આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2020

કોરોના સામે લડાઇમાં,ઉમરેઠ સદંતર બંધ


કોરોના વાયરસ સામે ની લડત માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવેલ જનતા કરફ્યુ ના પગલે આજે ઉમરેઠ જડબેસલાક બંધ રહ્યુ હતુ. સામાન્ય દિવસોમાં લોકો ની ચહેલ પહેલ થી ધમધમતું ઉમરેઠ નું ચોકસી બજાર સદંતર બંધ રહ્યુ હતુ. આ ઉપરાંત ઉમરેઠ ગંજ બજાર, વડાબજાર, ઓડબજાર સહીત કોર્ટરોડ અને બસ સ્ટેન્ડ વિસ્તાર સંપૂર્ણ બંધ રહેવા પામ્યુ હતુ. ઉલેખનીય છે કે, સોમવારે ઉમરેઠ ના બજારો વિકલી બંધ રહે છે, જેને પગલે આવતી કાલે પણ ઉમરેઠ ના બજારો બંધ રહેશે. ઉમરેઠ પાલીકા દ્વારા સવારે નગર ના મુખ્ય રસ્તા ઉપર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ઉમરેઠ પાલીકા ના પૂર્વ પ્રમુખ સંજય પટેલ દ્વારા તેઓના વોર્ડમાં માસ્ક નું વિતરણ કરાયું હતુ. સમગ્ર દિવસ દરમ્યાન લોકોએ ઘર મા રહી કોરોના વાયરસ સામે લડત આપી હતી.

ઉમરેઠ – જનતા કરફ્યુનું ઉમરેઠ ચોકસી મહાજનનું સમર્થન – ચોકસી મહાજન કાલે બંધ પાડશે.


યુવા ક્રાંતિ મંચ દ્વારા પણ જનતા કરફ્યુ ને સમર્થન

pm-modi-on-coronavirus

કોરોના વાયરસ સામે લડવા આવતી કાલે રવીવારે સમગ્ર દેશમાં જનતા કરફ્યુ જાહેર કરાયો છે જેને સમર્થન આપતા ઉમરેઠ ચોકસી મહાજનના વહેપારીઓ દ્વારા કાલે પોતાની દૂકાનો બંધ રાખવામાં આવશે આ અંગે વધુ માહીતી આપતા ચોકસી મહાજનના પ્રમુખ પરાગભાઈ ચોકસીએ જણાવ્યું હતુ કે, કોરોના વાયરસની મહામારી સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આવતી કાલે રવીવારે જનતા કરફ્યુ જાહેર કરાયો છે જેને અમો સમર્થન રાખી રવીવારે ચોકસી મહાજનની તમામ દુકાનો બંધ રાખીશું. બીજી બાજૂ ઉમરેઠ યુવા ક્રાંતિ મંચ દ્વારા પણ જનતા કરફ્યુ ને સમર્થન આપ્યું હતું. મિલનભાઇ વ્યાસ ના જણાવ્યા મુજબ, કોરોના વાયરસની આ સંભવિત મહામારી વિરૂધ્ધ લડવા સ્વચ્છતા એક અનિવાયૅ પગલું હોઇ આગામી સમયમાં યુવા મિત્રો નગરના જાહેર સ્થળો, શૌચાલયો વિગેરેમાં સેનીટેશન અને ફ્યુમીગેશન પ્રક્રિયા વેગવંતી બનાવશે. આ દરમ્યાન પ્રજાહિતમાં પાલિકા પણ સાવચેતીના પગલારૂપે ઓડબજાર, ચોક્સીબજાર, કાછીયા પોળ, પટેલની પોળ પાસે વિ. સ્થળોના જાહેર શૌચાલયની સ્વચ્છતા અને નવીનીકરણ માટે અપાયેલ એક વષૅ જૂની અરજી પર જલ્દી પગલાં લે તે અનિવાયૅ છે.

હવે,વોટ્સએપ પર તમારો એચ.પી.ગેસ સિલેન્ડર બુક કરો.


whatssappbooking - Copy

જો તમે એચ.પી.ગેસના ગ્રાહક હોવ તો તમારા માટે ગેસ સિલેન્ડર બુક કરાવવો ખુબજ શરળ થઈ ગયું છે. એચ.પી.ગેસ દ્વારા હવે ગેસ સિલેન્ડરનું બુકીંગ વોટ્સએપ પર કરવાનું શરૂ કરાયું છે. વોટ્સએપ પર એચ.પી.ગેસ સિલેન્ડર બુક તો કરી શકાશે સાથે સાથે ચાલુ નાણાકિય વર્ષમાં તમારા કેટલા સિલેન્ડર સબસીડી વાળા રહ્યા છે તે પણ જાણી શકાશે ઉપરાંત તમારી ગેસની સબસીડીની વિગતો પણ તમે વોટ્સએપ દ્વારા શરળતા થી જાણી શકશો. આ તમામ સુવિધા તમારા વોટ્સએપ પર મેળવવા માટે તમારે નીચે મુજબ ના સ્ટેપ અનુસરવાના રહેશે જે ખુબજ શરળ છે.

– વોટ્સએપ પર ગેસ સિલેન્ડર બુક કરવા માટે…

(૧) સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોનમાં એચ.ગેસનો ૯૨૨૨૨ ૦૧૧૨૨ વોટ્સએપ નંબર સેવ કરો.
(૨) રીફીલ નોંધાવવા માટૅ તમારો જે નંબર ગેસ વિતરક પાસે રજીસ્ટર હોય તે નંબર થી ૯૨૨૨૨ ૦૧૧૨૨ નંબર પર વોટ્સએપ દ્વારા HPGASBOOK લખી મેસેજ મોકલો
(૩) જો તમારો નંબર એચ.પી.ગેસમાં રજીસ્ટર હશે તો સામે થી તમારો ગ્રાહક નંબર અને નામ સાથે એક મેસેજ આવશે.
(૪) જો તમારી વિગત સાચી હોય અને તમારે ગેસ સિલેન્ડર નોંધણી કરવી હોય તો સામે Y લખી રીપ્લાય કરો.
(૫) સામે થી તમારો નોંધણી નંબર તમને મળી જશે.

– સબસીડી વાળા કેટલા સિલેન્ડર બાકી રહ્યા છે તે જાણવા…

ચાલુ નાણાકિય વર્ષમાં તમારા સબસીડીવાળા કેટલા સિલેન્ડર બાકી રહ્યા છે તે જાણવા માટે એચ.પી.ગેસમાં તમારો જે રજિસ્ટર નંબર હોય તે ના પર થી ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર વોટ્સએપ કરી Quota લખવાનું રહેશે એટલે તમને મેસેજ થી તમારા કેટલા સબસીડીના સિલેન્ડર રહ્યા છે તે જાણવા મળશે.

– વોટ્સએપ પર સબસીડીની વિગત જાણવા માટે

એચ.પી.ગેસના વોટ્સએપ નંબર ૯૨૨૨૨ ૦૧૧૨૨ પર માત્ર subsidy લખી મેસેજ કરવાથી તમને તુરંત વોટ્સએપ પરજ તમારી સબસીડીની વિગત નો મેસેજ મળી જશે.

 

whatssappbooking

ઉમરેઠની અસ્થિર મગજની મહિલાનું રીક્ષામાં અપહરણ કરીને ગેંગરેપ ગુજારાયો


સુરેલી ગામની નહેર પાસે આવેલી ઝાડી-ઝાંખરામાં દુષ્કર્મ ગુજારાયું ત્રણેય શખ્સોની કરાયેલી ધરપકડ : પરિણીતાનો પતિ અને પુત્ર શોધતા-શોધતા સુરેલી સીમમાં ગયા ત્યારે શૈલેષભાઈ રાવળ જાતીય અત્યાચાર ગુજારતો હતો અને સુરેશસિંહ બોડાણા મોબાઈલમાં ફોટા પાડતો હતો.

gunegar

એક તરફ આજે નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા છે ત્યારે ઉમરેઠ શહેરના પીપળીયા ભાગોળ ખાતે રહેતી એક પરિણીતાનું ગઈકાલે બપોરના સુમારે રીક્ષામાં અપહરણ કરીને સુરેલી ગામની સીમમા આવેલી કેનાલ નજીકની ઝાડીમાં લઈ જઈને તેણી ઉપર ગેંગરેપ ગુજારવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગેંગરેપનો ગુનો દાખલ કરીને ત્રણેય નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પીપળીયા ભાગોળ ખાતે રહેતી ૪ સંતાનોની માતા એવી ૩૮ વર્ષીય મહિલા ત્રણેક વર્ષથી અસ્થિર મગજની થઈ જવા પામી છે. જેને લઈને ઘરની આજુબાજુ વિસ્તારમાં ફરીને સુમસામ બેસી રહે છે. ગઈકાલે તેણી ખોડીયાર માતાના બાંકડા આગળ બેઠી હતી ત્યારે શૈલેષભાઈ અશ્વિનભાઈ રાવળ, સુરેશસિંહ ચન્દ્રસિંહ બોડાણા અને સંદિપભાઈ ઉર્ફે મરઘો રમેશભાઈ રાવળ એક રીક્ષામાં બેસાડીને તેણીનું અપહરણ કરીને બેચરી તરફ નહેર પર લઈ ગયા હતા ત્યાંથી સંદિપ ઉર્ફે મરઘો પરત આવતો રહ્યો હતો જ્યારે શૈલેષ અને સુરેશસિંહ તેણીને સુરેલી ગામ જતા પહેલા ખોડીયાર માતાના મંદિર આગળ આવેલી કેનાલની બાજુમાં ઝાડીઓમાં લઈ ગયા હતા જ્યાં નગ્ન કરીને બન્ને શખ્સોએ વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ તરફ સંદિપે જઈને તેણીના પતિને જાણ કરતાં જ તેઓ પુત્ર સાથે એક્ટીવા પર પત્નીને શોધવા માટે બેચરી નહેર પર આવ્યા હતા. જ્યાં ઉભેલા ટ્રકવાળાને પુછતાં તેઓએ બે શખ્સો એક સ્ત્રીને બેચરી ગામ તરફ લઈ જતા હોવાનું જણાવ્યું હતુ. જેના આધારે બન્ને બેચરી ગામ તરફ ગયા હતા જ્યાં કોઈ ભાળ ના મળતા સુરેલી ગામ તરફ જતા એક રાહદારી મળ્યો હતો જેને પુછતાં તેણે જણાવ્યું હતુ કે, બે શખ્સો એક બહેનને લઈને કેનાલ તરફ વળ્યા છે.

જેથી કેનાલ તરફ જતા નીચેની સાઈડે આવેલી ઝાડીમાં શૈલેષ રાવળ મહિલા ઉપર જાતીય અત્યાચાર ગુજારતો હતો જ્યારે સુરેશસિંહ તેના મોબાઈલમાં ફોટા પાડતો હતો. જેથી મહિલાના પતિએ બુમ પાડીને પડકારતા જ બન્ને જણાં ત્યાંથી ભાગ્યા હતા. દરમ્યાન પત્નીને કપડાં પહેરાવીને એક્ટીવા પર બેસાડી ઘરે લઈ આવ્યા હતા. જ્યાં તેણી ગભરાઈ ગયેલી હોય કોઈ જવાબ આપી શકી નહોતી. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ઘ ગેંગરેપનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઉમરેઠ – કોરોના વાઈરસ સામે લડવા તંત્ર સજ્જ – માર્કેટ યાર્ડ રવીવારે સ્વયંભૂ બંધ રહેશે.


જાહેર સ્થળો પર જ્યાં ભીડ એકઠી થતી હોય તેવા સંકુંલો બંધ રાખવા તંત્રનો અનુરોધ, તાલુકાના ઉચ્ચ અધિકારીઓની પ્રાંત-અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી

mamlatdar
ગુજરાતમાં વડોદરા,રાજકોટ, સુરત તેમજ અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના સાત કેસની તંત્ર દ્વારા પુષ્ટી કરાયા બાદ અન્ય જિલ્લામાં તકેદારી માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ કોરોના વાયરસને લઈ તંત્ર સતર્ક બન્યું છે અને ખાણી-પીણીની લારીઓ સહીત વધારે લોકો એકઠા થતા હોય તેવા સંકુંલો બંધ કરવા લોકોને અપીલ કરી છે. તંત્ર દ્વારા સ્થળ પર જઈ જેતે સંકુંલ બંધ કરાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને લોકો તેને સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. પાલીકા તંત્ર દ્વારા આજે ઉમરેઠમાં પાણી-પુરીની લારીઓ સહીત નાસ્તા ની તેમજ નોનવેજ ની લારીઓ બંધ કરાવી હતી અને જ્યાં સુધી પુનઃ આદેશ ન થાય ત્યા સુધી તેઓને પોતાની દૂકાનો અને દારીઓ બંધ રાખવા અનુરોધ કર્યો હતો. બીજી બાજૂ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી દર્શન શાહની અધ્યક્ષતામાં ઉમરેઠ તાલુકા માં કોરોના વાયરસ COVID-19 અગમચેતીના ભાગ રૂપે મામલતદાર, તાલુકા વિકાસ અધીકારી, પોલીસ વિભાગ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને ચીફ ઓફિસરની હાજરીમાં બેઠક મળી હતી અને કોરોના વાયરસ સામે લડવા સબંધીત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. બીજી બાજૂ ઉમરેઠ માર્કેટયાર્ડના વહેપારીઓ દ્વારા ૨૨ માર્ચના રોજ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે બજાર સમિતિમાં વહેપારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.ેક તરફ વહેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નગરના શ્રી ગીરીરાજધામ ખાતે નિત્ય આરતી પણ આગલા આદેશ સુધી ભીતરમાં થશે તેવી શ્રી ગીરીરાજધામના ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો હતો અને આરતી સમયે વૈષ્ણવો શ્રી ગીરીરાજધામ ખાતે એકઠા ન થાય તેવો અનુરોધ કર્યો હતો.

mamlatdar2

whatssappbooking

વોટ્સએપમાં તમારા મિત્રોના સ્ટેટસ એપ્લીકેશન વગર ડાઉનલોડ કરો.


status

વોટ્સએપ માં કોઈ મિત્રનું સ્ટેટસ ગમે અને તે સ્ટેટસમાં રહેલો ફોટો કે વિડીયો તમારે જોઈતો હોય તો મિત્રને “સેન્ડ મી” કે “મોકલ મને” કહી મિત્ર પાસે મંગાવો પડે છે. જો સ્ટેટસમાં ફોટો હોય તો તેનો સ્ક્રીન શોટ લઈને તમે તે ફોટો મેળવી શકો છો પરંતુ જો સ્ટેટસમાં વિડીયો હોય તો..? તમારે મિત્ર પાસે તે વિડીયો મંગાવો પડે છે.વોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા પ્લે સ્ટોરમાં કેટલીક એપ્લીકેશન પણ કાર્યરત છે, પરંતુ તમારા એન્ડ્રોઈડ ફોનમાં અમુક હીડન ફીચર્સનો તમે ઉપયોગ કરો તો તમે આસાની થી તમારા કોન્ટેક્ટ લીસ્ટમાં જે મિત્રો હોય તેઓનું સ્ટેટસ થી મેળવી શકો છો. વોટ્સએપમાં તમે તમારા મિત્રોના સ્ટેટસ જોવો એટલે તેની હીડન ફાઈલ તમારા ફોનમાં આવી જતી હોય છે. જે તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી જોઈ શકો છો અને બીજા લોકોને મોકલી પણ શકો છો. આમ કરવા માટે પહેલા તમારે તમારા વોટ્સએપમાં જેતે મિત્રનું સ્ટેટસ જોઈ , ફાઈલ મેનેજરમાં જવાનું રહેશે જેમાં સેટીંગસમાં જઈ “શો હીડન ફાઈલ” ઓપશન ઓન કરવાનું રહેશે, ત્યાર બાદ ફાઈલ મેનેજરમાં વોટ્સએપ નું ફોલ્ડર હશે જે ઓપન કરી મિડીયા ફોલ્ડરમાં તમને સ્ટેટસ ફોલ્ડર જોવા મળશે તે ફોલ્ડરમાં તમારા મિત્રોના સ્ટેટસ તમને દેખાશે જે સ્ટેટસ તમારે જોઈતુ હોય તે સ્ટેટસ પર ક્લિક કરી ડાઉનલોડ કરી તમારી ગેલેરીમાં લાવી તમે તે સ્ટેટસ તમારા મિત્રો ને મોકલી શકો છો અને તમારા સ્ટેટસમાં પણ મુકી શકો છો.

વોટ્સએપ હવે ડાર્ક મોડમાં વાપરો..!


darkmodeનાના છોકરા થી માડી સીનીયર સીટીઝન સુધી હવે તમામ લોકો વોટ્સએપ વાપરતા થઈ ગયા છે. ટેક્ષ મેસેજ હોય કે ઓડીયો,વીડીયો મેસેજ કે પછી કોઈ ફાઈલ મોકલવાની હોય વોટ્સ એપ દ્વારા સરળતા થી આપણે ફાઈલ સાથે સંદેશા ની આપ લે કરી શકીયે છે. યુવા વર્ગના લોકો મોડી રાત્રી સુધી મિત્રો સાથે વોટ્સએપ પર ચેટ કરતા હોય છે પણ આ પહેલા વોટ્સએપમાં ડાર્ક મોડ સુવિધા ન હોવાને કારને રાત્રે ચેટ કરતા સમયે આંખો ખેંચાવાની સમસ્યા લોકોને નડતી હતી. પરંતુ વોટ્સએપ હવે તમે ડાર્ક મોડમાં પણ વાપરી શકો છો.આ માટે તમારે પહેલા તમારા મોબાઈલમાં વોટ્સએપ ઓપન કરવાનું રહેશે ત્યાર બાદ ઉપર જમની બાજુ ખૂણામાં ત્રણ ઉભા ટપકા દેખાય ત્યાં ટેપ કરવાનું રહેશે પછી એક મેનું ઓપન થશે જેમાં છેક છેલ્લે સેટીંગ ઓપશન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર બાદ ચેટ્સમાં જઈ થીમ ઉપર ટેપ કરી ડાર્ક લખેલું છે તે સિલેક્ટ કરી તમારા વોટ્સએપને ડાર્ક મોડમાં કરી શકાશે. મિત્રો હવે તમને થશે કે વોટ્સએપ ડાર્ક મોડ માં કરવાથી શું ફાયદો થશે, વોટ્સએપ ડાર્ક મોડમાં હશે તો રાત્રીના સમયે તમે વોટ્સએપ વાપરશો તો તમારી આંખો ઉપર પ્રમાણમાં ઓછો ભાર પડશે અને મોબાઈલની બેટરી પણ ઓછી યુઝ થશે. – વિવેક દોશી

ઉમરેઠ – દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર ખાતે એડવાન્સ ટેલરીંગ કોર્સની શરૂઆત


dmkk

ઉમરેઠ ખાતે દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર ખાતે આજ થી એડવાન્સ ટેલરીંગ કોર્સ ની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉમરેઠ પાલીકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાની તેમજ પ્રમુખ સંગીતાબેન પટેલ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. આ સમયે દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્રના સુત્રોએ જણાવ્યું હતુ કે એડવાન્સ ટેલરીંગ કોર્ષ દ્વારા નગરની જરૂરીતાય મંદ મહીલાઓ પગભર થશે અને તેઓને રોજગારી મેળવવામાં પણ સહાયતારૂપ બનશે. તેઓએ ઉમેર્યું હતુ કે સ્વ.દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્રમાં ટેલરીંગ સીવાય અન્ય કોર્ષો પણ ઉપલબ્ધ છે જેનો મોટી સંખ્યામાં યુવા વર્ગ લાભ લઈ રહ્યું છે. 

ઉમરેઠ – શ્રી સંતરામ મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન


FB_IMG_1584371719088

ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે આજે સાંજે પ.પુ શ્રી અશ્વીની પાઠકના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠના શ્રી સંતરામ મંદિરના ગાદીપતિ શ્રી ગણેશદાસજી મહારાજનો આજે જન્મ દિવસ હતો જેને પગલે સવાર થી મંદિરમાં બાપજીના આશિર્વાદ મેળવવા લોકોનો ઘસારો થવા પામ્યો હતો. શ્રી ગણેશદાસજી મહારાજે આ સમયે આશિર્વચન આપતા સર્વે નું સ્વાસ્થય સારું રહે અને સર્વે સુખી રહે તેવા આશિર્વાદ આપ્યા હતા. ઉમરેઠ સંતરામ મંદિરમાં યોજાયેલ સુંદરકાંડ પાઠમાં સિમિત સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કોરોના વાઇરસ ના વાવર ને પગલે સર્વે ભક્તો ને માસ્ક નું વિતરણ કરાયું હતુ, તમામ ભક્તો માસ્ક પહેરી ને સુંદરકાંડ પાઠમાં જોડાયા હતા. સરકાશ્રીના પરિપત્રને કારણે સુંદરકાંડ પાઠમાં સિમિત સભ્યો ને આમંત્રણ પાઠવ્યા હતા.

FB_IMG_1584371708579

FB_IMG_1584371714030

કોરોના ઈફેક્ટ – ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે નિકળનાર શોભાયાત્રા મોકૂફ કરાઈ.


સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર છે ત્યારે સાવચેતીના પગલા સ્વરૂપે ભારતમાં પણ અગમચેરી માટે કેટલાક પગલા ભરવામાં આવ્યા છે. સરકારશ્રી દ્વારા સ્કૂલ, કોલેજ તેમજ મલ્ટીપ્લેક્ષ જેવા સ્થળો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે તેવા સમ્કુલો બંધ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે જેને પગલે જાહેર કાર્યક્રમો પણ રદ્દ કરવા કેટલીક ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો હાલમાં ૨૧મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગ રૂપે તા.૧૭.૩.૨૦૨૦ના રોજ નિકળનાર જળયાત્રા-શોભાયાત્રા રદ્દ કરવાનું આયોજકોએ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવમાં હજ્જારોની સંખ્યામાં હરિભક્તો એકઠા થાય છે જ્યારે કોરોના વાયરસ વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા પણ પરિપત્ર બહાર પાડી જાહેર કાર્યક્રમો મોકુફ રાખવા નિર્દેશ કરાયો છે ત્યારે જનસુખાકારી અને દેશહીતને ધ્યાનમાં રાખી ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

ઉમરેઠની સ્કૂલો બંધ – સરકારશ્રીન જણાવ્યા મુજબ ઉમરેઠ પંથકમાં સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના માતા-પિતા ને સ્કૂલ બંધ રહેશે તેવા મેસેજ મોકલી વાલીઓને જાણ કરી હતી, આગામી અન્ય અપડેટ ન આવે ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે તેમ જણાવાયું હતું.

જાગૃતજનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની ખરીદી – વિશ્વ સ્તરે કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે, ભારતમાં પણ કોરોના વાઈરસના કેસ દેખાયા છે, ભારતમાં મહારાષ્ટ્રમાં વધારે કોરોનાના કેસ દેખાયા છે જેને પગલે પડોશી રાજ્ય ગુજરાતમાં સાવચેતીના પગલે લોકો સેનેટાઈઝર અને માસ્ક ની ખરીદી કરી રહ્યા છે. મેડીકલ સ્ટોરના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે છેલ્લા ૧૦ દિવસ થી માસ્ક અને સેનેટાઈઝર ખરીદવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 

ઉમરેઠ – નોટરી તરીકે નિમણુંક


ashokકેન્દ્ર સરકાર ધ્વારા નવા નોટરી વકીલોની નિમણુંક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉમરેઠના ખ્યાતીમાન વકીલ અશોકભાઈ એમ.શાહની નોટરી તરીકે નિમણુંક થતા ઉમરેઠ બાર એશોશિયેશન ના પદાધિકારીઓ તેમજ સભ્યોએ સહીત ખડાયતા સમાજના અગ્રણીઓએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. 

ઉમરેઠ પાલીકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પોલખોલ યાત્રા બાદ આવેદનપત્ર સુપ્રત કરાયું.


માજી ધારાસભ્ય જયંતભાઈ બોસ્કી સહીત પાલીકાના સભ્ય ભદ્રેશ વ્યાસ સામાજીક કાર્યકર મિલન વ્યાસ અને જાગૃતજનો દ્વારા આવેદન પત્ર અપાયું.

20200313_10464320200313_110212
ઉમરેઠ પાલીકા દ્વારા કરવામાં આવતા વિવિધ કામોમાં કથીત ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે આજે ઉમરેઠના મિલન વ્યાસ તેમજ જાગૃતજનો દ્વારા નગરપાલીકામાં આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ આજે સવારે નગરના વોર્ડ નં.૫ માંથી પોલખોલ પદયાત્રા દ્વારા જાગૃતજનો નગરયાત્રા કરી હતી જેમાં પાલીકા તંત્ર દ્વારા કરવામાં આવતા વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે સુચક બેનરો અને સુત્રોચ્ચાર કરી ઉમરેઠ નગરપાલીકામાં પહોંચ્યા હતા જ્યાં પાલીકામાં ઉપસ્થીત પ્રતિનિધિને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું, આ સમયે ઉમરેઠ નગરના જાગૃતજનો સહીત મિલન વ્યાસ પાલીકાના સભ્ય ભદ્રેશભાઈ વ્યાસ તેમજ માજી ધારાસભ્ય જયંતભાઈ બોસ્કી પણ ઉપસ્થીત રહ્યા હતા અને પાલીકામાં થતા ભ્રષ્ટાચાર સામે તેઓએ રજૂઆત કરી યોગ્ય ઘટતુ કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ પાલીકા દ્વારા નગરમાં છેલ્લા કેટલાક સમયમાં વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં ઉમરેઠ એસ.એન.ડી.ટી મેદાન પાસે બગીચા ની કંપાઉન્ડવોલ સહીત માટી પુરાન અને પાલીકા માટે કાર ખરીદવા થી માંડી માહીતી એક્ટના ઉલંઘન અને વોર્ડ નં.૫ના રસ્તા બાબતે જાગૃતજનો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિક ઉપવાસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ જરૂરી પરવાનગી ન મળતા ઉપવાસનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. એક તરફ આગામી દિવાળીના અરસામાં પાલીકાની સંભવીત ચુંટણીને લઈ નગરના વિવિધ વોર્ડમાં કોણ ચુંટણી લડશે તે અંગે નગરમાં ઓટલે ને ચોરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વિપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્નો સાથે સત્તાપક્ષને ભીંસમાં લેવાતા નગરનું રાજકારણ પણ ગરમાયું છે. કહેવાય છે કે સદર પ્રશ્નોને લઈ મિલન વ્યાસ દ્વારા પાલીકાની ઉપલી કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી છે.

ડંપીગ સાઈટ નગરજનો માટે સમસ્યાનું સર્જન કરશે – મિલન વ્યાસ

ઉમરેઠ તાલુકા પંચાયત પાછળ કઈણ વિસ્તાર માં ડંપીંગ સાઈટ બનવા જઈ રહી છે. જે અંગે આવેદનપત્રમાં મિલન વ્યાસે જણાવ્યું હતુ કે, સદર ડંપીગ સાઈટ થી વોર્ડ નંબર.૫ સહીત નગરના માર્કેટયાર્ડ અને તેની આસપાસના વિસ્તારો માંથી જતુ વરસાદી પાણી અટકી જશે જેથી સદર વિસ્તારમાં પાણીના ભરાવની સમસ્યા સર્જાશે જેથી ડંપીંગ સાઈટ અન્ય કોઈ વિસ્તારમાં ખસેડવા તેઓએ રજૂઆત કરી હતી. 

પાલીકામાં તમામ કોમો નિયમ અનુસાર જ થયા છે. – ચીફ ઓફિસર

મિલન વ્યાસ દ્વારા પાલીકામાં થયેલા વિવિધ કામોમાં ઉઠાવેલા પ્રશ્નો સામે ચીફ ઓફિસરે જણાવ્યું હતુ કે , પાલીકા દ્વારા કરવામાં આવેલા વિવિધ કામો સહીત કાર ખરીદવાનું કામ નિયમ અનુસાર જ થયું છે, પાલીકાના કામ માટે ગાડી ભાડે કરવામાં આવતી હોવા થી ખર્ચ વધારે આવતો હતો ગાડી ખરીદ કરવા થી ભાડા નો ખર્ચ બચ્યો છે અને પાલીકાની એસેટ્સ માં કારનો ઉમેરો થયો છે. 

ઉમરેઠના શ્રી સ્વામિનારાયન મંદિરનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે.


શાસ્ત્રી સ્વામી શ્રી હરિગુણદાસજી ગુરુ સ્વામી રઘુવીર ચરણદાસની મહારાજના વક્તા પદે શ્રીરામ ચરિત્ર માનસ સપ્તાહ પારાયણનું આયોજન
swaminarayan
સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારયણ પ્રભુ તથા ઉમરેઠ નિવાસી અ.મૂ.અ.મૂ.સ.ગુ. શ્રી ગોપાપાળાનંદસ્વામીની પૂર્ણકૃપા અને વડતાલ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતી પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશોર્વાદત્મક આજ્ઞાથી તથા નંદ પક્તિના સંતોની પરંપરાને સેવા ભક્તોથી શોભાવનાર ગુરૂ.સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજી ગૂરૂ સ.ગુ.શા.સ્વામી. શ્રી શ્વેતવૈકુંઠદાસજી (વડતાલ) ની પ્રેરણા થી તા.૧૨.૩.૨૦૨૦ થી તા.૧૮.૩.૨૦૨૦ સુધી ઉમરેઠના વડતાલ તાબાનાશ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ રામાભાઇ ઉમેદભાઇ પટેલ પરિવારના યજમાન પદે યોજવામાં આવશે. ૨૧માં પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રી સ્વામી શ્રી હરિગુણદાસજી ગુરુ સ્વામી રઘુવીર ચરણદાસની મહારાજના વક્તા પદે અને બાબુભાઈ શંકરભાઈ પટેલના યજમાન પદે તા.૧૨.૩.૨૦૨૦ થી તા.૧૮.૩.૨૦૨૦ સુધી શ્રીરામ ચરિત્ર માનસ સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ હરી ભક્તો સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ અને સાંજે ૩.૩૦ થી ૬.૩૦ સુધી લઈ શકશે. પોથીયાત્રા તા.૧૨.૩.૨૦૨૦ને ગુરૂવારના રોજ સવારે ૮ કલાકે યજમાનશ્રીના નિવાસ સ્થાનેથી નિકળશે તેમજ સવારે  ૮.૩૦ કલાકે પાટોત્સવ નિમિત્તે દિપ પ્રાગટ્ય કરી મહોત્સવ શરૂ થશે. તા.૧૩.૩.૨૦૨૦ને શુક્રવારનારોજ સાંજે ૫ કલાકે રામ જન્મોત્સવ તા.૧૪.૩.૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૭ કલાકે મહાપુજા તેમજ રાત્રે ૯ કલાકે મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ છે.તા.૧૫.૩.૨૦૨૦ને રવિવારના રોજ સવારે ૭ કલાકે ગોપાળાનંદ સ્વામીનું પુજન તેમજ રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૧૬.૩.૨૦૨૦ને સોમવારના રોજ રાસોત્સવ રાત્રે ૯ કલાકે અને તા.૧૭.૩.૨૦૨૦ના રોજ સાંજે ૪ કલાકે શોભાયાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે થી નિકળશે. તા.૧૮.૩.૨૦૨૦ને બુધવારના રોજ સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૬ કલાકે અભિષેક દર્શન અને બપોરે ૧૨ કલાકે ભવ્ય અન્નકુટના દર્શનનો હરિભક્તો લાભ લઈ શકશે. સમગ્ર કાર્યક્રમમાં વેદોક્તવિધિ જગદીશભાઈ ભાનુપ્રસાદ શુક્લ કરાવશે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સાધુ રામાનુજદાસજી તથા પાર્ષદવર્ય શ્રી કાંતિભગત અને ટ્રસ્ટી મંળડ સહીત સત્સંગ સમાજ અને પુજારી સ્વામી શ્રી દિવ્યપ્રકાશદાસજી સહીત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ યુ-ટ્યુબ પર કરવામાં આવશે.

ઉમરેઠ – પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી આવકાર અપાયો.


school01school2

ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાન આજથી આરંભ થઈ ગયો છે ત્યારે વિવિધ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ઉમરેઠ ના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ધી જ્યુબિલિ સ્કૂલમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સહીત શાળાના ટ્રસ્ટી રશ્મીભાઈ જે.શાહ અને ઉમરેઠ પ્રેસ ક્લબના પ્રમુખ નિમેષભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો. રશ્મીભાઈ શાહએ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો હાઉ પેદા થયો છે ત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર જ્યારે વિદ્યાર્થીઓ પહોંચે ત્યારે ટેન્શનનું વાતાવરણ ન સર્જાય તેથી તેઓને ઉમળકાભેર આવકાર આપવામાં આવે તો તેઓ સકારાત્મક વાતાવરણમાં તેઓ પરીક્ષા આપી શકે. ઉલ્લેખનીય છે કે ધો.૧૦ અને ધો.૧૨ના વિવિધ પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈ ગેરરીતી ન થાય તે માટે શાળા પરીવાર દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર બહાર પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

%d bloggers like this: