આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2010

ઈરફાન પઠાને થામણા ગામ ખાતે રમાતી ડે-નાઈટ ક્રિકેટની મઝા લીધી..!


ઈરફાન પઠાન - થામણા (ઉમરેઠ)

ઉમરેઠ તાલુકાના થામણા ગામ ખાતે રમાયેલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગતરોજ ઈરફાન પઠાને શુભેચ્છા મુલાકાત કરી હતી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે આણંદ જિલ્લામાં ક્રિકેટરો માટે માળખાગર સુવિધાનો વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં સહકાર પણ આપવા જણાવ્યું હતું, થામણા જેવા નાના ગામમાં પણ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન જોઈ ઈરફાન પઠાણ ગદગદ થઈ ગયા હતા.

ઈરફાન પઠાણ તેઓના પિતા અને કેટલાક અંગત મિત્રો સાથે ઉમરેઠ પાસેના થામણા ગામ ખાતે આવી પહોંચતા સાથે ઈરફાન પઠાણની એક ઝલક મેળવવા માટે થામણા સહિત અન્ય ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. થામણા ગામના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ પટેલ (મુખી)એ ઈરફાન પઠાણ અને તેઓના પિતાનું સન્માન સહિત સ્વાગત કર્યું હતું.

રવીવાર


આજે ઓફિસમાં થોડું જૂનું પેન્ડીંગ કામ પતાવ્યું , બસ હવે ઘરે જઈ ખાટલા ભેંગા થઈશું સવારે નાસ્તામાં ગાંઠિયા અને ખમણ ઝાપટ્યા અને બ્લોગમાં ઉમરેઠના અગત્યના ટેલિફોન નંબરનું પેજ ઉમેર્યું કદાચ કેટલાક લોકોને કામ આવશે. સાંજે કેટલાવાગે ઉત્થાપણ થશે ખ્યાલ નથી પણ ઉઠી મિત્રો સાથે ચા ની ચુસ્કી ફાઈનલ…

ગુજરાતી ન્યુઝ પેપરમાં અંગ્રેજી ભૂલ..!


સંદેશ

સંદેશ ન્યુઝ પેપરની વેબ સાઈટમાં અમારા ગામ ઉમરેઠનો સ્પેલીંગ ખોટો છે, આ અંગે ગઈ કાલે ફીડબેક આપી છે પરંતુ અત્યાર સુધી સ્પેલીંગમાં સુધારો કરવામાં આવ્યો નથી. આશા છે જલ્દીથી સુધરી જશે, … ગુજરાતી ન્યુઝ પેપરમાં અંગ્રેજીમાં ભૂલ જબરૂ કહેવાય ભા’ઈ…!  અને હા.એક વાર હું ચોક્કસ કહીશ ગુજરાતીમાં જોડણીની ભૂલ કરવામાં હું એક્કો છું એટલે આવું ડાહપણ કરવું અતિરેક કહેવાય પણ મારામાં ને સંદેશમાં આભ જમીનનો ફેર છે તે પણ ના ભુલાય ને…!

હવે,તું મારી પત્નિ નથી..બહેન તરીકે મારી પાસે રહેવું હોય તો રહી શકે છે…!


કહેવાછે સ્ત્રી પોતાની શક્તિથી કાંઈ પણ કરી બતાવતી હોય છે.આજે સ્ત્રી પુરૂષ સમોવડી બની ગઈ છે.લગભગ તમામ ક્ષેત્રમાં આજે સ્ત્રીઓએ પગપેસારો કરી દીધો છે.ઘરમાં અને ઘરની બહાર પણ કેટલીક સ્ત્રીઓ પોતાના ડંકા વગાડતી હોય છે.ત્યારે પુરૂષ પણ સ્ત્રી શક્તિની સામે થયા વગર તેની સામે ધૂટણા ટેકી દેતો હોય છે.નારી શક્તિની પરંપરા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. નેતા, અભિનેતા થી માડી મોટા મોટા વહેપારીઓ અને નોકરીયાતો પોતાના વહેપાર ધંધામાં ગમેતેટલુ મોટું માથુ ધરાવતા હોય પણ ઘરની વાત આવે એટલે શ્રીમતિ સામે કોઈનું ન ચાલે ભલભલા હોમ મિનિસ્ટરનું પણ પોતાના ઘરમાં કાંઈ ઉપજતુ ન હોવાના દાખવા આપણે જોયા હશે. કેટલીક સ્ત્રીઓ પોતાની મનમાની કરી પોતાના પતિદેવને પજવામાં કોઈ પણ જાતની પાછી પાણી રાખતી નથી. છેવટે આ સ્ત્રીઓને સબક શીખવવા કેટલાક પતિદેવો પણ કટીબઘ્ધ બની પોતાનું ત્રીજુ નેત્ર ખોલી આવી સરફરેલી સ્ત્રીઓની અક્કલ ઠેકાને લાવી દેતા હોય છે.

તેવીજ રીતે રોમીલ અને રેશ્માના લગ્ન જીવનમાં આવુંજ કાંઈ થતા લોકો વિચારમય બની ગયા હતા.રોમીલ અને રેશ્મા કોલેજના સમયમાં એકબીજાની નજીક આવ્યા ,આંતરજ્ઞાતિના હોવાના કારણે સામાજીક પ્રસંગોમાં પણ તેઓ અનેકવાર હળતા મળતા હતા.જેથી તેઓની મિત્રતા વઘુને વઘુ ગાઢ બનતી ગઈ.કોલેજમાં મળવાની સાથે દિવસમાં બે-ત્રણ વાર ઓકબીજાને ફોન કરીને પણ તેઓ ખબર અંતર પુછતા હતા.બંન્ને પ્રેમી પંખીડા જાણે સુખના સાગરમાં ડુબકી મારતા હોય તેવો અહેસાસ તેઓને થતો હતો. રોમીલ સ્વભાવે શરમાળ અને રેશ્મા આખાબોલી અને જીદ્દી હતી રોમીલ સુખી પરિવારનો હતો અને રેશ્મા સામાન્ય પરિવાર માંથી આવતી હતી પરંતુ ભણવામાં રેશ્મા હોશિયાર હોવાથી કોલેજ અને ક્લાસીસમાં તેના મિત્રો વધારે હતા સાથે જીદ્દી રેશ્મા પોતાના તમામ કામ ફટ લઈ કોઈક સાથે કરાવી લેવાની આવડત વાળી હતી આખા બોલી અને જીદ્દી રેશ્મા અને રોમીલ કોલેજમાં એકબીજાને નોટબુકની આપલે કરતા હતા જ્યારે રોમીલ શરમાળ હોવાને કારણે કામપુરતી વાત કરી રેશ્માને નોટબુક આપી કે લઈ વાત બંધ કરી દેતો હતો.રોમીલની આ સ્ટાઈલથી પ્રભાવીત થયેલી રેશ્મા મનોમન રોમીલને ચાહવા લાગી હતી.જ્યારે રોમીલ શરમાળ સાથે આત્મસંન્માન વાળો હોવાને કારણે કોલેજમાં મિત્રો સાથે કામપુરતી વાતોજ કરી પોતાના કામમાં મગ્ન રહેતો હતો.

એક દિવસ લાઈબ્રેરીમાં રેશ્મા અને રોમીલ સાથે બેઠા હતા તે દિવસે રેશ્માનો જન્મ દિવસ હોવાથી રેશ્માએ રોમીલને ચોકલેટ આપી જ્યારે રોમીલે કહ્યુ શા માટે ચોકલેટ આપે છે.આજે કાંઈ છે..ત્યારે રેશ્માએ જણાવ્યુ હા..આજે મારો જન્મદિવસ છે.ત્યારે રોમિલે તેને જન્મદિનની શુભેચ્છા આપી ત્યાર બાદ બંન્ને કેન્ટિનમાં જઈ રેશ્માનો જન્મદિવસ પણ ઉજવ્યો ત્યારથી બંન્ને એક બીજાના ખાસ મિત્રો બની ગયા હતા.જ્યારે રોમીલ હવે સૌ કોઈ સાથે કોલેજમાં મિલનસાર બની ગયો હતો.રેશ્મા અને રોમીલની જોડીની લોકો કોલેજમાં સરાહના કરતા હતા રેશ્મા અને રોમીલ ભણવા સાથે રમત ગમત અને ઈતર પ્રવૃતિઓમાં પણ રસ દેતા હતા કોલેજમાં યોજાતા કેટલાય પ્રોગ્રામમાં પણ તે રસ લઈ તેમા ભાગ લેતા હતા. દિવસો વિતતા ગયા અને રોમીલ અને રેશ્મા એકબીજાની વઘુ નજીક આવતા હતા.એક દિવસ રેશ્માએ રોમીલને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો ત્યારે રોમીલ પણ તેના આ પ્રસ્તાવને સ્વીકારવા આતુર હતો પરંતુ બંન્ને એકજ જ્ઞાતિના હોવાથી પોતપોતાની ઘરે વાત કરવાનું કહ્યુ.રેશ્માને રોમીલ પસંદ છે કે નહિ તેની ખાતરી કરી રેશ્માના પિતાએ પણ રોમીલ સાથે તેના લગ્ન કરાવાની મંજુરી આપી.રોમીલ અને રેશ્માના લગ્ન જ્ઞાતિના રીત રીવાજ સાથે ઘામઘૂમથી સંપન્ન થયા.રોમીલ અને રેશમાં હેવ,પોતાની જિંદગી ખુશી થી સુખના અહેસાસ સાથે પસાર કરતા હતા.રોમીલ સારી કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો.અને પગાર પણ સારો હોવાના કારણે તેઓ ઉપર લક્ષ્મીદેવીની કૃપા હતી.

પરંતુ રેશ્માના જીદ્દી સ્વભાવને કારણે તેઓના જીવનમાં એક નવો વળાંક આવ્યો જ્યાં રેશ્મા અને રોમીલની જીદગીમાં દુઃખના ડોકાચિયા થવા લાગ્યા. રેશ્મા એકલી ઘર ઉપર આરામ ફરમાવતી હતી પરંતુ ચીલબુલી અને બોલકણી રેશ્માને ઘરમાં ભરાઈ રહેવાનું ગમતુ ન હતુ જેથી તે પણ કાંઈ પ્રવૃતિ કરવા માગતી હતી.જેને કારણે રેશ્માએ પોતાના ફ્લેટમાં કીટી પાર્ટીનું આયોજન પણ ચાલુ કરી દીઘુ અને સ્થાનીક મહિલા કલબની સભ્ય પણ બની ગઈ.જ્યારે આ કલબમાં જોડાયા બાદ રેશ્માના લટકા ઝટકા ખુબ વધી ગયા દિવસભર કામ કરીને રોમીલ ઘરે પાછો આવે ત્યારે તેની પત્નિ રેશમા કલબોમાં અને કીટી પાર્ટીમાં વ્યસ્ત રહેતી હતી.આ બઘુ થોડા દિવસતો રોમીલે ચલાવી દીઘુ પરંતુ દિવસે દિવસે રેશ્માના ભોગવલાસ વધતા ગયા અને રેશ્મા ઘર કરતા ક્લબોમાં અને કીટીપાર્ટીઓમાં વધારે રહેવા લાગી.

મોટા શહેરોના લટકા ઝટકા જોઈ રેશ્મા જાણે અંજાઈ ગઈ હતી. રેશ્માનું જીવન ભોગવિલાસ થી ભરપુર બની ગયુ હતુ પરંતુ તેના આ લટકાથી સીધો સાદો રોમીલ ડઘાઈ ગયો હતો એક સમયે તો તેને પોતાના ઉપર પણ ધીક્કાર થવા લાગ્યો કોલેજના જમાનામાં થોડી જીદ્દી એવી રેશ્મા લગ્ન પછી સુધરી જશે અને રેશ્મા અને રોમીલની ગાડી સુખના પાટા ઉપર પુરજોશથી ચાલશે તેવી તેને આશા હતી પરંતુ રેશ્માના નવા રૂપથી રોમીલનાતો હોશખોશ ઉડી ગયા હતા.રેશ્મા આખો દિવસ પોતાની બહેનપણીઓ સાથે રહેતી હતી રોમીલના દોસ્તો અને ઓફિસના કલીગ પણ ઓફિસમાં આવે ત્યારે પણ રેશ્મા દુરવ્યવહાર કરતી અને તેઓની આગતા સ્વાગતા કરવાની જગ્યાએ તેમને એવોઈડ કરતી હતી આવા સમયે રોમીલ પણ શરમજનક પરિસ્થીતીમાં મુકાઈ જતો હતો.

એક દિવસ રોમીલ રેશ્માની આ જોહુકમીથી તંગ આવી ગયો અને રેશ્માને ક્લબો અને કીટી પાર્ટીમાં જવાનું બંધ કરવા જણાવ્યુ જ્યારે જીદ્દી રેશ્મા એકની બે ન થઈ અને કીટી પાર્ટી અને કલબોમાં સભ્ય રહેશે તેમ જણાવ્યુ જ્યારે રોમીલે કહ્યુ તારે કીટી પાર્ટી અને કલબોમાં સભ્ય બનવું હોય તો બની રહે પણ ઘર તરફ પણ ઘ્યાન રાખ પરંતુ જીદ્દી રેશ્મા તેનું ગાણુ ગાયા કરતી હતી અને રોમીલને કોઈ ભાવ ન આપતી હતી. આથી કંટાડી ગયેલો રોમીલ રેશ્મા સાથે વારંવાર ઝગડા કરતો હતો અને રોમીલને દબાવી રાખવા માટે વારંવાર પોતાના પીયેર જતી રહેવાની ધમકી આપતી હતી.ત્યારે એક દિવસ રોમીલે રેશ્માને પીયેર જવું હોય તો જવાનું જણાવ્યુ પરંતુ સાથે તેમ પણ જણાવ્યુ કે જો એક વાર સાસરેથી પાછી ફરી એટલે કાયમ સાસરાનો દરવાજો તારા માટ બંધ થઈ જશે.

ત્યારે જીદ્દી રેશ્માએપોતાની જીદ પુરી કરી પોતાના સાસરેથી પીયેર તરફ ચાલવા માડી જ્યારે રેશ્માને આમ અચાનક કોઈ સંદેશા વિના સામાન સાથે પીયેરમાં જોતા તેના પિતાના હોશ ઉડી ગયા અને રેશ્માને પુછ્યુ કેમ શું થયુ અત્યારે કેમ પાછી આવી ત્યારે જવાબમાં રેશ્માએ રોમીલ સાથે થયેલા ઝગડાની વિગત જણાવી ત્યારે રેશમાના પિતાએ કહ્યુ ભૂલ તારી છે.તારે રોમીલ સાથે આવો દુર વ્યવહાર ન કરવો જોઈયે જા તારા માટે હવે મારા ઘરમાં કોઈ જગ્યા નથી લગ્ન પછી દિકરી સાસરીમાં શોભે છે. આ શાંભળી રેશ્માતો હબકી ગઈ અને પાછી પોતાના સાસરે રોમીલ સાથે જતી રહી.જ્યારે રોમીલ તેને જોઈ વિચારમાં પડી ગયો અને કહ્યુ કેમ પાછી આવી ત્યારે રેશ્માએ પોતાને પિતાએ રાખવાની ના કહી હોવાનું જણાવ્યુ ત્યારે રોમીલે કહ્યુ હવે,તું મને પત્નિ તરીકે સ્વાકાર્ય નથી હવે તારે મારા ઘરમાં રહેવું હોય તો બહેન તરીકે રહી શકે છે.આ શાંભળી રેશ્મા શૂન્યમય બની ગઈ અને પોતાની ભૂલ ઉપર પસ્તાવા લાગી .  સ્ત્રી જ્યારે પોતાની હદ આળંગે છે ત્યારે પૂરૂષ તેને સાચા રસ્તે વાળવા કેવા હથકંડા અપનાવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

તેઓ વચ્ચે અબોલા તોડવા માટે રોમીલના મિત્રોએ જહેમત ઉઠાવી હતી. અને રોમીલને રેશ્માને માફ કરવા સમજાવ્યો આખરે કેટલીય જહેમત પછી રોમીલ સમજ્યો અને રેશ્મા વચ્ચે અબોલા તોડી પૂર્વવત પતિ પત્નિની જેમ રહેવા લાગ્યા.

( નોંધ – આ માત્ર કાલ્પણિક વાર્તા છે.)

ઉમરેઠ નગર પાલિકાના કાઉન્સિલર અલ્તાફ મલેક જેલ ભેગા…!


ઉમરેઠ પાસે આવેલ પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ગઈકાલે વિજિલન્સ વિભાગ દ્વારા જૂગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં ઉમરેઠ નગર પાલિકાના ભા.જ.પના કાઊન્સીલર અલ્તાફ મલેકની પણ ધરપકડ થઈ હોવાની વાત જાણવા મળે છે.

જ્યારે અલ્તાફ મલેક અને તેમના અન્ય સાગીરતને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દીધેલ અને કોર્ટ કસ્ટડી લઈ જેલભેગા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, અલ્તાફ મલેક તાજેતર માંજ ભા.જ.પ માં જોડાયા હતા જેના કારણે ઉમરેઠ પાલિકામાં ભા.જ. ની સત્તા ટકી રહી હતી જ્યારે હવે આવા બુટલેગર ટાઈપના કાઊન્સીલરને ભા.પ.પ ધ્વારા છાવરવામાં આવશે કે પછી સિસ્તભંગ ના પગલા ભરવામાં આવશે તેની લોક ચર્ચા નગરમાં થઈ રહી છે જ્યારે આવનારા સમયમાં આ ઘટનાને પગલે ભા.જ.પ ની છબીને ફટકો પણ પડશે તેમ રાજકિય વિશેષજ્ઞો પોતાનો મત પ્રગત કરે છે.

” આપણું ઉમરેઠ” બ્લોગની પ્રથમ વર્ષગાંઠ


આજે મારા બ્લોગ ” આપણું ઉમરેઠ ” નો પહેલો જન્મ દિવસ છે, “બ્લોગ” નામ તો શાંભળ્યું હતુ પણ ક્યારે બ્લોગ જગતમાં ડોકાચિયું નહોતું કર્યું પરંતુ જ્યારથી બ્લોગ જગતમાં ડોકાચિયું કર્યું છે ત્યારથી બીજે ક્યાં ડાફોડિયા મારમાનું ગમતું પણ નથી..

ઓરકૂટની “ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ” કોમ્યુનિટીમાં જોડાયા પછી બ્લોગ જગતના કેટલાક મહારથીઓ સંપર્કમાં આવ્યા કેટલાય સમયથી હું ઈન્ટરનેટના માધ્યમથી મારી અને મારા ગામની વાત મિત્રો અને અન્ય લોકો સુધી પહોંચાડવા માગતો જ હતો જે માટે ” આપણું ઉમરેઠ” પી.ડી.એફ ફાઈલમાં બનાવી મિત્રોને અને સબંધીઓને ઈ-મેલ થી મોકલતો હતો. આ અંગે થોડા દિવસ પહેલા જ ” જૂનુ આપણું ઉમરેઠ ” પોસ્ટ કરી હતી.

સૌથી પહેલો ગુજરાતી બ્લોગ http://lajja.wordpress.com/ મેં જોયો હતો જે જોઈ મને બ્લોગ લખવાની ખંજવાળ ઉપળી.. ” આપણું ઉમરેઠ” હવે પી.ડી.એફ ફાઈલથી નહી બ્લોગ ધ્વારા લોકો સુધી પહોંચાળવાનો રસ્તો મળી ગયો હતો. ઝટપટ બ્લોગનું રજિસ્ટ્રેશન કરાવી દીધુ પછી લખવાનો સમય આવ્યો તો ફરી પાછો ફોન્ટનો પ્રશ્ન નડ્યો.. જે ” ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ” કોમ્યુનિટીના કેટલાક મિત્રોએ દુર કરી આપ્યો.

સૌથી પહેલા બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે શું લખવું..? શરૂઆત ક્યાથી કરવી..? જેવા પ્રશ્નો થવા લાગ્યા આખરે ઈ-મેલ થી મળેલ એક જોક પહેલી પોસ્ટ તરીકે બ્લોગ ઉપર મુક્યો જેના પ્રતિભાવમાં વિનયભાઈ ખત્રીએ તે જોક તેમના બ્લોગ ઉપર પહેલે થી છે જ તેમ જણાવ્યું જેથી જે તે જોક મારા બ્લોગ ઉપરથી હટાવી દીધો અને તેમની સલાહ અને માર્ગદર્શન મુજબ બ્લોગ લખવાનું શરૂ કર્યું તેઓએ બ્લોગ જગતમાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીય વાતો જણાવી.

બ્લોગ જગતમાં પહેલી પોસ્ટ બરાબર ૨૮ મે સાંજે ૫.૪૩ કલાકે “મનાઈ કેવી ને વાત કેવી…!” કરી હતી અને પહેલી કોમેન્ટ રજની અગ્રવાત તરફથી ૯ જૂન ના દિવસે મળી. બ્લોગ જગતનો અનુભવ ખરેખર અદભૂત છે. હાલમાં બ્લોગમાં કુલ ૨૦૩ પોસ્ટ કરેલ છે, અને ૨૫૧ કોમેન્ટ પ્રાપ્ત થયેલ છે.

ઉમરેઠ થી દૂર રહેતા કેટલાય જાણીતા લોકો જ્યારે ઉમરૅઠમાં રૂબરૂ મળ્યા તેઓ પણ ” આપણું ઉમરેઠ” બ્લોગ નિયમિત વાંચે છે તેમ કહ્યું, તે જાણી આનંદ થયો પ્રત્યક્ષ પ્રતિભાવો ખરેખર રોમાંચીત કરી દે તેવા હતા, આજ પ્રેમ વાંચકો હંમેશા કાયમ રાખશે તેવી અપેક્ષા.

મારી ગણતરી થઈ ગઈ..!


તમે સૌ જાણતા હશો હાલમાં દેશની વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. વસ્તી ગણતરી અધિકારી કેવું ફોર્મ ભરે છે..? ને કેવી રીતે આ કામ થાય છે. જાણવાની ખૂબ ઈચ્છા હતી. જેથી આતુરતાથી હું વસ્તી ગણતરી અધિકારીની રાહ જોતો હતો પણ આજે જ ઘરે થી ખબર પડી કે તે લોકો તો બે દિવસ પહેલા જ વસ્તી ગણતરીનું ફોર્મ ભરી ગયા.

..ખેર જવા દો, દેશની વસ્તીમાં મારી ગણતરી તો થઈ ગઈ તમારી થઈ..?

ઉમરેઠ ભદ્રકાળી વાવની બિસ્માર હાલત-૨


ભદ્રકાળી માતાજીના મંદિરની વાવ

ઉમરેઠ નગરના સુવર્ણ ઈતિહાસની ચાડી ખાતી ઉમરેઠની ભદ્રકાળી વાવની બિસ્માર હાલત જોઈ ઉમરેઠના નગરજનો હાલમાં ભારે દુઃખની લાગણી વ્યકત કરી રહ્યા છે.ત્યારે ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં આવેલ ભદ્રકાળી માતાના મંદિરની વાવ તરફ પુરાતત્વ ખાતાના અધિકારીઓ સકારાત્મક નજર દાખવે તેવી લોક લાગણી ગામમાં પ્રવર્તમાન બની છે.

વઘુમાં ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં આવેલી ભદ્રકાળી માતાના મંદીરની વાવ હાલમાં બિસ્માર અને ખંડેર હાલતમાં દેખાઈ રહી છે.એક દિવસ ઉમરેઠના સુવર્ણ ઈતિહાસની સાક્ષી બની ગયેલી સદર વાવ આજે સારા રખરખાવને કારણે કચરાપેટી જેવી હાલતમાં દેખાય છે.આજના જમાનામાં ખંડેર બની ગયેલી વિવિધ વાવોનો પહેલાના સમયમાં ખુબજ ઉપયોગ થતો હતો ઉમરેઠના ઈતિહાસને ફંફોળતા જાણવા મળ્યુ કે,૧૬૮૪માં વણજારાઓએ આ વાવ બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો.

પહેલાના જમાનામાં વણજારો એક જગ્યાનો માલ બીજી જગ્યાએ લઈ જઈ પૈસા કમાતા હતા,અને કમાયેલા પૈસાનો મોટાભાગે જળાશયો,કૂવા અને વાવ કરવા ખર્ચ કરતા હતા.ઉમરેઠની ભદ્રકાળી વાવ પણ વણજારાઓએ બંધાવી હોવાની માન્યતા છે જેથી આ વાવને લોકો વણજારી વાવ પણ કહે છે.વઘુમાં સદર વાવ પાસે આશરે ૭૫ વર્ષ પહેલા દોશી વાણીયાઓની લૂગડાની માત્ર ચાર-પાંચ દુકાનો હતી સાથે વ્યાજ વટાવનો ધંધો માત્ર ખેડાવાળ બ્રાહ્મનો કરતા હતા.વાવની આસપાસ પહેલાના સમયમાં ભારે જાહોજલાલી દેખાતી હોવાની પણ ઈતિહાસ ગવાહી આપી રહ્યુ છે.

ઉમરેઠનગરમાં ઓવેલી ભદ્રકાળી વાવના વિકાસ કરવા માટે તંત્ર વિચારી કોઈ પગલા ભરે અને નગરના વિકાસમાં એક કદમ આગળ વધે તેમ નગરજનો લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે.

આ સાથે આ વાવ પાસે આવેલ ભદ્રકાળી માતાનું મંદિર પણ નગરમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે અહિયા કેટલાય લોકો પોતાના પૂત્રરત્નની બાધા વિધિ કરાવવા પણ અચુક આવતા હોય છે ખાસ કરીને કંસારા અને બ્રાહ્મણ સમાજના લોકો માટે ભદ્રકાળીમાતાજીના મંદિરમાં અનેરૂં ધાર્મિક મહત્વ છે. ત્યારે માદરે વતન ઉમરેઠનું ઋણ ચુકવવા કોઈ દાનવીર આગળ આવી અને મંદિરનો જીર્ણોધ્ધાર કરે તેમજ પુરાતત્વ ખાતું વાવનો વિકાસ કરે તો વાવ અને મંદિરની રોનકમાં ચાર ચાંદ લાગે તેમ છે. BHADRAKALI VAV

દેવાંગ મહેતા (૧૯૬૨-૨૦૦૧)


દેવાંગ મહેતા (૧૯૬૨-૨૦૦૧)

સમગ્ર વિશ્વમાં ભારતની કોમ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે ઓળખ ઉભી કરનાર દેવાંગ મહેતાનો જન્મ ગુજરાતના એક નાના ગામ ઉમરેઠમાં ૧૦ ઓગષ્ટ ૧૯૬૨માં થયો હતો.દેવાંગ મહેતાએ પોતાની જિંદગીના પ્રથમ છ વર્ષ ઉમરેઠમાં પસાર કર્યા હતા.ત્યાર બાદ તેમના માતા-પિતાએ અચાનક દિલ્હી જવાનો નિર્ણય કર્યો જ્યાં દેવાંગ મહેતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીની ભારતીય વિધા ભવન સ્કૂલ ખાતે શરૂ કરવામાં આવ્યું.જ્યારે ભણવામાં અવલ્લ રહેતા દેવાંગ મહેતાને બાળપણથી ડોક્ટર બનવાની ઈચ્છા હતી.ડોક્ટર બનવાના લક્ષ સાથે પોતાના અભ્યાસને આગળ વધારતા ૧૯૭૯માં દેવાંગ મહેતાએ દિલ્હી ખાતે મેડિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠાવંત એવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિયુટ ઓફ મેડીકલ સાયન્સ નામની સંસ્થામાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેમનું ભાગ્ય તેમને બીજા ક્ષેત્રમાં દોરી જવા માંગતુ હતુ જેથી થોડા જરૂરી નિયમોને અનુરૂપ ન થતા દેવાંગ મહેતાએ મેડીકલ લાઈન છોડી દીધી.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિયુટ ઓફ મેડીકલ સાયન્સમાં અભ્યાસ છોડ્યા પછી દેવાંગ મહેતાએ મુંબઈની સેન્ટ ઝેવિર્યસ કોલેજમાં રાજકિય વિજ્ઞાન,હિસ્ટ્રી અને ફેન્ચ શિખવાનો નિર્ણય કર્યો પરંતું તેઓના આ નિર્ણય સામે તેમના માતા પિતા સાથે મતભેદ થતા તેઓએ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માટે અથાગ પરિશ્રમ શરૂ કર્યો જેના કારણે ૧૯૮૪માં તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ બન્યા.આ સાથે તેઓએ પત્રકાર,અને રાજકારણમાં પણ રસ દાખવ્યો હતો.ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ તેઓએ પોતાના આર્ટીકલો લખ્યા હતા.આ સાથે આ સમયે મેનકા ગાંધી સૂર્યા નામના મેગેઝીનની એડીટર હતી તેઓએ તેમને સૂર્યા માટે આર્ટીકલ લખવા જણાવ્યુ આ દરમ્યાન તેઓએ ભારતના પ્રવાસો ઉપર એક આર્ટીકલ પણ લખ્યો હતો.પત્રકાર તરીકે દેવાંગ મહેતાએ પોતાની છાપ છોડી હતી.

દેવાંગ મહેતાને ફિલ્મી દુનિયા પ્રત્યે ખુબજ આકર્ષણ હતુ તેઓ હંમેશા ફિલ્મ બનાવવા માટે થનગનાટ કરતા હતા ત્યારે ૧૯૭૭માં વેકેશન દરમ્યાન વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલ પોતાની એક ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેઓનો સંપર્ક દેવાંગ મહેતા સાથે થયો ત્યારે દેવાંગ મહેતાએ પોતાનો ફિલ્મો પ્રત્યેનો લગાવ તેઓને બતાવી શ્યામ બેનેગલને પ્રભાવિત કરી દીધા જેથી દેવાંગ મહેતાને શ્યામ બેનેગલે પોતાની ફિલ્માં સ્પોટ બોય તરીકે કામ આપ્યુ આ સમય દરમ્યાન દેવાંગ મહેતાએ પોતાની અંદર રહેલી ફિલ્મો બનાવાની આવડત અને સમજને વઘુ મજબુત બનાવી આ એક એવો સમય હતો કે જ્યારે તેઓ કેમેરાની ખુબ નજીક હતા આ સમયે તેમને પોતાની ફિલ્મ બનાવાની શક્તિનો વઘુ વિકાસ કર્યો ત્યાર બાદ તેઓએ ભારતીય પ્રવાસ વિષય ઉપક ગ્લીમપસીસ ઓફ ઈન્ડિયા નામની વીશ મિનિટની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી જેને ૧૯૮૩માં કોમનવેલ્થ ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ પણ મળ્યો હતો.

પત્રકાર,ફિલ્મ,રાજકારણ અને બીજા અનેક ક્ષેત્રે નસીબ અજમાવ્યા બાદ દેવાંગ મહેતાના જીવનમાં એક વળાંક આવ્યો જે તેમના માટે તેમજ સમગ્ર ભારત દેશ માટે લાભદાયી રહ્યો.તેઓએ લંડનની ઈમ્પીરીયલ કોલેજ માંથી કોમ્યુટર ગ્રાફિક્સનું જ્ઞાન મેળવ્યુ જે તેમના માટે ખુબ ઉપયોગી સાબિત થયુ આ દરમ્યાન તેઓએ કોમ્યુટર ક્ષેત્રમાં અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા.ઓક્ટોબર ૧૯૮૮માં દેવાંગ મહેતા ઓરિસ્સા સિમેન્ટમાં જનરલ મેનેજર હતા ત્યાર બાદ ૧૯૯૧માં જ્યારે નાસ્કોમના પ્રમુખ અને દેવાંગ મહેતાના જુના મિત્ર હસિત મહેતાએ તેઓને આ સમયે નાસ્કોમના સેક્રેટરી પદે રહેવા જણાવ્યુ ત્યારે દેવાંગ મહેતાને મળેલી આ તકને તેઓએ તુરંત ઝડપી લીધી ત્યારે બાદ ભારતને ઈન્ફરમેશન ટેકનોલોજી ક્ષેત્રે દેવાંગ મહેતાએ આગવ ઓવખ અપાવી જ્યારે ૧૯૯૧ બાદ જ્યારે દેવાંગ મહેતા નાસ્કોમમાં જોડાયા તે સમય માત્ર દેવાંગ મહેતા માટે નહી પરંતુ નાસ્કોમ માટે પણ સુવર્ણ સમય બની ગયો.જ્યારે સોફ્ટવેર ક્ષેત્રમાં દેવાંગ મહેતાના પ્રયત્નથી નાસ્કોમ સમગ્ર વિશ્વમાં ચાવીરૂપ ભૂમિકામાં મુકાઈ ગયુ.

દેવાંગ મહેતાની વાત કરવાની આવડતન અને મિલનસાર સ્વભાવએ તેમનું મુખ્ય જમા પાસુ હતુ.દેવાંગ મહેતા માટે એ ગૌરવની વાત હતી કે ભારત દેશ ઉપર ગમે તે રાજકિય પક્ષ રાજ કરતો હોય પરંતુ સોફ્ટવેર ક્ષેત્રના વિકાસ માટે તમામ રાજકિય પક્ષોને તેઓ એકમત કરી દેતા હતા અને તમામ રાજકિય પક્ષ તરફથી સોફ્ટવેર ક્ષેત્રની હંમેશા તરફેણ થતી હતી.દેવાંગ મહેતા રાજકિય પ્રક્ષોના યોગ્ય માણસો સાથે ધનિષ્ઠ સબંધો ધરાવતા હતા જેને કારણે સોફ્ટવેરની આયાત ઉપર શૂન્ય ડ્યુટી,સોફ્ટવેર આયાત નિકાસ કરમાં રાહત,કોપીરાઈટનો કાયદો,અને આઈ.ટી ના કાયદા વિગેરે દેવાંગ મહેતાને આભારી છે.જેને કારણે આજે ભારત ૨૦૦૮ સુધીમાં લગભગ પચ્ચાસ બિલિયન ડોલરના સોફ્ટવેર નિકાસનો લક્ષાંક ધરાવે છે.

ભારતમાં લગભગ ઓગણીસ જેટલા રાજ્યોને સાયબર કાયદા બનાવવા માટે દેવાંગ મહેતાએ મદદ કરી હતી.આ દરમ્યાન દેવાંગ મહેતાએ દેશ વિદેશમાં એકસો ઉપરાંત આંતરાષ્ટ્રીય પરિષદો યોજી હતી.દેવાંગને કામ કરવાનું એક અનોખુ વ્યસન હતુ.ખુબજ ટુંકા સમય ગાળામાં દેવાંગ મહેતાએ દેશને આગવી ઓળખ અપાવી ભારે નામણા મેળવી હતી.સતત પરિશ્રમ અને પ્રયત્નશીલ રહેતા દેવાંગ મહેતાને કોમર્શીયલ પાયલોટ અને ફિલ્મો બનાવાનુ સપનુ અધુરૂ રહ્યુ .દેવાંગ મહેતાનું મૃત્યુ ૧૨ એપ્રીલ ૨૦૦૧ના રોજ થયુ હતુ દેવાંગ મહેતાના મૃત્યુ બાદ ભારતના સુચના અને માહિતી પ્રધાન પ્રમોદમહાજન,રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ,તેમજ સમગ્ર દેસવાસીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે દેવાંગ મહેતાના મૂળ વતન ઉમરેઠમાં પણ આ સમયે લોકોએ તેઓને શ્રઘ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે તેઓની અંતિમયાત્રામાં ઉમરેઠના જનપ્રતિનિધિ અને ભૂ.પૂ ધારાસભ્ય સુભાષભાઈ શેલત હાજર રહ્યા હતા.

(પૂરક માહિતી સૌજન્ય .નાસ્કોમ, ભાષાંતર- વિવેક દોશી-ઉમરેઠ)

ઉમરેઠના આ નસિબદાર વ્યક્તિ પાસે સામે દોડીને ઈનામો આવતા હતા…


madanbhaiDoshiઈનામ મળે તો કોણે સારૂં ના લાગે સૌ કોઈને ઈનામ મેળવવાની લાલશા તો હોય છે જ પરંતુ ઈનામ મેળવવા માટે મજબુત ભાગ્ય તેમજ આવડત પણ ખુબજ મહત્વનો ભાગ ભજવતી હોય છે,તેવીજ રીતે ઉમરેઠના મદનલાલ દોશીએ પોતાના ભાગ્ય અને આવડતના સમનવયથી આજે પોતાની લગભગ બોત્તેર વર્ષની ઊંમરે કેટલાય ઈનામો મેળવી એક અનોખી સિઘ્ધી પ્રાપ્ત કરી હતી. તેઓએ પોતાના જીવન દરમ્યાન જુદી જુદી પ્રતિષ્ઠીત કંપનીઓની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના અને પોતાના પરિવારના વિવિધ સભ્યોના નામે અઢળક ઈનામો પ્રાપ્ત કરી દીધા છે.

વધુમાં ઉમરેઠમાં મદનલાલ પેઈન્ટરના હુલામણા નામથી ઓળખાતા પ્રભાવશાળી વ્યક્તિએ યુવાન વય માંજ ગુજરાતી ભાષા ઉપર ખુબજ સારૂં એવું પ્રભુત્વ મેળવી લીઘુ હતુ પરિણામે નગરના તેમજ તેઓની પહેચાન વાળા વ્યક્તિઓ પોતાને ત્યાં આવતા લગ્ન પ્રસંગમાં લગ્ન કંકોત્રી થી માંડી વિવિધ કાર્ડ તેમજ પોતાના બાળકોના નામ પાડવા તેઓ પાસે આવતા હતા હાલમાં પણ નગરના કેટલાક ઘરના નામકરણ પણ તેઓએ કર્યા છે.ગુજરાતી ભાષા ઉપર ખાસ્સુ એવુ પ્રભૂત્વ તેઓની સફળ ઈનામી યાત્રામાં ડ્રાઈવરની ભૂમિકા ભજવી ગયુ હોય તેમાં પણ કોઈ બે મત નથી,ભાષા ઉપર પ્રભુત્વ કારણે તેઓએ પોતાના જીવનના મઘ્યાનમાં ગુજરાતના એક અગ્રણી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર તરીકે પણ ફરજ બજાવી સમાજમાં થતા વિવિધ બનાવો અને ઘટનાઓને પોતાની કલમની નજરથી જનતા સમક્ષ રજુ કર્યા હતા.

તેઓને ઈનામ મળવાની શરૂઆત એક ફિલ્મી મેગેઝીની શબ્દ સ્પર્ધાથી થઈ હતી જેમાં તેઓની પ્રથમ વખત ઈનામના રોક્કડ રૂપિયા ૧૭ મળ્યા હતા.ત્યાર બાદ તેઓની ઈનામી યાત્રા જાણે શરૂ થઈ ગઈ,એક તબક્કો એવો આવ્યો હતો કે મદનભાઈ જે ઈનામી સ્પર્ધામાં ભાગ લેતા હતા ત્યાં ઈનામ જાતે તેઓને શોધતુ આવતુ હોય તેમ લાગતુ હતુ.ફિલ્મી શબ્દોની આ સ્પર્ધામાં તેઓની ઈનામ રૂપે ૧૭ રૂપિયા મળ્યા ત્યાર પછી તેઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનું ચાલુ રાખ્યુ હતુ. પહેલાના સમયમાં દુરદર્શન ઉપર પ્રસારીત થતા હવામાન સમાચારમાં એક ઘરડો ડોસો આંખો ઉપર હાથ રાખી એક લાકડીના ટેકે ઉભો હોય તેવું દશ્ય દેખાડવામાં આવતુ હતુ,આ ડોસાનું નામ દુરદર્શનના લોકોને સુઝતુ ન હતુ તેથી તેનું નામ શું રાખવું તે અંગે તેઓએ એક સ્પર્ધા રાખી જેમાં આ ડોસાનું નામ શું રાખવું તે પુછવામાં આવ્યુ આ સમયે મદનભાઈ દોશીએ પોતાની અંદર રહેલી શબ્દોની તિજોરી ફંફોસવાનું ચાલુ કર્યુ અને છેલ્લે પોતે નક્કી કરેલ નામ વાવડિયો દુરદર્શનમાં સબમીટ કરાવી દીઘુ થોડા દિવસ થતા તેઓની ઉપર એક ટપાલ આવી જેમાં દુરદર્શનની ટીમ ઘ્વારા તેઓને અભિનંદન આપતો પત્ર આવ્યો હતો તેમજ તેઓ ધ્વારા મુકવામાં આવેલ વાવડિયા નામને પસંદ કરવામાં આવ્યો હતો જે કેટલાય સમય સુધી દુરદર્શન ઉપર હવામાન સમાચાર વખતે તે ડોસા સાથે લખવામાં આવતો હતો આ સમયે તેઓની અંદર આ શબ્દ ક્યાંથી જાગ્યો તે અંગે વઘુ જાણકારી મેળવવા માટે દુરદર્શન સમાચારમાં પણ તેઓનો એક ઈન્ટરવ્યુ આવ્યો હતો.આ સમયે તેઓના વાવડિયા શબ્દની પસંદગી થતા તેઓને દુરદર્શન ઘ્વારા પ૦૦ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત મેગી બે મિનિટ કોન્ટેસ્ટમાં તેઓને સ્પીકકિંગ સાયકલ ઈનામમાં લાગી હતી તેમજ ફિલિફસ બેટરી કોન્ટેસ્ટમાં તેઓને આશ્વાસન ઈનામમાં રેડિયો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો,જ્યારે ઈમાની ક્રીમ ઘ્વારા યોજાવમાં આવાલી એક સ્પર્ધામાં તેઓને કુલ બે હજાર રૂપિયાના ગીફ્ટ વાઉચર મળ્યા હતા,એક તરફ મોટા ઈનામો તેઓના ભાગ્યના સથવારે તેમના કદમોમાં ઝુકી જતા હતા ત્યારે નાના ઈનામો પણ તેઓની આગળ પાછળ ફર્યા કરતા હતા તેઓને લાઈફબોય સાબુની એક સ્પર્ધામાં ટી-શર્ટ પણ ઈનામમાં લાગ્યુ હતુ. આ સાથે મેક.ડોનાલ્ડ એન્ડ લીમીટેડ કંપનીની સ્પર્ધામાં તેઓને એક હજાર રૂપિયા તેમજ કિરણ તેલની સિઝન હરિફાઈમાં ૫૭૫૦ અને મૈસુર લેમ્પ વર્કસની સ્પર્ધામાં અર્લી બર્ડ પ્રાઈઝ તરીકે ૧૦૦ રૂપિયાનું ઈનામ મળ્યુ હતુ.વઘુમાં નાના મોટા રોક્કડ ઈનામો સાથે જુદી જુદી ઈનામમની વસ્તુઓએ પણ તેઓના ઘરની શોભા વધારી હતી જેમાં ૧૯૮૦માં ઉષા સેલ્સ લિમિટેડની નેમ ધ ઉષા બ્યુટી કોન્ટેસ્ટમાં તેઓને કલર ટી.વી સેટ,બોમ્બે ડાઇંગ ની સ્પર્ધામાં અવન્તી સ્કૂટર,તેમજ ગુજરાત સમાચાર દૈનિકમાં સી.ડી પ્લેયર પણ ઈનામમાં લાગ્યુ હતુ.

તેઓના જીવનમાં સૌથી મોટુ ઈનામ ૧૯૮૩માં નેસ કોફીની સ્પર્ધામાં લાગ્યુ હતુ,આ સ્પર્ધામાં નેસ કોફીના સ્લોગન સ્વરૂપે એક શબ્દ શોધવાનો હતો જેમાં મદનલાલ દોશીએ સીલેક્ટ શબ્દ પસંદ કરી કંપનીમાં મોકલી આપ્યો હતો જેને નેસ કોફી એ સીલેક્ટ કરી તેઓને ઈનામ સ્વરૂપે પ્રિમિયમ પદ્મીણી ફીયાટ કાર(એ.સી) ઈનામમાં આપી હતી.

મદનભાઈ પત્રકાર,ફોટોગ્રાફર અને પેઈન્ટર તરીકે પણ સફળ થયા હતા..

રવીવાર


વડોદરાની અસહ્ય ગરમીનો અનુભવ કર્યો, મિત્રના લગ્નમાં રવીવારે વડોદરા જવાનું હતુ આમ જોવા જઈયે તો વડોદરા અને ઉમરેઠમાં સરખી જ ગરમી લાગી. બસ હવેતો વરસાદ સરપ્રાઈઝ આપે તેવી પ્રબળ ઈચ્છા છે…! મિત્રના લગ્નમાં રવીવાર જોત જોતામાં પસાર થઈ ગયો.

સાંજે ૬.૩૦ પછી ઉમરેઠ આવી કાકાના છોકરાનું એન્જીનીયરીંગનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું, અરે હા કહેવાનું રહી ગયું કાકાના છોકરાના ૧૨ સાયન્સમાં ૮૦% આવ્યા..! બોસ અત્યારના છોકરા ૭૫/૮૦ ટકાતો રમતા રમતા લાવ દેતા હોય છે.

રાત્રે થાકેલા પાકેલા આઈસ્ક્રીમનો આનંદ લીધો, અને આઈ.પી.એલ એવોર્ડ સમારોહ જોતા જોતા..પથારીમાં ઢેલ…

ફેશબુક, ટ્વીટર અને યુટ્યુબ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ પછી શું..!


એક સમાચાર મુજબ ફેશબુક, ટ્વીટર અને યુટ્યુબ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમાં નવાઈ જેવું કાંઈ નથી પાકિસ્તાનમાં આ પહેલા કેટલાક આતંકવાદી સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા પણ યેનકેન પ્રકારે તેઓ નામ બદલી પોતાની ગતિવિધિ ચાલુ જ રાખતા હતા તેમ ફેશબુક, ટ્વીટર અને યુટ્યુબએ પણ પાકિસ્તાનમાં પોતાનો પગપેસારો યથાવત્ રાખવા નામ બદલી પોતાની ગતિવિધી ચાલુ રાખી શકાય તેમ છે. જો પાકિસ્તાનમાં ફેશબુક, ટ્વીટર અને યુટ્યુબનું નામ બદલી ફરી ચાલુ કરવામાં આવે તો તેના કાલ્પનીક નામ કેવા હશે તે જોઈયે..

ફેશબુક = અલ-ફેશ-એ-બુક

ટ્વીટર = જમાત-એ-ટ્વીટર

યુટ્યુબ = યુટ્યુબ-એ-તોબા

.. આ બાબતે ભારત દેશના રાજકિય નેતાઓ ખુબ હોશિયાર છે, લાલુ પર પ્રતિબંધ આવે તો રબડી તૈયારજ હોય છે, જો કદાચ શરદ પર પ્રતિબંધ આવશે તો તેના બાળ-ગોપાલ તૈયારજ છે.

ઉમરેઠમાં સુલભ શૌચાલય – ગરીબો માટે આશિર્વાદ સમાન


ઉમરેઠ નગર પાલિકા વિસ્તારમાં ગામની વિવિધ ભાગોળમાં સુલભ શૌચાલય – ગરીબો માટે આશિર્વાદ સમાન બની ગયા છે. સરકારી યોજના અંતર્ગર ગરીબોને શૌચાલય બનાવવા માટે જરૂરી સામાન મફત પૂરો પાડવામાં આવે છે. જ્યારે કાચા ઝુપડા ધરાવતા ગરીબોઆ યોજનાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ જે કોઈ લોકો ઝુપડા પણ ધરાવતા નથી કે બી.પી.એલ રેશનકાર્ડ ધરાવતા નથી અને ખુલ્લામાં હાજત કરવા જાય છે તેઓ માટે ગામની વિવિધ ભાગોળમાં સુલભ શૌચાલય બનાવવામાં આવ્યા છે જેની તંત્ર દ્વારા યોગ્ય સંભાળ પણ રાખવામાં આવે છે જેના કારણે ગામમાં ગંદકી ખાસ કરીને ભાગોળ વિસ્તારમાં ઓછી થવા લાગી છે. તંત્રનું આ પગલું ખરેખર સાતત્યપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

ઉમરેઠમાં નવા રસ્તા બનાવવા મહૂર્ત ચોમાસામાં નિકળશે..?


ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બનેલા જાહેર રસ્તાને નવા બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવું આશ્વાસન મળે લાંબો સમય થઈ ગયો છતા પણ નગરમાં નવા રસ્તા બનાવવાને લઈ તંત્ર હજુ કાગળ પર કાર્યવાહિ કરતું હોય તેવું કહેવાઈ રહ્યું છે.

ત્યારે નગરમાં નવા બનનાર રસ્તાને લઈ નગરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, જ્યારે આ અંગે ટીખળ કરતા લોકો કહી રહ્યા છે કે, શું નગરમાં ચોમાસમાં નવા રસ્તા બનાવવાનું મહૂર્ત નિકળશે..? તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.

..જો નગરમાં ચોમાસામાં રસ્તા થશે તો હાલમાં જે રસ્તાની દુર્દશા થઈ છે તેવીજ પરિસ્થિતી આવનારા દિવસમાં સર્જાય તેમા કોઈ બે મત નથી. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે વર્ષો અગાઊ નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા જે બાદ એક જ ચોમાસામાં રસ્તા અને ડામરની દોસ્તી ટુટી ગઈ હતી.

ઉમરેઠ પાલિકાના વોટરવર્કસના ચેરમેનનું રાજીનામું – નૈતીક જવાબદારી કે રાજકિય હુંસાતુંસી..?


ઉમરેઠ નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના ચેરમેન મોહનભાઈ પટેલે તાજેતરમાં ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા નગરમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ત્યારે વોટર વર્કસ વિભાગના ચેરમેને નગરમાં પાણી પૂરવઠામાં થતી લાલિયાવાડીને કારણે નૈતિક જવાબદારી સમજી કે પછી રાજકિય હૂંસાતુસીને કારણે રાજિનામું આપ્યું હશે તેની જોરદાર અટકળો નગરમાં થઈ રહી છે.

આ અંગે વધુમાં કેટલાક સુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, નગર પાલિકાના મહિલા પ્રમુખ ભા.જ.પ તરફ થી સત્તા ઉપર આવ્યા છે અને હાલમાં નગર પાલિકામાં ભા.જ.પ ની જ સત્તા છે. પરંતુ પ્રમુખશ્રી અને ભાજપના અન્ય સભ્ય વચ્ચે સુસંગતતાનો અભાવ છે પ્રમુખશ્રી અંદરખાને પાલિકાના વિરોધપક્ષની તરફેણ કરે છે જેના કારણે ભાજપની સત્તા હોવા છતા પણ નગરના વિકાસને બ્રેક લાગી ગઈ છે. પાલિકામાં આવેલી ગ્રાન્ટો વણવપરાયેલ પડી રહી છે જે યોગ્ય રીતે ગામના વિકાસમાં વાપરવામાં નહિ આવે તો ગ્રાન્ટ પરત પણ જવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

સત્તાધારી ભા.જ.પ પક્ષ પણ કેટલાક સરકારી નિતી નિયમોને કારણે આ પ્રમુખને સહન કરવા મજબુર છે , જેથી સત્તાધારી ભાજપ ને લાફો ખાઈ ગાલ લાલ રાખવા જેવી પરિસ્થીતી પેદા થઈ છે, જો બોર્ડમાં કોઈ કામ પાસ થાય તો તે માટે જરૂરી પૈસા માટે ચેક કે અન્ય હુકમો ઉપર પ્રમુખની સહી જરૂરી હોય છે જે કરવા માટે પ્રમુખ ટીંગાટોળી કરી કામ અટવાવી દેતા હોય છે જેથી ગામનો વિકાસ હાલમાં સ્થીર થઈ ગયો છે, ત્યારે પ્રમુખ અને સત્તાધારી પક્ષ વચ્ચે દેખીતી વિસંગતતા નગરના વિકાસને આડે ચીનની દિવાલ પુરવાર થઈ રહી છે.

તેવીજ રીતે નગરમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે કેટલાક વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન સહિત અન્ય સમારકામ કરાવવાની જરૂર છે જે અંગે વોટર વર્કસના ચેરમેન દ્વારા ચીફ ઓફિસર તેમજ પ્રમુખને રજૂઆતો કરવામાં આવી હોવા છતા આ દિશામાં કોઈ સકારાત્મક પગલા ભરવામાં આવતા નથી જેથી કંટાળી પોતાની નિતિક જવાબદારી સમજી કે પછી આવી રાજકિય હૂસાતુસીથી કંટાળી વોટર વર્કસના ચેરમેન મોહન ભાઈએ રાજીનામું આપ્યું હશે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ લડાઈ સત્તાધીશો અને પ્રમુખ વચ્ચે ની હોય કે પછી સત્તાધીશો અને ચીફઓફિસરની હોય પણ છેવટે હારતો આમ જનતાનીજ થવાની તેમા કોઈ શંકાને સ્થાન નથી..!

ઉમરેઠ નગરપાલિકાના વોટર વર્કસના ચેરમેનનું એકાએક રાજીનામું…!


ઉમરેઠ નગર પાલિનાકા વોટર વર્કસના ચેરમેન મોહનભાઈ પટેલે આજે પોતાનું રાજીનામું આપી દેતા નગરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ અંગે મોહનભાઈ પટેલ સાથે વારચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે નગરમાં પાણીની સમસ્યા વધુને વધુ વિકટ થઈ રહી છે ત્યારે પાણી પુરવઠો નિયમિત પુરો પાડવા માટે કેટલીક પાણીની મોટરો સહિત કેટલાક વિસ્તારમાં પાઈપલાઈન સહિતની અન્ય કામગીરી કરવી ખુબજ જરૂરી છે.

જ્યારે પ્રજાલક્ષી આ કાર્ય કરવામાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા યોગ્ય સહકાર મળતો નથી અને પાણીનો પ્રશ્ન વધુ વિકટ બની રહ્યો છે. ત્યારે પોતે વોટર વર્કસના ચેરમેન હોવા છતા પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે તેઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યુ હતુ કે નગમાં પાણી પુરવઠો નિયમિત આવે તે માટે તેઓએ ચિફ ઓફિસરને રજૂઆત કરી છે અને જરૂરી પાઈપો અને કોલમોની માગણી કરવામાં આવી છે છતા પણ આ દીશામાં કોઈ ચોક્ક્સ સકારાત્મક વલણ ચીફ ઓફિસર કે પ્રમુખ દાખવતા ન હોવાને કારણે તેઓએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેઓએ પોતાના રાજીનામા અંગે જાણ કલેક્ટર કચેરી તેમજ ઉમરેઠ શહેર ભા.જ.પ પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલને પણ કરી હોવાનું જણાવ્યું હતુ.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે હાલમાં ઉમરેઠ નગરમાં વોર્ડ નં-૨ માં પેટા ચુંટણીમાં મોહનભાઈ પટેલ વિજેયતા થયા હતાને તેઓને વોટર વર્ક્સ ખાતાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા ત્યાર બાદ નગરમાં પાણીના પુરવઠાને લઈ વ્યાપક ફરિયાદો ઉઠી હતી કેટલીક મહિલાઓતો રીતસર પાલિકામાં જઈ માટલા સાથે પાણીના પોકાર પાડી રજૂઆત કરી હોવાની પણ ઘટનાઓ બની હતી.

રવીવાર


ગયા રવીવારે જણાવ્યું હતું તે મુજબ વીજળી-પાણીની સમસ્યા હવે હળવી થઈ છે, પણ આ રવીવારે પાણીની સમસ્યા સર્જાઈ હતી પરંતુ અગાઊથી પાલિકા તંત્ર દ્વારા તે અંગે જાહેરાત કરવામાં આવી હતી જેથી બહૂ ખાસ મુશ્કેલી ન પડી..

આ રવીવારે પણ એક મિત્ર પાસે ડાકોર દર્શન કરી આવ્યો, જીવનમાં પહેલી વખત એકદમ સુંદર દર્શન કર્યા મંદિરમાં છેક આગળ જઈને, ભગનાવનું આખુ સ્વરૂપના એકજ નજરમાં દર્શન થયા તે પણ પંજા ઉપર ઉચા થયા વગર ..અદભૂત દર્શન હતા..મન પ્રફુલ્લીત થઈ ગયું.

ડાકોર મેડા ઉપરવાળાના ખમણ બંધ હતા જેથી નાસ્તો કર્યા વગર પાછા ફર્યા. ( ગોટા ભાવે છે, પણ ખાવાન ઈચ્છા ન હતી) સી.ટી પોઈન્ટમાં મસ્ત મસાલાવાળી “ચા” પીવાની મઝા આવી.

ઘરે આવી ભોજન કર્યું , ઘરે કેરી મસળી કાઢેલો રસ અને ઢોકળાં ખાવાની ખુબ મઝા આવી .પછી રાબેતા મુજબ ન્યુઝ પેપરને ન્યુઝ ચેનલ ઉપર દેશ-વિદેશના હાલ ચાલ જાણ્યા..! અને કહેવાની જરૂર નથી કે પથારી ભેંગો થયો સાંજે ૪.૩૦ કલાકે મિત્રની બહેનના મેરેજમાં જવાનું હતું મોડી રાત્રે ત્યાંથી પરત ફર્યો પંચવટી સંતરામની મસ્ત આઈસ ડીશ ખાઈ ઠંડો થઈ સુઈ ગયો આ રવીવાર ખુબ ઝડપથી પસાર થઈ ગયો..સી.યુ ઓન નેક્સ્ટ સન્ડે..!

બાળ મજૂરી


બાળ મજૂરી

ઉમરેઠ પંથકમાં બાળ મજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે, એક તરફ સરકાર પ્રાથમિક શિક્ષણ ફરજીયાતની બંડો પોકારે છે ત્યારે બીજી બાજૂ બાળ મજૂરોનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય છે. કહેવાય છે બાળ મજૂરો સાથે બાળ ભિખારીની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે તમે પણ ક્યાંક બાળ ભિખારી જોયા જ હશે..! રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સિનેમા હોલથી માંડી અન્ય જાહેર સ્થળો ઉપર રીતસર બાળ ભિખારીઓની ભરમાળ દેખાય છે.

ત્યારે પ્રાથમિક શિક્ષણ મેળવવા બાળકો સરકારી સ્કૂલમાં આવે તે માટે સરકારે કોઈ અસર કારક પગલા લેવા જરૂરી છે.

(ફોટો- સરદાર ગુર્જરી)

વિશ્વનાથન આનંદ


વિશ્વનાથન આનંદ

આ.ઈ.પી.એલ ની ઝગમગાટ અને ટી-૨૦ વિશ્વકપની રોમાંચ વચ્ચે જે રમતમાં વર્ષોથી ભારતનો ડંકો વાગે છે તે આપણે ભુલી ગયા છે. અફસોસની વાત છે કે, ટી-૨૦ વિશ્વકપમાં થયેલ ભારતની હારનું ખેલપ્રેમીઓને જેટલું દૂઃખ થયું છે તેનાથી અડધો પણ આનંદ ચેસમાં વિશ્વ વિજેયતા થયેલ વિશ્વનાથન આનંદની ઉપલબ્ધી ઉપર થાય તો વિશ્વનાથન આનંદના આત્મવિશ્વાસમાં કેટલો બધો વધારો થશે.

..ખેર વિશ્વનાથન આનંદ છેલ્લા કેટલાય વર્ષોથી ચેસ વિશ્વમાં પોતાનું સામ્રજ્ય બનાવી ભારતનું નામ રોશન કરે છે. ત્યારે ટી-૨૦ વિશ્વકપની હારનો શોક મનાવવા કરતા વિશ્વનાથન આનંદની શાનદાર ચેસની રમત ઉપર ગર્વ સાથે જશન મનાવવો જોઈયે. જેમ ટી-૨૦ વિશ્વ કપમાં આપણે જીત્યા હતા, ત્યારે જે માન અને સન્માન ક્રિકેટરોને આપ્યું હતું તે માન-સન્માનનો સાચો  હકદાર આજની પરિસ્થિતીમાં વિશ્વનાથન આનંદ છે..!

…પણ આઈ.પી.એલની ચકાચોધ ને વિશ્વકપ ટી-૨૦ની રોમાંચતા વચ્ચે વિશ્વનાથન આનંદ ની અવગણના થતી હોય તેમ ચોક્કસ દેખાઈ આવે છે.

ઉમરેઠના વૈષ્ણવ મંદિરોમાં પુર્ષોત્તમમાસની ઉજવણી


પુર્ષોત્તમ માસ એટલે શ્રીજીની ભક્તિ અને આરાધના કરવાનો માષ, આ માષમાં ભગવાનની ભક્તિ કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરતા હોય છે, ત્યારે ઉમરેઠમાં આવેલ વૈષ્ણવ મંદિરોમાં પુર્ષોત્તમ માસની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

ઉમરેઠના મગનલાલજી મંદિર, તેમજ સાત સ્વરૂપની હવેલી અને ચંન્દ્રમાંજીના વૈષ્ણવ મંદિરમાં પુર્ષોત્તમ માસ નિમિત્તે વિવિધ મનોરથો ના દર્શનનો ભક્તો લાહ્વો લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે મંદિરમાં ઠાકોરજીના “વિવાહ ખેલ” દર્શન સહિત અન્ય મનોરથના દર્શનનો ભક્તોએ લાહ્વો લીધો હતો. જ્યારે તાજેતરમાં વૈષ્ણવોના ત્રણ મંદિરના ઠાકોરજી એક મંદિરમાં બિરાજ્યા હતા અને અલોકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ઉમરેઠની ધર્મપ્રિય જનતાએ લીધો હતો..

જ્યારે પુર્ષોત્તમ માસ નિમિત્તે ઉમરેઠની દશા ખડાયતા વાદી ખાતે મહાપુજાનું આયોજન શાસ્ત્રી મધુસુધનભાઈના આચાર્ય પદે કરવામાં આવ્યું હતુ જેનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ઉમરેઠના વૈષ્ણવ મંદિરમાં થયેલ મનોરથના ચિત્રજી જોવા અહિયા ક્લિક કરો.

%d bloggers like this: