આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2020

ઉમરેઠમાં વારાહિ માતાજીનો ૨૬૩મો ઐતીહાસિક હવન યોજાયો.


ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિમાતાનો હવન  આસો સુદ-૯ , ૨૫/૧૦/૨૦૨૦ ને રવીવારના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે  તેમજ નીલકંઠભાઈ જયશંકર દવે  પરિવારના યજમાન પદે યોજાયો હતો.  કોવીડ-૧૯ની મહામારીને કારણે શ્રી વારાહીમાતાજી ટ્રસ્ટ દ્વારા જી.ટી.પી.એલ ચેનલ સહીત શોશિયલ મીડીયાના માધ્યમ થી લાઈવ ટેલીકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યારે સ્થળ પર હવન ના દર્શન કરવા ન આવવા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો હતો જેને શીરોમાન્ય રાખી ભક્તોએ ઘરે બેઠા હવન ના દર્શન નો લાભ લીધો હતો. ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવન સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, વારાહી ટ્રસ્ટ ના પ્રમુખ સુરેશભાઈ જોશીએ જણાવ્યું હતુ કે હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦કીલો ઘી,૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે. ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષી સહિત ઉમરેઠનું તંત્ર ખડે પગે તૈયારીઓમાં લાગી ગયુ છે. ઉલ્લેખનીય છે કે સદર હવન પહેલા વિશિષ્ટપુજા કરવામાં આવે છે જે ત્રણ પ્રહરની હોય છે એટલે કે તે દિવસે સવારે દશ કલાકે ત્યાર બાદ સાંજે સાત કલાકે અને રાત્રે દશ કલાકે પુજા વિધિ કર્યા બાદ જ હવન શરૂ થાય છે. માતાજી જે સ્થળે પ્રગટ થયા હતા તે જ સ્થળ પર આ હવન કરવાની વર્ષો થી પરંપરા ચાલી રહી છે. આ હવનની ખાસ વિશેષતા તે છે કે હવન માટે કોઈ કુંડ બનાવવામાં આવતો નથી જમીન પર માત્ર ગાયનું ગોબર તથા માટીનું લીપણ જ કરવામાં આવે છે અને તેની ઉપર હવનમાં ઉપયોગમાં લેવાના કાષ્ટ ગોઠવવામાં આવે છે. વારાહી ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષીએ જણાવ્યું હતુ કે, વિક્રમ સંવત ૧૮૧૦ ઈ.સ ૧૭૫૪માં શ્રી વારાહી-અંબા માતાજીની મૂર્તિઓ ભોલવા કૂવા માંથી પ્રગટ થઈ હતી અંદાજે ૨૬૦ વર્ષ પૂર્વે શ્રી વારાહી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે મૂર્તિ હાલ જે મંદિર છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી મુકાઈ હતી. વારાહીમાતાજીના હવન નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા.હવનની પૂર્ણાહૂતિ સમયે ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતી શ્રી ગણેશદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં અંતિમ કવચ હોમવાનો લાહ્વો લીધો હતો. ખાડીયા જમાલપૂર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટએ શ્રી વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લીધો હતો. તેઓએ જણાવ્યું હતુ કે ઉમરેઠના શ્રી વારાહી માતાજીમાં તેઓ અતુટ શ્રધ્ધા રાખે છે અને દરવર્ષે શ્રી વારાહી માતાજીના હવનના દર્શન નો અચુક લાહ્વો પામે છે. 

ઉમરેઠમાં શ્રી સાચીમાતાનો હવન યોજાયો.


ઉમરેઠની ત્રણપોળ ખાતે સાચીમાતાનો હવન યોજાયો. ઉમરેઠની ત્રણપોળ ખાતે સાચીમાતાજીનો હવન ઉમરેઠના શ્રી મધુસુદન શાસ્ત્રીજીના આચાર્યપદે ભક્તિભેર યોજાયો હતો. આ પ્રસંગે ઉમરેઠની ત્રણપોળ લાખિયાપોળ સહીત ચોકસી બજારના રહીશોએ હવનના દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં વારાહીમાતાજીના હવન દરમ્યાન દોરાને ગાંઠ મારવાનું મહત્વ છે તેજ રીતે સાચીમાતાના હવન દરમ્યાન પણ દોરાને કવચ હોમાય તે સમયે ગાંઠ મારી શરીરે ધારણ કરવાથી અણધારી આપત્તિ સામે રક્ષણ મળે છે. હવનને સફળ બનાવવા માટે સાચીમાતા યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

ખડાયતા જ્ઞાતિ રત્ન જયંતિલાલ જે કાચવાળાનું નિધન – ઉમરેઠ ખડાયતા સમાજ દ્વારા સ્વૈછીક બંધ પડાયો


ખડાયતા જ્ઞાતિના અગ્રણી જયંતિલાલ જે કાચવાળાનું આજે સવારે ટુંકી માદગી બાદ અમદાવાદ ખાતે ૯૦ વર્ષ ની ઉંમરે નિધન થતા તેઓના પરિવાર સહીત સમગ્ર ખડાયતા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી જ્યારે ઉમરેઠ નગરના ખડાયતા જ્ઞાતિના દૂકાનદારોએ તેઓના માનમાં સ્વયંભૂ બંધ પાડી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.  ઉલ્લેખનીય છે કે જયંતિલાલ જે કાચવાળાએ ઉમરેઠના ત્રણપોળ ખાતે પોતાના નિવાસ સ્થાનમાં સંયુક્ત પરિવારમાં પોતાનું બાળપણ વિતાવ્યું હતુ ઉમરેઠમાં પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ ગયા હતા અને ત્યાર થી અમદાવાદને તેઓએ પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. ૧૯૪૭ – ૪૮ ના અરસામાં પોતાના મોટાભાઈ કેશવલાલ સાથે ફોટો ફ્રેમિંગની દુકાનમાં તેઓ જોડાયા હતા ત્યાર થી તેઓએ વ્યાપાર ક્ષેત્રે ક્યારે પણ પીછે હઠ કરી નથી ધંધામાં અનેક ઉતાર ચઢાવ જોયા બાદ તેઓએ કાચ ની ફેક્ટરી શરૂ કરી હતી અને સદર ધંધામાં ટોચ પર પહોંચી આજે સફળ ઉદ્યોગ પતિ તરેકે તેઓને સદાય સૌ કોઈ યાદ કરશે હાલમાં અમદાવાદ ખાતે ગોપાલ ગ્લાસ વર્ક હેઠળ કાચના ધંધામાં દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે.  જયંતિલાલ જે.કાચવાળા દ્વારા ખડાયતા જ્ઞાતિ અને જ્ઞાતિજનો માટે અનેક સેવાકીય કાર્યો કર્યા હતા સમાજ ની વિવિધ સંસ્થાઓમાં ઉદાર હાથે આર્થિક સહયોગ આપવામાં તેઓ સદાય અગ્રેસર રહેતા હતા ઉપરાંત સામાજિક કાર્યો તેમજ ધાર્મિક કાર્યો ને પાર પાડવા પણ તેઓ ઉદાર હાથે આર્થિક સહયોગ આપતા હતા. હાલમાં તેઓ દ્વારા ખડાયતા સમાજના ઈષ્ટ દેવ શ્રી કોર્ટયર્ક પ્રભુ નું મંદિર ઉમરેઠ ડાકોર રોડ પર નિર્માણ કરાવી રહ્યા હતા. જ્ઞાતિ માટે તેઓના ઉમદા કાર્યો ની સરાહના કરી જ્ઞાતિજનોએ તેમને “ખડાયતા જ્ઞાતિ રત્ન” ના એવોર્ડ થી સન્માનીત કર્યા હતા. 

%d bloggers like this: