આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2011

ઉમરેઠમાં ટી.પી સ્કીમ હેઠળ દબાનમાં આવતી બસ સ્ટેશન પાસેની પોલીસ ચોકી દૂર કરાઈ..!


ઉમરેઠ બસ સ્ટેશન પાસે વર્ષો પહેલા લોકભાગીદારીથી બનાવવામાં આવેલ પોલીસ ચોકી અચાનક નગરપાલિકા તંત્ર ધ્વારા ટી.પી સ્કીમ હેઠળ દબાણમાં આવતી હોવાને કારણે જમીનદોસ કરવામાં આવતા પોલીસ તંત્ર સહીત નગરજનો સ્તબ્ધ બની ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૦૦૨માં ઉમરેઠમાં થયેલ કોમી તોફાન દરમ્યાન જે જગ્યાએ પોલીસ ચોકી હતી તે જગ્યાએ પાનના ગલ્લા અને ગેરેજ ગેરકાયદેસર રીતે કાર્યરત હતા. આ સમયે આ ગલ્લા અને ગેરેજ દૂર કરી લોકભાગીદારીથી રાતો રાત પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. જ્યારે અપુરતા પોલીસ સ્ટાફ અને બીજા અન્ય કારન થી આ પોલીસ ચોકી કાર્યરત થતી ન હતી. જ્યારે સમાયંતરે આ પોલીસ ચોકીને રંગ રોગાન કરી તંદુરસ્ત પણ કરવામાં આવતી હતી જ્યારે આવનારા સમયમાં આ પોલીસ ચોકી શરૂ કરવાની હીલચાલ પણ થઈ રહી હતી પરંતું ઉમરૅઠ પાલિકા દ્વારા ટી.પી સ્કીમ હેઠળ આવતા સદર દબાનને યુધ્ધના ધોરને દૂર કરવામાં આવ્યું હતું. હવે આ દબાણ હટાવવાની પ્રક્રીયા વધુ ચાલુ રહેશે કે એક દબાણ હટાવી પાલિકા તંત્ર સંતોષ માની બેસી રહેશે એતો આવનારો સમય જ બતાવશે. પરંતું અચાનક દબાણના મુદ્દે ઉમરૅઠ પાલિકા ધ્વારા પઠાણી વલણ અપનાવવામાં આવતા અન્ય દબાણકારો ભયભીત બની ગયા છે.

..અને ચોરી કેમેરામાં કેદ થઈ ગઈ


બન્યુ એવું કે ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે એક સત્સંગીને ત્યાંથી પોથીયાત્રા નિકળી હતી. પોથીયાત્રા પહેલા સત્સંગીને ત્યાં કેટલાક મહેમાનો આવ્યા હતા જેમાના એક મહેમાનના વોલેટમાં વધારે પ્રમાણમાં રોકડ રકમ હતી. આ મહેમાન ભક્તિમાં તરબોતરબ થઈ પોથીયાત્રા દરમ્યાન ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જ્યાં એક મહિલાએ તેમનું વોલેટ લઈ લીધુ અને પોથીયાત્ર માંથી અચાનક ઘર ભેગી થઈ ગઈ.

થોડી વાર બાદ જ્યારે પોથીયાત્રા મંદિર પહોંચી ત્યારે પેલા મહાશયને ખ્યાલ આવ્યો કે તેમનું વોલેટ ક્યાંક ગાયબ છે, તેઓએ તેમના અન્ય સ્વજનોને વાત કરી અને તેઓના વોલેટને સૌ કોઈશોધવા લાગ્યા. તેવામાં એક મહાશય બોલ્યા કે તેઓએ પોતાના હેન્ડીકેમમાં પોથીયાત્રાના કેટલાક દ્રશ્યો કેદ કર્યા છે તેઓએ પોથીયાત્રાની શરૂઆતના દ્રશ્યો જોયા ત્યાંજ મંદિરના કાર્યકરોએ એક મહિલાને જોતાની સાથે આ કૃત્ય તેનું જ હોવું જોઈયે તેમ જણાવ્યું અને જોત જોતામાં આ મહિલાની શંકાસ્પદ હિલચાલને આધાર બનાવી મંદિરના કાર્યકરો આ મહિલાને ઘરે પહોંચી ગયાને ઘરમાં જઈ સીધી વોલેટની શોધખોળ શરૂ કરી. આખરે તેઓનો શક સાચો નિકળ્યો આ બદમાશ મહિલાના ઘર માંથી પેલા સજ્જનનું વોલેટ મળ્યું..!

..મહિલા સમજી કોઈએ વધુ બબાલ ન કરતા મામલો ત્યાં ને ત્યાંજ પતાવી દીધો, ના પોલીસ ના ઢીશુમ ઢીશુમ. જોયુ ને આપણા સમાજમાં આજે પણ મહિલાઓને કેટલું માન આપવામાં આવે છે…! જય સ્વામિનારાયણ…જય સ્વામિનારાયણ

ઉમરેઠ પાલિકાની બોર્ડ બેઠક તોફાની બની – બજેટ મોકૂફ


– શાસક પક્ષના પ કાઉન્સિલરોએ વોકઆઉટ કરતા ભારે ઉહાપોહ
– બેઠક શરૂ થવાના એક કલાક અગાઉ પણ કાઉન્સિલરોને બજેટની નકલ મળી ન હતી

ઉમરેઠ નગરપાલિકાની આજે બજેટ બોર્ડ બેઠક ભારે તોફાની બનવા પામી હતી. આજની બેઠકમાં વર્ષ ૨૦૧૧-૧૨નું બજેટ રજૂ કરવાનું હતું પરંતુ તે મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જયારે આજની સભામાં શાસક પક્ષના પાંચ કાઉન્સિલરોએ વોક આઉટ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આજની બેઠકમાં કુલ ૫૧ કામ એજન્ડામાં અને ૪ કામ પ્રમુખસ્થાનેથી રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મોટાભાગના કામો બહુમતિથી મંજૂર કરવાની ફરજ પડી હતી.

ઉમરેઠ નગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકમાં આજે શાસક પક્ષના ૧૮ અને ૮ કોંગ્રેસના સભ્યોની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક પાલિકાના સભાખંડમાં મળી હતી.આજની બેઠકમાં કામ નં.રમાં પ્રિરીવાઈઝડ બજેટ મંજૂર કરવાનું અને વર્ષ ૨૦૧૧-૧૨નું બજેટનું કામ લેવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા બજેટને પૂર્ણ રીતે તૈયાર પણ કરવામાં ન આવ્યાનો ભારે ઉહાપોહ મચ્યો હતો. જેના કારણે બજેટ મોકૂફ રાખવું પડયું હતું. એજન્ડાના કામ નં.૩થી ૮નો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. બેઠકના એજન્ડામાં કુલ પપ કામો પૈકી ૨૦ કામોમાં સુધારો રજૂ કરાયો હતો. જેમાં બહુમતિથી તે કામોને મંજૂરી આપવામાં આવી હતી. જયારે કામ નં.૧૬ ઉમરેઠ-વિંઝોલ રોડ પરના ૧૩ કેબીન ધારકોને ૨૦ ચો.મી.ના પ્લોટ ફાળવીને ત્યાં થયેલ દબાણોને દૂર કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત શહેરના વિવિધ રસ્તાઓ અને ડ્રેનેજના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજની બેઠકમાં વિરોધ પક્ષના નેતા સુભાષભાઈ શેલતે તમામ કામોની ચર્ચા સાથે છણાવટ કરી હતી. જેના કારણે ખુદ શાસક પક્ષ ભારે અકળામણ અનુભવતો હતો. પરંતુ નીતિવિષયક બાબતોના પગલે તેઓ અસંમજસની સ્થિતિમાં મૂકાયા હતા. બેઠકમાં સૌથી ખળભળાટ ભરી બાબત એ હતી કે ખુદ શાસક પક્ષના ત્રણ કમિટીઓના ચેરમેન સહિત પાલિકા પ્રમુખના ઘરના સદસ્ય એવા બે કાઉન્સિલરોએ ખોટા નિયમ વિરુધ્ધ થઈ રહેલ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. જે અંગે પાલિકા પ્રમુખને ખૂબ આજીજી કરી હોવા છતાંયે પ્રમુખ ટસથી મસ ન થતા પાંચેય કાઉન્સિલરોએ વોક આઉટ કર્યો હતો. એજન્ડાના કામ નં. રપમાં ક્રિષ્ના કન્સ્લ્ટન્ટને નગર પાલિકાના થામણા ચોકડી અને ઓડ ચોકડી વિસ્તારના શોપીંગ સેન્ટર બનાવ્યા હતા. તેની ફીનું બીલ રૂ. ૮૫,૫૧૧ ચૂકવી આપ્યું હતું. આ બાબતે વોક આઉટ કરનાર કાઉન્સિલરોએ સદર બીલ ખોટું ચૂકવ્યું હોવાની બાબતે વાંધો વ્યકત કર્યો હતો.

સમયસર બજેટ રજૂ ન થાય તે દુઃખદ બાબત – અગ્રણી નગરજનો

ઉમરેઠ પાલિકાની બોર્ડ બેઠકમાં પાલિકાના શાસકો બજેટ મંજૂર ન કરી શકયા તેમજ પોતાના પક્ષના પાંચ કાઉન્સિલરોને બેઠક છોડવાની ફરજ પડયાના મામલે શહેરના અગ્રણી નાગરિકો સહિત રાજકીય વર્તુળોમાં પણ ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. અગ્રણી નગરજનોના મતે જે શાસકો બજેટ સમયસર રજૂ કરી શકતા નથી તેમજ પોતાના પક્ષના એકલ-દોકલ કાઉન્સિલર મનદુઃખ કરે તો સમજયા પરંતુ પાંચ-પાંચ કાઉન્સિલરોને વોકઆઉટ કરવું પડે તે ખૂબ જ દુઃખદ બાબત છે. આ સમગ્ર બાબતના પડઘા આવનાર દિવસમાં હાલના શાસકો માટે મુશ્કેલરૂપ બનનાર હોવાનું પણ ચર્ચામાં જણાવ્યું હતું.

ગેરરીતિ કરનાર કન્સ્લ્ટન્ટને નાણાં ચૂકવાય તે કેમ ચાલે ? – કાઉન્સિલર દેવેન્દ્રભાઇ પટેલ

આજની બેઠકમાંથી વોકઆઉટ કરનાર ભાજપના કાઉન્સિલર દેવેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભાજપને આપણે વધુ મજબૂત બનાવવાનો છે. પરંતુ આજની બેઠકમાં લીધેલા એજન્ડાના કામ નં.રપમાં ક્રિષ્ના કન્સ્લ્ટન્ટે વર્ષ ૨૦૦૭-૦૮માં થામણા અને ઓડ ચોકડીએ બનાવેલા શોપીંગ સેન્ટરોમાં ભારે ગેરરીતિ કર્યાનું સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આ શોપીંગ સેન્ટરોમાં રપ એમ.એમ.ના પથ્થરો નાંખવાના હતા. તેની જગ્યાએ ૧૧ એમ.એમ.ના પથ્થરો નાંખવામાં આવ્યા છે છતાંયે કન્સ્લ્ટન્ટે કોઇ વિરોધ કર્યો ન હતો. આ બાબતને કોર્ટમાં પણ લઇ જવામાં આવી હતી. ખુદ પાલિકા પ્રમુખ આ તમામ બાબતોથી વાકેફ છે છતાં પણ રૂ.૮૫ હજાર ઉપરાંતની રકમ ગેરરીતિ કરનારને ફાળવી દેવામાં આવે તે કેમ ચાલે?

હવે ગુરુવારે બોર્ડ બેઠક યોજાશે

આજની બોર્ડ બેઠકમાં બજેટ રજૂ નહીં કરી શકવાના પગલે શાસકોએ આગામી ગુરુવારે પુનઃ બોર્ડ બોલાવી છે. જેમાં આજની બેઠકના એજન્ડામાં લીધેલા નીતિવિષયક કામોમાં કેટલીક પૂર્તતા ન કરવાના પગલે કામોને મુલત્વી રાખવાની ફરજ પડી હતી. જે કામો પૂર્તતા સાથે ગુરુવારની બોર્ડ બેઠકમાં લેવામાં આવનાર છે. ટૂંકા સમયમાં આ બોર્ડ બેઠક યોજાશેની બાબત ઉમરેઠ નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામી છે.

સરકારની વિરુધ્ધ પાલિકા પ્રમુખ કામ કરી રહ્યા છેઃ વોકઆઉટ કરનાર કાઉન્સિલરો

બોર્ડ બેઠકમાંથી નીતિવિષયક બાબતોને આગળ ધરીને વોકઆઉટ કરનાર કાઉન્સિલર દેવેન્દ્રભાઇ પટેલની પાછળ પાછળ ઝરીનાબીબી (ચેરમેન, સેનેટરી કમિટી), અશોકભાઇ પટેલ (ચેરમેન, વોટર કમિટી), શિતલબેન (ચેરમેન, કારોબારી કમિટી) અને કાઉન્સિલર નીતાબેન સભાખંડની બહાર નીકળી ગયા હતા. આ અંગે વોટર કમિટીના ચેરમેન અશોકભાઇએ જણાવ્યું હતું કે, અમે ભાજપના વફાદાર સૈનિક છીએ. પરંતુ અમારી સરકારની વિરુધ્ધ પાલિકા પ્રમુખ કામ કરી રહ્યા છે તે દુઃખદ છે. જે બાબતે અમોએ અગાઉ તેમને અનેક વખત જાણ કરી હતી. પરંતુ આજે બોર્ડ બેઠકમાં અમો શાસક પક્ષના હોવા છતાં તેમની સાથે રહ્યા હોવા છતાં અમારી અપમાનિત સ્થિતિ બદલ અમારે બેઠક છોડવાની ફરજ પડી હતી. અમેય પાંચેય જણાએ માત્ર બેઠક છોડી છે, પરંતુ અમો પક્ષની સાથે છીએ અને રહીશું.

વિરોધ પક્ષના નેતા અને ચીફ ઓફિસર વચ્ચે ચકમક

આજે યોજાયેલ બોર્ડ બેઠકમાં એજન્ડાના કામોમાં વહીવટી બાબતો અંગે વિરોધ પક્ષના નેતા સુભાષભાઇ શેલતે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને આ ઓડ નથી તેમ ટકોર કરી હતી. જેના કારણે ગુસ્સે થઇને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, મારા માટે ઓડ હોય કે અમરેલી, નગરપાલિકાના કાયદાની પરિભાષામાં એક સમાન છે. મારી કાર્ય પધ્ધતિ હંમેશા પારદર્શક રહી છે. તેથી મને કોઇ ફેર પડતો ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું.

એક પણ પંખા વિના ‘રેબઝેબ’ સભા યોજાઇ

ઉમરેઠ નગરપાલિકાના સભાખંડમાં આજે યોજાયેલ બોર્ડ બેઠકમાં પાલિકા પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત પાલિકાના શાસક-વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ જે સભાખંડમાં બેઠા હતા ત્યાં આઠ જેટલા પંખાની વ્યવસ્થા ભૂતકાળમાં કરવામાં આવી હતી. પરંતુ આજે પંખા જ ન હોવાને કારણે ગરમીના કારણે પરસેવે રેબઝેબની સ્થિતિમાં સભા યોજાઇ હતી. જેના કારણે વિપક્ષને આ મામલે શાસકો સામે કોમેન્ટ કરવાની તક સાંપડી હતી.

(સમાચાર સ્ત્રોત – સરદાર ગુર્જરી)

હોળી/રવીવાર/ધુળેટી


દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પંચવટી વિસ્તારમાં અઢળક લાકડાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી અને લગભગ ૧૦ વાગ્યાની આસ પાસ લોકોએ અંગારા ઉપર ચાલવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો અંગારા ઉપર ચાલ્યા હતા પણ આ સમયે નગમતી બાબત એવી બની કે અમારી પોળના એક સજ્જન અંગારા ઉપર ચાલતા ચાલતા દાઝી ગયા..! હવે આ બાબત ખરેખર વિચાર માગે તેવી છે, અંગારા ઉપર ચાલવું શ્રધ્ધાની વાત છે કે પછી ..? ખેર જેવા લોકોના વિચાર જવા દો..!

કોપરાની કાચલીની હોળી-(તસ્વીર- મેહૂલ ચોકસી) (મોબાઈલથી લીધેલ ફોટો)

એક તરફ આખા ઉમરેઠમાં મોટા ભાગના તમામ વિસ્તારમાં અઢળક લાકડાંના ઉપયોગથી હોળી દહન કરવામાં આવ્યું ત્યારે બીજી બાજૂ ઉમરૅઠની ચોકસીની પોળમાં કોપરાની કાચલીની હોળી પ્રગટાવવામાં આવી હતી. એકદમ સરસ વિચાર કહેવાય આ પોળના લોકોનો સહેજ પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર પર્યાવરણને અનુકૂળ હોળી પ્રગટાવી ઉમરેઠના ચોકસીની પોળના રહીશોએ હોળી પર્વની ઉજવણી કરી હતી.

હવે ધુળેટીની વાત, આ વર્ષે કોણ જાણે કેમ એકેય મિત્રોને ધુળેટીમાં રસ ન હોય તેમ લાગ્યું, બધા પોતપોતાની વસ્તી અને મસ્તીમાં વ્યસ્ત હોય તેમ લાગે છે. છતા પણ આપણે તો ઉમરૅઠમાં હોઈએ એટલે મસ્ત મઝા થી ધુળેટી કરી એક તો રવીવાર ને ઉપરથી ધુળેટી બેવડો આનંદ હતો સવારે ૧૦ કલાકે પોળની બહાર લટાર મારવા નિકળ્યો ત્યાંજ હતો તેનાથી બદતર થઈ ગયો અવનવા કલર અને પાણીની પિચકારીથી લોકો તુટી પડ્યા..! છતા પણ બહાદૂરની જેમ પોળની બહાર અન્ય પોળના લોકો સાથે બેસી રહ્યા અને ગપ્પાબાજી શરૂ કરી જોતજોતામાં બે કલાક ક્યાંય પસાર થઈ ગયા પછી પેટ પુજા અને ફરી પોળમાં પિચકારી લઈ નાના છોકરા જોડ અટકચાળા શરૂ કર્યા, જોત જોતામાં નાના- છોકરા અને મારી જોડે ધુળેટી રમવા અન્ય પોળના મોટા લોકો પણ જોડાઈ ગયા પછી તો દર વર્ષની જેમ ફરી પોળમાં ધૂળેટીની રંગત જામી..!

ફાઈનલી, સવાર સુધી બોરીંગ લાગતી ધુળેટીમાં બપોર પછી થોડો રંગ આવ્યો છતા પણ દર વર્ષની જેમ માનીતા ભેરૂઓ જોડે ધૂળેટી ન રમવા મળી તેનો વસવસો તો એક ખૂણામાં રહ્યો જ..! એન ઈ વે..બેટર લક નેક્સ્ટ યર..! અને છેલ્લે ધૂળેટી રમ્યા પછી નાહી-ધોઈ ચા-નાસ્તો કરી ઈન્ડિયા વેસ્ટેન્ડીઝની મેચ જોવાની મઝા આવી ( અફકોર્સ આપણે જીત્યા એટલેજ )

ડાકોર હોળી દર્શન-૨૦૧૧


ફાગની પૂનમ નિમિત્તે ડાકોરના ઠાકોર રાજા રણછોડજીના દર્શન કરવા લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે મંગળા આરતી સમયે જાણે ભક્તોની સુનામી આવી હોય તેમ મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.

ઉમરેઠની નવા જૂની


*

  • ઉમરૅઠના વૈષ્ણવ મંદિરમાં (હવેલી) કથાનું આયોજન કરેલ છે સર્વે વૈષ્ણવોને લાભ લેવા જેવો છે.
  • વડતાલ તાબાના ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના ૧૨મા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સપ્તાહ પારાયણનુ તા.૨૩.૩.૨૦૧૧ને બુધવારના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેની પૂર્ણાહૂતિ ૨૯.૩.૨૦૧૧ને મંગળવારના રોજ થશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. કથાના વક્તા તરીકે ઉમરેઠના શ્રી રઘુવીરચરણદાસજીના શીષ્યો સ્વામિશ્રી રામાનુજદાસજી તેમજ સ્વામિ હરિગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે.
  • વ્હોરા કોમના ધર્મગુરૂના જન્મ દિવસને ધ્યાનમાં લઈ વહોરવાડમાં દિવ્ય રોશની કરવામાં આવી છે, આ વિસ્તારમાં આનંદ ઉત્સાહ નું જોરદાર વાતાવરણ જામ્યું છે.
  • ગરમીની શરૂઆત થઈ ગઈ છે, બસ સ્ટેન્ડ સામે બાદશાહ શેઢીનો રસ પણ ચાલુ થઈ ગયો છે, સાગર ની આઈસ ડીશ હજૂ દેખાઈ નથી, સાગરની ચોકલેટ ફ્લેવરની આઈશ ડીશ ખાવાની મઝા જ કાંઈ ઓર છે.
  • બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ ચાલી રહી છે, હવે પહેલા કરતા સ્કૂલીની આજૂ બાજૂ પ્રમાણમાં ટોળા ઓછા દેખાયા, લાગે છે વાલીઓ હવે કોપી કરાવવા કરતા છોકરાને ભણાવવામાં વધારે રસ રાખી રહ્યા છે.
  • ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં આવેલ ગિરિરાજધામનું કામ અંતિમ ચરણમાં આવી ગયું છે, અલબત કામ પતી ગયું કહીયે તો પણ ચાલે, ગિરિરાજધામનું નિર્માણ સંપૂર્ણ પૂર્ણ થશે અને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે ત્યારે વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમરેઠ પધારશે.

કાકા હોળીનો પૈસો..!


જો આ કાકા છોકરાને પૈસા આપ્યા વગર ગયા તો ખલ્લાસ...! (ફાઈલ તસ્વીર)

…અરે ચીન્તા ના કરશો તમારી પાસે હોળીનો પૈસો નથી માંગતો આતો હોળી આવી એટલે કેટલાક જૂના સ્મરણો તાજા થયા. હોળી-અને ધૂળેટી પહેલા માત્ર રંગ અને પાણી થીજ નહી પણ રસ્તે જતા લોકો પાસે પૈસા ઉઘરાવવાનો પણ તહેવાર. હા, અમારા ઉમરેઠમાં પોળે પોળે બધા નાના-છોકરાં હોળી અને ધૂળેટીના દિવસે પીચકારી અને કલર લઈ ઉભા રહે અને કોઈ રસ્તે થી પસાર થતું હોય તેની પાસે હોળીનો પૈસો માંગે અને જો કોઈએ ના આપ્યો એટલે બધા છોકરા ની પીચકારીઓ ચાલું..અને કાકા બિચારા રંગાઈ જાય.

હું અને મારા મિત્રો પણ પહેલા અમારી પોળની બહાર હોળીનો પૈસો ઉઘરાવવા ઉભા રહેતા હતા. દૂર થી પોળ તરફ કોઈ કાકા આવતા દેખાય એટલે તરત અમે બધા સમૂહમાં બૂમ પાડીયે ” પેલા કાકા આવે છે…હોળીનો પૈસો લાવે છે.” જ્યાં સુધી કાકા અમારી નજીક ના આવે ત્યાં સુધી આજ લાઈન અમે બોલેજ રાખીયે અને જેવા કાકા અમારી પાસે આવે એટલે બધા જ એક સાથે મોટેથી બોલીયે “કાકા હોળીનો પૈસો” કેટલાક સીધા લોકો હોય તે બે-પાંચનો સિક્કો આપી દે અન્ય ચાલતી પકડે અને જે પૈસા આપ્યા વગર જાય તેમની ઉપર અમે બધા પાણી છાંટીયે અને અમારા માંથી કોઈ અવરચંડું હોય તો પાક્કો કલર કાકા પર નાખી ભાગી પણ જાય..! શું જોરદાર મઝા ના દિવસો હતા તે.લગભગ સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી હોળી અને ધૂળેટીના દિવસે આમ અમે પૈસા ઉઘરાવીએ પછી ધૂળેટીના દિવસે સાંજે બધા પૈસા ભેગા કરી પફ અને કેક લાવી ઉજાણી કરીયે.

અમારા ઉમરેઠમાં હોળીના દિવસે પંચવટી વિસ્તારમાં મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી બરાબર પ્રગટી જાય પછી અંગારા બરાબર જમીન ઉપર પાથરવામાં આવે છે અને કેટલાક શ્રધ્ધાળૂંઓ આ અંગારા ઉપર ચાલે છે પણ ખરા હવે આ પ્રક્રીયા પ્રમાણમાં ઓછી થાય છે પણ કેટલાય લોકો કહે છે કે, ઉમરૅઠમાં પંચવટી વિસ્તારમાં પહેલાના સમયમાં મોટી સખ્યામાં લોકો અંગારા ઉપર ચાલતા હું કદી આવું કરી શક્યો નથી અને કરવાનો પણ નથી ચાલો ત્યારે છેલ્લે એક ખાસ વાત પાક્કા કલર ના વાપરશો, પાણી નો ઓછો બગાડ કરજો..

હોળી-ધૂળેટીની ખૂબ ખૂબ શૂભેચ્છા..!

અમૂલ ની ભૂલ..!


Amul Milk

મિત્ર મિતેષ ભાવસારે ઈ-મેલ થી અમૂલ દૂધના પાઊચના ફોટા મોકલ્યા. જેમાં મેન્યુફેક્ચર ડેટ ૩૧/૨/૨૦૧૧ બતાવવામાં આવી છે. અમૂલની આ ભૂલ જોઈ કહેનારા કહી રહ્યા છે કે, અમૂલ લોકોની ભૂલ અને ભ્રષ્ટાચાર ઉપર પોતાની વેબ સાઈટ ઉપર અનેક કટાક્ષ કરે છે ત્યારે તેઓની આ ભૂલ અંગે તેમની વેબ સાઈટ ઉપર કેવો કટાક્ષ જોવા મળશે..?

(Photo – Mitesh Bhavsar – Umreth)

અમુલનું કેલેન્ડર “માય કેલેન્ડર” ને પણ ટક્કર મારે તેવું હશે..!

Dt.31/2/2011....?

વિવેક વાણી / સકારાત્મક બાબત..


આપણે જાણીયે છે કે, આપણો દરેક જન્મ દિવસ, આપણે આપણા મૃત્યુ તરફ એક ડગલું આગળ વધારે છે. છતા પણ આપણે આપણા દરેક જન્મ દિવસ આનંદ, ઉત્સાહ અને હર્ષ સાથે ઉજવીએ છે. કદાચ આજ આપણામાં સૌથી મોટી સકારાત્મક બાબત છે..!

ઉમરેઠની નવા જૂની


  • આજ થી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલની બહાર એટલે કે, થોડે દૂર મેળા જેવું વાતાવરણ જામે છે. પહેલા કરતા હવે કોપી નું પ્રમાણ ખાસ્સુ ઘટી ગયું છે.
  • ઉમરેઠ નગર પાલિકાના ચીફ ઓફિસર ફરી બદલાઈ ગયા, છેલ્લા ૧૨ મહિનામાં ઉમરેઠ નગર પાલિકામાં આ પાંચમાં ચીફ ઓફિસર આવ્યા છે.
  • ઉમરેઠમાં રસ્તા બનવાનું કામ નાની રીશેશ પછી સરસ રીતે ચાલુ થઈ ગયું છે. લાગે છે જોત જોતામાં આખું ગામ નવા રસ્તાથી સજ્જ થઈ જશે.
  • નવા રસ્તાને કારણે બાઈકો, સ્કૂટરો વાળા ગાંઠતા નથી દરોજ્જ બે-ચાર નમુના ધૂમ સ્ટાઈલથી બાઈક લઈને જતા દેખાય છે. (ઈમ્પેક્ટ ઓફ ન્ય રોડ)
  • સતત ૧૧માં વર્ષે ઉમરેઠ તાલુકા પંચાયતનું બજેટ પ્રમુખ ભૃગરાજસિંહ ચોહાણના પ્રમુખ પદે પાસ થયું. ઉલ્લેખનીય છે કે, છેલ્લી ત્રણ ટર્મથી ભૃગુરાજસિંહ ચોહાણ ઉમરેઠ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ શંભાળી રહ્યા છે.
  • ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર આવેલ બાઈકના શો-રૂમમાં તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. અને મહદઅંશે સફળ થયા હતા.
  • ઉમરેઠના દારૂના બુટલેગરનો મોટા જથ્થામાં દારૂ થામણા રોડ ઉપર આવેલ એક ખેતર માંથી ઝડપાયો હતો. દારૂ તો પકડાતા પકડાયો પણ જોડે એક કાર, ઈટર્નો અને મોબાઈલ પણ મુદ્દામાલમાં જતા રહ્યા (આ પેલોજ બિચારો બુટલેગર જેને પોલીસ સ્ટેશનમાં પત્રકારને ફટકાર્યો હતો અને પોલીસ અને પત્રકારની લડાઈમાં બકરો બની ગયો.)
  • ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજનો તા.૧૬/૩/૨૦૧૧ના દિવસે જન્મ દિવસ છે , સંતરામ મંદિરમાં ધાર્મિકભાવ સાથે ઉજવાશે.

ઉમરેઠ નગર પાલિકાની સાઈટ અપડેટ કરાઈ


ઉમરેઠ નગર પાલિકાની ચુંટની પૂર્ણ થયા પછી નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ સહીત વિવિધ કમીટીના ચરમેનની વરણી પણ થઈ ગઈ હોવા છતા નગર પાલિકાની વેબ સાઈટ અપડેટ ન થઈ હોવાને કારણે વેબ સાઈટ ઉપર હારેલા ઉમેદવારોનું રાજ હતુ જ્યારે આ અંગે નગરપાલિકાના સત્તાવાળાઓનું ધ્યાન આવતા આખરે સાઈટ અપડેટ કરી નવા સભ્યોના નામ અને તેઓના સંપર્ક નંબર પણ અપડેટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજૂ પણ સાઈટના કેટલાક વિભાગો વ્યવસ્થીત અપડેટ કરવાની જરૂર છે. ગામમાં વર્ષો પહેલ જે ફુંવારા ગામની શોભા વધારતા હતા તે ફુંવારા હાલમાં નામશેષ થઈ ગયા છે છતા પણ પાલિકાન વેબ સાઈટ ઉપર તે ફુંવારાના ફોટા ટીંગાળવામાં આવ્યા છે. ખેર દેર આયે દુરુસ્ત આયે હાલમાં તો પાલિકાના સભ્યોના નામ અને સંપર્ક નંબર અપડેટ થઈ જતા લોકો હવે હોતાના વિસ્તારની સમસ્યા નેતાજી સુધી સરડતાથી પહોંચાળી શકશે.

ઉમરેઠની નવા જૂની


  • ” અમારો પહેલા હક્ક આપો, અમે તરફ અમારી ફરજ નિભાવીશું” ઉમરેઠ નગર પાલિકાના ટેક્ષ વિભાગના કર્મચારીઓ નગરના ખાટકીવાડ વિસ્તારમાં ટેક્ષની ઉઘરાણી કરવા ગયા ત્યારે રહીશોએ સ્પષ્ટ સબ્દોમાં કહી દીધું. અત્રે ખાસ ઉલ્લેખનિય છે આ વિસ્તારમાં ગટર,પાણી તેમજ રસ્તાજેવી માળખાગત સુવિધા આપવામાં તંત્ર આળશું અભિગમ દાખવી રહ્યું છે આ અંગે સ્થાનિકોએ રજૂઆતો કરી હોવા છતા તંત્ર ધ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી. આ અંગે નગરના નવા મહિલા ચીફ ઓફિસરને જાણ થતા આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ સત્વરે બહાલ કરવાની દીશામાં સકારાત્મક પગલા લેવા માડ્યાં છે ત્યાર બાદ આ વિસ્તારના અગ્રણીઓએ પાલિકામાં બાકી પડતો તેમનો ટેક્ષ ભરી દેવાની બાહેધરી પણ આપી છે તેવી નગરમાં ચર્ચાઓ થઈ રહી છે.
  • ઉમરેઠમાં શિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સહિત અન્ય મહાદેવમાં સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે સાંજના સમયે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોહિનુર બેન્ડ ધ્વારા પંચવટી વિસ્તારમાં ગીતો વગાડવામાં આવ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કોહિનુર બેન્ડાના ગીતોનો આનંદ માણ્યો હતો.
  • નગરમાં તાજેતરમાં પોલિસ પત્રકાર અને બુટલેગરની પહેલીમાં હવે, પોલીટીશીયન પણ મેદાનમાં આવી ગયા છે. કહેવાય છે એક સાપ્તાહિકના પત્રકારને પોલિસ સ્ટેશનમાં પોલિસ અને બુટલેગરે ભેગા થઈ ફટકાર્યો હતો જ્યારે આ વાત છેક ગાંધીનગર સુધી પહોંચાડવા માટે ચક્રો ગતિમાન થયા છે જ્યારે પત્રકાર સંધ ઉમરેઠ ધ્વારા પત્રકારને ફટકારનાર પોલિસોની બદલી કરવા ઉચ્ચ કક્ષાએ માંગ કરી છે અને જે સફળ થાય તેવું વાતાવરણ હાલમાં દેખાઈ રહ્યું છે.
  • ઉમરેઠમાં રસ્તા બનાવવાના કામમાં રીશેશ પડી હોય તેમ લાગે છે, જ્યારે નગરના કેટલાક વિસ્તારમાં ખરાબ અને કેટલાક વિસ્તારમાં અત્યંત ખરાબ રસ્તા બન્યા હોવાનું નગરજનો ચર્ચા કરી રહ્યા છે.