આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2016

મોર કુટીર રાસ લીલાનો અદભુત વિડીયો – (શ્રી ગુંસાઈજી જીવન ચરીત્ર લીલા) #UKYS


ઉમરેઠ ખડાયતા યુવા સગઠન દ્વારા ઉમરેઠ ગીરીરાજધામ ખાતે શ્રી ગુંસાઈજી જીવન ચરીત્ર લીલાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૮/૦૪/૨૦૧૬ થી શરુ થયેલ સદર દિવ્ય કાર્યક્રમ તા.૦૨/૦૫/૨૦૧૬ સુધી ચાલશે. શ્રી ગુંસાઈજી જીવન ચરિત્ર લીલાના બીજા દિવસે કલાકારો દ્વારા મોર કુટીર રાસ લીલા ભજવવામાં આવી હતી જેનો અદભુત વિડીયો આપ સમક્ષ રજૂ કરીએ  છે.  #UKVY (Video – Jalay Shah)

ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે વરાયા


sanjaylully

ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ મોહનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ પટેલ તાજેતરમાં પાલિકાની ચૂંટણી બાદ ભાજપ સાથે છેડો ફાડી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં લગભગ ૨૦૦ જેટલા કાર્યકારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ઉમરેઠમાં કોંગ્રેસ હાલમાં શૂન્ય અવસ્થામાં છે ત્યારે ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ પટેલે ઉમરેઠમાં કોંગ્રેસને બેઠી કરવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા કટીબદ્ઘતા દર્શાવી હતી. ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે સંજય પટેલની નિમણૂક થતા ઉમરેઠ શહેર કોંગ્રેસ કાર્યકરોએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ એમ.જી.વી.સી.એલ. કચેરી સામે જોખમી બનેલ ખૂલ્લી ગટર


ઉમરેઠ – ડાકોરનો પ્રગતિ પથ ખૂલ્લા ગટર બોક્સને કારણે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થશે

open_kash02

ઉમરેઠ એમ.જી.વી.સી.એલ. કચેરી સામે છેલ્લા કેટલાય સમયથી ગટર બોક્સના ઢાંકણા તૂટી ગયા હોવાને કારણે ગટર ખુલ્લી પડી રહેવા પામી છે. ખૂલ્લી ગટર વાહન ચાલકો માટે ભવિષ્યમાં યમદૂત સાબિત થાય તેવો સ્થાનિકો ભય વ્યક્ત કરી રહ્યા છે અને સ્થાનિક તંત્ર દ્વારા સદર ખૂલ્લા ગટર બોક્સ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાનો લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે.

ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ એમ.જી.વી.એલની કચેરી સામે ટાયર પંક્ચરની દુકાન સહિત રેસ્ટોરન્ટ અને મેડિકલ સ્ટોર તેમજ અન્ય દુકાનો આવેલ છે. આ દુકાનો પાસેથી મુખ્ય રોડને અડીને પસાર થતા ગટર બોક્સના ઢાંકણા છેલ્લા છ માસથી તૂટી ગયા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ કાંસને બંધ કરવા કોઈ પરિણાત્મક પગલા ભરાતા નથી. જેને પગલે આવનારા દિવસોમાં આ કાંસમાં કોઈ મોટુ વાહન પણ ફસાઈ જાય તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ આ ખુલ્લા ગટર બોક્સ ખાસ કરીને ડાકોરથી ઉમરેઠ તરફ આવતા વાહન ચાલકો માટે જોખમી છે, એમ.જી.વી.સી.એલ. કચેરી પાસે ભયજનક વળાંક છે. જ્યાં રોડને બિલકુલ અડીને આ ખુલ્લા ગટર બોક્સ છે જેથી સ્પીડમાં ડાકોરથી ઉમરેઠ તરફ આવતા વાહનો આ જોખમી કાંસનો કોળીયો બની જાય તો નવાઈ નહી. કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા સ્થાનિક તંત્ર જાગે તે પ્રવર્તમાન સમયની માંગ છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સંતરામ મંદિર સંચાલિત જનરલ હોસ્પિટલ, સહિત ખાનગી ક્લિનિક, મેડિકલ સ્ટોર્સ, હોટલ અને એમ.જી.વી.સી.એલની કચેરી આવેલ છે. આ ઉપરાંત ગેરેજ અને ટાયર પંક્ચર કરનાર પણ આ ગટર બોક્સ કાંસની નજીક આવેલા છે. જેથી આ વિસ્તારમાં અવરજવર વધારે રહે છે. સદર વિસ્તારની ગરીમાને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર આ કાંસને સત્વરે બંધ કરવા ઘટતું કરે તેવી લોકોમાં માંગ ઊઠી છે.

ઉમરેઠમાં બનતા બેટની ભાવનગર, કલકત્તા, પૂના અને મુંબઇ સુધીની સફળ સફર


રૂ. પ૦થી ર૦૦માં જુદી જુદી સાઇઝના બેટ સાથે રૂ.૧પ૦થી ર૦૦માં સ્ટમ્પની જોડીનું વેચાણ 

આઇપીએલ ક્રિકેટની સીઝન તાજેતરમાં પૂર્ણ થવા સાથે ચરોતરના નાના, મોટા શહેરોમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સાથે વેકેશન શરૂ થતાં જ પોળ, ગલીમાં પણ ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે. જેમાં ઉમરેઠમાં ગૃહઉદ્યોગ તરીકે તૈયાર કરાતા બેટની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, બંગાળ સુધીની સફર નોંધનીય છે. જો કે બેટ તૈયાર કરનાર કારીગરો પાંખા સાધનો અને સરકારી મદદ વિના બેટના વ્યવસાયને ટકાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાની વાસ્તવિકતા પણ જોવા મળે છે.

ઉમરેઠમાં પડીયા, પતરાળા, માટીના વાસણો, સાવરણી સહિતના નાના, મોટા ગૃહઉદ્યોગો ચાલી રહ્યા છે. ઉપરાંત મમરા, પૌંઆની ફેકટરીઓના કારણે પણ અનેક પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. જો કે વર્તમાન ટેકનોલોજીના યુગમાં અન્ય પ્રોડકટો સામેની સ્પર્ધામાં ટકી ન શકવાના કારણે અનેક રોજગાર બંધ થવાના આરે ટકી રહ્યા છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા આર્થિક મદદ, માળખાગત સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન હાથ ધરે તો ગૃહઉદ્યોગોમાં સંકળાયેલા અનેકો પરિવારોને આર્થિક ચિંતામાંથી મુકિત મળી શકે તેમ છે. ઉમરેઠમાં બેચરી ફાટક પાસે થોરી સમાજના ત્રણેક પરિવારો વર્ષોથી બેટ બનાવવાના ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા છે. કોઇપણ કામદાર વગર જાતે જ લાકડાંની ખરીદીથી માંડીને બેટ બનાવ્યા બાદ વેપારીને પહોંચાડવાની કામગીરી તેઓ જાતે, મેન્યુઅલી કરે છે. જો કે તેમાં તેમની કાર્યશકિત ઘટવાની સાથે ખર્ચની સામે પૂરતું વળતર ન મળતું હોવાની પણ સ્થિતિ અનુભવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા ગૃહઉદ્યોગ કે લધુઉદ્યોગને ફાળવાતી સહાય અંગે નિરક્ષર વ્યવસાયીઓ વંચિત હોવાની દુ:ખની વાત છે.

ઉમરેઠમાં બેટ બનાવવાના વ્યયસાય સાથે સંકળાયેલા વિક્રમભાઇ થોરીએ જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશનની સીઝનમાં તેઓ લગભગ ચાર હજારથી વધુ બેટ બનાવે છે. જેની ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં નિકાસ થાય છે. તેમાંયે ક્રિકેટ વર્લ્ડ કપ, આઇપીએલની મેચના માહોલ દરમ્યાન વધુ બેટની ખપત થાય છે. જો કે બેટ બનાવવામંા ઘરની મહિલાઓ સહિતના સભ્યો મદદરૂપ થાય છે. મજૂરોની મદદ લેવામાં આવે તો બેટનો પડતર ખર્ચ વધી જવાથી મળતર ઘટી જાય છે. તેઓ જુદી જુદી સાઇઝના રૂ.પ૦થી ર૦૦ની કિંમતના બેટ અને રૂ.૧પ૦થી ર૧૦ની કિંમતની સ્ટમ્પની જોડી તૈયાર કરે છે. ક્રિકેટ બેટ બનાવવામાં મહારથ હાંસલ કરનાર ઉમરેઠના થોરી પરિવારના બેટ ડાકોર, ભાવનગર, પૂના, કોલકતા અને છેક મુંબઇ સુધીની સફર કરે છે. જો કે વર્તમાન સમયમાં અન્ય ચીજોની જેમ લાકડાંને પણ મોંઘવારી નડી છે. આથી ઉંચા ભાવે લાકડુ ખરીદવું પડે છે. બીજી તરફ લાકડાનો કે તૈયાર બેટનો જથ્થો સંગ્રહ કરવા ગોડાઉન, દુકાન જેવી માળખાગત સુવિધાઓની અભાવ છે. આથી સીઝનમાં બેટ માટેના લાકડા સહિતની ખરીદી માટે વ્યાજે નાણાં લાવવા પડતા હોવાથી વેચાણ બાદ બે ટંકનો રોટલો જેટલું જ મળતર મળે છે.

નિરક્ષર થોરી સમાજ સરકારી યોજનાઓથી અજાણ

સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ સહિતની અનેક સરકારી યોજનાઓ લધુઉદ્યોગોને મજબૂત બનાવવા અમલી બનાવવામાં આવી છે. પરંતુ મોટાભાગના લઘુઉદ્યોગોમાં જોડાયેલા વ્યવસાયીઓ નિરક્ષર હોવાની વાસ્તવિકતા છે. ઉમરેઠમાં બેટ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા થોરી સમાજના વ્યવસાયીઓ પણ નિરક્ષર હોવાથી સરકારની યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. સ્વૈચ્છિક સંસ્થા કે સરકારના વિભાગ દ્વારા આવા લઘુઉદ્યોગકારોને માર્ગદર્શન, તેમનો ઉદ્યોગ આગળ ધપાવવા સરકારી સહાય સહિતનું માર્ગદર્શન આપવામાં આવે તો તેઓનું જીવનધોરણ ઉંચુ આવી શકે છે.

વધેલા લાકડાના વેસ્ટમાંથી બેસ્ટ

ક્રિકેટ બેટ બનાવવાના વ્યવસાયમાં દસ વર્ષથી જોડાયેલા થોરી સમાજના સભ્યોએ જણાવ્યું હતું કે, ક્રિકેટ બેટ બનાવ્યા બાદ લાકડાના વધતા ટુકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ટુકડાઓમાંથી પાટલી, પાટલા સહિત લાકડાની નાની નાની વસ્તુઓ બનાવવામાં આવે છે. જેથી લાકડાનો વ્યય ન થાય અને આવક મળી રહે. ઉપરાંત બેટને લીસ્સું બનાવવા સમયે પડતો લાકડાના વહેરનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ઉમરેઠમાં વ્હોરવાડ વિસ્તારની પ૦ વર્ષ જૂની પોસ્ટ ઓફિસને ખંભાતી તાળું લગાવાયું !


ડિજિટલ યુગની સાઇડ ઇફેકટ

ઇમેલ અને ઇન્ટરનેટના યુગમાં પોસ્ટ ઓફિસ ડચકાં ખાતી હાલતમાં મૂકાતા બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ

2post

પોસ્ટ વિભાગની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરવા માટે તેમજ પોસ્ટના એટીએમ કાર્યરત કરવા માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરાયું છે. ડિજિટલ યુગની ાઇફેકટ સામે ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી પચાસ વર્ષ જૂની પોસ્ટ ઓફિસને એકાએક બંધ કરી દેવામાં આવી છે. આજે સવારે આ પોસ્ટ ઓફિસ પર લગાવાયેલ નોટિસમાં જણાવાયું હતું કે, સદર પોસ્ટ ઓફિસ બંધ કરવામાં આવે છે અને પોસ્ટ ઓફિસના કામકાજ માટે ઓડ બજાર સ્થિત પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો.

વ્હોરવાડ વિસ્તારની આ પોસ્ટ ઓફિસ શહેરના મધ્યભાગમાં આવેલ હોવાથી મોટાભાગના વિસ્તારના રહિશો, વેપારીઓ વોકીંગ ડીસ્ટનસની આ પોસ્ટ ઓફિસનો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ પોસ્ટ ઓફિસ બંધ થવાના કારણે પોસ્ટકાર્ડ, અંતરદેર્શીય, મનીઅરડર સહિતની પોસ્ટ સેવાઓ માટે લોકોને ઓડ બજાર સુધીની દડમજલ ખેડવી પડશેનો ગણગણાટ ઉગ્ર બની રહ્યો છે.

પોસ્ટ વર્તુળોમાં ચર્ચાતું હતું કે આજના ઇમેઇલ, ઇન્ટરનેટના યુગમાં પોસ્ટ ઓફિસનો જૂજ ઉપયોગ થતો હોવાથી વર્કલોડ ખાસ્સો ઘટી ગયો હોવાથી પોસ્ટ ઓફિસને બંધ કરવા સિવાય તંત્ર પાસે કોઇ વિકલ્પ ન હતો. આ મામલે ઉમરેઠના વકીલ મુકેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઇ યુગમાં પોસ્ટઓફિસ ડચકાં ખાતી હોય તો તેને અપગ્રેડ કરવાનો વિકલ્પ તંત્ર પાસે છે. પોસ્ટ ઓફિસ બંધ કરીને તંત્ર શું સાબિત કરવા માંગે છે? હવે ઓડ બજાર સુધી જવા માટે સિનિયર સિટિઝનોને નાણાં અને સમયનો વ્યય થશે. જો કે ઉમરેઠના જાગૃતજનો દ્વારા વ્હોરવાડની પોસ્ટ ઓફિસને પુન: શરુ કરાવવા માટે રજૂઆતો હાથ ધરવા સાથે તંત્ર ન માને તો આંદોલન કરવા સુધીની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યાનુસાર ઓડ બજાર પોસ્ટ ઓફિસમાં કામનું ભારણ વધુ હોવા સાથે વારંવાર કનેકટીવીટીની સમસ્યા સર્જાય છે. આ સંજોગોમાં વ્હોરવાડની બંધ થયેલ પોસ્ટ ઓફિસનો કાર્યભાર પણ અહીંયા આવવાથી વધુ સમસ્યા સર્જાશે. જેથી પ્રજાજનોને વધુ હાડમારી વેઠવી પડશે તે નકકી છે. બીજી તરફ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા પોસ્ટ ઓફિસ શા માટે બંધ કરવામાં આવી તે અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પોસ્ટ ઓફિસના બારણે નોટિસ લગાવ્યા બાદ કચેરીના વિવિધ દસ્તાવેજો ઓડ બજાર પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ દ્વારા રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એકાએક પોસ્ટ ઓફિસ બંધ કરી દેવાના નિર્ણયને નગરજનોએ તઘલખી નિર્ણય ગણાવીને વિરોધનો સૂર વ્યકત કર્યો હતો.

ર્ડો.પ્રકાશ શાહ (બાયડ) રચિત ભજન સંગ્રહ – સંજીવની


O SHREENATH JI AAVJO TAME.. SHREENATH JI JAGMAGTA TARALA YAMUNA JAL MA KESAR YAMUNA JI MAHAPRABHU JI MANE PYARU LAGE SHREE JI TARU DHAM KISI NE MERA SHYAM DEKHA

Source: ર્ડો.પ્રકાશ શાહ (બાયડ) રચિત ભજન સંગ્રહ – સંજીવની

ઉમરેઠ ડાકોર માર્ગ પર અકસ્માત – એક ઘાયલ


accident

આજે સવારે ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ અંબિકા સોસાયટી પાસે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર ગંભીર રીતે ઘવાયો હતો જ્યારે બાઈક પર પાછળ બેઠેલ મહીલા અને નાની બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, ઘાયલોને સારવાર માટે ડાકોર ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાઈક નો નંબર જી.જે.૨૩.બીબી.૨૪૩૮ ની અમદાવાદ-દાહોદ ઈન્ટરસીટી બસ સાથે અથડાયું હતુ અને અકસ્માત સર્જાયો હતો.

ઉમરેઠમાં શહીદ મંગલ પાંડેને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ.


pandy

ઉમરેઠના કુબેર ભંડારી મહાદેવ ખાતે સિનિયર સિટીઝન ફોરમ તેમજ પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે શહીદ મંગલ પાંડેને બલીદાન દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મપ્રચારક ધર્મેન્દ્ર પાઠક, આણંદ જિલ્લા સદભાવના ટ્રસ્ટના પ્રમુખ કમલભાઈ પેઈન્ટર, ની ઉપસ્થિતિમાં શહીદ ચેતના સ્મૃતિ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્ર સંગ્રામ વીર શહીદોની માહિતી સભર કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન આઝાદી માટે શહીદોના બલીદાનનું મહત્વ ઉપસ્થિત ધર્મ ધુરંધરોએ યુવાનોને સમજાવ્યું હતું અને દેશની આઝાદી અંખંડ રાખવા યુવાનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કાંન્તિભાઈ પટેલ, નવઘણ શ્રીધપ,બટુકભાઈ શેલત,શૈલેષભાઈ કાછીયા,હર્ષદભાઈ દવે તેમજ મનુભાઈ કાલસરવાળા ખાસ ઉપસ્થીત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધી કમલભાઈ વ્યાસે કરી હતી

ઉમરેઠ વિશ્વ હિંદુ પરિષદના સંગઠનની રચના


  • ઓડ ચોકડી ખાતે વેલકમ બોર્ડનું અનાવરણ કરાયું.
ઉમરેઠ તાલુકા વિશ્વ હિંદુ પરિષદના સંગઠણની રચના તાજેતરમાં ઉમરેઠ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને યાદગીરી રૂપે શાલ તેમજ રામજીની છબી અર્પણ કરાઈ હતી. ઉમરેઠ તાલુકા વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ પદે ધનંજય શુક્લ તથા વિભાગ સંગઠન મંત્રી શ્રી લાલભાઈ કડીયા, જિલ્લા મંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ તથા ઉત્તર ગુજરાત બજરંગ દડ સહ સંયોજક શ્રી મુકેશભાઈ પટેલની પસંદગી કરાઈ હતી. ઉપસ્થીત સભ્યો અને કાર્યકરોને વિશ્વ હિંદુ પરિષદના આગામી કાર્યક્રમોની રૂપરેખા સમજાવવામાં આવી હતી. સૌ હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ મેળવી ઉમરેઠ નગરની ઓડ ચોકડી પાસે વિશ્વ હિંદુ પરિષદ વેલકમ બોર્ડનું અનાવરન કર્યું હતુ આ સમયે હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
%d bloggers like this: