આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2016

અનુભવ


હસી હસી વાતો કરતા
અને પાછળ થી ખરાબ બોલતા
એવા લોકો બહુ જોયા છે.

સારા દિવસોમાં સાથ આપતા
જરૂર પડે ત્યારે બહાનાં પણ બનાવતા
એવા લોકો બહુ જોયા છે.

મળતા સારી રીતે વર્તે
પરંતુ , મનમાં કળવાશ રાખીને ફરે
એવા લોકો બહુ જોયા છે.

મારી વાતો તમને, તમારી વાતો મને કહેતા
વાત વાતમાં વાતો જાણતા
એવા લોકો બહુ જોયા છે.

સાચી શીખ કો’ક જ આપે
આપણા દુઃખમાં લોકોને હસતા
એવા લોકો બહુ જોયા છે.

જરૂર પડે સામે આવતા
કામ વગર સામે પણ ન આવતા
એવા લોકો બહુ જોયા છે.

માગ્યા વગર સહકાર આપતા
સાથે સાચી સમજ આપતા
એવા લોકો પણ બહુ જોયા છે.

બાહ્ય ખુશ પર વિશ્વાસ ન કરતા
અંતર મન ને સમજતા
એવા લોકો પણ બહુ જોયા છે.

મને મારા કરતા વધારે ઓળખતા
અમુકવાર મને ઈનોસન્ટ કહેતા
એવા લોકો પણ બહુ જોયા છે.

બીજલ શાહ – ઉમરેઠ

ઉમરેઠની સરકારી સ્કૂલની વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન ની મુલાકાત કરી


FB_IMG_1482559096090.jpg

ઉમરેઠ ઓડબજાર કન્યા શાળાની ૧૦૦થી વધુ દિકરીઓ એ ઉમરેઠ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.જેમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની  માહિતી આપવામાં આવી હતી.તેમજ પોલીસના હથીયારો વિશે પણ બાળકોને જરૂરી માહીતી આપવામાં આવી હતી. પી.એસ.આઈ એ.જે ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશનની દૈનિક કાર્યશૈલી અંગે બાળકોને સમજ આપી હતી.

ઉમરેઠ સ્ટેટ બેંકમાં ચીલ ઝડપનો પ્રયાસ કરનાર ગઠીયો ઝડપાયો.


બે ગઠીયાઓ ભાગવામાં સફળ, સી.સી.ટી.વી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી.

નોટબંધી બાદ તમામ બેંકમાં ભીડ રહેતી હોવાને કારણે ગઠીયાઓને ચીલ ઝડપ કરવા મોકળું મેદાન મળી ગયું છે. પરંતુ કેટલીકવાર ગઠીયાઓ ના નાપાક ઈરાદા પુરા થતા નથી અને તેઓ પોલીસના હાથે લાગી જતા હોય છે. ઉમરેઠમાં પણ આજે બપોરના સમયે એક ગઠીયો ગ્રાહકના ખિસ્સા માંથી મોટી રકમ સેરવી લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જે આબાદ ઝડપાઈ જતા બેંક અધિકારીઓ દ્વારા તેને પોલીસના હવાલે કરી દીધો હતો.

cctv03_aaropi.jpgવધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠની સ્ટેટ બેંકમાં એક ઈસમ પોતાના પૈસા બેંકમાં જમા કરાવવા આવ્યો હતો જે બેંકના ટેબલ પર સ્લીપ ભરવાના કામમાં વ્યસ્ત હોવા થી એક હિંદીભાષી ગઠીયો તેઓના ખીસ્સા માંથી પૈસા કાઢવાની કોશીશ કરતા જેતે વ્યક્તિ અચાનક સજાગ થઈ જતા આ ગઠીયા સાથે રકઝક કરી હતી જેને કારણે બેંક અધિકારી તરત સક્રીય થઈ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા આ ગઠીયાની અસામાન્ય ગતિવિધિ જણાઈ હતી. જેથી બેંક અધિકારીઓ દ્વારા આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરવામાં આવતા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અજયસિંહ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ ગઠીયાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઉમરેઠ પોલીસે સી.સી.ટી.વી ફુટેજના આધારે આ ગઠીયોએ આ પહેલા ચીલ ઝડપના કામને અંજામ આપ્યો છે કે નહી તેમજ અન્ય પાસાની તલસ્પર્સી તપાસ આરંભી છે.

બે ગઠીયા આબાદ છટકી ગયા…!

ઉમરેઠ સ્ટેટ બેંકમાં ચીલ ઝડપ કરતા હિંદી ભાષી યુવક ઝડપાઈ જતા તેની સાથે આવેલા અન્ય બે ઈસમો પરિસ્થીતીનો તાગ મેળવી પલભરમાં બેંક માંથી પલાયન થઈ ગયા હતા. હવે ઉમરેઠ પોલીસ આ બંન્ને ગઠીયાને સી.સી.ટી.વી ફુટેજના આધારે શોધવા પ્રયત્નો કરી રહી હોવાનું જાણવા મળે છે.

ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી.


પ્રભાતફેરી અને શોભાયાત્રાના ભવ્ય આયોજનનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
gusaiji06.jpg
ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ એટલે કે જલેબી મહોત્સવની ઉજવણી રાજુભાઈ નટવરલાલ લાખિયાના યજમાન પદે ભારે ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ નિમિત્તે સવારે ૫.૩૦ કલાકે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવો ઉત્સાહભેર જોડાયા હતા. પ્રફાતફેરી શારદા બંગ્લેઝ સોસાયટી ખાતે થી નિકળી નગર વિહાર કરી વૈષ્ણવ મંદિર પહોંચી હતી જ્યાં ભક્તો દર્શન કરી છુટા પડ્યા હતા. બપોરે ૨.૩૦ કલાકે યજમાન રાજૂભાઈ લાખિયાના નિવાસ સ્થાને થી શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ઉમરેઠમાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજના સમયે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવ મંદિરો સહીત નગરના શ્રી ગીરીરાજધામ ખાતે ભક્તોનો ઘસારો રહેવા પામ્યો હતો. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ઉમરેઠ દ્વારા શોભાયાત્રાનું વડાબજાર વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ અને શ્રી ગુંસાઈજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી.

ડાકોર પુલ્હાશ્રમ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન.


guddiતાજેતરમાં  ડાકોર પુલ્હાશ્રમ સ્કૂલ ખાતે  શિયાળું રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  રમોતોત્સવમાં વિજેયતા વિધાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. લીંબુ ચમચો હરિફાઈમાં આશ્વી ગાંધી, વૈદેહી પંજાબી અને આન્વી પટેલ વિજેયતા જાહેર કરાયા હતા અને તેઓને પ્રોત્સાહીત કરવમાં આવ્યા હતા આ સમયે તેઓના વાલી સહીત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વાલીગણ તરફ થી પણ શાળાના આચાર્ય સહીત શિક્ષકોનો સુંદર રમતોત્સવના આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

ઉમરેઠ ગાભાવાળા પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો


ghabhawala

ઉમરેઠ ગાભાવાળા પરિવારનો સ્નેહ મિલન સમારોહ તાજેતરમાં એકડીયાની વાડે ખાતે યોજાયો હતો. સદર સમારોહમાં ગાભાવાળા પરિવારના ઉમરેઠ સહીત બહારગામના સભ્યો પણ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી. સદર સમારોહમાં દેવેન્દ્રભાઈ ચોકસી, જશુભાઈ ગાભાવાળા, કિરીટભાઈ ચોકસએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. સ્વાગત પ્રવચન ભાવેશભાઈ ચોકસીએ કર્યું હતું. જ્ઞાતિના અગ્રણી અને સ્નેહ મિલન સમારોહના પ્રણેતા જશુભાઈ ગાભાવાળાએ ગાભાવાળા પરિવારની ગૌરવગાથા નું વર્ણન કર્યું હતું. ગાભાવાળા પરિવારના સભ્યો માંથી ૩૫ વર્ષનું લગ્ન જીવન પૂર્ણ કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ જ્ઞાતિના વડિલ ચંન્દ્રકાન્તભાઈ ચોકસી તેમજ અન્ય મુરબ્બીઓએ જ્ઞાતિના ઉત્થાન તેમજ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મનોરંજન માટે મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા સહીત બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને તેઓને પ્રોત્સાહીત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પરાગભાઈ ચોકસી, નયનભાઈ ગાભાવાળા,જયંતભાઈ ચોકસી, નિલેશભાઈ શાહ, અલ્કેશભાઈ શાહએ ભારે જહેમત ઉઠાવી હતી. પરિવારના સભ્યોએ સદર સમારોહના આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને નિરંતર આવા કાર્યક્રમ યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠમાં આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ અંગે સેમિનાર યોજાયો.


– સસ્તા અનાજ ની દૂકાનો,પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના સંચાલકોને એ.ઈ.પી.એસ સિસ્ટમ થી માહીતગાર કરાયા

zala05

નોટબંધી અમલમાં આવ્યા પછી સામાન્ય લોકોને રોજિંદા વપરાશની વસ્તુઓ ખરીદવામાં કોઈ અગવડ ન પડે તે માટે સરકાર દ્વારા કેશલેશ પેમેન્ટ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોને રોજિંદી જરૂર પડતી વસ્તુઓ જેવી કે, પેટ્રોલ, અનાજ અને રાંધણ ગેસ ની ખરીદી માટે ગ્રાહકો ને તકલીફ ન પડે તેથી સસ્તા અનાજની દૂકાનો,પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીમાં પી.ઓ.એસ મશીન તેમજ એ.ઈ.પી.એસ એટલે કે આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ થી પેમેન્ટ લેવા ની શરૂઆત કરવાની પહેલ કરવામાં આવી રહી છે. એ.ઈ.પી.એસ થી વહેપારીઓ ગ્રાહક પાસે થી પેમેન્ટ મેળવી શકે તે માટે તેઓને માર્ગદર્શન આપવા માટે જિલ્લા પુરવઠા વિભાગ તરફ થી ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ ખાતે સેમિનારનું આયોજન જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા પુરવઠા વિભાગ માંથી અશોકભાઈ પરમાર, મેહૂલભાઈ તેમજ ઉમરેઠ તાલુકા પુરવઠા મામલતદાર નીનામાભાઈ ઉપસ્થીત રહ્યા હતા. સદર સેમિનારની શરૂઆતમાં જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાએ વહેપારીઓને કેશલેશ પેમેન્ટ થી ગ્રાહકો અને વહેપારીઓને થતા ફાયદાની વિસ્તૃત છનાવટ સાથે સમજ આપી હતી અને એ.ઈ.પી.એસ થી ગ્રાહક કેશલેશ પેમેન્ટ કરી શકે તે માટે આ મશીન પોતાની ઓફિસ કે દૂકાનમાં લગાવવા માટે વહેપારીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

zala04એ.ઈ.પી.એસ એટલેકે આધાર અનેબલ પેમેન્ટ સીસસ્ટમ કેવી રીતે કામ કરે છે તે અંગે વિશેષજ્ઞ દ્વારા ઉપસ્થીત દુકાનદારો વહેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ગ્રાહક દૂકાનમાં વસ્તુ ખરીદવા જાય ત્યારે પોતાના અંગુંઠાની છાપ એ.ઈ.પી.એસ મશીન પર zala03પાડી સરળતા થી પેમેન્ટ કરી શકે છે, એ.ઈ.પી.એસ દ્વારા કરેલ પેમેન્ટ અંગે તુરંત ગ્રાહક અને વહેપારીને એસ.એમ.એસ થી જાણ પણ કરવામાં આવે છે અને ટ્રાન્જેક્શન કરેલા નાણા રીયલ ટાઈમ માં જે તે ખાતામાં જમા ઉધાર પણ થઈ જાય છે. વધુમાં જિલ્લા પુરવઠા વિભાગના અશોકભાઈ પરમારે એ.ઈ.પી.એસ સીસ્ટમ અંગે ઉપસ્થીત વહેપારોને વિશેષ સમજ આપી હતી તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં કેટલાક લોકો પી.ઓ.એસ મશીન તેમજ ઈ-વોલેટ સુવિધા પોતાની ઓફિસ કે દૂકાનમા વાપરતા થયા છે પણ તેમાં વહેપારી કે ગ્રાહક પાસે થી છુપા ચાર્જ વસુલ કરવામાં આવે છે પરંતું એ.ઈ.પી.એસ એક તેવી સીસ્ટમ છે કે તેનો કોઈ છુપો ખર્ચ નથી માત્ર વહેપારી નિયત કરેલ ભાડા થી આ મશીન વસાવી શકે છે અને કેશલેશ ટ્રાન્જેક્શન કરી શકે છે. એ.ઈ.પી.એસ મશીનના ફાયદા અંગે તેઓએ ઉમેર્યું હતુ કે એ.ઈ.પી.એસ મશીન માઈક્રો એ.ટી.એમ તરીકે પણ કામ કરે છે જેથી પોતાની દુકાન પર આવેલા કોઈ ગ્રાહક ને પૈસા ની જરૂર હોય તો તેને એ.ટી.એમ સુધી લાંબા થવું પડતુ નથી ગ્રાહક ને આવી સેવા આપવા બદલ તેઓને પ્રોત્સાહન સ્વરૂપે અમુક કમીશન પણ આપવામાં આવી રહ્યું છે. એકંદરે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પોતાના વિભાગ અંતર્ગત આવતા વહેપારી એકમોમાં એ.ઈ.પી.એસ દ્વારા પેમેન્ટ સ્વીકારવા ની સેવા કાર્યરત કરવા વહેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતુ અને તેઓને આ સિસ્ટમ શરૂ કરવા માટે જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા. સેમિનારના અંતમાં ઉપસ્થીત વહેપારીઓને ઉદભવેલા વિવિધ પ્રશ્નોનું વિશેષજ્ઞો દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતુ ત્યારે વહેપારીઓ દ્વારા એ.ઈ.પી.એ થી પેમેન્ટ લેવાની શરૂઆત કરવા સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો

સમગ્ર વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવોને પુષ્ટીમાર્ગ સાથે સક્રીયતા થી સાંકળવાનું લક્ષ – પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય


વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની શાખાઓના હોદ્દેદારોનીની બેઠક યોજાઈ.
VYO01.jpg

નડિયાદ પાસે પામ ગ્રીન ક્લબ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ની ગુજરાત સહીત મહારાષ્ટ્ર ની વિવિધ શાખાના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા અને પોતાની શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ ધાર્મિક અને સેવાકિય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. બેઠકની શરૂઆત મંગલાચરણ થી છાયાબેન (મુંબઈ)એ કરી હતી ત્યાર બાદ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના ટ્રસ્ટી અશોકભાઈએ આવકાર પ્રવચન કર્યું હતુ અને સૌ વી.વાય.ઓ ના સભ્યોને શાબ્દિક આવકાર આપ્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. વી.વાય.ઓ છેલ્લા નવ વર્ષ થી સમાજ ની સેવા અને પુષ્ટીમાર્ગના પ્રચાર માટે કાર્યરત છે ત્યારે સદર સંસ્થાના વિશેષ ઢાંચા ની રૂપરેખા વી.વાય.ઓ ની મુખ્ય શાખાના મુખ્ય અધિકારી સચીનભાઈ શેઠે વિગતવાર રજૂ કરી હતી અને તે મુજબ જ તમામ વી.વાય.ઓ શાખાના હોદ્દેદારોને કાર્યો કરવા માટે સમજ આપી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે, વી.વાય.ઓ ની વિવિધ શાખામાં સકારાત્મક સ્પર્ધા થાય અને સારા કામ કરવા માટે વિવિધ શાખાના સભ્યોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુ થી વી.વાય.ઓ ની વિવિધ શાખા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓના તેઓને પોઈન્ટ આપવામાં આવશે તેમજ જે શાખાના પોઈન્ટ વધારે હશે તેઓને એવોર્ડ પણ એનાયત થશે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા એજ્યુકેશન કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેની વિગતવાર માહીતી યુ.કે થી વિશેષ બેઠકમાં ઉપસ્થીત જયભાઈ(લવભાઈ) અને તેજલબેનેએ આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે વિવિધ કોર્ષ કરવા માટે નિયત અભ્યાસક્રમ હોય છે તેવીજ રીતે પુષ્ટીમાર્ગ નું જ્ઞાન વિદ્યાર્થીઓને વ્યવસ્થીત રીતે પ્રાપ્ત થાય તે માટે વી.વાય.ઓ.ઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બાળકોને પુષ્ટીમાર્ગ પાયા થી શિખવવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતુ કે વી.વાય.ઓની તમામ શાખા દ્વારા પોતાના ગામ-શહેરમાં આ કાર્યક્રમ શરૂ કરવો જોઈયે જેના થી ધર્મ અને સંપ્રદાયનો પ્રચર થશે અને વિદ્યાર્થીઓ પાયા થી અલૌકિક જ્ઞાનનો લાહ્વો મેળવી શકશે. આ કાર્યક્રમ શરૂ કરવા માટે તમામ શાખાના હોદ્દેદારોને જે પણ માહીતી કે મદદ ની જરૂર હોય તે તેઓએ પુરી પાડવા જણાવ્યુ હતુ સાથે જણાવ્યું હતુ કે, કે વિદેશમાં પણ આ કાર્યક્રમ અમલમાં મુકાઈ ગયો છે અને તેઓન લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે અને આ કારણ થી હાલમાં કેટલાય વિદેશમાં વસતા ભારતીયો પુષ્ટીમાર્ગ તરફ વળ્યા છે. વી.વાય.ઓ ઈન્ટરનેશનલ ના ચેરમેન રમેશભાઈ રાખોલીયા યુ.એસ.એ થી વિશેષ સદર બેઠકમાં ઉપસ્થીત રહ્યા હતા અને હાલમાં વી.વાય.ઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રભુ પધરામની પ્રોજેક્ટ થી વી.વાય.ઓના હોદ્દેદારોને અવગત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે વી.વાય.ઓ ની વિવિધ શાખા દ્વારા પ્રભુ પધરામણી કાર્યક્રમ રાખવો જોઈયે આ પ્રોજેક્ટ અંતર્ગત વૈષ્ણવને ત્યાં વી.વાય.ઓ મુખ્ય શાખા માંથી પ્રાપ્ત થયેલ ઠાકોરજીની પધરામણી પોતાના ઘરે કરવાની હોય છે અને પાઠ પુજા કરવાના હોય છે. તેઓએ યુ.એસ.એ માં પણ પ્રભુ પધરામણી કાર્યક્રમણ કેવી રીતે થાય છે તેની વિશેષ સમજ આપી હતી. સમગ્ર સભાનું સંચાલન સચીનભાઈ શેઠ તેમજ દક્ષેસભાઈ શાહ (પામ ગ્રીન ક્લબ)એ કર્યું હતું. આભાર વિધિ શર્માજીએ કરી હતી.

શ્રી કૃષ્ણ સંસ્કાર પ્રોજેક્ટ વૈષ્ણવ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન બનશે –  પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય
vyo5

વી.વાય.ઓ ના હોદ્દેદારોની બેઠકમાં શ્રી પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને તમામ શાખાના હોદ્દેદારો સાથે તેઓની શાખા દ્વારા કરવામાં આવતા કાર્ય ની રૂપરેખાની માહીતી મેળવી હતી આ સમયે તેઓએ આશિર્વચન પાઠવતા જણાવ્યું હતુ કે હાલમાં વૈષ્ણવો તેમાં પણ ખાસ કરીને યુવાનોને પુષ્ટીમાર્ગ તરફ વાળવાનો તેમનો પ્રયાસ છે સાથે સમગ્ર વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવો પણ સક્રીયતા થી પુષ્ટીમાર્ગ તરફ વળે તે માટે તેઓની સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે, તેઓએ ઉમેયું હતુ કે રાજકોટ પાસે શ્રી કૃષ્ણ સંસ્કાર પ્રોજેક્ટ આકાર પામશે જેમાં વૈષ્ણવો પોતાના બાળકો ને પુષ્ટીમાર્ગનું જ્ઞાન મેળવવા મોકલી શકશે આ ઉપરાંત મનોરંજન સહીત અન્ય એકમો દ્વારા પુષ્ટીમાર્ગનો પ્રચાર થશે અને વૈષ્ણવો માટે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્ડ કેન્દ્ર સ્થાન બઈ રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

vyo

અવસાન નોંધ – સ્મશાનયાત્રા


ખડાયતા જ્ઞાતિના અગ્રણ નવીનભાઈ સુત્તરીયાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા તા.૨૧.૧૨.૨૦૧૬ને બુધવારના રોજ સવારે ૯ કલાકે આરોગ્યધામ ડાકોર ખાતે થી નિકળશે. #અવસાનનોંધ #સ્મશાનયાત્રા #ખડાયતા