આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: umreth nagarpalika sanjay patel

ઉમરેઠ પાલિકાના પ્રમુખ સહીત તેમના ટેકેદારો ભાજપમાં લીલા તોરણે પાછા લેવાયા..!


  • સંજય પટેલે પોતાના ટેકેદારો સાથે મળી અપક્ષના સહકારથી પ્રમુખ પદ મેળવ્યું હતું,ત્યારે ભાજપે નીચું જોવાનો વારો આવ્યો હતો.

કહેવાય છે રાજકારણમાં કશું ક્યારે પણ કાયમ માટે નથી હોતું,આજે કટ્ટર દુશ્મન ગણાતા લોકો આવતી કાલે ખાસ મિત્રો પણ બની જાય છે અને આજે ખાસ મિત્રો કહેવાતા લોકો કાલે કટ્ટર દુશ્મન પણ બની જતા હોય છે. તેમા પણ ચુંટણીના સમયે રાજકારણમાં પલ્ટી મારવાના કિસ્સા વધી જતા હોય છે. ઉમરેઠ નગરમાં પણ લોકસભાની ચુંટણીને અનુલક્ષી ભાજપે કડવો ઘુંટળો પી જઈ ભૂતકાળમાં પક્ષ ઉપર થઈ નગરપાલિકાનું પ્રમુખ પદ આંચકીલેનાર સંજયભાઈ પટેલ સહીત તેમના આઠ જેટલા ટેકેદારો અને કાર્યકરો સાથે ભાજપમાં પૂનઃપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. રમણલાલ વોરા, લાલસિંહ વડોદિયા સહીતના ભાજપના અગ્રણીઓએ સંજયભાઈ પટેલ સહીત તેઓના ટેકેદારોને ભાજપનો કેસરીયો પહેરાવી પક્ષમાં તેઓને આવકાર આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નગરપાલિકામાં વિષ્ણુભાઈ પટેલની પ્રમુખ પદ માટેની ટર્મ પૂર્ણ થતા ભાજપ દ્વારા પ્રમુખ માટે અરવિંદભાઈ પટેલનું નામ મુકવામાં આવ્યું હતુ ત્યારે સંજપ પટેલ દ્વારા પોતાના ભાજપના ટેકેદારો અને અપક્ષના ટેકાથી પ્રમુખ પદ આંચકી લીધુ હતુ, આ સમયે ઉમરેઠ શહેર ભાજપ દ્વારા તેઓ વિરૂધ્ધ કાર્યવાહી પણ શરૂ કરી પક્ષ માંથી બરતરફ કરવા સુધીના પગલા પણ લેવામાં આવ્યા હતા આ અંગે હજૂ નક્કર ચુકાદો પણ આવ્યો નથી ત્યારે લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ઉમરેઠ શહેરમાં ભાજપના વોટ ન બગડે તે માટે સંજય પટેલ (પ્રમુખ ઉ.ન.પાલીકા) સહીત તેઓના ટેકેદારોને ભાજપમાં પૂનઃ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉમરેઠમાં ચર્ચાઈ રહ્યું છે કે, આમ તો ભાજપમાં બળવો કરનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને પક્ષ દ્વારા કોઈ દાદ આપવામાં આવતી નથી અને આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ઉમરેઠ નગરમાં વાજતે ગાજતે પા.પ્રમુખ સંજયભાઈ પટેલને ભાજપમાં પૂનઃ પ્રવેશ આપવામાં આવતા પક્ષની નબળી કાર્યવાહી તેમજ તકવાદી નિર્ણયને લઈ નગરમાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે. આખરે ઉમરેઠ પાલિકાના પ્રમુખનો એક્કો જ સાજો ઠર્યો તેમ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના અગ્રણી નેતાઓએ તેમ પણ કહ્યું હતુ કે પ્રમુખ સંજય પટેલ વિરૂધ્ધ થયેલ કાર્યવાહીનો સકારાત્મક ઉકેલ પણ લાવવામાં આવશે.

રાજકિય સમિકરણો બદલાશે..!

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલને જ્યારે ભાજપ માંથી દુર કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે પ્રમુખ સંજય પટેલનો ઝુકાવ એન.સી.પી તરફ થઈ ગયો હતો. કહેનારા તો તેમ પણ કહેતા હતા જતા દિવસે પાલિકાને એન.સી.પી પણ ઓવર ટેક કરી દેશે. પરંતુ અચાનક ભાજપના મોવડી મંડળ દ્વારા માસ્ટર સ્ટ્રોક મારતા આખરે હવે ઉમરેઠ શહેરમાં ભાજપનું વરચસ્વ જ રહેશે તેમ રાજકિય તજજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે.

ઓલ ઈઝ વેલ – સુજલ શાહ – શહેર ભાજપ પ્રમુખ

ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહએ જણાવ્યું હતું કે, ઉમરેઠ શહેર ભાજપ હવે મજબુત થઈ ગયું છે અને શહેર ભાજપમાં બધુ જ ઓલ ઈઝ વેલ છે. તમામ નેતા અને કાર્યકરો આણંદ લોકસભા બેઠક જીતવા મહેનત કરી રહ્યા છે, લોકસભાની બેઠક જીતવાનો તેમનો પ્રાથમિક ધ્યેય છે.

શોશિયલ વેબસાઈટ પર નગરજનોના પ્રતિભાવ

  •  ઉમરેઠનું રાજકારણ સેલ્ફીશ થઈ ગયું છે. – પ્રદિપ પટેલ
  •  ઉમરેઠના તકવાદી રાજકારણને કારણે વિકાસ થતો નથી – હેમંત પટેલ
  •  પાલ્ટી બદલું પોલીટીક્સ ઉમરેઠમાં સામાન્ય થઈ ગયું છે. – કલ્પીન વ્યાસ
  •  નગર પાલિકાના સભ્યો પક્ષ પલ્ટુ છે – મિતેષ શાહ
%d bloggers like this: