ર દ્વારા ડેન્ગ્યું વધુ ન વકરે તે માટે તંત્રની ફોગિંગ મશિનથી દવા છંટકાવ કરવાની નિતિ આવકાર દાયક છે.

ઉમરેઠ વારાહી ચકલા પાસે અકસ્માત – એકનું મોત


ઉમરેઠના વારાહી ચકલા પાસે એક ટ્રક અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતા ઉમરેઠ પોલીસે આ ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હમિદપુરાના ઈગ્નાસભાઈ અને તેઓનો પૂત્ર પ્રતિક એક્ટીવા લઈ ઉમરેઠ થામણા ચોકડી આગળથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં પૂર ઝડપે દોડતી એક ટ્રકે તેઓને હડફેટે લેતા તેઓ એક્ટીવાસાથે ટ્રકમાં ફસાઈ ગયા હતા, આ ટ્રક લગભગ અડધો કી.મી આ બે વ્યક્તિઓને ઘસેડતી આગળ ધપી હતી જ્યારે આ અંગે લોકોએ ટ્રક ચાલકનું ધ્યાન ધોરતા ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી હતી અને પરિસ્થિતીની ગંભીરતા જોઈ ભાગી ગયો હતો. જ્યારે કેટલાક લોકોએ ૧૦૮ ને ફોન કરી તાત્કાલીક સારવાર માટે ઈગ્નાસભાઈ અને પ્રતિકને હોસ્પિટલ મોકલ્યા હતા જ્યાં પ્રતિકનું મોત નિપજ્યું હતુ, જ્યારે ઈગ્નાસભાઈને ગંભીર ઈજાઓ થતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમમાં ચતુષ્કોણી કાર્યક્રમ યોજાયો.


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા વિશ્વશાંતિ પ્રતિજ્ઞા, ગુજરાતના પનોતા પૂત્ર સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, ધ વલ્ડ સ્ટ્રોક ડે, અને નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહૂતિ રૂએ રાસોત્સવ – શરદપૂર્ણિમા એવો ચતુષ્કોણી કાર્યક્રમ તાજેતરમાં સિનિયર સિટીઝન ફોરમ ખાતે ઉજવાયો હતો. સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ સુરેશચંન્દ્ર શાહે ઉપરોક્ત દિવસનું મહત્વ સુંદર રીતે સમજાવ્યું હતું અને સૌ કોઈનું સ્વાગર કર્યું હતું. મંત્રીશ્રી ગોપાલભાઈ શાહએ આમંત્રિત ગાયકવૃંદના કેતનભાઈ ગાભાવાળા, ધરમેન્દ્રભાઈ બશેરી, ચિ.વૈભવનો પરિચય આપ્યો હતો અને પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સભ્યોને પોતાના જન્મ દિવસ નિમિત્તે કાર્ડ તેમજ ભેટ પણ આપવામાં આવી હતી.

બ્ર.કુ અર્પિતાબેને વિશ્વશાંતિ તથા મનુષ્યના જીવનમાં શાંતિ શા માટે..? તે વિષય ઉપર વ્યાખ્યાન આપી વિશ્વશાંતિ માટે દરોજ દશ મિનિટ ફાળવવા સંસ્થાના સભ્યોને પ્રતિજ્ઞા કરાવી હતી. સંસ્થાના ઉપ પ્રમુખ સી.ડી.કાછીયાએ વલ્ડ સ્ટોક ડે અનુલક્ષીને સ્ટોક નો અર્થ અને તેનો લોકો કઈ રીતે ભોગ બને છે, તેની વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. શરદોત્સવની ઉજવનીના ભાગરૂપે કેતનભાઈ ગાભાવાળા અને ધરમેન્દ્રભાઈ બશેરીએ શરૂઆતમાં સ્તુતિગાન કર્યું હતું ત્યાર બાદ સુંદર રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં સિનિયર સિટીઝન ફોરમના સભ્યો જોડાયા હતા અને રાસ ગરબાનો આનંદ લીધો હતો.ખજાનચી નવનીતભાઈ શાહએ ભેટનું વાંચન કર્યું હતું જ્યારે કા.બા.સભ્યોએ મહેમાનોને સ્મુતિ ભેટ અર્પન કરી હતી. અંતે આભાર વિધિ રામભાઈ પ્રજાપતિએ કરી હતી.

ઉમરેઠમાં ડેગ્યુથી બાળકનું મોત


ઉમરેઠમાં ડેગ્યુંને કારણે આજે એક બાળકનું મોત થતા લોકો ભયભીત થઈ ગયા છે. નગરના ગોલવાડ વિસ્તારમાં રહેતા એક કિશોરને ડેગ્યુના લક્ષણો દેખાતા સ્થાનિક ર્ડોક્ટરે વધુ સારવાર અર્થ કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડ્યો હતો જ્યા સારવાર દરમ્યાન કિશોરનું મોત થતા ગોલવાડ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આરોગ્યતંત્ર દ્વારા આવનારા દિવસોમાં ડેગ્યું વધુ ન વકરે તે માટે પગલા ભરવાની જરૂર છે તેમજ પાલિકા તંત્ર દ્વારા પણ નગરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે. ઉમરેઠ સહિત ઉમરેઠના આજૂબાજૂના ગામડા વિસ્તારમાં પણ ડેગ્યુએ માથું ઉચક્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઉમરેઠ સંતરામ મંદિરમાં રામદેવબાબાની પધરામણી


  • સંતરામ મંદિરની પ્રવૃત્તિઓની પ્રશંશા કરી

બાબા રામદેવ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ગતરોજ ઉમરેઠ સંતરામ મંદિરની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ઓડના અગ્રણી પરમાનંદભાઈ પટેલ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ગણેશદાસજી મહારાજે બાબા રામદેવનો ઉષ્માભેર આવકાર કર્યો હતો. બાબા રામદેવએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતુ કે, ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા લોકસેવાની પ્રવૃત્તિ ખરેખર પ્રશંશાને પાત્ર છે. તેઓ વીશે આ પહેલા સાંભળ્યું હતું, પરંતુ તેઓની મુલાકાત કરી તેઓ વીશે જે પણ કાંઈ જાણ્યું હતુ તે ઓછું લાગ્યુ. બાબા રામદેવે ઉમરેઠ સંતરામ મંદિરની ગાદીના દર્શન કર્યા હતા. તેઓએ ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચારણો સાથે ઉદ્બોધન કરતા શ્રોતા ગણ વિચારમય બન્યો હતો અને બાબા ખરેખર જ્ઞાનિ જ છે તેવી ચર્ચા કરી હતી.

ઉમરેઠ બેઠક માટે કોગ્રેસ અને એન.સી.પીના ગઠબંધનને લઈ અસમંજસ બરકરાર..!


  • બંન્ને પક્ષના કાર્યકરો પોતાની દાવેદારી મજબૂત હોવાની વાતો કરે છે.

ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે કોગ્રેસ અને એન.સી.પીના ગઠબંધનને લઈ નગરમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. નવા સિંમાકન બાદ સારસા વિધાનસભાના ગામો ઉમરેઠ વિધાનસભામાં આવી જતા એન.સી.પીના મહત્વના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી)એ ઉમરેઠ બેઠક ઉપર પોતાની ઉમેદવારી માટે દાવો કર્યો હતો. જ્યારે ઉમરૅઠ બેઠક ઉપર કોગ્રેસના સીટીગ ધારાસભ્ય લાલસિંહ વડોદીયા સહીત ગણપતસિંહ ચૌહાણ તેમજ ઉમરેઠના સુભાષભા શેલત પણ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. એક તરફ કોગ્રેસનું પ્રભૂત્વ ધરાવતી ઉમરેઠ બેઠક જતી કરવા માટે ઉમરેઠના સ્થાનિક કોગ્રેસી આગેવાનો સહીત કાર્યકરો એકના બે ન થવાના મૂળમાં દેખાઈ રહ્યા છે, બીજી બાજૂ એન.સી.પી દ્વારા કોગ્રેસ સાથે ગઠબંધન કરી ગુજરાતભરમાં એન.સી.પીના પ્રભૂત્વ ધરાવતી કેટલીક બેઠકોની માગણી કરી છે , જેમાં ઉમરેઠ બેઠક પણ એન.સી.પી દ્વારા પોતાના આગલી હરોળના નેતા જયંતભાઈ પટેલ (બોસ્કી) માટે માગેલ છે. ત્યારે બંન્ને તરફ ઉમરેઠ બેઠકને લઈ અસમંજસની સ્થિતી પ્રવર્તમાન બની છે. બીજી બાજૂ એન.સી.પી અને કોગ્રેસ બંન્ને પક્ષના કાર્યકરો પોતાના નેતાની ઉમેદવારીને લઈ પોતપોતાની દાવેદારી મજબૂત હોવાની વાતો કરી રહ્યા છે. ત્યારે બંન્ને પક્ષ માંથી કયા પક્ષના કાર્યકરો ની વા સાચી નિકળશે તે આવનારો સમય જ બતાવશે. ચર્ચાઈ રહ્યું છે કે જે પણ કોઈ પક્ષનું પત્તુ કપાશે તે પક્ષના સંભવિત ઉમેદવારો પૈકી કેટલાક ઉમેદવારો અપક્ષ લડવા માટે પણ મન બનાવી ચુક્યા છે, જેથી જો કોગ્રેસ અને એન.સી.પીને લઈ મડાગાંઠ નહી ઉકેલાય તો ઉમરેઠ બેઠક માટે ત્રિ-પાંખિયો જંગ થાય તો નવાઈ નથી.

ભાજપમાં ઉમેદવારને લઈ અસમંજસ બરકરાર – ઉમરેઠમાં ભાજપના ઉમેદવારને લઈને પણ અસમંજસ બરકરાર છે. કહેવાય છે નિરીક્ષકોની ટીમ દ્વારા ભાજપના કાર્યકરો સહીત નગરના પ્રતિષ્ઠીત લોકોના ઉમેદવારને લઈ સુચનો લેવામાં આવ્યા હતા આ સમયે અનુક્રમે વિષ્ણુભાઈ પટેલ ભૂષણભાઈ ભટ્ટ તેમજ ભૃગરાજસિંહ ચૌહાણ અને ગોવિંદભાઈ પરમારની વિવિધ કાર્યકરોએ રજૂઆત કરી હતી. હાલમાં તમામ ઉમેદવારો દ્વારા પોતાના દાવા મજબૂત હોવાનું કહેવાઈ રહ્યું છે , પરંતુ પક્ષની સત્તાવાર જાહેરાત પછી જ ચિત્ર સ્પષ્ટ થશે તેમા બે મત નથી.