આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2012

અવસાન નોંધ


ઉમરેઠના સામાજિક કાર્યકર મુકુંદભાઈ ચંદુલાલ શાહ (રહે, રેવાકાકાની પોળ, ઉમરેઠ) નું અવસાન થયેલ છે. મુકુંદભાઈ શાહ વર્ષોથી આર.એસ.એસના સક્રીય કાર્યકર હતા. ઉમરેઠની સામાજીક તેમજ શૈક્ષંણિક સંસ્થાઓમાં પણ તેઓએ પોતાની સેવા આપેલ હતી.

ઉમરેઠમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી


ઉમરેઠમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે નગરની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય, નગરપાલિકા સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, જ્યુબિલિ સ્કૂલ, સહીત એચ.એમ.દવે સ્કૂલમાં ધ્વજ વંદન સહીત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નગરની સ્કૂલોમાં બાળકો મોટી સંખ્યામાં ધ્વજ વંદન કરવા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પોતાના હાથમાં ત્રિરંગો લઈ દેશ પ્રત્યે પોતાનું માન પ્રગટ કર્યું હતું.

ઉમરેઠની વિવિધ સરકારી કચેરી ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠના કોર્ટ કંપાઊન્ડમાં નગરપાલિકા અને સિવિલ કોર્ટમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે મામલતદાર દિપીકાબેન પંચાલ તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

સંતરામ મંદિર દ્વારા અંબાજીમાં નવચંડી યજ્ઞ અને અન્નકુટ


અંબાજી ખાતે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા તાજેતરમાં નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીને સોનાના થાળમાં અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞ તેમજ અન્નકુટના દર્શન કરવા માટે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો પણ અંબાજી પહોંચ્યા હતા.  ઉપરોક્ત તસ્વીરમાં ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ તેમજ અન્ય યજમાન નવચંડી યજ્ઞ વિધિ કરતા નજરે પડે છે.  (ફોટો – મેહૂલ પટેલ)

…સિગારેટ અને ગોટાનો પ્રસાદ ચઢાવાય છે.


વાંચીને અચરજ જરૂર થઈ હશે પણ આ સત્ય છે કે, પૂ.નથ્થુરામ બાપુજીની સમાધિ ઉપર ભક્તો સિગારેટ અને ગોટાનો પ્રસાદ ચઢાવે છે. કેટલાય ભક્તો તેમ પણ કહી રહ્યા છે કે આમ કરવાથી પૂ.નથ્થુરામ બાપુજી સમક્ષ રાખેલ બાધા પૂર્ણ પણ થઈ જાય છે. વર્ષો પહેલા ડાકોરના ઘોમતી ઘાટ સામે ખુલ્લી જગ્યામાં એક આધેડ વ્યક્તિ અઘોરી અવસ્થામાં બેસી રહેતો હતો. કેટલાક તેને માનથી બોલાવતા હતા તો કેટલાક તેમને હળધૂત પણ કરતા હતા. તેઓને હળધૂત કરતા લોકો માંથી કેટલાક લોકો ધૂળમાં મળી ગયા હોવાના પણ દાખલા ડાકોર સ્થિત કેટલાય વડીલો કહી રહ્યા છે.

ચમત્કારી નથ્થુરામ બાપુજીની સમાધિ ડાકોરના ગોમતી ઘાટ સામે જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમમાં આવેલ છે. પૂ.નથ્થુરામ બાપુજીના મૃત્યુ પછી તેઓની સમાધિ જલારામ સેવા ટ્રસ્ટના પરિસરમાં બનાવી હતી. પૂ.નથ્થુરામ બાપુજીના ભક્તોને તેઓમા અપરમપાર શ્રધ્ધા હતી કેટલાક તત્વો ધ્વારા ડાકોર માંથી પૂ.નથ્થુરામ બાપુજીને દૂર કરવા પણ તજવીજ કરી હતી પણ આવા લોકો હંમેશા માટે કોઈ ને કોઈ મુશ્કેલીઓથી રૂબરૂ થતા હતા. અંગ્રેજોના સમયમાં જ્યારે એક અધિકારીએ તેઓને તે જગ્યા ઉપરથી હટાવવા તંત્ર કામે લગાળ્યું હતુ ત્યારે પણ તેઓ ત્યાંના ત્યાંજ રહ્યા હતા આખરે જાતે અંગ્રેજ અધિકારી પૂ.બાપુજીને તેઓની જગ્યાએ થી હટાવવા આવ્યા ત્યારે પૂ.નથ્થુરામ બાપાએ અંગ્રેજ અધિકારીને કહ્યું હતૂ ” તુ મુજકો યહા સે ક્યાં હટાયેગા, જીસકો હટાના થા ઉસકો મેને હટાદીયા હૈ..!” આમ કહ્યા બાદ ગણતરીના સમયમાં તે અંગ્રેજ અધિકારીને પોતાના પૂત્રના મોત અંગે સમાચાર મળ્યા, આખરે આ અંગ્રેજ અધિકારીએ પૂ.બાપુજીની માફી માગી હતી અને પૂ.બાપુએ તેઓને માફ કરી એક વર્ષ બાદ તેઓના ઘરમાં પૂત્ર જન્મ લેશે તેવા આશિર્વાદ આપ્યા હતા અને વર્ષ પછી તેઓને ત્યાં પૂત્ર જન્મ પણ થયો હતો. આ સિવાય પણ ડાકોરના લોકોને જે તે સમયે પૂ.નથ્થુરામ બાપુજીએ કેટલાય ચમત્કાર બતાવ્યા હતા. કહેવાય છે પૂ.નથ્થુરામ બાપુજી ગોમતીના એક ઘાટ ઉપરથી પાણીમાં ડુબકી લગાવતાને પલ વારમાં તો ગોમતીના બીજા ઘાટ ઉપર પહોંચી જતા હતા. મગર મચ્છની ઝડપથી તેઓ પાણીમાં તરતા હોવાથી તેઓને મઘરમચ્છ મહારાજ તરીકે પણ લોકો તેમને સંબોધતા હતા.

આજે પણ ડાકોર અને આજૂબાજૂના કેટલાક ગામના લોકો પૂ.નથ્થુરામ બાપુજીમાં અનેરી શ્રધ્ધા રાખે છે. તેઓના સમાધિ સ્થાન ઉપર આજે પણ લોકો દર્શને જાય છે. તાજેતરમાં તેઓની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ડાકોર ખાતે ઉજવાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલમાં પણ તેઓના સમાધિ સ્થાન ઉપર લોકો સિગારેટ અને ગોટાનો પ્રસાદ ચઢાવે છે.

ઉમરેઠની ભવન્સ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ શરૂ..


ભણતર સાથે રમત ગમતમાં બાળકોનો વિકાસ થાય તે હેતુથી ઉમરેઠના ગાયત્રી મંદિર પાસે આવેલ ભવન્સ સ્કૂલ ખાતે આજથી વાર્ષિક રમત-ગમત મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. રમત ગમત મહોત્સવના પહેલા દિવસે સંગીત ખુરશી તેમજ દોડની હરિભાઈ યોજાઈ હતી જેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમત ગમત મહોત્સવના અંતિમ દિવસે વિજેયતા વિદ્યાર્થીઓને ઈનામો પણ એનાયત કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવશે તેમ શાળાના સંચાલકોએ જણાવ્યું હતું.

ઉમરેઠની નવા જૂની


  • વડીલો પૂ.મોરારીબાપૂની કથામાં ધન્ય થઈ ગયા બાદ હવે, નગરના એસ.એન.ડી.ટી મેદાનમાં ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનો જલસા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ વર્ષે ડે-નાઈટ ક્રિકેટનું આયોજન જય અંબે ટ્રસ્ટ, વાંટા દ્વારા કરવામાં આવ્યું છે.
  • ચોર લોકોએ આળશ ખંખેરી લાંબા ગાળા બાદ ઉમરેઠમાં ચોરી કરી, ઉત્તરાયણ કરવા વતનમાં ગયેલ શિક્ષક પરિવાર સહીત ત્રણ ઘરના તાળા વાસી-ઉત્તરાયણના દિવસે તુટ્યા હતા. હવે, ચોકસી બજારના વહેપારીઓએ સાબદા થવાની જરૂર છે.
  • આ પહેલા પવન વગરની ઉત્તરાયણ ઉમરેઠમાં ધામધૂમથી ઉજવાઈ. ધામ-ધૂમ એટલા માટે કે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગો કરતા દારૂખાનું અને ડુક્કલમાં લોકોએ વધારે રસ રાખ્યો, આવતા વર્ષે પતંગોના વહેપારીઓ આચકા મારશે કારણ કે આ વર્ષે બધાની પતંગ અને દોરી માંડ ૨૫ ટકા વપરાઈ હશે, કોઈ નહી તો હું તો આવતા વર્ષે પતંગ દોરી નથી જ ખરીદવાનો નક્કી..!
  • પૂ.મોરારીબાપૂની કથા સુંદર રીતે પૂર્ણ કરવા બદલ શ્રી સંતરામ મંદિર, નડિયાદના મહંત દ્વારા શ્રી ગણેશ દાસજી મહારાજનું નડિયાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું, શ્રી સંતરામ મંદિર ઉમરેઠ દ્વારા અંબાજી ખાતે રવીવારના રોજ હવણનું આયોજન કરવામાં આવેલ છે. ઉમરેઠ ખાતે યોજાયેલ પૂ.મોરારિબાપુની કથા હવે યુ-ટ્યુબ ઉપર ઉપલબ્ધ બની છે.  યુ-ટ્યુબ ઉપર કથા જોવા માટે અહિયા ક્લિક કરો.

..છેલ્લે કેટલીક બ્લોગની વાતો

  • ” આપણું ઉમરેઠ” બ્લોગના કેટલાક એન.આર.આઈ અને લોકલ વાંચકો રૂબરૂ મળ્યા બ્લોગ અંગે તેઓના પ્રતિભાવ જાણી આનંદ થયો. ઉમરેઠના વિવિધ સમાચારો તમે ફેશબુકમાં પણ વાંચી શકો છો. ગઈ કાલે “આપણું ઉમરેઠ બ્લોગના કુલ રજિસ્ટર સભ્યોનો આંકડો ૧૦૦ પાર કરી ગયો.
  • હાલમાં ઉમરેઠને લગતી બીજી અન્ય વેબ સાઈટ ધ્યાનમાં આવી umreth.in ઉમરેઠને વિશ્વના ફલક ઉપર રજૂ કરવાના આવા પ્રયાસો ખરેખર આવકાર્ય છે. umreth.inને “આપણું ઉમરેઠ” બ્લોગની શુભેચ્છા.

ભાજપનો સદ્ભાવના ઉપવાસ અને કોગ્રેસનો સત્યાગ્રહ – ડાકોર


ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર ભવન્સ કોલેજ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના સદ્ભાવના ઉપવાસ ઉપર બેઠા હતા. આ સમયે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી અને સંતરામ મંદિરની અન્ય ગાદીના મહારાજશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી.

ડાકોર ભવન્સ કોલેજ ખાતે સદ્ભાવના ઉપવાસ દરમ્યાન નાના બાળકો સરદાર વલ્લભભાઈ પટેલના મુખોટા પહેરી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં નરેન્દ્રભાઈ મોદીને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવવામાં આવે છે. તાજેતરમાં કોગ્રેસની સરદાર સંદેશ યાત્રા સમયે નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું હતુ કે, કોગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલની ખરેખર કદર હોય તો દિલ્હીમા તેમના નામના કોઈ સ્મારક કેમ નથી..?

(ફોટો – http://narendramodi.in/sadbhavana

એક તરફ ભાજપ દ્વારા ભવન્સ કોલેજ ખાતે સદ્ભભાવના ઉપવાસ યોજાયો હતો ત્યારે કોગ્રેસ દ્વારા ડાકોર કપડવંજ માર્ગ ઉપર સત્યાગ્રહ યોજાયો હતો. આ સમયે કોગ્રેસના અગ્રણી નરહરી અમિન સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર કહ્યું હતુ,અને ભાજપની નિતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા.  (ફોટો- પરેશ દોશી)

આવી તે કેવી સદ્ભાવના…


આવતી કાલ એટલે તા.૧૭.૧.૨૦૧૨ને મંગળવારના રોજ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક દિવસના ઉપવાસ ઉપર ઉમરેઠ-ડાકોર માર્ગ ઉપર આવેલ ભવન્સ કોલેજના મેદાનમાં બેસવાના છે. ઉમરેઠ અને ડાકોર વચ્ચે આજે સવારથી ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે, મતલબ આજ બપોરથી ઉમરેઠ થી ડાકોર જતા બધા વાહન ચાલકો પોતાની જાતને વાસ્કો-દ-ગામા સમજી લેવાનું…

ટુંકમાં મોદીના સદ્ભાવના ઉપવાસને કારણે…

> પ્રજા પરેશાન થવાની > પોલીસ પણ પરેશાન થવાની (પણ કશું બોલશે નહી..!)> સરકારી કચેરીઓના અધિકારીઓ કાલે નહી મળે..કારણ કે બધા કાલે સદ્ભાવના માટે મોદીના ચરણોમાં હશે. > ઉમરેઠ ડાકોર રોડ સામાન્ય માણસો માટે બંધ , પણ ભાડુતી શ્રોતા ગણ માટે લાલ ઝાઝમ સાથે માર્ગ ખુલ્લો.> મોદી ઉપવાસ કરી સાંજે પેટભરી ખાશે..

મોદી આવવાના છે તેમાં ટ્રાફિક બંધ કરવાની શું જરૂર છે..? મોદી આટલા બધા કેમ ગભરાય છે..?

 

ઉત્તરાયણનો ઉમંગ..!


ઉત્તરાયણના ઉમંગમાં મસ્ત બચ્ચા પાર્ટી

ઉમરેઠમાં સરદાર સંદેશયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત


બીજી જાન્યુઆરીથી રાજ્યવ્યાપી સરદાર સંદેશ યાત્રા શરૂ કરવામાં આવી હતી જે આજે ઉમરેઠ નગરના બસ સ્ટેશ વિસ્તારમાં આવી પહોંચી હતી. સરદાર સંદેશ યાત્રાનું સ્વાગર કરવા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, માજી.ધારાસભ્ય સુભાષભાઈ શેલત,સહિત કોગ્રેસના આગેવાન ગણપતસિહ ચૌહાણ સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સરદાર સંદેશ યાત્રા નગરના વિવિધમાર્ગે નરહરિ અમીનની આગેવાની હેઠળ ફરી હતી અન ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નારા લગાવ્યા હતા.

માટલા ઉધિયું


ઉમરેઠ – હાલમાં શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉમરેઠ પંથકમાં ઠેર ઠેર માટલા ઉધિયાની મિજબાનીનો આનંદ લોકો લઈ રહ્યા છે. માટલા ઉધિયું ઉમરેઠ સહિત સમગ્ર ચરોતરવાસીઓ માટે શિયાળાના સમયે લોકપ્રિય વ્યંજન છે. મોટા ભાગે ખેતર અને ફાર્મ હાઊસ ઉપર માટલા ઉધિયાને બનાવી સ્વાદરસીકો તેનો આનંદ લઈ રહ્યા છે. માટલા ઉધિયામાં વિવિધ શાકભાજી માટલામાં બાફવામાં આવે છે અને તે બાફેલા શાકભાજીના છાડાં સ્વાદરસિક જાતે ઉખાડી દેતા હોય છે અને માટલા ઉધિયાનો સ્વાદ લઈ તૃપ્તિ અનુભવે છે.તસ્વીરમાં એક ખેતરમાં માટલા ઉધિયું બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પુનમ નિમિત્તે સાંકરવર્ષામાં ભક્તોનું ઘોડાપુર


  •  પોષી પૂનમે સંતરામ મંદિરમાં બોર-સાંકર વર્ષા કરી ભક્તોએ બાધા પૂરી કરી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે પોષી પુનમે શ્રી ગણેશદાજી મહારાજના સાંનિધ્યમાં સાંકર-બોર વર્ષા કરવામાં આવી હતી. સાંકર-બોર વર્ષા દરમ્યાન મોટી સંખ્યામાં સંત-મહંત તેમજ ઉમરેઠ સહીત આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે.

ભક્તો દ્વારા ઉછાળવામાં આવેલ બોર-સાંકર પ્રસાદ સ્વરૂપે ઉપસ્થિત અન્ય ભક્તો આરોગતા હોય છે. આ દિવસે મંદિરના મહંત દ્વારા વિશેષ પુજન પણ કરવામાં આવે છે અને મંદિર પરિસરમાંથી સાંકર-બોર વર્ષાની શરૂઆત કરવામાં આવે છે. સંતરામ મંદિર ઉમરેઠ ખાતે યોજાયેલ સાંકર વર્ષા પૂર્વે પૂ.મોરારીબાપુની કથામાં ઉપસ્થિત સંત મહંતોનું પુજન કરવામાં આવ્યું હતું અને શ્રી ગણેશદાસજી મહારાજે સૌ સંત તેમજ અન્ય સંતરામ સેવા સમિતિના સભ્યોનો ખૂબ આભાર માન્યો હતો. આજે સાંકર વર્ષા દરમ્યાન શ્રી ગણેશદાસજી મહારાજ,શ્રી હરેકૃષ્ણદાસજી મહારાજ, દેવાંગભાઈ પટેલ,પરમાનંદભાઈ પટેલ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (ફોટો – પંકજ શ્રીધપ)

ઉત્તરાયણ


બસ હવે ઉત્તરાયણને આડે પાંચ-છ દિવસ બાકી રહ્યા, પણ હજુ ગઈકાલે પહેલીવાર છાપરે જવાની તક મળી, એક પતંગ પણ ચકાવી પણ સાલી કપાઈ ગઈ. પહેલા સ્કૂલમાં હતા ત્યારે નાતાલના વેકેશન થીજ ઉત્તરાયણ શરૂ થઈ જતી હતી પણ હવે તેવું નથી રહ્યું ઉત્તરાયણના દિવસે પણ જોરબેરે ૧૦ વાગે છાપરાના દર્શન થાય છે.ઉત્તરાયણના મહિના પહેલા કેટલીય પતંગો ચકાવી મારતા હતા અને લૂંટી પણ લેતા હતા. એક પતરા ઉપરથી બીજા પરતા ઉપર જવું જાણે રમત વાત હતી. છાપ્રા ઉપર ઢગલો મિત્રો એકઠા થતા અને જાત જાતની મોજ મસ્તી..! હવે તો ઉત્તરાયણના દિવસે પણ મિત્ર મળે તો..ય બહુ કહેવાય..!

નવી પતંગોને કીન્ના કરવાનું કામ બહૂ અઘરું છે, છતા પણ પહેલા બધા મિત્રો રાત્રે કોઈ એક મિત્રને ત્યાં ભેગા મળી મોટી ટેપ મુકીને બધાની પતંગોને કીન્ના કરતા હતા. ખુબ મજા આવતી હતી પણ હવે ઉત્તરાયણના આગલે દિવસે માંડ બે-ચાર મિત્રો મળે છે, જેથી કીન્ના કરવાની જવાબદારી પતંગના વહેપારીને જ સોપી દેવામાં આવે છે.

છતા પણ ઉત્તરાયણના હાલના બે દિવસ ખરેખર મજાના હોય છે. સવારના પહોરમાં બધાની અગાસીમાં ટેપ વાગે..ભૂંગડા અને પીપૂળાનો શોર બકોર હોય અને હાથમાં પતંગ,ફિરકા તેમજ અગાસીના ખુણામાં મઠિયા, તલસાંકડી અને મમરાના લાડવા ને ચીકી..જોરદાર જલસા પડી જાય ઉત્તરાયણમાં.. અરે હા હવે તો કેબલ કનેક્શન અને ડીટીએચને કારણે પતંગો ચકાવતા સમયે ટી.વી ના એરીયલ પણ નથી નડતા એટલે ઓર મજા આવે. અને સાંજે આતીશ બાજી અને ડુક્કલ કાપવાની પણ મજા કાંઈ ઓર જ છે. બસ ખાલી અફસોસએ છે કે, ઉત્તરાયણમાં ગોગલ્સ પહેરવાના નથી મળતા કારણ કે પહેલેથીજ ચશ્માધારી છે, છતા પણ આપણે ગોવિંદાવારી કરી પણ નાખીયે કાંઈ નક્કી નહી..ચાલો ત્યારે આવજો, પતંગ પકડવા કરતા ચકાવવામાં ધ્યાન આપજો..ધાબા પતરાં ઉપર સાચવજો..અને પતંગ કાપો ત્યારે “ચકા ચોંગ” બોલી જો..જો…

સતત ૫૦ વર્ષથી..ઉમરેઠ અર્બન બેન્કનું ટાવર હંમેશા “સમય” સાથે..!


  • ગણેશ શોપિંગ સેન્ટરનું ટાવર પણ “રાઈટ ટાઈમ”

જેમ જેમ ઈ-યુગનો પગ પેસારો થતો જાય છે, તેમ તેમ જૂની પુરાની વિરાસતોથી લોકો દૂર થતા જાય છે. ક્યાંક જૂની ઈમારતો યોગ્ય રખરખાવનો ભોગ બને છે તો ક્યાંક તેની સદંતર અવગણના થાય છે. પરંતું ઉમરેઠમાં લગભગ ૫૦ વર્ષથી પણ જૂના કહેવાતા અર્બન બેન્કના ટાવરનો યોગ્ય રખરખાવ થયો હોવાને કારણે આ ટાવર આજે પણ સમયની સાથે ચાલે છે અને રસ્તે જતા લોકોને સમય બતાવે છે.

હાલના મોબાઈલના જમાનામાં લોકોના કાંડા ઉપરથી ઘડિયાલ દૂર થઈ ગયા છે, ત્યારે ઉમરૅઠમાં પંચવટી વિસ્તારમાં આવેલ અર્બન બેન્કનું ટાવર સમય સાથે તાલ મિલાવી લોકોને યોગ્ય સમય બતાવે છે. રાત્રિના સમયે ઘોર અંધારામાં જ્યારે ઠંડીને કારણે સમય જોવા ઉઠવા માટે તસ્દી ન લેનાર લોકોને આજે પણ આ ટાવરના ટકોરા સમય સાથે તાલ મેળવી આપે છે. ઉમરેઠ અર્બન બેંકના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર આજે પણ આ ટાવરની યોગ્ય સમયે નિષ્ણાંતો દ્વારા મરામ્મત કરાવવામાં આવે છે. સમયાંતરે આ ટાવરમાં યોગ્ય રીતે મેન્ટેન કરાવવામાં આવે છે. વર્ષો પહેલા બેંકના સત્તાધીશો દ્વારા નિર્માણ કરાવેલ આ ટાવરની કાળજી પૂર્વક પ્રવર્તમાન હોદ્દેદારો રખરખાવ કરી રહ્યા છે. આજ પણ નગરમાં કેટલાય લોકો સવારના સમય માટે પંચવટીના ટાવર પર નિર્ભર રહેતા હોય તેમા નવાઈ નથી

બીજી બાજૂ હાલમાં લગભગ દશ પંદર વર્ષ પહેલા વડા બજાર વિસ્તારમાં ગણેશ શોપીંગ સેન્ટર પર ટાવર મુકવામાં આવ્યું હતું જે પણ સુંદર રખરખાવને કારણે આજે “રાઈટ ટાઈમ” છે.આ શોપીંગ સેન્ટરના વહેપારીઓના જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ ટાવર સમય પ્રમાણે ચાલે છે અને ટ્રસ્ટના હોદ્દેદારો સમયાંતરે ટાવરનો રખરખાવ કરાવે છે. આમ ઉમરેઠમાં વર્ષોથી ટાવરની તંદુરસ્તી જોઈ અન્ય નગરોમાં બંધ પડેલ ટાવરના સંચાલકોએ ઉદાહરણ લેવા જેવું છે.

પૂ.સંત મોરારીબાપુએ પાઘડી પહેરી..


આજે પૂ.મોરારીબાપુ નવા જ અંદાજમાં જોવા મળ્યા હતા. પૂ.ગણેશદાસજી મહારાજ અને પૂ.મોરારીબાપુની કથાના મુખ્ય યજમાન દેવાંગભાઈ પટેલના હસ્તે પૂ.મોરારીબાપુએ કથાની શરૂઆતમાં પાઘડી ધારન કરી હતી. આજે કથાનો લાભ લેવા ઉમરેઠની સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આજે કથા દરમ્યાન પૂ.બાપુએ શ્રી રામ જન્મનું મહત્વ અને સંત સાથે સત્સંગ વિષય ઉપર ધારદાર વિચારો રજૂ કર્યા હતા. કથામાં વધતા જતા ભક્તોની સંખ્યા જોઈ સંતરામ સેવા સમિતિ દ્વારા છેલ્લા બે દિવસથી કથા મંડપ મોટો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ડોમની પાસે મંડપની બંન્ને બાજૂ બે બ્લોક વધુ ઉમેરો કરવામાં આવ્યો છે. ઉમરેઠ પંથક હાલમાં પૂ.મોરારીબાપુની કથામા મગ્ન થઈ ગયો છે.  (ફોટો- મેહૂલ પટેલ, ઉમરેઠ)

ઉમરેઠના સંતરામધામ ખાતે રક્તદાન શિબિર યોજાયો.


ઉમરેઠમાં પૂ.મોરારીબાપુના કથા સ્થળ સંતરામ ધામ ખાતે સ્વ. અશોકભાઈ ભટ્ટની સ્મૃતિમા લાયન્સ કલબ ઓફ ઉમરેઠના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેના પગલે ૩૬૦ રક્તની બોટલો આ કેમ્પ દરમ્યાન એકઠી થઈ હતી. આ સમયે પૂ.ગણેશદાસજી મહારાજ, કથાના યજમાન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) તેમજ અન્ય સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ખાડીયાના ધારાસભ્ય ભુષણ ભટ્ટ દ્વારા રક્તદાતાઓન ઉત્સાહ વધારવા માટે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો અને રક્તદાતાના લોહીની મફત તપાસ કરાવી આપી હતી.  (ફોટો – મેહૂલ પટેલ)

પૂ.મોરારીબાપુ – ફુરસદની ક્ષણોમાં ભક્તો સાથે..


પૂ.મોરારીબાપુ પોતાની ફુરસદની ક્ષણોમાં પોતાના ઉતારા સ્થાને ભક્તો સાથે ગોષ્ઠી કરી રહ્યા છે. (ફોટો – મેહૂલ પટેલ)

જવાબ – ક્વિઝ , ઉમરેઠવાસીઓ ઓળખી બતાવેતો ખરા


થોડા દિવસ ઉપર “આપણું ઉમરેઠ” બ્લોગમાં ક્વિઝ રાખવામાં આવી હતી, જેમાં ઉમરેઠના એક વિસ્તારને ઓળખી બતાવવાનો હતો.

જવાબ – નાસિકવાળા હોલ સામે, ખુલ્લી જગ્યા.

સાચા જવાબ આપનાર વાંચકો નીચે મુજબ છે.

(૧) મીહીર શેઠ, વડોદરા

(૨) કૃષિલ પટેલ, યુ.એસ.એ

(૩) ભાવેશ પટેલ, સુરત

(૪) કિંજલ શાહ, વડોદરા

(૫) પરાગ ચોકસી, ઉમરેઠ

(૬) વિનય ખત્રી, પૂણે

(૭) રવી પટેલ, ઉમરેઠ

(૮) પૂરબ (ડીકુ) પટેલ , ઉમરેઠ

(૯) સંદીપ શાહ, યુ.એસ.એ

(૧૦) ઉમરેઠ.ઈન

(૧૧) રાજૂ પટેલ , યુ.એસ.એ

(૧૨) ર્ડો.આર.એમ.વઢવાના, યુ.એસ.એ

તમે સૌ જાણો છો તેમ જીતેલા તમામ વાંચકોને ઈનામમાં તમારા જ પરિવાર સાથે તમારા ખર્ચે જે મનપસંદ હોટલમાં ડીનર… તો જલસા કરો અને વાંચતા રહો..“આપણું ઉમરેઠ”

પૂ.મોરારીબાપુની કથા (ફોટા)


દૈનિક ૨૫,૦૦૦ ભક્તોને મહાપ્રસાદનો લાભ…

ઉમરેઠ – પૂ.મોરારીબાપુની કથાનો લાહ્વો લેવા માટે દૂર-દૂરથી આવેલા ભક્તોને સવાર સાંજ નિયમિત સુંદર રીતે ભોજનની વ્યવસ્થા સંતરામ મંદિર દ્વારા કરવામાં આવી છે.મંદિરના અગ્રણી કાર્યકર ભેપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ દૈનિક લગભગ ૨૫,૦૦૦થી પણ વધુ ભક્તોને મહા-પ્રસાદ મળી રહે તે માટે કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો ખડે પગે રહી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે રીત મહાપ્રસાદ પિરસી સેવાનીનોખી મિશાલ કાયમ કરી રહ્યા છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામની બહેનો પણ કોઈ શરમ રાખ્યા વગર સંતરામ મંદિરમાં શાક સમારવાથી માંડી અન્ય કામોમાં પોતાનો સહયોગ આપી પોતાની સેવા આપી રહી છે.

સંત-મહંતોનો ઉમરેઠમાં જમાવડો..

ગો.૧૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજ (વીકીબાવા) ગઈકાલે સંતરામધામ ખાતે મોરારીબાપુની કથાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પૂ.મોરારીબાપુ સાથે ગોષ્ઠી કરી હતી, અને જણાવ્યું હતું પૂ.મોરારીબાપુના આશિર્વાદ મેળવ્યા હતા. આ પહેલા પૂ.મોરારીબાપુની કથા દરમ્યાન પૂ.દ્વારકેશલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર- મેહૂલ પટેલ, ઉમરેઠ)

પૂ.મોરારીબાપુની કથા – ઉમરેઠ


ઉમરેઠના સંતરામ ધામ ખાતે સંતરામ મંદિર દ્વારા પૂ.મોરારીબાપૂની કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ ઉમરેઠ સહીત ચરોતરની ધર્મપ્રિય જનતા લઈ રહી છે. (ફોટો – મેહૂલ પટેલ, ઉમરેઠ)

%d bloggers like this: