આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2011

જાત જાતના ટાવર..!


૩૧મી ડિસેમ્બરે અમારા પરિવારનો ગેટ ટુ ગેધર કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ક્વીઝ કોન્ટેસ્ટ પણ રાખ્યો હતો ત્યારે આ ક્વીઝમાં એન્કર તરીકે મારે ભૂમિકા કરવાની હતી અને પ્રશ્નો પણ મેં જ તૈયાર કર્યા હતા. એક પ્રશ્ન તેવો રાખ્યો હતો કે ઉમરેઠમાં ટાવર કેટલા છે…? જવાબ સાવ સરળ છે. ઉમરેઠમાં બે ટાવર છે (૧) પંચવટી અર્બન બેન્ક ઉપર અને બીજૂ (૨) પગલા મંદિર સામે ગણપતિની વાડી ઉપર..

જેવો મે આ પ્રશ્ન કર્યો ત્યારે જવાબ આપવા મારી સામે બેઠેલ મારા કાકાના છોકરાએ મને વળતો પ્રશ્ન કર્યો કે ભા’ઈ આઈડીયાના કે રીલાયન્સના અમે બધા આ તેના વળતા સવાલથી હસી પડ્યા બે મિનિટ માટે વાતાવરણમાં હાસ્યની લહેર છવાઈ ગઈ અને છેલ્લે મારા કાકાના છોકરાએ આ પ્રશ્ન નો સાચો એટલે કે બે (બે) ટાવર છે તેવો જવાબ આપી દીધો.  હમના ઉત્તરાયણમાં છાપરે ચઢ્યો ત્યારે પંચવટીના ટાવર સાથે આજૂ બાજૂ બીજા ટેલિફોનના ચાર-પાંચ ટાવર દેખાયા ત્યારે મને અહેસાસ થયો કે પેલો મારો કાકાનો છોકરો કેમ મને વળતો સવાલ કરતો હતો..!

આ મુદ્દો અહિયા લખવાનો મુખ્ય હેતું તે છે કે, ખરેખર ઉમરૅઠમાં હવે મોબાઈટ ટાવરો ખુબજ વધી ગયા છે અને તે પણ રહેણાક વિસ્તારમાં જે જૂદી જૂદી અગાસીઓમાં સ્થીર થયા છે. અને આમ પણ હવે પહેલાની જેમ ટાવરની વાત નિકળે એટલે લોકો ઘડિયાલ નહિ પરંતું મોબાઈલ ટાવર વીશે જ વિચારે છે, છતા પણ હાલમાં ઉમરેઠ માટે સારી બાબતએ છે કે, ઉમરેઠના પંચવટી વિસ્તારના સૌથી જૂના ટાવર સહિત ગણપતીની વાડીના ટાવરની સ્થીતી ખરેખર સારી છે અને આજે પણ લોકોને આ ટાવર સમયનો અહેસાસ કરાવતા રહે છે. ઉમરેઠમાં કેટલાક મોબાઈલ ટાવરો જમીન ઉપરથી પણ બાંધવામાં આવ્યા છે પણ આ કેટલાક માંથી એક મોબાઈલ ટાવર એક સરકારી સ્કૂલના પટાંગણમાં જ છે.  (બોલો, સરકારી નિયમો સરકાર જ તોડે તો કોણે કહેવાનું..!)

..અને છેલ્લે ખાસ તમારા માટે છાપરે થી એક જ ક્લીકમાં કેમેરામા કેદ થયેલ ઘડિયાલના ટાવર અને મોબાઈલના ટાવરોની એક ઝલક…! (તસ્વીર -ધ્રુમિલ દોશી)

જાત જાતના ટાવર

ઉમરેઠની નવા જૂની


  • આજથી ઉમરેઠમાં ડે-નાઈટ ક્રિકેટ મેચની શરૂઆત થશે, એસ.એન.ડી.ટી મેદાન ખુબજ સુંદર રીતે તૈયાર કરાયું છે, પીચ ઉપર ભૂરો કલર પણ કરવામાં આવ્યો છે. કેટલાય વર્ષોના વિરામ પછી ઉમરેઠમાં ડે-નાઈટ ક્રિકેટ રમાતી હોવાથી ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. આમ તો મેચ તા.૧૬/૧/૨૦૧૧થી શરૂ થવાની હતી પણ અનિવાર્ય સંજોગને કારણે મેચ ૨૦/૧/૨૦૧૧થી શરૂથાય છે.
  • ઉમરેઠના રસ્તા હજૂ પણ જૈસે થે..ની સ્થિતીમાં જ છે, એક રૂમર્સ ઉપર ધ્યાન આપીએ તો ચીફ ઓફિસર અને સત્તાપક્ષ વચ્ચે ખેંચતાણમાં રસ્તાનું કામ અટવાયું છે. પણ રાહતની વાત એ છે કે, ટેન્ડર પ્રક્રિયા આ અંગે થઈ ગઈ છે જેમાં સત્તાપક્ષ અને વિપક્ષે ભાઈચારો(?) રાખ્યો હોય તેમ લોકો વાતો કરે છે.
  • સંતરામ મંદિરમાં પૂનમના દિવસે સાંકરવર્ષા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોચ્યા હતા. જો તમારું બાળક બોલવાની ઉંમરે બોલતું ન થયું હોય તો પોષી પૂનમના દિવસે સંતરામ મંદિરમાં બોર-સાંકર વર્ષા કરશો તો તમારું બાળક બોલતું થશે તેવી ઉમરેથ પંથકમાં દ્રઢ માન્યતા છે. ( ફોટો જોવા તમારું ફેશબુકનું એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લિક કરો.)
  • હજૂ ઉમરેઠમાં ઠંડી જોરદાર છે, લાગે છે છેલ્લે છેલ્લે નવું સ્વેટર ખરીદવું જ પડશે, નીતો આવતા વર્ષે નવી ફેશનનું સ્વેટર ખરીદવાની ઈચ્છા હતી. હવે તો ઠંડી ઓછી થાય તેવી પ્રાર્થના કારણ કે ઠંડીમાં આળશ ખુબ આવે છે અને આમ પણ હું જન્મજાત આળશું છું.જોવોને સ્વેટર ખરીદવામાં પણ આળશ આવે છે.
  • આપણા ઉમરેઠના સંસદ સભ્ય ઉર્જા મંત્રી માંથી હવે, રેલ્વે મંત્રી (રાજ્યકક્ષા) બની ગયા છે. તેમને અભિનંદન અને સાથે તે પણ યાદ કરાવવાનું કે ઉમરેઠનું રેલ્વે સ્ટેશન અંગ્રેજોએ બનાવ્યું હતું હજૂ તેવું ને તેવું જ છે એકાદ બે વાર આઝાદી પછી આપણા દેશના લોકોએ કલર કર્યો હતો તે સારી વાત છે. પણ  અમદાવાદ-વડોદરા સુધી સીધે સીધી રેલ્વે સેવા શરૂ થાય તે જરૂરી છે.
  • અને છેલ્લે ખાસ વાત છેલ્લા બે રવીવારથી ઉમરેઠમાં લાઈટો જતી નથી અને આવતા રવીવારે પણ લાઈટો નહી જાય તેવી આશા છે. લાગે છે હવે ઉમરેઠ ઉપરથી રવીવારે લાઈટો બંધ રહેવાનો કલંક દૂર થવાના હાથવેંતમાં છે.

…બસ ત્યારે અત્યારે આટલું જ ,

ફરી નવરા પડો ત્યારે  “આપણું ઉમરેઠ”  જોવા વાંચવા આવી જજો મહેરબાની કરીને તમારી શંભાળ રાખજો..

ઉમરેઠમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી


ઉમરેઠમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સવારે પવન પ્રમાનમાં ઓછો હોવાને કારણે લોકો થોડા નિરાસ દેખાયા હતા અન ઉત્તરાયણ પણ નિરસ દેખાતી હતી પરંતુ સવારે ૧૧ કલાકથી પવન દેવની મહેરબાની રહેતા પતંગ રસીયાઓને મોજ પડી ગઈ હતી અને વાતાવરણમાં ઉત્સાહ દેખાયો હતો.

સાંજના સમયે નગરમાં આતિશબાજીનો દોરશરૂ થયો હતો અને દિવાળી જેવું વાતાવરણ દેખાયું હતુ, લોકોએ ડુક્કલ પણ ઉડાવી મોજ કરી હતી. એકંદરે સંગીત અને અવનવા નાસ્તાની સાથે ઉમરેઠની અગાશીઓ રંગબેરંગીન પતંગો સાથે ઉત્તરાયણમાં રંગમાં રંગાઈ ગઈ હતી. જ્યારે સ્વાદ રસીકો માટે નગરના વિવિધ બજારોમાં ધનુર્માસની ખિચડી અને ઉધિયાના સ્ટોલ પણ કાર્યરત થયા હતા અને સ્વાદ રસીકોએ હોંશે હોંશે આ વાનગીઓનો આનંદ લીધો હતો.

ઉત્તરાયણના દિવસે લોકોએ ગરીબ અને સાધુબાવાને દાન કરી પુણ્યનું કામ કર્યું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર ગરીબો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક લોકોએ વાસી ઉત્તરાયણના દિવસે દાન કર્યું હતું.

ઉત્તરાયણ


બસ હવે ઉત્તરાયણને આડે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા, પણ હજુ છાપરે જવાની તક નથી મળી. સ્કૂલ અને કોલેજના સમયમાં ઉત્તરાયણની મજા કાંઈ ઓર જ હતી. ઉત્તરાયણના મહિના પહેલા કેટલીય પતંગો ચકાવી મારતા હતા અને લૂંટી પણ લેતા હતા. એક પતરા ઉપરથી બીજા પરતા ઉપર જવું જાણે રમત વાત હતી પણ કહેવાય છે પરિવર્તન સંસારનો નિયમ છે.

હવે અને પહેલા ઉત્તરાયણમાં ખાસ્સો ફેર પડી ગયો છે. પહેલા તો ડીસેમ્બર માસ ચાલું થાય ને ઉત્તરાયણ શરૂ.. સ્કૂલ કે કોલેજ થી નવરાં પડીયે એટલે ધાબા ઉપર ધામા… ઉત્તરાયણમાં નવી પતંગોને કીન્ના કરવાનું કામ બહૂ અઘરું છે, છતા પણ પહેલા બધા મિત્રો રાત્રે કોઈ એક મિત્રને ત્યાં ભેગા મળી મોટી ટેપ મુકીને બધાની પતંગોને કીન્ના કરતા હતા. ખુબ મજા આવતી હતી પણ હવે ઉત્તરાયણના આગલે દિવસે માંડ બે-ચાર મિત્રો મળે છે, જેથી કીન્ના કરવાની જવાબદારી પતંગના વહેપારીને જ સોપી દેવામાં આવે છે.

છતા પણ ઉત્તરાયણના હાલના બે દિવસ ખરેખર મજાના હોય છે. સવારના પહોરમાં બધાની અગાસીમાં ટેપ વાગે..ભૂંગડા અને પીપૂળાનો શોર બકોર હોય અને હાથમાં પતંગ,ફિરકા તેમજ અગાસીના ખુણામાં મઠિયા, તલસાંકડી અને મમરાના લાડવા ને ચીકી..જોરદાર જલસા પડી જાય ઉત્તરાયણમાં.. અરે હા હવે તો કેબલ કનેક્શન અને ડીટીએચને કારણે પતંગો ચકાવતા સમયે ટી.વી ના એરીયલ પણ નથી નડતા એટલે ઓર મજા આવે. અને સાંજે આતીશ બાજી અને ડુક્કલ કાપવાની પણ મજા કાંઈ ઓર જ છે. બસ ખાલી અફસોસએ છે કે, ઉત્તરાયણમાં ગોગલ્સ પહેરવાના નથી મળતા કારણ કે પહેલેથીજ ચશ્માધારી છે, છતા પણ આપણે ગોવિંદાવારી કરી પણ નાખીયે કાંઈ નક્કી નહી..

ચાલો ત્યારે આવજો, પતંગ પકડવા કરતા ચકાવવામાં ધ્યાન આપજો..ધાબા પતરાં ઉપર સાચવજો..અને પતંગ કાપો ત્યારે “ચકા ચોંગ” બોલી જો..જો..

હાશ…


આજે, અરે ગઈ કાલ સાંજ થીજ ઉમરેઠની મોટા ભાગની મહિલાઓને હાશ થઈ જ હશે…! ઉમરેઠમાં પાંચ દિવસ બાદ પાણીનો પ્રશ્ન હવે દૂર થઈ ગયો છે, પાણી થોડું ગંદુ આવે છે પણ આવવાનું શરૂં થઈ ગયું છે તે મોટી વાત છે. પાંચ દિવસ સુધી ઓછા પાણીમાં કેવી રીતે ગુજરાન ચલાવવું તે ઉમરેઠના લોકો સારી રીતે જાણી ગયા હશે.

..ખેર પણ છેલ્લે ચોખ્ખીને ચટ વાત હવે, પાણી પુરતા પ્રમાણમાં મળશે ત્યારે જેમ તેમ પાણી વેડફવું ના જ જોઈયે, પછી પાણી ન આવે ત્યારે તંત્રને ગાળો ફાળવાની વાત યોગ્ય નથી. પહેલા આપણે નગરપાલિકાનો ટેક્ષ ભર્યો છે કે નહિ તે જોઈ જે બોલવું હોય તે બોલવું જોઈયે.. બસ ત્યારે હવે જલસા કરો..

ઉમરેઠમાં જળ સંકટ યથાવત્ – નગરજનો પરેશાન


ઉમરેઠના નગરજનો માટે નવું વર્ષ નવી મુશ્કેલીઓ સાથે લાવ્યું, આ પહેલા ખરાબ રસ્તા, તેમજ વીજ સમસ્યાનો સામનો કરી રહેલા ઉમરૅઠના લોકોને હવે જળ સંકટનો સામનો કરવો પડ્યો છે. પાણી પૂરવટો પુરો પાડતી મુખ્ય પાઈપ લાઈન તુટી ગઈ હોવાને કારણે છેલ્લા ચાર દિવસથી પાણી પુરવઠો ન મળતો હોવાને કારણે આજે તો મોટા ભાગના લોકોના ઘરોમાં ટાકીમાં સંગ્રહ કરેલા પાણી પણ વપરાઈ ગયા હશે જેથી હવે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય તેમાં કોઈ શંકા નથી. કેટલાય લોકો તો પીવાનું પાણી બજાર માંથી ખરીદીને લાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

કહેવાય છે પાણીની મુખ્ય પાઈપ લાઈનનું રીપેરીંગ કામ શરૂ થઈ ગયું છે, છતા પણ પાણી પૂરવઠો પૂર્વવત થતા સુધી હજૂ લગભગ ૪૮ કલાક જેટલો સમય તો થશે જ ત્યાં સુધી શક્ય હોય તેટલા વિસ્તારમાં પાલિકા તંત્ર ધ્વારા ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતું જ્યાં ટેન્કરો જઈ શકતી નથી ત્યાં લોકો પાની વિના તરસ્યાં ને કોરા રહી ગયા છે.

..ખેર, પણ એક વાત ચોક્કસ છે, જે લોકો પાણી પુરતા પ્રમાણમાં મળતું હતું ત્યારે જે રીતે પાણીનો બગાડ કરતા હતા તે લોકોને હવે પાણીનું મુલ્ય સમજાઈ ગયું હશે. ત્યારે હવે નગરજનો ભવિષ્યમાં કમસેકમ આ બનાવને સકારાત્મક લઈ પાણી બચાવતા શીખે તે આવકાર્ય છે. બાકી ચાર દિવસ પછી ફરી રસ્તા ઉપર “જળ વેડફતા નળ” જોવા મળે તેમા કોઈ નવાઈ નહી..!

રવીવાર


સરસ રવીવાર, સવારે દશ વાગ્યા સુધી ગોદલામાં મોં નાખી સુઈ રહેવાની મજા જ કાંઈ ઓર હોય છે, ગઈકાલે કેટલાય દિવસ પછી સવારે ગરમા ગરમ ગાંઠીયા ખાધા અને એટલા બધા કે બપોરે ખાવાની પણ જરૂર ના પડી. આ રવીવારે એક ખાસ વાતએ હતી કે સમગ્ર ઉમરેઠમાં ક્યાંય પણ લાઈટો બંધ નતી થઈ એટલે જાણે સોનામાં સુગંધ ભરી હોપ તેમ લાગ્યું.

બપોરે ફરી પથારી ભેગા થઈ સાંજે બહાર નિકળ્યો ત્યારે આકાશમાં નજર મારી તો એક્કલ દુક્કલ પતંગો ચકતી જોઈ ને, ટાંબરીયા કાપ્યો ની બૂમો પાળતા પણ સંભળાતા હતા હવે ધીરે ધીરે ઉત્તરાયણનો માહોલ જામતો હોય તેમ લાગે છે. ગઈ કાલે પતંગોને દોરીની ખરીદી પણ કરી દીધી પણ હજૂ ડીલીવરી મળી નથી અને ઉતાવળ પણ નથી.. ઉત્તરાયણ વીશે બહૂ યાદો છે પછી ક્યારે અલગથી લખીશ.

અમારા ઉમરેઠમાં ” આર્ટ ઓફ લીવીંગ ” નો છ દિવસનો કેમ્પ આવ્યો હતો, ગઈકાલે સમાપન સમારોહ હતો, અને ત્યાં જવા માટે ઈન્વીટેશન હતું જેથી કાલે સાંજે ત્યાં આટો મારવા ગયો. ” આર્ટ ઓફ લીવીંગ” વાળા જબરી પ્રવૃત્તિઓ કરે છે, ખાસ કરીને ધ્યાન અને ડાન્સ ઉપર તેઓ વધુ જોર આપતા હોય તેમ લાગ્યું. આર્ટ ઓફ લીવીંગ સારૂં છે કે ખોટું કહેવું અતિરેક હશે કારણ કે માત્ર દોઢ બે કલાક આ શિબિરમાં હું હતો અને તે પણ ઓડીયન્સ તરીકે પણ જે લોકોને હું નજીકથી ઓળખું છું તેઓએ કહ્યું જો સમયનો અભાવ ન હોય તો એક વાર આર્ટ ઓફ લીવીંગનો બેઝીક કોર્સ કરવો જ જોઈયે..!

નવું વર્ષ, નવી સમસ્યા..!


ઉમરેઠનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે સવારના પહોરમાં એકા એક કોર્ટ કંપાઊન્ડ પાછળ આવેલ પાણીની ટાંકીની મુખ્ય પાઈપ લાઈન તુટી જતા નગરમાં પાણી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. જ્યારે આ મુખ્ય પાઈપ લાઈન ને રીપેર થતા લગભગ બે-ત્રણ દિવસ થશે તેમ ચર્ચાઈ રહ્યું છે ત્યાં સુધી ઉમરેઠ ઉપર જળ સંકટ તોળાઈ રહ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ નગર પાલિકા કંપાઊન્ડ પાછળ પાણીની જૂની ટાંકી ઉતારવાનું કામ ચાલુ હતુ જેનો કેટલોક કાટ માળ પાણીની મુખ્ય પાઈપ લાઈન ઉપર પડ્યો હોવાને કારણે પાણીની લાઈનમાં ગાબળું પડ્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. જ્યારે પાણીની મુખ્ય પાઈપ લાઈન માંથી લીકેજ શરૂ થતા ઉમરેઠ કોર્ટ કંપાઊન્ડ પાછળના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે જૂની પોલીસ લાઈનમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આ બનાવને કારણે ઠાકર વગા, ચોકસી ની પોળ,ભટ્ટ વાળી પોળ સહિતના વિસ્તારો પ્રભાવિત થયા હતા જ્યારે બનાવની ખબર પડતા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ તુરંત હરકતમાં આવી આ સમસ્યાને પહોંચીવળવા આયોજન હાથ ધર્યા હતા. પરંતું કેટલાક નિષ્ણાંતોના મત મુજબ નગરમાં પાણી પુરવઠો પૂર્વવત કરવા માટે પાલિકા તંત્રએ કમર કસવી પડશે તેમજ ઓછમાં ઓછા બે થી ત્રણ દિવસ સુધી આ પરિસ્થીતી ચાલુ રહેશે.
ટેન્કરો દ્વારા પાણી ..!

ઉમરેઠ- અચાનક પાણીની મુખ્ય પાઈપ લાઈન તુટી જતા લોકોને પાણીની સમસ્યા ન નડે તે માટે પાલિકા તંત્ર ધ્વારા કેટલાક વિસ્તારમાં પાણીના ટેન્કરો મોકલી આપ્યા હતા. જ્યારે ટેન્કરોથી પાણી લેવા માટે પડા પડી થઈ હતી. પણ નગરના કેટલાક વિસ્તારો તેવા છે કે જ્યાં ટેન્કરો પહોંચે તેમ નથી જેથી આવા વિસ્તારના લોકો માટે આવનારા ત્રણ દિવસ પાણી વગર કેવી રીતે નિકાળવા તે યક્ષ પ્રશ્ન બની રહેશે

વિવેક વાણી


  • સલાહ આપવી સહેલી છે, પણ મળેલ સલાહને અનુસરવું તેટલું જ અઘરું છે.
  • કામ કરીને શંભળાવવું તેના કરતા કામ ન કરવું સારું
%d bloggers like this: