આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2015

ઉમરેઠમાં બી.એસ.એન.એલ કચેરી અપગ્રેડ કરવા માર્કેટ યાર્ડના વહેપારીની ઉચ્ચકક્ષાએ રજૂવાત.


છેલ્લા મહીનામાં ત્રણ થી ચાર વખત બી.એસ.એન.એલ નેટવર્ક ઉમરેઠ પંથકમાં બે-ત્રણ દિવસ સુધી ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગત શનિ-રવી ઉમરેઠમાં બી.એસ.એન.એલ નેટવર્ક બંધ રહ્યું હતુ જેને કારણે મોબાઈલ,લેન્ડલાઈન ફોન સહીત ઈન્ટરનેટ સેવાને અસર પહોંચી હતી, તે પહેલા મોહરમના આગલા દિવસે પણ બી.એસ.એન.એલ નેટવર્ક ખોરવાયું હતુ તે સમયે લગભગ ત્રણ દિવસ સુધી લોકો ફોન,મોબાઈલ અને ઈન્ટરનેટ વગર સલવાયા હતા. કેટલીક બેન્ક તો માત્ર ને માત્ર બી.એસ.એન.એલના નેટવર્ક પર નિરભર હોવાને કારણે બેન્કીંગ સેવાને પણ માઠી અસર પહોંચી હતી જેને કારણે નગરના વહેપારીઓને રોજબરોજના વહેવાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે વધુ માહીતી આપતા ઉમરેઠ ખરીદ વેચાન સંધમાં દાળની મીલ ધરાવતા હરીશભાઈ શાહ (લીંગડાવાળા)એ જણાવ્યું હતુ કે, છેલ્લા મહીના થી ત્રણ થી ચાર વખત બી.એસ.એન.એલ નેટવર્ક ખોરવાયું છે અને લગભગ સાત થી દશ દિવસ ઉમરેઠ પંથકના લોકો મોબાઈલ ફોન, ઈન્ટરનેટ અને લેન્ડ લાઈન ફોન વગર સલવાયા હતા. મહીનામાં અઠવાડીયું ફોન બંધ રહે તો પણ પુરે પુરું ભાડું વસુલ કરવામાં આવે છે તેમ જણાવતા તેઓએ ઉમેર્યું હતુ કે બી.એસ.એન.એલના ડી.જી.એમ સાથે તેઓએ રૂબરું મુલાકાત કરી ઉમરેઠમાં બી.એસ.એન.એલની સર્વીસ અપગ્રેડ કરવા રજૂઆતો કરી હતી. આજે પણ ઉમરેઠમાં બપોરે ૩.૩૦ કલાકે બી.એસ.એન.એલ નેટવર્ક પૂનઃ ખોરવાયું હતું, સાંજે ૬ કલાક સુધી જે કાર્યરત ન થયું હતું.

ખ.વે.સંઘના વહેપારીની બી.એસ.એન.એલના ઉચ્ચ અધિકારીને રજૂઆત

ઉમરેઠ ખ.વે.સંઘના વહેપારી હરીશભાઈ શાહ (લીંગડાવાળા)એ બી.એસ.એન.એલના ડી.જી.એમ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉમરેઠ પંથકમાં બી.એસ.એન.એલનું નેટવર્ક અપગ્રેડ કરવા રજૂઆત કરી હતી, જેમા નીચેના મુદ્દાનો તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

– ઉમરેઠ ટેલીફોન એક્સચેન્જમાં જે.ટી.ઓની નિમણુક કરવી.

– ઉમરેઠ ટેલીફોન એક્સચેન્જમાં કસ્ટમર સર્વીસ સેલમાં વધુ સ્ટાફની નિમણુંક કરવી.

– ઉમરેઠ ટેલીફોન એક્સચેન્જમાં વાસદ ટેલીફોન એક્સચેન્જની આઉટ ડેટેડ મશીનરી વાપરવામાં આવે છે જે બદલી લેટેસ્ટ ટેક્નોલોજી થી સજ્જ મશીનરી ઉપયોગ કરવી.

– વર્ષ દરમ્યાન જેટલા દિવસ બી.એસ.એન.એલ નેટવર્ક બંધ રહ્યું હોય તેટલા દિવસનું ભાડું રીફન્ડ કરવું – ઉમરેઠ વિસ્તાર રૂરલ હોવા છતા અર્બન વિસ્તાર અનુસાર ભાડું વસુલ કરવામાં આવે છે જેમાં સુધારો કરવો.

– બી.એસ.એન.એલ નેટવર્ક ખોરવાય ત્યારે પૂરક સેવા પૂરી પાડવાની વ્યવસ્થા કરવી

ઉપરોક્ત મુદ્દા અંગે હરીશભાઈ શાહએ બી.એસ.એન.એલના ડી.જી.એમ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી, અને ભવિષ્યમાં સુખદ સમાધાન ન મળે તો, જનરલ મેનેજર સુધી રજૂઆત કરવાની તેઓએ તૈયારી બતાવી હતી. સાથે તેઓએ ઉમેર્યું હતુ કે નગરમાં બી.એસ.એન.એલ વ્યવસ્થિત સેવા પૂરી નહી પાડે તો સમૂહમાં તમામ વહેપારીઓ પોતાના લેન્ડ લાઈન ફોન રદ કરાવતા પણ ખચકાશે નહી

ઉમરેઠના શ્રી ગિરિરાજધામ ખાતે શ્રીમદ વલ્લાભાચાર્ય મહાપ્રભુજી પર બનતી ફિલ્મનું શુટીંગ યોજાયું.


ષષ્ઠ પિઠાધેશ્વર શ્રી ધ્વારકેશલાલ મહારાજશ્રી ફિલ્મમાં મહાપ્રભુજીની ભૂમિકા ભજવી રહ્યા છે. — શુટીંગ જોવા ભક્તોનો ઘસારો

ઉમરેઠના શ્રી ગિરિરાજધામ ખાતે ગતરોજ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ફિલ્મના કેટલાક અંશોનું શુટીંગ કરવામાં આવ્યું હતું. આ સમયે ફિલ્મમાં શ્રી મહાપ્રભુજીની ભૂમિકા ભજવતા ષષ્ઠ પિઠાધેશ્વર શ્રી ધ્વારકેશલાલ મહારાજશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રીજીબાવા પાસે પ્રથમ મિલનનો આબોહું સી ભજવ્યો હતો. આ પ્રંસગે ધાર્મિક ફિલ્મનું સુટીંગ જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો સહીત શ્રી દેવકીનંદબાવાશ્રી (વિદ્યાનગર) છબુબાવાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ૬ કલાકે શરુ થયેલ શુટીંગ મોડી રાત્રી સુધી ચાલ્યું હતુ જેની જાણ થતા ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં શ્રી ગિરિરાજધામ ખાતે આવી પહોંચ્યા હતા અને ધાર્મિક ફિલ્મની શુટીંગ જોવાનો લાહ્વો લીધો હતો. શ્રી ગિરિરાજજીની નિત્ય આરતી સમયે શુટીંગમાં બ્રેક રાખવામાં આવ્યો હતો. ષષ્ઠ પિઠાધેશ્વર શ્રી ધ્વારકેશલાલ મહારાજશ્રીએ શ્રી ગિરિરાજજીની આરતી ઉતારી હતી અને ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રીમદ વલ્લાભાચાર્ય મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર આધારીત ફિલ્મનું શુટીંગ ખાસ્સુ પૂર્ણ થઈ ગયેલ છે,આગામી છ માસ સુધી ફિલ્મના અન્ય ભાગનું સુટીંગ અલગ-અલગ સ્થળ પર પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ ફિલ્મ મોટા પળદા પર વૈષ્ણવો માની શકશે. ધાર્મિક ફિલ્મના સુટીં જોવા સાથે ષષ્ઠ પિઠાધેશ્વર શ્રી ધ્વારકેશલાલ મહારાજશ્રી અને શ્રી દેવકીનંદજી બાવાશ્રીના સાનિધ્યમાં શ્રી ગિરિરાજજીની આરતી દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ભક્તો હવે સદર ફિલ્મની કાગદોળે રાહ જોઈ રહ્યા છે.

એમ સી એક્સ, અમદાવાદ તથા કોટક કોમોડિટિજ ના ઉપક્રમે – ઉમરેઠમાં ચોકસી મહાજન દ્વારા “સોનામાં સટ્ટો નહી ડિલીવરી” વિષય પર પરિસંવાદ યોજાશે.


imagesશોર્ટ કટમાં માલામાલ થવાની લાલચ સાથે આજની યુવા પેઢી શેર બજારમાં સટ્ટાના રવાડે ચઢવા લાગી છે, તેમજ દેખાદેખી ટ્રેડીંગ કરી ચાર દિવસની ચાંદની અહેસાસ કરી કાયમ માટે ખોટના ખાટલે બેસી જાય છે. પ્રવર્તમાન સમયમાં શેર બજાર સહીત સોનામાં પણ સટ્ટો રમવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, ડીલીવરી લીધા વગર યુવાનો ટુકા ગાળામાં ધનવાન થવા ટ્રેડીંગના રવાડે ચઢી જાય છે અને છેલ્લે તેઓને ખોટ ખાવાનો વારો આવે છે. શેર-સટ્ટા સહીત સોનામાં ટ્રેડીગ કરી ખોટનો સામનો કરતા યુવાનોને કારણે અન્ય સાહસીક યુવાનો યુવાનો એમ.સી.એક્સ પ્રત્યે નરમ વલણ દાખવી રહ્યા છે,અને તેના થી બને તેટલું દૂર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા સાહસિક યુવાનોનો ભ્રમ દુર કરવા અને સોના-ચાંદીમાં હેજિંગ અને ડીલીવરી અંગે માર્ગદર્શન આપવા ચોકસી મહાજન ઉમરેઠ તરફથી એમ સી એક્સ, અમદાવાદ તથા કોટક કોમોડિટિજ ના ઉપક્રમે સોનામા “સટટો નહી પણ ડિલિવરી”ના વિષય પર પરિસંવાદ તા.૨૯.૧૦.૨૦૧૫ને ગુરુવારના રોજ ઉમરેઠ નગરની એકડીયાની વાડી ખાતે સાંજે ૫.૩૦ કલાકે યોજાશે. સદર પરિસંવાદમાં કોમલબેન કંજારિયા (એમ.સી.એક્સ અમદાવાદ),વાઇસ પ્રેસિડન્ટ અયુબ મલેક તથા કોટક કોમોડિટિજના શક્તિ ઉપાધ્યાય અને તપન પટેલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. આ અંગે વધુ માહીતી આપતા ઉમરેઠ ચોકસી મહાજનના સેક્રેટરી પરાગભાઈ ચોકસીએ જણાવ્યું હતુ કે એમ.સી.એક્સ એટલે એક જાતનો સટ્ટો તેવી ગેરસમજ આજના યુવા રોકાણકારોમાં ભ્રમ કરી ગઈ છે. ૮ ગ્રામ જેટલા સોનાની ડીલીવરી થી રોકાણ કરી શકાય છે,આવી નાનામાં નાની ક્વોન્ટીટી થી રોકાણ કરી ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય તે માટે સદર પરિસંવાદમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેશે. પરિસંવાદને સફળ બનાવવા માટે ચોકસી મહાજનના પ્રમુખ દિવ્યેશભાઈ દોશી તેમજ સેક્રેટરી પરાગભાઈ ચોકસી સહીત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠમાં બી.એસ.એન.એલનું નેટવર્ક ખોરવાતા પ્રજાજનો પરેશાન.


મોબાઈલ અને લેન્ડલાઈન ફોન સહીત ઈન્ટરનેટ સેવા વારંવાર બંધ થઈ જાય છે.phone એક તરફ સરકાર ડીઝીટલ ઈન્ડિયાની મોટી મોટી વાતો કરે છે ત્યારે બીજી બાજૂ સરકારી ટેલીફોન કંપની બી.એસ.એન.એલનું જ નેટવર્ક જ વારંવાર ખોટકાતા ઉમરેઠ પંથકના બી.એસ.એન.એલના ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. બી.એસ.એન.એલનું નેટવર્ક ખોરવાતા ઇન્ટરનેટ સર્વીસ,મોબાઈલ ફોન તેમજ લેન્ડ લાઈન ફોન બંધ થઈ જતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ પંથકમાં વારંવાર બી.એસ.એન.એલ નેટવર્ક બંધ થઈ જતું હોવાની પ્રજાજનો ફરિયાદ કરી રહ્યા છે. મહીનામાં બે-ત્રણ વખત સતત ઈન્ટરનેટ સહીત મોબાઈલ, અને લેન્ડ લાઈન ફોન બંધ રહેતા હોવાને કારણે વહેપારીઓ સહીત માત્ર બી.એસ.એન.એલ નેટવર્ક પર નિરભર ગ્રાહકો ખાસ પરેશાન થઈ જાય છે. લેન્ડ લાઈન ફોન બંધ થતા વહેપારીઓને ખાસ્સી પરેશાની વેઠવાનો વારો આવે છે, જેઓના ધંધા માત્રને માત્ર ઈન્ટરનેટ થી જોડાયેલ હોય છે,તેઓને તો બે-ત્રણ દિવસ સુધી રોજીરોટી ગુમાવવાનો વારો આવે છે. ઉમરેઠના કાર્તિકભાઈ શાહએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય સમય થી મહીનામાં બે-ત્રણ વખત ઈન્ટરનેટ સહીત બી.એસ.એન.એલના મોબાઈલ ફોન અને લેન્ડલાઈન ફોન બંધ રહે છે,જેથી વહેપાર ધંધાને માઠી અસર પડે છે. બી.એસ.એન.એલની ઓફિસમાં આ અંગે ફરિયાદ કરવામાં આવે તો થોડીવારમાં જ તમામ સર્વિસ ચાલું થઈ જશે, કેબલ કપાઈ ગયા છે તેવો રટેલો જવાબ આપવામાં આવે છે. મોટા ભાગે શનિવારે જ બી.એસ.એન.એલ નેટવર્ક ખોરવાય છે જે સોમવાર સુધી બંધ રહે છે. આ ઉપરાંત જાહેર રજાના આગલા દિવસે પણ ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જાય છે જે બે-ત્રણ દિવસ સુધી બહાલ થતુ નથી. ઉમરેઠ પંથકમાં બી.એસ.એન.એલના ગ્રાહકો પરેશાન થઈ ગયા છે, કેટલાક ગ્રાહકો તો, બી.એસ.એન.એલ નેટવર્ક વાપરવાનું બંધ કરી દેવાનો પણ વિચાર કરી રહ્યા છે. એક તરફ ગળાકાપ હરિફાઈનો યુગ ચાલી રહ્યો છે, ખાનગી ટેલીકોમ કંપની એક-એક ગ્રાહકને પકડી રાખવા હવાતિયા મારી રહી છે, ત્યારે સમગ્ર દેશમાં નેટવર્ક ધરાવતી સરકારી બી.એસ.એન.એલ કંપની ગ્રાહકો પ્રત્યે દુરલક્ષ રાખે તે કેટલું વ્યાજબી છે.

મહિનામાં દશ થી પંદર દિવસ ફોન બંધ – કાર્તિક શાહ

ઉમરેઠમાં બી.એસ.એન.એલ ફોન ધારક કાર્તિક શાહએ જણાવ્યું હતુ કે છેલ્લા મહીનામાં લગભગ દશ દિવસ બી.એસ.એન.એલ ફોન,ઈન્ટરનેટ અને મોબાઈલ બંધ રહ્યા છે. આ દિવસોમાં ગ્રાહકો ફોન કે અન્ય સર્વીસનો ઉપયોગ નથી કરી શક્યા તો શું બી.એસ.એન.એલ દ્વારા લેવામાં આવતા માસિક ભાડામાં રાહત આપવામાં આવશે..? ઓફિસમાં ફરિયાદ કરતા આગળ થી ફોલ્ટ છે થોડા સમય માં થઈ જશે તેવો રટ્યો રટાયેલ જવાબ આપવામાં આવે છે.

ઉમરેઠ શહેર ભાજપએ નગરપાલિકાની ચુંટણીને અનુલક્ષી સંભવીત ઉમેદવારોની યાદી મોવડી મંડળને મોકલી.


– ૭ વોર્ડ માટે ૮૪ ઉમેદવારોની યાદી માંથી મોવડી મંડળ છેલ્લા ૨૮ નામ પસંદ કરશે.

નગરપાલિકાની ચુંટણીની જાહેરાતો થઈ ગયા બાદ તમામ રાજકિય પક્ષો દ્વારા પાલિકામાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવાની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉમરેઠ શહેર ભાજપ દ્વારા પણ આગામી નગરપાલિકાની ચુંટણી માટે સભવીત ઉમેદવારોની યાદી મોવડી મંડળને મોકલી આપવાની પ્રક્રિયા સંકલન સમિતિની બેઠક દરમ્યાન કરવામાં આવી હતી. આ અંગે વધુ માહીતી આપતા ઉમરૅથ શહેર ભાજપ પ્રમુખ સુજલભાઈ શાહએ જણાવ્યું હતુ કે ઉમરેઠ ઓડ બજાર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે ઉમરેઠ શહેર ભાજપ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં આગામી નગરપાલિકાની ચુંટણી માટે સંભવીત ઉમેદવારોની યાદી તૈયાર કરી મોવડી મંડળને મોકલી આપવામાં આવી છે. આ યાદી માંથી મોવડી મંડળ જે ઉમેદવારની પસંદગી કરશે તે ઉમેદવારને પક્ષ મેન્ડેટ ફાળવશે. ઉમરેઠમાં નવા સિમાંકન બાદ કુલ સાત વોર્ડ અને અઠ્ઠાવીસ ઉમેદવારો નગરપાલિકામાં હશે, જેથી વોર્ડ દીઠ બાર સંભવીત ઉમેદવારોનું નામ મોવડી મંડળને મોકલી દેવામાં આવ્યું છે. ઉમરેઠમાં કુલ ૭ વોર્ડ છે તમામ વોર્ડના કુલ ૧૨ સંભવીત નામની યાદી મોવડી મંડળને મોકલી દેવામાં આવતા હવે આ તમામ ૮૪ સંભવીત ઉમેદવારોએ ફિંગર ક્રોસ કરી પોતાનું નામ મોવડી મંડળ પસંદ કરે તેવી પ્રાર્થણા કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપના નિરીક્ષકો દ્વારા પણ ઉમરેઠની નગરપાલિકાની બેઠક માટે સંભવીત ઉમેદવારોને લઈ સમીક્ષા કરવામાં આવી હતી અને કેટલાક સંભવીત ઉમેદવારોને નિરીક્ષકોએ પ્રત્યક્ષ શાંભળ્યા પણ હતા, હવે આગામી ચુંટણીમાં કયા ઉમેદવારને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠ રાજપુત સમાજ દ્વાર શસ્ત્ર પુજા કરાઈ.


RAJPUR24100

ઉમરેઠ વાટાં વિસ્તારમાં આવેલ હરસોધ્ધિ માતાજીના ચોકમાં દશેરા પર્વ નિમિત્તે રાજપૂત સમાજના લોકો દ્વારા શસ્ત્રપુજન કરવમાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના યુવાનો તેમજ વડીલો પોતાના શસ્ત્રો ને ભગવાન સમક્ષ મુક્યા હતા અને સંપૂર્ણ ધાર્મિક વિધિ અનુસાર શસ્ત્ર પુજન કર્યું હતું.

Varahi Mataji Havan – Umreth VIDEO


ઉમરેઠમાં વારાહી માતાજીનો નોમનો હવન અત્રે વારાહી માતાજીના હવન ચોકમાં ભક્તિભેર ઉજવાયો હતો. હવનમાં યજમાન પદ સ્વ.નવનીતલાલ ભટ્ટ તેમજ સ્વ.ભાનુપ્રસાદ શેલત પરિવાત બિરાજમાન થયો હતો. હવન પરંપરાગત રીતે આચાર્યશ્રી ચંન્દ્રકાન્ત દવે તેમજ ભગાભાઈ દવેએ સંપન્ન કરાવ્યો હતો. હવનના દર્શન કરવા માટે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. હવનના દર્શન કરવા માટે અમદાવાદ ખાડીયા-જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સહપરિવાર વારાહી માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હવનને સફળ બનાવવા માટે શ્રી વારાહી ટ્રસ્ટ્રના ટ્રસ્ટી મંડળ સહીત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. દર્શનાર્થીઓને દર્શન કરવામામ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશાળ એલ.સી.ડી સ્ક્રીન ઉપર દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શનાર્થીઓની સંખ્યા વધારે હોવાને કારણે હવન દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. હવનના આયોજક મિહિરભાઈ જોશીએ જણાવ્યું હતુ કે હવન રાત્રીના ૧૧.૩૦ કલાકે શરૂ થયો હતો જે વહેલી પરોઢ સુધી ચાલ્યો હતો. હવનની પૂર્ણાહૂતિ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ઈનામ-સન્માન સમારોહ યોજાયો.


ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો વાર્ષિક ઈનામ-સન્માન સમારોહ અત્રે દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જ્ઞાતિના જે વડીલો ૭૦ વર્ષની ઉંમર વટાવી ચુક્યા હોય તેઓને શાલ ઓઢાળી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુ થી શાળા-કોલેજમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ તેમજ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તસ્વીરમાં જ્ઞાતિના વડીલ અનસુયાબેન ગોવિંદલાલ દોશી (નવસારી) અને તેજસ્વી વિદ્યાર્થીની વૈશ્વી નિશાંત શાહ પોતાનું સન્માનપત્ર સ્વીકારતા નજરે પડે છે.

શ્રી ગૃપ આયોજીત “શરદોત્સવ” – રાત્રી આફ્ટર નવરાત્રી – બ્રીજ જોષી ગાયક વૃંદ


03 01 02

ઉમરેઠમાં લોખંડના સળીયાથી માતાજીની પંદર ફુટ ઉંચી પ્રતિમાં બનાવવામાં આવી.


jay_ambe02ઉમરેઠ નગરના વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં તમામ ધાર્મિક તહેવારોની ઉત્સાહ અને ભક્તિભેર ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે જય અંબે યુવક મંડળ વાંટા સ્ટ્રીટ દ્વારા લોખંડના સળીયાથી પંદર ફૂટ ઉંચી માતાજીની પ્રતિમા બનાવી આ પ્રતિમાં ઉપર લાઈટની સીરીઝો લગાડી માતાજીની મૂર્તિને દિવ્ય બનાવવમાં આવી છે. આ દિવ્ય પ્રતિમાના દર્શન કરવા ઉમરેઠના તમામ વિસ્તાર માંથી લોકોનો ઘસારો થઈ રહ્યો છે. આ અંગે વધુમાં જણાવતા વાંટા સ્ટ્રીટ જય અંબે યુવક મંડળના સભ્ય રીતેષભાઈ પટેલે જણાવ્યું હતુ કે આ પ્રતિમાં કાન્તિભાઈ બી.પટેલ દ્વારા લોખંડના સળીયા માંથી બનાવવામાં આવી છે, જેની ઉંચાઈ લગભગ પંદર ફુટ જેટલી છે. તેઓએ ઉમેર્યું હતુ કે આ પ્રતિમાંને સીરીઝો થી સજાવવામાં આવી છે, અને રાત્રીના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું થઈ જાય છે ત્યારે પ્રતિમાના શણગારમાં વાપરવામાં આવેલ તમાઈ લાઈટની સીરીઝો ચાલું કરવામાં આવે છે ત્યારે માતાજીના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. ઉલ્લેખનીય છે કે, જય અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવે છે, અને દરોજ રાત્રીના પરંપરાગત મુજબ શેરી ગરબાનું આયોજન થાય છે. સમગ્ર નવરાત્રિ પર્વને સફળ બનાવવા માટે રોનકભાઈ પટેલ, ગુંજનભાઈ પટેલ, ડી.જે રોનકભાઈ પટેલ સહીત જય અંબે યુવક મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠમાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી.


ઉમરેઠના આમલી ચકલા વિસ્તારમાં ગુજરાતી ફિલ્મ કલાકાર શશી પારેખ તેમજ ખુશી શાહ ઉપસ્થીત રહ્યા હતા અને યુવાધન સાથે ગરબાની મોજ લીધી હતી.

ઉમરેઠના આમલી ચકલા વિસ્તારમાં ગુજરાતી ફિલ્મ કલાકાર શશી પારેખ તેમજ ખુશી શાહ ઉપસ્થીત રહ્યા હતા અને યુવાધન સાથે ગરબાની મોજ લીધી હતી.

ઉમરેઠની ત્રણપોળ ખાતે સાચીમાતાના સાનિધ્યમાં શેરી ગરબાનું આયોજન

ઉમરેઠની ત્રણપોળ ખાતે સાચીમાતાના સાનિધ્યમાં શેરી ગરબાનું આયોજન

ઉમરેઠમાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના નાસિકવાળા હોલ ખાતે ઓમ ગૃપ દ્વારા પાર્ટી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં યુવાધન ગરબાનો આનંદ લઈ નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. એક તરફ નગરમાં નાસિકવાળા હોલ ખાતે પાર્ટી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે નગરના વિવિધ વિસ્તારમાં શેરી ગરબા પરંપરાગત રીતે યોજાયા હતા જેમાં સ્થાનિકોએ ભક્તિભેર ભાગલઈ અર્વાચીન ગરબાનો આનંદ લીધો હતો. નગરના આમલી ચકલા વિસ્તારમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમલી ચકલા વિસ્તારમાં ગુજરાતી ફિલ્મ કલાકાર શશી પારેખ તેમજ અભિનેત્રી ખુશી શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિ પર્વને યાદગાર બનાવ્યો હતો. નગરના વાંટા વિસ્તારમાં પણ નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, લોખંડના સળીયા થી સ્થાનિકો દ્વારા માતાજીની પ્રતિમા બનાવવામામ આવી હતી તેના પર લાઈટીંગ કરતા રાત્રીના સમયે આ મૂર્તિમાં માતાજીના ભક્તો સાક્ષાત્કાર કરતા હોય તેવો અનુભવ કરતા હતા. ત્રણ પોળ ખાતે નવરાત્રિ મહોત્સવના ભાગરૂપે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સાચીમાતાના ચોકમાં ત્રણપોળની , મરૂડીયા પોળ,વચલી પોળ અને રાજાની પોળના રહીશો સહીત ઉમરેઠ ચોકસી બજારના રહીશો ગરબાનો આનંદ લેવા આવે છે. ત્રણપોળમાં પરંપરાગત શેરી ગરબાનો આનંદ લઈ યુવાધન સાચીમાતાજીના સાનિધ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને ઉમરેઠના ભદ્રકાળી માતાજીના મંદિર, કાલીકામાતાના મંદિર, તેમજ મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ભક્તોનો અવિરત ઘસારો થવા પામ્યો હતો.

ઉમરેઠમાં શ્રી વારાહી માતાજીનો ઐતિહાસિક હવન યોજાશે.


૧૯ કવચના હવનમાં અને ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ, તેમજ ૭૫ મણ કાષ્ટ સહીત દૂધમાં ૩૫ કિલો ચોખા રાંધવામાં આવે છે અને હવિષ્ય તરીકે તેનો ઉપયોગ થાય છે.

varahiઉમરેઠમાં વારાહી માતાનો હવન સંવત ૨૦૭૧ને આસો સુદ-૯ ને ગુરુવારના રોજ તા.૨૨.૧૦.૨૦૧૫ને રાત્રે ૧૧.૩૦ કલાકે શ્રી વારાહી માતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવે અને ભગાભાઈ દવેના આચાર્ય પદે તેમજ નવનીતલાલ હિંમતલાલ ભટ્ટ તથા સ્વ.ભાનુપ્રસાદ નાથાલલ શેલત પરિવાર યજમાન પદે યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે, ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે. ઉમરેઠ ખાતે યોજાતા વારાહી માતાના ઐતિહાસીક હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે. આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહી માતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે. વારાહી માતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે. હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે. ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના કાર્યકરો ખડે પગે કામે લાગી ગયા છે. ઉમરેઠના વારાહી ચકલા વિસ્તારમાં આવેલ મંદિરને સજાવવામાં આવ્યું છે. તેમજ હવન બાદ પરંપરાગત ગરબાનું પણ આ વારાહી ચોકમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમરૅઠનું પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર પણ આ હવનને લઈ પોતાની તૈયારીને આખરી ઓપ આપી હવન શ્રધ્ધાભેર યોજાય તેની તૈયારીમાં લાગી ગયું છે. વધુમાં હવનના આયોજક મિહિરભાઈ જોશીએ જણાવ્યું હતુ કે, નવરાત્રિ દરમ્યાન આસો સુદ- એકમ થી પૂનમ સુધી દરોજ્જે વારાહી માતાજીની આરતી થશે અને ત્યાર બાદ ચંદીપાઠનું આયોજન કરવામાં આવશે. આસો સુદ-૬ થી પૂનમ સુધી શ્રી વારાહીમાતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાર બાદ લ્હાણી વિતરણ કરવામાં આવશે. હવનની પૂર્ણાહૂતિ તા.૨૩.૧૦.૨૦૧૫ને શુક્રવારના રોજ સવારે ૫.૩૦ કલાકે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના વરદહસ્તે કરવામાં આવશે.

હવન દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારવાનું મહત્વ વારાહી માતાજીના હવન દરમ્યાન ૧૯ કવચ હોમવામાં આવે ત્યારે કાળા દોરાને ૧૯ ગાંઠ મારી શરીરે ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન શારિરીક સ્વાસ્થય સારું રહે છે, તેમજ અણધારી આપત્તિ, અને અકસ્માત સામે રક્ષણ મળતું હોવાની લોક માન્યતા વર્ષોથી પ્રચલિત છે તેમ હવનના આયોજક મિહિરભાઈ જોશીએ જણાવ્યું હતું.

 હવનના યજમાન પદે બેસવા ૪૫ વર્ષ રાહ જોવી પડે છે. – આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે.

ઉમરેઠના વડાબજારમાં મકાનમાં આગ લાગતા ઘરવખરીને નુકશાન


IMG_20151014_100854 IMG_20151014_100917

ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં આવેલ જૂમ્મા મસ્જીદ પાસે એક જૂના મકાનમાં દિવાની જ્યોત થી આગ લાગતા સવારના સમયે અફડા તફડી મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા આગને ઓલવવા માટે પ્રાથમિક પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આગ કાબુમાં ન આવતા આખરે ફાયર બ્રિગેડને બોલાવવાની નોબત આવી હતી. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ વડાબજાર વિસ્તારમાં મસ્જીદ પાસે બે મજલાના મકાનમાં દિવાની જ્યોતથી આગ લાગી હોવાને કારણે ધુમાળા દેખાતા સ્થાનિકો અચરજમાં મુકાઈ ગયા હતા, ત્યાર બાદ મકાનમાં તપાસ કરતા બેઠી આગ લાગી હતી જે ઓલવવા માટે પાણી છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતો જોત જોતામાં આગ વધુ ફેલાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ તુરંત ઘટના સ્થડે આવી આગને ભારે જહેમત બાદ કાબુમાં કરી હતી, પરંતુ ત્યાં સુધી મકાનના બીજા મજલે મુકેલી આશરે ૩૦ થી ૩૫ હજારની ઘરવખરી બળીને સ્વાહા થઈ ગઈ હતી. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાતા ઉમરેઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

રાંધણ ગેસ સિલેન્ડરની વેબ સાઈટથી નોંધણી કરતા સમયે ઓનલાઈન પેમેન્ટ પણ થઈ શકશે.


online_payment

સરકાર દ્વારા ડીઝીટલ ઈન્ડિયા કોન્સેપ્ટ રજૂ કર્યા બાદ ગ્રાહક અને વહેપારીઓનું કામ સરળ થાય તે માટે નવા-નવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે રાંધણ ગેસ સિલેન્ડરની નોંધણી આઈ.વી.આર.એસ થી પોતાના મોબાઈલ દ્વારા ગ્રાહકો કરતા હોય છે. આવા સમયે સિલેન્ડર ઘરે આવે ત્યારે ડિલીવરી મેનને ગેસ સિલેન્ડરનું પેમેન્ટ કરતા સમયે છુટ્ટા પૈસાની રામાયણ થાય છે, કેટલાક કિસ્સામાં ગ્રાહકો પાસે ડીલીવરી મેન દશ પંદર રૂપિયા વધારે વસુલ કરતા હોવાની પણ ફરિયાદો ઉઠે છે. આવી નાની નાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે રાંધણ ગેસ સિલેન્ડરની વેબસાઈટ દ્વારા નોંધણી કરાવતા સમયે ઓનલાઈન પેમેન્ટ થઈ શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વેબ સાઈટ પર ગેસ સિલેન્ડર નોંધણી કરાવતા સમયે ગ્રાહકને કેશ ઓન ડીલીવરી અને પે-ઓન લાઈન તેમ બે ઓપ્શન આપવામાં આવે છે. ગ્રાહક પે-ઓન લાઈન ઓપ્શન યુઝ કરી ગેસ સિલેન્ડરની રકમ ઓનલાઈન નેટબેંકિંગ અથવા તો ક્રેડીટ/ડેબીટ કાર્ડ દ્વારા કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કરીને મોટા શહેરોમાં આ સિસ્ટમ લોકપ્રિય થઈ ગઈ છે. અમદાવાદ,વડોદરા રાજકોટ જેવા શહેરોમાં તો કેટલાક ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરી સિલેન્ડર મેળવતા પણ થઈ ગયા છે. આવનારા દિવસમાં ઈન્ટરનેટનો વપરાશ જેમ જેમ વધશે તેમ તેમ ઓનલાઈન પેમેન્ટ કરી સિલેન્ડર મેળવવા ગ્રાહકો આકર્ષીત થશે તેમ ઓઈલ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે થાય..? રાંધણ ગેસ સિલેન્ડર ઓનલાઈન પેમેન્ટ કરવા માટે http://mylpg.in/ વેબસાઈટ પર જવાનું રહેશે. સદર વેબ સાઈટના હોમપેજ પર ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ભારત ગેસ ત્રણેય ઓઈલ કંપનીના સિલેન્ડર જમની બાજૂ ખૂણામાં દેખાશે. તમે જે કંપણીનો સિલેન્ડર વાપરતા હોવ તે કંપનીના સિલેન્ડર પર ક્લિક કર્યા બાદ જે તે ઓઈલ કંપનીની વેબસાઈટ ઓપન થઈ જશે, જો તમે પ્રથમ વખત વેબ સાઈટ થી સિલેન્ડર બુક કરાવતા હસો તો તમારે ન્યુ યુઝર પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. ત્યાર બાદ સાઈન-ઈન કરી બુક સિલેન્ડર પર ક્લિક કરી, ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરીને નેટબેંકિંગ કે કાર્ડ દ્વારા રાંધણ ગેસના સિલેન્ડરનું પેમેન્ટ કરી શકાશે.

ઉમરેઠના મેડીકલ સ્ટોર્સ ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં બંધ રહ્યા.


ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં ઓલ ઈન્ડિયા મેડીકલ સ્ટોર્સ એસોશિયેસન દ્વારા એક દિવસના બંધને સમર્થન આપતા આજે ઉમરેઠમાં મેડીકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.

ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં ઓલ ઈન્ડિયા મેડીકલ સ્ટોર્સ એસોશિયેસન દ્વારા એક દિવસના બંધને સમર્થન આપતા આજે ઉમરેઠમાં મેડીકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.

પ્રવર્તમાન કોમ્યુટર યુગમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. કપડા,મોબાઈલ સહીત ગીફ્ટ આર્ટીકલ થી માંડી પીઝા અને કોલ્ડ ડ્રીન્ક્સ જેવી ખાદ્ય વસ્તુઓ પણ લોકો ઓનલાઈન ખરીદ કરતા થઈ ગયા છે. ઓનલાઈન શોપિંગમાં જંગી ડીસકાઉન્ટ આપવામાં આવે છે. સમયના અભાવ તેમજ વિવિધ યોજનાઓ હોવાને કારણે આજનો યુવા વર્ગ ઓનલાઈન ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યો છે. સમયની માંગ અને ગ્રાહકોની માનસિકતાનો અભ્યાસ કરી હવે મેડીકલ સ્ટોર્સ પણ ઓનલાઈન ખુલવા લાગ્યા છે અને ઘરે બેઠા ડીસ્કાઉન્ટ ભાવથી દવાનું વેચાણ કરવાનું શરૂ કરી દીધું છે. ઓનલાઈન મેડીકલ સ્ટોર્સના સદર કોન્સેપ્ટને મોટા શહેરોમાં સારો પ્રતિસાદ મળવાનું પણ શરૂ થઈ ગયું છે, ત્યારે ઓનલાઈન મેડીકલ સ્ટોરથી મોટા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારના મેડીકલ સ્ટોરના સંચાલકોના ધંધા પડી ભાગવાની દહેશત સહીત નશીલી દવાનું વેચાણ પણ બેરોકટોક શરૂ થઈ જશે તેવા ભયના પગલે ઓલ ઈન્ડિયા મેડીકલ સ્ટોર્સ એસોશિયેશન દ્વારા એક દિવસ માટે બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવતા આજે તા.૧૪.૧૦.૨૦૧૫ના રોજ ઉમરેઠના તમામ મેડીકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. આ અંગે ઉમરેઠના રજનીકાન્ત એન્ડ બ્રધર્સ મેડીકલ સ્ટોર્સના સંચાલકે જણાવ્યું હતુ કે, ઓનલાઈન દવાનું વેચાણ શરૂ થયાના વિરોધમાં એક દિવસ માટે પ્રતિકાત્મક બંધ પાડવામાં આવ્યો છે. ઓનલાઈન દવાના વેચાણમાં મેડીકલ સ્ટોર્સને લાગુ પડતા ધારાધોરણનું ચુસ્ત પણે પાલન પણ ન થતુ હોવાનો આક્ષેપ મેડીકલ સ્ટોર્સના સંચાલકો કરી રહ્યા છે. આ અંગે એસોશિયેસન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી આવનારા દિવસોમાં સરકાર દ્વારા સકારાત્મક વલણ દાખવવામાં આવે તેવી અપેક્ષા મેડીકલ સ્ટોર્સના ધારકો કરી રહ્યા છે. જો ઓનલાઈન દવાનું વેચાણ બેરોકટોક ચાલું જ રહેશે તો આવનારા દિવસોમાં મેડીકલ સ્ટોર્સ એસોશિયેસન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે “એચ” ડ્રગ્સમાં આવતી તમામ દવા માટે ર્ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે, જ્યારે કેટલીક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર પણ આપવાની છુટ હોય છે. કેટલાક વિકસીત દેશોમાં પણ દવાઓની ખરીદી ઓનલાઈન કરવાની છુટ મળી છે ,પરંતુ જે દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોય છે તેવી દવાઓની ઓનલાઈન ખરીદ-વેચાણ પર વિકસીત દેશોમાં પણ પ્રતિબંધ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

કઈ વેબસાઈટ ઓનલાઈન દવાનું વેચાણ કરે છે.?

ઓનલાઈન દવાની ખરીદી કરવામાં ગ્રાહકો મુખ્યત્વે ત્રણ વેબસાઈટ પર વધારે ભાર મુકી રહ્યા છે. www.medidart.comwww.netmeds.comwww.merapharmacy.com તમામ વેબસાઈટ દ્વારા દશ થી પંદર ટકા જેટલું ડીસકાઉન્ટ આપવામાં આવે છે. દવાઓ સિવાય આ વેબસાઈટ્સ પર પ્રોવિઝન સ્ટોર્સમાં મળતી વસ્તુઓ પણ ખરીદી શકાય છે.ઓનલાઈન દવાની ખરીદી કરવામાં સૌથી મોટો ફાયદો ડીસ્કાઉન્ટ છે જેને પગલે ગ્રાહકો ઓનલાઈન સ્ટોર પ્રત્યે આકર્ષીત થઈ રહ્યા છે.

ઓનલાઈન દવા કઈ રીતે ખરીદી શકાય..?

ઓનલાઈન દવા ખરીદ કરવા માટે ર્ડોક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શન વેબસાઈટ પર અપલોડ કરવાનું રહે છે. વેબસાઈટના સંચાલકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન જોઈ દવાનો ઓર્ડર ઓનલાઈન કંન્ફોર્મ કરવામાં આવે છે,અને પેમેન્ટની ઔપચારિકતા પૂર્ણ થતાની સાથે દવાની ડીલીવરી કરવામાં આવે છે.

શા માટે દવાની ઓનલાઈન ખરીદી ન કરવી જોઈયે..?

મેડીકલ લાઈનના નિષ્ણાંતોના મત મુજબ ઓનલાઈન દવાની ખરીદી કરવી જોખમી છે. પહેલાતો પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા ન મળેતો દવા પરત કરવા માટે ગ્રાહકે આંટીઘુટીમાં ફસાવવાનો વારો આવે છે. આ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શનમાં દર્શાવ્યા પ્રમાણે દવા ન આપી ઓનલાઈન સ્ટોર દ્વારા લાગતીવળગતી દવા પણ પધરાઈ દેવાય તો નવાઈ નહી. કેટલાય મેડીકલ સ્ટ્રોર્સ દ્વારા ગ્રાહકે દવા ખરીદ કર્યા પછી દર્દીને જરૂર ન હોય તો દવા પરત પણ લઈ લેવાની ફ્લેક્શીબલ નિતિ પણ અપનાવવમાં આવે છે જે ઓનલાઈન સ્ટોર્સ પર શક્ય નથી.

ઓનલાઈન મેડીકલ સ્ટોર્સ શા માટે ભયજનક..?

ઓનલાઈન મેડીકલ સ્ટોર્સને પ્રાપ્ત થતા પ્રિસ્ક્રિપ્શન સાચા છે કે ખોટા તેની ખાતરી કર્યા વગર તેઓ દવાઓનું વેચાણ કરે છે. કેટલાક લોકો બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી નશીલી દવાનો મોટો જથ્થો અલગ અલગ વેબસાઈટ પરથી ખરીદ કરવામાં સફળ થઈ જાય તો નવાઈ નથી.કંપનીઓ પણ એક જ દવા અલગ અલગ નામે બજારમાં મૂકે તો દવાના વેચાણને નિયંત્રણમાં રાખવું કઠિન બની જશે.

ઉમરેઠ જાગનાથ ભાગોળ થી સેંટ ઝેવિયર્સ જતો માર્ગ નવો બનશે..!


છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠ જાગનાથ ભાગોળથી સેંટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જતો માર્ગ બિસ્માર થઈ ગયો છે, રસ્તા માંથી સળીયા પણ બહાર ડોકાચિયા કરી રહ્યા છે જેને પગલે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહ્યા કરે છે. આ અંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરેઠ જાગનાથ ભાગોળ થી સેંટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જતો માર્ગ તંદુરસ્ત કરવા માટે રજૂઆતો મળતાની સાથે આ માર્ગ નવો બનાવવા ચક્રોગતિમાન કરી દીધા છે. રસ્તો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલ છે અને માર્ગ શક્ય હોય તેટલો જલ્દી બનાવવા માટે સબંધીત કોન્ટ્રાકટરોને સુચનો પણ આપેલ છે. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં ઉમરેઠમાં અન્ય વિસ્તારમાં પણ રસ્તા બનાવવાનું કામ ચાલ્દી રહ્યું છે અને તબક્કાવાર સમગ્ર ઉમરેઠમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે.જાગનાથ ભાગોળ થી સેંટ ઝેવિયર્સ સુધી જતો રસ્તો બિસ્માર હોવાથી સદર માર્ગને સત્વરે નવો બનાવવા માટે અગ્રિમતા આપી આગામી દશ દિવસમાં નવો રસ્તો બની જાય તેવા સુચનો આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ નવો બનવાથી સૈફુલ્લાબાવા ની દરગાહ, આઈ.ટી.આઈ કોલેજ સહીત જાગનાથ મહાદેવ ખાતે આવતા મુલાકાતીઓ અને શ્રધ્ધાળુંઓ સહીત સ્થાનિકોને રાહત થશે

ગૃહમંત્રી રજનીકાન્ત પટેલના હસ્તે.. ઉમરેઠ પોલીસ સ્ટેશનના નવા મકાનનો ઉદઘાટન સમારોહ યોજાયો.


03_Police 01_police 02_Police

ઉમરેઠ બસ સ્ટેશન પાસે વિંઝોલ માર્ગ પર આકાર પામેલ નવનિર્મિત ઉમરેઠ પોલીસનો લોકાર્પણ સમારોહ આજે ગૃહમંત્રી રજનીકાન્તભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડા અશોક યાદવે મહેમાનોને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉમરેઠમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતા ગૃહમંત્રી રજનીકાંત પટેલે જણાવ્યુમ હતુ કે,પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત પ્રશંશનીય કામગીરી થઈ રહી છે. સુરક્ષા સેતુ કાર્યક્રમ પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ સમાન છે. તેઓએ ઉમેર્યું હતુ કે નવા પોલીસ સ્ટેશનમાં અનેક સુવિધાઓ આપવામાં આવીછે જેથી પોલીસને તેઓના દૈનિક કામ કરવામાં સુગમતા રહેશે તેઓએ સાથે સાથે તેમ પણ જણાવ્યું હતુ કે,પોલીસે પ્રજાનો સાચો મિત્ર બની સમાજના છેવાળાના લોકોને પણ સુરક્ષા પુરી પાડવી જરૂરી છે. ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે નવું પોલીસ સ્ટેશન અદ્યતન સુવિધાથી સજ્જ છે,ત્યારે આ સુવિધાઓ ભવિષ્યમાં પણ વ્યવસ્થીત રીતે ચાલુ જ રહે તે ખુબ જ જરૂરી છે. સમય બદલાય એટલે સમયની માંગ મુજબ સરકારી કચેરીઓનું અપગ્રેડેશન ખુબજ જરૂરી છે જેથી કર્મચારીઓને સાનુકૂળ વાતાવરણમાં કામ કરવાનું સરળ રહે. ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવી સહીત ઉમરેઠ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉમરેઠ પોલીસ સ્ટેશનના નવનિર્મિત મકાનના લોકાર્પણને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સદર સમારોહમાં ઉમરેઠની સામાજિક સંસ્થાના હોદ્દેદારો, વહેપારીઓ સહીત ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગરાજસિંહ ચૌહાણ, અમદાવાદ ખાડીયા મત વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ તેમજ જિલ્લા પોલીસ વડા અશોક યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ સ્ટેશન જીસ્વાન કનેક્ટીવીટીથી સજ્જ –  જે.એન.ગઢવી

ઉમરેઠના નવા પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી કેમેરા સહીત જીસ્વાન કનેક્ટીવીટીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે તેમ જણાવતા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવીએ જણાવ્યું હતુ કે, નવા પોલીસ સ્ટેશનમાં મુલાકાતી માટે પણ અલાયદી બેઠક વ્યવસ્થા,બગીચો અને અન્ય ટેક્નીકલ સુવિધાઓ વધારવામાં આવી છે. આ ઉપરાંત મહીલાઓ માટે અલગ રૂમ બનાવવમાં આવ્યો છે, અને પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આવેલ છે.

ખેડૂતોનો વિજળી અને પાણીનો પ્રશ્ન દૂર કરવા ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીની રજૂઆત ઉમરેઠ નગરના નવા પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે પ્રાસંગીક પ્રવચન સાથે ખેડૂતોની સમસ્યા અંગે પણ તેઓએ રાજ્ય કક્ષાના મંત્રી છત્રસિંહ મોરીનું ધ્યાન દોર્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે, પહેલા ખેડૂતોને કૂવા માટે વિજળી દશ કલાક આપવામાં આવતી હતી જ્યારે હવે તેમાં કાપ મુકીને ૮ કલાક જ વિજળી આપવામાં આવે છે. કેનાલમાં પણ પાણી અપૂરતુ હોવાને કારણે ખેડૂતોનો ઉભો પાક બળી જાય તેવી દહેશત છે ત્યારે એક તરફ ગતીશીલ ગુજરાતની વાત થાય છે ત્યારે બીજી બાજૂ ગુજરાતના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપનાર ધરતીપૂત્રોની જ અવગણના થઈ રહી છે. સદર પરિસ્થિતિને સુધારવા માટે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીએ ઉગ્ર રજૂઆત કરી હતી. 

બે વર્ષ પહેલા નવું પોલીસ સ્ટેશન બનાવવા રજૂઆત કરી હતી. – જયંતભાઈ પટેલ (ધારાસભ્ય ઉમરેઠ)

ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરેઠનું પોલીસ સ્ટેશન વર્ષો જૂનું હતુ, પોલીસ સ્ટેશનમાં તાલુકા કક્ષાને છાજે તેવી વ્યવસ્થાનો અભાવ પણ હતો જેથી તેઓએ તા.૧૦.૪.૨૦૧૩ના રોજ જેતે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજે ઉમરેઠને સી.સી.ટી.વી કેમેરા સહીત જીસ્વાન કનેક્ટીવીટી સહીત અલાયદી સુવિધા સાથે પોલીસ સ્ટેશન પ્રાપ્ત થયું છે જે આવનારા સમયમા પોલીસ અને પ્રજા બંન્ને માટે સુવિધાજનક સાબીત થશે

SWAS સંસ્થાના સહયોગથી પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ …… ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા “સેલ્ફી વીથ પ્લાન્ટ” કાર્યક્રમ યોજાયો.


 શ્રી દેવકીનંદબાવાશ્રી (નંદાલય – વિદ્યાનગર)ની પ્રેરણા અને આશિર્વાદથી લગભગ પંચોતેર થી સો જેટલા યુવાનો અભિયાનમાં જોડાયા, છોડ સાથે સેલ્ફી લઈ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા કટીબધ્ધતા દર્શાવી.

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવતી સંસ્થા SWAS ના સહયોગથી ઉમરેઠના શ્રી ગિરિરાજધામ ખાતે શ્રી દેવકીનંદબાવાશ્રી (નંદાલય – વિદ્યાનગર)ની પ્રેરણા અને આશિર્વાદથી વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ યુવાનોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુ થી “સેલ્ફી વીથ પ્લાન્ટ” અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેનાર શ્રી દેવકીનંદજીબાવાશ્રીએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વ હવે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી પીડાઈ રહ્યું છે. ત્યારે ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ માટે જે સકારાત્મકતા દર્શાવી તે વખાણવા લાયક છે,તેઓએ ઉમેર્યું હત કે વૃક્ષા રોપણ કરવા થી વાતાવરણમાં સકારાત્મકતા આવે તે માટે વૃક્ષો રોપવા સાથે તેની જાળવણી પણ કરવી ખુબજ જરૂરી છે.ઉમરેઠમાં SWAS સંસ્થાના બેનર હેઠડ કેટલાય સમય થી પ્રેમલ દવે નામનો યુવાન અને તેઓના બે મિત્રો દ્વારા ઉમરેઠમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન કરવાનું ભગીરથ કાર્ય કરે છે,તેઓના આ કાર્યને વેગ આપવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના યુવાનો દ્વારા શ્રી ગીરીરાજધામ ઉમરેઠ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો અને આ તમામ વૃક્ષોનો યોગ્ય ઉછેર થાય તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી. આ ઉપરાંત યુવાનોમાં વૃક્ષોના જતન અંગે જાગૃતિ આવે તે હેતું થી ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના યુવાનો દ્વારા પ્લાટ સાથે સેલ્ફી લઈ સોશિયલ સાઈટ્સ પર અપલોડ કરી હતી. યુવાનોના સદર કાર્યની ઉમરેઠ ખડાયતા સમાજ સહીત નગરના લોકોએ ભારોભાર પ્રશંશા કરી હતી અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલ સદર કાર્યક્રમ ભવિષ્યમાં પણ આગળ ધપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે વધુ જાણકારી આપતા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યોએ જણાવ્યું હતુ કે પ્રવર્તમાન સમયમાં સેલ્ફીનો યુવાનોમાં ખાસ્સો ક્રેઝ છે ત્યારે પ્લાન્ટ સાથે સેલ્ફી લઈ યુવાનોમાં પર્યાવરણ બચાવવા માટે સંદેશો સારી રીતે પહોંચાડી શકાય છે. વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યો સહીત શ્રી ગીરીરાજધામ ઉમરેઠના સંચાલકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

%d bloggers like this: