આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2012

રક્તદાન કેમ્પ યોજાયો


ઉમરેઠ – ઉમરેઠ જી.આઈ.ડી.સીના વહેપારીઓ દ્વારા આણંદ રેડક્રોસ સોસાયટીના સહયોગથી જી.આઈ.ડી.સી ખાતે તાજેતરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જી.આઈ.ડી.સીના ઉદ્યોગકારો,મજૂરો તેમજ ઉમરેઠના યુવાનો દ્વારા રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવવામાં આવી હતી. કહેવાય છે એક તંદુરસ્ત વ્યક્તિ જો વર્ષમાં ત્રણ વખત રક્તદાન કરે તો કેટલાય જરૂરિયાતમંદ લોકોના જીવ બચી શકે તેમ છે. ઉમરેઠમાં યોજાયેલ સદર રક્તદાન કેમ્પમાં લગભગ ૭૦ જેટલા રક્તના યુનિટ એકઠા થયા હતા.

અવસાન નોંધ / બેસણું


ઠાકોરલાલ શાંતિલાલ ચોકસીના ધર્મપત્નિ મંજૂલાબેન ઠાકોરલાલ ચોકસીનું નિધન થયેલ છે. તેઓનું બેસણું તા.૧.૫.૨૦૧૨ના રોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાકે નાસિકવાળા હોલ, ઉમરેઠ ખાતે રાખેલ છે.

ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે ટીકીટ મેળવવા સંભવિત ઉમેદવારોની કસરત શરૂ..!


  • યક્ષ પ્રશ્ન – ઉમરેઠના આગામી ધારાસભ્ય કોણ..?

આગામી વિધાનસભાની ચુંટણીમાં ઉમરેઠ મત વિસ્તારમાં ભાજપ અને કોગ્રેસ દ્વારા ઉમેદવાર ઉભો કરવા માટે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતી પેદા થાય તેમા કોઈ બે-મત નથી. ખાસ કરીને કોગ્રેસ પક્ષમાં ત્રણ જેટલા ઉમેદવારો વિધાનસભાની ટીકીટ મેળવવા તલપાપડ થઈ રહ્યા છે ત્યારે કોગ્રેસને આંતરીક વિગ્રહ ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે તેમ લાગી રહ્યું છે. ઉપરથી કોગ્રેસના સહયોગી પક્ષ એન.સી.પીના ઉમેદવાર પણ આ વખતે નવી સિમાંકનની પરિસ્થિતીમાં ઉમરેઠ વિધાનસભા માંથી ચુંટણી લડવાન તૈયારીઓ કરી રહ્યા હોવાનું રાજકિય વિશેષજ્ઞો જણાવી રહ્યા છે. ત્યારે આવનાર વિધાનસભાની ચુંટણીને લઈ સમગ્ર ઉમરેઠમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. હાલના તબક્કે પ્રજાને રીઝવવાના પ્રશ્નોની જગ્યાએ કોગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા પોતાના તેમજ સહયોગી પક્ષને ઉમેદવારને વિશ્વાસમાં લઈ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનો પક્ષ પ્રશ્ન ઉભો થયો છે.જો કે, ભાજપમાં ઉમેદવારની પસંદગી માટે માત્ર બે જ વિકલ્પો હોવાથી ઉમેદવારની પસંદગી કરવામાં કોઈ મોટી સમસ્યા નહી નડે તેમ ભાજપના કાર્યકરો જણાવી રહ્યા છે.

ભાજપના સંભવિત ઉમેદવારો –

(૧) વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ-પ્રમુખ,ઉમરેઠ નગરપાલિકા
(૨) ભૃગુરાજસિંહ ચૌહાણ – પ્રમુખ,ઉમરેઠ તાલુકા પંચાયત

ઉમરેઠ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે મુખ્ય બે ઉમેદવારો હાલમાં મેદાનમાં હોવાનું ભાજપના કાર્યકરો સહીત ઉમરેઠના નગરજનો ચર્ચા કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર પદે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ તેમજ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી સ્પર્ધા છે. બંન્ને ઉમેદવારો દ્વારા મોવડી મંડળ સુધી પોતાની દાવેદારી સહીતની રજૂઆતોને આખરી ઓપ પણ આવમાં આવ્યો હોવાની પણ સૂત્રો ચર્ચા કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભા સીટ ઉપર ક્ષત્રિયલોબીનું વરચસ્વ હોવા છતા વિષ્ણુભાઈ પટેલ ૨૦૦૨માં ૧૪૯૭૦ મતથી વિજય થયા હતા. તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપમાં પોતાની શાખ કાયમ રાખવામાં સફળ નિવળ્યા છે, હાલમાં ગત નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ વિરોધી વાતાવરણમાં પણ ભાજપને જીતાડી તેઓ પોતાની કાબેલીયત સાબિત કરી ચુક્યા છે, જેથી મોવડી મંડળ વિષ્ણુભાઈ પટેલ ઉપર વિશ્વાસ રાખી ભાજપના ઉમેદવાર તરીકે તેઓને આગળ કરે તેમ શક્ય છે. પરંતું જો કોગ્રેસ દ્વારા કોઈ ક્ષત્રિય ઉમેદવાર ઉભો કરવામાં આવે તો વિષ્ણુભાઈ પટેલનું પત્તું કપાઈ જાય તેમાં પણ કોઈ બે મત નથી. ૨૦૦૨માં ભાજપ તરફી મોજૂ હોવાને કારણે મોટી સરસાઈ મળી હશે તેમ વિચારી કદાચ ભાજપનું મોવડી મંડળ આગામી વિધાનસભામા ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારે તો નવાઈ નથી.

બીજી બાજૂ જો કોગ્રેસ ક્ષત્રિય ઉમેદવારનું કાર્ડ રમે તો પણ ભાજપે કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે તાજેતરમાં કોગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા ભૃગૃરાજસિંહ ચૌહાણ પણ એક ક્ષત્રિય ઉમેદવાર તરીકે કોગ્રેસના કોઈ પણ ક્ષત્રિય ઉમેદવાર સાથે બાથ ભિડવા સક્ષમ છે. ઉમરેઠ તાલુકા પંચાયતમાં લગભગ પંદર વર્ષથી પ્રમુખ પદે ચુંટાતા ભૃગુરાજસિંહ ચૌહાહ ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંત શિક્ષિત હોવાને કારણે ધારાસભ્ય તરીકે તેઓ પ્રજાના પ્રશ્નો ગાંધિનગર સુધી પહોંચાડવા ખૂબજ કારગત સાબિત થશે પરંતું લોકલ ઉમરેઠમાં તેઓ ઓછું નેટવર્ક ધરાવતા હોવાથી તેઓનો પણો ઉમેદવાર તરીકે ટુંકો પડી જાય તો નવાઈ નહી..! છતા પણ લોકલ ઉમરેઠના વોટરની જબાબદારી સ્થાનિક ભાજપના કાર્યકરો ઉપાડી લે અને ભૃગરાજસિંહને સમર્થન કરે તો ભાજપને ઉમરેઠ બેઠક ઉપર હાર આપવી કોગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થાય તેમ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા વિધાનસભાની ચુંટનીમાં માત્ર બે જ ઉમેદવારોને વિશ્વાસમાં લઈ યોગ્ય દીશામાં આગળ વધવાની જરૂર છે અને જો આ અભિગમથી ભાજપ ચુંટણીમાં પ્રજા સમક્ષ આવશે તો વિજયનો માર્ગ ભાજપ માટે મોકળો થઈ જશે.

ભાજપમાં ભૂષણ ભટ્ટ પાછલા રસ્તે એન્ટ્રી મારે તો નવાઈ નહી..!

ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં આમ તો હાલમાં માત્ર બે નામો ચર્ચાઈ રહ્યા છે. જેમાં ઉમરેઠ તાલુકા પંચાતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ અને ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના નામો પહેલી હરોળમાં છે. પરંતું મૂળ ઉમરેઠના અને હાલમાં અમદાવાદ ખાડીયા વિસ્તારના ધારાસભ્ય અને સ્વ. અશોકભાઈ ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટ પણ ઉમરેઠથી ચુંટણી લડે તેવા સમિકરોનો નકારી શકાય નથી. હાલના દિવસોમાં ભૂષણ ભટ્ટની ઉમરેઠ વિસ્તારમાં ચહેલ પહેલ ખાસ્સી વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મૂજબ ભૂષણ ભટ્ટ ઉમરેઠના ભાજપના નેતાઓને વિશ્વાસમાં લઈ પોતાની દાવેદારી ઉમરૅઠ વિધાનસભા માંથી કરવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતું તે પણ નક્કી છે કે ઉમરેઠના સ્થાનિક નેતાઓ સાથ આપશે તો જ ભૂષણ ભટ્ટ ઉમરેઠથી ચુંટણી લડવા તૈયાર થશે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ભૂષણ ભટ્ટ મૂળ ઉમરેઠના હોવાથી તેઓને લોકલ સપોર્ટ પણ મળી શકે તેમ છે.

કોગ્રેસના સંભવિત ઉમેદવાર

(૧) લાલસિંહભાઈ ઉદેસિંહભાઈ વડોદિયા
(૨) સુભાષભાઈ શેલત
(૩) ગંણપતસિંહ ચૌહાણ

ઉમરેઠ વિધાનસભાના ઉમેદવા પદે ભાજપની સરખામણીમાં કોગ્રેસમાં વધુ ખેંચાખેંચ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સીટીંગ ધારા સભ્ય લાલસિંહભાઈ વડોદિય ગત ચુંટણીમાં જીતવા માટે હોટ ફેવરેટ કહેવાતા વિષ્ણુભાઈ પટેલને ૪૧૧૫ વોટથી હરાવી કોગ્રેસના મોવડી મંડળ સમક્ષ પોતાની શક્તિ બતાવી દીધી હતી આ ઉપરાંત ગત વિધાનસભાની ચુંટણીમાં લાલસિંહ વડોદિયા ભાજપ માંથી કોગ્રેસમાં આવીને ચુંટણી જીતી જતા ભાજપની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. તેઓના પાછલા પ્રદર્શનને ધ્યાનમાં રાખી તેઓને ટીકીટ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી પરંતું સિક્કાની બીજી બાજૂ જોઈયે તો લાલસિંહભાઈ વડોદિયા ક્ષત્રિય વોટ બેંક ધરાવતા હોવા છતા ભાજપના પટેલ ઉમેદવાર સામે માત્ર પાંચ હજજાર જેટલી સરસાઈથી હરાવી શક્યા તે પણ કોગ્રેસ માટે વિચાર માગી લેતો મુદ્દો છે. જેથી લાલસિંહ વડોદિયાની બદલે કોગ્રેસ અન્ય ઉમેદવાર તરફ નજર કરે તો નવાઈ નહી..!

બીજી બાજુ ઉમરેઠના માજી ધારાસભ્ય અને ભૂ.પૂ.આરોગ્ય મંત્રી સુભાષભાઈ શેલત પણ કોગ્રેસની ટીકીટ માટે પ્રબળ દાવેદાર છે. છેલ્લા કેટલાય સમયથી કોગ્રેસમાં આગળ પળતો ભાગ તેઓ ભજવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોગ્રેસમાં છેક ઉપર સુધી પહોંચ ધરાવે છે. કહેવાય છે જો ભાજપ વિષ્ણુભાઈ પટેલને ટીકીટ આપે તો કોગ્રેસ સુભાષભાઈ શેલતને અજમાવી શકે છે, કારન કે ઉમરેઠ સ્થાનિકના મત સુભાષભાઈ શેલત જ અન્ય કોગ્રેસના ઉમેદવારની સરખામણીમાં વધુ મેળવી શકે તેમ છે. આ  વધુમાં ૨૦૦૨માં ભાજપના વિષ્ણુભાઈ પટેલ સામે તેઓનો પરાજય થયો હતો, આ સમયે તે સમયે અપક્ષ ઉમેદવાર ગણપતસિંહ ચૌહાણે લગભગ ૧૭૫૫૮ મત નિકાળ્યા હતા રાજકિય વિશેષજ્ઞો ચર્ચા કરી રહ્યા છે કે આ સમયે જો ગણપતસિંહ ચૌહાણ અપક્ષ તરીકે ન ઉભા રહ્યા હોત તો ૨૦૦૨ના જબર જસ્ત ભાજપ તરફી વાતાવરણમાં પણ સુભાષભાઈ શેલત વિજેયતા થઈ  શક્યા હોત ત્યારે બહોળું રાજકિય જ્ઞાન ધરાવતા સુભાષ શેલતને ઉમેદવાર તરીકે કોગ્રેસ મેદાનમાં લાવે તો નવાઈ નથી.

વધુમાં કોગ્રેસમાં ત્રીજા ઉમેદવાર માટે ઉમરેઠ તાલુકાના ખોરવાડના ગણપતસિંહ ચૌહાણ પણ કોગ્રેસની ટીકીટ મેળવવા આકાશ પાતળ એક કરી રહ્યા છે. ગણપતસિંહ ચૌહાણ ક્ષત્રિય વોટ બેંક ઉપર એક હથ્થું રાજ કરી શકવા સક્ષમ છે, તેઓ આ પહેલા પણ ૨૦૦૨માં વિધાન સભા ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું આ સમયે તેઓએ એકલા હાથે ૧૭૫૫૮ વોટ મેળવી તમામ પક્ષની આખો પહોળી કરી નાખી હતી. જો ભાજપ ક્ષત્રિય ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે આગળ કરે તો કોગ્રેસ ગણપતસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવે તે પણ શક્યતા છે. કારણેકે ભૃગુરાજસિંહ ચૌહાણની સરખામણીમાં ગણપતસિંહ ચૌહાણ સ્થાનિક ઉમરેઠમાં સારી પક્કડ ધરાવે છે. પરંતુ આ સમયે સુભાષભાઈ શેલત અપક્ષ ઉમેદવાર તરીકે આગળ આવે તો કોગ્રેસની આંતરીક લડાઈમાં ભાજપ ભાવી જાય તેમાં નવાઈ નહી..! ચર્ચા તે પણ થઈ રહી છે કે તાજેતરમાં ગણપતસિંહ ચૌહાણ અને લાલસિંહ વડોદિયા પાસે કોગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાએ બેઠક પણ કરી હતી અને આ બંન્ને સંભવિત ઉમેદવારોને એકમેકના વિશ્વાસ સાથે આગળ વધી કોગ્રેસ પક્ષને મજબૂત કરવા હાકાલ કરી હતી. પરંતુ આગામી ચુંટણીમાં કોણ ઉમેદવાર તરીકે પ્રજા સમક્ષ આવશે તે વાતને લઈ હજૂ પણ અનેક પ્રશ્નો યથાવત છે. ત્યારે ખાસ કરીને કોગ્રેસને ઉમેદવાર નક્કી કરવામાં અગ્નિ પરિક્ષા માંથી પસાર થવું પડે તેવી પરિસ્થિથી પેદા થઈ શકે છે.

જો એન.સી.પી ને ઉમરેઠ બેઠક મળે તો…

જો કોગ્રેસ અને એન.સી.પી ગઠબંધન બરકરાર રહે અને એન.સી.પી ઉમરેઠ વિધાનસભા બેઠક મેળવવામાં સફળ થાય તો એન.સી.પી ના ઉમેદવાર પદે માત્રને માત્ર જયંતભાઈ પટેલ (બોસ્કી)ને ફાળે ટીકીટ જાય તેમાં કોઈ શંકા નથી. હાલમાં નવા સીમાંકન મુજબ સારસા મત વિસ્તાર ઉમરેઠમાં સમાવવામાં આવ્યો છે. જ્યારે વર્ષોથી સારસા મત વિસ્તારમાં જયંતભાઈ બોસ્કીનું એક હથ્થુ સાસન રહ્યું છે. સારસા મત વિસ્તારમાં પટેલ લોબીનું જયંતભાઈ બોસ્કીને સંપૂર્ણ સમર્થન હોવાથી તેઓ પણ કોઈ પણ ઉમેદવારને ટક્કર આપવા સક્ષમ છે. હાલમામ સ્થાનિક ઉમરેઠમાં પણ જયંતભાઈ બોસ્કી ઘુસપેઠ શરૂ કરી દીધી છે, નગરના કેટલાય સમારોહમાં તેઓની સુચક હાજરી ઘણું બધું કહી જાય છે. કહેવાય છે, જયંતભાઈ બોસ્કી નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં છે, ઉમરેઠ તાલુકા ગરીબ કલ્યાન મેળામાં પણ નરેન્દ્ર મોદી(ભાજપ) દ્વારા બિન ભાજપીય ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીને આમંત્રણ મળ્યું હતુ અને તેઓ હાજર પણ રહ્યા હતા ત્યારે જો કોગ્રેસ અને એન.સી.પીના સમીકરણો બદલાય અને ઉમરેઠ વિધાનસભા સીટ કોગ્રેસના ફાળે જાય તો રાજકિય લાભ જોઈ જયંતભાઈ પટેલ(બોસ્કી) ભાજપ તરફ મીટ માડી ભૃગુરાજસિંહ અને વિષ્ણુભાઈને કૂદી ભાજપની ટીકીત માંગી બેસે તો પણ નવાઈ નહી..! આ પરિસ્થિતિ પેદા થશે તો ભાજપમાં આંતરિક ભુકંપ સર્જાય તેમાં પણ કોઈ શંકા નથી. પરંતું આ પરિસ્થિતિની સંભાવણા ખૂબ જ ઓછી છે તેમ પણ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે.

એકંદરે ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં નવા સીમાંકન મુજબ સારસા મત વિસ્તારમાં માત્ર જયંતભાઈ ચોકસી અને તમાકુના ધંધામાં વર્ષોથી સ્થાહી થયેલ કોગ્રેસના ગણપતસિંહ ચૌહાણ દબદબો ધરાવે છે, અન્ય ઉમેદવારોને જો ટીકીટ મળે તો તેઓએ સારસા મત વિસ્તાર માંથી એક-એક મત નિકાળવો સમુદ્રનું પાણી ઉલેચવા જેટલું અઘરૂં હશે..! હાલમાં તમામ સંભવિત ઉમેદવારો પોતપોતાનું જોર અજમાવી મોવડી મંળડને રીઝવવાનો પ્રયાસ કરતા હોય તેમાં નવાઈ નથી..! ત્યારે ભાજપ અને કોગ્રેસ દ્વારા કયા ઉમેદવારો મેદાનમાં લાવવામાં આવશ એતો આવનારો સમય જ નક્કી કરશે.

નોંધ – તમારા મતે ઉમરેઠના આગામી ધારાસભ્ય પદે કયો ઉમેદવાર સક્ષમ છે તે વોટ કરવા તમારા ફેશબુક એકાઊન્ટમાં લોગ ઈન કરો પછી અહિયા ક્લિક કરો.

ચાલ..લાગી ૧૦૦ની… ઉમરેઠમાં આઈ.પી.એલ મેચને લઈ લાખ્ખોની “શરતો” વાગે છે..!


  • મૌખિક શરતોમાં બે મેચમાં લાખ રૂપિયા આસપાસ ટર્ન ઓવર થતું હોવાની શક્યતા.

એક તરફ મોટા શહેરોમાં આઈ.પી.એલની મેચોને લઈ કરોડોના સટ્ટા રમવામાં આવે છે ત્યારે બીજી બાજૂ ઉમરેઠ પંથકના ક્રિકેટ રસીકોમાં “શરતો”નું બજાર ગરમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને કોલેજીયન યુવાનો “શરતો”ના બહાને પોતાની પોકેટ મનીનો બંદોબસ્ત કરી દેતા હોય છે ત્યારે કેટલાક બદનસિબ યુવાનોને પોતાના પોકેટ ખાલી કરવાની પણ નોબત આવી જાય છે. ત્યારે આજે શરતોના બજારમાં બાદશાહ બનતા લંબરમુછરીયાઓ આવતી કાલે સટ્ટાકિંગ બનવાના પણ સપના જોતા હોય તેમાં નવાઈ નથી.

સાંજે ૪ વાગે એટલે ક્રિકેટ રસીકો પોતાના ઘરે દૂકાને અથવાતો મિત્રો સાથે ટી.વી સેટ સામે બેસી જાય છે,અને જાત જાતની શરતો લગાવી દેતા હોય છે. આમ જોવા જઈયે તો શરતો નાની રકમોની હોય છે પરંતું જો સમગ્ર ઉમરેઠ પંથકની આવી નાની શરતો અંગે વિચારીયે તો આંકડો લાખ ઉપર થઈ જતો હોવાનું કેટલાક યુવાનો જણાવી રહ્યા છે. કહેવાય છે, પ્રોફેશનલ સટ્ટા બજારમાં આવી શરતો લગાવવાથી કોઈ દિવસ કાનુનના સકંજામાં આવી જવાનો ભય અને હારજીતની મોટી રકમને ધ્યાનમાં રાખી હવે યુવાનો પોતાના જ ગૃપમાં નાના પાયે શરતો લગાવી આઈ.પી.એલ મેચ દરમ્યાન રોકડી કરવાના મૂળમાં છે. અને પોતાના ગૃપમાં જ આવી શરતો લગાવવાથી હાર-જીતના સમયે પૈસા આપવા કે લેવામાં વાર-વાયદા પણ કરી દેવાની સવલત મળી જાય છે.

ખાસ કરીને આવી શરતો લગાવા માટે પણ સટ્ટા બજારની મોડસ ઓપરેનડી અપનાવવામાં આવે છે. મેચ શરૂ થતાની સાથે ટોસ કોણ જીતશે તેવી શરતથી વાત શરૂ થાય છે ને મેચ કોણ જીતશે ત્યાં સુધી મેચના વિવિધ તબક્કે શરતોનો દોર ચાલુ રહેતો હોય છે. છઠ્ઠી ઓવરમાં વાઈડ બોલ પડશે..? દશમી ઓવરમાં કેટલી વિકેટ પડશે..? સહિત બંન્ને ટીમના ખેલાડીનોના રન ના તફાવતની પણ શરતો યુવાનો લગાવતા હોય છે. એક યુવાનની ચર્ચાને ધ્યાનમાં રાખીયે તો સમગ્ર ઉમરેઠમાં માત્ર યુવાનો જ નથી મોટા પૂરોષો પણ આવી શરતોના રવાઢે ચઢી ગયા છે. ગમ્મ્મત ગમ્મતમાં એક દિવસની બે મેચમાં લગભગ લાખ રૂપિયા ઈધર ઉધર થઈ જતા હોવાની પણ શક્યતાને આવા શરતીયા યુવાનો નકારતા નથી.

યુવાનો તેમ પણ કહે છે સટ્ટા બજારમાં પાયમાલ થવાનો ભય રહે છે અને પૈસાની લેણી-દેણી પણ નિતિ નિયમો મુજબ કરી દેવી પડે છે જો આમ કરવામાં ચુક થાય તો ઈજ્જતની ફજેતી સાથે વાત છેક ઘર સુધી પણ પહોંચી જાય છે. બીજી બાજૂ શરતો નાના પાયે લાગતી હોવાથી બહૂ મોટી હારજીત થતી નથી તેમજ ઘરના લોકોને પણ શંકા પણ જતી નથી ઘરમાં બેઠા જ મેચના આનંદ સાથે “શરતો”ની મહેફીલ જામી જાય છે. ત્યારે સટ્ટા બજારથી દૂર શરતોના મોલમાં શોપિંગ કરતા યુવાનો ઉપર તેઓના મા-બાપે લગામ કસવાની ખૂબ જરૂરિયાત છે નહિતો આવનારા સમયમાં શરતોના બજારમાં રખડતા છોકરાઓ સટ્ટા બજારમાં રમતા થઈ જાય તેમાં કોઈ બે મત નથી.

શોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર સિનિયર સિટીઝનોનું લોગ ઈન..!


સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો શોશિયલ નેટવર્કિંગ સાઈટ આશિર્વાદરૂપ હોવાનું વડિલોનું તારણ.

હવે, કોમ્યુટર અને ઈન્ટરનેટના જમાનામાં વૃધ્ધો માત્ર ધરના ખૂણામાં ખાટલે બેસી નથી રહેતા પરંતુ શોશિયલ સાઈટ્સની મદદથી પોતાના વિચારોનો આદાન પ્રદાન કરતા થઈ ગયા છે. પહેલા ઓટલા સભા અને સિનિયર સિટીઝન ક્લબના માધ્યમથી સિનિયર સીટીઝનો એક બીજાના સંપર્કમાં રહેતા હતા જ્યારે હવે ઈન્ટરનેટના માધ્યમને એક બીજા સાથે જોડાવવા તેઓએ ફેશબુકને લાઈક કર્યું હોય તેમ લાગે છે. ફેશબુક ઉપર સિનિયર સિટીઝન નાગરીકોના ગૃપ અને કોમ્યુનિટીની હાજરી સિનિયર સિટીઝનની ફેશબુક ઉપર હાજરીની ચાડી ખાઈ રહ્યું છે. દિવસે દિવસે ફેશબુકનો ઉપયોગ કરતા વૃધ્ધોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે શોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ધૂમ મચાવવાનો ઈજારો માત્ર યુવાધન પાસે નથી રહ્યો, દિવસે દિવસે શોશિયલ નેટવર્કિંગ સાઈટો ઉપર સિનિયર સિટીઝનની ચહેલ પહેલમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રીટાયર્ડ લાઈફમાં સમય પસાર કરવા તેમજ પોતાના સ્વજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે શોશિયલ નેટવર્કિંગ સાઈટો કેટલાક વૃધ્ધો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.

મુકુંદભાઈ શાહ છેલ્લા ત્રણ વર્ષથી રીટાયર્ડ લાઈફ ભોગવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ફેશબુકમાં જોડાયા બાદ કેટલાય નવા લોકો સાથે વિચારો આદાન પ્રદાન કરવાની તક મળી તેમજ ગુજરાત બહાર નોકરી કરતા પોતાના પૂત્ર અને પૌત્રોના ફોટા તેમજ વિડિયો પણ ફેશબુકના માધ્યમથી જોઈ શકે છે. તેઓએ ઉમેર્યું હતુ કે રીટાયર્ડ લાઈફમાં સમય પસાર કરવા સિનિયર સિટીઝન મંદિર, સહીત ઓટલા સભાનો સહારો લેતા હોય છે ત્યારે ફેશબુક હવે નવો વિકલ્પ બની ગયું છે. રસીકભાઈ પટેલના પૂત્રો વિદેશમાં રહે છે, તેઓ જણાવે છે કે, ફેશબુક દ્વારા તેઓના પૂત્ર અને અન્ય પરિવારજનો સાથે તેઓ નિયમિત જોડાયેલા રહે છે. વિડીયો ચેટીંગ દ્વારા વિદેશમાં વસતા પોતાના પરિવાર સાથે વાતચીત કરે છે. આ ઉપરાંત ફેશબુકના માદ્યમથી પ્રવર્તમાન સમસ્યાઓ અંગે તેઓ ફેશબુક ઉપર પોતાના વિચારો પણ રજૂ કરૅ છે. તેઓ ઉમેરે છે કે, ફેશબુકનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો ખરેખર ઉપયોગી સાબીત થાય તેમ છે.

ફેશબુક ઉપર સિનિયર સીટીઝનને લગતી અઢડક કોમ્યુનિટીઓ છે કે જેમાં સિનિયર સીટીઝન પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે, માત્ર ભારતના જ નહી પરંતું વિદેશના સિનિયર સીટીઝનો પણ ફેશબુકમાં સક્રીય છે. સિનિયર સિટીઝનઓને લગતી સમસ્યા અને તેના નિરાકરણ અંગે પણ મુક્ત રીતે ફેશબુકના માધ્યમનો સિનિયર સિટીઝનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ફેશબુક ઉપર માત્ર યુવાધનની દાદાગીરી નહી ચાલે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેટલાક સિનિયર સિટીઝનો તો તેમ પણ કહી રહ્યા છે કે તેઓના પુત્રો અને પૌત્રોને પણ તેઓની ફેશબુક ઉપર હાજરી હોવાની જાણ હોય છે જેથી તેઓ પણ ફેશબુકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. વૃધ્ધો હવે જૂનવાણી છોડી પ્રવર્તમાન પેઢી સાથે તાલ મિલાવી આગળ આવી રહ્યા છે, તેઓનો આ અભિગમ યુવાનો અને વૃધ્ધો વચ્ચે સેતુ સમાન સાબિત થશે અને યુવાનો વૃધ્ધોની સાથે સંવાદ કરવા મુક્ત રીતે આગળ આવશે. વૃધ્ધો અને યુવાનો વચ્ચે વિચારભેદનો છેદ ઉડશે એટલે આપોઆપ તેઓ એક બીજાની નજીક આવશે કદાચ ભવિષ્યમાં ઓલ્ડ એઈજ હોમને તાળા વાગે તો પણ નવાઈ નહિ..!

યુવાધન ફેશબુકથી કંટાળ્યું..? એક તરફ ફેશબુકમાં ફટાફટ લોકો લોગઈન કરે છે ત્યારે કેટલાક યુવાનો અને યુવતિઓ ફેશબુકમાં ઈનવીઝેબલ મોડમાં આવી ગયા છે. લગભગ ચાર વર્ષથી ફેશબુક યુઝ કરતા નમ્રતાબેન કહે છે હવે ફેશબુક કંટાળા જનક લાગે છે. પહેલા દરોજ ફેશબુકમાં લોગઈન કરવા માટે તલ પાપડ રહેતી હતી હવે કાંઈ ખાસ બાળકોની એક્ટીવીટી કે ફોટા ફેમિલી અને મીત્રો સાથે શેર કરવાના હોય તો જ ફેશબુકમાં લોગઈન કરૂં છું

ઉમરેઠમાં આર.ટી.આઈ એશોસિયેશનની સ્થાપણા કરાઈ


ઉમરેઠ નગરમાં આર.ટી.આઈના કાયદાનો નાગરિકો પરિણાત્મક ઉપયોગ કરી શકે તે હેતુથી આર.ટી.આઈ એશોશીયેશનની સ્થાપણા કરવામાં આવી છે. આ સમયે ઉમરેઠના અગ્રણી વકીલ મુકેશભાઈ ત્રિવેદી સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને આર.ટી.આઈ એશોશિયેશનના પ્રમુખ પદે નરેન્દ્રભાઈ ગાભાવાળાની નિમણુક કરવામાં આવી છે. આ સમયે નરેન્દ્રભાઈ ગાભાવાળાએ જણાવ્યું હતુ કે નગરમાં સરકારી ગ્રાન્ટો સહીત સરકારી મશીનરીનો દૂર ઉપયોગ અંગે નાગરિકો આર.ટી.આઈ ના કાયદાથી માહિતી માગે છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા માહિતી આપવામાં ગલ્લા તલ્લા થાય છે. જેથી આર.ટી.આઈ એશોશિયેશન દ્વારા નાગરિકોને આર.ટી.આઈના કાયદા દ્વારા સરકારશ્રી પાસેથી માહિતી માગવા અંગે સમજ આપવામાં આવશે અને જરૂર પડે તો નાગરિકો દ્વારા માગવામાં આવેલ માહિતી મેળવવામાં એશોશિયેશન સક્રીયતા દાખવશે.

ઉમરેઠમાં વિકટ બનતી ટ્રાફિક સમસ્યા : તંત્રએ સક્રિય બનવાની જરૂરિયાત..!


વડાબજાર, ઓડ બજાર સહીત ચોકસી બજારમાં વારંવાર ટ્રાફિક થઈ જાય છે.

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા નગરજનો માટ માથાનો દૂખાવો સાબિત થઈ રહી છે. ઉમરેઠના રસ્તા પહેલેથી નાના છે અને વાહનો ઝાંઝા છે ઉપરથી નગરના વિવિધ બજારોમાં દૂકાનદારો દ્વારા દૂકાનનો માલ સામાન રસ્તા ઉપર મુકવાની ફેશન વર્ષોથી ચાલી રહી છે જેથી રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને વધુ પરેશાની ભોગવવી પડે છે કેટલીક વારતો ઉમરેઠના ઓડ બજારમાં પસાર થતા વાહનો દૂકાનદારોએ મુકેલા સામાન સામે અથડાઈ જતા હોવાની પણ ઘટનાઓ બની છે અને ઉપરથી દૂકાનદારો વાહન ચાલકો કે રાહદારીઓ સામે દાદાગીરી પણ કરતા હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે એક તરફ દૂકાન ની બહાર માલસામાન મુકી દબાણ કરી લોકો સામે દાદાગીરી કરતા દૂકાનદારોને તંત્રના છુપા આશિર્વાદ નહી હોય ને તેમ પણ લોકો સવાલ કરી રહ્યા છે..?

વધુમાં ઉમરેઠના ઓડ બજારમાં આવેલ બજાર સમિતિ બહાર ત્રણ રસ્તા ઉપર પણ દિવસભર ખાનગી વાહનો આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે. આ વિસ્તારમાં પહેલેથી શાક માર્કેટ ભરાય છે ઉપરથી ખાનગી વાહનો આડેધડ ઉભા રહેતા હોવાને કારણે આ વિસ્તાર માંથી અવર જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નગરના ઓડ બજાર વિસ્તારમાં વહેપારીઓ સહીત ખાનગી વાહન ચાલકોને પાર્કિંગ સહીત દબાનના મુદ્દો તંત્ર ઠપકો આપી યોગ્ય કાર્યવહિ કરે તે જરૂરી છે.

બીજી બાજૂ ઉમરેઠના વડા બજાર તેમજ ચોકસી બજારમાં પણ સ્થિતિ સારી નથી. હાલમાં લગ્નની સિઝનને કારણે ચોકસી બજાર તેમજ વડા બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગામના તેમજ ગામડાના લોકો અવરજવર કરતા હોય છે ત્યારે લોકો જે દૂકાનમાં ખરીદી કરવાની હોય તેની બહાર વિવેક રાખ્યા વગર જ આડેધડ પાર્કિંગ કરે છે જેને લીધે વારંવાર બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. કેટલીકવાર તો વાહન ચાલકો તેમજ દૂકાનદારો વચ્ચે જીભાજોડી પણ થઈ જાય છે, ત્યારે ઉમરેઠમાં સ્થાનિક લોકોને ટ્રાફિક થી પડતી હાલાકીને ધ્યાનમાં રાખી તંત્ર હરકતમાં આવે તે ખૂબ જરૂરિ લાગી રહ્યું છે.

ઉમરેઠ પોલીસે ટ્રાફિક મુદ્દે “સિંઘમ” બનવાની જરૂર – તાજેતરમાં નગરમાં નવા પી.એસ.આઈએ ચાર્જ લેતાની સાથે નગરમાં પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા અંગે નગરના વહેપારીઓ સહીત નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક કરી વહેપારીઓને દૂકાનો બજાર માલ સામાન ન મુકવા તેમજ આડેધડ પાર્કિંગ ન કરવા સુચણો કર્યા હતા જે તે સમયે વહેપારીઓએ સકારાત્મક અભિગમ દાખવી ટ્રાફિક સમસ્યા દૂર કરવા સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી પણ આપી હતી પરંતુ આજે પણ નગરમાં બેફામ પાર્કિંગ સહીત દૂકાનો બહાર માલ સામાન રાખી વહેપારીઓજ ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે, ત્યારે હવે ખરેખર નગરના નવા પી.એસ.આઈએ રાજકિય ટટ્ટુઓની શરમ રાખ્યા વગર “સિંઘમ” બનવાની જરૂરિયાત છે.

વૈષ્ણવ મંદિર પાસેથી શાકમાર્કેટ હટાવવાની માંગ – ઉમરેઠના વૈષ્ણવ મંદિર પાસે બેસત શાક માર્કેટને પણ દૂર કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આવેલ છે, મંદિરવાળી પોળ, ભુદરજીની ખડકી, કંસારા બજાર, સેવકલાલની પોળ, રેટિયા પોળ વિગેરે જગ્યાએ રહેતા લોકોને પાથરણાં માર્કેટથી ભારે અગવડ પડે છે. સવારના સમયે ફોર વ્હિલર તો દૂર ટુ-વ્હિલર લઈને પણ આ વિસ્તાર માંથી પસાર થવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થાય છે. કેટલીક વખત ઈમરજન્સીના સમયમાં દર્દી માટે એમ્યુલન્સ પણ આ વિસ્તારમાં શાક માર્કેટને કારણે આવી શકતી નથી અને સ્થાનિકો ભારે મુશ્ક્લેલીમાં મુકાઈ જાય છે.જેથી આ વિસ્તારમાં પાથરણા માર્કેટ દૂર થાય તે જરૂરિ છે.

ઉમરેઠના તેજસ્વી વિદ્યાર્થીઓને અનુમણિ પુરસ્કારથી સન્માનીત કરાશે.


ઉમરેઠના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી ધો.૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને અનુમણિ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. આ પુરસ્કાર અંતર્ગત બોર્ડની પરિક્ષાના પરિનામ બાદ ઉમરેઠમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ને રૂ.૨૦૦૦ રોકડા,સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫૦૦ રોકડા ઈનામ રૂપે મૂળ ઉમરેઠના ર્ડો પ્રહલ્લાદભાઈ ભટ્ટના ફંડ માંથી આપવામાં આવશે.પોતાની દાવેદારી નોંધાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ ની નકલ  પોતાની સ્કૂલના આચાર્ય દ્વારા પ્રમાણીત કરી ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના આચાર્યને આપવાની રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં નગરમાં વિવિધ જ્ઞાતિઓ દ્વારા પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ઈનામો એનાયત કરવામાં આવે છે. પરંતુ સમગ્ર ઉમરેઠ ખાતે કોઈપણ જ્ઞાતિ કે જાતના ભેદભાવ વગર માત્રને માત્ર તેજસ્વી વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાનો આ અનન્ય પ્રયાસ છે.

ઉમરેઠમાં ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે બેઠક મળી.


  • પી.એસ.આઈએ ટ્રાફિક સમસ્યા નિવારવા વહેપારીઓને સુચણો કર્યા

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નવા પી.એસ.આઈ આર.કે.મોડીયાએ ચાર્જ લેતાની સાથે નગરમાં પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે વહેપારી મહાજન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉમરેઠ પાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉપ-પ્રમુખ સંજયભાઈ પટેલ યુવા ભાજપ મોરચાના અગ્રણી સંદિપભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નગરમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જરૂરી સુચણોનું આદાન પ્રદાન કર્યું હતું.

આ સમયે નગરના પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ચાર્જ લેનાર આર.કે.મોડીયાએ જણાવ્યું હતુ કે ઉમરેઠમાં રસ્તા પહેલેથી સાંકડા છે અને બજારોમાં વહેપારીઓ તેમજ અન્ય વાહન ચાલકો દ્વારા રસ્તાની બંન્ને બાજુ બેફામ પાર્કિગ કરવામાં આવે છે. જો વહેપારીઓ પાર્કિંગ કરવામાં વિવેક દાખવે અને યોગ્ય જગ્યાએ પોતાના વાહનો પાર્ક કરે તો મહદઅંશે નગરમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય તેમ છે. તેઓએ ઉમેર્યું હતુ કે, આવનારા દિવસોમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જરૂર પડે તો બેફામ પાર્કિગ કરનાર વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડાત્મક પગલા પણ ભરવામાં આવશે.

પી.એસ.આઈના ટ્રાફિક અંગેના સુચણોને લઈ વહેપારીઓએ સકારાત્મક અભિગમ દાખવી નગરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા સહયોગ આપવા ખાતરી આપી હતી. નગરમાં ટ્રાફિક અંગે પી.એસ.આઈ દ્વારા રસ દાખવી આયોજન કરવાની પહેલ થતા નગરજનોમાં આનંદની લાગણી છે. આ સાથે કેટલાક નાગરિકો તેમ પણ જણાવી રહ્યા છે કે, ટ્રાફિક અંગે ઉમરેઠ પોલીસ જાગી છે, ત્યારે પાણીના પરપોટાની જેમ બેસી ના જાય તે પણ જરૂરી છે. ત્યારે ખરેખર ઉમરેઠમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ કેટલી કારગત સાબિત થાય છે એતો આવનારો સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં નગરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે વન-વે નો પણ અમલ કરાવવામાં આવ્યો હતો પરંતું શેઠ ની શિખામણ ઝાપા સુધી નિતિ સાથે રાજા અને પ્રજા બધા ઠેરના ઠેર થઈ ગયા હતા.વધુમાં સદર બેઠકમાં ઉમરેઠ બસ સ્ટેશનની આસપાસના એક કી.મી વિસ્તારમાં ખાનગી છકડા દૂર કરવા તેમજ નગરમાં સવારના ૮ થી ૮ છકડા રીક્ષાના પ્રવેશ ઉપર પ્રતિબંધના મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી

ઉમરેઠનો જયંત પેઈન્ટર રંગોળીથી બનાવી શકે છે કોઈ પણ વ્યક્તિનું આબેહૂ ચિત્ર…!


રંગોળીથી કોઈ પણ વ્યક્તિનું આબેહૂ ચિત્ર બનાવી શકે તેવા કલાના કસબી અત્યારના યુગમાં ખૂબ જૂજ રહ્યા છે. આપણા ઉમરેઠમાં અત્યારે અનન્ય પ્રતિભા ધરાવતા કારીગર હાજર છે તે ઉમરેઠ માટે ગૌરવની બાબત કહેવાય. અમારા પરિખ પરીવાર માટે પણ જયંતભાઈ પેઈન્ટરે તેઓની કલા બતાવી હતી. સ્વ.જયાબેન પરિખના બેસણામાં સ્વ.જયાબેનનું આબેહૂ ચિત્ર ખુબજ સુંદર રીતે તેઓએ બનાવ્યું હતું. – એન.કે.પરિખ, મુંબઈ

  • કોમ્યુટર યુગમાં પણ ધબકતી રંગોળીની કલા

ઉમરેઠના ચિમનભાઈ પટેલ પરિવારના વડીલોનું જયંત પેઈન્ટરે બનાવેલ આબેહૂ ચિત્ર

કોમ્યુટર યુગમાં કેનવાસ ઉપર કોઈપણ વ્યક્તિનું આબુહૂ ચિત્ર બે ત્રણ ક્લિકમાં ઉતારી શકાય છે. અવનવી ડિઝાઈન અને જરૂરીયાત મુજબ કોમ્યુટરયુગમાં દૂકાન કે ઓફિસના સાઈન બોર્ડ કે અન્ય સામગ્રી હવે પલવારમાં હાજર થઈ જાય છે. પરંતુ આજના ઝડપી યુગમાં પણ કેટલાક આર્ટીસ્ટ દ્વારા રંગોળી પ્રથા ધબકતી રાખવામાં આવી છે અને કલાના કદરદાનો દ્વારા આવા આર્ટીસ્ટોને સમયાંતરે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.

ઉમરેઠના જયંત પેઈન્ટરના હાથોમાં જાદૂ છે તેમ કહીયે તો પણ અતિરેક નહી હોય, જયંત પેઈન્ટર રંગોળીના કલરથી કોઈ પણ વ્યક્તિનો ફોટો આબેહું પ્લાઈવુડ સીટ ઉપર ઉતારી શકે છે. આ ઉપરાંત રંગોળીથી પાણીમાં પણ ચિત્રો ઉપસાવવાની કલા તેઓ અજમાવી રહ્યા છે. ઉમરેઠમાં પ્રસંગોપાત કલાના કદરદાનો દ્વારા જયંત પેઈન્ટરની કારીગરીનો લાભ ઉઠાવવામાં આવે છે અને તેઓ લોકોની આશા ઉપર ખરા પણ ઉતરે છે. જ્યંત પેઈન્ટરે રમેશ ઓઝા સહીત કેટલાય અગ્રણી વ્યક્તિના ચિત્રો રંગોળીથી પ્લાઈવુડ સીટ ઉપર ઉતારેલા છે. આ ઉપરાંત ધાર્મિક પ્રસંગોમાં મહાપ્રભુજી તેમજ શ્રીજીબાજાના પણ ચિત્રજી તેઓએ આબેહૂ બનાવેલ છે. હાલમાં પણ ઉમરેઠના કેટલાય કલાપ્રેમીઓ પોતાના ઘરમાં થતા સારા-નરસા પ્રસંગે જયંત પેઈન્ટર દ્વારા પોતાના સ્વજનનું રંગોળી ચિત્ર બનાવડાવાનું ચુકતા નથી. હાલના કોમ્યુટર યુગમાં જયંત પેઈન્ટ જેવા કલાના કસબીઓને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સહીત પ્રજાએ પણ સમયાંતરે તેઓની કલાની કદર કરવી જરૂરી છે જેથી આવનારા દિવસોમાં ભવિષ્યની પેઢી પણ આ કલાથી વંચિત ન રહે..

ઉમરેઠમાં થયેલ કોમી રમખાણોને આજે દશ વર્ષ પૂર્ણ..!


  • ઓડ બજારની લગભગ ૧૨ દૂકાનો તોફાની ટોળાએ સળગાવી નાખી હતી, દશ દિવસ કર્ફ્યુ રહ્યો હતો.

  • રાવળીયા ચકલા,કસ્બા અને પીપળીયા ભાગોળમાં પણ ઝુપડપટ્ટી સહીત પાકા મકાનો સળગાવ્યા હતા.

૨૮મી ફેબ્રુઆરી-૨૦૦૨ ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચમાં થયેલ અગ્નિકાંડના પગલે ગુજરાતમાં પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા હતા. ગુજરાતના કેટલાય શહેરો અને નાના ગામોમાં પણ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. એક તરફ ગુજરાતના કેટલાક ગામો ભળકે બળતા હતા ત્યારે આવા સમયે ચરોતરના ઉંબરા તરીકે ખ્યાતમાન ઉમરેઠ નગરમાં અંજાપા ભરી શાંતિનો માહોલ દેખાતો હતો. એક્કલ દોક્કલ છમકલાને બાદ કરતા સમગ્ર ઉમરેઠ નગરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ હતો.

૨૮મી ફેબ્રુઆરી બાદ સમગ્ર માર્ચ મહિનામાં ઉમરેઠમાં શાંતિનો માહોલ હતો, પરંતુ આ અરસામાં કેટલાક અસામાજિક તત્વોએ સુંદલબજારમાં આવેલ લઘુમતિકોમના એક વ્યક્તિનો ટાઈપ ક્લાસ તેમજ ઓડબજાર વિસ્તારમાં આવેલ એક બેકરીને નુકશાન પહોંચાડતા વાતાવરન તંગ થયું હતું. બીજૂ બાજૂ કસ્બા તેમજ પીપળીયા વિસ્તારમાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આજ અરસામાં છમકલા કરી વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૮મી ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનો છુટાછવાયા છમકલા અને અફવાઓ વચ્ચે શાંતિ પૂર્ણ પસાર થઈ ગયો હતો. પરંતુ એપ્રિલ માસમાં ઉમરેઠ નગરના સજ્જનોની ધીરજ જવાબ આપી ગઈ અને ૨જી એપ્રિલના રોજ ઉમરેઠમાં કોમી તોફાનો થયા જેના પગલે નગરમાં લગભગ ૧૨ થી પણ વધુ દિવસ કર્ફ્યું નાખવામાં આવ્યો.

અંજાપા ભરી શાંતિ વચ્ચે ઉમરેઠમાં ૨જી એપ્રિલના રોજ સવારે ૯ કલાકની આસપાસ બજારો નિયમિત ખુલવા લાગ્યા. આ દરમ્યાન છેલ્લા કેટલાય સમયથી તંગ વાતાવરણને ધ્યાનમાં રાખી નગરજનો સંયમ રાખી પોતાના રોજબરોજના કામ પતાવતા હતા. લગભગ ૧૦.૩૦ કલાકની આસ-પાસ નગરમાં વાતાવરણ તંગ બન્યું વાંટા, કસ્બા અને પીપળીયા ભાગોળમાં બે જૂથો વચ્ચે તકરારની અફવાથી સમગ્ર ઉમરેઠનું વાતાવરણ તંગ થયું અને નગરમાં તોફાનો ફાટી નિકળ્યા..

પંચવટી વિસ્તારમાં ૧૧ કલાકની આસ પાસ ટોળા એકઠા થવા લાગ્યા જેના પગલે પોલીસને હવામાં ફાયરીંગ કરવાનો હૂકમ મળ્યો પંચવટી વિસ્તારમાં ટોળું હતું ત્યારેજ એક પોલીસ કર્મીએ પોતાની બંદૂક દ્વારા હવામાં ગોળીબાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ બંદૂક જામ થઈ ગયેલ હોવાથી તે શક્ય ન બન્યું પરંતું ઉપરથી ઓર્ડર હોવાને કારને હવામાં ગોળીબાર કરવું જરૂરી હતૂ, પોલીસકર્મીએ આ સમયે પોતાની સાયકલ ઉપર ઓડ બજાર સ્થિત પોલીસ પોઈન્ટ ઉપરથી અન્ય પોલીસ કર્મીની બંદૂક લાવી પંચવટીમા એર ફાયરીંગ કર્યું (કહેવાની જરૂર નથી કે , ગોળીનું ખોખું મળી જાય તે રીતે..!)

ગાંધીશેરી વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયું, હાથમાં જે આવે તે એક-બીજા ઉપર ફેંકવાનો દોર શરૂ થઈ ગયો હતો. ગાંધીશેરીમાં ભારે પથ્થરમારાની વાત વાયુવેગે બજારમાં ફેલાઈ ગઈને નગરના રહ્યા સહ્યા બજારો પણ ટપો ટપ બંધ થવા લાગ્યા. ગાંધીશેરીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દૂકાનો સળગાવવાના હિન્ન પ્રયાસની અફવાના પગલે બીજી બાજૂ સવારે ૧૧.૧૫ કલાકની આસપાસ નગરના ઓડ બજાર વિસ્તારમાં અન્ય અસામાજિક તત્વો દ્વારા ઉત્તપાત મચાવવાનું શરૂ કર્યું. પોલીસ નિસહાય(?) દેખાતી હતી અથવા નગરમાં ફાટી નિકળેલા તોફાનોને પહોંચી વળવા પોલીસ અક્ષસમ અને અપુરતી હતી.

એક તરફ ગાંધીશેરીમાં તોફાની ટોળુંવેર વિખેર થઈ ગયું હતું અને ગાંધીશેરીમાં કોઈ પણ દુકાનને દુરગતિનો સામનો ન કરવો પડ્યો હતો,આ સમયે ગાંધીશેરીમાં ભયંકર પત્થરમારો થયો હતો. પરંતું હકિકતથી અજાણ ઓડ બજારના તોફાની ટોળા દ્વારા લગભગ ૧૧.૩૦ કલાકની આસ પાસ ઓડ બજારમાં આવેલ દૂકાનોને આગ લગાડી દેવામાં આવી હતી. નગરમાં વાતાવરન તંગ પરિસ્થિતીની ચરમસીમા વટાવી ગયું હતું. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા ઉમરેઠમાં કર્ફ્યું નાખી દીધો હતો. બપોરના ૧૨.૦૦ કલાકની આસ પાસ સમગ્ર ઉમરેઠ સુમસામ થઈ ગયુ હતું અને ઓડ બજારમાં દૂકાનો ભળકે બળતી હતી. ઓડ બજારમાં દૂકાનોમાં લાગેલી આગનો ગરમાવો છેક નાથાભટ્ટની પોળ સુધી મહેસુસ થતો હતો જેથી આગ કેટલી ભયંકર હશે તે વિચાર માત્ર કંપારી છુટાળી દેતો હતો.

ઉમરેઠમાં થયેલ કોમી તોફાનોમાં ઓડબજાર અગ્નિકાંડ સૌથી ભયાનક પુરવાર થયો આ વિસ્તારમાં લગભગ દશ થી બાર જેટલી દૂકાનો બળીને રાખ થઈ ગઈ હતી. સાથે સાથે ઓડ બજારની આ દૂકાનો પાસે આવેલ એક ખડકીમાં કેટલાક મકાનો પણ પ્રભાવિત થયા હતા. આગ લગાળનાર તોફાની તત્વોને પણ નહી ખબર હોય કે આગ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેશે, જે દૂકાનોમાં આગ લગાડવામાં આવી તે દૂકાનોમાં કેરોસીન અને દારૂખાનું હોવાને કારણે આગનું સ્વરૂપ ભયાનક થયું હતું. બપોરના ૨.૩૦ કલાકની આસપાસ ઓડ બજારની તમામ લગભગ ૧૨ જેટલી દૂકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. ફાયર સર્વીસ શોભાના ગાઠિયા સમાન સાબિત થઈ રહી હતી. આ સમયે નગરમાં સંપૂર્ણ કર્ફ્યુંની સ્થિતી હતી. તમામ પોળ અને ફળિયામાં લોકો એકઠા થઈ ગયા હતા અને હવે શું થશે..? તે સવાલ લોકો એક બીજાને કર્યા કરતા હતા..!

ઉમરેઠમાં કાબુ બહાર ગયેલી પરિસ્થીતી ઉપર કાબુ મેળવવા માટે હવે, પોલીસ તંત્ર વામણું પૂરવાર થતું હતું. એપ્રિલ-૨૦૦૨ના રોજ થયેલ તોફાનના પગલે સમગ્ર ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં છમકલાનો દોર શરૂ ચાલતો હતો, ક્યાંક પત્થરમારો તો ક્યાંક દૂકાન -મકાનોને બાળવાની સતત ઘટનાને લઈ ઉમરેઠમાં આખરે બી.એસ.એફ અને એસ.આર.પીના જવાનોએ મોરચો શંભાળી લીધો હતો. બી.એસ.એફ દ્વારા ફ્લેગ માર્ગ થયું તેમજ ઉમરેઠ પોલીસ અને બી.એસ.એફના જવાનો દ્વારા શંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઉમરેઠમાં થયેલા કોમી રમખાનોબાદ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા લગભગ ૧૦ થી ૧૨ દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો ત્યારે બાદ તબક્કાવાર દિવસમાં બે-ત્રણ કલાક માતે કર્ફ્યુમાં છુટ આપવામાં આવી પરંતુ નગરના કેટલાક વહેપારીઓના મત મુજબ કરફ્યુની પરિસ્થિતી દશ દિવસ સુધી રહેતા ઉમરેઠના વહેપાર ધંધાને મોટું નુકશાન થયું છે જે આજ દીન સુધી ચાલુ છે.

દશ દિવસના કર્ફ્યુને કારણે ઉમરેઠની આસ પાસના લગભગ ૪૨ ગામડાના ગ્રાહકોએ પોતાની રોજબરોજની વસ્તુઓની ખરીદી કરવા સાવલી અને પણસોરાનો રુખ કર્યો. આજે પણસોરા ચોકડી ઉપર બજાર ધમધમતું થયું છે અને ઉમરેઠના બજારને દેખીતી રીતે ખુચે તે વ્યાજબી છે. આજે દશ વર્ષ બાદ ઉમરૅઠના ઓડ બજારમાં દૂકાનો ફરી નવી બની ગઈ છે. કોમી રમખાણમાં ભોગ બનનાર તમામને સરકાર દ્વારા ૮ વર્ષ પછી રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ કોમી રમખાણ બાદ સાવલી અને પણસોરા તરફ વળેલા ગ્રાહકોની આજે પણ ઉમરેઠના વહેપારીઓ રાહ જોઈ રહ્યા છે.

ચમત્કાર ને નમસ્કાર..!

ઉમરેઠ- કોમી તોફાન દરમ્યાન ઓડ બજાર વિસ્તારમાં આવેલ દૂકાનો આગમાં લપેટાઈ ગઈ હતી. આ દરમ્યાન તમામ દૂકાનો આગમાં રાખ થઈ ગઈ હતી જ્યારે ચબૂતરીમાં આવેલ માતાજીની ડેરીને સહેજ પણ આંચ આવી ન હતી.આજે પણ આ માતાજીની ડેરી ચબૂતરી નીચે આવેલ છે. ચબૂતરી ઉપર દાણા પણ ઓડ બજારના વહેપારીઓ દ્વારા નાખવામાં આવે છે. પણ ચબૂતરીની અર્ધ બળેલી હાલત આજે પણ ઓડ બજારના વહેપારીઓને એપ્રિલ-૨૦૦૨ની યાદ અપાવતી હશે તેમાં કોઈ બે મત નથી. (ફાઈલ તસ્વીર )