આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2011

ઉમરેઠમાં પૂ.મોરારીબાપુની દિવ્ય વાણીમાં રામકથાનો આરંભ


શ્રી સંતરામ મંદિર, ઉમરેઠના સાર્ધ શતાબ્દી મહોત્સવ તથા ૧પ૧ માં વાર્ષિકોત્સવ પ્રસંગે ઉમરેઠના સંતરામ ધામ ખાતે આજે ભક્તિભેર પૂ.મોરારીબાપુની વાણીમાં કથાનો આરંભ થયો હતો. આ પ્રસંગે પોથીયાત્રા શ્રી સંતરામ મંદિર ખાતેથી નિકળી હતી જે વારાહીચકલા થી સંતરામધામ ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ સહીત બહારગામથી પધારેલા સંત-મહંત અને ઉમરેઠ અને આજુબાજુના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમયે નગરમાં અનેરૂં ભક્તિસભર વાતાવરણ જામ્યું હતું.

સંતરામધામ ખાતે યોજાયેલ ઉદ્ગાટન સમારોહમાં દેવપ્રસાદજી મહારાજ, પ્રકાશમુની મહારાજ,નવરામજી મહારાજ,પંચમપીઠાધીશ પ.પૂ.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈ),સંસદ સભ્ય હરીનભાઈ પાઠક તેમજ સંતરામ મંદિરની વિવિધ શાખાના સંત મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતરામ મંદિર ઉમરૅઠના ગણેશદાસજી મહારાજએ આશિર્વચન તેમજ આવકાર કરતા જણાવ્યું હતું કે, ઉમરૅઠની ભૂમિ ઉપર આજે સંત મહંતોના ચરણ પડ્યા છે અને સંતશ્રી પૂ.મોરારીબાપુની દિવ્ય વાણીમાં ઉમરેઠ તેમજ આજૂબાજૂના ધર્મપ્રિય ભક્તો ભક્તિભેર કથાનો લાભ લઈ ધન્યતા અનુભવશે તેમાં કોઈ બે મત નથી કથાના મુખ્ય યજમાન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા)નો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે કથાના આયોજનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરીતે સાથ સહકાર આપનાર સર્વેનું તેઓએ ઋણ સ્વિકાર્યું હતું. કથાનો આરંભ દિપ પ્રાગ્યટ્ય કરી કરવામાં આવ્યો હતો. દિપ પ્રાગટ્ય ઉપસ્થિત સંત-મહંતો તેમજ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, પરમાનંદભાઈ પટેલ(સૂર્ય પરિવાર),ઓડ, ઉમરેઠના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, દેવાંગભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

પૂ.મોરારીબાપૂએ પોતાની દિવ્ય વાણીની શરૂઆત સાથે જણાવ્યું હતું કે શ્રી રામકથાના ચાર ઘાટ છે, દરેક ઘાટનો પોતાનો દિવ્ય પ્રકાશ છે. રામકથાના મહીમાનો તેઓએ ઉપસ્થિ ભક્તોને સાર જણાવ્યો હતો સાથે સાથે હળવામૂળમાં જણાવ્યું હતુ કે, તેઓને સંત કે પૂજ્ય કહીને સંબોધ્યા વગર સામાન્ય માણસ તરીકે તેમને બોલાવવામાં આવે તો સારું, તેઓએ જણાવ્યું હતુ હું પણ સામાન્ય માણ છુ જેમ બીજા લોકો નાનાથી મોટા થયા છે તેમ તેઓ તેજ રીતે મોટા થયા છે.

ઉમરેઠના કોહિનુર બેન્ડથી પૂ.મોરારીબાપુ પ્રભાવિત થયા હતા ઉદ્ઘાટન સમારોહમાં ઉમરેઠના કોહીનુર બેન્ડના પરફોમન્સથી પ્રભાવિત થઈ પૂ.મોરારીબાપુએ બેન્ડના સભ્યોને સ્ટેજ ઉપર આવી પોતાની કલા બતાવવા આમંત્રણ આપ્યું હતું અને બેન્ડના સંચાલક રફીકભાઈનું શાલ ઓઢાળી સન્માન કર્યું હતું.

પૂ.મોરારીબાપુએ ડાકોર રણછોડજીના દર્શન કર્યા

ઉમરેઠ- ઉમરેઠ સંતરામધામ ખાતે કથા પ્રારંભ પૂર્વે સવારના સમયે પૂ.મોરારીબાપુ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા હતા. આ સમયે મંદિર પરિસરમાં પૂ.મોરારીબાપુની ઝાંખી કરવા ભક્તોએ રીતસર પડાપડી કરી હતી. મંદિરમાં શ્રી રાજારણછોડના દર્શન કરી મંદિર પરિસરમાં સંતશ્રી પૂ.મોરારીબાપુની ઝાંખી કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ક્વિઝ – ઉમરેઠવાસીઓ ઓળખી બતાવેતો ખરા..!


નીચે બતાવેલ ફોટો ઉમરેઠના કયા વિસ્તારનો છે તે ઓળખીબતાવો તો ખરા..

સાચા જવાબ આપનાર વાંચકોના નામ તા.૩.૧.૨૦૧૧ના રોજ બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. 

ઓડ ખાતે શ્રીનાથજી ચરિત્રામૃત કથાની પૂર્ણાહૂતિ


શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું યુવા વૈષ્ણવચાર્ય પ.પુ વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વક્તા પદે સુંદર આયોજન કરવામાં  આવ્યું હતું. જેનો લાભ ઉમરેઠ ઓડ, સાવલી સહિતના વૈષ્ણવોએ લીધો હતો. કથાની પૂર્ણાહૂતિ બાદ વૈષ્ણવચાર્ય શ્રી પ.પુ વ્રજરાજકુમારજી મહોદયશ્રી ઉમરેઠ ખાતે વૈષ્ણવ મંદિરમાં પધાર્યા હતા તેમજ નગરના વૈષ્ણવોને ત્યાં પણ પધરામણી કરી તેઓને આશિર્વચન આપ્યા હતા. હાલમાં વૈષ્ણવચાર્ય શ્રી પ.પુ વ્રજરાજકુમારજી મહોદયશ્રીની કથા પીજ ખાતે ચાલી રહી છે અને વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા છે.

આખા વર્ષની નવા-જૂની એટલે ફ્લેશબેક-૨૦૧૧ “આપણું ઉમરેઠ”


જાન્યુઆરી-૨૦૧૧

  •  જાન્યુઆરી-૨૦૧૧ ઉમરેઠના નગરજનો માટે કપરૂં સાબિત થયું હતું. વર્ષના પ્રારંભે નગરપાલિકા કંપાઊન્ડમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઈપ લાઈન તુટી ગઈ હતી. જેને કારણે જળસંકટ થઈ ગયું હતું. લગભગ ચાર-પાંચ દિવસ સુધી લોકોને પાણી પૂરવઠો મળ્યો ન હતો. આ સમયે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં પાણીની ટેન્કરો મોકલી પાણી પૂરવઠો પુરો કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી-૨૦૧૧

  •  પોલીસ,પત્રકાર અને બુટલેગર વચ્ચે અજીબો ગરીબ બનાવ બન્યો હતો. એક પત્રકારે પોતાના સાપ્તાહિકમાં પોલીસ અને બુટલેગરની ભાઈબંધી વીશે લખી નાખતા બુટલેગર સાહેબ ઉશ્કેરાયા હતા અને પોલીસ સ્ટેશન માંજ પત્રકારની ધોલાઈ કરી હતી. આ મુદ્દો ધારાસભ્યએ વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો.
  •  ખરાબ રસ્તાથી ઉમરેઠના લોકોને શાંતિ થઈ હતી. ફેબ્રુઆરી-૨૦૧૧માં સમગ્ર ઉમરેઠમાં નવ રસ્તા બનાવવામાં આવ્યા હતા.
  • નગરના બોરડી ફળીયા વિસ્તારમાં એક ઘર બનતું હતુ ત્યારે ખોદકામ કરતા સમયે જૂના બાંધકામના અવશેશો મળી આવ્યા હતા. ત્યાં કોઈ જૂની વાવ કે તળાવ પહેલાના સમયે હશે તેવું અનુમાન છે.
  • નવા ચીફ ઓફિસરે ટેક્ષ બાકીદારો સામે લાલ આંખ કરી બાકી પડતા ટેક્ષની ધરખમ ઉઘરાણી કરી નગરપાલિકાની તિછોરી છલકાવી દીધી હતી. સાથે સાથે નગરના ખાટકી વાડ વિસ્તારના લોકોએ પોતાને મળતી માળખાગત સુવિધાને લઈ અસંતોષ વ્યક્ત કરી તેઓને જ્યાં સુધી ગટર,પાણી અને સ્ટ્રીટલાઈટ જેવી સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્ષ ન ભરવા સ્પટ જણાવી દીધું હતું.
  •  ઉમરેઠના જાંબાઝ યુવાનોએ ગૌ-માસ ભરેલી ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરી પોલીસને જાણ કરી આ ટ્રક પકડી પાડી હતી.

માર્ચ -૨૦૧૧

  •  ઉમરેઠ બસ સ્ટેશન પાસે દબાણમાં આવતી પોલીસ ચોકી નગરપાલિકા તંત્રએ તોડી પાડી હતી. સરકારી મકાન સરકારી તંત્રએ દબાણમાં આવવાને કારણે તોડી પાડવામાં આવ્યું હોય તેવો આ માત્ર જૂજ કિસ્સો હતો.
  •  ઉમરેઠ નગરપાલિકાની બોર્ડની બેઠકમાં હંગામો થતા બેઠક બંધ રહી હતી જ્યારે બજેટ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
  •  નગરમાં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

એપ્રિલ-૨૦૧૧

  •  ઉમરેઠ ભગવાન વગા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું
  •  મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવની નગરમાં ઉજવણી તેજમ મેલડી માતાજીનો જવારા પ્રસંગ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
  •  જાગનાથ ભાગોળ વિસ્તારમાં તળાવ માંથી અચાનક હજારો ની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળતા ચકચાર વ્યાપી ગયો હતો.

મે-૨૦૧૧

  •  ઉમરેઠના માજી.ધારાસભ્ય કુસુમબેન હરિહરભાઈ ખંભોળજાનું ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયું હતું
  •  ઉમરેઠ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ ઉજવાયો.

જૂન-૨૦૧૧

  •  ઓડ બજાર ખાતે દાબેલી ખાવા ઉભેલા એક વ્યક્તિ પાસેથી દોઢ લાખ રૂપિયા ભરેલી બેગ કોઈ ઉઠાવી ગયું.
  •  રોટરી ક્લબ દ્વારા આણંદ ખાતે વોઈસ ઓફ ચરોતર સ્પર્ધા યોજાઈ જેમાં રાજા હસન અને કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
  •  ઉમરેઠમાં શ્રી રવિશંકર મહારાજ આંખના મોબાઈલ દવાખાનાનો આરંભ
  •  ઉમરૅઠના ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી.
  •  બાબા રામદેવના સમર્થનમાં ઉમરેઠ ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો.
  •  ઉમરેઠ પાસેના અરડી ખાતે કૃષિ મહોત્સવ સમાપન સમારોહ દરમ્યાન વાવાઝોડાનો કહેર…!

જૂલાઈ-૨૦૧૧

  • રાજ્ય સરકાર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને જનતા સમક્ષ રજૂ કરવા માટે ઉમરૅઠ તાલુકા કોગ્રેસ દ્વારા ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયાની આગેવાની હેઠળ “પોલ ખોલ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
  • ઉમરેઠ લાલદરવાજા પીક-અપ સ્ટેન્ડ પર બસ ન ઉભી રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા..! અને આણંદ-નડિયાદની બસ નિયમિત પીક-અપ બસ સ્ટેશન ઉભી રાખવા માંગ કરી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.
  • ઉમરેઠ રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો, પ્રમુખ પદે પરાગભાઈ ચોકસી અને મંત્રી પદે વિનોદભાઈ પ્રજાપતિની વરણી.
  • ઉમરેઠના ઈન્ડિયન પેટ્રોલ પંપની ઓફિસમાં આગ – મોટી દુર્ગટના ટળી પેટ્રોલ પંપના કેશિયરનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું.
  • ઉમરેઠમાં ઐતીહાસિક અષાઢી તોલાઈ – ઘઊં અને તલનો પાક સારો થવાનો વરતારો આવ્યો હતો.
  • ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે ગૂરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી, ભક્તો પૂ.ગણેશદાસજીના આર્શિર્વાદ મેળવી ધન્ય થયા.
  • ઉમરેઠ લાયન્સ કલબનો પદગ્રહણ સમારોહ યોજાયો, પ્રમુખ પદે રમેશભાઇ એમ.કાછીયા, મંત્રી તરીકે સુભાષભાઇ ભાવસારની વરણી કરવામાં આવી.
  • ઉમરેઠ નાસિકવાળા હોલ નવારુપ રંગમાં રંગાયો.

ઓગષ્ટ-૨૦૧૧

  •  ઉમરેઠમાં વારંવાર ચોરીના બનાવો , બે પોલીસ કર્મીઓ સસપેન્ડ કરાયા – પોલીસે સધન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
  •  ઉમરેઠમાં એક કાર્યક્રમમાં કોગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડીયાએ ભાગ લીધો અને કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા.
  •  ઉમરેઠમાં એકજ કોમના બે જૂથ વચ્ચે અથડામણ – પોલીસની જીપ ઉપર પત્થર ફેંકાયા..!
  • ઉમરેઠના ચોકસીઓ થઈ ગયા સાવધાન – પોલીસ ભરોસે રહેવા કરતા ખાનગી સિક્યુરીટીના સહારે…! ચોકસી બજારના વહેપારીઓ દ્વારા સ્વયંમ બજારમાં રાત્રી ઉજાગરા.
  • ઉમરૅઠ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના વિરોધમાં ઉમરૅઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના સભ્યોએ પાલિકા કંપાઊન્ડમાં ધરણા – ઉપવાસ આંદોલન છેડ્યું હતું.
  • UIDAI યોજના અંતર્ગત “આધાર” પ્રોજેક્ટના આઈ.ડી.કાર્ડની કામગીરી ઉમરૅઠમાં શરૂ.
  • ઉમરેઠમાં સ્વતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી
  • ઉમરેઠ નગરપાલિકા દ્વારા વોર્ડનં.૮ના રહીશો માટે મફત મેડીકલ કેમ્પ યોજાયો.
  • ઉમરેઠ બાર એશોશીયેશનના પ્રમુખ પદે રશ્મીકાન્તભાઈ શાહ તેમજ ઉપ પ્રમુખ પદે શેખભાઈ વકીલ ની વરણી કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર-૨૦૧૧

  •  ગણેશ ચતુર્થી બાદ ઉમરૅઠમાં ભક્તિભેર ગણેશજીની શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવ્યું
  •  શ્રી ગૃપ દ્વારા ઉમરેઠમાં નવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણી, ઉમરેઠમાં યુવાધન હિંલોઢે ચઢ્યું , નાસિકવાળા ખાતે ખેલૈયાના ધામા..! ઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
  • ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ૧૮મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો,મુંબઈના જ્યોતિબેન રમેશભાઈ શાહ,વૈશાલીબેન શાહ (અમદાવાદ),પારૂલબેન શાહ તથા પ્રેરણાબેન શાહ(વડોદરા)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જે પણ જ્ઞાતિજને લગ્નજીવનમાં ૪૫ વર્ષ થયાં હોય તેવાં કપલનું તથા ૭૦ વર્ષ પૂરાં થયાં હોય તેવાં વડીલોનાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ઓક્ટોમ્બર-૨૦૧૧

  •  ઉમરેઠમાં દિવાળી પર્વ ધુમધામથી ઉજવાયું.
  •  ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સસ્પેન્ડ કરાયા અને ઉમરેઠ તાલુકા પંચાયતનો ક્લાર્ક લાંચ લેતા પકડાયો.
  •  ઉમરેઠમાં વારાહિ માતાનો હવન યોજાયો.

નવેમ્બર-૨૦૧૧

  •  ઉમરેઠના માર્કેટયાર્ડની દૂકાન માંથી પોણા બે લાખની ચીલ ઝડપ, દૂકાનના ગલ્લા માંથી ૧.૭૫ લાખની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર.
  •  “આપણું ઉમરેઠ” બ્લોગ ઉપર ૫૦,૦૦૦ હીટ પૂર્ણ થઈ.
  • ઉમરેઠમાં ભાજપનો ગરીબ કલ્યાન મેળો તેમજ કોગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. કોગ્રેસના સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ભરતભાઈ સોલંકી (સંસદ સભ્ય, ઉમરેઠ મત વિસ્તાર) ઉપસ્થિત રહ્યા.
  • ઉમરેઠના કુંજ કીશોરી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી, યજમાન પદે નિમેષ ઝવેરી ઉપસ્થિત રહ્યા.
  • ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી. મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું.

ડિસેમ્બર – ૨૦૧૧

  • ઉમરેઠ બ્રહ્મકુમારી-ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું.
  • ઉમરેઠમાં દર રવીવારે બી.એસ.એન.એલ મોબાઈલ ઠપ્પ થઈ જતા ગ્રાહકો પરેશાન.
  • ઉમરેઠ ઓડ માર્ગ ઉપરનો ઓવરબ્રીજ શરૂ થતા વાહન ચાલકોમાં રાહતની લાગણી
  • ઉમરેઠના વોર્ડ નં.૮ની સોસાયટી વિસ્તારના મુખ્યમાર્ગ ઉપર અપુરતી સ્ટ્રીટ લાઈટથી સ્થાનિકો પરેશાન..!
  • ઉમરેઠ ઓડ માર્ગ ઉપર સાત વર્ષથી ચાલતું ઓવર બ્રીજનું કામ પૂર્ણ થતા આખરે ઓવર બ્રીજ ઉપરથી વાહન વ્યવહાર શરૂ થતા લોકોમાં આનંદ.

રવીવારે વાંચવાનું ભુલશો નહી…


ટુંકીને ટચ આખા વર્ષની નવાજૂની તા.૨૫.૧૨.૨૦૧૧ને રવીવારના રોજ “આપણું ઉમરેઠ” બ્લોગમાં “ફ્લેશબેક-૨૦૧૧” પ્રસિધ્ધ થશે. તો આખાવર્ષની ચહેલ પહેલ ઉપર માત્ર પાંચ મિનિટમાં નજર મારવા વાંચતા રહેજો “આપણું ઉમરેઠ”

ઉમરેઠના ઓડ બજારમાં જોખમી વીજપોલ..!


ઉમરેઠ એમ.જી.વી.સી.એલના વાંકે ઉમરેઠના પ્રજાજનો વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ પંકજ ચવાણાના ખાંચા સામે એક વીજ પોલ છેલ્લા કેટલાય સમયથી પડું પડું હાલતમાં હોવા છતા સ્થાનિક તંત્ર આ વીજ પોલ દૂર કરી નવો વીજ પોલ બેસાડવામાં આળશ દાખવી રહ્યું છે. આ વિસ્તારમાં દૂકાનો સહીત રહેણાંક વિસ્તાર અને મસ્જીદ આવેલ છે જેથી દિવસભર અહિયા અવર જવર વધારે છે. ત્યારે આ વીજ પોલ ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામાં હોવાને કારણે આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ સતત ભયમાં રહેતા હોય છે. ઉમરેઠ એમ.જી.વી.સી.એલ દ્વારા ઓડ બજારના આ જોખમી વીજ પોલને સત્વરે તંદુરસ્ત કરવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તમાન બની છે. (તસ્વીર – પિનાક આર્ટ)

આણંદ ખેડા જિલ્લામાં એચ.પી.ગેસ દ્વારા ૨૪ કલાક બુકિંગ સેવા શરૂ કરાઈ


આણંદ-ખેડા જિલ્લાના સેલ્સ એરીયા મેનેજર કેતન કાર્નિકએ જણાવ્યું હતુ કે ગ્રાહકોને વારંવાર ટેલિફોનથી રીફિલ નોંધની કરાવવામાં મુશ્કેલીઓ આવતી હોવાથી એચ.પી.સી.એલ દ્વારા ગ્રાહકો ૨૪ કલાક બુકિંગ કરાવી શકે તે હેતું થી આ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી રીફિલ બુકિંગ કરાવવા માટે ગ્રાહકે ૯૮૨૪૪ ૨૩૪૫૬ નંબર ડાયલ કરવાનો રહેશે ત્યાર બાદ (૧) નંબર ડાયલ કરી ગુજરાતી ભાષાનો વિકલ્પ પસંદ કરી સ્થાનિક એચ.પી.ગેસ ડિલરનો ફોન નંબર એસ.ટી.ડી કોડ વગર ડાયલ કરવાનો રહેશે ત્યાર બાદ સામે થી જેતે ગેસ ડિલરનું નામ બોલવામાં આવશે ત્યાર બાદ ગ્રાહકે પોતાનો ગ્રાહક નંબર ડાયલ કરવાનો રહેશે આ નંબર સિસ્ટમ ફરી બોલી બતાવશે ત્યાર બાદ કંફરમેશન માટે ૧ અને પછી બુકિંગ માટે ફરી ૧ નંબર ડાયલ કરવાથી ગેસ રીફિલ બુકીંગ થઈ શકશે અને ગ્રાહકને તેઓનો વેઈટીંગ નંબર પણ મળી જશે.

આ સેવાથી એચ.પી.ગેસના ગ્રાહકોમાં આનંદની લાગણી છે. વારંવાર ગેસ ઓફિસમાં ફોન કરવાથી ગેસ ઓફિસના ફોન એંગેજ મળતા હોય છે કે નો રીપ્લાય આવે છે ત્યારે આ સમસ્યાનું નિવારણ એચ.પી.સી.એલ દ્વારા આઈ.વી.આર.એસ પધ્ધતિથી શોધી કાઢતા ગેસ ગ્રાહકોએ આ પગલું આવકાર્યું છે. હાલમાં આ સેવા આણંદ,નડિયાદ,વડોદરા સહીત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે ત્યાર બાદ સમગ્ર દેશમાં આ સેવાથી એચ.પી.સી.એલ ગ્રાહકોને આકર્ષે તેમા કોઈ બે મત નથી

ઉમરેઠની નવાજૂની


  • ઉમરેઠ તાલુકા  ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત ચુંટણીને કારણે ગરમાવો આવી ગયો છે. થામણા પંચાયત દર વખતની જેમ સમરસ થશે અને સરપંચ ચંન્દ્રકાન્તભાઈ મુખી જ નક્કી..!
  • પંચાયતની ચુંટણીની મતગણતરી તા.૩૧.૧૨.૨૦૧૧ના રોજ છે, પરંતું આજ દિવસે ઉમરેઠમાં મોરારીબાપુની કથા શરૂ થવાની હોવાને કારણે મત ગણતરી ઓડ ખાતે કરવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે રજૂઆત કરી છે.
  • પૂ.મોરારી બાપુની કથાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરનું વહિવટી તંત્ર તેમજ સ્વયંમ સેવકો ખડે પગે કથાની તૈયારીમાં લાગી ગયા છે. અત્રે ખાસ ઉલેખનિય છે કે કથા દરમ્યાન દરોજ્જ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્ર્મોનું પણ સંતરામ મંદિર દ્વારા આયોજન છે.
  • ઉમરેઠમાં આ વર્ષે પણ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.૧૬.૧.૨૦૧૨થી કરવામાં આવશે. આ વર્ષે ટુર્નામેન્ટનું આયોજન ઉમરેઠના શ્રી જય અંબે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
  • શિયાળાને ધ્યાનમાં રાખી સવારે વોકર્સનો ઘસારો નગરના પીસ-પાર્કમાં થઈ જાય છે. કેટલાક લોકો મોર્નિગ વોક માટે બેચરી માર્ગ તરફ પણ જતા હોય છે. પરંતું હાલમાં ઉમરેઠ બ્રહ્મકુમારી દ્વારા સંચાલિત પીસ પાર્ક લોકોમાં લોકપ્રિય બની ગયું છે.
  • ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઓવરબ્રીજ ખુલ્લો મુકાઈ ગયો પછી સોસાયટી વિસ્તારના લોકોને ખાસ રાહત થઈ છે. ભારે વાહનોનો ટ્રાફિક હવે બિલકુલ સોસાયટી વિસ્તારમાં થતો નથી. પણ ઓવર બ્રીજ ઉપર લાઈટ વ્યવસ્થા બિલકૂલ નથી પણ ચાલશે કારણ કે, સાત વર્ષે ઓવર બ્રીજ બન્યો છે તો લાઈટ વગર પણ ચલાવો જ પડે..!
  • ઉત્તરાયણને આડે હવે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરના બજારો રંગબેરંગી પતંગો થી સજ્જ થઈ ગયા છે. મહેરબાની કરી આ વર્ષે ચાયનિઝ દોરા ખરીદશો નહી.
  • ફુલગુલાબી ઠંડીને કારણે આળશ બધા ઉપર હાવી થઈ જ ગઈ હશે. કાશ દરોજ રવીવાર હોત તો.. કેટલું સારું…! તમારી તમે જાણો પણ મને તો ખરેખર આળશ આવે છે હું આટલું જ લખી વિરામ કરૂં છું , તમે નવરા હોય તો બ્લોગ વાંચતા જ રહેજો…આવજો.

ઉમરેઠના જ્યોતિષનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું.


સંહિતા અને જ્યોતિષ વિષયનું ઊંડું અધ્યન કરી જ્યોતિષ રત્નની પદવી પ્રાપ્ત કરી ઉમરેઠનું નામ રોશન કરનાર ઋગ્વેદીય પંડીત જગદીશભાઈ બી.શુક્લનું જ્યોતિષ ક્ષેત્રે પોતાના અનન્ય જ્ઞાન બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતૂ. ઉમરેઠના બાહોશ જ્યોતિષ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા વડતાલની શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પુરોહિત જગદીશચંન્દ્ર બી શુક્લએ પરંપરાગત રીતે અન્ય ૨૦ જેટલા વિદ્યાર્થીઓને જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન આપવામાં આવેલ છે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે પણ કોઈ મંદિર બનાવવામાં આવે છે ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા સહિત જિર્ણોદ્ધાર વિધિ પણ જગદીશભાઈની દીશા દોરવણી હેઠળ જ કરવામાં આવે છે.

તેઓ જ્યોતિષ સહીત શાસ્ત્રોમાં પણ અનેરૂં જ્ઞાન ધરાવે છે અને તેનો દેશ વિદેશમાં બહોળો પ્રચાર થાય તેવા હંમેશા કાર્યો કરતા રહે છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, જગદીશભાઈ શુક્લને વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા જ્યોતિષરત્ન, જ્યોતિષમણી,જ્યોતિષ સરસ્વતી, જ્યોતિષ રક્ષક, જ્યોતિષ રસીક, દૈવજ્ઞ દિવાકર, જ્યોતિષ સમ્રાટ, અને ઉમરેઠ રત્ન જેવા એવોર્ડ અને સન્માન પણ પ્રાપ્ત થયેલ છે. મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માનીત થયા બાદ જગદીશભાઈ શુક્લએ સમગ્ર ઉમરૅઠ પંથકનું ગૌરવ વધારેલ છે.

UIDAI કાર્ડ


UIDAI કાર્ડ માટે છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠ બજાર સમિતિના મેડા ઉપર ફોટા પાડવાનું કામ ચાલી રહ્યું છે. થોડા સમય માટે આ કામ લીંગડા અને થામણા ખાતે ખસેડાયું હતું. હવે શરૂઆતમાં જે લોકોએ ફોટા પડાવ્યા હતા તેઓના કાર્ડ પોસ્ટમાં ઘરે આવવા લાગ્યા છે. આજે આ કાર્ડ જોયું પણ કાંઈ ખાસ કાર્ડમાં લાગ્યું નથી. કાર્ડની ક્વોલેટી એકદમ ખરાબ છે, ખિસ્સામાં કાર્ડ છુટુ મુકવાથી વળી પણ જાય…! UIDAI કાર્ડને લઈ જે આશા હતી તે ઠગારી નિવડી તેમ કહીયે તો ખોટું નહી.

બાજરીની ખીચડી


બાજરીની ખીચડી

તમે બાજરીના રોટલા, ઢેબરાં અને મૂઠીયાં તો ખાધા હશે, પણ શું બાજરીની ખીચડી ખાધી છે..? ખાવાની વાત તો દૂર કેટલાય લોકો તેવા હશે જેમને બાજરી ની ખીચડી જોઈ પણ નહી હોય..! બાજરીની ખીચડીને કેટલાક લોકો “ઠોઠું” તરીકે પણ ઓળખે છે. ખાસ કરીને ચરોતર વિસ્તારમાં શિયાળાના સમયે બાજરીની ખીચડી સ્વાદ રસીકો વધુ પ્રમાણમાં ખાતા હોય છે, તેમા પણ ઉમરેઠના લોકોતો બાજરી ની ખીચડી ઉપર ફીદા જ હોય છે. શિયાળાના સમયમાં ઉમરેઠની વિવિધ પોળો અને ફળીયામાં સમૂહમાં બાજરીની ખીચડી બનાવી લોકો મિજબાની પણ કરે છે. બાજરીની ખીચડી રીંગણનું શાક અને કઢી સાથે ખાવાની ખૂબ મઝા આવે છે અને તેમા પણ પાપડ અને તલનું તેલ જોડે હોય તો કહેવાનું જ શું…!

બેસણું


મુંબઈથી નવનીતલાલ કે.પરીખના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે ,

મારા ધર્મ પત્નિ જયાબેન પરીખનું તા.૧૦.૧૨.૨૦૧૧ના રોજ અવસાન થયેલ છે.

સ્વ.જયાબેન નવનીતલાલ પરીખ

સદ્ગતનું બેસણું

તા.૨૨.૧૨.૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ કલાક સુધી રાખેલ છે.

સ્થળ 

નાસિકવાળા હોલ , માર્કેટ યાર્ડ સામે – ઉમરેઠ

લિ.

નવનીતલાલ કે. પરીખ   મો.૦૯૮૬૭૦ ૨૩૫૧૪
યોગેશ એન.પરીખ           મો.૦૯૮૨૧૦ ૯૫૯૯૬
અનિલ એન પરીખ           મો.૦૯૮૨૦૨ ૪૦૫૯૧

 ઈ-મેલ – navneetparikh@hotmail.com

પરીખ પરીવાર – સ્મરણાંજલિકા કેસેટવાળા

મુંબઈ, વીલે પાર્લા (ઈસ્ટ)

ઉમરેઠ પોસ્ટ ઓફિસ બહાર જોખમી ખાડાથી રાહદારીઓ પરેશાન


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ મોટી પોસ્ટ ઓફિસ બહાર જોખમી ખાડાને કારણે રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. આ ખાડાને કારણે પોસ્ટ ઓફિસમાં પોતાના કામ માટે આવતા ગ્રાહકો સહિત પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા છે. કેટલાક વૃધ્ધોતો સાંજના સમયે આ રસ્તેથી પસાર થતા ખાડાને કારણે પડી ગયા હોવાના પણ ભૂતકાળમાં બનાવ બન્યો હતો.

વધુમાં ઉમરેઠની પોસ્ટ ઓફિસ બહાર પોસ્ટ ઓફિસના આંગણા માંજ એક ગટર આવેલ છે જેમાં કેટલાય સમય થી ઢાંકનું ન હતું જ્યારે લોકરજૂઆત પછી ઢાંકનું આવી ગયા પછી આ ગટરની બાજૂમાં એક ખાડો રહી ગયો હોવા છતા પણ લાગતા વળગતા તંત્ર દ્વારા આ ખાડો પુરવામાં રાહરાજી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

હાલમાં પોસ્ટ ઓફિસમાં લાઈટબીલ,ટેલિફોન બીલ સહીતની અન્ય સેવા પ્રાપ્ત થતી હોવાને કારણે પોસ્ટઓફિસમાં દિવસભર નાગરિકોનો વધુ પ્રમાણમાં ઘસારો થતો હોય છે. ત્યારે અવાર નવાર ખાડાને કારણે લોકોને અગવડ વેઢવી પડે છે. પોસ્ટ ઓફિસના ડબ્બામાં ટપાલ નાખતા સમયે આ ખાડો બધાને ખુબ અડચન રૂપ સાબિત થાય છે. માત્ર રાહદારી જ નહી પરંતું પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ આ ખાડાને લઈ પરેશાન થઈ રહ્યા છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ ખાડાને પુરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તમાન થઈ છે.

અવસાન નોંધ


ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંડળના પ્રમુખ નવનીતલા કે. પરીખ (મુંબઈ)ના પત્નિ જયાબેન પરીખનું તા.૧૦/૧૨/૨૦૧૧ના રોજ દૂઃખદ અવસાન થયેલ છે.

ઉમરેઠ અર્બન બેંક બંધમાં જોડાઈ…


સહકારી બેન્ક પર સને ૨૦૦૬થી આવકવેરા કાયદામાં થયેલા ફેરફારને પગલે ટેક્સ ભરવો પડે છે, જે સંદર્ભે રાજ્યભરની સહકારી બેન્કે ગુરૂવારના રોજ હડતાળ પાડી હતી. આ હડતાલમાં ઉમરેઠની અર્બન બેંક પણ જોડાઈ હતી અને તા.૮.૧૨.૨૦૧૧ના રોજ બેંકનું કામકાજ બંધ રહ્યું હતું. આ હડતાલમાં આણંદ જિલ્લાની પણ સહકારી બેન્ક જોડાઈ હતી અને કલેક્ટરને મળી આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની માગણી કરી હતી. આજથી બેંકનું કામ રાબેતા મુજબ શરૂ થઈ ગયુ હતુ અને ખાતેદારોએ પોતાના રોજ બરોજના કામ અર્થે બેંકમાં ઘસારો કર્યો હતો.

આ બાબતે જુદા જુદા ફેડરેશનો દ્વારા અનેક વખત રજુઆત કરી છે. આમ છતાં તે અંગે કોઈ યોગ્ય પગલાં નહીં ભરાતાં નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ. બેન્ક દ્વારા તમામ સહકારી બેન્કો એક દિવસ માટે ગુરૂવારે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો હતો. આ હડતાલમાં આણંદ જિલ્લાની પણ દસ ઉપરાંત સહકારી બેન્ક હડતાળમાં જોડાઈ હતી અને કલેક્ટર અવંતિકાસિંઘને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું.’

આ અંગે બેન્કના ડિરેક્ટર્સે જણાવ્યું હતું કે ‘રાજ્યની સહકારી બેન્કો છેલ્લા સો વર્ષથી વધુ સમયથી સમાજના મધ્યમ અને નિચલા વર્ગને ખેડૂતોને રાજ્યનાં ખૂણે ખૂણે પ્રત્યેક ગામ અને શહેરમાં બેન્કિંગ સેવાઓ આપી રહી છે. આવકવેરા ધારાની શરૂઆતથી સહકારી બેન્કોને આવક વેરાના કાયદામાં વેરો ભરવામાંથી ડીડક્ષન તેમજ મુક્તિ મળતી હતી. પરંતુ સને ૨૦૦૬થી આવકવેરા કાયદામાં ફેરફાર કરી અને બેન્કો ઉપર ટેક્સ લાદવામાં આવ્યો છે.

ઉમરેઠ બ્રહ્મકુમારી-ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું.


ઉમરેઠ ખાતે કાર્યરત તેવી સામાજિક સંસ્થાઓનું તાજેતરમાં ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલયના સંચાલકો દ્વારા નગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા લોક ઉપયોગી કાર્યોની પ્રશંશા કરી હતી અને નગરની ક્લબો, મંડળો સહીત સેવા કાજે કામ કરતી લગભગ ૩૦ થી પણ વધુ સંસ્થાઓના સંચાલકો અને સભ્યોનું સન્માન કરી તેઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. આ સમયે ઉમરેઠ જય અંબે યુવક મંડળના જતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સેવાકિય પ્રવૃત્તિ કરતી સંસ્થાને આ રીતે જાહેરમાં સન્માનીત કરવામાં આવે તે ખરેખર સરાહનીય બાબત છે. આવા પ્રોત્સાહનથી સંસ્થાઓ વધુને વધુ સેવાકીય પ્રવૃતિ કરશે. (ફોટો – જતિન પટેલ, ઉમરેઠ)

શિંગોડા…


શિયાળાનું ફળ કહેવાતા શિંગોડા હવે બજારમાં ઠેર ઠેર જોવા મળે છે. શિયાળાને ધ્યાનમાં રાખી હાલમાં બજારમાં શિંગોડા સહીત બાફેલ મગફળી અને જામફળની પણ સ્વાદ રસીકો ભારે માંગ કરી રહ્યા છે. કદાય બહુ ઓછા લોકોને ખબર હશે કે શિંગોડા તળાવ માંથી કાઢવામાં આવે છે અને તેને બાફવામાં આવે છે. ત્યાર બાદ શિંગોડા ઠંડા પડે ત્યારે તેને ખાવવાની ખુબ મઝા પડે છે. ઉમરેઠમાં મામલતદાર કચેરી સામે તળાવમાં શિંગોડા પકવવામાં આવે છે અને ઓડ ચોકડી ઉપર તેને બાફી સ્વાદ રસીકો માટે પિરસવામાં આવે છે. ગ્રામ્યજનો સિઝનમાં સારી માત્રામાં શિંગોડાનું ઉત્પાદન વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી દેતા હોય છે.

ઓડમાં શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું આયોજન


ઉમરેઠ પાસે ઓડ સૂર્ય કૃપા ખાતે બપોરે ૩ કલાકે તા.૧૭.૧૨.૨૦૧૧ થી તા.૨૩.૧૨.૨૦૧૧ સુધી શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું યુવા વૈષ્ણવચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહોદયશ્રીના વક્તા પદે સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે તા.૧૭.૧૨.૨૦૧૧ના રોજ પોથી યાત્રા નિકળશે તેમજ શ્રીનાથજી ચરિત્રામૃતના વિવિધ પ્રસંગો પણ કથા દરમ્યાન ઉજવવામાં આવશે જેમાં શ્રી ગિરિરાજજી પ્રાગટ્ય, શ્રી ગોવર્ધન લીલા અને શ્રીનાથજી મિલન, નંદ મહોત્સવ સતધરા હોળી ઉત્સવ અને રાણોત્સવનો સમાવેશ થાય છે. આ કથાનો લાભ લેવા ઓડ, ઉમરેઠ સહીતના ધર્મ પ્રિય વૈણવોને યજમાન પરિવાર જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ અને કુમુદબેન જીતેન્દ્રભાઈ પટેલે જણાવેલ છે.

આ પ્રસંગે તા.૨૩.૧૨.૨૦૧૧ના રોજ બ્રહ્મ સબંધ આપવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. શ્રી ઠાકોરજી સમક્ષ પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા દીક્ષા લેવા ઈચ્છતા વૈષ્ણવોએ આગલા દિવસે વ્રત કરી કથા સ્થળે નામ નોંધની કરાવવાના રહેશે.

ફેશબુક, ગુગલ સામે સરકારની બેવડી નિતિ – હસવું છે પણ ખરૂં ને ખાંડ પણ ફાંકવી છે..!


હાલમાં ઈન્ટરનેટ ઉપર કોગ્રેસ સરકારની ઠેકડી ઉડાવતા ચિત્ર સહિતની સામગ્રીઓ વહેતી થતા સરકાર ફેશબુક, ગુગલ સહીતની શોસીયલ નેટવર્કીંગની વેબ સાઈટથી ખફા થઈ ગયા છે અને આ વેબ સાઈટોના સંચાલકોને વેબ ઉપરથી આવા ચિત્રો સત્વરે દૂર કરવા સહીત ભવિષ્યમાં આવી હરકત ન થાય તે બાબતે ધ્યાન રાખવા સુચણો કરી દીધા છે. બીજી બાજૂ ઓપન ફોરમ સમાન શોશીયલ વેબ સાઈટો ઉપર આવા ચિત્રો દૂર કરવા માટે ખુદ વેબ સાઈટના સંચાલકો પણ સક્ષમ નથી અને વિવિધ જાતના ફિલ્ટર સાઈટ ઉપર હોવા છતા આવા બનાવો બન્યા કરે છે તે શોશીયલ વેબ સાઈટના સંચાલકો કહી રહ્યા છે.

હાલમાં ઈન્ટરનેટ ઉપર ખાસ કરીને સરકાર વિરૂધ્ધ અનેક સાહિત્યો હરતા ફરતા થઈ ગયા છે.કોગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, કોગ્રેસ મહાસચીવ દિગવિજયસિંહ સહીત શરદ પવાર જેવા ઉચ્ચ કક્ષાના નેતા અને સોનીયા ગાંધી અને મનમોહનસિંહની પણ મશ્કરી કરતા ચિત્રો ઈન્ટરનેટ ઉપર ફરી રહ્યા છે. આવા ચિત્રો અને સામગ્રીઓને લઈ કોગ્રેસ સરકાર ફેશબુક ગુગલ જેવી શોશીયલ વેબ સાઈટથી ખફા છે.

બીજી બાજૂ સરકાર આજ વેબ સાઈટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી આ વેબ સાઈટ ઉપરથી પોતાના પ્રચાર અભિયાનને પણ વેગ આપે છે. હાલમાં ફેશબુક ઉપર કોગ્રેસના રાહુલ ગાંધી સહીત અન્ય નેતાઓ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. જો ખરેખર સરકાર અને સરકારના કહેવાતા પ્રતિનિધિઓ આ વેબસાઈટ થી ખફા હોય તો પહેલા તેમનો પ્રચાર આ વેબ સાઈટ ઉપરથી બંધ કેમ નથી કરતા…? સરકારે શોશીયલ નેટવકીંગની વેબ સાઈટ ઉપર કોઈ પગલા લે તે પહેલા તેમને પ્રચાર માધ્યમ તરીકે આવી સાઈટોનો ઉપયોગ બંધ કરવો જોઈયે. એક તરફ સરકાર આવી વેબ સાઈટને ગાળો ભાંળે અને બીજી બાજૂ આવી સાઈટનો ભરપેટ ઉપયોગ કરી બેવડું વલણ દાખવે તે કેટલા અંશે વ્યાજબી છે. આતો ખાંડ પણ ફાંકવી છે અને હસવું છે પણ ખરું..તેવી નિતિ કહેવાય…! સરકારે અહીયા સમજવાની જરૂર છે કે સમુદ્ર મંથન કરવામાં આવે તો ઝેર અને અમૃત બંન્ને આરોગવાની તૈયારી રાખવી જ પડે.

ઉમરેઠની નવા-જૂની..


  • ઉમરેઠ બ્રહ્મકુમારીઝ દ્વારા નગરની તમામ સંસ્થાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતી તમામ સંસ્થાના પ્રતિનિધિ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
  • બ્રહ્મસમાજ આણંદ જિલ્લાનો સ્નેહ મિલન સમારોહ તાજેતરમાં ઉમરેઠ ખાતે યોજાયો સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કમલભાઈ વ્યાસે કર્યું હતું.
  • છેલ્લા ત્રણ થી ચાર રવીવારથી લાઈટો બંધ થવાનું બંધ થઈ ગયું છે.એમ.જી.વી.સી.એલ ની જય હો…
  • લાગે છે એમ.જી.વી.સી.એલનો ચેપ બી.એસ.એન.એલ વાળાને લાગ્યો છે. હવે દર રવીવારે લાઈટો બંધ થવાનું “બંધ” થયું ત્યારે દર રવીવારે બી.એસ.એન.એલના મોબાઈલ ફોન બંધ થઈ જાય છે.
  • ઉમરેઠ નગર પાલિકાના સભ્ય દ્વારા થતા કથીત ભ્રષ્ટાચારને લઈ કોઈ નનામી અરજી તંત્રના વિવિધ વિભાગો અને પત્રકારો પાસે આવી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ સત્તાધારી પક્ષના સભ્ય દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે, આ અંગે સદર સભ્ય અને પાલિકા તંત્ર કહે છે કે આ માત્ર કોઈ વ્યક્તિ દ્વારા તેમને અને તેમના પક્ષને બદનામ કરવાનું ષડયંત્ર છે.
  • ઉમરેઠમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ તાજીયા જૂલૂસ નિકાળી મહોરમ પર્વની ભક્તિભેર ઉજવણી કરી હતી.
  • ઉમરેઠ પાસે ઓડ ગામમાં સૂર્ય પરિવાર દ્વારા શ્રીનાથજી ચારિત્રામૃત કથાનું આયોજન તા.૧૭.૧૨.૨૦૧૧ થી ૨૩.૧૨.૨૦૧૧ સુધી કરવામાં આવેલ છે. ધર્મપ્રેમિ જનતાને આ કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ છે. કથા સ્થળ – સૂર્ય કૃપા , ચા રસ્તા પાસે – ઓડ કથા સમય બપોરે ૩ કલાકે.