આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2009

નસીબ આડે પાંદડું, કોમ્પ્યુટર તોડે વાંદરું…!


વાંદરું અમારા પાડોશમાં એક મહાશય હોંશે હોશેં દશ પંદર દિવસ પહેલા નવું બ્રાન્ડ ન્યું એસરનું કોમ્પ્યુટર લાવ્યા હતા. સાથે સરસ મઝાની સાઊન્ડ સીસ્ટમ પણ… નવું નવું કોમ્પ્યુટર હોવાને કારણે સાંજે ઓફિસ થી આવી મહાશય શાંતિથી કોમ્પ્યુટરમાં ખાંખાંખોળા કરે, છોકરા પણ તેમના સ્કૂલ થી આવી ગેમ રમે, ને કોમ્યુટરનો આનંદ લે.. કોમ્પ્યુટરના આગમણ પછી આ મહાશય અને તેમનું પરિવાર ખુશ હતુ પરંતુ કોણ જાણે બિચારાને કોણી નજર લાગી ને બે દિવસ પહેલા કોમ્પ્યુટર ટેબલ ઉપર હોવાની જગ્યાએ તેમની બારી પર લટકતું જોવા મળ્યું…
           બનાવ કાંઈ એવો હતો કે, આ મહાશયે પોતાના ઘરના ત્રીજા માળે પોતાનું કોમ્પ્યુટર મુક્યુ હતું. સાંજ પડે તેમના છોકરા દરોજ્જ કોમ્પ્યુટર ઉપર ગેમ રમતા સાથે સાથે સ્કૂલમાં શિખવાડેલ થિયરીનો કોમ્પ્યુટર ઉપર પ્રયોગ પણ કરી જોતા. જ્ઞાન ગમ્મ્મત તેમનો નિત્યક્રમ બની ગયો હતો. પરંતુ બે દિવસ પહેલા કોણ જાણે કેમ ત્રીજા માળની મારી ખુલ્લી રહી ગઈ ને આ બારી માંથી એક વાંદરું કોમ્પ્યુટર વાળા રુમમાં પેસી ગયું, બસ પછી આ વાંદરાની નજર કોમ્પ્યુટરના સ્ક્રિન ઉપર પડી અને વાંદરાને તેનુંજ પ્રતિબિબ કોમ્પ્યુટર સ્ક્રિનમાં દેખાયું કે તરત વાંદરાએ કોમ્પ્યુટર સ્ક્રિન પોતાના હાથમાં લીધો અને બારી બહાર ચાલવા લાગ્યું. આ સમયે આ મહાશયના પત્નિએ વાંદરાને ભગાડવાનો પ્રયત્ન પણ કર્યો પણ વાંદરું ઉલ્ટું તેમની સામે થઈ ગયું પ્લગમાં સ્ક્રિન વાયર હોવાને કારણે બારી પાસેથી વાંદરું સ્ક્રિન આગળ ન લઈ જઈ શક્યું ને કોમ્પ્યુટર સ્કિન બારી ઉપર લબડતો રહી ગયો. વાંદરું વિચારું ત્યાં થી ભાગી ગયું પણ ડેસ્કટોપ વિન્ડોના ટોપ ઉપર જોઈ મહાશયના પત્નિ પરિસ્થિતી સમજી ગયા. છેવટે સાંજે મહાશય ઓફિસથી ઘરે આવ્યા ને કોમ્પ્યુટરની સમિક્ષા કરી કોમ્પ્યુટર જ્યાંથી ખરીદ્યુ હતું ત્યાં ફોન કર્યો છેવટે સ્કિન નવો લાવવાનો થયો જાણી મહાશયના મોઢેં શબ્દો સરી પડ્યા ” નસીબ આડે પાંદડું, કોમ્યુટર તોડે વાંદરું…! “

ઉમરેઠ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુખ્યમંત્રીના સ્વાસ્થય માટે યજ્ઞ કરાયો.


યજ્ઞમુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાઈન ફ્લુના સકંજામાં સપડાઈ જતા સમગ્ર દેશ સહિત ઉમરેઠના નગરજનો પણ ચિંતાતુર બની ગયા છે. અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સત્વરે તંદુરસ્ થાય તે માટે ઠેર ઠેર પ્રાર્થણા કરી રહ્યા છે.ત્યારે ઉમરેઠ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉમરેઠના પંચવટી વિસ્તારમાં આવેલ મહાદેવ બહાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થય માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ યજ્ઞમાં ઉમરેઠ શહેર ભાજપના પ્રમુખ રજનીભાઈ પટેલ, પત્રકાર પંકજભાઈ શ્રીધપ તથા અન્ય કાર્યકરો યજમાન પદે બિરાજી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાસ્થય જલ્દીથી સુધરે અને તેઓ પૂનઃ ગુજરાતની પ્રજા અને ગુજરાતનો વિકાસ આગળ ધપાવે તેવી પ્રાર્થણા કરી હતી.આ યજ્ઞમાં ઉમરેઠ શહેરના ભાજપના કાર્યકરો તેમજ વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમયે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ પણ યજ્ઞમાં ઉપસ્થીત થઈ પ્રજાના રાજા એવા નરેન્દ્રભાઈ મોદી જલ્દીથી તંદુરસ્ત થઈ જાય તેવા આશિર્વાદ વ્યક્ત કર્યા હતા.

ધારાસભ્ય માટે, સ્ત્રીઓ માટે અને સ્વાતંત્ર્ય સેનાની માટે…


યાદ આવ્યું  આ ત્રણ વાક્યો તમે ક્યાં વાચ્યાં છે…?
બરાબર યાદ કરો…
યાદ આવ્યું…?

અરે ભૈ..આપણી એસ.ટી બસમાં, આવ્યું ને યાદ…!

ગઈ કાલે સવારે હું વડોદરા જવા માટે નિકળ્યો, આમ તો હું જ્યારે બસમાં સફર કરું ત્યારે મારું નસીબ જોર કરતું હોય છે, બસ પણ મળી જાય છે ને જગ્યા પણ મળી જાય છે. સવારના સમયે વડોદરા તરફ જતી બધી બસ મુસાફરોથી ગીચોગીચ આવતી હતી બે બસ તો મે જવા પણ દીધી, આમ પણ વડોદરા કાંઇ ખાસ કામ ન હતું રખડવા જ જવાનું હતુ તો ફછી પૈસા ખર્ચીને ઉભા ઉભા જવાનું થોડું પોસાય અને એ પણ મારા જેવા વાણિયાને આપણે તો બે બસ જવા દીધી છેવટે ડાકોર-સુરત બસ આવી ને તેમાં નસીબજોગે જગ્યા મળી ગઈ, અને તે પણ જેવી તેવી નહી હાઈ-ફાઈ જગ્યા મળી.

મારી જગ્યા એટલી બધી હાઈ-ફાઈ હતી કે ના પુછો તેવી વાત…! હું તો મનોમન હસવા લાગ્યો..પણ કોઈ કારણસર મેં મંદ મંદ હસવાનું ચાલુ કર્યુ એટલે મારી બાજુમાં બેઠેલા કાકાથી ના રહેવાયું ને તેઓએ ફટાક દઈ મને પુછી કાઢ્યું ” કેમ બેટા શું થયું આમ મંદ મંદ હસે છે..? ”  મેં પણ તેમને કહ્યું “કાકા તમને હું કહીશ તો તમે પણ હસવા માંડશો..”, “કાકાની અધીરાઈ ના રહી મને કહેવા માંડ્યા જે કાંઈ હોય તે કે મારી તો મશ્કરી નથી કરતો ને…?, મે કહ્યું કાકા જોવો આપણે કઈ સીટ ઉપર બેઠા છે.આઆ પણે ધારાસભ્યની સીટ આંચકી લીધી જોયું ને કેટલું મોટું પરાક્ર્મ કર્યું આપણે…? પેલા કાકા પણ બિચારા વિચારમાં પડી ગયા ને પછી તે પણ હસવા લાગ્યા ને બોલ્યા..જવા દે ને બેટા આ એસ.ટી.વાળા પણ છે ને નક્કામાં વાક્યો ચીતરી માંડે છે. કોઈ ધારાસભ્ય પેદા થયો છે કે જે બસમાં મુસાફરી કરે..? ખેર જવાદો આપણે તો ધારાસભ્યની સીટ પર બેસી ગયાને…

બસ આગળ વધતી હતી એટલામાં ઓડ ગામ આવ્યું આ સમયે બસમાં બેસવા એક પણ સીટો બચી ન હતી. જ્યારે ઓડથી લગભગ ૧૦ થી ૧૫ જેટલા મુસાફરો બસમાં ચઢ્યા બધાને ઉભા રહેવાનો વારો આવ્યો. અમારી સીટ પાસે એક કપલ આવી ને ઉભું હતુ તેમની પાસે લગભગ છ-સાત મહિનાનો એક બાબો પણ હતો. અમારી સીટ ની બાજુંની ત્રણ વ્યક્તિની સીટ ઉપર એક કપલ અને તેમની લઘભગ ૪/૫ વર્ષની છોકરી બેઠા હતા. ત્યારે ઓડથી બસમાં ચઢેલા કપલ સાથે નાનો છોકરો હોવાથી તેમને ત્રણની સીટમાં પેલી નાની છોકરીને ખોળામાં લઈ લેવા અને પોતાને જગ્યા આપવા આ કપલે બેઠેલા કપલને વિનંતી કરી પરંતુ બેઠેલા કપલે પરિસ્થિતી સમજ્યા વિના પોતે પોતાની જગ્યાએ યથાવત રહેશે તેમ સ્પષ્ટ કહી દીધું પછી પેલું કપલ પોતાના બાળક ને સાચવી ઉભુ રહ્યું .

હું પણ મારી જાતને સમાજ સેવક સમજી બેઠો અને આમ પણ હું “ધારાસભ્ય”ની સીટ પર બેઠો હતો એટલે મે નાનો છોકરો લઈ ઉભેલા પેલા બહેન ને કહ્યું ” માસી લો બેસી જાવ મારી જગ્યા ઉપર” બસ આટલું કહી મે મારી સીટ ખાલી કરી તે માસીએ પણ ફોરમાલીટી કરી ના બકા બેસ તું તારે કાંઈ વાધો નહિ મે ફરી તેમને કહ્યું બે સો કાંઈ વાધો નહી.. પછી તે મારી સીટ પર બેસી ગયા તેમના હસબન્ડે મને થેન્ક્યું કહ્યું આ જોઈ ત્રણની સીટ પર અઢી ટીકીટ લઈને બેઠેલા યુગલે મોઢું મચકોડ્યું ને આંખો બંધ કરી સુઈ ગયા.

થોડી વાર પછી બસની એક સીટ ઉપર “સ્ત્રીઓ માટે”, “વિકલાંગો માટે” અને સ્વાતંત્ર્ય સેનાની માટે તેવા શબ્દો પણ સીટ પાસે લખેલા જોયા.. આ વાક્યો લખવાનો શો અર્થ શું કોઈ ખરેખર સ્ત્રીઓ માટે બસમાં જગ્યા ખાલી કરે ખરું…?  શું વિકલાંક કે પછી સ્વતંત્ર્ય સેનાની માટે પણ કોઈ જગ્યા ખાલી કરે ખરું. આવા વાક્યો લખઈ ને તેનો અમલ કરાવવામાં પણ તંત્ર સજાગ થાય અને આવા વાક્યોનો અમલ કરવા પણ જનતા સકારાત્મક અભિગમ દાખવે તો આવકાર દાયક રહેશે. બાકી અઢી ટિકીટ લઈ ત્રણની સીટ ઉપર કબ્જો કરનારા બિન્દાસ બસમાં આરામથી મુસાફરી કરશે ને આખી ટીકીટ લઈ ઉભા ઉભા મુસાફરી કરનારા નિસાસા નાખ્યા કરશે.

દશા ખડાયતા જ્ઞાતિની વેબ સાઈટ ખુલ્લી મુકાઈ


 ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા http://www.khadayatadue.com જ્ઞાતિની વેબ સાઈટ તાજેતરમાં ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શ્રી નવનીતલાલ પરીખએ જણાવ્યું હતુ કે, આજના ઈ-યુગમાં દિવસે દિવસે લોકો ઈન્ટરનેટને અપનાવવા લાગ્યા છે, ત્યારે સમય સાથે તાલ મિલાવીને ઈ-યુગમાં જ્ઞાતિની વેબ સાઈટ દ્વારા જ્ઞાતિજનો એક બીજાના સંપર્કમાં રહે તે હેતુથી અદ્યતન વેબ સાઈટ બનાવવામાં આવી છે. આ વેબ સાઈટમાં જ્ઞાતિજનોના સરનામાં ફોન નંબર સહિત મુકવામાં આવ્યા છે તેમજ અન્ય ધાર્મિક માહિતી અને રસસભર કોલમો આ વેબ સાઈટમાં મુકવામાં આવ્યા છે. નાના બાળકોથી માંડી વૃધ્ધો તમામ લોકોને આ સાઈટ ઉપયોગી નિવળે તેવું આયોજન કરવામાં આવેલ છે, વધુમાં જ્ઞાતિના પ્રમુખ નવનીતભાઈ પરીખએ જણાવ્યુ હતુ કે, હાલમાં જ્ઞાતિની વેબ સાઈટ ઉપર જે સરનામાં આવ્યા છે તે અપૂરતા છે જ્યારે જે જ્ઞાતિજનના એડ્રેસ વેબ સાઈટ ઉપર આવ્યા નથી તેઓ સત્વરે જ્ઞાતિના કાર્યકરને પોતાના સરનામાં ફોન નંબર સહિત મોકલી આપે જેથી સરનામાંવલિ સત્વરે પૂર્ણ કરી શકાય. જ્ઞાતિની વેબ સાઈટ ખુલ્લી મુકાતા જ્ઞાતિના યુવાનોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જ્યારે જ્ઞાતિજનો હવે આ વેબ સાઈટ ધ્વારા ઝડપથી એક બીજાના સંપર્કમાં આવી શકશે, અને જ્ઞાતિમાં બનતી ઘટનાઓથી માહિતગાર બની શકશે. જ્ઞાતિની વેબ સાઈટ બનાવવા માટે પ્રમુખ નવનીતભાઈ પરીખ,મુંબઈ તેમજ પંકજભાઈ શાહ, ઉમરેઠે ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે આવનારા દિવસોમાં પ્રોજેક્ટરથી સાઈટ જ્ઞાતિજનોને બતાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.

અસલી દિવાળીની અસલી શુભેચ્છા..!


“નકલી માવાની મિઠાઈ”
“નકલી ઘી ના દિવા”
“નકલી દૂધની બાસુંદી”
“નકલી ચલણી નોટો”
અને
“ચાઈનીઝ ફટાકડાની આતીશબાજી”

તમારું દિવાળી પર્વ ન બગાડે તેવી હાર્દિક શુભેચ્છા…!

 

હે.રામ.. ઉમરેઠના એક માત્ર ગાંધી સ્મારકની ઉપેક્ષા…!


ગાંધી સ્મારક-Umreth

ગાંધી સ્મારક-Umreth

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સામે ગાંધીજીના મૃત્યુ બાદ તેમની અસ્તીનું ફુલ લાવી એક સ્મારક બનાવવામાં આવ્યુ હતો, જેની નોંધ હાલમાં કોઈ લેતુ નથી ચરોતર સહિત સમગ્ર રાજ્ય કે દેશમાં ગાંધી જયંતિ કે ગાંધીજીની પૂણ્યતિથિના દિવસે લોકો ગાંધીજીના બાવલા કે પછી સ્મારક પાસે જઈ તેમને શ્રધ્ધાજલિ આપતા હોય છે, પરંતુ અમારા ઉમરેઠ ગામમાં કોઈ ગાંધીવાદી રહ્યો નથી કે જે વર્ષમાં બે દાહડા પણ આ ગાંધીજીના સ્મારક પાસે જઈ તેમને યાદ કરે…!

ગેસ સિલેન્ડરમાં રૂ.૧૦૦નો ભાવ વધારો આવશે…? (એક આશંકા)


Domestic-Cylinder

Domestic-Cylinder

 

ગેસ સિલેન્ડર હાલમાં ૩૨૩.૨૫ માં મળી રહ્યો છે, જ્યારે દિવાળી પછી ૧૦૦ રુપીયાનો ધરખમ વધારો આવે તો નવાઈ નહિ, હાલમાં મુંબઈ તેમજ દેશના અન્ય કેટલાક ભાગમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ પૂરતો આ નિર્ણય સ્થગીત કરાયો છે, પણ ચૂંટણી કે દિવાળી પછી ગેસ સિલેન્ડરના ૪૨૫.૦૦ આપવા તૈયાર રહેજો….