આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

અપેક્ષા શાહ ઈગ્લિશ ટ્યુશન ક્લાસીસ નું ગૌરવ


ઉમરેઠમાં છેલ્લા કેટલાક સમયથી પાટ પોળ સામે કાર્યરત અપેક્ષા શાહ ઈગ્લિશ મીડીયમ ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે અંગે અપેક્ષા શાહએ જણાવ્યું હતુ કે તેઓના ક્લાસની વિદ્યાર્થીની પંચાલ વૈદેહિએં અંગ્રેજીમાં ૮૯, ગણિતમાં ૯૪, સાયન્સમાં ૯૮ માર્ક જ્યારે પટેલ વીન્સીએ અંગ્રેજીમાં ૮૩, ગણિતમાં ૯૫, અને સાયન્સમાં ૯૮ માર્ક મેળવ્યા હતા, જ્યારે પટેલ દ્રષ્ટીએ અંગ્રેજીમાં ૭૨ અને સાયન્સમાં ૮૧ માર્ક મેળવ્યા હતા જે બદલ અપેક્ષા શાહએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે નવી બેચ ૧/૬/૨૦૨૨ થી શરૂ થઈ ગઈ છે જેમાં ૬ થી ૧૦ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત તેમજ વિજ્ઞાન ના ક્લાસ ભણાવવામાં આવશે હજૂ પણ કોઈ વિદ્યાર્થીનીને એડમીશન લેવું હોય તો મો.૯૭૨૩૧ ૬૪૭૦૦ પર સંપર્ક કરવો.

ઉમરેઠના સ્વ.હરિકૃષ્ણભાઈ શાહનું અવસાન થતા દેહદાન કરવામાં આવ્યું.


મૂળ નડિયાદના અને હાલ ઉમરેઠના વતની હરિકૃષ્ણ રસીકલાલ શાહનું તા.૧૯.૨.૨૦૨૨ના રોજ ૮૦ વર્ષની વયે અવસાન થતા તેઓના પરિવાર દ્વારા તેઓના પાર્થિવ દેહને નડિયાદ ખાતે એન.ડી.દેસાઈ મેડીકલમાં દાન કર્યો હતો. આ અંગે માહિતી આપતા સ્વ.હરિકૃષ્ણ ભાઈ શાહના પુત્ર સમીરભાઈ શાહએ જણાવ્યું હતુ કે તેઓ જીવતા હતા ત્યારે જ તેઓએ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેને પગલે તાજેતરમાં તેઓનું અવસાન થતા તેમની ઇચ્છા મુજબ તેઓના દેહ નું દાન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણ શાહ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ઓફિસર તરીકે કાર્યરત હતા, તેઓની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની સફર વિરમગામ થી શરૂ થઈ હતી અને છેલ્લે ઉમરેઠ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા બ્રાન્ચ માંથી નિવૃત થયા હતા. ત્યારબાદ રિટાયર્ડ થયા બાદ ઉમરેઠ સિનિયર સિટીઝન તેમજ નડિયાદ વડીલોનું વિશ્રામ સંસ્થાના પ્રમુખ પદે પોતાની સેવા આપી સમાજ સેવા અર્થે કાર્યરત હતા. તેઓના પરિવારજનોએ તેઓના દેહદાન નો નિર્ણય આવકારી એન.ડી.દેસાઈ મેડિકલ નડિયાદ ખાતે દાન કરી ગર્વની લાગણી અનુભવી હતી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર વાર્ષિક ઉત્સવ ઉજવાશે.


કોરોનાની ને ધ્યાનમાં રાખીને ભંડારો નહી યોજાય

પ.પૂ. યોગી અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ તથા પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા-પ્રેરણા મુજબ શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૨મો વાર્ષિકોત્સવ તા.૧૭.૧.૨૦૨૨ને સોમવારના રોજ બપોરે ૧૨ કલાકે સંતરામ મંદિરની વિવિધ શાખાના સંત મહંત શ્રી ની ઉપસ્થિતિમાં યોજાશે. આ અંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે પ્રવર્તમાન કોરોના ની પરિસ્થિતિને કારણે દર વર્ષે વાર્ષિક ઉત્સવ દરમ્યાન યોજવામાં આવતા ભંડારો આ વખતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બંધ રાખવામાં આવ્યો છે તેમજ સાકર વર્ષા અને આરતી દર્શન માટે મંદિરમાં આવતા તમામ ભાવિક ભક્તો કોરોના પ્રોટોકોલનું ચુસ્ત રીતે અમલ કરવા જણાવી મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરી ને આવવા તેમજ દર્શન કરતા સમયે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે સ્વયંમ સેવકો ને સહકાર આપવા જણાવ્યું હતું. તેઓએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી માંથી બહાર આવે અને સૌ નું કલ્યાણ થાય તેવા આશિર્વાદ પાઠવ્યા હતા.

ઉમરેઠની સટાકપોળના વૈષ્ણવો દ્વારા ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી


ઉમરેઠની સટાક પોળના વૈષ્ણવો દ્વારા પરમ દયાલ શ્રી ગુસાંઈજીના પ્રાગટ્ય મહોત્સવ ની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુંસાઈજી પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ સટાક પોળ ખાતે કિર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ ના દિવસે પરોઢે પ્રભાત ફેરી તેમજ બપોરે શોભાયાત્રા નિકળી હતી જેમાં સૌ વૈષ્ણવોએ ભક્તિભેર ભાગ લીધો હતો.

ઉમરેઠ બાર એસોસિએશન ના હોદ્દેદારો વરાયા


સન ૨૦૨૨ માટે ઉમરેઠ બાર એશોશિયેશન ના હોદ્દેદારોની વરણી તાજેતરમાં સર્વાનુમતે કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે મુકેશભાઈ ત્રિવેદી, ઉપ-પ્રમુખ પદે બિપીનભાઈ સોલંકી, મંત્રી પદે શ્રેણિક શુક્લ, અને સહ મંત્રી પદે લાલજીભાઈ તળપદા ની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને પ્રવર્તમાન પ્રમુખ પી.એલ.મહીડા, અને મંત્રી ઐયુબભાઈ પઠાને શુભેચ્છા વ્યક્ત કરી હતી. નવા હોદ્દેદારોએ પોતાની પસંદગી કરવા બદલ બાર એશોસિયેશન ની તમામ સભ્યો અને હોદ્દેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠના તુળજા માતા મંદિર પાસે ત્રણ મકાનોના તાળા તોડીને ચોરી – તસ્કરો જતા જતાં ‘ચોરોથી સાવધાન’ એવી ચિઠ્ઠી મૂકતા ગયા 


ઉમરેઠ શહેરના તુળજા માતાના મંદિર પાસે આવેલા મોઢવાળા ખાતે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવીને તાળા તોડી અંદરથી વાસણો, ચાંદીની ચીજવસ્તુઓ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ઉમરેઠ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી પ્રશાંતકુમાર નિરંજનભાઈ ભટ્ટ મુળ ઉમરેઠના મોઢવાળો, તુળજા માતાના મંદિરના વતની છે પરંતુ હાલમાં તેઓ આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા એસેલ ટાવરમાં રહે છે. ઉમરેઠ ખાતેના મકાનમાં તાંબા-પિત્તળના વાસણો, ઘરવખરી, મંદિરનો સામાન મુકી રાખવામાં આવ્યો હતો. દરમ્યાન ગત ૨૨-૬-૨૦ના રોજ પ્રશાંતભાઈ ઘરના સભ્યો સાથે ઉમરેઠ આવ્યા હતા અને ઘરનો બધો સામાન મકાનના છેલ્લા ઓરડાના રૂમમાં ભરી દીધો હતો અને સાફ-સફાઈ કર્યા બાદ તાળુ મારી દેવામાં આવ્યું હતુ.

દરમ્યાન ગઈકાલે ઉમરેઠના વેરાઈ માતાના મંદિરે હવનનો કાર્યક્રમ હોય તેઓ પરિવારના સભ્યો સાથે આવ્યા હતા અને આજે સવારે સાતેક વાગ્યે હવન પુરો થતાં સાડા આઠેક વાગ્યે ઘરે જતાં દરવાજાના સાંકળનો નકુચો તુટેલો હતો અને ઘરમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતુ. તપાસ કરતાં અંદરથી તાંબાના વાસણો સહિત કુલ ૧૩ હજારની મત્તા ચોરાઈ હતી. દરમ્યાન તપાસ કરતા નજીકમાં આવેલા એક એનઆરઆઈના મકાનના તાળા-નકુચા તોડીને ચોરી કરવામાં આવી હતી. જો કે તેઓ વિદેશમાં હોય કેટલાની મત્તા ચોરાવા પામી છે તે ઉજાગર થયુ નહોતુ. તસ્કરો એક જર્જરીત મકાનના પતરાં પણ ચોરી કરીને લઈ ગયા હતા. તસ્કરો જતા જતાં ‘ચોરોથી સાવધાન’ એવી ચિઠ્ઠી મૂકતા ગયા છે, જેને લઈને શહેરીજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. ઉમરેઠ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.

ઉમરેઠ – વારાહી માતાજીનો ૨૬૪મો હવન ભક્તિભેર સંપન્ન


 હવન ની પૂર્ણાહૂતિ સમયે શ્રી ગણેશદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા


ઉમરેઠ ખાતે શ્રી વારાહી માતાજીનો ૨૬૪મો ઐતિહાસીક હવન શ્રી ચંદ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે  તેમજ સ્વ.નરેન્દ્ર રાય પ્રભાશંકર ભટ્ટ પરિવારના યજમાન પદે નોમની રાત્રીના યોજાયો હતો જે બીજે દિવસે સવારે સંપન્ન થયો હતો.  હવનમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો અને બાજ ખેડાવાડ બ્રાહ્મણ ઉપસ્થિત રહ્યા હતા. સદર હવન દરમ્યાન હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીરે ધારણ કરવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે તેવી વર્ષો થી માન્યતા છે. આ વર્ષે હવન ના દર્શન ભક્તો વ્યવસ્થીત શાંતિ થી ભીડ વગર કરી શકે તે માટે વિશાળ સ્ક્રીન પર દર્શન નું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતુ તેમજ શોશિયલ મીડિયામાં પણ હવન ના દર્શન લાઈવ બતાવવામાં આવ્યા હતા. હવન શાંતિ થી સંપન્ન થતા વારાહી ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોશીએ સૌ કોઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ દશા ખડાયતા મહિલા મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી


ઉમરેઠ દશા ખડાયતા મહિલા મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે એક દિવસના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિના મહિલા મંડળની બહેનોએ રાસ ગરબાનો આનંદ લઈ માતાજીની આરાધના કરી હતી. 

ઓડ હા.સ્કૂલ ખાતે પોક્સો એક્ટ તેમજ બાળકોના અધિકાર વિષય પર કાનૂની શિબિર યોજાઈ


આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ના આદેશ અને સૂચના અનુસાર ઉમરેઠ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગામના સામાન્ય નાગરિકોને કાનૂની કાયદા જ્ઞાન મળી રહે અને કાનૂન ના નિયમો અંગે જાગૃતિ કેળવાય તે માટે ઓડ સરદાર પટેલ હાઈ.સ્કૂલમાં પોક્સો એક્ટ તેમજ બાળકોના અધિકાર વિષય પર કાનૂની શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુજરાત હાઈ.કોર્ટ સેક્શન ઓફિસર શ્રી અલ્પેશભાઈ ત્રિવેદી તેમજ ઓડ કેળવણી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠની પાયલ દવે “ઈન્ડીયન ઓથર એવોર્ડ-૨૦૨૧” માટે નોમીનેટ થયા.


PAYAL DAVE

ઉમરેઠના પ્રતિષ્ઠીત ડોક્ટર ર્ડો.ભાસ્કર દવે અને ર્ડો.દામિનીબેન દવે ની પૂત્રી પાયલ દવેએ તાજેતરમાં ડોર ટુ હેપીનેસ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક એમેઝોન વેબસાઇટ પર ખાસ્સુ લોકપ્રિય બન્યું હતુ અને બેસ્ટ સેલર વિભાગમાં પણ જગ્યા પ્રાપ્ત કરી હતી જેને પગલે ચેમ્બર ઓફ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ દ્વારા “ઈન્ડીયન ઓથર એવોર્ડ-૨૦૨૧” માટે નોમીનેટ કરવામાં આવ્યા છે જે સમગ્ર બ્રહ્મ સમાજ તેમજ ઉમરેઠ માટે ગૌરવની વાત છે. પોતાની સદર ઉપલબ્ધી અંગે પાયલ દવેએ જણાવ્યું હતુ કે, ઈન્ડીયન બેસ્ટ ઓથર-૨૦૨૧માં માત્ર દશ બુક નોમીનેટ થાય છે જેમા તેમની ડોર ટુ હેપીનેસ પુસ્તકને સ્થાન મળ્યું તેનો ખૂબ આનંદ છે. ઉલ્લેખનીય છે કે પાયલ દવે યોગ અને મેડીટેશન ક્ષેત્રે પણ વિશેષજ્ઞ છે અને સોશિયલ મીડિયા ના માધ્યમ થી તેઓ પોતાના લખાણ અને યોગ દ્વારા યુવાનોને વાંચન અને સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવાનો સંદેશો પાઠવે છે. આ ઉપરાંત તેઓ બિઝનેસ કનસલટન્ટ, લેખક, વક્તા અને કુશળ સલાહકાર તરીકે પણ જાણીતા છે. તેઓને ઉમરેઠ બ્રહ્મ સમાજ તેમજ સીનીયર સીટીઝન ફોરમના હોદ્દેદારો અને લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ઉમરેઠમાં નવરાત્રી નિમિત્તે મફત આરોગ્ય કેમ્પ યોજાયો.


લાઇફ કેર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રી નિમિત્તે સિકોતર માતાના મંદીર ખાતે  મફત સ્વાસ્થય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે સિકોતર માતાજીના મંદિરના ચાચર ચોક મા માતાજી ના સાનિધ્યમાં ભક્તો નું બી.પી, ડાયાબીટીસ અને બી.એમ.આઇ ચેક વિનામુલ્યે કરવામાં આવ્યુ હતો. કેમ્પ માં ૯૯ જેટલા ભાવિક ભક્તોએ સ્વાસ્થય ચેક કરાવ્યું હતુ. કેમ્પ ને સફળ બનાવવા માટે લાઇફ કેર ટ્રસ્ટ ના કૌશલભાઇ પટેલ, કદમ દોશી તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો 


લાયન્સ ક્લબ ઉમરેઠ સિનિયર સિટીઝન  અને શંકરા આય હોસ્પિટલ ના સહયોગ થિ શ્રી સંતરામ માધ્યમિક શાળા ઉમરેઠ મા તા.7 10 ના રોજ આંખો ના રોગ નો કેમ્પ યોજાયો આકેમ્પ મા આંખો ના નંબર નાસુર વેલ મોતિયો ઝામર જેવા દર્દ ની તપાસ કરી સલાહ આપવામાં આવી હતી જરુરિયાત વાળા દર્દી ને રાહત દરે ચશમા આપવામા આવ્યા હતા તેમજ જે દર્દી ને મોતિયો હૉય તેવા દર્દીઓ ને વિનામુલ્યે ઓપરેશન કરી આપવા મા આવસે ઓપરેશન ઉપરાંત દર્દીને લાવવા લૈજવા ની તેમજ જમવાની પણ વ્યવસ્થા સંકરા હોસ્પિટલ તરફ થિ કરવામાં આવસે સદર કેમ્પ મા શંકરા હોસ્પિટલ ના ડોકટર શુરેશભાઇ ડૉ.ચક્ષુ સિસ્ટર પ્રિયંકા તેમજ  જયંતિ ભાઈ મકવાણા ઍ પોતાની સેવા આપી હતી શરૂઆત મા લા.પ્રમુખ ઘનશ્યામભાઇ ઍ અને મંત્રી લા.રાકેશભાઇ  ઍ સૌનું સ્વાગત કર્યું હતું પ્રો.ચેરમેન રમેશભાઈરાણાઆકેમ્પમો શરૂથી અંત સુધી સુદર કાયૅ કર્યુ હતુ ભરતભાઈ સુથાર તેમજ પુર્વપ્રમુખ લા.દિપકભાઈ શેઠ અને લા.જગદિશભાઈ અગ્રવાલ કિરિટ ભાઈ ગાભાવાળા  અને જે.પી. શાહે કેમ્પની સફળ જહેમત ઊઠાવી હતી શાળા ના પ્રિન્સિપાલ મનિષાબેન નો ખૂબજ સહકાર મળયો હતો આ કેમ્પ મો૧૭૮ દરદીએ લાભ લીધો હતો ૭૫ દરદી ને રાહત દરે ચશ્મા નુ વિતરણ  અને ગરીબ મદયમમ વગૅના ૩૫ મોતી યા ના દરદી ને શંકરા હોસ્પિટલમાં મા ઓપરેશન માટે ગાડીમાં લઈ જવામાં આવેલ છે

ઉમરેઠ – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ઉજજવલા ગેસ જોડાણ નું વિતરણ કરાયું


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉમરેઠ ટાઉન હોલ ખાતે ઉજ્જવલા ગેસ જોડાણ હેઠળ ગેસ વિતરણ તેમજ મુખ્યમંત્રી બાળ સુરક્ષા ના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયા, ઉમરેઠ પાલિકાના પ્રમુખ રમીલાબેન પટેલ, શીવમ્ બારીયા (પ્રાંત અધિકારી) તાલુકા મામલતદાર વિશાલભાઈ વાળંદ તેમજ ઉમરેઠ એચ.પી.ગેસના મુકેશ દોશી અને ભારત ગેસના દિનેશભાઈ ગાંધી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી તેમજ સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી શિવમ બારીયાએ કર્યું હતું. પ્રાસંગીક પ્રવચન કરતા પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાખેલ બહુ લક્ષી કાર્યક્રમ અંગે વિગતો આપી ભાજપ સરકારમાં મોદીજી ના નેતૃત્વમાં થયેલા વિવિધ યોજના અંગે માહિતી આપી હતી. મહિલાઓ માટે ઉજ્જવલ્લા યોજના ને આશિર્વાદ ગણાવતા વધુને વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મળે તેમ જણાવ્યું હતુ. આ ઉપરાંત કોરોના સામે લડાઈમાં રસીકરણ અંગે પણ તેઓએ ભાર મૂક્યો હતો. આ સાથે તેઓના હસ્તે ઉજ્જવલા ગેસ યોજનાના લાભાર્થીઓને ગેસ વિતરન તેમજ બાળ સુરક્ષા યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.આભાર વિધિ ઉમરેઠ એચ.પી.ગેસના મુકેશભાઈ દોશીએ કરી હતી. તેમજ સમારોહને સફળબનાવવા માટે ઉમરેઠ તાલુકા મામલતદાર ની ટીમ સહીત એચ.પી.ગેસ ઉમરેઠ તેમજ ભારત ગેસ ઉમરેઠના મુકેશભાઈ દોશી અને પવનભાઈ ગાંધીએ જહેમત ઉઠાવી હતી. 

ઓડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે નિમિત્તે વિવિધ લક્ષી કાર્યક્રમ યોજાયો.


ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત ગેસ જોડાણ વિતરણ, વૃક્ષા રોપણ, રસી કરણ અને મુખ્યમંત્રી બાળ સુરક્ષા અંતર્ગત સહાય ચુકવાઈ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસે વિવિધ લક્ષી કાર્યક્રમ અંતર્ગત ઓડ ખાતે નવાપુરા દૂધ મંડલી ખાતે ઉજ્જવલા ગેસ જોડાણ તેમજ રસીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મીનાબેન તળપદા (પ્રમુખ, ઓડ પાલિકા), હસમુખભાઇ મકવાણા (કારોબારી ચેરમેન), ગોપાલભાઇ રાઉલજી (ઉપ-પ્રમુખ), ચીફ ઓફિસર સંદિપભાઇ પટે, ઓડ ભાજપ શહેર પ્રમુખ ભરતભાઇ પટેલ, ઓડ શહેર મહામંત્રી દિલીપભાઇ પટેલ, પદ્યુમન ચૌહાણ, શીલી ગેસ એજન્સીના  મનુભાઇ પરમાર, ઉમરેઠ એચ.પી.ગેસ એજન્સીના  પરેશભાઇ દોશી વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામા આવી હતી ત્યાર બાદ ગોપાલભાઇ રાઉલજીએ પ્રાસંગીક પ્રવચન કરી નરેન્દ્રભાઇ મોદી સરકાર ની ઉપલબબ્ધીઓ સહીત વિવિધ યોજના ની માહિતિ આપી હતી. ઉજજવલા ગેસ વિતરણ માટે ઉમરેઠ ની એમ જિતેન્દ્ર શાહ એચ.પી.ગેસ અને શીલી ની માનબા ગેસ એજન્સી ના લાભાર્થીઓ ને ગેસ જોડાણ નું વિતરણ કરવામાં આવ્યું હતુ આ ઉપરાંત કોરોના સામે ની લડાઇ ના ભાગરૂપે સ્થળ પર આરોગ્ય વિભાગ દ્વારા રસીકાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો લાભ ઉપસ્થીત લોકોએ લીધો હતો. ઓડ નગરના મુખ્ય પ્રવેશ દ્વાર થી ગામ સુધીના ડીવાઈડર ઉપર ફુલ-છોડ રોપણ કાર્યક્રમ અંતર્ગત છોડ રોપવામાં આવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી બાળ સુરક્ષા ના સહાય નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવ માટે ગોપાલભાઇ રાઉલજી, એમ જિતેન્દ્ર શાહ એચ.પી.ગેસ ના પરેશભાઇ દોશી, અને વિજપભાઇ પરમાર માનબા ગેસએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ- દેવાંગ મેહતા કૌશલ્ય કેન્દ્ર વાર્ષિક દિવસ ની ઉજવણી


આજ રોજ દેવાંગ મેહતા કૌશલ્ય કેન્દ્રના ત્રીજા વાર્ષિક દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આનંદ જિલ્લા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, માજી રાજ્યસભા સાંસદ શ્રી લાલસિંહ વડોદીયા, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી રમીલાબેન પટેલ,ઉપપ્રમુખ રમેશભાઈ વાઘરી, નગર પાલિકા ના કાઉન્સેલરશ્રી અને ઉમરેઠ ની આજુબાજુ ના ગામ ના સરપંચશ્રી હાજર રહ્યા હતા. આજ ના પ્રસંગે “ખુશી પ્રોડ્યૂકશન યુનિટ નું ઉદ્ઘાટન ઉમરેઠ નગર પાલિકા ના પ્રમુખ શ્રીમતી રમીલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.

દેવાંગ મેહતા કૌશલ્ય કેન્દ્ર ઉમરેઠની શરૂઆત સ્વ. શ્રી દેવાંગ મેહતા ની જન્મ જયંતિ ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ થઈ  હતી. આ કેન્દ્ર Dewang Mehta Foundation Trust અને GTT Foundation અને ઉમરેઠ નગર પાલિકા ના સહકાર દ્વારા ચાલવામાં આવે છે. આ સંસ્થા નો મુખ્ય ઉદ્દેશ youth અને women ડેવલપમેન્ટ નો છે. આ સંસ્થા છેલ્લા 3 વર્ષ થી આનંદ જિલ્લા ના ઉમરેઠ મુકામે કામ કરે છે. અત્યારે સંસ્થા દ્વારા  સ્કિલ ડેવલપમેન્ટ, વુમન એમ્પવર્મેન્ટ, Employability skilling, Job Placement, SHGs (સ્વ સહાય જૂથ) જેવા પ્રોજેક્ટ ચલાવામાં આવે છે.

ઉમરેઠ – ચોકસી મહાજન નો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.


ઉમરેઠના ચોકસી મહાજન દ્વારા બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુ થી દર વર્ષે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાજેતરમાં ઉમરેઠના નાશિકવાળા હોલ ખાતે ચોકસી મહાજન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચોકસી મહાજન ના સભ્યોના બાળકોને તેઓની શૈક્ષણિક સિધ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં ચોકસી મહાજનના પ્રમુખ પરાગભાઈ ચોકસીએ સ્વાગત પ્રવચન કર્યું હતુ અને તેઓને પ્રમુખ પદ દરમ્યાન બોર્ડના સભ્યો તેમજ મહાજનના સભ્યોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આગામી સમયમાં નવા વર્ષ માં વરણી પામનાર પ્રમુખ ગૌરાંગ ભાઈ શાહની જાહેરાત કરી હતી.  ચોકસી મહાજનના કાર્યો ની રૂપરેખા દિવ્યેશભાઈ દોશીએ આપી હતી અને ચોકસી મહાજનના સભ્યોના બાળકોને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ બદલ ક્રિષ્ના બાવાવાળા અને મિલન મોદીના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત ઉમરેઠ તેમજ ખડાયતા સમાજ ના ગૌરવ સમાન અને ડી.વાય.એસ.પી તરીકે પસંદ પામેલા ક્રિષ્ના શાહ અને તેઓના ફિયાન્સ મિલન મોદીનું ચોકસી મહાજન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ચોકસી મહાજનના પ્રમુખ પરાગભાઈ ચોકસીએ ક્રિષ્ના શાહ્ અને મિલન મોદીનો પરિચય આપ્યો હતો અને તેઓને સન્માનિત કર્યા હતા. પોતાના સન્માન પ્રત્યુત્તરમાં ક્રિષ્ના શાહ ચોકસી મહાજન નો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે સેક્રિફાઈસ કરો તો સક્સેસ અવશ્ય મળે છે, તેમને જણાવ્યું હતુ કે પ્રવર્તમાન સમયમાં સફળતા મેળવવા માટે સોસીયલ મિડીયાનો સેક્રિફાઈસ આવશ્યક છે તેઓએ જાતે કેવી રીતે શોશિયલ મીડિયા થી દૂર રહી સફળતા મેળવી તે અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપી હતી. મિલન મોદીએ પણ પોતાના પ્રત્યુતરમાં ચોકસી મહાજન નો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં મહાજન ને પડતી તકલીફો માં સહાય કરવાની ખાતરી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને તેમની સફળતાની યાત્રા નો અનુભવ જણાવ્યો હતો. સમારોહને સફળ સંચાલન દિપકભાઈ ચોકસી, રાકેશભાઈ ચોકસી અને હિંમાશું ભાઈ ચોકસી એ કર્યું હતું. મહાજન તરફ થી ભરતભાઈ બાવાવાળા, રશ્મીભાઈ શ્રોફ, જયંતભાઈ ચોકસીએ ક્રિષ્ના શાહ તેમજ મિલન મોદીને ડી.વાય.એસ.પી તરીકે પસંદ પામવા બદલ તેમજ ચોકસી મહાજનના સભ્યોના વિદ્યાર્થીઓને તેઓની શિક્ષણીક સિધ્ધી બદલ શુભેચ્છા પાઠવી હતી.

ઉમરેઠ – મોચીવાડ થી કોર્ટ રોડ સુધી વિફરેલી ગાયથી ભયનો માહોલ – આખરે પાલીકાના કર્મચારીઓ અને રબારી સમાજના યુવાનોએ ગાયને કાબુમાં કરી


ઉમરેઠમાં એક ગાય ગાંડી થતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. રાહદારીઓને ગાય અડફેટે લેતી હોવાની વાત ફેલાતા જેતે રસ્તે જતા લોકોમાં ભય નો માહોલ છવાઈ ગયો હતો. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ગત રાત્રીના મોચીવાડ વિસ્તારમાં એક ગાય નાથાભટ્ટ ની પોળ બહાર આવતા જતા રાહદારીઓ સામે શિંગડા ભરતી હતી જેને કારણે કેટલાય લોકો માર્ગ બદલી બીજા રસ્તે ચાલતા પકડી હતી જ્યારે સવાર સુધીમાં આ ગાય વધારે બે કાબુ થઈ હતી અને ચોકસી બજારમાં આવેલ ત્રણ પોળ વિસ્તારમાં રહીશોને અડફેટમાં લીધા હતા જેને પગલે ચાર-પાંચ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી તો કેટલાક લોકોએ ગાયના ભયથી ભાગવાનો વારો આવ્યો હતો. ચોકસી બજાર માંથી ગાય કોર્ટ રોડ વિસ્તાર તરફ જતા પાલીકા કંપાઉન્ડમાં પણ આ ગાયએ આતંક મચાવ્યો હતો, પરંતુ પાલીકાના સેનેટરી વિભાગના કર્મચારીઓ દ્વારા સમય સુચકતા દાખવી ને ગાયને ટ્રેક્ટર અને અન્ય સાધનો થી ઘેરી લીધી હતી અને રસ્તા પર જતા અટકાવી હતી જ્યારે ગાય ને કાબુમાં કરવા માટે નગરના રબારી સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી ને ગાય ને કંન્ટ્રોલમાં કરવામાં આવી હત જેને પગલે નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાત્રી સમયે વોક કરવ નિકળ્યા ત્યારે ગાય પાછળ પળી હતી – મિતેષ શાહ (ત્રણપોળ)

ચોકસી બજારની ત્રણ પોળના રહીશ મિતેષ શાહએ જણાવ્યું હતુ કે, તેઓ રાત્રીના સમયે વોક કરવા નિકળ્યા ત્યારે નાથાભટ્ટ ની પોળ બહાર આ ગાય ઉભી હતી અને હું કાંઈ સમજૂ તે પહેલા મારી પર હૂમલો કર્યો હતો. સમય સુચકતા વાપરી હું નાથાભટ્ટ ની પોળમાં અને મારો ભત્રિજો ગાભાવાળાની ખડકીમાં સુરક્ષીત સ્થાને જતા રહ્યા હતા જેને પગલે અમે બચી ગયા.

શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવના જીર્ણોધ્ધાર નો પ્રારંભ


ઉમરેઠ ના ઐતિહાસિક શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવ ના મહાદેવ તેમજ પ્રાંગણ ના જીર્ણોધ્ધાર નો આજે જન્માષ્ટમી ના પાવન પર્વે કુમુદભાઇ મનહરલાલ શેલત તેમજ હર્ષાબેન કુમુદભાઇ શેલત ના મુખ્ય યજમાન પદે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સંત-મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ અને નગરના નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવ ટ્રસ્ટ ના પ્રમુખ સદાશિવ દવેએ મહાદેવ નો ઐતિહાસિક વારસાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી અને મહાદેવના ભવ્ય નવનિર્માણ અંગે દાન આપનાર દાતાશ્રીઓ નો આભાર વ્યક્ત કરી વધુ દાતાશ્રીઓ સદર ભગીરથ કાર્યમાં નિમિત બને તેવી અપેક્ષા દાખવી હતી. આ શુભ અવસરે અખીલ ભારતીય સંત સમિતિના પ્રમુખ પ.પુ.શ્રી નૌતમ સ્વામિજી (શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ) ના વરદ હસ્તે શ્રી ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ ની વેબસાઇટ ખુલ્લી મુકવામાં આવી હતી.

ઉમરેઠ તાલુકાના ખાનકુવા ખાતે સાંસદ મિતેષભાઈ પટેલના ૫૬મા જન્મ દિવસ નિમિત્તે ૫૬ ઉજ્જવલા ગેસ જોડાણનું વિતરણ કરાયું.


ઉમરેઠ તાલુકાના ખાનકુવા ખાતે આણંદ જિલ્લા સાંસદ મિતેષભાઈ પટેલના ૫૬માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉમરેઠ પંથકના ૫૬ લાભાર્થીઓને  ખાનકૂવા ખાતે સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલના હસ્તે ગેસ જોડાણ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં આણંદ જિલ્લા સંસદ સભ્ય મિતેષભાઇ પટેલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન વડોદરા સેલ્સ એરીયા મેનેજર પવિત્ર શર્મા, જિલ્લા પ્રમુખ,  જિલ્લા પંચાયતના સભ્ય પીંકીબેન, ખાનકુવાના સરપંચ દિલીપભાઈ ઠાકોર તેમજ ઉમરેઠ એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી ગેસ ડિલર મુકેશભાઈ દોશી અને પરેશભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. મિતેષભાઈ પટેલે જણાવ્યું હતુ કે આજે તેઓના ૫૬માં જન્મ દિવસ નિમિત્તે ખાનકૂવા ખાતે ઉમરેઠ પંથકના ૫૬ લાભાર્થીઓને ગેસ જોડાણનું વિતરણ કરવામાં આવ્યું હતુ, આ ઉપરાંત ૫૬ છોડ-ક્યારા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉજ્જવલા ગેસ જોડાણ ને કારણે હવે મહિલાઓને કેરોસીનના ચુલ્હા થી છુટકારો મળશે અને તેઓ ધુમાળા થી થતી બિમારીઓ થી પણ બચી જશે આમ ઉજ્જવલા યોજના ધ્વારા હવે ગરીબોના રસોડામાં ક્રાંતિ આવશે. તેઓએ ઉમરેઠ પંથકમાં ઉજ્જવલા ગેસ જોડાણ શરળતા થી ઘરે ઘરે પહોંચાળવા કાર્યશીલ એમ.જિતેંદ્ર.શાહ એચ.પી.ગેસ સહીત સેલ્સ એરીયા મેનેજર પવિત્ર શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ખાનકુવા ના સરપંચ દિલિપસિંહ અને આજૂબાજૂના ગામના સરપંચોને સદર કાર્યમાં પ્રજાજનો ને મુશ્કેલી ના પડે તે માટે કાર્યરત રહેવા સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન વડોદરા સેલ્સ એરીયા મેનેજર પવિત્ર શર્માએ ઉપસ્થીત મહિલાઓ ને ગેસ સિલેન્ડર વપરાશ કરતા સમયે તકેદારી રાખવા માટે અનુરોધ કરી ગેસ સિલેન્ડર નો વપરાશ કરતા સમયે રાખવી પડતી સાવધાની અંગે સતર્ક કર્યા હતા. 

ઉમરેઠ – યુવા મોરચા દ્વારા વૄક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.


ઉમરેઠ તાલુકા – શહેર યુવા મોરચા દ્વારા પર્યાવરણ અંગે યુવાનોમાં જાગૄતિ લાવવા માટે વૄક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ યુવા મોરચાના પ્રમુખ આવૄત પટેલ તેમજ મહામંત્રી કૌટિલ્ય બાવાવાળાએ ઉપસ્થીત યુવા કાર્યકરોને પર્યાવરણ અંગે અન્ય યુવાનોમાં જાગૄતિ લાવવા જણાવવામાં આવ્યું હતુ. જન્મ દિવસ તેમજ અન્ય પ્રસંગ ની યાદગીરી અર્થે વૄક્ષ ઉછેરવા માટે સુચન કર્યું હતું. કાર્યક્રમમાં આણંદ જિલ્લા યુવા મોરચા ના પથિકભાઈ તેમજ તાલુકા પ્રમુખ વિમલ પટેલ, શહેર પ્રમુખ હર્ષ શહેરાવાળા ઉપસ્થીત રહ્યા હતા.

%d bloggers like this: