આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2014

ઉમરેઠના બિસ્માર રસ્તાને કારણે રાહદારીઓ પરેશાન


  • વોર્ડ નં.૮ના મોચીવાડ વિસ્તાર સહીત ચોકસી બજારના રસ્તાની બિસ્માર હાલત.

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાઓને કારણે રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. નગરમાં ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો સહીત અન્ય રાહદારીઓ પોતાની દૈનિક અવર જવરમાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, ત્યારે ઉમરેઠમાં રસ્તાનોનું નવીનીકરણ નહી તો છેવટે કાર્પેટીંગ પણ થાય તેમ પ્રજાજનો માંગ કરી રહ્યા છે.

ખાસ કરીને નગરના મુખ્ય બજારોના માર્ગની અવદશા થઈ છે,વોર્ડ નં.૮ના ચોકસી બજાર થી મોચીવાડ સુધીના રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ છે. તેમાં પણ મોચીવાડમાં તો ઉમરેઠમાં ફરતા સાથે પાવગઢ ચઢતા હોત તેવો અહેસાસ થાય છે. મોચીવાડના બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકો સહીત આ વિસ્તાર માંથી અવર જવર કરતા નાગરિકો તેમજ દૂકાનદારો પણ હેરાન થઈ ગયા છે એક તરફ નગરમાં સાંકડા રસ્તા છે ત્યારે આ સાંકડા રસ્તા બિસ્માર બની જતા નગરજનો પડતા પર પાટુંનો અહેસાસ કરી રહ્યા છે.ત્યારે ઉમરેઠ નગરમાં વોર્ડ નં.૮ના મોચીવાડ સહીત અન્ય વિસ્તારોમાં પણ રસ્તાની હાલત તંદુરસ્ત કરવામાં આવે તેમ લોકમાંગ પ્રવર્તમાન ઉઠી છે.

નવા રસ્તા નહી તો,થીંગડા પણ ચાલશે – પ્રજાજનો

બિસ્માર રસ્તાથી કંટાળી ગયેલ પ્રજાજનો એટલી હદ સુધી ત્રસ્ત થઈ ગયા છે કે તેઓ નવા રસ્તા ના થાય તો નહી પણ પ્રવર્તમાન રસ્તા ઉપર થીંગડા મારીને પણ તંત્ર રાહદારીઓને રાહત બક્ષે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા મહીના અગાઊ જ ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં રસ્તા ઉપર થીંગડા મારવામાં આવ્યા હતા તો કેટલાક વિસ્તારમાં માર્ગ ઉપર કાર્પેટીંગ કરવામાં આવ્યું હતું.

ઉમરેઠમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી


ઉમરેઠ વલ્લભ પાર્ક યુવા ગૃપ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવાયો.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી હવે માત્ર સરકારી કચેરી કે શાળા પુરતી સીમીત નથી રહી. ઉમરેઠમાં વલ્લભપાર્ક સોસાયટીના રહીશો દ્વારા દેશ ભક્તિને પ્રગટ કરવા ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીના સૌથી મોટા વડીલશ્રી છત્રસિંહ ચૌહાણના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સોસાયટીના રહીશોએ ધ્વજને સલામી આપી હતી.

શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે ભારતમાતાનું પુજન કરાયું

 ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સહીત ભારતમાતાનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરના પ્રતિષ્ઠીત કોન્ટ્રાક્ટર જયંતિભાઈ મિસ્ત્રી દ્વારા ધ્વજવંદન તેમજ ભારત માતાનું પુજન કરવામાં આવ્યું હતું. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ધો.૧૦ અને ધો.૧૨ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગત તેમજ આચાર્ય રાજેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પ્રજાસત્તાક દિવસનો મહીમા સમજાવ્યો હતો, સમારોહને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સહીત સ્ટાફના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ નગરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.નગરની વિવિધ સરકારી કચેરી તેમજ શાળાઓમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જ્યુબિલી સ્કૂલમાં ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ભૃગરાજસિંહ ચૌહાણ તેમજ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રી વસાવા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નગરની સેન્ટ ઝેવિયર્સ, સરસ્વતી શીશુ વિદ્યાલય તેમજ એચ.એમ દવે હા.સ્કૂલમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. નગરપાલિકા તેમજ ન્યાય સંકુલ ખાતે પણ વકીલો તેમજ નગરપાલિકાના સભ્યો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ અને દેશ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પુનમ નિમિત્તે સાંકરવર્ષા


પોષી પૂનમે સંતરામ મંદિરમાં બોર-સાંકર વર્ષા કરી ભક્તોએ બાધા પૂરી કરી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે પોષી પુનમે શ્રી ગણેશદાજી મહારાજના સાંનિધ્યમાં સાંકર-બોર વર્ષા કરવામાં આવી હતી. સાંકર-બોર વર્ષા દરમ્યાન મોટી સંખ્યામાં સંત-મહંત તેમજ ઉમરેઠ સહીત આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે.

ભક્તો દ્વારા ઉછાળવામાં આવેલ બોર-સાંકર પ્રસાદ સ્વરૂપે ઉપસ્થિત અન્ય ભક્તો આરોગતા હોય છે. આ દિવસે મંદિરના મહંત દ્વારા વિશેષ પુજન પણ કરવામાં આવે છે અને મંદિર પરિસરમાંથી સાંકર-બોર વર્ષાની શરૂઆત કરવામાં આવે છે.આજે સાંકર વર્ષા દરમ્યાન શ્રી ગણેશદાસજી મહારાજ,શ્રી હરેકૃષ્ણદાસજી મહારાજ,સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉમરેઠમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી


સાંજના સમયે ડુક્કલ તેમજ આતીશબાજીથી ગગન રંગીન બન્યું.

IMG-20140114-WA0077ઉમરેઠ નગરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. પતંગ ચકાવવા માટે સવારના સમયે પ્રમાણસર અનુકુળ પવન રહેતા પતંગ રસીકોનો આનંદ છલકાયો હતો સવારે ૧૦ કલાક થી પવન રંગમાં આવતા વ્યવસ્થિત રીતે પતંગ ચકાવવાનો પતંગ રસીકોએ આનંદ લીધો હતો, થોડા થોડા સમયે પવનની ગતિ ઓછી થતા પતંગ રસીકોના આનંદમાં વિગ્ન આવતો હતો પરંતુ એકંદરે ઉત્તરાયણના દિવસે અનુકુળ પવન રહેતા ઉત્સાહભેર નગરજનોએ પતંગ ચકાવી આનંદ કર્યો હતો. એક તરફ યુવાધન ધાબા ઉપર ઉત્તરાયણની ઉજવણી કર્રી રહ્યું હતુ ત્યારે બીજી બાજૂ ઉમરેઠની વિવિધ પોળોમાં મહિલાઓ દ્વારા દાન-પુણ્ય કરવાની પરંપરા જાળવી હતી, ગરીબ લોકોને નગરની પોળોમાં ભોજન સહીત તલના લાળું, મમરા,ચીકી સહીત બિસ્કીટ અને અન્ય વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે અગાસીઓમાં પાર્ટીનો દોર શરૂ થઈ ગયો હતો. ધાબા ઉપર ડી.જે અને વિવિધ વાજા સાથે લોકો સજ્જ થઈ ડાન્સ તેમજ સંગીતનો આનંદ લીધો હતો અને અગાસી માંજ ધનુર્માસની ખિચડી, ઉધિયાનો આનંદ માન્યો હતો. બીજી બાજૂ સાંજે ગગનમાં ડુક્કલ છોડી તેમજ આતીશબાજી કરી ગગનને રંગીન બનાવી દીધું હતું. એકંદરે ઉમરેઠમાં આનંદ ઉત્સાહ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉમરેઠ પોલીસ કર્મી દ્વારા કબુતરનો જીવ બચાવાયો..!

પોલીસ કર્મીએ કબુતરનો જીવ બચાવ્યો.

પોલીસ કર્મીએ કબુતરનો જીવ બચાવ્યો.

પતંગ રસીકોની મજા પક્ષીઓ માટે સજા બની ગઈ હતી. ઉમરેઠના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કબુતરની પાંખને દોરીથી ઈજા પહોંચી હતી અને કબુતર રસ્તા ઉપર પડ્યું હતું,આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના દસરથભાઈ, મનુભાઈ અને રાકેશભાઈનું ધ્યાન જતા આ ઘાયલ કબુતરને ઉમરેઠના રસ્તા ઉપર થી લઈ તેની પાંખ ઉપર દવા ચોપડી કબુતરને તંદુરસ્ત કર્યું હતું અને ઉડવા લાયક બનાવી દીધું હતું. ઉમરેઠ પોલીસ સ્ટેશનના સદર જવાનોના આ ઉમદા કાર્યને ઉપસ્થિત લોકોએ વધાવ્યું હતુ અને તેઓની પ્રશંશા કરી હતી

ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારની સોસાયટીના રહીશો રાત્રી પહેરો કરવા મજબૂર..!


ઉમરેઠ નગરની બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રાત્રીના સમયે ચોરીના બનાવો બની રહ્યા છે જેને લઈ સદર વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે આ વિસ્તારના રહીશો ચોરીના ભયથી રાત્રી જાગરણ કરવા મજબુર બની ગયા છે. બીજી બાજૂ ઉમરેઠ પોલીસ દ્વારા નગરની વિવિધ સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર નાગરીકોને ચોરીથી બચવા માટે સતર્કતા દાખવવા સુચણો લખીને બોર્ડ લગાવી દીધા છે.

ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમાં દસ થી પંદર જેટલી સોસાયટીઓ આવેલી છે. આ તમામ સોસાયટીઓ ગામના છેડે હોવાથી તસ્કરો માટે સોફ્ટ ટારગેટ બની રહે છે. દર વર્ષે શિયાળાના સમયે જ તસ્કરોનો આતંક વધી જાય છે. બસ સ્ટેશનની દશ થી પંદર જેટલી સોસાયતીઓ પૈકી મોટાભાગની સોસાયટીઓ ખેતરો અને સુમસાન સીમ વિસ્તારો સાથે અડીને આવેલી છે જેથી તસ્કરોને ભાગવા માટે મોકળું મેદાન મળી જાય છે. નાગરિકોને ચોરી થી બચવા માટે પોલીસ તંત્ર દ્વારા સુચનો આપવામાં આવ્યા છે પરંતું સ્થાનિકો દ્વારા સોસાયટી વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

બસ સ્ટેશન વિસ્તારમાં જલારામ સોસાયટી, વલ્લભ નગર સોસાયટી, વલ્લભપાર્ક, પુરષોત્તમ નગર, ગજાનંદ સોસાયટી તેમજ પ્રણવપાર્ક સોસાયટીઓ આવેલી છે, આ ઉપરાંત બસ સ્ટેશન પાસે વિંઝોલ રોડ ઉપર પણ મદની સોસાયટી, સૈફુલ્લાનગર સહીત રહેઠાણ વિસ્તાર બનેલા છે. જેથી શિયાળા પુરતુ રાત્રીના સમયે આ વિસ્તારમાં ઉમરેઠ પોલીસ દ્વારા વધારે ને વધારે ચોકી પહેરો રાખવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

રાત્રી ઉજાગરા કરવા અમારી મજબુરી બની ગઈ છે – રાજુ દરજી

ઉમરેઠની વલ્લભ નગર સોસાયટીના રહીશ રાજૂભાઈ દરજીએ જણાવ્યું હતુ કે છેલ્લા મહીનાથી સોસાયટી વિસ્તારમાં ચોરીના ભયને કારણે તેઓ રાત્રીના ઉજાગરા કરવા મજબુર થઈ ગયા છે. સોસાયટીના યુવાનો દરોજ પાંચ-સાતના ગૃપમાં વારાફરથી રાત્રીના ૧૨ થી સવારે ૪ કલાક સુધી સોસાયતીમાં ચોકી પહેરો કરી ઉજાગરા કરે છે. તેઓએ જણાવ્યું કે અમારી આજૂ બાજૂની સોસાયતીઓમાં તો ચોરીના બનાવો પણ બન્યા છે જેથી અમે સતત ભયમાં છે.

પોલીસ સ્ટેશનમાં અપૂરતો સ્ટાફ..?

ઉમરેઠ – ઉમરેઠમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય પ્રમાણમાં ન જળવાવાનું મુખ્ય કારણ અપુરતો પોલીસ સ્ટાફ છે. ઉમરેઠ તેમજ તેની આજૂબાજૂના ૪૨ ગામડા ઉપર ચાંપતી નજર રાખવા પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ચોર અને અસામાજિક તત્વોને લીલા લ્હેર થઈ ગઈ છે. ઉમરેઠ ઓડ ચોકડી વિસ્તારમાં પોલીસ ચોકી બનાવી તૈયાર છે છતા પણ અપુરતા પોલીસ સ્ટાફને કારણે પોલીસ ચોકી ધૂળ ખાઈ રહી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે.


ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ સં.૨૦૭૦ પોષ સુદ-૧૨ને રવીવાર તા.૧૨.૧.૨૦૧૪ના રોજ આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી પુજ્ય ભગવતચરણ સ્વામીજીના સાનિદ્યમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે મહાપુજા, કથાવાર્તા અન્નકુટ દર્શન તેમજ સંત સમાગમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મહાપુજા સવારે ૮.૩૦ કલાકે તેમજ સત્સંગ સભા સવારે ૧૦ કલાકે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે, ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામના ધર્મપ્રેમિ સત્સંગીઓને આ અલૈકિક દર્શનનો તેમજ ધાર્મિક આયોજનોનો લાભ લેવા પૂ.યોગેશ સ્વામી તથા મંગલપ્રિય સ્વામીએ આજ્ઞા કરી છે.

ઉમરેઠની ભવન્સ સ્કૂલમાં પતંગ મહોત્સવની ઉજવણી


ઉમરેઠ ગાયત્રી મંદિર પાસે આવેલ ભવન્સ જૂનીયર સ્કૂલ ખાતે પતંગ મહોત્સવન ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પટાંગણમાં પતંગો ચકાવવામાં આવ હતી શાળાના વહીવટી તંત્ર દ્વારા શાળાના પટાંગણ માંજ અગાસીનો માહોલ બનાવવમાં આવ્યો હતો, મ્યુઝિક સીસ્ટમ સાથે સજ્જ થઈ ભૂલકાઓ દ્વારા પતંગ ચકાવવામાં આવી હતી અને ઉત્તરાયણને અનુકૂલ નાસ્તા સાથે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વિવિધ તહેવારની વિશેષતા અને મહત્વ સમજ આવે તે હેતુ થી શાળા દ્વારા વિવિધ તહેવારને અનુરૂપ શાળામાં વાતાવરણ બનાવવામાં આવે છે. શાળાના શિક્ષકો તેમજ સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે પતંગ મહોત્સવનો આનંદ લેવામાં આવ્યો હતો. વાલીઓ દ્વારા શાળા દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિની પ્રશંશા કરી હતી.

જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના વચનામૃતનો ભક્તોએ લાભ લીધો.


 હવે , ઉમરેઠ ગામ નહી પરંતું ધામ બની ગયું છે,

ડાકોર દર્શને આવતા ભક્તો પણ ઉમરેઠ ગીરીરાજજીના દર્શને આવશે.

ઉમરેઠ નગરમાં આકાર પામેલ ગીરીરાજધામમાં મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કુનવારાનો લાભ ભક્તોએ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભજન કિર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના વચનામૃતનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો, તેઓએ ઉમરેઠને છોટાકાશી તરીકે સંબોધતા જણાવ્યું હતુ કે ઉમરેઠ નગરમાં ગીરીરાજજીનું નિર્માણ કરવાનું તેઓનું ૬ વર્ષ જૂનું સપનું આજે પૂર્ણ થયું છે આ માટે સાથ સહકાર આપનાર તમામ વૈષ્ણવોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો, તેઓએ ઉમેર્યું હતુ કે, આજે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને યુવાધન દ્વારા જે ઉત્સાહ અને ઉમંગથી આ પ્રસંગ પાર પાડવા જહેમત ઉઠાવી તે પ્રશંશાને પાત્ર છે, આવનારી પેઢી ધર્મ પ્રત્યે સકારાત્મક વલણ દાખવે છે તે જાણી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે, મારા પછી લાલજીને પણ પુષ્ટીમાર્ગના પ્રાસાર માટે આજ રીતે સહકાર મળશે તેનો તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ઉમરેઠમાં ૬ વર્ષ પહેલા ગીરીરાજધામ બનાવવાનું મારું સપનું ઉમરેઠ સહીત સંપર્દાયના લોકો દ્વારા સાકાર થયું છે તે સમયે મેં ચંદબાવાને ઉમરેઠમાં પધરાવવા માટે વચન આપ્યું હતુ તેના અનુસંધાનમાં આવનાર ફેબ્રુઆરી માસમાં ઉમરૅઠમાં ચંદબાવાની પધરામની કરવાની ખાતરી આપી હતી અને ચંદબાવાને આવકારવા માટે નગરની ધર્મપ્રેમી જનતાને આહ્વાન કર્યું હતું. ઉમરેઠ હવે ગામ નથી પણ ધામ બની ગયું છે તેમ કહેતા જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)એ હર્ષભેર જણાવ્યું હતુ કે, ડાકોર આવતા વૈષ્ણવો હવે અચુક ઉમરેઠ ગીરીરાજધામના દર્શને આવશે અને ઉમરૅઠ ખરા અર્થમાં હવે છોટાકાશી તરીકે સાર્થક બનશે.

%d bloggers like this: