આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2010

ગાંધી ચોતરો


અમારા ઉમરેઠ ગામામાં સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સામે ” ગાંધી ચોતરો” આવેલ છે. આ ચોતરાને ગામના પીઢ નાગરિકો  ગાંધી ચોતરો તરિકે ઓળખે છે. હાલની પેઢીના લોકોએ આ જગ્યા જોઈતો હશે પણ તેનું નામ ગાંધી ચોતરો છે અને તે કેમ પડ્યું તે જુજ લોકોને ખબર હશે. આજ ના દિવસે ગાંધીજીનું મૃત્યુ થયું હતુ. તેમને ગોળી મારવામાં આવી હતી. જ્યારે ગાંધીજીના અંગિમ સંસ્કાર થયા ત્યારે તેમની અસ્થીનું એક ફુલ ઉમરેઠના તે સમયના ગાંધીજીના અનુયાઈયો લાવ્યા હતા અને આ જગ્યએ તે ફુલ મુકી એક મોતો ચોતરો બનાવ્યો હતો. અને જે જગ્યાએ ગાંધીજીની અસ્તીનું ફુલ મુક્યું હતું ત્યાં એક સ્થંભ બનાવ્યો હતો જેના ઉપર ગાંધીજીના વિચારો લખવામાં આવ્યા હતા. જે આજે પણ મોજુદ છે. દુઃખની વાતતો એ છે કે ઉમરેઠના હાલના કે પહેલાના નેતા, સ્વૈછીક સંસ્થાના હોદ્દેદારો, ક્લબ કે પછી અન્ય સામાજિક કાર્યકરો ક્યારે પણ આ ચોતરે ગાંધીજી ને યાદ કરવામાં આવતા નથી. ગાંધી જયંતિ હોય કે પછી ગાંધીજીનો મૃત્યુ દિન કોઈની પાસે આ સ્થંભ પાસે આવી ગાંધીજીને યાદ કરનાનો સમય નથી. (મારી પાસે પણ)

.. અને ગણિતમાં ૩૫ માર્ક આવ્યા


 થોડા દિવસ પહેલા
..અને રીશીપ્ટ ખોવાઈ ગઈ…!
બે પોસ્ટ કરી હતી જેમાં દશમાં ધોરણની બોર્ડની તેમજ પ્રિલિમ પરિક્ષાના કેટલાક ખાટા-મીઠા પ્રસંગોનું વર્ણન કર્યું હતુ. પરંતું ધો.૧૦ ની બોર્ડની પરિક્ષાનું પરિનામ આવ્યું ત્યારનો એક પ્રસંગ અહિયા લખવાનો પ્રયત્ન કરું છું.

..દશમાં ધોરણની પરિક્ષામાં મોટાભાગના પેપર સરસ ગયા હતા. (મારા માટે પાસ થવાય તેટલુ લખુ એટલે પેપર સારું ગયું કહેવાય) પણ ગણિતમાં થોડું લફડું લાગતું હતું આમતો હું જે આવડે તે જ લખતો બાકી આજુ બાજુ ડાફોડિયા મારવામાં કોઈ રસ ન હતો પછી છો ને નાપાસ થવાય..! આવી હોશિયારી પ્રિલિમ પરિક્ષામાં મારી હતી પરિનામતો તમને ખબર છે , પાંચમાં ફેલ. મને યાદ છે ગણિતમાં હું ખુબ જ ડફોળ હતો મારા ટ્યુસનના સાહેબ બી.એસ.પટેલ મારે કેવી રીતે પાસ થવું તેના ઉપર ભાર આપતા હતા. ગણિતમાં થીયરી મને તેમને મારી મારી કંઠસ્થ કરાવી હતી. પ્રમય , રાયડર અને વ્યાખ્યા કળકળાટ કરી નાખી હતી એકાદ બે પ્રકરણ પણ આવડતા હતા એટલે દાખલા પણ થોડા આવડ્યા પણ છતા પણ પાસ થવાની આશા ન હતી. ગણિતમાં પહેલા પ્રશ્નમાં દશ ખાલી જગ્યા પુછાતી હતી જેમાં ત્રણ ઓપ્શન પણ આપવામાં આવતા હતા પહેલાતો મેં તે ભગવાનનો ભરોસો રાખી કાંઈ પણ વિચાર્યા વિના પહેલી ખાલી જગ્યામાં પહેલુ ઓપશન બીજીમાં બીજુ અને ત્રીજીમાં ત્રીજુ ઓપ્શન જવાબમાં લખી દીધું. તેવીજરીતે ચોથી ખાલી જગ્યામાં પહેલુ ઓપશન લખ્યું ને જેતે પ્રમાણે બધી ખાલી જગ્યા ભરી પછી બધા પ્રમય ઠોકી બેસાડ્યા ને રાઈડર ને વ્યાખ્યા પણ આટલુ કરતા લગભગ દોઢ કલાક થઈ ગયો પછીના દોઢ કલાક મારા માટે ફાજલ હતા દાખલા આવડતા ન હતા અને જે પ્રકરણના દાખલા આવડતા હતા તેનો દાખલો પણ અઘરો હતો ને નતો આવડતો.. નાપાસ થવાના ચાન્સ વધી ગયા હતા . ગણિતના પેપર માંજ ૧૦ ફેલ પછી શું…? ના વિચારો આવવા લાગ્યા..! અને આ તો દશમાં ધોરણની બોર્ડની પરિક્ષા હતી એટલે માર્કશીટ પણ થોડી કૂવામાં ફેંકાય..? અને હું તો કોઈ પણ હિસાબે કૂવામાં ન પડું..!

..મારા માટે દોઢ કલાક પછીનો બધો સમય નવરાશનો હતો. પરિક્ષા ખંડમાં પીન ડ્રોપ સાયલન્સ હતું , સમય જલ્દી પસાત થતો હતો હવે, પરિક્ષા પૂર્ણ થવામાં લગભગ  માંડ ૧૫-૨૦ મિનિટ બાકી હતી. ને મારી આગળ ની બેન્ચ પર મારા એક મિત્રની બહેનનો નંબર હતો. તે ખુબ હોશિયાર હતી પરિક્ષા પૂર્ણ થવાની તૈયારી હતી એટલે ક્લાસમાં થોડી ચહે પહેલ શરુ થઈ ગઈ અને અમને વાત કરવાનો (ઈશારાથી) મોકો મળ્યો તેને મને કહ્યું લખાઈ ગયું બધુ..? મે હાં કહ્યું , પછી તેને મને કહ્યું ખાલી જગ્યા..? મેં કહ્યું લખી છે. પછી તેને જવાબ ટેલી કર્યા મારા બે જ જવાબ સાચા હતા બાકી ની આઠ ખાલી જગ્યા તેને કહ્યું તે મુજબ મેં સુધારી લીધી.

બસ પછી તો નાપાસ થવાનો ભય દૂર થઈ ગયો, અને બિન્દાસ ઘરે જઈને કહી દીધુ પેપર સરસ ગયું છે.

દિવસો પસાર થતા હતા પરિનામનો દિવસ જોત જોતામાં આવી ગયો પણ આ દિવસે સ્વાભાવિક રીતે ટેન્શનનો માહોલ હતો. મિત્રો જોડે સ્કૂલની આજુબાજુના ત્રણ ચાર મંદિરોમાં જઈ આવ્યા (દર્શન પણ કર્યા હતા.) આમ તો દરોજ મંદિર જતા હતા પણ મંદિરના બોકડે બેસી નાસ્તો કરતા હતા.

..છેવટે ઈન્તઝારનો સમય પૂર્ણ થયો ને માર્કશીટ હાથમાં આવતાની સાથે ટકાના કોલમમાં નજર મારી તો ૫૩.૨૯ % દેખાયું ને હાશ થઈ…પછી ગણિતના માર્ક ઉપર નજર પડી ૩૫ માર્ક હતા, ને તરત મોં માંથી જીભડી બહાર આવી ગઈ બાજુમાં ઉભેલા મારા એક મિત્રએ પુછ્યું કેમ શું થયું ..? મેં કહ્યું ગણિતમાં ૩૫ માર્ક આવ્યાં.

જો પેલી આઠ ખાલી જગ્યા મારા મિત્રની બહેને મને ના સુધારાવી હોત તો આજે પરિસ્થિતી કાંઈ અલગ હોત…!

કાંડા ઘડિયાળમાં મોબાઈલ..!


જી…હા બિલકુલ સાચી વાત છે એલ.જી દ્વારા ટૂક સમયમાં કાંડા ઘડિયાળ બજારમાં મુકવામાં આવશે જે માત્ર ઘડિયાળ જ નહિ પરંતું મોબાઈલ ફોન થી પણ સજ્જ હશે..! જરા..વિચારો બસ માં કે ટ્રેનમાં તમને કોઈ કહેશે , ” ભાઈ , જરા તમારું ઘડિયાળ તો આપો એક ફોન કરવો છે.” ..હા હવે તેવા દિવસો દૂર નથી લઘભગ ગણતરીના દિવસમાં આ મોબાઈલ વોચ બજારમાં આવી જશે તેની ખાસિયત છે કે, આ ઘડિયાળથી ફોન કરવાની સાથે , કેમેરા, મ્યુઝિક સહિત મોબાઈલ ફોનમાં મળતી બધીજ સવલતો ઉપલબ્ધ થવાની છે. ખરીદવાનું મન થયું…? એક મિનિટ તેનો ભાવ રૂ.૫૦,૦૦૦ ની આસપાસ હશે તો શરુ કરી દો પૈસાભેગા કરવાનું..!
અને હા..મારી વાત સાચી ન લાગે તો અહિયા ક્લિક કરો..

સંસદ સભ્યએ ઉમરેઠની મુલાકાત કરી..


ચુંટણી પૂર્ણ થયે ખાસ્સો સમય થઈ ગયો  છેવટે સંસદ સભ્યને ફરી આજે ઉમરેઠ યાદ આવ્યું…! ખેર, દેર સે આયે દુરસ્ત આયે . આ પહેલાના સંસદ સભ્યને મોડે મોડે પણ ઉમરેઠ યાદ નતું આવતું. આ પહેલા એક સંસદ સભ્યનું આશ્વાસન પોસ્ટ કરી હતી. જો વાંચી હશે તો યાદ હશે કે આ પહેલા પણ સંસદ સભ્યને ઉમરેઠના સળગતા પ્રશ્નોથી અવગત કર્યા હતા. પણ કોઈ ઉકેલ આવ્યો નથી..!

અરે..એક ઉકેલ આવ્યો કે ગામમાં ફાયર સેફ્ટી ન હતી , ઉમરેઠમાં જે ફાયર ફાઈટર હતું તે બિસ્માર હતુ જે આગ હોલવવાની તો દૂર પણ મીણબત્તીની જ્યોત હોલવવા માટે પણ સક્ષમ ન હતું. આજે ઉમરેઠમાં નવું ફાયર ફાઈટર નગર પાલિકાને મળી ગયું છે. પણ મને લાગે છે કે એ તો ગુજરાત રાજ્યની એક યોજનાનો ભાગ છે કેટલાય ગામમાં ફાયર ફાઈટર નવા આપવામાં આવ્યા છે. તેને સંસદ સભ્યને કાંઈ લાગે વળગે નહિ. ખેર..જવાદો આપણે તો ફાયર ફાઈટર જોઈતુ હતુ મળી ગયું. ભાણે બેઠા પછી મા પિરસે કે માસી આપણે તો પેટ ભરવા સાથે મતલબ..! અરે..ગાડી આડા પાટે ચઢી ગઈ.

મુદ્દાની વાત કે આજે પણ સંસદ સભ્ય ઉમરેઠ આવ્યાં કોઈને વાયદા ને કોઈને આશ્વાસન પણ આપ્યા. જોઈએ હવે શું થાય છે વાયદા અને આશ્વાસનોનું બાકી આપણે તો ગમે તેવી પરિસ્થિતીમાં બોલ્યાજ કરવાના…

જય..હો…!

ઉમરેઠમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી


ઉમરેઠ નગરમાં ઠેર ઠેર પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજ્વની કરવામાં આવી હતી.આ અંગે વિસ્તૃત અહેવાલ માટે અહિયા ક્લિક કરો…

સફેદ જુઠ…


બે દિવસ પહેલા એક મિત્રનો મોબાઈલ પર ફોન આવ્યો..હું કામમાં વ્યસ્ત હોવાને કારણે ફોન રીસીવ ન કરી શક્યો . હકીકતમાં તે મારી રાહ જોતો હતો અને નક્કી કરેલા સમય મુજબ હું તેને ત્યાં પહોંચ્યો ન હતો એટલે મે ઓફિસના લેનલાઈન ફોન ઉપરથી તેના મોબાઈલ પર ફોન કરી કહ્યું ” બસ રસ્તા માંજ છું , દશ મિનિટમાં આવું છું” પછી હું થોડીવારમાં તેને મળ્યો ને તેને મને કહ્યું ” મારા મોબાઈલમાં કોલર આઈ.ડી છે.”

જોયું ને મને તો જુઠ્ઠું બોલતા પણ નથી આવડતું…!

ઉમરેઠમાં “ મહિલા રાજ ”, મુખ્ય સરકારી કચેરીઓનો કારભાર મહિલાઓના હાથમાં..!


મામલતદાર, ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખના હોદ્દા ઉપર મહિલા બિરાજમાન

ઉમરેઠ તા. ૨૨.૧.૨૦૧૦

સમાજમાં કેટલાય ઘરો તેવા હશે જ્યાં મહિલા રાજ ચાલતું હશે..! ભલભલા મિનિસ્ટર પણ પોતાના ઘરે મહિલા રાજમાં જીવતા હોવાની સક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે ઘર માંથો ઠીક પણ હવે સમગ્ર ગામ અને તાલુકા પણ મહિલા રાજની લપેટમાં આવી ગયા હોય તેવા દાખલા જોવા મળી રહ્યા છે જેનું એક ઉત્તમ ઉદાહરણ આણંદ જિલ્લાનું ઉમરેઠ ગામ છે.

જી હા, બિલકુલ સાચી વાત ચોકી ના જતા..ઉમરેઠ નગર સહિત ઉમરેઠ નગરનો કારભાર હવે મહિલાઓના હાથમાં આવી ગયો છે, ત્યારે હવે ઉમરેઠ નગરના સરકારી તંત્રમાં મહિલાઓ પૂરુષ સમોવડી બની ગઈ વાક્ય ખૂબજ બંધ બેસતુ સાબિત થઈ રહ્યું છે. એક તરફ મહિલાનોને પચ્ચાસ ટકા અનામતની વાતો શરુ થઈ ગઈ છે ત્યારે ઉમરેઠ નગરની મહત્વન સરકારી કચેરીઓમાં મહિલા રાજ નારી શક્તિનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડે છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ નગરમાં મામલતદાર કચેરી, નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ સહિત ચીફ ઓફિસરના પદ ઉપર પણ મહિલા બિરાજમાન થતાની સાથે ઉમરેઠ નગરમાં મહિલા રાજ સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે આ અનોખા સંગમથી હવે આવનારા દિવસોમાં ઉમરેઠના વિકાસ માટે આ મહિલા શક્તિ કેવા પગલાં ભરશે તેમ નગરજનો વિચારી રહ્યા છે.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે છેલ્લા કેટલાય સમયથી સરોજબેન રાણા બિરાજમાન છે. સરોજબેન રાણા નો જાણે નસિબના ઘોડા ઉપર સવાર થઈને પાલિકાના પ્રમુખનો સફર કરી રહ્યા હોય તેમ નગરજનો ચર્ચા કરી રહ્યા છે. ઉમરેઠ પાલિકામાં પાછલા એક દોઢ વર્ષમાં કેટલાય સમીકરણો બદલાયા હોવા છતા તેમના પ્રમુખ પદને કોઈ પણ આંચ આવી નથી આમતો સરોજબેન રાણા ભાજપ માંથી ચૂંટાઈ આવ્યા હતા પરંતુ પાલિકામા સત્તાધારી ભાજપ સામે થોડા સમય પહેલા અપક્ષ ઉમેદવારો હાવી થઈ ગયા હતા અને થોડા દિવસો માટે ભાજપના હાથ માંથી સત્તા જતી રહી હતી ત્યારે આ સમયે પણ સરોજબેન રાણા જ પાલિકાના પ્રમુખ પદે કાયમ રહ્યા હતા. વિપક્ષે ભાજપને ટક્કર મારી સત્તાનું સુકાન મેળવ્યા બાદ પણ ભાજપના પ્રમુખ સત્તા ઉપર કાયમ રહ્યા હવે તેને સમયની બલિહારી કહો કે , સરકારી નિયમોની વિલંબણા પણ એક વાત ચોકકસ છે કે પાલિકાના પ્રમુખ પદે મહિલાનો દબદબો કાયમ રહ્યો.

બીજી બાજૂ ઉમરેઠ પાલિકાના ઉમપ્રમુખના પદ ઉપર પણ છેલ્લા કેટલાય સમયથી ભાજપના સુધાબેન શાહ કાયમ છે. જ્યારથી ભાજપ ઉમરેઠમાં સત્તા ઉપર આવ્યું ત્યાર પછી મહિલાનોની સીટ આવ્યા ની સાથે સુધાબેન ઉપ પ્રમુખ પદ ઉપર બિરાજમાન થઈ ગયા છે. આ પહેલા પણ તેઓ પાલિકામાં સભ્ય તરિકે કારભાર કરી ચૂક્યાં છે.

હાલમાંજ ચીફ ઓફિસરોની બદલી થતા ઉમરેઠના ચીફ ઓફિસર ડી.એચ.પટેલની બદલી કરવામાં આવી હતી જેઓના સ્થાન ઉપર ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસર પદે પ્રજ્ઞાબેન કોડિયાતરની નિયૂક્તિ કરવામાં આવી હતી આ સાથે જ ઉમરેઠ પાલિકામાં મહિલા રાજ અમલમાં આવી ગયું છે. પ્રજ્ઞાબેનએ ચાર્જ શંભાળતાની સાથે નગરની સમીક્ષા કરવામાં લાગી ગયા હતા. પગપાળા નગરમાં ફરી નગરના વિવિધ વિસ્તારોની સમીક્ષા કરી હતી અને તેઓએ પોતાનો સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. ત્યારે આવનાર દિવસોમાં ઉમરેઠના રાજકિય વાતાવરણમાં આ મહિલા ચીફ ઓફિસર પોતાનું પાત્ર કેવી રીતે ભજવશે એતો આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠ તાલુકા મામલતદાર તરીકે પણ અનસુયાબેન ઝા બિરાજમાન છે જેથી ઉમરેઠ નગર સાથે ઉમરેઠ તાલુકાની ભાગદોળ પણ એક મહિલા અધિકારીના હાથમા જ છે. ત્યારે સમગ્ર ઉમરેઠ પંથક મહિલા રાજ પ્રવર્તમાન થતા મહત્વની સરકારી ઓફિસોમાં  “જી મેડમ” ને ” હા મેડમ” ના સાદ સંભળાતા હોય તેમા કોઈ બે મત નથી. વધુમાં આ મહિલા મામલતદારે આવતાની સાથે જ પોતાનો આક્રમક અભિગમ દર્શાવતા નગરજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તાજેતરમાં લાકડા અને બાટલાનો ઘેરકાયદેસર ઉપયોગ અને હેરાફેરી કરતા તત્વો ઉપર લાલ આંખ કરી હતી. અને પોતાની અનોખી કામગીરીના લોકોને દર્શન કરાવ્યા હતા. ઉમરેઠના મહિલા મામલતદારની અનોખી કામગીરી તેમના સંપર્કમાં આવેલ તમામ નગરજનો જાણતા હશે. ઉમરેઠમાં નારી શક્તિનું પ્રદશન થતું હોય તેમ લાગી રહ્યું છે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મી નથી..!

ઉમરેઠ-એક તરફ ઉમરેઠ તાલુકાની મહત્વની સરકારી કચેરીઓમાં મહિલા રાજ અમલમાં છે ત્યારે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં એક પણ મહિલા પોલીસ કર્મી નથી. ઉમરેઠ તેમજ તેની આજુબાજુના લગભગ ૪૨ ગામડામાં કોઈ મહિલા ગુનેગાર પકડાય કે પછી કોઈ આરોપી મહિલા ન સ્થળ ઉપરથી પોલીસ સ્ટેશન લાવવાની હોય તો મહિલા પોલીસ કર્મી હોવી જરુરી છે. પરંતુ પોલીસ તંત્ર શા માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મી નથી મુકતું તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે.

બ્લોગ – મુજે કુછ કહેના હૈ.. !


હાલમાં ઈન્ટરનેટ ઉપર બ્લોગ લખવાની મોસમ ચાલી રહી છે. પોતાના વિચારો વિશ્વ સમક્ષ રજુ કરવા માટે બ્લોગ એક ઉત્તમ માધ્યમ બની ગયું છે. ઈન્ટરનેટ ઉપર મોટાભાગની સાઈટો બ્લોગની સુવિધા આપે છે. પહેલાના સમયમાં ઈન્ટરનેટ ઉપર અંગ્રેજી ભાષાનો ઈજારો હતો પરંતુ હવે મોટા ભાગની પ્રાદેશીક ભાષામાં ઈન્ટરનેટ ઉપર વિવિધ સેવાઓ મળતી હોવાને કારણે લોકો ઈન્ટરનેટનો વપરાશ કરવા લાગ્યા છે. જ્યારે આપણી ભાષામાં બ્લોગ લખવાની સુવિધા મળતી હોય ત્યારે પોતાના વિચારો , અભિવ્યક્તિ વિશ્વ સમક્ષ રજુ કરવામાં શા માટે બ્લોગર્સ પાછા રહે..?

 દેશની કેટલીય સેલીબ્રીટી જેવીકે અમિતાબ બચ્ચન, અમીરખાન, શાહરુખ ખાન, નરેન્દ્ર મોદી, અમરસિંહ પોતાના બ્લોગ લખે છે. અને પોતાના વિચારો રજુ કરે છે તાજેરમાં અમિતાબ બચ્ચને પોતાની ગુજરાતની મુલાકાત અંગે પોતાના બ્લોગ ઉપર સવિસ્તાર ચર્ચા કરી હતી અને પોતાના વિચારો રજુ કર્યા હતા. બ્લોના માધ્યમથી તમે પોતાના વિચારો સીધા વિશ્વ સમક્ષ મુકી શકો છો અને તમારો અવાજ બુલંદ કરી શકો છો. બ્લોગ ઉપર તમે રજુ કરેલ વિચારો સાથે અન્ય લોકો તેની સાથે સંમત છે કે નહિ તેના અભિયપ્રાયો પણ તમને મળે છે. જેથી તમારા વિચાર સાથે બીજા લોકોનું શું કહેવું છે તેનાથી પણ તમે અવગત થઈ જાવ છો.

બ્લોગ ઉપર ભાષાના તાળા ખુલી ગયા હોવાને કારણે આજે મોટી સંખ્યામાં લોકો બ્લોગ લખતા થયા છે. માત્ર વર્ડપ્રેસ ની વાત કરીયે તો ત્યાં મોટી સંખ્યામાં ગુજરાતી બ્લોગર્સ પોતાનો અડ્ડો જમાવી બેસી ગયા છે. બ્લોગ દ્વારા પોતાના મિત્રો કે સગાંના સંપર્કમાં રહી પોતાની સાથે શું થઈ રહ્યું છ તેનાથી તેઓને અવગર રાખવાનું આ સરસ માધ્યમ બની ગયું છે.

ગુજરાતી કવિતા, ગઝલ, નવલકથા સહિત સંપૂર્ણ રીતે ગુજરાતી ભાષાની માહિતી પળવારમાં તમોને મળી જાય છે. હાલમાં ગુજરાતીમાં બ્લોગ લખવાનું લોકોને ઘેલું લાગ્યું છે. કેટલાય લોકો એવા છે કે જેઓ નિયમીત પોતાના બ્લોગ અપડેટ કરતા રહે છે. અને લોકો સાથે પોતાના વિચારો , જ્ઞાન સહિત અન્ય જાણવા જેવી માહિતી પિરસતા રહે છે તો ચાલો કેટલાક લોકપ્રિય ગુજરાતી બ્લોગ અંગે ચર્ચા કરીયે..

http://kartikm.wordpress.com/ નામનો ગુજરાતી બ્લોગ હાલમાં ખુબ લોકપ્રિય હોય તેમ લાગી રહ્યું છે. વર્ડપ્રેસના ડેશબોર્ડ ઉપર મોટા ભાગે પહેલા નંબર ઉપર બિરાજતા આ બ્લોગ ના માલિક અમદાવાદના કાર્તિક મીસ્ત્રી છે. જેઓ  મુળ પાલનપુરના છે અને હાલમાં અમદાવાદ ખાતે સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરી રહ્યા છે. જેઓ પોતાના બ્લોગના માધ્યમથી પોતાના વિચારો પોતાની ભાષામાં રજુ કરી રહ્યા છે. એક વખત તેઓનો બ્લોગ વિઝીટ કરવા જેવો છે, પરંતુ ત્યાર બાદ તમે તેમના બ્લોગના બંધાણી પણ બની જાવ તેમાં બે મત નથી.

http://funngyan.com ઈન્ટરનેટના ખુણે ખાંચરે ખાંખાખોળાનું ખસમ્ ખાસ, આ ગુજરાતી બ્લોગ પણ બ્લોગ જગતમાં ખાસ્સો લોકપ્રિય છે. બ્લોગ જગતમાં કેટલાય લોકો તેવા છે જે બીજાના બ્લોગ ઉપરથી સીધી ઉઠાંતરી કરતા હોય છે ખાસ આવા લોકોને વિનયભાઈ ખત્રી ઢંઢોળતા રહે છે તેઓના બ્લોગ ઉપર જ્ઞાન સાથે ગમ્મ્મત પિરસવામાં આવે છે સાથે સાથે પોતાના વિચારો અને અનુભવો પણ તેમના બ્લોગ ઉપર જોવા મળે છે. ગુજરાતી બ્લોગ જગતમાં તેઓનો બ્લોગ ખુબજ લોકપ્રિય છે.

http://gadyasoor.wordpress.com, “ગદ્યસુર” બ્લોગ દ્વારા સુરેશ જાની તેમજ http://arvindadalja.wordpress.com દ્વારા અરવિંદભાઈ અડાલજ સાબિત કરી રહ્યા છે કે બ્લોગ લખવાનો કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો ઈજારો માત્ર યુવાનો નો નથી. લગભગ ૭૦ વર્ષની ઉંમરના આ સિનિયર સિટીઝન દ્વારા પણ સુંદર બ્લોગીંગ કરવામાં આવી રહ્યુ છે.આ સિનિયર સીટીઝન વડિલોના બ્લોગ પર પણ આંટો મારવા જેવો છે.

ગુજરાતી બ્લોગ જગતમાં માત્ર લેખકો , કવી, ગઝલ રચિયતા સહિત વાંચકો પણ લખવાનો પ્રયાસ કરે છે. વિનય ખત્રી જેવાં બ્લોગર નવા બ્લોગર્સને સતત માર્ગદર્શન આપી બ્લોગ જગતમાં રાખવીની તકેદારી સહિતની સમજ પણ જરુર પડે તો આપે છે. સાથે સાથે બ્લોગ જગતમાં કોપીખોરી સામે રીતસરની બાંયો ચઢાવી કોપી કરનાર બ્લોગર્સનું તે અંગે ધ્યાન દોરતા હોયે છે. ગુજરાતી બ્લોગ જગર માહિતીનો ભંડાર છે જ્યાં વાર્તા, કવિતા, નવલકથા, ગઝલો સહિત સમાચાર સહિતની માહિતી ક્લીક કરતા સાથે તમારા કોમ્યુટરમાં જોવા મળી જાય છે.

પ્રવિણ શ્રીમાળી ( યુવારોજગાર ) મૂળ પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેરના છે પણ હાલ માં તેઓ ‘કચ્છ’જિલ્લા ના આદિપુર માં રહે છે, તેઓ http://www.kalamprasadi.wordpress.com નામનો બ્લોગ લખે છે જેમાં તેમની વિવિધ રચનાઓ અને યુવાધનને માર્ગદર્શન મળી રહે અને તેઓને રોજગાર મળી રહે તે દિશામાં કાર્યરત છે. તેઓનો આ પ્રયાસ ખરેખર કાબીલે તારીફ છે.

કેટલાક વિઝિટ કરવા જેવા લોકપ્રિય ગુજરાતી બ્લોગ ની યાદી 

બ્લોગનું નામ બ્લોગની વિગત બ્લોગની લીન્ક 
મારા વિચારો, મારી ભાષામાં! ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો http://kartikm.wordpress.com/

          ગદ્યસુર

 

પ્રેરક જીવનપ્રસંગો, સત્યકથાઓ અને લેખો- સુરેશ જાની http://gadyasoor.wordpress.com/
“ગુજરાતી ગઝલ™” “ગુજરાતી ગઝલ ની દુનિયા” http://gujaratigazal.wordpress.com/
હાસ્ય દરબાર ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક http://dhavalrajgeera.wordpress.com/
રાજુલનું મનોજગત “Languages create relation and understanding” http://rajul54.wordpress.com/
પરમ સમીપે રચયિતા : નીલમ દોશી http://paramujas.wordpress.com/
ગુર્જર કાવ્ય ધારા………a way of talking A collection of Gujarati poetries http://aasvad.wordpress.com/
ફ્રી ગુજરાતી SMS’s Blog FREE SMS ON MOBILE http://gujratisms.wordpress.com/
યુવારોજગાર નૌકરી, કેરિયર, અભ્યાસ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, યુવા સમાચાર, સમાજ અને યુવાનો ની સમસ્યાઓને વાચા આપતો બ્લોગ http://pravinshrimali.wordpress.com/
એક ઘા -ને બે કટકા રજનીભાઈ અગ્રવાતનો બ્લોગ http://rajniagravat.wordpress.com/

 

કલેક્ટરશ્રી આર.એન.જોશીનો સન્માન સમારોહ યોજાયો


આણંદ જિલ્લા કલેક્ટરશ્રી આર.એન.જોશીનો ઉમરેઠ બ્રહ્મસમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો વધુ માહિતી માટે ક્લિક કરો… http://wp.me/Px6zl-1U

ઉમરેઠમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી


ઉમરેઠ નગરમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, સવાર થીજ પવન દેવતાની મહેરબાની હોવાને કારણે પતંગબાજો ગેલમાં આવી ગયા હતા અને પતંગ બાજીની મોજ માણી હતી જ્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉત્તરાયણન દિવસે વીજ પૂરવઠો વારંવાર ખોરવાઈ જતા અગાસીમાં સી.ડી પ્લેયરો સાથે મ્યુઝીકના તાલ ઉપર  ગયેલા પતંગ રસીકોમાં રોષ દેખાતો હતો છતા પણ લોકો મોટે મોટે થી બૂમો પાડી જુસ્સો જાળવી રાખ્યો હતો.આ સાથે ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાયણના દિવસે ગરીબોને ભોજન આપવાની પ્રથા ચાલે છે જેના અનુંસંધાનમાં ઉમરેઠની પટેલ પોળના નાકે, સંતરામ મંદિરમાં તેમજ ઉમરેઠ અન્નક્ષેત્રમાં ગરીબો માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી .

બીજી બાજુ ઉમરેઠના સ્વાદ રસિકોએ પણ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી કેટલાય સ્વાદ રસીકો ઉત્તરાયણ નિમિત્તે ખાસ ધર્નુર માસની ખીચડી , ઊંધિયું તેમજ કચોરી સાથે અગાસીમાં ભોજનની લીજ્જત માણી હતી. ઉત્તરાયણના દિવસે સવારે ઉમરેઠમાં આકાશ રંગીન થી ગય હતું, જ્યારે સાંજના સમયે આતીશબાઝી શરું થઈ ગઈ હતી અંધારું થતા જ ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં ધાબા ઉપરથી અવનવા ફટાકડા ફોડતા લોકો નજસ્રે પડ્યા હતા.

( Click to View ફોટા )

..અને રીશીપ્ટ ખોવાઈ ગઈ…!


પ્રીલીમ પરિક્ષા પૂર્ણ થયા બાદ પાંચમાં નાપાસ થવાનો ભાંડો ફુટી ગયો પ્રીલીમ પરિક્ષા પછી બોર્ડની પરિક્ષાની તૈયારીઓ કરવાની શરું કરી સંસ્કૃત સીવાય તમામ વિષયોના ટ્યુશન ઘરે થી રાખી દીધા હતા સવાર થી સાંજ બસ ૩૦ થી ૪૦ દિવસ સુધી ભણવા સિવાય કાંઈ કામ ન હતું મારા કરતા મમ્મીનું ટેન્શન જોવા જેવું હતું હું બોર્ડમાં પાસ થઈશ કે નાપાસ હવે યક્ષ પ્રશ્ન બની ગયો હતો. 
પરિક્ષા શરુ થઈ ગઈ , પહેલું પેપર ગુજરાતીનું હતુ સ્વભાવિક રીતે સારું ગયું શરુઆત સાર હતી એટલે અંત પણ સારો હશે તેવો વિશ્વાસ બંધાઈ ગયો હતો. સાથે સાથે બોર્ડની પરિક્ષાનો હાઊ પણ દૂર થઈ ગયો હતો, ટૂંકમાં કહું તો તે સમયે “ઓલ ઈઝ વેલ” નો અનુભવ થઈ ગયો હતો. ગુજરાતીના પેપર પછી ઘરે આવ્યો ત્યારે ખુબ ખુશ હતો પણ ખુશી લાંબો સમય ન ચાલી લગભગ શનીવારનો દિવસ હતો, ઘરે આવી બોર્ડની રિશીપ્ટ ઠેકાને મુકવા કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો પણ રિશીપ્ટનું નામોનીશાન ન હતું .
 …રીશીપ્ટ ખોવાઈ ગઈ હતી, મારા મનમાં અનેક વિચાર આવવા લાગ્યા હવે શું થશે..? ઘરે કહીશ તો માર પડશે નક્કી..! પહેલા તો સાયકલ લઈ પરિક્ષા કેન્દ્ર ઉપર આંટો માર્યો પણ નસિબ આડે પાંદડું પરિક્ષા કેન્દ્ર ઉપર તાળાં લટકતા હતા. પછી ફરી ઘરે આવ્યો ને ઘરે હકિકત જણાવી પરંતુ જે ને માર્કશીટ જાણીજોઈ કૂવામાં નાખી હોય તેની વાત સાચી માને કોણ…? પહેલાતો મને બધા કહેવા લાગ્યા તેજ જાતે ફાડીતો નથી નાખી ને…? આ સમયે ખરેખર રીશીપ્ટ ખોવાઈ ગઈ હતી. રીશીપ્ટ સોધવા સીવાય અન્ય કોઈ રસ્તો દેખાતો ન હતો.
બીજા દિવસે એટકે કે રવીવારે અમારી પાળોશમાં રહેતા અન્ય સ્કૂલના શિક્ષક સાથે આ અંગે વાત કરી તેમને કહ્યું કે જો રીશીપ્ટ ન મળે તો ડુપ્લીકેટ રીશીપ્ટ સ્કૂલ માંથી મેળવવી પડે. ડુપ્લીકેટ રીશીપ્ટ મેળવવા સ્કૂલમાં તો જવું જ પડે તે દિવસ રવીવાર હતો એટલે સ્વાભાવિક રીતે સ્કૂલ બંધ જ હોય. પહેલા હું અને મારા પાડોશી મારી સ્કૂલના પ્રિન્સીપાલની ઘરે ગયા ને ત્યાં તેમને બધી વાતો જણાવી તેમને મારો ફોટો લઈને સ્કૂલમાં જવા કહ્યું ત્યાંથીજ પ્રીન્સીપાલે સ્કૂલના કારકૂનને ફોન કરી સ્કૂલ ખોલવા જણાવ્યું. તે દિવસે નસિબ સારું હતું કે પ્રિન્સીપાલ અને કારકૂન બંન્ને ઘરે હાજર હતા અને સ્કૂલ ખૉલી રીશીપ્ટ બનાવી આપવાની તૈયારી બતાવી.
હું સ્કૂલે પહોંચી ગયો થોડીવારમાં પ્રિન્સીપાલ અને કારકૂન સ્કૂટર લઈ સ્કૂલમાં આવ્યાં અને સ્કૂલના લેટરપેડ ઉપર મારો ફોટો લગાવી જરુરી લખાણ લખી સહી સિક્કા કરી આપ્યા. છેલ્લે મેં તેમને અને મારી સાથે આવેલ અમારા પાડોશીનો આભાર માણ્યો ત્યારે સ્કૂલના પ્રીન્સીપાલે કહ્યું ” તારા જેવો નમૂનો ક્યારેય નથી જોયો, રીશીપ્ટ ખોવાઈ જવાનો આ આપણી સ્કૂલનો પ્રથમ બનાવ છે”  …ખેર આટલું શાંભળી અમે ઘરે જવા રવાના થયા સોમવારે વિજ્ઞાનનું પેપર હતું તેની તૈયારીમાં લાગી ગયો.
 બીજા દિવસે વિજ્ઞાનનું પેપર આપવા શાળામાં ગયો  પેપર હાથમાં આવ્યું ને તુરંત ખબર પડી ગઈ કે બાજી મારા હાથમાં છે પેપરના પ્રશ્નો વાચ્યા ને ખ્યાલ આવી ગયો કે વિજ્ઞાન માંતો પાસ થઈ જવાશે પેપર જોઈ એક હદે શાંતિ થઈ ગઈ હતી. પછી ઊત્તરવહીમાં જવાબો લખવાના શરુ કર્યા, થોડીજ મિનિટોમાં મારી બેન્ચ પાસે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર (પ્રિન્સિપાલ) આવ્યા ને મારી રીશીપ્ટની માગણી કરી. મારી પાસે ડુપ્લીકેટ રીશીપ્ટ હતી તે મે તેમને બતાવી. તેમને કહ્યું “ક્યાં છે ઓરીજીનલ માર્કશીટ” મે કહ્યુ “સાહેબ ખોબાઈ ગઈ છે” આટલી વાત થઈ ત્યાં સુધી હું ઉભો થયો ન હતો બેન્ચ પર બેસીને તેમના સવાલના જવાબ આપતો હતો. ફાધરે મને કહ્યું “કઈ સ્કૂલ માંથી આવે છે” મે કહ્યું “જ્યુબિલિ” તેટલુ બોલતાની સાથે હું ઉભો થયો ને ફાધર મારી સામે હસ્યા ને તેમને તેમના ખિસ્સામાંથી મારી ઓરીજીનલ માર્કશીટ પાછી આપી. ખરેખર માર્કશીટ શનીવાર મારા ક્લાસમાં પડી ગઈ હતી જે પટાવાળએ ફાધર (પ્રિન્સિપાલ)ને આપી હતી.

..અને માર્કશીટ કુવામાં ફેંકી દીધી


તાજેતરમાં ટી.વી ઉપર સમાચારમાં જોયું કે મહારાષ્ટ્રમાં કેટલાક વિદ્યાર્થીઓએ પરિક્ષામાં નાપાસ થવાના ડરથી કે નાપાસ થયા હોવાને કારણે જીવન ટુંકાવી દીધું જાણી ખુબ દૂઃખ થયું પણ સાથે સાથે હું જ્યારે દશમાં ધોરણમાં હતો ત્યારનો એક કિસ્સો યાદ આવી ગયો.

હું દશમાં ધોરણમાં હતો ત્યારે ભણવામાં “ઢ” હતો. પ્રીલીમ પરિક્ષામાં પહેલા બે પેપર ખરાબ ગયા એટલે બીજા પેપરમાં પણ ઢીલી નીતી વાપરી નાપાસ થવાનું નક્કી કરી દીધું જોત જોતામાં પ્રીલીમ પરિક્ષા પૂરી થઈ ગઈ. બધા મિત્રો હવે બોર્ડની પરિક્ષાની તૈયારીમાં લાગી ગયા સાથે સાથે પ્રીલીમ પરિક્ષાના પરિનામની કાગદોળે રાહ પણ જોવા લાગ્યા તેઓ કહેતા હતા કે પ્રીલીમ પરીક્ષા ઉપરથી તેઓ બોર્ડની પરિક્ષામાં કેવું પરફોમન્સ આપશે તેનો અંદાજ આવશે અને બાકી વધેલા મહિનાઓમાં કેવી રીતે મહેનત કરવી કયા વિષય ઉપર ભાર આપવો વગેરે બાબતો અંગે ધ્યાન આપી શકાશે પણ મને તો મારું પરિનામ ખબર હતી.

થોડા દિવસોની રાહ જોયા પછી પ્રીલીમ પરિક્ષાનું પરિનામ આખરે આવી ગયું બધા હોંશે હોંશે પોતાની માર્કશીટ લેવા પડાપડી કરતા હતા. આપળે તો બિન્દાસ છેલ્લે માર્કશીટ લીધી અને ધાર્યું તેજ પરિનામ નિકળ્યું પાંચમાં નાપાસ, સંસ્કૃત પાક્કું હતું એટલે તેમાં પાસ થઈ ગયો. ઘરે આ માર્કશીટ જાયતો મારા રામ રમી જાય સ્વાભાવિક છે પોતાનો છોકરો પાંચમાં નાપાસ થાય તો મા-બાપ ગુસ્સે થાય પપ્પાને તો સમજાવી દવ પણ મમ્મી ને સમજાવાય તેવી આપણામાં તાકાત નહિ . માર્કશીટ લઈ થોડો સમય તો એક મીત્રને ત્યાં ગયો ને સુઈ ગયો પછી બપોરે લઘભગ ચાર પાંચ વાગે ઘરે જવા નિકળ્યો નક્કી હતું કે માર્કશીટ ઘરે બતાવીશ તો માર તો પડવાનો એટલે ઘરે જતા રસ્તામાં એક કુવો આવ્યો ત્યાં ભગવાનનું નામ દઈ માર્કશીટ ફેંકી દીધી, પછી જે થાય તે જોઈલઈશું.

ઘરે જઈને પીક્ચર બનાવી દીધું કે પરિનામ આજે આવ્યું નથી બે દિવસ પછી આવશે. મમ્મી માની ગઈ પણ કોણ જાને કેમ જુઠ્ઠું બહું ના ચાલ્યું ને મમ્મીને ખબર પડી ગઈ કે પરિનામતો આવી ગયું છે. તુરંત મને લઈ મમ્મી મારા ક્લાસ ટીચરને ત્યાં પહોંચી ગઈ ને મારા પરિનામ વીશે પુછ્યું ને બધો ભાંડો ફુટી ગયો. સ્વભાવિક છે ક્લાસ ટીચરને સૌથી હોશિયાર ને સૌથી ડફોર છોકરાના નામ ખબર હોય તુરંત તેમને મમ્મીને કહ્યું હું  પાંચમાં નાપાસ થયો છું.  પછી તરત માર્કશીટ પીક્ચરમાં આવી ને મારે સાચું કહેવું પડ્યું કે માર્કશીટ તો કૂવામાં નાખી દીધી છે.

..બસ એજ ઘડીએ મમ્મીએ પેલા મારા ક્લાસ ટીચરને ત્યાં મારું ટ્યુશન બાધી દીધું ને બોર્ડની પરિક્ષામાં મારા ૫૩ ટકા આવ્યા હતા પછી ૧૧ માં ધોરણ થી ગાડી પાટા ઉપર આવી ગઈ જે આજે ય ચાલી રહી છે.

ભ્રષ્ટાચાર..


 થોડા સમય પહેલા ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવાની મુદત પૂર્ણ છતા કામ ચાલુ..! વિષય ઉપર એક પોસ્ટ કરી હતી. આ અંગે દિવ્યભાસ્કર માં એક આર્ટીકલ બે દિવસ પહેલા છપાયો હતો. 

જાણી આનંદ થયો કે ઉમરેઠ ઓડ માર્ગ ઉપર બનતા ઓવરબ્રીજનું કામમાં ગતિ આવી ગઈ. પરંતું પછી બીજા દિવસ દિવ્ય ભાસ્કરમાં ફરી આર્ટીકલ આવ્યો ને તે વાંચી જાણ થઈ કે આ ઓવરબ્રીજ બનાવવામાં કેટલો બધો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કરમાં છપાયેલ લેખ મુજબ આ ઓવરબ્રીજ બની રહ્યો છે ત્યારે તેમાં વપરાતો સામાન રીજેક્ટ કરાયેલ છે. બ્રીજ બનાવતા સમયે વપરાતી પેનલો જે બ્રીજનો મુખ્ય અંગ કહેવાય છે તેને લાગતા વળગતા તંત્ર દ્વારા રીજેક્ટ કરવામાં આવેલ છે છતા પણ આ બ્રીજ બનાવવામાં તેજ પેનલોનો ઉપયોગ થઈ રહ્યો છે. જો આ પેનલોને કારણે બ્રીજ ઉપર ભવિષ્યમાં કોઈ હોનહારત થશે તો જવાબદાર કોણ…? ખેર મને તો ભ્રષ્ટાચારની ગંધ આવે તો હું નાક દબાવાની જગ્યએ કી-બોર્ડ ની સ્વિચો દબાવવાનું વધારે પસંદ કરું છું…!

અમીતાબ બચ્ચન ગુજરાત એમ્બેસેડર બને તો..


પહેલા અમીતાબ બચ્ચન કહેતા હતા…

અગર પૂનઃ જનમ હો મેરા તો ગંગા કે તટ પર…

પણ ગુજરાત માટે બચ્ચન સાહેબ કામ કરશે તો બોલશે…

અગર પૂનઃ જનમ હો મેરા તો નર્મદા કે તટ પર…

બાજરીની ખીચડી…


તમે બાજરીના રોટલા, ઢેબરાં અને મૂઠીયાં તો ખાધા હશે, પણ શું બાજરીની ખીચડી ખાધી છે..? ખાવાની વાત તો દૂર કેટલાય લોકો તેવા હશે જેમને બાજરી ની ખીચડી જોઈ પણ નહી હોય..! ખાસ કરીને ઉમરેઠ પંથકમાં સ્વાદ રસીકો દર જાન્યુઆરી માસમાં બાજરીની ખીચડીની મીજબાની કરતા હોય છે. આ બાજરીની ખીચડીને લોકો “ઠોઠું” તરીકે પણ ઓળખે છે.

શીયાળો શરું થાય ને બાજરીની ખીચડી યાદ આવે, આ વર્ષે પણ બાજરીની ખીચડી ખાધી ખુબ મજા આવી અમારી પોળમાં બાજરીની ખીચડી ની મીજબાની કરી હતી. જો તમે બાજરી ની ખીચડી અંગે જાણતા હશો તો ચોક્કસ તમારા મોં માં પાણી આવી ગયું હશે…! હે ને…?

વાઈરસ


આજે સવારે કોમ્યુટર ચાલુ કરતાની સાથે ધડાધડ એરર પર એરર આવા લાગી , એકદમ યાદ આવ્યું કે એક અજાણ્યા ઈસમની પેનડ્રાઈવનો ઉપયો કર્યો હતો તેનું આ પરિનામ હશે. કોણ જાણે કયા ચોઘડીયામાં પેન ડ્રાઈવ નો ઉપયોગ કર્યો હશે…? કોમ્યુટરના ર્ડોક્ટરને બોલાવ્યા તેમને કોમ્યુટર ફોરમેટ કરી ક્વીકહીલ નાખવાનું કહ્યું છે સાંજે ફરી કોમ્યુટર રાબેતા મુજબ થશે.

અફવા …


ડાકોર મંદિરમાં આતંકવાદી આવ્યા હોવાની અફવાને લઈ ડાકોર સહિત ઉમરેઠમાં પણ કેટલાક લોકો આગાપાછા થઈ ગયા, બન્યું તેવું કે ગઈકાલે રાત્રે મંદિરની સુરક્ષા એકદમ વધારે કરી દેવાઈ ને કોઈએ ચોકઠું બેસાડ્યું કે, દિલ્હીની હોસ્પીટલ માંથી ભાગેલા ત્રણ આતંકવાદીયો ડાકોર આવ્યા છે પોલીસ તંત્રને આ વાત ખબર પડતા તુરંત હરકતમાં આવી મંદિરની સુરક્ષા વધારી દીધે પણ લોકો તો જાણે મંદિરમાં આતંકી આવી ગયા હોય તેવી વાતો કરવા લાગ્યા.. કદાચ હવે આ વાતને કાલે મિડિયા મારી મચોડી રજુ કરશે. જોઈયે હવે કાલનું છાપું શું કે છે…!

મોદીની જાહેર સભામાં ભાડુતી લોકોની ભીડ…!


નરેન્દ્ર મોદીએ ગુજરાતની કાયાપલટ કરી વિકાસની વ્યાખ્યાને સાર્થક બનાવી દીધી છે. છતા પણ મોદીની જાહેર સભાઓમાં પણ ભીડ એકઠી કરવા રાજકિય તત્વોએ લોઢાના ચણા ચાવવા પડે છે. ૪થી જાન્યુઆરીએ આણંદમાં મોદી સાહેબની જાહેર સભા છે. ત્યારે ત્યાં ભીડ એકઠી કરવા તંત્ર સહિત રાજકિય તત્વો કામે લાગી ગયા છે. આમ કરી તંત્ર મોદીની કાબેલીયત ઉપર સવાલ કરતું હોય તેમ લાગે છે.

ગઈ કાલે અમારા ઘરના કામવાળા બેને ૪થી જાન્યુઆરીના દિવસ માટે રજા માગી, સ્વભાવિક રીતે મમ્મીએ પુછ્યુ કેમ..છે કશું…? પેલા કામવાળા બેને કહ્યુ હું આગણવાડીમાં નોકરી કરું છું, અને ૪થી જાન્યુઆરીએ મોદી સાહેબ આણંદ આવાના છે. અમારે ત્યાં જવું જ પડે. આણંડ જિલ્લામાં હજ્જારો આંગણવાડી હશે બધી આગણ વાડીના બહેનોને મોદીની જાહેર સભામાં હાજર રહેવું પડશે..પછી તેમની મરજી હોય કે ન હોય. મોદી જેવા સફળ નેતાની જાહેર સભા માટે લોકો ભેગા કરવા આવા ગતકડાં કરવા પડે છે તો બાકી નેતાની શું હાલત હશે …?
 
આટલું ઓછું હોય તેમ મોદીની જાહેર સભામાં આવતા લોકોને ફુડ પેકેટ આપવા માટે ની જવાબદારી જે તે તાલુકા તંત્રના અધિકારીઓને આપવામાં આવી હોય તેમ લાગે છે. આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના મુખીયા (મામલતદાર) એ પોતાના વિસ્તારના કેરોસીન વિક્રેતા, પેટ્રોલ ઓઈલના ધંધા સાથે સંકળાયેલ વહેપારીઓ , સસ્તા અનાજની દૂકાન ધારકો સહિત અન્ય બલીના બકરાઓ સાથે ઉઘરાણું કરવાનું શરું કરી દીધું છે. અને કોઈ આ ઉઘરાણાનો વિરોધ કરે તો જે તે મામદતદાર કહી દે તા હોય છે ” ફરી ક્યારેક નાક દબાવી મોઢું ખોલાવીશું”
કોણ જાણે મોદી સાહેબ આ બાબતો થી વાકેફ હશે કે નહિ..?
 

નવું વર્ષ નવી સમસ્યાઓ…!


સમગ્ર વિશ્વમાં નવા વર્ષની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી થઈ, સૌ કોઈએ પોતાના મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી, ઈનબોક્ષ નવા વર્ષની શુંભકામનાના ઈ-મેલથી ભરાઈ ગયા..! ને મોબાઈલમાં નવા વર્ષના શુભેચ્છા પાઠવતા એસ.એમ.એસ નો ઠગલો થઈ ગયો..! પણ શું ખરેખર આવનારું વર્ષ બધા માટે “હેપ્પી” નિવડશે ખરું…?કદાચ આપણા સકારાત્મક વિચારોને કારણે આપણે આવનારી સમસ્યાથી અજાણ છે.
 વિશ્વ આખું આવનારા દિવસોમાં કેટલીય સમસ્યાઓથી ગેરાઈ જશે. આવી સમસ્યાઓને નિવારવા માટે આપણે જાગૃત થઈશું તો જ આ નવું વર્ષ આપણા સૌ માટે ” હેપ્પી” બની રહેશે.સમગ્ર વિશ્વ આતંકવાદ, ગ્લોબલવોર્મિંગ, વસ્તી વધારો, અને અનુશસ્ત્રો ની સમસ્યાનેં પહોંચી વળવા શું સજ્જ છે…? મોટાભાગના દેશ આજે આતંકવાક ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, છતા પણ વિવિધ દેશ ના તંત્ર દ્વારા સુરક્ષાને લઈ ઢીલી નિતિ અપનાવામાં આવી રહી છે, જેના તાજેતરમાં આપણે દાખલા જોવા મળ્યા હતા. અમેરીકા જેવા દેશમાં પ્રમુખ ઓબામાની અંગત પાર્ટીમાં આમંત્રણ વગર એક દંપતી ગુસી ગયું હતું . જો પ્રમુખ ની સુરક્ષામાં આવા ગાબળા હોય તો સામાન્ય માણસનું શું..? આટલુ હજુ ઓછું હોય તેમ વિમાનમાં તાજેતરમાં કેટલાક આતંકવાદીઓ પેન્સીલ બોમ લઈ બેસી ગયા હતા. ભારતના રાષ્ટ્રપતિના વિમાન સુધી અજાણી કાર આવી પહોંચી હતી. સુરક્ષાને લઈ વિશ્વમાં રખાતી બેદરકારી કેટલીક વખત મોટી હોનહારત સર્જે તેમાં કોઈ બે મત નથી. આતંકવાદ સામે લડવા વિવિધ દેશના તંત્ર સાથે જે તે દેશના નાગરિકોએ પણ સજાગ રહેવાની જરુર છે.
બીજુ વસ્તી વધારો પણ એક મોટી સમસ્યા છે, આ માટે ભારત અને ચીન જેવા વિકસીત દેશ દ્વારા વસ્તી નિયંત્રણના પગલા લેવા ખુબ જ આવશ્યક બની ગયા છે, આ દિશામાં બંન્ને દેશ હાલમાં કારગર પગલા ભરી રહ્યા છે પરંતુ ઝાઝી સફળતા પ્રાપ્ત થઈ નથી.વસ્તી વધારો અને આતંકવાદ માનવ સર્જીત સમસ્યા છે પરંતુ એક એવી સમસ્યા છે જેનો ઉકેલ પણ હજુ કાળા માથાનો માનવી શોધી સક્યો નથી અને તે છે ગ્લોબલવોર્મીંગ…!
ગોબલવોર્મીગની સમસ્યા ખરેખર ચીંતા જનક છે જ્યારે ગ્લોબલ વોર્મીંગનો ખરો સાક્ષાત્કાર થશે ત્યારે વિશ્વ કેવી મુસીબતમાં આવશે તેનો વિચાર માત્ર શરીરના રુંવાટા ઉભા કરી દે તેવો છે. આપણે બહું દુર નહિ જઈયે આપણા ગુજરાતની નર્મદા નદીના નીર ખારા થવા લાગ્યા છે..! આ ગ્લોબલ વોર્મીગની અસર નહિ તો બીજુ શું છે…? પહેલા નદી દરિયાને મળવા જતી હતી હવે દરીયો નદીને મળવા આવી રહ્યો છે હિમાલયનો બરફ ગરમીને કારણે પીગળી રહ્યો છે. દરિયાની સપાટી વધી રહી છે. આ બધુ સત્ય છે પરંતુ  આપણે આ બધું આંખ આડા કાન કરી ચલાવી રહીયે છે, જો આ બધી સમસ્યાને પહોંચી  વળવા ૨૦૧૦માં કોઈ કારગર પગલા નહિ ભરવામાં આવે તો ૨૦૧૨ વાળી કાલ્પણીક વાતો સત્ય થાય તેમા કોઈ બે મત નથી , ૨૦૧૦ નું વર્ષ સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે ટર્નિંગ પોઈન્ટ બની રહેશે.
…અંતે નવા વર્ષમાં આવનારી બધી સમસ્યાનો ઉકેલ આપણે મળે તેની હાર્દિક શુંભકામના..
“હેપ્પી”…? ન્યુ યર…!
%d bloggers like this: