આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: godhara dhamal umreth ramkhan 2002

ઉમરેઠમાં કોમી રમખાણોને ૧૧ વર્ષ પૂર્ણ.


  •  ઓડ બજાર, પિપળીયા ભાગોળ, કસ્બા, રાવળીયા ચકલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંગ ચાપી મિલકતોને નુકશાન કર્યું હતું.

ફેબ્રુઆરી-૨૦૦૨ ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચમાં થયેલ અગ્નિકાંડના પગલે ગુજરાતમાં પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા હતા.ગુજરાતના કેટલાય શહેરો અને નાના ગામોમાં પણ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.એક તરફ ગુજરાતના કેટલાક ગામો ભળકે બળતા હતા ત્યારે આવા સમયે ચરોતરના ઉંબરા તરીકે ખ્યાતમાન ઉમરેઠ નગરમાં અંજાપા ભરી શાંતિનો માહોલ દેખાતો હતો.એક્કલ દોક્કલ છમકલાને બાદ કરતા સમગ્ર ઉમરેઠ નગરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ અકબંધ હતો. પરંતુ આ અરસામાં કેટલાક અસામાજિક તત્વોએ સુંદલબજારમાં આવેલ લઘુમતિકોમના એક વ્યક્તિનો ટાઈપ ક્લાસ તેમજ ઓડબજાર વિસ્તારમાં આવેલ એક બેકરીને નુકશાન પહોંચાડતા વાતાવરન તંગ થયું હતું. બીજૂ બાજૂ કસ્બા તેમજ પીપળીયા વિસ્તારમાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આજ અરસામાં છમકલા કરી વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૮મી ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનો છુટાછવાયા છમકલા અને અફવાઓ વચ્ચે શાંતિ પૂર્ણ પસાર થઈ ગયો હતો. પરંતુ એપ્રિલ માસમાં ઉમરેઠ નગરના સજ્જનોની ધીરજ જવાબ આપી ગઈ અને ૨જી એપ્રિલના રોજ ઉમરેઠમાં કોમી તોફાનો થયા જેના પગલે નગરમાં લગભગ ૧૨ થી પણ વધુ દિવસ કર્ફ્યું નાખવામાં આવ્યો.અંજાપા ભરી શાંતિ વચ્ચે ઉમરેઠમાં ૨જી એપ્રિલના રોજ સવારે ૯ કલાકની આસપાસ બજારો નિયમિત ખુલવા લાગ્યા. આ દરમ્યાન છેલ્લા કેટલાય સમયથી તંગ વાતાવરણને ધ્યાનમાં રાખી નગરજનો સંયમ રાખી પોતાના રોજબરોજના કામ પતાવતા હતા. લગભગ ૧૦.૩૦ કલાકની આસ-પાસ નગરમાં વાતાવરણ તંગ બન્યું વાંટા, કસ્બા અને પીપળીયા ભાગોળમાં બે જૂથો વચ્ચે તકરારની અફવાથી સમગ્ર ઉમરેઠનું વાતાવરણ તંગ થયું, નગરના વિવિધ બજારો ટપોટપ બંધ થયા અને નગરમાં તોફાનો ફાટી નિકળ્યા હતા. પંચવટી વિસ્તારમાં ૧૧ કલાકની આસ પાસ ટોળા એકઠા થવા લાગ્યા જેના પગલે પોલીસને હવામાં ફાયરીંગ કરવાનો હૂકમ મળ્યો પંચવટી વિસ્તારમાં ટોળું હતું ત્યારેજ એક પોલીસ કર્મીએ પોતાની બંદૂક દ્વારા હવામાં ગોળીબાર પણ કર્યો. ગાંધીશેરી વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયું, હાથમાં જે આવે તે એક-બીજા ઉપર ફેંકવાનો દોર શરૂ થઈ ગયો હતો. ગાંધીશેરીમાં ભારે પથ્થરમારાની વાત વાયુવેગે બજારમાં ફેલાઈ ગઈને નગરના રહ્યા સહ્યા બજારો પણ ટપો ટપ બંધ થવા લાગ્યા. ગાંધીશેરીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દૂકાનો સળગાવવાના પ્રયાસની અફવાના પગલે બીજી બાજૂ સવારે ૧૧.૧૫ કલાકની આસપાસ નગરના ઓડ બજાર વિસ્તારમાં અન્ય અસામાજિક તત્વો દ્વારા ઉત્તપાત મચાવવાનું શરૂ કર્યું. પોલીસ નિસહાય દેખાતી હતી અથવા નગરમાં ફાટી નિકળેલા તોફાનોને પહોંચી વળવા પોલીસ અક્ષસમ અને અપુરતી હતી.એક તરફ ગાંધીશેરીમાં તોફાની ટોળુંવેર વિખેર થઈ ગયું હતું અને ગાંધીશેરીમાં કોઈ પણ દુકાનને દુરગતિનો સામનો ન કરવો પડ્યો હતો, આ સમયે ગાંધીશેરીમાં ભયંકર પત્થરમારો થયો હતો. પરંતું હકિકતથી અજાણ ઓડ બજારના તોફાની ટોળા દ્વારા લગભગ ૧૧.૩૦ કલાકની આસ પાસ ઓડ બજારમાં આવેલ દૂકાનોને આગ લગાડી દેવામાં આવી હતી. નગરમાં વાતાવરન તંગ પરિસ્થિતીની ચરમસીમા વટાવી ગયું હતું. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા ઉમરેઠમાં કર્ફ્યું નાખી દીધો હતો. બપોરના ૧૨.૦૦ કલાકની આસ પાસ સમગ્ર ઉમરેઠ સુમસામ થઈ ગયુ હતું અને ઓડ બજારમાં દૂકાનો ભળકે બળતી હતી. ઓડ બજારમાં દૂકાનોમાં લાગેલી આગનો ગરમાવો છેક નાથાભટ્ટની પોળ સુધી મહેસુસ થતો હતો જેથી આગ કેટલી ભયંકર હશે તે વિચાર માત્ર કંપારી છુટાળી દેતો હતો.  ઉમરેઠમાં થયેલ કોમી તોફાનોમાં ઓડબજાર અગ્નિકાંડ સૌથી ભયાનક પુરવાર થયો આ વિસ્તારમાં લગભગ દશ થી બાર જેટલી દૂકાનો બળીને રાખ થઈ ગઈ હતી. સાથે સાથે ઓડ બજારની આ દૂકાનો પાસે આવેલ એક ખડકીમાં કેટલાક મકાનો પણ પ્રભાવિત થયા હતા. આગ લગાળનાર તોફાની તત્વોને પણ નહી ખબર હોય કે આગ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેશે, જે દૂકાનોમાં આગ લગાડવામાં આવી તે દૂકાનોમાં કેરોસીન અને દારૂખાનું હોવાને કારણે આગનું સ્વરૂપ ભયાનક થયું હતું. બપોરના ૨.૩૦ કલાકની આસપાસ ઓડ બજારની તમામ લગભગ ૧૨ જેટલી દૂકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. ફાયર સર્વીસ શોભાના ગાઠિયા સમાન સાબિત થઈ રહી હતી. આ સમયે નગરમાં સંપૂર્ણ કર્ફ્યુંની સ્થિતી હતી. તમામ પોળ અને ફળિયામાં લોકો એકઠા થઈ ગયા હતા અને હવે શું થશે..? તે સવાલ લોકો એક બીજાને કર્યા કરતા હતા..! ઉમરેઠમાં કાબુ બહાર ગયેલી પરિસ્થીતી ઉપર કાબુ મેળવવા માટે હવે, પોલીસ તંત્ર વામણું પૂરવાર થતું હતું. એપ્રિલ-૨૦૦૨ના રોજ થયેલ તોફાનના પગલે સમગ્ર ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં છમકલાનો દોર શરૂ ચાલતો હતો, ક્યાંક પત્થરમારો તો ક્યાંક દૂકાન -મકાનોને બાળવાની સતત ઘટનાને લઈ ઉમરેઠમાં આખરે બી.એસ.એફ અને એસ.આર.પીના જવાનોએ મોરચો શંભાળી લીધો હતો. બી.એસ.એફ દ્વારા ફ્લેગ માર્ગ થયું તેમજ ઉમરેઠ પોલીસ અને બી.એસ.એફના જવાનો દ્વારા શંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

..અને વહેપાર ધંધા સાવલી-પણસોરા તરફ સરક્યા..!

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઉમરેઠમાં થયેલા કોમી રમખાનોબાદ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા લગભગ ૧૦ થી ૧૨ દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો ત્યારે બાદ તબક્કાવાર દિવસમાં બે-ત્રણ કલાક માતે કર્ફ્યુમાં છુટ આપવામાં આવી પરંતુ નગરના કેટલાક વહેપારીઓના મત મુજબ કરફ્યુની પરિસ્થિતી દશ દિવસ સુધી રહેતા ઉમરેઠના વહેપાર ધંધાને મોટું નુકશાન થયું છે જે આજ દીન સુધી ચાલુ છે. દશ દિવસના કર્ફ્યુને કારણે ઉમરેઠની આસ પાસના લગભગ ૪૨ ગામડાના ગ્રાહકોએ પોતાની રોજબરોજની વસ્તુઓની ખરીદી કરવા સાવલી અને પણસોરાનો રુખ કર્યો. આજે પણસોરા ચોકડી ઉપર બજાર ધમધમતું થયું છે અને ઉમરેઠના બજારને દેખીતી રીતે ખુચે તે વ્યાજબી છે. આજે દશ વર્ષ બાદ ઉમરૅઠના ઓડ બજારમાં દૂકાનો ફરી નવી બની ગઈ છે. કોમી રમખાણમાં ભોગ બનનાર તમામને સરકાર દ્વારા ૮ વર્ષ પછી રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ કોમી રમખાણ બાદ સાવલી અને પણસોરા તરફ વળેલા ગ્રાહકોની આજે પણ ઉમરેઠના વહેપારીઓ રાહ જોઈ રહ્યા છે.

હિંદું મુસ્લિમ એકતા આજે પણ કાયમ..!

૨૦૦૨ના કોમી રમખાણોના દશ-બાર દિવસોને બાદ કરતા, આજે પણ હિંદું મુસ્લિમ એકતાના કેટલાય દાખલા જોવા મળે છે. તેવા કેટલાય મુસ્લિમ પરિવારો છે કે જેઓ હિંદું વહેપારીઓ દ્વારા મળતી રોજગારી ઉપર નિર્ભર કરે છે, બીજી બાજી આજે કેટલાક હિંદું પરિવારો તેવા પણ છે કે જેઓ મુસ્લિમ વહેપારીનોના ધંધા રોજગાર ઉપર નિર્ભર છે. કહેનારા તો તેમ પણ કહે છે કે કોમી તોફાન દરમ્યાન પણ કેટલાક મુસ્લીમોએ હિંદુ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતુ અને કેટલાક હિદું વહેપારીઓએ પોતાના ધંધા રોજગાર ઉપર નિરભર મુસ્લિમ બંધુંઓને આર્થિક મદદ કરી હતી. આજે પણ ગણેશ મહોત્સવ કે ઈદ દરમ્યાન હિંદું – મુસ્લિમ એકતાના દાખલા બરકરાર છે. કેટલાય મુસ્લિમો જયશ્રી કૃષ્ણ કહેતા ખચકાતા નથી તો કેટલાક હિંદુઓ સવારે પોતાના મુસ્લીમ મિત્રને સલામ માલેકૂમ કહેતા કચવાટ નથી અનુભવતા, કદાચ આજ ભાવનાને કારણે આજે ઉમરેઠ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.

ચમત્કાર ને નમસ્કાર..!

કોમી રમખાણમાં ઉમરેઠના ઓડ બજારની લગભગ ૧૦ થી ૧૨ દૂકાનો બળીને રાખ થઈ ગઈ હતી ત્યારે માત્ર ચબુતરી નીચે માતાજીનું ડેલું જે તે હાલતમાં અડીખમ રહ્યું હતુ. બધી દૂકાનો બળીને રાખ થઈ પણ માતાજીના ડેલાને કાઈ પણ ન થતા લોકો આ ચમત્કારને નમસ્કાર કરતા થઈ ગયા હતા. જ્યારે હાલમાં આ ચબુતરીનું કેટલાક પક્ષી પ્રેમિઓ દ્વારા નવ નિર્માણ કરવામાં આવ્યું છે અને પહેલાની જેમ સવારે પારેવા દાણા ચણવા આ ચબુતરી ઉપર નિયમિત આવી જાણે શાંતિનો સંદેશો ફેલાવતા હોય તેમ લાગે છે…!

%d bloggers like this: