આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2012

ઉમરેઠના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ પાસે ડંપીંગ સાઈટ – સ્થાનિકોના સ્વાસ્થય ઉપર ખતરો..!


  • આખા ગામનો કચરો ગ્રાઊન્ડ પાસે ઠલવાતા સ્થાનિકો પરેશાન

ઉમરેઠ નગરમાં એક તરફ સફાઈ કામગીરી સુંદર રીતે કરી પાલિકા પ્રશંશાપાત્ર કામ કરે છે. પરંતું ગામનો કચરો એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ પાસે ઠાલવવામાં આવતા એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ આસપાસ આવેલ સોસાયટીના રહીશોમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. નગરના સદર ગ્રાઊન્ડ પાસે અમોધ પાર્ક સોસાયટી,પૃથ્વીપાર્ક સોસાયટી તેમજ વૃંદાવન પાર્ક સોસાયટી આવેલ છે. એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ પાસે નગરના વિવિધ વિસ્તારન અકચરાનું ડંપીંગ થતુ હોવાને કારણે આ સોસાયટીના રહીશોના સ્વાસ્થય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે, અને તેમા પણ બદલાતા વાતાવરણને કારણે આ સોસાયટીનામાં રહેતા નાના બાળકો બિમારીમાં સપડાય તેવી દહેશત સોસાયટીના રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

વધુમાં ઉમરેઠ નગરનો મોટાભાગનો કચરો એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ પાસે ઠાલવવામાં આવે છે.આ ગ્રાઊન્ડ પાસે અમોધ પાર્ક સોસાયટી તેમજ પૃથ્વીપાર્ક સોસાયટીનો પાછલો ભાગ આવેલ છે. તેમજ સદર ડંપીંગ સાઈટ પાસે ઉમરેનનું બ્રહ્માકુમારી કેન્દ્ર પણ આવેલ છે. બ્રહ્માકુમારી કેન્દ્રના પીસ પાર્કમાં સવારે મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે. પરંતું સવારે સ્વચ્છ હવાની આશાએ આ વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા આવતા નગરજનોને એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ પાસે થયેલા કચરાના ઢગલાને કારણે મુસીબતોનો સામનો કરવો પડે છે. સવાર સિવાય સાંજના સમયે પણ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી કેન્દ્રના બાગમાં લોકો ફરવા આવે છે. પરંતું ડંપીગ સાઈટ બની ગયેલા ગ્રાઊન્ડ માંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાને કારણે હવે, પ્રમાણમાં ઓછા લોકો અહિયા ફરવા આવે છે. લાગરા વળગતા તંત્ર દ્વારા એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ પાસે નાખવામાં આવેલ કચરો કાયમ માટે ગામ બહાર દૂર નાખવામાં આવે તેવી લોક લાગણી સાથે માગણી પ્રવર્તમાન બની છે.

એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી – કહેવાય છે આ વર્ષે ઉમરૅઠમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. આ ઉજવણી મોટાભાગે એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ખાતેજ યોજાવાની પુરેપુરી સંભાવના છે. તાજેતરમાં જિલ્લા પ્રશાશનની એક ટીમ પણ એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડની સમીક્ષા કરવા આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે જો જિલ્લા કક્ષાનો સ્વતંત્ર્ય દિવસ જે જગ્યાએ ઉજવવાન હોય તેની બાજુમાં ગામના કચરાના નિકાલ માટે ડંપીગ સાઈટ હોય તે કેટલું વ્યાજબી છે..?

ઉમરેઠમાં ઘીના મહાદેવજીના દર્શન કરવા ભક્તોનો ઘસારો


  • જાગનાથ મહાદેવમાં જયંત પેઈન્ટરે ઘીના મહાદેવજી બનાવ્યા

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ લગભગ ૧૫૦૦વર્ષ જૂના જાગનાથ મહાદેવમાં ઉમરેઠન જયંત પેઈન્ટરે ઘી ના મહાદેવજીની પ્રતિમાં બનાવી છે, જેના દર્શન કરવા માટે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વધુમાં જાગનાથ મહાદેવનું હાલમાં લોકભાગીદારીથી રીનોવેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં મુખ્ય દાતા ખડાયતા જ્ઞાતિના અગ્રણી જયંતિભાઈ કાચવાળાનો નોંધપાત્ર સહયોગ મળેલ છે. રીનોવેશન કમિટીના ઘનશ્યામભાઈ શેઠે જણાવ્યું હતું કે, પુજારી મુન્નાભાઈ ભટ્ટ દ્વારા સુંદર રીતે મંદિરમાં પુજા કરવામાં આવે છે, ત્યારે લગભગ ૧૫૦૦વર્ષ જૂના મહાદેવનો હાલની સ્થિતિએ જીર્નોધ્ધાર કરવો જરૂરી છે. છેલ્લા કેટલાય સમયથી જાગનાથ મહાદેવમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ થવાથી ભક્તો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલમાં મહાદેવમાં કૈલાશ પર્વત ઉપર બિરાજમાન ઘીના શંકરદાદાની પ્રતિમાં બનાવવામાં આવી છે જેના દર્શન કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. મહાદેવમાં શ્રાવણમાસને ધ્યાનમાં રાખી ફુલવાડી સહીત અન્ય ધાર્મિક સજાવટ સાથે મહાદેવજીની આરાધનામાં ભક્તો મગ્ન બની ગયા છે. (ફોટો – રીતેશ કા.પટેલ)

ઉમરેઠમાં શ્રાવણ માસ દરમ્યાન સાડી બજારમાં “સેલ”ની ધૂમ


  • સાડી તેમજ ડ્રેસ મટીરીયલ્સની ખરીદી કરવા મહિલાઓનો ઘસારો

શ્રાવણ માસ એટલે ભક્તિ કરવાનો માસ પરંતું ઉમરેઠ સહીત સમગ્ર ચરોતરમાં શ્રાવણ માસમાં ભક્તિ સાથે ખરીદી કરવાનો પણ ટ્રેન્ડ છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન કાપડની દૂકાને દૂકાને સેલના પાટીયા લાગી જાય છે. મહિલાઓ અને યુવતિઓ પણ સેલ દરમ્યાન સસ્તામાં સારા કપડા લેવાનું ચુકતી નથી. આ સમયે વહેપારીઓ પણ પોતાની દૂકાનનો સામાન વર્ષના અન્ય મહીનાઓની સરખામણીમાં ઓછા ભાવે ઓફર કરી રોકડી કરી લેતા હોય છે.

વધુમાં સિલ્ક સીટી ઉમરેઠમાં પણ સેલનો માહોલ જામ્યો છે. નગરની સાડીઓની દૂકાનોમાં સેલના પાટીયા લાગી ગયા છે. નગરની મહિલાઓ અને યુવતિઓ સેલ દરમ્યાન વિવિધ સાડીની ખરીદી કરવા લાગી છે. આમ પણ પહેલેથી ઉમરેઠ સાડીની ખરીદી કરવા પ્રખ્યાત છે જેથી માત્ર ઉમરેઠ જ નથી પરંતું અમદાવાદ,વડોદરા, આણંદ અને નડિયાદ જેવા શહેરના લોકો પણ ઉમરેઠમાં સેલ દરમ્યાન અચૂક સાડીની ખરીદી કરવા આવતા હોય છે. થોડા સમય પહેલા સાડીનો ધંધો ઉમરેઠમાં પાટા ઉપરથી ઉતરી ગયો હતો પરંતું પૂનઃ હવે નગરમાં સાડીનું બજાર જામવા લાગ્યું છે. રૂ સો થી માડી રૂ પચ્ચીસ થી ત્રીસ હજારની સાડી પણ ઉમરૅઠના વહેપારીઓ રાખતા થયા છે. જેથી માત્ર ઉમરેઠના જ નહી પરંતું બહારગામના લોકો પણ ઉમરેઠ ખરીદી કરવા આવવા લાગ્યા છે. વળી, ઉમરેઠમાં મળતી સાડીઓ અન્ય જગ્યાએ મળતી સાડીઓ કરતા વિવિધતા થી ભરપૂર હોય છે અને ખાસ ભાવ પણ શહેરોની સરખામણીમાં અડધો હોય છે, જે સાડી અમદાવાદ કે વડોદરા જેવા શહેરના શો રૂમમાં પાંચ હજ્જારમાં મળે તે સાડી ઉમરેઠના બજારમાં બે-ત્રણ હજારમાં રમતા રમતા મળી જાય છે. કહેવાય છે, ઉમરેઠમાં સાડીઓની વધારે દૂકાનો હોવાને કારણે હરિફાઈથી ગ્રાહક વર્ગ ખરેખર બજારમાં નિકળે ત્યારે રાજા હોવાનો અહેસાસ કરે છે.

એક તરફ ઉમરેઠના મંદિરોમાં ધાર્મિક આયોજનથી શ્રાવણ માસનો રંગ જામ્યો છે, ત્યારે ઉમરેઠના સાડી બજાર, સહીત અન્ય વહેપાર ધંધામાં પણ સેલનો ટ્રેન્ડ જામ્યો છે. હવે ઉમરેઠ પોતાનું સિલ્ક સીટી તરીકે નામ ઉંચુને ઉંચુ લઈ જાય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ડ્રેસ મટીરીયલ્સની વધતી માંગ – રાજેશભાઈ

ઉમરેઠના સાડીના વહેપારી રાજેશભાઈએ જણાવ્યું હતુ કે, સમય બદલાતાની સાથે સાડીઓ સાથે ડ્રેસ મટીરીયલ્સની માંગ વધવા લાગી છે. યુવતીઓ સાથે મહિલાઓ પણ સાડીઓની સાથે ડ્રેસ મટીરીયલ્સ ખરીદી કરે છે.જેથી હવે અમારો ધંધો સાડી પુરતો સિમિત રહ્યો નથી. આવનારા સમયમાં ઉમરેઠ માત્ર સાડી જ નહી ડ્રેસ મટીરીયલ્સ ક્ષેત્રે પણ ઈજારો સ્થાપે તો નવાઈ નહી..!

અમે તો સાડીઓ ઉમરેઠથીજ ખરીદ કરીયે છે. – રીટાબેન, વડોદરા

અમે દર વર્ષે શ્રાવણ માસમાં ઉમરેઠથીજ સાડીઓની ખરીદી કરીયે છે તેમ કહેતા વડોદરાના રીટાબેને ઉમેર્યું હતુ કે વડોદરા જેવીજ સાડીઓની વેરાયટી ઉમરેઠથી લગભગ ૨૫ થી ૩૦ ટકા ઓછા ભાવે મળે છે. આ ઉપરાંત ઉમરેઠમાં સાડોની દૂકાનોમાં વિવિવધાથી ભરપૂર સાડીઓનો સ્ટોક હોય છે જેથી સાડી ખરીદવા તેમના માટે ઉમરેઠ શ્રેષ્ઠ સ્થળ છે.

ઉમરેઠના મગનલાલજી મંદિરમાં સુકામેવાના હિંળોડા


ઉમરેઠના મગનલાલજી મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન ભક્તોની ભીડ જોવા મળી રહી છે, ત્યારે મંદિર દ્વારા ઠાકોરજીને હિંળોડે ઝુલાવવામાં આવે છે. તાજેતરમાં મગનલાલજી મંદિરમાં સુકામેવાના હિંળોડાના દિવ્ય દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં હિંળોડા દર્શન


શ્રાવણ માસ એટલે ભગવાનની ભક્તિ કરવાનો માર્ગ, શ્રાવણ માસ નિમિત્તે ઉમરેઠના મંદિરોમામ વિવિધ ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે. ત્યારે વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીને વિવિધ કલાત્મક હિંળોડે ઝુલાવવામાં આવે છે. આ દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે.

ઉમરેઠ પાલિકાની સામાન્ય બેઠક મળી


ઉમરેઠ નગર પાલિકાની સામાન્ય બેઠક પાલિકા ખાતે મળી હતી. જેમાં નગરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવનાર વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પટેલે મકવાણા સમાજના થામણા રોડ ઉપર આવેલ સ્મશાનભૂમિની ફરતે કંપાઊન્ડવોલ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. વિપક્ષના નેતા સુભાષભાઈ શેલતે નગરમાં થતા વિવિધ કામો પારદર્શક વહીવટ સાથે તેમજ યોગ્ય રીતે ખર્ચ કરી થાય તેના ઉપર ભાર મુક્યો હતો અને વિકાસના કામ માટે એસ્ટીમેટ તેમજ પ્રાથમિક અભ્યાસ કરવા ઉપર ભાર મુક્યો હતો. બેઠક પૂર્વે નગરમાં ફરતી નનામી પત્રિકાને લઈ બેઠકમાં ઓહાપો થવાનો અંદેશો હતો પરંતું બેઠકમાં આ મુદ્દે કોઈ ચર્ચા ન થતા નનામી પત્રિકાઓ ફરતી કરનાર શક્શો ભોઠા પડ્યા હતા, છતા પણ પત્રિકાને લઈ નગરમાં હજૂ પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આવનારા સમયમાં પત્રિકાનું ભૂત ફરી ધૂને તેમાં કોઈ બે મત નથી. એકંદરે બેઠક શાંતિથી પૂર્ણ થતા સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

 

 

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના પ્રમુખની વરણી


ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના નવા વર્ષના પ્રમુખ પદે ગુરૂશરનભાઈ એન.શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગુરૂશરનભાઈ શાહ હાલમાં અમદાવાદ સમસ્ત ખડાયતા સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત છે. તેમજ તેઓ પોતાની સેવાઓ ખડાયતા સમાજની અન્ય સંસ્થાઓમાં પણ આપી રહ્યા છે. સમાજ સેવાના અભિગમ સાથે ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળ અમદાવાદમાં પણ તેઓ અનેક લોક ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. ત્યારે હાલમાં ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના પ્રમુખ પદ દરમ્યાન મૂળ વતન ઉમરેઠના લોકોની સેવા કરવા બનતા તમામ પ્રયત્નો કરવાની તેઓએ તૈયારી બતાવી છે. જ્ઞાતિના વિદાયમાન પ્રમુખ નવનીતલાલ કે.પરીખે તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી અને નવા પ્રમુખ પદે આવકાર આપ્યો હતો. તેઓએ જ્ઞાતિના કાર્યકરોને ગુરૂશરનભાઈ સાથે ખભેખભા મિલાવી જ્ઞાતિને અગ્રેસર રાખવા જણાવ્યું હતું.

 

 

 

આજે ઉમરેઠ નગરપાલિકાની સામાન્ય સભા – મહત્વના નિર્ણયો લેવાશે..!


નગરમાં ફરતી નનામી પત્રિકાનો મુદ્દો પણ ઉઠે તેવી આશંકા

ઉમરેઠ નગરપાલિકા સભાખંડમાં આજે તા.૨૭.૭.૨૦૧૨ના રોજ સાંજે ૪ કલાકે ઉમરેઠ નગરપાલિકાની સામાન્ય સભા મળશે. સામાન્ય સભાના એજન્ડામાં હરીજન વાસ પાસે કોમ્યુનિટી સેન્ટર ત્રિભોવન ફાઊન્ડેશન ને ચિકીત્સા કેન્દ્ર શરૂ કરવા સાથે જરૂર પડે રીપેરીંગ કામ સહીત થામણા રોડ ઉપર આવેલા મકવાણા સમાજના સ્મશાન ફરતે કંપાઊન્ડ વોલ બનાવવાના કામ અંગે નિર્ણયો લેવાની શક્યતાઓ છે, ઉપરોક્ત વિકાસ કાર્ય સિવાય પાલિકાના કર્મચારોને છઠ્ઠા પગાર પંચ આપવાની બાબત તેમજ ડ્રેનેજ અને વો.વર્કસ વિભાગના કેટલાક નિર્ણયો પણ આ બેઠકમાં લેવામાં આવશે.

વધુમાં ઉમરેઠ નગરપાલિકાની સામાન્ય સભાને લઈ નગરમાં ઉતેજ્જનાનું વાતાવરણ દેખાઈ રહ્યુ છે. છેલ્લા કેટલાય સમયથી સમયાંતરે ઉમરેઠ પાલિકા દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈ નનામી પત્રિકાઓ ફરતી થાય છે. આ નનામી પત્રિકાને લઈ નગરમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે, પરંતું પત્રિકામાં જણાવ્યા મુજબ જો ખરેખર પાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો જ હોય તો નનામી પત્રિકાઓ ફરતી કરનાર લોકો શા માટે કાયદેસરની કાર્યવહિ નથી કરતા..? આમ નામ વગર પત્રિકાઓ ફરતી કરી જનતાને જાગૃત કરવાના દેખાળા શા માટે થઈ રહ્યા છે…? શું ખરેખર આ પત્રિકાઓ ફરતી કરનારા તત્વો જનતાને જાગૃત કરી રહ્યા છે કે જનતાને ગુમરાહ કરી રહ્યા છે..? પાલિકા દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો પત્રિકાઓ ફરતી કરનાર કલેક્ટરશ્રી કે પાલિકા નિયામકને કેમ લેખિત અરજી નથી કરતા..? અને જો તેઓએ કલેક્ટર કે પાલિકા નિયામકને પણ લેખિત અરજી કરી હોય તો તે પત્રિકા સાથે કેમ બહાર નથી આવતી..? તે યક્ષ પ્રશ્ન સમગ્ર ઉમરેઠ પંથકમાં ચર્ચાઈ રહ્યો છે.

આજે મળનારી બેઠકમાં નગરના વિકાસ સાથે પાલિકા વિરૂધ્ધ ફરતી નનામી પત્રિકાનો મુદ્દો પણ ઉઠે તેવી લોક ચર્ચા થઈ રહી છે, ત્યારે વિપક્ષ આ મુદ્દે કેવું વલણ અપનાવે છે, તે તો આવનારો સમય જ બતાવશે. જો પાલિકા દ્વારા થતા ભ્રષ્ટાચાર આમ નનામી પત્રિકાઓથી બજારમાં ફરતા થશે તો સ્વભાવિક રીતે નગરમાં સત્તાધીશો સાથે વિપક્ષની શાખને પણ ધક્કો લાગશે કારણ કે, જો પાલિકામાં ખરેખર ભ્રષ્ટાચાર થતા જ હોય તો તેની યોગ્ય સ્તરે રજૂઆત થી માંડી ભ્રષ્ટાચાર બંધ કરાવવાની જવાબદારી તો વિપક્ષ નીજ કહેવાય..!

 

 

 

ઉમરેઠની મોબાઈલ શોપમાં દરોડા


  • સીમ કાર્ડ અને કોમ્યુટર જપ્ત કરાયા

ઉમરેઠમાં સાંજના સમયે અચાનક ડી સ્ટાફ દ્વારા મોબાઈલ શોપની તપાસ હાથ ધરવામાં આવતા દૂકાનધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ટપોટપ મોબાઈલ શોપના શટર ડાઊન થવા માડ્યા હતા. સમગ્ર રાજ્યમાં મોબાઈલ સીમ કાર્ડના ગોરખ ધંધાને નાથવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે ઉમરેઠમાં પણ મોબાઈલની દૂકાનોમાં સીમ કાર્ડ અને મોબાઈલ સહીત કોમ્યુટરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપ માંથી સીમકાર્ડ અને કોમ્યુટર તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવહી અંગે નગરની અન્ય દુકાનોમાં વાત પ્રસરી જતા દૂકાનોના શટર બંધ થઈ ગયા હતા.

ઉમરેઠના વહેપારીએ ગ્રાહકને રૂ.૨૦૦૦ ભરેલ પાકીટ પરત કર્યું..!


  • પ્રામાણિકતા મરી નથી પરવારી

આજે માત્ર સો બસ્સો રૂપિયા માટે ભાઈ-ભાઈ લડાઈ ઝગડા ઉપર ઉતરી આવે છે કેટલાક લોકો જુઠ્ઠુ બોલી કે કોઈને છેતરી પૈસા મેળવવા માટે નફટ્ટાઈની હદ પાર કરી નાખતા હોય છે ત્યારે આવા સમયે પ્રામાણિકતાની જ્યોતના દર્શન કરવા ખૂબજ મોટી વાત સાબિત થાય છે. ત્યારે ઉમરેઠના સુંદર બજારમાં આવીજ રીતે એક વહેપારીના દીલમાં પ્રામાણિકતાની જ્યોતના દર્શન એક ગ્રાહકે કર્યા હતા.

વધુમાં ઉમરેઠના સુંદલ બજાર વિસ્તારમાં આવેલ વિજય સ્ટોર્સ માંથી ખરીદી કરવા ગયેલ અહીમાના મહેન્દ્રસિંહ પોતાના કિંમતી દસ્તાવેજ સહીત બે હજ્જાર રોકડા ભરેલ પાકીટ દૂકાને જ ભુલી ગયા હતા. આ અજાણ્યા પાકીટને જોઈ દૂકાનના માલિક કીરીટભાઈ દોશીએ પાકીટ ખોલી તપાસ કરતા તેમાં કેટલાક દસ્તાવેજો, લાયસન્સ તેમજ બે હજાર રૂપિયા રોકડા હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ પાકીટમાં પાકીટના માલિકનો કોઈ કોન્ટેક્ટ નંબર ન હોવાને કારણે તે પાકીટ મૂળ માલિકને કેવી રીતે પરત કરવું તે વિચાર તેમને સતાવી રહ્યો હતો તેવામાં પાકીટમાં અનાજ કિરાણાનું બિલ નિકળતા તે અનાજ કીરાણાની દૂકાને તેમને ફોન કરી પાકીટના મૂળ માલિકને શોધી કાઢ્યો હતો અને તેઓને પૈસા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું પાકીટ પરત આપ્યું હતું. દૂકાનદારની પ્રામાણિકતાને જોઈ પાકીટના મૂળ માલિક ખુશ થઈ ગયા હતા અને કિરીટભાઈ દોશીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

ઉમરેઠમાં ભદ્રકાળી વાવની બિસ્માર હાલત – પુરાતત્વ ખાતું નિષ્ક્રીય..!


વાવનો યોગ્ય રખરખાવ થાય તો જોવાલાયક સ્થળ બની શકે છે.

ઉમરેઠ વડા બજારમાં આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસેની વાવનો કચરા પેટી તરીકે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. ઐતિહાસિક તળાવ અને વાવની દૂરગતી માટે પુરાતત્વ ખાતાની બેદરકારી જવાબદાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઉમરેઠના તળાવ અને વાવની યોગ્ય દરકાર રાખવા માટે પુરાતત્વ ખાતા દ્વારા પરિણામ લક્ષી પગલા લેવામાં આવે તે સમયની માંગ છે. નહીતો આવનારા સમયમાં વાવનું અસ્તીત્વ ખતરામાં મુકાશે. વાવની આસપાસ રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ વાવના રખરખાવ માટે ગ્રાન્ટો પણ ફાળવવામાં આવે છે. પરંતું તેનો કાગળ ઉપર ઉપયોગ થઈ જાય છે અને વાવના વિકાસ માટે લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા નથી.

વધુમાં ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં આવેલ ભદ્રકાળી માતાજીના મંદિરમાં ઐતિહાસીક વાવ આવેલ છે. કહેવાય છે, વર્ષો પહેલા વણઝારાઓએ આ વાવ બંધાવી હતી. ઉમરેઠ જ્યારે ભૂતકાળમાં પોતાના સુવર્ણ સમયમાં હતુ ત્યારે આ વાવની આસ પાસ નગરના વહેપારીઓ ધંધા વહેપાર કરતા હતા અને આ વાવનું ખૂબ મહત્વ હતું. હાલમાં પણ વાવનું પ્રાચીન બાંધકામ જે તે હાલતમાં દેખાઈ રહ્યું છું પુરાતત્વ ખાતા દ્રાવા આ વાવનો યોગ્ય રખરખાવ કરવામાં આવે તો આ વાવ જોવાલાયક સ્થળ તરીકે પણ વિકાસ થઈ શકે તેમ છે. હાલમાં આ વાવ પ્રત્યે પુરાતત્વ ખાતા દ્વારા કોઈ રસ દાખવવામાં આવતો નથી જેથી વાવની હાલત બિસ્માર થઈ ગઈ છે અને તેમાં ગંદુ પાણી અને કચરાનો ભરાવો થઈ ગયો છે. સ્થાનિક તંત્ર અને પુરાતત્વ ખાતુ સહિયારા પ્રયાસ કરી આ વાવની યોગ્ય સાફ સફાઈ કરી તેનો જીર્ણોધ્ધાર કરે તેવી ઉમરેઠના નાગરીકો લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે.

પહેલાના સમયમાં વાવનો ઉપયોગ દુકાળ જેવી પરિસ્થિતીમાં પાણી ભરવા માટે થતો હતો વાવની રચના તેવી કરવામાં આવેલ છે કે તેમાં પાણી યોગ્ય રીતે સંગ્રહ કરી શકાય છે. વાવના છેલ્લા કોઠા પછી પહેલા મજલા ઉપર પ્રાચીન કૂવો પણ આવેલ છે પરાંતુ હાલમાં આ કુવા ઉપર જંગલી વનસ્પતિનું વરચસ્વ આવી ગયું છે. વાવમાં સંગ્રહ કરેલ પાણી કુવા દ્વારા લોકો બહાર નિકાળતા હતા અને આ પાણી પહેલાના જમાનામાં ચોખ્ખુ આવતુ હોવાને કારણે આ પાણીનો લોકો પીવા માટે પણ ઉપયોગ કરતા હતા. જે તે સમયમાં વાવની જાળવણી અને રખરખાવને લઈને પણ જેતે સમયના રાજા રજવાડા ખુબજ ચીવટ રાખતા હતા અને આ વાવ લોકોની જીવાદોરી સમાન હતી.હાલમાં તો પીવાના પાણીનો સંગ્રહ કરવાની વાત તો દૂર પણ વાવને યોગ્ય રીતે સાફ સફાઈ કરી વાવની અંદર રહેલ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તે સમયની માંગ છે. લગભગ સાત મજલા ધરાવતી આ વાવમાં હાલમાં પાંચમાં મજલા સુધી પાણી દેખાય છે જેથી પુરાતત્વ ખાતુ તુરંત હરકતમાં આવે તો બે જ મજલા સાફ કરી વાવને સુંદર બનાવી સકાય છે અને આ કાર્ય માટે ખર્ચ પંણ ઓછો આવે તેમ છે.

વાવની અંદર દરેક મજલા ઉપર શીલાલેખ લખવામાં આવેલ છે, પરંતુ જે તે સમયની સાંકેતીક ભાષામાં લખવામાં આવેલ શીલાલેખ હાલમાં નિષ્ણાંતો સિવાય કોઈ વાંચી શકે તેમ નથી. હાલમાં વાવની અંદર પાંચમાં મજલા સુધી પાણી ભરેલ છે, આ પાણી ખુબજ ગંદુ હોવાને કારણે વાવની આજૂ બાજૂ વસતા લોકોના સ્વાસ્થય ઉપર ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે. વાવની અંદરનું પાણી બહાર કાઢી વાવને સાફ નહી કરવામાં આવે તેઓ આજૂબાજૂના રહીશો રોગચાળામાં સપડાય તેમા કોઈ બે મત નથી.

 

 

 

રોટરી ક્લબ ઓફ ઉમરેઠનો પદગ્રહણ સમારોહ યોજાયો.


ઉમરેઠની રોટરી ક્લબમાં નવા વર્ષમાં વરણી પામેલ પ્રમુખ સેજલભાઈ.બી.ચોકસી તેમજ મંત્રી દિપકભાઈ ચોકસી અને તેઓની ટીમનો પદગ્રહણ સમારોહ પી.ડી.જી રો.મયુરભાઈ વ્યાસના પુરોહિત પદે યોજાયો હતો. આ પ્રસંગે આશિર્વચનદાતા બ્ર.કુ.નીતાબેન, સમરોહના પ્રમુખપદે રશ્મિભાઈ શાહ (ચેરમેન, અર્બન બેન્ક) તેમજ અતિથિ વિશેષ પદે રો.નરેન્દ્રભાઈ જોશી(ચીફ ઓફિસર, આણંદ નગરપાલિકા) અને વિષ્ણુભાઈ પટેલ (પ્રમુખ ઉમરેઠ નગરપાલિકા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષના પ્રમુખ રો.પરાગભાઈ ચોકસી તેમજ મંત્રી વિનોદભાઈ પ્રજાપતિએ નવા પ્રમુખ તેમજ મંત્રીને શુભેચ્છા વ્યક્ત કરી આવનારા નવા વર્ષમાં નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ આગળ વધારવા ખાતરી આપી હતી.

ઉમરેઠ ઈનરવ્હીલ ક્લબનો પદગ્રહન સમારોહ પણ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે નવા વરણી પામેલ પ્રમુખ અને મંત્રીને બીનાબેન વ્યાસે સપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સમયે ખાસ ઉપસ્થિત સંધ્યાબેન વર્માએ કલબને આગળ વધારવા જરૂરિ સલાહ સુચનો કર્યા હતા. પદગ્રહણ સમારોહમાં કમલભાઈ વ્યાસ (પેઈન્ટર), જગદીશભાઈ અગ્રવાલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન કરતા નીતાબેન વ્યાસે સૌ આમંત્રિત મહેમાનોને આવકર આપ્યો હતો. આ સમયે બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ઉમરેટની જનરલ હોસ્પિટલમાં જનરલ વોર્ડના દર્દીઓને બિસ્કીટ તેમજ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યોતિબેન અગ્રવાલે ગત વર્ષની ક્લબની સેવાકિય પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો.

 

 

 

ઉમરેઠના જાગનાથ મહાદેવમાં ભક્તોનો ઘસારો


ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ જાગનાથ મહાદેવમાં શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. અતીપ્રાચીન તેવા જાગનાથ મહાદેવનો જીર્ણોધ્ધાર પણ આવનારા સમયમાં લોકભાગીદારીથી કરવામાં આવનાર છે. ખડાયતા જ્ઞાતિના અગ્રણી જયંતિલાલ કાચવાળએ આ કાર્ય માટે નોંધપાત્ર ફાળો આપેલ છે. વધુમાં શ્રાવણ માસ નિમિત્તે જાગનાથ મહાદેવના પુજારી દ્વારા શિવલીંગને વિવિધ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લીધો હતો અને ધન્યતાનો અહેસાસ કર્યો હતો. (ફોટો – રીતેશ ક.પટેલ)

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો.


દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા આયોજીત રશ્મિભાઈ શાહના સન્માન સમારોહ દિપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોએ ખુલ્લો મુક્યો હતો.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના અગ્રણી રશ્મિભા શાહ(વકીલ)ની ઉમરેઠની પ્રતિષ્ઠીત કહેવાતી ધી ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન પદે નિયુક્તી થતા જ્ઞાતિજનો દ્વારા તેમનો અભિવાદન સમારોહ ખડાયતા જ્ઞાતિ રત્ન જયંતિલાલ કાચવાળા(અમદાવાદ)ની અદ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે નવનીતલાલ.કે.પરીખ(મુંબઈ) તેમજ મુખ્ય મહેમાન પદે ગૂરૂશરણભાઈ એન.શાહ(અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કરી સમારોહની શરૂઆત કરી હતી. મહેમાનોનોનું ફુલહારથી સ્વાગત ઉપસ્થિત જ્ઞાતિના અગ્રણી કાર્યકરો દ્વારા કરી તેઓનો ટુંકો પરિચય આપવામાં આવ્યો હતો. આ સમયે પ્રાસંગિક પ્રવચન કરતા સમારોહના અદ્યક્ષ જયંતિલાલ કાચવાળાએ જણાવ્યું હતું કે, રશ્મિભાઈ શાહ આજે ઉમરેઠની વિવિધ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે ત્યારે હવે તેઓએ પોતાની સેવાકિય પ્રવૃત્તિઓ આગળ વધાવી ઉમરેઠનો ઉંબરો ઓળંગવાની ખાસ્સી જરૂર છે જેથી તેઓની આવડત અને કૂનેહનો લાભ માત્ર ઉમરેઠની સંસ્થાઓ જ નહી સમાજની અન્ય સંસ્થાઓને પણ પ્રાપ્ત થાય.

દશા ખડાયતા જ્ઞાતિના માજી પ્રમુખ નવનીતલાલ.કે.પરીખે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન પદ જવાબદારીનું પદ કહેવાય, હાલમાં તો ઉમરેઠ અર્બન બેંક સમગ્ર ઉમરેઠ અને ડાકોર પંથકમાં લોકોનો વિશ્વાસ જીતવા સફળ રહી છે અને આવનારા દિવસોમાં ગ્રાહકો અને થાપણદારોનો વિશ્વાસ આવીજ રીતે ટકી રહે તે માટે સમયને અનુરૂપ ઓનલાઈન બેંકિંગ અને એ.ટી.એમ જેવી સુવિધાઓ બેંકે ગ્રાહકોને આપવી જોઈયે આ દિશામાં નવા ચેરમેન પ્રયત્નો કરે તેવી નગરજનો અપેક્ષા રાખે છે.

દશા ખડાયતા જ્ઞાતિના પ્રમુખ ગુરૂશરનભાઈ એન.શાહએ જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં સહકારી માળખુ જમીન દોસ્ત થઈ ગયું હતુ અને અમદાવા,વડોદરા સહીત ગુજરાતના મોટા મોટા શહેરોમાં બેંકો નબળી થઈ ગઈ હતી તેવા કપરા સમયે પણ ઉમરેઠની અર્બન બેંક અડીખમ ઉભી રહી હતી અને ગ્રાહકલક્ષી સેવા કાયમ રાખી હતી ત્યારે આવી પ્રતિષ્ઠીત બેંકના ચેરમેન પદે આપણી જ્ઞાતિના રશ્મિભાઈ શાહ બિરાજમાન થાય તે આપણા માટે ગૌરવની બાબત છે. ઉમરેઠ દશા ખડાયતાની વાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ શેઠે રશ્મિભાઈ શાહની પ્રશંશા કરતા જણાવ્યું હતું કે, તેઓ બેંકના ચેરમેન પદે આરૂઢ થતા પહેલા બેંકના ચેરમેન અને મે.ડીરેક્ટર પદે પણ પોતાની સેવા આપી છે. તેમજ બાર એશોશિયનમાં પણ તેઓ દશ વાર પ્રમુખ પદે રહ્યા છે ત્યારે આવી બહૂમૂખી પ્રતિભા ધરાવતા રશ્મિભાઈ આપણી જ્ઞાતિના ગૌરવ સમાન છે તેમા કોઈ બે મત નથી.

સમારોહની સફળતા અંગે કેટલાક વિદેશના જ્ઞાતિજનોએ મોકલેલ શુભેચ્છા તેમજ સંદેશાનું વાચન ભાવેશભાઈ શાહએ તેમજ રશ્મિભાઈ શાહને અર્પણ કરવામાં આવેલ અભિવાદન પત્રનું વાંચન મુકેશભાઈ દોશીએ કર્યું હતું. ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા અને નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ પણ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યા હતા તેઓએ રશ્મિભાઈ માત્ર દશા ખડાયતા જ્ઞાતિનું જ નહી પણ સમગ્ર ઉમરેઠનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું. ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે રશ્મિભાઈ શાહને સન્માન પત્ર અર્પણ કરી તેઓનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.

પોતાના સન્માનના પ્રયુત્તરમાં રશ્મિભાઈ શાહએ જણાવ્યું હતુ કે, તમામ વક્તાઓએ તેમની તો પ્રશંશા કરી સાથે સાથે તેઓની બેન્કની પણ પ્રશંશા કરી તે તેઓ માટે ખુજબ ગૌરવની વાત છે. તેઓએ જણાવ્યું હતુ કે, બેંકની હાલમાં જે પણ શાખ છે તે ગ્રાહકલક્ષી અભિગમ અને અમારી બેંકના સ્ટાફ અને અધિકારીઓની સુંદર કામગીરીને કારણે છે. આવનારા દિવસોમાં ઉમરેઠ અર્બન બેંક ઓનલાઈન બેંકિંગ જેવી સુવિધા શરૂ કરવા માટે અથાગ પ્રયત્ન કરશે તેની તેઓએ ખાતરી આપી હતી અને સમગ્ર જ્ઞાતિજન તેમજ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહનોનું સફળ સંચાલન ભાવેશભાઈ શાહ, ધ્રુવેનભાઈ શાહએ કર્યું હતું તેમજ પોતાની અદામાં પપ્પુભાઈ ચોકસીએ આભારવિધિ કરી હતી.

 

 

 

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર મારૂતિ કારમાં આગ – મુસાફરોનો આબાદ બચાવ


ઉમરેટ ડાકોર માર્ગ ઉપર આવેલ આદર્શ હોટલ ખાતે ઉમરેઠના દશા ખડાયતા સમાજની કારોબારીની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જ્યારે કારોબારી સભ્યો મારૂતિ કારમાં ઉમરેઠ પરત ફરતા હતા ત્યારે અચાનક શોર્ટ સર્કીટ થતા કારમાં આગ લાગી હતી. જેની જાણ કારના માલિક મિતેષભાઈ શાહ (આગરવાળા)(રહે, ત્રણપોળ ઉમરેઠ) તુરંત તેઓ કાર બહાર નિકળી ગયા હતા અને અન્ય મુસાફરોને પણ કાર બહાર ઉતારી દીધા હતા કારમાં લાગેલ આગ ઓલવવા માટે પાણીમારો કર્યો હતો તેમજ ફાયર સેફ્ટીના સિલેન્ડરથી પણ આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતું ગેસકીટ વાળી કાર હોવાને કારણે આગ બેકાબુ થઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડ, ડાકોરની ગાડી આવે તે પહેલાજ કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. સારા નસિબે આગમાં કોઈને હાની ન પહોંચતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.

 

 

 

ઉમરેઠ પાસે હમિદપુરામાં દારૂના અડ્ડા ઉપર જનતાએ રેડ કરી..!


  • પોલીસ સામે જ બુટલેગરની બડાશ થાય તે કરી લો, દારૂનો ધંધો બંધ નહી થાય

ઉમરેઠ પાસેના હમિદપુરામાં છેલ્લા કેટલાય સમયથી પાનના ગલ્લાની જેમ દેશી દારૂની હાટડીઓ ખુલી ગઈ હતી. આ અંગે હમિદપુરાના સરપંચ સહીત જાગૃતજનો દ્વારા યોગ્ય સ્તરે રજૂઆતો કરી હોવા છતા દેશી દારૂના સોદાગરો ઉપર કોઈ કર્યવાહી ન થતા આખરે જનતા જનાર્દન હરકતમાં આવી દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી. જનતાનો આક્રમક અભિગમ જોઈ દારૂના અડ્ડાના સંચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા, આ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા તુરંત હમિદપુરા ગામ ખાતે પોલીસે ધામા નાખ્યા હતા પણ તેની કોઈ અસર દારૂના બુટલેગરો ઉપર થઈ ન હતી. ઉલટું પોલીસ ની હાજરીમાં કેટલાક માથાભારે બુટલેગરે સરપંચ સહીત જાગૃતજનોને જોઈ લેવાની ધમકી આપી હતી. બુટલેગરના દબંગ અભિગમ સામે ઉમરેઠ પોલીસ લાચાર બની ગઈ હતી અને હાંફતી કાપતી પરત ઉમરેઠ આવી ગઈ હતી. જેથી હવે હમિદપુરાના સ્થાનિકો બુટલેગરના રોફ સામે લાચાર થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ હમિદપુરામાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના વેપલા સામે સ્થાનિકોએ બાંયો ચઢાવી આક્રમક અભિગમ દાખવ્યો છે. જેના ભાગરૂપે ઉમરેઠ મામલતદાર સહીત યોગ્ય સ્તર ઉપર હમિદપુરાના ગ્રામ્યજનોએ રજૂઆતો પણ કરી હોવા છતા કોઈ નક્કર પરિનામ ન આવતા આખરે હમિદપુરાના સરપંચ સહીત જાગૃત યુવાનો દ્વારા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દારૂના સોદાગરોને આ ધંધા બંધ કરવા વિનંતી કરી હતી જ્યારે કેટલાક દેશી દારૂના અડ્ડા ઉપર તૈયાર થયેલ દેશી દારૂના પૈસા ચુકવી તે દારૂનો ના પણ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. કેટલાક દારૂના બુટલેગરોએ પોતે ધંધો બંધ કરી દીધો હોવાની તેમજ ભવિષ્યમાં પણ આ ધંધો શરૂ નહી કરવાની ખાતરી પણ આપી હતી. “દારૂ પીવો નહી, દારૂ વેચવો નહી”ના સુત્ર સાથે હમિદપુરાના સરપંચે ગામના ગરીબોના ઘરે દારૂના કારણે બરબાદ ન થાય તે હેતુંથી આ અભિયાન શરૂ કરેલ છે, પરંતુ ઉમરેઠ પોલીસ દ્વારા યોગ્ય સહકાર ન મળતો હોવાની હમિદપુરના ગ્રામ્ય જનો ચર્ચા કરી રહ્યા છે. દારૂના સોદાગરો સાથે ઉમરેઠ પોલીસ ભાઈચારાની નિતિ રાખતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

તાજેતરમાં હમિદપુરાની જનતા દ્વારા દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવતા કેટલાક દબંગ બુટલેગરો સામા થઈ ગયા હતા. જ્યારે હમિદપુરાના રહીશો દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ થતી હોવાની જાણ થયા ઉમરેઠ પોલીસ તાબળતોબ હમિદપુરા ખાતે આવી પહોંચી હતી. ચર્ચાઈ રહ્યું છે કે, એક બુટલેગરે જનતા રેડનો પ્રતિકાર કરી હમિદપુરાના રહીશોને પોલીસની હાજરી માંજ રીતસર ખખડાવી નાખ્યા હતા અને જોઈ લેવાની ધમકી સાથે દેશી દારૂનો ધંધો તો ચાલુ જ રહેશે તેવા વાક્યો ઉચ્ચાર્યા હતા. પોલીસની હાજરી માંજ બુટલેગરો છાગટા બને તો તેઓની ગેરહાજરીમાં હમિદપુરામાં શું પરિસ્થિતી થતી હશે તે કલ્પના બહારની વાત છે.

દારૂડીયાનો ત્રાસ – હમિદપુરામાં સાંજ પડતાની સાથે દેશી દારૂ ઢીંચી ટલ્લી થઈ જતા દારૂડીયાઓને કારણે મહિલાઓને ખાસ્સી પરેશાનીનો સામનો કરવો પડે છે. સાંજના સમયે ઘરની બહાર નિકળતા પણ મહિલાઓએ બે વાર વિચાર કરવો પડે છે. કેટલીકવાર તો દારૂદીયાઓ રસ્તા વચ્ચે અર્ધનગ્ન હાલતમાં પણ પડી રહે છે. આવા સમયે મહિલાઓને નીચું જોવાનો વારો આવે છે.

દેશી દારૂ અને પાણીનો ભેદ પોલીસને ખબર નથી..?

હમિદપુરાના સરપંચ અને જાગૃતજનો દ્વારા દેશીદારૂના અડ્ડા ઉપરથી બરણીમાં દેશી દારૂ બરામત કર્યો હતો અને આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરી હતી પરંતુ ઉમરેઠ પોલીસ ન આવતા આ દેશી દારૂ જનતાએ સાચવી રાખ્યો હતો આખરે જનતા રેડ દરમ્યાન પોલીસના દિલમાં ભગવાન આવતા તે હમિદપુરા આવ્યા હતા આ સમયે દારૂ ભરેલી બરણી પોલીસને સોપવામાં આવતા પોલીસે બરણીમાં પાણી હોવાનું જણાવ્યું હતું, ત્યારે ગ્રામ્યજનો ચર્ચા કરતા હતા કે દેશી દારૂ અને પાણીનો ભેદ પણ પોલીસની ખબર નથી પડતી..!

સિનિયર સિટીઝન ફોરમ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો.


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન તેમજ બાર એશોસિયેશનમાં પ્રમુખ પદે વરણી થતા રશ્મિભાઈ શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ચંન્દ્રકાન્તભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ સુરેશભાઈ શાહએ સ્વાગર પ્રવચન કરતા રશ્મિભાઈ શાહને ફોરમ વતી અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના અભિવાદન કરવા બદલ રશ્મિભાઈ શાહએ સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠનો આભાર વ્યક્ત કરી બેંકને લગતા કામકાજમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. સમારોહને સફળ બનાવવા માટે ગોપાલભાઈ શાહ, રામભાઈ પ્રજાપતિએ ભારે જહેમત ઉઠાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ચંન્દ્રકાન્તભાઈ શાહએ પોતાની અદામાં હશી-ખુશીનો ખેલ રજૂ કર્યો હતો જેનો ઉપસ્થિત મહેમાનો સહીત સિનિયર સિટીઝન ફોરમના સભ્યોએ આનંદ લીધો હતો.

 

 

 

ઉમરેઠમાં ચલણી સિક્કાનું વિતરણ કરાયું.


ઉમરેઠ સહીત સમગ્ર ચરોતરના બજારમાં પ્રવર્તમાન ચલણી સિક્કાની તંગીને કારણે વહેપારી વર્ગ અને ગ્રાહક વર્ગ ખાસ્સો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી સિનિયર સિટીઝન હોલ ખાતે ચલણી સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે યોજાયેલ સમારોહમાં હરીશભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારી વી.બી.પરમાર ચતુરભાઈ પ્રજાપતિ, શુશીલકુમાર અને મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને રૂ.૧ના ચલણી સિક્કાનું વિતરણ કર્યું હતું. એસ.બી.આઈ ઉમરેઠ દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે ચલણી સિક્કાનું વિતરણ કરાતા પ્રમુખ સુરેશભાઈ શાહ અને મંત્રી ગોપાલભાઈ શાહએ એસ.બી.આઈના મેનેજર સહીત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓને મોમેન્ટો અને યુષ્પગુચ્છ આપી સન્માનીત કર્યા હતા.ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમની વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ મુખ્ય મહેમાન હરીશભાઈ પટેલે સિનિયર સિટીઝન ફોરમમાં રૂ.પાંચ હજારનું દાન કર્યું હતું. અંતે સહમંત્રી રામભાઈ પ્રજાપતિએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

ઉમરેઠમાં ૩.૧ લાખની ચીલ ઝડપ..!


  • કાર ઉપર કલર ચોટ્યો છે, તેમ કહી ગઠીયાએ નજર ચુકવી

ઉમરેઠમાં આજે બપોરે ૩.૧૫ લાખ ભરેલ પાકીટ લઈને જતા યુવાનની નજર ચુકવી ગઠીયાઓ પાકીટની ચીલ ઝડપ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. ભર બપોરે કાછીયાવાડ વિસ્તારમાં બનેલા આ બનાવને પગલે સમગ્ર વહેપારી આલમમાં ચિંન્તાનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ આ સમગ્ર ઘટનાને લઈ ઉમરેઠ પોલીસની ભૂમિકાને લઈને પણ ચર્ચએ જોર પકડ્યું છે. કહેવાય છે કે, બપોરે બનેલી ઘટનાની તપાસને બદલે ખૂદ ચીલ ઝડપનો ભોગ બનેલા યુવાનની જ પોલીસ ઉલટ તપાસ અને નિવેદન લેવાની કાર્યવાહિ કરી રહી છે. જ્યારે ફરાર ગઠીયાઓને પકડવા માટે નામમાત્ર પ્રયાસ પોલીસ દ્વારા કરવા આવ્યા હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. કેટલીય માથાપચ્ચી બાદ છેક સાંજે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

વધુમાં ઉમરેઠની બેન્ક ઓફ બરોડા માંથી યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ પટેલ રૂ.૩.૧૫ લાખ રોકડા ઉપાડી કાછીયાવાડમાં પાર્ક કરેલી પોતાની કાર તરફ ગયા હતા. જ્યારે પૈસા ભરેલ પાકીટને કારમાં મુકી જેવી કાર ચાલુ કરવાની તૈયારી કરી તેવામાં બાઈક ઉપર આવેલ ગઠિયાઓએ તેમની કાર પાછળ કલર ચોટ્યો છે તેમ જણાવ્યું હતું, તુરંત કાર માંથી બહાર આવી દિવ્યેશભાઈ પટેલે પોતાની કાર પાછળ શું ચોટ્યું છે તે જોવાનો પ્રયાસ કરતા ગઠીયાઓ વીજવેગે ગાડી માંથી પૈસા ભરેલ પાકીટ લઈ ધૂમ સ્ટાઈલથી ભાગી ગયા હતા.

આ અંગે દિવ્યેશભાઈ પટેલે ઉમરેઠ પોલીસને ફરિયાદ કરતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રશન કરાયું હતું. આ ઉપરાંત દિવ્યેશભાઈ પટેલ અને અન્યોના નિવેદન લેવાની કાર્યવાહિ કરવામાં આવી હતી. તેમજ ફરાર ગઠીયાઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

ટુંકુને ટચ..


ઉમરેઠ ચોકસી મહાજનનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

ઉમરેઠ ચોકસી મહાજનનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. ચોકસી મહાજનના તેજસ્વી તારલાઓને આ પ્રસંગે ઈનામો એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચોકસી મહાજનના પ્રમુખ અલ્પેશભાઈ ચોકસી અને ઉપ-પ્રમુખ રાકેશભાઈ ચોકસીએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આવનારા સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઈનામોથી બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ બાળકોએ મહાજનની આવી પ્રવૃત્તિની પ્રશંશા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે આવનારી નવી ટર્મ દરમ્યાન ચોકસી મહાજનના પ્રમુખ પદે જયંતભાઈ ઓ.શાહની વરણી કરવામાં આવી હતી. તેઓને ચોકસી મહાજનના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા સન્માન સમારોહ યોજાશે.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના અગ્રણી રશ્મિભાઈ શાહ(વકીલ)ની ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના ચેરમેન અને બાર એશોસિયેશનના પ્રમુખ પદે વરણી થતા તેઓનો સન્માન સમારોહ તા.૨૨.૭.૨૦૧૨ને રવીવારના રોજ યોજાશે. સમારોહમાં અદ્યક્ષ પદે જયંતિલાલ કાચવાળા (અમદાવાદ), અતિથિ વિશેષ પદે નવનીતલાલ.કે.પરીખ(મુંબઈ) તેમજ મુખ્ય મહેમાન પદે ગૂરૂશરન એન.શાહ(અમદાવાદ) ઉપસ્થિત રહેશે.

%d bloggers like this: